Opinion Magazine
Number of visits: 9685656
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આહોનાં શહેર

દીપક બારડોલીકર|Opinion - Opinion|7 October 2018

ઈટલીના 13મી સદીમાં થઈ ગયેલા મહાકવિ દાન્તેનું એક પ્રલંબ કાવ્ય ‘ડિવાઇન કૉમિડી’ બહુ મશહૂર છે. કહે છે કે પશ્ચિમનું સમગ્ર સાહિત્ય વાંચી નાખો, પણ ‘ડિવાઇન કૉમિડી’ ન વાંચ્યું, તો કંઈ વાંચ્યું નહીં !

એ એક અદ્દભુત એવું પ્રવાસ-કાવ્ય છે. એની અંદર, પ્રવાસી દાન્તેને એક ભોમિયાની જરૂરત ઊભી થાય છે અને ઈસુ પૂર્વે થઈ ગયેલો એક અતિ તેજસ્વી કવિ વર્જીલ, કુદરતને ઈશારે, તેની મદદે આવે છે.

આ બન્ને કવિઓ, દાન્તે અને વર્જીલ, પ્રવાસમાં આગળ વધે છે. ફરતાં ફરતાં તેઓ એક એવા સ્થળે આવે છે, જ્યાં એક ખાસો મોટો દરવાજો હતો. અને ત્યાં એક સૂચના લખવામાં આવી હતી. લખ્યું હતું કે :

“અહીંથી પસાર થઈને તમો આહોના શહેરમાં દાખલ થશો. અહીંથી પસાર થઈને તમો હરહંમેશની પીડાઓની એક એવી વસ્તીમાં આવી જશો, જ્યાં લોકો, હંમેશના માટે, પોતાપણું ગુમાવી દે છે !

“ઓ અહીંથી પસાર થનારાઓ, તમારી તમામ આશાઉમેદો તજી દો !”

આ છે જહન્નમનો દરવાજો અને અહીંથી શરૂ થાય છે આહોનાં, શિક્ષાનાં, પીડાનાં શહેરો, ગામોધામો. −− પરંતુ સાચી નહીં, કવિની કાલ્પનિક જહન્નમ છે આ.

એ જહન્નમ પછી જોઈશું, પ્રથમ દાન્તેને મળી લઈએ. −− તેનો જન્મ ઈ.સ. 1265માં ફ્લોરેન્સ શહેરમાં થયો હતો. કહે છે કે તેની માતાએ તેને ભણાવ્યોકેળવ્યો હતો તેનો શિક્ષક શાયર હતો, રાજકારણી પણ હતો. તેના હરીફો અને વેરીઓ ઘણા હતા. તે પોપનો વિરોધી અને રાજાશાહીનો હિમાયતી હતો. તેણે સરકારી નોકરી કરી હતી અને લશ્કરી અધિકારી તરીકે પણ સેવા બજાવી હતી.

એ ઈટાલીમાં રાજકીય ઊથલપાથલનો સમય હતો અને કહે છે કે દાન્તેના વિરોધીઓ સત્તા પર આવતાં, તેને દેશનિકાલ કરી દેવામાં આવ્યો હતો. તે અગર પકડાઈ જાય, તો તેને જીવતો જલાવી દેવાનો હુકુમ, પોપે જારી કર્યો હતો ! તેનું ન કોઈ ઘરગામ કે દેશ હતા. એક ભટકતો શાયર હતો !

આ કવિએ ઈશ્ક પણ કર્યો હતો. તેની પ્રિયતમા હતી બયાતરાચે નામે એક ખૂબસૂરત જાજરમાન મહિલા. એ હજી નવ વર્ષની હશે ત્યારે દાન્તેએ તેને જોઈ હતી. અને જોઈ એટલે જોઈ, દીવાનો થઈ ગયો. તેને એની અંદર એક પવિત્ર આત્મા અને પરિપૂર્ણ સૌંદર્યનાં દર્શન થયાં. આ ઈશ્ક એ હદનો હતો કે કવિએ બાદમાં અન્ય કોઈ મહિલામિત્રની ઈચ્છા કરી નહોતી. તે મનોમન તેની પ્રાર્થના કરવા લાગ્યો હતો. આ ઈશ્કનો ધ્વનિ કવિના સોનેટોમાં ઠેર ઠેર સંભળાય છે.

પરંતુ મજાની વાત આ છે કે રૂપગુમાની બયાતરાચેને દાન્તેના આ ઈશ્કની ખબર ન હતી. આગ બન્ને નહીં, એક જ છેડે લાગી હતી. અને કદાચ એથી અન્ય ઈટાલિયન નારીઓ દાન્તેની ઠેકડી કરવા લાગી હતી ! કહે છે કે થોડીક નાજુક સલામો તથા મીઠાં સ્મિતની નવાજેશ કર્યાં પછી તે દાન્તેને ઝૂરતો મૂકી કોઈક ધનવાનને તે પરણી ગઈ હતી.

ગમે એમ, પણ દાન્તે એક પ્રતિભાશાળી કવિ હતો. તેજસ્વી કલમનો માલિક હતો. દેશનિકાલની શિક્ષા તેને ઝાંખો પાડી શકી નહીં. વિદેશોની રખડપટ્ટી દરમિયાન તેણે મહાકાવ્ય ‘ડિવાઇન કૉમિડી’ લખ્યું અને અંતિમ શ્વાસ પણ પોતાના દેશ ઈટાલીમાં લેવાનું નસીબ થયું નહીં ! આ મહાકવિ કે જેને જીવતે જીવત ઈટલીએ સંઘર્યો નહીં, ધિક્કાર્યો, દેશનિકાલ કર્યો. તેના અવસાન બાદ ઈટાલી તેનું દીવાનું થઈ ગયું. અને ઘણું કરીને ઈ.સ. 1371-72માં સરકારી ધોરણે તેને પુરસ્કૃત કરવામાં અને ઈટાલીના એક મહાન સપૂત તરીકે બિરદાવવામાં આવ્યો. અને ઈટાલિયનો ‘ડિવાઇન કૉમિડી’ની નકલો માથે મૂકીને નાચવા લાગ્યા. આને કહે છે : ‘જાદૂ વહ જો સર ચઢ કર બોલે !’

•••

આ હતો કવિ દાન્તેની જીવનકથાનો સાર. હવે આપણે પગ ધરીશું જહન્નમની ભૂમિ પર. જઈશું આહોનાં શહેરો તરફ, જોઈએ દાન્તેની સર્જનાએ શું ગુલ ખીલવ્યાં છે !

દાન્તે અને તેનો ભોમિયો વર્જીલ મસમોટા − ભવ્ય દરવાજામાંથી થઈને જહન્નમપ્રદેશમાં પ્રવેશ્યા. આ ભાગ એકરોન નદીના હેઠવાસમાં આવેલો હતો. અહીં તે ફિરસ્તા હતા, જે જમીન પર જઈને પોતાનું મૂળ સ્થાન ગુમાવી બેઠ હતા. અહીં તે લોકો પણ હતા, જે શંકાકુશંકામાં ચકરાતા રહ્યા હતા અને ખુદાના હોવા ન હોવા વિશે કશો નિર્ણય લઈ શક્યા ન હતા. તેઓ બંધાયેલા હાથે સામસામે બેસીને, સમજાય નહીં એવો શોર કરી રહ્યા હતા.

તેઓ ત્યાંથી આગળ ગયા તો શારૂન નામે એક હોડીવાન મળ્યો. તેની આંખો લાલઘૂમ હતી, જાણે ધીકતા અંગારા ! તેની હોડીમાં ક્યાંક પહોંચાડવા માટેના ઘણા આત્મા લાદેલા હતા. દાન્તે અને વર્જીલ એ હોડીમાં બેસી ગયા. હોડી જઈ રહી હતી એ વિસ્તારમાં જાણીબૂજીને ગુના કરનારા લોકો શિક્ષા ભોગવી રહ્યા હતા. અને રોકકળ તથા આહોનો શોર હતો. અહીં વચમાં એક શેતાન ઊભો હતો અને તેના ચહેરા પર રોષમિશ્રિત પીડાઓ જામેલી હતી. − અહીં વ્યભિચારી સ્ત્રી-પુરુષો હવામાં અધ્ધર લટકી રહ્યાં હતાં.

એનાથી થોડે આગળ ગંદાં પાણી તથા પરુનો વરસાદ થઈ રહ્યો હતો. અહીં અઠંગ શરાબખોરો હતા. ચહેરા વિકૃત હતા, દાંત પીસી રહ્યા હતા અને ગંદું પાણી તથા પરુ પી રહ્યા હતા.

તેમણે એવા લોકોને પણ જોયા, જે ધનદોલતના મોટા ઢગો તળે ભીંસાતા – કચડાતા કણસી – ચીખી રહ્યા હતા. એ સૌ યોગ્ય – અયોગ્યની પરવા કર્યા વિના ધન ભેગું કરનારા અને અન્ય લોકોના હક મારનારા દુષ્ટો હતા.

તેમણે, ગંદવાડથી લથબથ થયેલા અને એકબીજાને ડાફાં ભરતા ને ચીખતા – ચીલ્લાતા લોકો પણ જોયા. તેઓ હતા ત્યાંના પાણીમાં મોટા મોટા પરપોટા થઈ રહ્યા હતા. − વર્જીલે કહ્યું, આ તે લોકો છે, જે ગુનાઓમાં ડૂબેલા હતા. અને આ પરપોટા એ તેમની આહો છે !

અહીંથી આગળ જહન્નમનું પાટનગર હતું. અહીં તે લોકોના આત્મા હતા, જે કુદરતી ક્રમ વિરુદ્ધ, હેવાનોની માફક ગુના કરતા રહ્યા હતા. − ખોફનાક બલાઓ તેમને ભીંસી – પીસી રહી હતી અને તે ચીખી રહ્યા હતા. … … આ પાટનગરના દરવાજા બંધ હતા, બંધ જ રહ્યા. પરંતુ ત્યાં કેદ ગુનેગારોની આહો – ચીખોનો શોર બહાર પડઘાતો રહ્યો !

‘ડિવાઇન કૉમિડી’ની આ જહન્નમમાં ઘણા વર્તુળો − સંકૂલો છે. છઠ્ઠું સંકૂલ ઉકળતા લોહીવાળી એક નદીના સામે કાંઠે હતું. અને આ તરફને કાંઠે ઘોડા દોડી રહ્યા હતા. આ ભાગતા ઘોડા, લોહીભરી નદીમાંથી બહાર નીકળવા મથતા લોકોને પાછા નદીમાં પટકી દેતા હતા ! અત્યંત ભયાનક દૃશ્ય હતું ! આ તે લોકોના આત્મા હતા, જેમણે તેમનાં સગાંઓ, પાડોશી – પરિચિતોને રંજાડ્યા હતા. અહીં ખૂનીઓ પણ શિક્ષા ભોગવી રહ્યા હતા. અને આહો જ આહો હતી !

તેમણે કાંઠાની રેતમાં ભભૂકતા અંગારા અને તેના પર શેકાતા વ્યાજખોરો, ધોખાબાજો, ઠગોને પણ જોયા. અને ઉકળતા લોહીવાળી નદી પાર કરીને છઠ્ઠા સંકૂલમાંના એક ધૂંધળા જંગલ આગળ આવી પહોંચ્યા. અહીં તે લોકોના આત્મા હતા, જેમણે પોતાના જીવ પર જૂલમ કીધો હતો અને આત્મહત્યા કરી હતી.

આ એક એવું જંગલ હતું જ્યાં કોઈએ કદી પગલાં પાડ્યાં ન હતાં ! કોઈ રસ્તો નહીં, કોઈ કેડી નહીં. માત્ર ઝાડી અને અંધકાર – સૂનકાર ! વૃક્ષ હતાં પણ ફળ નહોતાં, અતિશય ઝેરીલા કાંટા હતા. દાન્તે અહીં એક ડાળખી તોડી બેઠો. અને તોડતાં જ ધ્રુજી ગયો. ડાળખી તોડી હતી ત્યાંથી લોહી વહેવા લાગ્યું હતું ! અને પછી ઝાડે આહ નાખતાં કહ્યું, ‘તમે મને જખ્મી કેમ કર્યું ?’

આત્મહત્યા કરનારાઓનું આ જંગલ હતું. અહીં એ સૌ આત્મહત્યારાઓને ઝાડ બનાવી દેવામાં આવ્યા હતા. દાન્તે કહે છે કે ન્યાયના દિવસે સમગ્ર માનવજાત તેના અસલ સ્વરૂપમાં આવી જશે ત્યારે, આ આત્મહત્યારાઓને લિબાસ મળશે નહીં. અને ન્યાયવિધિ પૂરો થયા પછી આ લોકોના શરીર ઝાડોની શાખો પર લટકાવી દેવામાં આવશે કે જેથી આત્મા તેમના દેહને દેખતા રહી અઝાબ ભોગવતા રહે !

આ અને અચંબામાં નાખે એવું બીજું ઘણું ‘ડિવાઇન કૉમિડી’માં છે. ચોર – ડાકુનો વસવાટ કાળોતરા સાથે હશે. બુદ્ધિનો દુરુપયોગ કરનારાના ચહેરા વિકૃત થઈ ગયા હશે અને તે આગમાં શેકાતાં આહ – આહ કરી રહ્યા હશે. અને જહન્નમનો અંતિમ ભાગ અત્યંત ટાઢો પટ છે, જ્યાં શેતાન ઊભો હશે અને તેનો પગથી કમર સુધીનો ભાગ જામીને બરફ થઈ ગયો હશે ! ત્યાંથી નીકળવાની તેની કોઈ મથામણ સફળ નહીં થાય !

આ બધાં દૃષ્યો નિહાળીને દાન્તે હતાશ થઈ ગયો હતો. પરંતુ ત્યાર પછી જહન્નમની હદમાંથી બહાર આવીને સૂર્યનો પ્રકાશ દીઠો તો તેનું હૃદય પણ આશાના ઉજાશથી ઝળહળી ઊઠ્યું !

•••

એ હતું કવિનું કાલ્પનિક જહન્નમ અને ત્યાંનાં આહોનાં શહેર. એ સિવાય પણ આ ધરતી ઉપર માનવસર્જિત, રાજકારણના પેટે જન્મેલાં ઘણાં જહન્નમો છે. જેવાં કે ઈરાકી જહન્નમ, સીરિયન જહન્નમ, અફઘાની જહન્નમ, આફ્રિકી જહન્નમ, વગેરે. અને એ છે સુપર પાવરની અવળચંડાઈનું, અનીતિનું, ડોલરિયા વખનું પરિણામ.

જહન્નમ ગુનેગારોની શિક્ષા માટે હોય છે. પણ માનવસર્જિત જહન્નમમાં, ગુનેગાર કે બેગુનાહ એવો કોઈ તફાવત રખાતો નથી. સૌને એક સાથે શેકી નાખવામાં આવે છે ! શ્રીમંતો માટે તો હોય છે ફ્લાઇટ, સેઇફ હેવન ! મરે છે બિચારા ગરીબો !

કાશ્મીર પણ એક એવું જ જહન્નમ છે ! આમ તો એ જન્નત સમાન હતું, પણ સૌથી મોટી જમહુરિયતે રાજકીય રવાડે ચઢીને એને જહન્નમ બનાવી દીધું છે ! ગઈ કાલે જ્યાં અનન્ય સૌંદર્ય હતું ત્યાં આજે ધૂંધવાતી આહોનાં શહેરો છે ! લોહીથી લથબથ શિક્ષાધામો છે ! અને ત્યાં હુકમ ચાલે છે ખરગોનિયા જલ્લાદોના !

કહે છે કે આ ખરગોનિયાઓનો રાજકીય ગુરુ પેલો બદનામ ઝમાના મેકાવલી છે, જેને શેતાન પણ કહેવામાં આવે છે.

15મી સદીમાં થઈ ગયેલો આ ઇટાલિયન મેકાવલી ભારે ફાંટાબાજ માણસ હતો. તે તેના પુસ્તક ‘પ્રિન્સ’થી જાણીતો યા બદનામ હતો. એ પુસ્તકમાં તેણે શાહો, શાહઝાદાઓને સત્તા ટકાવી રાખવાના નુસખા બતાવ્યા છે !

તે કહે છે કે રાજકીય સત્તા માટે સારાઈ – બુરાઈ બન્ને અર્થહીન વસ્તુ છે. અસલ ચીજ સત્તા છે. સત્તાવાને સત્તા કોઈ પણ હિસાબે ટકાવી રાખવી જોઈએ. એ તેનો હક છે. સત્તા માટે તેણે બળનો, જરાયે ખચકાયા વિના, ઉપયોગ કરવો અને હાનિકારક એવાં તમામ તત્ત્વોને કચડી નાખવાં જોઈએ.

બળના બેફામ ઉપયોગ પર વિશેષ ભાર મૂકતાં, મેકાવલી કહે છે કે પ્રજા ઉપર રાજ્યકર્તાનો રોફ અને દબદબો રહેવો જોઈએ. એ સંદર્ભે તે દમન, અન્યાય, અત્યાચારની સલાહ આપે છે !

મેકાવલીના શેતાની નુસખા ઉપર આજે કાશ્મીરમાં અમલ થઈ રહ્યો છે. અને ખરગોનિયા સત્તાવાળા એના પર ગર્વ અનુભવી રહ્યા છે. તેમને કાશ્મીર રહે કે બળીને રાખ થઈ જાય કે આહોનાં શહેરો ઘૂંઘવાતાં રહે એની કોઈ પરવા નથી !

તો બીજી તરફ અધિકાર અને આઝાદી માટે મેદાને પડેલા કાશ્મીરીઓ પણ તેમના નિર્ધારમાં અડગ છે. લડત આપી રહ્યા છે, કુરબાની પેશ કરી રહ્યા છે ! આવી દિલેરી, આવો હોસલો જવલ્લે જોવાં મળે છે કે પડી રહ્યા છે પડઘા સમગ્ર કાશ્મીર ખીણમાં :

જોઈએ છે ઓ વતન !
કેટલી આહો તને
રક્તની ધારો તને
કેટલી લાશો તને
        ઓ વતન, પ્યારા વતન !

•  

11, Croston Terrace, Ayres Road, Old Trafford MANCHESTER M16 7FD [U.K.]

ત્રણેય ચિત્રોનું સૌજન્ય ઈન્ટરનેટ જગત

Loading

૨૦૧૮ની માલી અમીરોની યાદી: આમાં દિલી અમીરો કેટલા?

રમેશ ઓઝા|Opinion - Opinion|6 October 2018

કેટલાક સમાચારો અખબારો માટે રાષ્ટ્રીય રિવાજ જેવા હોય છે. એમાં એક સમાચાર છે : જગતના અને ભારતના સૌથી શ્રીમંત માણસોની યાદી. આપણને સૌથી વધુ અમીર કોણ છે એ જાણવાનું કોઈ વિલક્ષણ આકર્ષણ હોય છે. ૧૯૯૫માં હું જ્યારે ‘ગુજરાત સમાચાર'માં હતો, ત્યારે છાપાના ન્યુઝ એડિટરે મને ન્યુઝ એજન્સીનો એક તાર આપ્યો હતો જેમાં એ સમયે ભારતના સૌથી અમીર એવા દસ ઉદ્યોગપતિઓની યાદી આપવામાં આવી હતી અને મારે તેનો અનુવાદ કરવાનો હતો. મને યાદ છે ત્યાં સુધી એ દસમાંથી આઠ શ્રીમંતો અત્યારે પહેલા દસ નહીં, પાંચસોની યાદીમાં પણ સ્થાન નથી ધરાવતા. ૨૦૧૮ની યાદીમાં એમાંથી બે ઉદ્યોગપતિઓ બચ્યા છે અને બાકીના આથમી ગયા છે. તાતા જૂથમાં તાતા પરિવારની વ્યક્તિગત માલિકી નહીં હોવાના કારણે અને પરિવારના સભ્યોની માલિકી તાતા સન્સ દ્વારા સુરક્ષિત હોવાના કારણે જે.આર.ડી. તાતા કે રતન તાતા સહિત કોઈ તાતાનો શ્રીમંતોની યાદીમાં સમાવેશ થતો નથી. તાતાના નામનો અભાવ જોઇને એમ નહીં સમજતા કે તેઓ પાછળ પડી ગયા છે.

આ વરસની અમીરોની યાદીમાં આટલાં નામ છે : મુકેશ અંબાણી, વિપ્રોના અઝીમ પ્રેમજી, આર્સેલરના લક્ષ્મી મિત્તલ, હિન્દુજા બંધુઓ, શાપુરજી પાલનજીના પાલનજી મિસ્ત્રી, એચ.સી.એલ.ના શિવ નાડર, ગોદરેજ પરિવાર, સન ફાર્માના દિલીપ સંઘવી, કુમાર મંગલમ્‌ બિરલા અને ગૌતમ અદાણીનો સમાવેશ થાય છે. જો ૧૯૮૫ સાથે સરખાવવામાં આવે તો આ દસમાંથી ગોદરેજ અને મિસ્ત્રી પરિવારની અમીરાઈ એકંદરે એના એ જ સ્વરૂપમાં જળવાઈ રહી છે. બિરલાઓનો ત્યારે સંયુક્ત પરિવાર હતો અને ઘનશ્યામ દાસ બિરલાના અવસાન પછી પરિવારમાં વિભાજનની મથામણ ચાલી રહી હતી. બિરલા પરિવારમાંથી એક માત્ર કુમાર મંગલમ્‌ બિરલા(આદિત્ય બિરલા જૂથ)ને છોડીને બાકીના બિરલાઓ ફેંકાઈ ગયા છે.

તો સાર એ એવો નીકળે છે કે ૧૯૮૫માં જેનો ઉદય પણ નહોતો થયો એવા આઠ જણ અત્યારે ઉદિત થઈને ટોપ ટેનમાં સ્થાન ધરાવે છે અને ૧૯૮૫માં જેમનો સૂર્ય મધ્યાહ્ને હતો એવા આઠ જણા ક્ષિતિજે આથમી ગયા છે.

આવું કેમ બનતું હશે? આનો જવાબ શુક્રવારના અખબારોમાં અમીરોની યાદી સાથે પ્રકાશિત થયેલા બીજા બે સમાચારોમાંથી મળી જશે.

આઈ.સી.આઈ.સી.આઈ. બેન્કના સી.ઈ.ઓ. ચંદા કોચરે રાજીનામું આપ્યું છે. રાજીનામું આપવું પડ્યું એનું કારણ એ છે કે ચંદા બહેને વીડિયોકોનના માલિક વેણુગોપાલ ધૂતને અને એસ્સાર ગ્રુપના રવિ રુઈયાના જમાઈ નિશાંત કનોડિયાને ફાયદા સામે ફાયદો કરાવી આપ્યો હતો. તેમને બન્નેને હળવા વ્યાજે અને ઓછી રકમની મિલકત ગિરવે લઈને મોટું ધિરાણ આપ્યું હતું. હળવું વ્યાજ એટલા માટે કે ખોટી થયેલી રકમનો ફુગ્ગો ફુલાતાં વાર લાગે અને જ્યારે ફુગ્ગો ફૂટે ત્યારે વસૂલ કરવા માટે બેંક પાસે પૂરેપૂરી મિલકત હોય જ નહીં. દેખીતી રીતે આવો ખોટનો સોદો કોઈ કરે જ નહીં, સિવાય કે તેમાં અંગત લાભ હોય.

ચંદા કોચરે વીડિયોકોનને ૩,૨૦૦ કરોડ રૂપિયાની અને એસ્સાર રુઈયાને ૩,૯૦૦ કરોડ રૂપિયાની કાચી લોન અપાવી હતી. આ બન્નેએ ચંદા કોચરના પતિ દીપક કોચરની કંપનીમાં રોકાણ કર્યું હતું. એક હાથ સે દિયા દુસરે હાથ સે લિયા. પણ આપ્યા કોના? બેન્કના અને લીધા કોના માટે? પોતાના માટે. આને ચોરી કહેવાય. આને છેતરપિંડી કહેવાય. આને વિશ્વાસઘાત કહેવાય. ચંદા કોચરનું કામ પોતે જે બેન્ક માટે કામ કરતાં હતાં એ બેન્કના હિતોનું રક્ષણ કરવાનું હતું, પરંતુ તેમણે બહારના લોકો સાથે મળીને ખાતર પાડ્યું હતું. આ ઘટના પ્રકાશમાં આવી એને એક વરસ થવા આવ્યું છે. અમેરિકા જેવો બીજો કોઈ દેશ હોત તો ચંદા કોચર આજે જેલમાં હોત, જ્યારે આપણે ત્યાં તો હજુ રાજીનામું આવ્યું છે. ખાનગી બેન્કની આવી સ્થિતિ છે, તો સરકારી બેન્કોની સ્થિતિની કલ્પના કરવી મુશ્કેલ નથી. વ્યાજ સાથે કુલ ૧૮ લાખ કરોડ રૂપિયાની ચોરી કરવામાં આવી છે અને આવડી મોટી ચોરી ભાગીદારી વિના ન જ થાય.

આ બધા લોકો સરકારી કાયદા મુજબ સામાજિક જવાબદારીના ભાગરૂપે (સી.એસ.આર.-કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) તેમની વાર્ષિક આવકના બે ટકા રકમની સખાવત કરે છે. બેન્ક પાસેથી સો રૂપિયા લીધા. પચીસ રૂપિયા ચંદા કોચરોને તેમના હિસ્સાના આપ્યા, પચીસ રૂપિયાની મિલકત ટાંચ કરાવી અને બે રૂપિયાની સખાવત કરી. સખાવતના બે રૂપિયા પણ કોઈના હાથમાં નહીં મૂકવાના. દરેકે પોતપોતાનાં ટ્રસ્ટો અને ફાઉન્ડેશનો સ્થાપ્યાં છે અને એ બે રૂપિયા એમાં જમા કરવામાં આવે છે. બે રૂપિયાનું દાન પણ દેખાવ પૂરતું નકલી.

અમીરાઈને અને સત્તાને અનીતિ સાથે સીધો સંબંધ છે. અનીતિ દ્વારા માણસ સત્તા અને પૈસો મેળવે છે અને સત્તા અને પૈસા દ્વારા માણસ વધારે અનીતિ આચરે છે. આની પણ એક કિંમત હોય છે અને એ કિંમતનું નામ પતન છે. માણસ અંદરથી સંવેદનહીન બની જાય છે. તો શુક્રવારના મુંબઈ મિરરમાં છપાયેલા બીજા સમાચાર આ પ્રકારના છે.

રેમન્ડ ગ્રુપના માલિક વિજયપત સિંઘાણિયા એમ માને છે કે તેમના પુત્ર અને રેમન્ડ જૂથના વર્તમાન ચેરમેન ગૌતમ સિંઘાણિયાએ છેતરપિંડી કરીને તેમને લૂંટી લીધા છે. નેપિયન સી રોડ પર નવા બાંધવામાં આવેલા સિંઘાણિયા હાઉસમાં તેમને ફ્લેટ પણ આપવામાં આવ્યો નથી અને તેઓ ભાડેના મકાનમાં રહે છે. કેટલા ય સમયથી બાપ-દીકરા વચ્ચે ઝઘડો ચાલે છે અને ઝઘડો અદાલતમાં પહોંચ્યો છે. દરમ્યાન વિજયપત સિંઘાણિયા આત્મકથા લખી રહ્યા છે અને ટૂંક સમયમાં તે પ્રકાશિત થવાની છે. આત્મકથામાં શું હશે એ જાણવા માટે આત્મકથા વાંચવાની જરૂર નથી, એટલી હદે ગૌતમ સિંઘાણિયાને પોતાની કરણી વિષે ખાતરી છે. એક સમયે ગૌતમ સિંઘાણિયા પિતાજીના એટલા લાડકા હતા કે પિતાજીએ મોટા દીકરાને અન્યાય કરીને ગૌતમ સિંઘાણિયાને પોતાની મિલકત આપી હતી અને કંપની સોંપી દીધી હતી. હવે તેઓ પિતાજીની આત્મકથા પ્રકાશિત ન થાય એવી માંગણી સાથે અદાલતમાં ગયા હતા. બદનામીનો ડર લાગે છે.

સિદ્ધાંત વિનાના રાજકારણનો અને નૈતિકતા વિનાના ધંધાનો ગાંધીજીએ સાત સામાજિક પાપોમાં સમાવેશ કર્યો છે. આજે આ બન્ને વચ્ચે ભાગીદારી વિકસી છે જેને ક્રોની કેપિટલલિઝમ કહેવામાં આવે છે.

હવે ૨૦૧૮ના અમીરોની યાદી પર એક નજર નાખો. કેટલાં નામ વાંચીને તમારા મનમાં આદરની લાગણી જન્મી? છેલ્લાં પચીસ-પચાસ વરસ દરમ્યાન જે આથમી ગયા છે એવા અમીરોની એક યાદી બનાવો અને જુઓ એમાંથી કેટલા માટે તમારા મનમાં આદર જન્મે છે અથવા તેમની કીર્તિ તમારા કાને પડી છે? કોર્પોરેટ કંપનીઓમાં પણ લાબું આયુષ એ ભોગવે છે જે તેન ત્યક્તેન ભુંજીથામાં અર્થાત્‌ વહેંચીને ખાવામાં માને છે. જેઓ માલી સાથે દિલી અમીરી પણ ધરાવે છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 06 અૉક્ટોબર 2018

Loading

સમજ્યા-વિચાર્યા વિના ગાંધીજીની નિંદા કરવામાં સમસ્યા રહેલી છે.

અપૂર્વાનંદ|Gandhiana|5 October 2018

તારીખ 2 ઓક્ટોબર, 2018ના રોજ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી શરૂ થઈ તે સાથે જ ફરી એક વખત મહાત્મા ગાંધીની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયાથી લઈને રાજનૈતિક દુનિયા સુધીના તમામ મંચો પર થનારી ગાંધીજીની ચર્ચામાં આજકાલ તમામ મર્યાદાઓ ઓળંગીને થઈ રહેલી વિવેચનાઓ પણ જોવા અને સાંભળવા મળી રહી છે.

ઘણી વખત આ પ્રકારની આલોચનાત્મક ચર્ચાઓમાં ખોટી વાતો પણ એટલા પ્રમાણમાં જ સામેલ હોય છે કે તેને આખરે તર્કમાં ખપાવી દેવામાં આવે છે. થોડા સમય પહેલાં લેખક એન્થની પરેલનું ગાંધીયાના નામનું પુસ્તક પ્રકાશિત થયું હતું તો તેની સાથે જ ગાંધીજી પર નવેસરથી ચર્ચા શરૂ કરવા જેવી હતી તેમ મારું માનવું છે. કારણ કે, લેખક એન્થની પરેલે પોતાનું સમગ્ર જીવન ગાંધીજીને સમજવામાં પસાર કરી દીધું છે અને જ્યારે ગાંધીજી પર તેઓ કોઈ નવી પ્રસ્તાવના આપે છે તો તે બાબતે તેઓ પોતાનો કોઈ હક દર્શાવતા નથી.

અજય સ્કારિઆનું Unconditional Equality: Gandhi's Religion of Resistance નામના પુસ્તકમાં સમાનતા, ધર્મ, પ્રતિરોધ જેવાં મૂલ્યો પર તેમના વિચારોના જે સૂત્રો આપવામાં આવ્યા છે તેના પર ચર્ચા થવી જોઈએ. સાથે જ તેઓ યુવા લેખક અને સંશોધક છે, તેમણે ભારતીય ગ્રામીણ અને આદિવાસી જીવનને સારી રીતે જોયું છે.

આ સિવાય લેખક મકરંદ પરાંજપે કે જેઓ સાહિત્યના અધ્યાપક છે અને તેમનું પુસ્તક The Death and After Life of Gandhi પર આપણે વિચારવાનું શરૂ કરવા જેવું હતું કે જેમાં ગાંધીજીના મૃત્યુ બાદ, કે જે ગાંધીજીનું મૃત્યુ નહીં પણ તેમની હત્યા હતી ત્યારે ભારતે ગાંધીજીને કેવી રીતે જીવંત રાખ્યા.

આ તમામ લેખકો ગાંધીજીને એક નવા દ્રષ્ટિકોણથી રજૂ કરે છે. મહાત્મા ગાંધી 100 ખંડોમાં છે, પોતાના લેખોમાં છે, ભાષણ તેમ જ પ્રાર્થના સભાના વક્તવ્યો અને સૌથી વધુ પોતાના પત્રોમાં જોવા મળે છે. ગાંધીજીના આ સમગ્ર લેખનકાર્ય વાંચવામાં ઘણો સમય લાગે છે, તો શું ત્યાં સુધી મહાત્મા ગાંધી પરના પોતાના વિચારોને સ્થગિત કરી દેવા જોઈએ. મહાત્મા ગાંધીનાં પુસ્તકો થકી ચર્ચા શરૂ કરવામાં પણ એક સમસ્યા રહેલી છે, અને તે એ છે કે આ પુસ્તકો સંપૂર્ણ વાંચવા પડે છે અને તે વાંચતા ખૂબ જ સમય લાગે છે. આ પુસ્તકો વાંચતી વખતે જો ક્યારેક કાયદાની વાત આવે તો વાચકની અનેક પૂર્વ માન્યતાઓ પર પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને તેનાથી વાચકનું મન પણ વિચલિત થાય છે. આ પ્રકારનાં પુસ્તકો વાંચવાં અને લખવાં માટે એક પ્રકારની વિનમ્રતા હોવી જરૂરી છે, જ્યારે ગાંધીજી પર નિવેદન આપવા દરમિયાન અને ત્યારબાદ તેના પર કરવામાં આવતી ચર્ચા દરમિયાન આ પ્રકારની વિનમ્રતાની જરૂર નથી.

પરંતુ, રાજનેતાઓમાં આ વિદ્વાનો જેવો વિનય ભાગ્યે જ જોવા મળે છે કારણ કે રાજનેતાઓને કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુને સમજવા કરતાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેમાં જ વધારે રુચિ હોય છે. પરંતુ, દુર્ભાગ્ય એ છે કે સાર્વજનિક ચર્ચાઓ આ વિદ્વાનોથી વધુ આ નેતાઓના માધ્યમોથી શરૂ થાય છે. માટે તેને નજરઅંદાજ કરવાની સુવિધા આપણી પાસે નથી.

ભારતમાં મહાત્મા ગાંધીના વિષયને લઈને સૌથી મોટી સમસ્યા એ છે કે ગાંધીજીના મુદ્દે વાત કરવા માટે કોઈ પણ પ્રકારની તૈયારીની જરૂરિયાત જોવા નથી મળતી. મને મારા એક જૂના કમ્યુિનસ્ટ મિત્રએ એક એવી ફરિયાદ કરી હતી કે 30 જાન્યુઆરીના રોજ તેને એટલા માટે નિમંત્રણ નથી મળતું કારણ કે તે ગાંધીજીની ટીકા કરે છે. મેં મારા તે મિત્રને પૂછ્યું કે તેણે ગાંધીજી વિશેના પોતાના વિચારો કેવી રીતે કેળવ્યા અને શું તે માટે તેણે કોઈ ગાંધી સાહિત્ય વાંચ્યું છે ખરું, તો તેણે મને આ પ્રશ્નનો નકારાત્મક ઉત્તર આપ્યો. પણ, મને સૌથી વધુ ચિંતા એ વાતની થઈ કે ગાંધીજીને સમજવા માટે ગાંધી સાહિત્ય વાંચવાની વાત મારા મિત્રને પાયાવિહોણી લાગી. મારા આ ક્મ્યુિનસ્ટ મિત્રએ ભૂપેશ ગુપ્તા અને હિરેન મુખરજીને વાંચ્યા હતા અને તે દ્વારા તે ગાંધીજીને જાણતો હતો અને મને લાગે છે કે આટલું વાંચન તેના માટે પૂરતું હતું. પરંતુ, હિરેન મુખરજી ડાબેરી હોવા છતાં પણ તેઓ પોતાને ગાંધીજીના પ્રશંસક કહી શકતા હતા અને આ વાત ઈ.એમ.એસ. નંબૂદિરિપાદ માટે પણ તેટલી જ સાચી હતી. ડાબેરીઓ અને ગાંધીજીમાં એક દ્વંદ્વાત્મક સંબંધ હતો છતાં, પણ એસ.એ. ડાંગે, હિરેન મુખરજી અથવા ઈ.એમ.એસ. નંબૂદિરિપાદને ગાંધી આધારિત સુચિંતિત પુસ્તક લખવાનું આવશ્યક લાગ્યું. ત્યારબાદના ડાબેરીઓ માટે ગાંધીજીને જાણવા એટલા જરૂરી નહીં લાગ્યા હોય.

ગાંધીજી ધીરે-ધીરે એક અફવામાં પરિવર્તિત થઈ ગયા. એવી અફવાઓ કે જેના પર વિશ્વાસ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી રહેતો અને સત્યની જેમ પ્રચાર કરવા માટેનો પણ તેનો કોઈ વિકલ્પ નથી રહેતો. ગાંધીજીની છબીને પણ અફવાની જેમ પ્રચારિત કરવામાં આવી છે અને આ તમામમાં ગાંધીજીની સરળતા જોવા મળે છે. 

ગાંધીજીની સાથે ત્રણ પ્રકારનો વ્યવહાર થયો હતો. તેમની હત્યા બાદ ભારતીય રાજ્યએ તેમનું સંપૂર્ણરીતે રાજકીયકરણ કરી દીધું. અને આ ગાંધીજી જેવા અરાજકતાવાદી માટે મોટી વિડંબણાની વાત હતી. ગાંધીજીની હત્યાની શરમ છુપાવવા માટે હત્યાના કારણ પર ચર્ચા કરવાનું બંધ કરીને ગાંધીજીને એક અજાતશત્રુની જેમ પ્રચારિત કરવામાં આવ્યા. ત્રીજુ, ગાંધીજીના રાજનૈતિક પક્ષને સંપૂર્ણરીતે લુપ્ત કરવા માટે તેમને એક ધાર્મિક વ્યક્તિત્વ તરીકેની અથવા સંત તરીકેની પ્રતિષ્ઠા આપવામાં આવી.

ગાંધીજી સાથે આપણો સંબંધ એ એક પ્રકારની વ્યાકુળતા જેવો છે. તમે ગાંધીજીનો આદર કરવાની જરૂરિયાત વિના પણ ગાંધીજીને સમજી શકો છો. તેઓ ટીકાઓથી પર છે, તેમની માત્ર પૂજા કરી શકાય છે. તેમના શિષ્ય અને મિત્ર નહેરુએ યુવા ફિલ્મ દિગ્દર્શક રિચર્ડ એટેનબરોને એવી સલાહ આપી હતી કે તેઓ તેમની ફિલ્મ ગાંધીમાં ગાંધીજીને એક દેવતાની જેમ નહીં પણ એક સામાન્ય વ્યક્તિની જેમ જ તેમનું નિરૂપણ કરે.

ગાંધીજીના જીવનમાં ઘણા અંશ એવા છે કે જેના પર વિવેચનાત્મક વાત કરી શકાય તેમ છે. વર્ણાશ્રમ પ્રત્યેનો તેમનો મત, સ્ત્રીઓની રાજનૈતિક આંદોલનોમાં ભાગીદારીને લઈને અનેક સ્થળોએ તેમણે વ્યક્ત કરેલો સંકોચ, દક્ષિણ આફ્રિકાનાં વર્ષોના આરંભમાં આફ્રિકાના લોકો પ્રત્યેનો તેમનો દ્રષ્ટિકોણ, ભારત પરત ફર્યા બાદ બ્રિટિશ સેનાની ભરતી માટે લોકોને જાગૃત કરવાનો તેમનો નિર્ણય, આમ આ તમામ બાબતે તેમની ટીકા થવી જોઈએ. એક મત એવો પણ છે કે ખિલાફતને ટેકો આપીને અને ભારતમાં તે આંદોલનનો પ્રચાર કરીને તેમણે જ આગળ જતા રાજનીતિ અને ધર્મમાં ઘાલમેલ કરવા માટે તેને આધાર બનાવ્યો. પરંતુ, ગાંધીજીને માત્ર કેટલાંક આ જ ભાગોમાં સમજી શકાય તેમ નથી.

એક વખત ગાંધીજીને આફ્રિકાના લોકો માટે સંદેશો આપવા માટે કહેવામાં આવ્યું હતું અને તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે મારું જીવન એ જ મારો સંદેશ છે. ગાંધીજીના આ ઉત્તરને અહંકારપૂર્ણ કહી શકાય તેમ છે. પણ, ગાંધીજી માત્ર એ પ્રકારનું કહેવા નહોતા માગતા કે તેમનું સમગ્ર જીવન એ પ્રયોગોની એક કડી છે. પ્રયોગ હંમેશાં સફળ નથી થતા, અને પ્રયોગ જે પૂર્વધારણાથી શરૂ કરવામાં આવે છે તે પ્રયોગના કર્મ સંપૂર્ણરીતે નિરસ્ત થઈ શકે છે અને તેને બદલી પણ શકાય છે. જેમ ગાંધીજીનું શરૂઆતથી કહેવું હતું કે ઈશ્વર સત્ય છે અને અંતમાં અહીં પહોંચવાનું સત્ય જ ઈશ્વર છે. પણ, પ્રયોગકર્તાઓને તે સુવિધા નથી કે તેઓ પોતાની ઓળખ પ્રત્યે સંદેહ વ્યક્ત કરીને પોતાનો પ્રયોગ કરે. પ્રથમ તો તે પ્રયોગ પર વિશ્વાસ કરવાનો હોય છે અને પછી ભલે ને તે પ્રયોગનો વિરોધ જે-તે સમયની કોઈ મોટી પ્રતિભા જ કેમ ના કરતી હોય, ગાંધીજી ભારત આવ્યા ત્યારબાદ તિલક અને એની બેસન્ટ જેવી પ્રતિભાઓનો વિરોધ હોવા છતાં તેમણે અંગ્રેજી સેનામાં ભારતીયોની ભરતી થાય તેની હઠ પકડી હતી તેને આ રીતે સમજી શકાય તેમ છે. ગાંધી કેમ ગાંધી બન્યા તેનું સૌથી મોટું કારણ એ હતું કે તેઓ પોતાના શત્રુઓ અને વિરોધીઓને માનતા જ નહોતા. એ વાત સહેજ પણ આશ્ચર્ય પમાડે તેવી નથી કે તેમના સૌથી પ્રિય લોકો જેવા કે ટાગોર અને નહેરુ પણ તેમની ટીકા કરતા હતા.

પરંતુ, આલોચકો અને નિંદકમાં તફાવત છે. ગાંધીજીને તેમના જીવનના ઉત્તરાર્ધમાં નિંદા કરનાર લોકોનો જ સામનો કરવો પડ્યો હતો.

(સત્યાગ્રહ – 2 ઓક્ટોબર, 2018)

અનુવાદ : નિલય ભાવસાર

e.mail : nbhavsarsafri@gmail.com

https://satyagrah.scroll.in/article/110240/gandhi-a-rumor-in-his-own-country

Loading

...102030...3,0193,0203,0213,022...3,0303,0403,050...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved