Opinion Magazine
Number of visits: 9578373
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાસિર કાઝમી

દીપક બારડોલીકર|Opinion - Literature|23 October 2018

 

ઢુંઢેંગે લોગ મુઝ કો હર મહફિલે-સુખન મેં
હર દૌરે કી ગઝલ મેં મેરા નિશાં મિલેગા

આ શેર છે, જીવાતા સાથે તાલ મિલાવી ચાલનારા અને સમયના કણેકણની ધબક ઝીલવાનો પ્રયાસ કરનારા અને પોતાના અનોખા રંગે ગઝલને સજાવનારા એક મુર્ઘન્ય શાયર નાસિર કાઝમીનો. તેમણે સાચું કહ્યું છે અને અધિકારપૂર્વક કહ્યું છે કે ગઝલના પ્રત્યેક દૌરમાં તેમની તલાશ જારી રહેશે. લોકો તેમની કમી અનુભવશે, કહેશે ‘કાશ આજ નાસિર હોતા !’

કેમ નહીં ! લોકો તેને કેમ ન સંભારે કે જે જનારાઓની સારાઈ, તેમના ગુણ ગાવાનું, તેમને સંભારીને આંખો ભીની કરવાનું ચુક્યો નથી !

રોનકેં થીં જહાં મેં કયા-કયા કુછ
લોગ થે રફ્તગાં મેં કયા-કયા કુછ

યાને રફ્તગાંમાં − જનારા, મૃતકોમાં કેવા કેવા ગજાના માણસ હતા ! તેમના હોવાથી વિશ્વમાં એવી રોનક હતી કે જે વર્ણવી શકાતી નથી. તેમના દમથી એક ભરપૂર વસંત હતી અને તે ગયા તે પતઝડ ઘેરી વળી છે. માળો ય બળી ગયો છે. નાસિરના શબ્દોમાં કહીએ તો :

ક્યા કહૂં અબ તુમ્હેં ખિંઝાવાલે
જલ ગયા આશિયાં મેં ક્યા−ક્યા કુછ

માળો તો બળી ગયો.  પણ માળા ભેગું અન્ય શું શું બળી ગયું તે હું કેમ સમજાવું ! ઇચ્છા બળી ગઈ, આશા બળી ગઈ. સીટનાં બળી ગયાં, બધું જ રાખ થઈ ગયું ! કંઈ બચ્યું નથી ! જેમને જોઈને અમે જીવતા હતા તે પણ નથી.

જિન્હેં હમ દેખ કર જીતે થે ‘નાસિર’
વહ લોગ આંખોં સે ઓઝલ હો ગયે હૈં

આ શાયર નાસિર કાઝમીની જન્મભૂમિ અંબાલા (પંજાબ). તેઓ રોયલ ઇન્ડિયન આર્મીના એક સૂબેદાર મેજર મુહમ્મદ સુલતાનના સુપુત્ર હતા. અંબાલામાં એમનો જન્મ 1925માં થયેલો. પિતા લશ્કરી અધિકારી હતા. અને રેજિમેન્ટોનું સ્થળાંતર થતું રહેતું હોવાથી, તેમનો વિદ્યાભ્યાસ અંબાલા, લાહોર, પેશાવર વગેરે શહેરોની નિશાળોમાં થયો હતો બી.એ. સુધીનો અભ્યાસ ઘણું કરીને લાહોરની ગવર્મેન્ટ કોલેજમાં કર્યો હતો. પણ કહે છે કે પરીક્ષા આપી શક્યા ન હતા.

કોલેજમાંથી નીકળ્યા તો એક સામયિક ‘અવારાકે નવ’નું તંત્રીપદ મળી ગયું. બાદમાં 1952થી 57 સુધી એક બીજા સામયિક ‘હુમાયું’ના તંત્રીપદે રહ્યા. ‘હમ લોગ’ નામે એક પત્રિકાના નાયબ તંત્રીની હેસિયતે પણ સેવા બજાવી હતી.

એમના મિત્રો ઘણા હતા. હનીફ રામે, મુનીર નિયાઝી, શેખ સલાહુદ્દીન, કતીલ શિફાઈ વગેરે તેમના ભાઈબંધ હતા. પરંતુ જિગરજાન દોસ્ત, એક શ્રેષ્ઠ વાર્તાકાર ઈન્તેઝાર હુસૈન હતા. કહે છે કે લાહોરના કોફી હાઉસોમાં જામતી મહેફિલોમાં નાસિરને ઘડાવાની સારી તક મળી હતી. અહીં એવા એવા જાજ્વલ્યમાન ચહેરાઓનો સંપર્ક થયો હશે કે આમ કહ્યા વિના રહી શકાય જ નહીં :

ઉસ પયકરે નાઝ કા ફસાના
દિલ હોશ મેં આયે, તો સુનાયે

પયકરે નાઝ એટલે મોટાઈમાં મસ્ત રહેનાર, સૌંદર્યનું ગુમાન રાખનાર વ્યક્તિ. હા, એમની કથા હું તમને કહું, પણ હૃદય ભાનમાં આવે તો ને ! એ સૌંદર્યઝરતા ચહેરા નિહાળીને હૃદય ઊલટપૂલટ થઈ ગયું છે !

સુંદરીની ઝુલ્ફ જોતાં સામાન્ય રીતે ઘટાનો ખયાલ આવે છે. કોઈ એની અંદર કાળી રાતને તો વળી કોઈ કાળોતરાને જુએ છે. પરંતુ આ કવિ નાસિર કાઝમી કંઈક જુદી જ વાત કરે છે :

ઉડતી હુઈ ઝુલ્ફ યું પરીશાં
જૈ સે કોઈ રાહ ભૂલ જાયે

અને જ્યારે ઝુલ્ફ, સુવાસિત ફરફરતી ઝુલ્ફ આવે ત્યારે આવું યે થાય :

ઝુલ્ફોં કે ધ્યાન મેં લગી આંખ
યૂં કૈફ હવામેં સો ગયે હમ

ઝુલ્ફ સુંવાળી હોય છે, જાણે રેશમ. આ ઝુલ્ફ હૃદયને ચલિત કરે છે, જકડે છે. અને એનો જાદુ એવો કે માણસ એક દિશામાંથી બીજી દિશામાં ચાલતો થઈ જાય છે. નાસિર સાહેબે એને જંગલની રાત પણ કહી છે :

રંગ ખુલે સહરા કી ધૂપ
ઝુલ્ફ ઘને જંગલ કી રાત

કેટલીક વાર એમ બને છે કે તોરીલા યુવાનનું હૃદય પુષ્પની માફક કોઈક સુંદરીની લટમાં બંધાઈ જાય છે. અંબોડલે બેસી જાય છે પણ ત્યાર પછી આમ પણ થાય છે કે યુવાન પ્રીત તજી દે છે. તે સુંદરીથી વેગળો થઈ જાય છે. પરંતુ શું તે સાચેસાચ વેગળો થતો હોય છે ? જુઓ નાસિર સાહેબ શું કહે છે:

ઐ દોસ્ત હમને તર્કે મુહબ્બત કે બાવજૂદ
મહસૂસ કી હૈ તેરી ઝરૂરત કભી – કભી

આ કરીબ રહેવાનો અને મનગમતા પાત્રથી વેગળા થવાનો અને પુન: તેની જરૂરત મહેસૂસ કરવાનો ખેલ એ માનવપ્રકૃતિની તાસીરો છે. આ ફિલસૂફી સમજાવતાં કવિ કહે છે :

મેરે બિસ્તર પે સો રહા હૈ કોઈ
મેરી આંખોમેં જાગતા હૈ કોઈ

હા, આવું થાય છે. માણસ ન ઇચ્છે તો પણ મન ભટકે છે. પણ પરિસ્થિતિ હંમેશાં એક સારે રહેતી નથી. ગ્રાફ ઊંચો નીચો થતો રહે છે. ક્યારેક એકદમ ઊલટ પણ થઈ જાય છે. સ્નેસંગમ હોય ત્યાં જુદાઈની ચટ્ટાન ખડકાઈ જાય છે અને એ વિરહની, જુદાઈની રાતો ? જુઓ નાસિર સાહેબ શું કહે છે :

યે શબ, યે ખયાલો – ખાબ તેરે
ક્યા ફૂલ ખિલે હૈં મુંહઅંધેરે !

શુઅલે મેં હૈ એક રંગ તેરા
બાકી હૈં તમામ રંગ મેરે

આંખો મેં છુપાયે ફિર રહા હું
યાદોં કે બુઝે હુએ સવેર

વિરહ એટલે વિરહ. આગની પથારી. દિવસે ચેન નહીં ન રાત્રે આરામ ! પ્રેયસીની કમી એવી મહેસૂસ થાય કે જીવ ફફડે અને કંઈક આવો સૂર ઊઠે છે :

કિતને બીતે દિનોં કી યાદ આઈ
આજ તેરી કમી મેં ક્યા કુછ થા

રાતભર હમ ન સો સકેં ‘નાસિર’
પરદએ ખામૂશી મેં ક્યા કુછ થા

નાસિર કાઝમી એક એવો શાયર છે જેણે દેશની ખૂનખરડી આઝાદી અને એ સમયની માનવ હેવાનિયત સગી આંખે જોઈ હતી. આશરા માટે ભટકતા કાફલા, ખૂનરેજી, વસ્તીઓની પાયમાલી અને ભભૂકતી જ્વાળાઓનું બહુ નજીકથી નિરીક્ષણ કર્યું હતું. આ એવી ભયાનકતા હતી, જેની અસરો હંમેશાં તેમનો પીછો કરતી રહી હતી. એ તાસીર હેઠળ તેમણે ઘણું લખ્યું છે. સાચું લખ્યું છે. થોડા અશઆર જોઈએ :

શહર દર શહર, ઘર જલાયે ગયે
યૂં ભી જશને-તરબ મનાયે ગયે

ક્યા કહૂં કિસ તરહ સરે બાઝાર
ઈસ્મતોં કે દિયે બુઝાયે ગયે

વક્ત કે સાથ હમ ભી ઐ ‘નાસિર’
ખરો-ખસ કી તરહ બહાયે ગયે !

***

ઝમીં લોગોં સે ખાલી હો રહી હૈ
યે રંગે આસમાં દેખા ન જાયે
***
ગલી ગલી આબાદ થી જિન સે
                           કહાં ગયે વહ લોગ
દિલ્લી અબ કે ઐસી ઉજડી
                           ઘર ઘર ફૈલા સોગ

***

તુ હી બતા તેરા બે ખનુમા કિધર જાયેં
કિ રાહ મેં શજરે સાયાદદાર ભી તો નહીં

***

મેં ભટકતા ફિરતા હું દેર સે
        યું હી શહર-શહર, નગર-નગર
કહાં ખો ગયા મેરા કાફિલા
        કહાં રહ ગયે મેરે હમસફર

આવા તો બીજા અનેક અશઆર છે, જેમાં નાસિર સાહેબે તેમની રવરવતી અનુભૂતિઓ સચ્ચાઈપૂર્વક અભિવ્યક્ત કરી છે. આ જ રીતે તેમણે સૌંદર્ય અને સ્નેહને ગાયાં છે. સામાજિક, રાજકીય, સાંસ્કૃિતક પ્રવાહો − પ્રશ્નો ઉપર પણ એમની દૃષ્ટિ રહી છે. એમની ગઝલ બંધિયાર જળાશય નથી. વહેતી સરિતા છે. જુઓ આ અશાઆર :

ચમન મેં ફિર રસનો-તૌકો-દાર કે દિન હૈં
કહાં પડે હો અસીરોં ! બહાર કે દિન હૈં

***

કુછ યાદગારે શહરે-સિતમગર હી લે ચલેં
આયે હૈં ઈસ ગલી મેં, તો પત્થર હી લે ચલેં

***

બાગ તેરા હી સહી ગુલચીં
ફૂલ મેરે હૈં, સબા મેરી હૈ

***

નાસિર કાઝમી, માથે પોતાનું આકાશ રાખીને પોતાની ધરતી પર ચાલનારા કવિ છે. તે પોતાની ધરતી ઉપર મક્કમ કદમ જમાવે છે. લોકોમાં ભળે છે. તેમના સુખદુ:ખના સાથી બને છે. તેમના વિશે વિચારે, કલમ ચલાવે છે. તેમની કવિતા માનવજીવનને સ્પર્શતી કવિતા છે.

તેમણે સરકારી નોકરી કરી હતી. 1958માં સમાજ કલ્યાણ ખાતામાં અને ત્યાર પછી રેડિયો પાકિસ્તાનના સ્ટાફ આસિસ્ટન્ટ તરીકે સેવા બજાવી હતી. 1972માં લાહોરમાં અવસાન થયું હતું. રેડિયો માટે તેમણે પુષ્કળ લખ્યું અને લેખનમાં એવા ખૂંપી ગયા હતા કે યાદ રાખવા જેવું ય ઘણું ભૂલી ગયા હતા :

રિશ્તએ-જાં થા કભી જિસ કા ખયાલ
ઉસ કી સૂરત ભી તો અબ યાદ નહીં

***

કૈસી વૈરાં હૈ ગુઝરગાહે – ખયાલ
જબ સે વહ આરિઝો-લબ યાદ નહીં

નાસિરનો પ્રથમ કાવ્યસંગ્રહ બર્ગે નૈ, 1952માં પ્રગટ થયો હતો અને ત્યાર પછી દીવાન 1972માં, પહલી બારીશ 1975માં અને નિશાતે ખાબ 1977માં પ્રગટ થયા હતા. અન્ય પુસ્તકોમાં સુર કી છાયા (પદ્યનાટક), ખુશ્ક ચશ્મે કે કિનારે (લેખો), ઈન્તેખાબે મીર, ઈન્તિખાબે નઝીર, ઈન્તિખાબે વલી, ઈન્તિખાબે ઈન્શા અને નાસિર કાઝમી કી ડાયરીનો સમાવેશ થાય છે.

હમ ને રોશન કિયા મઅમૂરએ ગમ
વર્ના હર સિમ્ત ધુવાં થા પહલે

મઅમૂરએ-ગમ એટલે ગમની વસ્તી, ગમની આબાદી. કવિ કહે છે કે અમે ગમની વસ્તીને રોશન કરી છે. નહિતર અગાઉ તો ચોમેર માત્ર ધૂમાડો હતો.

ધુમ્રગોટાઓમાં ઢંકાયેલી ગમની વસ્તીઓને રોશન કરનારા, માનવજીવનને અશઆરનો વિષય બનાવનારા અને સૃષ્ટિમાં ચાલી રહેલા રાજકીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃિતક પ્રવાહોની ધબક ઝીલનારા, કુશાગ્રદૃષ્ટિ ધરાવનારા આ શાયરને પ્રેમ અને વિષાદનું લેબલ લગાડનારા કોલમિયા વિવેચકોને જવાબ આપતાં તેઓ કહે છે :

ઉરૂજ પર હૈ મેરા દર્દ ઈન દિનોં ‘નાસિર’
મેરી ગઝલ મેં ધડકતી હૈ વક્ત કી આવાઝ

અને અંતે અગર આ શેર ન નોંધું તો નાઈન્સાફી કરી ગણાશે :

મૈંને જબ લિખના સિખા થા
પહલે તેરા નામ લિખા થા

11, Croston Terrace, Ayres Road, Old Trafford MANCHESTER M16 7FD [U.K.]

Loading

કેનેડાની કુદરતનું કામણ : ચરણ પહેલું

આશા બૂચ|Opinion - Opinion|22 October 2018

ચરણ પહેલું : રોકી પર્વતમાળા – કુદરતની કમનીય કરામત

આ વર્ષના ઉનાળામાં, કેનેડાના પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સ્થળો જોવાં જવાનું સદ્દભાગ્ય મળ્યું. ગમતું મળ્યું તેને ગુંજે ભરવાને બદલે, તેનો ગુલાલ કરવા પ્રયાસ કરું છું. પ્રયાસ શબ્દ યોજવાનું કારણ એ છે કે પ્રકૃતિએ જે અદ્દભુત રચનાઓ કરી છે, તેનું સૌંદર્ય એટલું છે કે તેને માટે ભાષાનો ગજ ટૂંકો પડે, ખુદ તસવીરો અને વીડિયો લીધેલી, તે પણ એ પ્રદેશના શાહી ઠાઠનું વર્ણન કરવા અસમર્થ નીવડે તેમ છે.

કાલગરી, કે જે 1988માં શિયાળુ ઓલિમ્પિક રમતોના યજમાન તરીકે જાણીતું થયેલ નગર, તે અમારો પહેલો પડાવ, પરંતુ ત્યાં તો માત્ર એક રાતનો વાસો, એટલે તેની તો માત્ર ઝાંખી જ થઇ. કાલગરીથી બાંફ (Banff) સુધીની બે કલાકની સફર આગળ જતાં શું જોવા મળવાનું છે, તેનાં દિવાસ્વપ્નો જોતાં પૂરી થઇ. માર્ગમાં આવતા પડાવો પર ખૂબ નાનાં, સુઘડ અને શાંત ગામડાંઓ જોવા મળ્યાં. કેનમોર (આલબર્ટા) નજદીક આવતાં જ વાદળ છાયા પર્વતોએ અમને ઘેરી લીધા. બાંફ પહોંચતાં જ હોટેલમાં સામાન મૂકીને સીધી દોટ મૂકી સલ્ફર પર્વતો પર જતી ગોન્ડોલાની સવારી કરવા તરફ. ત્યાં જતાં પહેલાં રોકીઝ પર્વતમાળાનો પ્રાકૃતિક ઇતિહાસ જાણી લેવો ઉપયોગી થશે.

વર્ષો પહેલાંની વાત છે. ઉત્તર અમેરિકાની પશ્ચિમ દિશાએથી પૃથ્વીની સપાટી ધસમસતી પૂર્વ તરફ આવી. પુરાણા મહાસાગરનાં અતલ ઊંડાણ ધરતી ઉપર ઊંચકાઈ આવ્યાં, જેનું પરિણામ તે આ Rocky પર્વતમાળા. આ પર્વતો કોઈ એકાદી અણધારી ઘટનાને કારણે પ્રગટ થયા નથી, પણ એકાદ કરોડ (100 મિલિયન) વર્ષોના ગાળા દરમ્યાન, એક પછી એક ઊભરતા ગયા. દરિયાના પેટાળમાં જે કાંપ જામી ગયેલા તે હવે પાંચ પચ્ચીસ કિલોમીટર્સ ઊંચા સખ્ત ખડકોમાં રૂપાંતરિત થયા. મહા ધધકતું શક્તિબળ ધરતીના પેટાળમાં પેદા થયું. પરિણામે ધરતીના પડ પરસ્પર સાથે અથડાયા. પશ્ચિમ તરફથી આવેલ દબાણને કારણે પૃથ્વીનું પડ પૂર્વ તરફ અને ઉપરની તરફ જવા માટે મજબૂર બન્યું. એક મહાકાય ભૂ રચનાનો ફેરફાર પેદા થયો. જેમ કે લેઈક લુઈસ પાસેની જમીન લગભગ 100 કિલોમીટર પૂર્વ તરફ ધકેલાઈ ગઈ. એમ કહી શકાય કે કોઈ અકળ ભૌગોલિક શક્તિ ભૂસ્તરીય સ્તર પર ધરતીના પડને એકબીજાં સાથે ભટકાડી ગઈ જેથી ખડકો એકબીજા પર ખડકાયા અને પર્વતો બન્યા. હજુ આજે પણ એ પર્વતોના આકારો બદલાતા રહે છે. પૃથ્વીના પડ tectonic platesને નામે ઓળખાતા ભાગમાં તૂટેલા હોય છે, જે સમયાંતરે ખસે – એકબીજાથી દૂર જાય કે એકબીજામાં ધસી જાય અને તેને પરિણામે ખડકો પર ખડકો દબાતા જાય અને પર્વતોની રચના થતી રહે. રોકી પર્વતમાળાનો ઇતિહાસ જોઈએ તો જાણવા મળે કે 390-160 મિલિયન વર્ષ પહેલાં આલ્બર્ટાનો પશ્ચિમ કિનારો જે આજે સલ્ફર માઉન્ટન તરીકે ઓળખાય છે, તે એક જમાનામાં સપાટ દરિયો હતો. ઉત્તર અમેરિકાની નીચે પેસિફિક પ્લેટ અને બીજી પ્લેટ સરકી, જેને પરિણામે દરિયા કિનારે તેના ધક્કાથી જમીન ઉર્ધ્વ તરફ ગતિ કરી ગઈ અને આ પર્વતો બન્યા. 160-100 મિલિયન વર્ષ પહેલાં ઉત્તર અમેરિકાને છેડે જમીનનો નવો ભૂ ભાગ ઉદ્ભવ્યો અને તે દરમ્યાન એ ધસારો જમીનના અંદરના ભાગ સુધી પહોંચ્યો અને આમ રોકીઝની મુખ્ય પર્વતમાળા રચાવા માંડી. 100-50 મિલિયન વર્ષ પહેલાં એ ખડકો પૂર્વ તરફ ધસતા જ રહ્યા અને Front Ranges નામે ઓળખાતી પર્વતમાળા બનતી રહી કે જેના ભાગરૂપ આ સલ્ફર પર્વતો છે.

આટલી પૂર્વ ભૂમિકા આપ્યા બાદ, અમારી સફરનાં પહેલાં ચરણની વાત માંડું. Banffની તળેટીમાં એક ગોન્ડોલા સવારી લીધી, જે અમને આઠ મિનિટમાં 7486 ફૂટ ઊંચે આવેલ અપર ટર્મિનલ પર લઇ ગઈ. અહીં સુંદર ઓબ્ઝર્વેશન ડેક અને માહિતીસભર ફોટાઓનું પ્રદર્શન છે. ત્યાં પ્રદર્શિત કરેલી માહિતી પરથી જાણવા મળ્યું કે છેલ્લા કેટલાક સૈકાઓથી ગ્લેિસયર્સની રચનામાં ઘટાડો થયો છે, એટલે વરસાદ ઓછો પડે, હિમ વર્ષા ઘટે, જેથી તાજાં પીવાનાં પાણીની તંગી થાય અને પરિણામે વનસ્પતિ અને માનવ સહિત અન્ય જીવ જંતુઓને પણ માઠી અસર થાય. વાતાવરણમાં ગરમી વધવાથી એ પ્રદેશમાં નવાં જીવો આવે, જૂનાં જીવો સાથે હરીફાઈ થાય અને જૂની જીવસૃષ્ટિ નાશ પામે. ગ્લેિસયર્સને વધતા અટકતા જોવાની નિશાની આગળ જતાં આથાબાસ્કા ગ્લેિસયર પર જાતે નિહાળી. અપર ટર્મિનલથી સેન્સન પીક પર જવા માટે લાકડાના પટ્ટાઓ બાંધીને પહોળો માર્ગ કરવામાં આવ્યો છે જે 2451 મીટરની ઊંચાઈએ આવેલ સેન્સનપીક પર પૂરો થાય. નોર્મન સેન્સન નામના ભૂસ્તરીય વિદ્યાના જાણકારે એ પ્રદેશનો નકશો બનાવવા અને ત્યાંની આબોહવાનો અભ્યાસ કરવા ત્રીસેક વર્ષમાં હજારેક વખત એ ટૂક પર જઈને કોસ્મિક રે સ્ટેશન – એક ઓબ્ઝર્વેટરી બાંધી જે 1903થી 1930 સુધી સેવાઓ આપતી રહી. ઓબ્ઝર્વેટરીમાં થતા અભ્યાસને કારણે સખત હિમવર્ષા, આગ, પૂર અને દુષ્કાળની ચેતવણી આપવાનું સંભવ બન્યું જેનાથી ખેડૂતોને વાવણી અને લલણી માટે નિર્ણયો લેવામાં મદદ થવા લાગી. એ બન્ને ટૂકો પર જતાં – આવતાં આસપાસના સલ્ફર પહાડોનાં દર્શન થયાં જેની શોભા અવર્ણીય છે.

તે સમી સાંજે કુદરતની બીજી લીલાનો અનુભવ લીધો. બાંફ નજીકની પર્વતમાળાઓ સલ્ફર ગિરિમાળાઓ તરીકે ઓળખાય છે. ત્યાં ગરમ પાણીના ઝરા – અપર સલ્ફર હોટ સ્પ્રિંગ્સ છે. લગભગ 5200 ફૂટની ઊંચાઈએ સલ્ફર, કેલ્શિયમ, બાયકાર્બોનેટ, મેગ્નેિશયમ અને સોડિયમ યુક્ત ગરમ પાણીના ઝરા વહે છે. ચાલીસ – પચાસ સહેલાણીઓ સમાઈ શકે તેવડી જગ્યામાં ગરમ પાણીના ઝરાને નાથીને એક હોજ જેવું બનાવવામાં આવ્યું છે. શરીરને ગરમ પાણીની હૂંફ મળે અને નજર સામે ધોળા ડગલા પહેરેલા પર્વતો સ્નેહથી સહેલાણીઓને આ કમાલની મોજ માણતાં જોતાં હોય એ દ્રશ્ય જોવું એ ય એક લ્હાવો છે.

બાંફના રોકાણના બીજે દિવસે ‘ડિસ્કવર બાંફ ટૂર’ કંપનીના વાહનમાં તેના જ એક માર્ગદર્શકની સાથે Athabasca glacier ગયાં. આ ગ્લેિસયર રોકીઝ માઉન્ટેનમાં આવેલ મહાકાય કોલંબિયા આઈસ ફિલ્ડનો એક ભાગ છે. કોલંબિયા આઈસ ફિલ્ડ લગભગ 2,40,000 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યાનું મનાય છે, જેનો વિસ્તાર આશરે 125 ચોરસ માઈલનો છે. ત્યાં સાત મીટર જેટલો બરફ એક ઋતુમાં પડી શકે. ઈ.સ. પૂર્વે 2,38,000 અને 1,26,000 વચ્ચે ગ્લેિસયર્સ બનવાનો અંત આવ્યો અને બરાબર એ જ અરસામાં હોમો સેપિયન્સ પૃથ્વી પર પ્રગટયા. નાનો શીત યુગ ઈ.સ. 1200થી 1900 સુધી રહ્યો. તેના જ એક ભાગ રૂપ આથાબાસ્કા ગ્લેિસયર આગળ વધતો રહ્યો, પાછળ હાથતો ગયો, અને ફરી 1840માં વધ્યો; પરંતુ ત્યાર બાદ શરૂ થયેલ પીછેહઠ હજુ ચાલે છે. હિમ નદી વિષે શાળાના અભ્યાસકાળમાં થોડી માહિતી મળ્યાનું યાદ છે, અને ક્યારેક કોઈ નેચરલ હિસ્ટ્રીના કાર્યક્રમ ટેલિવિઝન પર જોયા હોય તેમાં હિમ નદી જોયાનું ઝાંખું સ્મરણ છે, પણ કુદરતની આ અદ્દભુત રચનાની સન્મુખ થવાનો પહેલો અનુભવ. આ લગભગ 6 મીટર લાંબી, છ ચોરસ મીટરના ઘેરાવામાં પથરાયેલી હિમ નદી ક્યાંક 90 મીટર તો ક્યાંક 300 મીટર જેટલા ઊંડા બરફના થરને આરામ ફરમાવે અને અત્યંત ધીમી ગતિએ સરકતી રહે. 1920થી અત્યાર સુધીમાં આ પ્રદેશે લગભગ 600 ગ્લેિસયર્સ ગુમાવ્યા અને હવે 600 જેટલાં બચ્યાં છે જે સો એક વર્ષમાં તદ્દન અદ્રશ્ય થઇ જવાની વકી છે. અમારાં વાહનને બીજી બસીસની સાથે વાતો કરવાં મૂકીને એક મીની બસમાં બીજા પડાવ પર પહોંચ્યાં, જ્યાં ખાસ ટ્રાન્સપોર્ટરમાં સવાર થયાં. એ મહાકાય ટ્રાન્સપોર્ટરના પૈડાનો વ્યાસ એક માથોડા જેટલો હતો. તેની રચના એવી હતી કે ગ્લેિસયરની આસપાસના બરફ પર અને ગ્લેિસયરના વહેણથી બનેલા ખડકો અને રેતી પર પણ ચાલી શકે, તેનું કદ ગંજાવર છતાં બર્ફીલી જમીન પર દબાણ ન લાવે, ઊંચાઈ ચડી શકે અને ઢોળાવ પણ સલામત રીતે ઊતરી શકે. પર્યાવરણને બચાવવાની ખેવના તો જુઓ, એ આઈસ એક્સપ્લોરરનો એક્સહોસ્ટ પાઇપ વાહનના ઉપરના ભાગમાં રાખ્યો છે, જેથી તેના ધુમાડાથી આસપાસનો બરફ પીગળે નહીં! એની કિંમત તો ભાઈ કેનેડાના પ્રવાસન ખાતાને જ પોસાય. હિમ નદી મંથર ગતિએ ખસતી જાય અને કિનારે કાંપ અને રેતીના ઢગ છોડતી જાય જેને મોરેઈન કહે છે તે જોતાં જોતાં અથાબાસ્કા ગ્લેિસયર પર પહોંચ્યાં. પ્રવાસીઓ માટે સલામત છે એટલી હદ સુધી માત્ર વીસ-પચીસ વાર જેટલું જ ચાલવા મળ્યું, પણ સામે અફાટ હિમ નદી, બરફ છાયા પર્વતો અને બીજા નાના મોટા ગ્લેિસયરને થીજી ગયેલા જોવા એ પણ કોઈ કમ આનંદદાયી અનુભૂતિ નહોતી. કોઈ કોઈ ઠેકાણે બરફની નીચેથી એકદમ શુદ્ધ નીલવર્ણ પાણી વહેતું દેખાયું. એવી માન્યાતા છે કે એ પાણી પીવાથી અમર જવાનીનું વરદાન મળે! કેમ ન મળે? વર્ષોથી જામેલ બરફના પડ પીગળે, આસપાસ પહાડો અને ગાઢ વનસ્પતિની હાજરી હોય અને પ્રદૂષણનો અભાવ હોય તો એ પાણી અમૃત સમાન હોવાનું જ.

Athabasca glacierમાંની કુદરતની કરિશ્મા ગાંઠે બાંધીને તેનાથી થોડે જ દૂર સ્કાય વોક જોવા ચાલ્યાં. Sunwapta valleyના ધરાતલથી 918 ફૂટની ઊંચાઈએ સ્ટીલ, લાકડાં અને કાચનો 1312 ફૂટ એક અર્ધગોળાકાર પૂલ બનાવ્યો છે. આશરે 12.5 મિલિયન પાઉન્ડના ખર્ચે બંધાયેલ આ સ્કાય વોક 2014માં પ્રજા માટે ખુલ્લો મુકાયો. ઊંચાઈનો ભય હોય તેવા મુસાફરોની હિંમતની કસોટી થાય. સ્કાય વોકની રચના એવી છે કે એક પર્વતની ટોચ પરથી બહાર નીકળતો એ પૂલ ઊંડી ખીણ પર હવામાં અધ્ધર લટકતો રહે, તેના પર ચાલીને આગળ જતાં અનેક નાના મોટા ધોધ, જંગલી બકરીઓ અને હરણ જેવાં વન્ય પ્રાણીઓ તેમ જ ફોસિલ્સ અને કરાડો તેની કાચની ફર્શમાંથી જોવા મળે, જે રસ્તાની ધાર પર ઊભા રહેવાથી કદી ન જોઈ શકાય. સ્કાય વોક તરફ જવાના માર્ગમાં દીવાલો પર એ વિસ્તારના ભૂસ્તર શાસ્ત્રીય, જૈવિક, પર્યાવરણ વિષયક અને આદિવાસીઓનાં જીવનના ઇતિહાસની માહિતી લખેલી મળે અને હેડ ફોન દ્વારા સાંભળી પણ શકાય.

અમારો માર્ગદર્શક સ્ટોર્મ પોતાનું વાહન ચલાવતાં ચલાવતાં અમને એ વિસ્તારના ઉદ્દભવ, વિકાસ, તેના પ્રાકૃતિક અને રાજકીય ઇતિહાસ અને વન્ય જીવસૃષ્ટિની માહિતી આપતો જતો હતો. તેમાંની બે એક વાતો અહીં ટપકાવું. માર્ગમાં આવતા ઊંચા ખડકાળ પર્વતો પર જ્યાં બીજી વનસ્પતિ ન ટકી શકે ત્યાં White bark pine સહેલાઈથી ઊગે. નટક્રેકર નામનાં પક્ષીઓ એ પાઇનનાં ફળમાંથી બીજ લે અને પહાડોના ઢોળાવો પર જ્યાં તડકો આવે ત્યાં દાટી મૂકે જેથી શિયાળામાં ભોજન તૈયાર મળે. હવે નટક્રેકર બધાં બીજ ખાઈ ન શકે એટલે એનાં આ બીજારોપણને કારણે White bark pine ઊગે અને જંગલની જાળવણી થાય. પરંતુ 2012માં યુરોપથી આવેલ બ્લિસ્ટર રસ્ટ નામના રોગને કારણે આ વૃક્ષો નાશ પામવાને આરે આવી ઊભાં. આથી નેશનલ પાર્કના વૈજ્ઞાનિકોએ પૂર્વયોજિત આગનો ઉપયોગ કરી, થોડી જગ્યા ખુલ્લી કરી આપી, જ્યાં તડકો આવે જેથી નટક્રેકર ફરી બીજ સંતાડી શકે. વૃક્ષો અને પક્ષીઓની જાળવણીની કેવી અદ્દભુત રીત! એવું જ એક બીજું ઉદાહરણ પર્યાવરણ અને પ્રાણી સૃષ્ટિની જાળવણીનું. માર્ગમાં થોડા થોડા અંતરે નાના મોટા પૂલ જોયાં. એ પૂલો બાંધવાનું પ્રયોજન એ કે વનમાં વસતાં પ્રાણીઓ રસ્તાની બન્ને બાજુએ વાહનનોની અડફેટે આવ્યા વિના કે પોતાનો જાન ગુમાવ્યા વિના છૂટથી હરીફરી શકે, નર અને માદા મળીને તેનો વંશવેલો ચાલુ રાખી શકે. પ્રાણીઓને પૂજવાની કેવી અનોખી રીત! અમારી બસની સમાન્તર Bow નદી વહેતી હતી, અને સાથોસાથ અમારા માર્ગદર્શક સ્ટોર્મની વાગ્ધારા પણ. આદિવાસીઓ – કે જેઓ અહીં પીપલ ઓફ ફર્સ્ટ નેશન તરીકે ઓળખાય છે – તેમનો અને પશુ પક્ષીઓ વચ્ચે ગાઢ સંબંધ સદીઓ જૂનો છે. કેનેડાનાં પ્રાકૃતિક સૌંદર્યને જાળવવાં એ પ્રજા પાસેથી શીખ લઈને કેનેડાની સરકારે 1885માં 26 ચોરસ કિલોમીટરનો વિસ્તાર સુરક્ષિત  કર્યો. દેશના નાગરિકો માટે ખાસ અલાયદો પાર્ક બનાવવો એ તે જમાનામાં નવો વિચાર હતો. પછી તો બે જ વર્ષમાં તે 674 ચોરસ કિલોમીટર સુધી એ વિસ્તર્યો અને આજે તો બાંફ નેશનલ પાર્ક 6600 ચોરસ કિલોમીટરની સુરક્ષા કરે છે. પ્રકૃતિ અને સંસ્કૃિતની રક્ષા કરવાનું આ દેશ પાસેથી શીખી શકાય.

બાંફ નેશનલ પાર્કમાંનાં રોકાણને ત્રીજે દિવસ અમે લેઈક લુઈસ અને લેઈક મોરેઇન ગયાં. રાણી વિક્ટોરિયાની ચોથી પૌત્રીના નામ પરથી લેઈક લુઈસ નામાભિધાન થયું. 1600 મીટરની ઊંચાઈએ આવેલ આ સરોવરમાં છ ગ્લેસીિસયર્સનું પાણી ઠલવાય છે. તેમાં કેટલેક ઠેકાણે બરફની ઊંડાઈ એક મીટર જેટલી હોય છે. આ નીલ રંગનાં બર્ફીલા સરોવરની આસપાસની જગ્યા પ્રવતારોહણ, સ્કેટીંગ અને સ્કી કરવા તથા નાની મોટી હોડીઓ ચલાવવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. લેઈક લુઈસ જેટલું ઊંડું અને શીત છે તેટલું જ મનોરમ્ય પણ છે. એ જો કે નવેમ્બરથી જૂન એટલું થીજેલું રહે કે તેના પર ચાલી શકાય. અમે નસીબદાર કે ત્યાં જવાનો માર્ગ હજુ બે એક અઠવાડિયા પહેલાં જ ખુલ્લો થયેલ અને સરોવરનાં પાણી પીગળ્યાં, જેથી તેની નીલવર્ણી આભા જોઈ શક્યાં. તેનાથી થોડે દૂર બીજું એવું જ સુન્દર Moraine lake જોવાં ગયાં. અહીં તેની શોભા વર્ણવવા શબ્દો ઓછા પડે છે. 6300 ફૂટની ઊંચાઈ પર આવેલ આ સરોવરનાં પાણી પણ આસપાસના ગ્લેિસયર્સમાંથી જ આવે છે. આ બંને સરોવરોનાં પાણી આટલાં નિશ્ચલ અને નીલ રંગનાં કેમ તે અમને સમજાવવામાં આવ્યું. ગ્લેિસયર જ્યારે જમીન પર સરકે, ત્યારે પથ્થરોને દળતાં જાય જે લોટ જેવાં થઇ જાય. તેના ઉપરનું પાણી સૂર્ય કિરણોના બધા રંગોને શોષી લે; સિવાય કે નીલ રંગ, જે પરાવર્તિત થાય અને આપણને એક અદ્દભુત દ્રશ્ય જોવા મળે. લુઈસ કે મોરેઇન કયું વધુ સુંદર તે કહેવું મુશ્કેલ. લેઈક લુઈસ વિશાળ, શાંત અને ઊંડું ભાસે છે, તો મોરેઈનનું પાણી વધુ ઘેરા નીલ રંગનું, આસપાસ પડેલ જૂનાં થડ અને પથ્થરોના ઢગથી કઇંક વધુ નાટકીય અસર ઉપજાવે છે.

e.mail : 71abuch@gmail.com

•••••

Loading

કેનેડાની કુદરતનું કામણ : ચરણ બીજું

આશા બૂચ|Opinion - Opinion|22 October 2018

ચરણ બીજું : વાનકુંવર, વિસલર અને બુશાર્ટ ગાર્ડન્સ

કેનેડાને આભને આંબતા પર્વતો, તેની ખીણોમાં શાંત નિદ્રામાં પોઢતાં સરોવરો અને વિવિધ પ્રકારના ગગનચુંબી વૃક્ષોનું વરદાન મળ્યું છે, અને એ બધાંની જાળવણી કેમ કરવી તે કેનેડિયન્સ સુપેરે જાણે છે. આવું અવર્ણીય સૌંદર્ય ઠેકઠેકાણે વેરેલું જોવાં મળ્યું. બે એક અઠવાડિયા જેટલો સમય અમારે વડીલ પરિવારજન સાથે રહેવાનો અને નાનેરાં કુટુંબીઓની આંગળી પકડીને વાનકુંવરની આસપાસનાં જોવાલાયક સ્થળોની યાત્રા કરવાનો લ્હાવ મળ્યો. આમ તો એકાંતરે બે દિવસે જેટલી જગ્યાઓ જોઈ તેની યાદી અને વર્ણ કરું તો ખાસ્સું મોટું પ્રવાસ વર્ણન થાય, તેથી નોંધપાત્ર સ્થળોનો માત્ર ઉલ્લેખ કરીશ. એક દિવસ Buntzen lake ગયાં, જ્યાં હાઈડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ પણ છે, જો કે અમે તો તેની પ્રાકૃતિક શોભા જ નિહાળી. Alluoette lake ઊંચા-નીચા પર્વતો અને લીલાં છમ્મ શંકુ આકારનાં વૃક્ષો વચ્ચે ઢબુરાઇને સૂતું છે, તેને ય સલામ કરી. તે ઉપરાંત, બેલકારા અને લાફાર્જ તળાવો જોયાં અને થયું કે રોજ રોજ જુદાં જુદાં સ્થળે ઉજાણી કરવાં જઈએ તો પણ ખૂટે નહીં તેટલાં ફરવાનાં સ્થળો છે, અહીં તો. એક દિવસ અમે ઉત્તર વાનકુંવરમાં આવેલ Lynn canyonમાં ગાળ્યો, જ્યાં લિન નદી પર ઝૂલતો પૂલ અને તોતિંગ વૃક્ષરાજી પ્રવાસીઓને ખુશ કરી દેતી નિહાળી. કેટલાંક ઝાડ તો બસો – પાંચ સો વર્ષથી ત્યાંના ત્યાં જ ઊભાં છે. ઝરણાં અને વનરાજી સંતાકૂકડી રમે અને સહેલાણીઓ નાનાં બાળકોની માફક નિર્ભેળ આનંદ માણે, તે જોઈને ધન્ય થયાં. બીજો એક નેશનલ ફોરેસ્ટ રિઝર્વ પાર્ક – સ્ટેનલી પાર્ક, જે 8 કિલોમીટરના ઘેરાવામાં પથરાયેલો છે તે જોયો. તેનો એક છેડો છેક પ્રશાંત મહાસાગરને અડે છે.

એક દિવસ યુનિવર્સિટી ઓફ કોલંબિયાના ભૂતપૂર્વ પ્રોફેસર મિ. જ્હોન વુડ – કે જે અમારા પરિવારના છેલ્લાં પચાસ વર્ષથી પરમ મિત્ર રહ્યા છે, તેમની સાથે વાર્તાલાપ કરવામાં ગાળ્યો. તેમણે પોતાની કર્મભૂમિનાં દર્શન કરાવ્યાં અને જ્યાં એશિયન પોલિટિકલ સાયન્સના અભ્યાસના પાયા નંખાયા, તે અને બીજી અનેક વિદ્યાશાખાઓનો વિગતવાર પરિચય આપ્યો. ત્યાંથી વળતાં કેનેડાનો એક ધનિક વિસ્તાર પોઇન્ટ ગ્રે તરીકે પ્રખ્યાત છે, તે અને જેરીકો બીચ પણ જોયાં. તેમણે આપેલ માહિતી મુજબ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચીન અને અન્ય દેશોના ધનિકોએ આ વિસ્તારમાં મિલકતો ખરીદી છે, જેથી તેમના જેવા લોકોના સંતાનોને પોતાનું ઘર ખરીદવું પોસાય તેવું નથી રહ્યું. મને કેનેડાની પરિસ્થિતિમાં અને બ્રિટનની સાંપ્રત હાલતમાં આ બાબત થોડું સામ્ય લાગ્યું.      

Whistlerમાં 2010ની સાલમાં શિયાળુ ઓલિમ્પિક્સ રમતો રમાઈ હતી. ત્યાં જતાં માર્ગમાં Shannon falls જોવા રોકાયાં. શાનન ધોધનું મૂળ Habrich અને Sky Pilot નામના પર્વતોમાં.335 મીટરની ઊંચાઇએથી ધરતીને મળવા આવતો પાણીનો ધોધ જોયો. ત્યાં સહેલાણીઓ માટે એ ધોધની શોભા નિરાંતે માણવા એક પાર્ક પણ છે. ત્યાંથી અમારી સફર આગળ ચાલી. Whistler ગામની તળેટીથી અમે એક ગોન્ડોલા રાઈડ લીધી, જે અમને Whistler પહાડની ચોટી પર લઇ ગઈ, જ્યાંથી જાણે બ્રિટિશ કોલંબિયાના છાપરે ચડીને 360 ડિગ્રીનું દ્રશ્ય જોતાં હોઈએ તેવું લાગતું હતું. એ મજબૂત દોરડાંઓ પર સરકતી કેબિનમાંથી સેંકડો ફૂટ નીચે જોતાં 50 કિલોમીટર જેટલી પહોળી પગદંડી અને હાઈકિન્ગનો માર્ગ એ આલ્પાઈન પર્વત પર દેખાયો. ત્યાંના વ્યૂઇંગ ડેક પર આસપાસના પર્વતો જે હજુ જૂનમાં પણ આછા બરફ છવાયેલા હતા, તે અને ખીણો, વૃક્ષો અને કેડીઓ મન ભરીને જોયાં.

વન એટલું તો ગીચ, પર્વતો એટલા તો ઊંચા અને એ પર્વતમાળાનો ઘેરાવો એટલો વિશાળ કે તે વિશેના આંકડાઓ વાંચીને તેનું માપ કાઢવાને બદલે બસ, કુદરતની એ લીલા અને માનવ સાથેનો તેનો નાતો જોવાનો લ્હાવ લીધો. 2010માં ઓલિમ્પિક રમતો યોજાઈ, તે પહેલાં સ્કી કરનારાઓ પહેલી  ટુક પર ગોન્ડોલામાં જાય, ત્યાંથી સ્કી કરીને તળેટીમાં આવે અને પછી બીજી ટુક પર એ જ રીતે બીજી ગોન્ડોલામાં ચડીને તેના પરથી સ્કી કરતા, જેમાં સમય અને શક્તિનો વ્યય ઠીક ઠીક પ્રમાણમાં થતો. આથી peak2peakની એક ઝૂલતી રોપ વે – ગોન્ડોલા રાઈડ શરૂ કરી, જેથી ઓલિમ્પિકમાં ભાગ લેનારાઓને સુવિધા રહે. Whistler પહાડ પરથી Blackcombe-2440 મીટર અથવા 8,000 ફૂટ ઊંચા પહાડ સુધી જતી ગોંડોલા લીધી. પહાડોની તળેટીથી 436 મીટર ઊંચે એ ગોંડોલા ઝૂલતી જાય અને 4.4 કિલોમીટરની સફર દરમ્યાન આશરે 8,171 એકરમાં પથરાયેલ પર્વતો, ખીણો અને મહાકાય વૃક્ષોનો ભૂ-પ્રદેશ આંખ આગળથી સરકતો જાય. વહેતાં ઝરણાં અને ગાઢ જંગલની શોભા જોઈ. કુદરતની મહાનતાથી મહાત થઇ, આંખોને પોતાનું કામ કરવા દીધું, વાણીને આરામ આપ્યો. ત્યાંથી હજુ એક ટુક પર જવાનું હતું જે વધુ રોમાંચક સાબિત થયું. અત્યાર સુધી કાચની બંધ બારણાં વાળી ગોન્ડોલામાં સફર કરી, જ્યારે આ હતી ખુલ્લી ગોન્ડોલા, જે પવનમાં હિલ્લોળા લેતી ખૂબ ઝડપે સીધાં ચઢાણ ચડીને સાતમા આસમાને લઇ ગઈ.

આમ તો એબ્રાહમિક ફેઈથ – એટલે  જ્યુડાઇઝમ, ક્રીશ્ચિયાનિટી અને ઇસ્લામમાં સેવન હેવનની કલ્પના કરાઈ છે, એવી જ વાતો હિન્દુ અને જૈન   ધર્મમાં પણ છે. ઇસ્લામના શાસ્ત્રોમાં તેની વ્યાખ્યા કઇંક આવી છે: Jannatul Naeem જેનો અર્થ થાય છે, garden of bliss. શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો, જ્યાં સચ્ચિદાનંદનો અનુભવ થાય તેવું સ્થળ. હિન્દુ ધર્મમાં પણ એવી વાર્તા છે કે ભગવાન વિષ્ણુ એક મૃતાત્માને સાતમા આસમાને લઇ ગયા, જ્યાં એક અસ્તિત્વનું ચક્ર હતું કે જેના પર સમગ્ર સૃષ્ટિ ફરતી હતી, અને તેની પાર કઇં જ નહોતું; એ અંતિમ આસમાન હતું જાણે કે બ્રહ્મ શિખર. વિસલર પર્વત પરના Seventh Heavenની ચોટી પર ઉતર્યાં, ત્યારે કૈંક અંશે એવો જ અનુભવ  થયો. ચારે તરફ આંખ પહોંચે ત્યાં સુધી બસ વાદળ સાથે વાત કરતાં બરફાચ્છાદિત પર્વતો, ગાઢા હરિયાળા જંગલો સિવાય કશું ન દેખાય. ત્યાં વિશુદ્ધ હવાને શ્વાસમાં ભરીને પરમ શાંતિનો અનુભવ કર્યો. માણસને સ્વર્ગની કલ્પના કોઈ આવા સ્થાને ગયાં પછી જ આવી હશે.

ઓલિમ્પિક રમતોનો લોગો પથ્થરનો બનેલ Ilannaq the Inukshuk અહીં અડગ ઊભો બધાંને પ્રભાવિત કરે છે.

વિસલરનો કેફ હજુ ઊતર્યો નહોતો, તેવામાં વાનકુંવરથી કાર ફેરીની પોણા કલાકની સફર કરી વિક્ટોરિયા ટાપુ પર આવેલ Butchart gardensની મુલાકાત લીધી. ચૂનાના પથ્થરોની 55 એકરમાં પથરાયેલી ખાણ ધણીધોરી વિનાની નકામી પડી હતી. તેને જેનિન બુશાર્ટ નામની મહિલાએ 1904માં એક અદ્દભુત વનસ્પતિ સૃષ્ટિમાં પરિવર્તિત કરવાનું આરંભ્યું. તેમણે વિશ્વનો પ્રવાસ ખેડીને દુર્લભ એવા છોડ અને ફળ-ફૂલનાં રોપા એકઠા કર્યાં. તળેટીમાં વિશ્રામ લેતું Sunken ગાર્ડન, જાપાનીઝ, રોઝ, ઇટાલિયન અને ભૂમધ્ય પ્રદેશના ગાર્ડન્સ જોતાં, લગભગ ત્રણેક કલાક થયા. કુદરતે વનસ્પતિમાં ઠાંસી ઠાંસીને વૈવિધ્ય ભર્યું છે, તો વળી માનવે તેના પર અવનવા પ્રયોગો કરીને તેને વધુ લોભામણું બનાવ્યું. કોઈ રાજા મહારાજા કે દેવ-દેવીઓના નસીબમાં હોય તેવાં નજાકત ભર્યાં પુષ્પો અને વેલીઓના મંડપ નીચેથી પસાર થઈને ‘અધધધ!’ ઉદ્ગાર સરી પડે. ગણ્યાં ગણાય નહીં તેવાં અસંખ્ય પ્રકારનાં ગુલાબના બાગમાં પ્રવેશ કરવાની તક આપણાં જેવાં સહુ પ્રવાસીઓને મળે એ કેવું  સદ્ભાગ્ય!

Canada place જોયા વિના જાણે વાનકુંવરની સફર અધૂરી ગણાય. કેનેડા પ્લેસ વોટર ફ્રન્ટ પર આવેલ એક જબરદસ્ત બારું છે, જ્યાંથી અલાસ્કા જતી ક્રુઝ રવાના થાય છે. તેના ગુંબજ અને કન્વેનશન સેન્ટરનો વિભાગ અત્યંત કલાત્મક છે, જે દૂર દૂરથી જોતાં ય મનભાવન લાગે. અહીં મોટી હોટેલ અને વર્લ્ડ ટ્રેઇડ સેન્ટર છે. અહીંથી સી-પ્લેઇન ચડે-ઊતરે તે જોવાનો આનંદ લીધો. બાજુના નાના ટાપુઓ પર પાણીમાંના રનવે પરથી નાનકડું પ્લેઇન ઊડે અને બીજું એ જ રીતે હવામાંથી ઊડતું આવીને પાણીની સપાટી પર અટકે.

કેનેડા પ્લેસમાં જ એક બીજું આકર્ષણ છે. Flyover Canada. એ શૉ ખૂબ રસપ્રદ નીવડ્યો. પ્રવાસીઓ પોતાની ખુરશીમાં આરામ ફરમાવે અને નજર સામે સારાયે કેનેડાની સંપદા સમાન ગગનચુંબી પર્વતોની ટોચ, ગગનવિહારી પંખીઓની ઉડાન, પાણીના ધોધ, જગ વિખ્યાત નોર્ધન લાઇટ્સ અને રાજાશાહી ઠાઠવાળા આઇસબર્ગ પસાર થાય. 20 મીટર પહોળા અને ચાર માળના  મકાન જેટલા ઊંચા પડદા પર આખું દ્રશ્ય દેખાય અને સાથે સાથે ઝાકળની શિકરો ઊડે, પવનની લહેરી આવે, સુગંધનો અનુભવ થાય એ રીતે ધ્વનિ-પ્રકાશનો પાંચ પરિમાણીય ઉપયોગ કરીને એક અદ્વિતીય શૉ લોકોને ભેટ ધર્યો છે. ટેક્નોલોજીનો ઉત્તમ વિનિયોગ કરીને જ્ઞાન સાથે ગમ્મતનો અનુભવ પાંચ વર્ષનાથી માંડીને પંચાણું વર્ષનાં સહુ માણી શકે એની ઝાંખી ફ્લાયઓવર કેનેડા શૉમાં કરી. અહીં એક અંગત વાત ઉમેરું, આ આકર્ષણ વિશેની વિગતો દુનિયાની અન્ય  ભાષાઓમાં અપાયેલ જેમાં હિન્દીમાં લખેલ સૂચનાપત્ર જોઈ દિલ ખુશ થયું, અને તેમાં ય તેમાં વપરાયેલ શુદ્ધ હિન્દી ભાષાના પ્રયોગથી તો છાતી ગજ ગજ ફૂલી.

e.mail : 71abuch@gmail.com

•••••

Loading

...102030...2,9602,9612,9622,963...2,9702,9802,990...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved