Opinion Magazine
Number of visits: 9685655
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશ-વિદેશની સદ્ગુણી સ્ત્રીઓ

દીપક મહેતા|Opinion - Literature|14 January 2019

કાળચક્રની ફેરીએ

લગભગ સાડા ચારસો પાનાંનું પુસ્તક. મુંબઈના દફતર આશકારા પ્રેસમાં છપાઈને ૧૮૬૦માં બહાર પડેલું. કિંમત હતી, એ જમાનામાં પણ ઘણી ઓછી ગણાય તેટલી, રૂપિયા બે. પુસ્તકનું નામ ‘સદગુણી સ્ત્રીઓ’ (અવતરણ ચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે). આજે પણ સ્ત્રીઓ વિશેનું આવું દળદાર પુસ્તક આપણી ભાષામાં ભાગ્યે જ પ્રગટ થાય. પુસ્તકમાં ક્યાં ય તેના ‘બનાવનાર’(લેખક)નું નામ છાપ્યું નથી. પણ આટલી ઓછી કિંમતનું કારણ પ્રસ્તાવનામાં આપ્યું છે. આવું પુસ્તક બનાવ્યું હોય તો સ્ત્રીઓને તો ખરું જ, પણ પુરુષોને પણ ઘણું ઉપયોગી થાય એમ એક પારસી બાનુને લાગ્યું એટલું જ નહિ, એવું પુસ્તક તૈયાર કરી છાપવા માટે સારી એવી રકમની સખાવત પણ તેમણે કરી. પણ જેમ પુસ્તકના લેખકનું નામ છાપ્યું નથી, તેમ આ સખાવતી પારસી બાનુનું નામ પણ ક્યાં ય છાપ્યું નથી. ફક્ત તેમનો આભાર દીબાચામાં માન્યો છે.

પુસ્તકના નામ પરથી રખે માનતા કે સ્ત્રીઓએ કેળવવા કે મેળવવા જેવા સદ્ગુણોનો કોથળો તેમાં ઠાલવ્યો હશે. સીધો ઉપદેશ સૌથી ઓછો અસરકારક હોય છે તે વાત દાતા અને લેખક બંને જાણતા હતા. એટલે તેમણે આપણા દેશ સહિત અનેક દેશોની જાણીતી ૧૦૫ સ્ત્રીઓનાં જીવનચિત્રો આ પુસ્તકમાં આપ્યાં છે. સ્ત્રીની સમાનતા કે સશક્તિકરણનું નામ પણ આપણા દેશમાં જ્યારે કોઈએ સાંભળ્યું નહોતું ત્યારે સ્ત્રીઓનાં જીવનચિત્રોનું આવું દળદાર પુસ્તક પ્રગટ કરવા પાછળનો માયનો ? દીબાચામાં કહ્યું છે:

૧૯મી સદીમાં ગુજરાતમાં જ નહિ, આખા દેશમાં અંગ્રેજ હકૂમત માટે પ્રેમાદર ધરાવનારો ઠીક ઠીક મોટો વર્ગ હતો. પારસીઓ તેમાં અગ્રણી હતા. એટલે આ પુસ્તકમાં પહેલું ચરિત્ર મહારાણી વિક્ટોરિયાનું આપ્યું છે અને પુસ્તકની શરૂઆતમાં તેમનો સ્કેચ પણ મૂક્યો છે. એટલું જ નહિ, પહેલાં ૨૫ જીવનચિત્રો પણ બ્રિટનના રાજઘરાણાની સ્ત્રીઓનાં કે બીજી બ્રિટીશ સ્ત્રીઓનાં આપ્યાં છે. ત્યારબાદ આપણા દેશની સ્ત્રીઓનો વારો આવે છે. તેમાં પહેલું ચરિત્ર ભગવાન બુદ્ધના શિષ્ય સારીપુત્રની માતા સારિકાનું આપ્યું છે. પછી તારાબાઈ, દુર્ગાવતી, પદ્મિની, દેવળદેવી, રઝિયા બેગમ, મીરાંબાઈ, જસમા, પન્ના, મીનળદેવી, ચાંદબીબી, અહલ્યાબાઈ વગેરે સ્ત્રીઓનાં ચરિત્રો આપ્યાં છે. તે પછી લેખક પાછા બીજા દેશોની સ્ત્રીઓનાં ચરિત્રો તરફ વળે છે. તેમાં ઇતિહાસ ઉપરાંત દંતકથા કે સાહિત્યમાં જાણીતી હોય તેવી સ્ત્રીઓનો પણ સમાવેશ કર્યો છે. ગ્રીસ, રોમ અને યુરોપના બીજા કેટલાક દેશોની સ્ત્રીઓ વિષે પણ અહીં વાત કરી છે. છેલ્લું ચિત્ર એક અનામી અમેરિકન સ્ત્રીનું આપ્યું છે. હા, આજે આપણને લાગે કે આવડા મોટા પુસ્તકમાં હિન્દુસ્તાનની સ્ત્રીઓનાં જીવનચિત્રો તો પ્રમાણમાં ઓછાં છે. પણ ૧૮૬૦માં ગૂગલદેવતા તો હતા નહિ, અને આપણા દેશની સ્ત્રીઓ વિશેની મુદ્રિત સંદર્ભ સામગ્રી પણ નજીવી. અને આવી સામગ્રી વગર લખવું શી રીતે? એટલે આપણા દેશની વધુ સ્ત્રીઓનો સમાવેશ અહીં ન થયો હોય તો તે સમજી શકાય. તો સાથોસાથ એ પણ નોંધવું જોઈએ કે લેખક-દાતા બન્ને પારસી હોવા છતાં અહીં એક પણ પારસી સ્ત્રીનું જીવનચિત્ર આપવાનો લોભ રખાયો નથી.

પુસ્તકમાં તેના લેખક કે દાતા બાનુનું નામ છાપ્યું નથી એટલે આપણે તો શું કરી શકીએ એમ વિચારી હાથ જોડીને બેસી રહેવાય નહિ. એ શોધવા માટે ખાંખાખોળાં કરવાં પડે. કર્યાં. હંમેશની જેમ ‘પારસી પ્રકાશ’ પુસ્તક વહારે ધાયું. તેમાં જણાવ્યા પ્રમાણે આ પુસ્તકના લેખકનું નામ બેહરામજી ખરશેદજી ગાંધી. અને સખાવતી બાનુનું નામ બાઈ ભીખાઈજી તે શેઠ ડોશાભાઈ ફરામજી કામાજીનાં ધણિયાણી. (પારસી પ્રકાશ, દફતર ૧, પા. ૮૧૯) નામ મળ્યાં એટલે કામ પૂરું? ના, કામ શરૂ.

પહેલાં ત્રણ દફતરનાં સાંકળિયાં (સૂચિ) ઝીણી આંખે તપાસી. ઢગલો માહિતી મળી. બેહરામજી ખરશેદજી ગાંધી વિષે પહેલાં વાત: ૧૮૨૯માં જન્મ. ૧૮૮૬ના એપ્રિલની ૨૫મી તારીખે બેહસ્તનશીન  થયા. મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટીટ્યૂશન(કોલેજ)માંથી ૧૮૪૮માં ‘વેસ્ટ સ્કોલર’ બની પાસ થયા અને ત્યાં જ શિક્ષક તરીકે જોડાયા. એ જ વર્ષે બે અંગ્રેજ અધ્યાપકો એ.એમ. પેટન અને આર.ટી. રીડની દોરવણી હેઠળ સ્થપાયેલી સ્ટુડન્ટસ લિટરરી એન્ડ સાયન્ટિફિક સોસાયટીની પહેલી કારોબારીના બેહરામજી એક સભ્ય હતા. ૧૮૪૯માં આ સોસાયટીની એક બેઠકમાં એવણે સ્ત્રી કેળવણી પર એક ‘રીસાલો’ (નિબંધ) વાંચ્યો તેની એટલી અસર થઈ કે સોસાયટીએ તાબડતોબ મુંબઈમાં કન્યાશાળાઓ શરૂ કરવાનું નક્કી કર્યું. ૧૮૪૯ના ઓક્ટોબરની ૨૧મી તારીખથી છોકરીઓ માટેની બે મરાઠી અને ચાર ગુજરાતી નિશાળો શરૂ કરી. તેમાં કોટની ગુજરાતી નિશાળમાં બેહરામજીએ એક પાઈ પણ લીધા વિના શીખવવાનું શરૂ કર્યું. ૧૮૫૧ના સપ્ટેમ્બરથી એવણે ‘ચીતર જ્ઞાન દરપણ’ નામનું સામયિક શરૂ કર્યું હતું અને તેના અધિપતિ (તંત્રી) બન્યા હતા. પણ તેમાં લઘુમતી કોમની લાગણી દૂભાય એવું એક લખાણ પ્રગટ થયું છે એમ કેટલાકને લાગતાં મુંબઈમાં પારસી-મુસ્લિમ હુલ્લડ ફાટી નીકળ્યું હતું.

૧૮૫૪માં બેહરામજીને સુપ્રીમ કોર્ટ (આજની બોમ્બે હાઈકોર્ટની પુરોગામી કોર્ટ)માં દુભાષિયાની નોકરી મળી. આ ઉપરાંત તેઓ મુંબઈ સમાચાર, સમાચાર દરપણ, જામે જમશેદ તથા સ્ત્રીબોધના તંત્રી પણ બન્યા હતા. ૧૮૫૯માં તેમણે ચાઈના મર્કન્ટાઈલ નેવિગેશન કંપની અને ૧૮૬૦માં ચાઈના મર્ચન્ટ્સ ઇન્સ્યુરન્સ કંપની સ્થાપી હતી. ૧૮૭૪થી ૧૮૭૬ સુધી તેઓ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય રહ્યા હતા. ‘કૈસરે હિન્દ’ના ૨ મે, ૧૮૮૬ના અંકમાં જણાવ્યા પ્રમાણે “બોમ્બે ક્રોનિકલ નામનું અંગ્રેજી અઠવાડિયાનું પત્ર “આજ સુમારે સાત વરસ થયાં તેમણે પ્રવર્તાવવા માંડ્યું હતું.” સદગુણી સ્ત્રીઓ સિવાયનું બીજું કોઈ પુસ્તક તેમણે લખ્યું હોય એવી માહિતી મળતી નથી.

બાઈ ભીખાઈજીના ધણી ડોશાભાઈ ફરાંમજી કામાજી ૬૯ વર્ષની ઉંમરે ૧૮૯૨ના જાન્યુઆરીની ૨૫મી તારીખે બેહસ્તનશીન થયા હતા. તેઓ મુંબઈના જાણીતા વેપારી તો હતા જ, પણ સાથોસાથ સુધારાની પ્રવૃત્તિના સબળ ટેકેદાર પણ હતા. સમાજ સુધારો, કેળવણી અને પારસી ધર્મને લગતી સંસ્થાઓને તેમણે વખતોવખત દાન આપ્યાં હતાં. ધીમે ધીમે તેમણે પોતાનો વેપાર કલકત્તા, કેન્ટોન, શાંઘાઈ સુધી વિસ્તાર્યો હતો. તે માટે તેમણે ચીન, યુરોપ અને અમેરિકાની મુસાફરી કરી હતી. સ્ત્રીબોધ માસિક શરૂ થયું ત્યારે પહેલાં બે વર્ષ તેમણે તેને દર વર્ષે ૧૨૦૦ રૂપિયાની આર્થિક મદદ કરી હતી. તો દસ વર્ષ સુધી પોતાને ખર્ચે ‘રાસ્ત ગોફતાર’ સામયિક ચલાવી દસ હજાર રૂપિયાની ખોટ ખમી ખાધી હતી. જો કે ૧૮૬૫માં શેરબજાર ભાંગ્યું ત્યારે બીજા ઘણાની જેમ એવણ પણ મંદીમાં સપડાયા હતા.   

છેલ્લે, બાઈ ભીખાઈજીના ધણી ડોશાભાઈ ફરાંમજી કામાજી વિષે એક મહત્ત્વની વાત: ૧૯મી સદીમાં જ નહિ, આજ સુધીમાં આપણી ભાષામાં પ્રગટ થયેલાં પ્રવાસ વર્ણનનાં પુસ્તકોમાં નોખી ભાત પાડતું એક પુસ્તક તે ૧૮૬૪માં પ્રગટ થયેલું ‘અમેરીકાની મુસાફરી.’ ૧૮૬૨માં બે પારસી મિત્રોએ ઇન્ગ્લંડથી અમેરિકાની મુસાફરી કરી હતી તેનું આ વર્ણન છે. પણ પુસ્તકમાં ક્યાં ય નથી તો તેના લેખકનું નામ છાપ્યું, કે નથી તેના મિત્ર વિષે કશી માહિતી આપી. પણ પારસી પ્રકાશને આધારે આપણે જાણી શક્યા છીએ કે પુસ્તક લખનાર હતા શેઠ પીરોજશાહ પેશતનજી મહેરહોમજી અને પ્રવાસમાં સાથે રહેલા તેમના મિત્ર હતા ડોશાભાઈ ફરાંમજી કામાજી. હા, જી. આ ડોશાભાઈ તે બાઈ ભીખાઈજીના ધણી.

એ જમાનાના મોટા પારસી વેપારીઓમાં તેમની ગણના થતી. તેમની સરખામણીમાં પીરોજશાહ એવી મોટી હસ્તી નહિ. ડોસાભાઈની કંપનીમાં આસિસ્ટંટ તરીકે તેઓ કામ કરતા. બોમ્બે ગેઝેટમાં જણાવ્યા પ્રમાણે ૧૮૫૮ના મે મહિનાની ૯મી તારીખે મેલ સ્ટીમર ‘ગેન્જીસ’ દ્વારા મુંબઈથી ઇન્ગ્લન્ડ જવા ચાર પારસીઓ નીકળ્યા: મંચેરજી હોરમજજી કામાજી, કાવસજી એદલજી ખંભાતા, અરદેશર કાવસજી મોદી, અને પીરોજશાહ. જો કે વખત જતાં ડોશાભાઈ અને પીરોજશાહ શેઠ અને નોકર કરતાં મિત્રો જેવા વધુ બન્યા. પીરોજશાહ જેવા નોકરિયાત માણસ માટે એ જમાનામાં અમેરિકાની મુસાફરી કરવાનું મુશ્કેલ. એટલે મુસાફરીનો ખર્ચ ડોશાભાઈએ જ ઉપાડ્યો હોય. આમ, અમેરિકાના પ્રવાસમાં મુખ્ય મુસાફર ડોશાભાઈ હતા, અને પીરોજશાહ હતા તેમના સાથી સફરી. પુસ્તકમાં અમેરિકાની મોંઘી હોટેલોમાં રહ્યાની વાત છે, અમેરિકાની વિસ્તૃત મુલાકાતની વાત છે, સરકારી, લશ્કરી, વૈદકીય, મોટી વેપારી સંસ્થાઓની મુલાકાતની વાત છે, અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનની મુલાકાતની વાત છે. આ બધું પીરોજશાહ જેવા એક નોકરિયાત માટે ગજા બહારની વાત ગણાય. એટલે ડોશાભાઈને કારણે જ એ બધું શક્ય બન્યું હોય. પણ પુસ્તક લખાયું છે એવી રીતે કે પીરોજશાહ મુખ્ય મુસાફર હોય, અને ડોશાભાઈ તેમની સાથે ગયા હોય એમ લાગે. ખરું જોતાં ડોશાભાઈની સાથે પીરોજશાહ ગયા હતા તેમ કહેવું વધારે વાજબી ગણાય.

પણ પીરોજશાહ અને ડોશાભાઈ વચ્ચેનો સંબંધ બહુ લાંબો નહિ ચાલ્યો હોય તેમ લાગે છે. કારણ ૧૮૬૩માં પીરોજશાહ મુંબઈ પાછા આવ્યા તે પછી ડોશાભાઈ સાથેના તેમના સંબંધ અંગે કશું જાણવા મળતું નથી. પણ ૧૮૭૨માં ધનજીભાઈ રતનાગર એન્ડ કંપનીમાં પીરોજશાહ એક ભાગીદાર બન્યા એમ જાણવા મળે છે. ૧૮૭૭ના માર્ચ મહિનાની ત્રીજી તારીખે પીરોજશાહે મુંબઈના દાદર વિસ્તારમાં ઈનેમલનાં વાસણો બનાવવાનું પોતાનું કારખાનું શરૂ કર્યું હતું, પીરોજશાહ પોટરી વર્કસ. તેમાં બીજા બે ભાગીદારો હતા ધનજીભાઈ ખરશેદજી રતનાગર અને બરજોરજી ખોદાદાદ ઈરાની. કચ્છના મહારાવના આમંત્રણથી પીરોજશાહ ૧૮૭૮માં માંડવી ગયા હતા અને ત્યાં પણ એનેમલનું કારખાનું શરૂ કરી આપ્યું હતું. ૧૯૦૪ના જૂન મહિનાની ૭મી તારીખે પીરોજશાહનું અવસાન થયું.

આપણે વાત શરૂ કરી હતી ૧૮૬૦માં પ્રગટ થયેલ પુસ્તક ‘સદગુણી સ્ત્રીઓ’થી. અને છેવટે ક્યાંના ક્યા પહોંચી ગયા! છેક ૧૯૦૪ સુધી. અને વચમાં ‘અમેરિકાની મુસાફરી’ પણ કરી લીધી. ૧૯મી સદીનાં પુસ્તકો, લેખકો, સંસ્થાઓ, સામયિકો અંગે વાત કરવી એ અમદાવાદની પોળોમાં લટાર મારવા જેવું છે. તમે ચાલતા રહો તો ક્યાંના ક્યાં નીકળી જાવ તેની ખબર પણ ન પડે!

સંદર્ભ: ૧. પારસી પ્રકાશ, દફતર ૧-૩

          ૨. પારસી મરત્યુકો, ભાગ ૩. સંપાદક બહમનજી બેહરામજી પટેલ 

          ૩. અમેરીકાની મુસાફરી

xxx xxx xxx

[પ્રગટ : “શબ્દસૃષ્ટિ”, જાન્યુઆરી 2019]

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

Loading

ગાંધી એક વાર પંજામાં લે પછી છોડે નહીં : ભીખુ પારેખ

આશિષ મહેતા|Gandhiana|13 January 2019

બેરોન ભીખુભાઈ પારેખે એંસી તો ક્યારના વટાવી લીધાં, પણ હજુ સંપૂર્ણ સ્ફૂર્તિ સાથે અભ્યાસ-સંશોધનમાં રત છે. આશરે દોઢ વર્ષ પહેલાં દિલ્હીમાં ગાંધી-શોધ અને ગાંધી-સમજ વિશે તેમની સાથે વાતચીત કરી હતી, તે અંગ્રેજીમાં તો પ્રકાશિત થઈ ગઈ, પણ ગુજરાતી વાચકો સમક્ષ રજૂ કરવાની બાકી હતી. Governance Nowમાં પ્રકાશિત એ મુલાકાતના અંશો થોડા ભાષાફેર અને સ્પષ્ટતા પૂરતા સંપાદન સાથે અહીં …

પ્રશ્ન : અમલસાડમાં જન્મથી લઈને લંડનમાં અભ્યાસ-સંશોધન સુધીની તમારી જીવનયાત્રા વિશે જણાવશો? અને એમાં ગાંધી કેવી રીતે આવ્યા?

ઉત્તર : એક રીતે ગાંધીની ડિસ્કવરી તો બાળપણથી જ. મારું જન્મસ્થળ અમલસાડ દાંડી અને ધારાસણાની નજીક છે. મારો જન્મ ૧૯૩૫માં [દાંડીકૂચનાં પાંચ જ વર્ષ પછી] એટલે ઘરમાં ગાંધી વિશે અવારનવાર વાત થાય, એક રાજકીય અને નૈતિક વ્યક્તિ તરીકે એમની પ્રેઝન્સ ખરી. પણ ગાંધી પર ઇન્ટેલેક્‌ચ્યુઅલ કામ કરવાની ઇચ્છા નહોતી. જ્યારે પીએચ.ડી. કરતો હતો, ત્યારે મારો થીસિસ ‘સમાનતા’ પર હતો. એમાં ગાંધી ના આવે.

૧૯૮૧માં ભારત આવ્યો, મ.સ. યુનિવર્સિટીમાં (વાઇસ-ચાન્સેલર તરીકે) જોડાયો અને મારી હોદ્દાની મુદત પૂરી થઈ ૧૯૮૪માં, ત્યારે થયું કે નવું કંઈક કરવાની જરૂર છે. એ વખતે મારું માર્ક્સ પરનું પુસ્તક બહાર આવ્યું હતું.

મને ત્યારે લાગ્યું કે ભારતને લગતા વિષય પર અભ્યાસ કરું અને ગાંધી પર કામ શરૂ કર્યું. ગાંધીનું એવું છે કે એક વાર પંજામાં લે પછી છોડે નહીં. મને એમ કે એકાદ વર્ષમાં કામ પતી જશે, પણ અભ્યાસ લંબાતો ગયો. અંતે ત્રણ પુસ્તકો લખાયાંઃ ગાંધીઝ પોલિટિકલ ફિલોસૉફી (૧૯૮૯), કૉલોનિયાલિઝમ, ટ્રેડિશન ઍન્ડ રિફોર્મ : એન એનાલિસિસ ઑફ ગાંધીઝ પોલિટિકલ ડિસ્કોર્સ (૧૯૮૯) અને ગાંધી : એ વેરી શૉર્ટ ઇન્ટ્રોડક્શન (૧૯૯૭-૨૦૦૧). આ ત્રીજું, નાનું પરિચય-પુસ્તક ઘણું લોકપ્રિય રહ્યું છે.

પ્રશ્ન : ગાંધીનાં બે પાસાં છે : રાજકીય અને આધ્યાત્મિક. આમ તો બંને જોડાયેલાં જ છે, પણ દરેક સ્કૉલર બેમાંથી એકને આગળ ધરીને ચાલે છે. આ વિશે તમારું શું મંતવ્ય છે ?

ઉત્તર : બંને પાસાં સંકળાયેલાં જ છે, બે રીતે : ગાંધીના વિચારમાં આધ્યાત્મિકતા પરના જે વિચારો છે, તે તેમની રાજકીય વિચારધારા સમજાવે છે અને તેના પાયામાં રહેલા છે. એ જ રીતે જીવનમાં પણ, આધ્યાત્મિકતામાંથી રાજકીય મૂલ્યો જન્મે છે. બંને પાસાં મહત્ત્વનાં છે, માત્ર એક ના ચાલે.

પ્રશ્ન : ગાંધીના વ્યક્તિત્વના વિકાસમાં વિવિધ ધાર્મિક/આધ્યાત્મિક પરંપરાઓ, દૃષ્ટાઓ, પુસ્તકો વગેરેનો ફાળો રહ્યો છે. તેમના રાજકીય વિચારોના મૂળ કે સ્રોત ક્યાં છે?

ઉત્તર : દેખીતી રીતે જ, ટૉલ્સ્ટૉય, રસ્કિન અને થોરો. આધ્યાત્મિક પક્ષે ચાવી રૂપ સ્રોત ગીતા અને ક્રિશ્ચિયાનિટીમાં છે. ગાંધી કહે છે કે સાચી અહિંસા હું શીખ્યો હોઉં તો ટૉલ્સ્ટૉય પાસેથી. હિન્દુધર્મમાં અહિંસા પૅસિવ, નિષ્ક્રિય છે, તેનું સક્રિય પાસું પ્રેમ છે. રસ્કિનનું પુસ્તક ‘અન ટુ ધિસ લાસ્ટ’ ગાંધી માટે મહત્ત્વનું છે. થોરોના નિબંધ ‘સિવિલ ડિસ્‌ઓબેડિયન્સ’માંથી ગાંધી સવિનય કાનૂનભંગનો પાઠ શીખ્યા. સરકાર જે કાંઈ પણ કરે તે માટે આપણે જવાબદાર છીએ. ત્યાંથી મને ટૉલ્સ્ટૉયમાંથી ગાંધીએ ‘રાજ્ય(સ્ટેટ)નું વિવેચન વિકસાવ્યું કે રાજ્ય કોઈ અમૂર્ત વસ્તુ (એબ્સ્ટ્રેક્ટ ઍન્ટિટી) નથી, તે લોકોનું જ બનેલું છે. રાજ્યનું હિત એટલે લોકોનું જ હિત, બીજું કાંઈ ન હોઈ શકે. રાજ્ય (એટલે કે સરકાર) જે કાંઈ કરે તે પ્રજા વતી અને પ્રજાના હિતમાં હોય. ગીતામાંથી ગાંધી નિષ્કામ કર્મ શીખ્યા. ખ્રિસ્તી ધર્મમાંથી ટૉલ્સ્ટૉૅય મારફતે તેમણે મિશનરી સ્પિરિટ કેળવ્યો અને સહન કરવાનું મહત્ત્વ શીખ્યા. સફરિંગ દ્વારા સામેનાના દિલને સ્પર્શી શકો છો.’

પ્રશ્ન : એકવીસમી સદીના આજના દોરમાં, અસહિષ્ણુતાના વાતાવરણમાં ગાંધીનું મહત્ત્વ સ્પષ્ટ જ છે. પણ એ મૂલ્યોને અમલમાં કેવી રીતે મૂકવાં? ગાંધીએ જેમ એમના સમયમાં નવીન રાજકીય પદ્ધતિઓ વિકસાવી તેમ દેશકાળ મુજબ આજે શું થઈ શકે ?

ઉત્તર : ગાંધીની અમુક વસ્તુઓ એમના ગયા પછી ગઈ તે સારું થયું. દાખલા તરીકે, બ્રહ્મચર્ય, ફૅમિલી-પ્લાનિંગનો વિરોધ, દારૂબંધી. આવા કેટલાક વિચારો પ્રજાને મંજૂર નહોતા, બીજાં જે મૂલ્યો સાચાં અને સનાતન હતાં, તેમાંનાં ત્રણચાર કાયમ રહેશે. સત્ય, અહિંસા, ટ્રસ્ટીશિપ – પ્રોપર્ટી મારી નથી, હું એનો ટ્રસ્ટી છું. એ બહુ મહત્ત્વની વૅલ્યુ છે. તેમાંથી તેમણે સત્યાગ્રહ ઊભો કર્યો. જ્યારે કેટલાક મતભેદો આવીને ઊભા રહે છે, અન્યાય સામે લડવું છે તો કેવી રીતે લડવું? લડત ન્યાયી હોવી જોઈએ. તાર્કિક ચર્ચા પૂરતી નથી. હિંસા સ્વીકાર્ય નથી. તો કરવું શું? સત્યાગ્રહ, દુઃખની વાત એ છે કે આઝાદ હિન્દમાં સત્યાગ્રહની પ્રણાલી હવામાં ઊડી ગઈ લાગે છે. એ જમાનામાં ઑર્ગેનાઇઝ્‌ડ, રિલેન્ટલેસ મૂવમેન્ટ હતી, તે ધીરેધીરે નથી રહી. એ સત્યાગ્રહ અનુકૂળ છે આજે પણ, આઉટ-ઑફ-ડેટ નથી. સોશિયલ મીડિયા વગેરે ધ્યાનમાં લઈને સત્યાગ્રહનાં નવાં રૂપ લેવાઈ શકે.

ગાંધી પછી વિનોબા આવ્યા, પણ સ્કિલફુલ નહીં. એટલે ભૂદાન – ચળવળ ત્રણચાર વર્ષમાં ખતમ થઈ ગઈ. વિનોબાને પોતાને આઝાદ – દેશમાં સત્યાગ્રહના સ્થાન વિશે શંકા હતી. ‘આપણી સરકાર સામે?’ જે.પી.એ કહ્યું કે હા, આપણી સરકાર સામે પણ સત્યાગ્રહ થઈ શકે. આ બે વિચારો ઊભા થયા. વિનોબાના વિચારમાંથી કાંઈ ઊપજ્યું નહીં, જ્યારે જે.પી.ના કેસમાં ૭૪-૭૫માં છાત્ર મૂવમેન્ટથી સત્યાગ્રહ શરૂ થયો, પણ એમના હાથમાંથી ચાલ્યો ગયો. ચળવળે ઑર્ગેનાઇઝ્‌ડ મિલિટન્સીનું રૂપ લીધું.

સત્યાગ્રહમાં આવશ્યક વસ્તુ છે પ્રેમ. તમે સામેના પક્ષને ધિક્કારતા નથી. ‘તમે આટલા સારા માણસ છો, છતાં તમે આટલું જોઈ શકતા નથી? તમારા પ્રેમી પર મૂકતા હો એવું દબાણ કરવાનું છે. સત્યાગ્રહની અસર ત્યારે મળે, જ્યારે જનતાનું દબાણ થાય. હિટલર સત્તા પર આવ્યો એ પછી ગાંધીનો સત્યાગ્રહ ના ચાલત. હિટલરનો જ્યારે ઉદય થઈ રહ્યો હતો, ત્યારે સત્યાગ્રહ જરૂર કામ કરત. કયા સમયે એનો ઉપયોગ કરવામાં આવે છે, પ્રજાને જાગૃત કરીને, તે અગત્યનું છે. મેધા પાટકર સારું કામ કરે છે, પણ સત્યાગ્રહ છાશવારે ના હોય. ઘેટ ઇઝ નોટ ધ વે. ભૂખહડતાલ એ સત્યાગ્રહ નથી, એમાં સામેવાળા પર માત્ર દબાણ લાવવામાં આવ્યું. તે ઉપવાસ પણ નથી, ઉપવાસ તો જાતને પરિશુદ્ધ કરવા માટે હોય.’

પ્રશ્ન : ગાંધી ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે તમે બહુ સાંસ્કૃતિક સમાજ (મલ્ટીકલ્ચરલ સોસાયટી) વિષય પરના અભ્યાસ માટે પણ પંકાયેલા છો. આજે ટ્રમ્પ-બ્રેક્સિટના સમયમાં આ મુદ્દો ફરી ચર્ચામાં છે. તેની પ્રાથમિક સમજ આપશે?

ઉત્તર : મલ્ટિકલ્ચરીઝમનો પ્રશ્ન છે કે જુદી જુદી પશ્ચાદ્દભૂમિકા ધરાવતા લોકો કેવી રીતે સાથે રહી શકે ? કેવી રીતે એકોમોડેટ કરી શકે? કયા નૈતિક નિયમો એવા છે કે જે સૌને સાંકળી શકે? આવા સમાજમાં બાઇન્ડિંગ ફોર્સ શું છે? ૨૦૦૦માં મેં ‘ફ્યુચર ઑફ મલ્ટિ-એથ્નિક બ્રિટન ‘શીર્ષક હેઠળ રિપોર્ટ રજૂ કર્યો, ત્યારે ઘણા લોકો અકળાયેલા-કન્ઝર્વેટિવ પ્રેસમાં મને ‘મોસ્ટ ડેન્જરસ સબવર્ઝિવ એકેડેમિક ઇન બ્રિટન’ ગણાવવામાં આવેલો. સરકારે એ રિપોર્ટ અંતે સ્વીકારેલો. અત્યારની ઘટનાઓમાં ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે? હિસ્ટરી ડઝન્ટ રિપીટ. કદાચ રિપીટ કરે, તો નવા સ્વરૂપે કરે શિફ્ટિંઝ બાઉન્ડરીઝ ઓફ ટૉલેરન્સ આવતી જાય છે.

પ્રશ્ન : ‘ગાંધી : એ વેરી શૉર્ટ ઇન્ટ્રોડક્શન નાના કદમાં પણ ઉત્તમ પરિચય પુસ્તક છે. કોઈ શિખાઉ વાચક ત્યાંથી આગળ વધવા માગે, તો તમે કયાં પુસ્તકોની ભલામણ કરશો.’

ઉત્તર : પહેલાં તો પ્રાઇમરી, એટલે કે ગાંધીનાં પોતાનાં લખાણો – એનો તો વિકલ્પ જ નથી. એ સિવાય થોડાં પુસ્તકોમાં ફૈઝલ દેવજીનું ‘ઇમ્પોસિબલ ઇન્ડિયન’, રાઘવન ઐયરનું ‘મોરલ ઍન્ડ પોલિટિકલ થોટ ઑફ મહાત્મા ગાંધી’, રોનાલ્ડ ટર્ચેકનું ‘ગાંધી : સ્ટ્રગલિંગ ફોર ઑટોનોમી.’ હિસ્ટોરિકલ ઍન્ગલ માટે જ્યુડિશ બ્રાઉનનાં બે વૉલ્યુમ (‘ગાંધીઝ રાઇટ ટુ પાવર, ગાંધી ઍન્ડ સિવિલ ડિસઓબેડિયન્સ’) અને જીવનકથા માટે રામચંદ્ર ગુહા (ગાંધી બિફોર ઇન્ડિયા, ગાંધી : ધ યર્સ ઘેટ ઍન્જ્‌ડ ધ વર્લ્ડ).

E-mail : ashishupendramehta@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 01 – 02 તેમ જ 14

Loading

સ્ટેચ્યૂની પેલે પાર શું છે?

ઈ.પી.ડબલ્યુ.|Opinion - Opinion|13 January 2019

"એક વ્યક્તિનો નાયક બીજાનો ખલનાયક હોઈ શકે છે". મૂર્તિપૂજક રાજનીતિની તાસિર વર્ણવતી આ ટેગ લાઇન છે, જેના અંતર્ગત તાજેતરના સમયમાં રાષ્ટ્રીય નિર્ણયના નામે વિવિધ રાજકીય સ્ટેચ્યૂઓને તોડવાના કે દૂર કરવાના પુરાવા મળે છે. યુનિવર્સિટીના કેટલાક શિક્ષણવિદો, પ્રોફેસરોના કહેવાથી ઘાનામાં મો.ક. ગાંધીની પ્રતિમાને દૂર કરવાનો નિર્ણય આ યાદીમાં વધુ એક ઉમેરો છે. યુનિવર્સિટીના મકાનમાંથી બંને દેશોની સરકારો અનુસાર, આ પ્રતિમા ૨૦૧૬માં ભારતથી આફ્રિકાની પ્રથમ ટ્રાઇ-નૅશન પ્રેસિડેન્સિયલ ટૂરની ઉજવણીનું પ્રતીક છે, જ્યારે કેટલાક સામાન્ય ઘાનાવાસીઓ માટે ગાંધીનું રાજકીય વ્યક્તિત્વ અન્ય ‘જાતિવાદી’ સામ્રાજ્યવાદી કરતાં અલગ નથી. હકીકતમાં, ભારતના રાષ્ટ્રપતિની તાજેતરની મુલાકાતને ત્યાં ઊજવવા માટે ૨૦૧૫માં મલાવીમાં બીજી પ્રતિમાનું બાંધકામ અટકાવવા સાથે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની પ્રતિમાઓ છેલ્લા થોડા સમયથી સંસ્થાનવાદ વિરોધી, જાતિવાદ વિરોધી અને પ્રચલિત માન્યતાઓનું ખંડન કરવા(આઇકોનોક્લાઝમ)નો ભાગ બની ગઈ છે. પરંતુ, આ બધા કેસોમાં વિચિત્ર બાબત એ છે કે જે સરકારોએ આ પ્રતિમાઓને દ્વિપક્ષીય સંબંધોનાં પગલાં રૂપે જણાવી હતી, તેથી તેની જાહેર નિંદા થતી નહોતી. પણ હવે જો સરકારોનું વલણ ગાંધી વિરુદ્ધ જાતિવાદના આરોપને માન્ય કરતું હોય, તો પછી રાજકીય પ્રતિમાનું ઔચિત્ય શું છે?

જ્યારે ગાંધીનું સંતચરિત્ર(અને તેથી તેમની મૂર્તિ તરીકે પ્રતિમા)ને ભારત અને આફ્રિકા એમ બંને માટે સૉફ્ટ-પાવર પોલિટિક્સને માફક આવતા અનુકૂળ વ્યૂહરચના તરીકે માન્યતા આપવામાં આવે છે, ત્યારે તે સરકારોને ‘નૅશન સ્ટેટ’ની અભિવ્યક્તિનું કાર્ડ રમવાની પણ જગ્યા કરી આપે છે. ઉદાહરણ તરીકે, ઘાના સ્ટેટ માટે, ‘જાતિવાદ’ને તત્કાળ ‘સંસ્થાનવાદ’ તરફ દોરી જવામાં આવે છે, જે ‘નૃવંશવાદ’(અકાન સામ્રાજ્યો દ્વારા અન્ય વંશોની ગુલામી)ના અસુવિધાજનક સ્થાનિક ઇતિહાસને છૂટા પાડે છે, વર્તમાન સમયના અકાન/બિનઅકાન ‘જાતિ’ઓમાં મતોનું ધ્રુવીકરણ અને છેવટે રાજકીય કલંક અને તકની કથિત પ્રાદેશિક એકાગ્રતામાં પરિણમે છે. જો કે, વંશીય પ્રદેશથી દેશના વધુ કૉસ્મોપોલિટન કે આર્થિક રીતે અનુકૂળ વિસ્તારો(મોટે ભાગે દક્ષિણમાં)માં ભારે સ્થળાંતર, વંશીય જોડાણને અંકે કરવાની પરંપરાગત રાજકીય વ્યૂહરચનાઓને અપનાવે છે. ઉપરાંત, એ પણ દલીલ થઈ કે આજે ખાસ કરીને મોટા ભાગે ૨૫-૩૦ વર્ષની વયના સરેરાશ ઘાનાવાસી આ સ્થાનિક વારસાથી પ્રભાવિત છે કે તેનાથી ઓળખાય છે. આ પાસાંઓએ દેશના ચૂંટણીલક્ષી લોકશાહીમાં વંશીય/સાંસ્કૃતિક પરિબળની નિર્ણાયકતાને નબળી બનાવી છે, પરંતુ તેને સમાપ્ત કરી શક્યાં નથી.

તેથી જ તો, બે પ્રભાવશાળી રાજકીય પક્ષો, નૅશનલ ડેમોક્રેટિક કૉંગ્રેસ (એન.ડી.સી.) અને ન્યૂ પેટ્રિયોટિક પાર્ટી (એન.પી.પી.)ની રાજકીય વિચારધારા વચ્ચે પાતળી ભેદરેખા છે. રાજકીય વારસા અને વિચારધારાઓમાં તેમની વચ્ચે સ્વયંસિદ્ધ તફાવત હોવા છતાં, બંને પક્ષો આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓની નિયો-ઉદારવાદી ભલામણોને અનુસરતા હોવાના કારણે, વિકાસશીલતાના માપદંડમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જી.ડી.પી.) વૃદ્ધિ-લક્ષિત સંસ્કરણમાં વધતી કાયદેસરતાને ધ્યાનમાં રાખીને અને આ વિકાસને આગળ વધારવા માટે ખાનગી કે વિદેશી રોકાણો માટે અનુકૂળતા ઊભી કરવાની હોડમાં છે. ઝાંખા ભેદ સાથે, ઘાનામાં રાજકારણ મુદ્દા આધારિત બનવાને બદલે સૂત્રોચ્ચાર અને વ્યક્તિગત અને જૂથો માટે તાત્કાલિક સહયોગ સામગ્રીનાં વચનો સાથે વ્યક્તિત્વ આધારિત બની ગયું છે. આ પરિસ્થિતિમાં ‘યુવા’ મતદારોની ચૂંટણીમાં મત માટે નેતાની પસંદગી મોટા ભાગે તેમની ચિંતાઓ(સામાજિક-આર્થિક)ને પ્રતિબિંબિત કરે ‘સ્કર્ટ અને બ્લાઉઝ’ (એક જ બેઠકમાં બે વિરોધી પક્ષોના રાષ્ટ્રપતિ અને સંસદીય ઉમેદવારોની પસંદગી)ના મતદાન તરફ દોરી જાય, તેવી ધારણાના રાજકારણી કે સરકારની બની રહી છે.

આવી અનિશ્ચિતતા ચૂંટણીની સફળતાઓમાં રાજકીય અસ્તિત્વની ભૂમિકાને ઘટાડે છે. સાથેસાથે, તે પેટ્રોન-ક્લાયન્ટ સંબંધો માટેના દરવાજા ખોલી આપે છે. શહેરી વિસ્તારોમાં શહેરી ગૌરવમાં સરકારની કાયદેસરતા તેની ક્ષમતા (અથવા તેની છાપ) સાથે અર્થતંત્રને ‘વૃદ્ધિ’ પુનઃસ્થાપિત કરવા માટે ‘મેનેજ’ કરે છે, ખાસ કરીને જી.ડી.પી.ને વેગ આપવાના હાલના તબક્કામાં ફુગાવાના પરત-ફરવાના, પાવર-શૉર્ટેજના અને ઑઇલ ક્ષેત્રની આવક અંગે આશાવાદમાં. ગ્રામીણ વિસ્તારોમાં, પરિવર્તનશીલ રાજકારણની અપીલને વિકાસ માટે ઐતિહાસિક ક્ષેત્રીય પૂર્વગ્રહ દ્વારા અંકે કરવામાં આવે છે. ફરીથી, બંને પક્ષો ઓછા વેતનવાળા કામદારો કે જેઓ પાર્ટીના નેતાઓ માટે મોટા ભાગનાં આયોજનો, અભિયાનો અને સૂત્રોચ્ચારો કરે છે, તેવી પોતાના પગલે ચાલતી ફોજ પર ભારે મદાર રાખે છે. તેમના મતો અને મત અપાવવામાં કરેલી સહાયના મદદના બદલામાં આ પાછળ ચાલતી ફોજ રોજગારની અપેક્ષા રાખે છે.

પરંતુ, પેટ્રન-ગ્રાહકવાદ મર્યાદિત સામગ્રી સંસાધનો ધરાવતી રાજકીય પદ્ધતિમાં પળમાં બદલાતું એવું ભારે અસ્થિર સમીકરણ છે. સરકારના ખર્ચનું અડધાથી વધુ બજેટ દ્વિપક્ષીય કે બહુપક્ષીય સહાય પર આધારિત છે અને સરકારી આવકમાંથી રાજ્યના ખર્ચનો લગભગ ચોથો-પાંચમો ભાગ સરકારી કર્મચારીના પગાર ચૂકવવામાં જાય છે, કોઈપણ સરકાર કઈ રીતે રોજગારીસર્જન કરશે? ઘાના એ એકમાત્ર આફ્રિકન દેશ નથી, જે આવા અવરોધોનો સામનો કરે છે. બીજા ઘણા દેશોમાં, નિયો-ઉદારવાદ/વૈશ્વિકીકરણની આડમાં રાષ્ટ્રિય પ્રતિબદ્ધતાના નામે લોકશાહી સાથે બાંધછોડ થાય છે. સામાજિક જવાબદારીના ક્ષેત્રમાં દેશના આ પ્રકારનાં છળમાં ઘાના હજી પણ આફ્રિકામાં મજબૂત લોકશાહી ધરાવતા દેશની પ્રતિષ્ઠા ધરાવે છે, પરંતુ એશિયન, ભારતીય ડાયસ્પોરિક રાજકારણમાં સરકાર નિષ્ફળતાની જવાબદારીને બાયપાસ કરવા, મૌન સંજ્ઞાઓ દ્વારા ‘સ્ટ્રેટિફાઇડ’ રંગવાદની લાગણીઓનો દુરુપયોગ કરવાથી આ લોકશાહીની સસ્ટેનેબિલિટી બહુ વાચાળ બનતી નથી. તેના દ્વારા સર્જાતી ઘરેલું સંસ્થાકીય નબળાઈઓ, અસક્ષમતાઓ આગળ જતાં જો દેશ પાસે આર્થિક સંકલનના અર્થમાં પુનઃસ્થાપિત કરવા માટેના સાધનનો અભાવ હોય, તો આખરે દેશને તેમની લૉકશાહી સાથે બાંધછોડ કરાવવાની ફરજ પાડે છે.

[સંપાદકીય, 22-12-2018]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 06

Loading

...102030...2,9132,9142,9152,916...2,9202,9302,940...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved