Opinion Magazine
Number of visits: 9578159
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘અર્થ’ શબ્દની ગમે તેટલી વ્યાખ્યાઓ કરીએ, જ્યૉર્જ ઑરવેલે કહેલું તે સાચું છે કે Meaning, at bottom, is about power. અર્થ, મૂળે તો, સત્તાને વિશે હોય છે

સુમન શાહ|Opinion - Opinion|29 December 2018

માતૃભાષામાં થતા રહેતા પ્રાણસભર સળવળાટ પર કે ભાષાપરક નૂતન આવિષ્કારો પર આપણું કશું ધ્યાન નથી હોતું

દીવાળી આવે એટલે પહેલાંના જમાનામાં અમારા શાહ-પરિવારોમાં ગૃહિણીઓ પાપડ મઠિયા થાપડા સેવો ખાજાપૂરી કળીના લાડુ સક્કરપારા સુંવાળી કે ઘૂઘરા બનાવે. છોકરાં ફટાકડા ફોડે. બાપદાદાઓ નફા-તોટાના હિસાબ માંડે, સરવૈયાં કાઢે. એમના જેવું દરેક ડિસેમ્બરમાં મીડિયાવાળા કરે છે. જીવનવ્યવહારનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં શું શું બન્યું તેના માંડી-ટીપીને સરવાળા કરે, સાર કાઢે, ને તેને જાહેર કરે. એથી ઝળહળતી સમાચાર-જ્યોત નાતાલની રોશનીના ચમક-ચમકારા વચ્ચે વિચારોને ઉત્તેજિત કરતી હોય છે.

દર વર્ષે આપણે ત્યાં કહેવાય છે કે ગત વર્ષનું રાજકીય પરિદૃશ્ય આવું રહ્યું કે તેવું રહ્યું. ગયા વર્ષે પર કૅપિટા ગ્રૉસ ડોમેસ્ટિક પ્રોડક્ટ આટલી હતી, આ વર્ષે આટલી થઈ. ભારતની વસતીમાં આટલા ટકાનો વધારો થયો. સ્ટૉક-માર્કેટ વૉલેટાઈલ રહ્યું કે ન રહ્યું. બૉલિવૂડે આટલી ફિલ્મો બનાવી. આ દરેક બાબતે સંશોધક પત્રકારો ઘણું ઘણું શોધી લાવતા હોય છે. સારી વાત છે. જિવાતા જીવનનાં પ્લસ-માઈનસનો ખ્યાલ આવે; જરૂરી છે.

પણ સુથારનું મન બાવળિયે હોય એમ મારા જેવા સાહિત્યવાળાઓને અવનવા શબ્દો અને શબ્દગુચ્છો પ્રગટ્યા કે કેમ એ જાણવાની ઉત્કણ્ઠા થતી હોય છે. એ માટે આ ઈન્ટરનેટના આકાશમાં આતુર નજરે ઊંચે તાકી રહેવું પડે એવું તો નથી જ નથી, પણ અરે, મને પણ એવા પ્રયોગો યાદ આવી જાય છે. ક્યારેક તો મારા તરફથીયે નવા નવા દાખલ કરી દઉં છું…જેમ કે, 'પ્રોલિફિક રાઇટર' માટે 'બહુલખુ' અને 'ઍવિડ રીડર' માટે 'બહુવાંચું' કે 'ડાયલેમા' માટે ‘શિંગડાંભીડ' …

દર વર્ષે ઑક્સફર્ડ ડિક્ષનરીમાં નવા શબ્દો ઉમેરાય છે. એક શબ્દ બ્રિટનમાં પ્રગટ્યો હતો, 'યુથક્વેક' – યુવાકમ્પ. યુવાશક્તિ વડે પ્રગટેલું રાજકીય સામાજિક પરિવર્તન તે યુથક્વેક. કહેવાય છે કે આર્થિક કટોકટી અને જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર જેવાં દૂષણો સામેનું એક માત્ર સફળ યુવા-આંદોલન સ્વાતન્ત્ર્યોત્તર ભારતના ઇતિહાસમાં ગુજરાતમાં પ્રગટેલું, ૧૯૭૪માં -નવનિર્માણ. એ યુથક્વેક પછી ગુજરાતમાં અર્થક્વેક જરૂર થયા છે.

મેરિયમ-વેબ્સ્ટરવાળા જણાવતા હોય છે કે વર્ષ દરમ્યાન એમની ડિક્ષનરીમાં લોકોએ કયા શબ્દોને વધુ વાર જોયા અને સૌથી વધુ કયો શબ્દ જોવાયો; ટકાવારી સાથે જણાવે છે. ૨૦૧૮-નો એમણે જાહેર કરેલો શબ્દ છે, 'જસ્ટિસ'. ૭૪% જોવાયો છે. જણાવે છે કે એ શબ્દ રેસિયલ જસ્ટિસ, સોશ્યલ જસ્ટિસ, ક્રિમિનલ જસ્ટિસ, વગેરે માટેની ચર્ચાઓમાં કેન્દ્રમાં હતો. હું એનો અર્થ એમ ઘટાવું કે ૨૦૧૮-ના વર્ષ દરમ્યાન મનુષ્યોનો ન્યાયને માટેનો પોકાર ઘણો તીવ્ર હતો.

આપણા જોડણીકોશમાં એવાં ઉમેરણ વરસે વરસે ભલે ન કરી શકાય પણ તેની જાહેરાતો તો કરી જ શકાય. પણ નથી થતી. કેમ કે કોઇને ખબર જ નથી કે કયા નવા શબ્દો પ્રગટ્યા છે ને ચલણી બન્યા છે. સાહિત્યજગતના અન્તરાલમાં તો ભાષા ખીલી હોય એવાં અનેક સ્થળો હોય છે, બતાવી શકાય, પણ એ શ્રમ લેવા કોઇ આગળ નથી આવતું. ટૂંકમાં, માતૃભાષામાં થતા રહેતા પ્રાણસભર સળવળાટ પર કે ભાષાપરક નૂતન આવિષ્કારો પર આપણું કશું ધ્યાન નથી હોતું.

ભાષા કઢંગી રીતભાતમાં ખીલતી રહેતી હોય એવું તો રાજકારણમાં વધારે જોવા મળે છે. ઉચ્ચ પદધારી નેતાઓ એમ સમજાવતા હોય છે કે – હે પ્રજાજનો, તમે જેને ગાળો કહો છો એને અમે એમ નથી ગણતા. વિજય માલ્યા પછી નીરવ મોદી અને આજકાલ ડાયમણ્ડ જ્વેલર મેહુલ ચૉક્સી નેશનલ ન્યૂઝ છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી આવ્યા ત્યારથી ઈન્ટરનેશનલ ન્યૂઝ છે. મેરિયમ-વેબ્સ્ટર અનુસાર, આ વરસે 'નેશનાલિઝમ' શબ્દને લોકોએ એટલો તો જોયો-તપાસ્યો હતો કે એને ૮૦૦૦% મળ્યા છે. કેમ કે ઑક્ટોબરની ૨૨ અને ૨૩ તારીખો દરમ્યાન ટૅક્સાસની રૅલિ વખતે ટ્રમ્પભાઈ ભારે વ્યંગમાં બોલેલા; કહે : તમે જાણો છો, હું કોણ છું? હું નેશનાલિસ્ટ છું; ઓકે? હું નેશનાલિસ્ટ છું. નથિન્ગ રૉન્ગ ! : આપણે જાણીએ છીએ કે 'નેશનાલિસ્ટ' પ્રયોગથી 'રાષ્ટ્રભક્ત' તો સૂચવાય જ છે પણ બીજાં રાષ્ટ્રો પર પોતાના વિચારોનું આધિપત્ય સ્થાપવા નીકળેલાને તો વગર ભૂલ્યે નેશનાલિસ્ટ કહેવાય છે ! ટ્રમ્પ સાચા ક્હૅવાય ! મને થાય છે, 'અર્થ' શબ્દની ગમે તેટલી વ્યાખ્યાઓ કરીએ, જ્યૉર્જ ઑરવેલે કહેલું તે સાચું છે કે Meaning, at bottom, is about power. અર્થ, મૂળે તો, સત્તાને વિશે હોય છે.

નસીરુદ્દીન-પરિવાર : સૌજન્ય : યુટ્યૂબ

ભારતમાં સલામતીની ચિન્તા તો ભરબજારે ધંધાપાણીમાં અને ઑફિસોમાં નોકરીઓમાં વ્યસ્ત સરેરાશ નાગરિકોને વધારે હોય છે. પોતાનાં સન્તાનો અંગે હિન્દી ફિલ્મ ફ્રૅટર્નિટીના અભયારણ્યમાં નસીરુદ્દીન શાહ જેવા લબ્ધપ્રતિષ્ઠ ઍક્ટરને સલામતીની ચિન્તા જો થઇ, તો તે સ-કારણ હોવી જોઇએ. પણ એમના એ ઉચ્ચારણને પરિણામે, 'રાષ્ટ્રપ્રેમ' 'સૅક્યુલર સ્ટેટ' 'નૉન-ઍક્ટિવ મુસ્લિમ' 'ગદ્દાર' જેવા મહત્ અર્થ ધરાવતા શબ્દો ઊછળ્યા. નસીરુદ્દીનને પાકિસ્તાન ચાલ્યા જવાની ટિકિટ મોકલવામાં આવી. પાકિસ્તાનના પ્રધાનમન્ત્રીએ 'વ્હાલ' દર્શાવ્યું. એમને નસીરુદ્દીને કહ્યું કે – તમે તમારું ઘર સંભાળો. પરન્તુ, દેશમાં અસલામતી પ્રવર્તે છે કે કેમ એ વાતનો નિર્ણય કરી શકાય એવી સ્વસ્થ ચર્ચા તો બાજુ પર જ મુકાઈ ગઈ ! 'હનુમાનજીની જાતિ' જેવો પ્રયોગ દેશમાં કદાચ પહેલી વાર પ્રગટ્યો. હનુમાનજીને 'દલિત' કે 'મુસ્લિમ' કહેવા એ વાત જ અસ્થાને છે. એમની ઓળખ તો એ છે કે તેઓ પવનના પુત્ર છે ને તેથી જાતિ વગેરે તમામ ભેદભાવોથી મુક્ત છે. ને એટલે, હનુમાનજી સૌના છે. પણ એટલું તો બિલકુલ સાચું છે, ઘણું સાચું છે, કે તેઓ અસુરોનું નિકન્દન કાઢી નાખનારા ય છે.

અંગ્રેજી 'ઍકેડેમી' પરથી બનેલો 'અકાદમી' શબ્દ ૨-૩ વર્ષથી ભારતમાં સૌથી વધુ કોઇ રાજ્યમાં વપરાયો હોય તો તે ગુજરાતમાં. એની સાથે સતત કોઇ સંસ્કૃત શબ્દ વપરાયો હોય તો તે છે, 'સ્વાયત્તતા'. પણ આજે બન્ને શબ્દોના સંકેતો ઠૅર-ના-ઠૅર છે. પ્રવર્તમાન સાહિત્યિક વાતાવરણ ડ્હૉળાયેલું છે. પોતાને વિવેકબૃહસ્પતિ સમજતા સાહિત્યકારોને એની ચિન્તા સતાવે છે કે કેમ, ખબર નથી પડતી. આવા શબ્દપ્રયોગોને મેં ઈરાદાપૂર્વક યાદ કર્યા છે. કેમ કે જમા કે ઉધાર બાજુએ ખોટી ઍન્ટ્રી નાખવાની ભૂલ કરી હોય એને પરિણામે સાચાં સરવૈયાં નથી નીકળતાં. સુધર્યા વિનાની એ ભૂલો ચૉપડામાં દબાઈને પડી રહે છે અને કડવું સત્ય એ છે કે જતે દિવસે પેઢી ઊઠી જાય છે.

કરુણ વીગત એ છે કે સમાચાર-જ્યોતને ઝળહળતી રાખવા નીકળેલા વિશ્વના ૨૫૧ પત્રકારોને આ વર્ષે જૅલમાં ધકેલવામાં આવ્યા છે. ૩૪-ને મારી નંખાયા છે – ગયા વર્ષની તુલનામાં ૮૯%નો વધારો ! ૧૯૯૨-થી ગણતાં, ભારતમાં ૪૭ પત્રકારોની હત્યા થઈ છે. આ વર્ષે, નવીન નિશ્ચલ (બિહાર) અને સુજાત બુખારી (કશ્મીર) મરાયા છે. સત્તામદાન્ધો એક જ વાત કરી રહ્યા છે – સામે પડનારાઓને ખતમ કરો ! અન્યાય અને કુકર્મોથી દૂષિત વાસ્તવિકતાઓને ખુલ્લી પાડનારાઓને જ નેસ્તનાબૂદ કરનારી આ સિતમખોરીનું શું કરીશું? આ વાતો હજી ચાલુ છે. આવતા શનિવારે …

= = =

"સાહિત્ય સાહિત્ય" : લેખ-ક્રમાંક : 225 : શનિવાર : તારીખ ૨૯ ડિસેમ્બર ૨૦૧૮

https://www.facebook.com/suman.shah.94/posts/2271241592906741

Loading

ગઝલ

દેવિકા રાહુલ ધ્રુવ|Poetry|29 December 2018

કવિતા ફૂટતી ક્યાંથી, સુહાની વાત રે’વા દો. 

નકામી માંડ રુઝાયેલ ઘાની વાત રે’વા દો.

 

ઝવેરી વેશ પ્‍હેરી વિશ્વને ઘાટે જૂઠા બેઠા,
હીરા ફેંકી, વીણે પત્થર, દીવાની વાત રે’વા દો.

 

ભર્યા ઠાલા અને પોલા, છે અર્થો શબ્દ–કોષોમાં,

પરાયા પોતીકાને જાણવાની વાત રે’વા દો.

 

જુએ સામે અરીસો લઇ, છતાં ના જાતને જોતાં,

મળે ઇશ્વર, તો શું દેખે? નકામી વાત રે’વા દો.

 

સુગંધી શ્વાસમાં સૂંઘી, ભરે અત્તરને વસ્ત્રો પર

ફૂલોની પાંદડી તોડી,પીસ્યાની વાત રે’વા દો.

 

કોઇ લાવો નવા રાજા ને રાણીની કથાવાર્તા, 
પરીઓની ખરી ખોટી, રૂપાળી વાત રે’વા દો..

 

કહ્યું છે સાચું વિજ્ઞાને હજારો વાર પૃથ્વી ગોળ,

મળે રોવાને ક્યાં એકે, ખૂણાની વાત રે’વા દો.

 

હ્યુસ્ટન

 

e.mail : ddhruva1948@yahoo.com

Loading

૨૦૧૯ : થોડાંક ઇંગિત

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 December 2018

શીત લહર અને રાજકીય ગરમીના સંમિશ્ર માહોલમાં ૨૦૧૯માં પ્રવેશતાં કિયું ચિત્ર સામે આવે છે? તમે કદાચ કહી શકો કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને સવિશેષ તો છતીસગઢનાં વિધાનસભા પરિણામો પછી કૉંગ્રેસને રાષ્ટ્રીય સ્તરે પુનઃ પ્રતિષ્ઠાની આશા એક અંતરાલ પછી વરતાવા લાગી છે. ઉલટ પક્ષે, તમે જોઈ પણ શકો છો કે ભા.જ.પ.ને લોકસભામાં મે ૨૦૧૯માં સુવાંગ બહુમતી ન મળે એ સંજોગોમાં બીજાઓને સ્વીકાર્ય વૈકલ્પિક નેતૃત્વ માટે નાગપુરે કવાયત ચાલુ કરી દીધી છે.

નહીં કે આ પ્રવાહો અને પરિબળોની ચર્ચા અસ્થાને છે. પણ નાગરિક છેડેથી જોતાં પરિવર્તન ભણીની આશાલેરખી છતાં મુખ્ય નિસબતમુદ્દો ખરું જોતાં એ છે કે સ્વરાજના સાત સાત દાયકા વટી ગયા પછી આપણી અમૂઝણ ધોરણસરની રાજકીય સંસ્કૃતિનું જે ટાંચું પડેલું છે તે વાતે છે. નેહરુશાસ્ત્રી પછી જે આગળનો ટપ્પો હાંસલ કરવાનો હતો એને બદલે કેમ જાણે કંઈક પાછળ પડવા જેવું બાંગલા ફતેહકલગી છતાં ઇંદિરાજીના નેતૃત્વમાં વરતાવા લાગ્યું હતું, અને જયપ્રકાશ જેવાઓની ચિંતા કટોકટીરાજ સાથે ભેંકારપણે સાચી પડી હતી. જનતા રાજ્યારોહણ પછી લોકશાહી પુનઃ સ્થાપન એ ઠીક પથસંસ્કરણ હતું, પરંતુ સંપૂર્ણ ક્રાંતિના ધ્રુવતારક સામે આશાની પછડાટનો જ નહીં ખુદ દૈનંદિન રાજકારણનાં શીલ અને શૈલીનો સવાલ ત્યારે અને ત્યાર પછી ઢેકો કાઢતો રહ્યો છે. વિશ્વનાથ પ્રતાપ સિંહનો ઉદય કે અટલ બિહારી વાજપેયીનો કાર્યકાળ જો કંઈક આશાએશ સંપડાવનારાં રહ્યાં તો નરસિંહ રાવ – મનોમોહન સિંહનાં પોતપોતાનાં યોગદાન પણ અંશતઃ સમો સાચવી લેનારાં રહ્યાં. વિખંડિત જનાદેશ અને ટૂંકજીવી સરકારોના દોર વચ્ચે આ બધાં વર્ષો સહ્ય અને નિર્વાહ્ય અનુભવોની અધવચ્ચ એક પ્રજા તરીકે આપણે રોડવી તો શક્યાં, પણ સુશાસનપૂર્વકની રાજકીય સંસ્કૃતિ હજી સુધી તો છેટેની છેટે છે.

ગમે તેમ પણ, જસદણની ઘણુંખરું તો કુંવરજીની પક્ષનિરપેક્ષ સ્વીકૃતિવશ ફતેહ ભલે ગુજરાત ભા.જ.પ.ને સારુ ભર શીત-લહરે તાપણા શી બની રહી હોય અને ભ્રષ્ટાચારના સરકારમાન્ય બુમાટા છતાં હમણે મળી ગયેલ રાષ્ટ્રીય મહિલા મોરચાથી માંડીને આ લખાઈ રહ્યું છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય અધિવેશન સહિતની વૉર્મિંગ અપ હિલચાલ ખેડૂતોને માફી સરખી જુગલબંધી સાથે મુખ્યમંત્રી રૂપાણીને પોતાના નામ સાથે મેળનો અનુભવ કરાવતી હોય …

… પણ વાસ્તવિકતા એ છે કે રાજ્ય વિધાનસભા વખતની ચૂંટણીહાંફમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છતીસગઢનાં પરિણામોનો આગોતરો સંકેત પડેલો હતો. અને રાષ્ટ્રીય સ્તરે એ ચિત્ર આજની તારીખે પણ યથાવત્‌ છે. આ સંદર્ભમાં જોઈએ તો જસદણ જરૂર એક અપવાદરૂપ ઘટના છે, પણ એને હમણાં તો નિયમસિધ્ધકર અપવાદરૂપે જ ઘટાવવી રહે છે. વાસ્તવિકતા એ પણ છે કે રાજ્યે રાજ્યે ભાજપભિલ્લુઓ લોકસભા ચૂંટણી માટેની બેઠક ફાળવણીમાં ૨૦૧૪માં થયેલી વહેંચણીથી વધુ હિસ્સો માગી રહ્યા છે. ઉત્તર પ્રદેશનાં ભાજપી સાંસદ સાવિત્રી ફૂલેના ઉદ્‌ગારમારાને ધારો કે સ્થાનિક સંદર્ભમાં ચાના કપ માંહેલા તોફાન તરીકે છોડી દઈએ, પણ પૂર્વ પક્ષપ્રમુખ અને સંઘશ્રેષ્ઠીઓના ચહેતા ગડકરીની આ દિવસોની ગુગલી લીલા એટલી સહેલાઈથી પડતી મૂકી શકાય એવી તો નથી સ્તો. એમાં પણ એમણે હમણાં જે એક વિધાન કર્યું કે આર્ટિફિશિયલ માર્કેટિંગ પોતાને ઠેકાણે ઠીક હોય તો પણ એથી આપણે દરેક બાબતમાં વિદ્વાન ઠરતા નથી તે વિચારણીય છે. અરુણ શૌરીની માર્મિક નુક્તેચીની મુજબ દેશમાં અઢી માણસ હસ્તક સમેટાઈ ગયેલી નિર્ણય-અને-શાસન-પ્રક્રિયામાં સૌથી વડા માથા બાબતે વિદ્વત્તાના વહેમની અસંદિગ્ધ આલોચના ઉક્ત ગડકરીઝમમાં ખસૂસ છે.

મે ૨૦૧૪માં જેણે કદાચ કશું ખોવાનું નહોતું તે પક્ષ બીજી વાર પરવાનો તાજો થાય એ પહેલાં જ આમ અસ્તિત્વની લડાઈમાં મુકાઈ ગયો છે ત્યારે એક ગાળા પછી પોતાને સત્તાસમીપ સમજવા લાગેલ કૉંગ્રેસ કૅમ્પનું ચિત્ર કેવુંક છે? ખેડૂતોની દેવાનાબૂદી સાથે છાકો પાડી દેતી પહેલ બાદ હમણેના દિવસોમાં કૉંગ્રેસનું સર્વાધિક સરાહનીય પગલું છતીસગઢમાં સરકારે અધિગ્રહિત કરી તાતાને સોંપેલી જમીન મૂળ માલિકોને પરત કરવાનું છે. ખરું જોતાં એના આ કદમની ભાવનાત્મક ને નાટ્યાત્મક અપીલ એટલી મોટી હતી અને છે કે અગ્રલેખની શરૂઆત એનાથી જ કરી શકાઈ હોત. જમીનોનું કોર્પોરેટીકરણ કથિત નવી આર્થિક નીતિની ઓળખ જેવું બની રહેલ છે. ગુજરાત મૉડેલ વેચીવેચીને ૨૦૧૪માં દિલ્હી પુગેલ શીર્ષ નેતૃત્વ કાર્યકાળનાં આરંભિક અઠવાડિયાઓમાં જ કોર્પોરેટીકરણમાં સુવાણ રહે એવા કાનૂનબદલની ખાસી કોશિશ કીધી હતી (જો કે એમાં એને યારી મળી નહોતી) તે આ લખતાં સાંભરે છે.

કૉંગ્રેસે ફતેહથી અને આવી આરંભિક કારવાઈથી છાકો જરૂર પાડ્યો, પણ એની કામગીરી વણછાયેલી અને મોચવાતી ચાલે છે એ પણ આ તબક્કે કહેવું જોઈએ. સજ્જનકુમારની સજાની જાહેરાત અને કમલનાથનો શપથવિધિ, બેઉ એક જ અરસામાં આકાર લઈ રહ્યાં હોય ત્યારે એ બંનેની સહોપરિસ્થિતિથી આ પક્ષની જે દિલચોરી અને મજબૂરી તેમ જ કમજોરી ખાસી મુખર થઈ ઊઠે એ વિશે કદાચ કશું જુદેસર કહેવાનું રહેતું નથી. ત્રણે રાજ્યોમાં પ્રધાનપદ માટેની પડાપડી અને ખેંચતાણની કૉંગ્રેસકુલરીતિ પણ આ ગાળામાં સામે આવી છે.

કૉંગ્રેસે કર્ણાટકમાં જે ગરવાઈથી જનતાદળ(એસ)ને આગળ કરી ગઠબંધન રચ્યું તે બધા કૉંગ્રેસજનોને એટલું રાસ નયે આવ્યું હોય. પણ હમણેનો વિવાદ, મુખ્યમંત્રી કુમારસ્વામીના એ લગભગ આદેશવત્‌ વરતાયેલા ઉદ્‌ગારો સબબ છે કે ‘એ લોકોને મારી નાખો.’ અલબત્ત, એ આવેશમાં  ઉચ્ચરાયું છે તે સમજી શકાય એમ છે છતાં, એમાં પડતો પડઘો જે એન્કાઉન્ટરની શાસકીય-રાજકીય પદ્ધતિ હવે ન્યાય્ય ને ધર્મ્ય લેખાવા લાગી છે એનો છે. અને એ દિશામાં વડી જવાબદારી એક ઇતિહાસવસ્તુ તરીકે વર્તમાન શાસનની છે. ગુજરાતનું કથિત મોડેલ, ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથને કઈ હદે ગોઠી ગયું છે એ સૌ જાણે છે. વાત ને વાજું એ હદે વણસ્યાં છે કે વડોદરાની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં બધા સાક્ષી એક પછી એક ફરી ગયા (હૉસ્ટાઈલ થઈ ગયા – એટલે કે કરાયા) અને ‘ન્યાયની કસુવાવડ’ થઈ ત્યારે બેસ્ટ બેકરી કેસ ગુજરાત બહાર ચલાવાઈ ન્યાય શક્ય બન્યો હતો. પણ, હવે તો, નોબત એ આવી છે કે ‘શું કરીએ સાક્ષીઓ ફરી ગયા છે’ એવી લાચાર ભાષામાં ન્યાયમૂર્તિએ પેશ આવવું પડે છે, અને આખો સોરાબુદ્દીન કેસ ‘મારનાર કોઈ નહીં ને મરી ગયા તે મરી ગયા’ એમ ન્યાયતંત્રની કમજોરી અને લોકતંત્રની લાચારી પ્રગટ કરતો માલૂમ પડે છે. ઉત્તરોત્તર પિંજરના પોપટ રૂપ પુરવાર થતી ચાલતી સી.બી.આઈ. વિશે અને એમાં પોતપોતાની ભૂમિકા ભજવતી રહેતી જતીઆવતી સરકારો વિશે શું કહેવું. શાસક વર્ગ જવાબદેહી જેવી સામાન્ય વાત સ્વીકારતો જ નથી. વસ્તુતઃ ઉત્તરદાયિત્વ એ રાજકીય સંસ્કૃતિની પાયાની શરતો પૈકી છે.

ત્રણ રાજ્યોનાં પરિણામોએ બિનભા.જ.પ. મોરચાની જે આશા અને શક્યતા જગવી છે તે અને તેલંગણના ચંદ્રશેખર, ઓરિસાના પટનાયક, પશ્ચિમ બંગાળનાં મમતા તેમ જ ઉત્તર પ્રદેશમાં અખિલેશ અને માયાવતીની ભૂમિકા કેટલે અંશે મેળમાં હશે તે કળી શકાતું નથી. કે.સી.આર.ની રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષા હવે છાની નથી, અને અખિલેશ તેમ જ માયાવતીનો જનાધાર કૉંગ્રેસને ખસેડીને બનેલો છે એમાં તેઓ શું કામ જોખમ લે એ સવાલ પણ એમની વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા ઉપરાંત અગત્યનો બની રહે છે.

નમો-અમિતની કોશિશ સ્વાભાવિક જ (પક્ષ જ્યારે ૨૦૦થી વધુ બેઠકોની આશા ન રાખતો હોય ત્યારે) પક્ષોને બદલે વ્યક્તિઓ વચ્ચેની (જેમ કે નમો-રાહુલ) લડાઈમાં ચૂંટણીને ફેરવવાની હશે. રાહુલનો કેરિયરગ્રાફ જરૂર ઊંચો ગયો છે, પણ વક્તૃત્વગત સંમોહનમાં મોદી હજી સુધી તો આગળ છે. સોશ્યલ મીડિયામાં એમને પૂર્વવત યારી નથી મળતી એ સાચું હોવા છતાં બે વ્યક્તિઓ વચ્ચેના મુકાબલામાં એમની સરસાઈ સવિશેષ સંભવ જણાય છે. સરસંઘચાલક મોહન ભાગવતે વિજ્ઞાન ભવન વ્યાખ્યાન સત્ર મારફતે ધોરણસરની રાજકીય સંસ્કૃતિ ભણીના કેટલાક સંકેતો ખચિત આપ્યા હતા, પણ વિજયાદશમી વ્યાખ્યાનમાં એ જ પુરાણી ગતથી જે સમજાઈ રહ્યું તે એ હતું કે વિજ્ઞાન ભવન વ્યાખ્યાનો નમો શાસનની સ્વીકૃતિ (લેજિટિમસી) સાચવી લેવાની અને વસમા સંજોગોમાં ટકી જવાની વ્યૂહાત્મક ગણતરી વિશેષે કરીને હતી.

આ બધાં પરિબળો અને પ્રવાહો વચ્ચે નાગરિકે પક્ષમાત્ર પરત્વે રાજકીય સંસ્કૃતિનાં ધોરણોનો આગ્રહ રાખવા સાથે જે એક નિકષ સવિશેષ વાપરવો રહેશે તે તો એ કે કૉંગ્રેસનાં વર્ષો આવાં હતાં ને તેવાં હતાં એ ૨૦૧૪ની ચૂંટણીઝુંબેશનું વસ્તુ હતું, પણ ૨૦૧૯નું વસ્તુ ઉછાળાયેલાં વચનો (એમાં પણ ખાસ તો જુમલે સે જુમલે શૈલી) સામે પાંચ વરસનો કાર્યહિસાબ હોવો જોઈશે. આખો વિમર્શ હવે ફેંકુ અને પપ્પુના કુંડાળાની ક્યાં ય બહાર નીકળી ગયો છે.

હમણાં વિમર્શની જિકર કરી, પણ એ તો જરી મોટી સંજ્ઞા છે અને ગુણાત્મકપણે ખાસી ભારઝલ્લી પણ છે. છેલ્લાં વર્ષોમાં ભા.જ.પ.નો દાવો એક પા જો આખો રાજકીય વિમર્શ બદલવાનો રહ્યો છે – જેમાં અચ્છા કૉપીકાર અડવાણીનો સિંહહિસ્સો છે – તો કથિત ગુજરાત મોડેલથી માંડી રથયાત્રા અને અણ્ણા હિલચાલના વડા લાભાર્થી નમોની વિશેષ ચેષ્ટા એક પછી એક સ્વરાજસુભટોને અંગે સહવરણ(કૉ-ઑપ્શન)ની રહી છે.

વસ્તુતઃ સંઘપ્રેરિત મંચો પરથી આ સંદર્ભમાં જે પણ વિગતમુદ્દા ઉછાળાય છે એમાં નીતરી સમજ કે પ્રામાણિક (અને પ્રમાણભૂત) અભિગમ ભાગ્યે જ વરતાય છે. એક બાજુ પુણેમાં હિસ્ટરી કૉંગ્રેસને છેલ્લી ઘડીએ રદ્દ કરવાના સંજોગો સરજવામાં આવે અને બીજી બાજુ અમદાવાદમાં વિદ્યાર્થી પરિષદ ઇતિહાસ બાબતે બુનિયાદી ધારાધોરણ વગરનાં વિધાનોમાં રાચે અને તથ્યનિરપેક્ષપણે બાંયચડાઉ હાકોટાછીંકોટા કરે તે અધ્યયન અને અધ્યાપનનાં ધોરણોની કસોટીએ અને જાહેર ચર્ચાની દૃષ્ટિએ કાં તો હાસ્યાસ્પદ છે કે પછી, ખરું જોતાં, કેમ કે આપણી સહિયારી સંડોવણી હોઈ કેવળ કમનસીબ છે.

નમૂના દાખલ, ભગતસિંહની વાત લઈએ. ખબરદાર, તમે એમને ‘આતંકવાદી’ કહ્યા તો, એવો પડકાર આવા મંચો પરથી અપાતો રહે છે. ભાઈ આતંકવાદી ઉર્ફે ટેરરિસ્ટ એ તે જમાનાનો સ્વીકૃત પ્રયોગ હતો. શાંતિમય સંસદીય હિલચાલથી જુદી પડતી એ ઓળખ હતી જે ક્રાંતિકારીઓ પોતાને વિશે (અને અંગ્રેજ સરકાર એમને વિશે) છૂટથી વાપરતા હતા. આગળ ચાલતાં સાંસ્થાનિક ઇતિહાસકારો પછીના તબક્કામાં બિપનચંદ્ર આદિએ એમને ‘રેવોલ્યુશનરી ટેરરિસ્ટ’ કહી ગુણાત્મકપણે જુદા ઉપસાવી આપ્યા હતા. અને થોડું ઉતાવળે પણ સહવિચાર તેમ જ સફાઈની રીતે ઉમેરીએ તો ભગતસિંહ આજે સંઘ પરિવાર જેને રાષ્ટ્રવાદી કહે છે તે અર્થમાં રાષ્ટ્રવાદી પણ નહોતા. બોલીવુડ બૌદ્ધિક વિવેક અગ્નિહોત્રીના ‘અર્બન નકસલ’ની વ્યાખ્યામાંયે ભગતસિંહે કંઈક બંધ બેસતા હોઈ શકે, એ વાત વિદ્યાર્થી પરિષદ સમજશે?

૨૦૧૯માં ધોરણસરના લોકચુકાદાની દિશામાં તરતમવિવેક પૂરતાં થોડાંક ઇંગિત માત્ર આ તો છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2019; પૃ. 01, 02 અને 14  

Loading

...102030...2,8932,8942,8952,896...2,9002,9102,920...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved