Opinion Magazine
Number of visits: 9685945
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કુલપતિ મુનશીનું ઉત્તરાવસ્થાનું વિચારવિશ્વ

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|25 August 2018

ધારાશાસ્ત્રી, નવલકથાકાર, સત્યાગ્રહી, કેદી, બંધારણસભાના સભ્ય, હૈદરાબાદના પોલિટિકલ એજન્ટ, દેશના અન્નપ્રધાન, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ, ભારતીય વિદ્યાભવનના સ્થાપક – આવી અનેકવિધ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ અદા કરનારા કનૈયાલાલ મુનશી લાંબું જીવ્યા અને લગભગ છેવટ સુધી સક્રિય રહ્યા. તેમના જીવનપ્રવાહમાં અનેક ફાંટા અને પલટા આવ્યા. સંઘર્ષમય આરંભ અને પ્રતાપી મધ્યાહૃન ધરાવતા મુનશી તેમના જીવનના સંધ્યાકાળે શું વિચારતા હશે? પોતાના જીવન તરફ્, સમકાલીન સાથીદારો, નેતાઓ, ચળવળો અને વિચારસરણીઓ તરફ્ કેવી રીતે જોતા હશે? આવી જિજ્ઞાાસાનો જવાબ ‘કુલપતિના પત્રો’ પુસ્તકમાંથી મળે છે.

ભારતીય વિદ્યા ભવનના કુલપતિ મુનશીને ૧૯૫૨માં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે અલાહાબાદ જવાનું થયું. ત્યાંથી ભવનના વિદ્યાર્થીઓ-સાથીઓને ઉદ્દેશીને અંગ્રેજીમાં પત્રો લખવાનો સિલસિલો તેમણે શરૂ કર્યો. ૧૯૬૧માં ‘સમર્પણ’ શરૂ થતાં કુલપતિના પત્રો ગુજરાતીમાં પણ છપાવા લાગ્યા. મોટા ભાગના પત્રોનો અનુવાદ ‘સમર્પણ’ના તત્કાલીન તંત્રીએ કર્યો હોવાની નોંધ આ પુસ્તકની પ્રસ્તાવનામાં છે. મુનશીના જાહેર પત્રોનું આ દળદાર પુસ્તક ૭૨૦ પાનાંમાં પથરાયેલું છે અને તેમાં ફ્ક્ત આઠ વર્ષના (૧ ફેબ્રુઆરી, ૧૯૬૨થી ૧૧ ઓક્ટોબર, ૧૯૭૦) ગાળામાં મુનશીએ લખેલા ૧૬૦ પત્રો સમાવવામાં આવ્યા છે. મુનશીની વયના હિસાબે ગણીએ તો, તેમણે ૭૪ વર્ષથી ૮૨ વર્ષ સુધીની અવસ્થાએ લખેલા પત્રો. આ ઉંમર ભલભલા લોકો માટે જોખમી હોઈ શકે છે. કારણ કે નાનાભાઈ ભટ્ટ જેવા કેટલાક અપવાદોને બાદ કરતાં આ ઉંમરે વૈચારિક સ્પષ્ટતાઓમાં ગોટાળા વળે અને જીવનભરના રસ્તા કરતાં જુદા માર્ગે દોરવાઈ જવાય, એવા ઘણા કિસ્સા જોવા મળે છે.

મુનશીના કિસ્સામાં એવું બન્યું નથી. પરંતુ અગાઉ તેમનામાં જોવા મળેલાં કેટલાક વલણ વધારે દૃઢ બન્યાં છે. પુસ્તકમાં રહેલાં સત્તાવાર લખાણોની ઓળખ પત્રો તરીકેની છે, પણ એ જાહેર પત્રો છે. એટલે સંબોધન-લિખિતંગ સિવાયની બાબતમાં એ તત્ત્વતઃ લેખ છે – એક કુલપતિએ વિદ્યાર્થીઓને-સંસ્થાના સાથીઓને સંબોધીને લખેલા લેખ. તેમાં પત્રોમાં અપેક્ષિત હોય એવી અંગતતા, ઉષ્મા કે અનૌપચારિકતા નથી. મનન, મતપ્રચાર અને ઉપદેશનો ખાસ્સો ભાર છે. આ પ્રકારમાં પત્ર લખનાર પોતે વ્યાસપીઠ પર હોય છે અને દરેક પત્ર દ્વારા તે સામે રહેલા અદ્રશ્ય વાચકવર્ગ પર ચોક્કસ માન્યતાઓ-મૂલ્યોની છાપ પાડવા કોશિશ કરે છે.

ગ્રંથસ્થ પત્રોમાં વિષયનાં અને ઘણી વાર તો મુદ્દા-પેટામુદ્દાનાં પુનરાવર્તનનો પાર નથી. ઘણાં પત્રોમાં અભ્યાસીના સ્વાધ્યાય કે વિશ્લેષકના નિરક્ષીરવિવેકને બદલે મઠાધીશનો મતપ્રચારોત્સાહ વધારે દેખાય છે. પત્રોમાં વારંવાર આવતા મુનશીના કેટલાક પ્રિય વિષય છેઃ ઇતિહાસપુરુષ તરીકે શ્રીકૃષ્ણ, ગાંધીજીનું આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી નિરૂપણ, સનાતન ધર્મ, વર્ણાશ્રમનો મહિમા, મુસ્લિમ આક્રમણના સંદર્ભે જ્ઞાાતિપ્રથા દ્વારા સંસ્કૃિતનું રક્ષણ, રાષ્ટ્ર કયા ઘટકોથી બને છે, પાશ્ચાત્ય સમાજની સરખામણીએ ભારતીય કુટુંબસંસ્થા-લગ્નસંસ્થાનો જયજયકાર, શ્રી અરવિંદ પ્રત્યેનો અહોભાવ, સત્ય સાંઇબાબા પ્રકારના વ્યક્તિત્વો વિશે ભરપૂર આદર, અંધશ્રદ્ધા ન લાગે એવી સભાનતાથી વ્યક્ત કરાતો ચમત્કારોનો સ્વીકાર-પુરસ્કાર, ‘નક્કર વિગતો’ના આધારે ભારતીય સંસ્કૃિત અને સંસ્કૃત ભાષાની ઉત્તમતા સિદ્ધ કરવાનો પ્રયાસ, (જેમાં વિગતોની પસંદગી અને તેની ‘નક્કરતા’નો ખ્યાલ મુનશીનો પોતિકો હોય), ભારતમાં અહિંસાની નહીં, પણ યુદ્ધની લાંબી-ઉજ્જવળ પરંપરા, ભાષાવાર વિભાજનને કારણે દેશની અખંડિતતા સામે ઊભો થયેલો ખતરો, દેશના રાજકીય તંત્રના પ્રશ્નો, બંધારણ અને સંસદીય લોકશાહીની આંટીઘૂંટી, બંધારણમાં કરાયેલા ફેરફાર, સામ્યવાદ અને સામ્યવાદીઓનો તીવ્ર વિરોધ, નાસ્તિકતાના પર્યાય જેવી બિનસાંપ્રદાયિકતા સામેનો વાંધો …

આ વિષયોમાં મુનશીના ઘણા વિચાર ચર્ચાસ્પદ છે, તેની સરખામણીમાં મુંબઈનાં અદાલતી જીવનનાં સંભારણાં, નવલકથાકાર તરીકેની કેફ્યિત – માન્યતાઓ તથા કેટલાંક વ્યક્તિચિત્રો અત્યંત રસપ્રદ છે. અલબત્ત, નર્મદના શબ્દચિત્ર જેવાં નિરાંત, સઘનતા અને વિશ્લેષણયુક્ત અવલોકનો બીજા વ્યક્તિચિત્રોમાં ભાગ્યે જ જોવા મળે છે. જેમ કે, ‘નર્મદે પોતાને ભવ્ય લાગ્યા એવા પ્રસંગો અને વિષયોને ગાવા પ્રયત્ન કર્યો, પરંતુ કલાત્મક સૌંદર્ય હંમેશાં તેની પકડમાંથી છૂટી જતું અને તેનો અહંકેન્દ્રિત મિજાજ તેને કૃત્રિમ વીરત્વનાં વલણો ભણી દોરી જતો,’ રાજગોપાલાચારી કે રાજેન્દ્રબાબુ જેવાં સાથીદારો વિશે લખતી વખતે મુનશી પાસે જે પ્રકારની આંર્તદ્રષ્ટિની અને અંદરની વાતોની અપેક્ષા હોય એ સંતોષાતી નથી. મૃતકોને અંજલિ તરીકે લખાયેલાં ઘણાં શબ્દચિત્રોમાં ઔપચારિકતાનો રંગ ઘાટો છે.

બાકી, મુનશી થોડા લસરકામાં પણ કેવું ચિત્ર ખડું કરી શકે એનો ખ્યાલ ભરૂચની હાઇસ્કૂલના આસિસ્ટન્ટ ઉત્તમરામ માસ્તરની વાત પરથી આવે છે. (જુલાઇ ૫, ૧૯૭૦) ઉત્તમરામ માસ્તરનો તકિયાકલામ ‘લે ભાઇ લે’, વિદ્યાર્થીની કાનની બૂટ પકડવાની તેમની રીત અને બાળક કનૈયાના વિકાસમાં તેમણે લીધેલો રસ મુનશીએ એવી રીતે આલેખ્યાં છે કે ઉત્તમરામ માસ્તરને પ્રત્યક્ષ મળ્યાનો અહેસાસ થાય. મુંબઇના ન્યાયાધીશો-વકીલોની લાક્ષણિકતા અને અદાલતી કાર્યવાહી વિશેના મુનશીના વર્ણન તેમની આત્મકથાના વાંચન જેવો આનંદ આપે છે.

ગાંધીજીને ભલે ગમે તેટલી સાચી રીતે, પણ કેવળ અધ્યાત્મના ચોકઠામાં બેસાડવાનો તેમનો વારંવારનો ઉદ્યમ ગાંધીજીના બહુઆયામી વ્યક્તિત્વનો વ્યાપ ઓછો કરનારો લાગે છે. ગાંધીજીના મૃત્યુપ્રસંગનું તેમણે પહેલા પુરુષ એકવચનમાં કરેલું વર્ણન (ફેબ્રુઆરી ૨, ૧૯૬૯) ઝીણી ઝીણી વિગતોથી સભર છે. તેમાં વાચકને એ પણ જાણવા મળે છે કે ગાંધીહત્યા પછી બિરલાહાઉસમાં કુટુંબનો કોઇ સભ્ય હાજર ન હોવાથી મુનશી ‘જાતે નિયુક્ત કરેલા વ્યવસ્થાપક’ બન્યા, ભવિષ્યમાં સ્મારક રચી શકાય એવું અગ્નિસંસ્કાર માટેનું સ્થળ પસંદ કરવા પણ એચ.એમ. પટેલ અને એક લશ્કરી અધિકારી સાથે એ ગયા હતા અને ‘અમે ગાંધીજીના દેહને ટ્રકમાં મૂક્યો.’

સરદાર સાથે મુનશીની નિકટતા બહુ જાણીતી હતી. છતાં, સરદાર વિશેના તેમના લખાણોમાં એવી એક પણ વધારાની કે અંતરંગ વાત જાણવા મળતી નથી, જે સરદારનું ચરિત્ર વાંચનાર ન જાણતા હોય. ભક્તિભાવપૂર્વક નહીં, પણ ખુલ્લા મને વાંચવાની અને એ અવસ્થાના મુનશીને જાણવાની સામગ્રી તરીકે આ પત્રસંગ્રહ વિશિષ્ટ છે. તેમાંથી મુનશીની ઉત્તરાવસ્થાના નહીં લખાયેલા જીવનચરિત્રના કેટલાક છેડા મળી રહે છે.

e.mail : sanskar@sandesh.com

http://sandesh.com/kulpati-munshi-uttaran/

સૌજન્ય : ‘નવાજૂની’ કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 19 અૉગસ્ટ 2018

Loading

પત્રકારત્વની ઓક્સબ્રિજ સંસ્કૃિતની વચ્ચે કુલદીપ નાયર નામના દેશી ધીંગા પત્રકારે પોતાની જગ્યા બનાવી હતી

રમેશ ઓઝા|Opinion - Opinion|25 August 2018

એક અઠવાડિયામાં ત્રણ વયોવૃદ્ધ મહાનુભાવોને આપણે ગુમાવ્યા. પહેલા લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર સોમનાથ ચેટરજી, એ પછી ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને હવે પત્રકારત્વમાં ભીષ્મ પિતામહ તરીકે ઓળખાતા કુલદીપ નાયર. મારા મતે દેશના શ્રેષ્ઠ રાષ્ટ્રપતિ કે.આર. નારાયણન હતા અને દેશના અત્યાર સુધીના શ્રેષ્ઠ સ્પીકર સોમનાથ ચેટરજી હતા. દાદાસાહેબ માવલંકર કે અનંત શ્યામ આયંગર કે બીજા કોઈ પણ સ્પીકર સ્વતંત્રતા, તટસ્થતા અને સંસદીય નીતિનિયમોની જાણકારીમાં સોમનાથદાની બરાબરી ન કરી શકે. સોમનાથ ચેટરજીના અવસાન પછી ત્રીજા જ દિવસે અટલ બિહારી વાજપેયીનું અવસાન થયું હોવાના કારણે સોમનાથદાના મૃત્યુની ઘટના ઢંકાઈ ગઈ હતી.

કુલદીપ નાયરને ભારતીય પત્રકારત્વના ભીષ્મ પિતામહ કહેવામાં આવે છે એ તેમની તીક્ષ્ણ   મેધાને કારણે કે તેમની અનનુકરણીય શૈલીને કારણે નહીં, પરંતુ હિંમત અને સપાટી નીચેના રાજકીય પ્રવાહોને પકડી પાડવાની ક્ષમતાને કારણે. તીક્ષ્ણ મેધા ગિરિલાલ જૈન અને શામલાલ જેવા પત્રકારો ધરાવતા હતા તો શૈલી ફ્રાંક મોરાયસ કે વિનોદ મેહતા ધરાવતા હતા. કુલદીપ નાયર આમાંના કોઈ ગુણ નહોતા ધરાવતા. ઊલટું હિન્દુસ્તાની ભાષામાં વિચારીને અંગ્રેજીમાં લખનારી તેમની ટિપિકલ ભારતીય દેશી અંગ્રેજી શૈલીની ઉચ્ચભ્રૂ પત્રકારો ઠેકડી ઉડાડતા હતા. કુલદીપ નાયરનો જન્મ અત્યારના પાકિસ્તાનમાં સિયાલકોટમાં થયો હતો અને તેમનું શાળાકીય શિક્ષણ ઉર્દૂ માધ્યમમાં થયું હતું. વિભાજન પછી દિલ્હીમાં સ્થાયી થયા પછી કુલદીપ નાયરે તેમની પત્રકારત્વકીય કારકિર્દી પણ ઉર્દૂ અખબારમાં સંવાદદાતા તરીકે કરી હતી. આમ તેમની દેશી અંગ્રેજી શૈલી હંમેશાં ઓક્સબ્રિજ પત્રકારોને સુગ ચડે એવી હતી. 

કુલદીપ નાયર કોઈ મેધાવી પત્રકાર પણ નહોતા. શામ લાલ કે ગિરિલાલ જૈનને વાંચીએ ત્યારે તેઓ વિવિધ દ્રષ્ટિકોણનો વિશાળ કેનવાસ રચી આપતા એવું કુલદીપ નાયરમાં ક્યારે ય નહોતું બનતું. કુલદીપ નાયરનું પત્રકારત્વ એટલે રાજકીય સમીકરણો અને સતત બદલાતા રહેતા સમીકરણોની લગભગ સચોટ માહિતી આપતું પત્રકારત્વ. આને કારણે એ યુગના રાજકારણીઓ પણ કુલદીપ નાયરની બાય લાઈન (પછી એ તેમના નામની સ્ટોરી હોય કે કોલમ હોય) પર નજર રાખતા. એ પછી તો રાજકારણીઓ તેમને અંદરની ખબર આપતા રહ્યા અને એ રીતે કુલદીપ નાયર વાંચવા જ પડે એવા અનિવાર્ય પત્રકાર બની ગયા હતા. એમ કહેવાય છે કે એ જમાનામાં વડા પ્રધાનનું કાર્યાલય પણ વડા પ્રધાનના કહેવાથી કુલદીપ નાયરને ફોલો કરતું. આજની જેમ ટ્રોલ્સને નહીં, એક માતબર પત્રકારને એ સમયના વડા પ્રધાનો ફોલો કરતા.

તેમની આ ખૂબીના કારણે કલકત્તાના ‘સ્ટેટ્સમેન’ના સંચાલક રુસી ઈરાનીએ અને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના માલિક રામનાથ ગોએન્કાએ ઓક્સબ્રિજ પત્રકારોને બાજુએ મૂકીને કુલદીપ નાયરને તંત્રી બનાવ્યા હતા. બહુ મોટી નવાજેશ હતી એ જમાનામાં કુલદીપ નાયર માટે. એ પહેલાં વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ તેમની મીડિયા સલાહકાર તરીકે નિમણૂક કરી હતી. બધા માટે ખપ એ વાતનો હતો કે ભારતીય રાજકારણના આંતરિક પ્રવાહોની બારીકીઓ તેઓ પકડી શકતા હતા. આ બધી પ્રતિષ્ઠાઓ તેમને ત્યારે હાથ લાગી હતી જ્યારે કુલદીપ નાયર હજુ ચાલીસીના પણ નહોતા થયા.

વિદ્વાન શૈલીબાજ નહીં, પરંતુ હાર્ડ કોર પત્રકારને મળેલી આ સિદ્ધિ હતી. કહો કે પત્રકારત્વની ઓક્સબ્રિજ સંસ્કૃિતની વચ્ચે દેશી ધીંગા પત્રકારે પોતાની જગ્યા બનાવી હતી. એ દિવસોમાં કુલદીપ નાયરે ખૂબ અસૂયાનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય સમાજ ઉપરની પાયરીએ ઉચ્ચભ્રૂથી નીચે ઊતરતા ક્રમે નિસરણી જેવો છે અને તેમાં પત્રકારો અપવાદ નથી. કોઈ પણ ભારતીય એમાં અપવાદ નથી. અંગ્રેજી ભાષા જેમના પગ ચુમતી હોય એવા બહુશ્રુત ઓક્સબ્રિજ પત્રકારોની વચ્ચે એક દેશી યુવાને જગ્યા બનાવી હતી. ઉચ્ચભ્રૂ પત્રકારો કેબિનની બહાર નહોતા નીકળતા, એપોઇન્ટમેન્ટ વિના કોઈને નહોતા મળતા અને અંગ્રેજી સિવાય દેશી ભાષામાં (આવડતી હોવા છતાં) વાત નહોતા કરતા. આના બીજા અંતિમે કુલદીપ નાયર નેતાઓના રસોયા સાથે પણ સંપર્ક ધરાવે. કોંગ્રેસમાં વિભાજન થવાનું છે અને ઇન્દિરા ગાંધીને વડા પ્રધાનપદેથી હટાવવા કોંગ્રેસના વયોવૃદ્ધ નેતાઓએ તિરુપતિમાં મળીને યોજના બનાવી છે, એ સ્ટોરી સૌ પ્રથમ કુલદીપ નાયરે આપી હતી. વિદ્વાન પત્રકારો વિવેચનની થીસિસો ભલે રચતા હોય, પણ હથોડો તો કુલદીપ નાયરે માર્યો હોય.

ધીંગા પત્રકાર કુલદીપ નાયર લોકતંત્ર, સેક્યુલરિઝમ અને સમાનતા જેવાં આધુનિક મૂલ્યો માટે પ્રતિબદ્ધ હતા. એટલે તો તેમણે ઈમરજન્સીનો વિરોધ કર્યો હતો અને જેલવાસ વેઠ્યો હતો. તેમણે દેશપ્રેમીઓની માફક ઇન્દિરા ગાંધીની માફી નહોતી માગી કે નહોતી તેમણે સહયોગ કરવાની ઓફર કરી હતી. બીમારીના નામે પેરોલ પર છૂટવાનો પણ તેમણે પ્રયાસ નહોતો કર્યો. સાવ છેલ્લે જેમને છોડવામાં આવ્યા હતા તેમાં કુલદીપ નાયર એક હતા. એ સમયે મોટાભાગના પત્રકારો સરકાર સામે ઘૂંટણિયે પડી ગયા હતા જેમ આજે જોવા મળે છે. ફરક એટલો છે કે ત્યારના પત્રકારો ડરેલા હતા, જ્યારે આજના પત્રકારો વેચાયેલા છે. કુલદીપ નાયરને ૯૫ વરસનું દીર્ઘાયુ મળ્યું એમાં તેમને આજના દિવસો પણ જોવાના આવ્યા.

કુલદીપ નાયરે આજના વસમા દિવસોમાં પણ પોતાનું ટમટમિયું ક્યારે ય બુઝાવા નહોતું દીધું. મૃત્યુ પર્યંત તેઓ લખતા રહ્યા હતા. દેશ-વિદેશના ૮૫ અખબારોમાં તેમની કોલમ છપાતી હતી અને તેમની છેલ્લી કોલમ તેમના મૃત્યુ પછી છપાઈ છે. તેઓ પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાની બાબતે આગ્રહી અને સક્રિય હતા. બે દેશના લોકો વચ્ચે સંબંધો વિકસે એ માટે તેઓ પ્રયત્નશીલ હતા. ૧૪મી ઓગસ્ટની રાતે કુલદીપ નાયર વાઘા બોર્ડર પર કેટલાક લોકોને લઈને મીણબત્તી સાથે દોસ્તીનો પયગામ લઈને જતા અને સામેથી પાકિસ્તાન તરફથી પણ કેટલાક લોકો આવતા હતા. અત્યારે તો આ દર વરસે ઊજવાતી વાર્ષિક ઘટના બની ગઈ છે. કુલદીપ નાયરની એવી ઈચ્છા હતી કે જેમ ૧૯૮૯માં જર્મનીમાં બર્લિનમાં બન્યું હતું, એમ સરહદની બન્ને બાજુએ લાખો લોકો જમા થયેલા હોય અને તેઓ બોર્ડરને હોવા છતાં, નિરસ્ત કરી નાખવાની માગણી કરતા હોય. તેમની હયાતીમાં તો એવો દિવસ નહીં આવ્યો, પણ આપણે તેમના સ્વપ્નને સાકાર કરવા મથતા રહીએ એ તેમને આપવામાં આવેલી અંજલિ ગણાશે.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામે લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 25 અૉગસ્ટ 2018

Loading

સાચા સુધારક નર્મદે પત્નીના અવસાન પછી વિધવા ડાહીગૌરી સાથે લગ્ન કરીને આઘાતક દાખલો બેસાડેલો

સુમન શાહ|Opinion - Literature|25 August 2018

મહેતાજીપણું છોડીને કલમને ખોળે માથું મૂકવાની ઘટના નર્મદના જીવનની શિરમોર ઘટના છે

વર્તમાનનું કશ્શીયે ફનાગીરી વિનાનું આપણું સાહિત્યજીવન, નથી લાગતું કે સુખદ છતાં તત્ત્વત: દુ:સાહસ જ છે?

'તમારા મનમાં મારે વિશે સ્વર્ગ જેટલો ઊંચો કે પાતાળ જેટલો નીચો વિચાર હો, તમે મારા કટ્ટા વૅરી કે સાચા સ્નેહી હો, તો પણ હું તમારા શહેરમાં ક્યારેક્ટર છઉં, પછી ગમે તેવો.'

ઉપર્યુક્ત શબ્દો નર્મદના છે. ૨૪ ઑગસ્ટ ૧૮૩૩-માં જન્મ. ગઇ કાલે એની જન્મજયન્તી હતી. "મારી હકીકત" શીર્ષકથી ૧૮૬૬માં એણે આત્મકથા લખેલી. ગુજરાતી સાહિત્યમાં એ સર્વપ્રથમ આત્મકથા છે. એમાં નર્મદની અંગત અને સાહિત્યકાર તરીકેની બન્ને વ્યક્તિતાનો પરિચય મળે છે. સાહિત્યકાર નર્મદને વ્યક્તિ નર્મદમાંથી શું શીખવા મળેલું; કેવા કેવા જીવનપ્રસંગોએ એની પાસે કેવું કેવું લખાવેલું; વગેરે. એ બે વ્યક્તિતા વચ્ચેના આન્તર-જીવનની હકીકતો પીરસતી આ કૃતિને હું નર્મદના અધ્યયન માટે અનિવાર્ય ગણું છું.

આપણી પહેલી મનાયેલી નવલકથા "કરણઘેલો"-ના કર્તા નંદશંકર સાથે નર્મદને મન:દુખ થયેલું. પણ પછી સમાધાન થઇ ગયેલું. એટલે નંદશંકરને એણે ઉપર મુજબનો કાગળ લખેલો. પોતાને 'તમારા શહેરમાં ક્યારેક્ટર છઉં, પછી ગમે તેવો' કહે છે, એ એની આત્મઓળખ છે, જાતસચ્ચાઇ છે, સમાજ પ્રત્યેની બેબાક બેપરવાઇ પણ છે. 'ક્યારેક્ટર' તે 'કૅરેક્ટર', ચરિત્ર, અનોખી વ્યક્તિમત્તા. આગળ લખે છે:

'એ જ વિચાર તમને મારું અભિમાન રાખવાને બસ છે એમ હું અભિમાનથી કહું છઉં ને તમે એ અભિમાન પર હસશો જ – હસો હવે…' શહેરમાં પોતે એક કૅરેક્ટર છે એનું અભિમાન નંદશંકરે રાખવાનું – અવળી પણ કેવી તો સૂચક માગણી ! જાણે છે કે એ પર નંદશંકર હસવાના. એટલે સરસ મજાક કરે છે, 'હસો હવે…' આગળ લખે છે :

'આ કાગળ બંધ કરતાં, મરતી મૈત્રી પાછી ઊઠી તેની ખુશાલીમાં હું મારાં પાનસોપારી ખાઉં છઉં ને તમે તમારી તપખીર સૂંઘજો.' 'મરતી મૈત્રી પાછી ઊઠી' પ્રયોગ કેટલો અર્થસભર છે ! પણ એની ખુશાલીની વાતે મીઠો મર્માળો કેવો ટૉણો મારી લીધો છે !

પ્રેમથી પણ સોઇઝાટકીને કહેવાની નર્મદની આ નિખાલસ નિર્ભીકતાને હું સાહિત્યકારોના મૈત્રી-સમ્બન્ધો અંગે પ્રેરણાદાયી ગણું છું. કેમ કે, અમુક મન:દુખ પછીનાં અમુક સમાધાન તો કાચાંપાકાં કે લીલાંસૂકાં હોય છે. એમાં જો પાન-સોપારીનો રસ અને તપખીરની સુગન્ધ ભળે, આઇ મીન, જો એવી સ્નેહાળ ગરજ ભળે, તો મૈત્રી સજીવન થાય અને એ સુદૃઢ મૈત્રીની રાહે સાહિત્યનાં કામો વધારે સારી રીતે કરી શકાય.

"મારી હકીકત"-માં પ્રકરણોને બદલે ૧૦ 'વિરામો' છે. એમાં, જન્મથી માંડીને કીર્તિના મધ્યાહ્નની, એટલે કે, ૩૩ વર્ષની ગતિશીલ કારકિર્દીની કથા છે. અન્ત ભાગમાં, નર્મદે પોતાની કવિતા વિશેના પોતાના વિચારો મૂક્યા છે, આત્મકથનમાં ધર્મ અને ધ્યાનનો મહિમા સમજાવ્યો છે. વડનગરા વૈદિક નાગર ગૃહસ્થ લહીઆ લાલશંકર દવે, પિતા. માતા, નવદુર્ગા. પિતાનો વ્યવસાય મુમ્બઇમાં તેથી નર્મદની બાલ્યાવસ્થા મુમ્બઇમાં. પાંચ વર્ષની ઉમ્મરે ભૂલેશ્વરની નિશાળમાં શિક્ષણનો પ્રારમ્ભ. પછી સૂરતમાં અને વળી મુમ્બઇમાં ઍલફિન્સ્ટન સ્કૂલમાં. દરમ્યાન, નાનીગૌરી સાથે લગ્ન. સ્કૂલમાં ભૂમિતિ અને ગણિતમાં સારો દેખાવ કરેલો તે શિક્ષક ગ્રેહામ ગ્રીને 'ભૂમિતિ-નિષ્ણાત'-નું સર્ટિફિકેટ આપેલું. પત્નીના અવસાન પછી સૂરતમાં નોકરી. 'યાહોમ કરીને પડો, ફતેહ છે આગે ગાનાર' 'વીર' નર્મદ નાનપણમાં ભીરુ અને અન્તર્મુખી હતો. કાળકામાનાં દર્શન કરે -કહે, 'હું ઘણો અપરાધી છઉં, ક્ષમા કરજે, ને મા, મારું સારું કરજે.' ગાલે તમાચા મારે. પ્રકૃતિ-કવિતા લખનાર નર્મદ નાનપણમાં પ્રકૃતિથી જ ડરતો'તો. એને દરિયાની બીક લાગતી. જો કે એનામાં કવિને છાજે એવાં સંવેદનો જરૂર સ્ફુરતાં. લખ્યું છે : "બંદર પરથી ઘેર જતાં ચાંદની રાતે કોટમાંનાં મોટાં મકાનો જોઇ મને નવાઇ લાગતી, ને મને મુમ્બઇથી આગબોટમાં સુરત આવતાં વલસાડ આગળથી જે હવા બદલાવા લાગતી તે હજી સાંભરે છે."

એ જમાનામાં, સાત-આઠ વર્ષના નાનકાને પરણાવતા. પુરુષો બે-ત્રણ વાર પરણતા. પણ છોકરી નાની વયે રાંડે તો પણ એને રંડાપો વેઠવો પડતો. સાચા સુધારક નર્મદે પત્નીના અવસાન પછી વિધવા ડાહીગૌરી સાથે લગ્ન કરીને આઘાતક દાખલો બેસાડેલો. નર્મદના સાહિત્યલેખનના ઉધામા પણ સ્મરણીય છે. હરદાસનું કામ શીખવા પૂણે જઇને સંસ્કૃતનો અભ્યાસ કર્યો. પહેલી પરીક્ષા પાસ કર્યા વિના જ કૉલેજ છોડી દીધી. પિંગળ શીખવા ગોરધન કડિયા પાસે પદો ગાયાં, એને ખુશ કર્યો, ને પટારામાંથી 'છંદરત્નાવલી' તફડાવી લીધી ! વાલકેશ્વરના ભગવાનદાસના બંગલે દલપત-નર્મદ મળ્યા હતા. ત્યાં દલપતરામ સામે 'દોહરો' ને 'માલિની' છન્દનું પઠન કર્યું. કાવ્યચર્ચા કરી. 'સાગર' કહીને વખાણ્યા પણ મનમાં 'અંધ પ્રતિસ્પર્ધી' તરીકે સ્થાપી રાખ્યા ! માન્યતા બાંધેલી કે ભાંગ પીવી, પાક ખાવો અને સુધારો કરવો. કરસનદાસના બહુ પૈસા ઉડાવેલા પણ એમની સાથે રહીને 'નર્મકોશ' અને 'નર્મકવિતા'-નાં પ્રકાશન તો કર્યાં જ. જદુનાથજી મહારાજ સાથે શબ્દયુદ્ધમાં ઊતરવાની તત્પરતા દાખવી. નર્મદ હમેશાં સચ્ચાઇ અને આપસૂઝ્યા આગ્રહોથી જીવ્યો હતો. એટલે તો કહી શકેલો – 'વીર સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી.' જીવનમાં ભય, ભાવ-ભાવના ને ભાવુકતા હતાં પણ પરિશ્રમે કરીને નર્મદ વિકસ્યો છે. 'સમયવીર' પુરવાર થયો. પળોટાઇને પાછલી વયે 'ધર્મવિચાર' લખવા પ્રેરાયો. જો કે મહેતાજીપણું છોડીને કલમને ખોળે માથું મૂકવાની ઘટનાને હું નર્મદના જીવનની શિરમોર ઘટના ગણું છું. લખે છે :

'મારું મન કવિતા તરફ લાગેલું તેથી મને સ્કૂલમાં છોકરાઓ સાથે માથું ફોડવું દુરસ્ત ન લાગ્યું.' 'સાડા દસથી પાંચ લગી કાહુ કાહુ થાય' એ કવિત નર્મદે પોતાના સ્નેહી આસિસ્ટન્ટ માસ્તરોને દર્શાવેલું તો પેલાઓએ કહેલું – 'વાત તો ખરી છે'. નર્મદ લખે છે : 'નિશાળના કામમાં દિલ ન લાગ્યાથી મેં મારા બાપને પૂછ્યા વિના જ (૧૮૫૮ના) નવેમ્બરની ૨૩-મીએ સ્કૂલની નોકરી છોડી દીધી.' સાહિત્ય માટેની નર્મદની એ ફનાગીરી એ જમાનામાં તો દુ:ખદ દુ:સાહસ ગણાય.

વર્તમાનનું કશ્શીયે ફનાગીરી વિનાનું આપણું સાહિત્યજીવન, નથી લાગતું કે સુખદ છતાં તત્ત્વત: દુ:સાહસ જ છે?

નર્મદે જણાવ્યું છે કે 'આ હકીકત અધૂરી ને ખરડો છે'. એટલે કે, કાચું કામ છે. પણ ઉમેરે છે : 'આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહિ જ વિચારું તે તો હું નહિ જ લખું. પણ, આ હકીકતમાં જે જે લખીશ તે તો મારી જાણ પરમાણે સાચેસાચું જ લખીશ. પછી તે મારું સારું સારું હો કે નરસું હો, લોકોને પસંદ પડો કે ન પડો'. આજકાલ કેટલાક સમકાલિકો આત્મકથા લખવા માંડ્યા છે એ સારી વાત છે. આત્મકથા જીવનકથા ડાયરી કે પત્રલેખન ચરિત્ર-સાહિત્ય છે, લાઇફ-લિટરેચર. એ કોઇમાં ય સારું કે નરસું લખવાની છૂટ છે પણ એ બધું હકીકતોથી સાચેસાચું તો લાગવું જ જોઇએ. બીજું, આમાં 'આત્મ' કહેતાં 'સ્વ' કે 'હું' હાજરાહજૂર હોય છે. 'હું'-નો ચરિત્રલેખનમાં તો ખરો જ પણ સાહિત્ય સમગ્રમાં અપાર મહિમા છે. કેમ કે સાહિત્ય-કલાનો એ પ્રાણ છે. જો 'હું' નથી, 'સ્વ' નથી, તો સાહિત્ય કે કલા નથી. રહસ્ય એ છે કે 'સ્વ'-માં સ્થિર થયા પછી જ 'પર' લગી અને એ પછી જ 'સર્વ' લગી પ્હૉંચાય છે, બારોબાર કદી નહીં.

= = =

[પ્રગટ : ‘સાહિત્ય સાહિત્ય’ નામે લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 25 અૉગસ્ટ 2018]

સૌજન્ય : https://www.facebook.com/suman.shah.94/posts/2085828774781358?__tn__=K-R

Loading

...102030...3,0593,0603,0613,062...3,0703,0803,090...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved