વાજપેયીનું જાહેર જીવન આજીવન કોયડા સમાન તહ્યું છે; એ ત્યાં સુધી કે તેમની માંદગી અને મૃત્યુ પણ એક કોયડો બની રહ્યાં

સાંભળીએ તો સાંભળતા જ રહેવાનું મન થાય. વ્યક્તિત્વ એવું મૃદુ કે તેઓ સંઘપરિવારમાંથી આવતા હોવા છતાં અને પ્રસંગોપાત સંઘનો બચાવ કરતા હોવા છતાં નફરત કરતાં શરમ અનુભવાય. મનમાં થઈ આવે કે આવો માણસ આમ કેમ કરી શકે? કોયડાસમાન લાગે છે નહીં? જી હા, વાજપેયીનું જાહેરજીવન આજીવન કોયડા સમાન રહ્યું છે તે ત્યાં સુધી કે તેમની માંદગી અને મૃત્યુ પણ એક કોયડો બની રહ્યું.
કોઈ કહેતું કે અટલ બિહારી વાજપેયી ભલા માણસ છે, પણ ખોટા પક્ષમાં છે. કોઈ કહેતું કે એ ધૃતરાષ્ટ્રની સભામાં ભીષ્મપિતામહ હતા. લાચાર અને હતપ્રભ. કોઈ કહેતું કે વાજપેયી તો નટસમ્રાટ છે. સંઘપરિવાર માટે યોગ્ય સમયે કામમાં લઈ શકાય એવો કામનો માણસ. અવસર જોઇને ભૂમિકા ભજવે અને ચપટી વગાડતાં ભૂમિકા બદલે અને લોકો જોતા રહી જાય. કોઈ કહેતું કે એક પરિવારમાં જિંદગી વિતાવ્યા પછી તેઓ પરિવાર તરફના સ્નેહના શિકાર છે. કોઈ કહેતું કે તેમનામાં એકલા ચાલવા જેટલું મનોબળ અને ખંતનો અભાવ છે, એટલે સંઘની ફિલસૂફી સ્વીકાર્ય ન હોવા છતાં તેઓ હળવો વિરોધ કરીને પાણીમાં બેસી જાય છે. સંઘપરિવારમાંથી કોઈ કહેતું કે અટલ બિહારી વાજપેયી તો સંઘનું મહોરું છે અને ખરી સત્તા તો લાલકૃષ્ણ અડવાણી ધરાવે છે તો કોઈ વળી કહેતું કે વાજપેયી તો સંઘમાં ઘૂસી ગયેલા છદ્મવેશી કોંગ્રેસી છે. આમાંથી તમે જે વાજપેયીને પસંદ કરતા હો તેને લઈ શકો છો અને તમે સાવ ખોટા પડશો એવો ભય નહીં રહે.
આવું સંકુલ વ્યક્તિત્વ બહુ ઓછા લોકો ધરાવતા હોય છે અને જે આવું વિરોધાભાસી વ્યક્તિત્વ ધરાવતા હોય એ કમસેકમ આદરને પાત્ર તો નથી જ નીવડતા, પરંતુ વાજપેયી તો પાછા આદરને પાત્ર પણ નીવડ્યા. ધરાર વહાલ ઉપજે એવું વ્યક્તિત્વ. રામચન્દ્ર ગુહા કહે છે એમ નરેન્દ્ર મોદી અને અમિત શાહને જોઇને જે લોકો વાજપેયીને વહાલ નહોતા કરતા એ પણ હવે વહાલ કરતા થઈ ગયા હશે. આને કહેવાય કોયડો. અટલ બિહારી વાજપેયી ભારતીય રાજકારણનો કોયડો હતા.
અટલ બિહારી વાજપેયીનો જન્મ મધ્ય પ્રદેશમાં ગ્વાલિયર નજીક થયો હતો અને તેઓ બહુ નાની વયે રાષ્ટ્રીય સેવક સંઘમાં જોડાયા હતા. ગ્વાલિયરના રાજા અને રાજમાતા હિન્દુત્વવાદી હતા અને છાને ખૂણે સંઘને મદદ કરતા હતા. એટલે તો ગાંધીજીના હત્યારાઓમાંનો એક ગ્વાલિયરનો હતો. જન સંઘ/ભાજપને રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં સૌથી પહેલાં પ્રવેશ મળ્યો એનું કારણ કેટલીક રિયાસતોનો ટેકો હતો. આ સ્થિતિમાં વાજપેયી પણ સંઘના સંપર્કમાં આવ્યા હતા અને રાષ્ટ્રવાદના રંગે રંગાયા હતા. એ પછી તો બીજાઓની સાથે બન્યું એવું તેમની સાથે પણ બન્યું અને આજીવન સંઘસહોદર બની રહ્યા. તેમણે ક્યારે ય સંઘની નીતિ અને ફિલસૂફીની ઉઘાડી ટીકા કરી નથી, ઊલટું સંઘી હોવા માટે ગર્વની લાગણી પ્રગટ કરી છે, પરંતુ પોતાને અને પક્ષને જ્યારે માફક ન આવે ત્યારે બાજુમાંથી સરકી જવાનો રસ્તો પણ શોધી લે. દૂર પણ ન જાય અને આંખ વીંચીને આંગળી પકડીને ચાલે પણ નહીં એનું નામ વાજપેયી.
મને ઘણીવાર એક પ્રશ્ન મનમાં થાય છે કે ૨૦૦૫માં લાલકૃષ્ણ અડવાણી પાકિસ્તાનની મુલાકાત વખતે પાકિસ્તાનના સ્થાપક મહમ્મદ અલી જિન્નાહને સેક્યુલર હોવાનું સર્ટિફિકેટ આપતા આવ્યા અને એ પછી તેમના પર જે પસ્તાળ પડી એ પ્રસંગ વાજપેયી સાથે બન્યો હોત તો શું પરિણામ આવ્યું હોત? અડવાણીને તો બિચારાને પક્ષના અધ્યક્ષપદેથી રાજીનામું આપવું પડ્યું હતું પણ તેમની જગ્યાએ જો વાજપેયી હોત તો કદાચ સિફતથી ઊગરી જાત. અહીં એક વાત નોંધવી જોઈએ કે એ સમયે સંકટમાં મુકાઇ ગયેલા અડવાણીના પડખે વાજપેયી નહોતા આવ્યા. તેમણે મભમ નિવેદન કર્યું હતું અને અડવાણીને મજા ચાખવા દીધી હતી. જો એ સમયે વાજપેયી-અડવાણીએ મળીને સંઘનિરપેક્ષ બી.જે.પી.ની ભૂમિકા લીધી હોત તો કદાચ સંઘ અને બી.જે.પી. વચ્ચેના સંબંધનું નવું સ્વરૂપ આકાર પામ્યું હોત. કદાચ. ખાતરી નથી, પણ વાજપેયીએ મદદ નહીં જ કરી.
આનું કારણ એ હતું કે હજુ બે વરસ પહેલાં અડવાણીએ વેંકૈયા નાયડુને આગળ કરીને અડવાણીએ પોતાને લોહપુરુષ તરીકે ઓળખાવડાવ્યા હતા અને એ રીતે ૨૦૦૪ની લોકસભાની ચૂંટણી પછી વડા પ્રધાનપદ માટેની ઉમેદવારી આગળ કરી હતી. એ સમયે વાજપેયીએ ‘ન ટાયર ન રિટાયર અગલા ચુનાવ લાલજી કે નેતૃત્વ મેં લડા જાએગા’ એમ કહીને અડવાણીને ભોંઠપમાં મૂકી દીધા હતા. એ પછી અડવાણીએ શરમાઈને કહેવું પડ્યું હતું કે વાજપેયી તેમના નેતા છે અને તેઓ જ ૨૦૦૪ પછી બીજી મુદ્દત માટે વડા પ્રધાન બનશે. અટલ બિહારી વાજપેયી તેમના આજીવન સાથી, મિત્ર, હનુમાન કે લક્ષ્મણ જે કહો તે અડવાણી માટે પણ કોયડો હતા.
ગાંધીજીની હત્યા પછી આર.એસ.એસ. પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે સંઘના નેતાઓને લાગ્યું હતું કે આપણો પણ પક્ષ હોવો જોઈએ, જે સંકટ સમયે સંઘની મદદ કરે. સંઘે હિંદુ મહાસભાના નેતા શ્યામા પ્રસાદ મુખર્જીને લઈને ભારતીય જન સંઘની સ્થાપના કરી હતી. સંઘે પોતાના તરફથી દિન દયાળ ઉપાધ્યાય, નાનાજી દેશમુખ અને અટલ બિહારી વાજપેયીને પક્ષનું કામ કરવા શ્યામબાબુને આપ્યા હતા. સંઘ પાસે ત્યારે મોટી હેડીના કોઈ નેતા જ નહોતા. પક્ષની સ્થાપના પછી તરત જ ડૉ. મુખર્જીનું અવસાન થયું અને એ પછીથી સંઘને એક પછી એક બહારથી અધ્યક્ષોને લાવીને કામ ચલાવવું પડતું હતું. કેટલાક અધ્યક્ષો તો એવા હતા જેમના તમે નામ પણ નહીં સાંભળ્યા હોય. છેલ્લા ઉછીના અધ્યક્ષ બલરાજ મધોક હતા. બલરાજ મધોકે જ્યારે સંઘની ઉપેક્ષા કરવા માંડી ત્યારે તેમને બહાર કાઢવાનું ઓપરેશન કરવું પડે એમ હતું. એ ઓપરેશન વાજપેયીએ કર્યું હતું. બલરાજ મધોકે પોતે મને કહ્યું હતું કે વાજપેયી બિનભરોસાપાત્ર ઊંડા માણસ છે. તેમના પેટમાં કેટલા વળ છે એની ખબર જ ન પડે. આમ બલરાજ મધોકને પણ વાજપેયી કોયડારૂપ લાગ્યા હતા. વાજપેયીના કારણે જન સંઘ સ્વતંત્ર થયો હતો.
અટલ બિહારી વાજપેયી પહેલીવાર ૧૯૫૭માં લોકસભામાં ચૂંટાયા હતા. લોકસભામાં વાજપેયીનું છટાદાર ભાષણ સાંભળીને જવાહરલાલ નેહરુ પ્રભાવિત થઈ ગયા હતા. કોઈ પ્રમાણ નથી, પરંતુ એમ કહેવાય છે કે વાજપેયીનું ભાષણ સાંભળીને નેહરુએ તેમની બાજુમાં બેઠેલા તેમના પ્રધાનના કાનમાં કહ્યું હતું કે આટલો સ્વસ્થ અને વિવેકી માણસ કોંગ્રેસમાં કેમ નથી! નેહરુ માટે વાજપેયીને ઊંડો આદર હતો અને સંસદની અંદરના સંસદીય રાજકારણમાં નેહરુ તેમનો આદર્શ હતા. એટલે તો ૧૯૯૬માં અટલ બિહારી વાજપેયી જfયારે ૧૩ દિવસ માટે પહેલીવાર વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે નેહરુને અંજલિ આપતા કહ્યું હતું કે જે જગ્યાએ નેહરુ બેસતા એ જગ્યાએ આજે મને બેસવા મળ્યું એ માટે હું ગર્વ અનુભવું છું.
૧૯૬૪માં નેહરુ ગુજરી ગયા ત્યારે વાજપેયી રાજ્યસભામાં હતા. તેમણે નેહરુને જે અંજલિ આપી હતી તેનો નેહરુને અપાયેલી શ્રેષ્ઠ અંજલિઓમાં સમાવેશ થઈ શકે. તેમણે કહ્યું હતું: દલિતોએ તેનો તારણહાર ગુમાવ્યો છે અને દેશની જનતાએ આંખનો તારો ગુમાવ્યો છે. શાંતિએ તેનો સમર્થક ગુમાવ્યો છે અને વિશ્વએ એક રાહબર ગુમાવ્યો છે. નેહરુ અશક્યને શક્ય બનાવી શકતા હતા અને અકલ્પનીયને મૂર્તિમંત કરી શકતા હતા. સ્વતંત્ર વિચારના અધિકારી અને ગમે તેને સંચારિત કરી શકે એવું અદ્ભુત વ્યક્તિત્વ. ખુલ્લાપણું અને મોકળાશ. પ્રચંડ વ્યક્તિત્વ હોવા છતાં ય હળવાશ. દુશ્મન સાથે પણ મિત્ર જેવો વહેવાર રાખવાની ઉદારતા રાખનારા નખશીખ જેન્ટલમૅન હવે પછી કદાચ ભારતને નહીં મળે.
આ અવતરણ અહીં ટાંકવા પાછળના બે કારણો છે. એક તો અબુધ ભક્તોને જાણ થાય કે નેહરુ શું હતા અને એ પણ કોંગ્રેસના આજીવન વિરોધી વાજપેયીના મોઢે અને બીજું કારણ એ છે કે વાજપેયીએ પોતે જ પોતાને ખોટા સાબિત કર્યા. વ્યક્તિત્વને લાગેવળગે છે ત્યાં સુધી વાજપેયીમાં નેહરુના ઘણા ગુણ હતા. ભદ્રતામાં વાજપેયી બીજા નહેરુ હતા.
એટલે તો ૧૯૭૭માં જનતા પાર્ટીની સરકારમાં વિદેશ પ્રધાન બનેલા વાજપેયીએ પાકિસ્તાન અને ચીન સાથે સંબંધો સુધારીને નવી ઊંચાઈએ લઈ ગયા હતા. સંઘ માટે આ બે દેશો દુશ્મનની યાદીમાં સ્થાન ધરાવે છે. ભારતના શ્રેષ્ઠ અને સફળ વિદેશ પ્રધાનોમાં વાજપેયી સ્થાન ધરાવે છે. ૧૯૯૮માં ભારતે પોખરણમાં બીજું અણુ પરીક્ષણ કર્યું હતું. એ સમયે ઉત્સાહમાં સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડીસે બફાટ કર્યો હતો કે ભારતે ચીનને ધ્યનમાં રાખીને અણુપરીક્ષણ કર્યું છે. વાજપેયીએ તરત જ વાત સંભાળી લીધી હતી, એટલું જ નહીં અમેરિકાએ મૂકેલા પ્રતિબંધો પણ ઉઠાવડાવી લીધા હતા. વડા પ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાન સાથે સંબંધો સુધારવામાં કોઈ કસર નહોતી છોડી. તેમના વખતમાં કારગીલની ઘટના બની હતી. તેમના વખતમાં સંસદભવન પર હુમલો થયો હતો, તેમના વખતમાં વિમાનનું અપહરણ થયું હતું અને એ છતાં દોસ્તીની પહેલ દરેક વખતે વાજપેયીએ કરી હતી. તારું મોઢું નહીં જોઉં નો અભિગમ શાસનમાં નથી ચાલતો કારણ કે દુનિયા આપણી રાહે નથી ચાલતી. આટલું ભાન હોય એ સફળ વિદેશ પ્રધાન કે વડા પ્રધાન બની શકે બાકી વિદેશ યાત્રાઓ કરવાથી કે પરાણે કોઈને વળગવાથી સંબંધો સુધરતા નથી.
અહીં પોખરણનો ઉલ્લેખ આવ્યો તો વાજપેયીની ખેલદિલીનો ઉલ્લેખ કરવો જોઈએ. ભૂતપૂર્વ વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવ ગુજરી ગયા ત્યારે તેમને અંજલિ આપતા વાજપેયીએ કહ્યું હતું કે પોખરણના બીજા અણુ પરીક્ષણનો શ્રેય નરસિંહ રાવને જાય છે. તેમણે બધી જ તૈયારી કરી લીધી હતી, પરંતુ ભારતની તૈયારીની જાણ અમેરિકાને થઈ જતા, અમેરિકાના દબાણ હેઠળ પરીક્ષણ પડતું મુકવું પડ્યું હતું. આમ ભારતના અણુ પરીક્ષણનો ૯૦ ટકા શ્રેય નરસિંહ રાવને જાય છે. આજે આપણને એવા વડા પ્રધાન મળ્યા છે જે છડેચોક બીજાના શ્રેયને પોતાના ખિસ્સામાં મૂકવામાં શરમ નથી અનુભવતા.
જનતા પાર્ટીના વિભાજન પછી જન સંઘીઓએ પાછો પોતાનો પક્ષ સ્થાપવાનો નિર્ણય લીધો હતો. અટલ બિહારી વાજપેયીએ જૂના જન સંઘને પાછો જીવતો કરવાની જગ્યાએ ભારતીય જનતા પક્ષની સ્થાપના કરવા નેતાઓને સમજાવ્યા હતા. તેઓ એમ માનતા હતા કે ભારતમાં લેફ્ટ ઓફ ધ સેન્ટર મધ્યમમાર્ગી પક્ષને લોકો સ્વીકારે છે અને પચરંગી ભારતમાં એની જ પ્રાસંગિકતા છે. બી.જે.પી.એ ગાંધીવાદી સમાજવાદની ફિલસૂફી અપનાવી હતી. સ્થાપના તો સરસમજાની થઈ પણ ૧૯૮૪માં મોટું વિઘ્ન આવ્યું. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ અને એ પછી તરત જ લોકસભાની ચૂંટણી યોજાઈ એમાં વિપક્ષો સાફ થઈ ગયા હતા. બી.જે.પી.ને કુલ મળીને લોકસભાની બે બેઠક મળી હતી અને ખુદ અટલ બિહારી વાજપેયી હારી ગયા હતા. એ પછી તેમને સંઘ અને બી.જે.પી.એ હાંસિયામાં ધકેલી દીધા હતા અને બી.જે.પી.એ જૂનો હિન્દુત્વનો કોમવાદી રાજકારણનો માર્ગ અપનાવ્યો હતો. એક દાયકાનો અરણ્યવાસ હતો. તેમને કોઈ પૂછતું નહોતું કે સલાહ લેવા જતું નહોતું. હવે બી.જે.પી.ને ઠાવકાઈનો ખપ નહોતો. રથયાત્રાથી લઈને બાબરી મસ્જિદ તોડવા સુધીની ઘટના તમે જાણો છો. જાએ તો કહાં જાએ એ વાજપેયીની જાણીતી કવિતા એકલતાના દિવસોમાં લખાયેલી કવિતા છે.
બી.જે.પી.ને વાજપેયી ત્યારે યાદ આવ્યા જ્યારે ઊભી કોમી તિરાડ પાડ્યા પછી પણ સત્તા સુધી પહોંચવા ન મળ્યું. જો ભારતના ઉદારમતવાદી હિંદુઓના મત મેળવવા હોય તો ઉદારમતવાદી ચહેરાની જરૂર છે. પેલો પ્રશ્ન તો પાછળ રહે જ છે કે વાજપેયી ખરેખર ઉદાર હતા કે ગોવિન્દાચાર્યએ કહ્યું હતું એમ ચહેરો (મુખોટા) હતા. હું આજે પણ ખાતરીપૂર્વક કહી શકતો નથી, કારણ કે વાજપેયીએ ક્યારે ય સંઘના ઝેરી રાજકારણની ખોંખારો ખાઈને ટીકા કરી નથી તો ખુલ્લું ઉઘાડે છોગ સમર્થન પણ કર્યું નથી. આમ ૧૯૯૫માં વાજપેયીને બી.જે.પી.ના વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. કહો કે કરવા પડ્યા. એ પછી ૧૯૯૬માં ૧૩ દિવસની સરકાર અને ૧૯૯૮માં ૧૩ મહિનાની સરકાર વિષે તમે જાણો છો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વાજપેયી માટે એટલો બધો પ્રેમ શા કારણે છે એ પણ એક કોયડો છે. ૨૦૦૨માં વાજપેયીએ તો મોદીને રાજધર્મ પાળવાની શિખામણ આપીને નાક કાપ્યું હતું.
એ સમયે ગોવામાં મળેલી બી.જે.પી.ની કાર્યસમિતિ વખતે અટલજીએ આગ્રહ રાખ્યો હતો કે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને હુલ્લડોની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવાનું કહેવામાં આવે. પક્ષમાં નિર્ણય લેવાઈ ગયો હતો, પરંતુ જ્યારે કાર્ય સમિતિ મળી ત્યારે નરેન્દ્ર મોદીને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું નહોતું. ઊલટું લાલકૃષ્ણ અડવાણીએ નરેન્દ્ર મોદીનો બચાવ કર્યો હતો. વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ જ્યારે અડવાણી સામે જોયું ત્યારે તેમણે મોઢું ફેરવી લીધું હતું. મોદીને ત્યારે બચાવનારા અડવાણી તરફ નરેદ્રભાઈને અણગમો છે, કારણ કે તેમની વડા પ્રધાનપદની ઉમેદવારીનો અડવાણીએ વિરોધ કર્યો હતો.
૧૯૯૬માં ૧૩ દિવસની સરકારે રાજીનામું આપવું પડ્યું એ પછી અટલ બિહારી વાજપેયીએ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ નામનો મોરચો રચ્યો હતો. એન.ડી.એ.માં એક સમયે ૨૪ પક્ષો હતા. આ ૨૪ પક્ષોએ રાજકારણમાં અછૂત તરીકે ગણતા બી.જે.પી.ને સાથ આપ્યો એનું કારણ વાજપેયીની ઉદારતા હતું. દરેકને એમ લાગતું હતું કે વાજપેયી મર્યાદા નહીં ઓળંગે. એન.ડી.એ.ની રચના પછી વાજપેયીની સરકારે પૂરી મુદત ભોગવી હતી. આ રીતે અટલ બિહારી વાજપેયી ભારતના પહેલા વડા બન્યા જે ક્યારે ય કોંગ્રેસમાં નહોતા. તેમની પહેલાંના બધા જ ગેર-કોંગ્રેસી વડા પ્રધાનો ક્યારેકને ક્યારેક કોંગ્રેસમાં હતા. આ સિવાય વાજપેયીની સરકાર પહેલી બિન કોંગ્રેસી સરકાર હતી જેણે મુદત પૂરી કરી હતી. એન.ડી.એ.ના જવાબરૂપે કોન્ગ્રસે યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સની રચના કરી હતી અને એ રીતે દેશને સ્થિર મિશ્ર સરકારો મળવા લાગી હતી. આમ દેશમાં મિશ્ર સરકારોને સ્થિરતા આપવાનો શ્રેય પણ વાજપેયીને જાય છે.
છેલ્લે રામચન્દ્ર ગુહાના શબ્દોમાં આજના નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ઝેરીલું અને ડંખીલું રાજકારણ જોતાં વાજપેયી એ જ પરિવારના હોવા છતાં મીઠા જળની વીરડી નહીં પણ મીઠા પાણીના દરિયા જેવા લાગે છે. કવિ અનિલ જોશીની ભાષામાં કહીએ તો વાજપેયી વહાલનો દરિયો!
સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની દૈનિક કટાર, “ગુજરાતી મિડ-ડે”, 17 અૉગસ્ટ 2018
કાર્ટૂન સૌજન્ય : "ધ ઇન્ડિયન અૅક્સપ્રેસ", 17 અૉગસ્ટ 2018
![]()



તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડી.એમ.કે. પાર્ટીના અધ્યક્ષ એમ. કરુણાનિધિનું તારીખ ૭ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ નિધન થયું, તેઓ ૯૪ વર્ષના હતા.
તમિલ રાષ્ટ્રવાદી રાજકારણની વાર્તામાં દ્રવિડ મુન્નેત્ર કઝાગમ કેન્દ્રસ્થાને રહેલ છે. વર્ષ ૧૯૪૯માં સી.એન. અન્નાદુરાઈ, એમ. કરુણાનિધિ તથા અન્ય બૌદ્ધિકો-કાર્યકરો દ્વારા DMK (દ્રવિડ મુન્નેત્ર કઝાગમ) પાર્ટીની શરૂઆત કરવામાં આવી હતી. આ પૂર્વે તેઓ DK (દ્રવિડ કઝાગમ) નામની પાર્ટી સાથે જોડાયેલા હતા, કે જેના નેતા ઈ.વી. રામાસ્વામી ઉર્ફે પેરિયાર હતા. પેરિયાર એક સમયે કોંગ્રેસી હતા અને મહાત્મા ગાંધીના અનુયાયી હતા, અને જ્યારે પેરિયારને લાગ્યું કે સુધારાનાં કાર્ય કરવામાં સ્થાનિક નેતાગીરી અડચણરૂપ બની રહી છે, ત્યારે તેમણે કોંગ્રેસ પાર્ટીનો સાથ છોડ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પેરિયારે પાર્ટીના પ્રમુખ તરીકે એક અલગ તમિલ રાષ્ટ્ર માટેની ઝુંબેશ પણ ચલાવી હતી, અને વર્ષ ૧૯૪૪માં તેમણે સ્વતંત્ર પાર્ટી DK(દ્રવિડ કઝાગમ)ની સ્થાપના કરી હતી. આ પાર્ટીએ તમિલનાડુમાં મોટાપાયે સામાજિક સુધારા માટેની ચળવળ ચલાવી હતી. DK પાર્ટીની સ્થાપનામાં પેરિયારના સૌથી નજીકના સહાયક સભ્ય અને લેખક એવાં અન્નાદુરાઈએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, અને બાદમાં તેઓ DMK પાર્ટી તરફથી તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા હતા.