Opinion Magazine
Number of visits: 9578364
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિષ્ણુ ખરે, એક સાંસ્કૃિતક યોદ્ધા

રવીન્દ્ર ત્રિપાઠી|Opinion - Opinion|24 September 2018

વિષ્ણુ ખરે (9 ફેબ્રુઆરી, 1940 – 19 સપ્ટેમ્બર, 2018) એક મોટા કવિ, ઉત્કૃષ્ટ અનુવાદક, હિન્દી અને વિશ્વ સિનેમાના ગંભીર અભ્યાસી, આકરો સ્વભાવ ધરાવતા સાહિત્ય વિવેચક, સંગીત રસિક અને નીડર પત્રકાર હતા. હિન્દી સાહિત્યની દુનિયા તેમને આ તમામ સ્વરૂપોમાં યાદ રાખશે.

માનવીય સંબંધો પ્રત્યે ભારે લાગણી ધરાવતા વિષ્ણુ ખરે જ્યારે જરૂરિયાત પડે, ત્યારે કોઇ પણ પ્રકારની ચિંતા કર્યા વિના સત્ય બોલી નાખવામાં અને સત્ય લખી નાખવામાં વિશ્વાસ ધરાવતા હતા. સમકાલીન હિન્દી જગતમાં તેમના જેવો કોઇ મૂર્તિભંજક નહોતો. પણ, સાહિત્યની દુનિયામાં તેઓ એક મોટા મૂર્તિકાર એ સંદર્ભમાં પણ હતા કે હિન્દી કવિતામાં યુવા પ્રતિભાઓને સામે લાવનાર અને તેમને સ્થાપિત કરવા માટે રુચિ દાખવનાર તેમના જેવું બીજુ કોઇ નહોતું, તેઓ ઘણી બાબતોમાં અનન્ય હતા.

એક કવિ તરીકે વિષ્ણુ ખરેએ એક નવી પ્રકારની ભાષા અને સંવેદના થકી સમકાલીન હિન્દી કવિતાને એક નવો મિજાજ આપ્યો અને સાથે કવિતાને બદલી પણ ખરી. એક મોટા કવિની ઓળખ એ વાતથી પણ કરી શકાય કે તેઓ અગાઉથી ચાલી આવી રહેલી કવિતાને કેટલી બદલે છે. અને એ અંદાજે વિષ્ણુ ખરે પોતાની પેઢી અને સમયનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ખુદ અપની આંખ સે, સબકી આવાજ પર્દેમેં, કાલ ઔર અવધિ કે દરમિયાન, પિછલા બાકી, આલૈન ઔર અન્ય કવિતાએં જેવા કાવ્ય સંગ્રહોમાં તેમનું જે કાવ્ય વ્યક્તિત્ત્વ ઉભરી આવે છે, તેની યોગ્ય અને સાચી ઓળખ તો આવનારા સમયમાં જ થશે. અત્યારે તો માત્ર એટલું જ કહી શકાય કે તેમનો કાવ્ય સંસાર ઘણા પ્રકારના અવાજોથી ભરેલો છે.

લાલટેન જલાના નામની વિષ્ણુ ખરેની એક અવિસ્મરણીય કવિતા છે અને એક ખાસ અર્થમાં એ તેમની પ્રતિનિધિ કવિતા પણ છે. આ કવિતામાં કવિ ફાનસને પ્રગટાવવાની પ્રક્રિયાનો ઉલ્લેખ કરતા આ સંદર્ભમાં ઝીણામાં ઝીણી વિગતોનું અર્થઘટન કરે છે. કારણ કે રોજિંદા જીવનમાં ફાનસ પ્રગટાવવો એ એક સામાન્ય બાબત માની લેવામાં આવે છે. પરંતુ, વિષ્ણુ ખરે જે પ્રકારે આ સામાન્ય કહેવાતા ફાનસના પાસાઓને રજૂ કરે છે તેનાથી એ વાત ખૂલે છે કે સામાન્ય જનજીવનના દરેક પાસા મુશ્કેલીઓ અને સૌંદર્યથી ભરેલા છે. આ કવિતા માત્ર ફાનસ સળગાવવાની વાત પૂરતી નથી પણ જીવન જીવવાની સમસ્યાઓ અને સુંદરતાની પણ આ કવિતા છે. [લેખને અંતે આ કવિતા આપીએ છીએ : વિ.ક.]

વિષ્ણુ ખરેનો જન્મ મધ્યપ્રદેશના છિંદવાડામાં થયો હતો. ત્યાં તેમનું પૈતૃક ઘર નહોતું પણ આ નાનકડું શહેર છેક સુધી તેમની કાવ્ય ચેતનાનું અવિભાજ્ય અંગ રહ્યું. મુંબઇ અને દિલ્હીને છોડીને તેઓ ઘણી વખત અહીં આવતા હતા. પોતાના જીવનના ઉત્તરાર્ધમાં તેમણે અહીં ભાડે મકાન પણ લીધું હતું પરંતુ, એક વર્ષ પહેલાં જ સ્વાસ્થ્ય વ્યવસ્થિત નહીં હોવાને કારણે તેઓ આ મકાન છોડીને જતા રહ્યા હતા. છિંદવાડાના જનજીવનને લઇને તેમની કેટલીક યાદગાર કવિતાઓ પણ છે. તેમની કવિતાઓમાં ગ્રામીણ જીવનનાં ઘણાં ચિત્રો જોવાં મળે છે, અને તેના સંબંધોનું કારણ કદાચ છિંદવાડા હોય તેવું જોવા મળી રહ્યું છે.

તેનો મતલબ એ કે તેમની કવિતાઓમાં ઊંડી સ્થાનીયતા પણ છે. પરંતુ, ખરે માત્ર સ્થાનીયતાના કવિ નહોતા. ખરે એ એક વૈશ્વિક કવિ હતા, તેનું એક પ્રમાણ છે તેમની કવિતા આલૈન કે જે તેમના અંતિમ કાવ્યસંગ્રહમાં સામેલ છે. આ કવિતા સિરિયાઇ-કૂર્દ મૂળના તે બાળક પર આધારિત છે કે જે પોતાના માતાપિતાની સાથે સિરિયાથી નીકળતી વેળાએ નૌકા દુર્ઘટનાના કારણે પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યો હતો. આ આલૈન નામની કવિતા વેશ્વિકસ્તરે નિર્વાસિત-પ્રવાસી-શરણાર્થી સમસ્યાનું એક સંવેદનાત્મક આખ્યાન છે. વિષ્ણુ ખરે સમકાલીન રાજનૈતિક અને સામાજિક મુદ્દા પર કવિતા લખવાની સાથે ઇતિહાસ અને પુરાણોની દુનિયામાં પણ ગયા અને તે આધારિત કવિતાઓ પણ લખી. તેમની એક પ્રસિદ્ધ કવિતા લાપતા નામની છે, જે મહાભારતના તે પ્રસંગ પર આધારિત છે કે જેમાં કુરુક્ષેત્રથી ગાયબ થયેલા સૈનિકો પર પ્રશ્નો કરવામાં આવ્યા છે. મહાભારતમાંથી પ્રસંગ ટાંકીને તેઓ જણાવે છે કે આ યુદ્ધમાં 24,165 યોદ્ધા બચી ગયા હતા. તેમની કવિતા એ પ્રશ્ન ઉઠાવે છે કે તે ભાગી ગયેલા અને લાપતા સૈનિકો ક્યાં ગયા અને સાથે કવિતામાં આ સિવાય અન્ય વિમર્શ પણ ઉત્પન્ન થાય છે.

વિષ્ણુ ખરેએ હિન્દી અને વિશ્વ સિનેમા પર પણ ઘણું લખ્યું છે. સિનેમા વિષય પર તેમણે હિન્દી અને અંગ્રેજી એમ બંને ભાષામાં લખ્યું છે. તેઓ હિન્દી ફિલ્મ સંગીતના વિશ્વકોશ સમાન હતા. કઇ ફિલ્મના, કયા ગીતની, કઇ ધૂન એ કયા સંગીતકારે બનાવી છે, તે તેમને સઘળુ યાદ રહેતું હતું. અનુવાદ એ એક મોટું ક્ષેત્ર છે અને તેમાં પણ ખરેનું યોગદાન ઐતિહાસિક છે. તેમણે વિદેશી સાહિત્યનું મોટા પાયે હિન્દીમાં અનુવાદનું કાર્ય કર્યું અને આધુનિક હિન્દી કવિતાઓનો અંગ્રેજી સહિત જર્મન ભાષામાં પણ અનુવાદ કર્યો. આ જોતાં તેઓ ભારત અને પશ્ચિમ વચ્ચે એક સેતુ સમાન હતા. વિદેશી ભાષાઓમાંથી હિન્દીમાં અનુવાદ કરનાર તો ઘણાં લોકો છે પરંતુ હિન્દીમાંથી જર્મન અને અંગ્રેજીમાં અનુવાદ કરનાર તો થોડાં લોકો જ છે. આ દ્રષ્ટિકોણથી જોતા ખરેએ ભારત અને યુરોપની વચ્ચે એક નવી બારી ખોલી નાખી છે.

આજકાલ તેઓ રજા ફાઉન્ડેશન માટે મુક્તિબોધની કવિતાઓનો અંગ્રેજી અનુવાદ કરી રહ્યા હતા કે જે જલદી જ ઉપલબ્ધ થશે. વિષ્ણુ ખરે હિન્દી સાહિત્યની દુનિયામાં એટલા માટે પણ વિવાદોમાં ઘેરાયેલા રહેતા હતા કારણ કે તેમણે સાહિત્ય અને સંસ્કૃિતની મોટી-મોટી વાતો કરનાર લોકોની સાથે અસહમતિ દર્શાવીને ખૂલીને વાત કરી હતી. તેઓ એક સાંસ્કૃિતક યોદ્ધા હતા કે જેઓ અંત સુધી વૈચારિક યુદ્ધ પણ લડતા રહ્યા.

[‘ધ વાયર’ હિન્દી]

અનુવાદ – નિલય ભાવસાર

लालटेन जलाने की प्रक्रिया में लालटेन बुझाना
या कम करना भी शामिल है
जब तक विवशता ही न हो तब तक रोशनी बुझाना ठीक नहीं
लेकिन सोने से पहले बाती कम करनी पड़ती है
कुछ लोग उसे इतनी कम कर देते हैं
कि वह बुझ ही जाती है
या उसे एकदम हल्की नीली लौ तक ले जाते हैं
जिसका एक तरह का सौंदर्य निर्विवाद है
लेकिन लालटेन के हिलने से या हवा के हल्के से झोंके से भी
उसे बुझने का जोखिम है
लिहाजा अच्छे जलाने वाले
लालटेन को अपनी पहुंच के पास लेकिन वहां रखते हैं
जहां वह किसी से गिर या बुझ न जाए
और बाती को वहीं तक नीची करते हैं
जब तक उसकी लौ सुबह उगते सूरज की तरह
लाल और सुखद न दिखने लगे

http://thewirehindi.com/58096/remembering-hindi-poet-and-veteran-journalist-vishnu-khare/ 

Loading

દૂર દેશના સહપ્રવાસીઓ : ભગવતીકુમાર શર્મા અને રજની વ્યાસ

ભરત શાં. શાહ|Opinion - Opinion|24 September 2018

ગુજરાતી સાહિત્ય અને ગુજરાતની અસ્મિતાના બે ચાહકોએ લગભગ એક સાથે આપણી વિદાય લીધી. તેમનાં અનેકાનેક પ્રદાનો વિશે આ નાનકડા લેખમાં વિગતવાર લખવાનો પ્રયાસ નહીં કરું, પરંતુ તેમની સાથેનાં થોડાં સહિયારાં સંભારણાં તમારી સાથે વાગોળીશ. અમેરિકાની ગુજરાતી લિટરરી ઍકેડેમીના એ બંને મહાનુભાવો એક સાથે જ ૧૯૯૬માં મહેમાન હતા. પ્રમુખ હોવાના નાતે તેમના યજમાન તરીકે ચારેક મહિના તેમની સાથે રહેવાનો, ફરવાનો, અને સત્સંગનો લાભ મળેલો.

ભગવતીભાઈને તો ઍકેટમીએ વર્ષો પહેલાં આમંત્રેલા અને તેમણે તે સ્વીકારેલું પણ ખરું, પણ પછીથી બધું સ્થગિત થઈ ગયેલું. તેમને હું જરા પણ ઓળખતો ન હતો. વિદેશમાં એક સાહિત્ય સંસ્થાના પ્રમુખ થવા માટે બધા સર્જકોને ઓળખતા હોવાનું આવશ્યક હોય કે નહીં, પણ તેમને ઓળખતા થવાનો સારામાં સારો રસ્તો એ જ છે કે તેમના યજમાન થવુ ંપડે. આજે તો હું તેમના ઉપર એક મહાનિબંધ પણ લખી શકું.

સુરતની હવા તે વખતે તો પ્રદૂષણને લીધે અસહ્ય હતી. ભગવતીભાઈ ત્યારે પોળમાં રહેતા હતા. પોળનો રસ્તો પણ પ્રમાણમાં પહોળો હતો. હું અમદાવાદની પોળોથી પરિચિત હતો, છતાં ય મને ગૂંગળામણ થઈ. બકુલ ત્રિપાઠી દ્વારા ભલામણ કરાવેલી, તેથી ભગવતીભાઈ તાત્કાલીક માની ગયા, અને પોતાના વિશેની માહિતી, ઇત્યાદિ મને આપ્યાં. પછીના મહિનાઓમાં બે-ત્રણ વાર તેમનું મન ડગી જતાં મારે અમેરિકાથી ફોન ઉપર, સામ અને ભેદ નીતિથી સમજાવવા પડ્યા, અને છેવટે એકાએક જ જસુબહેનની સાથે આવી ગયા, એક મહિનો વહેલા. ઘરમાં એક બિમાર અને વૃદ્ધ વ્યક્તિ હોવાની કુશંકાઓથી પ્રેરાઈને જ હશે. તેમ મને લાગેલું.

રજનીભાઈને હું કંઈક વધારે ઓળખું. નાનપણથી જ કોણ જાણે કેટલાં ય પુસ્તકોનાં મુખપૃષ્ઠો ઉપર નાના લંબચોરસમાં ‘રજની’ લખેલું જોયું હતું. ગુજરાતી શીખવા કે શીખવવા માટેનું મારું પુસ્તક જોઈને કૌમુદી મુનશીએ મુંબઈમાં રજનીભાઈના ભાઈને મળવાનું સૂચવેલું, પણ તે ન બની શકતાં મારી અમદાવાદની મુલાકાત દરમ્યાન રજનીભાઈને મળવાનું સૂચન કરેલું. રજનીભાઈને ત્યાં સરોજબહેન તથા તેમની બે પુત્રીઓ અને પુત્ર પરિતોષને મળ્યો. નાની શર્વરીને મેં સલાહ પણ આપી, ‘બેટા, તારા નામનો અર્થ કહી આપે એવા વરને પરણજે, અને તારે પરણવાની કેટલી ઉતાવળ છે તે પ્રમાણે સ્વયંવર અમદાવાદ, મુંબઈ, કે પૂનામાં રાખજો!’ હું ઘણા ઘરોમાં ગયો છું, પણ તે દિવસે મને જ સાહિત્યપ્રેમ, ગુજરાતની અસ્મિતાનું ગૌરવ, સંસ્કારિતા, સૌજન્ય, ગૃહસંસારનું માધુર્ય દેખાયાં તેથી અભિભૂત થઈને પછીથી બે-ત્રણ જણને તેમને ત્યાં જોવા લઈ ગયો હતો.

બસ, પછીથી તો તેમનું ઘર મારે માટે એક જાત્રાનું ધામ બની ગયું. આમ તો અમારાં બેનાં વિશાળ કુટુંબોને લીધે અમદાવાદમાં અમારાં સોએક ઘર હશે, પણ દર બે વર્ષે અમદાવાદ જવાનું થાય ત્યારે સૌથી પહેલાં જ, પહોંચતાં વેંત તેમને ત્યાં જ જવાનું ત્યાર બાદ બીજી ચાર-પાંચ મુલાકાતોની, અલકમલકની વાતોની, સમાચારોની, અને પોતાનાં અને બીજાનાં લખેલાં પુસ્તકોની આપ-લે થાય. ભગવતીભાઈએ લખેલું ‘આવજે, અમેરિકા!’ પુસ્તક પણ મને રજનીભાઈએ જ આપેલું.

એક વખત અમદાવાદમાં પગ મૂકતાં જ રજનીભાઈએ કોઈ ‘શાપગર્ભ વરદાન’ની વાત કરતા હોય તેમ કહ્યું, ‘ભરતભાઈ, આજના જ સ્થાનિક અખબારમાં ફોટા સાથે તમારા ઉપર લેખ છે. ‘સમાચાર નથી, એમ જાણીને નિરાંત થઈ. તેમની અસમંજસનું કારણ સમજવા મેં તેમની સામે જોયા કર્યું એટલે મને તેમણે છાપું બતાવ્યું. તેમાં ‘ડૉલરભૂખ્યા ગુજરાતીઓ’ શીર્ષક સાથે મારો ફોટોગ્રાફ પણ હતો! દારૂની બાટલી સાથેના મોરારજીભાઈની જેમ હું દિવ્ય તેજથી ઝળહળી રહ્યો હતો. મધુ રાય મારા વિષેના એક પ્રશંસાત્મક લેખ સાથે છાપવા મોકલેલ ફોટો તેને બદલે આ લેખ સાથે વધારે શોભશે તેમ માની તંત્રીએ મારી નાતના ગામમાં મારું માથું કાપી નાંખ્યું હતું. તે લેખની નકલો વહેંચીને, બદનક્ષીનો દાવો કરીને, કે સુધારો છપાવરાવીને એના ઉપર પાઘડી ચડાવરાવવાનું મેં માંડી વાળ્યું. જે આપણા વિષે બૂરું માની જ ન શકે. તે જ ખરો મિત્ર.

રજનીભાઈના અમેરિકામાં આવતાં પહેલાં અમને ભગવતીભાઈ સાથે મહિનો રહેવા મળ્યું. તેઓ દેખાય અતિ ગંભીર અને સાદા પાયજામામાં અને ઝભ્ભામાં પણ તેમના વિશાળ કપાળથી આંજી નાંખે, અને બાકી હોય તે તેમના મોઢેથી સરસ્વતી વહેવા માંડે ત્યારે પૂરું થાય. એક બે પ્રસંગે તેમનો પુણ્યપ્રકોપ પણ જોવા મળેલો. કોઈના ઘેર એક ભાઈએ ડાઈનિંગ ટેબલ ઉપર પિષ્ટપેષણ જરા લાંબુ ચલાવ્યું એટલે ભગવતીભાઈ પગ પછાડતા, સડાક કરતા ઊભા થઈ ગયા, અને ત્યાંથી ચાલવા માંડ્યા.

દુશ્મનો હોવાનું સદ્‌ભાગ્ય વ્યક્તિની જેમ સંસ્થાઓને પણ હોય છે. એવા કેટલાકે એક મુશાયરો યોજી મહાન શાયરો ભેગા કરેલા, પણ ઍકેડેમી પરત્વેના વેરભાવને લીધે ભગવતીભાઈને આમંત્રણ ન હતું. ઍકેડેમીના એક સભ્યે આયોજકોને ટપાર્યા, ‘આપણા શહેરમાં ભગવતીકુમાર હાજર હોય ત્યારે તમે બીજા કોઈને પણ ‘શ્રેષ્ઠ ગઝલકાર’ કેવી રીતે કહી શકો?’ અમારા પહેલાં જ જાહેર કાર્યક્રમોમાં ભગવતીભાઈનો પરિચય આપતાં મેં એ વિધાનનો ઉલ્લેખ કર્યો ત્યાં જ તો એ સફાળા ‘ના-ના’ બોલતા ઊભા થઈ ગયા. મેં તેમને સંકેતથી શાંત કર્યા. મારે તો એ વિધાનની જ વાત કરવી હતી, પ્રસંગની નહીં.

બંને મહાનુભાવો સજોડે આવેલા તેથી ચારેયના અમેરિકામાં પ્રવાસો ગોઠવવા મેં સતત કલાકો સુધી ઍરલાઈન સાથે ફોન ઉપર વાત કરી ત્યારે બધાં જ અહીંની ફોન સર્વિસ, કર્મચારીઓની સભ્યતા, સુવિધાઓ (અને મારી ધીરજ) ઉપર વારી ગયાં. પ્રવાસના આરંભની આગલી રાતે અમારા ઘરની નજીક જ એક મોટું વિમાન ભેદી રીતે તૂટી પડ્યું. આતંકવાદ તો ત્યારે જાણીતો ન હતો. રોજ મુજબ સવારનું છાપું જોઈને તેમને મેં ન આપ્યું. પણ પછીથી ઍરપોર્ટ જતાં વાત કરી. પ્રવાસના બે મહિના દરમિયાન રોજ ફોન ઉપર વાત થતી રહી. તે સમયના અનુભવો તેમણે જ વર્ણવ્યા છે.

છેલ્લા અઢી વર્ષથી રજનીભાઈએ ‘નવચેતન’નું તંત્રીપદ સ્વીકાર્યું હતું, અને તેમાં ‘બારીમાંથી આકાશ’ નીચે સ્મરણો લખતા હતા. તેના ૨૮ હપ્તા છપાઈ ગયા હતા, અને બીજા પાંચ મરણોત્તર છપાશે. પરિતોષને આશ્વાસન માટે ફોન કર્યો ત્યારે તેણે જણાવ્યું, ‘તમને બહુ જ યાદ કરતા હતા. છેલ્લો હપ્તો તેમના અમેરિકાના અનુભવો ઉપર જ છે. તમારી તસવીર સાથે હૃદયપૂર્વકની પ્રશંસા અને ખુશી વ્યક્ત કરી છે.’ એ જ વખતે અહીં હું તેમને સ્મરણાંજલી આપતો આ લેખ લખી રહ્યો હતો! ભગવતીભાઈ તો ‘આવજે, અમેરિકા’ કહીને જતા રહ્યા. પણ હવે અમેરિકા ક્યાં આવે?                       

E-mail : bhrtshah@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2018; પૃ. 13 

Loading

નલિની કિશોર ત્રિવેદી : પિતૃસત્તાક સમાજવ્યવસ્થા સામેનો કર્મઠ અવાજ

ફાલ્ગુની પરીખ|Opinion - Opinion|24 September 2018

જાણીતી નારીવાદી સંસ્થા ‘અવાજ’ના ટ્રસ્ટી અને શ્રી હ.કા. આટ્‌ર્સ કૉલેજના સમાજશાસ્ત્ર વિભાગના પૂર્વ અધ્યક્ષ શ્રી નલિની કિશોર ત્રિવેદીનું તાજેતરમાં અવસાન થયું છે.

લાલ રક્તકણોથી ભરપૂર ગોરો વાન, નાજુક કાઠી, મલકતો ચહેરો અને ખભાની બંને બાજુ સમતોલન જાળવીને લટકાવેલા હસ્તકલાનાં સુંદર નમૂનાવાળા બે-ત્રણ થેલાઓ – આ નલિનીબહેનનો પહેલી નજરનો પરિચય. જરાક વધુ પરિચય થાય એટલે જાણવા મળે કે એમના એકાદ થેલામાં તેમનો અભ્યાસ કરવાનો સમાન – પુસ્તક – પેન વગેરે હોય અને બીજા બે એક થેલાઓમાં સિકંદરી ચણા (શેકેલા ચણાની પ્રતિષ્ઠિત બ્રાન્ડનું નામ) દાળિયા, સીંગ, પીસ્તા જેવા ફાકવાના, પીપરમિન્ટ ચોકલેટ જેવા ચગળવાના ખાદ્યપદાર્થો પડ્યા હોય. આ ઉપરાંત સૂકા આંબળા, લીંડી પીપર, ગોટલી જેવા મુખવાસ અને યષ્ટિમધ ખદિરાવટી જેવી નિર્દોષ આયુર્વેદિક ઔષધિઓ તો ખરી જ. ભાતભાતના આ ખાદ્યપદાર્થોના ઉપયોગ માટે નલિનીબહેનના પરિચિત હોવાની બિલકુલ આવશ્યકતા ન હતી. આંબળા અને લીલા હળદરની સિઝન બેસે ત્યારથી ઊઘલી જાય ત્યાં સુધી તેનું તાજું બનાવેલ છીણ નલીનીબહેન દ્વારા કૉલેજનાં સ્ટાફ કોમન રૂમમાં કોમન વપરાશ માટે રખાતું.

સૌરાષ્ટ્રનું નાનકડું ગામ ટીંબી તેમનું જન્મસ્થળ. માતાપિતા સાથે બાળપણ રાજુલામાં અને કૉલેજ શિક્ષણ સુધીનું જીવન મોસાળના શહેર રાજકોટમાં. આમ કાઠિયાવાડી સંસ્કારો તેમની ગળથૂથીમાં. મીઠા કાઠિયાવાડી લહેકાને કારણે મિત્રો લાડથી તેમને ‘કાં’ નામથી બોલાવતા (‘કાં’ એ તમે કેમ છો? મજામાં? જેવા ક્ષેમ કુશળ પૂછવા માટે વપરાતા પ્રશ્નાર્થ વાક્યોનું એકાક્ષરી વર્ણમાં થયેલું નલિનીય રૂપાંતર હતું) આતિથ્ય સત્કારમાં પણ પાકા કાઠિયાવાડી. ગંભીર માંદગીમાં ખબર પૂછવા આવનારને પણ આગતા-સ્વાગતા કર્યા વગર જવા ન દે. દુન્વયી વ્યવહારોમાં તેઓ ‘સાપ મરે નહીં અને લાઠી ભાગે નહીં’ એમ વર્તવામાં કુશળ હતાં. કેટલાક સંબંધો માટે કહેતા ‘આની દોસ્તી અને દુશ્મની બંને નકામાં’ તેમની આ વ્યવહારપટુતા તેમને નકામા સંઘર્ષોથી બચાવતી.

સામાન્ય રીતે માતાઓમાં જોવા મળે છે તેમ નલિનીબહેન પણ તેમની બંને દીકરીઓ રાધા અને ગોપીની સિદ્ધિઓની વાત કરતાં ધરાતાં નહીં. પ્રેમાળ માતા તરીકે સંતાનોની નાની-મોટી બાબતોની કાળજી રાખે, ટેકો આપે, પણ માલિકીભાવ બિલકુલ નહીં. પરંપરાગત માતાઓથી વિપરીત નલિનીબહેન સંતાનોને અવકાશ આપવામાં માનતાં. આપણા સમાજમાં સ્ત્રીઓમાં રહેલા વાત્સલ્યભાવને માતૃત્વનાં પર્યાય તરીકે જોવામાં આવે છે. પણ નલિનીબહેનનાં વ્યક્તિત્વમાં રહેલો આ ભાવ પ્રકૃતિએ દરેક માતાને આપેલ છે તેવો તેમના પોતાના સંતાનો પૂરતા સીમિત ન હતો પણ અપરિચિતોની પણ સંભાળ રાખતો વ્યાપક હતો. નલિનીબહેન બધાં ભાઈ-બહેનોમાં સૌથી મોટાં. તેમણે જીવનભર નાના ભાઈભાંડુઓને વડીલની છત્રછાયા પૂરી પાડી. સાસરીપક્ષે પણ તેમણે તમામ જવાબદારીઓનું સક્ષમતાથી વહન કર્યું. અહીં સૌથી નોંધપાત્ર બાબત એ હતી કે નલિનીબહેને પુત્રી, બહેન, પત્ની, પુત્રવધૂ અને માતા તરીકેની ભૂમિકાને સરસ રીતે નિભાવ્યાં પણ સ્વત્વને જાળવી રાખીને; વિલીન કરીને નહીં. તેઓ દૃઢપણે માનતાં કે સ્ત્રીએ પોતાની જાતને પ્રેમ કરવામાં શરમ અનુભવવાની જરૂર નથી. નલિનીબહેને ખૂબીપૂર્વક પરંપરાનાં દાયરામાં રહીને પોતાના વ્યક્તિત્વ તરીકેના અધિકારોની માવજત કરી હતી.

પતિ કિશોરભાઈ સાથે સખ્યનો સંબંધ. બંને વચ્ચે મતભેદોની હાજરી સહિત તેમને આદર્શ દામ્પત્યના ઉદાહરણ તરીકે ટાંકવામાં આવતાં.

નલિનીબહેને  સાડત્રીસ વર્ષ સુધી સમાજશાસ્ત્રના વિષયનું અધ્યાપન કર્યું. વર્ગ એ જ સ્વર્ગની ઉક્તિ તેમને અતિશયોક્તિ વગર લાગુ પાડી શકાતી. સમાજશાસ્ત્ર વિષય અને શિક્ષણકાર્ય બંને તેમને ખૂબ પ્રિય હતા. તેઓ સમાજશાસ્ત્ર વિષયની વિભાવનાઓ અને સિદ્ધાંતોને આસપાસના સમાજમાંથી ઉદાહરણો આપી સમજાવતાં. વર્ગખંડમાં સમાજવિજ્ઞાનની પરિભાષાને બદલે બોલચાલની સરળ ભાષા વાપરતાં. જેથી વિદ્યાર્થીઓને વિષય સરળતાથી સમજાઈ જતો તથા શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનું અંતર ઓગળી જતું. એક વિદ્યાર્થીઓ પોતાની કૌટુંબિક મુશ્કેલીઓ નલિનીબહેન  સરળતાથી કહી શકતાં હતાં.

‘અવાજ’ એટલે નલિનીબહેનનું બીજું ઘર અવાજના સંસ્થાપક (સ્વ.) ઇલાબહેન પાઠક અને નલિનીબહેન એક કૉલેજનાં અધ્યાપક. નારીશોષણના મુદ્દે એકસરખી તરંગલંબાઈ ધરાવતા વિચારો એ તેમનાં આજીવન સખ્યનું મૂળ. (બંને મૃત્યુનું તબીબી કારણ – કેન્સર, અને મૃત્યુની તારીખ ૦૯મી પણ એક હતી) બે દાયકા કરતાં પણ વધુ સમય નલિનીબહેન અવાજ સાથે જોડાયેલા રહ્યાં. તેઓ સેમિનારો, કાર્યશાળાઓ વગેરેમાં વક્તવ્યો આપવાથી માંડીને પડદા પાછળના આયોજનની નાની-નાની જવાબદારીઓ ખંતપૂર્વક નિભાવતાં. અવાજના વિવિધ કાર્યક્રમોમાં સંચાલક નલિનીબહેન જ હોય. અવાજના બે અભ્યાસોમાં નલિનીબહેનની ભૂમિકા નોંધપાત્ર હતી. (૧) ઓલવાયેલા દીવા – ગુજરાતમાં થયેલી આત્મહત્યાઓ અંગેના આ અભ્યાસમાં નલિનીબહેન, સમાજશાસ્ત્રી ડૉ. મસીહી અને ઇલાબહેનની સાથે મળીને માહિતી એકત્રીકરણમાં મહત્ત્વની ભૂમિકા હતી. Life-Snuffed Out નામે મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત આ અભ્યાસનો ગુજરાતી અનુવાદ કરી તેનાં તારણોને બહોળા જનસમુદાય સુધી પહોંચાડવાનું શરૂ કર્યું. (૨) ડિસ્પોઝેબલ સ્ત્રીઓ! સરહદપારનાં લગ્નોમાં દુર્વ્યવહાર હિંસા અને ત્યજી દેવી – યુ.કે.ની લિંકન યુનિવર્સિટીના સહયોગથી હાથ ધરાયેલા આ અભ્યાસમાં પરદેશમાં વસતા ભારતીયો સાથે લગ્ન કરતી સ્ત્રીઓ સાથે તેનાં સાસરિયાંઓ તરફથી થતી હિંસા અને અત્યાચારની વરવી વિગતોનો ચિતાર છે. અભ્યાસના અંતે આ પ્રકારના અત્યાચારને રોકવા ભારત અને યુ.કે.ના કાયદાઓમાં કયા પ્રકારના સુધારા કરવા જોઈએ તેની ભલામણો કરવામાં આવી છે. સ્ત્રીઓ સાથે થતી હિંસા અને અત્યાચારોના આ નવા અને પ્રમાણમાં ઓછા જાણીતા સ્વરૂપ ઉપર પ્રસ્તુત અભ્યાસમાં પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. ભારતના મધ્યમવર્ગીય કુટુંબોની પરદેશી છોકરા સાથે લગ્ન કરવાની ઘેલછા અને લાલસા સંદર્ભે આ અભ્યાસ ખૂબ ઉપયોગી હોઈ નલિનીબહેને તેનું ગુજરાતીમાં ભાષાંતર પણ કર્યું છે.

નારીવાદી કર્મશીલ તરીકે તેઓ પિતૃસત્તાક સમાજવ્યવસ્થાના વિરોધી હતાં, પુરુષોના નહીં. નારીવાદી ચિંતનમાં વ્યાપક રીતે જોવા મળતી આ બે જુદી બાબતોની ભેળસેળ વિશે તેઓ ખાસાં સભાન હતાં. નારીવાદમાં મુખ્યત્વે બે વલણો જોવા મળે છે. (૧) પિતૃસત્તાક માળખાને અકબંધ રાખી સ્ત્રીઓની પારંપરિક ભૂમિકાનું ગૌરવ કરવું. (૨) સ્ત્રીનો એક વ્યક્તિ (Individual) તરીકે સ્વીકાર કરી સમાન અધિકારોની સ્થાપના કરવી. નલિનીબહેન આ બીજા મતના આગ્રહી હતાં. ‘સ્ત્રીઓ જ સ્ત્રીઓની મોટી દુશ્મન છે’ – આ વ્યાપક અને ઊંડી જડો ધરાવતી માન્યતાનો તેઓ વિરોધી હતાં. તેઓ માનતાં કે એક સરખી શારીરિક અને માનસિક સંરચના ધરાવવાના કારણે સ્ત્રીઓ એકબીજાને વધારે સારી રીતે સમજી શકે છે. ગૃહ વ્યવસ્થાપન કરતી ગૃહિણીનું કાર્ય કૌશલ્ય માંગી લે તેવું, થકવી દેનારું અને ખૂબ મહત્ત્વનું હોવા છતાં તેનો સમાજમાં ભારે અનાદર થાય છે તે વાસ્તવિકતાથી તેઓ વ્યથિત થતાં. પોતે એક કુશળ ગૃહિણી હોવા છતાં કહેતાં કે ‘ધરતીનો છેડો ઘર’ એ પુરુષોને જ લાગુ પડતી ઉક્તિ છે. સ્ત્રીઓ માટે તો ઘર ઊંડો કૂવો છે જેમાં તે ઊંડી ને ઊંડી ઊતરતી જાય છે. નલિનીબહેન માનતાં કે સ્ત્રીઓએ પુરુષસમોવડી બનવાનું જ નથી. પ્રકૃતિએ આપેલ સ્ત્રી-પુરુષ ભેદનું ગૌરવ જાળવીને સામાજિક માળખાઓની રચના થવી જોઈએ.

સામાન્ય રીતે વધતી ઉંમરની સાથે અન્યાય અને શોષણ સામેનો અવાજ ઢીલો પડતો હોવાનું જોવા મળે છે. પણ નલિનીબહેનના કિસ્સામાં તદ્દન ઊલટું જોવા મળે છે. તેમના જીવનની ચાલીસીમાં તેઓ ‘સત્યમ વદઃ પ્રિયમ વદઃ’માં માનતાં હતાં. જાહેર જીવનની સક્રિયતા જેમ જેમ વધતી ગઈ તેમ તેમ તેમના અવાજનું મધુર આવરણ પાતળું પડતું ગયું અને તેઓ સીધી સટ અને કડક રજૂઆતના આગ્રહી બન્યાં હતાં.

નારી અધિકારોની પ્રતિષ્ઠાના માર્ગનો સૌથી મોટો અવરોધ એ સદીઓથી ચાલી આવતી માનસિકતા છે. નવા દૃષ્ટિકોણથી રચાયેલું સાહિત્ય જ આ માનસિકતાને બદલી શકે છે એ મૂળભૂત વિચારોથી પ્રેરાઈને નલિનીબહેને વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. તેમણે બે વાર્તાસંગ્રહો આપ્યા. ‘સ્ત્રોતસ્વિની’ અને ‘સખ્ય’. સરળ ભાષામાં લખાયેલી આ ટૂંકી વાર્તાઓમાં મધ્યમવર્ગીય શિક્ષિત પરિવારમાં સ્ત્રીઓ સાથે થતા સૂક્ષ્મ અન્યાયોની રજૂઆત કરવામાં આવી છે. અનેક વાચક સ્ત્રીઓને આ વાર્તાઓમાં પોતાના જીવનનો પડછાયો દેખાયો છે. આ વાર્તાઓની વિશિષ્ટતા એ છે કે તેમાં માત્ર સમસ્યાઓની રજૂઆત કરી લેખિકા અટકી નથી ગયાં પણ નક્કર વ્યવહાર ઉકેલો પણ ચિંધવામાં આવ્યા છે.

‘જીવતા હોવું’ અને ‘જીવંત હોવું’ આ બંને વચ્ચેનો ભેદ નલિનીબહેનના પરિચયમાં આવનારને સહેલાઈથી સમજાય. તેમનાં ચમકદાર સ્મિતભર્યા ચહેરા પાછળનું વૈજ્ઞાનિક કારણ તેમનો આરોગ્યપોષક આહાર-વિહાર હતા. પણ મનોવૈજ્ઞાનિક કારણ તેમનો અખૂટ જીવનરસ હતો.

ઉદ્યમ તેમનાં સ્વભાવની નોંધપાત્ર વિશિષ્ટતા. તેઓ ગુજરાત સામાજિક મંડળના મુખપત્ર ‘સમાજકારણ’ની વ્યવસ્થા સંભાળતાં. અખિલ હિંદ મહિલા પરિષદના ત્રૈમાસિક ‘નવ્ય ઉજાસ’ની તંત્રીપદની જવાબદારી નિભાવવા ઉપરાંત ગૃહિણી તરીકેની તથા ‘અવાજ’ની જવાબદારીઓ તો ખરી જ. તેઓ સતત વિકસતાં રહ્યાં. જે નલિનીબહેન અંગ્રેજી ભાષા માટે લઘુતાગ્રંથિ અનુભવતા અને વારંવાર મિત્રોને કહેતાં “માળું અંગ્રેજી નથી આવડતું એટલે બહુ પાછા પડાય છે.” તે નલિનીબહેને બે અંગ્રેજી અભ્યાસોના સુંદર અનુવાદો કર્યાં હતાં.

સંવેદનશીલ ખરાં પણ ભાવુકતામાં વહી જતાં નહીં. લીધાં કામ મક્કમતાથી પાર પાડતાં. સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ સજાગ. ભારતીય સ્ત્રીઓમાં વ્યાપકપણે જોવા મળતી આરોગ્ય સંબંધી ફરિયાદો જેવી કે કેડો દુખવી, પગ દુખવા, હિમોગ્લોબિન ઓછું હોવું વગેરે તેમાનાં મુખેથી સાંભળવા ન મળતું. જીવનભર છીંક પણ ન આવી તેવું નરવું સ્વાસ્થ્ય ધરાવતાં નલિનીબહેનને જ્યારે ચોથા તબક્કાનું કેન્સર હોવાનું નિદાન થયું, ત્યારે તેમણે દૃઢ મનોબળથી તેનો સામનો કર્યો. છેલ્લા શ્વાસ સુધી તેઓ ગમતી પ્રવૃત્તિમાં પરોવાયેલા રહ્યાં. મૃત્યુના પંદર દિવસ પહેલાં તેમણે ‘કચ્છશક્તિ’ સામાયિક આયોજિત એક નિબંધસ્પર્ધા માટે નિબંધ લખ્યો હતો. અને તેમનો નિબંધ પસંદગી પણ પામ્યો હતો.

સુરક્ષિતતા અને જરૂરિયાતો પૂરી કરતા પિંજરને બદલે મુક્ત આકાશની ઉડાન આ કર્મશીલને જીવનભર વહાલી રહી.

શ્રી હ.કા. આટ્‌ર્સ કૉલેજ, આશ્રમમાર્ગ, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2018; પૃ. 14-15 

Loading

...102030...2,9892,9902,9912,992...3,0003,0103,020...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved