Opinion Magazine
Number of visits: 9685939
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેન્દ્ર સરકારે આબરૂ ગુમાવી છે એમાં અરુણ જેટલીનો મોટો ફાળો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|3 November 2018

આ વરસની શરૂઆત સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ પછીના ચાર મોસ્ટ સિનિયર જજોના ખુલ્લા વિદ્રોહ સાથે થઈ હતી. તેમણે આરોપ કર્યો હતો કે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સરકારના દબાણ હેઠળ કામ કરે છે, અને દબાણનો પ્રતિકાર કરવાની જગ્યાએ દબાઈને રહે છે. ગુજરાતના કુખ્યાત એન્કાઉન્ટરની તપાસ કરી રહેલા જજ લોયાનું નાગપુરમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું તેની તપાસની માગણી કરતી યાચિકા સર્વોચ્ચ અદાલતમાં તાજા દાખલ થયેલા જુનિયર મોસ્ટ જજને સુનાવણી માટે આપી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ ખટલાને ફાળવવાના અધિકારનો દુરુપયોગ કરે છે અને સરકારને અનુકૂળ ન આવે એવા ખટલા અમને એટલે કે વિદ્રોહ કરનારા ચાર સિનિયર મોસ્ટ જજોને આપવામાં આવતા નથી. એન્કાઉન્ટર ખટલામાં બી.જે.પી.ના અધ્યક્ષ અમિત શાહ સામે આરોપ છે અને જજ લોયાના રહસ્યમય મૃત્યુમાં તેમના તરફ આંગળી ચિંધવામાં આવે છે.

સર્વોચ્ચ અદાલત પછી દેશની સર્વોચ્ચ તપાસસંસ્થા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેિસ્ટગેશનમાં ભડકો થયો. કારણ? એ જ. કેન્દ્ર સરકાર અનિલ અંબાણીને મોટો ફાયદો કરાવનારા રાફેલ સોદાની તપાસ ન થાય અથવા અનુકૂળ રીતે થાય એ માટે સી.બી.આઈ.માં નંબર ટુ રાકેશ અસ્થાનાનો ઉપયોગ નબંર વન આલોક કુમાર વર્મા સામે કરવા માગતી હતી. રાકેશ અસ્થાના શાસકોના આંગળિયાત છે, ભ્રષ્ટ છે અને ગુજરાતમાંથી તેમને ખાસ બોલાવીને સી.બી.આઈ.માં ગોઠવવામાં આવ્યા છે.

આજે સ્થિતિ એવી છે કે સર્વોચ્ચ અદાલતમાં નંબર ટુ હતા તે ન્યાયમૂર્તિ રાજન ગોગોઈને મુખ્ય ન્યાયમૂર્તિ સામે બળવો કરવા છતાં મુખ્ય ન્યાયમૂર્તિ બનતા રોકી શકાયા નથી. ગોદી મીડિયાના ઢોલ-નગારાની વચ્ચે મુઠ્ઠીભર પ્રામાણિક અને હિંમતવાન લોકોના ઊહાપોહ સામે સરકારને ઝૂકી જવું પડ્યું. ન્યાયમૂર્તિ ગોગોઈને સુપરસીડ કરવાની હિંમત સરકાર ન કરી શકી. હવે સર્વોચ્ચ અદાલતે સરકારને આદેશ આપ્યો છે કે રાફેલ સોદાની વિગતો સર્વોચ્ચ અદાલતમાં તપાસની માંગણી કરનારાં અરજદારોને પણ આપવી પડશે. સોદાની પ્રક્રિયા અને ભાવનું નિર્ધારણ એમ બંને આપવા પડશે. વિમાનની સંહારક કે બચાવ ક્ષમતા દેશહિતમાં જાહેર ન થવી જોઈએ એ બરોબર છે, ભાવને દેશના રક્ષણ સાથે શું લેવા-દેવા છે? બીજી બાજુ કેન્દ્ર સરકાર રાકેશ અસ્થાનાને સી.બી.આઈ.ના વડા બનાવી શકી નથી. સર્વોચ્ચ અદાલત અને સી.બી.આઈ. એમ બન્ને જગ્યાએ દાવ ઊલટો પડ્યો.

હવે દેશની કેન્દ્રીય બેન્કનો અર્થાત્ રિઝર્વ બેન્કનો વારો છે. કારણ? એ જ. રિઝર્વ બેન્ક ધિરાણ કરવા દેતી નથી. એન.પી.એ.ને કારણે નબળી બેન્કો ઉપર કડક જાપ્તો રાખે છે. રિઝર્વ બેન્ક નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ(એન.બી.એફ.સી.)ને પણ પૈસા આપતી નથી, જેને કારણે બજારમાં નાણાકીય અછત સર્જાઈ છે. ભારતમાં જે ૫૦ મોટી એન.બી.એફ.સી. કંપનીઓ છે જેમાંની એક આઇ.એલ.એન્ડએફ.એસ. નામની કંપની છે જે કદમાં બાવીસમી રૅન્ક ધરાવે છે અને હમણાં કાચી પડી છે. આ બાજુ ૯૦ હજાર કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ પાછુ ખેંચાયું છે.

કેન્દ્ર સરકાર કહે છે કે રિઝર્વ બેન્કે તેની પાસે જે પૈસા છે એ બેન્કો દ્વારા અને એન.બી.એફ.સી. દ્વારા બજારમાં ઉપલબ્ધ કરવા જોઈએ તો રિઝર્વ બેન્ક કહે છે કે એમાં જોખમ છે. પહેલાં બેન્કોએ અને એન.બી.એફ.સી. કંપનીઓએ પોતાનું ઘર સાફ કરવું જોઈએ. બેન્કોના અને એન.બી.એફ.સી. કંપનીઓનાં નાણા ક્યાં જાય છે, કઈ રીતે જાય છે, શેને કારણે પાછા ફરતા નથી, તેની મોડલ ઓપરેન્ડી શું છે, દેશના કેટલા રૂપિયા ડૂબ્યા છે એ આખું ગામ જાણે છે; માત્ર તેની નક્કર વિગતો છુપાવવામાં આવે છે. પહેલા ઘર સાફસૂફ કરો, ચોપડા ખુલ્લા કરો અને નવે ચોપડે નવું ફંડ જમા લો. રિઝર્વ બેન્ક પૈસા આપવાની ના પાડતી નથી, માત્ર સાફસૂફીનો આગ્રહ રાખે છે.

પહેલી વાત, રિઝર્વ બેન્કની આ માગણીમાં ખોટું શું છે? આવી જ માગણી રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને કરી, ત્યારે તેમની પાછળ શ્વાન છોડવામાં આવ્યા હતા અને તેમણે મુદ્દત પૂરી થયે જતા રહેવું પડ્યું હતું. રઘુરામ રાજને બેન્કોને નવડાવી દેનારા અબજો રૂપિયાની એન.પી.એ. ધરાવનારાઓની એક યાદી વડા પ્રધાનના અને નાણા પ્રધાનના કાર્યાલયને મોકલી હતી, અને તાત્કાલિક પગલાં લેવાની ભલામણ કરી હતી. રાજને જવું પડ્યું એનું કારણ આ હતું. રાજને પત્ર લખ્યો હોવાની વાત રાજને પોતે જ એન.પી.એ.ની તપાસ કરી રહેલી સંસદીય સમિતિને કહી, એ પછી સરકારે બચાવ કર્યો હતો કે એ પત્ર આગલી સરકારને લખવામાં આવ્યો હતો. ‘ધ વાયર’ નામના ન્યુઝ પોર્ટલે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ રિઝર્વ બેન્ક પાસેથી માહિતી માગી હતી કે રાજને પત્ર ક્યારે લખ્યો હતો, અને વડા પ્રધાન તેમ જ નાણા પ્રધાનના કાર્યાલય પાસેથી માહિતી માગી હતી કે શું પગલાં લેવામાં આવ્યા છે? રિઝર્વ બેન્કે ‘ધ વાયર’ને માહિતી આપી છે કે ડૉ. રાજને વડા પ્રધાન અને નાણા પ્રધાનને ચોથી ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ પત્ર લખ્યો હતો. વડા પ્રધાન અને નાણા પ્રધાનના કાર્યાલયમાંથી દેખીતી રીતે જ કોઈ જવાબ આવ્યો નથી.

બીજી વાત. શા માટે કેન્દ્ર સરકાર બેન્કો પરનાં જાપ્તાને કડક કરવામાં રિઝર્વ બેન્કને મદદ કરતી નથી? એક બાજુ એમ કહેવામાં આવે કે યુ.પી.એ. સરકારના વખતમાં એક ફોન કૉલમાં લોન મંજૂર કરવામાં આવતી હતી અને તેને કારણે બેન્કો ઊઠી ગઈ છે, તો ડાહ્યા અને ઈમાનદાર લોકોની ફરજ છે કે લૂંટનાં છીંડાં પૂરવામાં આવે. ભ્રષ્ટ લોકોને અનુસરવાના હોય કે તેને જેલમાં પૂરવાના હોય? સાડા ચાર વરસમાં બેન્કોનો દુરુપયોગ ન થાય એવા જડબેસલાક બેન્કિંગ સુધારાઓ કરવામાં આવ્યા નથી. નોન બેન્કિંગ ફાયનાન્શિયલ સેક્ટરની બાબતમાં પણ કોઈ સુધારા કરવામાં આવ્યા નથી.

ત્રીજી વાત, કેન્દ્ર સરકાર રિઝર્વ બેન્ક પાસે આગ્રહ રાખે છે કે બેન્કે તેની પાસેના નાણા બજારમાં ઉપલબ્ધ કરવા જોઈએ તો એ કોના લાભાર્થે? નોટબંધી પછી નાના વેપારીઓ અને ખેડૂતો સામે રોકડ નાણા (લિક્વીડિટી)નું સંકટ સર્જાયું હતું ત્યારે તો કોઈને દેશના અર્થતંત્રની અને નાના માણસોની રોજગારીની યાદ આવી નહોતી. કેન્દ્ર સરકાર કોની જરૂરિયાતને સાંભળે છે અને સાદ આપે છે એના પર એક નજર કરી જુઓ.

ચોથી વાત, દેશ સામે પ્રચંડ મોટું નાણાકીય સંકટ (લિક્વીડિટી ક્રંચ) છે એમાં કોઈ બે-મત નથી; પરંતુ એ માટે રિઝર્વ બેન્કના અધિકારીઓ, જાણીતા અર્થશાસ્ત્રીઓ, રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નરો વગેરે સાથે સલાહ-મસલત કરીને રસ્તો કાઢવાનો હોય કે કાંડું આમળવાનો હોય? એક તાત્કાલિક ટાસ્કફોર્સ બની શકે કે એવા બીજા ઘણાં રસ્તાઓ છે. આની જગ્યાએ કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્ક એક્ટના સેક્શન સાતનો ઉપયોગ કર્યો છે જે આજ સુધી કોઈએ કર્યો નથી. ૧૯૩૪માં રિઝર્વ બેન્કની સથાપના થઈ હતી અને બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન અંગ્રેજોએ અને આઝાદી પછીના નાણાકીય સંકટો વખતે ક્યારે ય ભારત સરકારે તેનો ઉપયોગ કર્યો નથી. એવું તે કયું સંકટ છે કે આવું અભૂતપૂર્વ પગલું લેવું પડે? અને સંકટ ક્યાં એકએક પેદા થયું છે? અત્યાર સુધી શું કરતા હતા?

કેન્દ્ર સરકાર રિઝર્વ બેન્કના કાંડા આમળી રહી છે એ દેશના અર્થતંત્રની કમર તોડી નાખશે એવી ટીકા રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે ગયા અઠવાડિયે કરી હતી. રિઝર્વ બેન્કના ગવર્નર ઊર્જિત પટેલ પણ કેન્દ્ર સરકરના પગલાનો વિરોધ કર્યો છે. બુધવારે તો એમ માનવામાં આવતું હતું કે ડૉ. ઊર્જિત પટેલ રાજીનામું આપવાના છે. રિઝર્વ બેન્કના ગવર્નર રાજીનામું આપે એ બહુ મોટી ઘટના ગણાય છે. જગતમાં એક આર્જેન્ટીનાને છોડીને આવું બન્યું નથી. ડૉ. ઊર્જિત પટેલ રાજીનામું ન આપે એ માટે નાણા પ્રધાને ભાષા બદલી હતી. નાણા પ્રધાન બ્લોગ ઉપર વકીલ બનીને કેન્દ્ર સરકારનો બચાવ કરવામાં સમય વેડફે છે એના કરતાં પોતાના કામમાં સમય આપતા હોય તો સરકારની આબરૂ બચે. સર્વોચ્ચ અદાલત અને સી.બી.આઈ.થી ઊલટું રિઝર્વ બેન્કમાં ગવર્નર અને ડેપ્યુટી ગવર્નર સાથે છે.

જી હા, કેન્દ્ર સરકારે આબરૂ ગુમાવી છે એમાં અરુણ જેટલીનો મોટો ફાળો છે. પહેલાં રિઝર્વ બેન્કના ગવર્નર રઘુનાથ રાજન ગયા. એ પછી નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનગરિયા ગયા. એ પછી કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ ગયા. ડૉ. અરવિંદ સુબ્રમણ્યમની જગ્યા પણ ભરવામાં નથી આવી અને અરવિંદ પનગરિયાની જગ્યાએ આવેલા ભાઈ રાજીવ કુમાર એટલા નિસ્તેજ છે કે દર વખતે તેમના વિશે માહિતી મેળવવા ગૂગલનો આશરો લેવો પડે છે. ગૂગલ પર પણ માંડ અડધા પાનાની પ્રોફાઈલ છે. તેજસ્વી લોકો સરકારથી દૂર ભાગે છે કે સરકાર તેજસ્વી લોકોથી દૂર ભાગે છે એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. બંને સત્ય છે. આમાં ડૉ. ઊર્જિત પટેલ જશે તો સરકારનું રહ્યું સહ્યું નાક પણ કપાશે. ઉત્તમ માર્ગ એ છે કે એક સમિતિની રચના કરવામાં આવે અને નિવેડો લાવવામાં આવે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 03 નવેમ્બર 2018

કાર્ટૂનસૌજન્ય : કેશવ, "ધ હિન્દુ", 01 નવેમ્બર 2018 

Loading

અમેરિકાની અકાદમીના સમ્મેલનમાં ‘ડિજિટલ ટૅક્નોલૉજી અને પુસ્તકોનું ભવિષ્ય’ વિષય ટૅક્નિકલ હોઇને ખાસ સમજવાલાયક હતો

સુમન શાહ|Opinion - Opinion|3 November 2018

ઊગતા કવિઓને, પહેલાં બોલાવી લેવાનો મેઇનસ્ટ્રીમવાળાઓનો ભેદકારી ચાલ અહીં પણ જોવા મળ્યો

અકાદમીનું ૧૧મું સમ્મેલન – ૨

વ્હાલી બચીબહેન : સમ્મેલનમાં એક ખૂબ આસ્વાદ્ય વસ્તુ હતી, પન્ના નાયકનું એક જૂનું પણ ભાવવાહી ગીત – 'લ્યો, નાવ કિનારે આવી / મઝદારે મ્હાલી એ મસ્તી એક ઈશારે આવી'. અમર ભટ્ટના સ્વરનિયોજનમાં હિમાલી વ્યાસે ગાયેલું. મને થાય, પન્નાબહેનની એ ગીતસર્જકતા વિકસી હોત તો એમની કાવ્યસૃષ્ટિનું કલામૂલ્ય ઑર અદકેરું થઇ ગયું હોત.

હવે સાંભળ, અમારી બેઠકની વીતકકથા. વિષય હતો, 'નવલકથા અને નવલકથાકાર'. બે કલાકની બેઠક. ચાર વક્તા. દરેકને ૨૫ મિનિટ. ૨૦ મિનિટ મુક્તચર્ચા માટે. ગમ્ભીર વક્તાઓ વ્યાખ્યાનની પૂર્વતૈયારીમાં કલાકો ખરચતા હોય છે. તેમછતાં આવા વ્યાપક વિષયને ૨૫ મિનિટમાં ન્યાય આપવા જાય તો એઓ પણ હાંફી જાય. આ લોકોને એમ હશે કે નવલકથા જેવા સમયખાઉ સાહિત્ય વિશે બહુ બધું જાણી લઇએ તો બીજા સમ્મેલન લગીની નિરાંત થાય ! સદર્થે સેવાયેલો એ લોભ વાસ્તવિક હતો, પણ વક્તાઓને ભારે પડેલો.

મણિલાલ હ. પટેલ વિષયને વફાદાર રહેવા ઇતિહાસમાં ગયેલા. એ પછી રાવજી પટેલની નવલ 'અશ્રુઘર' વિશે કહેતા'તા. દરમ્યાન એમને સૂચના મળી કે 'તમારી પાસે પાંચ મિનિટ' છે. છતાં એમણે વાતને પૂરી તો કરેલી. મેં પહેલેથી જણાવેલું કે 'છિન્નપત્ર' અને સુરેશ જોષીના પ્રદાન વિશે બોલવાનું ઑડિયન્સને અને મને બન્નેને અઘરું પડશે. પણ સુરેશ જોષી વિશેની એમની હૉંશ પ્રશસ્ય લાગેલી એટલે સહર્ષ સ્વીકારેલું. સમય સાચવવા વ્યાખ્યાનને કાંટાકસ તોળ્યું અને ઉમેર્યું કે બાકીની વાત મેં રૅકર્ડ કરી છે, લિન્ક આપીશ. પણ હરખથી ઓળઘોળ સમ્મેલનમાં એવી લિન્કો લેવા કોણ આવે?

ઈલા આરબ મહેતાનો વિષય હતો, ગુણવંતરાય આચાર્યની નવલકથા. ગુણવંતરાય એમના પિતા, તે સ્વાભાવિકપણે જ એમનાથી વિષયની મર્યાદામાં ન રહેવાયું. હકારાત્મક દૃષ્ટિકોણ, દરિયાઇ કથાઓ, સાહસકથાઓ, કલા સાથે કલ્યાણ – એવા અનેક મુદ્દા સાથે પિતાજીનાં સંસ્મરણો, એમ લગભગ જીવનકથા જેવું જ કહેતાં'તાં. સંચાલક નટવર ગાંધીએ 'પાંચ મિનિટ બાકી' કહેલું છતાં એ કારણે ઈલાબહેનથી પછીના વક્તા રમણ સોનીનો લગભગ બધો સમય વપરાઇ ગયેલો. છૂટાં પડતી વખતે ઈલાબહેને 'સૉરિ' કહેલું. દૂધ ઢોળાઈ ગયા પછી શું કરી શકે? સંચાલકને તો એટલું હોય કે પછીના વક્તાનો સમય ઝૂંટવાઈ ન જાય. અને, માનમર્યાદામાં સમજતા અકાદમીવાળા ય શું કરે? પણ બચીબહેન, સભાનો વિવેક જો, ઈલાબહેનને સ્ટૅન્ડિન્ગ ઓવેશન આપેલું ! એવા ઓચ્છવ પછી, મુનશી અને 'પૃથ્વીવલ્લભ' વિશે રમણ સોની બોલવા તો ગયા, પણ શું બોલે? તારાવાળું ક્રિયાપદ વાપરીને કહું તો, એમને 'પતાવવું' પડેલું.

'ડિજિટલ ટૅક્નોલૉજી અને પુસ્તકોનું ભવિષ્ય' વિષય ટૅક્નિકલ હોઇને ખાસ સમજવાલાયક હતો. અપૂર્વ આશરે યુનિકોડનું સ્ટાન્ડર્ડાઈઝેશન, ટૅક્સ્ટ ટુ સ્પીચ, ફ્યુચર-પ્રૂફ પબ્લિકેશન, વગેરે મુદ્દા સમજાવેલા. વક્તવ્ય અને વીડિયો પ્રેઝન્ટેશનનું સંમિશ્રણ સાર્થક નીવડેલું. બાબુ સુથારનો મુખ્ય મુદ્દો એ હતો કે ઇ-બુક્સ સાથે આપણે કેવી કેવી રીતે ઍડજસ્ટ થવું પડશે. કેમ કે પરમ્પરાગત લેખન ને હસ્તપ્રત જતાં રહે, એટલે લર્નિન્ગ પ્રોસેસ બદલાઈ જાય. પરિણામે, આપણું સમગ્ર વર્તન બદલાઈ જવાનું. એમણે ભેટ-પુસ્તક કે પુસ્તક માત્રના ભાવિ વિશે રમૂજી શૈલીમાં સૂચક વાતો કરેલી. મને લાગેલું, બાબુભાઈ વધારે બોલ્યા હોત તો વધારે સારું થાત.

​'કવિતાવિશ્વની અમેરિકાની તારિકાઓ' : કાવ્યપઠન

'કવિતાવિશ્વની અમેરિકાની તારિકાઓ' જેવા લલચામણા શીર્ષક હેઠળ અહીં પણ સ્ત્રીકવિઓનું અલાયદું કાવ્યપઠન હતું. મુકેશ જોશી સભા-સંચાલનોનો બહુ-અનુભવી જુવાન છે. સંચાલનની એની રીત નિજી અને અસરકારક હતી – એકપણ સમસામયિક સંચાલકની યાદ આવતી જ ન્હૉતી. મને આ સ્ત્રીકવિઓની કોઇ કોઇ કાવ્યાત્મક પંક્તિઓ યાદ છે : પૂર્ણિમાબહેનની પંક્તિ -તને મળ્યા પછીના સમયને હું નવ જન્મ આપીશ : રેખાબહેનની પંક્તિ – બરફમાં પડતાં પગલાં હજી ભીનાં છે : દેવિકાબહેન ધ્રુવે ગીત ગઝલ ને અછાન્દસ સંભળાવેલાં. એમની – લો અમે તો ચાલ્યાં પાછાં કલમને કરતાલે, રચના મને વધારે સારી લાગેલી. જયશ્રીબહેનની પંક્તિ – મને દઇ દો આ ટહૂકાનું આયખું, સુન્દર હતી. તને મારા અચરજની વાત કરું. મને આપણા વિનોદ અધ્વર્યુની દીકરી, ભાષાભવનની મારી વિદ્યાર્થિની, નંદિતા – નંદિતા ઠાકોર – મળેલી. કાવ્યો લખે છે ને ગાઈ જાણે છે – તારી આંખોમાં શમણાંની જેમ અમે રહીશું, એણે સરસ ગાયેલું. એની – અટૂલા માળામાં એકલવાયું પંખી એકલતાને ટીપે ટીપે ચણ્યા કરે, એ રચના મને બહુ ગમેલી. ઊગતા કવિઓને, પહેલાં બોલાવી લેવાનો મેઇનસ્ટ્રીમવાળાઓનો ભેદકારી ચાલ અહીં પણ જોવા મળ્યો. પણ આ સ્ત્રીકવિઓ સ્વાયત્તપણે જેવું લખાય એવું લખી રહી છે એ મોટી વાત છે. એમને ક્રીએટિવ સૅલ્ફ -ઍડિટિન્ગની તાલીમ મળે તો વધારે સારું લખી શકે.

સ્થાનિક લેખકો માટેની બેઠકમાં, વળીને, મોટી સંખ્યામાં કાવ્યો હતાં. અશોક વિદ્વાંસના સંચાલન હેઠળ ભૂપેન્દ્રસિંહ રાઉલ, ચન્દ્રકાન્ત દેસાઈ, હિમાદ્રીબહેન, કિશોરભાઈ, આશાબહેન, રણધીર નાયક, દિનેશભાઈ, હંસાબહેન, રમેશભાઈ, તુષારભાઈ, એમ ઘણાંએ પોતાની રચનાઓ રજૂ કરેલી. આ લોકોનો ખાદ્ય ગદ્યની તુલનામાં પેય પદાર્થ કાવ્યને વિશેનો મોહ તો તું જો – વળી, કાવ્યપઠન હતું ! આમન્ત્રિત કવિઓ માટેનું. એમાંના, ચિન્તન નાયકે ગઝલો અને અછાન્દસ રચના રજૂ કરેલી. એમની – ખુદથી વધુ ખુદાને શોધું, એવા ભાવની રચના વધારે સારી હતી. મુકેશે પોતે માત્ર સંચાલક નથી, કવિ છે, એવા ઠસ્સાથી રજૂ કરેલી રચનાઓમાં – આ માણસ બરાબર નથી, મને વધારે ગમેલી કેમ કે એ ભાવ એમાં તાદૃશ થયેલો. લાગ્યું કે એ બન્ને કવિઓ જુદા સ્વાદની રચનાઓની દિશામાં છે. (મને ઘણાની સરનેમ યાદ નથી રહી, ક્ષમા.)

અનિલ ચાવડાએ – સણસણતી ગોફણ છે, ગોફણ છે, એ પ્રલંબ લયની રચનાથી સભાને સ્તબ્ધ કરી દીધેલી. – એક નાના કાંકરે આખી નદી ડ્હૉળાય નહીં કહીને; અમદાવાદને ૨૦૮ની ઝડપે દોડતું ૧૦૮નું શહેર કહીને; એણે પોતાની હાસ્યવ્યંગશક્તિનો અચ્છો પરચો આપેલો. 'નયનસંગ બાપુ'-નો અંશ તો મને એ શક્તિનો અનેરો ઉલ્લાસ લાગેલો. તુષાર શુક્લની 'ફુગ્ગાવાળો', 'વાળવગી ઓળખ', પિતાજી અને દીકરી વિશેની રચનાઓ, સાંભળતાં લાગ્યું કે કિલકારી જેવી હળવીમધુર રીતેભાતે પણ કાવ્યપદાર્થ ઘણું કહી શકે છે. જેમ અનિલે તેમ તુષારે સૂચવી દીધેલું કે સભામાં કાવ્યપઠનના તરીકા નૉખા જ હોય પણ એ એટલા જ સાર્થક નીવડવા જોઇએ. 'ચલો ગુજરાત'-ના જાણે બોનસ રૂપે સમ્મેલનને દેવકી દવે, જય વસાવડા, સુભાષ ભટ્ટ અને નેહલ ગઢવી મળેલાં. દેવકીનું પ્રસંગોચિત વક્તવ્ય, પ્રેરક હતું. સુભાષ ભટ્ટને કારકિર્દીપરક અને જીવનવિષયક સૂચક પ્રશ્નો પૂછીને જય વસાવડાએ એ બેઠકને ઘણી ધ્યાનાકર્ષક બનાવેલી. લાગ્યું કે જય પ્રભાવક વક્તા ઉપરાન્ત નિપુણ સંચાલક પણ છે. સુભાષની ફિલસૂફી તરફી અંગત વાતો સાથે/સામે નેહલની વાસ્તવતરફી સંગત આસ્વાદ્ય હતી.

સમ્મેલન જેવા મોટા ફલકના કાર્યક્રમોમાં ત્રણ વર્ગના કાર્યકરો હોય છે – સાથ આપનારા – સહકાર આપનારા – સેવા આપનારા. રથિને એવા વર્ગ પાડીને સૌ કાર્યકરોનો નિરાંતે આભાર માનેલો. સૌએ એમનું એ આભાર-વક્તવ્ય માણેલું. બાકી, બધાં રાહ જોતાં હોય છે કે ક્યારે 'પતે' ! રથિનને મેં કહેલું – આભાર માનવાની તમારી આ વિલક્ષણ રીત હું મારા અધ્યાપકમિત્રોને જરૂર જણાવીશ. પણ બચીબહેન, આ લોકો બે વરસે સમ્મેલન કરે એ તો ન ચાલે. ભૂલી જવાય; ને ભુલાવી દે એવું છે આ અમેરિકા. આવીશ ત્યારે તું પણ અનુભવીશ.

===

https://www.facebook.com/suman.shah.94/posts/2190248351006066

શનિવાર, તારીખ ૩/૧૧/૨૦૧૮ના “નવગુજરાત સમય” દૈનિકમાં પ્રકાશિત આ લેખ સૌજન્યસહ મૂક્યો છે.

Loading

લ્યો, નાવ કિનારે આવી !

પન્ના નાયક|Poetry|3 November 2018

લ્યો, નાવ કિનારે આવી!
મઝધારે મ્હાલી એ મસ્તી એક ઈશારે લાવી.
 
          ક્યાંક સાંજનો પવન
             ને જળની માયા મમતા
         સૂર્ય-ચંદ્રનાં કિરણ
             હજી તો હૈયે રમતાં
જનમજનમની વાતો સઘળી સઢમાં દઈ સમાવી..
         લ્યો, નાવ કિનારે આવી!
 
         એક કિનારો મળ્યો
            હવે તો સાવ નિરાંતે
        રાત પછીના કોઈ
           ઊઘડતા એક પ્રભાતે
નાવ ઊડશે નકી હવે તો સઢને પાંખ લગાવી 
         લ્યો, નાવ કિનારે આવી!

• સંગીત : અમર ભટ્ટ • ગાયક : હિમાલી વ્યાસ-નાયક • તબલાસંગત : દીપક ગુંદાણી • કીબૉર્ડસંગત : બ્રિજ જોશી

https://drive.google.com/file/d/1DtFkwiFjoh8BYb4IIUid4XCGKSGHTmWC/view?ts=5b999867

Loading

...102030...2,9842,9852,9862,987...2,9903,0003,010...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved