Opinion Magazine
Number of visits: 9969375
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લ્યો, નાવ કિનારે આવી !

પન્ના નાયક|Poetry|3 November 2018

લ્યો, નાવ કિનારે આવી!
મઝધારે મ્હાલી એ મસ્તી એક ઈશારે લાવી.
 
          ક્યાંક સાંજનો પવન
             ને જળની માયા મમતા
         સૂર્ય-ચંદ્રનાં કિરણ
             હજી તો હૈયે રમતાં
જનમજનમની વાતો સઘળી સઢમાં દઈ સમાવી..
         લ્યો, નાવ કિનારે આવી!
 
         એક કિનારો મળ્યો
            હવે તો સાવ નિરાંતે
        રાત પછીના કોઈ
           ઊઘડતા એક પ્રભાતે
નાવ ઊડશે નકી હવે તો સઢને પાંખ લગાવી 
         લ્યો, નાવ કિનારે આવી!

• સંગીત : અમર ભટ્ટ • ગાયક : હિમાલી વ્યાસ-નાયક • તબલાસંગત : દીપક ગુંદાણી • કીબૉર્ડસંગત : બ્રિજ જોશી

https://drive.google.com/file/d/1DtFkwiFjoh8BYb4IIUid4XCGKSGHTmWC/view?ts=5b999867

Loading

ગિરીશભાઈ પટેલ – સામાજિક લડતના વકીલ

દર્શિની મહાદેવિયા ઘનશ્યામ શાહ|Samantar Gujarat - Samantar|3 November 2018

ગિરીશભાઈ પટેલ (૧૯૩૨-૨૦૧૮), ગુજરાતના એક ખ્યાતનામ માનવ-અધિકાર કાર્યકર અને લોકાર્ભિમુખ વકીલ, એક ટૂંકી માંદગી પછી, ઑક્ટોબર ૬ના દિવસે સવારે ૪ઃ૩૦ વાગ્યે તેમનું નિધન થયું. આ સમયમાં, જ્યાં “Survival of the fittest” એટલે કે જે શક્તિશાળી છે તે જ ટકે, જ્યાં સત્તા અને સંપત્તિ યેનકેન પ્રકારે (ગમે તે ભોગે) મેળવવાની હોડ, બીજાને પછાડી આગળ નીકળી જવાની આવડતને કહેવાય હોંશિયારી, ત્યાં ગિરીશભાઈ જેવા વકીલ જ્વલ્લે જ મળે. ગિરીશભાઈએ, એમની જિંદગી માનવતા, સહકાર, બલિદાન, આ સૌ મૂલ્યોનું એક ઉત્તમ ઉદાહરણ … ગિરીશભાઈ, કે જે નીચલામાં નીચલા સ્તરે જીવતાં માનવસમાજના લોકોનું, એક મોટું આશાનું કિરણ તેમણે હંમેશાં જીવન અર્પણ કર્યું હતું.

અમદાવાદ મ્યુિનસિપલ કૉર્પોરેશના એક સ્વચ્છતા (સેનેટરી) નિરીક્ષકના પુત્ર, જે મ્યુિનસિપાલિટીની સ્કૂલમાં ભણેલા, તેમણે ૧૯૫૮માં, એલ.એલ.બી. કરી અમદાવાની એક પ્રતિષ્ઠિત લૉ કૉલેજના પ્રોફેસર તરીકે જોડાયા. ૧૯૬૨માં તેમણે અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં એલ.એલ.બી. ભણવાની, પૂર્ણ સ્કૉલરશિપ સાથે તક મળેલી, જે તેમણે ઝડપી લીધી હતી, આ હાર્વર્ડ યુનિવર્સિટીમાં તેમને કાયદાની પાછળની ફિલસૂફીની મહત્તાની સમજણ મળી, જેનો તેમણે આખી જિંદગી ઉપયોગ કર્યો. ૧૯૬૨માં નેધરલૅન્ડની Hague એકૅડમી ઑફ ઇન્ટરનેશનલ લૉમાં તેમણે પૂર્ણ સ્કૉલરશિપ સાથે એક વર્ષનો અભ્યાસ કર્યો અને ત્યાર બાદ ૧૯૬૨માં તેઓ અમદાવાદ પરત આવી, શિક્ષણક્ષેત્રે જોડાયા અને એક લૉ કોલેજમાં પ્રિન્સિપાલની પદવી સંભાળી.    

૧૯૭૨માં લૉ  કૉલેજના આંતરિક વિખવાદ દરમિયાન ગિરીશભાઈ પર મૂકવામાં આવેલ આક્ષેપ પછી તેમને બરખાસ્ત કરવાના રાજકારણને લઈને તેમનું મન ઊઠી ગયું હતું. પછી, જસ્ટિસ પી.એન. ભગવતીના કહેવાથી તેઓ ગુજરાત લૉ કમિશનમાં જોડાયા હતા, જ્યાં તેમણે ત્રણ વર્ષ સેવા આપી. ત્યાર બાદ લગભગ ૧૯૭૪થી તેઓએ માનદ્‌ ગુજરાત હાઈકૉર્ટમાં તેમની લૉની પ્રૅક્ટિસ ચાલુ કરી.

એક શિક્ષક તરીકે તેમેણે યુનિવર્સિટી ટીચર ઍસોસિયેશનને ટેકો આપેલો. આ ઍસોસિયેશને શિક્ષણ ભ્રષ્ટાચાર અને ખાસ રસ ધરાવતી પ્રવૃત્તિઓ સામે વિરોધ ઉઠાવેલ. ગિરીશભાઈએ  ૧૯૭૪માં નવનિર્માણ આંદોલનનું અને ભૂખમરા સામેના અવાજને સમર્થન આપેલું. એમણે ઇન્દિરા ગાંધીની ઇમરજન્સીનો પણ વિરોધ કરેલો. આ સમય દરમ્યાન, તેમણે અન્ય ડાબેરી કાર્યકરોની જેમ, ગુજરાતમાં પણ  સિવિલ લિબર્ટીઝ અને રાજકીય હક્ક વિશેના તફાવતનો અસ્વીકાર કરેલો. ગિરીશભાઈ, કેરળ માર્ક્સવાદી કે.વી. કુમારે સ્થાપેલ મહાગુજરાત લેબર યુનિયનના પ્રમુખ રહી ચૂક્યા હતા. આ ચળવળના અનુભવ પછી તેઓ કાયમ કહેતા, ‘ઝાંપે લઢી લો’.

ગિરીશભાઈ સ્પષ્ટપણે માનતા કે, ‘નાગરિક, રાજકીય અને લોકશાહી હક્ક માટેની લડત ફક્ત સમાજના મધ્યમવર્ગની (bourgeoisie) લડત નથી; સમાજના ગરીબ અને નબળા વર્ગોને તેની અમીર અને શક્તિશાળી વર્ગો કરતાં વધારે જરૂર છે. ઉપરાંત, સામાજિક, આર્થિક અને સાંસ્કૃિતક હક્કોની લડતો એકબીજાથી વિભિન્ન નથી, એકબીજા સાથે જોડાયેલી જ છે.’  માનવ-અધિકાર ત્યારે જ સાચા અર્થમાં હકીકત, અસરકારક અને અર્થપૂર્ણ બને, જ્યારે રાજ્ય, સમાજ અને આર્થિક વ્યવસ્થા સૌ લોકશાહી-સભર બને. આ પરિપ્રેક્ષ્યથી એમણે અન્ય સમાન વિચારધારાવાળા સાથે મળીને, ૧૯૭૭માં લોકઅધિકાર સંઘ(LAS)ની સ્થાપના કરેલી, જે ગુજરાતના ગરીબ અને વંચિતના અધિકાર માટે લડે.

ગિરીશભાઈનું ખાસ પાસું રહેલું છે, તે અધિકારો માટેની સામાજિક લડતમાં એક સામાજિક કર્મશીલ તરીકે રહી, કોર્ટોમાં કાયદાકીય લડત અપાવી. એક સામાજિક વકીલ કે કાર્યકર્તા તરીકેના તેમનાં મૂલ્યો એકસમાન હતાં. એક વકીલ તરીકે એમણે ક્યારે ય પણ દલિત, આદિવાસી, મહિલા અને મજૂરો વિરુદ્ધ કેસ લીધેલા નહીં. એમનું ઘર, સામાજિક કાર્યકરો તથા ગરીબ અને વંચિતોના માટે હંમેશાં ખુલ્લું રહેતું અને સૌને કુસુમબહેન પ્રેમથી ચા પિવડાવે. 

ગિરીશભાઈ, ખૂબ જ કલ્પનાત્મક રીતે કાનૂની વ્યવસ્થાનો સામાજિક ન્યાય અને રાજકીય કાર્યવાહી માટે ઉપયોગ કરતાં. આ રીતે તેમણે ૧૯૮૦થી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન (PIL) ખૂબ જ નવીન રીતે ઉપયોગ કરવાનો શરૂ કર્યો. ગુજરાત હાઈકૉર્ટનાં તેઓ સૌથી પહેલાં વકીલ હતા જેમણે પી.આઈ.એલ. ચાલુ કરેલ. લગભગ ૨૦૦થી પણ વધારે પી.આઈ.એલ. એમણે હાલ સુધીમાં કરેલી છે, જેમાં ઘર-હક્ક, પુનર્વસન, ન્યૂનતમ મજૂરી, આજીવિકા અધિકાર, દલિત-આદિવાસી-મહિલાઓ પરના અત્યાચારો વગેરેના મુદ્દાઓ સંકળાયેલ છે. તેમની ઘણી બધી સફળતાઓમાંની એક, તે ૩૦૦ જેટલા બંધુઆ મજૂરોને મુકિત અપાવેલ અને સાથે-સાથે તેમને હક્ક અને મજૂરીની રકમ પણ અપાવેલ. શેરડીનાં ખેતરોમાં અમાનવીય પરિસ્થિતિમાં જે કામદારો કામ કરતાં, તેમની એક પ્રખ્યાત માનવશાસ્ત્રી ઇયાન બ્રેમેનના અભ્યાસ શિક્ષણ પરથી, ગિરીશભાઈએ LASમાંથી ન્યૂનતમ મજૂરી માટે પી.આઈ.એલ. કરેલી. તેમની સફળતા પછી, એમણે ત્યાંનાં સ્થાનિક સામાજિક કાર્યકરોને હાઈકૉર્ટના ઑર્ડરની અમલીકરણની જવાબદારી સોંપેલી. ગિરીશભાઈએ તેમના કાર્યકાળ દરમિયાન અનેક કેસ જીત્યા છે અનેક હાર્યા છે અને કેટલાયની કોઈ પ્રગતિ પણ નથી થઈ. તેઓ એકદમ સભાન હતા કે પી.આઈ.એલ.ની એક મર્યાદા છે; જ્યારે કોઈ પણ ન્યાયમૂર્તિ તેમને પૂછતા કે મર્યાદા જાણ્યા પછી પણ ગિરીશભાઈ તમે શા માટે પી.આઈ.એલ. દાખલ કરો છો? ગિરીશભાઈ સહજભાવે રમૂજથી જવાબ આપતા કે "સાહેબ, તમારી રાતની ઊંઘમાં ખલેલ પહોંચાડવા, જેથી આપ પ્રભુત્વશાળી (Lordship) એમ ના માનીને સૂઈ જાવ કે દેશમાં બધું બરાબર ચાલે છે."

લોકજાગૃતિ માટે, એ જ રીતે તેમણે અંગ્રેજી છાપાંઓમાં ૪૦૦થી પણ વધારે letters to the editor લખ્યા છે. આ પત્રોનો એક સંગ્રહ પણ પુસ્તકરૂપે પ્રકાશિત થયેલ છે.

અંતે, ૧૯૯૦ના દાયકાથી, પી.આઈ.એલ.ની મર્યાદા બહાર આવવા માંડી. ન્યાયતંત્ર અને ન્યાયાધીશોની ગરીબલક્ષી વિચારધારા બદલાઈ; જે નવી ઉદારવાદી, આર્થિક નીતિથી પ્રભાવિત હતી. પી.આઈ.એલ.ની અસરકારકતા ઓછી થઈ. પી.આઈ.એલ.નો ઉપયોગ ખાસ હિતના લોકો કરવા માંડયા. ગિરીશભાઈએ લખ્યું, ‘સામાજિક દમન, કોમી સાંપ્રદાયિકતા, જ્ઞાતિવિગ્રહ વગેરેએ નાગરિક સમાજ અને લોકોની લડતોનું ભવિષ્ય નબળું કરી નાખ્યું છે, નષ્ટ કરી નાખ્યું છે. એક મોટો વિરોધાભાસ ઊભો થયો છે, એક તરફ કૉર્પોરેટ પાવર સામે ઉગ્ર બનતી લોકચળવળો અને બીજી બાજુ, રાજ્યનો તો આતંક".

ગિરીશભાઈ એટલે કે ગુજરાતના સૌ ઉદ્દામવાદી જૂથોના સર્વમાન્ય મિત્ર અને નૈતિક સમર્થક. જે કોઈ પણ આજીવિકા, સ્વગૌરવ અને બિનસાંપ્રદાયિક લડતો લડતા, તેમના ગિરીશભાઈ મિત્ર. એમને હંમેશાં, એક આખા દેશના સ્તરે લોકોની લડતો માટે એક સર્વમાન્ય વૈચારિક માળખાની જરૂરિયાત લાગેલી છે, જેથી લોકશાહી વિરુદ્ધનાં તત્ત્વો અને દળો સામે લોકચળવળ કૉન્સ્ટિટ્યૂશનલી (Constitutionally) ચાલી શકે.

ગિરીશભાઈને તેમના અખૂટ યોગદાન માટે ગુજરાતના નાગરિક-સમાજે ૨૦૦૯માં બિરદાવેલા, તેમનો સન્માન-સમારોહ રાખેલ૧. ખાસ કરીને જે માનવમૂલ્યો ગિરીશભાઈએ સાચવેલ, જે ’ગુજરાત મૉડલ’નું એક માનવતાવાદી અને સમાવેશક પાસું છે, તેને બિરદાવવાનું.

તેમની પાછળ કુસુમબહેન, દીકરીઓ રૂપલ અને સીમા અને પ્રપૌત્ર અને પ્રપૌત્રીઓ છે. આપણે સૌ ક્યારે ય પણ ગિરીશભાઈનું હંમેશાં હસતું મોઢું નહીં વીસરી શકીએ. 

E-mail : ghanshyam.shah2008@gmail.com

૧. તે પ્રસંગે વ્યક્ત કરેલા અને કરવા ધારેલા વિચારો માટે જુઓ નિ. ૧૬-૧૦-’૧૮

સૌજન્ય : "નિરીક્ષક", 01 નવેમ્બર 2018 ; પૃ. 12 અને 11

Loading

ગુજરાતમાં સ્થળાંતરિતો પરના હુમલા અને તેનું બીજું પાસું

દ્વારિકાનાથ રથ|Samantar Gujarat - Samantar|2 November 2018

ગુજરાતમાં સ્થળાંતરિત મજદૂરોનું જીવનપાયન હું છેલ્લાં ૩૫ વર્ષથી જોઈ રહ્યો છું. સાંગઠનિક કામે વારંવાર સુરત, મુંબઈ જવાનું થાય. સુરતમાં પાવરલૂમ-હીરા ઉદ્યોગમાં તેમની સંખ્યા વધુ. ગુજરાતમાં હીરાઉદ્યોગના કારણે જે આંતરિક સ્થળાંતર થયું, તેના લીધે સૌરાષ્ટ્રમાં જે પરિવર્તનો આવ્યાં તેનો પણ હું સાક્ષી છું. આ સ્થળાંતરિત મજદૂરોની અમાનવીય પરિસ્થિતિની વાતો ક્યારેક છાપામાં આવે. બાકી તો આપણે અજાણ જ રહીએ.

અનેક વર્ષો પહેલાં અલંગ શીપ બ્રેકિંગ યાર્ડમાં કામ કરતા મજદૂરોની સ્થિતિ વિશે મેં એક લેખ લખ્યો હતો. એ જ સમય દરમિયાન અલંગમાં ફ્રાન્સથી ‘બ્લૂ લેડી’ નામનું જહાજ અલંગ આવવાનું હતું. જેનો ખુદ ફ્રાન્સમાં જ ખૂબ જ વિરોધ થયો હતો. કારણ કે તેમાં અનેક હાનિકારક-ઝેરી તત્ત્વો હતાં. મારા એ લેખથી, મારી ભાળ મેળવીને ફ્રાન્સથી એક પત્રકાર બહેન મળવા – ઇન્ટરવ્યુ લેવા આવ્યાં હતાં. જે પછી અલંગ ગયાં ત્યારે ત્યાં તેમની ધરપકડ પણ થઈ હતી. એ પછી તો અનેક સામયિકોએ નોંધનીય લેખો પણ છાપ્યા. પણ આ બધું એટલાં પૂરતું જ સીમિત હોય છે.

ગુજરાતમાં પ્રથમ સ્થળાંતરિત મજદૂરો પર હુમલા

વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અહેવાલ અનુસાર સુરત દુનિયાના સૌથી વધુ ઝડપથી વિકસી રહેલા વિશ્વના ૨૨ શહેરોમાંનું એક છે. અને એ રીતે જાણે કે ‘સુરત મોડેલ’ના વખાણ પણ થયા. આ ‘સુરત મોડેલ’ શું છે? આ ‘સુરત મોડેલ’ એટલે સ્થળાંતરિત મજદૂરો જે સંચામાં, હીરામાં કામ કરે છે તેમની કોઈ નોંધણી ના હોય, કોઈ શ્રમદાયક લાગુ ના પાડતા હોય, કોઈ લેબર ઇન્સ્પેક્ટર ના હોય, કોઈ શ્રમિકનું મૃત્યુ – અપમૃત્યુ થાય તો કાગળ પર કોઈ નોંધણી ના થાય! વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જ્યારે આ ‘સુરત મૉડેલ’ના વખાણ કરી કહ્યું હતું એ જ ગાળામાં ગુજરાત સ્થળાંતરિક મજદૂરો પર હુમલા થયા.

ગુજરાતે પહેલીવાર સ્થળાંતરિતો પર આ પ્રકારના હુમલા જોયા. ગુજરાતમાં કોમી તોફાનો, જ્ઞાતિના ધોરણે તોફાનોનો ઇતિહાસ રહ્યો છે. તેના કારણે હવે સમજી શકાય તેમ છે. પરંતુ સ્થળાંતરિત મજદૂરો પર હુમલાઓ ગુજરાતી લોકો શા માટે કરે? આ સમજવું થોડુંક અઘરું છે.

ગુજરાતીઓ – સ્થળાંતરિત મજદૂરો : પરિસ્થિતિવશ અનુકૂલન

ગુજરાતની એ વાસ્તવિકતા છે કે ગુજરાત સ્થળાંતરિત મજદૂરો પર આધારિત છે. ગુજરાતનું સમગ્ર અર્થતંત્ર તેમનાં પર નિર્ભર છે. પારવલૂમ, હીરા ઉદ્યોગ, બાંધકામ ઉદ્યોગ, ઘરેલું કામ … આ બધામાં આ જ સ્થળાંતરિક લોકો પર ગુજરાત નિર્ભર છે. અમદાવાદમાં ૫૦ ટકા, સુરતમાં ૭૦ ટકા લોકો સ્થળાંતરિતો છે. ગુજરાતમાં સેંકડોની સંખ્યામાં મોટાં રસ્તાઓ – ઘોરી માર્ગો જે પી.પી.પી. મોડેલ પર તૈયાર થઈ રહ્યાં છે, ત્યાંથી શરૂ કરીને રસોઈ-કપડાં-કચરાં-પોતાં જેવાં તમામ ઘરેલું કામમાં ગુજરાત આ સ્થળાંતરિક મજદૂરો વગર ચાલી જ ના શકે! એક અઠવાડિયા માટે પણ જો આ તમામ કામો અટકી જાય તો ઘરોમાં બનતી રસોઈથી શરૂ કરીને મોટાં મોટાં બાંધકામો સુધીનાં કામો થંભી જાય. સવારે આપણી સોસાયટી-શેરીમાં કચરો લેવા આવતી ગાડીથી લઈને તમામ જગ્યાએ આપણને સ્થળાંતરિત મજદૂરો દેખાશે. કાલુપુરમાં હાથલારી ખેંચતા, બાંધકામોની સાઇટ્‌સ્‌ પર સાડી-ઓઢણીનું પારણું બનાવીને પોતાના અર્ધભૂખ્યા બાળકોને ઊંઘાડતી એનિમિક સ્ત્રીઓથી લઈને, મેટ્રોના ધમધોકાર ચાલતાં કામોમાં બધે જ ગુજરાત આ સ્થળાંતરિત મજદૂરો પર આધારિત છે. એટલે કે ગુજરાતીઓનું અને સ્થળાંતરિત મજદૂરોનું એક સહ અસ્તિત્વ છે. અને તે પરિસ્થિતિવશ અનુકૂલનમાંથી જન્મેલું છે.

ગુજરાતમાં સ્થળાંતરિક મજદૂરોનું એક ચિત્ર

શ્રી ઇન્દિરાબહેન હિરવે તથા અન્યના ૨૦૧૪ના લેખના આધારે કહીએ તો, ગુજરાતમાં લગભગ ૪૩ ટકા સ્થળાંતરિત મજદૂરો, તેમનાં કુટુંબો સાથે રહે છે. તેમાંથી ૧૬.૬૭ ટકા જેટલાં કુટુંબો પાસે જ પાકાં મકાનો છે. ૬૭ ટકા વીજળીથી, ૫૭ ટકા પાણી પુરવઠાથી, ૭૪ ટકા શૌચાલયથી અને ૭૪ ટકા બાથરૂમની સગવડથી વંચિત છે. ૯૦ ટકા કુટુંબોનાં બાળકો શાળાએ જઈ શકતાં નથી.

સ્થળાંતરિતો પરના હુમલા – રાજકીય વધુ અને સામાજિક નહિવત્‌

અલબત્ત, સ્થળાંતરિતો સાથે ભેદભાવ થાય છે. એ વાત એકદમ સાચી છે. એમને કોઈ આદર-માન-સન્માનથી જોવામાં નથી આવતા. સુરતના મજદૂર વિસ્તાર અને ધોડદોડ રોડ, અમદાવાદના નવરંગપુરા અને અમરાઈવાડી, ઓઢવ, નારોલ વચ્ચેનો તફાવત આંખે ઊડીને દેખાય તેવો છે. તેમ છતાં મારે એક વાત કહેવી જોઈએ કે ગુજરાતમાં તાજેતરમાં બનેલી સ્થળાંતરિત મજદૂરો પરના હુમલાની ઘટનાઓનો પ્રકાર રાજકીય વધુ અને સામાજિક ઓછો હતો. એટલે જ તે ઝડપથી બંધ પણ થઈ ગયા. ગુજરાતમાં હું પણ બિનગુજરાતી તરીકે વર્ષોથી રહું છું. તેથી અનેક અનુભવોમાંથી પસાર થયો છું. તાજેતરમાં કેટલાંક અખબારોમાં આવેલા લેખમાં આ હુમલાઓ માટે ગુજરાતના ‘પ્રવેશવાદ-પ્રાંતવાદ’ને જવાબદાર ગણવામાં આવ્યો. જે પ્રાંતવાદ મહાગુજરાત આંદોલન કે નર્મદા-સરદાર સરોવર ડેમ સમયે જોવા મળ્યો હતો. મને તે અવાસ્તવિક લાગે છે. સરદાર સરોવર-નર્મદા ડેમ સમયે ઊભો થયેલો પ્રાંતવાદ ગુજરાતની એક કમનસીબ ઘટના છે. શ્રી મેઘા પાટકરની પ્રવેશબંધી કરીને વિરોધના અવાજને દબાવવાની શરૂઆત ગુજરાતમાં ત્યારથી થઈ, પરંતુ જે રીતે મહારાષ્ટ્ર – મુંબઈમાં શિવસેનાએ પ્રાંતવાદ જગાવીને દક્ષિણ ભારતીયોને હાંકી કાઢ્યા હતા, એ પ્રકારના બનાવ ગુજરાતમાં ક્યારે ય નથી બન્યા.

આ હુમલાઓ રાજકીય પક્ષોની મીલીભગત હોઈ શકે?

મનમાં સતત એ શંકા આવ્યા કરે કે આ હુમલાઓ રાજકીય પક્ષોની મીલીભગત ના હોઈ શકે? વિરોધ પક્ષ સ્થળાંતરિત મજદૂરોને પોતાની વૉટબૅંકમાં ફેરવવાની ગણતરી રાખી શકે એમાં કોઈ નવી વાત નથી. આવી ઘટનાઓ બને, માધ્યમોમાં મુખ્ય સમાચાર બને, ગુજરાતની સ્થિતિ દેશ અને દુનિયા આગળ ખુલ્લી પડી જાય એવી છીછરી ગણતરીઓ હોઈ શકે. તો, શાસક પક્ષ પણ આમાંથી મુક્ત હોય એવું માનવાની જરૂર નથી. છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીઓ થઈ રહી છે. આ સ્થળાંતરિત મજદૂરો સાથે શાસક પક્ષ ભા.જ.પ.ની પહેલેથી જ સાંઠગાંઠ છે. અલબત્ત, સ્થળાંતરિતો પણ સલામતી માટે શાસક પક્ષના જ પડખે રહેવાનું પસંદ કરતા હોય છે. આ સ્થળાંતરિત મજદૂરોનો જ ૧૯૬૯ના કોમી તોફાનોમાં, ૨૦૦૨ના કોમી તોફાનોમાં દલિતોની સાથે જ ‘બુલવર્ક’ તરીકે ઉપયોગ થયો છે. ભગવી સેનાના સભ્યો તરીકે ગુજરાતના ‘વિકાસ મોડેલ’ના આ જ મજદૂરો બહુ મોટા પ્રચારકો રહ્યાં છે. ચૂંટણી સમયે યુ.પી., બિહાર જવાની ટિકિટ, રોકડ રકમ, બસો મૂકવી વગેરે જેવી સુવિધા આપનાર ભા.જ.પ. પોતાના જ માટે  કામ કરતાં આ સ્થળાંતરિક મજદૂરો સાથે શા માટે બગાડે એવો પ્રશ્ન થાય. પરંતુ મનમાં એવી પણ શંકા ઉપજે છે કે ક્યાંક એવો છૂપો ઇશારો તો નહોતો ને કે “જાવ, અમને જીતાડીને પાછા આવજો, પછી તમને સલામતી આપીશું.”

ખેર, જે પણ હોય, સ્થળાંતરિતોની હિજરત અને તેમના પરના હુમલાઓ ત્રણ-ચાર દિવસમાં જ બંધ પણ થઈ ગયા. જે સ્પષ્ટ દર્શાવે છે કે આ હુમલાઓ રાજકીય જ હતા. અમારા પક્ષ તરફથી પણ અમે અમદાવાદ, વડોદરા, સુરતમાં પોલિસ કમિશનર અને કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગણી કરી હતી કે તમે રેલવે સ્ટેશને, બસ સ્ટેશને જઈને આ મજદૂરોને સલામતીની ખાતરી આપી પાછા બોલાવી લાવો. અમારી માંગણી તેમણે માની પણ ખરી! અને ચમત્કારિક રીતે તે કામ પણ કરી ગઈ.

સ્થળાંતરિત મજદૂરોની આ હાલત માટે કોણ જવાબદાર?

ગુજરાતમાં, સ્થાનિક લોકો અને સ્થળાંતરિત મજદૂરોનું પરિસ્થિતિવશ અનુકૂલન સધાયું છે તે સાચું, પણ તેથી આ મજદૂરોની હાલત કોઈ રીતે બહેતર નથી એ તો આપણે જોયું.

આંતરરાજ્ય સ્થળાંતરિત મજદૂર કાયદાના પાલનમાં હોમ સ્ટેટ અને હોસ્ટ સ્ટેટની સંપૂર્ણપણે દિલચોરી, શાસક અને વિપક્ષની ‘રાજકીય ઇચ્છા શક્તિ’નો અભાવ અને મજબૂત સંગઠનોની ગેરહાજરીએ આ મજદૂરોની હાલત કફોડી કરી દીધી છે.

મારો એક અનુભવ કહું. લગભગ ૧૦-૧૫ વર્ષ પહેલાં, સુરતમાં ઉડિયા મજદૂરની માલિક દ્વારા હત્યાની તપાસ માટે ઓરિસ્સા વિધાનસભાનું એક પ્રતિનિધિમંડળ આવેલ. અમને બધાને આશા હતી કે ચાલો! કંઈક દબાણ તો આવશે. પણ અમારા આઘાત વચ્ચે એ પ્રતિનિધિમંડળે, સુરતમાં મહેમાનનવાજી સ્વીકારીને માઉન્ટ આબુના પ્રવાસે જવા નીકળી ગયું. જાણે કે મોતની કિંમત ચૂકવાઈ ગઈ!! ના એ ઘટનાની તપાસની કોઈ ચર્ચા ઓરિસ્સા વિધાનસભામાં સંભળાઈ, કે ન ગુજરાત વિધાનસભામાં.

એટલે, જે રાજ્યમાંથી આ સ્થળાંતરિત મજદૂરો આવે છે તે રાજ્યને પણ તેમની ના કોઈ ચિંતા છે કે એમના માટે કાયદાના પાલનનો કોઈ આગ્રહ છે. આ ઓરિસ્સા, યુ.પી., બિહાર, ઝારખંડ વગેરે બધાં રાજ્યો માટે સાચું છે. એમને તો એમનાં પોતાના રાજ્યે જ તરછોડ્યા છે ત્યાં એ કોને ફરિયાદ કરે?

સ્થળાંતર – આજે દુનિયાની હકીકત

દુનિયાભરમાં સ્થળાંતર થાય છે અને તે થકી જ સભ્યતાઓ વિકસી છે. સ્થળાંતરના આ ચક્રને આપણે અટકાવી ન શકીએ. અલબત્ત, સ્થળાંતરને લઈને આજે વિશ્વ આખામાં રાજકારણ ચાલે છે. એક સમયે અમેરિકા ‘ન્યૂ વર્લ્ડ ઓર્ડર’ કહેવાતું. દુનિયાભરના લોકો ત્યાં જઈને વસ્યાં. ધીમે ધીમે ત્યાં પણ સ્થળાંતરિતોના પ્રશ્નો ઉદ્‌ભવ્યા અને તેમના પર પ્રતિબંધની વાતો પણ આવી. આજે લેટિન અમેરિકા મેક્સિકોથી સ્થળાંતરિતોનો એક કારવાં અમેરિકા તરફ આવી રહ્યો છે. ખુદ અમેરિકાના પ્રગતિશીલ લોકો આ સ્થળાંતરિતોની તરફેણમાં પોતાની સરકારો વિરુદ્ધ પણ અસંમતિનો અવાજ ઊઠાવી રહ્યાં છે. જે બધાં માટે આશાનું કિરણ છે.

(તા. ૨૫-૧૦-૨૦૧૮ના રોજ, સેક્યુલર લોકશાહી આંદોલનની ગુરુવારીમાં આ વિષયની ચર્ચાને આધારે, ઝડપથી તૈયાર થયેલ લેખ.)

E-mail : dn.rath@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2018; પૃ. 08-09

Loading

...102030...3,0613,0623,0633,064...3,0703,0803,090...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved