Opinion Magazine
Number of visits: 9685446
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કારકિર્દી એટલે કઈ બલા, ભાઈ?

શરીફા વીજળીવાળા|Opinion - Literature|28 March 2019

બહુમુખી પ્રતિભાના માલિક શરીફાબહેન મસ્ત અને ચુસ્ત મિજાજનાં છે. આમ તો મુરારિબાપુના આશિષથી માંડી ઘણાં બધાં પુરસ્કારો અને બહુમાનો તેમને મળ્યાં છે. પણ તાજેતરમાં એમના ગ્રંથ ‘વિભાજનની વ્યથા’ને સાહિત્ય અકાદમી એવોર્ડ – 2018 મળ્યો. આ પહેલાં 2015માં એમણે અનુવાદિત કરેલા, પ્રસિદ્ધ લેખક અસગર વજાહતના ઉર્દૂ નાટક ‘જિસ લાહૌર નઈ દેખ્યા ઓ જમ્યાઈ નઈ’નો અનુવાદ, ‘જેણે લાહૌર જોયું નથી એ જનમ્યો જ નથી’ના નામે કરેલો તેને સાહિત્ય અકાદમીનો ‘અનુવાદ પુરસ્કાર’ મળેલો.

સાહિત્ય જગતનો સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર આ પુસ્તક આજે ‘વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી’માં અનુસ્નાતક સ્તરે પાઠ્યપુસ્તક તરીકે ભણાવાય છે. આ એવૉર્ડથી શરીફાબહેનનું ગૌરવ તો થયું જ છે; સાથે ગુજરાતી ભાષા પણ પોંખાઈ છે.

અમારું નાનપણ ભીંત્યું હાર્યે માથાં ફોડવાની રમત્યમાં જ વીતેલું. બાપુ મોસમે–મોસમે ધંધા બદલતા. બરફથી લઈને બોર સુધીના ધંધા પાછળ જાત નીચોવતા બાપુ, છેક 1960માં છાપાંની એજન્સી મળી ત્યારે જરાક ઠરીઠામ થયા. પણ ખાનારાં મોઢાં ઝાઝાં હતાં ને કમાનાર એક જ. મારી મા ઘરનું ગાડું રાગે ચડાવવા લાખ હડિયું કાઢે; તો ય ઘરમાં હાંડલાં કૂસ્તી કરતાં બંધ નો’તાં થાતાં. ગમે તેટલા ટૂંટિયા વાળીએ તોયે ચાદર ટૂંકી જ પડતી’તી. જ્યાં રોજ સાંજ પડ્યે ‘ખાશું શું?’નો પ્રશ્ન ડાચાં ફાડતો ઊભો હોય ત્યાં કારકિર્દી જેવો ભારેખમ શબ્દ તો શેં પ્રવેશે? અમારે માટે કોઈ બાપીકો ધંધો વાટ નો’તો જોતો. હા, મા–બાપુ જ્યારે પણ એમની હડિયાપાટીમાંથી જરાક નવરાં પડતાં ત્યારે અમને એક વાતની ગાંઠ બંધાવતાં. ‘ભણો. ભણશો તો નસીબ આડેથી પાંદડું ખસશે, બાકી તો અમારી જેમ દી’ આખો ટાંટિયા તોડીને અધમૂઆ થઈ જાશો; તો ય કોઈ દી’ બે પાંદડે નંઈ થાવ.’

મા–બાપ પોતે ભણેલાં નો’તાં પણ ભણતરનો દીવો જ અમારા અંધારા ઘરને અજવાળશે એવી જાણે કે બેઉને ખાતરી હતી. એમની આ કાયમી ટકોરથી અમારામાં ભણવા પ્રત્યે લગાવ નહીં; પણ ઝનૂન કહી શકાય એવું ગાંડપણ પેદા થયેલું. ઘર જિંથરીના દવાખાનાની બા’રું. ગામમાં સૌથી વારે રૂઆબ દાક્તરોનો. બધા મારા બાપુને ‘તું’ કહીને જ બોલાવે. એટલે જાણ્યે–અજાણ્યે ક્યાંક એવી ગાંઠ વળી ગેલી કે મોટા થઈને દાક્તર થાવું. ઘરે લાઈટ તો અમે બધાએ બારમું પાસ કરી લીધું પછી ઘણી મોડી આવી. ફળિયામાં ઢાળેલા ખાટલા પર પોતપોતાના ફાનસે વાંચવાની બાદશાહીને કારણે, ઘરના બજેટમાં સૌથી વધુ ખરચો ઘાસલેટનો હતો. પણ તો ય મા–બાપે ટોક્યાં નો’તાં એક ફાનસે વાંચવા માટે. ભણતાં ભણતાં પૈસા પેદા કરવા માટેના શક્ય એટલા બધા અખતરા કર્યે જાતાં. કાગળની કોથળિયું બનાવી વેચતા, જૈનોના મેળાવડામાં, ડોંગરે મહારાજની કથામાં રાગડા તાણી–તાણીને છાપાં વેચતા. છાપાના ધંધાએ જાહેરમાં બોલતાં શીખવાડ્યું અને અભ્યાસ ઉપરાન્તનું વાંચવાની ટેવ પાડી. ‘ઊંટ મેલે આંકડો ને બકરી મેલે કાંકરો’ની જેમ હું તો ગાંડાની જેમ જે હાથ ચડે તે વાંચતી. મેઘાણી, મડિયા, ર.વ. દેસાઈ. દર્શકની સાથે જ હું કોલક, મહેશ મસ્તફકીર કે બીજી કોઈ પણ પૉકેટબુક્સ વાંચ્યે જ રાખતી.

મારો કાયમનો હરીફ મારો ભાઈ બારમા પછી વડોદરા મેડિકલમાં ગયો એટલે આપોઆપ જ મારી લાઈન નક્કી થઈ ગઈ; પણ પનો ટૂંકો પડ્યો. મારે મેડિકલમાં જવા માટે રોકડા નવ માર્ક ઓછા પડ્યા. એટલે પછી વડોદરાની ઈજનેરી કૉલેજમાં આર્કીટૅક્ચરમાં પ્રવેશ લીધો; પણ પેલ્લા બે જ દા’ડામાં ડેબૂ ફાડી નાખે એવો ખર્ચ જોઈ મેં ‘ડિપાર્ટમેન્ટ ચેન્જ’નું ફોર્મ ભરી દીધું અને ફાર્મસીમાં પ્રવેશ લીધો. પણ બી.ફાર્મ.ના છેલ્લા સેમેસ્ટરમાં 1985ના અનામત આંદોલને છ મહિના ઘરે બેસાડ્યા. વળી મેં આડેધડ વાંચવા માંડયું. હવે દલાલ–ખત્રી પછીના સુરેશ જોશી. મધુ રાય, બક્ષી, ઘનશ્યામ દેસાઈ, વીનેશ અંતાણી વગેરેને વાંચ્યા. થોડુંક ગમ્યું ને ઝાઝું પલ્લે ન પડ્યું. કૉલેજો પાછી શરૂ થઈ. ડિગ્રી મળી ને એલેમ્બિકમાં એક વર્ષની એપ્રેન્ટિસશીપ મળી. મહિને ૪૫૦ રૂપિયા મારા માટે જવા દેવા જેવી રકમ નો’તી. પણ વડોદરામાં સાત પેઢીએ ય કોઈ સગું નો’તું એટલે હૉસ્ટેલ વગર નોકરીનો મેળ ન પડે અને હૉસ્ટેલપ્રવેશ માટે કંઈક ભણવું પડે. ઈધરઉધર ફાંફાં માર્યાં પછી થાકીને આર્ટ્સ ફેકલ્ટીમાં ગુજરાતી અને ગણિત સાથે પ્રથમ વર્ષમાં પ્રવેશ લીધો. નોકરી હતી સવારના આઠથી સાંજના ચારની. વર્ગો ભરવાનો કોઈ સવાલ જ ઊભો નહોતો થતો. પણ સિતાંશુ મહેતા અને નીતિન મહેતાએ બીજા વર્ષ સુધી ભણાવવા ઉપરાન્ત પુસ્તકોની મદદ કરી. પછી તો શિરીષ પંચાલ, રમણ સોની, સુભાષ દવે, હર્ષદ ત્રિવેદી, સુધા પંડ્યાએ પણ ભરપૂર મદદ કરી ને વર્ગમાં ગયા વગર હું પાંચે ય વર્ષ પહેલી આવી શકી.

એલેમ્બિકમાં એક વર્ષ પછી મને કાયમી નોકરી મળી જાય એવી કોશિશ ચં.ચી. મહેતાએ પણ કરી અને શિવકુમાર જોશીએ પણ કરી; પણ નસીબ ક્યાંક બીજે જ લઈ જવા ઈચ્છતું હતું. એટલે એ નોકરી બીજાને મળી. ને મેં વડોદરાથી પચાસ કિલોમીટર દૂર દોઢ વર્ષ નોકરી કરી. સવારે છએ નીકળું. રાતે આઠે પાછી આવું. પણ આ ફેક્ટરીએ મને ઘડી. માણસને પરખતાં શીખવ્યું. એક્સાઈઝ, ઓક્ટ્રોય બધે જ કેટલી હદે ભ્રષ્ટાચારે ભરડો લીધો છે તે રોજેરોજ અનુભવ્યું. આખો દહાડો ઊભાઊભા કામ કર્યા પછી મોડી રાત સુધી વાંચતી. પણ છેલ્લે થાકી અને મેં વડોદરા સ્થિત LOCOST નામના NGOમાં નોકરી લીધી. અહીં કામના કલાકો તો વધારે જ હતા; પણ કામ બહુ ગમતું. ગુજરાતભરમાં ફેલાયેલા NGOને સારી અને સસ્તી દવાઓ પૂરી પાડવા ઉપરાંત પાયાની દવાઓ વિશે હું લખતી થઈ. કદાચ મને પહેલી વાર અહીં લખવાની, હેલ્થ વર્કર્સને ભણાવવાની તક મળી. NGOમાં કામ કરતાં કરતાં શાળા સ્વાસ્થ્ય કાર્યક્રમના મારા પ્રકલ્પ અંતર્ગત મેં 1989માં વડોદરાની 28 શાળાના વિજ્ઞાન શિક્ષકોની એક તાલીમ રાખેલી. WHOના CONCEPT પ્રમાણે હું ભણાવવામાં મશગૂલ હતી. બીજા દિવસે એક શિક્ષક શંકરભાઈ પટેલે મારા માથે હાથ મૂકીને કહ્યું, ‘તમે કદી શિક્ષક થવા વિચાર્યું છે?’ મેં કહ્યું, ‘ના’. ‘તો વિચારો. YOU ARE A BORN TEACHER’. હું તેમને તાકી રહી ! પણ કુદરત જાણે દાવ ગોઠવી રહી હોય એમ હું 1990માં MA થઈ અને સિતાંશુ મહેતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર થઈને ગયા. એમની ખાલી પડેલી જગા પર મને હંગામી ધોરણે નોકરી મળી ગઈ! આ સાવ અનાયાસ થયું. જાણે ‘જાતે થે જાપાન; પહોંચ ગયે ચીન’ જેવું જ કંઈક.

1992માં સુરતની એમ.ટી.બી. આર્ટ્સ કૉલેજમાં કાયમી નોકરી મળી પછી કાયમ ‘વર્ગ જ મારું સ્વર્ગ’ બન્યો. લખવાનું સાવ અનાયાસે થતું રહ્યું. પિતા વિશે 1988માં એક લેખ લખેલો જે ઘણાને બહુ ગમ્યો. પછીથી સુરેશ દલાલ અને મહેશ દવેના સમ્પાદનો નિમિત્તે જીવનનાં સંભારણાં આલેખાતાં ગયાં અને લોકોને ગમ્યાં ય ખરાં. લાગે તેવું મોઢે કહેવાની નાનેથી ટેવ. પુસ્તક સમીક્ષામાં રમણ સોની મારા ગુરુ. સત્ય અપ્રિય લાગે તે રીતે જ કહેવાની મારી આવડતે મને ખાસ્સી અપ્રિય બનાવી. શિરીષભાઈએ કેળવેલી અનુવાદની આવડતે, મારી પાસે સંતોષ થાય એવાં કામ કરાવ્યાં. વિવેચનોથી બહુ લોકોને નારાજ કર્યા એટલે હવે ધીરે ધીરે એ છોડી રહી છું. સામ્પ્રત વિશેની મથામણો, અનુવાદો અને જીવનના અનુભવો વિશે લખવું મને ગમે છે અને લોકોને પણ કદાચ એમાં જ વધું રસ પડે છે.

આજે જિન્દગીના જે મુકામ પર હું ઊભી છું ત્યાં મને સૌથી વધુ સન્તોષ શિક્ષક તરીકેનો છે. છેલ્લાં બાવીસ વર્ષથી વર્ગમાં અને વર્ગ પત્યા પછી પણ ભણાવ્યું છે. અભ્યાસક્રમ ઉપરાંત બીજાં અનેક પુસ્તકોની ચર્ચા કરી છે, સામ્પ્રત સમસ્યાઓ ચર્ચી છે રવિવારે કે રાત્રે આ વીદ્યાર્થીઓને સારી ફિલ્મો બતાવી છે, જૂથચર્ચાઓ ગોઠવી છે. 1991થી 2009 સુધી કૉલેજની હૉસ્ટેલ જ મારું ઘર હતી. વિદ્યાર્થીઓનાં ટોળાં વચ્ચે મારા ચોવીસ કલાક જતા હતા. શિક્ષકે વિદ્યાર્થી પાસે આખા ને આખા ઠલવાઈ જવાનું હોય એવું હું મારા ગુરુઓ પાસે શીખી હતી. ને નસીબે મને એવા વિદ્યાર્થીઓ પણ મળ્યા. જ્યાં ઠલવાઈ જવું લેખે લાગે. 18 વર્ષના મારા હૉસ્ટેલ નિવાસે મને કેટલી દીકરીઓ મળી એની ગણતરી ન માંડી શકું. મારા એક અવાજે દોડી આવે એવા વિદ્યાર્થીઓએ મને કદી એવું નથી લાગવા દીધું કે હું આ શહેરમાં સાવ એકલી રહું છું. કારકિર્દીનો સૂર્ય તો ઠીક છે મારા ભાઈ, પણ આ સાર્થકતા જીવવાનું બળ આપે છે, આ વિદ્યાર્થીઓ અને મિત્રો ટકાવી રાખે છે, આટલી શારીરિક પીડા વચ્ચે પણ. દર વર્ષે વર્ગમાં ઊભરાતા નવા ચહેરા, તેમની આંખોની ચમક મને ચાનક ચડાવે છે નવું વાંચવા, વિચારવા, અખતરા કરવા. નવી ફિલ્મો, નાટકોની વાતો કરવા. આ વિદ્યાર્થીઓ મારી તાકાત છે, મારી પ્રેરણા પણ. હું સતત કોશિશ કરતી રહું છું એમને સાચુકલા માણસ બનાવવાની. દુનિયાના તમામ ધર્મોની સારી વાતો કરીને, ભારતીય સંસ્કૃતિની, માનવીય મૂલ્યોની. ઇતિહાસ સાથે સામ્પ્રત પ્રશ્નો સાંકળી સાચી સમજ સુધી એમને લઈ જવા હું મથતી રહું છું. સાંકડા વર્તુળમાંથી બહાર કાઢવા, એમને નર્યા માણસ બનાવવા હું હાંફી જાઉં ત્યાં સુધી મથ્યા કરું છું. આ બધી વાતો વર્ગમાં, લોબીમાં અને સમય મળ્યે સાંજે પણ થતી રહે છે. પરીક્ષાલક્ષી તૈયારીમાં જ જેને રસ હોય એવા વિદ્યાર્થીને તો મહિનામાં સંતોષી શકાય. પણ હું માનું છું કે શિક્ષકે વ્યક્તિત્વ ઘડતર કરવાનું હોય છે. હા. મારા ગુરુ જેવા ટકોરાબંધ વિદ્યાર્થીઓ હજી હું નથી ઘડી શકી; પણ મારી સફર હજી જારી છે ને હું હજી થાકી નથી. જ્યાં સુધી એકાદ ઝીલનાર પણ હશે ત્યાં સુધી હું આમ જ ઠલવાતી રહીશ.

હજી તો બીજાં એક સો વર્ષની જરૂર પડે એટલું વાંચવાનું બાકી છે, થોડું લખવાનું બાકી. હા. શરીરની પીડાઓ વધતી જ જાય છે. પણ સાવ નાનેથી એક વાત મનમાં ઘર કરી ગયેલી કે ‘રસ્તામાં રોડાં આવે તો ઝરણું વહેણ બદલે, ફંટાય; પણ વહેતું બંધ ન થઈ જાય. મારું પણ કંઈક એવું જ છે. અનેક અવરોધો આવ્યા, વહેણ ફંટાયું જરૂર; પણ જિન્દગીમાં આગળ વધવાની ગતિ અવરોધાઈ નહીં. મને ખાતરી છે કે આગળ વધવા માગનારાને દુનિયાની કોઈ તાકાત રોકતી નથી.

[એમના પુસ્તક ‘સંબંધોનું આકાશ’ (પ્રકાશક : ‘ગુર્જર પ્રકાશન’ : ઉલ્લાસભાઈ મનુભાઈ શાહ, 202–તીલકરાજ, પંચવટી, પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ–380 006, ફોન : 079-2656 4279, ત્રીજી સંવર્ધિત આવૃત્તિ : 2015; પાનસંખ્યા : 94+10; મૂલ્ય : 100 રૂપિયા) પુસ્તકમાંનો આ સોળમો લેખ, સાભાર.]

સર્જક સમ્પર્ક :

(Professor and Head of Gujarati Department, Veer Narmad South Gujarat University, Surat -395 007)

Resi.dence – B-402, Vaikunth Park, B/H Bejanwala Complex, Cause-Way Road, Tadwadi, Surat-395 009

eMail : skvijaliwala@yahoo.com

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ ચૌદમું – અંકઃ 423 –March 31, 2019

Loading

એક ક્રાંતિકારી અને સંવેદનશીલ ગીતકાર શૈલેન્દ્ર

રમાધીર સિંહ|Opinion - Opinion|27 March 2019

ભારતીય જન નાટ્ય સંઘ(ઈપ્ટા)એ અઢળક ટેલેન્ટેડ કલાકાર, ગીતકાર અને નિર્દેશક આપ્યા છે. શૈલેન્દ્ર પણ આવા જ એક ગીતકાર હતા કે જેમનો સાહિત્યિક ઉછેર ઈપ્ટામાં થયો અને તેઓ ઈપ્ટા થકી ફિલ્મી દુનિયામાં પહોંચ્યા. શૈલેન્દ્ર એક ક્રાંતિકારી અને સંવેદનશીલ ગીતકાર હતા. તેઓ ખરા અર્થમાં પ્રગતિશીલ જનકવિ હતા. તેમની કવિતાઓમાં સામાજિક ચેતના અને રાજનૈતિક જાગૃતિ સ્પષ્ટરૂપે જોવા મળે છે. તેમના મોટાભાગના ગીતો પણ જિંદગી અને જન-આંદોલનની ઉપજ રહ્યા છે.

ગીતકાર શૈલેન્દ્રનો જન્મ તારીખ 30 ઓગસ્ટ 1923ના રોજ આજના પાકિસ્તાનના પંજાબમાં થયો હતો. તેમણે બોલિવૂડમાં વર્ષ 1950-60ના દાયકાની અનેક ફિલ્મોમાં અર્થપૂર્ણ ગીતોની રચના કરી. શૈલેન્દ્રએ જે ફિલ્મો માટે ગીતો લખ્યાં તેમાં શ્રી 420, ગાઈડ, અનાડી, આવારા, તીસરી કસમ, યહૂદી, કાલા બઝાર જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમણે રાજ કપૂરની અનેક ફિલ્મોમાં ગીતકાર તરીકે શ્રેષ્ઠ યોગદાન આપ્યું. તારીખ 14 ડિસેમ્બર, 1966ના રોજ માત્ર 43 વર્ષની ઉંમરે શૈલેન્દ્રનું મુંબઈ ખાતે નિધન થયું હતું.

રાજ કપૂરની સાથે શૈલેન્દ્રની મુલાકાત કેવી રીતે થઈ અને તેમનો ફિલ્મોમાં પ્રવેશ કેવી રીતે થયો તેનો કિસ્સો કંઈક આ પ્રકારે છે. મુંબઈમાં ઈપ્ટાએ એક કવિ સંમેલનનું આયોજન કર્યું હતું કે જેમાં શૈલેન્દ્ર તેમનું ગીત 'જલતા હે પંજાબ સાથીઓ …' વાંચી રહ્યા હતા. ત્યાં શ્રોતાઓમાં રાજ કપૂર પણ સામેલ હતા અને તેમને આ ગીત ખૂબ જ પસંદ પડ્યું. આ કવિ સંમેલન પૂર્ણ થયા બાદ રાજ કપૂર, શૈલેન્દ્રને મળ્યા અને પોતાની ફિલ્મોમાં ગીતો લખવા માટેની શૈલેન્દ્રને રજૂઆત કરી. ત્યારે ગીતો લખવાની રાજ કપૂરની રજૂઆતને શૈલેન્દ્રએ એવું કહીને નકારી દીધી કે હું પૈસા માટે નથી લખતો અને એવી કોઈ વાત પણ નથી કે મને તમારી ફિલ્મોમાં ગીતો લખવા માટેની પ્રેરણા મળે. પરંતુ, એક સમય એવો આવ્યો કે જ્યારે શૈલેન્દ્ર આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા અને તેઓને પૈસાની તાત્કાલિક જરૂરિયાત હતી માટે તેઓ રાજ કપૂર પાસે પહોંચ્યા. રાજ કપૂર તે દરમિયાન તેમની ફિલ્મ 'બરસાત' બનાવી રહ્યા હતા. આ ફિલ્મ માટેના 6 ગીતો હસરત જયપુરી લખી ચૂક્યા હતા અને બાકીને 2 ગીતોની જરૂરિયાત હતી કે જે શૈલેન્દ્રએ લખી આપ્યા.

શૈલેન્દ્રએ તેમના ફિલ્મી જીવનમાં કુલ મળીને 28 અલગ-અલગ સંગીતકારોની સાથે કામ કર્યું, જે પૈકી સૌથી વધુ ફિલ્મો તેમણે સંગીતકાર શંકર-જયકિશનની સાથે કરી. આ કિસ્સો ખૂબ ઓછા લોકો જાણતા હશે કે રાજ કપૂરની ફિલ્મ 'આવારા'નું શીર્ષક ગીત શૈલેન્દ્રએ ફિલ્મની વાર્તા સાંભળ્યા વિના લખી નાખ્યું હતું. આ ગીત જ્યારે રાજ કપૂરને પહેલીવખત સંભળાવ્યું ત્યારે તેમણે આ ગીતને મંજૂરી આપી નહોતી. જ્યારે આ ફિલ્મ બની ગઈ ત્યારે રાજ કપૂરે ફરીવખત આ ગીત સાંભળ્યું અને ફિલ્મના લેખક ખ્વાજા અહમદ અબ્બાસને પણ સંભળાવ્યું. આ ગીત સાંભળતા જ ખ્વાજા અહમદ અબ્બાસે કહ્યું કે આ તો ફિલ્મનું મુખ્ય ગીત હોવું જોઈએ. ત્યારબાદ આ ગીતે દેશ-વિદેશમાં ઇતિહાસ રચ્યો હતો એ તો આપણે જાણીએ જ છીએ. ગીતો લખવા માટેની શૈલેન્દ્રની રચનાત્મક પ્રક્રિયા પણ અજીબ હતી, તેઓ લખવા માટે સવારે ચાર-પાંચ વાગ્યે ઊઠીને દરિયાકિનારે જઈને બેસી જતા હતા. તેઓ લખવા માટે કાગળ લઈને નહોતા જતા, પરંતુ સિગારેટની ડબ્બી અથવા તો તેના પેકેટના કાગળ પર તેમણે અનેક શાનદાર ગીતોની રચના કરી છે. શૈલેન્દ્ર મોટાભાગે સંગીતની ધૂન પર ગીતોની રચના કરતા હતા, સંગીતકાર પહેલા તેમને કોઈએક ધૂન સંભળાવતા હતા અને તેના આધારે તેઓ ગીત લખતા હતા.

શૈલેન્દ્રનો જન્મ અવિભાજિત ભારતના રાવલપિંડી શહેરમાં એક દલિત પરિવારમાં થયો હતો, તેમના પિતાનું મૂળ વતન બિહાર હતું. પરંતુ, સેનામાં નોકરીના કારણે તે સમયે તેઓ ત્યાં વસવાટ કરી રહ્યા હતા. બાદમાં શૈલેન્દ્રનો પરિવાર ઉત્તર પ્રદેશના મથુરામાં આવી પહોંચ્યો. શૈલેન્દ્રનું બાળપણ સુવિધાઓના અભાવ અને સંઘર્ષમાં પસાર થયું હતું, તેમણે સ્કોલરશિપ મેળવી અને ટ્યુશનો કરાવીને પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. અભ્યાસની સાથે-સાથે તેમનું મન કવિતાઓમાં રમતું હતું અને તેઓ કવિ સંમેલનની મુલાકાત લેવાનું ચૂકતા નહોતા. આખરે એક સમય એવો પણ આવ્યો કે જ્યારે શૈલેન્દ્ર પોતે કવિતા લખવા માંડ્યા અને કવિ સંમેલનોમાં એક કવિ તરીકેની પોતાની છબી સ્થાપિત કરી.

શૈલેન્દ્રએ દેશ-વિદેશની ભાષાઓના ઉત્કૃષ્ટ સાહિત્યનું અધ્યયન કર્યું અને તેઓ અનેક ભાષાઓના જાણકાર હતા. શૈલેન્દ્ર પર માર્ક્સવાદી વિચારકો અને રશિયન સાહિત્યનો ભારે પ્રભાવ પડ્યો. વર્ષ 1941માં શૈલેન્દ્રની પ્રથમ કવિતા સાહિત્યિક પત્રિકા 'સાધના'માં છપાઈ અને ત્યારબાદ એક કવિ તરીકેનો તેમનો રસ્તો ખૂલી ગયો. ત્યારબાદ તેમની કવિતાઓ તે સમયના પ્રમુખ મેગેઝિન જેવા કે 'હંસ', 'ઘર્મયુગ', 'સાપ્તાહિક હિંદુસ્તાન' અને 'માધુરી' વગેરેમાં છપાઈ. આ તે સમય હતો કે જ્યારે દેશમાં સ્વતંત્રતા આંદોલન ચાલી રહ્યું હતું, તેમાં પણ શૈલેન્દ્રએ ભાગ લીધો અને તેઓ જેલમાં પણ ગયા. શૈલેન્દ્રના એકમાત્ર કવિતા સંગ્રહનું નામ 'ન્યૌતા ઔર ચુનૌતી' છે કે જેમાં 32 કવિતા અને જનગીતનું સંકલન છે. આ સંકલન મરાઠીના પ્રસિદ્ધ લોકગાયક જનકવિ અણ્ણાભાઉ સાઠેને સમર્પિત છે. વર્ષ 1945થી 1954ની વચ્ચે લખવામાં આવેલી આ સંગ્રહની મોટા ભાગની કવિતાઓ અને ગીતો પર જન આંદોલનોનો પ્રભાવ જોવા મળે છે. 

શૈલેન્દ્રએ ફણીશ્વરનાથ 'રેણુ'ની વાર્તા 'મારે ગએ ગુલફામ' આધારિત 'તીસરી કસમ' નામની ફિલ્મની રચના કરી. આ ફિલ્મ વર્ષ 1966માં રિલીઝ થઈ હતી અને તેનું દિગ્દર્શન બાસુ ભટ્ટાચાર્યે કર્યું હતું. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં રાજ કપૂર અને વહિદા રહેમાન હતાં અને ફિલ્મની પટકથા પણ ફણીશ્વરનાથ 'રેણુ'એ લખી હતી. જ્યારે આ ફિલ્મના પ્રોડ્યુસર શૈલેન્દ્ર હતા. આ ફિલ્મને નેશનલ અને ઈન્ટરનેશનલ એવોર્ડ મળ્યા હતા. પરંતુ, આ ફિલ્મ બોક્સઓફિસ પર ફ્લોપ રહી અને શૈલેન્દ્ર શરાબના નશામાં ડૂબી ગયા. 14 ડિસેમ્બર 1966ના રોજ માત્ર 43 વર્ષની ઉંમરે શૈલેન્દ્રએ આ દુનિયાને અલવિદા કહી દીધું. શૈલેન્દ્રના મૃત્યુથી તેમના ખાસ મિત્ર રાજ કપૂરને ખૂબ દુ:ખ થયું અને તેમણે કહ્યું કે ભારતની સમગ્ર જનતા આ મહાન કલાકારને ક્યારે ય ભૂલી નહીં શકે કારણકે શૈલેન્દ્ર દેશની જનતાના કવિ હતા. 

[‘પિય્યર પરફેક્ટ’ નામક કટાર, “નવગુજરાત સમય”, 27 માર્ચ 2019]

Loading

વડા પ્રધાનોના પોલિટીકલ ઇન્ટરવ્યુ કેવી રીતે થાય: એક લેસન …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|26 March 2019

“વડા પ્રધાનપદના પહેલા વર્ષ દરમિયાન, રાજીવ ગાંધી સરળતાથી પ્રેસને મળતા હતા અને છૂટથી સવાલ-જવાબ કરતા હતા. બીજા વર્ષે એ નિખાલસતા ઝાંખી પડવા લાગી હતી. અને ત્રીજા વર્ષે એમના દોસ્તો અને શાસનની આસપાસ કૌભાંડો ચોંટવા લાગ્યાં, ત્યારે તો એ સાવ જ અદ્રશ્ય થઇ ગયા."

૧૩-૧૮ નવેમ્બર, ૧૯૮૮ના 'સંડે' મેગેઝીનમાં રાજીવ ગાંધીના ૧૯ પાનાંના ઈન્ટરવ્યુની શરૂઆત આ રીતે થાય છે. પૂરી દુનિયામાં વડાપ્રધાનો અને પ્રેસિડેન્ટ એમના ગમતા પત્રકારો સાથે એમને ગમતા સવાલોના જવાબો આપવા કુખ્યાત છે, ત્યારે टઆનંદ બાઝાર પત્રિકાटવાળા અવીક સરકાર અને વીર સંઘવીના (અત્યારે બંધ થઇ ગયેલા) 'સન્ડે' સાપ્તાહિકનો આ ઇન્ટરવ્યુ એક લેશન છે કે પોલિટિકલ ઇન્ટરવ્યુ કેવા હોવા જોઈએ.

એની પ્રસ્તાવનામાં 'સન્ડે' લખે છે, " એમની મિ. ક્લીનની ઈમેજ ઝાંખી પડવા લાગી એટલે રાજીવ ગાંધી મીડિયાથી આઘા થઇ ગયા. અંગ્રેજી પબ્લિકેશન માટે એક માત્ર ઇન્ટરવ્યુ તેમણે કર્યો હતો, તે પણ સંબંધિત મંત્રીઓએ આપેલા લેખિત જવાબોવાળો હતો."

'સન્ડે'નો ઈન્ટરવ્યુ એ માટે નોધપાત્ર છે કે, એક તો એમાં વડા પ્રધાનને અઘરા સવાલો પૂછવામાં આવ્યા હતા અને અમુક સવાલોના જવાબમાં તો ઊલટતપાસ જ થઇ હતી. બીજું એ કે, બંને પત્રકારો ગાંધી પરિવાર સાથે મિત્રાચારીવાળા હતા, છતાં એ સવાલો પૂછી શક્યા હતા.

૧૯ પાનાંઓમાં સરકાર અને સંઘવીએ ગાંધીને સલમાન રશદી, PMO, અરુણ નહેરુ, ગાંધી પરિવાર, મુખ્યમંત્રીઓ, બોફોર્સ, હિન્દુજા બંધુઓ, ભ્રષ્ટાચાર, સતીશ શર્મા, અમિતાભ બચ્ચન, નાણા મંત્રાલય, આર્થિક નીતિ અને દૂરદર્શન જેવા, તે વખતના ગરમાગરમ મુદ્દાઓ ઉપર, ઘેર્યા હતા.

૧૯ પાનાંઓના આ સંવાદમાં બંને પત્રકારોએ કુલ ૨૦૮ વખત દરમિયાનગીરી કરી હતી (ચાલુ વાતે સવાલો પૂછ્યા હતા).

સેમ્પલ:

૧. પ્રાઈમ મિનિસ્ટર, તમે પરિવર્તનના અને પારદર્શક સરકારના વાયદા પર ચુંટાઈને આવ્યા હતા, જેમાં દરેક પ્રકારના આઇડિયાનું સિંચન થાય. પણ થોડા જ દિવસો પહેલાં તમારી સરકારે એક મહત્ત્વના લેખકની મહત્ત્વની નવલકથા(સલમાન રશદીની સેતાનિક વર્સીસ)ને પ્રતિબંધિત કરી દીધી. આ બરાબર છે? ( આ સવાલની સાથે બીજા સાત પૂરક સવાલો થયા હતા.)

૨. તમારી સામે જે સતત આક્ષેપ થાય છે, તેમાં એક એ છે કે બહુ બધો પાવર PMOના હાથમાં છે. PMOએ સિસ્ટમમાં આટલા બધા ઊંડા ઊતરવું જોઈએ? (આની સાથે બીજા પાંચ પૂરક સવાલો પૂછવામાં આવ્યા હતા.)

૩. તમે પરિવર્તનના વાયદા સાથે આવ્યા તેનો સંદર્ભ એ આશા સાથે છે કે તમે ભારતને નવી સદીમાં જવા માટે માટે તૈયાર કરશો. તમે ૨૧મી સદીની વાત કરી હોય એને ય વહાણાં વાઈ ગયાં.

૪. અરુણ નહેરુ હવે તમારા વિરોધી નેતા છે. એમને કેમ પડતા મુકવામાં આવ્યા હતા, એ કહી શકશો? (૨૪ પૂરક સવાલો.)

૫. એવું કહેવાય છે કે પી. શિવ શંકર (જે બિનલોકતાંત્રિક કાયદાઓ ઘડવા માહેર છે) તમારી સરકારમાં 'ચંડાળ ચોકડી'ના નામથી એક ગ્રુપની નેતાગીરી કરે છે. શિવ શંકર જેવા માણસની મદદથી તમે ભારતનું નિર્માણ કરશો? (૧૦ પૂરક સવાલો.)

૬. તમે મેનકા ગાંધી કે ભત્રીજા વરુણ ગાંધી સાથે ક્યારે ય વાત કરો છો? (૮ પૂરક સવાલો.)

૭. ભ્રષ્ટાચારની વાતમાં, તમે કૉન્ગ્રેસના મુખ્ય પ્રધાનોને બિન-કૉન્ગ્રેસી CM સાથે કેવી રીતે સરખાવો છો? તમને લાગે છે જ્યોતિ બસુ પક્ષ માટે પૈસા લે છે?

૮. તમે સિસ્ટમને સાફ કરવાના વાયદા સાથે આવ્યા હતા. તમને મિ. ક્લીન પણ કહેવામાં આવ્યા હતા. હવે તમારી સામે ભ્રષ્ટાચારના આરોપ થયા છે. શું કહેશો?

૯. બોફોર્સની વાત કરીશું? કોઈક તો રૂપિયા ૬૪ કરોડ લઇ ગયું છે. સ્વિત્ઝરલેન્ડના ગોપનીયતાના કાનૂનના બહાના બતાવવા સિવાય અને ઇન્કાર કર્યા સિવાય સરકારે બીજું શું કર્યું છે? (૨૪ પૂરક સવાલો.)

૧૦. અમિતાભ બચ્ચનને રાજકારણમાં લાવવાનો તમને પસ્તાવો થાય છે? (છ પૂરક સવાલો.)

૧૧. તમે PM બન્યા, ત્યારે રૂપિયો ૧૪.૪૦ હતો. આજે ૨૬.૧૦ છે.

૧૨. તમે હમણાં દૂરદર્શનને જોયું છે? (૧૦ પૂરક સવાલો.)

(“ઇન્ડિયન જર્નાલિઝમ રિવ્યુ”માંથી)

https://www.facebook.com/raj.goswami.31/posts/2389730631077266

Loading

...102030...2,8742,8752,8762,877...2,8802,8902,900...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved