Opinion Magazine
Number of visits: 9685939
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઘેરિયા નૃત્ય અને ગીતો

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|20 November 2018

આજે સવારસવારમાં, એક અગત્યનું દસ્તાવેજી પુસ્તક મળ્યું. વાસ્તવમાં હું રાહ જોતી જ હતી. ડો. ઈશ્વરચન્દ્ર દ્વારા શબ્દાંકિત, સીએ વિનોદભાઈ દેસાઈ દ્વારા ગરબાગીતો સંકલિત, સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત, આ પુસ્તક સોમનાથ મંદિર પ્રાંગણ, બીલીમોરામાં પચીસ વર્ષથી (૨૫) આયોજિત ઘેરૈયા સ્પર્ધા નિમિત્તે પ્રાપ્ય બન્યું છે. ડો. જયાનંદ જોષીની પૂરક માહિતી પણ પુરવણી રૂપે સામેલ છે. ૯૬ પાનાંમાં ૧૪ પ્રકરણ અને ૪ પુરવણીના સંચયમાં ઘેરૈયા નૃત્ય, ગીતો અને ગરબાની ઝાંખી મળે છે.

દક્ષિણ ગુજરાતની સાંસ્કૃિતક ઓળખ કઈ એમ પુછાય તો એમાં ઘેરૈયા નૃત્ય-ગરબાનું નામ ઝટ યાદ આવે. આદિવાસીઓ અને માછીમારોની સાંસ્કૃિતક ઓળખ પણ છે જ. એમ તો અનાવિલ, પારસી, જૈન સંસ્કૃિતની પણ વિશિષ્ટતાઓ વણાયેલી છે. એ પાસાને ધ્યાનમાં રાખીને જ વાત કરવી જોઈએ છતાં કહેવું જોઈએ કે દક્ષિણ ગુજરાતમાં હજી સંશોધનનો ઘણો અવકાશ છે.

આજે તો આ સંકલનમાં સમાવિષ્ટ સામગ્રીની વાત કરીએ. ઘેરૈયા નૃત્ય છે તો સાથે ગરબા, ગીત અને હાસ્યરસ સભર નૌટકી પણ છે. પારણાંથી પાલખી સુધીની યાત્રાની ઝલક પણ છે. સરળ લોકપ્રિય લોકગીતો – ગરબા સાથે એમાં, નિજી સંવેદનાઓ, હાસ્ય, માગણી, વ્યંગ, કટાક્ષ, રૂદન  સમેત ગીતો – પવાડા – ગરબા ગવાય છે, જેમાં પારણું, લહેરિયું, ઝેરિયું સામેલ છે. વિશિષ્ટતા એ છે કે એમાં પુરુષો સ્ત્રીઓનો વેશ પરિધાન અને સાજશણગાર કરે છે. સ્ત્રીઓ એમાં સામેલ થતી નથી.

પરશુરામના સમયથી એના મૂળ શોધવાનો પ્રયાસ અહીં દેખાયો છે. એને યુદ્ધમાં જતાં લશ્કરીઓ સાથે પણ સાંકળીને જોવાય છે કારણ કે એમના ગાયનમાં એ વાત આવે છે. જેમ કે લશ્કર કોનું કહેવાય રે? પુસ્તકમાં ઉલ્લેખ જોવા મળ્યો નહીં પરંતુ ઘેરૈયા માટે મને જાણ છે ત્યાં સુધી ઘેરૈયા આગળ જ જાય, એક વાર તમારા ઘર પાસેથી પસાર થઈ જાય તો પાછળ ફરીને આવીને નહીં. કારણ એ કે તેઓ યુદ્ધમાં પીછેહઠ ન કરે. તે રીતે ઘેરૈયા મોટાભાગે હાળી હોય. ધણિયામાના વેવાઈઓને ત્યાં ‘ઘેર’ લઈને જાય અને દીકરીની ભાળ કાઢી આવે. ત્યાં વેવાઈએ કેટલું દાપું  આપ્યું અને કેવું સ્વાગત કર્યું તે ઉપરથી પરખ કરે! જો કે મારા માટે આ સંશોધનની બાબત છે. પુસ્તકમાં ગરબાના વિશ્લેષણ દ્વારા વેવાઈને ત્યાં જવાની વાત છે. શેઠની મનોવૃત્તિને આંકવાની વાત પણ છે. પારિવારિક સંબંધની વાત તો ઘૂંટી ઘૂંટીને કહેવાયેલી છે. મનોરથો પૂરા કરવા બાધા રાખવી અને ખાસ કરીને પુત્ર થકી વંશવેલો વધે તે આશા માટે પારણુંથી શરૂઆત થાય. આનંદ અવસર અને લગ્ન જેવા રૂડા પ્રસંગે ઘેર બોલાવવી, નવરાતમાં ગરબા ગાવા, દિવંગતની યાદમાં તાર મારવો અને અંતે દાપુ માંગી ‘ઘેર વધાવવા’ સુધીના પ્રક્રિયાનું વ્યવસ્થિત દાખલાદલીલ સાથે આલેખન કરવાની ચીવટાઈ અહીં નજરે ચડે છે.

વાપીથી તાપી સુધીમાં વસેલા હળપતિઓનાં મૂળ સમેત ઓળખ અહીં આપી છે. દુર્વલ – વટવાળા, વળે નહીં તેવા, અને દુર્બલ એટલે કે દૂબળાં – નિર્બલ એવા બે અર્થ અહીં અભિપ્રેત છે પરંતુ એક બાજુ લશ્કરી મિજાજ અને બીજી બાજુ આજની વાસ્તવિકતાનો મેળ પાડવો થોડું કઠિન છે, પરંતુ બન્ને તર્ક અને વાસ્તવિકતા સાચા છે. આખી વાત સમજવા માટે તો પૂરું પુસ્તક વાંચવું જોઈએ.

મને અહીં એક ઉમેરણ કરવાની ઈચ્છા થાય છે. અસ્તિત્વમાં એક વાર મને અને જશવિકાને વિચાર આવ્યો કે ઘેરૈયા ગરબા લયઢાળનું સ્ત્રી કેન્દ્રિત રૂપાંતર કરવું જોઈએ. મનમાં એવું કે પુરુષો જ કેમ ગાય, અમારાથી પણ ગવાય. તે રીતે ‘પરખ’ જૂથમાં મારાં માતા ઈરાબાએ ઘેરૈયા આશીર્વચન ગીત ગવડાવવાનું શરૂ કરેલું, અને સભ્યબહેનોને એ ખૂબ ગમતું. ઈરાબા પાસે એમાં પણ સમાનતાનું ઉમેરણ કરવા મેં પ્રયાસ તો કરેલો જેમાં આશિક સફળતા મળેલી.

ઘેરૈયા લોકનૃત્ય પ્રકાર અદ્રશ્ય થવાને આરે હતો અને એને જીવતદાન આપવામાં સીએ વિનોદભાઈ દેસાઈ, ડો. ઈશ્વરચન્દ્ર દેસાઈ, સોમનાથ ટ્રસ્ટના સંચાલકો સક્રિય થયા અને પરિણામ સામે છે. વયોવૃદ્ધ ગાંધીવાદી ડો. ઈશ્વરચન્દ્ર દેસાઈ અનાવિલ સર્વસંગ્રહ જેવો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પણ સાકાર કરવા પ્રતિબદ્ધ છે એની હું પણ સહભાગી છું, તેનો મને આનંદ છે કારણ કે એ અલગ દ્રષ્ટિકોણ ધરાવે છે જેમાં સંકુચિતાપણું નથી, પરંતુ ગુણઅવગુણ, લાક્ષણિકતાઓ, સામાજિક – શૈક્ષણિક – સાંસ્કૃિતક ‘ગતિપ્રગતિ, અધોગતિ’  સમજવાનો પ્રયાસ છે.

આ પુસ્તકને આવકારતા આનંદ થાય છે.

Loading

ઈતિ થઈ આવ્યા કરે છે અલમ્ યંત્રવત્

પંચમ શુક્લ|Poetry|20 November 2018


વેદના પ્રસવ્યા કરે છે અગમ યંત્રવત્
લેખકો ઢસડ્યા કરે છે કલમ યંત્રવત્
ઘા વકરશે કે રુઝાશે નથી જાણ કંઈ,
ચાકરો ચોળ્યા કરે છે મલમ યંત્રવત્
શોષિતો વેઠી રહ્યા છે અકળ યંત્રણા,
શાસકો બજવ્યા કરે છે હુકમ યંત્રવત્
કાટલું પચતું નથીની ફિકર ના રહી,
ઓસડો પચવ્યા કરે છે હજમ યંત્રવત્
કાનુડે લીલા કરીને લીધી અલવિદા,
નર્તકી ભજવ્યા કરે છે પદમ યંત્રવત્
એ રહી મૂંગા, નયન મેળવી નીરખે,
કેટલું બોલ્યા કરે છે સનમ યંત્રવત્
ચક્ર આ ચાલ્યા કરે છે ચરમ યંત્રવત્
ઈતિ થઈ આવ્યા કરે છે અલમ્ યંત્રવત્

17/11/2018

છંદોલયઃ ગાલગા ગાગા લગાગા લગા ગાલગા

યંત્રણા: નિયંત્રણ, પીડા, તકલીફ, વેદના, વ્યાધિ, ગોઠવણ, વ્યવસ્થા, કાર્યવાહકતા.

હજમ: પચી ગયેલું, જરી ગયેલું, ઉચાપત કરેલું

પદમ: A particular type of musical form or composition (sabhaa gaanam), meant for dance, that brings out the relationship of naayaka-naayaki (hero and heroine) as well as tOzhi (close friend) to tell important truths. In Telugu, padams often have Lord Krishna as the naayaka, while Tamil padams often have Lord Subramanya (Murugan) as their naayaka.

ચરમઃ છેલ્લું, ઊંચી કક્ષાએ રહેલું, અંતનું, છેવટનું, અંતિમ, સૌથી મોટું

ઈતિઃ આપત્તિ; સંકટ; આફત દૈવકોપ. છ ઈતિનાં નામ: (૧) અતિવૃષ્ટિ, (૨) અનાવૃષ્ટિ, (૩) તીડ, (૪) ઉંદર, (૫) પક્ષીઓની અધિકતા અને (૬) બીજા રાજાની ચડાઈ.

ઈતિ સાત પણ કહેવાય છે: (૧) સ્વચક્રભય, (૨) પરચક્રભય, (૩) અતિવૃષ્ટિ, (૪) અનાવૃષ્ટિ, (૫) ઉંદર, (૬) તીડ, (૭) શુક.

અલમ્: જોઇયે તેટલું, પૂરતું, ફોગટ, નકામું, વ્યર્થ, શક્તિવાળું, સમર્થ

Loading

જે લોકો વ્યવસ્થાપરિવર્તન વિશે એક શબ્દ નથી બોલતા અને સ્વર્ગ ધરતી પર લઈ આવવાની વાતો કરે છે એ બધા જ ફેંકુ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|19 November 2018

છત્તીસગઢમાં રાયગઢ અને અન્યત્ર ચૂંટણીસભાઓને સંબોધતા કૉન્ગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું કે છત્તીસગઢમાં જો કૉન્ગ્રેસ સત્તામાં આવશે તો ગણી રાખજો, દસ દિવસમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે એ માટેના પૈસા વિજય માલ્યા, નીરવ મોદી, અનિલ અંબાણી જેવા દેશની તિજોરી લૂંટી જનારાઓના ખિસ્સામાંથી ઓકાવીને કાઢવામાં આવશે. એ પછી તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કઈ રીતે ખોટાં વચનો આપે છે એની યાદી ગણાવી હતી. રાહુલ ગાંધીએ પોતે વચનો પાળવામાં કેટલા પ્રામાણિક છે તેનાં પ્રમાણ તરીકે તેમણે મનરેગા, માહિતીનો અધિકાર, જમીન સંપાદન ધારો, અન્નનો અધિકાર જેવાં ઉદાહરણ આપ્યાં હતાં.

છત્તીસગઢમાં કૉન્ગ્રેસ સત્તામાં આવશે તો ખેડૂતોનું દેવું તો જાણે માફ કરી દેવામાં આવશે. એન.પી.એ.ના ગંજાવર ધોવાણ પછી ખેડૂતોનાં દેવાં તો કોઈ વિસાતમાં નથી. હવે હસમુખ ગાંધીની ભાષામાં કહીએ તો ચશ્મિષ્ટ અર્થશાસ્ત્રીઓ ખેડૂતોને આપવામાં આવતી સબસિડી અને કર્જમાફી એ ખોટનું અર્થશાસ્ત્ર (બેડ ઇકોનોમી) છે, એવી દલીલો કરતા બંધ થઈ ગયા છે. કયા મોઢે કરે જ્યારે ફાયદાકારક અર્થશાસ્ત્ર (ગુડ ઇકોનોમી) એ દેશને ઉઠાડી મૂક્યો છે તે ત્યાં સુધી કે નાણા પ્રધાન રિઝર્વ બેન્કની મરણમૂડી પર નજર કરી રહ્યા છે. બીજું, ખેડૂતો પણ ક્યાં કરજ ફેડવાના છે? એક તો ભારતમાં ખેતીવ્યવસાય ખોટમાં છે એટલે તેઓ ઈચ્છે તો પણ કરજ ફેડી શકે એમ છે નહીં, અને ઉપરથી મોટા ચોરોએ ચોરીને સદગુણ તરીકે સ્થાપી આપ્યો છે. આજકાલ ખેડૂતો કહે છે કે જાવ પહેલાં નીરવ મોદી પાસેથી પૈસા લેતા આવો અને પછી અમારા ઊભા પાકની જપ્તી કરો કે બળદ લઈ જાઓ.

જે વાત ખેડૂતો જાણે છે એ વાત રાહુલ ગાંધી નથી જાણતા? જાવ નીરવ મોદી પાસેથી પૈસા લઈ આવો એમ જ્યારે ખેડૂતો અને સામાન્ય માણસો કહે છે ત્યારે તેમને ખાતરી છે કે આપણા શાસકોની માલ્યા-મોદીના ખિસ્સામાંથી પૈસા ઓકાવવાની ત્રેવડ નથી. નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં ત્રેવડ વિનાનાં વચનો આપ્યા હતાં અને આજે બિચારાની ઠેકડી ઉડાડવામાં આવે છે. નરેન્દ્ર મોદી એક મોટો ગુણ ધરાવે છે; આંખનું મટકું પણ માર્યા વિના, આંખમાં આંખ પરોવીને, પૂર્ણ આત્મવિશ્વાસ સાથે ફેંકવાનો એ ગુણ છે. મોદીના આત્મવિશ્વાસને જોઇને લોકોએ તેમના દરેક  ગપ્પાને સાચા માની લીધાં હતાં. આજે લોકો નરેન્દ્ર મોદીનો ચૂંટણીપ્રચારનો વહીવંચો વાંચીને ઠોકે છે અને ઠેકડી ઉડાડે છે. અમેરિકામાં ‘વોશિંગ્ટન પોસ્ટ’ નામનું અખબાર ટ્રમ્પના જુઠાણાઓનો દૈનિક આંકડો છાપે છે. ટ્રમ્પ ચાર હજારનો આંકડો વટાવી ગયા છે.

જે લોકો વ્યવસ્થા પરિવર્તન વિશે એક શબ્દ નથી બોલતા અને સ્વર્ગ ધરતી પર લઈ આવવાની વાતો કરે છે, એ બધા જ ફેંકુ છે. હિંમત હિંમતમાં ફરક છે, બાકી પદારથ એક જ છે; અસત્ય. ૨૦૧૪માં આ મોરચે નરેન્દ્ર મોદીની તુલનામાં રાહુલ ગાંધી વામણા સાબિત થયા હતા. નરેન્દ્ર મોદીને અનુસરીને જો રાહુલ ગાંધી એમ માનતા થયા હોય કે ફેંકવાથી મત મળે છે તો તેઓ મોટી ભૂલ કરી રહ્યા છે. મત તો કદાચ મળી જશે, સત્તા પણ મળે; પરંતુ સરવાળે હાસ્યાસ્પદ સાબિત થશે.

ખેડૂતો અને સામાન્ય માણસો બેન્કોની લોનની પરતફેડ નથી કરતા ત્યારે તેમને ખબર છે કે સમસ્યા વ્યવસ્થાની છે અને જ્યાં સુધી વ્યવસ્થા નહીં સુધરે ત્યાં સુધી બસો ઈંચની છાતી હોવાનો દાવો કરનારો હોય કે બીજો કોઈ, દંડવાનું તેમનું ગજું નથી. રાહુલ ગાંધી વિજય માલ્યા, નીરવ મોદી, અનિલ અંબાણીના પેટમાંથી પૈસા ઓકાવવાની વાત કરે છે તો એને માટે પરિણામકારક વ્યવસ્થા જોશે.

ચુસ્ત દુરુસ્ત શાસકોના દબાણમાં ન આવે એવી તપાસકર્તા એજન્સીઓ જોશે. કૉન્ગ્રેસના દિવસોમાં સી.બી.આઈ.ની કેવી અવસ્થા હતી અને કેટલી સ્વતંત્ર હતી એ આપણે ક્યાં નથી જાણતા! સી.બી.આઈ.ના ભૂતપૂર્વ ડાયરેક્ટર રણજિત સિંહા રાતના અંધારામાં તેમના સત્તાવાર નિવાસસ્થાનની લોગબુકમાં એન્ટ્રી કરાવ્યા વિના સત્તાના દલાલોને મળતા હતા એ યુ.પી.એ. – ૨ (૨૦૦૯-૨૦૧૪) સરકારના વખતની ઘટના છે. ચોરના ખિસ્સામાંથી પૈસા કઢાવવા હશે તો ચુસ્ત દુરુસ્ત ન્યાયતંત્ર જોશે. સમયસર ચુકાદાઓ આવે અને ચોર લોકો ન્યાયતંત્રને ચકરાવામાં ન નાખે એ માટે ન્યાયતંત્રમાં સુધારાઓ કરવા પડશે. બેન્કોને કોઈ નવડાવે નહીં એ માટે બેન્કિંગ સુધારાઓ કરવા પડશે. ડિફોલ્ટર અને વિલફુલ ડિફોલ્ટર (સંજોગોવશાત્ ઊઠી જનાર અને જાણીબૂજીને ઊઠી જનાર)માં ભેદ પાડવો પડશે અને તેની સ્પષ્ટ વ્યાખ્યા કરવી પડશે. નાદારીને લગતા કાયદા સુધારવા પડશે. કોઈ નાસી ન જઈ શકે એની તજવીજ કરવી પડશે અને એ પછી પણ જો કોઈ નાસી જાય તો દુનિયાના દેશો સાથેની પ્રત્યાર્પણની સંધિઓમાં સુધારાઓ કરવા પડશે. સ્થાનિક પોલીસથી લઈને સી.બી.આઈ. અને રૉ સુધીની સંસ્થાઓ વચ્ચે તાલ-મેલ વધારવો પડશે. લોકાયુક્ત લોકપાલની નિયુક્તિ કરવી પડશે. રામરાજ્યનો માર્ગ ક્યાંથી પસાર થાય છે એ બધાને ખબર છે, કરવું કોઈને નથી.

કુલ મળીને લગભગ બે ડઝન સુધારાઓ કરવા પડે એમ છે. એ સુધારાઓ જ્યારે થશે ત્યારે તંત્ર આપોઆપ લોકોની સુરક્ષા કરશે, આપોઆપ દેશના પૈસાની સુરક્ષા કરશે, છીંડાં બુરાઈ ગયાં હશે એટલે કોઈ છટકી નહીં શકે, ગુનેગારને પકડી પડાશે અને દંડી શકાશે. એ પછી દેશને કોઈ ભડવીર માંગણાવાળાની જરૂર નહીં પડે, ૧૫ ઈંચની છાતી ધરાવનારો નિર્બળ શાસક પણ સફળ શાસન આપી શકશે. શાશનની ગુણવત્તા શાસનવ્યવસ્થામાં છે અને શાસનવિધા એ કુસ્તીવિધા નથી. આપણને સાથળને થપથપાવનારાની નહીં, વ્યવસ્થા સુધારી આપનારાની જરૂર છે.

જે કોઈ નેતા, જે કોઈ પક્ષનો હોય, ગમે એવી ગર્જના કરતો હોય; જો એ વ્યવસ્થા સુધારવાની બાબતે કાંઈ જ ન બોલતો હોય અને પાછો પ્રજાની સુખાકારી વિશે વાયદા કરતો હોય તો એને ફેંકુ સમજવો. આ ફેંકુની સીધીસાદી વ્યાખ્યા છે. રાહુલ ગાંધીએ છત્તીસગઢની જાહેરસભાઓમાં માલ્યા-મોદી-અંબાણીના ખિસ્સામાંથી પૈસા કઢાવવાની વાત કરી છે એ એક ગપ્પું છે. તેમણે વ્યવસ્થા વિશે હરફ નથી ઉચાર્યો. કોઈ પણ જાહેરસભામાં કે મંચ પરથી બોલતા રાહુલ ગાંધીને વ્યવસ્થા પરિવર્તન વિશે બોલતા હજુ સુધી તો સાંભળ્યા નથી. ટૂંકમાં નરેન્દ્ર મોદીનું અનુકરણ કરવામાં કોઈ ફાયદો નથી. એ હાસ્યાસ્પદ નિવડવાનો માર્ગ છે. અનુસરવા માટે રાહુલ ગાંધી પાસે તેમના પરદાદા જવાહરલાલ નેહરુનું ઉદાહરણ ઉપલબ્ધ છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 19 નવેમ્બર 2018

Loading

...102030...2,9732,9742,9752,976...2,9802,9903,000...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved