Opinion Magazine
Number of visits: 9580022
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમિત શાહ : વિના સહકાર, નહીં ઉદ્ધાર

ભરત મહેતા|Opinion - Opinion|21 August 2018

નોટબંધી પાછળના કોઈ પણ પ્રકારનો ‘દેશહિત’નો હેતુ નજર ન આવતાં આપણને સ્વાભાવિક જ શંકા પડે કે આ રાજકારણીઓના અંગત તેમ જ પક્ષીય ફાયદા માટે લેવાયેલું ઘાતક પગલું હશે, જેમાં આશરે ૧૫૦ માણસોએ જાન ગુમાવ્યા! શંકાની સોય સીધી તકાઈ રહી છે અમિત શાહ સામે.

ગુજરાત પોલીસે એક કેસ સબબ ગુજરાતના જ ખોવાઈ ગયેલા ગૃહમંત્રીશ્રીને ખોળી રહી હતી! એ સ્વનામધન્ય અમીત શાહનો અરણ્યકાંડ હતો; પરંતુ પછી રાષ્ટ્રીય ફલક પર ગયા, પણ એમનાં પરાક્રમકાંડોની હારમાળા અટકી નથી. વાયરે જય શાહ કૌભાંડનો પર્દાફાશ કર્યો તેમાં ભા.જ.પ.ના હાથ ‘વાયર’ સામયિક સામે હેઠા પડ્યા છે. જસ્ટિસ લોયા કેસમાં પણ ભીનું સંકેલાયાની વાત મોટા ન્યાયવિદો પણ કરી રહ્યા છે. ધારાસભ્યોના ખરીદ-વેચાણમાં પણ એમનું નામ ચમકતું રહે છે, ત્યારે આ ‘રાષ્ટ્રવાદી’ અમિત શાહને ઉઘાડા પાડતો એક નવો દાખલો હમણાં માહિતી-અધિકાર નિમિત્તે પ્રાપ્ત થયો.

સહકારી બૅંકમાં જમા થયેલી પ્રતિબંધિત નોટોને લઈને એક આર.ટી.આઈ. કાર્યકર્તા મનોરંજન રૉયે નાબાર્ડમાં માહિતી માટે એક અરજી કરી હતી. નાબાર્ડ સહકારી બૅંકોની અપીલ માટેનું સર્વોચ્ચ સ્થાન છે. એમને જે માહિતી મળી, તે અત્યંત વિસ્ફોટક માહિતી હતી. જો કે માહિતી બહાર ન આવી હોત, તો રાજનેતાનાં કાળા નાણાંનાં કાળાં કારનામાં ફાઇલોના ઢગલા નીચે દટાઈ જાત!

જે માહિતી એ હતી કે ૮મી નવેમ્બર, ૨૦૧૬ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોટબંધીની ઐતિહાસિક ઘોષણા પછી રદ્દ કરાયેલી ૫૦૦, ૧૦૦૦ની સૌથી વધુ નોટો ગુજરાતની એક સહકારી બૅંકમાં જમા થઈ હતી! વડાપ્રધાનની ઘોષણા પછીના માત્ર પાંચ જ દિવસોમાં, ૧૪મી નવેમ્બર સુધીમાં અમદાવાદ જિલ્લા સહકારી બૅંક(એ.ડી.સી.બી.)માં ૭૫૦ કરોડ રૂપિયા જમા થયા હતા! આ રકમ રાષ્ટ્રની કોઈ પણ સરકારી બૅંકમાં જમા થયેલી રકમમાં સર્વાધિક છે. એનાથી પણ વધુ ચોંકાવનારી હકીકત એ છે કે આ બૅંકના ડાયરેક્ટર ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ છે! બૅંકની વેબસાઇટસ્‌ પરથી ખ્યાલ આવે છે કે તેઓ ઘણાં જ વર્ષોથી આ બૅંકના ઉચ્ચતમ પદ પર બિરાજમાન છે. આવાં સ્થાનોનો ઉપયોગ રાજનેતાઓ કાળાં નાણાંને ધોળાં કરવામાં સહેલાઈથી કરી શકે. એ.ડી.સી. પછીના ક્રમે આવવામાં પણ ગુજરાતની જ બૅંક નીકળી! બીજા ક્રમે રાજકોટ જિલ્લા સરકારી બૅંક (આર.ડી.સી.) છે જેમાં ૭૦૦ કરોડ રૂપિયા જમા થયા છે! જેની સાથે ઉચ્ચતમ પદ પર જોડાયેલાં છે – ગુજરાત સરકારના કૅબિનેટ મંત્રી વિઠ્ઠલભાઈ રાદડિયા! આ બે અધ્યક્ષોની બૅંકમાં જમા થયેલા ૧૪૫૦ કરોડ દાળમાં કાળું નાણું છે, તે તપાસ થાય તો સાબિત થઈ શકે એમ છે. અમદાવાદ અને રાજકોટ ગુજરાતમાં ભા.જ.પ.ની રાજનીતિનાં મહત્ત્વનાં કેન્દ્રો છે.

ગુજરાતની સહુથી મોટી (ખાતાધારકોના સંદર્ભે) સહકારી બૅંક ગુજરાત સહકારી બૅંક ગુજરાત લિમિટેડમાં કેવળ ૧.૧૧ કરોડ રૂપિયા જમા થયેલા છે. ક્યાં એક, સવા કરોડ ને ક્યાં પંદરસો કરોડ? આ તુલનામાંથી એટલું તો સમજાય છે કે કંઈક ને કંઈક ગોટાળાઓ હોવાની પૂરી સંભાવના છે. કાળાં નાણાંને સફેદ કરવાનો ખેલ ‘આતંકવાદ’ને ખતમ કરવાના નામે, રાષ્ટ્રવાદના નામે પાડવામાં આવ્યો!

આખા દેશમાં જમા થયેલી કુલ ૧૫ લાખ કરોડમાંથી ૫૨ ટકા જૂની નોટો સહકારી બૅંકોમાં જમા થઈ છે! આપણે જાણીએ છીએ કે સહકારી બૅંકોનો સીધેસીધો સંબંધ રાજકારણીઓ સાથે છે. જો સઘન તપાસ કરવામાં આવે, તો આ બૅંકોમાં પ્રબંધનમાં વિશેષપણે સત્તાધારી પક્ષના લોકો સામેલ છે.

વડાપ્રધાને આ તુઘલખી નિર્ણય પછી માત્ર પચાસ દિવસો પ્રજાને આપ્યા હતા! દોઢસો આર્થિક શહીદોવાળી આ નોટબંધીને ભા.જ.પ. અને ભક્તો ‘ક્રાંતિકારી’ ગણાવી રહ્યા છે. નોટબંધીની સાથે જ દાવાઓ કરવામાં આવ્યા હતા તે પોકળ સાબિત થયા છે. કાળું નાણું તો જડ્યું જ નહીં! બાબા રામદેવ કે અણ્ણા હજારે એ મામલે મૌનયોગમાં છે, બાબા રામદેવ તો બજારયોગમાં પણ કહેવાય! કાળાં નાણાંના આ લડવૈયાઓ કેવા તકવાદી અને તકલાદી હતા, તેનો પ્રજાને હવે ખ્યાલ આવી ગયો છે. સરકારી આંકડા અનુસાર ૧૫.૪૪ લાખ કરોડ ૫૦૦, ૧૦૦૦ની નોટોમાંથી પ્રતિબંધ જાહેર કર્યા પછી ૧૫.૨૮ લાખ કરોડ જમા થયા! જેથી કાળું નાણું  તો જડ્યું જ નથી. બીજી તરફ જ સ્વિસ બૅંકની યાદી લઈને અરુણ જેટલી ફરતા હતા તે યાદી ગૂમ થઈ ગઈ! સ્વિસ બૅંકે જાહેર કર્યું કે ૨૦૧૪ પછી બૅંકમાં ભારતીયોનું નાણું ૫૦ ટકા જેટલું વધ્યું! તો કોણ છે આ ભારતીયો? હવે તો પ્રજાના દરેકના ખાતામાં પંદર લાખ નહીં, ત્રીસ લાખ આવી શકે એવી જાહેરાત જાહેરાતબહાદુરો કરી શકશે. આ અંગત સ્વાર્થના ખેલમાં ભારતીય અર્થવ્યવસ્થાને ફટકો પડ્યો. પોતાના આર્થિક સર્વેમાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું કે નોટબંધીના પરિણામે ૨ ટકા જિ.ડિ.પી. ઘટ્યો!

જ્યારે આખો દેશ નોટો બદલવા લાંબી-લાંબી લાઇનોમાં ઊભો હતો ત્યારે આ કહેવાતાં રાષ્ટ્રવાદી સ્થાપિત તત્ત્વોએ પોતાનાં કાળાં નાણાં ધોળાં કરી લીધાં! આ કામ દિવસ-રાત ચાલ્યું હશે. નોટો ગણવાનું મશીન પણ પાંચ દિવસોમાં ૭૫૦ કરોડ એ.ડી.સી.માં ગણી શકે ખરું ? આ ગોરખધંધો સહકારી બૅંકોમાં વિશેષ ચાલ્યો છે, એમાં ય જ્યાં ભા.જ.પ.નું શાસન છે, એવાં રાજ્યોમાં સવિશેષ.

ચાલાકી પણ જુઓ. જેવા એ.ડી.સી./આર.ડી.સી. જ્યાં બે ભા.જ.પી. અધ્યક્ષો છે, ત્યાં પંદરસો કરોડ જમા થઈ ગયા કે તરત જ કેન્દ્ર સરકારે આ નોટો હવે સહકારી બૅંકોમાં જમા નહીં કરાવી શકાય તેવો ફતવો જાહેર કર્યો! લોકોને આશ્વાસન આપવા માટે એવું વારંવાર કહેવામાં આવ્યું કે કોના ખાતામાં કેટલા જમા થયા છે, તેની તપાસ કરવામાં આવશે, સમય આવે તેમના પર સખત કાર્યવાહી કરવામાં આવશે. તો હું હવે એ.ડી.સી./આર.ડી.સી.ના ખાતાધારક મુજબ જમા થયેલાં નાણાંની વિગતો રાષ્ટ્રવાદી સરકાર જાહેર કરશે ખરી? બે વર્ષનાં વ્હાણાં વહી ગયાં છતાં આવો કોઈ દાખલો સરકારે પૂરો પાડ્યો નથી. ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે. આ તો મનોરંજક રૉયની આર.ટી.આઈ.માંથી છીંડું ખોળતાં પોળ નહીં, પોલમપોલ નીકળી છે! જો અમિત શાહ ‘સ્વચ્છ’ હોય, તો આ વિગતો જાહેર કરવી જોઈએ. કાળાં નાણાંવાળા ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે એવી વાતો કરનાર વડાપ્રધાનની બગલમાં જ તો ચમરબંધી ક્યાં ય ઊભા તો નથીને? બૅંકોમાં સી.સી.ટી.વી. કૅમેરાઓ છે. ૭૫૦ કે ૭૦૦ કરોડ કેવી રીતે, કઈ ઝડપે જમા થયા એનું નિદર્શન પણ આ બૅંકો રાખી શકે. આ માહિતી – વિસ્ફોટ પછી કોઈ પગલાં લેવાના બદલે ચોર કોટવાળને દંડે એવી ભાષામાં નાબાર્ડ બચાવમાં લાગી ગઈ છે.

“એ.ડી.સી.માં કોઈ જ ગરબડ થઈ નથી. આ બૅંકોમાં ૧,૬૦,૦૦૦ ખાતાંધારકોે છે, તેથી દરેક ખાતામાં સરેરાશ ૪૬,૦૦૦થી થોડા વધુ જમા થયા ગણાય. શું બધા જ ખાતાધારકો ૪૬,૦૦૦ જમા કરાવી શકે? શું બધાં જ ખાતાધારકો પાંચ જ દિવસમાં આવી ગયાં? કારણ કે છઠ્ઠા દિવસ પછી તો સહકારી બૅંકમાં નાણાં જમા કરાવવાના જ હતા! શું ૧,૬૦,૦૦૦ ખાતાંધારકોના પ્રત્યેક ૪૬,૦૦૦ પાંચ દિવસોમાં કારકુન/મશીન ગણી શકે? શું બધા જ ખાતાધારકો પૈસાદાર જ છે? આવા પ્રશ્નો પર પ્રશ્નો નાબાર્ડના બચાવ સામે જાગે છે. તેથી કહી શકાય કે કાળીશાહી શેહમાં નાબાર્ડ ડરે છે! એ ડરના કારણે આખા ગોટાળાને ઢાંકી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હકીકત તો એવી હોય છે કે દસ ખાતાંમાં વીસ કરોડ જમા થયા હોય છે. એ દસ ખાતાંની તપાસ થવી જોઈએ. એ.ડી.સી.ના કર્મચારીઓને માધ્યમોના માણસો મળવા જાય જાય છે, તો કાં તો એ ગભરાય છે અથવા મર્માળુ હસે છે! આ મામલાની નિષ્પક્ષ તપાસ થાય, તો આતંકવાદના નામે આર્થિક આતંકવાદીઓની યાદી પ્રજાને મળે. જો નોટબંધી ‘ક્રાંતિકારી’ પગલું હોય, તો આ મામલાની સરકારે નિષ્પક્ષ તપાસ લોકો સામે રજૂ કરવી જ જોઈએ.

મનોરંજન રૉયના દાખલા પછી પણ માહિતી-અધિકારનો લાભ લઈને બીજી અરજીઓ પણ થઈ, પરંતુ હવે એમ કહીને માહિતી આપવાનો ઇન્કાર કરવામાં આવે છે કે – “નોટબંધીથી જોડાયેલી કોઈ પણ માહિતી આપવાનો અધિકાર માહિતી-અધિકાર કાનૂન આર.ટી.આઈ. હેઠળ આવતો નથી. આ માહિતી સાર્વજનિક ન કહી શકાય. નોટબંધીના નિર્ણયો અંગે થયેલી મિટિંગોની કોઈ પણ વિગતો આપવાથી દેશનાં આર્થિક હિત પર મોટો ફટકો પડી શકે તેમ છે.” ચોરની દાઢીમાં જ તણખલું છે.

જો આ અંગે નિષ્પક્ષ તપાસ થાય, જાગૃત નાગરિકો આ અંગે અવાજ ઉઠાવે તો દેશના આર્થિક અપરાધીઓ ખુલ્લા પડશે. જો એમ નહીં થાય, તો અમિત શાહ અને વિઠ્ઠલભાઈના સફેદ ઝભ્ભા પર કાળા ડાઘાં અમીટ જ રહેશે.

આમ, સમાચારોમાં સતત ઝળકતા અમિત શાહ પુનઃ પણ એક મામલે ઝળક્યા છે. બિહારના બાલિકાગૃહની ૩૯ છોકરીઓ પર બળાત્કાર કરનાર બ્રિજેશ શર્માને જામીન મળી ગયા, પરંતુ સરકારમાં કોઈ પણ હોદ્દો નહીં ધરાવતા અમિત શાહને કાળો ઝંડો બતાવનાર વિદ્યાર્થિની નેહા યાદવને જામીન ન મળ્યા! આ…ટ…લો… દબદબો છે અમિત શાહનો.

E-mail :bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2018; પૃ. 05-06

Loading

ન્યાયાધીશોની નિવૃત્તિ-વયમર્યાદા વધારવા અંગે

કૃષ્ણકાંત વખારીઆ|Opinion - Opinion|21 August 2018

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓની નિવૃત્તિ-વયમર્યાદા વધારવા અંગે એક બિલ તા. ૧૮ જુલાઈ, ૨૦૧૮થી તા. ૧૦ ઑગસ્ટ, ૨૦૧૮ સુધી ચાલનારા પાર્લમેન્ટના ચોમાસુ સત્ર સમક્ષ લાવવા માગે છે. આ બિલની જોગવાઈઓ મુજબ સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોની જે નિવૃત્તિ-વયમર્યાદા હાલમાં પાસઠ વરસની છે, તે વધારીને સડસઠ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ-વયમર્યાદા બાસઠ વરસની છે, તે ચોંસઠ વરસ કરવા માગે છે. આ પ્રકારની જોગવાઈઓ કરવા માટે બંધારણના આર્ટિકલ ૧૨૪ અને આર્ટિકલ ૨૧૭માં સુધારો કરવો પડે તેમ છે. આ બંધારણના આર્ટિકલ ૧૨૪થી સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિની નિવૃત્તિ-વયમર્યાદા પાંસઠ વરસની છે. અને બંધારણના આર્ટિકલ ૨૧૭થી હાઈકોર્ટના ન્યાયમૂર્તિની નિવૃત્તિ-વયમર્યાદા બાંસઠ વરસની છે. ફલસ્વરૂપે આ એક બંધારણીય સુધારો છે જે બંધારણમાં બંધારણ-સુધારા અંગેની આર્ટિકલ ૩૬૮ની જોગવાઈને આધીન છે.

આર્ટિકલ ૩૬૮ની જોગવાઈ મુજબ આ બંધારણીય સુધારાની જોગવાઈ કરતું વિધેયક લોકસભા અને રાજ્યસભામાં હાજર અને મતદાન કરતા ૨/૩ સભાસદોના મતથી પસાર થાય, ત્યાર પછી આ વિધેયકની મંજૂરી માટે આગળની કાર્યવાહી હાથ પર લઈ શકાય. આર્ટિકલ ૧૨૪ અને ૨૧૭માં ન્યાયમૂર્તિઓના નિવૃતિ-વયમર્યાદાની જે જોગવાઈઓ છે, તે અંગેનો બંધારણીય સુધારો ભારતનાં કુલ્લે રાજ્યોમાં કમસે કમ પચાસ ટકા જેટલી વિધાનસભાઓ ઠરાવો પસાર કરી મંજૂર કરે ત્યાર પછી દેશના રાષ્ટ્રપ્રમુખની સંમતિ માટે મૂકી શકાય અને રાષ્ટ્રપ્રમુખની મંજૂરી મળે એટલે બંધારણીય સુધારો અમલમાં મૂકી શકાય અને સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ-વયમર્યાદા સડસઠ અને ચોસઠની થઈ શકે.

તબીબી વિજ્ઞાને ભારે પ્રગતિ કરી છે અને તેના કારણે માનવીના આયુષ્યમાં વધારો થયો છે. ભારતને આઝાદી મળી, ત્યારે સરેરાશ આયુષ્ય ૩૩ વર્ષનું હતું, જે સને ૨૦૧૮માં વધીને ૬૦ વર્ષનું થયું છે. બાસઠ વરસે નિવૃત્ત થતાં અનેક ન્યાયમૂર્તિઓ લાંબું આયુષ્ય ભોગવે છે અને નિવૃત્તિ પછી સરકારી કમિશનોમાં કે લવાદી કેસોમાં લવાદ તરીકે કામ કરે છે. નિવૃત્ત ન્યાયમૂર્તિની નોકરીની લંબાઈ ગણવામાં ન્યાયમૂર્તિ તરીકે જેટલાં વરસો સેવાઓ આપી હોય, તે ઉપરાંત વકીલાતમાં ગાળેલાં દસ વરસોનો પણ ઉમેરો થાય છે અને તેને કારણે નિવૃત્ત ન્યાયમૂર્તિઓ લગભગ નિવૃત્તિ જેટલો પગાર પેન્શન તરીકે મેળવતા હોય છે. ગુજરાતની વડી અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ બી.જે. દીવાન ૯૨ વરસો સુધી જીવ્યા અને ૧૯૮૧માં નિવૃત્ત થયા પછી લગભગ ૩૨ વરસ નેવું ટકા પગાર પેન્શનના રૂપે મેળવ્યો. ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ત્ર્યંબકલાલ મહેતા હિમાલય હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સને ૧૯૭૯માં નિવૃત્ત થયા અને આજે એકસો વરસ પૂરાં કરીને અમેરિકામાં નિવૃત્ત જીવન જીવે છે અને તેમને ન્યાયમૂર્તિ તરીકે જે પગાર મળતો હતો, તેનાથી વધારે પેન્શન તેમની નિવૃત્તિ પછીનાં પગાર-કમિશનોના અહેવાલ મુજબ મેળવે છે. સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ પી.એન. ભગવતી સને ૧૯૮૬માં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિવૃત્ત થયા અને ૨૦૧૭માં અવસાન પામ્યા ત્યાં સુધી ૩૧ વરસો સુધી પગાર કરતાં વધારે પેન્શન મેળવતા રહ્યા. આ પ્રકારનાં અનેક દૃષ્ટાંતો આપી શકાય તેમ છે.

આઝાદી પહેલાં કે પછી આયુષ્યમાં વધારો થતો ગયો તેમ તેમ નિવૃત્તિ – વયમર્યાદા સરકારી નોકરિયાતો તેમ જ ન્યાયમૂર્તિઓની પણ વધતી ગઈ છે. ભારતનું બંધારણ તા. ૨૬-૧-૧૯૫૦થી અમલમાં આવ્યું ત્યારે હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ-વયમર્યાદા સાઠ વરસની હતી. તે સને ૧૯૬૩ના ઑક્ટોબર માસથી વધારીને બાસઠની કરવામાં આવેલ છે. અંગ્રેજ રાજ્યના જમાનામાં ભારતમાં સરેરાશ આયુષ્ય ઓછું હોવાને કારણે સરકારી નોકરોની વયમર્યાદા બાવન વર્ષની હતી, જે પછીથી વધીને ત્રેપન-પંચાવન વરસની થયેલી, જે આજે અઠાવન વરસની થઈ છે. ન્યાયતંત્ર માટે અલગ નિયમ છે, એ મુજબ ન્યાયાધીશોની નિવૃત્તિ – વયમર્યાદા સાઠ વરસની છે.

આયુષ્ય લાંબું થતું જાય છે અને નિવૃત્તિ-વયમર્યાદા સમયે પણ નિવૃત્ત થતી વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત હોય છે. નિવૃત્ત થતી વ્યક્તિ પાસે અનુભવોનું ભાથું પણ હોય છે. અલબત્ત-નિવૃત્તિ વયમર્યાદા સરેરાશ આયુષ્યની લંબાઈ વધતી જાય તેની સાથે વધારવામાં કંઈ હરકત હોવી ન જોઈએ.

સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓના નિવૃતિ-વયમર્યાદામાં વધારો થાય તેમાં કોઈ વાંધો હોઈ શકે નહીં. આ નિવૃત્તિ-વયમર્યાદાની વધારવાની દરખાસ્ત વરસોથી ચાલી આવી છે.  મનમોહનસિંહના નેતૃત્વ હેઠળની કૉંગ્રેસ સરકાર પણ નિવૃત્તિ-વયમર્યાદામાં વધારો સૂચવવાની તરફેણમાં હતી. આ નિવૃત્તિ-વયમર્યાદામાં વધારો કરવાનું વિધેયક ચોમાસુ સત્ર સમક્ષ એકાએક લાવવામાં આવેલ છે, જેની સામે વિરોધપક્ષોએ શાસકપક્ષે કોઈ પણ જાતની વિરોધપક્ષો સાથે ચર્ચા કર્યા વગર આ પ્રકારનું  બંધારણીય સુધારા અંગેનું વિધાયક લાવવા અંગે અવાજ ઉઠાવેલ છે, જેનો ઉકેલ ચોમાસુ સત્રને બદલે આવતા શિયાળુ સત્ર સમક્ષ આ વિધેયક મૂકીને લાવી શકાય છે. આ વિધેયક બંધારણીય સુધારો હોવાને કારણે સાદી બહુમતીથી પસાર કરી શકાય તેમ નથી, કારણ કે, બંધારણના આર્ટિકલ ૩૬૮ની જોગવાઈ મુજબ આ સુધારા અંગે બંને ગૃહોમાં ૨/૩ મતોની બહુમતીથી પસાર કરવાનો રહે છે. કેન્દ્રની મોદી સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત સમયે જે મતો મળેલ છે, તેમાં શિવસેના અને બીજુ જનતાદળનું સમર્થન મળે તો પણ બંને ગૃહોમાં ૨/૩ બહુમતી થઈ શકે તેમ નથી. આ સંજોગોમાં પણ કેન્દ્ર સરકાર આ વિધાયક શિયાળુ સત્રમાં લાવે, તો વધારે યોગ્ય ગણાશે.

સુપ્રિમ કોર્ટ, અને હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓની નિવૃત્તિ-વયમર્યાદા, વધારવાની દરખાસ્ત સાથે ન્યાયતંત્ર અંગે કેટલાક પારદર્શક ગણી શકાય, તેવા સુધારાઓ જરૂરી છે, જેના અંગે નીચે મુજબ સૂચનો વિચારી શકાય :

૧. સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ વચ્ચે નિવૃત્તિ-વયમર્યાદા અલગ રાખવા અંગે કોઈ ન્યાયી કારણ નથી. બંનેની નિવૃત્તિ-વયમર્યાદા એકસરખી હોવી જોઈએ. જે રીતે આયુષ્યની લંબાઈમાં વધારો થઈ રહ્યો છે, તે રીતે સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટ ન્યાયમૂર્તિઓની નિવૃત્તિ વયમર્યાદા ૬૭ને બદલે ૬૮ની કરવી જોઈએ. અમેરિકા અને ઇંગ્લૅન્ડમાં સર્વોચ્ચ અદાલતોના ન્યાયમૂર્તિની કોઈ નિવૃત્તિ-વયમર્યાદા નથી, તેઓ શારીરિક અને માનસિક સશક્ત હોય, તો તેઓ ઇચ્છે ત્યાં સુધી કાર્યરત રહી શકે છે. ઇંગ્લૅન્ડમાં લૉર્ડ ડેનિંગ સશક્ત હતા, ત્યાં સુધી કાર્યરત રહેલા અને જૈફ ઉંમરે કાનમાં સાંભળવાની તકલીફ લાગતા સ્વેચ્છાએ નિવૃત્ત થયેલા.

૨. નિવૃત્તિ પહેલાંનાં એક-બે વરસોમાં કેટલાક ન્યાયમૂર્તિઓ સરકારની અથવા મોટા ઉદ્યોગની તરફેણમાં ચુકાદાઓ આપે અને બદલામાં નિવૃત્તિ પછી સરકારી કે અર્ધસરકારી પંચોમાં કમિશનોમાં કે કોઈ પણ સરકારી હોદ્દા પર નિયુક્ત થઈ શકે નહીં કે લવાદ તરીકે કાર્યરત રહી શકે નહીં કે કોઈ પણ મોટા ઉદ્યોગ વતી કોઈ પણ પ્રકારનો નાણાકીય ફાયદાવાળો કે પ્રતિષ્ઠા ધરાવતો હોદ્દો ધારણ કરી શકે નહીં તે પ્રકારનો બંધારણમાં સુધારો કરીને પ્રતિબંધ મુકાવો જોઈએ.

૩. નિવૃત્તિની વયમર્યાદાની સાથોસાથ ન્યાયમૂર્તિઓની ભરતીની પ્રથા અનેક પ્રકારના ધરમૂળથી ફેરફારો માગે છે, હાઈકોર્ટ ન્યાયમૂર્તિઓની પસંદગી મુખ્યત્વે જે-તે હાઈકોર્ટમાં વકીલાત કરતા વકીલો અને હાઈકોર્ટ હેઠળના જિલ્લા ન્યાયાધીશોમાંથી થતી હોય છે અને હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓમાંથી અથવા સુપ્રિમ કોર્ટમાં વકીલાત કરતાં વકીલોમાંથી સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશની પસંદગી થતી હોય છે. આ ફલકને વિશાળ કરીને અખિલ ભારતીય ધોરણે મૂકવાની તાતી જરૂર છે.                                          

E-mail :kgv169@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2018; પૃ. 07-08

Loading

ન જન્મેલી જિઓ :

રામચન્દ્ર ગુહા|Opinion - Opinion|21 August 2018

નરેન્દ્ર મોદીના વડાપ્રધાનપદ હેઠળ ચાલતી કેન્દ્ર સરકાર લોકોને કેટલી હદે મૂરખ બનાવવાની નિંભર કોશિશ કરે, તેનો દાખલો તાજેતરમાં જોવા મળ્યો. કેન્દ્ર સરકારના માનવસંસાધન વિકાસ મંત્રાલયે નવમી જુલાઈએ દેશમાં ઉચ્ચશિક્ષણમાં ઉત્તમ નિવડેલી છ સંસ્થાઓની એક યાદી  ‘ઇન્સ્ટિટ્યૂટ્‌સ ઑફ એમિનન્સ’ એવા વર્ગ હેઠળ જાહેર કરી. એમાં સરકારશ્રીએ રિલાયન્સ ગ્રૂપની ‘જિઓ ઇન્સ્ટિટ્યૂટ’ને પણ સ્થાન આપ્યું. હકીકત એ છે કે આવી કોઈ  સંસ્થા હકીકતમાં નક્કર રૂપે અસ્તિત્વમાં જ નથી. તેનાં મકાન, સંકુલ અને વિદ્યાર્થીઓ એવું કશું છે જ નહીં. અક્કલવાળા માણસનું મગજ બહેર મારી જાય તેવી આ વાત છે. આ મોદીનો જાદુ છે. તેમણે એ ઇલમનો એક કામયાબ અખતરો ગુજરાતમાં મુખ્ય મંત્રી હતા, ત્યારે અમદાવાદ પર કર્યો હતો. રળિયામણું અને વિશાળ કાંકરિયા તળાવ દેખાતું બંધ કરી દીધું! જે દૃશ્ય હતું તેને અદૃશ્ય કરી દીધું. હવે વડાપ્રધાન મોદી જે અદૃશ્ય છે એને દૃશ્ય કરે છે. જિઓ ઇન્સ્ટિટ્યૂટ નથી, પણ દેશને બતાવે છે કે જુઓ એ છે અને વળી ઇન્સ્ટિટ્યૂટ ઑફ એમિનન્સ તરીકે છે! દેશમાં  કેટલાકને તો એ દેખાઈ પણ ગઈ છે.

આ છેતરપિંડી  વિશે વર્તમાનપત્રોમાં બહુ ઓછું લખાયું છે અને જે છે તે સ્પષ્ટ શબ્દોમાં નથી. તેને આધુનિક પરિભાષા વાપરીને સ્માર્ટ પૅકેજિંગ કરીને મૂકવામાં આવ્યું છે. તેમ કરવામાં, સારા પત્રકારત્વના નમૂના સમાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ કે ‘હિન્દુ’ દૈનિકો પણ અપવાદ નથી. પ્રમુખ છાપાંની સરખામણીમાં થોડુંક સ્પષ્ટ કવરેજ કેટલાંક પોર્ટલ્સમાં જોવા મળ્યું, પણ એકંદર પ્રકરણમાં રિલાયન્સની માધ્યમો પરની પકડ જોવા મળી.

સોશિયલ મીડિયામાં ઠીક ટીકા અને મશ્કરી થઈ. જેમ કે, કાનૂનવિદ પ્રશાન્ત ભૂષણે ટિ્‌વટ કર્યું : ‘પૂરેપૂરા ચોંકી જવાય તેવી વાત! માનવસંસાધન વિકાસ મંત્રાલયે અંબાણીની માલિકીની ‘હજુ ખૂલવાની બાકી’ હોય તેવી જિઓ ઇન્સ્ટિટ્યૂટને આઇ.આઇ.ટી. અને આઇ.આઇ.એમ.ની સાથોસાથ ઇન્સ્ટિટ્યૂટ  ઑફ એમિનન્સ  જાહેર કરી દીધી. દેશ માટે આના કરતાં વધુ વિકૃત જોક અને ગુનાઇત સાઠગાંઠનું વધુ ખુલ્લેઆમ કામ હોઈ શકે નહીં.’

એક ટિ્‌વટ એવી છે કે જેમાં મોદી અને અંબાણીને પદવીદાનના પોષાકમાં બતાવીને લખ્યું છે : ‘લૉર્ડ મેકૉલે અને લૉર્ડ અંબાણી ભારતમાં ભક્તોમાં સાક્ષરતા વધારવા માટે જિઓ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવાનું આયોજન કરી રહ્યા છે.’

એક પોસ્ટ કહે છે : ‘એવું નથી કે જિઓ ઇન્સ્ટિટ્યૂટ નથી. ખરેખર વાત એમ છે કે આપણી પાસે તેનો પૂરતો ડેટા નથી.’

જાણીતા ઇતિહાસકાર અને જાહેરજીવનના સમાલોચક રામચન્દ્ર ગુહાએ ટિ્‌વટ કરી છેઃ ‘અંબાણી યુનિવર્સિટીને પસંદગીમાં આપવામાં આવેલી અગ્રતા એ આઘાતજનક છે. વિશેષ એટલા માટે કે પ્રથમ કક્ષામાં બેસી શકે તેવી ખાનગી યુનિવર્સિટીઓને બાજુ પર મૂકવામાં આવી છે. શું આ યુનિવર્સિટીઓને તેમની ઉચ્ચ ગુણવત્તા અને તેમાંના વિદ્વાનોની બૌદ્ધિક સ્વતંત્રતાની સજા આપવામાં આવી રહી છે ?’ રામચન્દ્ર ગુહાએ ચૌદમી જુલાઈના હિન્દુસ્તાન ટાઇમ્સમાં લખેલો  એક લેખ અહીં ગુજરાતીમાં મૂક્યો છે. –

[નોંધ અને અનુવાદ : સંજય શ્રીપાદ ભાવે]

ધારો કે એક પૈસાદાર વ્યક્તિને પેટ્રોલિયમ પેદાશો તૈયાર કરનાર કંપનીમાં મૂડીરોકાણ કરવું છે. એની સામે બે વિકલ્પ છેઃ એક, એવી કંપનીમાં પૈસા રોકવા કે જેને રિલાયન્સ પ્રમોટ કરતી હોય; અને બે, એવી કંપનીમાં પૈસા રોકવા કે જેને વિદ્વાનોનું એક જૂથ ચલાવતું હોય અને તેના પ્રમુખ શિકાગો યુનિવર્સિટીના રઘુરામ રાજન હોય. આ વિકલ્પોમાંથી પસંદગી  કરવા માટે બહુ વિચાર કરવાની જરૂર નથી. કોઈ પણ હોશિયાર રોકાણકાર રાજન કરતાં રિલાયન્સની જ પસંદગી કરે.

આ કલ્પના કર્યા પછી હવે વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં લો. ભારત સરકાર વૈશ્વિક કક્ષાએ પહોંચવાની ક્ષમતા ધરાવનારી સંસ્થાઓને પસંદ કરીને એમનો દિલ્હીની નોકરશાહીના વહીવટમાંથી છુટકારો કરાવવા ઇચ્છે છે. સરકારની સામે પણ બે વિકલ્પો છે : એક, રિલાયન્સે પ્રમોટ કરેલી યુનિવર્સિટી; અને બે, રઘુરામ રાજનના માર્ગદર્શન હેઠળ ચાલતી યુનિવર્સિટી. અને તમે માનશો, આપણી સરકારે પહેલા વિકલ્પની પસંદગી કરી છે.

સરકારના આ નિર્ણયની વધુ ચકાસણી કરતાં પહેલાં મારે તેની પાછળની એકંદર ભૂમિકા આપવી છે. સરકારે ગયા વર્ષે એક સ્પર્ધાની જાહેરાત કરી. તેમાં સરકાર દસ ‘ઇન્સ્ટિટ્યૂટ્‌સ્‌ ઑફ એમિનન્સ’(સર્વોત્તમ કે પ્રતિષ્ઠિત સંસ્થાઓ)ની પસંદગી કરવા માગતી હતી. આમાં દસ જાહેર યુનિવર્સિટીઓ અને દસ ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવાનો હતો. આ સ્પર્ધા માટે અરજીઓ મંગાવવામાં આવી. જેને બહોળો પ્રતિસાદ મળ્યો. એ અરજીઓમાંથી સરકારે પહેલા ફેરામાં ચાળીસ યુનિવર્સિટીઓની પસંદગી કરી. તે યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓને આઇ.એ.એસ.ઑફિસરના પ્રમુખપદ હેઠળની સમિતિની સામે પ્રેઝેન્ટેશન્સ કરાવવામાં આવ્યાં.

આ પ્રેઝેન્ટેશન્સ એપ્રિલ મહિનાની શરૂઆતમાં યોજવામાં આવ્યાં હતાં. પહેલી યાદીમાંથી પડતી મુકાયેલી સંસ્થાઓએ વાંધો લેતાં તેમને પણ પ્રેઝેન્ટેશનની તક આપવામાં આવી. પછી કેટલાક મહિના આ અંગે કશું થયું નહીં. સંસ્થાઓ કે જનતાને કોઈ માહિતી આપવામાં ન આવી. જુલાઈના પહેલા અઠવાડિયામાં સરકારે પસંદગી પામેલી સંસ્થાઓની યાદી અચાનક જ બહાર પાડી. તેમાં છ જ સંસ્થાઓ પસંદ કરી. ખરેખર તો મૂળમાં તો સ્પર્ધા વીસ સંસ્થાઓની પસંદગી માટે હતી. પસંદ થયેલી સંસ્થાઓમાં બૅંગાલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, દિલ્હી અને મુંબઈની આઇ.આઇ.ટી. છે. તે જાહેર સંસ્થાઓ છે. ખાનગી સંસ્થાઓમાંથી પસંદ થયેલી ત્રણમાંથી બે એટલે લાંબા સમયથી કાર્યરત બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્‌નોલૉજી (બિટ્‌સ) અને મણિપાલ એકૅડેમી ઑફ હાયર એજ્યુકેશન.

આ પાંચેય સંસ્થાઓને આ લખનાર સારીપેઠે જાણે છે. તેણે એ બધામાં વ્યાખ્યાનો આપવા ઉપરાંત એમાંના અધ્યાપકો સાથે કામ પણ કર્યું છે. તે ખરેખર પ્રતિષ્ઠિત અને ભરોસાપાત્ર સંસ્થાઓ છે, તેમની પસંદગીની બાબતમાં ખાસ મતભેદ થઈ શકે તેમ નથી. કોઈ કદાચ એમ કહી શકે કે દિલ્હીની આઇ.આઇ.ટી.ને બદલે મદ્રાસની આઇ.આઇ.ટી.ને પસંદ કરી શકાઈ હોત. અથવા કોઈ કદાચ એમ કહી શકે કે સમાજશાસ્ત્ર અને વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન માટે જાણીતી હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની પસંદગી કરી શકાઈ હોત. એમ પણ દલીલ થઈ શકે કે  બિટ્‌સ અને મણિપાલ સંસ્થાઓએ વર્ષોથી ઉત્તમ વિદ્યાર્થીઓ તૈયાર કર્યા છે. એ વાત સાચી હોય તો પણ મૂળભૂત રીતે તો એ શૈક્ષણિક સંસ્થાઓ છે, અને તેમાં થયેલ સંશોધન આંતરરાષ્ટ્રીય ધોરણો સુધી પહોંચી શક્યું નથી અને પહોંચે એવી શક્યતા પણ નથી. પસંદગી-સમિતિએ જે કેટલીક સંસ્થાઓ શૉર્ટ-લિસ્ટ કરી હતી, તેમાં અશોકા, જિન્દાલ, અઝીમ પ્રેમજી અને અમદાવાદ યુનિવર્સિટી છે. આ દરેક સાથે હું કોઈક કામ નિમિત્તે સંપર્કમાં આવ્યો છું. તેમાંથી દરેકનાં ઊજળાં પાસાં છે. જિન્દાલ પાસે ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, અશોકામાં ઉત્તમ સમાજશાસ્ત્રીય વિભાગો છે, અઝીમ પ્રેમજીમાં નીતિવિષયક સંશોધન સારું થાય છે. અમદાવાદ યુનિવર્સિટીમાં ઉચ્ચશિક્ષણ માટે નવતર ટ્રાન્સ-ડિસિપ્લિનરી અભિગમ છે. પસંદગી સમિતિએ ભૂતકાળના અધ્યાપનકાર્યની સિદ્ધિઓને બદલે ભાવિ સંશોધનક્ષમતાને ધ્યાનમાં લીધી હોત, તો તો બિટ્‌સ અને મણિપાલને બદલે ઉપર્યુક્ત ચારમાંથી બે સંસ્થાઓને પસંદ કરવી પડી હોત.

અલબત્ત, સહુથી વધુ વિવાદાસ્પદ પસંદગી તો છઠ્ઠી સંસ્થાની છે. આ સંસ્થા એટલે જિઓ ઇન્સ્ટિટ્યૂટ કે જેની પસંદગી થઈ છે, પણ સ્થાપના થઈ નથી, એ અત્યારે તો માત્ર એક વિચાર તરીકે જ અસ્તિત્વમાં છે.

પસંદગી-સમિતિની યાદીમાં જીઓ ઇન્સ્ટિટ્યૂટનું નામ જાહેર થતાં જ સોશિયલ મીડિયામાં પુષ્કળ ટીકાઓ થઈ. એના પ્રતિભાવ તરીકે માનવસંસાધન મંત્રાલયે એક સ્પષ્ટતા કરી કે પસંદગી-સમિતિને ‘ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્‌સ’ પણ ધ્યાનમાં લેવાનું કહેવામાં આવ્યું હતું. (બાંધકામ અને મિલકતને લગતી પરિભાષામાં વપરાતાં ગ્રીનફિલ્ડ શબ્દનો અર્થ એવી જમીન કે જ્યાં હજુ  સુધી બાંધકામ થયું ન હોય અને પહેલી વાર થઈ રહ્યું હોય.) હવે સવાલ એ થાય છે કે પસંદગી સમિતિએ ગ્રીનફિલ્ડ સંસ્થાઓના વર્ગમાંથી ફક્ત જિઓ જ કેમ પસંદ કરી ? આમ તો આ જ વર્ગમાં ચેન્નાઈના પરામાં જેનું સંકુલ ઝડપથી વિકસી રહ્યું છે, તે સૂચિત સંસ્થા ‘ક્રિઆ’ પણ આવી શકી હોત.આ સંસ્થાના સંચાલકમંડળમાં આનંદ મહિન્દ્રા, કિરણ મુજુમદાર-શૉ, અનુ આગા અને એન. વાઘુલનો સમાવેશ છે. એની એકૅડેમિક કાઉન્સિલના પ્રમુખ રઘુરામ રાજન છે અને બીજા સભ્યોમાં પ્રતિભાશાળી ઇતિહાસકાર શ્રીનાથ રાઘવન, તેજસ્વી શાસ્ત્રીય સંગીતકાર ટી.એમ. કૃષ્ણા અને મહાન ગણિતશાસ્ત્રી મંજુલ ભાર્ગવ છે.

ગયા ચારેક દાયકાથી વધુ સમયથી હું ભારતના વિદ્યાક્ષેત્રનો એક સક્રિય વિદ્યાર્થી અને સંશોધક છું. મને લાગે છે કે અશોકા, પ્રેમજી અને અમદાવાદ યુનિવર્સિટીમાંથી બે સંસ્થાઓ છ સંસ્થાઓમાં પસંદ થવી જોઈતી હતી, કારણ કે તેમણે સર્વોત્તમ સંસ્થાઓની આ યોજના પાછળની જે વિભાવના છે, તેના માટેના પુરાવા આપ્યા છે. આ સંસ્થાઓ પૂરી સક્રિય  છે અને દેશ અને દુનિયાના ઉત્તમ અધ્યાપકોને તેણે આકર્ષ્યા છે. તેમનામાં વૈશ્વિક સ્તરે પહોંચવા માટેની ક્ષમતા ચોક્કસ જ છે. વધુ પાત્રતા અને સ્વતંત્ર વૈચારિક ક્ષમતા ધરાવતી પસંદગી-સમિતિ હોત, તો આ સંસ્થાઓની ગુણવત્તા પર તેમણે જરૂર વિશ્વાસ મૂક્યો હોત.

આ લેખ લખાઈ રહ્યો છે, ત્યારે જિઓ ઇન્સ્ટિટ્યૂટની પસંદગી મીડિયામાં ચર્ચાના ચકડોળે ચઢી છે, એમાં હું ઉમેરો કરવા માગતો નથી. પણ હું એ ફરીથી ભારપૂર્વક કહીશ કે જિઓ ઇન્સ્ટિટ્યૂટની પસંદગી એક કોયડો છે. સવાલ એ પણ છે કે ‘નિષ્ણાત’ વ્યક્તિઓની બનેલી હોવાનું કહેવાતી પસંદગી-સમિતિએ નફો કમાવાના ઇરાદા ધરાવનાર કારખાના અને વૈશ્વિક સ્તરની યુનિવર્સિટીની વચ્ચે શો ફરક છે, એનો વિચાર કર્યો હતો ખરો?

૩૧ જુલાઈ, ૨૦૧૮

સૌજન્ય “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2018; પૃ. 08-09

Loading

...102030...3,0253,0263,0273,028...3,0403,0503,060...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved