Opinion Magazine
Number of visits: 9456494
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાગરિકી નિસ્બતનું નોખું ઉદાહરણ

નેહા શાહ|Opinion - Opinion|12 January 2025

નેહા શાહ

વોટ્સેપ પર ‘અમૃત આહાર મહોત્સવ’નું પોસ્ટર જોયું જે ૧૧થી ૧૩ જાન્યુઆરીના રોજ ભાવનગર ખાતે યોજાવાનું છે. પહેલા લાગ્યું કે ઓર્ગેનિક ફૂડના નામે ઘણું બધું થઇ રહ્યુ છે એવું જ કાંઇક હશે. પણ એવું નથી. આ ફૂડ ફેસ્ટીવલ જરા નોખો છે. એના આયોજકો ખેડૂતો પોતે છે. “મારી વાડી-ખેતરને મારે ઝેર નથી આપવું, તેમ જ મારા ખેતરમાં ઉગેલાં શાક અને ધાનથી પેટ ભરતા માણસોને પણ મારે ઝેર નથી આપવું” – આ તેમનો સ્પષ્ટ ઉદ્દેશ્ય છે. તેમણે તેમનાં કામનો વ્યાપ માત્ર પ્રાકૃતિક ખેતી પૂરતો માર્યાદિત નથી રાખ્યો પણ એની આજુબાજુ એક સિસ્ટમ ઊભી કરી નાગરિકી  નિસ્બતનું સુંદર ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. 

આ જૂથનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે. વાત શરૂ થઇ હતી ૨૦૦૮માં, જ્યારે યુ.એસ. –ભારત વચ્ચે થયેલા અણુ કરાર અંતર્ગત ૬,૦૦૦ મેગાવોટ્સનું એક અણુ વીજમથક બનાવવા માટે ભાવનગર જિલ્લાના મીઠીવીરડી અને આજુબાજુના ગામોની પસંદગી થઇ હતી. વર્ષમાં ત્રણ પાક લઇ શકાય અને લીલીછમ વાડીઓથી શોભતી ફળદ્રુપ જમીન પર અણુ મથક આવે તો સ્વાભાવિક રીતે એ ઉજ્જડ બને. એટલે જમીન બચાવવાના નિસ્બતથી લોક આંદોલનના પાયા નખાયાં. પર્યાવરણ સુરક્ષા સમિતિ નામક સ્વૈચ્છિક સંસ્થાની મદદથી મીઠીવીરડી અને જસપરા ગામના લોકોએ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં આ યોજના વિરુદ્ધ અરજી દાખલ કરી. દસ વર્ષના લોક સંઘર્ષનો ૨૦૧૭માં અંત આવ્યો જ્યારે સરકારે સૂચિત અણુ ઉર્જા યોજના પડતી મુકવાનું જાહેર કર્યું. 

લોક આંદોલનની જીત થઇ, અણુ યોજના ગઈ અને ખેતરો બચી ગયાં. પણ, પછી શું? જમીનને ઝેરી બનાવવા માટે માત્ર અણુ મથક એકલું તો જવાબદાર નથી. રસાયણનાં બેફામ ઉપયોગને કારણે પણ જમીનમાં ઝેર ફેલાઈ રહ્યું છે, જે જમીનની સાથે માણસ અને સમગ્ર જીવ સૃષ્ટિને વિનાશ ભણી દોરી રહ્યું છે. પાછલા ચાર દાયકાથી પર્યાવરણીય કટોકટી ઊભી થઈ છે એ આપણે જોઈ જ રહ્યા છીએ. અણુમથક વિરોધી લોક આંદોલનને કારણે આ સભાનતા લોકોમાં આવી, ધીમે ધીમે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું શરૂ કર્યું. શરૂઆતમાં રસાયણથી ટેવાયેલી જમીન ઓછી ઊપજ આપતી અને બજારમાં ભાવ પણ ઓછો મળતો કારણ કે લોકોને વિશ્વાસ બેસતો ન હતો. પણ ધીમે ધીમે બજાર વિસ્તરતું ગયું અને યોગ્ય ભાવ પણ મળવા લાગ્યો. મીઠીવીરડી અને એની આજુબાજુનાં ગામોમાં પ્રાકૃતિક ખેતીનો વિચાર ધીમે પણ મક્કમ રીતે ફેલાઈ રહ્યો છે. ૨૦૧૫માં માત્ર બે ગામના પાંચ ખેડૂતો એ પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી. આજે બાર ગામના સિત્તેરથી વધુ ખેડૂતો આ દિશામાં વળ્યા છે. શરૂઆતમાં ભાવનગરના ફૂટપાથ પર બેસીને મહીને પચ્ચીસેક કિલો શાકભાજી વેચતાં ખેડૂતો આજે મહિનાનું સરેરાશ ૭૦૦થી ૧૨૦૦ કિલો શાક ભાવનગર ઉપરાંત અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સુધી વેચે છે. મોટા ભાગનું વેચાણ કોઈ વચેટિયા વિના ગ્રાહકને સીધું વેચાય છે. ખેડૂતને બજાર ભાવ સીધો મળે છે એટલે પ્રાકૃતિક ખેતી કરવું તેમને પોસાય છે. ઉત્તરોત્તર તેમના જીવન ધોરણમાં સુધારો થતો દેખાય છે એટલે પ્રાકૃતિક ખેતી માત્ર મોટા ખેડૂતોનો ઈજારો નથી એ વાતનો સ્વીકાર આ વિસ્તારના લોકોમાં આવ્યો છે. 

‘‘પ્રાકૃતિક ખેતી જૂથ(મીઠીવીરડી વિસ્તાર)”ના ખેડૂતોનું કામ માત્ર શાકભાજી ઉગાડી અને વેચવા પૂરતું મર્યાદિત નથી. તેઓ ઝેર મુકત આહાર, પ્રદૂષણ મુક્ત હવા/પાણી મેળવવાનો જન્મસિદ્ધ અધિકાર પરત મેળવવા માટે જન જાગૃતિનું કામ કરે છે. જેના ભાગ રૂપે સાત વર્ષથી  ‘અમૃત આહાર મહોત્સવ’નું આયોજન થાય છે. સૌને સાત્ત્વિક ફૂડ ઉપલબ્ધ થાય એવા પ્રયાસોના ભાગરૂપે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે જરૂરી નિદર્શન અને તાલીમ આપવાનું તેમ જ લોકોમાં પણ આ બાબતે જાગૃતિ આવે એ હેતુથી મીઠીવીરડી જૂથ અભિયાન ચલાવી રહ્યું છે. 

પર્યાવરણ સંરક્ષણના વિવિધ મુદ્દાઓ ‘પ્રાકૃતિક ખેતી જૂથ’ પોતાના અભિયાન સાથે વણતા ગયા છે. આ વખતે મેળામાં સુએજ ટ્રીટમેન્ટની સમસ્યાના ઉકેલના મુદ્દાને આવરી લેવામાં આવ્યો છે. દેશમાં સુએજ ટ્રીટમેન્ટની સ્થિતિ નિરાશાજનક છે. ભારતમાં પેદા થતા 63% સુએજ ટ્રીટમેન્ટ માટેની કોઈ વ્યવસ્થા જ નથી અને તેથી તેનો ટ્રીટમેન્ટ વિના જ નિકાલ કરવામાં આવે છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી અને એન્જિનિયરિંગનાં પ્રોફેસર ડૉ. ઉપેન્દ્રભાઈ ડી. પટેલે જી.પી.સી.બી.ના સહયોગથી બિનપરંપરાગત વિકેન્દ્રિત મલ્ટી-સ્ટેજ રિએક્ટર વાળી સુએજ ટ્રીટમેન્ટ સિસ્ટમ ઊભી કરી છે, જેના થકી ઘરમાંથી નીકળતા ગંદાં પાણીને ચોખ્ખું કરી ખેતીના ઉપયોગ યોગ્ય બનાવી શકાય છે. આ સિસ્ટમનું મોડેલ આ મેળામાં જનજાગૃતિ માટે મૂકવામાં આવશે. ‘પ્રાકૃતિક ખેતી જૂથ (મીઠીવીરડી વિસ્તાર)’ સાથે સંકળાયેલા ખેડૂતો જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની નાગરિક તરીકેની ફરજ નિભાવી રહ્યા છે. આ જ તો ભારતના બંધારણની ૫૧ ક (જ) કલમ કહે છે. નાગરિકો થકી થતા પ્રયત્નોમાં જ આશાનું કિરણ છે.

સૌજન્ય : નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

જસ્ટિન ટ્રુડોઃ ઉદારમતવાદી આગેવાન મારગ ભૂલ્યા, અને રાજકીય બાજી ચોપટ થઇ ગઈ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|12 January 2025

પરિવર્તનશીલ વિચારધારાની વાત કરનારા ટ્રુડો લોકોની સંવેદનાઓ સમજવામાં કાચા પડ્યા અને લોકપ્રિયતાથી કેળવેલો વધુ પડતો આત્મવિશ્વાસ જ તેમના પતનનું કારણ બન્યો

ચિરંતના ભટ્ટ

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો નવ વર્ષ પછી પોતાના પદને અલવિદા કહી રહ્યા છે. પક્ષમાં ચાલેલા ભેદભાવ અને તેમના ટેકેદારોની ઘટતી સંખ્યાને પગલે આખરે આ નિર્ણય લેવાય છે.  ટ્રુડો જ્યારે કેનેડાના વડા પ્રધાન તરીકે ચૂંટાયા ત્યારે આખી દુનિયાની નજર તેમના પર હતી. અત્યારે એ 53 વર્ષના છે એટલે કે સત્તા પર આવ્યા ત્યારે ચાળીસીના પૂર્વાર્ધમાં હતા. ટ્રુડો સત્તા પર આવ્યા ત્યારે તેમના ચાહકો આખી દુનિયામાં વધ્યા. તે એક ‘કૂલ’ રાજકારણી તરીકે દૃષ્ટાંત સમાન ગણાયા અને તેમની લોકપ્રિયતા પણ ખાસ્સી હતી. સમય પસાર થતો ગયો અને તેમની નીતિઓ, વૉટબેંકનું રાજકારણ, પર્યાવરણને લગતી નીતિઓથી માંડીને અનેક બાબતો પર સવાલો ઉઠ્યા. વળી આંતરરાષ્ટ્રીય સંબંધો સાચવવાને મામલે ટ્રુડોએ જબરો બફાટ કર્યો, એમાં ય ખાસ કરીને ભારત સાથેના સંબંધો તો છેલ્લાં એક – દોઢ વર્ષમાં એવા બગાડ્યા કે કંઇ બોલવા જેવું ન રાખ્યું. બીજા દેશમાં જેને આતંકવાદ ગણાય તેવી ચળવળને પોતાના લાભ માટે, પોતાના દેશમાં ટેકો આપવાની ભૂલ ટ્રુડોએ કરી. ટ્રૂડોની શરૂઆતથી માંડીને અત્યારે તેમની વિદાય સુધીની ઘટનાઓ સમજવાનો પ્રયાસ કરીએ.

શરૂઆત

ટ્રુડોને રાજકારણ વારસામાં મળ્યું હતું. તેમના પિતા ચાર ટર્મ સુધી કેનેડાના વડા પ્રધાન રહી ચૂક્યા છે અને તેમની પહેલી ટર્મ હતી ત્યારે જસ્ટિન ટ્રુડોનો જન્મ થયો.  2013માં ટ્રુડો લિબરલ પાર્ટીના વડા બન્યા ત્યારે પક્ષને હજી 2011ની હારની કળ વળી રહી હતી, પ્રગતિશીલ વિચારધારા ધરાવતા મતદાતાઓ ડાબેરી ન્યુ ડેમોક્રેટિક પાર્ટી તરફ વળ્યા હતા. ટ્રુડોએ યુવાન સલાહકારોનું જૂથ બનાવ્યું અને મારિઆનાને (મારિજુઆના) કાયદેસર બનાવવાથી માંડીને નેશનલ કાર્બન ટેક્સ લાગુ કર્યો તો માળખાંકીય સુવિધાઓમાં કરોડોનું રોકાણ કર્યું. આર્થિક અસમાનતાને ઠીક કરવાના વાયદા પણ કર્યા. 2015 સુધીમાં તેમના પક્ષના યુવા ટેકેદારોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી અને ચૂંટણીમાં જીત તેમને હાથવગી રહી.  કેનેડાના વડા પ્રધાન તરીકે શપથ લેનારી તે બીજી સૌથી યુવાન વ્યક્તિ બન્યા. તેમને કેબિનેટમાં મહિલાઓ અને પુરુષોની સંખ્યા એક સમાન હતી.

આંતરિક પ્રશ્નો

જસ્ટીન ટ્રુડો

જો કે સફળ વહીવટની વાત કરવી અને તેને અમલમાં મુકવો બે અલગ વાતો છે. સ્વપ્નદૃષ્ટા જેવી છટાથી જે યોજનાઓ અને પરિવર્તનોની વાત થઇ હતી તે લાગુ કરવાનું અઘરું પડ્યું.  તેલના ભાવ ગગડ્યા અને કેનેડાનું અર્થતંત્ર હચમચી ગયું. ડોનાલ્ડ ટ્રમ્પ ત્યારે યુ.એસ.એ.ના વડા તરીકે ચૂંટાયા અને તેમણે નોર્થ અમેરિકા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને વખારે નાખવાની વાત કરી – આ કારણે કેનેડા માટે યુ.એસ.એ.ના માર્કેટથી હાથ ધોઈ બેસવો પડે. જો કે ટ્રુડોએ તેમના વિશ્વાસુ બાહોશ અધિકારીઓની મદદથી 2018માં ટ્રમ્પ સાથેની વાટા-ઘાટો સાચવી લીધી. અમેરિકન માર્કેટમાં કેનેડાનું સ્થાન યથાવત્ રાખવું એ કદાચ જસ્ટિન ટ્રુડોની વડા પ્રધાન તરીકેની સૌથી અગત્યની સિદ્ધિ હતી. જો કે ટ્રમ્પ સાથેના રાજદ્વારી સંબંધો મજબૂત ન રહ્યા.

ભ્રષ્ટાચારના આરોપ અને કોવિડનો ફટકો

2019માં બીજી ટર્મ માટે ચૂંટણી લડવા તૈયાર થઇ રહેલા ટ્રુડો સરકારના મુખ્ય સભ્યો અને તેમના સ્ટાફમાંથી કેટલાક લોકોનાં નામ એસ.એન.સી.-લેવાલિન ગ્રૂપ ઇન્ક.ના ભ્રષ્ટાચાર અને છેતરપીંડીના કેસમાં ઉછળ્યા. એટર્ની જનરલે એવા આક્ષેપ મૂક્યા કે સરકારી લોકોએ તેમની પર આ કંપનીનો સોદો પાર પાડવા દબાણ મૂક્યું હતું. 2019માં ટ્રુડો ચૂંટણી તો જીત્યા પણ સંસદમાં તેમની બહુમતી ન રહી. આ ટર્મનો ખાસ્સો સમય કોવિડ રોગચાળામાં ગયો અને આખી દુનિયાના અર્થતંત્રની માફક કેનેડાનું અર્થતંત્ર પણ વેન્ટિલેટર પર મુકાઈ ગયું. ટ્રુડોએ જાહેર કરેલી રાહત યોજનાઓ કેનેડાના બજેટ પર બોજ સાબિત થઇ.  વેક્સિનને લગતા મુદ્દાઓ પર તેણે ધ્યાન ન આપ્યું જેને કારણે વિરોધ પ્રદર્શનો થયા જે હટાવવા ટ્રુડોએ કટોકટી લાદવાની સત્તા વાપરી. રોગચાળો અને વેક્સિનના કાયદાઓની આડ અસર તો ગઈ પણ ફુગાવો ઝિંકાયો. એમાં વળી 2022માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો જેની અસર સપ્લાય-ચેન પર પડી. બેંકના દરો આસમાને પહોંચ્યા અને લોકો માટે મોર્ટગેજ, ભાડાં બધું જ વધી ગયું.  કેનેડામાં કોસ્ટ – ઑફ – લિવિંગ – જીવવાની કિંમતો વધતી ગઈ અને કોઇ યોજનાઓ લેખે ન લાગી.

ભારત સાથે મામલો બિચક્યો

કેનેડાના આંતરિક ખળભળાટની વચ્ચે વૈશ્વિક સંબંધોમાં ટ્રુડોએ કાચું કાપ્યું. ભારત સાથે કેનેડાના સંબંધો 2023માં બગડવા માંડ્યા હતા જ્યારથી ટ્રુડોએ ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સી અને સરકારી એજન્ટ્સનો હાથ હોવાનો આક્ષેપ મુક્યો હતો. પોતાના દેશમાં મત મેળવવા તેણે ભારત પર આક્ષેપ મૂક્યો પણ મામલો બિચક્યો. ભારતે આ આક્ષેપો નકાર્યા અને પુરાવાની માગણી કરી. ભારતીય સરકારે પણ કેનેડાની સરકારને ખાલિસ્તાનીઓને ટેકો આપીને યોગ્ય નથી કર્યું એમ કહ્યું. સ્વાભાવિક છે જે ભારત માટે આતંકવાદ ગણાય છે તે વિચારધારાને અન્ય દેશ ટેકો આપે તો તેની સાથેના વૈશ્વિક સંબંધો બગડવાના જ છે. કેનેડામાં મત મેળવવા માટે ટ્રુડો ખાલિસ્તાનીઓને ટેકો આપે છે-નો આરોપ ભારતે મૂક્યો. આ આરોપબાજી વચ્ચે ભારત અને કેનેડાએ પોતાના દેશોમાં નિમણૂંક કરાયેલા અન્ય દેશના રાજદૂતોને ઘરભેગા કર્યો – બન્ને દેશોના રાજદ્વારી સંબંધોમાં સખત તણાવ આપ્યો. ખાલિસ્તાની અલગાવવાદીઓને કેનેડાએ અભિવ્યક્તિની સ્વતંત્રતાના નેજામાં કેનેડાએ રક્ષણ આપ્યું ત્યારે પણ ભારતે કેનેડાની ટીકા કરી હતી. ટ્રુડોએ ભારતની મુલાકાત લીધી ત્યારે પણ કેનેડાના ખાલિસ્તાનીઓ સાથે સંબંધો ગાઢ બનાવવાનો તેમનો ઇરાદો હતો અને માટે જ પંજાબના તત્કાલીન મુખ્ય મંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘે તેમને મળવાનું એમ કહીને ટાળ્યું હતું કે તે ખાલિસ્તાનીઓના ટેકેદાર છે. ભારતમાં અંદરોઅંદર પણ મતભેદ હોય પણ આપણા દેશની એકતા પર જો કોઇ હુમલો કરશે તો ભારત એ જતું નહીં કરે એ નક્કી છે. ટ્રુડોએ આ સમજવાની જરૂર હતી પણ જે પોતાના દેશને સમજવામાં જ કાચા પડ્યા એવા નેતા અન્ય દેશની લાગણી કેવી રીતે સમજી શકવાના હતા.

ટ્રુડોના રાજમાં શરૂઆતનાં વર્ષોમાં ઇમિગ્રેશનની નીતિઓ હળવી હોવાથી ભારતીય વિદ્યાર્થીઓએ તેનો ખાસ્સો લાભ લીધો હતો. 2024માં ટ્રુડોએ સ્ટડી વિઝા પ્રોગ્રામની ઝડપ ઘટાડી તો વિદેશી વિદ્યાર્થીઓને અપાતા પરવાના પર પણ 35 ટકા કાપ મૂક્યો હતો. આ કારણે પણ ભારતીયોમાં ખાસ્સી અકળામણ હતી. કોન્ઝર્વેટિવ પક્ષના આગેવાન પિયે પૉયલિએવ્રા આગામી ચૂંટણીમાં અગત્યનો ચહેરો છે અને તે કેનેડા લક્ષી નીતિઓ અપનાવશે જેમાં રોજગારીમાં કેનેડાના નાગરિકોને પ્રાધાન્યથી માંડીને ઇમિગ્રેશનના સ્તરો રોજગારીની તકો, સ્વાસ્થ્ય અને ઘરની સવલતોના આધારે નિયત કરવામાં આવશે. ટૂંકમાં કેનેડામાં શિક્ષણ, રોજગાર અને પરમિનેન્ટ રેસિડન્સીના સપનાં પર ભારતીયોએ કાપ મૂકવો પડશે.  સ્વાભાવિક છે કે ભારત અને કેનેડાના વ્યાપારી સંબંધો પર પણ ટ્રુડોએ છેલ્લે છેલ્લે કરેલી આડોડાઇની અને નવા નેતૃત્વની અસર પડશે. બન્ને દેશો વચ્ચે થતી આયાત-નિકાસનો આંકડો 8.4 બિલિયન ડૉલર્સે પહોંચ્યો હતો. કેનેડાનું નવું નેતૃત્વ આ વ્યાપારી સંબંધોને સાચવી શકશે કે પછી નવી નીતિઓ લાગુ કરશે જે આ આર્થિક કડીઓને અસ્તવ્યસ્ત કરશે તે તો સમય આવ્યે જ ખબર પડશે.

ટૂંકમાં એક સમયે ગ્લોબલ લિબરલ આઇકોન ગણાતા ટ્રુડોની લોકપ્રિયતા લોકો લાગણી ન સમજી શકવાને કારણે ઘટી ગઈ. પહેલાં ઇમિગ્રેશન નીતિમાં મોકળાશ આપી જેનાથી હાઉસિંગ, સ્વાસ્થ્ય, નોકરીઓ અને પગાર ધોરણો પર બોજ આવ્યો તો સાથે ફિસ્કલ નીતિઓમાં કોન્ઝર્વેટિવ અને મોડરેટ રાજકીય વિચારધારાઓને નેવે મૂકી વળી સાંસ્કૃતિ ઉદારમતવાદ ઘણા પારંપરિક અને જૂની વિચારધારા ધરાવતા કેનેડિયન્સને કઠ્યો. તેમની ટીકા થઇ ત્યારે ટ્રુડોએ બળનો ઉપયોગ કરી વિરોધીઓને ચૂપ કર્યા. ટ્રુડોને તેની લોકપ્રિયતાનો આત્મવિશ્વાસ નડી ગયો એમ કહેવામાં કંઇ ખોટું નથી. ઘર સાચવવામાં અંદર બહાર બધે હોળી કરવાની ટ્રુડોએ ભૂલ કરી છે. આવનારું નેતૃત્વ નવું કરવાને બદલે જે બગડ્યું છે તે સુધારે તો બન્ને દેશ અને વૈશ્વિક રાજનીતિ માટે એક યોગ્ય પગલું સાબિત થશે.

બાય ધી વેઃ 

આ બધાની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે આર્થિક બળ વાપરીને કેનેડાને યુ.એસ.એ.નું 51મું રાજ્ય બનાવવાની મહેચ્છા જાહેર કરી છે. સ્વાભાવિક છે કે ટ્રુડો જે હવે પોતાના વડા પ્રધાન તરીકેના રાજીનામું આપી ચૂક્યા છે તેમણે આ આખી વાતને રદિયો આપ્યો છે અને કહ્યું છે કે આવું તો કોઈ કાળે થવાનું નથી. વળી કોન્ઝર્વેટિવ નેતા પિયે પૉયલિએવ્રાએ પણ આ સોશ્યલ મીડિયા પર એવા અર્થની જ વાત કરી કે કેનેડા ક્યારે ય પણ 51મું રાજ્ય નહીં હોય. અમે એક મહાન અને સ્વતંત્ર દેશ છીએ. આ પછી તેમણે યુ.એસ.ને અલ-કાયદાના હુમલા વખતે, એનર્જીના માર્કેટમાં  અને અમેરિકન ઉત્પાદનો ખરીદવામાં કેનડાનો શું ફાળો રહ્યો છે તેની વાત કરી અને ટ્રુડોની સરકારની આકરી ટીકા કરતા કહ્યું કે અત્યારની સરકાર આ મુદ્દાઓ બતાવવામાં નબળી પડી છે પણ પોતે કેનેડા માટે લડશે અને સત્તા પર આવીને કેનેડા યુ.એસ.ની સરહદના પ્રશ્નોને પણ સંબોધશે. કેનેડા યુ.એસ.માં ભળી જાય એ વાતમાં કોઈ દમ નથી કારણ કે તેની સંસ્કૃતિ, કાયદા, ગન કલ્ચરને લગતા નિયમો બધું જ યુ.એસ.થી અલગ છે. ટૂંકમાં ટ્રમ્પે તો કેનેડામાં બધું હખળડખળ છે એ જોઇને વાણી વિલાસ શરૂ કરી દીધો પણ ટ્રમ્પ જેવા કોન્ઝર્વેટિવ પિયે પૉયલિએવ્રા પણ કેનેડા ફર્સ્ટની નીતિમાં માનનારા છે. આવામાં ભારતે વિચારવું પડશે કે કેનેડા ફર્સ્ટની નીતોમાં ભારત સાથેના સંબંધો સુધારવા માટેનું ચેક લિસ્ટ હશે કે કેમ?

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 જાન્યુઆરી 2025

Loading

વિશ્વ શાંતિ પથ – લંડન

આશા બૂચ|Gandhiana, Opinion - Opinion|12 January 2025

1931માં ગોળમેજી પરિષદમાં હાજરી આપવા ગાંધીજી લંડન આવ્યા ત્યારે મ્યુરિએલ લેસ્ટરનું આમંત્રણ સ્વીકારીને બ્રોમલી બાય બો – લંડનમાં આવેલા, તેમના આવાસ કિંગ્સલી હોલમાં પોતાનો ઉતારો રાખેલો.

તારીખ 2 ઓક્ટોબર 2024માં કિંગ્સલી હોલમાં મુલાકાતીઓ માટે મ્યુરિએલ લેસ્ટરનાં કાર્ય અને ગાંધીજી સાથે તેમના સંબંધો દર્શાવતા ફોટા તેમ જ માહિતીનું પ્રદર્શન અને એ સ્થળની ઐતિહાસિક વિગતો સાથેની મુલાકાતનું આયોજન થયેલું. ગાંધી ફાઉન્ડેશન અને ખાદી લંડનના પ્રતિનિધિ તરીકે મને ચરખા કાંતણનું નિદર્શન કરવાની તક મળી.

મુલાકાતીઓ સાથે કિંગ્સલી હોલના બગીચામાં આવેલ એક અનોખા સ્મારકની મુલાકાત લીધી.

વિવિધ ધાર્મિક માન્યતાઓ ધરાવનારા અને અલગ અલગ સાંસ્કૃતિક પરંપરાઓને અનુસરનારાઓને લંડનમાં એક શાંતિ આપે તેવું સ્મારક ઊભું કરવાનો વિચાર આવ્યો, જેને કારણે આ વિશ્વ શાંતિ પથનું નિર્માણ થયું. શાંતિ અને સંવાદિતા માટેની પોતાની મનોકામનાને વ્યક્ત કરવા આ સ્થાન સહુને આવકારે છે.

આ શાંતિ પથનું દુનિયાના દરેક દેશમાંથી લાવેલ પથ્થર કે રેતી વડે બાંધકામ કરવામાં આવ્યું છે. વિશ્વના ઇતિહાસમાં ખાસ મહત્ત્વ ધરાવતાં સ્થળો જેવાં કે મક્કા, માઉન્ટ અરાફાત, એસિસી, વૃંદાવન, જેરુસલેમ અને માચુ પિચ્ચુની રેત લાવવામાં આવી હતી. આખા સ્થાપત્યની નીચે મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમમાંથી લાવેલી રેતી મુકવામાં આવી છે.

આ સ્થાપત્યની મધ્યમાં આખા વિશ્વ પર માનવ જાતના દર્દ મિટાવનારી શાંતિની જ્યોત જોવા મળશે, જે સૂર્ય શક્તિથી સતત ઉજ્વલિત રહે છે. આ પથના બાહરી વર્તુળમાં શાંતિ માટે અલગ અલગ ભાષામાં શબ્દો કોતરવામાં આવ્યા છે.

આ શાંતિ પથના મુલાકાતીઓ એક દીપ લઇ, તેને ફરતે પ્રદક્ષિણા કરે છે અને પોતે જે સ્થળે શાંતિ સ્થપાય તેવી ઈચ્છા રાખે ત્યાં એ દીપ મૂકે છે. આ એક અદ્ભુત અનુભૂતિ કરાવે તેવું સ્થળ છે.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...291292293294...300310320...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved