Opinion Magazine
Number of visits: 9578742
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઓએસિસ ૨૦૧૮ : ધિક્કારની બોલબાલા વચ્ચે પ્રેમની વાત

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|4 September 2018

કોઈ પણ સંસ્થા વિશે સાંભળીએ કે ત્યાં જવાનું થાય, એટલે મનમાં સવાલોનું એક ચેકલિસ્ટ બની જાય. ચાંદોદ(કે ચાણોદ)થી માંડ દોઢ કિલોમીટરના અંતરે આવેલી ’ઓએસિસ વૅલી / Oasis Valleyની મુલાકાત વખતે પણ એવા સવાલો મનમાં હતા.

• સંસ્થાના કેન્દ્રમાં વ્યક્તિ છે કે વિચાર? ઘણે ભાગે શરૂઆત વ્યક્તિના વિચારને કેન્દ્રસ્થાને રાખીને થતી હોય છે, પણ ધીમે-ધીમે વ્યક્તિ પોતે કેન્દ્રસ્થાને આવી જાય છે, તો સંસ્થા એક જ વ્યક્તિની આસપાસ ગરબે ઘૂમે છે?

• સંસ્થામાં મુખ્ય વિઝન એક જ વ્યક્તિનું હોય તે એક વાત છે, પણ તેની સાથે બીજા (બીજી હરોળના નહીં, બીજા) લોકો સરખા ભાવે સંકળાયેલા છે?

• મુખ્ય વિઝન ધરાવતી વ્યક્તિ બીજા લોકોનું સાંભળે છે? કે પછી પોતે જે નક્કી કરેલું હોય તે જાહેર કરીને, તેની પર બીજાના મત લેવાની ઔપચારિકતા પૂરી કરીને, લોકશાહી રાહે સરમુખત્યારશાહી ચલાવે છે?

• મુખ્ય વિઝન ધરાવતી વ્યક્તિની હાજરીને મહત્ત્વના કાર્યક્રમોમાં કેટલી અનિવાર્ય માનવામાં આવે છે? અને એ ગેરહાજર ન હોય, ત્યારે તેમનો ઉલ્લેખ કેવો અને કેટલો થાય છે? તેમની ગેરહાજરીમાં બીજાં બધાંની દશા ધણી વિનાનાં ઢોર જેવી થાય છે?

• સંસ્થા કોઈ એક મુદ્દો પકડીને સાતત્યપૂર્વક કામ કરે છે? કે દર વર્ષે – બે વર્ષે મળતા (ફૉરેન કે દેશી) ફંડિંગ પ્રમાણે, પોતાના હેતુઓ બદલતી રહે છે અને દસ ફૂટનો એક ખાડો ખોદવાને બદલે, એક-એક ફૂટના દસ ખાડા ખોદ્યા કરે છે?

• બીજાના-દુનિયાભરના લોકોના અધિકાર કે સમાનતા માટે કામ કરતી સંસ્થાના પહેલી હરોળના લોકો તેમના પછીની હરોળના લોકો સાથે કેવી રીતે વર્તે છે? તેમનું શોષણ કરે છે? તેમની સાથે ભેદભાવ રાખે છે? તેમને નકરા નોકરિયાત ગણે છે?

• સંસ્થાનો વિસ્તાર થાય, ત્યારે તેની સંપત્તિનો વિસ્તાર થાય છે? કે કામનો? કે બંનેનો? સંસ્થાનો પથારો ફેલાય ત્યારે તેના હાર્દમાં રહેલી હેતુ વિશેની સ્પષ્ટતા અને તીવ્રતા જળવાય છે? કે વિસ્તારની સાથે મોળી પડતી જાય છે અને કેવળ આંકડાબાજીમાં સીમિત બનીને રહી જાય છે? (આટલા જિલ્લા, આટલા તાલુકા, આટલાં ગામ, વાત પૂરી.)

• સંસ્થામાં આત્મચિંતન અને સ્વસ્થ ટીકા માટે જગ્યા છે? તેને પ્રોત્સાહન મળે છે?

• બીજાનું હિત આયોજનબદ્ધ રીતે થઈ શકે, એ હેતુથી રચાયેલી સંસ્થા પોતે ક્યારે સ્થાપિત હિત બની જાય છે, તેની શરત રહેતી નથી. આવું થાય ત્યાર પછી સંસ્થાનો પથારો ટકાવી રાખવા માટે કરવાં પડે એટલાં બધાં જ સમાધાન કરવાની તેના સંચાલકોની તૈયારી હોય છે. તો સંસ્થા સ્થાપિત હિત બની ગઈ છે?

• સંસ્થામાં ધર્મસંસ્થાની જેમ જડ આચારવિચારોની કેવી બોલબાલા છે? સંસ્થા દેશભક્તિનો દાવો કરતી હોય, તો તેની દેશભક્તિ બીજા માટેના ધિક્કારમાંથી પેદા થયેલી છે? કે પોતાના દેશ પ્રત્યેના પ્રેમમાંથી?

• સંસ્થાની સાદગીમાં દંભની અને તેના વિવેકમાં ચાપલૂસીની ગંધ આવે છે? તેની સાથે સંકળાયેલા લોકોની કથની અને કરણીમાં તફાવત હોય એવાં કેટલાં ઠેકાણાં જણાય છે?

• સંસ્થા હકારાત્મકતાના નામે અનિષ્ટો પ્રત્યે આંખ આડા કાન કરવામાં માને છે? પ્રેમના નામે, સંઘર્ષ ટાળવાના નામે ખોટું ચલાવી લેવામાં માને છે? અધ્યાત્મના નામે યુનિફૉર્મવાળી કે યુનિફૉર્મ વગરની બાવાબાજીને પ્રોત્સાહન આપે છે?

• સંસ્થાની મુખ્ય ગણાતી વ્યક્તિ ન હોય, ત્યારે સંસ્થા કેવી રીતે કામ કરશે અથવા કામ કરી શકશે કે નહીં, એવું કોઈ દર્શન સંસ્થા પાસે છે?

સાર્થક જલસો-૫ના અંકમાં મિત્ર ક્ષમા કટારિયાએ અતિઆગ્રહને વશ થઈને અને ઘણા વિલંબ પછી છેવટે ‘ઓએસિસ’ની તેમની સફર વિશે લખ્યું. ‘ઓએસિસ’ વડોદરામાં યુવાઓ વચ્ચે વિશિષ્ટ રીતે કામ કરતી સંસ્થા હતી. પહેલા તબક્કાની તેની સફર ખાસ્સી વિશિષ્ટ, વિલક્ષણ અને ઝંઝાવાતી રહી. અગિયારમા ધોરણથી ઓએસિસ સાથે સંકળાયેલાં ક્ષમા કટારિયાએ તેમની નજરે એ તબક્કાની અનેક બાબતોનું ઝીણવટભર્યું અને સંયત આલેખન કર્યું. પહેલા તબક્કાનો અંત ભારે કડવો અને ઓએસિસ સાથે સંકળાયેલા લોકો માટે આંચકાજનક હતો. છતાં, એ ઘટનાના બે-એક દાયકા પછી તેના વિશે લખતી વખતે ક્ષમાએ અસાધારણ સંયમ દાખવ્યો અને કડવાશ નિતારીને કેવી રીતે લખી શકાય, તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

તેમાં ઉપસંહાર તરીકે નાનકડી નોંધ એ પણ હતી કે એ સમયે ‘પતી ગયેલી’ મનાતી ઓએસિસ હજુ સક્રિય છે, બલકે વધુ સક્રિય છે અને પોતાની રીતે કામ કરી રહી છે. ચાંદોદ પાસે ઓએસિસ વૅલી તરીકે ઓળખાતી નવ એકરની ઊબડખાબડ જગ્યામાં સરસ કૅમ્પસ તો છે જ અને વડોદરામાં ઑફિસ પણ ખરી. પરંતુ મૂલ્યોના શિક્ષણની ધરી પકડીને ગુજરાતનાં બીજાં અનેક કેન્દ્રોમાં સક્રિય છે અને વિસ્તરી રહી છે, એટલો ખ્યાલ હતો. પણ એ કામગીરીને આરંભે મૂકેલા સવાલોની ગળણીમાંથી ગાળી ન હતી. એટલે, એ નકરી માહિતી હતી, જેના વિશે મારો હકારાત્મક કે નકારાત્મક કશો અભિપ્રાય ન હતો. પૉઝિટિવ થિંકિંગના કે મૂલ્યશિક્ષણના નામે ચાલતા ગોરખધંધાથી ઍલર્જી હોવાને કારણે અને ‘ઓએસિસ’નાં ઘણાં પ્રકાશન મથાળાથી ‘એવાં’ લાગવાને કારણે મનમાં થોડો દગદગો પણ ખરો.

*  *  *

ક્ષમા સાથે દોસ્તીનો એવો સંબંધ છે કે તે મારી શંકાઓને પણ દોસ્તીના ભાગ તરીકે સ્વીકારી અને પ્રમાણી શકે. સાથોસાથ એવું પણ ઇચ્છે કે હું એકાદ વાર અનુકૂળતાએ ઓએસિસ વૅલી જાઉં અને જાતે જોઉં. આખરે બે-ત્રણ વર્ષ પછી એવો મેળ પડ્યો અને પરમમિત્ર, સાર્થક પ્રકાશનના સાથીદાર કાર્તિકભાઈ (શાહ) સાથે ઓએસિસ વૅલી જવાનું થયું. ૧૪મી ઑગસ્ટે સવારે પહોંચ્યા અને ૧૫મીએ સવારે નીકળ્યા. આ ચોવીસ કલાકથી થોડા વધુ સમયમાં, ઓએસિસના સ્થાપક અને અત્યારે પણ તેના મુખ્ય ચાલકબળ જેવા સંજીવ શાહની ક્યાં ય હાજરી ન હતી. સ્થૂળ રૂપે તો નહીં જ, આખો દિવસ ચાલેલી બેઠકોમાં વારંવાર આવતા અને અહોભાવમંડિત ઉલ્લેખો રૂપે પણ નહીં. સંજોગ એવો થયો કે ક્ષમાથી પણ અવાય એમ ન હતું એટલે કાર્તિકભાઈ અને હું સાવ અજાણ્યા સિત્તેર-એંસી લોકો વચ્ચે જઈ પહોંચ્યા. તેમાંથી માયાબહેન કે જૉલી જેવાં નામ ક્ષમાને કારણે કાને પડેલાં. એ સિવાયનાં તો નામ પણ પહેલી વાર સાંભળ્યાં.

કાર્યક્રમ ઍન્યુઅલ રિટ્રીટનો હતો, એટલે એક રીતે આખા વર્ષની કામગીરીનું સરવૈયું નીકળે. તેમાં કોર ટીમના સભ્યો હોય, બીજા ફૅસિલિટેટર તરીકે ઓળખાતા સ્વયંસેવકો હોય, મોટેરાં માટેની શિબિરોમાં ભાગ લેનારા લોકો હોય અને વિવિધ કાર્યક્રમો-શિબિરોમાં ભાગ લેનારાં કિશોર-કિશોરીઓ. આ બધાંમાં સૌથી મોટી અસર શહેરી-ગ્રામ્ય-આદિવાસી એમ ભારે વૈવિધ્ય ધરાવતાં કિશોર-કિશોરીઓની વાતો સાંભળીને થઈ. એ લોકો પોતપોતાની બોલીમાં જે આત્મવિશ્વાસપૂર્વક અને વૈચારિક સ્પષ્ટતાપૂર્વક પોતાની વાત મૂકતાં હતાં, તેમાં પોપટિયું રટણ ન હતું. વચ્ચેના બ્રેકમાં તેમની સાથેની વાતચીતમાં તેમનો આત્મવિશ્વાસ અને કિશોરાવસ્થાએ હોવા જોઈએ, એવા ઉત્સાહની સાથે વૈચારિક ઊંડાણનો પાયો રચાવાની પ્રક્રિયાની પણ ઝાંખી મળતી હતી.

ઓએસિસનું કૅમ્પસ ભારે રળિયામણું ને આયોજનપૂર્વક, કુદરતને વીંખ્યા વિના બનાવેલું છે, પણ તેની વિગતમાં અત્યારે જવું નથી. ઘણા આશ્રમોનાં કૅમ્પસ રળિયામણાં હોય છે. કોઈ પણ સંસ્થાનું અસલી સૌંદર્ય આંતરિક હોઈ શકે અને ચોવીસ કલાકમાં તો એનો કેટલો ખ્યાલ આવે? પણ જે કંઈ જોવા સાંભળવા મળ્યું તેમાં, ખાસ કરીને કિશોર-કિશોરીઓની વાતમાં રહેલી નૈસર્ગિકતા અને જુસ્સો સ્પર્શી ગયાં. તેના વિવિધ કૅમ્પ (લાઇફકૅમ્પ, ડ્રીમઇન્ડિયા કૅમ્પ, લિવ-લવ-લર્ન કૅમ્પ)માં કેન્દ્રસ્થાને બાળકોને જવાબદારી-પૂર્વકની સ્વતંત્રતા આપવાની વાત છે. એટલે તેમને જવાબદારી અને સ્વતંત્રતાના, એમ બંને પ્રકારના અનુભવો આપવામાં આવે છે. આવું જ લિવ-લવ-લર્ન કૅમ્પમાં મોટેરાં સાથે કરવામાં આવે છે. તેમને મનમાં પડેલી અનેક ગાંઠો સાથે કામ પાડવાનું અને બાળકો સાથે કેવી રીતે કામ પાડવું, તેનું વ્યાવહારિક માર્ગદર્શન આપવામાં આવે છે. ટૂંકમાં, બીજાને જજ કરવાને બદલે કે તેમને સુધારવાનો ઉત્સાહ રાખવાને બદલે, તેમને ખુલ્લાસથી સ્વીકારવાની અને એ રીતે તેમને તેમની સારપોથી રૂબરૂ કરી આપવાની વાત છે.

આ બધું સાંભળવામાં બહુ સારું લાગે, પણ એની કોઈ સ્વિચ નથી હોતી કે એક વાર ઓએસિસ સ્વિચ પાડી આપે, એટલે બધું ફૂલગુલાબી થઈ જાય. આ રોજેરોજ કરવાની પ્રક્રિયા છે. જેને જાતે આવું ફાવે તે જાતે પણ કરી શકે, પરંતુ ઘણા બધા પાસે એ માટે જરૂરી સમજ કે સમય કે બંને નથી. આ બંને હોય એવા લોકો માટે પણ ક્યારેક પોતાની માપપટ્ટી કે પોતાની પદ્ધતિ સિવાયની પદ્ધતિથી આ કામ કરી જોવાનું આનંદદાયક નીવડી શકે છે. આજકાલ મૂલ્યશિક્ષણ આઉટડેટેડ ગણાય છે અને તેનો બીજો અંતિમ ગુરુકુળ ટાઇપની સંસ્થાઓ છે, જેમાં જૂનું એટલું બધું સારું, એવી જડતા રાખીને જૂનાની હાસ્યાસ્પદ લાગે એવી નકલ કરવામાં આવે છે. ઓએસિસના કાર્યક્રમો વિશે એવી છાપ પડી કે તે જૂના-નવાના ભેદ પાડ્યા વિના, જેમાંથી જે સારું છે તે લેવામાં માને છે. એટલે, તે નવા વિચાર, નવા કાર્યક્રમો અને નવી દિશાઓમાં જવાની મોકળાશ ધરાવે છે એવું પણ લાગ્યું. થોડા વખતથી તે શિક્ષકોને આ પ્રકારની સંવેદનશીલતા તરફ દોરવાના પ્રયાસ કરે છે અને વિદ્યાર્થીઓને પરીક્ષાના તથા પરિણામોના માનસિક તનાવમાંથી દૂર કરવાના યથાશક્તિ પ્રયાસ કરે છે.

ઓએસિસ પાસે જાદુઈ છડી નથી. એવી છડી કોઈની પાસે ન હોય. છેતરાવા માટે તલપાપડ હોય એવા લોકો જ આવી જાદુઈ છડીની અપેક્ષા રાખી શકે. એક દિવસમાં થોડું જોઈસાંભળી-અનુભવીને હું એવું સમજ્યો કે અત્યારના જીવનમાંથી સાવ મૂરઝાઈ ગયેલાં મૂલ્યોને-સંવેદનશીલતાને-ફરજોને અને સરવાળે માનવતાને નવપલ્લવિત કરવાની કોશિશ ઓએસિસના મિત્રો કરે છે. એમ કરવા માટે તેમની પાસે એક સુગ્રથિત માળખું છે, એ કામનો ઠીકઠીક અનુભવ છે – અને તે પોતાના પૂરતો રાખીને તેની રોકડી કરી લેવાને બદલે, તે નવા-નવા મિત્રો સાથે તેને વહેંચવા તૈયાર છે. તેમનું કામ એકલદોકલ છોડને નવપલ્લવિત કરવાનું નથી. માનવતાનાં જંગલનાં જંગલ સુકાઈ ગયાં છે. નકરા ગ્રાહકવાદના-ધિક્કારના-ધ્રુવીકરણના માહોલમાં પ્રેમ અને સમાનુભૂતિ જેવી લાગણીઓ ખોવાઈ ગઈ છે. તેને જગાડવાની છે અને આ કામ ફક્ત તેમનું નથી. સારી જિંદગી અને સારી દુનિયા ઇચ્છનાર સૌનું છે. એ કામ છે કરવા જેવું. તેમની સાથે મળીને ફાવે તો એ રીતે ને કોઈ કારણસર તેમની સાથે ન ફાવે તો જુદા રસ્તે. પોતાનો જ રસ્તો સાચો કે તે જ એકમાત્ર રસ્તો છે એવો ઓએસિસનો દાવો નથી. મૂળ વાત બાળકોના ઘડતરની, તેમને જવાબદારીપૂર્વકની સ્વતંત્રતા આપવાની અને તમામ ઉંમરના લોકોમાં મૂલ્યોના પ્રસારની છે. એક દિવસની ટૂંકી મુલાકાતમાં ત્યાં આવેલાં સૌની અને ખાસ કરીને કિશોર-કિશોરીઓની વાત સાંભળીને મને અને કાર્તિકભાઈને એવું લાગ્યું કે ઓએસિસમાં આ કામ ખાસ્સી અસરકારકતાથી થઈ રહ્યું છે.

– અને હવે ચેકલિસ્ટ.

• ઓએસિસના કેન્દ્રમાં સંજીવ શાહનું દર્શન અને માર્ગદર્શન છે. સંજીવ શાહને અગાઉ એકાદ વાર વડોદરામાં મળવાનું થયું હતું. એ પછી મળ્યો નથી. પણ ઍન્યુઅલ રિટ્રીટમાં સંજીવ શાહ હાજર ન હતા. તેમની ગેરહાજરીનો ભાર પણ ન હતો. બાપજીએ કહ્યું છે કે …, બાપજી માને છે કે .., બાપજી હંમેશાં કહેતા કે … આવી કોઈ બાપજીગીરી સંજીવ શાહના નામે ત્યાં ચાલતી જોવા મળી નહીં. આનંદ થયો.

• સંસ્થાના નિર્ણયોમાં લોકશાહી વિશે એક દિવસની મુલાકાતમાં કહી શકાય નહીં. પણ ત્યાં જે શીખવવામાં આવે છે, તેમાં લોકશાહી મુખ્ય છે. ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં તો બાળકો જ પોતાની સંસદ ચલાવે ને પોતાના કાયદા બનાવે, ચર્ચાઓ કરે અને પોતે કોઈ બાબતે ફૅકલ્ટી સાથે અસંમત હોય, તો પોતાની તાર્કિક અસંમતિ પણ તે પકડી રાખે, એવું તેમને શીખવવામાં આવે છે.

• ઉપરના વર્ણનમાં કહ્યું તેમ, સંજીવ શાહની તો ઠીક, મિત્ર ક્ષમા કટારિયાની ગેરહાજરી પણ એક દિવસમાં અમને ક્યાં ય વરતાઈ નહીં અને એવું ન થયું કે એ હોત, તો વધારે સારું થાત.

• ઓએસિસનાં કામ અને ક્ષેત્રો વિસ્તરી રહ્યાં છે, પણ એ દરેકમાં સ્મિત સાથે કામ કરવાનું, બાળકો પર ત્રાસ નહીં ગુજારવાનું, બાળકોને જવાબદારીનું ભાન અને સ્વતંત્રતાનો સ્વાદ કરાવવાનું, મોટેરાંમાં રહેલી સંવેદનાઓને ઢંઢોળવાનું અને સારા નાગરિક બનવાનું કેન્દ્રસ્થાને હોય છે. એ કૉમન મિનિમમ પ્રોગ્રામ હોય એવું લાગે છે.

• ઍન્યુઅલ રિટ્રીટમાં જે રીતે સંસ્થામાં રસોઈ કરતાં ને સફાઈ કરતાં બહેનોને આગળ બોલાવીને તેમનું અભિવાદન કરવામાં આવ્યું તે દેખાડાથી નહીં, પણ દિલથી થયેલું લાગતું હતું. બીજાને કૅમ્પમાં જે શીખવવામાં આવે છે, તે બાજુનાં ગામડાંમાંથી આવતી આ બહેનોને પણ ભૂતકાળમાં શિખવાયું હતું ને ભવિષ્યમાં પણ શિખવાતું રહેશે, એવી આશા રાખી શકાય.

• સંસ્થાની કામગીરી વિસ્તરે છે, પણ અમદાવાદ સહિતનાં બીજાં શહેરો સંસ્થાની મિલકતો ઊભી કરવાનો ખ્યાલ નથી અને એ બહુ ઇચ્છનીય છે. આવા ઠેકાણે કાર્યક્રમો હોય, ત્યારે એટલા દિવસ પૂરતી જગ્યા ભાડેથી લેવામાં આવે છે. હવે તો બે-બે કલાકના કેટલાક કોર્સ પણ ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેથી ઓછો સમય મળે કે કોઈ સ્કૂલ ખચકાતી હોય, તો તે બે કલાકનો કોર્સ આપીને ચકાસી શકે કે આ લોકો ખરેખર શું કરાવવા માગે છે.

• મિલકતો-સંપત્તિઓ ઓછાં, એમ સમાધાનો કરવાની મજબૂરી ઓછી. એટલે ઓએસિસ વૅલી અને વડોદરા ઑફિસ સિવાય ઓએસિસ બીજે મિલકતો ઊભી ન કરે એ જ શ્રેયસ્કર છે અને હું એવું સમજ્યો કે ઓએસિસના મિત્રો પણ એવું જ વિચારે છે.

• ઓએસિસમાં સ્વામી વિવેકાનંદને અને દેશસેવાને વારેવારે યાદ કરવામાં આવે છે, પણ તે ચાલુ અર્થમાં નહીં. દેશ એટલે દેશના લોકો અને દેશસેવા એટલે દેશના લોકોની સેવા — એ અર્થમાં. પહેલાં સ્વામી વિવેકાનંદ અને દેશભક્તિની વાતો સાંભળીને જરા શંકા પડે, પણ આ સંદર્ભ જાણ્યા પછી સારું લાગે છે.

• સંસ્થામાં દંભી સાદગી દેખાતી નથી. ભોજન ચટાકેદાર નથી હોતું, તેમ બેસ્વાદ પણ નહીં. અભિગમ આનંદવિરોધી નથી ને જલસા મારવાનો પણ નહીં.

ઓએસિસની કામગીરી જે દિશામાં કામગીરી ચાલી રહી છે, તેમાં માર્ગદર્શન, સતત આત્મમંથન અને નાનામોટા દિશાસુધારનો અવકાશ છે જ. તે કેટલી હદે થાય છે, એનો એક દિવસમાં ખ્યાલ ન આવે. પણ બધાની વાતો સાંભળતાં લાગ્યું કે એ પ્રક્રિયા કેવળ ઉપલા સ્તરે નહીં, દરેક સ્તરે થતી હશે. તેમાં મુશ્કેલીઓ પણ આવતી હશે અને ધીમે-ધીમે તેના ઉકેલ પણ નીકળતા હશે.

ઓએસિસની વેબસાઈટ : https://www.oasismovement.in/ 

સૌજન્ય : urvishkothari-gujarati.blogspot.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2018; પૃ. 10-11  

Loading

દલિત અસ્મિતાની ગર્જના ‘કાલા’

મૂળ લેખક – મિહિર પંડ્યા|Opinion - Opinion|4 September 2018

નિર્દેશક પા. રંજીથ[Pa. Ranjith]ની ફિલ્મ ‘કાલા’એ રામકથાને વિપરીત કરી નાખી છે. અહીં રાવણ નાયક છે અને રામ ખલનાયક. આ સિનેમાના પડદે રજૂ થતી દલિત અસ્મિતાની ગર્જના છે, એવું નથી કે હિન્દી સિનેમાએ અત્યાર સુધી દલિતોના શોષણની વાર્તાઓ જોઈ જ નથી, કારણકે હિન્દી સિનેમામાં સિત્તેર અને એંશીના દાયકામાં સમાંતર સિનેમાના આંદોલન દરમિયાન શ્યામ બેનેગલ, સઈદ અખ્તર મિર્ઝા અને દેશનાં અન્ય પ્રાદેશિક ફિલ્મમેકર્સની ફિલ્મ્સમાં વંચિતો અને દલિતોની કથા ભારતીય દર્શકોને જોવા મળી હતી. પરંતુ, તે સમાંતર સિનેમાની ભાષા મુખ્યધારાના સિનેમાથી અલગ હતી અને સામાન્ય દર્શકોથી પણ દૂર હતી. તમિલ સિનેમામાંથી આવેલી સુપરસ્ટાર રજનીકાંતની ‘કાલા’ની સૌથી ખાસ વાત એ છે કે અહીં નિર્દેશક પા. રંજીથ દલિતોની વાત લોકપ્રિય સિનેમાની ભાષામાં રજૂ કરે છે. કંઇક આ જ પ્રકારનું કામ આ પહેલાં નિર્દેશક નાગરાજ મંજુલેએ તેમની અદfdભુત મરાઠી ફિલ્મ ‘સૈરાટ’માં કર્યું હતું.

‘કાલા’માં ઇન્દ્રધનુષના રંગો છે અને સંગીત પણ છે, સુંદર પ્રેમ કહાની છે અને નાયકની મારધાડ પણ છે. ફિલ્મમાં સ્લો-મોશન અને સ્પેિશયલ ઇફેક્ટ્સ, ટેક્નિકનો યોગ્ય ઉપયોગ કરીને ડિઝાઇનર ફાઈટ સિક્વન્સની રચનાથી લઈને એનિમેશન સુધીનો ઉપયોગ અહીં જોવા મળે છે. સિનેમાની ભાષામાં ‘કાલા’ એક મસાલા ફિલ્મ છે કે જેમાં ભરપૂર સંયોગ અને મેલોડ્રામા છે. પ્રતિબિંબ એ જ છે પણ તેનો અર્થ વિપરીત છે, સંત કબીરની રચનાઓની માફક. આ ફિલ્મ લોકપ્રિય સિનેમા માટે જાણે કે એન્ટી-થીસિસ છે. ફિલ્મના વિસ્મયકારી અંતમાં જ્યાં એકબાજુ રામાયણની કથાનું વાંચન ચાલી રહ્યું છે, જ્યારે બીજીબાજુ ધારાવી ઝૂંપડપટ્ટીના બહુજન મહાનાયક કાલા કરિકાલન (રજનીકાંત) જે રીતે કથાથી પર જઈને તે વૈચારિક યુદ્ધનું પ્રતીક બની જાય છે કે જે વર્તમાન શહેરી ભારતથી લઈને દંડકારણ્યના જંગલો સુધી જોવા મળી રહ્યું છે. એવું યુદ્ધ કે જે જમીનનાં કબ્જા માટે સવર્ણ રાજ્યસત્તા અને બહુજન સમાજની વચ્ચે લડાઈ રહ્યું છે. સવર્ણ કોર્પોરેટ સત્તા માટે આ જમીન તાકાત છે, બહુજન સમાજ માટે આ જમીન તેમનું જીવન છે. રામાયણમાં રજૂ થયેલા રાવણના દસ મસ્તિષ્ક અહીં બહુજન સામૂહિકતાનું પ્રતીક બની જાય છે, જો એક મસ્તિષ્ક કપાશે તો બીજું તરત જ ઊગી આવશે.

ફિલ્મનો નાયક કાલા કહે છે કે બહુજનનું અંતિમ હથિયાર એ તેઓનું શરીર છે. આખા શહેરનું રોજિંદુ ચક્કર એ માત્ર તેમની મહેનતના બળ પર ચાલે છે. અંતે, ધારાવીમાં રહેનાર તમામ માણસો પણ પોતે કાલા જ છે. અહીં વિલન ‘ક્લીન કન્ટ્રી’ અભિયાન ચલાવનાર અને ‘ડિજીટલ મુંબઈ’નું સ્વપ્ન વેચનાર એક એવો રાષ્ટ્રવાદી રાજનેતા છે કે જેનો ચહેરો શહેરના લગભગ દરેક પોસ્ટર પર જોવા મળે છે. કાલા પોતાનાથી નાનાં લોકોને પણ સામેથી હાથ લંબાવીને મળવા જાય છે અને સમાનતાનો સંબંધ કાયમ કરે છે, જ્યારે ફિલ્મમાં રાજનૈતિક પાર્ટીનો નેતા ચરણસ્પર્શની અસમાનતાની રૂઢિમાં બંધાયેલો છે અને તે એક એવા ભારતની રચના કરવા માંગે છે કે જેમાં તમામ વિપક્ષીને રાષ્ટ્રની પ્રગતિમાં અવરોધ ઊભો કરનાર ‘દેશદ્રોહી’ ગણવામાં આવે છે.

અહીં કાળો રંગ મહેનતના રંગ તરીકે દર્શાવવામાં આવ્યો છે. કાલા આંબેડકરવાદી પ્રતીક અને ઓળખોથી ભરપૂર ફિલ્મ છે, ભીમા ચાલનું સરનામુંથી લઈને જય ભીમના અભિવાદન સુધી, ભીમજીથી લઈને લેનિનના નામ સુધીનું યુવા પાત્ર કાલાની સાથે સંઘર્ષમાં સાથ આપતું જોવા મળે છે. ફિલ્મમાં નાયક કાલાનો સૌથી નાનો પુત્ર ‘લેનિન’ ફિલ્મનું સૌથી રસપ્રદ પાત્ર છે, તે ફિલ્મનો યુવા નાયક છે. દલિત સમાજની શિક્ષિત ચેતનવંતી નવી પેઢીનો પ્રતિનિધિ, અને હવે તે પોતાના અધિકારોને સંવૈધાનિકરીતે પ્રાપ્ત કરવા માંગે છે. લેનિન એ તેના પિતા કાલાનો વૈચારિક ઉત્તરાધિકારી છે. કાલા પોતે પણ દલિત અસ્મિતાનું જીવંત પ્રતીક છે, અને ફિલ્મના એક રોમાંચક એક્શન દૃશ્યમાં કાલા તેના હાથમાં રહેલી કાળી છત્રીને હથિયાર બનાવીને લડતો જોવા મળે છે કે જેનાથી તેની વર્ગીય ઓળખ પણ સ્પષ્ટ થાય છે કારણ કે, અહીં કાળી છત્રી એ મુંબઈના મજૂર વર્ગનું સિનેમા સંલગ્ન પ્રતીક છે. કાલાનો રંગ જો વાદળી છે તો લેનિનનો પ્રતિનિધિ રંગ લાલ છે.

ફિલ્મમાં લેનિન નામનું યુવા પાત્ર પોતાની ઝૂંપડપટ્ટીની હાલત સુધારવા માંગે છે, પોતાનું નસીબ પણ બદલવા ઈચ્છે છે. પણ, તે સત્તા દ્વારા વેચાઈ રહેલ ‘રિડેવલપમેન્ટ’ના પ્લાનની સાચી હકીકતને સમજી શકતો નથી. પણ, આ જમીન પર વર્ષોથી મહેનત અને સંઘર્ષ કરી રહેલ કાલા અને તેના સાથીઓએ આ સવર્ણ સત્તાના જૂઠ્ઠા વાયદાઓને નજીકથી પારખી લીધા છે અને તેનો ભોગ પણ બન્યા છે. અને તેઓ જાણે છે કે આ અમારી પંચોતેર એકરની જમીન પર ગોલ્ફ કોર્સ બનાવનાર ‘મનુ બિલ્ડર્સ’ની યોજનાઓમાં તેમના જેવા લોકો માટે કોઈ જ સ્થાન નથી. રાજ્યસત્તા, અને તે દ્વારા વેચવામાં આવનાર ‘વિકાસ’ના નારાઓમાં અસલી સવર્ણ ચહેરાઓ ધીરે-ધીરે ઓળખાવા લાગે છે અને અંતમાં કાલા જ યોગ્ય સાબિત થાય છે. ફિલ્મમાં એક બાજુ લેનિનને કાલાના મૌલિક વૈચારિક ઉત્તરાધિકારીના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવે છે, જ્યારે બીજીબાજુ આ અસમાનતાના સમાજમાં તેના શુદ્ધ ડાબેરી આદર્શો પર ઊભેલી વર્ગીય સમજણની સીમાઓને પણ ચિહ્નિત કરે છે. સારુ છે કે આ ફિલ્મ હિન્દી સિનેમામાં અગાઉ માર્ક્સવાદી લેખકો દ્વારા રચવામાં આવેલ એક ચોક્કસ પ્રકારની સમજણમાં બંધબેસતી નથી કે જેમાં અગાઉ જાતિની સમસ્યાને ક્લાસ પ્રોબ્લેમની એક બાય પ્રોડક્ટ તરીકે જોવામાં આવતી હતી.

ફિલ્મ ‘કાલા’ વૈચારિક સંપન્નતા પ્રાપ્ત કરેલ દલિત યુવાનનું ભવિષ્ય છે, વાદળી અને લાલ આ બંને રંગ તે વૈચારિક પડકારોનું પ્રતીક છે કે જેનાથી સવર્ણ-કોર્પોરેટ સત્તાને ઉખેડી ફેંકવાની વાત છે, અને કાલા તેનું પ્રતીક છે. અહીં સહાનુભૂતિથી સ્વાનુભૂતિની વાત છે, અહીં ‘દલિત નજર’ છે, જે દેશનાં લોકપ્રિય સિનેમામાં હજુ સુધી અનુપસ્થિત છે.

[અનુવાદ – નિલય ભાવસાર]

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

હે ભગવાન! રજનીશને વડોદરાના અંબાલાલ પટેલે દત્તક લીધો, અને અંબાલાલની દીકરી શીલાએ રજનીશપુરમનો શિલાન્યાસ કર્યો … વાંચો અનોખી કહાની

રાજ ગોસ્વામી|Opinion - Opinion|4 September 2018

"હું એ મસીહા છું, જેનો અમેરિકાને ઈન્તેજાર હતો" – રજનીશ, જૂન ૧૯૮૧, જે.એફ.કે. એરપોર્ટ, ન્યૂયોર્ક.

તમે સુભાષ ઘાઈની 'તાલ' ફિલ્મ (૧૯૯૯) જોયેલી? એમાં બડે બાપ કી ઔલાદ માનવ (અક્ષય ખન્ના) માનસી(ઐશ્વર્યા રાય)ને એમ કહે છે, એ મંદિર નહીં જાય. માનવ એની પાછળનો તર્ક આપતાં કહે છે, "ઈશ્વર ઇન્સાન કે દિલ મેં બસતા હૈ. ઉસ કે અંદર સ્વયં મેં રેહતા હૈ. આખિર ઈશ્વર હૈ ક્યા? વિશ્વાસ હૈ, સચ્ચાઈ હૈ. હર ઇન્સાન અપને રૂપ મે ઉસ કો દેખાતા હૈ. કોઈ કિતાબ મે, કોઈ મૂરત મે, કોઈ રોશની કી લૌ મે. મેં ઈશ્વર કો ખુદ મેં દેખાતા હું. તુમ્હારા પ્યાર ભી મુજ પર એક વિશ્વાસ હી તો હૈ."

અંબાલાલ પટેલ દોસ્તના દીકરા સાથે, અને શીલા રજનીશ સાથે

ખુદમાં જ ઈશ્વરને જોવો એ કેટલો ખૂબસુરત વિચાર છે! ઈશ્વર એક શ્રદ્ધા છે, તો પ્યાર પણ તો માન્યતા જ છે. માનવની પોતાની અંદરની આ શ્રદ્ધા જ અંતે માનસીને એની પાસે પાછી લાવે છે. એ વિશ્વાસથી કહે છે કે, વિક્રમ (અનિલ કપૂર) જ માનસીને એની પાસે મોકલશે. એ પછીના એક દ્રશ્યમાં આપણને માનવના ઘરમાં આચાર્યમાંથી ભગવાન અને ભગવાનમાંથી ઓશો બનેલા રજનીશની એક તસ્વીર દેખાય છે. આ ઓશોએ જ કહ્યું હતું ને કે, "ઈશ્વર અંદર છે, સત્ય ભીતર છે. જીવનથી મોટો ઈશ્વર કોઈ નથી. સત્ય અંદર છે, એને બીજે ક્યાં ય ના શોધો."

સુભાષ ઘાઈ ૧૯૮૮માં નિર્માતા-નિર્દેશક વિજય આનંદ (ગાઈડ, તીસરી કસમ, જ્વેલ થીફ, જોની મેરા નામ) સાથે રજનીશને મળેલા, અને એટલા પ્રભવિત થઇ ગયેલા કે એમની ફિલ્મોમાં એની અસર પાડવા માંડેલી. 'તાલ' ફિલ્મ એમાંથી જ આવેલી. એમાં નાની બનેલી સુષમા સેઠનો એક સંવાદ છે, "પ્યાર મેં ગીરો મત, બચ્ચે, ઊઠો. Rise in love." ઓશો આ વિધાન કાયમ બોલતા, અને ઘાઈએ એનો આધાર લઈને એક એવી છોકરીનું પાત્ર સર્જ્યું હતું, જે કોઇપણ પ્રકારના માલિકીભાવ કે ઓબ્સેશન વગર પ્યાર કરે છે.

ઓશોના ત્રીસ વર્ષના 'ઓબ્સેશન' પછી સુભાષ ઘાઈએ હવે એમના મુકતા આર્ટસ બેનર તળે રોમ સ્થિત નવાલા પ્રોડક્શન સાથે મળીને રજનીશનું બાયોપિક બનવાની ઘોષણા કરી છે. મુક્ત આર્ટસની આ પહેલી અંતરરાષ્ટ્રીય ફિલ્મ હશે. નામ છે, "ઓશો: લોર્ડ ઓફ ધ ફૂલ મૂન." એનો સ્ક્રીનપ્લે 'રંગ દે બસંતી' ફેમ ઓશો-સંન્યાસી કમલેશ પાંડેએ ઓશોના જ ફેન ઇટાલિયન ડિરેક્ટર લક્શેન સુકામેલી સાથે મળીને લખ્યો છે. એમાં એક મહિલા પત્રકારની કહાની હશે, જે ઓશો સાચે જ કોઈ ગુરુ છે કે ફ્રોડ છે, તેની છાનબીનમાં અમેરિકાના રજનીશપુરમ જાય છે, અને પુણેમાં એમના અવસાન સુધી સાથે રહે છે.

હરકિસન મહેતાની 'અમીર અલીના પીળા રૂમાલની ગાંઠ' જેના પરથી લખાઈ હતી, તે 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'માં અત્યારે વ્યસ્ત આમીર ખાન પણ ઓશોની ફિલ્મ માટે ઉસ્તુક છે. એવું કહેવાય છે કે, 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'ના પ્રમોશનમાં આમીર ઓશોના ગેટઅપમાં જોવા મળે તો નવાઈ નહીં. એની પાસે ઓશોના બાયોપિકની સ્ક્રીપ્ટ આવી છે, અને એ એને ગમી છે. એવી પણ વાત છે કે, કરણ જોહર અને આમીર ખાન આ ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા છે, અને આલિયા ભટ્ટ આ ફિલ્મમાં ઓશોની સૌથી અંતરંગ સચિવ મા આનંદ શીલાનો રોલ કરશે.

ઓશો સાથે બોલીવુડનો પ્યાર બહુ જૂનો છે. વિજય આનંદ, મહેશ ભટ્ટ, પરવીન બાબી, ઈરફાન ખાન ઓશોથી પ્રભાવિત થયાણ છે. અક્ષય ખન્નાના પિતા વિનોદ ખન્નાએ તો ધુઆઁધાર કારકિર્દી છોડીને ઓશોનાં ભગવાં પહેરી લીધાં હતાં, પણ 'ભગવાન'ની શરણમાં ય શાંતિ ના મળતાં પાછા 'સંસારી' બની ગયા હતા. ઓશોની બાયોપિક બનાવવાની જે જાહેરાતો થઇ છે, તેના મૂળમાં અમેરિકામાં નેટફ્લીક્સ ઉપર જબરદસ્ત સફળ રહેલી ઓશોની ડોકયુમેન્ટરી Wild Wild Country છે. છ ભાગની આ ડોક્યૂમેન્ટરીમાં રજનીશ ઉર્ફ આચાર્ય ઉર્ફ ભગવાન ઉર્ફ ઓશોના 'રજનીશપુરમ'ના પ્રારંભ અને પતનની કહાની છે. એ એટલી લોકપ્રિય થઇ છે કે એની સિકવલ બનાવાની વાત ચાલી રહી છે.

આજની પેઢીને આ ઓશોનો પરિચય આપવો હોય તો કૈંક આવી વાર્તા છે: ચંદ્રમોહન જૈન તરીકે 11 ડિસેમ્બર 1931ના રોજ મધ્યપ્રદેશના કુચવાડામાં તેમનો જન્મ થયો. ફિલોસોફીમાં નાનપણથી જ રસ. જબલપુરમાં શિક્ષણ મેળવી તેઓ જબલપુર યુનિવર્સિટીમાં ફિલોસોફીના અધ્યાપક તરીકે જોડાયા. બોલતા બહુ સરસ આવડે, એટલે એમના ક્લાસ હાઉસફૂલ હોય. એમાંથી તેમણે પ્રવચનો આપવાની શરૂઆત કરી. ‘મુંબઈ જૈન યુવક સંઘે’ એમને પર્યુષણ વ્યાખ્યાનમાળાનું મસ્ત પ્લેટફોર્મ પૂરું પાડ્યું, અને તેજાબી વક્તા તરીકે રજનીશ ગાજવા લાગ્યા. શરૂમાં એ રજનીશ હતા, પણ મુંબઈમાંથી એ 'આચાર્ય' બન્યા. પુણેમાં ૧૯૭૪માં આશ્રમ ખોલ્યો ત્યારે એ 'ભગવાન' હતા, અને અમેરિકાના ઓરેગોનમાં ૬૫ હજાર એકરનું 'રજનીશપૂરમ' બનાવ્યું ત્યારે ઓશો બની ગયા હતા.

1981થી 1985 દરમિયાન તેઓ રજનીશપુરમમાં રહ્યા. ઓરેગોનનું એન્ટેલોપ નાનકડા કસ્બા જેવું હતું, અને ત્યાં ૪૦ લોકો રહેતા હતા. ઓશોએ (આજના) દોઢ કરોડ ડોલરમાં એ જગ્યા ખરીદી હતી, અને બીજા ૧૨ કરોડ નાખીને રજનીશપુરમ નામના સ્વર્ગની ઇંટો ચણી. ત્રણ વર્ષમાં તો પોલીસ, એરપોર્ટ, ફાયર સ્ટેશન, પોસ્ટ ઓફિસ, રેસ્ટોરન્ટ, દુકાનો, બસો, હોસ્પિટલ, બાગ-બગીચાઓથી આચ્છાદિત શહેર બની ગયું, અને ૭,૦૦૦ રજનીશીઓએ ૯૯ રોલ્સ રોયસ કારવાળા 'ભગવાન' સાથે રહેતા થઇ ગયા.

ડાહ્યા માણસો સદીઓથી કહેતા આવ્યા છે કે, પૈસો અને પાવર, જો સાચવતા ના આવડે તો, પનોતી નોતરે છે. રજનીશપુરમનાં એ પાંચ વર્ષ રજ્નીશીઓના સ્થાનિક લોકો સાથે ઝઘડા, કાવાદાવા, હિંસા, ચૂંટણીમાં ઘાલમેલ, ખોરાકી ઝેર (બાયો-ટેરરિઝમ), ઇલેક્ટ્રિક ફેન્સિંગ, સેમી-ઓટોમેટિક હથિયારોની આયાત, ફોન-ટેપિંગ, બોમ્બ-બ્લાસ્ટ, કોર્ટ કેસ, હત્યાના પ્રયાસ, ઈમિગ્રેશન કાનૂનોના ભંગનાં વર્ષો હતાં. એમાં જ ઓશોની ધરપકડ થઇ અને દેશનિકાલ કરાયા. 1985માં તેઓ ભારત પરત આવ્યા, અને પુણેના કોરેગાંવ પાર્ક વિસ્તારમાં આવેલા આશ્રમમાં સ્થાયી થયા. 19 જાન્યુઆરી, 1990ના રોજ તેમનું મૃત્યુ થયું હતું. આ આશ્રમની સંપત્તિ કરોડો રૂપિયાની છે. તેમના શિષ્યો વચ્ચે આ મુદ્દે મતભેદો અને કોર્ટ કેસ પણ ચાલે છે.

તેમની લેફ્ટનન્ટ મા આનંદ શીલા Wild Wild Country ડોક્યુમેન્ટરીમાં કહે છે, "ઓરેગોનમાં અમારું આવવું એ જાણે દુનિયાના છેડે આવવા જેવું હતું. અમે એક ઇતિહાસ સર્જવા જઈ રહ્યા હતા. એ એક એવી મરુભૂમિ હતી, જ્યાં ભગવાન દુનિયાની વિક્ષિપ્ત માનસિકતાથી દૂર રહીને આદર્શ માણસ અને આદર્શ સમાજની રચના કરવા માંગતા હતા." આ ડોક્યુમેન્ટરીમાં શીલાથી લઈને અનેક પૂર્વ સંન્યાસીઓ, સ્થાનિક અધિકારીઓનાં ઈન્ટરવ્યુ મારફતે રજનીશપુરમના ધબડકાની કહાની પેશ કરવામાં આવી છે.

ઓશોની કહાનીમાં આ મા આનંદ શીલાનું પાત્ર દિલચસ્પ અને કેન્દ્ર સ્થાને છે. શીલા ઓશોની અંગત સચિવ અને રજનીશપુરમની કર્તાહર્તા. ઓશોને પ્રેસિડેન્ટ ગણીએ તો શીલાને પ્રાઈમ મિનિસ્ટર કહેવાય. ગુજરાતી ભાષામાં માથાભારે પણ કહેવાય. અમેરિકાન સરકારે ઓરેગોનમાંથી ઉચાળા ભરાવ્યા (ઓશોને બારેક દેશોમાં પેસવા દેવાયા નહીં એટલે ભારત આવ્યા), ત્યારે વૈકલ્પિક વસવાટ માટે શીલા ઓસ્ટ્રેલિયામાં હતી. 'સુવાસ' તો પહોંચી જ ગઈ હતી. કોક પત્રકારે પૂછ્યું કે, "અહીં કેમ આવ્યા છો?" ત્યારે શીલાએ આકરી જબાનમાં કહેલું, "શું કહું? ડીંટડીઓ સખ્ત છે.” (What can I say? Tough titties).

આ શીલાને પણ રજનીશપુરમના સ્થાનિક લોકો પર બાયોટેરર હુમલા માટે ૨૦ વર્ષનો કારાવાસ થયેલો, પણ ૨૯ મહિના પછી પેરોલ પર છોડી મુકાઇ હતી. ત્યાંથી એ સ્વીત્ઝરલૅન્ડ જતી રહી હતી. શીલાએ જ્યારે ઓશોથી છૂટા પડવાનો નિર્ણય કર્યો ત્યારે, આજીવન માલિકીભાવ અને ઈર્ષ્યા નહીં રાખવાનું શિક્ષણ આપનાર ઓશોએ ઓન-કેમેરા કહેલું, "એ (શીલા) ગુનાઓના અપરાધબોધથી આત્મહત્યા કરશે, અથવા જેલમાં સડશે." પુણેમાં રજનીશ આશ્રમમાં મોરારજી દેસાઈની સરકારની તવાઈ, છાપાઓની હેડલાઈન્સ અને ફ્ર્રી-સેક્સને લઈને વિવાદો-વિરોધો થયા, ત્યારે સુદૂર અમેરિકામાં એક નવું સ્વર્ગ ઉઊભું કરવાનો આખો આઈડિયા આ શીલાનો હતો.

આ મા આનંદ શીલા એટલે, મૂળ વડોદરા પાસે ભાયલી ગામના અંબાલાલ અને મણિબહેનનાં ૬ સંતાનો પૈકીની સૌથી નાની દીકરી શીલા પટેલ. અંબાલાલ અમદાવાદમાં ગાંધી આશ્રમમાં સક્રિય હતા, અને કાકાસાહેબ કાલેલકરના સચિવ તરીકે પણ કામ કરતા હતા. એકદમ આધ્યાત્મિક અને ફિલોસોફિકલ જીવ. શીલા તો બહુ પાછળથી રજનીશના પરિચયમાં આવી હતી. સૌથી પહેલાં તો આ અંબાલાલે રજનીશની સંભાળ લીધી હતી. 'સંભાળ' એ અર્થમાં કે, એમણે બાળક ચંદ્રમોહન ઉર્ફ રજનીશને દત્તક લીધો હતો. ઓરેગોનમાં રજનીશપુરમ ધમધમતું હતું ત્યારે, મેગ્ના પબ્લિશિંગવાળા નારી હીરાના 'સોસાઈટી' સામયિકને આપેલા એક ઇન્ટરવ્યુમાં ૭૪ વર્ષના અંબાલાલ ચતુરભાઈ પટેલે કહ્યું હતું કે, ૧૯૩૬માં એમણે રજનીશને દત્તક લીધો હતો, કારણ કે જ્યોતિષીઓએ આગાહી કરી હતી કે, જો એ બાળકને બીજા કોઈ પરિવારમાં મૂકવામાં નહીં આવે તો, એ સાત જ વર્ષ જીવશે. અંબાલાલે ત્યારે કહ્યું હતું, "દત્તક લીધાના એ કાગળો આજે પણ એમની દીકરી (શીલા) પાસે ઓરેગોનમાં છે."

આ ઇન્ટરવ્યુ 'સોસાઈટી'ના આસિસ્ટન્ટ એડિટર ગોડફ્રે પરેઈરાએ લીધો હતો. એ આખી વાત આ પ્રમાણે છે:

યુવાન અંબાલાલ ત્યારે મુંબઈમાં ક્લાર્કની નોકરી કરતા હતા. એમના એક ભાઈબંધની કાલબાદેવીમાં કપડાંની દુકાન હતી. અહીં ૧૯૩૫માં અંબાલાલને મધ્ય પ્રદેશના કાપડના વેપારી બાબુલાલ જૈનનો ભેટો થયો, જે વેપારાર્થે મુંબઈ આવતા હતા. એકવાર, બેવાર અને વારંવાર મળ્યા, એમાં દોસ્તી થઇ. દોસ્તી એવી કે, અંબાલાલ એક છોકરીને પરણવું કે નહીં એની મુંઝવણ બાબુલાલને કહે, અને બાબુલાલ એમની નાની-મોટી મુસીબતોની વાતો અંબાલાલને કરે.

એમાંને એમાં અંબાલાલને લાગ્યું કે, બાબુલાલને કશુંક ગંભીર કોરી ખાય છે. એક વાર ભેગા થયા ત્યારે કાલબાદેવીની એક રેસ્ટોરન્ટમાં અંબાલાલે દોસ્તીના સમ આપીને બાબુલાલને પૂછી જ લીધું. બાબુલાલ ભાંગી પડ્યા, અને રડતા-રડતા બોલ્યા, "મારો એકનો એક છોકરો મરી જવાનો છે." અંબાલાલે લાગણીનો ઊભરો માનીને સાંત્વન આપવા પ્રયાસ કર્યો તો બાબુલાલે કહ્યું, "તું સમજતો નથી. ગ્રહો એના પક્ષમાં નથી. જ્યોતિષીઓએ સાત જ વર્ષ આપ્યાં છે. કોઈ એની કુંડળી બનાવવા તૈયાર નથી. કહે છે કે, જે જીવવાનો નથી એની કુંડળી ના બને."

અંબાલાલને સમજ ના પડી કે શું કહેવું. બાબુલાલે જ પછી કહ્યું, "એક આશા એવી છે કે, હું એનો પિતા ના હોઉં અને કોઈ અપરિચિતને દત્તક આપી દઉં તો એ બચી જાય. લોહીની સગાઈમાં આપું તો ગ્રહો ભેગા થાય છે. સાત વર્ષ જો એ જીવી જાય તો એની કુંડળી બની શકે એમ છે."

"એનું નામ શું?" અંબાલાલે પૂછ્યું.

"રજનીશ ચંદ્રમોહન."

"સરસ નામ છે," અંબાલાલે સ્વગત બોલ્યા, અને તરત નક્કી કર્યું, "હું એને દત્તક લઈશ."

કાલબાદેવીની એ રેસ્ટોરન્ટમાં કુચવેડા(મ.પ્ર.)ના કાપડના વેપારી અને એક ગુજરાતી ક્લાર્ક વચ્ચે ગ્રહોને પરાજય આપવાના કોલ લેવાયા. એટલું સરળ હતું નહીં, કારણ કે રજનીશની માતાએ જીદ કરી કે, "દીકરો મરી જ જવાનો હોય તો ભલે મારી પાસે જ મરતો, સાત વર્ષ તો હું એની સાથે રહું. એટલે દૂર મુંબઈમાં મોકલાય?" એમાં આ દત્તક આપવાનો આ ખાનગી પ્લાન લગભગ ચોપટ થઇ ગયો. એમાં બે-ત્રણ વર્ષમાં રજનીશ એકવાર શીતળા અને બીજીવાર ટાઈફોડમાં પછડાઈને ઊભો થયો એટલે બાબુલાલે ઐસી કી તૈસી કરીને રજનીશને બેગ-બિસ્તરા સાથે અંબાલાલ પાસે મોકલી જ દીધો.

અંબાલાલે ત્યારે જ બીજો નિર્ણય કર્યો, પેલી છોકરી મણિબહેન સાથે લગ્ન કરવાનો. લગ્ન પછી અંબાલાલ, મણિબહેન અને રજનીશ જુહુ કોલીવાડામાં સ્થાઈ થયા. અંબાલાલ કહે છે,"આખી વાત ખાનગી હતી. અમે કોઈને એવું કહેવા માંગતા ના હતા કે રજનીશ દત્તક લીધેલો છે. મારા એ દિવસો બહુ ટેન્સ હતા. એને કૈંક થઇ ગયું તો? એની આંખો બહુ મોહક હતી. એવી ચમક મેં પહેલીવાર જોઈ હતી. એ મારી સામે જુવે તો મને લાગતું કે કોઈ બહુ પૌરણિક માણસ મને જોઈ રહ્યો છે. એ બહુ શાંત હતો. બાળકોમાં એ બહુ ભળતો નહીં. ખબર નહીં, ખૂણામાં બેસીને એ શું જોયા કરતો હતો. એ નોર્મલ બાળક નો'તો. એને શ્વાસની તકલીફ હતી. અમે એની દરકાર રાખતા. જુહુનું વાતાવરણ એને માફક આવ્યું હતું, અને એ તંદુરસ્ત થવા લાગ્યો. એને દરિયો ગમતો હતો, અને ક્ષિતિજ તરફ જોયા કરતો. બાબુલાલ અને હું ટચમાં હતા. રજનીશ માટે હું જ એનો પિતા હતો, અને મેં દીકરાની જેમ એને પ્રેમ કર્યો હતો. એને બહુ સહન કર્યું હતું. મેં દત્તક ના લીધો હોત તો જીવ્યો ના હોત."

રજનીશ સાડા સાત વર્ષનો થયો, તે પછી એ બાબુલાલ પાસે રહેવા જતો રહ્યો. એ પછી અંબાલાલને છ સંતાનો થયાં. એ કહે છે, "એ ગયો પછી હું સતત રજનીશના સંપર્કમાં હતો. મેં મારાં તમામ સંતાનોને રજનીશ તરફ ધકેલ્યાં હતાં. એમને ખબર નો'તી પડતી કે હું કેમ આવું કરું છું. શીલા અને રેખા (જ્યેષ્ઠ દીકરી પ્રતીક્ષા) રજનીશ સાથે ગઈ. મારી બે દીકરીઓ એમના ભાઈ સાથે રહે છે, એ મારા માટે બહુ જ આનંદની વાત છે."

રજનીશને અંબાલાલે દત્તક લીધો હતો તે વાત બહાર આવી, એની પાછળ ઈમિગ્રેશનનો મુદ્દો હતો. ૧૯૮૧માં પુણે આશ્રમમાં 'ગરમી' વધી ગઈ, એટલે રજનીશે અમેરિકા માટે ઉચાળા ભર્યા. પુણેના ડોકટરોએ લખી આપેલા સર્ટિફિકેટના આધારે કરોડરજ્જુની બીમારી ઠીક કરવા માટે છ મહિનાના કામચલાઉ વિઝા ઉપર એ અમેરિકામાં પ્રવેશ્યા. એ પૂરા થયા થયા એટલે બીજા છ મહિનાનું એક્સ્ટેન્શન લીધું. એ પછી ૨૪ નવેમ્બર, ૧૯૮૧ના રોજ એમણે કાયમી વસવાટ માટે અરજી કરી. યુ.એસ. ઈમિગ્રેશને તરત જ રજનીશના મેડિકલ રિપોર્ટની જાંચ શરૂ કરી. ૨૪ ડિસેમ્બર, ૧૯૮૨ના રોજ ઈમિગ્રેશને કાયમી વિઝાની ના પાડી દીધી.

રજનીશીઓએ આની સામે જાતભાતની કાનૂની લડાઈઓ છેડી. એમાં ૨જી ફેબ્રુઆરી ૧૯૮૪માં એમણે ભ્રહ્માસ્ર છોડ્યું. ૧૯૭૩થી યુ.એસ.માં સિટીઝનશિપ ધરાવતા સ્વામી સ્વરૂપાનંદ નામના એમના એક શિષ્યએ ઈમિગ્રેશને અરજી કરીને કહ્યું કે, રજનીશ એમનો દત્તક પુત્ર છે, અને કાયમી વસવાટ માટે અધિકારી છે. આ સ્વરૂપાનંદ એટલે અંબાલાલ પટેલ. અંબાલાલે પેલા ઈન્ટરવ્યુમાં કહે છે, રજનીશને દત્તક લેવાવાળી વાત ખાનગી રાખવાની હતી, પણ અમેરિકામાં ઊતર્યા પછી ધ ઈમિગ્રેશન એન્ડ નેચરલાઈઝેશન સર્વિસે મુસીબત ઊભી કરી એટલે મારે આ વાત જાહેર કરવી પડી.

શીલા જ્યારે ૧૭ વર્ષની હતી, અને અભ્યાસ માટે અમેરિકા જવાની હતી તે જ દિવસે અંબાલાલ એને મુંબઈમાં બે સુપરસ્ટાર ગુરુને સાંભળવા લઇ ગયેલા, રજનીશ અને જે. કૃષ્ણમૂર્તિ. શીલાની માતા મણિબહેને તો છણકો પણ કરેલો કે, રજનીશને સાંભળવામાં છોકરી પ્લેન મિસ કરશે. અંબાલાલે ત્યારે કહેલું, "એને આ એક પ્રવચનમાંથી જે શીખવા મળશે એ પાંચ જીવનમાં ય નહીં મળે, અને ભગવાનને મળવામાં પ્લેન જતું હતું હોય તો ભલે જાય."

૧૯૭૩માં ૧૯ વર્ષની શીલા ૨૨ વર્ષના માર્ક હેરિસ સિલ્વરમેનને પરણીને ભારત પાછી આવી, અને ફેબ્રુઆરીમાં થાણેમાં રજનીશની માળા ધારણ કરીને મા આનંદ શીલા બની. માર્ક સિલ્વરમેન પ્રેમ ચિન્મય બની ગયો. પુણેમાં આશ્રમ સ્થપાયો ત્યારે આ બંને ત્યાં એકથી વધુ પાર્ટનર રાખતા હતા, જે રજનીશની મુખ્ય (અને વિવાદાસ્પદ) થિયરી હતી: સંભોગથી સમાધિ સુધી.

અંબાલાલને વાંધો ન હતો? પેલા ઇન્ટરવ્યુમાં એ કહે છે, "હું ૭૪ વર્ષનો છું. વડોદરામાં નાનકડું જીવન જીવું છું. ખેતરમાં ઝૂંપડીમાં રહું છું. હું કપડાં ય પહેરતો નથી. નગ્ન રહું છું. રજનીશ સાથે આજે ય સંબંધ છે. મને બાપુજી કહે છે. મને ખબર છે, બહુ લોકોને રજનીશ પસંદ નથી. ઈટ ઈઝ ઓલરાઈટ. એ જે કહે છે તે બરાબર છે. હું અહીં બેસીને એને જજ નથી કરતો. રજનીશ એક પ્રકાશ છે. એને મૂલવવાનો મતલબ જાતને મુલવવી એવો થાય. ગમે તેવી બુદ્ધિ હોય, ખોટા જ પડાય. હું એને વ્હાલ કરું છું. મારું જીવન પૂરું થયું છે. મારા માટે જન્મ કે મોત જેવું કંઈ નથી. બસ જીવન છે અને હું જીવું છું. જે છે એ બધું બરાબર છે. હું મારા મોટા દીકરા પાસે ઓરેગોન જઈ રહ્યો છું. ખબર નહીં પાછો ક્યારે આવીશ."

અંબાલાલ પટેલ, બાબુલાલ જૈન અને ખુદ 'ભગવાન' આ સંસારમાં નથી. ૬૪ વર્ષની મા આનંદ શીલા સ્વીત્ઝરલૅન્ડમાં ત્રીજા લગ્ન કરીને શીલા બર્નસ્ટેલના નામથી એક નવી જ જિંદગી જીવે છે. ત્યાં એણે માનસિક વિકલાંગો માટે બે નર્સિંગ હોમ બનાવ્યાં છે, અને નામ આપ્યું છે, માતૃસદન અને પિતૃસદન. ગયા વર્ષે શીલાની 'ડોન્ટ કિલ હિમ' નામની ચોપડી અંગ્રેજીમાં આવી હતી, જેમાં એણે રજનીશપુરમના પ્રયોગની, કેવી રીતે એનો ધબડકો થયો તેની, એના જેલવાસ અને કેવી રીતે એ સ્વીત્ઝરલૅન્ડ જતી રહી, તેની વાતો લખી છે. ચોપડીમાં એના જીવન માટે અને રજનીશ સાથે ભેટો કરાવવા બદલ પિતા અંબાલાલ અને માતા મણિબહેનનો આભાર માને છે. એમની જ યાદમાં બે નર્સિંગ હોમ બનાવ્યાં છે.

ચોપડીના અંતે એ લખે છે, "હું રોજ એમને મીસ કરું છું. એ ખૂબસુરત ચહેરો, એમના હાથ અને પગનો ખાસ સ્પર્શ, એ મોહક અવાજ, એમની દીવાનગી-મને બધું જ યાદ છે. મેં એમને પ્યાર કરવાનું કયારે ય બંધ નો'તું કર્યું અને ક્યારે ય નહીં કરું. માણસ તરીકે એમનાં કેટલાંક કૃત્યો ભલે દોષપૂર્ણ હોય, ભગવાન શ્રી રજનીશ તરીકે એમના ઉપદેશ અલૌકિક હતા. એમનો આત્મા ૧૯૯૦માં શરીર છોડી ગયો છે. Now, please, Don’t kill him!”

આ ચોપડી આવી તે પછી ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના એક પત્રકારે શીલાને ફોન કરીને પૂછેલું;

શીલા, એમની (ઓશોની) તમારા પર કેવી અસર હતી?

"હું એમના પ્રેમમાં હતી."

પણ એ કેવા માણસ હતા?

"એ બહુ બધા લોકો માટે બહુ બધું હતા. રૂઢિચુસ્ત ઈસાઈઓ માટે એ શેતાન હતા. આધ્યાત્મિક અભ્યાસ માટે આવતા એમના અનુયાયીઓ માટે પ્રબુદ્ધ હતા. બીજાઓ માટે, ભગવાન હતા. અને મારા માટે, એક ખૂબસુરત આદમી હતા. અંતે તો, તમે જે ચાહો એવા એ દેખાય."

સુભાષ ઘાઈનું પણ એવું જ છે. એ કહે છે, "ઓશોની કહાનીમાં એટલું બધું છે કે, ધારો તો છ ફિલ્મો બને."

વેલ, ઉપર આ લખ્યું એ આવી છ પૈકીની જ એક કહાની છે.

https://www.facebook.com/1379939932334062/photos/a.1383225085338880/2111656422495739/?type=3&theater&__xts__[0]=68.ARDMlByGyZqUjvfCvzhHt_S6GcYtypVqmnB0FC4KRG7X4-RO3v1HSBvr0knYYfZTPoGuKelAZq7T5A1Bw91XHkKQax75Fszbq4sDD9wTL0asYEFSv_fvmv2XH4vGN-e7A2_A7RtY06PJ0uzYLOHj0oLf2Ea-9xoPUnhwhd24bAyfTbHx_K1_MzQpCaVx4VYgEooj2-ttDvbnEH1KhltKSIP1YwB_VqiTdw6gM_IA&__tn__=-UK-R

Loading

...102030...3,0093,0103,0113,012...3,0203,0303,040...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved