Opinion Magazine
Number of visits: 9969075
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

…. ને હું રહી ગઈ કુમારી

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|27 December 2018

હૈયાને દરબાર

જૂની ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ મહદ્દ અંશે વિનયકાંત દ્વિવેદી, રાજશેખર બ્રહ્મભટ્ટ કે રાજેન બ્રહ્મભટ્ટ જેવા નાટ્ય પરિવાર સાથે સંકળાયેલી વ્યક્તિઓ પાસેથી મળી શકે અથવા તો સરિતા જોશી, મીનળ પટેલ, મહેશ્વરી જેવાં કલાકારો કે કોઈ ઇતિહાસવિદ્દ પાસેથી ઉપલબ્ધ થાય, પરંતુ, જૂની પારસી રંગભૂમિની વિગતો ક્યાંથી મેળવવી એ દ્વિધા હતી. એવામાં નાટ્ય કલાકાર કમલેશ મોતાએ મણિ મુલ્લાનું નામ યાદ કર્યું, અને તરત મેં એમનો સંપર્ક સાધ્યો. એ પેઢીમાંથી ગણ્યાગાંઠ્યાં નામો હજુ સક્રિય છે, જેમાંથી આદરણીય યઝદી કરંજિયા પાસેથી ઘણી રસપ્રદ વાતો આપણે ગતાંકમાં જાણી હતી. જો કે, ગતાંકમાં જે ફોટોગ્રાફમાં યઝદીભાઈનું નામ મુકાયું હતું એ સરતચૂકથી મુકાયું હતું. એ ફોટોગ્રાફ પારસી રંગભૂમિનાં અન્ય કલાકારો બિનાઈફર અને નવરોઝ દાબૂનો હતો. યઝદી કરંજિયાના વિશિષ્ટ પ્રદાનને ધ્યાનમાં લઇ આ લેખ સાથે યઝદીભાઈના નાટકનો ફોટો મૂક્યો છે જેથી એ વિશે કોઈ વાચકને મૂંઝવણ ન રહે.

આજે યઝદીભાઈ જેવા જ એક ઉત્સાહી પારસી મહિલા મણિ મુલ્લા તેમના અનુભવો આપણી સાથે વહેંચવાનાં છે. આખી દુનિયા જે દિવસ ઊજવે છે એ ૩૧ ડિસેમ્બરે ૮૦મા વર્ષમાં પ્રવેશનાર વરિષ્ઠ કલાકાર મણિબહેન કેટલો ઇતિહાસ ઉખેળી શકશે, એ સંશય સાથે એમને ફોન લગાડ્યો. સ્પષ્ટ ઉચ્ચારો ધરાવતો મીઠો રણકાદાર અવાજ અને અસ્ખલિત વાણી સાંભળી અને હું આભી જ બની ગઈ હતી. ૮૦ વર્ષે યુવાનીનો તરવરાટ એમનાં અવાજમાં વર્તાતો હતો. ખૂબ વિગતવાર એમણે એ વખતની પારસી રંગભૂમિ અને એની સાથે સંકળાયેલા નાટ્યકારો-સંગીતકારોની બહુ રસપ્રદ વાતો કરી.

"સાત વર્ષની કુમળી વયે મેં મારો પહેલો પર્ફોર્મન્સ આપ્યો હતો. એ વખતે હું મુંબઈની ગામડિયા ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણતી હતી. બહુ મોટી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈની બધી પારસી સ્કૂલની છોકરીઓએ એમાં ભાગ લીધો હતો. એ જમાનામાં દક્ષિણ મુંબઈના એક્સલશિયર, કેપિટલ થિયેટરોમાં આવી બધી હરીફાઈ યોજાય. સ્કૂલમાં મોટી છોકરીઓની પ્રેક્ટિસ ચાલે અને અમને નાનાંને બેસાડી રાખવામાં આવે. મને થયું કે ગાયનસ્પર્ધામાં હું કેમ ભાગ ના લઉં? એટલે નાની હોવા છતાં આગેવાની લઈને પ્રિન્સિપાલ પાસે મોરચો લઈ ગઈ. પ્રિન્સિપાલ એન્જિનિયરે એક શરતે અમને સ્પર્ધામાં ભાગ લેવા મંજૂરી આપી કે તમારે ભાગ લેવો હોય તો લો પણ ઈનામ લાવવું પડશે. મેં કહ્યું, ભલે, લાવીશું.

સંગીત-નૃત્યનાં અમારા ગુરુ હતાં મિસ લાકડાવાલા. એમણે અમને એક પારસી ગરબો શિખવાડ્યો; વડલાની છાયે હીંચકો બાંધ્યો રે મારા નંદાના લાલ, હીંચકા પર સાસુ બેઠાં મારાં, નંદાના લાલ …! આ ગરબો અમે એવો સરસ તૈયાર કર્યો કે ફર્સ્ટ પ્રાઈઝ લઈ આવ્યાં. તેથી મને મારાં મમ્મી-પપ્પા અને શાળા તરફથી પ્રોત્સાહન મળવા માંડ્યું. એ વખતે ફ્રેની કામા, ફિરોઝા દસ્તૂર વગેરેએ ભેગાં મળીને ‘ગાયન ઉત્તેજક મંડળી’ની સ્થાપના કરી હતી. પારસીઓનું એક પ્રોગ્રેસિવ ગ્રુપ પણ હતું જે લોકો ઘણી સ્પર્ધાનું આયોજન કરતા. આમ છતાં, પારસી સમાજમાં નાચવા-ગાવા પ્રત્યે અણગમો હતો. રૂઢિચુસ્ત સમાજ હતો. પરંતુ, ૧૯૬૯માં હાઇ કોર્ટના જજ ગિબ્સના નેતૃત્વ હેઠળ ‘ફિલ હાર્મોનિક સોસાયટી’ની સ્થાપના થઈ. જો કે આ સંસ્થા અંગ્રેજી મ્યુઝિકને જ પ્રોત્સાહન આપતી હતી. તેથી વિષ્ણુનારાયણ ભાતખંડેના શિષ્ય કેખશરૂ કાબરાજીને વિચાર આવ્યો કે ભારતીય સંગીતની સ્થાપના અને પ્રચાર કેમ નહીં કરવાનાં? એમના મિત્રો સોરાબજી બંગાલી, દાદાભાઈ નવરોજી, ફરામજી ભરૂચા, દિનશા પિટીટ ઇત્યાદિએ ભેગાં મળીને ગાયન ઉત્તેજક મંડળીની સ્થાપના કરી. આ મંડળી દ્વારા ધ્રુપદ-ધમાર, ખ્યાલ, હોરી, ચૈતી જેવા પ્રકારોના શાસ્ત્રીય સંગીતના વર્ગો શરૂ થવા લાગ્યા. એમ કરીને પારસીઓ ફક્ત અંગ્રેજી ગાયનોને બદલે શાસ્ત્રીય સંગીત શીખવા તરફ વળ્યા. મેં પણ સંગીત-નૃત્યની તાલીમ લેવા માંડી હતી. અમારું કુટુંબ પંથકી પરિવાર ગણાય. મારાં મમ્મી-પપ્પાને પણ સંગીતનો ઘણો શોખ હતો. એ વખતે ચાવીવાળા ગ્રામોફોનનો જમાનો હતો. મારાં મમ્મીને જુથિકા રોયનાં ગીતો ખૂબ ગમે. રેડિયો પર એમનાં જ ગીતો સાંભળે. રેડિયો પરથી એ વખતે રેકોર્ડના નંબર પણ અનાઉન્સ થતાં હતાં, તેથી પપ્પા એમને ગમતાં નંબરની રેકોર્ડ લઈ આવે ત્યારબાદ લગભગ ૧૯૮૧-૮૨માં મંડળીને સમેટી લઈને એની બધી વસ્તુઓ મરાઠી રંગમંચના મશહૂર કલાકાર અને સંગીતકાર સુધીર ફડકેને સોંપી દઇને ગાયન ઉત્તેજક મંડળીએ છેલ્લા શ્વાસ લીધા હતા.

આ જ સંસ્થાના સભ્ય રહી ચૂકેલા પં. કેકી જીજીનાએ ‘સ્વર સાધના સમિતિ’ના નવા નામે સંગીત સંસ્થા સ્થાપી જેમાં એમનાં શિષ્ય અને ભારતના સૌપ્રથમ મહિલા તબલાંવાદક આબાન મિસ્ત્રીએ છેવટ સુધી સહયોગ આપ્યો હતો. આ બંનેનાં મૃત્યુ પછી રૂપા સેઠના હજુ પણ આ પ્રવૃત્તિમાં કાર્યરત છે.

આનંદ અને આશ્ચર્યની વાત એ પણ છે કે મણિ મુલ્લા આપણા સુગમ સંગીતના સૌથી મોટા પ્રસારક પદ્મશ્રી અવિનાશ વ્યાસનાં શિષ્યા રહી ચૂક્યાં છે. ઑલ ઇન્ડિયા રેડિયોના એ વખતે મરીન લાઇન્સ પર આવેલા સ્ટુડિયોમાં મણિ મુલ્લા ગાવા જતાં હતાં. દસ મિનિટ ગાવાના દસ રૂપિયા મળે, એ ય પાછા ચેકમાં. એટલે નાની ઉમ્મરે એમનું બૅંક ખાતું પણ ખૂલી ગયું હતું. એક વાર એમણે ઑલ ઇન્ડિયા ટેલેન્ટ કોમ્પિટિશનમાં ભાગ લીધો જેમાં નૌશાદ સહિત ઘણા મોટા સંગીતકારો સામે ગાવાની તક મળી હતી. તેઓ ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચ્યા હતાં. એ સ્પર્ધા મેટ્રો થિયેટરમાં યોજાઈ હતી.

"અવિનાશ વ્યાસે પણ મને આવી જ રીતે સાંભળી હતી. ત્યારથી હું એમના કેમ્પ્સ કોર્નર પર આવેલા પાનગલીના ઘરમાં સંગીત શીખવા જતી હતી. આમ મારી શરૂઆત પહેલાં સંગીત પછી નૃત્ય અને છેલ્લે ડ્રામેટિકસમાં થઈ. મેં ગુજરાતી થિયેટરના અરવિંદ ત્રિવેદી, મૂળરાજ રાજડા, ચાંપશીભાઈ, પ્રાગજીભાઈ સાથે પણ કામ કર્યું છે. અવિનાશ વ્યાસ, નિનુ મઝુમદાર જેવા સંગીતકારો પાસે શીખવાની તક મળી છે. બાળનાટ્ય ક્ષેત્રે નક્કર યોગદાન આપનાર વનલતા મહેતા સાથે તો ખૂબ અંગત સંબંધ બંધાઈ ગયો હતો જે છેવટ સુધી કાયમ હતો. તેમ જ પારસી રંગભૂમિના સાયરસ દસ્તૂર સાથે ઘણાં નાટકોમાં કામ કર્યું છે. નાટકમાં એમને મણિ આન્ટી વગર ચાલે નહીં.

મણિ મુલ્લાએ પારસી નાટકો ઉપરાંત ‘વેક અપ સિદ’ સહિત કેટલીક હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે. પારસી નાટકોમાં સૌથી વધારે હાસ્યરસ દેખાય. પ્રેમરસ, શિખામણ અને ટકોર પણ હોય. પિરોજશા મિસ્ત્રી અને પીઠાવાલા જાણીતા ગાયકો હતા. મિયા હિન્દુસ્તાની ને બીવી અપટુડેટ … જેવા એક ગીતમાં તો કથકના બોલ પણ સમાવેલા. એની રેકોર્ડ બહાર પડી હતી. જૂનાં નાટકોમાં રામલાનું પાત્ર બહુ ધ્યાન ખેંચતું હતું. સવા કો માઈલો, હું તો કંટાલ્યો, દામડીના દામ ને ઢગલો કામ … જેવાં ગીતો લોકપ્રિય થતાં. પારસી નાટકોમાં જસી માપલા-ગોરિયાની જોડી ખૂબ ધૂમ મચાવતી. આમ, એ જમાનો હસી-ખુશીનાં મજેદાર નાટકોનો હતો. આજે ય જો કે પારસી નાટકોમાં રમૂજવૃત્તિ જ વધારે જોવા મળે છે. આજનું ગીત પારસી-ગુજરાતીઓમાં ખૂબ લોકપ્રિય છે. કેટલીક રેકોર્ડમાં પણ લેવાયું છે ને મણિ મુલ્લાએ ગાયું છે. સાંભળીને મજા લેજો.

—————————

મારા પપ્પાની છે મોટરગાડી,
મારાં મમ્માની છે ફૂલવાડી
મારા બાવાની છે ઘોડાગાડી,
તો બી હું રહી ગઈ કુમારી

મારા મામા મામલતદાર જેવા,
મારા ફૂઆ છે ફોજદાર જેવા
મારા કાકા કલેકટર જેવા
તો બી છું હજુન કુમારી

હું અપટુડેટ ફેશનેબલ નારી,
ઘેરમાં પહેરુંચ જ્યોરજેટની સાડી
મારો ભપકો છે ઘણો ભારી,
તો બી છું હજુન કુમારી

મારી હિરની જેવી ચાલ છે,
મારા રેશમી જેવા બાલ છે,
મારા ગુલાબ જેવા ગાલ છે,
તો બી છું હજુન કુમારી

હું નાટક સિનેમામાં જાઉં છું,
હોટલ હેરિટેજમાં ભોનુ ખાઉં છું,
બોલરૂમમાં ડાન્સિંગ મેડલ લાઉં છું,
તો બી છું હજુન કુમારી,

સ્વભાવે છે હું ઘની ભોલી,
મને ગમતો સાકરબાઈનો સોલી,
એને પન્ની ગઈ સાંબેની ડોલી
ને હું રહી ગઈ કુમારી

————————-

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 27 ડિસેમ્બર 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=45602

Loading

નગીનદાસ, તમે સાંભળો છો ? તમે અમને ખૂબ સાંભરો છો …

અંકિત દેસાઈ|Profile|27 December 2018

દાદાને ગયાને આજે સાત વર્ષ પૂરાં થયાં, અને સાત વર્ષમાં દાદા ખૂબ યાદ આવતા રહ્યા. આ સાત વર્ષોમાં ફરક એટલો પડ્યો કે, પહેલાં દાદા અમને ઘણી વાર્તાઓ કરતા, અને હવે, અમે અમારા નાનકાઓને દાદાની વાર્તાઓ કરીએ છીએ. અમારાં જીવનમાં એ વાર્તાઓ પણ અકબંધ છે અને દાદા પણ!

અમારા ઘરમાં અમારી બા અત્યંત પ્રભાવક વ્યક્તિ, એટલે બાના વ્યક્તિત્વની નીચે દાદા હંમેશાં કચડાતા રહ્યા. એમ કહી શકાય કે દાદા અંડરરેટેડ રહ્યા … પણ દાદાએ એ બાબતે ન તો ક્યારે ય ફરિયાદો કરી કે નહીં એમણે પોતાનું પ્રભુત્વ જમાવવાનો પ્રયત્ન કર્યો. એવું અનેક વખત બન્યું છે કે, અમારા પાંચ ભાઈ-બહેનોમાંથી કોઈએ કોક વખત દાદા પ્રત્યે વધુ સ્નેહ દાખવ્યો હોય કે એમની તરફદારી કરી હોય તો બા વિરોધ નોંધાવે કે, 'તમને દેહું તમારા બપાવા વતી બો લાગી આવતું ..' પણ જો અમે બધા મોટેભાગે બા તરફી હોઈએ ત્યારે દાદા ક્યારે ય એવો વિરોધ નહીં નોંધાવે. કદાચ એટલે જ અમે બધા 'બાવાદીઓ' હોવા છતાં અમારા બાળપણની શ્રેષ્ઠ યાદો દાદા સાથે સંકળાયેલી છે.

તસવીરમાં ઊભી છે એ હીરલ દેસાઈ, દાદાના ખોળામાં હું અને બાના ખોળામાં કેયૂર દેસાઈ

દાદા સાથે વીતાવેલો શ્રેષ્ઠ સમય એટલે અમારા ઉનાળું વેકેશનો. ઉનાળા માટે ડોસો ખાસ પાટીવાળી એક ખાટલી ઓટલા પર રાખી મૂકતો. અને સાંજે કેરીના રસ સાથે કાંદા-કાકડીના પૂડા અથવા વડા કે ઢોકળાં ઝાપટીને ચોકમાં ખાટલી ઊતારી પાડતો. દાદા ચોકમાં આડા પડે એટલે અમે બધા પણ એમની આસપાસ જ્યાં મેળ પડે ત્યાં ગોઠવાઈએ અને દાદા પાસે, 'દાદા કોઈ જૂની વાતો કરો …'ની ફરમાઈશ કરીએ. ફરમાઈશને માન આપી એક તરફ દાદા કોઈ વાતની શરૂઆત કરે અને સાથે સભાપતિ મહોદય અમારી બા એની એક્સ્ટ્રા કમેન્ટરી શરૂ કરે. ઇન્દિરા ગાંધીથી લઈ મોરારજી દેસાઈ અને વર્ષો પહેલાં મરી ગયેલા અમારા કોઈ મારકણા બલ(બળદ)થી લઈ ગામમાં આવેલાં પૂર સુધીની વાતો આભની નીચે સૂતા સૂતા થતી રહે. દાદાના બાપુજીએ સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપેલું, એટલે એમના બાપાની વાતો કરતી વખતે કે મોરારજીની વાતો કરતી વખતે એમનું ગળું ભીનું થઈ જાય. અને આ બધામાં ક્યારેક ડોસો પોતે ઉપજાવી કાઢેલી ખોટી વાતો પણ કરી નાંખે એટલે બા દાદાને ટોકી કાઢે, 'કાય હારો પોયરાએ હો જૂઠું બોલ્યા કરે … હારો જૂઠ્ઠો તદન ….'

બા અને દાદાની કોઈ વાતે કચકચ થાય તો અમે પાંચ બંને પક્ષે વહેંચાઈ જઈએ અને બંને પક્ષે ઘાસતેલ છાંટીએ. બાનું મગજ જાય એટલે ગાળો સાથે ધાણીફૂટ વાક્યોપ્રયોગો થતાં રહે અને સામે છેડે દાદા માત્ર ‘ઉંમમમમમ’ જેવો ઊંહકારો કરીને કે ‘હા રે હા ભાઈ…’માં જવાબ આપે. બા-દાદાની લડાઈમાં મજા એ વાતની આવે કે, બા જે વાતને સવાલ કે આક્ષેપરૂપે રજૂ કરે એ જ વાતને દાદા જવાબમાં રજૂ કરે. એક-બે ઉદાહરણો જોઈએ તોઃ

‘કોણ જાણે મૂઓ કાંથી મારે કપાળે ચોટેલો?’ બાનો સવાલ.

‘હા રે હા ભાઈ, ઉં તારે કપાળે ચોટેલો …’ દાદાનો જવાબ.

‘આ મૂઆ હાથે તો મેં જ જિંદગી કાયળી …’ બાનો આરોપ.

‘હા રે હા ભાઈ, તેં જ મારી હાથે જિંદગી કાયળી …’ દાદાનો જવાબ.

જો કે આટલી બધી લડાઈઓ અને એકબીજાંના સ્વભાવમાં અત્યંત વિરોધાભાસ હોવા છતાં એ બંનેનો એકબીજાં પ્રત્યેનો પ્રેમ અને આદર અત્યંત ઊંડો અને ઉત્કટ. બાનો એ અફર નિયમ કે, એ ભલે દાદાને કંઈ પણ કહે, પરંતુ અમારામાંથી જો કોઈએ ડોસા સાથે ઉદ્ધતાઈથી વાત કરી તો બા એની છાલ ઉતરડી નાંખે.

દુનિયાદારીના સામાન્ય નિયમો દાદાએ ક્યારે ય નહીં પાળ્યા. સંગ્રહ કરી લ્યો કે નાનાંમોટા સ્વાર્થને ખાતર સ્વજનોનો દગો કરો કે સાવ તુચ્છ વાતો માટે ઓટલે બેસીને કાવતરા કરતા રહો જેવા અનાવલા સ્વભાવથી દાદા હંમેશાં છેટાં રહ્યા. વાડી કે રસ્તાના અનેક કાગળિયા માત્ર દાદાને નામે હતા, પણ કોઈની એવી તાકાત સુદ્ધાં નથી કે, એવો આક્ષેપ પણ કરે કે, મારા દાદાએ કોઈના હકનું ખાધું હોય! સારા અને નિરુઉપદ્રવી માણસને દુનિયા નબળો માણસ જાહેર કરતી હોય છે એ હું મારા દાદાના ઉદાહરણ પરથી જ શીખ્યો છું!

જીવનભર મારા ડોસા માટે એ ભલો અને સિઝન પ્રમાણેનો એનો ખોરાક ભલો રહ્યો. શિયાળો ચાલુ થાય એટલે ડોસાને વડી, ખીચું પાપડી, ઉબાિળયું કે ઊંધિયું જોઈએ. ડિસેમ્બરમાં લાલ વાલની પાપડી સો રૂપિયા કિલો હોય ત્યારથી ખાવાનું શરૂ કરે તે છેક માર્ચ મહિના સુધી એ ખાય. માર્ચ બેસે ત્યારથી કેરીની ચટણી ખાવાની શરૂ, અને મે-જૂનના મહિનાઓમાં કેરી અને રસની રમઝટ જમાવે. ઉનાળામાં મળસકે પાંચ વાગ્યે ઊઠીને કેરી ખાનારો દુનિયામાં નહીં જડે, પણ મારા દાદાનો અનાવલો જીવ મળસકે ય લહેરથી કેરી ખાઈ જાણે! તો ચોમાસું જાત-જાતની ભાજીઓ, પાનકી અને પાતરાથી વીતે. અધૂરામાં પૂરું અનાવલી વાનગીઓ પર બાની પણ હથોટી એટલે ડોસો સિઝન સિઝને બજારમાંથી બધું લેતો આવે અને બા બબડતી બબડતી બનાવી આપે. કોઈક વાર બા નનૈયો ભણી દે તો દાદા અમને ડિપ્લોમેટ તરીકે બા પાસે મોકલે અને ખાવા બાબતે અમારી કોઈ ફરમાઈશ હોય એટલે બા હોંશેહોંશે બનાવે.

દાદાએ અમને પ્રત્યક્ષરૂપે એવું ક્યારે ય નથી કહ્યું પણ એમના જીવન પરથી હું એટલું શીખ્યો છું કે, જીવનમાં અમુક ગણતરી ક્યારે ય નહીં કરવી અને હંમેશાં ગમતું જ કરવું.

બાને હંમેશાં એવી ઈચ્છા હતી કે, દાદા પહેલાં મૃત્યુ પામે અને એ પછી જાય. મજાક મજાકમાં તે એવું પણ કહેતી કે, ‘મને એવી ઈચ્છા છે કે, દાદા જાય ત્યારે તમે ચોતરા પરથી રડતા આવે અને મને ભેટી પડે …’ દાદા એની પેટર્ન સ્ટાઇલમાં જવાબ પણ આપતા કે, ‘હા રે હા ભાઈ હું પેલા જાવા … પછી તું મજા કરજે…’

જો કે 2009મા દાદા પડી ગયા અને થાપાનું હાડકું ખસી ગયું, ત્યારથી એમને ખાટલો આવ્યો અને મહિનાઓ સુધી તેઓ ચાલી નહીં શક્યા. દાદાની ચાકરીમાં બા ધીમે ધીમે તવાઈ ગઈ અને માંદી પડી ગઈ. એક સવારે એ અમને અલવિદા કહીને નીકળી પણ ગઈ અને અમે ચોતરાએથી પોક મૂકતા દાદાને બાઝી પડ્યા. આંખ મીંચીને સૂતેલી બાને ફરિયાદ કરેલી કે, ‘અમારા અપંગ દાદાને મૂકીને કેમ ચાલતી થઈ? હવે અમારા દાદાનું કોણ?’

એ માંદી હતી ત્યારે એણે કીધેલું પણ કે, ‘આ મૂઓ મને ઉપર પણ ઠરવા દેવાનો નથી.’ બાને ત્યારે ય ખબર હતી કે, એના વિના દાદા એક વર્ષ પણ આખું નહીં જીવી શકે. આખરે થયું પણ એવું જ. બાને ગયાને હજુ તો અગિયાર મહિના થયા હતા, ત્યાં દાદાએ પણ એમનો ડાયરો સંકેલી લીધો અને એમને ગયાને આજે પાંચ વર્ષ પૂરાં થઈ ગયાં. બા અને દાદા બંને બાબતે મને એવો વસવસો ખરો કે, બંને પાંચેક વર્ષ વધુ જીવ્યાં હોત તો લીલી-વાડી અને દેવ જેવા પાંચ નાના દીકરા (ચીકુ + દ્રવ્ય + વત્સ + અથર્વ + સ્વર)ને જોઈને ગયા હોત. એમના પાંચ બાળકોને પોતાની આવડતથી 'સ્વબળે' પોતપોતાના ક્ષેત્રોમાં આગળ વધતા જોવાનું થાત તો બંનેના જીવને ખૂબ આનંદ થાત …

જો કે મરણ જેને દૂર કરી ગયું, એ સ્વજન સ્મરણમાં હજુ ય એવું જ અકબંધ છે. આજે ય ક્યારેક સો-બસોનું છૂટું ગણવામાં ગોથું ખાઈ જવાય તો મલકી પડાય છે કે, ડોસાનો વારસો હજુ જાળવી રાખ્યો છે. કેરીગાળો શરૂ થાય ત્યારથી ડોસાની યાદ આવે છે અને રોજ એક કેરી ઈરાદાપૂર્વક વધુ ખાઉં છું કારણ કે, ડોસાને કેરી બહુ ભાવતી!

મમ્મીને ઘણી વાર ટોણા પણ મારું છું કે, પાતરાં ને પાનકી તો ૨૭ ડિસેમ્બરે ડોસાની સાથે જ ગયા કેમ? ગાંધી ટોપી અને કફની-ધોતીમાં સજ્જ કોઈ ડોસો એક હાથમાં થેલી અને બીજા હાથમાં ધોતિયાનો છેડો પકડીને ઉતાવળી ચાલે જતો હોય તો ભલભલું કામ પડતું મૂકીને એ ચહેરામાં દાદાનો ચહેરો જોવા મથું અને ઝૂરું છું કે, કાશ! આ ડોસો મારા દાદા હોત. જો કે દાદા નામનો એ ડોસો હવે એના ચહેરા પરનું સ્મિત અકબંધ રાખીને છેલ્લાં સાત વર્ષથી અમારા ઘરની દીવાલો પર તસવીર બનીને ઝૂલી રહ્યો છે અને અમારા દિલમાં પણ!

https://www.facebook.com/ankit.desai.923/posts/10205487626305958  

Loading

હોગા કોઈ ઐસા ભી કિ ‘ગાલિબ’ કો ન જાને

રાજ ગોસ્વામી|Opinion - Opinion|27 December 2018

હોગા કોઈ ઐસા ભી કિ 'ગાલિબ' કો ન જાને

શાયર તો વો અચ્છા હૈ પર બદનામ બહુત હૈ

મિર્ઝા અસદુલ્લાહ બેગ ખાન 'ગાલિબ'ની આજે ૨૨૧મી સાલગિરહ છે. ઇતિહાસ એ લોકો બનાવે છે, જે પરંપરાવાદી દુનિયાની સીમાઓ તોડે છે. ગાલિબ એટલે જ એક ઇતિહાસ છે, જે બસ્સો વર્ષ પછી પણ એટલા જ વ્હાલથી યાદ રાખવામાં આવ્યો છે. પ્રેમ અને દર્શનની નવી વ્યાખ્યા કરનાર અને હિજ્ર અને વિસાલ (જોડ અને તોડ) બંનેને સાથે રાખીને જીવનાર ગાલિબે એના ચિંતનથી એવી જાદુઈ દુનિયા રચી છે, કે તે હજુ ય કરોડો લોકોને મોહિત કરે છે.

‘ગાલીબ’ના અંતિમ દિવસોનો આ એક માત્ર પોટ્રેટ ૧૮૮૬માં લેવામાં આવ્યો હતો. ગાલીબના દોસ્ત બાબુ શિવ નારાયણ પાસેથી તેની પ્રપૌત્રી શ્રીમતી સંતોષ માથુર પાસે આ ફોટો આવ્યો હતો. અત્યારે એ અલ્હાબાદમાં પ્રાઇવેટ સંગ્રહમાં છે.

ગાલિબનો જન્મ ૨૭ ડિસેમ્બર ૧૭૧૬માં આગ્રાના કાલા મહલમાં અને મોત ૧૫ ફેબ્રુઆરી ૧૮૬૯માં દિલ્હીની નિજામુદ્દીન બસ્તીમાં. ચાર વર્ષના હતા, ત્યારે જ પિતા અલવિદા ફરમાવી ગયા. પરિણામે ગાલિબ બચપણથી જ અનિયંત્રિત અને સ્વછંદ. આ સ્વભાવ આખી જિંદગી સાથે રહ્યો, અને એમાંથી જ એનું બેસ્ટ સર્જન આવ્યું. ૧૧ વર્ષની ઉંમરે ગાલિબે લખવાનું ચાલુ કર્યું. ૧૩ વર્ષની ઉંમરે લોહારું નવાબના ભાઈ ઇલાહી બખ્શ ખાનની બેટી ઉમરાવ ખાન સાથે શાદી થઇ ગઈ. ૧૫ વર્ષની ઉંમરે બંને દિલ્હી આવી ગયાં, જ્યાં એમણે 'ગાલિબ' બનતા પહેલાં ‘અસદ' તખ્ખલુસથી લખવાનું ચાલુ કર્યું. સાત સંતાનો થયાં. એક પણ જીવિત ન રહ્યું. એમની શાયરીમાં જીવનનાં આવાં દર્દ છલકતાં હતાં –

શહાદત થી મિરી કિસ્મત મેં, જો દી થી યહ ખૂન મુજકો
જહાં તલવાર કો દેખા, ઝુકા દેતા થા ગર્દન કો

સ્વભાવગત જ જવાબદારીનું કોઈ ભાન નહીં, ગૃહસ્થી શું ખાક નિભાવે? આખી જિંદગી ફાકા-મસ્તી અને ભૂખમરામાં ગઈ. એમાં જ ગાલિબની અંદર જે બદલાવ આવ્યો, તે એને સૂફી સંતની ઊંચાઈ પર લઇ ગયો. પોતાની કમનસીબીમાં પણ સાર્થકતા જોતાં એ લખે છે –

ગાલિબ વઝીફા-ખ્વાર હો દો શાહ કો દુઆ
વો દિન ગયે કી કહેતે થે નૌકર નહીં હું મૈ

(ગાલિબ, તારે રાજાનો આભાર માનવો જોઈએ કે તને એનો આસરો છે, 'હું નોકર નથી' એવું કહેવાના દિવસો ગયા)

ગાલિબની બે મોટી કમજોરીઓ – શરાબ અને જુગાર. આખી જિંદગી એ એનાથી પીછો છોડાઈ ન શક્યા. ઘરમાં દૂધવાળા, ધોબી, રાશનવાળા, કિતાબોવાળા ઉઘરાણી કરતા રહે. એક વાર ગાલિબ પાસે પૈસા ખતમ થઇ ગયા. ત્યારે એ ફારસી પુસ્તક લખતા હતા, અને શરાબની સખ્ત જરૂરત હતી. બેગમ ઉમરાવે પૈસા માટે સાફ ના પડી દીધી, અને ઉપરથી મેણું માર્યું – ખુદાના દરબારમાં દુઆ માગો અને નમાઝ અદા કરો, ઈચ્છા પૂરી થશે. ગાલિબ ગયા જામા મસ્જિદ. ત્યાં નમાઝ પઢવાનું શરૂ જ કર્યું હતું અને સામે કોઈએ બોટલ મૂકી. એક દોસ્ત કામથી ઘેર ગયો હતો, અને બીવીએ કહ્યું કે ગાલિબ મસ્જિદ ગયા છે, તો પેલો બોટલ ઊઠાવતો ગયો ગાલિબ પાસે અને બોટલ થમાવી. ગાલિબ અડધી નમાઝ છોડી ઊભા થયા તો કોઈકે ટકોર પણ કરી, જવાબમાં ગાલિબ બોલ્યા – ભાઈ, મારું તો અડધી નમાઝમાં જ કામ થઇ ગયું!

ગાલિબનું ઘર હકીમોની મસ્જિદ નીચે જ હતું, અને લોકો એમને ટોક્યા કરે કે, મિયાં મસ્જિદમાં પડછાયામાં શરાબ ના પીવો. એમાં ગાલિબનો સૌથી અધ્યાત્મિક શેર આવ્યો –

જાહિદ શરાબ પીને દે મસ્જિદ મેં બૈઠકર
યા વો જગહ બતા જહાં પર ખુદા ન હો

એમાં એકવાર શરાબના ઠેકાવાળાએ ઉધારીના કારણે ગાલિબ પર કેસ કરી દીધો. કોર્ટમાં ગાલિબને સવાલ-જવાબ થયા, એનાથી ખુશ થઇને એ બોલ્યા –

કર્જ કી પીતે થે મય લેકિન સમજતે થે કિ હાં
રંગ લાયેગી હમારી ફાકામસ્તી એક દિન

કોટે ગાલીબને તરત છોડી મુક્યા. ગાલિબના સમકાલીન શેખ મુહ્મ્મદ ઈબ્રાહીમ જૌક (લાઈ હયાત, આયે, લે ચલી, ચલે … ન અપની મરજી આયે, ન અપની ખુશી ચલે) બહાદુર શાહ ઝફરના દરબારી શાયર. ઝફરને ગાલિબની રચનાઓ ગમે. જૌકને આ ના ગમે. એકવાર ગાલિબ જુગાર રમવા બેઠેલા અને જૌકનો રસાલો નીકળ્યો. ગાલિબે તંજ કર્યો, 'બના હૈ શાહ કા મુસાહિબ, ફિરે હૈ ઇતરાતા.' જૌકને ખબર પડી એટલે એમણે બાદશાહને ફરિયાદ કરી. ગાલિબને દરબારમાં ઊભા કરવામાં આવ્યા. ઝફરે ખુલાસો પૂછ્યો તો ગાલિબે ચતુરાઈથી કહ્યું, હું ગઝલ લખતો હતો, અને જે બોલ્યો એ તો એનો મક્તા હતો. બાદશાહને કહ્યું, સંભળાવો પૂરી ગઝલ. અને ગાલિબ બોલ્યા –

હર બાત પે કહેતે હો તુમ કિ 'તું ક્યા હૈ'
તુમ્હી કહો કિ એ અંદાજ-એ-ગુફ્તગુ ક્યા હૈ
હુઆ હૈ શહ કા મુસાહિબ, ફિરે હૈ ઇતરાતા
વગરના શહર મેં 'ગાલિબ' કી આબરૂ કયા હૈ

ગાલિબ કોણ હતા, એ જો કોઈ પૂછે તો એવું કહેવાય કે અંગ્રેજી ભાષાને શેક્સપિયર જે ઊંચાઈ પર લઇ ગયા, ઉર્દૂને એવું જ સન્માન ગાલિબે આપ્યું. મહાન શાયરો તો અનેક થયા છે, પણ ગાલિબ એ બધામાંથી અલગ પડે છે એમની રચનાઓમાં, વિચારોમાં, સંવેદનાઓમાં, ભાષામાં, અભિવ્યક્તિમાં જે નવીનતા અને તેજસ છે તેના કારણે. કદાચ એટલે જ એમણે સવાલ પૂછીને જવાબ પણ આપી દીધો હતો –

પૂછતે હૈ વોહ કી 'ગાલિબ' કોન હૈ
કોઈ બતલાયે કી હમ બતલાયે ક્યા

https://www.facebook.com/raj.goswami.31/posts/2253277464722584  

Loading

...102030...3,0103,0113,0123,013...3,0203,0303,040...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved