Opinion Magazine
Number of visits: 9686448
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રૂમ વિથ અ વ્યૂ 

પન્ના નાયક|Opinion - Short Stories|16 July 2018

એક દૃશ્ય કલ્પો. એક વ્યક્તિને ત્રણ પગથિયાં ચડી, હૉલ પસાર કરી ઉપર જવાનું છે. અંધારું છે. હૉલમાં કાર્પેટ છે. પગલાંનો અવાજ સંભળાતો નથી. ટપકતાં પાણી માટે બાલદીઓ મૂકી છે એ અડફેટમાં આવે છે. લિફ્ટ બંધ છે. અગિયાર માળ ચડવાના છે. ધીરે ધીરે એ વ્યક્તિ ઉપર જાય છે. ઉપર પહોંચ્યા પછી ત્યાં કોઈ જ નથી. વ્યક્તિ સાવ એકલી છે. એ વ્યક્તિ તે અનિલ. એ બારી પાસે આવે છે. નીચે અસંખ્ય ગાડીઓ પસાર થાય છે. લોકોનાં ટોળાંટોળાં છે. લાઇટ લાલમાંથી લીલી થઈ જાય છે. રસ્તો ક્રોસ થાય છે. ઉપર એ એકલો છે.

એને આ અનુભવ વિશે વાર્તા લખવી છે. લખી શકે એમ છે. દરેક પગથિયા વિશે એક વાર્તા અને અગિયારમે માળે પહોંચવાની નવલકથા. આંગળીઓમાંથી લીસ્સા શબ્દો સરી જાય છે. પેન હાથમાં રહી જાય છે.

એને આ અપરિચિત શહેર ગમે છે. એને અમદાવાદ યાદ આવે છે. ત્યાં એ ‘પરિતોષ’ કૉમ્પ્લેક્સના પહેલે માળે રહેતો હતો. એને ત્યાંથી ભાગી છૂટવું હતું. પસાર થતી ટ્રેનની જેમ આજુબાજુની પરિસ્થિતિ બદલાતી હતી. રાતના આંખ બંધ કરીને બોલતો, ‘ચાલો એક દિવસ પૂરો થયો.’

એક દોસ્તારે એને અમેરિકા બોલાવ્યો ને નવો દિવસ શરૂ થયો. આકાશ, બારે માસ વરસતો અહીંનો વરસાદ, ઘાસ, રસ્તાઓ, માણસો ગમે છે. અમદાવાદ હતો ત્યારે આ બધું બૂચ મારેલી આકર્ષક શીશીમાં બંધ હતું. ત્યારે આ બધું માત્ર હોલિવૂડના કચકડામાં મઢેલું હતું.

શહેરની વચ્ચોવચના સ્કાયસ્ક્રેપરને અગિયારમે માળે એનો અપાર્ટમેન્ટ છે. લિવિંગરૂમ, બેડરૂમ, રસોડું બધું એક જ રૂમમાં. અપાર્ટમેન્ટની મોટી બારી રસ્તા પર પડે છે. બારીમાંથી આખા શહેરનો વ્યૂ દેખાય છે. સામે બે માળની ‘રમાડા ઇન’ હોટેલ-મોટેલ છે. એની પાછળ લોગન સ્કેવર છે. સ્કેવરમાં ઋતુ ઋતુનાં ફૂલો ઉગાડેલાં છે. વચ્ચે ફુવારો છે. એમાં સૂતેલી ચાર મત્સ્યકન્યાઓના મુખમાંથી પાણીની સેરો ઊંચે ઊડે છે. પાણી નીચે પડે છે. એ જ પાણી રિસાઇકલ થઈને મત્સ્યકન્યાના મુખમાં આવે છે. ફુવારા પાસે સિટી હૉલનું ટાવર છે. બારીની જમણી બાજુએ અઠ્ઠાવન અઠ્ઠાવન માળનાં ‘લિબર્ટી વન’ અને ‘લિબર્ટી ટુ’ નામનાં મકાન છે. દસ વાગ્યાના ન્યૂઝમાં એની ટોચ દેખાડે છે. ઍરપૉર્ટ બહુ દૂર નથી. પ્લેઇન લૅન્ડ થતું હોય ત્યારે નીચે આવતું પ્લેઇન આ મકાનોની ટોચને ‘આ અડ્યું’ ‘આ અડ્યું’ થાય છે પણ એ અનિલની ભ્રમણા છે. રાતના આખું શહેર ઝગમગ ઝગમગ દીવાઓનો દેશ બની જાય છે. અનિલ આ રૂમને ‘રૂમ વિથ અ વ્યૂ’ કહે છે. વ્યૂ જોતો જોતો સવારની ચા પીએ છે અને રાતે જમે છે. ભલેને નાનો પણ પોતાનો અપાર્ટમેન્ટ છે. માથે છાપરું છે. ભાડું ભરે છે ત્યાં સુધી કોઈ એને કાઢવાનું નથી.

પાડોશીઓ સારા છે. ક્યારેક હૉલવેમાં મળી જાય છે. એકબીજાનાં નામ ખબર નથી. એક પાડોશી રાતદિવસ નિસાસા નાખે છે. ગાળો બોલે છે. પાતળી દીવાલોમાંથી એ એને સંભળાય છે. અનિલને ‘પરિતોષ’નો પાડોશી યાદ આવે છે. પાનની પિચકારી મારતો. ‘લ્યા, જોતો હો તો!’ કહેતી શાકવાળી દૂર ખસતી. રોજ બપોરે આવતી શાકવાળી. રંગબેરંગી કમખો, ઘેરવાળો લાલ ચણિયો ને ઉપર છાપેલી ઓઢણી. વાલોળ પાપડીની બાજુમાં મૂકેલાં ડીંટાવાળાં રવૈયાંનો પાડોશી ભાવ પૂછતો. ‘લેવા નહીં ને રોજ રોજ ભાવ હાના પૂછો છો!’ એમ શાકવાળી કહેતી. અહીં અનિલ શોપિન્ગ કાર્ટ લઈ સુપરમાર્કેટમાં શાક લેવા જાય છે. બ્રસલ સ્પ્રાઉટસ, આસ્પારેગસ જેવાં શાક ખરીદે છે. ઘેર આવીને માઇક્રોવેવમાં બાફી, ઉપર મરીમીઠું નાંખી ખાય છે.

સુપરમાર્કેટમાં એક દિવસ એક ઇન્ડિયન છોકરી કૅશ રજિસ્ટરની લાઇનમાં એની આગળ ઊભી હોય છે. એ હસીને એને હલો કહે છે. પૈસા ચૂકવીને અનિલ બહાર નીકળે છે ત્યાં સુધીમાં પેલી છોકરી ચાલી ગઈ હોય છે.

એ છોકરી પચ્ચીસની આસપાસ હશે. ટૂંકા કાળા વાળ, મીનાકારી આંખો, ઘઉંવર્ણી ત્વચા, સ્કર્ટબ્લાઉઝમાંથી દેખાતો સપ્રમાણ બાંધો. હસીને ‘હલો’ કહ્યું ત્યારે મોંમાંથી નીકળેલો મધુર અવાજ.

અનિલને થાય છે સારું થયું. નહીં તો કદાચ ઔપચારિક વાતો કરવી પડત. ક્યાંનાં છો? ક્યાં રહો છો? શું કરો છો? પાસે જ રહું છું. એમ? આવોને, ચા પીએ. ના, આ સંબંધ શેને માટે? સંબંધો છોડીને તો એ દસ હજાર માઈલ દૂર આવ્યો છે. એને એનો ભૂતકાળ ભૂલી જવો છે. બીજાં પણ એને ભૂલી જાય એમ ઇચ્છે છે. અને તો ય દોરીના વળની જેમ એ રોજ સવારે ‘કર મધ્યે સરસ્વતી’ કહી એના જમણા હાથની હથેળી જુએ છે. ઠાકોરજીને દીવો કરે છે. ડેસ્ક પર બેસે છે. સ્મૃિતને ટપારે છે. અંદર ડોકિયું કરે છે. પડઘાતા અસંખ્ય શબ્દોમાંથી એના કાનમાં ઘર કરી ગયેલો કોઈ માર્મિક શબ્દ પકડે છે. અચાનક એ શબ્દ તૂટેલી બારીના કાચમાંથી બહાર વહી જાય છે. એને રોકવા એ બારી ખોલે છે. સંભળાય છે ચકળવકળ થતી આંખ જેવી પોલીસકારના અને ઍમ્બ્યુલન્સની સાયરનના અવાજો. કોઈ ચગદાઈ ગયું. ચીસ, એ જ, એ જ એનો શબ્દ.

એને ચગદાઈ ગયેલા શબ્દ વિશે વાત કરવી છે. એ કોની સાથે વાત કરે? કરે તો શું કહે? કોણ સાંભળે? જે સાંભળે તે સમજે ખરું?

વરસાદ શરૂ થાય છે. તૂટેલા કાચમાંથી વાછંટ અંદર આવે છે. ભૂલવો છે તો ય ત્યાંનો વરસાદ યાદ આવે છે ને એને રૂંવે રૂંવે પહેલા વરસાદ પછીનું કૂણું કૂણું ઘાસ ઊગી નીકળે છે. ‘આવે ત્યારે થોડી દુર્વા લાવજે’ મા કહેતી. મા છે પણ લોહીથી લદબદતી નાળ કપાઈ ગઈ છે.

હવે એ મુક્ત છે. કોઈને ય જવાબ આપવામાંથી મુક્ત છે. એણે માત્ર એની જ સાથે વાત કરવાની છે. એકપાત્રી સંવાદ બોલવાનો છે, કાનને છેતરવાના નથી. જાતને છેતરવાની નથી. આ અમેરિકા છે. એના પાસપૉર્ટના ચહેરા પર અમેરિકન સિક્કાની છાપ છે.

એ છત્રીસ વર્ષનો છે. જિવાયેલી જિંદગી એને ભૂલી જવી છે. ના, શબ્દો દ્વારા ફરી જીવવાની એને ખંજવાળ આવે છે. એના નખ બુઠ્ઠા થઈ જાય એ પહેલાં એને વલૂરી લેવી છે. નથિન્ગ વેન્ટ રાઇટ. બાપ મરી ગયો એટલે ઘરની જવાબદારી એના પર આવી. પાર્ટ ટાઇમ ભણીને બી.એ. થયો. માએ પરાણે પરણાવ્યો. પત્ની કોઈ બીજાના પ્રેમમાં હતી. છેવટે એ એને છોડી ગઈ. બહેનને પરણાવી. એના વરે દહેજ માટે એને હેરાન કરી. બહેનના જેઠની બહારગામ બદલી થઈ. એના નાના અપાર્ટમેન્ટમાં અનિલ ને એની મા રહેતાં હતાં. બહેનના જેઠ પાછા આવ્યા. અપાર્ટમેન્ટ ખાલી કરી આપવો પડ્યો. મા ગામ ચાલી ગઈ. દરમ્યાન એના પાર્ટનરે કાપડની દુકાનમાંથી પૈસા કાઢી લીધા. દુકાન વેચી નાંખી. અનિલને એની જૂની પરિસ્થિતિ પર હસવું આવે છે. અમેરિકાના અપરિચિતો વચ્ચે એને ખડખડાટ હસવું છે. એ પરદેશી છે એ એને અચાનક યાદ આવે છે. અમેરિકનો વચ્ચે ભૂંડા દેખાવામાં શોભા નહીં. એનું હાસ્ય બે હોઠ વચ્ચે સંકોચાઈ જાય છે.

એ બારી સાથે ટકરાતું પતંગિયું જુએ છે. બંધ બારીમાંથી આકાશ આંબવા મથતા પતંગિયામાં ને એનામાં શો ફેર છે? એ એના શબ્દો દ્વારા આકાશને આંબવાની ચેષ્ટા નથી કરતો? કરે છે.

એક વાર શબ્દો દ્વારા એક છોકરી કંડારેલી. એ છોકરી હજી ય એના મનનો કબજો લઈ લે છે. એ છોકરીની ગુલમોરી યાદથી એના આખા શરીરની ત્વચા રતુમડી થઈ જાય છે. એના સ્નાયુઓ તંગ થઈ જાય છે. જેવી પેલી છોકરીની પકડ છૂટે એવો એ ઢીલોઢફ થઈને ટૂંટિયું વાળી દે છે. આવી રમણામાં એ વારંવાર રાચે છે.

એને સેક્સમાં રસ છે પણ સંબંધમાં નથી. સંબંધ ન હોય તો ય સેક્સ સંભવે એમ એ ચોક્કસપણે માને છે. સંબંધ પ્રવેશે એટલે જ ઉઝરડાની શરૂઆત થાય છે.

એને સુપરમાર્કેટમાં મળેલી એ છોકરી યાદ આવી જાય છે. શા માટે એણે એનો વિચાર કર્યો? મૈત્રી માટે? સેક્સ માટે? એને હસવું આવે છે. સેક્સ એ મૈત્રીનો વિસ્તાર નથી? બારણે ટકોરા થાય છે. કોણ હશે? એ પૂછે છે. પેટ્રિશિયા. કોણ પેટ્રિશિયા? એ કોઈ પેટ્રિશિયાને ઓળખતો નથી. ઊભો થઈને બારણું ખોલે છે. પેટ્રિશિયા લીશ પર બાંધેલા બે નાના કૂતરાઓ સાથે બહાર ઊભી છે. બન્નેની આંખો મળે છે. ખુલ્લી બારીમાંથી આવતા પવન સાથે બન્નેના શ્વાસ અથડાય છે. પેટ્રિશિયા એની બહેનપણીને મળવા આવી છે. અનિલે બારણું ખોલ્યા પછી એને ખ્યાલ આવે છે કે ખોટે માળે આવી છે. સૉરી. ખુલ્લા બારણામાંથી એ અનિલનો અપાર્ટમેન્ટ જુએ છે. ‘નાઇસ વ્યૂ’ કહીને જાય છે. અનિલ એને જતી જોઈ રહે છે. લિફ્ટ સુધી એની સાથે જવાની ઇચ્છા રોકી રાખે છે. બારણું બંધ કરે છે.

પેટ્રિશિયા પણ પચ્ચીસની આસપાસ. ગુલાબી. પ્રફુલ્લિત ગુલાબ જેવી. પોની ટેઇલમાં બાંધેલા ઝૂલતા વાળ. શ્વાસ ચૂમવો ગમે તેવી આકર્ષક, પ્રાણીના સાન્નિધ્યમાં જીવી શકે ને પથારીમાં પ્રાણી સાથે સૂઈ શકે.

બે દિવસમાં બે છોકરીઓ સાથે ‘હલો’ કહેવાનું થયું. સ્મૃિતપટ પરથી અદૃશ્ય થયેલા શબ્દો આળસ મરડી બેઠા થતા લાગ્યા. ટટ્ટાર. એક ત્રિકોણ રચાવા માંડ્યો. એ, સુપરમાર્કેટવાળી છોકરી, અને પેટ્રિશિયા. એના ડાઇનિંગટેબલ પર ત્રણ જણ બેસી શકે એમ છે.

અડધો કલાક બધા ચુપચાપ બેસે છે. બધા વ્યૂ જુએ છે. સરસ છે. સો વૉટ? વ્યૂ કાંઈ જીવનની વાસ્તવિકતા નથી. વાસ્તવિકતા છે અપાર્ટમેન્ટનું ભાડું, ગ્રોસરી, જીવનની જરૂરિયાતો અને સેવિંગ્સ.

પેટ્રિશિયા એની વાત કરે છે. પેટ્રિશિયા ખૂબ શોખીન જીવ છે. હૉસ્પિટલમાં નાઇટ મૅનેજર છે. ‘ડ્યૂટી’ ઓરિએન્ટેડ માણસ છે. પેટ્રિશિયાને વર્લ્ડ ટ્રાવેલમાં રસ છે. એને માટે પૈસા ભેગા કરવાના છે. એ પણ રાતના બે કલાક ‘કામ’ કરે છે. એમાંથી એના શોખ પોસાય છે. થોડા બચે છે એ બૅંકમાં મૂકે છે. એને માટે અનિલ એક નોવેલ્ટી છે. એનો હિસાબ ચોખ્ખો છે. અનિલ પૈસા આપે તો એને ‘ખુશ’ કરવા તૈયાર છે.

કોઈ કંઈ બોલતું નથી. સોપો પડી જાય છે. સુપરમાર્કેટવાળી છોકરીનું નામ અનિલને ખબર નથી. એ મિતા નામ રાખે છે. ‘મિતુડી, હવે તારો વારો.’ અનિલ વહાલમાં કહે છે. મિતુડી એની વાર્તાની નાયિકા હોઈ શકે જે હવે અઢાર વરસે સદેહે આવી છે. અનિલને એની વાર્તા સાકાર થતી લાગે છે. અનિલને એને ચુસ્ત આલિંગનમાં ભીંસી એના હોઠ ચૂમવા છે. એની ભરાવદાર છાતી પર માથું મૂકવું છે. એ સંબંધની નજીક જઈ રહ્યો છે. એ સંબંધ ભ્રમણા છે. એ સંબંધ એને છેતરશે. પટાક દઈને પછાડશે. ચોટ લાગશે. કળ વળતાં વરસો નીકળી જશે. આ બધાંની અનિલને ખબર છે. છતાં ય, એના મનના બંધ, બખિયાના ટાંકા તડ તડ તૂટે એમ, તૂટતા જાય છે. એ મિતુડીના અવાજના પૂરમાં ધકેલાતો જાય છે.

મિતાએ સ્કર્ટબ્લાઉઝ પહેર્યાં છે. મિતાને અનિલે ‘મિતુડી’ કહ્યું એ મીઠું લાગ્યું. એને અનિલ ગમે છે. એ સાન્નિધ્ય આપી શકે એમ છે. સાહચર્ય નહીં. એનું વાગ્દાન થઈ ચૂક્યું છે. એને રસ છે મૈત્રીમાં, પ્લેટોનિક રિલેશનશિપમાં. એ બોલતી બંધ થાય છે. પછી શું કરવું એની મૂંઝવણમાં અંગૂઠાથી ફર્શ ખોતરે છે. ફર્શ તડકે લીંપેલી છે. સોનેરી તડકામાં, ઘઉંવર્ણી ઝાંયવાળો પગ શોભે છે.

અનિલ સવારથી કમ્પ્યુટર પાસે બેઠો છે. એને ભૂલી જવો હતો એ ભૂતકાળ અને હવે પ્રવેશેલી બે તદ્દન જુદી કક્ષાની સ્ત્રીઓ. બધા તાણાવાણા એ ભેગા કરે છે. રેશમી પોત વણવાનું છે. એણે દાઢી કરી નથી. કપડાં બદલ્યાં નથી. નાહ્યો નથી. સિગરેટ પણ પીધી નથી. વાર્તાએ એના મગજમાં ભરડો લીધો છે.

વાર્તા પૂરી થાય છે. એ અપાર્ટમેન્ટની બારી આખી ખોલી નાખે છે. અનાવરણ થઈ જાય છે. અને અગિયારમે માળેથી બૂમ પાડી. પસાર થતા લોકોને કહે છે ‘હીઅર ઇઝ માય સ્ટોરી, ઍન્ટાઇટલ્ડ, “રૂમ વિથ અ વ્યૂ.”

https://davdanuangnu.wordpress.com/category/રવિપૂર્તિ/ 

Loading

હિંદુ પાકિસ્તાન ?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|16 July 2018

ક્યાંથી કરીશું વાતની શરૂઆત? શશી થરુરના ‘હિંદુ પાકિસ્તાન’ વિષયક વિવાદથી. ભાજપ મે ૨૦૧૯માં પુનઃ સત્તારૂઢ થાય એમાં એમને મતે ‘હિંદુ પાકિસ્તાન’ના નિર્માણનો ભય રહેલો છે. દેખીતી રીતે જ ભાજપ પ્રવક્તાઓ આ વિધાનની સામે શોર મચાવી રહ્યા છે. બલકે, સર્વસાધારણ નાગરિકને પણ સામાન્ય સંજોગોમાં આવાં વિધાનો સામે નારાજગી અને વિરોધલાગણી જાગે એ સમજી શકાય એમ છે.

સમજવાનો મુદ્દો એ છે કે ઇસ્લામને નામે વિભાજન તરફ લઈ જનારાં અને પાકિસ્તાનના નિર્માણમાં લોકશાહી મૂલ્યો અને વ્યાપક ધર્મભાવનાની ખેવના વિના એ જ ઝનૂની ને પ્રતિગામી વલણો દેઢાવનારાંબઢાવનારાં તત્ત્વોની વાજબી રીતે ટીકા કરીએ છીએ એ જ લક્ષણો જવાબી કારવાઈને નામે અગર વિચારધારાને નામે ભારત છેડેથી પ્રગટ કરવામાં રાચતાં તત્ત્વો અને માનસિકતા સત્તાનો પરવાનો તાજો કરવા લાલાયિત છે. (તંત્રીએ આ પૂર્વે ‘પાકિસ્તાનવેડા’ જેવો પ્રયોગ કર્યો ત્યારે અથવા એકથી વધુ વાર અડવાણી-મોદી ફ્રિક્‌વન્સી પરના રાજકારણને ઝીણાના હિંદુ અડધિયા જેવું કહ્યું તેમાં પણ આ જ અભિપ્રેત હતું.)

નમૂના દાખલ, હજુ થોડા દિવસ પર તો આ લખનારે મન બનાવી લીધું હતું કે સુષમા સ્વરાજ સાથેની કોમી અને નિતાન્ત કમરપટા તળેની ગોબરી હરકત શમ્યા જેવી છે એટલે એને વિશે લખવું કદાચ અનિવાર્ય નથી. પણ એની વાંસોવાંસ, બે કેન્દ્રીય મંત્રીઓની જે ચેષ્ટા બહાર આવી એણે આ પ્રકારની ચર્ચાને કદાચ દુર્નિવાર બનાવી દીધી છે. આ બે કેન્દ્રીય મંત્રીઓ તે જયંત સિંહા અને ગિરિરાજસિંહ. જ્યંત સિંહાએ ’લિન્ચ મૉબ’ના હિસ્સા રૂપે પકડાઈ જામીન પર છૂટેલાઓ સાથે લગભગ અનુમોદનાવત્‌ આવભગતનો ઉપચાર કીધો, તો ગિરિરાજસિંહે હિંદુત્વને નામે ગુનાઇત ને હિંસ્ર પ્રવૃત્તિ કરતા પકડાયેલાઓની જેલમાં આંસુભીની શુભેચ્છા મુલાકાત લીધી.

એક પા ‘બેલ’ગાડીમાં મુસાફરી કરતા કૉંગ્રેસ અગ્રણીઓની ભાજપમાં શીર્ષસ્થાનેથી ટીકા કરવામાં આવે અને બીજી પા ‘બેલ’ગાડીના હિંદુત્વ વીરોની એટલા જ ઉત્સાહથી ગુનાગદ્‌ગદ આવભગત કરવામાં આવે, આ બે વિગતોની સહોપસ્થિતિ સંભારીને મોદી ભાજપ પરત્વે કટાક્ષ જરૂર કરી શકાય, સામસામા સુભટોના વસલૂમ વસલૂમનો ‘આનંદ’ પણ લઈ શકાય, પણ તે છેક જ ઉપલક અને ઉભડક લેખાશે; કેમ કે એકંદર ઘટનાક્રમમાંથી જે બૂ ઉઠે છે એનાં મૂળ ખાસાં ઊંડાં છે.

તો, વિગતોની ગલીકૂંચીમાં નહીં ઊતરતાં સારસંક્ષેપરૂપે એટલું નોંધીને ચાલીએ કે મુસ્લિમ પતિ અને હિંદુ પત્નીને પાસપોર્ટ આપવા બાબતે કોમી માનસ સર આડોડાઈથી પેશ આવનાર અધિકારીની બદલીનો તેમ જ પાસપોર્ટ અરજી જરૂરી નિયમોની મર્યાદામાં હોઈ તે તત્કાળ જારી કરવાનો જે નિર્ણય સુષમા સ્વરાજે કર્યો એને પરિણામે એમના ઉપર સોશ્યલ મીડિયાના ખાસા હિસ્સામાંથી ભારે પસ્તાળ પડી. મુસ્લિમ તુષ્ટીકરણના આક્ષેપથી માંડીને કૌશલ સ્વરાજે આ બાઈ(સુષમા)ને એ ઑફિસેથી ઘેર પાછી ફરે ત્યારે ‘બરાબરની અધમુઈ કરી નાખવી જોઈએ’ પ્રકારની સલાહો પણ એમાં હતી. હોળીમાં જેમ ઘેરૈયા તેમ આપણા રાજકારણમાં આજકાલ ટ્રૉલૈયા જ ટ્રૉલૈયા માલૂમ પડે છે. અહીં મોટા ભાગનાં ટ્રૉલટપ્પાં કોમી તીક્ષ્ણતાથી થયેલાં હતાં.

વિશેષતા બલકે વરવી વાસ્તવિક્તા એ હતી કે આ ટ્રૉલૈયાની બહુમતી એ જ તબકાની હતી જે સાધારણપણે નમો ભાજપના ટીકાકારો પર કોરસબધ્ધ તૂટી પડે છે. આ સૌ ટ્રૉલૈયાઓમાં ભાડૂતી પરિબળોનો પહેલકારી હિસ્સો અલબત્ત હતો અને હશે; પણ સ્વયંસેવી ભક્તો પણ ઓછા નહોતા અને નથી, એ ચિંતાની વાત છે. એવી અને એટલી જ ચિંતાની વાત એ પણ છે કે સુષમા પર છૂટી રહેલાં તીક્ષ્ણ બાણ વચ્ચે ઢાલ બનીને તો શું સમ ખાવા પૂરતાં બે વેણ ઉચ્ચારવા સારુ રાષ્ટ્રીય સ્તરના કોઈ ભાજપ અગ્રણી દિવસો લગી નાખી નજરે જણાયા નહીં. પછીના કિસ્સામાં જયંત સિંહા અને ગિરિરાજસિંહે જે હિંસ્ર તત્ત્વો તરફે તત્કાળ ઉલટ દાખવી એને મુકાબલે કંઈકેટલા દિવસ પછી રાજનાથસિંહ ને રામ માધવ સુષમા પ્રકરણમાં બોલ્યા જરૂર; પણ વડાપ્રધાન પોતે સોશ્યલ મીડિયામાં ઉત્કટતા દાખવતા તરુણોને વધાવતી ટિ્‌વટરાટી ધડબડાટી બોલાવતા હતા એ જ કલાકોમાં સુધ્ધાં આ મામલે સંકલ્પપૂર્વક ચૂપ હતા, અને આ લખાય છે ત્યારે પણ છે.

પહેલાં રાજનાથસિંહે અને પછી રામ માધવે મૌનભંગ કર્યો, સુષમા સ્વરાજનો બચાવ કર્યો એટલે સારું તો લાગ્યું; પણ લગરીક પોરો ખાધા પછી સમજાયું કે આ બચાવ લગભગ નકો નકો બચાવ હતો. રામ માધવની રજૂઆત તો કદાચ કંઈક ગેરરસ્તે દોરી શકે એવી પણ હતી. રાજનાથસિંહ વિશે તો શું કહીશું, એ એક ‘બચાડા જણ’ છે. એમણે કહ્યું કે વહાલાં બહેન આવાં ટ્રૉલટપ્પાં ન ગણકાર્યાં જ સારાં. જુઓ ને, હુંયે ક્યાં ધ્યાન આપું છું. સુષમા જ્યારે પોતાની પાછળ ડાઘિયા કૂતરા છૂટા મેલાયાના અનુભવમાંથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે રાજનાથસિંહે પોતાનો કિસ્સો આગળ ધરીને કંઈક આશ્વાસન આપ્યું અને પોતે પણ લીધું ખસૂસ, પણ એથી આગળ કશી ભોં એમનાં વચનોથી ભાંગી નહીં તે નહીં.

આ ચર્ચા, ટૉપ બૉસ રામ માધવનાં વેણ સાથે પૂરી થયા બરોબર લાગતી હતી, પણ કદાચ રામ માધવની સમાપનાત્મક દરમ્યાનગીરીથી જ ખરી ચર્ચા શરૂ થાય છે. એમણે, એક તો, થપ્પો મારી આપ્યો કે સુષમા ‘રાષ્ટ્રવાદી’ છે. એમણે જે નિર્ણય લીધો તે સુડો સેક્યુલર કે કોમી તુષ્ટીકરણનો છે એવીતેવી ચર્ચા હમણાં કોરાણે રાખીએ, ઊભી રાખીએ, પણ નિકાહનામાને કારણે થતી ગરબડ વચ્ચે પોતાની હિંદુ નામ ઓળખ અકબંધ રાખતી શખ્સિયત(તન્વી શેઠ)ની કદર કરતાં શીખો. રામ માધવે ખરું જોતાં આ પ્રશ્ને ‘રાષ્ટ્રવાદ’નો મુદ્દો કસોટીના પથ્થર પેઠે ઉછાળવાની જરૂર જ નહોતી. પ્રશ્ન, સીધોસાદો, કાયદાના શાસનનો હતો.

બીજું, મુસ્લિમને પરણી હિંદુ નામઓળખ જારી રાખવાની કદર કરવાની રીતે રામ માધવે જે મરોડ માસ્તરી અગર તો સ્પિન ડૉક્ટરું અજમાવવાની ચેષ્ટા કરી એ તો આડે પાટે ચડાવતી બીના હતીઃ કેટલા બધા હિંદુ પરિવારોમાં (ખાસ તો મહારાષ્ટ્રમાં) સ્ત્રી પરણ્યા પછી અનિવાર્યપણે નવું નામ ધારણ કરે છે એની ખબર એમને નહીં હોવાનું કારણ નથી. ખરેખર તો આ સવાલ હિંદુ કે મુસ્લિમ ઓળખ કરતાં વધુ તો સ્ત્રીમાત્ર પરત્વે પુરુષસાપેક્ષ ઓળખનો જે પુરુષસત્તાક રવૈયો રહ્યો છે એને અંગે આમૂલ પુનર્વિચારનો હતો અને છે. હાલ જે વિમર્શભટકાવ છે એનું રહસ્ય એ વાતમાં છે કે સમાજસુધારાની સાર્વત્રિક જરૂરતને હિંદુત્વ ઝંડાબરદારો રાષ્ટ્રવાદના ખાનામાં નાખે છે તો ઇસ્લામને છેડે એ અંગે ઓળખનું રાજકારણ ચાલે છે. પ્રશ્ન વસ્તુતઃ રાષ્ટ્રવાદ કે સામસામી ધાર્મિક ઓળખ કરતાં વધુ તો લિંગભેદ વગરના ન્યાયનો (‘જેન્ડર જસ્ટિસ’નો) છે.

રામ માધવે જે તબક્કે અને જે રીતે ચર્ચા પૂરી કરવા ચાહી તે જ તબક્કાથી શરૂ થતી ખરી ચર્ચા આ છેઃ તમારે કાયદાના શાસનને ધોરણે રાજ ચલાવવું છે કે પછી વિચારધારાગત (લગભગ મજ્જાગત) ભેદભાવને ધોરણે ધોરાજી હંકારવી છે. આ ધોરાજી હંકારવામાં એકબીજાની હરીફાઈ કરતી ભાડૂતી અને ભક્તોની ભીડથી ચૂંટણી જીતતાં શું જીતી જવાય, પણ એથી દેશ બને ખરો? ‘હિંદુ પાકિસ્તાન’ એ સ્વરાજનિર્માણનો રાજપથ ને જનપથ તો નથી.

નમો-અમિત વ્યૂહ, બાકી તો, સ્પષ્ટ છે. વિકાસનો ચળકાટ ઊડી ગયા જેવો જણાય છે તેવે કોમી ધ્રુવીકરણની રાજનીતિ જ એમની નજરોમાં એકમાત્ર તરણોપાય છે. મતદારોએ આ રમત મુજબ ધ્રુવીકૃત નહીં થતા નાગરિક હોવાને ધોરણે વિચારવાની ને દરમ્યાન થવાની તાકીદ સાફ છે.

જુલાઈ ૧૨, ૨૦૧૮

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2018; પૃ. 01-02 

Loading

કટોકટી : ઘોષિત, અઘોષિત અને અન્યથા

રજની દવે|Opinion - Opinion|16 July 2018

તા. ૨૫ જૂન, ૨૦૧૮. આમ તો આજનો દિવસ ઇન્દિરા ગાંધીએ ૧૯૭૫માં લાદેલી કટોકટીને યાદ કરવાનો દિવસ ગણાય. ૪૩ વર્ષ વીતી ગયાં છતાં આજે પણ પ્રજામાનસમાં તે ઘટના સામે તીવ્રતા

જયપ્રકાશ નારાયણે કટોકટીનો વિરોધ કર્યો હતો. આ પ્રસંગે ઇંદિરા કૉંગ્રેસ સામે લડવા બધાં એકજૂથ થયાં હતાં. જમણેરી વિચારસરણી ધરાવતા પક્ષો પણ તેમાં ભળ્યા. જેપીને ઘણાએ ચેતવ્યા, પરંતુ વળતી આશા એ હતી કે તેવા પક્ષો દેશના નવા વાતાવરણમાં નવી ચેતના સામે કામ કરશે. આગળ ચાલતા સત્તા મેળવવાની દિશામાં આવા પક્ષને હાઈવે મળી ગયો. લોકસભામાં જેમની માંડ સીટો હતી તે આજે સત્તા પર છે.

આજે આ જ પક્ષ – સ્પષ્ટ કરતાં, ભારતીય જનતા પક્ષ, તે વખતના કૉંગ્રેસ પક્ષ કરતાં વધુ ચાલાકી અને ક્રૂરતા દાખવી સત્તાનો વિકરાળ પંજો મોટો કરીને શાસન ચલાવી રહ્યો છે. આ સામે અવાજ ઉઠાવવા માટે પિ.યુ.સી.એલ. અને એમ.એસ.ડી.ના સંયુક્ત ઉપક્રમે ‘અવાજ’ સંસ્થામાં સમી સાંજે બે કલાક માટે એક સંમેલન મળી ગયું.

બે ઠરાવો :

સંમેલનમાં બે ઠરાવો પસાર કરવામાં આવ્યા. ઠરાવ નં. ૧માંની મહત્ત્વની બાબતો પર નજર નાંખીએ :

– ૨૫ જૂન, ૧૯૭૫ના રોજ લોકશાહીવાળા ભારતદેશમાં નાગરિક – અધિકારોના હનનપૂર્વક અભિવ્યક્તિસ્વાતંત્ર્ય અટકાવવામાં આવ્યું હતું. સેન્સરશિપ દાખલ કરવામાં આવી હતી. નિર્દોષ નાગરિકોને મિસાના કાયદા તળે જેલભેગા કર્યા હતા. પરંતુ લાંબા સંઘર્ષના અંતે ૧૯૭૭માં પ્રજાને બીજી આઝાદી મળી હતી. કમભાગ્યે દેશમાં આજે – ૨૦૧૮માં – કટોકટીના પડછાયારૂપ અધોષિત કટોકટી જેવું ફરી વાતાવરણ સર્જાયું છે. દેશભક્તિ અને સાંસ્કૃિતક રાષ્ટ્રવાદના નામ હેઠળ નાગરિક-અધિકારો દબાવાઈ અને છીનવાઈ રહ્યા છે.

આજે બિનપક્ષીય રીતે સંગઠિત થઈને આનો સામનો કરવાનો છે.

– ઠરાવ નં ૨માંની મહત્ત્વની વાતો. આજે અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવી રહી છે. સમૂહમાધ્યમો, પત્રકારો પર જોખમો વધી ગયાં છે. પત્રકારો ધમકીના ભોગ બની રહ્યા છે. ગૌરીલંકેશ તેમ જ અંધશ્રદ્ધા સામે લડનારાઓને મારી નાંખવામાં આવ્યા છે. સત્તાધીશો દેશમાં આવી બગડતી પરિસ્થિતિને રોકવા પગલાં ભરે તેવો સભાજનો અનુરોધ કરે છે.

મુખ્ય રજૂઆત : પિ.યુ.સી.એલ.(ગુજરાત)ના અધ્યક્ષ અને સભાના પ્રમુખ પ્રકાશ ન. શાહે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા, ‘અભિદૃષ્ટિ’ના તંત્રી રોહિત શુક્લ, ગૌતમ ઠાકર, દ્વારિકાનાથ રથ અને લાલુભા ચૌહાણની મુખ્ય રજૂઆત પછી ખુલ્લી ચર્ચા થઈ હતી. તે દરમિયાન થયેલી મુખ્ય રજૂઆતોના અંશો :

સંદીપ પાંડેના નેતૃત્વમાં ગાંધીઆશ્રમમાંથી નીકળી પાકિસ્તાનની સરહદે જવાવાળી શાંતિયાત્રાના ૧૦ લોકોને પકડી લેવામાં આવ્યા.

ગુજરાત લૅન્ડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન ટેબલમાંથી મોટી રકમ પકડાઈ છે. રોજના બે કરોડનો ભ્રષ્ટાચાર ઑફિસમાં થતો હતો.

– ખેડૂતોને તેમ જ પ્રજાજનોને દેખાવો કરતાં રોકવામાં આવે છે.

– ધિક્કારનું રાજકારણ ખેલાઈ રહ્યું છે.

– હિંદુત્વવાદી સંકુચિત માનસ ધરાવતાં વર્તુળો લઘુમતીદાર, દલિતો પર અત્યાચારો કરે છે.

– વર્ગભેદ, વર્ણભેદ સર્જવામાં આવે છે. નાગરિકહક્કોનું હનન થાય છે.

– ડર ફેલાવવામાં આવે છે. રાજ્ય દ્વારા લઘુમતીને કોઈ ચોક્કસ વિસ્તારમાં ખદેડવામાં આવે છે, જ્યાં પાયાની સુવિધાઓ તરફ દુર્લક્ષ સેવવામાં આવે છે.

– સરકારના મહત્ત્વના સ્થાને બેઠેલા લોકોની કથની અને કરણીમાં જમીન આસમાનનો ફેર છે. પરદેશમાં, રેડિયો પર, મોટી-મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ ધરાતલ પરનું ચિત્ર જુદું છે.

– નેહરુના જમાનામાં રાજ્યભંગનાં વલણો-પ્રવાહોની જાણ થતી તેનો વિરોધ પણ કરી શકાતો હતો. આજે તો રાજ્યની ચાપલૂસી કરવાવાળો વર્ગ ઊભો થઈ ગયો છે. વિરોધ કરવાવાળાને દબાવી દેવામાં આવે છે.

– આજે સત્તાધારીઓની આરતી ઉતારવાવાળા ખુલ્લેઆમ કહે છે કે લોકશાહીમાં હવે સરકાર સામે દેખાવો કરવાની જરૂર નથી.

– પ્રોટેસ્ટને રાજદ્રોહ અને દેશદ્રોહ માનવામાં આવે છે. ‘નૅશનાલિઝમ’ની વાતો કરીને લાવાસા જેવી અમનનગરીની શોધ સત્તાધીશો કરી રહ્યા છે.

– કૉંગ્રેસયુક્ત થઈ ગયા છે.

– આપણે કૉંગ્રેસની કટોકટી સામે લડ્યા હતા. અને બીજું સ્વરાજ હાંસલ કર્યું હતું, પણ ખરેખર તો સ્વરાજ એક સતત ચાલતો સંઘર્ષ છે.

બંધારણબહારની ચાલ

અત્યારના શાસનકર્તાઓ ઇન્દિરા ગાંધી કરતાં વધારે ચાલાક છે. ઇન્દિરાએ બંધારણની કોઈ કલમના આધારે કટોકટી લાદી હતી. બંધારણને બદલવા પ્રયત્ન કરી તેને ‘યાવશ્ચંદ્ર દિવાકરો’ કાયમી ધોરણે સત્તાનાં સૂત્રો હાથમાં રાખવા પ્રયત્ન કર્યો હતો.

પરંતુ બંધારણ અને લોકશાહીના માળખાના પ્રભાવતળે કટોકટી ઉઠાવવી પડી, આજે બંધારણના માર્ગે સત્તા પર ટકવાના માર્ગ કરતાં, બંધારણીય રીતે નહીં. પરંતુ અન્ય માર્ગે સત્તા ટકાવવાના પ્રયત્નો થાય છે … જે માર્ગે જઈને ભૂતકાળમાં ઇન્દિરાએ ભૂલો કરી હતી, તેના સ્થાને એક જુદી જ રાજરમત રમાઈ રહી છે. આપણા લોકશાહીનાં બધાં માળખાંઓને અંદરથી અદૃશ્ય રીતે કોતરી ખાવાનું ચાલે છે. સાથેના અને હાથ નીચેના સૌને ધાકધમકીથી કે અન્યથા વશ કરી લેવામાં આવ્યા છે.

ઇન્દિરા-મોરારજીના જમાનામાં ઇન્ટર્નલ ડિસ્ટર્બન્સ શબ્દની આસપાસ તેનો ઉપયોગ કરવાનું અને દૂર કરવાનું ચાલ્યું, પણ આજની સરકાર દ્વારા ‘આર્મ્ડ રિબેલિયન’ની વાત કરવામાં આવે છે. આજે તો સરકાર પોતાના મનમાં આવે તેવું વાતાવરણ ઊભું કરી શકે છે. જરૂર પડે હિંસા આચારનારાઓને છૂટોદોર આપી શકે છે. આજે ગૌહત્યાના નામે, લવજેહાદના નામે, ગમે ત્યારે ગમે તેને મારી નાંખવામાં આવે છે.

આજે અર્થકારણ પ્રજા પર હાવી થઈ ગયું છે, તેનો સરકાર ભરપૂર લાભ લે છે. ભારતની પ્રજા શિથિલ થઈ રહી છે. ક્યારેક લાગે ચર્ચિલ કહેતા હતા તેમ આ પ્રજા લોકશાહીનું જતન નહીં કરી શકે, કારણ કે આપણે જોઈએ છીએ કે દારૂ અને પૈસાથી વોટ ખરીદવામાં આવે છે. (ધારાસભ્યોના પણ ૧૦૦-૧૦૦ કરોડના ભાવ બોલાય છે.)

એક જુદો મત

એક મત એવો પણ રજૂ થયો છે કે આજનો સંદર્ભ તદ્દન જુદા પ્રકારનો છે. તેને જૂની કટોકટી સાથે જોડીને ‘અઘોષિત કટોકટી’ કહેવામાં આપણે ક્યાં ય લક્ષને ચૂકી ન જઈએ. (મૂળમાં અઘોષિત કટોકટી શબ્દ કેશુભાઈ પટેલે પહેલી વાર વાપર્યો હતો.)

આજે આર્થિક ક્ષેત્ર વધારે હાવી થઈ જવાનું છે. પ્રજાને કહેવાતા વિકાસના માર્ગે આંબા-આંબલી દેખાડવામાં આવે છે. ૧૯૪૯ આસપાસ ચીનમાં પણ એક ગુલાબી ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું. કહેવામાં આવ્યું હતું લેટ થાઉઝન્ડ ફ્‌લાવર્સ બ્લૉસમ. એક બાજુ આમ કહેવાતું રહ્યું, બીજી બાજુ લાખો લોકોને મારી નાંખવામાં આવ્યા. (રોહિતભાઈ શુક્લ આંક ૨૧ કરોડ જેટલો આંકે છે.)

સરકાર એક બાજુ લોકોને બુલેટટ્રેઇનનાં સપનાં દેખાડે છે. દિલ્હી મુંબઈ કોરિડોરનું ભવ્ય ચિત્ર રજૂ કરે છે. બીજી બાજુ ગફલાબાજી અને ભ્રષ્ટાચારી ચાલે છે, મગફળી માટીવાળી ફોતરાવાળી ખરીદવામાં આવે છે. (ગોડાઉનનો પાછળથી સળગાવી નાંખવામાં આવે છે.)

આજે ઇન્દિરાએ આમ કર્યું, તેમ કર્યું તેમ કહેવાના સ્થાને અત્યારની ગંભીર પરિસ્થિતિ તરફ વધુ ધ્યાન આપવાની જરૂર છે. આજે શિક્ષણ-આરોગ્યના પ્રશ્નોએ વિકરાળ રૂપ ધારણ કર્યું છે.

લોકશાહી આપણા માટે એક આદર્શ છે. તેમ કહીને અટકી જવાનું છે ? આજે જેપીનો આદર્શવાદ કેટલો કામમાં આવશે ? આમ વિચારવું પડશે.

શ્રોતાજનો કહે છે

આજના પ્રશ્નોને હળવાશથી લેવા જેવા નથી, શ્રોતામાંથી કહેવામાં આવ્યું. અઘોષિત કટોકટીના સ્થાને ‘ગેલ્વેનાઇઝ સ્થિતિ’ છે તેમ કહી શકાય. એક મિત્રે કહ્યું. આપણે લોકસંપર્ક વધારવો હોય, તો રચના અને સંઘર્ષ બંને માર્ગ અપનાવવા પડશે. સાવ નિરાશ થવાની જરૂર નથી.

કેટલાક મિત્રોએ કહ્યું, વર્તમાન સરકારને દૂર કરવા રાજકીય લડાઈ આપવી પડશે. આપણે આપણી વાત ચાર દીવાલોની બહાર લઈ જવી પડશે. મહિલાઓ-યુવાનોને જોડવાં પડશે. બિનરાજકીય મૂવમૅન્ટ ચલાવવી પડશે.

આજે તો પ્રજાને ગૂમરાહ કરવા છાપાંઓમાં પાનાં ભરીને સરકારનાં ગુણગાન ગાતી જાહેરાતો આપવામાં આવે છે. આંકડાઓ બઢાવીચઢાવીને રજૂ કરવામાં આવે છે. આ વખતની ચૂંટણીમાં બૅલેટ પેપર ફરી ચાલુ કરે, તે માટેની લડત આપવી પડશે.

આજે સમગ્ર દેશમાં ખાણ-ખનીજના માફિયાઓ વકરી ગયા છે. આર.ટી.આઈ. એક્ટિવિસ્ટને મારી નાંખવામાં આવી રહ્યો છે.

અને છેલ્લે … અધ્યક્ષીય સમાપનમાં કહેવાયું કે ‘અઘોષિત કટોકટી’એ આજે ઘોષિત કટોકટી પ્રતિકારના જે લાભાર્થીઓ સત્તારૂઢ છે, એમના વર્તમાન વ્યવહારના મૂલ્યાંકન રૂપે કરાતો એક પ્રયોગ છે. પણ પ્રશ્નની વ્યાપકતા અને ગંભીરતાની દૃષ્ટિએ એમાં સીમિત થઈ જવું વાજબી નથી. એવા રોહિતભાઈના દૃષ્ટિબિંદુને લક્ષમાં રાખીને જ આગળ ચાલવું જોઈશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2018; પૃ. 03-04

Loading

...102030...3,0963,0973,0983,099...3,1103,1203,130...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved