Opinion Magazine
Number of visits: 9578325
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભૂખમરામુક્ત વિશ્વની તાકીદઅથવા વચનોના આભલે ભૂખ શેં ભાંગે ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|26 December 2018

ખોરાક અને પોષણ સંબંધી, ‘ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન’નો ૨૦૧૮નો અહેવાલ , દુનિયામાં ૨૦૧૫થી ભૂખમરો વધી રહ્યો હોવાનું જણાવે છે. [http://www.fao.org/state-of-food-security-nutrition/en/] દુનિયાની કુલ વસ્તી પૈકીની ૧૧ ટકા વસ્તી અર્થાત્‌ ૮૨.૧ કરોડ લોકો એવા છે જેમને પેટનો ખાડો પૂરવા ધાન મળતું નથી. એશિયા ખંડની કુપોષિત વસ્તી ૫૧.૫ કરોડ છે અને તેમાંથી લગભગ ૪૦ ટકા ભારતમાં હોવાનો અંદાજ છે. ૨૦૧૮નો વિશ્વ ભૂખ સૂચકાંક ભારતમાં ભૂખમરો વધ્યાનો નિર્દેશ કરે છે. આ સઘળી હકીકતો, ૨૦૨૨માં ભારતને અને ૨૦૩૦માં વિશ્વને ભૂખમરામુક્ત કરવાના અભિયાન સામે સવાલ બનીને, પડકાર બનીને ઊભી છે.

૨૦૦૬ના વરસથી જર્મનીની સંસ્થા વેલ્થહંગરહિલ્ફે “ગ્લોબલ હંગર ઈન્ડેક્સ” જાહેર કરીને  વિશ્વને ભૂખમરાથી સાવધ કરી રહી છે. ૨૦૧૮ના વરસના તેના તેરમા રિપોર્ટમાં, જે ૧૧૮ દેશોનો  વિશ્વ ભૂખ સૂચકાંક જાહેર થયો છે તેમાં, ભારતનો ક્રમ ૧૦૩ છે. ૨૦૧૫માં ભારતનો ક્રમ ૮૫, ૨૦૧૬માં ૯૭, ૨૦૧૭માં ૧૦૦ હતો. જેટલો આંક ઊંચો એટલો ભૂખમરામાં ક્રમ આગળ એમ જણાવતો આ હેવાલ નોંધે છે કે ભારતનો હંગર ઈન્ડેક્સ એશિયાના અન્ય બે દેશો, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કરતાં જ સારો છે. એશિયાના અન્ય ગરીબ ગણાતા દેશોમાં ભારત કરતાં ભૂખમરાની સ્થિતિ બહેતર છે. શ્રીલંકાનો ભૂખ સૂચકાંક ૬૭, મ્યાંમારનો ૬૮, નેપાળનો ૭૨ અને બાંગ્લાદેશનો ૮૬ છે. ભારતનું અર્થતંત્ર જેની સાથે સ્પર્ધામાં હોવાનું કહેવાય છે તે ચીનમાં ભારત કરતાં ભૂખમરો નહિવત્‌ છે અને તેનો હંગર ઈન્ડેક્સ ૨૫ છે.

વૈશ્વિક, રાષ્ટ્રીય અને ક્ષેત્રિય એમ તમામ સ્તરે ભૂખમરાનું આલેખન વૈશ્વિક ભૂખમરા સૂચકાંકમાં  કરવામાં આવે છે. તેમાં અલ્પપોષણ, બાળકોમાં અલ્પપોષણ, પાંચ વરસ સુધીના બાળકોનો શારીરિક વિકાસ (ઊંચાઈ અને વજન) તથા બાળમૃત્યુ દરને મહત્ત્વના માપદંડ માનીને ભૂખમરાની તીવ્રતા કે ઘટાડો તપાસાય છે. ભારતના નીતિ આયોગે એમ કહીને આ વરસના ભૂખ સૂચકાંકમાં ભારતનો ક્રમ ૧૦૦થી વધીને ૧૦૩ થયો તેને નકાર્યો છે કે તેમાં કુપોષણ અને બાળકોનાં કુપોષણને વધારે પડતું પ્રાધાન્ય આપ્યું છે.

દુનિયાની અમીરી અને ગરીબી વિશે જાતભાતના સર્વે અને સંશોધનો પ્રકટ થતાં રહે છે. સરકારો તેને માફક આવે તેવા સર્વે-સંશોધનોને ફુલાવીને પ્રચારિત કરતી રહે છે તો તેનું નીચાજોણું થાય તેવા સંશોધનો નકારતી ફરે છે. હાલમાં જે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ છે તે રાજ્યો બહુ આયામી ગરીબી આંક(મલ્ટીલેવલ પ્રોવર્ટી ઈન્ડેક્સ)માં મોખરે છે. પણ તે કોઈ ચૂંટણી મુદ્દો બનતો નથી. મધ્યપ્રદેશનો એમ.આઈ.પી ૦.૧૮૧ છે. જે દુનિયાના સૌથી ગરીબ દેશ નામીબિયા જેટલો છે. છત્તીસગઢનો બહુઆયામી ગરીબી આંક ઝિમ્બાવે જેટલો, રાજસ્થાનનો ગ્વાટેમાલા જેટલો, ઉત્તરપ્રદેશનો કોંગો જેટલો અને બિહારનો મલાવી જેટલો છે. દેશનું સૌથી શિક્ષિત રાજ્ય  કેરળ બહુ આયામી ગરીબીમાં સાવ જ તળિયે છે. તેનો એમ.આઈ.પી  દુનિયાના સૌથી સુખી દેશ જોર્ડન જેટલો, ૦.૦૦૪, છે.

એક તરફ યુનાઈટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામના અહેવાલ મુજબ ભારતમાં ૨૭ કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવી ગયાનું જણાવાય છે. તો બીજી તરફ વિશ્વના ૪૫ ભૂખમરાગ્રસ્ત દેશોમાં હજુ ભારત સામેલ છે તે પણ વાસ્તવિકતા છે. ભારત વિશ્વના કુલ કુપોષિતો પૈકીના ૧૯ કરોડ એટલે કે દુનિયાના ૧૧ ટકા કુપોષિતો ધરાવે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૧૭ કરોડ ૨૨ લાખ મુસલમાનો અને ૨૦ કરોડ ૧૪ લાખ દલિતોમાંથી ૪ કરોડ ૨૫ લાખ મુસલમાનો અને ૬ કરોડ દલિતો રોજના ૨૮ થી ૩૩ રૂપિયામાં જીવન ગુજારો કરવા મજબૂર છે. તેમાં જો આદિવાસીઓનો ઉમેરો થાય તો ચિત્ર કેટલું બિહામણું બની રહે ! જે લોકો એક ટંક ખાવાનું પામતાં નથી તેવા ભારતીયોમાં દેશની અર્ધી આબાદી એવી સ્ત્રીઓ અને બાળકોની સંખ્યા ઘણી મોટી છે.

જ્યારે દુનિયા ધનના અને ખાસ તો ધાનના ઢગલાથી ફાટફાટ હોય ત્યારે આટલો મોટા પાયા પરનો  ભૂખમરો કોઈને પણ અકળાવે તેવો છે. ૨૦૧૬ની તુલનામાં ૨૦૧૭માં વિશ્વમાં અનાજનું ઉત્પાદન ૧.૨ ટકા વધ્યું હતું. ભારતમાં પણ અનાજની કોઈ ખેંચ નથી. આફ્રિકાના દેશોમાં ૨૦૧૭ના વરસમાં ગત વરસની સરખામણીએ અનાજનું ઉત્પાદન ૧૦.૧૮ ટકા વધ્યું હતું. જો કે અનાજની જરૂરિયાતવાળા ભૂખમરાગ્રસ્ત ૨૯ દેશો આફ્રિકાના જ છે. આ હકીકતો આપણાં નીતિ નિર્માતાઓએ લક્ષમાં લઈને જ્યારે અનાજની ટંચાઈ ન હોય ત્યારે લોકો ખરીદશક્તિના અભાવે, જોબલેસ ગ્રોથવાળા વિકાસના પ્રતાપે પેટ ભરવા જોગ દાણાપાણી ન મેળવી શકે તે સ્થિતિ નિવારવી પડશે. ભારતમાં ગરીબો અને જરૂરિયાતમંદોને અનાજનો પુરવઠો પહોંચાડવાની જાહેર વિતરણ વ્યવસ્થા તથા શાળાના બાળકો માટેની મધ્યાહ્ન ભોજન યોજના વધુ સક્ષમ કરવાની જરૂર છે.

ભારતમાં આર્થિક વિષમતા સતત વધતી રહે છે. ગરીબ કલ્યાણ મેળાઓ અને મોલ કલ્ચરનું ભારતમાં સહઅસ્તિત્વ છે. મોટી મહેલાતોની બાજુમાં જ ઝૂંપડપટ્ટીઓ પણ છે. ટોચના ૧૦ ટકા ધનપતિઓ  દેશના ૮૦ ટકા સંસાધનોનો ઉપયોગ કરે છે. તેમાંના એકાદ ટકો તો પાછા એવા છે જે તેમાંના ૬૦ ટકા સંસાધનોના માલિકો બની બેઠા છે. આ એક ટકામાં મોટા અમીરો અને રાજકારણીઓ છે. આજના ભારતમાં જાણે કે આ અસમાનતા કોઈને અખરતી જ નથી. દેશના પાંચપંદર અતિ ધનાઢ્યો પાસે દેશની કુલ સંપતિના અડધાથી વધુ સંપત્તિ હોય તે વિષમતા ભયંકર ગણાવી જોઈએ. કેમ કે આ સંપત્તિ મજદૂરોના શોષણ પર ખડી થયેલી છે. ભારતની લોકસભામાં ૧૯૬૩માં, વિપક્ષના નેતા સમાજવાદી એવા ડો. રામમનોહર  લોહિયા અને વડાપ્રધાન પંડિત નેહરુ વચ્ચે ત્રણ આના વિરુદ્ધ ત્રણ રૂપિયાની ચર્ચા થઈ હતી. આ દેશમાં ગરીબ રોજના ત્રણ આના કમાતો હોય અને વડાપ્રધાનના કૂતરા પાછળ ત્રણ રૂપિયા ખર્ચાતા હોય તેની સામે લોહિયાનો વિરોધ હતો. ભારતની સંસદમાં આવી ચર્ચા હવે દુષ્કર છે. સર્વસમાવેશી વિકાસની વાતો તો બધી જ સરકારો કરે છે, પણ ભૂખમરાના ભીષણ આંકડા દર્શાવે છે કે વિકાસ હજુ તળિયે પહોંચ્યો નથી. આ વાસ્તવિકતા સ્વીકારીને સામાજિક-આર્થિક ન્યાય સુનિશ્ચિત કરતી નીતિઓ સાથે અન્નનો અધિકાર આપીશું તો જ ભૂખમરામુક્ત ભારત અને વિશ્વ બનાવી શકાશે. રોટીની અવેજીમાં વચનોનાં આભલાં બહુ લાંબા નહીં ટકે.

e.mail : maheriyachandu @gmail.com

Loading

ડો.બાબાસાહેબ આંબેડકર : દલિત નેતા કે રાષ્ટ્રનેતા ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|26 December 2018

દર વરસે ૬ઠ્ઠી ડિસેમ્બરનો ડો. આંબેડકર નિર્વાણદિન આમ મુંબઈગરાઓ માટે ભારે અચરજનો હોય છે. દેશની આર્થિક રાજધાની એવા મહાનગર મુંબઈના દાદર વિસ્તારમાં, અરબી સમુદ્રના કિનારે, જ્યાં આંબેડકરના અંતિમ સંસ્કાર થયેલા એ ચૈત્યભૂમિ પર, દેશભરમાંથી લાખો દલિતો સ્વયંભૂ  ઉમટે છે. યાદ રહે ૬ઠ્ઠી ડિસેમ્બર ૧૯૫૬ના રોજ નિર્વાણ પામેલ ડો. આંબેડકરનું આ નિર્વાણ સ્મારક દલિતોએ ખુદના પૈસે ૧૯૬૫માં ખડું કર્યું હતું. પ્રતિ વરસ પોતાના પ્યારા બાબા અને મસીહાને સ્મરવા ચીંથરેહાલથી સૂટેડબૂટેડ દલિતો અહીં આવીને પોતાનો આદર, પ્રેમ અને ઓશિંગણભાવ વ્યક્ત કરે છે.

ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની એક જાણીતી ઓળખ તો દલિત નેતા તરીકેની છે. ભારતની જાતિપ્રથા અને ઉચ્ચનીચના ભેદનો એમને ખુદને અનુભવ હતો. એટલે અમેરિકા, બ્રિટન તથા જર્મનીના ઉચ્ચાભ્યાસ અને પિતાની “છાંયડે બેસીને થાય તેવું કામ” કરવાની સલાહને અવગણીને તેમણે દલિત મુક્તિનો અઘરો માર્ગ પસંદ કર્યો હતો. બૌદ્ધિકતા અને કર્મશીલતાનો સમન્વય સાધીને ડો. આંબેડકરે આઝાદી આંદોલન દરમિયાન ગાંધીજી જેવી વિરાટ પ્રતિભા સામે બાથ ભીડાવીને દલિત મુક્તિનો માર્ગ કંડાર્યો હતો. દાંડીકૂચના જમાનામાં એમણે દલિતોના પીવાના પાણીના અધિકાર માટે મહાડનો જળ સત્યાગ્રહ અને કાલારામ મંદિર સત્યાગ્રહ કરીને સ્વતંત્રતા સાથે સમાનતા અને સ્વરાજ સાથે જ ન્યાયની આહલેક જગવી હતી.

“દલિતોના અધિકારોના રક્ષણ માટે જ હું બંધારણસભામાં આવ્યો હતો. આ સિવાય મારા મનમાં બીજો કોઈ વિચાર નહોતો.” એમ સ્પષ્ટ કહેનાર ડો. આંબેડકરે ભારતના બંધારણમાં દલિતોના અધિકારો આમેજ કરાવ્યા હતા. બંધારણ દ્વારા અસ્પૃશ્યતાની સંપૂર્ણ નાબૂદી તથા શિક્ષણ, રોજગાર અને વિધાનગૃહોમાં અનામતની જોગવાઈ એ ડો. આંબેડકરનું મોટું પ્રદાન છે. ચૂંટણીમાં તમામ પુખ્ત નાગરિકને મતનો સમાન અધિકાર સમાનતાવાદી ડો. આંબેડકરની દેન છે. એટલે સ્વાભાવિક રીતે જ તેઓનું દલિતોના દિલમાં અનન્ય સ્થાન છે અને દલિત મસીહા ગણાય છે.

જો કે ડો. આંબેડકરનું ધ્યેય દલિતોને થોડાક અધિકારો અપાવવાનું જ નહોતું. તેઓ અસ્પૃશ્ય ગણાતા દલિતોને દેશના બરાબરીના નાગરિક બનાવવા માંગતા હતા. તે હિંદુધર્મની વર્ણવ્યવસ્થા કે જાતિપ્રથાની નાબૂદી સિવાય શક્ય નહોતું. એટલે ડો. આંબેડકરનું એકમાત્ર જીવન ધ્યેય જાતિનું નિર્મૂલન હતું. તે માટે “હું હિંદુ તરીકે મરીશ નહીં’-નો સંકલ્પ પાર પાડી, અવસાનના થોડાક મહિના પહેલાં જ ધર્મપરિવર્તન કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.

શિક્ષણ, સંગઠન અને સંઘર્ષના આંબેડકરી ત્રિમંત્રમાં શિક્ષણને તેમણે આપેલું પ્રાધાન્ય આજે દેશમાં દલિતોની શૈક્ષણિક પ્રગતિમાં જોવા મળે છે. પરંતુ ડો. આંબેડકરને શિક્ષિત કે નોકરિયાત દલિતોથી જ ધરવ નહોતો. તેઓ  વર્ણવિહીન, વર્ગવિહીન સમતામૂલક સમાજ  ચાહતા હતા. ૧૬મી સપ્ટેમ્બર ૧૯૫૪ના રોજ રાજ્યસભામાં ‘અસ્પૃશ્યતા અપરાધ વિધેયક” પરની ચર્ચામાં એમણે વિધેયકમાં પ્રયોજાયેલ અસ્પૃશ્ય શબ્દ સામે જ વાંધો લીધો હતો. બાબાસાહેબે કહ્યું હતું કે સ્વતંત્ર અને પ્રજાસત્તાક દેશમાં ન કોઈ સ્પૃશ્ય છે કે ન કોઈ અસ્પૃશ્ય. હવે આ દેશમાં સૌ નાગરિક છે. સમાન નાગરિક .એટલે આભડછેટનું આચરણ ડો. આંબેડકરને નાગરિક હકનું હનન  લાગતું હતું અને આ કાનૂનનું નામ તેમણે “નાગરિક હક સંરક્ષણ કાનૂન’ રાખવા સૂચવ્યું હતું.

નાગરિક માત્રની સમાનતા જેમનો જીવનમંત્ર હતો એવા ડો. આંબેડકરને દલિતનેતા તરીકે ખતવી દેવા શું યોગ્ય છે ? જો કે બાબાસાહેબને એવા લેબલની કશી ફિકર નહોતી. તેમણે કહેલું, “મેં ક્યારે ય એવો દાવો કર્યો નથી કે હું સમગ્ર પીડિત સમુદાયનો નેતા છું. મારી સીમિત ક્ષમતા માટે માત્ર દલિત સમસ્યા જ પર્યાપ્ત છે. મેં ક્યારેય દલિતોની મુક્તિથી વિશેષ વિચાર્યું નથી.” આ ડો. આંબેડકરની  વિનમ્રતા કે દલિત પ્રતિબદ્ધતા જ હતી. કેમ કે ભારતના જાહેરજીવનના લગભગ તમામ ક્ષેત્રોમાં તેમનું પ્રદાન છે. મુંબઈની ચાલીની નાનકડી ખોલીમાં જીવેલા ડો. આંબેડકરને ‘સમગ્ર પીડિત માનવતાની પીડા’નો સહજ ખ્યાલ હતો. મુંબઈની ધારાસભાના સભ્ય તરીકે તેમણે ખેડૂતો પાસેથી બળજબરીથી કૃષિકર વસૂલવાની “ખોતીપ્રથા” અને મહારોની ગુલામગીરી જેવી “વતનદારી પદ્ધતિ” નાબૂદ કરવાના પ્રસ્તાવો વિધાનસભામાં મૂક્યા હતા. કામદારોના હડતાળના હકને છીનવવાના પ્રયાસોનો તેમણે વિરોધ કર્યો હતો.

૧૯૪૨ થી ૧૯૪૬ સુધી ડો. આંબેડકર વાઈસરોયની કારોબારીમાં શ્રમ, સિંચાઈ અને વીજળી વિભાગના મંત્રી હતા. એ સમયે તેમણે કામદાર કલ્યાણના અનેક કાયદાઓ કરાવ્યા હતા. સ્ત્રી-પુરુષને સમાન કામ માટે સમાન વેતન, કામના કલાકોમાં ઘટાડો, સ્ત્રી કામદારોને પૂરા પગારે પ્રસૂતિની રજા, પ્રોવિડન્ટ ફંડ, લઘુતમ વેતન, હકરજા તથા અન્ય રજાના અધિકારો, અકસ્માતમાં વળતર, ખાણ કામદારોની સલામતીનાં પગલાં, સ્ત્રીકામદારના બાળકો માટે ઘોડિયાઘર, કામદારોની દાકતરી તપાસ તથા તેમના બાળકોના શિક્ષણની વ્યવસ્થા જેવા કાયદાઓ બાબાસાહેબના પ્રયત્નોનું ફળ છે. ડો. આંબેડકરે વાઈસરોયની કારોબારીના મંત્રી તરીકે જળ, સિંચાઈ અને વીજળી ક્ષેત્રે પાયાના કામો કર્યા હતા. બાબાસાહેબના જન્મશતાબ્દી વરસે એમના આ ક્ષેત્રના પ્રદાન અંગે સંશોધનો થયાં હતાં અને હકીકતો પ્રગટ થઈ હતી. જાણીતા અર્થશાસ્ત્રી ડો. સુખદેવ થોરાટના માર્ગદર્શનમાં ભારત સરકારે ૧૯૯૩માં “જળ સંશાધન વિકાસમાં ડો. આંબેડકરનું પ્રદાન” એ નામે અભ્યાસ પ્રગટ કરતાં બાબાસાહેબના મોટા બંધો સહિતના ક્ષેત્રે કરેલા કામો ઉજાગર થયાં હતાં.

દલિતો પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સ્પષ્ટ શબ્દોમાં વ્યકત કરનાર ડો. આંબેડકરના જાહેર કાર્યો અને વિચારો કોઈ એક વર્ગ કે વર્ણ પૂરતા નહોતા. ડો. આંબેડકરે જે પાંચ સામયિકો (મૂક નાયક, બહિષ્કૃત ભારત, જનતા, સમતા અને પ્રબુદ્ધ ભારત) પ્રગટ કર્યા હતા તેનાં નામોમાં કે તેમણે સ્થાપેલી સામાજિક-શૈક્ષણિક-રાજકીય સંસ્થાઓના નામોમાં ક્યાં ય જાતિવાદની ગંધ આવે છે ખરી? ૧૯૨૪માં ભારત આવેલા ક્રિપ્સ મિશને દલિતોના અધિકારોની રજૂઆત “સ્વતંત્ર મજૂર પક્ષ” (ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી) કઈ રીતે કરી શકે એવો વાંધો લીધો ત્યારે જ ડો. આંબેડકરને “શિડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન”ની રચના કરવી પડેલી. જેનું તેઓ “રિપબ્લિકન પાર્ટી”માં રૂપાંતર કરવા માંગતા હતા. બાબાસાહેબના નિર્વાણ પછી તેમના અનુયાયીઓએ ૩જી ઓકટોબર ૧૯૫૭ના રોજ “શિડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન”નું વિસર્જન કરી “રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા”ની સ્થાપના કરી હતી. આઝાદ ભારતના પ્રથમ કાયદા પ્રધાન આંબેડકરે કોઈ દલિત મુદ્દે નહીં પણ હિંદુ સ્ત્રીઓને અધિકારો આપતું હિંદુ કોડ બિલ સનાતની હિંદુઓના વિરોધને કારણે પસાર ન થઈ શકતાં રાજીનામુ આપ્યું હતું. આમ ડો. આંબેડકરના યુગકાર્યને ઉચિત પરિપેક્ષ્યમાં ખુલ્લા દિલે સમજીએ તો જ તેમના પ્રદાનને મૂલવી શકાશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

ઠક્કરબાપાના સાર્ધ શતાબ્દી વરસે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|26 December 2018

ઠક્કરબાપાના પ્રેમ અને આદરભર્યા નામે જાણીતા અમૃતલાલ ઠક્કરનું સાર્ધ શતાબ્દી વરસ આવતીકાલથી [29 નવેમ્બરથી] આરંભાશે. ગાંધીજીના સમવયસ્ક એવા ઠક્કરબાપાને ગાંધીજીએ “દલિતો અને આદિવાસીઓના ગોર” તરીકે નવાજ્યા હતા. ૨૯મી નવેમ્બર ૧૮૬૯ના રોજ ભાવનગરમાં જન્મેલા ઠક્કરબાપાનું આરંભિક જીવન અભાવોમાં પસાર થયું હતું. માતાપિતાના સેવાના સંસ્કાર તો બાળપણમાં જ મળેલા. પરંતુ કુટુંબની આર્થિક સ્થિતિ તેમને યુવાનીમાં જ સેવાના ક્ષેત્રે ધસી જતી રોકતી હતી. પ્રથમ વર્ગમાં મેટ્રિક થયેલો આ યુવાન પૂનાની એંજિનિયરીંગ કોલેજમાં ભણી ઈ.સ. ૧૮૯૦માં ઈજનેર થાય છે. અનેક શહેરોમાં ઈજનેર તરીકે સફળતાપૂર્વક નોકરી કરે છે. નોકરી દરમિયાન જ તેમને દલિતોની અને કામદારોની બદતર સ્થિતિનો પરિચય થયો હતો. બાળપણમાં શેરી સાફ કરતાં દલિત સફાઈ કામદારને હડધૂત થતો સગી આંખે જોઈને મનમાં પ્રશ્નો જ નહીં સંવેદના પણ જાગી હતી, જે મોટપણે વધુ તીવ્ર બનેલી. મુંબઈમાં ગંદકી અને કચરો ઉપાડવાનું કામ કરતાં દલિતોની જિંદગીની વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો. દલિત કામદારોનો કરજબોજ ઓછો કરવા સહકારી મંડળી અને બાળકોના શિક્ષણનું કામ તો એ કરતા જ હતા. ગોખલેની ‘સર્વન્ટસ ઓફ ઇન્ડિયા સોસાયટી’નાં કામથી પ્રભાવિત હતા, એટલે ૧૯૧૪માં સરકારી નોકરીને રામરામ કરી તેમાં જોડાયા. ૪૫ વરસની વયે તેમણે સારા દાપાદરમાયાની નોકરી છોડી સેવાકાર્ય સ્વીકાર્યું અને પછી ઠક્કરસાહેબ મટી ઠક્કરબાપા બન્યા હતા.

વીસમી સદીના એ આરંભના દિવસો ભારોભાર આભડછેટના હતા. તેવા સમયે દલિત પ્રશ્ને વિચારનાર અને કાર્ય કરનારા તરીકે ઠક્કરબાપા ગાંધીજીના પણ પુરોગામી ગણી શકાય. દૂદાભાઈના “ગરીબ અને પ્રામાણિક અંત્યજ કુટુંબ”ને કોચરબ આશ્રમમાં દાખલ કરવાનો પત્ર ગાંધીજીને લખનાર ઠક્કરબાપા જ હતા. મુંબઈમાં ઈજનેર તરીકે કાર્યરત હતા ત્યારે જ, ઈ.સ.૧૯૧૨માં, “આર્યન બ્રધરહુડ”ના નેજા હેઠળ દલિતો સાથેનું સર્વ જ્ઞાતિ ભોજન યોજાયું હતું. ઠક્કરબાપા તેમાં સામેલ થયા હોવાનું જાણી મુંબઈના તેમના જ્ઞાતિ સમાજે તેમને નાતબહાર મૂકવાનો નિર્ણય કર્યો હતો. પિતા એ સમયે આજાર અવસ્થામાં હતા. તેથી કમને ઠક્કરબાપાએ જ્ઞાતિનો દંડ ભરી, મૂંછ મૂંડાવી, પ્રાયશ્ચિત કર્યું હતું. આ જ અમૃતલાલ ઠક્કર પછી “દલિતોના પુરોહિત” તરીકે પંકાયા, ત્યારે તેમનું જ્ઞાતિના સમર્થ પુરુષ તરીકે, જ્ઞાતિ અભિમાન અને જ્ઞાતિ ગૌરવ વ્યક્ત કરતું માનપત્ર તેમની જ્ઞાતિએ આપ્યું હતું.

ઠક્કરબાપા જેમ દલિત સેવા તેમ આદિવાસી સેવાને પણ પૂર્ણપણે વરેલા હતા. દલિતો કરતાં પણ આદિવાસીઓની ઉન્નતિ તેમની પ્રાથમિકતા હતી. દાહોદ, ઝાલોદ, પંચમહાલના આદિવાસી પટ્ટામાં એ દુકાળનો તાગ મેળવવા ગયા હતા. એબ ઢાંકવા શરીર પર ચીંથરું ન હોય અને ઝૂંપડૂં આઢીને બેઠી હોય તેવી આદિવાસી સ્ત્રીઓનો તેમને સાક્ષાત્કાર થયેલો. આદિવાસીઓની આ ગરીબી અને લાચારી જોઈ તેમણે ત્યાં કાયમી થાણું નાંખ્યું. “ભીલ સેવા મંડળ” સ્થાપી ઠક્કરબાપાએ દલિતોની માફક આદિવાસીઓ માટે શાળાઓ અને છાત્રાલયો શરૂ કર્યા હતા. આજે તે વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે જોવા મળતો ફેરફાર ઠક્કરબાપાને આભારી છે.

રૂઢ અર્થમાં આપણે જેમને સ્વાતંત્ર્ય સૈનિક કહીએ છીએ તે ઠક્કરબાપા નહોતા. પંડિત નહેરુના શબ્દોમાં, “ઠક્કરબાપાને મેં કોઈપણ વખતે રાજકીય ક્ષેત્રના માન્યા નથી.” એ સાચું છે. એમણે આઝાદીની લડતમાં કદી ભાગ લીધો નથી. અપવાદરૂપે ૧૯૩૦માં ખેડા જિલ્લાના મહેમદાવાદમાં દૂરથી દારુનું પિકેટિંગ કરતા કાર્યકરોનું તે નિરીક્ષણ કરતા હતા ત્યારે તેમની ધરપકડ થયેલી અને બે માસ જેલમાં રહેવું પડેલું. જ્યારે ૧૯૩૦-૩૨ની લડતમાં જોડાવા એમના સાથીઓએ અનુમતી માંગી ત્યારે, “જે લોકો વિશિષ્ટ કાર્યને વરેલા છે, અને તેની જવાબદારી માથે લીધી છે તેમનાથી આ કામ રેઢુ મૂકીને જવાય નહીં” તેવું તેમનું વલણ હતું. જો કે આ જ ઠક્કરબાપા ભાવનગર પ્રજા પરિષદ (૧૯૨૬) અને કાઠિયાવાડ પ્રજા પરિષદ(૧૯૨૮)ના પ્રમુખ થયા હતા !

ઠક્કરબાપાનું સેવાકાર્ય ભારે અઘરું અને કઠણાઈઓથી ભરેલું હતું. દલિત આદિવાસી કામનો પણ એ આરંભ હતો. પૂરતા સેવાભાવી કાર્યકરોનો અને નાણાંનો અભાવ, ખુદ દલિત આદિવાસી સમાજની અણસમજ અને વિરોધ – જેવી મુશ્કેલીઓ હતી. ઠક્કરબાપાને સેવાનું વળગણ એવું કે તેઓ  કોઈ સંસ્થા સ્થાપે તો તેના નામમાં “સેવા” શબ્દ રાખવાની એમને ન માત્ર હોંશ રહેતી હઠ પણ રહેતી. દેશસેવા ફુરસદે અને શહેરોમાં કરવાની ચીજ નથી પણ ગામડાંઓમાં અને સાતત્યપૂર્ણ રીતે કરવાની પ્રવૃતિ છે તેમ તેઓ માનતા. વળી કોઈ સંસ્થા આર્થિક રીતે પગભર બનવા ધન એકઠું કરે તેના તે વિરોધી હતા. તે કહેતા કે આમ કરવાથી તો સંસ્થા “મઠ” બની જશે.

દલિતોના અલગ મતાધિકારના મુદ્દે ૧૯૩૨માં ગાંધીજીના ઉપવાસ અને ડો. આંબેડકર સાથે થયેલા પૂના કરારમાં ઠક્કરબાપાનો મોટો ફાળો રહ્યો છે. અલગ મતાધિકારના વિકલ્પે જે રાજકીય અનામત બેઠકો આપવાની હતી તેનો અભ્યાસ અને ગણતરી તેમની હતી. પૂના કરાર પછી અસ્પૃશ્યતા નિવારણ માટે ગાંધીજીએ સંસ્થા ઊભી કરી હતી. જે પાછળથી “હરિજન સેવક સંઘ” કહેવાઈ. ઠક્કરબાપા તેના સ્થાપક મહામંત્રી હતા. તેમણે જ ગાંધીજીની “હરિજનયાત્રા”નું આયોજન કરેલું. “ભીલ સેવા મંડળ” અને અન્ય સંસ્થાઓનું સંપૂર્ણ સંચાલન અને વહીવટ આદિવાસીઓ હસ્તક રહે અને બિનઅદિવાસીઓ તેમાંથી ક્રમશ: ખસી ગયા તેમ ઠક્કરબાપાએ કર્યું હતું. પરંતુ “હરિજન સેવક સંઘ”માં તેમ થઈ શક્યું નહીં. આરંભે “હરિજન સેવક સંઘ”ની ૮ વ્યક્તિઓની કારોબારીમાં ડો. આંબેડકર સહિત ૩ દલિત આગેવાનો હતા. સંસ્થાના ઉદ્દેશો અંગે ડો. આંબેડકરે ઠક્કરબાપાને એક દીર્ઘ પત્ર લખ્યો હતો. ડો. આંબેડકરને તે પત્રની પહોંચ પણ મળી નહોતી. એટલે તેમણે રાજીનામુ આપી દીધું. તે પછી “હરિજન સેવક સંઘ” સંપૂર્ણપણે બિનદલિતોના આધિપત્યવાળી સંસ્થા જ બની રહી.

૨૯મી નવેમ્બર ૧૯૩૭ના રોજ ભત્રીજા અનંત પરના પત્રમાં ઠક્કરબાપાએ આગ્રાની સેન્ટ જોન્સ કોલેજના છાત્રો સાથેના સંવાદનો ઉલ્લેખ કરી એ મતલબનું લખ્યું હતું કે, મેં વર્ણવેલી  હરિજન કલ્યાણની પ્રવૃતિ છાત્રોને બહુ મોળી લાગી. વિધ્યાર્થીઓનો મત હતો કે કાયદો કરીને આભડછેટનો નાશ કરવો એ જ ઉપાય છે. ઠક્કરબાપાએ તેમને સમજાવેલું કે આભડછેટ એકલા કાયદાથી જશે નહીં તે માટે લોકો સાથે સમજાવટથી, માથાકૂટથી, લમણાઝીંકથી કામ કરવું પડે.

ભારતના બંધારણનો આદર્શ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા છે. સ્વતંત્રતા અને સમાનતા તો કાયદાથી સ્થાપી દીધી છે. કાયદાથી આભડછેટ પણ દૂર કરી દીધી પણ પેલી બંધુતા ક્યાં છે ? તે માટે સમજાવટ, માથાકૂટ અને લમણાઝીંક કરી શકે તેવા ઠક્કરબાપા ક્યાં ? એવો સવાલ સાર્ધ શતાબ્દીએ ઊભો છે.

e.mail : maheriyachandu @gmail.com

Loading

...102030...2,8962,8972,8982,899...2,9102,9202,930...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved