Opinion Magazine
Number of visits: 9578326
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સડેડાટ

રમણીક અગ્રાવત|Poetry|1 November 2018

વીતેલા ચોવીસ કલાકમાં
હું
મારી પાસે કેટલી મિનિટ થોભ્યો?
આમ મને ભીડમાં ઊભેલો જોઉં અલપઝલપ
અને વીતી જાઉં છું …

અવાજો તો ઘણા હતા,
કોઈ સ્વર ખાસ યાદ નથી.
આંખ આગળથી ઘણું થયું પસાર,
કોઈ પણ દૃશ્ય મને કેમ અડ્યું નહીં?
સ્વાદની વચ્ચોવચ્ચ રહીને જ ખાદ્યો
પરબારાં હાજરીમાં!

સાવ ખાલીખમ ધોરીમાર્ગ જેવી મનોભૂમિમાં
નકરા થાકના ભણકાર.

નર્મદાનગર, જિ. ભરૂચ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2018; પૃ. 20

Loading

અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી

રાજેન્દ્ર દવે|Opinion - Opinion|1 November 2018

ટ્રમ્પ પ્રમુખપદે ચુંટાયા પછીની મધ્યસત્ર ચૂંટણી નવેમ્બરની છઠ્ઠીએ યોજાશે. ટ્રમ્પ પોતે ઉમેદવાર નથી અને ‘આ ચૂંટણીમાં રિપબ્લિકન પણ હારે તો પોતે જવાબદાર નથી.’ તેવી સ્વબચાવ પાળ બાંધવા છતાં, નિઃશંક આ ચૂંટણી ટ્રમ્પની પ્રમુખ તરીકે કામગીરીની સફળતા/ નિષ્ફળતા, લોકરંજક નીતિ/વ્યવહાર પર ચુકાદો આપશે. ‘યુ.એસ.એ. ટૂડે’ દૈનિકની મોજણી પ્રમાણે સંભવિત મતદારોના ૩૫ ટકાએ ટ્રમ્પના વિરોધમાં અને ૨૩ ટકા તરફેણમાં મત આપશે. ૨૫ ટકા પ્રમાણે તેમના મતદાન પર ટ્રમ્પની કોઈ અસર નથી. કેવળ ટ્રમ્પ માટે નહીં, પરંતુ છેલ્લાં પચાસ વર્ષના સૌ પ્રમુખોને આ લાગુ પડે છે. ઓબામાના ઐતિહાસિક વિજયના બે વર્ષ બાદ ડેમોક્રેટિક પાર્ટીએ અમેરિકી સંસદના નીચલા ગૃહમાં બહુમતી ગુમાવી હતી.

પ્રમુખીય ચૂંટણીની જેમ મધ્યસત્ર ચૂંટણી રાજકીય રીતે મહત્ત્વની હોય છે. પ્રમુખ ચાર વર્ષ માટે ચૂંટાયા છે, પરંતુ નીચલા ગૃહના સભ્યો બે વર્ષ માટે ચૂંટાય છે. સેનેટના સભ્યો છ વર્ષ માટે ચૂંટાય છે. અનેક રાજ્યોમાં ગવર્નર્સની ચૂંટણી પણ આ સમયે થાય છે.

સેનેટમાં હાલ ૫૧ ટકા રિપબ્લિકન અને ૪૯ ડેમોક્રેટિક સભ્યો છે. જેમાંથી ૩૫ બેઠકોની ચૂંટણી છે. ૩૫માંથી ૨૬ બેઠકો પર ડેમોક્રેટિક સભ્યો ચુંટાયેલા છે. નીચલા ગૃહમાં ૨૩૫ રિપબ્લિકન અને ૧૯૩ ડેમોક્રેટિક પ્રતિનિધિઓ છે. ૩૩ રાજ્યોમાં રિપબ્લિકન અને ૧૬ રાજ્યોમાં ડેમોક્રેટિક ગવર્નર્સ છે.

આ મધ્યસત્ર ચૂંટણી બીજી અનેક રીતે મહત્ત્વની છે. ‘મી ટુ’ની પશ્ચાદ્‌ભૂમાં મહિલા ઉમેદવારોની અભૂતપૂર્વ સંખ્યા બંને પક્ષે મળીને પ્રાઈમરી સેનેટ માટે ૫૩ અને નીચલા ગૃહ માટે ૪૭૬ મહિલા ઉમેદવારો હતાં. તેમાંથી સેનેટ માટે ૨૨ અને નીચલા ગૃહ માટે ૨૩૫ સત્તાવાર મહિલા ઉમેદવારો છે, આ અભૂતપૂર્વ છે. પણ હરખાવા જેવું નથી. રટગર્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર અમેરિકન વિમેન ઇન પોલિટિક્સના અભ્યાસનું તારણ છે કે સેનેટની જેટલી બેઠકો પર મહિલા ઉમેદવારો છે, તે જીતે તો પણ સેનેટનાં મહિલા સભ્યોનો આંકડો કેવળ ૨૬ થશે – સેનેટનો ચોથો ભાગ. નીચલા ગૃહમાં પણ મહિલા પ્રતિનિધિત્વ વધશે, પણ સંતોષકારક નહીં હોય.

આ ચૂંટણીમાં સૌપ્રથમ વાર બે મુસ્લિમ મહિલા ઉમેદવારો છે, અને બંનેની વિજયની શક્યતા ઊજળી છે. એક નેટિવ અમેરિકન અને બે લેટિનો મહિલા ઉમેદવાર છે. જ્યોર્જિયા રાજ્યમાં અમેરિકાની પ્રથમ અશ્વેત મહિલા ગવર્નર થવાની શક્યતા છે.

આ ચૂંટણીનું પરિણામ અમેરિકાના રાજકારણ માટે પણ ઘણી રીતે મહત્ત્વનું છે. હજુ ગયા બે અઠવાડિયાં સુધી મોટા ભાગની મોજણીઓનું તારણ હતું કે ટ્રમ્પ સામેનો લોકરોષ એટલો વ્યાપક છે કે સેનેટ અને નીચલા ગૃહમાં ડેમોક્રેટિક પાર્ટી બહુમત મેળવશે. ટ્રમ્પનાં રોજિંદાં નિતનવાં નાટકો, અપમાનજનક ટિ્‌વટ્‌સ, આવ્રજન નીતિ, સર્વોચ્ચ અદાલત માટે બ્રેટ કેવનોગની પસંદગી અને તેની સામે આક્ષેપો કરનાર મહિલાઓ માટે બેફામ આક્ષેપો, ચૂંટણીમાં રશિયન હસ્તક્ષેપ … યાદી ખાસ્સી લાંબી છે. રૉઇટરે મતદાર વલણની મોજણીનું તારણ કાઢેલું કે ડેમોક્રેટિક મતદારોનો રોષ એટલો બધો છે કે તેની ચૂંટણી પર વ્યાપક અસર પડશે.

ચૂંટણી આડા હજુ થોડા દિવસ બાકી છે, ત્યારે સ્થિતિ શું છે? ઘણાં રાજ્યોમાં વહેલાસરનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. અંદાજે ૫૦ લાખ મતદારોએ મતદાન કર્યું છે. સામાન્યપણે રિપબ્લિકન પાર્ટીને સમર્થન આપનારા વૃદ્ધો અને પરા વિસ્તારના લોકો વહેલું મતદાન કરે છે. ડેમોક્રેટિક પાર્ટીને મત આપનારાં યુવાવર્ગ, સ્ત્રીઓ, અશ્વેત મતદારો ચૂંટણીના દિવસે મતદાન કરવું પસંદ કરે છે. ઍક્ઝિટ પોલ પ્રમાણે રિપબ્લિકન પાર્ટી ધાર્યા કરતાં આગળ છે.

છેલ્લા અઠવાડિયામાં બનેલી બે ઘટનાઓની વિશેષ નોંધ લેવી રહી. ૨૦૧૬ની ચૂંટણીમાં ટ્રમ્પે એક ભયની રાજનીતિ અપનાવેલી. ઇમિગ્રન્ટ્‌સ – આપ્રવાસીઓનો ભય. અમેરિકા અને યુરોપ પર ઇમિગ્રન્ટ્‌સ કબજો જમાવશે તેવો ભય. ટ્રમ્પની આવ્રજન નીતિની ખાસ્સી ટીકા છેલ્લા બે મહિનામાં થઈ, જ્યારે તેમણે આ પ્રવાસીઓનાં બાળકોને મા-બાપથી વિખૂટાં કર્યાં, પરંતુ ગયા અઠવાડિયે દક્ષિણ અમેરિકાના હૅન્દુરાસથી ફરી સાત-આઠ હજાર આપ્રવાસીઓનો કાફલો અમેરિકા તરફ કૂચ કરતો નીકળ્યો છે. બરાબર ચૂંટણી ટાંકણે જ બની રહેલી આ ઘટનાનો ટ્રમ્પે પૂરેપૂરો લાભ લીધો છે. ‘અમેરિકા ભયમાં છે.’ ‘આ કાફલામાં આતંકવાદીઓ છે,’ જેવાં વિધાનોથી ટ્રમ્પના ટેકેદારો મોટી સંખ્યામાં મત આપવા નીકળી પડ્યા છે. ૨૦૧૬ની ચૂંટણીમાં જે-જે રાજ્યોમાં ટ્રમ્પને બહુમત મળેલો ત્યાં તેમણે પ્રચાર કેન્દ્રિત કર્યો છે.

બીજું, કેટલાક ડેમોક્રેટિક ઉમેદવારોએ હર્ષાવેશમાં આવી પોતે ચૂંટાશે તો ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવશે, તેવી જાહેરાતો કરવા માંડી. જો બાઇડન જેવા ડેમોક્રેટિક નેતાઓની ચેતવણી છતાં આવા ઉચ્ચારોએ ટ્રમ્પ- સમર્થકોને સક્રિય બનાવ્યા.

આ લખી રહ્યો છું ત્યારે જ ડેમોક્રેટિક પક્ષના ઓબામા, ક્લિન્ટન, બાઇડન સહિતના નેતાઓને પોસ્ટલ બૉમ્બ મોકલાયાના સમાચાર છે. આગામી દિવસોમાં ચૂંટણીઓ પર આની અસરની જાણ થશે.

મધ્યસત્ર ચૂંટણીનું જે પણ પરિણામ આવે, અમેરિકી રાજકારણની બદલાયેલી તાસીર દરમિયાન અને ત્યાર બાદ થોડો સમય રિપબ્લિકન પક્ષની પરંપરાગત સંસ્થાકીય નેતાગીરીને ટ્રમ્પ સાથે ગોઠતું નહોતું. હવે બે વર્ષ પછી આ નેતાઓએ ટ્રમ્પ સાથે લડવા કરતાં તેની સાથે જોડાઈ જવું પસંદ કર્યું છે. રિપબ્લિકન પાર્ટી પર ટ્રમ્પનો અંકુશ છે. પક્ષ પર ટ્રમ્પની છાપ બરાબર અંકાઈ ગઈ છે. આ ચૂંટણી દરમિયાન ટ્રમ્પ પક્ષના મુખ્ય ‘કૅમ્પેઇનર-ઇન-ચીફ’ રહ્યા છે. મોટા ભાગના રિપબ્લિકન ઉમેદવારોએ તેમનો સાથ લીધો છે. કન્ઝર્વેટિવ નેતાઓ જે ટ્રમ્પની આર્થિક, વ્યાપારી, આવ્રજન અને રાષ્ટ્રીય સલામતી નીતિઓના વિરોધી હતા, તે પણ તેમની સાથે જોડાઈ ગયા છે. વૉલ સ્ટ્રીટ જર્નલની મોજણી પ્રમાણે ૮૭ ટકા રિપબ્લિકન હવે ટ્રમ્પની નીતિઓ સાથે સંમત છે. લિંકન – રેગનનો પક્ષ હવે ટ્રમ્પનો પક્ષ બની ગયો છે! જો કે આ મોજણીમાં ત્રીજા ભાગના રિપબ્લિકન ટ્રમ્પનાં વાણી-વ્યવહાર સાથે સંમત નથી, પણ તેઓ ડેમોક્રેટ્‌સ કરતાં ટ્રમ્પને વધુ પસંદ કરે છે!

૨૦૧૬ની ચૂંટણી પછી અમેરિકાનું રાજકીય ધ્રુવીકરણ વધુ ઘેરું બન્યું છે. રિપબ્લિકન પક્ષમાં ટ્રમ્પનો સ્વીકાર એનું એક વરવું ઉદાહરણ છે. ઘણાં રાજકીય વિશ્લેષક માને છે કે રિપબ્લિકન પાર્ટીનું આ જૂગટું ભવિષ્યમાં ભારે પડશે. રિપબ્લિકન પાર્ટી અત્યાર સુધી જે મૂલ્યો અને નીતિઓ માટે લડતી હતી, તેનાથી ટ્રમ્પ તેને ખાસ્સી દૂર લઈ ગયા છે.

ડેમોક્રેટિક પાર્ટીમાં પણ ૨૦૧૬ની ચૂંટણી પછી જૂથવાદ ચાલુ રહ્યો છે. બર્ની સેન્ડર્સનું પ્રગતિશીલ જૂથ વધુ સક્રિય બન્યું છે. ફ્‌લોરિડાના ગવર્નરપદના ઉમેદવાર અને ટેક્સાસના સેનેટ ઉમેદવાર આ વળના છે. જો આ ઉમેદવારો ચૂંટાશે તો ડેમોક્રેટિક પાર્ટીમાં રિપબ્લિકન પાર્ટીના ‘ટી પાર્ટી’ જૂથની જેમ ‘અર્બલ ટી પાર્ટી’ જૂથ વધુ મજબૂત બનશે.

મધ્યસત્ર ચૂંટણી ડેમોક્રેટિક પાર્ટીના કાંઠે બેસી છબછબિયાં બોલાવતાં ૨૦૨૦ના પ્રમુખપદના ઉમેદવારો માટે પણ મહત્ત્વની છે. પૂર્વઉપ-પ્રમુખ જો બાઇડન, સેનેટર એલિઝાબેથ વૉરન અને કમલા હેરિસ સહિત ઘણાં પાણીની ધાર માપી રહ્યાં. ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના કયા જૂથના કેટલા ઉમેદરવારો ચૂંટાય છે, તેની વ્યાપક અસર ૨૦૨૦ના ઉમેદવારની ચૂંટણી પર પડશે.

ચૂંટણીના પરિણામ સાથે છઠ્ઠી નવેમ્બરે ૨૦૨૦ની પ્રમુખીય ચૂંટણીની પ્રક્રિયાનો બીજો તબક્કો શરૂ થશે.

(ફ્લોરિડા) ૨૪ ઑક્ટોબર, ૨૦૧૮

E-mail : rajudave@hotmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2018; પૃ. 04-05

Loading

વિજ્ઞાન ભવન ઉદ્દ્બોધન : ઊંધે ઘડે પાણી?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|31 October 2018

સરસંઘચાલક મોહન ભાગવતનાં વિજ્ઞાન ભવન વ્યાખ્યાનો પછી, ભલે કેવિયટનુમા અંદાજમાં પણ, એક આશાઅપેક્ષા જરૂર જાગી હતી કે સંઘ પરિવાર પોતાની વૈચારિક ભૂમિકા વિશે કંઈક નવેસર જોશે. જો કે, એ વ્યાખ્યાનોમાં પણ એક પા જો ગોળવલકરના વિચારો પણ કાલબાહ્ય હોઈ શકે એવા અહેસાસની અનુમોદના હતી તો બીજી પા રવીન્દ્રનાથ કૃત ‘સ્વદેશી સમાજ’ સરખા પ્રબંધમાંથી સમર્થન ઘટાવવાની કંઈ નહીં તો દૂરાકૃષ્ટ એવી ચેષ્ટા સુદ્ધાં હતી : ગમે તેમ પણ, આ વ્યાખ્યાનો પછી એવા અનુમાનને અવશ્ય અવકાશ હતો કે સંઘ પરિવારના પત્રોમાં પણ એની ચર્ચા ચાલશે અને એકાદ મહિનામાં અંદરબહારની સર્વ ચર્ચાને અંતે વિજ્યાદશમી વ્યાખ્યાનમાં અધિકૃત એવી પુનર્વિચાર ટિપ્પણી મળશે. એક રીતે, વિવેકાનંદના શિકાગો વ્યાખ્યાનની એકસો પચીસી નિમિત્તે અમેરિકામાં સંઘ આયોજન, એ પૂર્વે પૂર્વરાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નાગપુર મુલાકાતમાં કરેલી માંડણી અને વિજ્ઞાન ભવન વ્યાખ્યાનો, સઘળું સમેટાઈ નવે ટપ્પે જવું હોય તો તે માટેની સંધિ વિજ્યાદશમી વ્યાખ્યાનમાં મળી રહેશે એવી અપેક્ષા હતી.

અહીં મોહન ભાગવતના વિજ્યાદશમી ઉદ્દબોધનના સળેસળ તપાસવામાં નહીં જતાં સાર રૂપે એટલું જ કહીશું કે બાબરીધ્વંસથી ખુલ્લી થયેલી ભૂમિ પર ભવ્ય રામમંદિરનો પથ જરૂરી કાયદાથી પ્રશસ્ત કરવાની એમની તાકીદ, સમગ્ર વિજ્ઞાન ભવન વ્યાયામને બેમતલબ બનાવી મેલે છે. વસ્તુતઃ અયોધ્યામાં એક ચોક્કસ ચુકાદો આવેલો છે, અને એને અંગે અપીલ પર ૨૯મી ઑક્ટોબરથી કારવાઈ શરૂ થઈ રહેલ છે. તે વખતે અબી હાલ નવા કાયદાની આ જિદ, મે ૨૦૧૯ના માંડ છ મહિના પહેલાં થાય તે શું સૂચવે છે? દેખીતી રીતે જ, ૨૦૧૪ પછી વિજ્યાદશમી વ્યાખ્યાનમાં જે વિષયને સ્પર્શ નહોતો કરાયો તેને ૨૦૧૯ની પૂર્વસંધ્યાએ સહસા ઉગામવામાં આવ્યો છે. ‘સબકા સાથ, સબકા વિકાસ’નો મોદી મંત્ર ખાલી ખખડતો માલૂમ પડે છે ત્યારે, વિકલ્પે, કોમી તનાવ અને ધ્રુવીકરણની જુગજૂની ફોર્મ્યુલા અજમાવી સરસંઘસંચાલક ભીષ્મવત્‌ ચેષ્ટાપૂર્વક ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય વાસ્તે કન્યાહરણના ધર્મકૃત્યથી પ્રેરાઈ રહ્યા જણાય છે. સરસંઘચાલક રામ મંદિરનો મુદ્દો આ ક્ષણે ઉછાળે તે સાથે એક કાંકરે બે પંખી પર નિશાન સધાય છે : ભા.જ.પ. સાથે વ્યૂહાત્મક વિરોધઅંતર દર્શાવવા સારુ શિવસેના જેવા સાથીઓ મંદિરમુદ્દાને આગળ કરવાની કોશિશમાં હોય ત્યારે એમની હવા નીકળી જાય, અને બીજી બાજુ સમાંતર હિંદુ સત્તા તરીકે ઊભરી શકતા પ્રવીણ તોગડિયા વગેરે પાસે પણ કોઈ આગવું વજૂદ રહે નહીં.

પક્ષપરિવાર સાથે સંકળાયેલ પત્રકાર સ્વપન દાસગુપ્તાએ વિજ્ઞાન ભવન વ્યાખ્યાનો પછી એક ઉદાત્ત હિંદુ એકંદરમતીની સંભાવનાઓ જોઈ હતી, તો તવલીન સિંહે સંઘ પરિવારને મુસ્લિમદ્વેષ બાબતે કળ વળે તે વિશે અનુભવપુત આશંકા વ્યક્ત કરતે છતે પરચક્ર દરમ્યાન જે સંસ્થાનવાદી (કોલોનાઈઝ્‌ડ) માનસ બન્યું તેને સ્થાને શિક્ષણ સહિતનાં ક્ષેત્રોમાં નવપરિવર્તનની ભાગવત હિમાયતનું સમર્થન કરવાપણું જોયું હતું.

પણ વિજ્યાદશમી ઉદ્દબોધન સાથે જે સમજાઈ રહે છે તે તો એ કે હમણાં તો વિજ્ઞાન ભવન પહેલ એક પ્રયુક્તિગત મર્યાદામાં જ બદ્ધ છે. ખરું જોતાં, જે આમૂલ પુનર્વિચારની પ્રક્રિયા આ પક્ષપરિવારમાં દાયકાઓથી અવરૂદ્ધ છે તે શરૂ થવાના સંકેતો અપેક્ષિત હતા. પણ હાફ પેન્ટમાંથી ફુલ પેન્ટમાં સમુત્ક્રાન્ત થવા સિવાય કોઈ બીજો સંકેત મળતાં મળશે.

છતાં, પડ્યું ગુણ દે એ પરંપરાગત કોઠાસૂઝને અનુસરીને એક-બે મુદ્દા કલ્યાણકૃત કશું પણ દુર્ગતિ પામતું નથી તે ગીતાવચનના જોરે જરૂર કરવા ઇચ્છું છું. તવલીન જ્યારે સાંસ્થાનિક શિક્ષણથી ઊંચે ઊઠવાની વાત કરે છે ત્યારે એમના ખયાલમાં એટલો એક સાદો મુદ્દો અવશ્ય આવવો જોઈએ કે આ દિશામાંના પક્ષપરિવારના પ્રયાસો અને પ્રયોગો દીનાનાથ બત્રાની વસ્તુતઃ અનારંભ સરખી અને તત્ત્વતઃ પ્રતિગામી ચેષ્ટાથી આગળ વધી શકતા નથી. ઇતિહાસમાં કે બીજી સમાજવિદ્યાઓમાં સમ ખાવા સરખો એક ‘પિયર રિવ્યૂ’ પણ ન ખમી શકે એવી ઉચ્ચસ્તરીય નિયુક્તિઓ તવલીનની ઝીણી નજરમાંથી સોયનાકામાંથી ઊંટ પેઠે પસાર થઈ જાય અને વણજોઈ રહે તે શક્ય ન હોવું જોઈએ.

જો કે, ખરું જોતાં સાંસ્થાનિક માનસની ચર્ચા આવાં છબછબિયાંથી વધુ અંદર ઊતરીને તપાસ માંગી લે છે. રાષ્ટ્રની અને રાષ્ટ્ર-રાજ્યની જે વિભાવના સંઘ પરિવારે અંગીકાર કરેલ છે તે કેવળ અને કેવળ યુરોપીય ભેટ છે. ‘સ્વદેશી સમાજ’ના રવીન્દ્રનાથે અને ‘હિંદ સ્વરાજ’ના ગાંધીએ વિશ્વમાનવતામાં રોપાઈને રાષ્ટ્ર વિશે જે દેશજ અભિગમ વિકસાવ્યો છે એની આ પક્ષપરિવારને કદાચ સુધબુધ જ નથી. ૧૯મી સદીમાં મેઝિનીની બોલબાલા હતી, અને એક છેડે સાવરકર તો બીજે છેડે ગાંધી બેઉએ એની આદરપૂર્વક ચર્ચા કરેલી છે. સાવરકરે એમાંથી જે અતિવાદ ઊંચક્યો તેમાંથી ઊઠતી બૂ હિટલરના જર્મનીની અને મુસોલિનીના ઈટલીની છે. ગાંધીએ મેઝિનીનો ઉલ્લેખ ‘હિંદ સ્વરાજ’માં સમાદરપૂર્વક પણ સંમાર્જનની કાળજી સાથે કરેલો છે.

અહીં લાંબી દાસ્તાંમાં નહીં જતાં દોડતી કલમે ટૂંકમાં એટલું જ કહેવું  બસ થશે કે મેઝિનીએ મનુષ્યમાત્રના કર્તવ્ય (ડ્યુટીઝ ઑફ મેન) પર જે ભાર મૂક્યો એને સાવરકરે એક પ્રજા તરીકે (હિંદુઓ તરીકે) કોઈ ‘ધ અધર’ (મુસ્લિમ) પર વિજીગીષુ વૃત્તિ બલકે ‘કિલર ઇંન્સ્ટિંકટ’થી તૂટી પડવા અને સંગઠિત થવા રૂપે ઘટાવ્યું. આંદામાન દિવસોમાં જેલ લાઇબ્રેરીમાંથી મેઝિનીના સમગ્ર સાહિત્યને ઘૂંટીઘૂંટીને વિકસેલી આ સમજ પછીથી રત્નાગીરીમાં નજરબંધ ગાળામાં રચાયેલ ‘હિંદુત્વ’ પ્રબંધમાં ગ્રથિત થયેલી છે. આ પ્રબંધ વીસમી સદીના ત્રીજા દસકાના પૂર્વાર્ધમાં પાકો થયો. એથી ઊલટું, ૧૯૦૯માં ‘હિંદ સ્વરાજ’ લખતી વેળાએ ગાંધીએ મેઝિનીએ મનુષ્યમાત્રના કર્તવ્ય પર મૂકેલ ભારને, જણે જણે પોતપોતાના પર સંયમપૂર્વક સ્વરાજ સિદ્ધ કરવા રૂપે ઘટાવ્યો.

વાચક જોશે કે સાવરકર (સંઘના પુરોગામી સિદ્ધાંતકોવિદ) આક્રમક ને વિદ્વેષી એવાં સેમિટિક વલણોના હિમાયતી લેખે કોળે છે. વિવેકાનંદને પશ્ચિમમાંથી જે સમર્થ શિષ્યા ને સહકારી મળી રહ્યાં – ભગિની નિવેદિતા – એમણે પશ્ચિમમાં પાંગરેલ ખ્રિસ્તમતની સેમિટિક સંભાવનાઓ નિઃસંકોચ બોલી બતાવી છે. સ્વતંત્ર વિચારક બ્રુનોને ત્યાં બાળી મુકાયો હતો, પણ હિંદુ ધર્મે પોતાના બ્રુનો સાથે આવો કોઈ વ્યવહાર ન કર્યો હોત એમ એમણે અપૂર્વ આત્મીયતાથી કહ્યું છે. નિવેદિતાનાં આ વચનોને આપણે અત્યારનાં મૉબ લિન્ચિંગની સામે મૂકીને ભલે ન તપાસીએ, પણ એક તાત્ત્વિક વાનું લક્ષમાં આવવું જોઈએ ને? તમે જે ક્ષણે હિંદુ ધર્મને હિંદુત્વ નામની રાજકીય વિચારધારામાં ફેરવી નાખી રાષ્ટ્રની વ્યાખ્યા કરો છો તે જ ક્ષણે તમે રાષ્ટ્રની એક સેમિટિક સમજના બંદી બનો છો. તમારો રાષ્ટ્રવાદ આ રીતે યુરોપીય મર્યાદાઓ થકી કોલોનાઈઝ્‌ડ બની રહે છે. એને સારું પછી (સાવરકરના શબ્દોમાં) ગાંધી એક ‘ક્રેઝી લ્યુનેિટક’ બની રહે છે જે ‘કરુણા અને ક્ષમા જેવા મિથ્યા જલ્પન’માં રાચે છે.

ખરું જોતાં મેઝિનીની ચર્ચા, તિલકની અર્થીને ગાંધીના ખભા સાથે બદલાતી સમજ બાબતે પાછા પડતા તિલકવાદીઓ અને એમના ઓછા ઊતરતા અનુગામી જેવા આરંભિક સંઘ પરિવારીઓ વિશે નવ દાયકા પાછળ જઈને વિગતે ચર્ચા કરવાપણું છે. નમૂના દાખલ, સંઘે દલિત ચળવળ સાથે કદમ પાડતાં તિલકવાદ ખંખેરી નાખ્યો અને ફૂલે-આંબેડકર પ્રબોધન પરંપરાની જરૂરત જોઈ : આ વાસ્તવિકતા એના પુનર્વિચારમાં કેમ પૂરા કદનું સંસ્કારક સ્થાન પામતી નથી? ઊલટું, જે જોવા મળે છે તે તો એ કે સહસરકાર્યવાહ મનમોહન વૈદ્ય સંઘની પોતાની સેમેટિક તાસીર સમજ્યા વગર એવી ટિપ્પણી કરે છે કે અમે કંઈ ગુરુજી ગોળવલકરને નકારી કાઢ્યા નથી અને ગ્લાસનોસ્ત ને પેરેસ્ત્રોઈકા જેવા પરદેશી પ્રયોગો તો સેમિટિક સંદર્ભમાં બંધ બેસે, અમારી બાબતમાં તે વાપરવા બરાબર નથી.

પણ હમણાં તો મોહન ભાગવતે સત્તારમત અને સત્તાગણિતને અગ્રતાવશ ચોક્કસ પવિત્રા લેવામાં સલામતી અને ડહાપણ જોયાં છે : વિજ્ઞાન ભવન ચેષ્ટા એટલા સારુ કે ઉદાર સમર્થન મળી રહે, અને નાગપુર વ્યાયામ એ વાસ્તે કે કોમી દૃઢીકરણ બલકે સુદૃઢીકરણ બરકરાર રહે.

ઑક્ટોબર ૨૮, ૨૦૧૮

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2018; પૃ. 02-03

કાર્ટૂન સૌજન્ય : નિર્મીશભાઈ ઠાકર

Loading

...102030...2,9502,9512,9522,953...2,9602,9702,980...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved