અત્યારે કવિતાને
કોઈ સમજતું નથી,
સમજે છે
પ્રશસ્તિ
અને એ પણ ગદ્યમાં.
ગદ્યમાં તું આળ-પંપાળનો
આખો પાઠ લખ,
વ્હાલાં – દવલાંનાં નામે આખા પાત્રો ઉમેર.
દરેકના મુખમાં
વાહ! –
નો સંવાદ મૂક,
તો કોઈના મુખમાં
શું વાત છે! –
નું આશ્ચર્ય મૂક.
અનુભવ, વિચાર અને સમજનો ત્યાગ કરીને,
હા-જી હા-જી, જીહજૂર જીહજૂરનો પાઠ કર.
લોકો તો
પાળેલા કૂતરાને પણ
પ્રેમથી
ટુકડો ખવરાવતા હોય છે,
પણ તને
માન, સન્માન, ઈલ્કાબો, ચાંદ, ઇનામો, પુરસ્કાર, ફેંકવામાં આવે છે, ત્યારે –
તારી પૂંછડી બે વળ વધારે લઇને,
વધુ ઊંચી ચડે છે.
તારું મોં એના ગંધાતા ખરડાયેલા પગને ચાટી રહ્યું હોય છે.
ચાટવાની ક્રિયાથી ધરાયેલો દલાલ સાહિત્યકાર,
તને
પગથી હ્યડ! કહીને લાત મારે છે, ત્યારે
તું ફરી પાછો લખવા બેસી જાય છે
ગદ્ય પ્રશસ્તિ!
![]()


ઢળતી સાંજે, ક્યારેક ઊંચાં ગાઢાં વૃક્ષોમાંથી સરી પવન પર્ણોમાં મર્મરધ્વનિ કરે છે અને ફરી શાંત થઇ જાય છે. નિરભ્ર નભ નીચે હજુ પક્ષીઓ માળે જવાં આવ્યાં નથી. કોઈ પક્ષી પરિવાર પાછાં ફરવાની રાહમાં ક્યારેક ટહુકો કરી લે છે. પ્રકૃતિ સદંતર નિ:શબ્દ અને બહારથી હું પણ. મારા વિચારોને રોકી રાખવા અથાગ પ્રયત્નો છતાં અશાંત અબ્ધિના પથ્થર પર અથડાતાં મોજાંની જેમ વિચારો તો આવ્યાં જ કરે છે. થાય છે કે મન નિ:શબ્દ કરી શકાય તો !! શબ્દના કોલાહલથી મુક્તિ શક્ય ખરી? मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः। બોધને કાર્યાન્વિત કરવાના વિચારને ધક્કો મારતાં માળે આવતાં પક્ષીઓ અને ઘેર પાછા ફરતાં માણસોના વાહનોની ઘરઘરાટી મને અવાજોની દુનિયામાં ઘસડી જાય છે. વિચાર આવે છે નિ:શબ્દતા જ શાંતિનો પર્યાય હશે! વિચારનો વિસ્તાર થાય છે અને નિષ્કર્ષ પર અવાય છે કે જેની પર મારો અનહદ પ્રેમ રહ્યો છે, અસ્તિત્વ અને જીવનને અનેક તાણાવાણામાં જે સદાય આપણને ગૂંથે છે, બાંધે છે તે શબ્દ જ મારો મિત્ર અને મોટો દુ:શ્મન પણ! તે કાળની ગતિ સાથે સમાંતરે જ નહીં તેનાથી પણ તેજ ચાલે છે.