Opinion Magazine
Number of visits: 9578199
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જમ્મુ અને કાશ્મીરમાં ગેર-બી.જે.પી. નેતાઓ મૂછમાં હસતા હશે. નાગાઈ, નરી નાગાઈ!

રમેશ ઓઝા|Opinion - Opinion|23 November 2018

અત્યારની કેન્દ્ર સરકાર જે કોઈ નિર્ણયો લે છે એ બધા જ દેશહિતમાં મહાન અને ઐતિહાસિક નિર્ણયો જ હોય છે. કોઈ નાના અને રાબેતાના નિર્ણયો હોતા જ નથી. જમ્મુ અને કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પી.ડી.પી.), નેશનલ કોન્ફરન્સ (એન.સી.) અને કૉન્ગ્રેસે સાથે મળીને સરકાર રચવાનો નિર્ણય લીધો કે તરત જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલે વિધાનસભા વિખેરી નાખવાનો નિર્ણય લીધો. એ દેશહિતમાં લેવામાં આવેલો ઐતિહાસિક અને મહાન નિર્ણય લીધો હતો. રાજ્યપાલે પોતે અને બી.જે.પી.ના પ્રવક્તાએ વિધાનસભાને વિખેરી નાખવાના નિર્ણયને આ રીતે ઓળખાવ્યો છે. દેશહિતમાં લેવાયેલા મહાન ઐતિહાસિક નિર્ણયને જોઇને વિરોધ પક્ષો મૂછમાં હસતા હશે. એ કઈ રીતે એની વાત આગળ આવશે.

૨૦૧૪ના જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં એ પછી પી.ડી.પી. અને બી.જે.પી.એ મળીને સરકાર રચી હતી. એ નિર્ણય અલબત્ત ઐતિહાસિક હતો અને દેશહિતમાં પણ હતો. હિન્દુ રાષ્ટ્રનો વિરોધ કરનારા ઉદારમતવાદીઓએ પણ બી.જે.પી.-પી.ડી.પી. ગઠબંધનનું સ્વાગત કર્યું હતું. સ્વાગત કરવાનું કારણ એ હતું કે ચૂંટણીમાં જમ્મુ પ્રદેશ આખેઆખો બી.જે.પી.ના ફાળે ગયો હતો અને કાશ્મીરની ખીણ તેમ જ લડાખના મતદાતાઓએ પી.ડી.પી., એન.સી. અને કૉન્ગ્રેસને સાથ આપ્યો હતો. જમ્મુ છોડીને બાકીના કાશ્મીરમાં બી.જે.પી.ને એક પણ બેઠક મળી નહોતી અને જમ્મુમાં પી.ડી.પી., એન.સી. અને કૉન્ગ્રેસને એક પણ બેઠક મળી નહોતી. આ સ્થિતિમાં જમ્મુ અને કાશ્મીરનું ઊભું કોમી વિભાજન થાય એ દેશના તેમ જ જમ્મુ અને કાશ્મીરના હિતમાં નહોતું. બીજું બે પ્રતિસ્પર્ધી પક્ષો પી.ડી.પી. અને એન.સી. સાથે આવે નહીં એટલે બી.જે.પી.ના સહયોગ વિના જમ્મુ અને કાશીરમાં સરકાર રચાય એમ નહોતી.

લાંબી વાટાઘાટોના અંતે પી.ડી.પી.એ બી.જે.પી.નો ટેકો લેવાનો નિર્ણય લીધો હતો અને એ રીતે બે ધ્રુવો વચ્ચે જોડાણ થયું હતું. એ નિર્ણયને સર્વત્ર આવકારવામાં આવ્યો હતો એનું કારણ આ હતું. દેશમાં કોમી ધ્રુવો હોવા જ ન જોઈએ અને જે હોય એ ઓગળવા જોઈએ. જો કે સંઘ કાશીએ પહોંચશે કે કેમ એની શંકા તો હતી જ. ૨૦૧૬માં પી.ડી.પી.ના નેતા અને મુખ્ય પ્રધાન મુફ્તી મહમ્મદ સૈયદનું અવસાન થયું અને એ જ વરસના જુલાઈ મહિનામાં બુરહાન વાણીના મોતની ઘટના બની. એ પછીથી કેન્દ્ર સરકારના હાથમાંથી કાશ્મીર સરકવા લાગ્યું. પહેલા કાશ્મીરની અશાંતિનો બાકીના ભારતમાં ચૂંટણી લડવા ઉપયોગ કરવામાં આવ્યો. જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન મેહબુબા મુફ્તી કામ જ ન કરી શકે એવી સ્થિતિ પેદા કરવામાં આવી. બાકીના ભારતમાં જમ્મુ અને કાશ્મીરના નામે દેશપ્રેમનો દેકારો બોલાવ્યા પછી પણ વિધાનસભાઓની તેમ જ પેટા – ચૂંટણીઓમાં કોઈ ફાયદો નજરે નહોતો પડતો ત્યારે બી.જે.પી.એ પી.ડી.પી.ને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો.

ટેકો તો પાછો ખેંચી લીધો પણ વિધાનસભા જીવતી રાખી હતી. પી.ડી.પી. અને એન.સી.એ સ્પષ્ટતા પણ કરી હતી અને રાજ્યપાલ સમક્ષ લેખિત રજૂઆત પણ કરી હતી કે પી.ડી.પી.-એન.સી. મળીને સરકાર રચવા માંગતા નથી અને એ સિવાય સરકાર રચાય એવી કોઈ શક્યતા નથી, એટલે વિધાનસભા વિખેરી નાખીને નવેસરથી ચૂંટણી યોજવી જોઈએ. જમ્મુ અને કાશ્મીરની વિધાનસભામાં પી.ડી.પી. ૨૮ બેઠકો ધરાવે છે, એન.સી. ૧૫ બેઠકો ધરાવે છે, બી.જે.પી. ૨૫ બેઠકો ધરાવે છે અને કૉન્ગ્રેસ ૧૨ બેઠકો ધરાવે છે. આ સ્થિતિમાં કાં તો પી.ડી.પી.-બી.જે.પી. સરકાર રચી શકે અને કાં પી.ડી.પી.-એન.સી. સરકાર રચી શકે. ત્રીજી કોઈ શક્યતા જ નથી, સિવાય કે પી.ડી.પી.,એન.સી. અને કૉન્ગ્રેસના વિધાનસભ્યો ફોડવામાં આવે.

તો ફરી એકવાર દેશહિતમાં મહાન ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો કે ગઠબંધન તોડી નાખવામાં આવે, પણ વિધાનસભા ભંગ કરવામાં ન આવે. દેશહિતમાં પીપલ્સ કોન્ફરસના સજ્જાદ લોનને પી.ડી.પી., એન.સી. અને કૉન્ગ્રેસના વિધાનસભ્યો ફોડીને ત્રીજો મોરચો રચવાનું કામ સોંપવામાં આવ્યું. સજ્જાદ લોન સોંપવામાં આવેલું કામ વફાદારીપૂર્વક કરતા હતા. પી.ડી.પી.ના પાંચ વિધાનસભ્યો ફોડ્યા હતા. બીજા બે પક્ષોના વિધાનસભ્યોને પણ ફોડવાની તૈયારી ચાલતી હતી ત્યાં પી.ડી.પી., એન.સી. અને કૉન્ગ્રેસે ખરા અર્થમાં ઐતિહાસિક નિર્ણય લઈ લીધો. ત્રણેય પક્ષોએ મળીને સરકાર રચવાનો મહાન અને ઐતિહાસિક નિર્ણય લેતાની સાથે જ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સતપાલ મલિકે વિધાનસભા વિખેરી નાખી. ઓફ કોર્સ, દેશહિતમાં. તેઓ દેશભક્તો છે એટલે જે પાપ કરે છે એ બધા દેશહિતમાં જ કરે છે, પછી જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાને વિખેરી નાખવાનો નિર્ણય હોય કે રફાલનો વિમાનસોદો હોય. પાપ તો બીજા કરે, દેશપ્રેમી ઓછા કરે.

આ નિર્ણય સાંપ્રત રાજકારણમાં ઐતિહાસિક છે. કેન્દ્ર સરકારે અને બી.જે.પી.એ નાગાઈ કરીને પરિસ્થિતિ એવી પેદા કરી છે કે આપણે કલ્પના પણ નહોતા કરતા એવાં ગઠબંધનો શક્ય બનવા લાગ્યાં છે. તેલંગણા અને આંધ્રપ્રદેશમાં કૉન્ગ્રેસ અને તેલગુ દેશમ પાર્ટી વચ્ચે ગઠબંધન રચાય એની કલ્પના પાંચ વરસ પહેલાં કરી હતી? ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષ વચ્ચે ગઠબંધન રચાય એવું પાંચ વરસ પહેલાં લાગતું હતું? આવું જ જમ્મુ અને કાશ્મીરમાં પી.ડી.પી. અને એન.સી. વચ્ચે હતું. હવે પછી પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કૉન્ગ્રેસ, ડાબેરી પક્ષો અને કૉન્ગ્રેસ વચ્ચે ગઠબંધન રચાય તો નવાઈ નહીં.

શા માટે જે તે રાજ્યોમાં બે રાજકીય ધ્રુવો સાથે આવી રહ્યા છે? પોતાનું રાજકીય ભવિષ્ય બચાવવા. ગોવામાં, કર્નાટકમાં, ઉત્તરાખંડમાં, અરુણાચલ પ્રદેશમાં અને જમ્મુ અને કાશ્મીરમાં જે બન્યું એ જોઇને વિરોધ પક્ષોને સમજાઈ ગયું છે કે કોઈ પણ પ્રકારની સભ્યતાની મર્યાદામાં નહીં માનનારા બી.જે.પી.ની દાદાગીરીયુક્ત નાગાઈના રાજકારણનો મુકાબલો ભેગા મળીને કરવો પડશે. આગળ આગળ જોયું જશે, પણ અત્યારે આને કાઢો એવી ગણતરી ભારતના રાજકારણના સ્વીકૃત બનવા લાગી છે. અસ્તિત્વ પહેલું, લાભા-લાભ પછી. બી.જે.પી. વધારે પડતી નાગાઈ કરીને અને દેશહિતના નામે દરેક લોકતાંત્રિક સંસ્થાનો દુરુપયોગ કરીને પોતે જ પોતાની સામેના રાષ્ટ્રીય મોરચા માટેની અનુકૂળતા પેદા કરી રહી છે.

રાજ્યપાલ સાહેબે કહ્યું છે કે વિરોધી વિચારધારાઓ વચ્ચેનું ગઠબંધન અપવિત્ર કહેવાય અને એવી સરકાર સ્થિર શાસન ન આપી શકે. અરે ભાઈ ૨૦૧૫માં પી.ડી.પી. અને બી.જે.પી. વચ્ચે ગઠબંધન થયું હતું એ વિરોધી વિચારધારા વચ્ચેનું ગઠબંધન હતું અને તેણે સ્થિર શાસન આપ્યું હતું. અસ્થિરતા તો દેશભક્ત બી.જે.પી.એ દેશહિતમાં પેદા કરી હતી. જો એક રાજ્યમાં એક વાર વિરોધી વિચારધારાઓ વચ્ચે ગઠબંધન શક્ય બને તો બીજીવાર કેમ ન બને? બીજું, પી.ડી.પી., એન.સી., કૉન્ગ્રેસની વિચારધારા એટલી બધી વિરોધી નથી જેટલી પી.ડી.પી.-બી.જે.પી. વચ્ચે હતી. ત્રીજું, વિચારધારાઓની સમાનતા-અસમાનતા અને પવિત્રતા કે અપવિત્રતા નક્કી કરવાનો અધિકાર બંધારણે કઈ જોગવાઈ હેઠળ રાજ્યપાલને આપ્યો છે? ચોથી વાત, જમ્મુ અને કાશ્મીરની ૮૭ સભ્યોની વિધાનસભામાં દાવેદાર ત્રણ પક્ષો પંચાવન સભ્યો ધરાવે છે. પી.ડી.પી.-બી.જે.પી. ધરાવતાં હતાં એના કરતાં પણ બે વધુ. બહુમતી માટે ૪૪ બેઠકોની જરૂર છે.

જમ્મુ અને કાશ્મીરના ત્રણેય પક્ષો તો સરવાળે લાભમાં રહ્યા છે. તેઓ તો માગણી કરતા જ હતા કે વિધાનસભાને વિખેરીને નવી ચૂંટણી યોજવામાં આવે. હવે ડરીને એ જ કરવું પડ્યું જેની તેઓ માગણી કરતા હતા. ત્રણેય પક્ષો મૂછમાં હસે છે એમ જે આગળ કહ્યું એનો અર્થ હવે સમજાઈ ગયો હશે. બહુ ડાહ્યો બહુ ખરડાય એ ન્યાયે બહુ ડાહ્યા દેશભક્તો પોતાની સામેના રાજકીય મોરચા માટે સબળ કારણ પૂરું પાડી રહ્યા છે. 

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 23 નવેમ્બર 2018

Loading

રામચન્દ્ર ગુહા, ટી.એમ. કૃષ્ણા, કાન્ચા ઇલૈયા : વ્યક્તિ ત્રણ અવરોધ એક – સાંપ્રદાયિકતાનું રાજકારણ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|23 November 2018

ચાર દિવસ પહેલાં ભારતીય જનતા પક્ષ અને કૉન્ગ્રેસ સાથે જોડાણ ધરાવતાં બે વિદ્યાર્થી આગેવાનોએ ગુજરાત યુનિવર્સિટીના એક પ્રોફેસર પર તેમના કાર્યાલયમાં હુમલો કર્યો. આ પહેલાં જૂનની આખરમાં ભા.જ.પ.ના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ ભૂજમાં ક્રાન્તિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસરનું મોં તેમના વર્ગમાં ઘૂસીને કાળું કર્યું હતું. કાયદો અને વ્યવસ્થાનો બેબાક ભંગ કરતાં આ બંને ગુનાઈત કૃત્યો છે. તેની વચ્ચે ઓગણીસમી ઑક્ટોબરે પરિષદે એક વિદ્યાકીય પરાક્રમ કર્યું. તેમાં તેણે અમદાવાદ યુનિવર્સિટીમાં એક અભ્યાસક્રમ ભણાવવા માટે નિમંત્રિત જાણીતા ઇતિહાસકાર રામચન્દ્ર ગુહાની વિરુદ્ધમાં રજૂઆત કરી. ભા.જ.પ.ના પ્રખર ટીકાકાર, પર્યાવરણ અને ક્રિકેટના અભ્યાસી, બે બહુ દળદાર ગ્રંથોમાં ગાંધીનું જીવન આલેખનાર ગુહા વિશ્વવિખ્યાત વિદ્વાન છે. પણ તેમણે આ સેલ્ફ-ફાઇનાન્સ્ડ યુનિવર્સિટીમાં આવવાનો ઇન્કાર કર્યો તે પરિષદના વિરોધની સફળતા. ગુહાએ પહેલી નવેમ્બરે રહસ્ય અને સ્નેહમિશ્રિત ટ્વિટ કર્યું કે તેમણે તેમના ‘કાબૂ બહારના સંજોગોને કારણે’ આ ઇન્કાર કર્યો છે. એ સંજોગોની જાણ તેમણે હમણાં ગયા શનિવારે તેમના એક લેખમાં આડ વાત તરીકે કરી. એમાં એમણે એમના અટકાવ માટે ‘હિન્દુત્વવાદીઓને’, ‘સ્થાનિક ગુંડાઓને’ અને ‘દિલ્હીના શક્તિશાળી રાજકારણીઓને’ જવાબદાર ગણાવ્યા.

પરિષદે ગુહા વિરુદ્ધ આપેલાં આવેદનપત્રમાં એમ જણાવ્યું છે કે ગુહાનાં ‘પુસ્તકો તેમ જ લેખો ભારતીય હિન્દુ સંસ્કૃિતનું ખંડન કરતાં તેમ જ રાષ્ટ્રનું વિઘટન કરનાર પ્રવૃત્તિઓને પ્રેરણા આપનાર સાબિત થયાં છે’. આવેદનપત્રમાં જે લખાણોનાં અંશો મૂકવામાં આવ્યા છે તેમાંથી મોટા ભાગના  ગુહાના ‘મેકર્સ ઑફ મૉડર્ન ઇન્ડિયા’ ગ્રંથનાં છે. આવેદનપત્રમાં અવતરણોની બહુ સગવડિયા અને સંકુચિત પસંદગી કરવામાં આવી છે. આ ગ્રંથ યુવાનને છાજે તેવા વધુ ખુલ્લા મનથી, હિન્દુ ધર્મ અને સંસ્કૃિતની સંકુચિત સમજથી બહાર નીકળી વંચાવો જોઈએ. સાડા પાંચસો પાનાંના આ સંપાદન-સંકલનમાં, અત્યારનાં લોકશાહી ભારતનું ઘડતર જેમના થકી થયું છે, તેવા જાહેર જીવનના ઓગણીસ પ્રબુદ્ધજનોનાં જીવનકાર્ય અંગેની સરસ નોંધ અને તેમનાં લખાણોનાં મહત્ત્વનાં અંશો વાંચવા મળે. તેમાં દેશના જાણીતા ઘડવૈયાઓ ઉપરાંત, મુસ્લિમ લીગના મોહમ્મદ અલી જિન્હા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાદેવ સદાશિવ ગોળવલકર પણ છે. તારાબાઈ શિંદે અને કમલાદેવી ચટ્ટોપાધ્યાય છે, સૈયદ અહમદ ખાન, વેરિયર એલ્વિન અને હમીદ દલવાઈ જેવાં ઓછાં જાણીતાં નામ છે. આ મહાનુભવોને કારણે દેશને સમાનતાવાદી બંધારણ, સ્ત્રી-દલિત-આદિવાસી-લઘુમતીના અધિકાર, સાર્વત્રિક શિક્ષણ અને લોકશાહી વિમર્શ મળ્યાં છે. જો કે શાસક ભા.જ.પ.ને આધુનિક ભારતનું આ જ સંવિત્ત જોઈતું નથી, અને એટલે તેને છિનવવા તે જે અનેક હથિયારોનો ઉપયોગ કરે છે, તેમાંથી એક વિદ્યાર્થી સંગઠન છે. તેની સામે બૌદ્ધિક, આર્થિક અને વિદ્યાકીય બળ ધરાવતી અમદાવાદ યુનિવર્સિટીએ સીધી જ શરણાગતિ સ્વીકારી. સંગઠને પત્રની નકલ મુખ્યમંત્રી અને રાજ્યપાલને મોકલી હોવા છતાં, આખા ય પ્રકરણમાં રાજ્યના પેટનું પાણી ય ન હલ્યું.

બીજી બાજુ, દિલ્હીની આમ આદમી પાર્ટીની રાજ્ય સરકાર સંગીતકાર ટી.એમ. કૃષ્ણાના ટેકામાં ઊભી રહી. વાત એમ હતી કે ભા.જ.પ.ના કડક આલોચક અને રૅડિકલ કર્ણાટક સંગીતકાર કૃષ્ણાનો એક કાર્યક્રમ એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ, સ્પિક-મૅકે નામની સંગીત પ્રસાર સંસ્થાના ઉપક્રમે, ગયા શનિવારે યોજ્યો હતો. તેને ઑથોરિટીએ ગુરુવારે એકાએક ‘સમ એક્સિજન્સી’ એટલે કે કોઈક તાકીદની જરૂરિયાત એવું અસ્પષ્ટ કારણ આપીને પડતો મૂક્યો. ખરું કારણ એ હતું કે આ મહેફિલની જાહેરાત થતાં સોશ્યલ મીડિયામાં કટ્ટર હિન્દુત્વવાદી ટ્રોલસેના મેદાને ચડી. તેણે કૃષ્ણા ‘જિસસ અને અલ્લા’નાં ગીતો ગાય છે, એ ‘ઍન્ટિ-નૅશનલ’, ‘કન્વર્ટેડ બાયગૉટ’ એટલે કે વટલાયેલો ધર્મઝનૂની અને ‘અર્બન નક્સલ’ છે એવી બૂમરાણથી જે દબાણ ઊભું કર્યું તેની સામે ઑથોરિટી ઝૂકી ગઈ. પણ દિલ્હીની સરકારે એ જ મહેફિલનું નિયત દિવસે વિના મૂલ્ય સફળ આયોજન કર્યું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે  જાહેર કર્યું કે ‘બધા ધર્મ અને બધા વર્ણને સમાવતા વૈવિધ્યસભર સમાવેશક દેશ’ને ટકાવી રાખવા માટે તેમની સરકારે આ પહેલ કરી છે.

પાટનગરનાં ગાર્ડન ઑફ ફાઇવ સેન્સેસમાં અર્ધચન્દ્રના ઉજાસમાં કૃષ્ણાએ બેઠકની શરૂઆત આશ્રમ ભજનાવલીના ‘ઓમ તત્સત્‌શ્રી નારાયણ તું’થી કરી. પછી તેમણે તુકારામની મરાઠી રચના અને આભડછેટનો ભોગ બનેલા કવિ કનક દાસની કન્નડ રચના ગાઈ. ઇસુ પરના એક મલયાલમ ગીત પછી કટ્ટરવાદીઓથી પીડિત લેખક પેરુમલ મુરુગનની તમિળ રચના સંભળાવી. નગુર સિદ્દિકીના સૂફી ગીત બાદ તેણે ‘વૈષ્ણવ જન’ ગાયું જેમાં પ્રક્ષકો જોડાયા. તમિળ ભાષામાં અદના આદમીના ગીત અને બંગાળી અમર જન્મભૂમિ ગીતો બાદ પછી ‘રઘુપતિ રાઘવ રાજા રામ’થી મહેફિલ પૂરી થઈ. યુ-ટ્યૂબ પર જોવા મળતી આ મહેફિલમાં સમન્વયવાદી કલાકાર કૃષ્ણા મળે છે. તે કર્મશીલ પણ છે. સંગીતમાં કહેવાતા ઉજળિયાત વર્ગની સદીઓ જૂની ઇજારાશાહી તોડીને તેમાં દલિત તેમ જ લઘુમતી વર્ગોને સ્થાન આપવાની તેમની મથામણ છે. પશ્ચિમ ઘાટ બચાવવાની કે આધાર કાર્ડ હઠાવવાની ઝુંબેશમાં કૃષ્ણાએ તેની કલાને જોડી છે. શ્રીલંકાના આંતરવિગ્રહથી પરેશાન લોકોને દિલાસો આપવા તેમણે જાફનામાં દિવસો સુધી મહેફિલો કરી છે. અલબત્ત, ધર્મઝનૂનીઓ દ્વારા તેમની મહેફિલો રદ્દ કરાવવામાં આવી  હોય અને ચાહકોના ટેકે તે ફરીથી થઈ હોય એવું પણ બન્યું છે. 

વિચાર સ્વાતંત્ર્યના દમનનો તાજેતરમાં બનેલો ત્રીજો કિસ્સો ઓછો જાણીતો કિસ્સો તે દિલ્હી યુનિવર્સિટીમાં કાન્ચા ઇલૈયાનાં પુસ્તકો પરનાં પ્રતિબંધના પ્રયત્નનો છે. ઇલૈયા રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને સબૉલ્ટરન સ્ટડીઝ એટલે કચડાયેલા વર્ગોના અભ્યાસ જેવાં ક્ષેત્રોના વિદ્વાન અધ્યાપક છે, તેમ જ તમિળ અને અંગ્રેજી લેખક છે. તેમનાં ત્રણ પુસ્તકો દિલ્હી યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિષયમાં અનુસ્નાતક સ્તરે ઘણાં વર્ષોથી અભ્યાસક્રમમાં છે. તેમનાં નામ છે : ‘ગૉડ ઍઝ અ પૉલિટિકલ ફિલૉસૉફર : બુદ્ધાઝ ચૅલેન્જ ટુ બ્ર્રાહ્મિનિઝમ’, ‘વ્હાય આઇ ઍમ નૉટ અ હિન્દુ: અ શૂદ્ર ક્રિટિક ઑફ હિન્દુત્વ ફિલૉસૉફી’, અને ‘પોસ્ટ-હિન્દુ ઇન્ડિયા : અ ડિસ્કોર્સ ઑન દલિત બહુજન સોશિયો-સ્પિરિચ્યુઅલ ઍન્ડ સાયન્ટિફિક રેવોલ્યૂશન’. આ પુસ્તકોનાં નામ અને પેટાનામ પણ ઇલૈયાના અભિગમનો અંદાજ આપે છે. યુનિવર્સિટીની સ્ટૅંડિન્ગ કમિટીએ આ પુસ્તકોની ‘વિવાદાસ્પદ સામગ્રી’ને લઈને તેમને અભ્યાસક્રમમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો. તેમાં ‘હિન્દુ ધર્મનું અપમાન છે’ એમ પણ કહેવાયું. જો કે રાજ્યશાસ્ત્ર વિભાગે પોતે સ્ટૅન્ડિન્ગ કમિટીના નિર્ણયનો અસ્વીકાર કરીને પુસ્તકો અભ્યાસક્રમમાં ચાલુ રાખવામાં આવશે એમ જણાવ્યું છે. જો કે અંતિમ નિર્ણયની સત્તા ઍકેડેમિક કાઉન્સિલ પાસે રહે છે. બરાબર એક વર્ષ પહેલાં સર્વોચ્ચ અદાલતે ઇલૈયાના એક પુસ્તક પર પ્રતિબંધ મૂકવા માટેની અરજી ફગાવી દીધી હતી.

ઉપર્યુક્ત ત્રણેય કિસ્સા જેવા બનાવો ભા.જ.પ.ના શાસન દરમિયાન સતત બનતા રહ્યા છે. આ પહેલાંની સરકારો દૂધે ધોયેલી હતી એમ કહેવાનું નથી. પણ તટસ્થ કે મોદી તરફી અભ્યાસીઓ પણ એ સ્વીકારશે એ દમનનું પ્રમાણ ચોક્કસ ઓછું હતું. હિન્દુત્વવાદીઓમાંના સંકુચિત લોકોને પણ લોકશાહીમાં પોતાનો મત ધરાવવાનો, અભિવ્યક્ત કરવાનો, તેના વિશે ચર્ચા-વિમર્શ કરવાનો અધિકાર હોય જ. પણ તેનો અમલ ટોળાંશાહી દ્વારા ન હોય અને શાસનવ્યવસ્થાના સીધા કે આડકતરા ટેકે તો  નહીં જ . 

*******

22 નવેમ્બર 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 23 નવેમ્બર 2018 

Loading

સિક્કાની બીજી બાજુ

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|23 November 2018

વસુન્ધરા હજી પંદરેક દિવસ પહેલાં જ આ સોસાયટીમાં રહેવા આવી હતી. લગ્ન નહોતાં કર્યાં અને માતા–પિતા ગામમાં રહેતાં હતાં એટલે તદ્દન એકલી. સવારથી નોકરી પર જવા નીકળી જાય તે છેક રાતે પાછી આવે. એટલે હજી સુધી આડોશપાડોશમાં કોઈને ઓળખતી નહોતી. લિફ્ટમાં ઉપર ચડતી વખતે સાથે થઈ ગયેલી નાનકડી છોકરીને એણે ધ્યાનથી જોઈ. દૂબળું–પાતળું શરીર, એના માપ કરતાં થોડું મોટું ફ્રોક અને હાથમાં પકડેલી થેલીમાં થોડાં શાકભાજી.

‘શું નામ તારું?

‘મંગા’ છોકરીએ કંઈક સંકોચ સાથે જવાબ આપ્યો.

‘ઘરકામ કરે છે?’ માત્ર ડોકું ધુણાવી તેણે હા પાડી.

‘કોના ઘરે?’

‘૪૦૨માં દાદા રહે છે એમના ઘરે. ત્યાં જ રહું છું, દિવસ–રાત.’

વસુન્ધરાના મગજ પર બાળમજૂરી નાબૂદીની ધૂન બરાબર સવાર હતી. કોઈ છોકરાને ચાની લારી પર કપ–રકાબી ધોતાં જૂએ કે હૉટલમાં ટેબલ સાફ કરતાં જૂએ તો, એની આંતરડી કકળી ઊઠતી. હસવા–રમવાની ઉમ્મરે અને ભણવાની ઉમ્મરે  ફૂલ જેવાં બાળકોએ આવાં કામ શા માટે કરવાં પડે? એમને આમાંથી મુક્ત કરાવવાં જ જોઈએ. અત્યાર સુધીમાં કેટલાયે માલિકોની વિરુદ્ધ ફરિયાદ કરીને એણે આવાં બાળકોનાં કામ છોડાવેલાં. આ નવા ઘરમાં આવીને ય મંગાની નોકરી છોડાવીને એણે પોતાના મિશનનાં શ્રીગણેશ કરી દીધાં.

રવિવારની સવારે આરામથી દસેક વાગ્યે નહાવા જવાનો વિચાર કરતી હતી ત્યાં દરવાજાની ઘંટડી વાગી.

‘તમે જ મિસ વસુન્ધરા?’ સફેદ કફની–પાયજામામાં પ્રભાવશાળી દેખાતા વયસ્ક પુરુષે પૂછ્યું.

‘જી, આવોને અન્દર …’

‘ના, ઊભા ઊભા જ બે વાત કરીને રજા લઈશ.’ બોલવાની ઢબ પરથી તેઓ શાલિન હોવાની છાપ પડતી હતી. ‘હું ૪૦૨ નંબરમાં એકલો રહું છું. મારું નામ વિનાયક રાવ. ૮૪ વરસની ઉમ્મર થઈ છે અને સાવ એકલો રહું છું. હાથપગ ચાલે છે અને એકલો હરીફરી શકું છું; પણ હવે થાકી જાઉં છું. મારે તમને પૂછવું છે કે આ ઉમ્મરની વ્યક્તિને કોઈના સહારાની જરૂર હોય કે નહીં?’

શો જવાબ આપવો તે વસુન્ધરાને સમજાયું નહીં. એ કંઈક મૂંઝાયેલી હતી ત્યાં મિ. રાવે આગળ ચલાવ્યું :

‘હું મંગાનું શોષણ કરું છું એવી ફરિયાદ કરીને તમે એની નોકરી છોડાવી એથી તમને આનન્દ થયો હશે, ખરું ને? હું માનું છું કે આપણામાંના દરેકે, એક સારા નાગરિક તરીકેની પોતાની ફરજ બજાવવી જ જોઈએ; પણ એક વડીલ તરીકે શિખામણના બે શબ્દો તમને કહી શકું?’

‘જી, જરૂર.’ વસુન્ધરાએ કંઈક થોથવાતાં કહ્યું.

‘જુઓ બહેન, સિક્કાની હમ્મેશાં બે બાજુ હોય છે. ફક્ત એક જ બાજુ જોઈને કોઈ નિર્ણય કરીએ, કોઈ પગલું ભરીએ, તો ક્યારેક પસ્તાવાનો વખત આવે. બસ, આથી વધુ મારે કંઈ નથી કહેવું અને વધારે બોલતાં થાકી પણ જાઉં છું.’

એમના ગયા પછી વસુન્ધરાનો જીવ બળવા લાગ્યો. શું પોતાનાથી કંઈ ખોટું થઈ ગયું હતું? ઉતાવળિયું પગલું ભરાઈ ગયું હતું? નોકરીની ભાગદોડમાં પછી તો વાત લગભગ ભુલાવા આવી હતી. કૉલેજમાં ભણતી મીરાં અને છઠ્ઠે માળે રહેતાં સંધ્યાબહેન સાથે ‘કેમ છો?’ પૂછવા જેટલો સમ્બન્ધ પણ બંધાયો હતો.

એક સાંજે હજી તો ઓફિસથી આવી જ હતી ત્યાં સંધ્યાબહેન ઉતાવળે આવ્યાં.

‘વસુન્ધરા, ખબર પડી? ૪૦૨ નંબરવાળાં રાવ અંકલ બપોરે ખુરસીમાં બેઠાં બેઠાં ચા પિતા હતા, જોરમાં ઉધરસ આવી ને ખલાસ ! કેવું સુન્દર મોત !’ સંધ્યાબહેન અને વસુન્ધરા દર્શન કરવા ગયાં ત્યારે એમના મિત્રો અને સોસાયટીના લોકોથી ઘર ભરેલું હતું. જુદા જુદા લોકો પાસેથી કેટલીયે અજાણી વાતો કાને પડતી હતી.

‘એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ અધિકારી હતા. પર્યાવરણ માટે, પાણીની સમસ્યા માટે, દેશના અર્થતંત્ર માટે – કેટકેટલા વિષયો પર કામ કર્યું ! કાયમ ગરીબ–યુવા, જરૂરિયાતમન્દોને પડખે ઊભા રહ્યા. અમેરિકા રહેતા બન્ને પુત્રોના આગ્રહ છતાં પત્નીના મૃત્યુ પછી સ્વદેશમાં રહેવું જ પસંદ કર્યું.’

બીજે દિવસે સવારે એમનો મૃતદેહ નીચે લાવવામાં આવ્યો. વસુન્ધરાની જાણ બહાર જ એની આંખોમાંથી નીકળેલાં એનાં આંસુ ગાલ પર રેલાતાં હતાં. ત્યાં જ એક બાઈ હાથમાં હાર લઈને આવી. એ રડતી જતી હતી અને બોલતી જતી હતી :

‘મારે માટે તો દાદા દેવતા સમાન હતા. મારો વર તો એક્સિડન્ટમાં મરી ગયો. આજે હું ને મારાં છોકરાંઓ જીવતાં છીએ તે દાદાને લીધે.’ થીંગડાંવાળા સાડલાથી આંખો લૂંછતાં એણે કહ્યું, ‘મારી મોટી મંગાને એમની પાસે રાખીને દાદાએ મોટી મહેરબાની કરી. એનું ખાવા–પીવાનું, કપડાં–લત્તા, સારા સંસ્કાર આપવાનું બધું દાદાએ કર્યું. કોઈ બાઈએ આવા સન્ત જેવા માણસ સામે ફરિયાદ કરી મંગાની નોકરી છોડાવી; તો ય ઘરે બેઠા એ આખો પગાર આપી જતા. હવે કોણ અમારો હાથ પકડશે ?’

વસુન્ધરાને ખ્યાલ આવ્યો, ઓહ! આ તો મંગાની મા! એની પાછળ ઊભી રહીને મંગા પણ હીબકાં ભરતી હતી. એણે નજીક જઈને સ્ત્રીને ખભે હાથ મૂકી કહ્યું :

‘કાલથી મંગાને મારા ઘરે મોકલજે. જે રીતે દાદા રાખતા હતા એમ જ હું એને રાખીશ, ભણાવીશ પણ ખરી. ના ન કહીશ, બહેન. આ ગુનેગારને એની ભૂલનું પ્રાયશ્ચિત્ત કરવાનો મોકો આપજે.’ મંગાને હાથે માથ ફેરવતાં એણે પૂછ્યું, ‘આ દીદીને ઘરે આવીશ ને, મંગા?

મંગાએ આંસુ લૂછતાં ‘હા’ પાડી.

[શ્રી. આદુરી સીતારામ મૂર્તિ’ની ‘તેલુગુ’ વાર્તાને આધારે.]

તા. 16 માર્ચ, 2018ના ‘ભુમિપુત્ર’ પાક્ષીકમાં છેલ્લે પાને પ્રકાશિત થયેલી આ વાર્તા, લેખિકાબહેનની અનુમતિથી સાભાર.

સર્જક–સમ્પર્ક : બી–401, ‘દેવદર્શન’, પાણીની ટાંકી પાસે, હાલર , વલસાડ– 396 001

ઈ–મેઈલ : avs_50@yahoo.com

♦●♦

સૌજન્ય : “સન્ડે ઈ.મહેફીલ” – વર્ષઃ ચૌદમું – અંકઃ 414 –November 25, 2018

Loading

...102030...2,9312,9322,9332,934...2,9402,9502,960...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved