Opinion Magazine
Number of visits: 9685953
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શહેરનાં સરસપુરનાં સરસ્વતી સમાં શિક્ષિકા જશીબહેન નાયક એકસો એકમાં વર્ષમાં પ્રવેશી રહ્યાં છે

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|16 November 2018

પદ્મશ્રી સન્માનિત કેળવણીકાર રઘુભાઈ નાયકનાં સર્વાર્થે જીવનસાથી એવાં જશીબહેન નાયક વાત્સલ્યમય શિક્ષક, ઉત્તમ સંચાલક, અને પુસ્તકોનાં લેખક છે. તેઓ રવિવારે એકસો એકમાં વર્ષમાં પ્રવેશ કરશે.

અમદાવાદના શ્રમજીવીઓના એક વિસ્તાર સરસપુરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સભાગૃહની નજીક સરસ્વતી વિદ્યાલય તરીકે ઓળખાતી શાળાઓનું સંકુલ આવેલું છે. તેમાં બાળમંદિરથી બારમાં ધોરણ સુધીની છ શાળાઓમાં પાંચેક હજાર બાળકો ભણે છે. આ શાળાઓનું સંચાલન સરસ્વતી વિદ્યામંડળ નામનું ટ્રસ્ટ કરે છે. આ ટ્રસ્ટની મૂળ શાળા આ મહિનામાં ત્રીસમી નવેમ્બરે પંચોતેર વર્ષમાં પ્રવેશ કરશે; અને તેના એક આદ્ય શિક્ષિકા તેમ જ (અ)પૂર્વ આચાર્ય જશીબહેન એકસો એકમાં વર્ષમાં અઢારમી તારીખના રવિવારે  પ્રવેશ કરશે.

મંગળવારે જશીબહેને ખુરશીમાં સીધાં બેસીને મીઠા અને ધીમા અવાજે કરેલી સરસ વાતો, ગુલબાઈ ટેકરા વિસ્તારની મૈત્રી સોસાયટીના તેમનાં ઘરે સાંભળવા મળી. આજે ય જશીબહેન વિદ્યામંડળનાં પ્રમુખ તરીકે સંસ્થાની બેઠકોમાં હાજર રહે છે. શાળાનાં બાળકોની નૃત્યનાટિકામાં માર્ગદર્શન આપે છે. એકાદ દાયકાથી, દર વર્ષે છ-આઠ મહિના ઇન્ગ્લેન્ડના લિવરપૂલમાં તેમનાં તબીબ ચિરંજીવી પ્રશાંતભાઈને ત્યાં રહે છે. લાંબો પ્રવાસ ખેડી શકે છે, હવામાન સાથે તરત મેળ પાડી શકે છે. એ જ્યાં હોય ત્યાંથી સંસ્થાના માસિક ‘ઘરશાળા’ માટે લેખો લખાવી મોકલે છે. સંસ્થા તેમની જિંદગીનો અવિભાજ્ય હિસ્સો છે. એવું જ એમના પતિનું પણ હતું. 

જશીબહેનના પતિ એટલે પદ્મશ્રી સહિત અનેક સન્માનો મેળવનાર કેળવણીકાર રઘુભાઈ નાયક(1907-2003). સરસ્વતી વિદ્યામંડળના સ્થાપક રઘુભાઈ અને સર્વાર્થે તેમનાં જીવનસાથી જશીબહેને અમદાવાદમાં મિલકામદારોનાં અને દિલ્હીમાં ત્યાંના ગુજરાતીઓનાં બાળકોને ભણાવ્યાં. રઘુભાઈ દેશનાં પાટનગરનાં સરદાર પટેલ વિદ્યાલયમાં પહેલા આચાર્ય બન્યા, કારણ કે એ વખતના દૂરંદેશી અર્થમંત્રી અને ગૃહમંત્રી રાજપુરુષ એચ.એમ. પટેલ રઘુભાઈની કેળવણીકાર તરીકેની ક્ષમતાને બરાબર પારખી ગયા હતા. દિલ્હીની આ ગુજરાતી શાળા બહુ પ્રતિષ્ઠા પામી છે. દિલ્હીની શાળામાં પણ, અમદાવાદની શાળાની જેમ, રઘુભાઈની સાથે જશીબહેન  શિક્ષિકા અને સહઆચાર્ય હતાં.

જશીબહેનને ‘પતરાંની શાળા’ સહુથી વધારે સાંભરે છે. રઘુભાઈએ સ્થાપેલી આ પહેલી શાળા. વાત એમ હતી કે કાળુપુર સ્ટેશનની પાછળના વિસ્તારમાં, બંધ પડી ગયેલી માધુભાઈ મિલનાં કમ્પાઉન્ડનાં કેટલાંક મકાનો અને ગોડાઉનોમાં પતરાંના શેડમાં કારખાનાં ચાલતાં. તેમાંથી બે-ત્રણ શેડમાં એક શાળા ચાલતી હતી. સગવડો અને સંખ્યાને અભાવે બંધ પડવા આવેલી એ શાળા રઘુભાઈએ તેના સંચાલક પસેથી લઈ લીધી. તેના માટે તેમણે પોતાના અને મિત્રો પાસેથી ઉછીના લીધેલા પચીસ હજાર રૂપિયા ચૂકવ્યા. રઘુભાઈનું ધ્યેય પૂર્વ અમદાવાદના અભાવગ્રસ્ત લોકોને શિક્ષણ આપવાનું હતું. આવી નિસબત ધરાવતા રઘુભાઈએ આઝાદીની ચળવળમાં જેલ વેઠી હતી, રવીન્દ્રનાથ પાસે શાંતિનિકેતનમાં શિક્ષણ મેળવ્યું હતું, જર્મનીની ફ્યૂબર્ગ યુનિવર્સિટીમાંથી ડૉકટરેટ પ્રાપ્ત કરી હતી, સારી નોકરી માટેના પ્રસ્તાવ સ્વીકાર્યા ન હતા. ગામડાંમાં શિક્ષણનું કામના કરવાનાં ઉદ્દેશ્યથી ભાવનગરની અનોખી શાળા ‘ઘરશાળા’માં નજીવા પગારે આચાર્ય બન્યા. સંસ્થાના સ્થાપક અને કેળવણીકાર હરભાઈ ત્રિવેદીનાં દીકરી એવાં શિક્ષિકા જશીબહેન સાથે લગ્ન કર્યાં.

અમદાવાદનાં ગરીબ બાળકોને ભણાવવાના આદર્શ સાથે રઘુભાઈએ કામ શરૂ કર્યું એટલે  સરસપુરમાં ડઝનેક મિલોનાં સાયરનો, ધૂળ, ધૂમાડા અને કોલસાની રજ વચ્ચે આવેલાં બિસ્માર મિલ કમ્પાઉન્ડમાં જ ઘર માંડ્યું. દમની બીમારી ધરાવતાં જશીબહેન આઠ મહિનાના દીકરા પ્રશાન્તને લઈને પતિને સાથ આપવા લાગ્યાં. ભાવેણાની સુંદર ‘ઘરશાળા’, સુખી ગૃહજીવન, વ્યાવસાયિક કારકિર્દી અને સ્નેહીઓને છોડી દીધાં. પાણી, અનાજ, જાજરૂ-બાથરૂમ, વીજળી, આવકનાં અભાવો સહિતની અનેક મુશ્કેલીઓ વેઠીને ઘરસંસાર ચલાવ્યો, સાથે શાળા પણ વિકસાવી. નાયક દંપતીએ સરસ્વતી શાળાને વિષય શિક્ષણ ઉપરાંત બાળકના સર્વાંગીણ રુચિસંપન્ન વિકાસ સાધવા માટેની ‘નૂતન શિક્ષણ’ની વિભાવના મુજબ આકાર આપ્યો. શાળાની જમીન રેલવેએ સ્ટેશનના વિસ્તરણ માટે સંપાદિત કરી. એટલે ખૂબ મહેનતથી 1959માં નવી જમીન મેળવી, જ્યાં શાળાની બે મોટી ઇમારતો અત્યારે ઊભી છે. શાળામાં ઉત્તમ શિક્ષકો તો રોક્યા જ. ઉપરાંત તેને સંગીત, નૃત્ય, નાટ્ય, સામયિક, ભીંતપત્ર, રમતગમત, સામાજિક કાર્ય, વિદ્યાર્થીમંડળ જેવી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવી. તેની માહિતી શિક્ષણક્ષેત્ર પરના પીઢ લેખક  હરિત પંડ્યાએ આલેખેલાં રઘુભાઈનાં વાચનીય ચરિત્ર ‘સપનાં થયાં સાકાર’માં મળે છે. આ પુસ્તક ઑસ્ટ્રેલિયાના અગ્રણી શિક્ષણવિદ્દ ફ્રેડા વિટલૅમે (1920-2018) લખેલાં રઘુભાઈના ‘લાઇટ ઇન ધ ઇસ્ટ’ (1996) નામના જીવનચરિત્ર પર આધારિત છે. જશીબહેનનાં સંસ્મરણો ‘સ્મરણયાત્રા’ (2001) પુસ્તક તરીકે વાંચવા મળે છે. તેમાં તેમણે શાળાની શરૂઆતનાં કપરાં વર્ષોનાં પ્રસંગો વિશે સહજભાવે અને શાળાને મદદરૂપ થનાર અનેક નાની-મોટી વ્યક્તિઓ વિશે કૃતજ્ઞતાથી લખ્યું છે. ઉપેક્ષા કે ગેરસમજનો ભોગ બનેલાં વિદ્યાર્થીઓની કથાઓ ‘કાળી વાદળી ઉજળી કોર’ (1987) સંચયની વાર્તાઓમાં મળે છે.  

જશીબહેન પોતે ભાષા, સમાજવિદ્યા અને સંગીતનાં શિક્ષિકા તેમ જ સહઆચાર્ય પણ રહ્યાં. મુંબઈથી વર્ષો પહેલાં બી.એ. થઈ ચૂકેલાં તેમણે ભણાવવાની સાથે ભણવાનું ફરીથી શરૂ કર્યું. મૉન્ટેસરી ટ્ર્રેઇનિન્ગ કોર્સ કરીને પછી એમ.એડ. સુધી ભણ્યાં. ચાલીઓ-ખોલીઓમાં વસતાં વિદ્યાર્થીઓ તેમ જ  પોતાનાં સંતાનો પ્રશાન્ત અને ઇરા વચ્ચે ભેદ ન રાખ્યો. રઘુભાઈને 1952માં ફુલબ્રાઇટ સ્કૉલરશીપ હેઠળ અમેરિકા જવાનું થયું ત્યારે એક વર્ષ આખી શાળાનું સંચાલન કર્યું. સરસ્વતી વિદ્યાલયની સુવાસ પ્રસરતાં અસારવા વિસ્તારના લોકોની માગણીને પગલે ત્યાં શરૂ થયેલી શાળામાં 1958 સુધી છ વર્ષ માટે આચાર્યપદે રહ્યાં. તે પછી અઢાર વર્ષ દિલ્હીમાં સરદાર પટેલ વિદ્યાલયમાં રઘુભાઈ સાથે સહઆચાર્ય તરીકે 1976 સુધી રહ્યાં.

જશીબહેનની અત્યારની યાદોમાં વારંવાર આવે છે તે શાળામાં કરાવેલાં ગીત-સંગીતનાં કાર્યક્રમો. શાળાની પ્રાર્થના સહિત અનેક વાર રવીન્દ્રસંગીત ચાલતું. તદુપરાંત પ્રહ્લાદ પારેખની ‘વર્ષામંગલ’ની રચનાઓ હતી. એ બધું દિલ્હીમાં ચાલુ રહ્યું, અને તેમાં ઉમેરાઈ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ પરની નૃત્યનાટિકાઓ. તેની સ્ક્રિપ્ટ્સ્ લખવા માટે જશીબહેન ખૂબ મહેનત લેતાં. કાર્યક્રમોની પદ્યરચનાઓ જાણીતા કવિઓ પાસે પોતાના માર્ગદર્શન હેઠળ કરાવતાં. તેમાંની એકની પંક્તિઓ જશીબહેન બોલી બતાવે છે : ‘ભારતમેં જન્મા થા ઐસા પુરુષ મહાન, લોગ ઉસે કહતે થે લોહે કા ઇન્સાન’. યાદો કેટલી ય છે : રઘુભાઈએ ઇન્દિરા ગાંધીને પુનાની ‘પિપલ્સ સ્કૂલ’માં કેટલોક સમય ભણાવેલાં, દિલ્હીની સ્કૂલમાં રાજેન્દ્રપ્રસાદ આવેલાં, સરદાર પરની સ્ક્રિપ્ટ માટે પાર્લામેન્ટની લાઇબ્રેરીમાં જતાં, અસારવા વિદ્યાલયની શાળામાં જશીબહેન સાઇકલ પર જતાં-આવતાં. જશીબહેનનું એક સાંભરણ છે : ‘એક વખત રઘુભાઈ રસોડામાં ચમચીઓ ગણતા હતા. કોઈએ અંચબો વ્યક્ત કર્યો. એટલે તેમણે કહ્યું કે ‘એ સ્કૂલમાં ધ્યાન આપે તો મારે ઘરમાં થોડુંક ન આપવું જોઈએ’. તેમનાં લગ્નની પચીસમી વર્ષગાંઠે સ્નેહરશ્મિએ હાઇકુ કર્યું:

વીતી વસન્ત –
રૂસણે તારે તોય –
હજી તે તાજી !

‘પતરાંવાળી સ્કૂલ’ ના કમ્પાઉન્ડમાં રહેતો, મદદ કરતો, જશીબહેનનાં બાળકોને વહાલ કરતો ‘કાબૂલીવાલા જેવો’ ગફૂર પઠાન યાદ છે. અમદાવાદનાં અનેક તોફાનોમાં ‘કોણ જાણે કેમ’ પણ શાળા સલામત રહી. ભાગલા વખતે સિંધી નિરાશ્રીતોનાં ધાડાં આવતાં. તેમને માટેનાં  રાહતકામમાં રઘુભાઈએ શાળાને સામેલ કરી. તે વિશે જશીબહેને ‘સ્મરણયાત્રા’માં તો લખ્યું છે. પણ તે દિવસો એમને વારંવાર બધાને ખાસ કહેવા જેવા લાગે છે. તેમાં જેનું કોઈ જ ન હતું એવાં નિરાશ્રીત ભાઈને રઘુભાઈએ ચા બનાવીને શાળામાં કાયમ આપી જવાનું સોંપ્યું હતું તે પણ જશીબહેનને સાંભરે છે. જશીબહેનને યાદ છે તે મહેનતકશોનાં ‘પતરાંની શાળા’માં ભણતાં બાળકોનું અમદાવાદ, કર્ણાવતી નહીં. શ્રમજીવીઓ માટે શિક્ષણની સરસ્વતી જ્યાં વહે છે, વસે છે તે જશીબહેન નાયકનું અમદાવાદ.

********

15 નવેમ્બર 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 16 નવેમ્બર 2018

Loading

ઓ આઝાદ પંછી

નવ્યાદર્શ|Poetry|16 November 2018

ઓ આઝાદ પંછી
તું બહુ જ દૂર ચાલી ગયું છે
જો હવે તને ગમતાં વૃક્ષમાં પાનખર આવી છે
હમણાં હમણાં વરસાદ બહુ ઓછો પડે છે
એટલે પાનખર બહુ લંબાઈ છે
જો તારા ગમતાં વૃક્ષમાં
કેટલીક લીલીછમ ડાળીઓ સુકાઈ ગઈ છે
ને હવે તારો બનાવેલો જૂનો માળો પણ વીંખાઈ ગયો છે
પેલી ડાળ પર રહેલી બખોલ હવે બિહામણી લાગે છે
તું એક દિવસ આવીશ
જરૂર આવીશ મારી પાસે એ વિશ્વાસ છે
પણ જ્યારે આવીશ ત્યારે તને વિસામો આપવા છાયો નહીં હોય
તને માળો બનાવવાં માટે ઘટ્ટ ઘટા નહીં હોય
જો અહીંથી પસાર થતાં રસ્તાઓ પાદર બની ગયા છે
સૂરજના તાપમાં ને અંધારી રાતમાં
એક સ્વપ્ન સૂનું પડ્યું છે ચંદ્રની ચાંદનીમાં.
તારી આંખોની તરસ
અને સુકાયું છે હૃદયનું તળાવ આ
તારા આકાશમાંથી જ્યારે તું આવીશ
તારા આ ગમતાં વૃક્ષને ઓળખી શકીશ ને?

ઓ આઝાદ પંછી
જો એક પણ પાંદડું નથી રાખ્યું મેં લીલુંછમ્મ
જે બાંધી શકે તને કોઈ આશાઓની ઊર્મિઓથી
મને ખબર છે
તું કલરવ કરીશ સૂનાં ને શૂન્ય મારા આકાશને ભરવા
પણ આ ભેંકારમાં એ પડઘાં જ રહી જશે
તારી આંખોમાં અનુભવ, યાદો અને અખૂટ સ્વપ્નો છે
તારું ગમતું વૃક્ષ એ ભાર નહીં સહી શકે,

ઓ આઝાદ પંછી
સમય થાય એ પહેલાં
તારા ગમતાં વૃક્ષનો ખાલીપો તારા હૃદયમાં ભરાય એ પહેલાં
તારે જવું પડશે કોઈ લીલાંછમ્મ  પ્રદેશમાં …

Email : navyadarsh67@gmail.com

Loading

રક્ષા કરો જગદંબા ભવાની

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|15 November 2018

હૈયાને દરબાર

સવાર એટલે તાજગી, શુદ્ધતા અને સાત્ત્વિકતાનું પ્રતીક. આ સાત્ત્વિકતા સવારના રાગોમાં વિશેષ પ્રતિબિંબિત થાય છે. પ્રાત:કાલીન રાગો આપણા ચિત્તમાં કંઈક એવા ભાવો જગાવે છે કે એ ભાવમાં જ સમાઇ જવાની ઈચ્છા થઈ આવે. પંખીઓનો કલરવ સંભળાતો હોય, ઠંડી તાજી હવા મનને પ્રફુલ્લિત કરી રહી હોય અને ચાની ચૂસકી સાથે સવારના રાગનું ભાવવાહી ભક્તિ ગીત બજી રહ્યું હોય તો ચિત્તની પ્રસન્નતા ચરમસીમાએ પહોંચી જાય.

સૂર્યનાં કિરણો અંધારું છેદીને અજવાસ પાથરી રહ્યાં છે. પૂર્વ દિશામાં લાલિમા છવાઈ રહી છે. પંખીઓનો કલરવ અંતરનાદને પરિષ્કૃત કરી રહ્યો છે. દૂર-સુદૂરના કોઈ મંદિરની આરતીના ઘંટનાદની સાથે ગર્ભદ્વારમાંથી પ્રશાંત સ્વરો સંભળાય છે. તમે કોઈક જુદા જ વિશ્વમાં પહોંચી જાઓ છો. એક એવું વિશ્વ, જ્યાં ફક્ત તમે છો અને છે કોઈ અકળ દિવ્ય શક્તિ. મંગલમય પ્રભાતની સાથે કોમળ રિષભ અને તીવ્ર મધ્યમનું પ્રાધાન્ય ધરાવતા સ્વરો નદીકિનારેના કોઈક પવિત્ર મંદિરમાંથી મનને ઝંકૃત કરી રહ્યા છે. આ સ્વરમાધુરીનું વશીકરણ રાગ તોડી સિવાય અન્ય કોઈ રાગમાં કલ્પી શકાય? રાગ તોડીના સ્વરોમાં એટલી તાકાત છે જે તમને રીતસર કોઈક ગેબી આંતરિક વિશ્વ તરફ ખેંચે છે. પ્રાત:કાલીન રાગોમાં પ્રયોજાતો કોમળ રિષભ હંમેશાં આગવી અસર સર્જે છે. પ્રત્યેક સૂર્યોદય નવું અજવાળું લઈને આવે છે. એ ઉજાસની સાથે જ જિંદગીને ઉજાસમય બનાવવાનો સંકલ્પ આપણે જ કરવાનો છે. હર નઈ કિરન કે સાથ મંગલ સંદેશ લાયા, જાગો હે પ્રભાત આયા …! આજનું સુપ્રભાત આપણા સૌ માટે અનેરું-અનોખું છે. નૂતન વર્ષના પ્રથમ અઠવાડિયાની નવલી સવાર. ‘હૈયાને દરબાર’ના વહાલા સંગીતપ્રેમીઓ માટે તો બેશક, સુરીલી સવાર. આપણા ગુજરાતીઓના નવા વર્ષે અંદરના માહ્યલાને સદ્વિચારો, સત્કર્મ, મીઠી વાણી દ્વારા જગાડવાનો છે. સંગીત એ સ્વરથી ઈશ્વર સુધી પહોંચવાની યાત્રા છે. સવારના રાગ તોડીની જ વાત નીકળી છે તો હિન્દી ફિલ્મ સંગીતમાં ગુલઝાર લિખિત અને આર.ડી. બર્મને કમ્પોઝ કરેલું મિયાં કી તોડીમાં સ્વરબદ્ધ થયેલું ભીની ભીની ભોર આઈ, રૂપ રૂપ પર છિડકે સોના, સ્વર્ણ કલશ ચમકાતી આઈ … યાદ આવ્યા વિના રહે જ નહીં. ગીતોમાં ધૂમ-ધડાકા કરનારા આર.ડી. બર્મન અહીં અત્યંત ઋજુતાપૂર્વક રાગ તોડીના સ્વર સંયોજીને અત્યંત કર્ણપ્રિય, અઘરી છતાં લાજવાબ ધૂન સર્જે છે.

એ જ રીતે, ગુજરાતી સુગમ સંગીતમાં નિનુ મઝુમદારે લખેલું-કમ્પોઝ કરેલું ગીત રક્ષા કરો જગદંબા ભવાની રાગ ગુજરી તોડીનું ઉત્તમ ઉદાહરણ છે. સૂરજની સાખે રાગ તોડીના પ્રાત:સ્વરોને જોડી જોજો. એ અનુભૂતિ અવર્ણનીય બની રહેશે. સવાર એટલે તાજગી, શુદ્ધતા અને સાત્ત્વિકતાનું પ્રતીક. આ સાત્ત્વિકતા સવારના રાગોમાં વિશેષ પ્રતિબિંબિત થાય છે. પ્રાત:કાલીન રાગો આપણા ચિત્તમાં કંઈક એવા ભાવો જગાવે છે કે એ ભાવમાં જ સમાઇ જવાની ઈચ્છા થઈ આવે. પંખીઓનો કલરવ સંભળાતો હોય, ઠંડી તાજી હવા મનને પ્રફુલ્લિત કરી રહી હોય અને ચાની ચૂસકી સાથે સવારના રાગનું ભાવવાહી ભક્તિ ગીત બજી રહ્યું હોય તો ચિત્તની પ્રસન્નતા ચરમસીમાએ પહોંચી જાય. નૂતન વર્ષે મા જગદંબાની ઉપાસના કરી બસ, એટલું જ પ્રાર્થીએ કે, રક્ષા કરો હે મા જગદંબા ભવાની. વૈિશ્વક સ્તરે માહૌલ અસુરક્ષિતતાનો હોય, ડગલે ને પગલે અસલામતીની ભાવના કોરી ખાતી હોય એ સંજોગોમાં અંબામાની આરાધના મનને પરમ શાંતિ આપે. મા આપણાં જીવનમાં જ્ઞાનનો અજવાસ ફેલાવે, નીરક્ષીરનો વિવેક પારખવાની શક્તિ આપે એ જ પ્રાર્થના આપણે કરવાની છે.

રક્ષા કરો જગદંબા … સ્તુિતના રચયિતા અને સ્વરકાર છે સુપ્રસિદ્ધ સંગીતકાર નિનુ મઝુમદાર. ‘ઓલ ઇન્ડિયા રેડિયો’ મુંબઈ માટે નિનુભાઇએ ૨૦ વર્ષ સુધી લાઈટ મ્યુિઝક પ્રોડ્યુસર તરીકે સેવાઓ આપી હતી. ૧૯૫૪ની આસપાસના સમયગાળામાં રેડિયો પર નવા લોન્ચ થયેલા કાર્યક્રમ ‘વિવિધ ભારતી’ના તેઓ ઇન્ચાર્જ હતા. તેમણે ફિલ્મ અને નાટકમાં અભિનય પણ કર્યો હતો. ઉસ્તાદ ફૈયાઝખાં તથા ઉસ્તાદ ઈમામ અલી ખાનના શિષ્ય નિનુ મઝુમદાર વડોદરાના જમીનદાર કુટુંબનું સંતાન. તેમનું મૂળ નામ નિરંજન મઝુમદાર. તેમણે અનેક હિન્દી-ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. રવીન્દ્ર સંગીત જાણતા નિનુભાઇએ લોકસંગીતમાં સંશોધન કર્યું તથા સુરદાસ તેમ જ અન્ય કવિઓની રચનાઓ પણ સ્વરબદ્ધ કરી હતી. તેઓ બાંસુરી ખૂબ સારી વગાડતા હતા. ચાળીસના દાયકામાં નિનુભાઈનો અવાજ હિન્દી ફિલ્મોમાં પહેલીવાર સાંભળવા મળ્યો. સરદાર અખ્તર સાથે ફિલ્મ ‘ઉલઝન’માં, અમીરબાઈ કર્ણાટકી સાથે ‘પરિસ્તાન’માં અને મીના કપૂર સાથે ફિલ્મ ‘ગોપીનાથ’માં તેમણે ગીતો ગાયાં છે. રાજ કપૂરની સૌપ્રથમ ફિલ્મો ‘જેલયાત્રા’ અને ‘ગોપીનાથ’માં તેમણે સંગીત નિર્દેશન કર્યું છે. ફિલ્મ ‘ગોપીનાથ’ માટે એમણે લખેલું ગીત આઈ ગોરી રાધિકા.. શબ્દોમાં ફેરફાર કરીને એ જ ટ્યુન સાથે ફિલ્મ ‘સત્યમ્ શિવમ સુન્દરમ’માં યશોમતી મૈયા સે બોલે નંદલાલા તરીકે લેવામાં આવ્યું હતું. તેમણે કેટલાં ય સંગીતરૂપકો અને સંગીતનાટિકાઓ માટે ગીતો લખ્યાં છે. ટેલિવિઝન માટે તૈયાર કરેલા બાલનાટક ‘જલપરી’માં આજના જાણીતાં કલાકારો દર્શન જરીવાલા અને સુજાતા મહેતાએ અભિનય કર્યો હતો. આધ્યાત્મિકતા સાથે આધુનિકતાનું અનોખું સંયોજન નિનુ મઝુમદારમાં હતું.

તેમનાં સૌથી મોટાં દીકરી રાજુલબહેન ખૂબ સરસ ગાતાં હતાં. ખાસ એમના માટે જ નિનુભાઈ કેટલાંક ગીતો તૈયાર કરતા. આ ગીતોમાંનું એક એટલે રક્ષા કરો જગદંબા ભવાની. રાજુલ મહેતા માટે પિતા નિનુભાઈ હંમેશાં ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બની રહ્યા હતા. રાજુલ મહેતા કહેતાં કે મારા પિતા શ્રી નિનુ મઝુમદાર સુધારાવાદી હતા. એમનામાં ધાર્મિકતા ક્યાં ય નહીં છતાં, સાહિત્ય-સંશોધનની દૃષ્ટિએ એમણે કેટલા ય ધર્મગ્રંથો વાંચ્યા હતા અને ભજનો પણ લખ્યાં. રાજુલબહેનના અવાજમાં રક્ષા કરો સાંભળવું એ અનેરો લ્હાવો છે. શિવાંગી નીરવે પણ આ ગીત ખૂબ સરસ ગાયું છે. પરંતુ, ગીતનાં મૂળ ગાયિકા રાજુલ મહેતા. રાજુલબહેનનો કંઠ એટલે બુલંદ સાહજિક અને હૃદયસ્પર્શી. કેટલાક લોકો રાજુલબહેનને તેમની ગાવાની આગવી શૈલી અને તેમણે ગાયેલા અપ્રતિમ ગીતો રક્ષા કરો જગદંબા ભવાની તથા મેં તો રંગ્યો હતો … નાં ગાયિકા તરીકે જ ઓળખે છે, કારણ કે પ્રકૃતિએ તેઓ થોડા શરમાળ અને પ્રસિદ્ધિથી દૂર રહેનારાં હતાં.

અગ્રગણ્ય સંગીતકારોનાં ગીતો ગાનાર રાજુલ મહેતા રાસ ગરબાના કાર્યક્રમો કરતાં, કચ્છ-સૌરાષ્ટ્ર, રાજસ્થાનનાં લોકગીતો ખૂબ તળપદી લહેકા સાથે ગાતાં તેમ જ ગંગા સતી, ઓખાહરણ જેવી કેટલીક ગુજરાતી ફિલ્મોમાં પોતાનો કંઠ પણ આપ્યો હતો. દસેક વર્ષ પહેલાં અવસાન પામેલાં રાજુલબહેને તેમની સાથેની એક મુલાકાતમાં કહ્યું હતું કે આપણે ત્યાં બાળગીતો, યુવાન કન્યાનાં ગીતો લખાય છે પણ કિશોર અવસ્થાનાં ગીતો ભાગ્યે જ લખાય છે. હું કિશોર અવસ્થામાં હતી ત્યારે પપ્પાને લાગ્યું કે મુગ્ધ વયની છોકરીના મનોગતને વ્યક્ત કરતાં ગીતો પણ લખાવા જોઈએ અને એમણે એક સુંદર ગીત લખ્યું હતું, આ મોજું ફરી વળ્યું સુંવાળપનું, મને આવ્યું છે રેશમી સપનું. રાજુલ મહેતાનો અવાજ ઘૂંટાયેલો અને લો પીચનો હતો. પશ્ચિમના સંગીતમાં સ્ત્રી-પુરુષના અવાજને અમુક ચોક્કસ વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે જેમ કે સ્ત્રીઓના અવાજમાં કોન્ટ્રાલ્ટો એટલે એવો અવાજ કે જેમાં પીચ નોર્મલ હોય અને કલાકાર એક પણ સ્વર ઊંચો ના ગાય. રાજુલ મહેતાનો અવાજ આ પ્રકારનો હતો. લતાજીનો અવાજ સોપ્રાનો પ્રકારનો કહેવાય, જેની રેન્જ ખૂબ ઊંચી હોય અને અવાજ પાતળો હોય. પહેલાંના સમયમાં પાતળા અવાજની જ બોલબાલા હતી ત્યારે રાજુલબહેનનો અવાજ જુદી જ તાજગી લઈને આવ્યો હતો.

વાગ્ગેયકાર પિતા નિનુ મઝુમદાર વિશે વાત કરતાં જાણીતાં અભિનેત્રી મીનળ પટેલ આ ગીત સાથેની સ્મૃિતઓ વાગોળતાં કહે છે કે મારા પિતા ધાર્મિક વૃત્તિ ધરાવતા નહોતા કે વિધિ-વિધાનમાં માનતા ન હતા, પરંતુ નાગર પરંપરામાં ઊછર્યા હોવાને કારણે એમણે માતાજી અને શિવની કેટલીક સુંદર સ્તુિતઓ રચી છે, જેમાં રક્ષા કરો જગદંબા ભવાની ખૂબ લોકચાહના પામી છે. નિનુભાઈનાં દીકરી સોનલ શુક્લએ આ ગીતના સંદર્ભમાં જણાવ્યું કે, "રાજુલ બહેન શાસ્ત્રીય સંગીત શીખતાં હતાં ત્યારે પપ્પાને જુદા જુદા રાગ સંભળાવતાં. એમાં પપ્પાને ગુજરી તોડી રાગ અસર કરી ગયો ને આ ગીત સર્જાઇ ગયું. રાગ તોડી ઉદાસ ભાવ વ્યક્ત કરતો હોવાથી શરૂ શરૂમાં તો આ ગીત સાંભળીને મને રડવું જ આવતું હતું.

સોનલબહેનની વાત બિલકુલ સાચી છે. રાગ તોડી આધારિત મોટા ભાગનાં ગીતોમાં વિષાદ ભાવ પ્રગટ થાય છે. જેમ કે, જગજિત-ચિત્રાની એક સુંદર ગઝલ મિલકર જુદા હુએ તો ન રોયા કરેંગે હમ, મુકેશજીનું મૈં તો એક ખ્વાબ હૂં અને આશાજીનું ગીત જૂઠે નૈના બોલે, સાંચી બતિયાં … ઉદાસીન ભાવ વ્યક્ત કરતાં ગીતો છે. જગજિત સિંહને તો આ રાગ એટલો પ્રિય છે કે એમણે અડધો ડઝન ગઝલ રાગ તોડીમાં સ્વરબદ્ધ કરી છે, જે સાંભળીને આંખમાંથી આંસુ ન વહે તો જ નવાઈ. કવિ કનુભાઈ સૂચકે લખેલું અને સંગીતકાર સ્વ. મોહન બલસારાએ સંગીતબદ્ધ કરેલું રાગ તોડી પર આધારિત એક ગીત, એકવાર ગોકુળ છોડી ગયા ને, પાછા ન આવ્યા ઘનશ્યામ …માં પણ વિષાદભાવ પ્રગટે છે. રાગ તોડીમાં અપવાદરૂપ ગીત એક જ છે ભીની ભીની ભોર, ભોર આઈ …! જેની વાત આપણે ઉપર કરી. સ્વરોની અદ્ભુત ગૂંથણીને લીધે એ ગીત ઊર્જાસભર લાગે છે. સંગીતકારો-ગાયકો માટે આ રાગ પડકારજનક રહ્યો હોવા છતાં ગાન સરસ્વતી કિશોરી આમોનકરે થોડાં વર્ષો પહેલાં દિવાળી મોર્નિંગ કોન્સર્ટમાં આ રાગ ગાઈને શ્રોતાઓને દૈવી અનુભવ કરાવ્યો હતો. સ્વર યોગિની ડૉ. પ્રભા અત્રે તથા ઉસ્તાદ અમીરખાં સાહેબનો ગાયેલો તોડી અવર્ણનીય છે, તો ગુજરાતી ભાષાનાં સર્વાંગસુંદર ગીતોમાં અગ્રગણ્ય સ્થાન ધરાવતું રક્ષા કરો … ગીત પણ પ્રાત:કાલીન રાગોનાં સદાબહાર ગીતોમાં હકપૂર્વક બેસી શકે એવું સુમધુર છે. નવા વર્ષે આ કર્ણમંજુલ સ્તુિત રક્ષા કરો જગદંબા … આપણાં સૌનાં જીવનમાં સુખ-સમૃદ્ધિ, શાંતિ અને સુરક્ષિતતા લાવે એવી ‘હૈયાને દરબાર’ના વહાલા વાચકોને સુરીલી શુભકામનાઓ અને નૂતન વર્ષાભિનંદન. આ ગીત આજે જ સાંભળી લેજો, સવાર સુધરી જશે.

————————–

શરણ્યેે વરણ્યે સુકારણ્યપૂર્ણે હિરણ્યોદરાદ્યૈરગમ્યેતિ પુણ્યે
ભવારણ્યભીતં ચ માં પાહિ ભદ્રે, નમસ્તે નમસ્તે નમસ્તે ભવાનિ

રક્ષા કરો જગદંબા ભવાની
નિશ દિન રટું હું તો અંબા અંબા અંબા

વર્ણ વિવર્ણ વિવિરમે વાણી
ચૌદ ભુવનની હે મહારાણી
નિસદિન રટું હું તો અંબા અંબા અંબા

અંતરમાં તું અંતરયામી
વિશ્વ સ્વરૂપે વિશ્વ સમાણી
ખમ્મા તમને માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા
રક્ષા કરો જગદંબા ભવાની

• કવિ-સંગીતકાર : નિનુ મઝુમદાર  • ગાયિકા : રાજુલ મહેતા

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 15 નવેમ્બર 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=442999

Loading

...102030...2,9762,9772,9782,979...2,9903,0003,010...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved