Opinion Magazine
Number of visits: 9685974
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આછરતે અટલ અહોધ્વનિએ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|2 September 2018

અંજલિઓ અને સંસ્મરણોનો સહજ દોર આછરી રહ્યો છે, અને કળશયાત્રાઓના પ્રચારમાહોલ પછી કંઈક પોરો ખાવાની શક્યતા વરતાઈ રહી છે, ત્યારે અટલ ઘટનાને પૂરા આદર અને પૂરી અદબ સાથે ૨૦૧૮માં ઊભીને ૨૦૧૯ના સંદર્ભમાં તળેઉપર તપાસી શકીએ તો, બને કે, અંજલિઓનો આવકાર્ય પણ અહોધ્વનિ કંઈક લેખે લાગે.

ભારતીય જનસંઘના સ્થાપક પ્રમુખ શ્યામાપ્રસાદ મુખર્જીના નિધન વખતે સોપાને અંજલિનોંધમાં એક મુદ્દો એ કીધો હતો કે સદ્‌ગત નેતાની પ્રતિમા રાષ્ટ્રવાદીઓ વચ્ચે કોમવાદી જેવી તો કોમવાદીઓ વચ્ચે રાષ્ટ્રવાદી જેવી વરતાતી હતી. અહીં આપણે મુખર્જીની ચર્ચા અલબત્ત નથી કરતા, પણ ભારતીય જનતા પક્ષના પૂર્વાવતાર જનસંઘના પ્રમુખ એવા મુખર્જી વિશે જેમ સામસામા વિરોધ અને આંતરવિરોધની રીતે ટીકાટિપ્પણને અવકાશ હતો તેમ ભાવિ અનુગામી અટલબિહારી વાજપેયી વિશે પણ ‘રાઈટ મેન ઇન અ રૉંગ પાર્ટી’ (‘ખોટા પક્ષમાં સાચો માણસ’) એવા અવલોકનને સારુ સતત અવકાશ રહેતો આવ્યો છે, એ મુદ્દો વ્યાપક તપાસના આરંભે કરવાનો ખયાલ ચોક્કસ જ છે.

પાકિસ્તાનના સર્જનની કૃષ્ણછાયામાં અને ગાંધીહત્યા પછીના રાજકીય માહોલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એકલો પડી ગયાની વાસ્તવિકતામાંથી જનસંઘ અસ્તિત્વમાં આવ્યો. ગાંધીનેહરુપટેલ એકંદરમતીને અભિમત ભારત અને સંઘના દર્શન વચ્ચે (પટેલને પોતાના કરવાના અને એમ અલગ તારવવાના પ્રયાસ છતાં) છત્રીસનો સંબંધ રહ્યો છે તે સુવિદિત છે. છતે ભાગલે બિનસાંપ્રદાયિક અભિગમની દૂરંદેશી જે ત્યારના રાષ્ટ્રીય નેતૃત્વે દાખવી એનાથી હિંદુત્વ બળોનું વલણ સ્વાભાવિક જ સામા છેડાનું હતું. બલકે, દેશભરમાં કૉંગ્રેસ સહિતની રાજકીય છાવણીઓમાં પણ ભાગલાના જખમને કારણે બિનસાંપ્રદાયિક રાષ્ટ્રવાદના ખયાલ અંગે જે અસુખ હોઈ શકે તે સંઘ અને હિંદુ મહાસભા આદિ માટે અસુખનો અસ્થાયી અનુભવ નહીં પણ હાડોહાડ વિચારધારાનો સ્થાયી મામલો હતો. સામ્યવાદી પક્ષ સાથે સંલગ્ન સ્ટુડન્ટ્‌સ ફેડરેશન ઑફ ઇન્ડિયા અને ૧૯૪૨ના આંદોલન સાથે કિંચિત્‌ સંપર્ક અને સંસ્પર્શ પછી કિશોર અટલબિહારી સંઘ શાખામાં ઠર્યા હશે તે આ ગાળો હતો. આ ગાળામાં હરિવંશરાય બચ્ચનની ઘાટીએ ‘રગ રગ હિંદુ મેરા પરિચય’ જેવી રચના એક પૌગંડ (એડોલેસન્ટ) કવિને સારુ સહજ હતી. અલબત્ત, એમાં ‘કોઈ બતાયે કાબુલ જા મૈંને કિતની મસ્જિદે તોડી?’ જેવા કેવિયટનુમા અંદાજનીયે સગવડ હતી. ૧૯૯૨ના ડિસેમ્બરની છઠ્ઠીએ જે બન્યું તે પછી હિંદુત્વ રાજનીતિના આ ઉદ્રેક અને ઉત્પાતની ટીકા કરતાં મહીપસિંહે દૂરદર્શન પર વાજપેયીની આ પંક્તિ સચોટ ટાંકી હતી. આમે ય, વાજપેયીનું વલણ અયોધ્યા આંદોલનથી સલામત અંતરનું હતું તે સુવિદિત છે. કારસેવકો અયોધ્યા જાય છે કે લંકા એવી હળવીગંભીર નુકતેચીની પણ એમને નામે જમે બોલે છે.

… પણ રાઈટ મેન – રૉંગ પાર્ટીનું ઉખાણું છોડાવતે છોડાવતે વચલો ટપ્પો કુદાવીને આપણે એકદમ ૧૯૯૨ પર પહોંચી ગયા! વસ્તુતઃ ૧૯૭૪-૧૯૭૯નો જેપી જનતા તબક્કો નોંધ્યા વગર વાજપેયીની વિશેષતા(અને મર્યાદા)નો ખરો ને પૂરો તાગ શક્ય નથી. આ ગાળો જેપી આંદોલનને કારણે સ્વાતંત્ર્યસંગ્રામ સાથેના સંધાનપૂર્વક વ્યાપક વૈકલ્પિક પ્રવાહમાં જનસંઘની સ્વીકૃતિનો અને ખુદ જનસંઘ માટે શોધનની શક્યતાનો હતો. સંઘ-જનસંઘના સરેરાશ કાર્યકર (સ્વયંસેવક)ની મર્યાદા, વાજપેયીએ ત્યારે આ મતલબના શબ્દોમાં મૂકી આપી હતીઃ અમારા/ આપણા કાર્યકરો મોટેભાગે મધ્યમવર્ગમાંથી આવે છે, પણ આ રીતે જ્યારે આમ જનતામાં આંદોલનમાં જોડાઈએ છીએ ત્યારે વાસ્તવિક સુખદુઃખના સઘન સામાજિક સંસ્પર્શ અને સંસ્કારથી જાહેર જીવનના સંદર્ભમાં અમારું / આપણું ચારિત્ર્ય બદલાય છે. ૧૯૭૫ના માર્ચમાં નવી દિલ્હીના જનસંઘ અધિવેશનમાં, ‘સિંહાસન ખાલી કરો કિ જનતા આતી હૈ’ એ બિહાર આંદેલનમાં ગાજેલી દિનકરપંક્તિની પિછવાઈએ શોભતા મંચ પરથી બોલતાં વાજપેયીનું, સંઘી કવાયતી ઉછેરને લગીરે ઓછો આંક્યા વગર પણ એની મર્યાદાની પૂરી સભાનતા સાથેનું આ જેપી આકલન હતું.

આર.એસ.એસ. અને જનતા પાર્ટી એમ બેવડા સભ્યપદને અને બેવડી વફાદારીના મુદ્દે જ્યારે જનતા પક્ષમાં ભંગાણની સ્થિતિ સર્જાઈ ત્યારે મધુ લિમયેએ એક વાત માર્કાની કહી હતી કે સેક્યુલિરિઝમ અને લોકશાહી સમાજવાદ માટે આખા જનસંઘ ધાડિયામાંથી એકમાત્ર અટલબિહારી વાજપેયીની જ નિષ્ઠા સાફ હતી. તમે જુઓ, જનસંઘે જનતાઅવતાર પછી છૂટા પડવાનો પ્રસંગ આવ્યો, ૧૯૭૯માં, ત્યારે વાજપેયીએ, પાછો જનસંઘ જગાડવાને બદલે ભાજપ રૂપે નવા પક્ષની દિશામાં નાળચું વાળ્યું. સંઘી મર્યાદાઓને લાંધીને જનતા પ્રયોગની વિશેષતાઓ જાળવી લેવાની મંછા એની પૂંઠે હતી તે હતી. સંઘ શ્રેષ્ઠીઓ એમાં એક હદ સુધી સાથે હશે, પણ હિંદુત્વના નિંભાડા અને અખાડા સામે ખુલ્લી દુનિયામાં એમને કદાચ સોરવાતું નહીં હોય કે ગમે તેમ પણ ૧૯૭૭માં મળ્યું હતું એવું મતદાનીય ડિવિડંડ ૧૯૮૪-૮૫માં નહીં મળતાં વાજપેયીને ઇષ્ટ જનતા લબ્ધિને બદલે અડવાણીના હિંદુત્વ અભિગમને અગ્રતા અપાઈ. રથયાત્રાથી બાબરીધ્વસં લગીના ઘટનાક્રમે હિંદુત્વ રાજનીતિને જેપી આંદોલન કરતાં જુદી રીતે પણ મધ્યપ્રવાહ જેવી સ્થિતિમાં મૂકી આપી, અને અડવાણીને એના કેન્દ્રમાં.

આ પ્રક્રિયામાં (ખરું જોતાં વિક્રિયામાં) એ પ્રશ્નો અનુત્તર રહી ગયા જે વાજપેયીએ ઑગસ્ટ ૧૯૭૯માં જનતા ભંગાણ સંદર્ભે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં એક સાઈન્ડ આર્ટિકલમાં ઉપસ્થિત કર્યા હતાઃ

“આર.એસ.એસ. એક દેશભક્ત અને શિસ્તબદ્ધ તરુણોનું રાષ્ટ્રવ્યાપી સંગઠન હોઈ ઘણાની અદેખાઈને પાત્ર બન્યું છે. પણ આર.એસ.એસ.ની એકંદર તાસીર જોતાં અને સમાજના જે સ્તરમાંથી તે આવે છે એ જોતાં તે સત્તા કબજે કરી શકે તેમ નથી. ભારત જેવા બહુધર્મી, બહુભાષી, ભાતીગળ દેશમાં એ મોટા પાયા પર લોકોને સંચારિત પણ ન કરી શકે.

“સત્તાસાઠમારીમાં ચોક્કસ લાઈન લેતા અખબારી જૂથને પોષવાથી માંડીને જનતા પક્ષના યુવા ને મજદૂર સંગઠનોમાં જે વલણ આર.એસ.એસ. દાખવી રહ્યું છે એ બરાબર નથી. દિલ્હીમાં તાજેતરમાં પ્રજાને પાણીપુરવઠા બાબત પડેલી મુશ્કેલી પણ આ વલણમાંથી જ આવેલી હતી. આવા બનાવો કોઈ સંગઠનના બિનરાજકીયપણાને જેબ આપે તેવા તો નથી જ.

“આર.એસ.એસ.ના વડા દેવરસે તાજેતરમાં એક નિવેદનમાં કહ્યું છે કે સંઘમાં જોડાવા માટે બિનહિંદુઓને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. આર.એસ.એસ. તરફથી પોતે સાંપ્રદાયિક રાજ્યમાં માને છે એ વિધાનનો ચોખ્ખો ઈનકાર પણ તાજેતરમાં કરાયો છે. આ બધાનું ચોખ્ખું તર્કસંગત પરિણામ એ જ હોય કે આર.એસ.એસ. હિંદુરાષ્ટ્ર એટલે જેમાં બિનહિંદુઓનો પણ સમાન અધિકારપૂર્વક સમાવેશ થાય છે તેવું ભારતરાષ્ટ્ર એવું સ્પષ્ટ પ્રતિપાદન કરે છે. અથવા તો, બીજો વિકલ્પ એ છે કે આર.એસ.એસ. પોતાને નિર્ભેળપણે એક હિંદુ સામાજિક સાંસ્કૃિતક સંગઠન જાહેર કરે અને આર્ય સમાજની જેમ હિંદુ સમાજનાં દૂષણો સામે લડવાનાં ને રાહતનાં કામો કરે.

“એટલું ચોક્કસ છે કે લોકશાહી, બિનસાંપ્રદાયિકતા, સર્વ જાતિઓ અને સર્વ ધર્મોનું સરખું સ્થાન ને હિસ્સેદારી, હરિજનો-આદિવાસીઓને અકિંચનોની ઉન્નતિ વગેરે ચોક્કસ આદર્શોમાં રોપાયા વિના ભારતીય રાજનીતિ ટકી શકે તેમ નથી …”

આ વર્ષો એવાં હતાં જેમાં સાધ્વી ઋતંભરા જેવાં વાજપેયીને ‘આધા કૉંગ્રેસી’ કહીને ઉતારી પાડતાં હશે અને સંઘ શ્રેષ્ઠીઓ વાસ્તે પણ વાજપેયીનું સ્થાન હવે હાંસિયામાં જ અટલ હોવાની સમજ હશે. ૧૯૭૪થી ૧૯૯૫-૯૬ આવતે આવતે વાજપેયી એક પા જો હાંસિયામાં જણાતા હતા તો બીજી પા સામસામા પક્ષોથી ઉફરાટે એમની નાની પણ નિર્ણાયક સ્વીકૃતિ ઉભરતી આવતી હતી. કોઈ કોઈ વર્તુળો એમનો ઉલ્લેખ પંડિત અટલબિહારી નેહરુ તરીકે પણ કરતાં હશે. અડવાણીને જેમ કઈ રાજનીતિ ચાલશે એનો ખયાલ ૧૯૮૫માં આવ્યો હતો તેમ નવી રાજનીતિમાં કઈ વ્યક્તિ ચાલશે એનો જે ખયાલ ૧૯૯૫-૯૬માં આવ્યો હશે એને કારણે એમણે વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે અટલબિહારી વાજપેયીને આગળ કરવાપણું જોયું.

દેખીતી રીતે જ, આ જાહેરાત સંઘ શ્રેષ્ઠીઓની કિલ્લેબંધ દુનિયાને ઠેકી જઈને કરાયેલી હતી. પણ ફોર્મ્યુલા મજબૂત હતી એ વાજપેયીના વડાપ્રધાનપદે પહોંચવા સાથે અંકે થઈને રહ્યું. રાજકારણમાં ભા.જ.પ.ની જગ્યા કોમી ધ્રુવીકૃત રાજનીતિએ બનાવી, પણ એની સત્તા-સ્વીકૃતિ વ્યાપક વલણસરની એકંદરમતીએ બનાવી. અલબત્ત, ભા.જ.પ.નું માળખું અને એના પાયાના કાર્યકરો જે નિંભાડા અને અખાડાની સરજત હતા એના કરતાં આ વાત ગુણાત્મકપણે જુદી પડતી હતી એટલે ‘પ્રકૃતિં યાન્તિ ભૂતાનિ’ એ ન્યાયે એવાં એવાં ભળતાં ઇંગિતો મળતાં રહ્યાં જ્યારે વાજપેયીને પક્ષે તંગ દોર પરની નટચાલનો કુલીન તકાજો અનિવાર્ય બની રહેતો. રાષ્ટ્રીય સુરક્ષાની રીતે જાગૃતિપૂર્વક પણ પાકિસ્તાન સાથે સુલેહસમજૂતીની વાજપેયીની કોશિશ, એ આવી એક રાજપુરુષોચિત નટચાલનું ઉદાહરણ છે. રેંજીપેંજી રાજકારણીના વશની વાત એ નથી. કમાલ તો વાજપેયીએ જ્યાં પાકિસ્તાનનો ઠરાવ થયો એ કીર્તિસ્થંભ (મિનારે પાકિસ્તાન)ની સત્તાવાર મુલાકાત લઈને કરી હતી. અડવાણીને એમનું ઝીણાયન ભારે પડ્યું પણ વાજપેયી સંઘમાન્ય પાપપુણ્યની બારીમાંથી પસાર થઈ ગયા એ નોંધપાત્ર છે.

જમ્મુ-કાશ્મીરમાં એમણે જમ્હુરિયત, કશ્મીરિયત, ઇન્સાનિયતની જે હિમાયત કરી હતી તે રાષ્ટ્રવાદના પરંપરાગત સંઘી ખયાલને વટી જઈને કરાયેલી હતી. નમો-ટ્રમ્પ મંડળી જે ‘નેશન ફર્સ્ટ’ આલાપે છે એના કરતાં તે તત્ત્વતઃ ન્યારીનિરાળી હતી. માત્ર સાંકડો કોમી ખયાલ જ નહીં નકરું રાષ્ટ્ર રાષ્ટ્ર પણ ઓછું ને પાછું પડે છે એ સમજવા જેવું છે.

ગુજરાત ૨૦૦૨માં રાજપુરુષોચિત સમજ અને સંવેદનાએ એમની કને રાજધર્મનું પ્રબોધન તો કરાવ્યું, પણ રાજધર્મચૂક બાબતે ફોલોઅપ ઍકશન (મુખ્યમંત્રી નમોનું રાજીનામું) એમના હસ્તે લેવાતાં લેવાતાં રહી ગયું. પરિણામે, મુકામ પર પહોંચવાને બદલે એમની કૂચ વચમાં માંચીએ જ ક્યાંક મોચવાઈ ગઈ. ૨૦૧૪નું વિશ્લેષણ અત્યારે નહીં કરતાં ૨૦૦૪ સબબ એટલું જ કહીશું કે પેલું જે મોચવાયું તેને કારણે દિલ્હી હાથમાંથી ગયું.

ગુજરાત ઘટનાઓ વાજપેયી તરફી એકંદરમતીને જફા પહોંચાડી અને લોકસભાનાં ૨૦૦૪નાં ચૂંટણી પરિણામમાં એ સાફ જણાઈ આવ્યું તે પછી દસે વરસે, ૨૦૧૪માં, ભા.જ.પ. પાછો દિલ્હી તખતે ઝળક્યો. પણ આ જીતના હોર્મોન્સ ને જિન્સમાં ૨૦૦૨ પડેલું હતું. અલબત્ત, વિકાસનું વાજું વીસ-પચીસ ટકા હાર્ડકોરમાં વધારા વાસ્તે ખપમાં લઈને એકત્રીસ ટકે પહોંચી શકાયું હતું. તે પછીની દાસ્તાં કૉંગ્રેસ વત્તા ગાય શૈલીએ કોમી ઉંબાડિયાં – અને તે પણ મૉબ લિન્ચિંગની નવ્ય હદે – ચાલુ રખાયાંની છે. ૨૦૧૯નો ચૂંટણી વ્યૂહ વખત વખતનાં વાજાં સમેત અને છતાં હાડમાં અંતરિયાળ કોમવાદને લાંઘવાનો નહીં પણ લણવાનો હશે એવાં સઘળાં ચિહ્‌ન છે. હમણે હમણેનાં અટલ અહોધ્વનિના લાભાર્થીઓના પક્ષે એ નરી વિડંબના હશે. અટલ નામની ઘટના દેખીતી સફળતાનિષ્ફળતા છતાં એક કરુણભવ્ય ઊંચાઈને જરૂર આંબી શકી હોત પણ તે કેવળ કારુણિકામાં કેમ સમેટાઈ ગઈ એ અંગે આત્મનિરીક્ષણની ઇન્દ્રિય સત્તાર્થીઓ તો મ્યાન રાખી શકે, પણ નાગરિક એના ઉજાસમાં ધોરણસર દરમ્યાન થવા કેમ ન ઇચ્છે? ૨૦૧૮ના અંતભાગમાં રાજ્યોની ચૂંટણી અને ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી આવો અવસર કહો તો અવસર અને પડકાર કહો તો પડકાર લઈને આવે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2018; પૃ. 03-04

Loading

સામાન્ય ચૂંટણી નજીક આવી રહી છે એમ સરકાર રઘવાઈ થઈ ગઈ હોય એમ નજરે પડે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|1 September 2018

તાજેતરમાં બનેલી બે–ચાર ઘટનાઓ સાથે જોવી જોઈએ કે જેથી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે સરકાર શું કરી રહી છે એનો ખ્યાલ આવે. ‘ઇકોનોમિક ટાઈમ્સ’ના અહેવાલ મુજબ, વડા પ્રધાનના કાર્યાલયે બી.જે.પી. શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોને પત્ર લખીને કહ્યું છે કે તમારા રાજ્યમાં જો કોઈ પ્રકલ્પ પૂરો થઈ ગયો હોય કે પૂરો થવામાં હોય તો તેના ઉદ્દઘાટન માટે વડા પ્રધાનને બોલાવવાનું ભૂલશો નહીં. જો કોઈ પ્રકલ્પ પૂરો થવાની નજીક હોય તો ખાસ અગ્રતાક્રમ આપીને તેને પૂરો કરવામાં આવે કે જેથી વડા પ્રધાન તેનું ઉદ્દઘાટન કરી શકે. ગયા મહિનાની ૧૦મી જુલાઈએ વડા પ્રધાને નોએડામાં વિશ્વની સૌથી મોબાઈલ ફેક્ટરીનું ઉદ્દઘાટન કર્યું હતું. ઉદ્દઘાટન સમારંભ રંગેચંગે પતી ગયો, ત્યાં કોઈકે કહ્યું કે ફેક્ટરી તો ૨૦૦૫માં સ્થાપવામાં આવી હતી અને તેનું ત્યારે ઉદ્દઘાટન પણ થયું હતું, અત્યારે તો ફેક્ટરીની ક્ષમતામાં માત્ર વધારો કરવામાં આવ્યો છો. આમ તો મોટા ભાગનાં મીડિયા ખોળામાં બેઠેલાં છે, પણ બે–ચાર મીડિયા એવાં છે જે રંગમાં ભંગ પાડ્યાં કરે છે. તેઓ ભક્તોનો નશો ઉતારવાનું મહાપાતક કરી રહ્યા છે એની તેમને જાણ નથી.

બીજી ઘટના ગયા અઠવાડિયે ‘હિંદુ’ નામના અખબારમાં પ્રકાશિત થઈ છે. અહેવાલ મુજબ દેશભરમાં પેટ્રોલ પંપ પર ‘પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના’નું વિશાળ કદનું હોર્ડિંગ મૂકવું જરૂરી છે. જે પેટ્રોલ પંપવાળાઓ કોઈ કારણથી હોર્ડિંગ નથી મૂકતા તેમને સમયસર પેટ્રોલ આપવામાં આવતું નથી. ભક્તિ કરો, કાં ભૂખ્યા રહો, એમ બે જ વિકલ્પ છે, તેમની પાસે. એ હોર્ડિંગ પણ પાછું આવતા–જતા પ્રવાસીઓને નજરે પડે એમ પેટ્રોલ પંપની બહારની બાજુએ હોવું જોઈએ એવો આગ્રહ રાખવામાં આવે છે. અંદર હોય એ ન ચાલે. બને છે એવું કે કેટલીક વાર પોલીસ વળાંક પર રસ્તાને ઢાંકતા હોર્ડીંગો હટાવવાની કે પાછળ ખસેડવાની પેટ્રોલ પંપવાળાઓને સૂચના આપે છે. સાહેબની આડે બે બદામનો આર.ટી.ઓ.નો હવાલદાર આવે? પેટ્રોલ સપ્લાય કરવાનું બંધ કરો, સાલાઓને એટલે ખ્યાલ આવે કે સાહેબ શું ચીજ છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ જેવા ઝુકરબર્ગને સાહેબે ધકો મારીને બાજુએ હડસેલી દીધો હતો, તો હવાલદાર કઈ ચીજ છે? ઝુકરબર્ગને ધ્યાન નહોતું રહ્યું કે તે વિશ્વના અત્યાર સુધીના સૌથી મોટા નેતા અને કેમેરાની વચ્ચે ઊભો છે.

હવે ત્રીજી ઘટના. બે દિવસ પહેલા ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવી હતી. ચૂંટણી નજીક છે ત્યારે સ્વાભાવિક ક્રમે ચૂંટણી પંચ રાજકીય પક્ષોની બેઠક બોલાવીને તેમને સાંભળે છે. એ બેઠકમાં ઈ.વી.એમ. સહિત અનેક બાબતે ચર્ચા થઈ હતી જેમાં એક મુદ્દો ચૂંટણી ખર્ચ ઘટાડવાને લગતો હતો. ચૂંટણીખર્ચ મર્યાદાનું પાલન કરવામાં આવે અને એને લગતા કાયદાઓ અને નિયમો વધારે સખ્ત કરવામાં આવે, એવું પંચનું સૂચન હતું. આની પાછળનો ઈરાદો લોકશાહીની ગુણવત્તા સુધારવાનો હતો. દરેક પક્ષે પંચના સૂચનને આવકાર્યું હતું, માત્ર બી.જે.પી.એ તેનો વિરોધ કર્યો હતો. બીજા પક્ષોની માફક ઢોંગ પણ શા માટે કરવાનો, જ્યારે આપણી પાસે અઢળક પૈસા છે. બીજું સૂચન ગુનેગારી માટે સજા પામેલા ઉમેદવારોને ચૂંટણી લડતા રોકવાનું હતું. બી.જે.પી.એ તેનો પણ વિરોધ કર્યો હતો. હા, ઢોંગ નહીં કરવા, માટે બી.જે.પી.ને માર્ક્સ આપવા હોય તો સોમાંથી સો આપી શકાય. 

ચોથી ઘટના તીન મૂર્તિ હાઉસમાં આવેલા નેહરુ મેમોરિયલ લાયબ્રેરી એન્ડ મ્યુિઝયમને ખેદાન મેદાન કરવાની છે. જવાહરલાલ નેહરુના સગડ ભૂંસી નાખવા માટેની આ ચેષ્ટા છે. ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે વડા પ્રધાનને પત્ર લખીને કહ્યું છે કે સરકાર આ જે કરી રહી છે એ બરોબર નથી. શા માટે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, નેહરુ મેમોરિયલ લાયબ્રેરી, આઈ.આઈ.ટી. જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓને ખતમ કરો છો? જોઈએ તો નવી સ્થાપો તમને કયાં કોઈ રોકે છે. કોઈની રેખા ટૂંકી કરીને પોતાની રેખા મોટી બતાવવી એ માણસાઈ નથી, એમ ભૂતપૂર્વ વડા પ્રધાને લખ્યું છે. તમને તમારી રેખા લાંબી ખેંચતા ક્યાં કોઈ રોકે છે?

મોદી સરકાર નેહરુ મેમોરિયલ લાયબેરી એન્ડ મ્યુિઝયમને ભારતના દરેક વડા પ્રધાન માટેના મ્યુિઝયમમાં ફેરવવા માંગે છે. આનો અર્થ એ થયો કે નરેન્દ્ર મોદીને જવાહરલાલ નેહરુની હરોળમાં બેસવું છે. મનમાં રહેલું ઊંડુ આકર્ષણ ધિક્કારનું છુપું કારણ હોય છે, એમ જે માનસશાસ્ત્રીઓ કહે છે એ ખોટું નથી. નેહરુ કોઈક એવી ચીજ છે જેની હરોળમાં સ્થાન પામવાની દરેકને ઈચ્છા થાય. ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ તો જાહેરમાં કબૂલ્યું હતું કે તેઓ નેહરુના અનુગામી હોવા માટે ગર્વ અનુભવે છે. તેમને તીન મૂર્તિ ભવનમાં સ્થાન પામવાનો અભરખો નહોતો, કારણ કે આકર્ષણ ક્ષૂપું નહોતું, પ્રગટ હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થયે સો વરસ થવા આવ્યા છે, પણ સો વરસમાં સંઘે એવી એક પણ સંસ્થા સ્થાપી નથી, જેનું નામ પડતા મનમાં આદરની લાગણી થાય. સંસ્થાઓ એ જ સ્થાપી શકે જેનું વિઝન મોટું હોય, બાકી તોડવા માટે ક્યાં કોઈ વિઝનની જરૂર પડે છે. જવાહરલાલ નેહરુએ આઝાદી પછીના એક દાયકામાં આઇ.આઇ.ટી., ઈસરો, બી.એ.આર.સી., એન.સી.એલ., આઈ.આઇ.એમ., એઈમ્સ જેવી એક ડઝન માતબર સંસ્થાઓ સ્થાપી હતી. માત્ર એક દાયકામાં એક ડઝન અને એ પણ બધી વિશ્વવિખ્યાત.

પાંચમી ઘટના મુકેશ અંબાણીની જિયો યુનિવર્સિટીને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીનું સ્ટેટસ આપવાની છે. જે યુનિવર્સિટીની હજી સ્થાપના નથી થઈ, એ યુનિવર્સિટી પ્રતિષ્ટિત (યુનિવર્સિટી ઓફ એમિનન્સ) બની ગઈ? કોઈ આવું સાંભળે તો પણ ગાંડા ગણે. પણ એવું બન્યું છે. ‘ઇન્ડિયન એક્સપ્રેસે’ માહિતીના અધિકારના કાયદાનો ઉપયોગ કરીને માહિતી મેળવી છે કે રિલાયન્સ જિયો યુનિવર્સિટીને ગર્ભાધાન પહેલાં વરાવવાની વડા પ્રધાનની દરખાસ્તનો સરકારના દરેક સંબંધિત મંત્રાલયે વિરોધ કર્યો હતો. વિરોધની નોંધ અને તેનાં કારણો ‘ઇન્ડિયન એક્સપ્રેસે’ તેના બુધવાર અને ગુરુવારના અંકમાં આપ્યાં છે. નાણા મંત્રાલયે વિરોધ કરતા કહ્યું હતું કે જેનું અસ્તિત્વ જ ન હોય, તેને પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ગણાવીને કરોડો રૂપિયા આપવા કેવી રીતે? હવામાં જેનું અસ્તિત્વ હોય તેને નાણાકીય ફાળવણી કરવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી. આ નોંધ તમે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં જોઈ શકો છો.

શિક્ષણ મંત્રાલયે (પ્રકાશ જાવડેકરનું, સ્મૃિતબહેનનું નહીં) પ્રસ્તાવનો વિરોધ કરતા લખ્યું હતું કે પહેલાં યુનિવર્સિટી સ્થપાવી જોઈએ, તેની છથી આઠ બેચ બહાર પડવી જોઈએ, તેમની પ્લેસમેન્ટ અને બીજા વૈશ્વિક ધોરણ મુજબ એક્સલન્સની ચકાસણી થવી જોઈએ, એ રીતે યુનિવર્સિટીનું એક્સલન્સ એસ્ટાબ્લિશ થવું જોઈએ એ પછી યુનિવર્સિટી ઓફ એમિનન્સનો દરજ્જો આપી શકાય. શિક્ષણ મંત્રાલયે લખ્યું છે કે આમાં યુનિવર્સિટી સ્થપાયા પછી ઓછામાં ઓછા દસ વરસ લાગે.

આમ છતાં નાભિએ ચાંદલો કરીને જિયો યુનિવર્સિ ટીને વરાવવામાં આવી જે રીતે રાફેલ સોદામાં અનિલ અંબાણીની હજુ અસ્તિત્વ નહીં ધરાવતી કંપનીને નાભિએ ચાંદલો કરીને વરાવવામાં આવી હતી. એક જમાનામાં નાભિએ ચાંદલો કરીને સગપણ થતાં હતાં, ત્યારે કમસેકમ ગર્ભાધાન તો થયેલું રહેતું જયારે અહીં તો બન્ને કિસ્સામાં ગર્ભાધાન પણ થવાનું બાકી છે.

આ બધી ઘટનાઓને સાથે જોશો તો શું ચિત્ર ઉપસે છે? વિચારી જુઓ.

સૌજન્ય : ‘કારણ–તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ–ડે”, 01 સપ્ટેમ્બર 2018

Loading

આ ધરતી પર ઈશ્વરનું રાજ્ય સ્થાપવાનું છે, પણ કયા ઈશ્વરનું? કોના ઈશ્વરનું?

રમેશ ઓઝા|Opinion - Opinion|31 August 2018

પોતાનો ધર્મ દરેકને વહાલો હોય છે અને ધર્મસંસ્કાર ગળથૂથીમાં મળતા હોવાથી ખાસ કોઈ મહેનત વિના એ જિંદગીનો હિસ્સો બની જતા હોય છે. ધર્મમાં નીતિ છે, ન્યાય છે, કરુણા છે એમ દરેક પ્રકારનાં માનવીય મૂલ્યો છે એવી પણ આપણી શ્રદ્ધા છે અને એવી પાછી દ્રઢ શ્રદ્ધા છે. દરેકને એમ લાગે છે કે એક આદર્શ જીવન જીવવા માટે પોતાના ધર્મમાં એ બધું જ છે જે હોવું જોઈએ. આવી શ્રદ્ધા આજકાલની નથી, હજારો કે સેંકડો વરસ જૂની છે.

સવાલ એ છે કે આપણી નજરમાં જે સંપૂર્ણ છે અને સહજસાધ્ય છે એ ધર્મને ઘરની ચાર દીવાલોમાં કે અંગત જીવનમાં મર્યાદિત રાખીને આધુનિક રાજ્ય અપનાવવાની જરૂર શું કામ પડી? ધર્મિક રાજ્યની જગ્યાએ આધુનિક નાગરિક રાજ્ય વિકસાવવા માટે કોઈ ઓછી પળોજણ કરવી પડે? કેટલેક અંશે ધર્મસંસ્કાર ભૂંસવા પડે, નાગરિકસંસ્કાર વિકસાવવા પડે, બંધારણ ઘડવું પડે, આધુનિક સેક્યુલર કાયદાનું રાજ વિકસાવવું પડે કોઈ ઓછી પળોજણ છે? જે સહજસાધ્ય છે, જે ગળથૂથીમાં મળે છે એને છોડીને જગતના કેટલાક દેશોએ કષ્ટસાધ્ય માર્ગ શા માટે અપનાવ્યો?

બે શક્યતાઓ છે. એક શક્યતા એવી છે કે જેને પુનર્જાગરણ (રેનેસાં) તરીકે ઓળખાવવામાં આવે છે એ આંદોલનના વિચારકો હકીકતમાં જાગેલા નહીં, સૂતેલા હોવા જોઈએ. એ બેવકૂફોએ ધર્મ નામની સુંદર, સંપૂર્ણ અને સહજસાધ્ય ચીજને આપણી પાસેથી દૂર ધકેલી દીધી તેમ જ અંગત જીવન પૂરતી મર્યાદિત કરી દીધી અને એની જગ્યાએ એવા રાજ્યની કલ્પના કરી જે કષ્ટસાધ્ય હોય. એ બેવકૂફો સર્વગુણસંપન્ન ધાર્મિક રાજ્ય હડસેલતા ગયા અને તેની જગ્યાએ સેક્યુલર રાજ્યનું ડીંડવાણું પકડાવતા ગયા.

બીજી શક્યતા એવી છે કે એ લોકો બેવકૂફો નહોતા, પણ ખરેખર જાગેલા અને જગાડનારા હતા. તેમણે જગતના ઇતિહાસનો નીરક્ષીર અભ્યાસ કર્યો હતો, ધર્મ નામની સંસ્થાનો નીરક્ષીર અભ્યાસ કર્યો હતો, ભાવિ સમાજ(જેમાં આપણે છીએ)ના સ્વરૂપને સમજી લીધું હતું અને આવી રહેલા યુગની જરૂરિયાતો સમજી લીધી હતી. તેમને એમ લાગ્યું હોવું જોઈએ કે અસ્મિતાઓ સ્વભાવત: પ્રતિદ્વંદ્વી હોવાની. બીજી અસ્મિતા ન હોય તો પહેલી અસ્મિતાનું કોઈ વજૂદ જ નથી રહેતું. આમ જગતમાં અસ્મિતાઓનો સંઘર્ષ થતો આવ્યો છે અને એમાં ધાર્મિક અસ્મિતા તો વધારે બળકટ છે. આ જગતમાં ધર્મના નામે જેટલી હિંસા થઈ છે એટલી સત્તા માટે નથી થઈ. બીજી બાજુ નાગરિકની કોઈ અસ્મિતા જ નથી હોતી. ભારતીય નાગરિક હોવાની ઓળખ જરૂર છે, અસ્મિતા નથી. આમ અસ્મિતારહિત આધુનિક રાજ્ય એ સેક્યુલર રાજ્ય. ધર્મરહિત નહીં, અસ્મિતારહિત એ સેકયુલરિઝમનો સાચો આર્થ છે.

બે વિકલ્પો છે. જો તમે તમારી જાતને રેનેસાં યુગના વિચારકો કરતાં વધારે બુદ્ધિમાન માનતા હો, તો તમારે એ બેવકૂફોને કચરાટોપલીમાં ફગાવી દેવા જોઈએ. તમારે તમારા સ્વયંસપૂર્ણ ધર્મની આરાધના કરવી જોઈએ, એનો પ્રચાર કરવો જોઈએ, એના આધારિત રાજ્ય કેવું રળિયામણું હોવાનું એની સોનેરી કલ્પનાઓ કરવી જોઈએ, સેક્યુલર રાજ્યની મર્યાદા બતાવવી જોઈએ, ધર્મ આધારિત રાજ્યની વિશેષતાઓ બતાવવી જોઈએ, વગેરે. આ બધું જ તમારા માટે શક્ય છે, કારણ કે તમે રેનેસાં યુગના વિચારકો કરતાં વધારે બુદ્ધિમાન છો અને દૂરનું જોઈ શકો છો. આવું માનનારા તમે એકલા નથી એટલે શરમાવાની કે સંકોચ કરવાની પણ જરૂર નથી. મુસ્લિમ દેશોમાં અનેક પાઘડી પહેરેલા કે ટોપી પહેરેલા મૌલાનાઓ તમારી સાથે છે. હાથમાં શસ્ત્રધારી જેહાદી તમારી સાથે છે. ખ્રિસ્તી અને બૌદ્ધ દેશોમાં પણ થોડા આવા મળી રહેશે. હવે સોશ્યલ મીડિયા હાથવગાં થયાં છે એટલે અજાણ્યા વિચારકો પણ ઉમેરાયા છે.

આવો બહાર આવો. તમારી સંખ્યા વધી રહી છે એટલે ડર્યા વિના તમારી બુદ્ધિપ્રતિભાનો અમને લાભ આપો. પ્લીઝ અમારી આંખો ફરતે બાજેલાં પડળો દૂર કરો. આ તમારો યુગધર્મ છે જે તમારે બજાવવો જોઈએ. સોશ્યલ મીડિયા પર બે ગાળો લખીને તમે તમારી દાર્શનિક પ્રતિભાને વેડફો છો એ જોઇને દુ:ખ થાય છે. તમારે તો ફ્રાન્સિસ બેકન, થોમસ હોબ્સ, જે. જે. રૂસો અને વોલ્તેર (જો નામ સાંભળ્યા હોય તો) જેવા આધુનિક યુગના મ્લેચ્છ વિચારકોને તેમની જગ્યા બતાવી દેવી જોઈએ અને પાછું એવું સામર્થ્ય તમે ધરાવો પણ છો. તમારો યુગધર્મ આધુનિક સેક્યુલર રાષ્ટ્રના ભાંગીને ભુક્કા કરીને અરબી સમુદ્રમાં પધરાવી દેવાનો છે અને તેની જગ્યાએ હિંદુરાષ્ટ્રની સ્થાપના કરવાનો છે. આને માટે વૈકલ્પિક વિચારદર્શનની થીસિસ જોઈએ જે તમે વિકસાવી શકો એમ છો.

આ વિરાટ કાર્ય છે, કહો કે યુગકાર્ય છે જે સોશ્યલ મીડિયા પર સેક્યુલરિસ્ટોને બે ગાળો આપીને નહીં થાય. આવો બહાર આવો, દેશ લલકારી રહ્યો છે ત્યારે તમે સોશ્યલ મીડિયા પર અમારા જેવા તુચ્છ લોકોને ગાળો દેવામાં સમય નહીં બગાડો. જો આળસ કરશો તો મુસલમાનો આગળ નીકળી જશે. તેઓ તો ક્યારના હાથમાં સ્ટેનગન લઈને ઇસ્લામિક રાજ્યની સ્થાપના કરવા નીકળી પડ્યા છે. તેમને પણ તમારી જેમ આધુનિક લોકતાંત્રિક સેક્યુલર રાજ્ય સ્વીકાર્ય નથી. તેમને પણ એમ લાગે છે કે તેમનો ધર્મ નિતાંત સંપૂર્ણ અને સુંદર છે. તેમનો નિર્દોષ ધર્મ દરેક યુગ માટે અને દરેક પ્રજા માટે છે. જે તમે તમારા ધર્મ માટે માનો છો એ જ એ લોકો પણ તેમના ધર્મ માટે માને છે. એક અક્ષરનો પણ ફરક નથી.

જે તમે માનો છો એ જ બીજા માને છે, જે સપનાં તમે જુઓ છો એ જ બીજા જુએ છે. જે તમે કરવા માગો છે એ જ બીજા કરવા માંગે છે. તમે બધા એક જ દિશાના પ્રવાસીઓ છો, ધર્મની અસ્મિતા અલગ અલગ છે. આનું શું પરિણામ આવે છે એ જાણો છો? આમ તો તમે રૂસો અને વોલ્તેરને ભૂંસી નાખવા જેટલી દાર્શનિક પ્રતિભા તમે ધરાવો છો એ છતાં આ નાચીજ ધ્યાન દોરવાની ગુસ્તાખી કરે છે. તમે બધા એક જ દિશાના પ્રવાસી છો એટલે કૂચ સમાંતરે ચાલે છે. ભૂમિતિમાં તમે ભણ્યા હશો કે સમાંતરે ચાલતી બે રેખા ક્યારે ય એકબીજાને મળતી નથી. આમ તમે બધા એક જ દિશાના પ્રવાસી છો એટલે એકબીજાનો ભેટો થવાનો નથી અને સાચો ધર્મ કોનો એ નક્કી કરવા માટે ધીંગાણું ક્યારે ય થવાનું નથી.

સમાંતરે ચાલતી હિંસક ધાર્મિક કૂચોમાં જે હિંસા થાય છે ધર્મસહોદરની થાય છે. સ્વતંત્રપણે વિચારનારાઓની, અલગ અવાજો વ્યક્ત કરનારાઓની, ચેતવણીઓ આપનારાઓની, અસ્મિતાઓના બોજાઓથી મુક્ત રહીને સર્જન કરવા ઈચ્છતા સર્જકોની, કાંઈક નવું વિચારનારા અને કરનારાઓની થાય છે. તેમની હત્યાઓ કરવી સહેલી છે, કારણ કે તેમની ભીડ હોતી નથી. છેલ્લા ત્રણ દાયકામાં ઇસ્લામિક રાજ્ય માટેના જેહાદીઓએ એકાદ લાખ મુસલમાનોને રહેંસી નાખ્યા હશે. એમાં તેમના પોતાના સંતાનો પણ ખરા, કારણ કે ધર્મઝનૂન અને ટોળાં એ બે મળે પછી વિવેક માટે કોઈ જગ્યા બચતી જ નથી. આની શરૂઆત આપણે ત્યાં પણ થઈ ગઈ છે.

શું થાય માનવીય મૂલ્યોની પીપૂડી વગાડનારાઓને મૂંગા તો કરવા જ પડશે. આપદ્ધર્મ છે! આગળ વધો તમે એકલા નથી. આ ધરતી પર ઈશ્વરનું રાજ્ય સ્થાપવાનું છે, પણ કયા ઈશ્વરનું? કોના ઈશ્વરનું?

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 31 અૉગસ્ટ 2018

Loading

...102030...3,0503,0513,0523,053...3,0603,0703,080...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved