Opinion Magazine
Number of visits: 9578325
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇમરાન ખાને નવા પાકિસ્તાનની રચના કરતાં પહેલાં જૂના પાકિસ્તાનની નિષ્ફળતાનાં કારણો શોધવાં જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|28 December 2018

આજકાલ જગત આખામાં જે નેતૃત્વ સામે આવી રહ્યું છે એની સર્વસાધારણ બીમારી એવી છે કે તેમનામાં સમજ ઓછી છે અને બોલે છે વધુ. બોલે એટલે આત્મવિશ્વાસ સાથે બોલે અને તથ્યો તપાસાવ્યા વિના બોલે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને આવું બીજીવાર ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગયા સપ્ટેમ્બર મહિનામાં યુનોની સામાન્ય સભાની સાઈડ લાઈનમાં ભારત અને પાકિસ્તાનના વિદેશ પ્રધાન મળવાના હતા, એ બેઠક ભારતે ક્ષુલ્લક કારણસર રદ્દ કરી નાખી હતી. એ વિષે પ્રતિક્રિયા આપતા ઇમરાન ખાને ભારતના વડા પ્રધાનને મોટા પદ પર બેસી ગયેલા નાના માણસ તરીકે ઓળખાવ્યા હતા. તેમને એટલું ભાન નહોતું કે કોઈ દેશના વડાએ બીજા દેશના વડા વિષે કેવી ભાષામાં બોલવાનું હોય. ભાષા પરથી શાસકના સંસ્કાર ઓળખાઈ આવતા હોય છે. જો કે અત્યારે શાસકોમાં સંસ્કાર અને સભ્યતાનું સંકટ સાર્વત્રિક છે.

હવે ઇમરાન ખાને કહ્યું છે કે ભારતમાં લઘુમતી કોમ સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને ભારતમાં લઘુમતી કોમની સ્થિતિ દુય્યમ નાગરિકો જેવી છે. ઇમરાન ખાન અહીંથી અટક્યા નહોતા, તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં હિંદુઓ અને અન્ય લઘુમતી કોમો સાથે સમાન વ્યવહાર કરવામાં આવે છે. ઇમરાન ખાને આગળ વધીને પાકિસ્તાનની ઓળખ પણ આપી છે. નવા પાકિસ્તાનમાં લઘુમતી કોમના લોકો લીલાલહેર કરે છે, જ્યારે કે ૨૦૧૪ પછીના નવા ભારતમાં લઘુમતી કોમના લોકો ભયભીત છે.

આ વિવાદ ભારતમાં લઘુમતી કોમની સ્થિતિ વિષે અને ઝડપભેર થઈ રહેલા કોમી ધ્રુવીકરણ વિષે જાણીતા ફિલ્મ અભિનેતા નસીરુદ્દીન શાહે જે વક્તવ્ય આપ્યું એનાં કારણે પેદા થયો છે. નસીરુદ્દીનની વહારે મોટી સંખ્યામાં સેક્યુલર લિબરલ હિંદુઓ બહાર આવ્યા હતા. નસીરે કે કહ્યું છે એ સો ટકા સાચું છે. દુ:ખની વાત છે કે મુકેશ અંબાણીને ઘેર કઢી પીરસનારા મહાન અભિનેતાઓમાંથી કોઈ નસીરની મદદે બહાર આવ્યું નથી. એવી તેમની પાસે કોઈ અપેક્ષા પણ નથી. મીડિયાવાળાઓ પણ મૂલ્યોની ચર્ચા કરવાની જગ્યાએ બે રાજકારણીઓને કે એક હિન્દુત્વવાદીને તથા એક કટ્ટરપંથી મુસલમાનને સામ-સામે ભીડાવીને મુરઘા લડાઈ લડાવે છે. તેઓ પોતાની જાતને તો નહીં, પણ દેશની જનતાને છેતરે છે કે તેઓ મુક્ત દેશમાં ખુલ્લી ચર્ચા કરી રહ્યા છે. હકીકતમાં આ પડદા પાછળની સોદાબાજીનું પરિણામ છે. આ પહેલાં આમીર ખાનને પણ આવો જ અનુભવ થયો હતો. નરેન્દ્ર મોદીની ટીકા કરનારા પ્રકાશ રાજ નામના દક્ષિણના અભિનેતાને બોલીવૂડમાં કામ આપવામાં આવતું નથી.

પણ આમ હિંદુ અત્યારે જે પ્રમાણમાં અને જેટલી આક્રમકતા સાથે અઘોષિત ઈમરજન્સી અને ફાસીવાદી રાજકારણના વિરોધમાં બહાર આવ્યો છે, એ જોઇને જગત આખું મોઢામાં આંગળા નાખી ગયું છે. આ ભારત છે અને ભારતમાં જેનો કોઈ સ્વાર્થ નથી હોતો એવા સામાન્ય લોકો પરિસ્થિતિ સંભાળી લે છે. સ્થાપિત હિતો ધરાવનારાઓ વેચાઈ જાય, પણ સામાન્ય માણસને ખરીદી શકાતો નથી. તેનો વિવેક સાબૂત રહે છે અને મોકો મળ્યે ઘા મારે છે. ૧૯૭૫માં પણ આવું જ બન્યું હતું. ૧૯૭૫માં ઇન્દિરા ગાંધીએ ઈમરજન્સી લાદી ત્યારે ચરમબંધીઓ ડરી ગયા હતા અને કેટલાક તો ભાટાઈ કરવા લાગ્યા હતા, પરંતુ અદના ભારતીયે લોકતંત્રને બચાવી લીધું હતું. ભારતની રક્ષા સામાન્ય નાગરિક કરે છે, બાકી મોટેરાંઓ માટી પગાં હોય છે, એ આ વખતે ભારતમાં બીજી વખત સાબિત થઈ રહ્યું છે.

ઇમરાન ખાને પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈતો હતો કે આવું પાકિસ્તાનમાં કેમ નહીં બન્યું? શા માટે પાકિસ્તાનની બંધારણસભામાં પાકિસ્તાનના સ્થાપક મહમ્મદ અલી જિન્નાહનો પાકિસ્તાનના સ્વરૂપ વિષેનો ઠરાવ (ઓબ્જેક્ટિવ રેઝોલ્યુશન) પસાર ન થઈ શક્યો? શા માટે ખુદાના સાર્વભૌમત્વનો સ્વીકાર કરીને ઇસ્લામિક રાજ્યની દિશા પકડવામાં આવી હતી? જિન્નાહ સેક્યુલર પાકિસ્તાનની રચના કરવા માંગતા હતા. શા માટે મહમ્મદ અલી જિન્નાહને પાકિસ્તાનની સ્થાપના પછીની પહેલી અને છેલ્લી ઢાકા મુલાકાત વખતે બંગાળી ભાષાનો આગ્રહ રાખનારા બંગાળી વિદ્યાર્થીઓના દેખાવોનો સામનો કરવો પડ્યો હતો? શા માટે પૂર્વ પાકિસ્તાન અલગ થઈ ગયું? શા માટે પાકિસ્તાનમાંથી હિદુ લઘુમતી કોમે ઉચાળા ભરવા પડ્યા? ટકાવારીમાં ભારતમાં આજે જેટલા મુસલમાનો છે એનાં પાંચમાં ભાગના હિંદુઓ પણ પાકિસ્તાનમાં નથી. અને સૌથી મહત્ત્વનો સવાલ : શા માટે પાકિસ્તાનનો નાગરિક સમાજ દેશના થઈ રહેલા ઇસ્લામીકરણના વિરોધમાં રસ્તા પર ઊતરી ન આવ્યો જે રીતે અદના હિંદુઓ ભારતનાં થઈ રહેલા હિંદુકરણનો વિરોધ કરી રહ્યો છે.

આનાં બે મુખ્ય કારણો છે. એક તો એ કે હિન્દુ ધર્મ ઉદારમતવાદી છે અને અદનો હિંદુ એક હદે કોમવાદી થયા પછી પોતે જ શરમ અનુભવવા લાગે છે. બીજું કારણ એ છે કે ગાંધીજીના નેતૃત્વમાં અને એ પહેલાં પણ સ્વતંત્ર ભારતનાં સ્વરૂપ વિષે સાંગોપાંગ ચર્ચા થઈ હતી અને એમાંથી સર્વસંમતિ બની હતી. એક સદી લાંબી ચર્ચાના પરિપાકરૂપે આધુનિક ભારતની રચના થઈ હતી. ભારતીય બંધારણ અને અત્યારે જે ભારતીય રાજ્ય છે એ ઉપરથી લાદવામાં નહોતાં આવ્યાં. ઇમરાન ખાને અવિભાજિત ભારતનાં, અવિભાજિત પાકિસ્તાનના અને એ પછીના વિભાજિત પાકિસ્તાનના ઇતિહાસનો અભ્યાસ કરવાની જરૂર છે.

છેલ્લે, ઇમરાન ખાનની પોતાની વાત. તેઓ પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભાની ચૂંટણી લડતા હતા ત્યારે ચૂંટણી પ્રચાર દરમ્યાન પાકિસ્તાનના કુખ્યાત ઈશ્વરનિંદા(બ્લેસફમી)ના કાયદાને રદ્દ કરવામાં આવે કે તેને હળવો કરવામાં આવે તેનો વિરોધ કર્યો હતો. એને ઇસ્લામ વિરોધી પ્રવૃત્તિ ગણાવી હતી. આ કાયદો લઘુમતી કોમ વિરોધી છે અને તેનો લઘુમતી કોમની જમીન જાયદાદ પડાવી લેવા દુરુપયોગ કરવામાં આવે છે. ગયા ઓક્ટોબર મહિનામાં ૫૪ વરસની ખ્રિસ્તી મહિલા આસિયા બીબીને સર્વોચ્ચ અદાલતે ઇસ્લામના પયગંબરની નિંદા કરવાના કાયદામાં નિર્દોષ છોડી મૂકી ત્યારે પાકિસ્તાનમાં તોફાનો થયાં હતા. ઇમરાન ખાને તોફાનોની નિંદા કરીને આસિયા બીબીને રાહત આપી હતી, પરંતુ એ સાથે જ ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં રિવ્યુ પિટિશન કરવામાં આવશે એમ પણ કહ્યું હતું. વિદેશમાં આશરો મેળવવા ઈચ્છતી આસિયા બીબીને વિદેશ જવા દેવામાં નહીં આવે એમ પણ કહ્યું હતું. બ્લેસફમીના ચુકાદામાં રિવ્યુ પિટિશન શા માટે? એનો અર્થ એ થયો કે સરકારને લઘુમતી કોમને ન્યાય આપનારો ચુકાદો સ્વીકાર્ય નથી, જે રીતે ભારત સરકારને સ્ત્રીઓને ન્યાય આપનારો સબરીમાલાનો ચુકાદો સ્વીકાર્ય નથી.

આવું હશે ઇમરાન ખાનનું નવું પાકિસ્તાન?

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 28 ડિસેમ્બર 2018

Loading

…. ને હું રહી ગઈ કુમારી

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|27 December 2018

હૈયાને દરબાર

જૂની ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ મહદ્દ અંશે વિનયકાંત દ્વિવેદી, રાજશેખર બ્રહ્મભટ્ટ કે રાજેન બ્રહ્મભટ્ટ જેવા નાટ્ય પરિવાર સાથે સંકળાયેલી વ્યક્તિઓ પાસેથી મળી શકે અથવા તો સરિતા જોશી, મીનળ પટેલ, મહેશ્વરી જેવાં કલાકારો કે કોઈ ઇતિહાસવિદ્દ પાસેથી ઉપલબ્ધ થાય, પરંતુ, જૂની પારસી રંગભૂમિની વિગતો ક્યાંથી મેળવવી એ દ્વિધા હતી. એવામાં નાટ્ય કલાકાર કમલેશ મોતાએ મણિ મુલ્લાનું નામ યાદ કર્યું, અને તરત મેં એમનો સંપર્ક સાધ્યો. એ પેઢીમાંથી ગણ્યાગાંઠ્યાં નામો હજુ સક્રિય છે, જેમાંથી આદરણીય યઝદી કરંજિયા પાસેથી ઘણી રસપ્રદ વાતો આપણે ગતાંકમાં જાણી હતી. જો કે, ગતાંકમાં જે ફોટોગ્રાફમાં યઝદીભાઈનું નામ મુકાયું હતું એ સરતચૂકથી મુકાયું હતું. એ ફોટોગ્રાફ પારસી રંગભૂમિનાં અન્ય કલાકારો બિનાઈફર અને નવરોઝ દાબૂનો હતો. યઝદી કરંજિયાના વિશિષ્ટ પ્રદાનને ધ્યાનમાં લઇ આ લેખ સાથે યઝદીભાઈના નાટકનો ફોટો મૂક્યો છે જેથી એ વિશે કોઈ વાચકને મૂંઝવણ ન રહે.

આજે યઝદીભાઈ જેવા જ એક ઉત્સાહી પારસી મહિલા મણિ મુલ્લા તેમના અનુભવો આપણી સાથે વહેંચવાનાં છે. આખી દુનિયા જે દિવસ ઊજવે છે એ ૩૧ ડિસેમ્બરે ૮૦મા વર્ષમાં પ્રવેશનાર વરિષ્ઠ કલાકાર મણિબહેન કેટલો ઇતિહાસ ઉખેળી શકશે, એ સંશય સાથે એમને ફોન લગાડ્યો. સ્પષ્ટ ઉચ્ચારો ધરાવતો મીઠો રણકાદાર અવાજ અને અસ્ખલિત વાણી સાંભળી અને હું આભી જ બની ગઈ હતી. ૮૦ વર્ષે યુવાનીનો તરવરાટ એમનાં અવાજમાં વર્તાતો હતો. ખૂબ વિગતવાર એમણે એ વખતની પારસી રંગભૂમિ અને એની સાથે સંકળાયેલા નાટ્યકારો-સંગીતકારોની બહુ રસપ્રદ વાતો કરી.

"સાત વર્ષની કુમળી વયે મેં મારો પહેલો પર્ફોર્મન્સ આપ્યો હતો. એ વખતે હું મુંબઈની ગામડિયા ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણતી હતી. બહુ મોટી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈની બધી પારસી સ્કૂલની છોકરીઓએ એમાં ભાગ લીધો હતો. એ જમાનામાં દક્ષિણ મુંબઈના એક્સલશિયર, કેપિટલ થિયેટરોમાં આવી બધી હરીફાઈ યોજાય. સ્કૂલમાં મોટી છોકરીઓની પ્રેક્ટિસ ચાલે અને અમને નાનાંને બેસાડી રાખવામાં આવે. મને થયું કે ગાયનસ્પર્ધામાં હું કેમ ભાગ ના લઉં? એટલે નાની હોવા છતાં આગેવાની લઈને પ્રિન્સિપાલ પાસે મોરચો લઈ ગઈ. પ્રિન્સિપાલ એન્જિનિયરે એક શરતે અમને સ્પર્ધામાં ભાગ લેવા મંજૂરી આપી કે તમારે ભાગ લેવો હોય તો લો પણ ઈનામ લાવવું પડશે. મેં કહ્યું, ભલે, લાવીશું.

સંગીત-નૃત્યનાં અમારા ગુરુ હતાં મિસ લાકડાવાલા. એમણે અમને એક પારસી ગરબો શિખવાડ્યો; વડલાની છાયે હીંચકો બાંધ્યો રે મારા નંદાના લાલ, હીંચકા પર સાસુ બેઠાં મારાં, નંદાના લાલ …! આ ગરબો અમે એવો સરસ તૈયાર કર્યો કે ફર્સ્ટ પ્રાઈઝ લઈ આવ્યાં. તેથી મને મારાં મમ્મી-પપ્પા અને શાળા તરફથી પ્રોત્સાહન મળવા માંડ્યું. એ વખતે ફ્રેની કામા, ફિરોઝા દસ્તૂર વગેરેએ ભેગાં મળીને ‘ગાયન ઉત્તેજક મંડળી’ની સ્થાપના કરી હતી. પારસીઓનું એક પ્રોગ્રેસિવ ગ્રુપ પણ હતું જે લોકો ઘણી સ્પર્ધાનું આયોજન કરતા. આમ છતાં, પારસી સમાજમાં નાચવા-ગાવા પ્રત્યે અણગમો હતો. રૂઢિચુસ્ત સમાજ હતો. પરંતુ, ૧૯૬૯માં હાઇ કોર્ટના જજ ગિબ્સના નેતૃત્વ હેઠળ ‘ફિલ હાર્મોનિક સોસાયટી’ની સ્થાપના થઈ. જો કે આ સંસ્થા અંગ્રેજી મ્યુઝિકને જ પ્રોત્સાહન આપતી હતી. તેથી વિષ્ણુનારાયણ ભાતખંડેના શિષ્ય કેખશરૂ કાબરાજીને વિચાર આવ્યો કે ભારતીય સંગીતની સ્થાપના અને પ્રચાર કેમ નહીં કરવાનાં? એમના મિત્રો સોરાબજી બંગાલી, દાદાભાઈ નવરોજી, ફરામજી ભરૂચા, દિનશા પિટીટ ઇત્યાદિએ ભેગાં મળીને ગાયન ઉત્તેજક મંડળીની સ્થાપના કરી. આ મંડળી દ્વારા ધ્રુપદ-ધમાર, ખ્યાલ, હોરી, ચૈતી જેવા પ્રકારોના શાસ્ત્રીય સંગીતના વર્ગો શરૂ થવા લાગ્યા. એમ કરીને પારસીઓ ફક્ત અંગ્રેજી ગાયનોને બદલે શાસ્ત્રીય સંગીત શીખવા તરફ વળ્યા. મેં પણ સંગીત-નૃત્યની તાલીમ લેવા માંડી હતી. અમારું કુટુંબ પંથકી પરિવાર ગણાય. મારાં મમ્મી-પપ્પાને પણ સંગીતનો ઘણો શોખ હતો. એ વખતે ચાવીવાળા ગ્રામોફોનનો જમાનો હતો. મારાં મમ્મીને જુથિકા રોયનાં ગીતો ખૂબ ગમે. રેડિયો પર એમનાં જ ગીતો સાંભળે. રેડિયો પરથી એ વખતે રેકોર્ડના નંબર પણ અનાઉન્સ થતાં હતાં, તેથી પપ્પા એમને ગમતાં નંબરની રેકોર્ડ લઈ આવે ત્યારબાદ લગભગ ૧૯૮૧-૮૨માં મંડળીને સમેટી લઈને એની બધી વસ્તુઓ મરાઠી રંગમંચના મશહૂર કલાકાર અને સંગીતકાર સુધીર ફડકેને સોંપી દઇને ગાયન ઉત્તેજક મંડળીએ છેલ્લા શ્વાસ લીધા હતા.

આ જ સંસ્થાના સભ્ય રહી ચૂકેલા પં. કેકી જીજીનાએ ‘સ્વર સાધના સમિતિ’ના નવા નામે સંગીત સંસ્થા સ્થાપી જેમાં એમનાં શિષ્ય અને ભારતના સૌપ્રથમ મહિલા તબલાંવાદક આબાન મિસ્ત્રીએ છેવટ સુધી સહયોગ આપ્યો હતો. આ બંનેનાં મૃત્યુ પછી રૂપા સેઠના હજુ પણ આ પ્રવૃત્તિમાં કાર્યરત છે.

આનંદ અને આશ્ચર્યની વાત એ પણ છે કે મણિ મુલ્લા આપણા સુગમ સંગીતના સૌથી મોટા પ્રસારક પદ્મશ્રી અવિનાશ વ્યાસનાં શિષ્યા રહી ચૂક્યાં છે. ઑલ ઇન્ડિયા રેડિયોના એ વખતે મરીન લાઇન્સ પર આવેલા સ્ટુડિયોમાં મણિ મુલ્લા ગાવા જતાં હતાં. દસ મિનિટ ગાવાના દસ રૂપિયા મળે, એ ય પાછા ચેકમાં. એટલે નાની ઉમ્મરે એમનું બૅંક ખાતું પણ ખૂલી ગયું હતું. એક વાર એમણે ઑલ ઇન્ડિયા ટેલેન્ટ કોમ્પિટિશનમાં ભાગ લીધો જેમાં નૌશાદ સહિત ઘણા મોટા સંગીતકારો સામે ગાવાની તક મળી હતી. તેઓ ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચ્યા હતાં. એ સ્પર્ધા મેટ્રો થિયેટરમાં યોજાઈ હતી.

"અવિનાશ વ્યાસે પણ મને આવી જ રીતે સાંભળી હતી. ત્યારથી હું એમના કેમ્પ્સ કોર્નર પર આવેલા પાનગલીના ઘરમાં સંગીત શીખવા જતી હતી. આમ મારી શરૂઆત પહેલાં સંગીત પછી નૃત્ય અને છેલ્લે ડ્રામેટિકસમાં થઈ. મેં ગુજરાતી થિયેટરના અરવિંદ ત્રિવેદી, મૂળરાજ રાજડા, ચાંપશીભાઈ, પ્રાગજીભાઈ સાથે પણ કામ કર્યું છે. અવિનાશ વ્યાસ, નિનુ મઝુમદાર જેવા સંગીતકારો પાસે શીખવાની તક મળી છે. બાળનાટ્ય ક્ષેત્રે નક્કર યોગદાન આપનાર વનલતા મહેતા સાથે તો ખૂબ અંગત સંબંધ બંધાઈ ગયો હતો જે છેવટ સુધી કાયમ હતો. તેમ જ પારસી રંગભૂમિના સાયરસ દસ્તૂર સાથે ઘણાં નાટકોમાં કામ કર્યું છે. નાટકમાં એમને મણિ આન્ટી વગર ચાલે નહીં.

મણિ મુલ્લાએ પારસી નાટકો ઉપરાંત ‘વેક અપ સિદ’ સહિત કેટલીક હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે. પારસી નાટકોમાં સૌથી વધારે હાસ્યરસ દેખાય. પ્રેમરસ, શિખામણ અને ટકોર પણ હોય. પિરોજશા મિસ્ત્રી અને પીઠાવાલા જાણીતા ગાયકો હતા. મિયા હિન્દુસ્તાની ને બીવી અપટુડેટ … જેવા એક ગીતમાં તો કથકના બોલ પણ સમાવેલા. એની રેકોર્ડ બહાર પડી હતી. જૂનાં નાટકોમાં રામલાનું પાત્ર બહુ ધ્યાન ખેંચતું હતું. સવા કો માઈલો, હું તો કંટાલ્યો, દામડીના દામ ને ઢગલો કામ … જેવાં ગીતો લોકપ્રિય થતાં. પારસી નાટકોમાં જસી માપલા-ગોરિયાની જોડી ખૂબ ધૂમ મચાવતી. આમ, એ જમાનો હસી-ખુશીનાં મજેદાર નાટકોનો હતો. આજે ય જો કે પારસી નાટકોમાં રમૂજવૃત્તિ જ વધારે જોવા મળે છે. આજનું ગીત પારસી-ગુજરાતીઓમાં ખૂબ લોકપ્રિય છે. કેટલીક રેકોર્ડમાં પણ લેવાયું છે ને મણિ મુલ્લાએ ગાયું છે. સાંભળીને મજા લેજો.

—————————

મારા પપ્પાની છે મોટરગાડી,
મારાં મમ્માની છે ફૂલવાડી
મારા બાવાની છે ઘોડાગાડી,
તો બી હું રહી ગઈ કુમારી

મારા મામા મામલતદાર જેવા,
મારા ફૂઆ છે ફોજદાર જેવા
મારા કાકા કલેકટર જેવા
તો બી છું હજુન કુમારી

હું અપટુડેટ ફેશનેબલ નારી,
ઘેરમાં પહેરુંચ જ્યોરજેટની સાડી
મારો ભપકો છે ઘણો ભારી,
તો બી છું હજુન કુમારી

મારી હિરની જેવી ચાલ છે,
મારા રેશમી જેવા બાલ છે,
મારા ગુલાબ જેવા ગાલ છે,
તો બી છું હજુન કુમારી

હું નાટક સિનેમામાં જાઉં છું,
હોટલ હેરિટેજમાં ભોનુ ખાઉં છું,
બોલરૂમમાં ડાન્સિંગ મેડલ લાઉં છું,
તો બી છું હજુન કુમારી,

સ્વભાવે છે હું ઘની ભોલી,
મને ગમતો સાકરબાઈનો સોલી,
એને પન્ની ગઈ સાંબેની ડોલી
ને હું રહી ગઈ કુમારી

————————-

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 27 ડિસેમ્બર 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=45602

Loading

નગીનદાસ, તમે સાંભળો છો ? તમે અમને ખૂબ સાંભરો છો …

અંકિત દેસાઈ|Profile|27 December 2018

દાદાને ગયાને આજે સાત વર્ષ પૂરાં થયાં, અને સાત વર્ષમાં દાદા ખૂબ યાદ આવતા રહ્યા. આ સાત વર્ષોમાં ફરક એટલો પડ્યો કે, પહેલાં દાદા અમને ઘણી વાર્તાઓ કરતા, અને હવે, અમે અમારા નાનકાઓને દાદાની વાર્તાઓ કરીએ છીએ. અમારાં જીવનમાં એ વાર્તાઓ પણ અકબંધ છે અને દાદા પણ!

અમારા ઘરમાં અમારી બા અત્યંત પ્રભાવક વ્યક્તિ, એટલે બાના વ્યક્તિત્વની નીચે દાદા હંમેશાં કચડાતા રહ્યા. એમ કહી શકાય કે દાદા અંડરરેટેડ રહ્યા … પણ દાદાએ એ બાબતે ન તો ક્યારે ય ફરિયાદો કરી કે નહીં એમણે પોતાનું પ્રભુત્વ જમાવવાનો પ્રયત્ન કર્યો. એવું અનેક વખત બન્યું છે કે, અમારા પાંચ ભાઈ-બહેનોમાંથી કોઈએ કોક વખત દાદા પ્રત્યે વધુ સ્નેહ દાખવ્યો હોય કે એમની તરફદારી કરી હોય તો બા વિરોધ નોંધાવે કે, 'તમને દેહું તમારા બપાવા વતી બો લાગી આવતું ..' પણ જો અમે બધા મોટેભાગે બા તરફી હોઈએ ત્યારે દાદા ક્યારે ય એવો વિરોધ નહીં નોંધાવે. કદાચ એટલે જ અમે બધા 'બાવાદીઓ' હોવા છતાં અમારા બાળપણની શ્રેષ્ઠ યાદો દાદા સાથે સંકળાયેલી છે.

તસવીરમાં ઊભી છે એ હીરલ દેસાઈ, દાદાના ખોળામાં હું અને બાના ખોળામાં કેયૂર દેસાઈ

દાદા સાથે વીતાવેલો શ્રેષ્ઠ સમય એટલે અમારા ઉનાળું વેકેશનો. ઉનાળા માટે ડોસો ખાસ પાટીવાળી એક ખાટલી ઓટલા પર રાખી મૂકતો. અને સાંજે કેરીના રસ સાથે કાંદા-કાકડીના પૂડા અથવા વડા કે ઢોકળાં ઝાપટીને ચોકમાં ખાટલી ઊતારી પાડતો. દાદા ચોકમાં આડા પડે એટલે અમે બધા પણ એમની આસપાસ જ્યાં મેળ પડે ત્યાં ગોઠવાઈએ અને દાદા પાસે, 'દાદા કોઈ જૂની વાતો કરો …'ની ફરમાઈશ કરીએ. ફરમાઈશને માન આપી એક તરફ દાદા કોઈ વાતની શરૂઆત કરે અને સાથે સભાપતિ મહોદય અમારી બા એની એક્સ્ટ્રા કમેન્ટરી શરૂ કરે. ઇન્દિરા ગાંધીથી લઈ મોરારજી દેસાઈ અને વર્ષો પહેલાં મરી ગયેલા અમારા કોઈ મારકણા બલ(બળદ)થી લઈ ગામમાં આવેલાં પૂર સુધીની વાતો આભની નીચે સૂતા સૂતા થતી રહે. દાદાના બાપુજીએ સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપેલું, એટલે એમના બાપાની વાતો કરતી વખતે કે મોરારજીની વાતો કરતી વખતે એમનું ગળું ભીનું થઈ જાય. અને આ બધામાં ક્યારેક ડોસો પોતે ઉપજાવી કાઢેલી ખોટી વાતો પણ કરી નાંખે એટલે બા દાદાને ટોકી કાઢે, 'કાય હારો પોયરાએ હો જૂઠું બોલ્યા કરે … હારો જૂઠ્ઠો તદન ….'

બા અને દાદાની કોઈ વાતે કચકચ થાય તો અમે પાંચ બંને પક્ષે વહેંચાઈ જઈએ અને બંને પક્ષે ઘાસતેલ છાંટીએ. બાનું મગજ જાય એટલે ગાળો સાથે ધાણીફૂટ વાક્યોપ્રયોગો થતાં રહે અને સામે છેડે દાદા માત્ર ‘ઉંમમમમમ’ જેવો ઊંહકારો કરીને કે ‘હા રે હા ભાઈ…’માં જવાબ આપે. બા-દાદાની લડાઈમાં મજા એ વાતની આવે કે, બા જે વાતને સવાલ કે આક્ષેપરૂપે રજૂ કરે એ જ વાતને દાદા જવાબમાં રજૂ કરે. એક-બે ઉદાહરણો જોઈએ તોઃ

‘કોણ જાણે મૂઓ કાંથી મારે કપાળે ચોટેલો?’ બાનો સવાલ.

‘હા રે હા ભાઈ, ઉં તારે કપાળે ચોટેલો …’ દાદાનો જવાબ.

‘આ મૂઆ હાથે તો મેં જ જિંદગી કાયળી …’ બાનો આરોપ.

‘હા રે હા ભાઈ, તેં જ મારી હાથે જિંદગી કાયળી …’ દાદાનો જવાબ.

જો કે આટલી બધી લડાઈઓ અને એકબીજાંના સ્વભાવમાં અત્યંત વિરોધાભાસ હોવા છતાં એ બંનેનો એકબીજાં પ્રત્યેનો પ્રેમ અને આદર અત્યંત ઊંડો અને ઉત્કટ. બાનો એ અફર નિયમ કે, એ ભલે દાદાને કંઈ પણ કહે, પરંતુ અમારામાંથી જો કોઈએ ડોસા સાથે ઉદ્ધતાઈથી વાત કરી તો બા એની છાલ ઉતરડી નાંખે.

દુનિયાદારીના સામાન્ય નિયમો દાદાએ ક્યારે ય નહીં પાળ્યા. સંગ્રહ કરી લ્યો કે નાનાંમોટા સ્વાર્થને ખાતર સ્વજનોનો દગો કરો કે સાવ તુચ્છ વાતો માટે ઓટલે બેસીને કાવતરા કરતા રહો જેવા અનાવલા સ્વભાવથી દાદા હંમેશાં છેટાં રહ્યા. વાડી કે રસ્તાના અનેક કાગળિયા માત્ર દાદાને નામે હતા, પણ કોઈની એવી તાકાત સુદ્ધાં નથી કે, એવો આક્ષેપ પણ કરે કે, મારા દાદાએ કોઈના હકનું ખાધું હોય! સારા અને નિરુઉપદ્રવી માણસને દુનિયા નબળો માણસ જાહેર કરતી હોય છે એ હું મારા દાદાના ઉદાહરણ પરથી જ શીખ્યો છું!

જીવનભર મારા ડોસા માટે એ ભલો અને સિઝન પ્રમાણેનો એનો ખોરાક ભલો રહ્યો. શિયાળો ચાલુ થાય એટલે ડોસાને વડી, ખીચું પાપડી, ઉબાિળયું કે ઊંધિયું જોઈએ. ડિસેમ્બરમાં લાલ વાલની પાપડી સો રૂપિયા કિલો હોય ત્યારથી ખાવાનું શરૂ કરે તે છેક માર્ચ મહિના સુધી એ ખાય. માર્ચ બેસે ત્યારથી કેરીની ચટણી ખાવાની શરૂ, અને મે-જૂનના મહિનાઓમાં કેરી અને રસની રમઝટ જમાવે. ઉનાળામાં મળસકે પાંચ વાગ્યે ઊઠીને કેરી ખાનારો દુનિયામાં નહીં જડે, પણ મારા દાદાનો અનાવલો જીવ મળસકે ય લહેરથી કેરી ખાઈ જાણે! તો ચોમાસું જાત-જાતની ભાજીઓ, પાનકી અને પાતરાથી વીતે. અધૂરામાં પૂરું અનાવલી વાનગીઓ પર બાની પણ હથોટી એટલે ડોસો સિઝન સિઝને બજારમાંથી બધું લેતો આવે અને બા બબડતી બબડતી બનાવી આપે. કોઈક વાર બા નનૈયો ભણી દે તો દાદા અમને ડિપ્લોમેટ તરીકે બા પાસે મોકલે અને ખાવા બાબતે અમારી કોઈ ફરમાઈશ હોય એટલે બા હોંશેહોંશે બનાવે.

દાદાએ અમને પ્રત્યક્ષરૂપે એવું ક્યારે ય નથી કહ્યું પણ એમના જીવન પરથી હું એટલું શીખ્યો છું કે, જીવનમાં અમુક ગણતરી ક્યારે ય નહીં કરવી અને હંમેશાં ગમતું જ કરવું.

બાને હંમેશાં એવી ઈચ્છા હતી કે, દાદા પહેલાં મૃત્યુ પામે અને એ પછી જાય. મજાક મજાકમાં તે એવું પણ કહેતી કે, ‘મને એવી ઈચ્છા છે કે, દાદા જાય ત્યારે તમે ચોતરા પરથી રડતા આવે અને મને ભેટી પડે …’ દાદા એની પેટર્ન સ્ટાઇલમાં જવાબ પણ આપતા કે, ‘હા રે હા ભાઈ હું પેલા જાવા … પછી તું મજા કરજે…’

જો કે 2009મા દાદા પડી ગયા અને થાપાનું હાડકું ખસી ગયું, ત્યારથી એમને ખાટલો આવ્યો અને મહિનાઓ સુધી તેઓ ચાલી નહીં શક્યા. દાદાની ચાકરીમાં બા ધીમે ધીમે તવાઈ ગઈ અને માંદી પડી ગઈ. એક સવારે એ અમને અલવિદા કહીને નીકળી પણ ગઈ અને અમે ચોતરાએથી પોક મૂકતા દાદાને બાઝી પડ્યા. આંખ મીંચીને સૂતેલી બાને ફરિયાદ કરેલી કે, ‘અમારા અપંગ દાદાને મૂકીને કેમ ચાલતી થઈ? હવે અમારા દાદાનું કોણ?’

એ માંદી હતી ત્યારે એણે કીધેલું પણ કે, ‘આ મૂઓ મને ઉપર પણ ઠરવા દેવાનો નથી.’ બાને ત્યારે ય ખબર હતી કે, એના વિના દાદા એક વર્ષ પણ આખું નહીં જીવી શકે. આખરે થયું પણ એવું જ. બાને ગયાને હજુ તો અગિયાર મહિના થયા હતા, ત્યાં દાદાએ પણ એમનો ડાયરો સંકેલી લીધો અને એમને ગયાને આજે પાંચ વર્ષ પૂરાં થઈ ગયાં. બા અને દાદા બંને બાબતે મને એવો વસવસો ખરો કે, બંને પાંચેક વર્ષ વધુ જીવ્યાં હોત તો લીલી-વાડી અને દેવ જેવા પાંચ નાના દીકરા (ચીકુ + દ્રવ્ય + વત્સ + અથર્વ + સ્વર)ને જોઈને ગયા હોત. એમના પાંચ બાળકોને પોતાની આવડતથી 'સ્વબળે' પોતપોતાના ક્ષેત્રોમાં આગળ વધતા જોવાનું થાત તો બંનેના જીવને ખૂબ આનંદ થાત …

જો કે મરણ જેને દૂર કરી ગયું, એ સ્વજન સ્મરણમાં હજુ ય એવું જ અકબંધ છે. આજે ય ક્યારેક સો-બસોનું છૂટું ગણવામાં ગોથું ખાઈ જવાય તો મલકી પડાય છે કે, ડોસાનો વારસો હજુ જાળવી રાખ્યો છે. કેરીગાળો શરૂ થાય ત્યારથી ડોસાની યાદ આવે છે અને રોજ એક કેરી ઈરાદાપૂર્વક વધુ ખાઉં છું કારણ કે, ડોસાને કેરી બહુ ભાવતી!

મમ્મીને ઘણી વાર ટોણા પણ મારું છું કે, પાતરાં ને પાનકી તો ૨૭ ડિસેમ્બરે ડોસાની સાથે જ ગયા કેમ? ગાંધી ટોપી અને કફની-ધોતીમાં સજ્જ કોઈ ડોસો એક હાથમાં થેલી અને બીજા હાથમાં ધોતિયાનો છેડો પકડીને ઉતાવળી ચાલે જતો હોય તો ભલભલું કામ પડતું મૂકીને એ ચહેરામાં દાદાનો ચહેરો જોવા મથું અને ઝૂરું છું કે, કાશ! આ ડોસો મારા દાદા હોત. જો કે દાદા નામનો એ ડોસો હવે એના ચહેરા પરનું સ્મિત અકબંધ રાખીને છેલ્લાં સાત વર્ષથી અમારા ઘરની દીવાલો પર તસવીર બનીને ઝૂલી રહ્યો છે અને અમારા દિલમાં પણ!

https://www.facebook.com/ankit.desai.923/posts/10205487626305958  

Loading

...102030...2,8942,8952,8962,897...2,9002,9102,920...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved