Opinion Magazine
Number of visits: 9968802
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શ્રીલંકામાં આતંકવાદઃ સાંપ્રદાયિક વૈમનસ્ય ફેલાવવા ‘નાના’ ટાર્ગેટ પર મોટી સિદ્ધિ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|28 April 2019

પોતાના ધર્મને સર્વોપરી બનાવવા મથતા આતંકવાદીઓ રોમમાંથી ચર્ચને ફગાવી દેવા માગે છે.

શ્રીલંકાનો અત્યાર સુધીનો પરિચય એટલે સરસ મજાનો દરિયો, જ્યાં મંદિરમાં રાવણ જોવા મળે એવો દેશ, જેનો સિલોન રેડિયો આપણે ત્યાં હિટ હતો એ દેશ અને દક્ષિણ એશિયાનો એવો ભાગ જે બહુ વિશાળ ન હોવા છતાં ય જાત જાતની સંસ્કૃતિઓનું ઘર છે.

કમનસીબે શ્રીલંકાની આ ઓળખ ઇસ્ટરના દિવસે થયેલા લોહિયાળ આતંકી હુમલાને કારણે જાણે સ્તબ્ધ બની ગઇ છે. શ્રીલંકાએ આ પહેલાં પણ યુદ્ધ જોયું છે જે ૧૯૮૩માં શરૂ થયું. શ્રીલંકાનાં સિવિલ વૉરમાં લઘુમતી અને બહુમતી વચ્ચે યુદ્ધ થયું. તામીલ ભાષા બોલનારા લઘુમતી અને સિંહાલી ભાષા બોલનારા બહુમતીના લોકો વચ્ચે થયેલા સિવિલ વૉરમાં ધાર્મિક તાણાવાણા વણાયેલા હતા. શ્રીલંકાની સિત્તેર ટકા વસ્તી બૌદ્ધ ધર્મ પાળનારા સિંહાલીઓની છે. અમુક સિંહાલીઓ ખ્રિસ્તી છે, એમ કેટલાક તામીલ પણ ખ્રિસ્તી ધર્મ પાળનારા છે, જો કે મોટા ભાગનાં તામીલભાષીઓ હિંદુ છે. કુલ વસ્તીના દસ ટકા જેટલા લોકો મુસલમાન છે પણ તેઓ સિવિલ વૉરનો હિસ્સો ન હતા અને તામીલ ટાઇગર્સ દ્વારા તેમને પણ ટાર્ગેટ કરાતા. શ્રીલંકામાં હિંસા નથી થઇ એમ નથી પણ આ દેશને આંતરરાષ્ટ્રીય આતંકી જૂથોની ચિંતા કરવી પડે એવી સ્થિતિ હજી સુધી ખડી નહોતી થઇ, જે ઇસ્ટરના હુમલાઓએ બદલી નાખી છે. શ્રીલંકામાં થયેલા હુમલાને પગલે ગયા મહિને ન્યુઝીલેન્ડનાં મસ્જિદમાં ૫૦ જણનાં જીવ લેનારું શૂટિંગ, ઑક્ટોબર ૨૦૧૮માં પિટ્સબર્ગ પેન્સિલવેનિયાના ટ્રી ઑફ લાઇફ સિનેગૉગમાં થયેલી ૧૧ જણાની હત્યા તથા ૨૦૧૭નાં એપ્રિલમાં ઇજિપ્તમાં ૪૫ જેટલાં જીવ લેનાર પામ સન્ડે બોમ્બિંગની ઘટનાઓ મગજમાં ચમકી જાય. 

શ્રીલંકામાં થયેલા હુમલાનો મૃત્યુ આંક અને ધાયલોની યાદીનો આંકડાથી વધારે જાનહાનિ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલામાં જ થઇ હતી. ઓક્લાહોમા શહેરનાં બોમ્બિંગ્ઝ, કેન્યા અને તાન્ઝાનિયાની યુ.એસ. એમ્બેસીઝ પર થયેલા હુમલા અને સ્કોટલેન્ડ પર થયેલા પાન એમ બોમ્બિંગમાં માર્યા ગયેલાઓનો આંકડો પણ શ્રીલંકામાં થયેલી જાનહાનિ કરતાં ઓછો હતો. ભારત, યુરોપ કે એશિયામાં થયેલા આતંકી હુમલાઓનો મૃત્યુ આંક પણ શ્રીલંકામાંના આ હુમલાઓ કરતાં વધુ હતો એમ ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે. આફ્રિકા અને મિડલ ઇસ્ટમાં થયેલી કેટલી દુર્ઘટનાઓ આ આંકડા કરતાં વધારે મૃત્યુ આંક ધરાવતી હોય એમ બને.

આ સરખામણી કરવાનું સીધું કારણ એ છે કે આધુનિક ઇતિહાસમાં જેનો સમાવેશ થઇ શકે તેવો આ સૌથી મોટો (ન્યુ યોર્કનાં ટ્વીન ટાવર અટેક્સને બાદ કરતાં) અને હચમચાવી નાખે તેવો આતંકી હુમલો છે. આ હુમલાને પગલે શ્રીલંકા પણ હવે ન્યુ યોર્ક, વોશિંગ્ટન ડી.સી., લંડન, પેરિસ, મેડ્રીડ, મુંબઇ, ન્યુઝીલેન્ડ અને અન્ય ઘણાં શહેરો કે દેશોની યાદીમાં જોડાઇ ગયો છે, જ્યાં આતંકીઓએ સ્વતંત્ર સમાજમાં ડરનો પેગપેસારો કરાવવામાં અને અરાજકતા ફેલાવવામાં સફળતા મેળવી છે. શ્રીલંકામાં થયેલો હુમલો એ જેહાદીઓની બદલાયેલી હિંસાનું નિશાન છે.

વૈશ્વિક દ્રષ્ટિએ જોઇએ તો નેવુંના દાયકામાં અલ-કાયદાને જ્યુઝ અને ક્રુસેડર્સની સામે વિરોધ હતો અને બિનસાંપ્રદાયિક મથકો અને સ્થળો જ તેમનાં ટાર્ગેટ પર હતા.  ઇરાકમાં જ્યારે આઇ.એસ.-ઇસ્લામિક સ્ટેટનું જોર વધ્યું ત્યારે તેમણે ત્યાં રહેતા એવા મુસલમાનોની હત્યા કરી, જેઓ આઇ.એસ.ના કુરાનનાં લોહિયાળ તારણ સાથે સંમત નહોતા. આઇ.એસ.ની હિંસા તો અલ-કાયદાનાં આતંકીઓને પણ વધારે હિંસક લાગતી એટલી વરવી હતી. ૨૦૧૭ની સાલમાં અલ-કાયદાની દક્ષિણ એશિયન શાખાએ નિયમ બહાર પાડ્યો કે હિંદુ, મુસ્લિમ, બૌદ્ધ ધર્મનાં સિવિલિયન અને ધાર્મિક સ્થળો પર હુમલો ન કરવો. એનાથી તદ્દન વિરુદ્ધ આઇ.એસ.એ બહુ ગર્વથી ઇજીપ્ત, ફિલિપીન્સ, પાકિસ્તાન અને હવે શ્રીલંકા એમ આ દેશોમાં ધાર્મિક સ્થળોએ હુમલાની જવાબદારીઓ સ્વીકારી.

વૈશ્વિક સ્તરે આનું સીધું વિશ્લેષણ એ છે કે આઇ.એસ.નું ધ્યેય છે જુદી જુદી સંસ્કૃતિઓ વચ્ચે ટકરાવ કરાવવો. આ સેક્ટેરિયન ટેરરિઝમ – સાંપ્રદાયિક આતંકવાદ છે – જેહાદીઓનાં આ ધ્યેયની સાથે વ્હાઇટ નેશનાલિસ્ટ ટેરરિસ્ટની માનસિકતા પણ મળતી આવે છે. પશ્ચિમીઓ ખાસ કરીને શ્વેત વર્ણીઓ જ્યારે પણ આવા ગુના આચરે ત્યારે તેમને આતંકવાદનું લેબલ જોડાય એ ગમતું નથી, પણ ગયા મહિને ન્યુઝીલેન્ડનાં મસ્જિદમાં થયેલો હુમલો વ્હાઇટ નેશનલિસ્ટ ટેરરીઝમનો જ દાખલો છે. આતંકવાદી જૂથનું મૂળ લક્ષ્ય હોય છે આમ નાગરિકને કોઇ પણ એક બાજુની પસંદગી કરવા બળજબરી કરવી.  વિસંવાદિતા પ્રસરાવવી અને અન્ય ધર્મ પ્રત્યે અણગમાનાં મૂળિયાં ઊંડા ઊતારવા એ જ આ આંતકી જૂથો ઇચ્છતા હોય છે. જેહાદીઓને મુસલમાનો સામે નકારાત્મકતા વધે એમાં જ રસ છે જેથી વધુને વધુ મુસલમાનો જેહાદીઓની વિચારધારાનો સ્વિકાર કરે. કોઇ પણ સરકારો કે નાગરિકોએ જેહાદીઓનાં આ ફાસલામાં ઝડપાવું ન જોઇએ.

આઇ.એસ. સાથે જોડાઇ રહેલી નવી પેઢીનાં અંતિમવાદીઓનું નિશાન ધાર્મિક સ્થળો છે. યુનિવર્સિટી ઑફ મેરીલેન્ડ દ્વારા વૈશ્વિક આતંકવાદ પર કરાયેલા એક અભ્યાસ અનુસાર ૨૦૦૦થી માંડીને ૨૦૦૪ દરમિયાન ધાર્મિક સ્થળો પર ૨૪૦ જેટલા હુમલા થયા થયા જેમાં ૬૨૦ લોકોએ જાન ગુમાવ્યા. ત્યાર બાદ ૨૦૧૩ અને ૨૦૧૭નાં ગાળામાં ધાર્મિક સ્થળોએ થતા હુમલાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો. આ સમય દરમિયાન ધાર્મિક સ્થળો પર લગભગ ૧૪૦૦ હુમલા થયા જેમાં ૪૦૦૦ લોકોએ જાન ગુમાવ્યા.  છેલ્લા બે વર્ષનો ચોક્કસ ડેટા હજી આ અભ્યાસમાં ઉમેરાયો નથી પણ આપણે છેલ્લા બે વર્ષમાં ચર્ચ અને મસ્જિદ જેવા ધાર્મિક સ્થળો પર કરાયેલા આતંકી હુમલાઓથી માહિતગાર છીએ. અહીં જે સમયગાળાની વાત કરાઇ છે તેમાંથી બે – તૃતિયાંશ હુમલાઓ પાકિસ્તાન, નાઇજીરિયા, અફધાનિસ્તાન અને ઇજીપ્તમાં થયા છે. વળી ઇરાક અને સિરિયામાં થતા આતંકી હુમલાઓના આંકડાનો આમાં સમાવેશ નથી કારણ કે ત્યાંના સિવિલ વૉર્સ તો વૈશ્વિક આંકડાઓને ક્યાં ય પાછળ છોડી દે તેવા છે.

આઇ.એસ.એ પોતાનાં શરૂઆતી વર્ષોમાં ઇરાકમાં ‘અલ-કાયદા ઇન ઇરાક’ જૂથ તરીકે શિયા મુસલમાનોને ટાર્ગેટ કર્યા કારણ કે તેઓ ત્યાં પ્રજામાં ધ્રુવીકરણ ઇચ્છતા હતા. આઇ.એસ.ની આ માનસિકતાએ અલ-કાયદાનાં મૂળ નેતૃત્વને પણ ચોંકાવી દીધા હતા. ૨૦૧૪માં અલ-કાયદા ઇન ઇરાકે પોતાની નવી ઓળખ બનાવી અને આઇ.એસ.-ઇસ્લામિક સ્ટેટ નામ અપનાવ્યું. ઇરાક અને સિરિયાનાં પ્રદેશોમાં અણધારી હિંસા, અન્ય સંપ્રદાયોની સતામણી સહિત આખા વિશ્વમાં ઠેરઠેર છૂટા છવાયા હુમલા કરવા માટે તેમણે પોતાના સાથીદારો અને મદદનીશોને પ્રોત્સાહન આપ્યું, જે અલ-કાયદાએ ક્યારે ય નહોતું કર્યું. આઇ.એસ.ને થિએટ્રિકલ અસૉલ્ટ્સ કરવામાં વધારે રસ છે વળી આઇ.એસ.ના યુરોપિયન અનુયાયીઓએ ટ્રાન્સપોર્ટ હબ્સ, કોન્સર્ટ્સ વગેરે ટાર્ગેટ બનાવવાનું પણ ચાલુ રાખ્યું. આઇ.એસ.નું એક માત્ર ધ્યેય છે ખ્રિસ્તી ધર્મને ફગાવી દઇને રોમને તાબામાં લેવું.

આઇ.એસ.ની ઇજીપ્તની શાખાએ દેશનાં કોપ્ટિક ખ્રિસ્તીઓ અને સૂફી મુસલમાનોને પણ નથી છોડ્યા તો ગલ્ફનાં આઇ.એસ. અનુયાયીઓએ શિયા મસ્જિદો પર મારો ચલાવ્યો છે. આ પહેલાં ઇન્ડોનેશિયામાં થયેલા ચર્ચ બોમ્બિંગ્ઝ અને ફિલપાઇન્સનાં બોમ્બિંગ્ઝમાં પણ આઇ.એસ.નો હાથ છે એમ બહાર આવ્યું હતું. અલ-કાયદાએ ધાર્મિક સ્થળો પર હુમલા નથી કર્યા એમ નથી પણ તેમનું મુખ્ય લક્ષ્ય અમેરિકા અને પશ્ચિમનાં દેશો જ છે, તેમને આઇ.એસ.ની કટ્ટર સાંપ્રદાયિકતા બહુ માફક નથી આવતી. આમ જોવા જઇએ તો આઇ.એસ. અને અલ-કાયદા બંન્નેનું ધ્યેય એક જ છે પણ તેને મેળવવાની પદ્ધતિ અંગે બંન્ને જૂથોની માનસિકતા જૂદી પડે છે. 

અમેરિકાને ટાર્ગેટ કરવું અલ-કાયદા માટે અઘરું બન્યું છે અને તેની સાથે જોડાનારા આતંકીઓને પણ અલ-કાયદાને સમજવામાં – ખાસ કરીને ‘ફાર એનિમી’વાળા વાતને સમજવામાં, મુશ્કેલી પડે છે. આ તરફ આઇ.એસ.ની કોઇ.પણ ભેદ-ભાવ વગરની, બેફામ અને સારાસાર વગરની માનસિકતા ‘રિક્રુટ્સ’ને સમજવામાં સહેલી પડે છે. આઇ.એસ.ને માટે ઘાતકી હિંસા, ખૂના-મરકી, મોત, જીત મેળવી તથા સાંપ્રદાયિક અરાજકતા બધું જ તેમના લક્ષ્ય સુધી પહોંચવા માટે ચલાવાય છે. આઇ.એસ.ની આ અંતિમવાદી માનસિકતાને પગલે તેનો ડર વૈશ્વ સ્તરે પ્રસરી ચુક્યો છે અને જે હજી સુધી આતંકી બન્યાં નથી પણ અંતિમવાદી વિચારધારા ધરાવે છે તેમને આ ગોઠી ગયું છે. ૨૦૧૪માં જે રીતે ખલિફતની રચના થઇ અને જે રીતે ૪૦ હજારથી પણ વધુ વિદેશી ‘લડવૈયા’ઓ વિશ્વનાં અલગ અલગ ૮૦ દેશોમાંથી ઇરાક અને સીરિયા ધસી ગયા હતા તે ખલિફત પડી ભાંગ્યા બાદ આતંકી જૂથોનાં સંપર્કો, ટ્રેઇનિંગ અને સાંપ્રદાયની સહાય વગેરે સાથે પોતાના રાષ્ટ્રોમાં પાછા ફર્યા છે. શ્રીલંકા પરનાં હુમલા સાબિત કરે છે કે જ્યાં ખ્રિસ્તી વિરોધી હુમલાઓનો જરા અમસ્તો ઇતિહાસ પણ નથી ત્યાં પણ ધાર્મિક સ્થળોએ ફરી વળવું એ જેહાદીઓને માટે પોતાના ધ્યેય સુધી પહોંચવાનો રસ્તો હોઇ શકે છે.

આપણે સમજી લેવું પડશે કે આતંકવાદ અંતે તો વિશ્વનાં બે સૌથી મોટા ધર્મોમાં ચડસાચડસીનું પરિણામ છે. મુસ્લિમ અંતિમવાદીઓને પોતાના ધર્મને સર્વોપરી સાબિત કરવો છે અને માટે તેઓ આતંકવાદનો રસ્તો અપનાવે છે. પરંતુ આપણે એ પણ સમજવું પડશે કે દરેક મુસલમાન આતંકવાદી નથી હોતો. આતંકવાદીઓ જે ધર્મનાં નામે ઠેકડા મારે છે એ ધર્મ તેમને માટે વૈમનસ્ય પ્રસરાવવાનું હથિયાર છે. આતંકવાદીઓને ધર્મ સાથે ખરેખર કોઇ ‘પવિત્ર’ સંબંધ નથી.

બાય ધી વેઃ

યુ.એસ.એ.માં ચર્ચ અને મસ્જિદોમાં સલામતી વ્યવસ્થા હવે અગત્યનો હિસ્સો બની છે. વળી ખ્રિસ્તી અને મુસલમાન ધર્મનાં ઉચ્ચ વડાઓ પરસ્પર આપ-લે વધે એ માટે મોટા પાયે પ્રયાસ કરી રહ્યા છે. બરાક ઓબામાના કાળ દરમિયાન અમેરિકામાં તથા અન્ય રાષ્ટ્રોમાં ધાર્મિક સ્વતંત્રતાનાં પ્રતિનિધિઓને પણ નિમવામાં આવ્યા હતા. દેખીતી રીતે બે ધર્મો વચ્ચેનાં યુદ્ધ કરતાં આ તમામ ઘટનાઓને બે ધર્મો પર તોળાતા જોખમ તરીકે જોવા જોઇએ. ધાર્મિક લધુમતીનું દમન એ વૈશ્વિક વાસ્તવિકતા છે, પછી એ કોઇ પણ ધર્મ કેમ ન હોય. પરંતુ તેમાં સત્તા અને બળનું જોર બતાડવાની મહેચ્છા જેટલી પ્રબળ છે એટલી પ્રબળ કોઇ ધર્મની માન્યતા નથી જ. આ બધાંની વચ્ચે પાકિસ્તાનનો ‘સ્ટેટ સ્પોન્સર્ડ’ આતંકવાદ પણ એક બહુ મોટી સમસ્યા છે જે વૈશ્વિક સ્તરે રાજકારણને અસર કરનારી બાબત છે કારણ કે તેમાં ચીનના અંગત રસ છે પણ ચીનના હાથ દઝાવા માંડે એ સમય બહુ દૂર નથી.  નોસ્ત્રાદેમસે કરેલી ભવિષ્યવાણીને માનીએ તો ખ્રિસ્તી અને મુસલમાન રાષ્ટ્રો વચ્ચેનો સંઘર્ષ ટાળી શકાય તેમ નથી. એ મુજબ આ બે ધર્મો વચ્ચેનો સંઘર્ષ ત્રીજા વિશ્વ યુદ્ધનું કારણ બની શકે છે જે જમીન, હવાઇ તથા જળ માર્ગે ખેલાશે.

સૌજન્ય : ‘બહુશ્રુત’ નામે લેખિકાની સાપ્તાહિક કટાર, રવિવારીય પૂર્તિ, “ગુજરાતમિત્ર”, 28 ઍપ્રિલ 2019

Loading

મત પછીના મતાંતરઃ ત્યારે કરીશું શું?

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|28 April 2019

મતદાર તરીકે આપણી નિયતિ શાહબુદ્દીન રાઠોડના વનેચંદ જેવી હોય છેઃ અપેક્ષાની શરૂઆત માસ્ટર્સ ડિગ્રીથી થાય છે અને છેલ્લે ‘આપણે અક્ષરજ્ઞાનનો બાધ નથી’ પર આવીને ઊભા રહીએ છીએ. બંને મુખ્ય પક્ષોથી કંટાળેલા હોય એવા, વફદારીની પટ્ટી વગરના નાગરિકો માટે એક મુશ્કેલી છેઃ ઘણા વખતથી કોઈની તરફેણમાં મત આપવાનું કહેવાય એવું લગભગ બન્યું નથી. મોટે ભાગે તો વિરોધમાં મત આપવાનું જ ફરજરૂપ લાગે છે. એ વખતે પણ ઇતિહાસ અને વર્તમાનના અનેક પ્રસંગોની મૂંઝવણો સામે આવીને ઊભી રહે છે.

ઇંદિરા ગાંધીને હરાવવા માટે થયેલું ગઠબંધન અને તેમાં થયેલી ભાંગફેડ જાણે ઇંદિરા ગાંધીને કટોકટીના કલંકમાંથી મુક્ત કરીને વાજતેગાજતે પાછાં બેસાડવા માટે નિર્માઇ હોય એવું અત્યારે જોતાં લાગે. તેમાં કશી કાવતરાબાજી જોવાનો પ્રયાસ નથી, કેવળ ઘટનાક્રમને યાદ કરવાની વાત છે. એવું જ પછી થયેલાં અનેક ગંઠબંધનોના કિસ્સામાં પણ બને છે. ભૂતને કાઢવાની તીવ્રતાને કારણે પલિતનું અનિવાર્ય આગમન નજરઅંદાજ કરવું પડે છે. ભૂતને કાઢવા માટે કરાતી સિદ્ધાંતચર્ચા, પલિતના આગમનની સંભાવનાટાણે, આગળ કહ્યું તેમ, ‘અક્ષરજ્ઞાનનો બાધ નથી’ પર આવીને અટકે છે.

આટલી વાત અરણ્યરુદન કે નિરાશાવાદ કે ‘આ તો અમે વર્ષોથી કહીએ છીએ’ – એવી લાગે તો એ ખોટું નથી, પણ આ લખવાનો હેતુ નિરાશા ઘુંટવાનો કે નવેસરથી જૂની વાતો દોહરાવવાનો નથી. કહેવાનું એ છે કે આટલી ઘેરી પરિસ્થિતિ છતાં, હજુ સાવ નિરાશ થવાપણું નથી. સવાલ વર્તમાન વડાપ્રધાન ચૂંટણી જીતે છે કે નહીં એટલા પૂરતો હોય તો જરૂર એવું થાય. પણ આ સરકારની વાજબી ટીકાથી આગળ વધતાં જણાય છે કે સવાલ આપણો સૌનો છે. આપણાં કેટકેટલાં પરિચિતો-મિત્રો-સગાંસ્નેહીઓ-સમાજના માણસોમાંથી જે કંઠીધારી કે ન સમજવા માટે પ્રતિજ્ઞાબદ્ધ હોય તેમને બાજુ પર મૂકીએ, તો પણ મોટો સમુદાય બાકી રહે છે. તેમાં યુવાન મતદારોનું પ્રમાણ સૌથી મોટું છે.

ધર્મ હોય કે રાજકારણ, ‘કેચ ધેમ યંગનું’ સૂત્ર નવું નથી. એ સૂત્રને નાગરિકધર્મની વાત કરનારા અને ભારતની લોકશાહી-બંધારણીય મૂલ્યો વિશે ચિંતિત લોકોએ પણ ધર્મ અને રાજકારણના ખેલાડીઓ જેટલી પ્રાથમિકતા આપવાની જરૂર છે. એ ખરું કે પેચીદી – જરા ઠંડકથી ને ચશ્માં ઉતારીને જોવી-બતાવવી પડે એવી સચ્ચાઈને બદલે ‘હીરો કે વિલન?’, ‘દેશદ્રોહી કે દેશપ્રેમી?’ની ગોળીઓ પીવડાવવાનું વધારે સહેલું હોય છે. છતાં, નવી પેઢીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથેનો સંવાદ સાવ પથ્થર પર પાણી નથી હોતો. ઘણી વાર એવા સંવાદમાં સમજાતું હોય છે કે નવી પેઢીના લોકો ‘નિર્દોષ’ છે. તેમના અભ્યાસક્રમમાં તેમને વિચારતા કે સમજતા કરે, એવું કશું આવતું નથી. સામેથી એ કવાયતમાં ઉતરવાની મોટા ભાગનાની તૈયારી નથી. એટલે જડ-ઝનૂની નહીં હોવા છતાં, તેમની સમજણમાં તેમણે અમુક જ પ્રકારનું રાજકારણ જોયું છે. અપપ્રચાર અને ફેક ન્યૂઝના યુગમાં તે ખોવાયેલા છે.

એટલે કોઈ પોતાની મેળે સમજે તો ઠીક છે. બાકીનાને ‘નિર્દોષ’ રાખવાની પૂરી વ્યવસ્થા શિક્ષણવ્યવસ્થામાં છે. ઔપચારિક શિક્ષણની એ મોટી મર્યાદા નાગરિકધર્મ અંગે સાવધ લોકો સહિયારા પ્રયાસોથી કેવી રીતે પૂરી શકે તેનો વિચાર અને અમલ કરવાનો છે. યુવા પેઢીનો મોટો હિસ્સો ઠેકાણાસરની વાત, ઉપદેશના કે જ્ઞાનના ભાર વગર કહેવાય તો તે સાંભળવા તૈયાર હોય છે. તેમના ધ્યાન અને મનનું અપહરણ કરે એવાં સોશિયલ મીડિયાનાં સુવર્ણમૃગોને હણવાનું પૂરતું નથી. તેમને આ સુવર્ણમૃગોની રાક્ષસી અસલિયત સમજાવવાનું જરૂરી છે અને ઇચ્છનીય એ છે કે આપણે તેમની વિચારપ્રક્રિયામાં આપણે મદદરૂપ થઈ શકીએ અને આસુરી સુવર્ણમૃગો તે પોતાની જાતે ઓળખતા થાય.

નિરાશ થનારે યાદ રાખવા જેવું છે કે એક સમયે ચોતરફ ફેલાઈને લાંબા સમય સુધી અસર ટકાવતી પ્રચારપ્રયુક્તિઓની આવરદા હવે ‘લો ઓફ ડિમિનિશિંગ રીટર્ન્સ’ પ્રમાણે ઘટી રહી છે. એક તિકડમથી કામ થઈ જતું નથી – અને આવું આપણને નહીં, સાયબર સેલના પાલનહારોને પણ લાગે છે. સાયબર પ્રચારસ્વામીઓને પણ બૂમરેન્ગની અને બૂમરેન્ગથી બીક લાગે છે, તે નાગરિકધર્મ માટે જાગ્રત લોકો માટે આશાસ્પદ છે.

પહેલી વખત મત આપનારા લોકો રાજકીય પક્ષોનું પ્રિય લક્ષ્ય હોય છે. તારક મહેતા એક વખત કહેતા હતા કે તે ટપુડાથી કંટાળ્યા છે, પણ વાચકોની નવી પેઢી આવ્યા કરે છે ને ટપુડો ચાલ્યા કરે છે. રાજકીય ટપુડાઓને નવી પેઢી – પહેલી વખત મત આપનારા કેમ વહાલા લાગે તે સમજી શકાય એવું છે. (સોરી, તારકભાઈ) આપણે નવી પેઢીને કંઠી પહેરાવવાની નથી, કંઠી ન પહેરવાની દિશામાં તેમને સાથે લઈને ચાલવાની કોશિશ કરવાની છે. તેના માટે વિચારવર્તુળો પૂરતાં નથી, આચારવર્તુળો ને આચારરેલીઓ પણ જરૂરી છે. અત્યાર લગીના પ્રયાસો ચાલુ રાખીને, પણ ત્યાં અટકી પડયા વિના, આગળ નીકળવાનું જરૂરી છે. ‘વિચારનારા માણસોનાં ટોળાં નથી હોતાં’ એવું આશ્વાસન લઈને બેસી રહેવાને બદલે, મર્યાદિત અને મૂળભૂત મુદ્દા પૂરતું વર્તુળ વિસ્તારવાની વાત છે. લઘુતમ સાધારણ મૂલ્યો – ખાસ કરીને, શું ન જ ચલાવી લેવાય, એ નક્કી કરીને તેના આધારે પ્રેશર ગ્રૂપ ઊભાં કરવાની દિશામાં કોશિશ કરવાની છે. એવાં ગ્રૂપ, જે કોઈ રાજકીય પક્ષનાં ખંડિયાં ન હોય, બધાને આંખમાં આંખ નાખીને, નાગરિકની ભૂમિકાએથી બધા પક્ષોને – બધા નેતાઓને અઘરા સવાલ પૂછી શકે.

આવું બધું પહેલાં અનેક વાર કહેવાઈ ચૂક્યું છે. છતાં, દરેક નવી પેઢી આવે ત્યારે એ કહેવું જરૂરી હોય છે. કયું સ્કૂટર કેટલામી કીકે શરૂ થાય, કોને ખબર?

e.mail : uakothari@gmail.com

સૌજન્ય :  'નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 28 ઍપ્રિલ 2019

Loading

સૅક્સ ટુરિઝમ ટ્રેડ વિશે

સુમન શાહ|Opinion - Opinion|27 April 2019

હું બેચૅન છું (૭)

ફિલિપાઈન્સના મનીલા શહેરથી ઉત્તર-પશ્ચિમે ૪૫ કિલોમીટર દૂર ઍન્જલસ સિટી નામનું એક ‘ખ્યાત’ શહેર છે.

ત્યાંના સ્લ્મ્સમાં જિવાતા નારીજીવનની આ કેવી તો હૃદયદ્રાવક કહાની છે…

એશિયાનું એ એક માત્ર સ્થળ છે જ્યાં ‘સૅક્સ ટુરિઝમ ટ્રેડ’ ચાલે છે. ટ્રેડ એટલે વેપાર. પણ આ વેપાર કેવો? પ્રવાસીઓ માટે સૅક્સનો વેપાર. પ્રવાસીઓ માટે વેશ્યાઓનો વેપાર.

ઍન્જલસમાં આવતા પ્રવાસી-પુરુષોને સોશ્યલ મીડિયાથી જરૂરી માહિતી ઘેરબેઠાં મળી જાય છે. ત્યાંનાં રસીલાં ફેસબુક-ગૃપ્સ અને કેટલીક વેબસાઈટ્સ સૅક્સ માણવા માટેની તમામ મદદો પૂરી પાડે છે – કહે છે, વૅલકમ ટુ … ઍન્જલસમાં, પધારો. એવી નગરીમાં, જ્યાં, લખે છે એ લોકો, કે ‘યુ કાન્ટ હૅલ્પ બટ ગેટ લેઈડ’ = ‘તમે ભૈ, સૅક્સ માણીને જ જશો’. તમારો છૂટકો નથી …’

નગરની વિશેષતા છે, GFE, ગર્લફ્રૅન્ડ ઍક્સપીરિયન્સ. સ્ત્રીને તમે એક દિવસ માટે કે એક રાત માટે કે તમે ઈચ્છો તો એક માસ માટે ગર્લફ્રૅન્ડ તરીકે લઇ જઇ શકો છો. કહેવાની જરૂર નથી કે તમારે ઈચ્છા મુજબના પૈસા આપવાના હોય છે.

પેલા સોશ્યલ મીડિયાવાળાઓને ત્યાં બ્લૉગ્સમાં એ પુરુષ-પ્રવાસીઓ પોતાના ‘સુખ’દાયી અનુભવો લખે છે ને એકબીજા જોડે ‘જરૂરી’ ‘ટિપ્સ’-નો વિનિમય કરે છે. એ લખાણોનો સાર જાણો:

ત્યાં IDની જરૂર નથી. ત્યાં એક ઉપરાન્તની જોડે પણ વારાફરતીથી મૉજ માણી શકાય છે. કોઇ રોકતું નથી. સૌથી ખતરનાક વાત સાંભળો —

ત્યાં કૉન્ટ્રાસૅપ્ટિવ્સની પણ જરૂર નથી ! એક પ્રવાસીવીરલો તો રાજી થઈને જણાવે છે કે પોતે ૪૦ કૉન્ડોમનું પૅક લઇને ગયેલો પણ ખોલ્યા વિનાનું એવું ને એવું ઘરે પાછું લઇ ગયો.

સંસારમાં વેશ્યાવાડો નવી વસ્તુ નથી. વેશ્યાબજારો આપણા દેશમાં ને અન્ય દેશોમાં ય છે પણ સૅક્સ ટુરિઝમ ટ્રેડ નવી વસ્તુ છે. દુનિયાભરનાં વેશ્યાવાડા સેફ સૅક્સની રીતે જ ચાલે છે પણ ફ્રી સૅક્સથી ચાલે એ નવી વસ્તુ છે. વેશ્યાગમનના અનુભવો વૈયક્તિક મામલાઓ છે પણ ઈન્ટરનેટ પર એ ‘સુખદ’ ઘટનાઓની ખુલ્લા મને થતી ગલીચ અભિવ્યક્તિઓ નવી વસ્તુ છે.

ફિલિપાઈન્સ ગરીબ દેશ છે. કહે છે, ત્યાં ગરીબમાં ગરીબ જનો વસે છે. એ બધી સ્ત્રીઓ સ્લ્મ્સમાં રહે છે. ‘કામ’ ન મળે તો ડૂચા વીણે, કચરા ઉપાડે, ઉપયોગી વસ્તુઓ છૂટી પાડે, વગેરે. વૃદ્ધાઓએ પણ વેશ્યાવ્યવસાયમાં જોડાવું પડે છે.

લોકલ ટુરિઝમ ડિપાર્ટમૅન્ટ પોતે જણાવે છે કે દર વર્ષે ૪.૭ મિલિયનથી પણ વધુ પ્રવાસીઓ ફિલિપાઈન્સ આવે છે. એમાં ૧.૨ મિલિયન પુરુષો હોય છે. કોરિયા, યુ.ઍસ.એ., ચીન, ઑસ્ટ્રેલિયાથી વધારે હોય છે.

૨૦૧૧માં ફિલિપાઈન્સના અમેરિકન ઍમ્બેસેડરે જણાવેલું કે ૪૦ ટકા પુુરુષ-પ્રવાસીઓ માત્ર સૅક્સ માટે જ આવેલા. જો કે ગીરદી એવી હોય છે કે ખરી ટકાવારી બાબતે અહીંના ઍફિસરો હમેશાં ગૂંચવાયા કરે છે.

કહેવાય છે કે ઍન્જલસ સિટીમાં કેટલાં ય અઠવાડિયાં લગી તમને વિદેશી મહિલા જોવા નહીં મળે. ત્યાં તો ફિલિપિનો સ્ત્રીઓ ને પરદેશી પુરુષો જ જોવા મળે છે !

પણ બ્લૅક હ્યુમર એવો કે આ અવૈધ સન્તાનોનો પૅરન્ટેજ ‘યુનાઈટેડ નેશન્સ’-નો કહેવાય ! -કેમ કે કોઇ ગોરું છે, કોઇ કાળું છે, કોઇની મૉખરાશ કોરિયન છે, કોઇની કોકેસિયન છે. કેમ કે એમના ‘બાપ’ બધા સૅક્સ-ટુરિસ્ટ હતા.

બાય ધ વે, હું કલ્પના કરું છું કે આખું ઍન્જલસ આવું નહીં હોય. થોડીક તો સારી હકીકતો હશે.

આ બધા ઘરાકોને ‘વ્હૉરમૉન્ગર્સ’ કહેવાય છે. એ શબ્દના અનુવાદ રૂપે મને ‘વેશ્યા-ઉપકારી’ શબ્દ સૂઝ્યો પણ મને થયું, ના, બહુ બંધબેસતો નથી, કેમ કે

એમાંથી ‘મૉન્ગર’-ના હલકટતાવાચી સંકેતો નથી પ્રગટતા …

આઘાતક વાત એ છે કે —

એવા મૉન્ગરોને કારણે અને પરિણામે ઍન્જલસમાં એવી ‘વર્કિન્ગ ગર્લ્સ’ છે, જેમને એમના ઘરાકોથી સન્તાનો થયાં હોય છે. નગરની ૪૦થી ૫૦ ટકા છોકરીઓએ પોતાનું પહેલું બાળક એવા મૉન્ગર્સથી જણ્યું છે. એ બાળકોને ઝૂલતાં મેલીને મૉન્ગરો ચાલી ગયા હોય છે, એમને તે વળી બાળકોની શી પડી હોય !

હવે, આ બધા સંકેતો ‘વેશ્યા-ઉપકારી’-માં તો ક્યાંથી આવે? અને મને મારી સૂઝસમજ ગાળ લખવાની ‘ના’ પાડે છે.

એવી મૉન્ગરપીડિત એક છોકરીનો દાખલો લખીને ચૂપ થઇ જઉં:

જુડિથ ૨૨ વર્ષની છે. બે નાના રૂમના ઘરમાં ૮ જણાં રહે છે, સાથે, એનો ૩ વર્ષનો દીકરો જાડેન પણ ખરો. જાડેનનો ‘બાપ’ એની જિન્દગીનાં ૫૦ વર્ષ વટાવી ચૂકેલો અંગ્રેજ કોલિન છે. જુડિથ ત્યારે ૧૯-ની હતી, નવી નવી વર્કર. ૧૦ અઠવાડિયે ખબર પડેલી કે પોતે પ્રૅગ્નન્ટ છે. હાલ જુડિથ અને એની ૧૮ વર્ષની બહેન જૉય એક બારમાં સાથે કામ કરે છે. ઍન્જલસમાં એવી બારબાળાઓ તો ડઝનો છે, ઘરાકોને આકર્ષવા સાંજના ૬-થી રાતના ૩ લગી નાચે છે, કહો કે નાચવાનો શ્રમ વૅંઢારે છે. શ્રમફળ એમને એ મળે છે કે કોઇ એમને ‘લઇ’ જાય છે. જુડિથ કહે છે – ઘરાકો ઈચ્છતા હોય છે કે પહેલાં અમારે એમની જોડે ‘પીવું’ પણ જોઇશે. સૉફ્ટ ડ્રિન્કનું કહીએ તો ગુસ્સે ભરાય છે…

જુડિથને કોઇ જાડેનના ‘બાપ’ વિશે પૂછે તો શું કહે? કહેવા ચાહે તો ય શું કહી શકે? કહ્યું કે – એ મારી જિન્દગીને સ્પર્શ્યો, એમાં પ્રવેશ્યો, પણ ચાલી ગયો. જાડેનનું શું? તો એણે કહ્યું કે બધી મા-ઓની જેમ હું પણ જાડેનનો સરસ ઉછેર કરવા ચાહું છું ને હું જોઇશ કે એ પૂરેપૂરું ભણેગણે …

જાડેન મોટો થઇ રહ્યો છે પરન્તુ એની મા જુડિથને મોટા થઈ જવાનું પોસાય એમ નથી. પેલો અંગ્રેજ ક્યાં હશે? ભગવાન જાણતા હશે? મને ખબર નથી …

===

આ લેખમાં હકીકતરૂપ વીગતો મેં ‘ધ ગાર્ડિયન’-ના ૭ જાન્યુઆરી ૨૦૧૯ના રીપોર્ટમાંથી લીધી છે, બાકીની રજૂઆત મારી છે.

(૨૭ ઍપ્રિલ ૨૦૧૯, આમ્સ્ટર્ડામ)

https://www.facebook.com/suman.shah.94/posts/2460900150607550

Loading

...102030...2,9232,9242,9252,926...2,9302,9402,950...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved