
![]()

![]()
એકથી એક ખાસ મહેનત લઈને પસંદ કરેલા હીરાઓ છે. એમાં મનુસ્મૃતિ ઈરાની તો કોહિનૂર છે. સ્મૃતિ ઈરાનીએ દેશની બહેનોને સલાહ આપી છે કે બહેનો, આપણે ત્યાં તેત્રીસ કરોડ દેવતાઓ છે તો અયપ્પાનાં જ દર્શનનો આગ્રહ શા માટે અને દેશમાં અસંખ્ય મંદિરો છે તો સબરીમાલાનો જ આગ્રહ શા માટે? આવી સલાહ આપનાર વિદુષી છે એ તો આખું જગત જાણે છે. આટલું જ્ઞાન તેમણે ક્યાંથી સંપાદન કર્યું એ જાણવા માટે તેમની ડિગ્રી અને યુનિવર્સિટીની શોધ કરવામાં આવી રહી છે, પણ હજુ સુધી હાથ લાગ્યાં નથી. ‘શોલે’ ફિલ્મમાં જયે વીરુના શિક્ષણ વિષે મૌસીને કહ્યું હતું એમ માલુમ પડતે હી બતા દિયા જાએગા.
સ્મૃતિ ઈરાનીએ નાગપુર જવું જોઈએ અને ત્યાં તેમનાં ગદાધારી ભાઈઓને કહેવું જોઈએ કે ‘હે ભ્રાતા! દેશમાં તેત્રીસ કરોડ દેવતાઓ છે તો રામનો જ આગ્રહ શા માટે અને અયોધ્યામાં જોઈએ એટલાં મંદિર છે, જોઈએ એટલી જમીન છે તો બાબરી મસ્જિદની જગ્યાએ જ મંદિર બાંધવાનો આગ્રહ શા માટે? ભ્રાતા, આપણે તો મહાન હિંદુ છીએ, સમજદારી આપણી પરંપરા છે, દુરાગ્રહ મ્લેચ્છોને શોભે, આપણને ન શોભે. બસ, આટલું તેઓ પોતાના ગદાધારી ભ્રાતાઓને કહી આવે. સુફિયાણી સલાહ બહેનોને આપે છે તો એક સલાહ ભાઈઓને પણ આપી આવે.
આ એવી જમાત છે જેને બોલતા પહેલાં એટલું પણ ભાન રહેતું નથી કે આપણે જે બોલી રહ્યા છીએ એનો વળતો કેવો પ્રત્યાઘાત આવશે. ન આવડત હોય તો મૂંગા રહેવું જોઈએ, પણ પાછાં એ બહેન તો દરેક જગ્યાએ બોલવા દોડી જાય છે. સ્મૃતિબહેન થોડાં લાડકાં છે એટલે જાહેરમાં દેખા દઈ શકે છે અને બોલવા દેવામાં આવે છે, બાકી બીજા કેટલાક પ્રધાનો તો કેવી રીતે દિવસ પસાર કરે છે, ભગવાન જાણે!
સબરીમાલાના મંદિરમાં પ્રવેશનો મહિલાઓ જે આગ્રહ રાખી રહી છે એ શુદ્ધ આગ્રહ છે, દુરાગ્રહ નથી અને એ ન્યાય માટેનો આગ્રહ છે. ગદાધારીઓ જે આગ્રહ રાખી રહ્યા છે એ આગ્રહ નથી દુરાગ્રહ છે અને એમાં શુદ્ધ નાગાઈ છે. નાગાઈ અને ન્યાયમાં ફરક છે. પણ આ તો વિવેકીજનોનો પ્રદેશ છે. જુનવાણી માનસ અને કોમી દ્વેષ ધરાવનારાઓ માટે આ પ્રદેશ અજાણ્યો છે. વડા પ્રધાને એ.એન.આઈ. નામની ન્યુઝ એજન્સીને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ટ્રિપલ તલાક એ મુસ્લિમ મહિલાઓને મળવો જોઈતો ન્યાયનો સવાલ છે, પણ સબરીમાલા હિંદુ પરંપરાનો સવાલ છે. જો ખુલ્લી પત્રકાર પરિષદ હોત તો કોઈ મરદ પત્રકાર સવાલ પૂછત કે રીતસર છૂટાછેડા આપ્યા વિના એકપક્ષીય રીતે જશોદાબહેનને છોડી દેવા એ અંગત બાબત છે, ત્રણ વાર તલાક તલાક તલાક બોલીને એકપક્ષીય રીતે કોઈ મુસ્લિમ પતિ પત્નીને છોડી દે તો એ મહિલાઓને મળવા જોઈતા ન્યાયની બાબત છે અને સબરીમાલામાં સ્ત્રીઓને મળવા જોઈતાં પ્રવેશની વાત આવે તો એ પરંપરા છે. આ વિસંગતિ નથી? ત્રણેયમાં અન્યાય છે અને ત્રણેયને ન્યાય મળવો જોઈએ. ભેદભાવ વિના, એક સરખો, બહાનાબાજી વિના, શુદ્ધ સમાનતાનાં મૂલ્યોથી તેમ જ કરુણાથી પ્રેરાઈને મહિલાઓને ન્યાય મળવો જોઈએ. એક મહાન હિંદુ તરીકે આ તેમની ફરજ નથી?
શું સ્મૃતિ ઈરાની એક સ્ત્રી તરીકે સ્ત્રીમાં હોવી જોઈતી સંવેદના પણ નથી ધરાવતાં? આટલી સત્તાની ગુલામી કે જુનવાણી માનસિક કાટ? કોઈ દલિત નેતા એમ કહે કે અસ્પૃશ્યતા હિંદુ પરંપરા છે માટે દલિતોએ તેને ચલાવી લેવી જોઈએ તો દલિતો એવા નેતાને ક્યારે ય માફ કરે? બોલતા પહેલાં થોડું તો વિચારો કે તમે શું બોલી રહ્યા છો? બુદ્ધિદરિદ્રતા નરેન્દ્ર મોદીની સરકારનું સ્થાયી લક્ષણ છે એટલે મુદ્દત પૂરી થવા આવી છે અને તરભાણું ખાલીનું ખાલી છે. અંગ્રેજીમાં કહેવત છે કે કોઈ માણસ કેવો છે એ જાણવું હોય તો તે કોની સાથે ઊઠે-બેસે છે એનાં પરથી ખબર પડે. અ કંપની હી કીપ્સ.
બુધવારે વહેલી સવારે બે જુવાન સ્ત્રીઓએ પાછળના રસ્તાનો ઉપયોગ કરીને પોલીસની મદદથી સબરીમાલાના મંદિરમાં પ્રવેશ કર્યો. દેખીતી રીતે કેરળની સામ્યવાદી સરકારનો તેમાં હાથ હતો. સ્ત્રીઓનો પ્રવેશ ન્યાયી છે, તેને રોકી શકાય નહીં અને એ તેનો અધિકાર છે એવો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો છે એટલે એ બે મહિલા સામે ફોજદારી ગુનો દાખલ થઈ શકે એમ નથી. મંદિરને ધોઈને પાછું પવિત્ર કરવામાં આવ્યું છે. એ પહેલાં મંગળવારે અંદાજે ૪૦થી ૫૦ લાખ સ્ત્રીઓએ જગતની સૌથી લાંબી ૬૨૦ કિલોમીટર લાંબી સાંકળ રચીને જુનવાણી હિંદુ પુરુષોના અને કેન્દ્ર સરકારના વલણ સામે વિરોધ નોંધાવ્યો ત્યારે જ સાનમાં સમજી જવું જોઈતું હતું. હવે પછી આવી ઘટના બનતી જ રહેવાની, કેટલી વાર મંદિરને ધોતા રહેશો?
નાસિકના કાલારામ મંદિરમાં દલિતોના પ્રવેશના સત્યાગ્રહને સફળતા મળી. અહીં અને એ પછી સનાતની જુનવાણી હિંદુઓ પરંપરાને નામે અસ્પૃશ્યતાનો બચાવ કરતા હતા ત્યારે ડૉ. આંબેડકરે કહ્યું હતું કે તેમની પરંપરાને મૂકો પૂળો, આપણે હિંદુ જ નથી રહેવું. તેમણે ૧૯૩૭માં યેવલામાં જાહેરાત કરી હતી કે હું હિંદુ તરીકે ભલે જન્મ્યો હોઉં, પણ હિંદુ તરીકે મરીશ નહીં. જો પરંપરાવાદી સનાતની હિંદુઓએ વિવેક દાખવ્યો હોત તો દલિતોએ ધર્માંતર ન કર્યા હોત. દલિતો આક્રમક માર્ગ અપનાવીને મંદિરોમાં પ્રવેશ્યા હોત તો ગામડે ગામડે જ્ઞાતિ-વિગ્રહ થાત. આંબેડકરે એમ થવા નહોતું દીધું એ બતાવે છે કે એક દલિત સનાતની હિંદુ બ્રાહ્મણ કરતાં વધારે વિવેકી હતો. તમે શું હિંદુ સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશતી રોકીને દરેક હિંદુ પરિવારમાં સ્ત્રી-પુરુષ વચ્ચે વિભાજન પેદા કરવા માગો છો? કાં તો જંગલી પુરુષ સ્ત્રી ઉપર જોહુકમી કરશે અને કાં સ્ત્રી બળવો કરશે, વિવેકપૂર્વક ચર્ચા કરીને ઉકેલ નહીં આવે.
આઘાતજનક વલણ કૉન્ગ્રેસનું છે. કૉન્ગ્રેસ પણ પરંપરાને નામે ૧૦થી ૫૦ વર્ષની વયની સ્ત્રીઓને સબરીમાલાના મંદિરમાં પ્રવેશનો વિરોધ કરે છે. વિરોધ કરવા રસ્તા પર ઊતરનારાઓમાં કૉન્ગ્રેસીઓ પણ છે. રાહુલ ગાંધી મૂલ્યોની વાતો કરે છે તો શું સ્ત્રીઓ ન્યાયનો અધિકાર નથી ધરાવતી? સમાન ન્યાય એ શું મૂલ્ય નથી? તેઓ શું એમ માને છે કે પુરુષપ્રધાન સમાજમાં પુરુષ કહે એ મુજબ સ્ત્રી મત આપશે એટલે સ્ત્રીઓને થતા ન્યાય-અન્યાયની ચિંતા નથી? રાહુલ ગાંધી જો આંદોલનકારી કૉન્ગ્રેસીઓને વારે નહીં તો કેરળની જ નહીં, પણ દેશભરની સ્ત્રીઓએ બી.જે.પી.ની સાથે કૉન્ગ્રેસનો પણ બહિષ્કાર કરવો જોઈએ અને તેમાં સંવેદનશીલ પુરુષોએ પણ જોડાવું જોઈએ. રાહુલ ગાંધી જો મહાત્મા ગાંધીની દુહાઈ લેતા હોય તો તેમણે સમજવું જોઈએ કે ગાંધી અને ગોળવળકર એક પંક્તિમાં ન હોઈ શકે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 05 જાન્યુઆરી 2019
![]()
ગાંધી-કથિત 'અહિંસા' શબ્દ સર્વગુણવાચી છે, ભલે નિર્બળતા સૂચવે છે, પણ સર્વથા વિધાયક છે, એથી પ્રગટતી બળવત્તાનો દુનિયામાં જોટો નથી
દરેક ડિસેમ્બરમાં છાપાંના પત્રકારો અને મીડિયા-પીપલ જીવનવ્યવહારનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં શું શું બન્યું તેનાં માંડી-ટીપીને સાર-સરવૈયાં કાઢી તેને સમાચારો રૂપે પ્રગટાવતા હોય છે. એથી ઝળહળતી સમાચાર-જ્યોત નાતાલ અને નૂતન વર્ષની રોશની વચ્ચે વિચારોને ઉત્તેજિત કરતી હોય છે. સારી વાત છે. એથી પ્રજાને જિવાતા જીવનનાં પ્લસ-માઈનસનો ખ્યાલ આવે છે; જરૂરી છે.
પણ વર્ષ ૨૦૧૮-ની કરુણ વીગત એ છે કે એ સમુપકારક સમાચાર-જ્યોતને ઝળહળતી રાખનારા વિશ્વના ૩૪ પત્રકારોને મારી નંખાયા છે – ગયા વર્ષની તુલનામાં ૮૯%નો વધારો ! કેટલીક હત્યાઓ આવી હતી : ફેબ્રુઆરીમાં, સ્લોવાકિયામાં, સંશોધક પત્રકારના ઘરમાં ગનમૅને ઘૂસીને તેની હત્યા કરેલી. ઍપ્રિલમાં, કાબુલમાં, પ્રેસ કૉર્પ્સને ટાર્ગેટ બનાવીને ISIS-ના સ્યુસાઈડ બૉમ્બરોએ ૯ જણાને એક જ હુમલામાં ઉડાવી દીધેલા. બગડેલા મગજના વાચકોથી દરેક છાપાએ ચેતવા જેવો બનાવ જૂનમાં મૅરિલૅન્ડમાં બનેલો. તેના 'કૅપિટલ ગૅઝેટ'-ના ન્યૂઝરૂમમાં કોઈ ખોફનાક વાચક પ્હૉંચી ગયેલો ને એણે સેલ્સ આસિસ્ટન્ટ સહિત ચાર પત્રકારોને ધરાશરણ કરી દીધેલા. ઑક્ટોબરમાં, 'વૉશિન્ગ્ટન પોસ્ટ'-ના સહયોગી સાઉદી-ઍક્ઝાઈલ જમાલ ખશોગીને ઈસ્તંબુલની કૉન્સ્યુલેટમાં સરકારનાં જ માણસોએ હણી નાખેલો. દેહના ટુકડે ટુકડા કરી નાખેલા. એ ટુકડાઓની છેક હવે ભાળ મળવા લાગી છે.
ઉપરાન્ત, વર્ષ ૨૦૧૮-માં વિશ્વના ૨૫૧ પત્રકારોને જૅલમાં ધકેલવામાં આવ્યા છે. ૧૯૯૨-થી ગણતાં, ભારતમાં ૪૭ પત્રકારોની હત્યા થઈ છે. આ વર્ષે, નવીન નિશ્ચલ (બિહાર) અને સુજાત બુખારી (કશ્મીર) મરાયા છે. સત્તામદાન્ધો એક જ વાત કરી રહ્યા છે – સામે પડનારાઓને ખતમ કરો ! અન્યાય અને કુકર્મોથી દૂષિત વાસ્તવિકતાઓને ખુલ્લી પાડનારાઓને જ નેસ્તનાબૂદ કરનારી આ સિતમખોરીનું શું કરીશું?
આમાં, સાહિત્યકારો તો, શું કરી શકે? મારા જેવા 'સાહિત્ય સાહિત્ય'-વાળાનું મન સુથારના મનની જેમ બાવળિયે લાગી જાય છે. મને થાય, પ્રવર્તમાન પરિસ્થિતિમાં બદલાવ લાવે એવી તાકાત મારા શબ્દોમાં છે ખરી? અને જો છે, તો હું એને સાર્થકપણે પ્રયોજતો હોઉં છું ખરો? શબ્દોને મારા સહપાન્થ વાર્તાકારો કવિઓ વિવેચકો કે અધ્યાપકો વિવેકપૂર્વક પ્રયોજે છે ખરા? કદાચ આપણા જ હાથે શબ્દોની પણ હત્યાઓ તો નથી થતી ને …
સિતમખોરી જેવી દર્દનાક ચીજો વિશે લખું ત્યારે મારાથી રમૂજ અને કટાક્ષ બેયમાં ઝબોળેલા શબ્દો રચાઈ જાય છે. જેમ કે, તમારા ધ્યાનમાં આવ્યો હશે, મારો 'સત્તામદાન્ધ' શબ્દ. સત્તાથી એને મદ ચડે, એથી અન્ધાપો આવે, પોતાથી થયેલાં અઘટિત કામો – ભવાડા કે કાણ્ડ – દેખાય નહીં, અને એને ઉઘાડાં પાડનારાઓ એનાથી સહેવાય નહીં. પત્રકારોને જૅલમાં નંખાયા અને હત્યાઓ થઇ એમાં એ અસહિષ્ણુતા સવિશેષે જવાબદાર હતી. લોકશાહીની કાખલી કૂટતા વૈશ્વિક રાજકારણમાંયે સત્તામદાન્ધોની અસહિષ્ણુતા એક ઝૅરીલા હથિયાર રૂપે સૅટ થઇ રહી છે.

ફોનના સ્ક્રીન પર નખ-આંગળાંનાં ચપચપારા કરતાં આત્મરત પ્રેમી જીવો 'મોસ્ટ ટૉલરન્ટ' કહેવાય છે.
સામ્પ્રતની એ સિતમખોરીના વ્યાપક સંદર્ભમાં કેટલાક શબ્દપ્રયોગોની નુક્તેચિની રજૂ કરું છું : સિતમખોરીનું સંગુપ્ત કારણ એ છે કે 'સહિષ્ણુતા' અથવા 'ટૉલરન્સ' શબ્દનો પ્રાણ ખતમ થવા માંડ્યો છે. સામાન્ય જનો પણ હવે સામાવાળાને ટૉલરેટ કરવા તૈયાર નથી. ઈ.ઍમ. ફૉર્સ્ટરે 'ટૉલરન્સ'-ને 'નૅગેટિવ વર્ચ્યુ' કહેલો. એમ કે, બીજાને સહી લેનારો મનુષ્ય નકારાત્મક ભાસે છે પણ એ સ્તો એનો ગુણ છે ! એ રાહે, ગાંધી-કથિત 'અહિંસા' શબ્દ મને સર્વગુણવાચી લાગ્યો છે. ભલે નિર્બળતા સૂચવે છે પણ સર્વથા વિધાયક છે. એથી પ્રગટતી બળવત્તાનો દુનિયામાં જોટો નથી. એમ તો, ફોનના સ્ક્રીન પર નખ-આંગળાંનાં નીરવ ચપચપારા કરનારાં આત્મરત પ્રેમીઓ 'મોસ્ટ ટૉલરન્ટ' કહેવાય છે. બાકી, આજે તો, સામા માણસનું દિલ દુખાય એવું બોલતાં કે કરતાં, કોઇ ખંચકાતું નથી. મનદુ:ખ પછીનાં શક્ય સમાધાન માટે ય લોકો ઉદાસીન થતા ચાલ્યા છે. 'ચાલશે, મારે હમણાં એમની શી જરૂર છે' – પ્રકારની મુડદાલ માનસિકતામાં સબડવાનું ઘણાને ગમવા લાગ્યું છે.
જાણે આપણે ઊંધે-માથે થઇ ગયેલી દુનિયામાં જીવીએ છીએ. બધું અવળું જ થઈ રહ્યું છે. અત્યારલગી નાની છોકરીને 'બેબી' કહેતા'તા. હવે પ્રિયજનો અને પતિ-પત્ની એકમેકને કશી વિચિત્રિત લાગણીથી 'બેબી' કહેવા લાગ્યાં છે. હોય કે ન હોય, 'હાય બેબી' બોલવાથી પળ માટે ય પ્રેમ પ્રગટતો હશે. 'નો બેબી, નૉટ લાઈક ધૅટ' બોલવાથી કોઇપણ જૂઠ પત્નીના ગળે ઊતરી જતું હશે. જો કે આ ઝડપી સમામાં લાગણીશીલ ઉદ્ગારોનું વજૂદ નથી રહ્યું. 'છોડો, એ તો સૅન્ટી થઇ ગયો છે' કહીને, ખાસ તો છોકરીઓ, એવા બાપડાને કાયમ માટે ડાબો કરી દે છે.
અમેરિકામાં, જો તમને વસ્તુઓ કે પરિસ્થિતિઓ અનુકૂળ ન લાગતી હોય, જો એને તમારે ઉડાવી દેવી હોય, તો બોલી દેવાનું -'આબ્રાકાડાબ્રા' ! આ, મને યાદ આવે છે, અમે નાનપણમાં 'અન્તરમન્તરછૂમન્તર' બોલતાં એના જેવું છે. કોઇને તમારો સ્વીકાર જ નથી કરવો, તમારી વાત ગમે તેટલી વાસ્તવિક હોય, પણ જો સાંભળવી જ નથી, તો એ કહી દેશે – આબ્રાકાડાબ્રા ! તમે ભલે તર્કપુર:સરનું કે લાગણીભર્યું બોલતા હોવ, તમે ભલે રૂડી રીતેભાતે સાચા હોવ – આબ્રાકાડાબ્રા !
ગુજરાતી ભાષા-સાહિત્યના વર્તમાનનો ઇતિહાસ ઉકેલીશું તો એના ભવિષ્યનું ચિન્તન સારી પૅરે કરી શકાશે. વર્તમાનમાં કોઇના કે કશ્શાના ય અસ્તિત્વને આસાનીથી નકારી શકાય છે. 'લોકપ્રિય' અને 'વિદ્વદ્ પ્રિય' સંજ્ઞાઓને એકબીજાની દુશ્મન ગણતાં આપણે થાકતા જ નથી. લોકપ્રિય, વિદ્વાન હોઈ શકે અને વિદ્વાન, લોકપ્રિય હોઈ શકે એ ચોખ્ખી હકીકત ગળે ઊતરતી જ નથી. બે ઘાતક રસમો સૅટ થઇ છે : ખૂણે બેસીને કામ કરનારાને સમજવાની તકલીફ લેવી જ નહીં. એવી રીતે વર્તવું કે એ છે જ નહીં ! : આકર્ષક લેખનશૈલીથી વ્યાપક સંક્રમણ સાધનારાને હૉંકારો ભણવો જ નહીં બલકે 'એ તો છાપાળવો છે' કહીને એનો છેદ ઉડાવવો : વાર્તાકારને ઉતારી પાડવા કહી દેવાય છે, ‘પ .. ણ વાર્તા નથી બનતી'. કોઇપણ વિવેચક માટે કહી દેવાય છે, 'બહુ અઘરું લખે છે'. નીવડેલા સાહિત્યકારની વિરુદ્ધ ઍલફૅલ બોલનારો કે અઘટિત ટીકા લખી આપનારો રાતોરાત 'જ્ઞાની' ઠરે છે. જ્ઞાનપીઠ અને કે.કે. બિરલા જેવાં રાષ્ટ્રીય પારિતોષિકોથી વિભૂષિતોનાં ગૌરવ કરવાનો નૂતન તરીકો એ છે કે ઉજવણાં ન કરવાં ચૂપ રહેવું બલકે ખાનગીમાં બબડવું – 'બધું મૅનેજેબલ છે'. હવે, વિવેચકે 'વખાણિયું' લખ્યું હોય તો લેખક ઝટ આભાર માને છે. વિવેચકે 'ટીકાળુ' લખ્યું હોય તો લેખક ખાનગીમાં તેની ફજેતી કરે છે. ચાલાક વિવેચકો સમજી ગયા છે કે જો આમ જ વાહવાહી મળે છે તો શાને લમણાં ઝીંકવાં ! સમીક્ષા એટલે ગુણ અને દોષનું સમ્યક્ ઈક્ષણ. ગુણશોધકને દોષ જડી આવે. પણ શોધે તો …
સાહિત્યકલાની ભાષા જુદી છે પણ ભાષા સામાન્યા પણ છે કેમ કે એ જનસમુદાયની છે. શબ્દમાત્રના આપણે સૌ જવાબદાર સહભાગી છીએ. શબ્દોથી સંસ્કૃતિ રક્ષાય છે, માનવતા ઘડાય છે. બદ ઇરાદાઓથી શબ્દાર્થોની જ્યારે પણ તોડફોડ કરાય છે ત્યારે સિતમખોરોને ફાવટ આવી જાય છે. હત્યાઓ થાય છે. લડાઇઓ અને યુદ્ધો સરજાય છે. સંસ્કૃતિ મરણશરણ થઈ જાય છે.
'વખાણિયું' અને 'ટીકાળુ' લખ્યા પછી મને યાદ આવ્યું કે ગુજરાતી ભાષામાં જો 'લસણિયું' અને 'માયાળુ' શબ્દો છે, તો એ નવ્ય રચનાઓ માટે મેં કશી ભૂલ નથી કરી. તમે બોલી જોજો -'વખાણિયું વિવેચન' – 'ટીકાળુ વિવેચન', સાર્થક લાગશે અને મજા પડશે.
હે શબ્દાખ્ય જ્યોતિ ! નિત પ્રકાશજે અને અમને સૌને અજવાળજે …
= = =
સૌજન્ય : ‘સાહિત્ય-સાહિત્ય’ નામક લેખકની કટાર, “નવગુજરાત સમય”, 05 જાન્યુઆરી 2019
![]()

