Opinion Magazine
Number of visits: 9685793
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આંખે ભી કમાલ કરતી હૈ, પર્સનલ સે સવાલ કરતી હૈ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 September 2018

પ્રિયા પ્રકાશ વેરિયર યાદ છે, જેની આંખના ઉલાળે સોશ્યલ મીડિયાના ધબકારા વધી ગયા હતા, અને હૈદરાબાદ પોલીસે, અમુક લોકોની ફરિયાદના આધારે, એની સામે ઈશનિંદા(ઈશ્વરના અપમાન)નો અપરાધ નોધ્યો હતો? સુપ્રિમ કોર્ટે આ ફરિયાદ કાઢી નાખીને કહ્યું છે કે, "તમારી પાસે બીજો કોઈ કામ-ધંધો નથી કે, કોઈ વ્યક્તિ ફિલ્મમાં ગીત ગાય અને તમે એની સામે કેસ ફાઈલ કરો છો?" મલયાલમ ફિલ્મ 'ઓરું અદાર લવ'ના ગીતમાં પ્રિયાએ મોહમ્મદ પયગમ્બરનું અપમાન કર્યું છે, અને મુસ્લિમ કૌમની લાગણી દુભાવી છે, તેવી ફરિયાદ ગયા વર્ષે નોધાઇ હતી.

ફરિયાદીઓએ કહ્યું હતું કે, "આ ગીતમાં એક સ્કૂલગર્લ અને છોકરો આંખોના ઉલાળા કરે છે. આંખો મારવી ઇસ્લામમાં પ્રતિબંધિત છે. મોહમ્મદ પયગંબર અને તેમની પત્નીની સ્તુિતમાં ગવાતા આ ગીતમાં આંખો મારતું દ્રશ્ય ગોઠવીને લાગણી દુભાવામાં આવી છે." કોર્ટે કહ્યું કે, "આંખ મારવાની વાત સાચી હોય તો પણ, એ ધાર્મિક લાગણી દુભાવાના આશયથી નથી, અને કોઈ ગુનો બનતો નથી."

પ્રિયાએ બેંચને રજૂઆત કરી હતી કે, "મોહમ્મદ પયગંબર અને એમની પહેલી પત્ની વચ્ચેના પ્રેમની પ્રશંસા કરતા આ ગીતમાં ફરિયાદીઓએ ગેરસમજ કરી છે, અને આ પરંપરાગત ગીત તો ઉત્તર કેરળના મલબાર પ્રદેશમાં મુસ્લિમો દ્વારા પણ ગાવામાં આવે છે. અચાનક આ ગીત કેવી રીતે લાગણી દુભાવતું થઇ ગયું?" સુપ્રિમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે, આ મલાયાલી લોકગીત ૧૯૭૮થી પ્રચલિત છે, અને એમાં કોઈ નિંદા થતી નથી.

ફરિયાદીઓએ કુરાનની આયાત ટાંકીને કહ્યું હતું કે, ઇસ્લામમાં કોઈને સેકસુઅલ ઈશારા માટે કે જૂઠ બોલવા માટે આંખ મારવી હરામ છે. પહેલી વાત તો એ કે, ઇસ્લામમાં આવી કોઈ પાબંધીનો સંદર્ભ નથી. રૂઢિચુસ્ત મુસ્લિમો ફિલ્મો અને સંગીતને હરામ ગણે છે. પયગમ્બર અને અને એમની પહેલી પત્નીની પ્રશંસામાં ગવાતું આ મલાયાલી લોકગીત ફિલ્મમાં લેવાયું અને એમાં એક દ્રશ્યમાં પ્રિયા આંખ મારે છે, એટલે કેટલાક અધકચરા મૌલવીઓએ એવી તકરાર ઊભી કરી કે, આંખ મારવી એ હરામ છે.

અલગ અલગ સમાજોમાં આંખ મારવાને લઈને વિવિધ અર્થો છે. લેટિન અમેરિકન દેશોમાં એનો અર્થ સેકસુઅલ થાય છે. યુરોપમાં, ખાસ કરીને ફ્રાંસમાં, આંખ મારવાને રોમેન્ટિક ઈશારો નથી ગણાતો. ચીનમાં હાવભાવનો બહુ ઉપયોગ થતો નથી, આંખ મીલાવીને વાત થતી નથી, એટલે આંખ મારવી એ અપમાનનો સંકેત છે. પશ્ચિમ આફ્રિકન દેશોમાં મહેમાનની હાજરીમાં પિતા બાળકને આંખ મારે, તો એનો અર્થ એણે બીજા કમરામાં જતા રહેવું, એવો થાય છે. ઇસ્લામમાં સ્ત્રીની આંખમાં જોવું એ અસભ્યતા છે, એટલે આંખ મારવી એ અશ્લીલ ગણાય છે.

આંખ મારવી એ, ખાનગી અને જાહેર, બંને ક્રિયા છે. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ વેળા વડાપ્રધાન મોદીને આલિંગન આપ્યા પછી, રાહુલ ગાંધીએ આંખ મારીને દેશમાં કોલાહલ ઊભો કર્યો હતો. પ્રિયાએ ત્યારે કહ્યું હતું, "મઝા આવી ગઈ. આ તો મારી સિગ્નેચ્ચર હતી." ૨૦૦૮માં અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ૭ કરોડ દર્શકોની સામે વાઈસ-પ્રેસિડેન્ટપદની ઉમેદવાર સારાહ પાલીને એક નહીં, છ વાર આંખ મારીને અમેરિકાની આંખો પહોળી કરી નાખી હતી. તેના પ્રતિસ્પર્ધી જોઅ બીદને ત્યારે કહેલું, "આ કોક નાચનારી જેવી છે. આ અમેરિકાની પ્રેસિડેન્ટ બનશે?"

એ પહેલાં, ૨૦૦૭માં, વ્હાઈટ હાઉસમાં બ્રિટિશ મહારાણીના સ્વાગતમાં પ્રેસિડેન્ટ જ્યોર્જ બુશે ગફલત કરી હતી કે, મહારાણીએ ૧૭૭૬માં યુ.એસ.ની ડબલ શતાબ્દીની ઉજવણીમાં મદદ કરી હતી. સાલ ૧૭૭૬ નહીં, ૧૯૭૬ હતી. ભૂલ સમજતાં, બુશે આંખ મારીને કહ્યું હતું, "એક મા એના બચ્ચાને લઢે એવી રીતે એમણે મારી સામે જોયું." ૭,૦૦૦ દર્શકો સામે બીજા દેશનો વડો એમને આંખ મીચકારે એવો, રાણી માટે આ પહેલો પ્રસંગ હતો.

એથી ય જૂના ઈતિહાસમાં, ભારત સમજીને અમેરિકાના કિનારા ઉપર ઊતરેલા ક્રિસ્ટોફર કોલંબસે ત્યાંની ખૂબસુરતી જોઇને ખુશીમાં આંખ મારી હતી. ૨૦મી જૂન ૧૯૬૯ના દિવસે નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂકતાં વેંત શુકન માટે ચંદ્રને આંખ મારી હતી. અમેરિકા-કેનેડામાં બીજી ફેબ્રુઆરીએ ગ્રાઉન્ડહોગ (મોટી ખિસકોલી) ડે ઉજવાય છે. માન્યતા એવી છે કે, ગ્રાઉન્ડહોગ એના દરમાંથી બહાર નીકળે, અને સાફ હવામાન છતાં, એનો પડછાયો જોઇને પાછી દરમાં ઘુસી જાય, તો એને અર્થ એવો થાય કે, શિયાળો છ મહિના ચાલશે. ૧૯૬૪થી એક માન્યતા એવી છે કે, એ દિવસે ખિસકોલી બહાર આવી, અને આંખ મારીને પાછી અલોપ થઇ ગઈ.

આ એક જ એવી દેહભાષા છે, જેની પાછળનો આશય ઈશારો કરનાર અને ઈશારો જોનારને જ ખબર પડે છે. વ્યક્તિ રિલેક્સ અનુભવે, ખુશીનો અહેસાસ થાય, વિજાતીય આકર્ષણ થાય ત્યારે આંખ મારે છે. એનો સૌથી જાણીતો ઉપયોગ ફ્લર્ટિંગ કે સેકસુઅલ ઈશારા માટેનો છે. માણસ આવું કેમ કરે છે, તેનો હજુ સુધી કોઈ સંતોષકારક ઉત્તર નથી. ભારતમાં આંખ મારવાને હસી-મજાકમાં કાઢી નાખવા સિવાય, કોઈ ગંભીર વિચાર થયો નથી. આપણે ત્યાં મોટાભાગે એને બીભસ્ત અને અશ્લીલ ગણીને ખારીજ કરવામાં આવે છે.

અંગ્રેજીમાં 'વિન્ક' શબ્દ અમુક સદી પહેલાંની જૂની ઇંગ્લિશના ક્રિયાપદ 'વિન્સિયન' પરથી આવે છે, જેનો મતલબ થયા છે, 'ઝડપથી આંખ દબાવવી.' દેહભાષા ઉપર વિશ્વમાં ખૂબ સંશોધન થયાં છે. આ આંખ મારવાનું રહી ગયું. બ્રિટિશ પ્રકૃતિવિદ ચાર્લ્સ ડાર્વિને (૧૮૦૯-૧૮૮૨) લાગણીઓની અભિવ્યક્તિ પર પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો હતો (The Expression of the Emotions in Man and Animals), પણ એમાં આંખ મારવાની ક્રિયાનો ઉલ્લેખ ન હતો.

છેક ૬૦-૭૦ના દાયકામાં વિજ્ઞાનના પંડિતોને સવાલ થવા લાગ્યો કે, માણસો આંખ મારવાથી વિચલિત કેમ થાય છે. શરીરની સુંદરતાને નજરથી નવાજવાની વૃતિ જાણીતી છે. કોઈ આપણને આકર્ષે, તો આપણે સ્વેચ્છાએ કે અનિચ્છાએ રિએક્ટ કરીએ છીએ. કીકી અને આંખના રિફલેક્સમાં નિષ્ણાત, જર્મન બાયોસાઈકોલોજિસ્ટ એખાર્ડ હેસ્સને, આના પરથી પ્યુિપલોમેટ્રી (કીકીઓના વ્યાસમાં વધ-ઘટ)નો અભ્યાસ કરવાનો વિચાર આવેલો.

આંખની કીકી દેહભાષાનો હિસ્સો છે, જેના પર આપણું નિયત્રણ નથી. આંખોમાં આવતા પ્રકાશ પ્રમાણે એ એડજસ્ટ થતી રહે છે. જેવી રીતે તમે કોઈ ભવ્ય પર્વત કે સમુદ્ર જુવો, અને 'શ્વાસ થંભી જાય,' તેવું જ આંખનું છે. તમને કશુંક આકર્ષે ત્યારે કીકીઓ ફેલાઈ જાય, કંટાળો આપે તો સંકોચાઈ જાય. હેસ્સે તારણ કાઢ્યું કે, આંખ મારવી એ કીકીઓ વિસ્તરી છે એનું એલર્ટ છે. તમે લાંબો સમય કોઈની વિસ્તરેલી કીકીઓમાં જુવો, તો એ એક વિશ્વાસપૂર્ણ સંબંધના પૂલનું કન્સ્ટ્રકશન છે.

આમીર ખાનની 'ગુલામ' ફિલ્મના ગીત 'આતી ક્યા ખંડાલા…'ના શુટિંગમાં રાણી આમીર સામે સરખું જોતી ન હતી, એટલે બહુ રીટેક લેવા પડ્યા હતા. આમીરે રાણી મુખર્જીને ખખડાવી. રાણીએ ત્યારે કહેલું, "મને ડર લાગે છે કે, હું બહુ લાંબો વખત તારી આંખમાં જોયા કરીશ તો પ્રેમમાં પડી જઈશ." અમેરિકન સેલિબ્રિટીઓની દેહભાષાની નિષ્ણાંત પેટ્ટી વુડ કહે છે કે, આંખ મારવાથી સેકસુઅલ સંબંધનો ડર અને શર્મ દૂર થાય છે, અને એવો મેસેજ જાય છે કે, આંખ મારનાર વ્યક્તિ સેક્સ માટે સલામત છે.

એટલા માટે જ, અંગ્રેજીમાં આંખને આત્માની ખિડકી કહે છે. વ્યક્તિનું ગહેરું ભાવનાત્મક અસ્તિત્વ આંખમાં જ દેખાય છે. વ્યક્તિના મન અને શરીરમાં શું થઇ રહ્યું છે તે કીકીઓના હલનચલનથી માલુમ પડે છે. સામે સાપ હોય કે સુંદરી, આંખો પહોળી થઇ જ જાય, દિલના ધબકારા વધી જ જાય, રક્તચાપ ફાસ્ટ થઇ જાય, ઓટોમેટિક નર્વસ સિસ્ટમ જાગૃત થઇ જ જાય અને તમારે એના માટે કશુંક કરવું જ પડે. ગુલઝારે એટલે જ 'કજરા રે..’ ગીતમાં લખ્યું હતું :

આંખે ભી કમાલ કરતી હૈ, પર્સનલ સે સવાલ કરતી હૈ
પલકોં કો ઉઠાતી ભી નહીં હું, પરદે કા ખ્યાલ કરતી હૈ

https://www.facebook.com/1379939932334062/photos/a.1383225085338880/2115625798765468/?type=3&theater&__xts__[0]=68.ARCQDgtB1G37Qb6ly_6HQ8tY1nQ4R7gmb_PRsAQa2YIYO4le_K4pj4io-RmQRTeWlvVb1SGKBT4hiZFLD0lD81K0O_E-naGerrAbkq1-PHYBDvq3JghIIVGhNuijJsV2-hMQfHkCOJ7ZLv0_76xOACzG9BMKcRixypW0AOIlABd-DUDa9lBTVQ&__tn__=-UK-R

Loading

મુદ્દતપૂર્વે ત્યારે જ ચૂંટણી યોજવામાં આવે જ્યારે સરકાર તૂટી પડી હોય અને બીજું કોઈ સરકાર રચી શકે એમ ન હોય

રમેશ ઓઝા|Opinion - Opinion|11 September 2018

પ્રત્યેક ચૂંટણીની સામાજિક, રાજકીય અને આર્થિક કિંમત હોય છે એને સત્તાનો ખેલ બનાવવાની ન હોય

તેલંગાણાની સરકારે ભલામણ કરી હતી કે રાજ્ય વિધાનસભાને વિખેરી નાખવામાં આવે અને વહેલી તકે ચૂંટણી યોજવામાં આવે. એ ભલામણ સ્વીકારવામાં આવી છે અને હવે ઘણું કરીને આવતા નવેમ્બર મહિનામાં તેલંગાણામાં ચૂંટણી યોજાશે. જે થયું છે એ બધું જ બંધારણ મુજબ થયું છે અને એ છતાં ય યોગ્ય નથી થયું. બંધારણમાં જે કેટલાક સુધારા કરવા જરૂરી છે એમાં એક આ પણ છે.

બંધારણના આર્ટિકલ ૮૩(૨)માં કહેવામાં આવ્યું છે કે લોકપ્રતિનિધિ ગૃહની મુદ્દત પાંચ વરસની હશે, સિવાય કે તેને વહેલી વિખેરી નાખવામાં આવે. ગૃહની મુદ્દતની ગણતરી ગૃહની પહેલી બેઠક જે દિવસે મળી હોય એ દિવસથી કરવામાં આવે. નવી લોકસભા કે વિધાનસભા જૂની લોકસભા કે વિધાનસભાની મુદ્દત પૂરી થાય એ પહેલાં રચાઈ જવી જોઈએ.

એ પછી બંધારણમાં કહેવામાં આવ્યું છે કે જો દેશમાં ઈમરજન્સી લાદવામાં આવી હો, તો સંસદ કાયદા દ્વારા લોકપ્રતિનિધિ ગૃહની મુદ્દત એક સાથે એક વરસ માટે વધારી શકે અને જો ઈમરજન્સી ઉઠાવી લેવામાં આવી હોય તો ઈમરજન્સી ઉઠાવી લેવાની તારીખથી છ મહિનાની અંદર ચૂંટણી યોજવામાં આવે.

બંધારણની આવી જોગવાઈનો કેન્દ્ર અને રાજ્યોમાં અનેકવાર દુરુપયોગ કરવામાં આવ્યો છે અને ઈમરજન્સીની સ્થિતિમાં લોકપ્રતિનિધિ ગૃહની મુદત વધારવાની જોગવાઈનો દુરુપયોગ એક વાર કરવામાં આવ્યો છે. કોણે શરૂઆત કરી હતી? એઝ યુઝવલ ઇન્દિરા ગાંધીએ. બંધારણ સાથે અને બંધારણીય રીતરસમો સાથે ચેડાં કરવાનું ઇન્દિરા ગાંધીએ શરૂ કર્યું હતું. બી.જે.પી. અને બીજા રાજકીય પક્ષો ઇન્દિરા ગાંધીએ પાડેલા ચીલાઓ અને છીંડાંઓને અનુસરે છે, અને ઇન્દિરા ગાંધીનો પક્ષ અત્યારે ઓશિયાળો થઈને તેની કિમંત ચૂકવી રહ્યો છે. આ સમયે શીખવાડેલો ધડો છે. સમય કોઈને ય કાયમ માટે સાથ આપતો નથી, પરંતુ શાસકોનો સ્વાર્થ અને ગુમાન એવું પ્રચંડ હોય છે કે તેમને આ સનાતન સત્ય ધ્યાનમાં રહેતું નથી. તેઓ મનફાવે એમ વર્તે છે અને જો પુરોગામી શાસક ચીલો પાડતો ગયો હોય તો તો પૂછવું જ શું?

એટલે તો વિશ્વપ્રસિદ્ધ બંધારણવિદ્દ સર આઈવર જેનિન્ગ્સે કહ્યું છે કે બંધારણ જેટલી જ બંધારણીય પરંપરા અનિવાર્ય છે. અંગ્રેજીમાં આને કોન્સ્ટિટ્યુશન કન્વેન્શન કહેવામાં આવે છે. જો મર્યાદા પાળવામાં આવે અને મર્યાદા પાળવાની પરંપરા સમૃદ્ધ અને લાંબી હોય તો અનુગામી શાસક ગમે એટલો નીચ હોય તો પણ તેને તે મર્યાદાનો લોપ કરવામાં મુશ્કેલી પડશે. પાન ખાઈને કોઈ ભારતીય અમેરિકાની સડક પર થુકતો નથી એ કાયદાનું પરિણામ નથી, મર્યાદા જાળવવાના રિવાજ અને પરંપરાનું પરિણામ છે. આમ બંધારણ જેટલી જ મહત્ત્વની મર્યાદા જાળવવાની સમૃદ્ધ પરંપરા છે. આ પરંપરા બંધારણના હાડપિંજરને ટકાવી રાખવા ચરબીનું કામ કરે છે અને તેને ઢાંકવા ખમીસનું કામ કરે છે એમ સર આઈવર જેનિન્ગ્સે કહ્યું છે.

આપણે ત્યાં વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ હજુ તો તેની સ્થાપનાની રજત જયંતી ઊજવે એ પહેલાં ખોટા ચીલા પાડવાનું શરૂ થયું હતું. પરંપરા તોડવાનો તો સવાલ જ નહોતો, કારણ કે પરંપરા તો હજુ વિકસાવવાની હતી. મારી સમજ મુજબ પહેલાં જમ્મુ અને કાશ્મીરમાં અને એ પછી કેરળમાં કેન્દ્ર સરકારે સત્તાનો દુરુપયોગ કરીને તેની શરૂઆત કરી હતી. આમાં ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન બન્યા પછી તેમણે બંધારણનું હનન કરવામાં અને ખોટા ચીલા પાડવામાં પાછું વળીને જોયું નહોતું.

આપણે વાત તેલંગાણાની કરતા હતા. શા માટે તેલંગાણાની વિધાનસભા વિખેરી નાખવામાં આવી? મુદ્દત પહેલાં વહેલી ચૂંટણી યોજવામાં આવે તો શાસક પક્ષ તેલંગાણા રાષ્ટ્ર સમિતિને રાજકીય ફાયદો થાય એમ છે, અને મુદ્દત પહેલાં વિધાનસભાને વિખરી નાખવાની બંધારણીય જોગવાઈ અને પરંપરા બન્ને છે. આની શરૂઆત ઇન્દિરા ગાંધીએ ૧૯૭૧માં કરી હતી. ૧૯૬૭માં કોંગ્રેસને તે સમય સુધીના ઇતિહાસમાં સૌથી ઓછી બેઠક મળી હતી. એમાં ૧૯૬૯માં કૉન્ગ્રેસમાં વિભાજન થયું અને ઇન્દિરા ગાંધીની સરકાર લઘુમતીમાં મુકાઈ ગઈ. ઇન્દિરા ગાંધી રાહ જોતાં હતાં કે ક્યારે અનુકૂળ સમય આવે અને ક્યારે કાખઘોડી ફગાવી દઈને લોકસભામાં બહુમતી મેળવી લે. દરમ્યાન વિરોધ પક્ષો ગઠબંધનની તૈયારી શરૂ કરતા હતા એટલે તેઓ વધારે મજલ કાપે, એ પહેલાં ઇન્દિરા ગાંધીએ લોકસભાને વિખેરી નાખવાની રાષ્ટ્રપતિને ભલામણ કરી હતી.

માત્ર અને માત્ર રાજકીય સ્વાર્થ કેન્દ્રમાં હતો. ખોટો ચીલો પડી ગયો અને એ પછી તો અનેકવાર વિધાનસભાઓને રાજકીય ગણતરીઓને ધ્યાનમાં રાખીને મુદ્દતપૂર્વે વિખેરી નાખવામાં આવી છે અને લોકો ઉપર ચૂંટણી માથે મારવામાં આવી છે. આને રાજકીય ચાલાકી ન કહેવાય, નીચતા કહેવાય. લોકસભા અત્યાર સુધીમાં બે વખત મુદ્દતપૂર્વે વિખેરી નાખવામાં આવી હતી. પહેલીવાર આગળ કહ્યું એમ ૧૯૭૧માં ઇન્દિરા ગાંધીની સરકારે અને બીજીવાર ૨૦૦૪માં અટલ બિહારી વાજપેયીની સરકારે. એ વખતે પણ રાજકીય ગણતરી જ હતી જે ઊંધી પડી હતી. નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ રાજકીય લાભ ખાટી જવા વહેલી ચૂંટણી યોજવા માગતા હતા, પરંતુ તેમને બે વાત નડી રહી છે. એક તો સમય અનુકૂળ છે કે પ્રતિકૂળ એ તેઓ નક્કી નથી શકતા, અને બીજું ચૂંટણીપંચ વહેલી ચૂંટણી યોજવાની સ્થિતિમાં નથી.

બંધારણમાં મુદ્દતપૂર્વે લોકસભાને વિખેરી નાખવાની જોગવાઈ છે, પરંતુ એ ત્યારે જ્યારે સરકાર તૂટી પડી હોય અને નવી સરકાર કોઈ રચી શકે એમ ન હોય. કેન્દ્રમાં રાષ્ટ્રપતિશાસનની કોઈ જોગવાઈ નથી, એટલે દેશને ઓછામાં ઓછો સમય રખેવાળ સરકાર હેઠળ રહેવું પડે એ માટે બને એટલી વહેલી ચૂંટણી યોજવામાં આવે છે. આનો અર્થ એવો નથી કે મન થાય અને રાજકીય લાભ દેખાય ત્યારે લોકસભા અને વિધાનસભાઓને વિખેરીને ચૂંટણી યોજવામાં આવે. બંધારણમાં ફોડ પાડીને આ વાત કહેવાઈ નથી એટલે રાજકીય પક્ષો લોકપ્રતિનિધિ ગૃહ વિખેરી નાખવાની જોગવાઈનો લાભ લે છે. પ્રારંભમાં કહ્યું એમ અહીં બંધારણમાં સુધારો કરવાની જરૂર છે. મુદ્દતપૂર્વે ત્યારે જ ચૂંટણી યોજવામાં આવે જ્યારે સરકાર તૂટી પડી હોય અને બીજું કોઈ સરકાર રચી શકે એમ ન હોય.

પ્રત્યેક ચૂંટણીની સામાજિક, રાજકીય અને આર્થિક કિંમત હોય છે એને સત્તાનો ખેલ બનાવવાની ન હોય.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 11 સપ્ટેમ્બર 2018

Loading

સોરાબજી અડાજણિયા : દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનો વિકલ્પ બને તેવું વ્યક્તિત્વ!

કિરણ કાપુરે|Gandhiana|10 September 2018

ઇતિહાસના એવાં અનેક પાત્રો છે, જેમનું ગંજાવર પ્રદાન હોવા છતાં તેઓ આજે આપણાં ઇતિહાસનો હિસ્સો નથી બન્યા, ન તો તેઓ આપણી સ્મૃિતપટલ પર પણ મોજૂદ છે! એકવાર આવાં નામ વિસારે પડી જાય પછી તેની નોંધ લેવાતી નથી; અને સમય જતાં આવાં વ્યક્તિત્વ એવાં ઓઝલ થઈ જાય છે કે તેમને સંભારવા પણ લાંબી ભૂમિકા બાંધવી પડે! આવું જ એક અજાણી શખ્સિયત લાગી શકે તેવું નામ છે : સોરાબજી શાપુરજી અડાજણિયા.

વાચકોને આ નામ ભાગ્યે જ વાચવા-સાંભળવામાં આવ્યું હશે, પરંતુ દક્ષિણ આફ્રિકામાં જ્યારે હિંદીઓનો સંઘર્ષ ખૂબ જોરશોરથી ચાલતો હતો અને તેમાં જ્યારે યુવાન બેરિસ્ટર ગાંધી આગેવાની લઈને તે લડત લડી રહ્યા હતા, ત્યારે ગાંધીજીના પડખે સોરાબજી શાપુરજી અડાજણિયા બીજી હરોળના આગેવાન બનીને ઊભરી આવ્યા હતા. ગાંધીજીએ જેમનામાં દૃઢતા, વિવેક, ઉદારતા, શાંતિ વગેરે ગુણ જોયા તેવા સોરાબજી વિશે તેમણે ભાખેલું કે તેઓ દક્ષિણ આફ્રિકામાં મારી જગ્યા લઈ કોમની સેવા કરશે! પણ તેમ ન થઈ શક્યું અને તેઓ તીવ્ર ક્ષયની બીમારીથી 35 વર્ષની વયે અવસાન પામ્યા. આ વર્ષે જુલાઈ 2018માં તેમના અવસાનને સો વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે સોરાબજી અડાજણિયાના વ્યક્તિત્વને ઓળખીએ. …

સોરાબજી અડાજણિયા વિશે જાણીએ તે અગાઉ તે કાળના દક્ષિણ આફ્રિકાની અને ત્યાં ગાંધીજીની ભૂમિકા શું રહી છે, તેનો સંક્ષિપ્તમાં પરિચય કરી લેવો જરૂરી છે. 1893માં જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકા પહોંચ્યા ત્યારે ત્યાંના બ્રિટિશ સંસ્થાનોમાં યુરોપિયન વસાહતીઓના કહેવાથી ‘ગિરમીટ’ (એક પ્રકારનો કરાર) નીચે હિંદીઓને લઈ જવાની પ્રથા હતી. આ રીતે ત્યાંના સંસ્થાનોમાં હિંદીઓ વસતા થયા. જેમ-જેમ ત્યાં હિંદીઓની વસતી વધી તેમ કેટલાંક હિંદી વેપારીઓ પણ ત્યાં જઈને વસ્યા. હિંદીઓની અને સાથે અન્ય એશિયાવાસીઓની સંખ્યા જોઈને દક્ષિણ આફ્રિકાના સંસ્થાનોએ તેમના પર કેટલાંક પ્રતિબંધો લાદ્યા, અને હિંદીઓની સ્થિતિ દક્ષિણ આફ્રિકામાં અસહ્ય થઈ પડી. પરિવાર સાથે ગયેલાં હિંદીઓને ત્યાંના કાયદાના કારણે ભેદભાવનો સામનો કરવો પડતો હતો. હિંદીઓ વિરોધી આવાં કાયદાને પડકારવા અને તેની સામે ઝિંક ઝીલવા બારિસ્ટર મો.ક. ગાંધીએ લડત ઉપાડી અને તે લડત આઠ વર્ષ સુધી ચાલી. દક્ષિણ આફ્રિકાના લડતની આ તો ખૂબ ટૂંકી વિગત છે, બાકી આ લડતનો ઇતિહાસ ત્યાંના વિવિધ સંસ્થાનો, તેમના અલગ-અલગ કાયદાઓ અને અસંખ્ય ઘટનાઓથી ભરેલો છે. તેનું વિસ્તૃત વર્ણન ગાંધીજીએ ‘દક્ષિણ આફ્રિકના સત્યાગ્રહના ઇતિહાસ’ નામના પુસ્તકમાં કર્યું છે. હવે સ્વાભાવિક છે કે આવી લડતમાં ગાંધીજી અનેક સાથીઓ પણ હોય, તેમાંના એક એટલે સોરાબજી શાપુરજી અડાજણિયા.

દક્ષિણ આફ્રિકાની જે લડત થઈ તેમાં સોરાબજી શાપુરજી અડાજણિયાનું પાત્ર અતિ મહત્ત્વનું રહ્યું છે. ગાંધીજી અને સોરાબજીની પહેલીવહેલી મુલાકાત 1908ના અરસામાં થઈ હોય તેવું જણાય છે. દક્ષિણ આફ્રિકાના ગાંધીજીના અગાઉના જીવનમાં તેમનો ઉલ્લેખ આવતો નથી. પણ જ્યારે ટ્રાન્સવાલમાં એશિયાઈ નોંધણી અંગેના ધારામાં હિંદીઓ અને ટ્રાન્સવાલ સરકારનું સમાધાન ન થયું, ત્યારે હિંદીઓ દ્વારા એશિયાઈ નોંધણી ધારાના તાબે ન થવાનું નક્કી કરવામાં આવ્યું. આ કાયદાનો સવિનયભંગ કરીને હિંદીઓના હકની કસોટી કરવા ખાતર પહેલાં વહેલાં સોરાબજી ટ્રાન્સવાલની હદમાં દાખલ થયા હતા. બસ, અહીંથી સોરાબજી દક્ષિણ આફ્રિકની લડતના ચિત્રમાં વધુ ઉભરી આવે છે અને એક દાયકા સુધી તેઓ આમ જ હિંદીઓના સેવા ખાતર પોતાનું જીવન ગાળે છે. 1908માં જ તેઓ ગાંધીજી સાથે લડતના એવાં અભિન્ન અંગ બને છે કે અનેક ઠેકાણે ગાંધીજીના જાહેરજીવનનો ભાર હળવો કરતા તેઓ નજરે ચઢે છે.

એશિયાઈ નોંધણી ધારાના વિરુદ્ધ જ્યારે તેઓ ટ્રાન્સવાલમાં રજિસ્ટ્રેશન વિના પ્રવેશે છે ત્યારે તેમને પહેલીવાર પકડવામાં આવ્યા, અને તેમના પર કેસ ચાલ્યો. આ કેસમાં તેમની પેરવી કરનાર ગાંધીજી જ હતા! અનેક વખત આ રીતે નોંધણી ધારાને તોડીને દક્ષિણ આફ્રિકના લડતના પટ પર સોરાબજીનું વ્યક્તિત્વ ખીલતું ગયું. આમ ટ્રાન્સવાલની સત્યાગ્રહની લડતમાં ભાગ લઈને તેઓ આઠ વખત જેલ જાય છે. આને અનુલક્ષીને જ તેમનું 1911માં સન્માન થાય છે. સન્માન વખતે ગાંધીજીએ જે ભાષણ કર્યું હતું તેમાં તેમણે કહ્યું હતું કે, “મિ. સોરાબજીએ સત્યાગ્રહી તરીકે ઘણા ગુણો દાખવ્યા છે. મિ. સોરાબજીને સહુથી મોટા સત્યાગ્રહી કહેવામાં આવ્યા તે બરાબર જ છે.”

સોરાબજીના લડતમાં ભાગ લેવા અંગે જ નહીં, પણ ગાંધીજી સોરાબજીના સ્વભાવથી પણ આકર્ષાયા હતા અને તેથી જ તેમણે કહ્યું હતું કે, “જેલમાં સત્યાગ્રહીઓ વિષે કંઈ કંઈ રાવ આવતી પણ મિ. સોરાબજીની કદી રાવ સાંભળી નથી. તેમનો સ્વભાવ અત્યંત શાંત અને મિલનસાર હતો” ગાંધીજી સાથે કામ કરનારાં સોરાબજીના આવાં ગુણોનો ગાંધીજીને સતત પરિચય થતો રહ્યો. આ પરિચયથી સોરાબજી વિશેનો જે અભિપ્રાય ઘડાયો હતો તે ગાંધીજી અન્ય સુધી પણ પહોંચાડતા અને એટલે જ જ્યારે ગોપાળ કૃષ્ણ ગોખલેને ગાંધીજી એક પત્ર લખે છે અને તે પત્ર સોરાબજીના સાથે મોકલે છે. આ પત્રમાં ગાંધીજી લખે છે કે, “આ પત્ર આપને શ્રી સોરાબજી શાપુરજી અડાજણિયા આપશે. તેઓ મહાન સત્યાગ્રહીઓમાંના એક છે. આ સ્મરણીય લડતમાં મને જે કીમતી અનુભવો થયા તેમાં સોરાબજી જેવા માણસોની શોધ એ સૌથી મોટો અનુભવ છે. મને ખાતરી છે કે શ્રી સોરાબજીને મળીને આપને આનંદ થશે.”

સોરાબજી પર ગાંધીજીનો ભરોસો આમ અનેક પત્રોમાં પણ ઝળકે છે અને આ ભરોસો કેટલો દૃઢ હતો તેનો દાખલો ત્યારે મળે છે જ્યારે ડો. પ્રાણજીવન મહેતાના (ગાંધીજીના મિત્ર અને બેરિસ્ટર) ખર્ચે દક્ષિણ આફ્રિકના સત્યાગ્રહીઓમાંથી બેરિસ્ટરીના અભ્યાસ અર્થે મોકલવાના હતા, ત્યારે તેમની પસંદગી સોરાબજી પર ઊતરી હતી. તેમની પસંદગી થઈ અને તેઓ બેરિસ્ટર પણ થયા. વિલાયતમાં બેરિસ્ટર થયા પછી સોરાબજી ફરી જોહાનિસબર્ગ આવ્યા અને ત્યાં જાહેર સેવા અને વકીલાત બંને શરૂ કર્યાં. ગાંધીજી જ્યારે હિન્દુસ્તાન પાછા ફર્યા ત્યારે દક્ષિણ આફ્રિકાથી જે પણ કાગળો આવતા તેમાં સોરાબજીના વખાણ જ રહેતા. નાના-મોટા સૌ સાથે મળીને તેઓ કામ કરતા. તેમની સેવા આ રીતે હિંદીઓ માટે અવિરત ચાલુ રહી, પરંતુ 1918માં તેમને ક્ષય થયો અને થોડા જ મહિનામાં માત્ર 35 વર્ષની વયે તેઓ અવસાન પામ્યા.

અડજાણિયા અવસાન પામ્યા ત્યારે ગાંધીજીએ તેમને શ્રદ્ધાંજલિ આપતો એક લેખ ‘બોમ્બે ક્રોનિકલ’માં લખ્યો હતો, જેમાં ગાંધીજી સોરાબજી વિશે લખે છે કે, “લડતના દિવસો દરમ્યાન એમણે ધ્યેયની નિષ્ઠા, ચારિત્ર્યની શુદ્ધિ, સ્વભાવની સ્વસ્થતા અને વિષમ સંજોગોમાં જોઈતી હિંમત એવાં તો દાખવ્યા કે આપણામાંના શ્રેષ્ઠ સત્યાગ્રહીઓ પણ ઘણી વાર તે દાખવી શકતા નથી. કઠણમાં કઠણ હૃદય પણ ભાંગી પડે એવા પ્રસંગો પણ આવેલા, પરંતુ સોરાબજી કદી ડગ્યા નથી.”

સોરાબજીની ખ્યાતિ માત્ર દક્ષિણ આફ્રિકા પૂરતી નહોતી. તેઓ જ્યારે બેરિસ્ટરી કરવા લંડન ગયા ત્યારે તેઓ ગોખલેના સંપર્કમાં આવ્યા ત્યારે તેઓ ગોખલેને પણ પ્રભાવિત કરી શક્યા હતા. આ ઉપરાંત, લંડનમાં વસતા હિંદીઓએ જેટલાં આંદોલનો ચલાવ્યાં તે બધાં જ આંદોલનમાં તેમણે સક્રિય ભાગ લીધો. ત્યાં તેઓ ‘લંડન ઇન્ડિયન સોસાયટી’ના મંત્રી પણ રહ્યા અને તે વખતે યુદ્ધમાં સેવા અર્થે જે ભારતીય સેવાદળ બન્યું તેમાં તેઓ સામેલ થનારા પ્રથમ હતા.

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં સોરાબજી શાપુરજી અડાજણિયા કેટલી મહત્ત્વની ભૂમિકા ભજવી હશે તેનો ખ્યાલ ગાંધીજી લિખિત ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ પુસ્તકમાં પણ આવી શકે, જેમાં ગાંધીજીએ સોરાબજી વિશે એક આખું પ્રકરણ ફાળવ્યું છે! અહીંયા પણ ગાંધીજીએ સોરાબજી વિશે જે લખ્યું છે, તેમાં તેમના વ્યક્તિત્વની ઝાંખી મળે છે. ગાંધીજી તેમાં લખે છે કે, “સોરાબજી પ્રથમ પંક્તિના સત્યાગ્રહી નીવડ્યા. લાંબામાં લાંબી જેલ ભોગવનારા સત્યાગ્રહીઓમાં તે એક હતા, એટલું જ નહીં પણ તેમણે લડતનો એટલો બધો ઊંડો અભ્યાસ કરી લીધો કે લડતને વિશે એ જે કંઈ કહે તે બધાને સાંભળવું પડતું. તેમની સલાહમાં હંમેશાં દૃઢતા, વિવેક, ઉદારતા, શાંતિ વગેરે જોવામાં આવતાં. ઉતાવળે તો વિચાર બાંધે જ નહીં અને વિચાર બાંધ્યા પછી ફેરવે જ નહીં. જેટલે દરજ્જે તેમનામાં પારસીપણું હતું—અને તે ખૂબ હતું—તેટલે જ દરજ્જે હિંદીપણું હતું. સંકુચિત જાતિઅભિમાનની ગંધ સરખી તેમનામાં કોઈ દિવસ નથી આવી.”

ઇતિહાસનું દસ્તાવેજીકરણમાં ગાંધીજી દ્વારા કોઈ વ્યક્તિની વિશેષ ઓળખ અપાય ત્યારે બેશક તે ઇતિહાસમાં ન ભૂલાય એવું વ્યક્તિત્વ બનવું જોઈએ, પણ બદનસીબે તેવું થયું નથી.    

(સૌજન્ય : ‘ઇન સાઈડ આઉટ સાઈડ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’ – “ગુજરાતમિત્ર”, 09 સપ્ટેમ્બર 2018)

(તસવીર: ઉમા ધુપેલિયા લિખિત પુસ્તક 'Gandhi's Prisoner? :  The Life of Gandhi's son Manilal')

Loading

...102030...3,0393,0403,0413,042...3,0503,0603,070...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved