Opinion Magazine
Number of visits: 9577547
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઘડીકનો રાજીપો અને કાયમી ઉકેલ

રમેશ ઓઝા|Opinion - Opinion|28 February 2019

દીવા જેવું ઉઘાડું સત્ય નજરે પડતું હોય અને એ સત્ય છે એની ખાતરી હોય તો વારંવાર થાક્યા વિના એને કહેતા રહેવું જોઈએ. સત્ય એ છે કે બાલાકોટની આગળ ડૅડ એન્ડ છે. એવો ડૅડ એન્ડ નથી કે આગળ જઈ જ ન શકાય, પણ આગળ વધવામાં દોજખ સિવાય કાંઈ હાથ આવવાનું નથી. જે સમજે છે, વિચારે છે અને વિવેકી છે તેમણે મોટે મોટેથી ચેતવણી આપવી જોઈએ. શાસકોને નહીં, શાસકો કરતાં વધુ પ્રજાને. માટે ભારતે બે કામ કરવાં જોઈએ. એક એ કે ભારતે જે હુમલો કર્યો હતો એ સ્વરક્ષણ માટેનો હતો, એ તેનો અધિકાર છે અને બીજા દેશોએ પણ આવા આધિકારનો ઉપયોગ કર્યો છે; એટલે નવું કાંઈ કર્યું નથી એવું વિશ્વદેશોને સમજાવવું જોઈએ. બીજું એ કે પાકિસ્તાન કોઈ સાહસ ન કરે એ માટે વિશ્વદેશો પાકિસ્તાન પર દબાણ લાવે એ માટે પ્રયાસ કરવો જોઈએ. ભારત આ પહેલાં જ આવા પ્રયાસ કરતું હશે એમ માનવાને કારણ છે. ભારત માટે આના કરતાં બીજો કોઈ વહેવારુ માર્ગ નથી.

૨૦૦૮માં મુંબઈ પર ત્રાસવાદીઓએ હુમલો કર્યો ત્યારે પાકિસ્તાન પર હુમલો કરવા માટે ભારત પાસે વધારે મોટું કારણ હતું, પરંતુ ત્યારે વિશ્વદેશોએ, ખાસ કરીને અમેરિકાએ ભારત પર દબાણ કર્યું હતું કે ભારત કોઈ ઉતાવળું પગલું ન લે. ૨૦૦૮ પછીથી વારંવાર માગણી કરવામાં આવતી હતી કે ભારતે નોન મિલિટરી પ્રી-એમ્પ્ટીવ હુમલાનો માર્ગ અપનાવવો જોઈએ. જો અમેરિકા અને બીજા દબંગ દેશો આ માર્ગ અપનાવે તો ભારત શા માટે નહીં? પરિસ્થિતિમાં ગુણાત્મક ફરક ભલે ન પડે પણ આપણે પથ્થરનો જવાબ ઈંટથી આપી શકીએ એવા દબંગ છે એ તો દેખાડી આપવું જોઈએ.

દેખાડી આપવાની લાલચ ઘણી મોટી છે અને તેનાથી બચવા માટે ખૂબ સંયમની જરૂર પડતી હોય છે. આ સિવાય વાસ્તવિકતાનો પણ વિચાર કરવો જોઈએ અને વાસ્તવિકતા એ છે કે આના દ્વારા વેર લેવાના માનસિક સમાધાનથી વધુ કાંઈ જ હાથમાં આવવાનું નથી. આ હું નથી કહેતો, ત્રાસવાદ સામેની લડતનો જગતનો ઇતિહાસ કહે છે. ભારતે આજે જે કર્યું છે એ અમેરિકા અને અમેરિકાની સાથે મળીને યુરોપના કેટલાક દેશો ત્રણ દાયકાથી કરતા આવ્યા છે અને છતાં જગતને ત્રાસવાદથી મુક્તિ નથી મળી. ઈરાન, ઈરાક, લીબિયા, સીરિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન જેવા મુસ્લિમ દેશો અને ઇઝરાયલ દ્વારા લેબેનોન જેવા દેશોમાં અમેરિકા અને બીજા દેશો સીધી લશ્કરી દરમિયાનગીરી કરતા આવ્યા છે. આ ઉપરાંત આર્થિક તેમ જ લશ્કરી નાકાબંધીનો માર્ગ અપનાવવામાં આવ્યા છે.

કેટલાક દેશોમાં તો પસંદ કરેલા આગળિયાતોની સરકાર રચીને આમ આડકતરું પણ વ્યવહારમાં સીધું શાસન કરવાનો પણ પ્રયાસ કરાયો છે, પણ પરિણામ? પરિણામ શૂન્ય. આનો ખૂબ લાંબો ઇતિહાસ છે અને એ ઇતિહાસ એટલો જ વાંઝિયો છે. જે દેશો ભારત કરતાં ત્રણ દાયકા પહેલાં દબંગગીરી કરીને નઠારાઓને સુધારવા નીકળ્યા હતા એ જ દેશો હવે કહે છે કે અમે શું કામ અમારા સૈનિકોને ખુવાર કરીએ? પહેલા અમેરિકાના મિત્ર દેશોમાં આવી માગણી ઊઠી. એ દેશોમાં લશ્કર મોકલવા સામે વિરોધ થવા લાગ્યો. અમેરિકાને ફોજદારી કરવી હોય તો કરે આપણા સૈનિકો શું કામ ખુવાર થાય? આજે સ્થિતિ એવી છે અમેરિકા પોતે જ સૈનિકો પાછા ખેંચી રહ્યું છે અને ડોનાલ્ડ ટ્રમ્પ તો કહે છે કે અમેરિકા હવે પછી તેના સૈનિકોને બીજા દેશમાં નહીં મોકલે. અમને હાથ નહીં લગાડવાનો, બાકી જગતનો અમે કોઈ ઠેકો નથી લીધો.

સમસ્યા અહીં છે. પાકિસ્તાન કે પાકિસ્તાન પુરસ્કૃત ત્રાસવાદીઓ સીધો ભારતને હાથ લગાડી રહ્યા છે અને ભારત તેનાથી ત્રસ્ત છે. ૧૯૮૦માં પંજાબમાં ખાલિસ્તાન માટેની માગણી સાથે ત્રાસવાદી પ્રવૃત્તિ શરૂ થઈ ત્યારથી ભારત તેનો અનુભવ કરી રહ્યો છે. અમેરિકાને હાથ લગાડવો અનેક કારણે અઘરો છે, જ્યારે ભારત માટે એ રોજિંદી ઘટના છે.

સવાલ એ છે કે ઉપાય શું છે? યુદ્ધ એ ઉપાય નથી. જો એનાથી પરિણામ મળવાનું હોત તો મળી ચૂક્યું હોત. આત્મરક્ષણ કે પાઠ ભણાવવાના નામે હુમલાઓ કરવનો પણ કોઈ અર્થ નથી, કારણ કે અમેરિકાએ ૪૧૫ ડ્રોન એટેક અને બીજા હુમલાઓ કર્યા પછી પણ કોઈ પરિણામ આવ્યું નથી. અમેરિકાએ ઈરાક અને અફઘાનિસ્તાન પર બે વરસ પ્રોક્સી દ્વારા રાજ કર્યું હતું અને છેવટે ખાલી હાથે નાક કપાવીને પાછુ આવવું પડ્યું હતું.

અહીં વિચારવું જોઈએ કે શા માટે પરિણામ નથી આવતું? શા માટે ત્રાસવાદનો અંત નથી આવતો? કઈ ચીજ ત્રાસવાદને પોષે છે? પાકિસ્તાન ત્રાસવાદને પોષે છે એ સાચો જવાબ નથી. એ સમસ્યાનું સરળીકરણ થયું, એમાં સાંગોપાંગ સમજનો અભાવ છે. પાકિસ્તાન અને બીજા મુસ્લિમ દેશોના શાસકો જો ત્રાસવાદને અને ત્રાસવાદીઓને પોષે છે તો શા માટે પોષે છે? સરવાળે એ દેશોને કોઈ લાભ થાય છે કે પછી તે પણ ત્રાસવાદથી ગ્રસ્ત અને ત્રસ્ત છે? અને હજુ એક મહત્ત્વનો સવાલ. ત્રાસવાદ શું મુસ્લિમ દેશોમાં જ છે કે બાકીની દુનિયામાં પણ ત્રાસવાદ અનેક ચહેરા ધારણ કરીને મોજૂદ છે? એ ચહેરાઓનું સ્વરૂપ શું છે અને તેનાં કારણો શું છે? આ પ્રશ્નોના જવાબ શોધવા જ પડશે. તેનાથી બચી શકાય એમ નથી. જ્યાં સુધી પ્રમાણિક ઉત્તર શોધવામાં નહીં આવે અને પ્રામાણિક ઈલાજ કરવામાં નહીં આવે ત્યાં સુધી દબંગગીરીનું સુખ મળશે, કાયમ માટેની શાંતિનું સુખ મળવાનું નથી. ગમે ત્યારે હુમલો થઈ શકે છે અને એ બાલાકોટ પછીની પણ વાસ્તવિકતા હશે. અમેરિકા પણ હવે દબંગગીરીના છેતરામણા સુખથી કંટાળી ગયું છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 28 ફેબ્રુઆરી 2019

Loading

સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ જોઇને અસંતોષ થાય, પ્રશ્નો થાય, શંકા થાય એ લોકશાહી માટે શુભ સંકેત નથી, પણ દુર્ભાગ્યે આજની એ વાસ્તવિકતા છે

રમેશ ઓઝા|Opinion - Opinion|17 January 2019

સી.બી.આઈ.નો મામલો સર્વોચ્ચ અદાલતમાં ગયો એ પછી સર્વોચ્ચ અદાલતે બે નિર્ણય લેવાના હતા. એક તો એ કે કેન્દ્ર સરકાર વડા પ્રધાન, સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ કે તેમના પ્રતિનિધિ જજ અને વિરોધ પક્ષના નેતાના બનેલા કોલેજિયમમાં ચર્ચા કર્યા વિના અને બહુમતી નિર્ણય લીધા વિના કેન્દ્રીય દક્ષતા આયુક્તની ભલામણના આધારે સી.બી.આઈ.ના વડાને હટાવી શકે ખરી? જો નિયુક્ત ન કરી શકે તો હટાવી શકે કેવી રીતે? આલોક વર્માએ આ મુદ્દો અદાલતમાં ઉપસ્થિત કર્યો હતો. બીજો મુદ્દો એ હતો કે કેન્દ્રીય દક્ષતા આયુક્તને સી.બી.આઈ.ના વડા સામે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપ હોય તો તેની તપાસ કરવાનો અધિકાર ખરો? અને જો હોય તો તેણે તેનો અહેવાલ કેન્દ્ર સરકારને આપવાનો હોય કે કોલેજિયમને?

આલોક વર્માએ દક્ષતા આયુક્ત કે.વી. ચૌધરીની તટસ્થતા વિષે શંકા કરીને માગણી કરી હતી કે આયુક્ત જે કાંઈ તપાસ કરે એ સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત કોઈ વ્યક્તિની દેખરેખ હેઠળ થવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે એ માગણી માન્ય રાખીને સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ એ.કે. પટનાયકને દક્ષતા આયુક્ત દ્વારા કરવામાં આવતી તપાસ પર નજર રાખવાનું કહ્યું હતું. એ પછી આલોક વર્માએ ન્યાયમૂર્તિ પટનાયકને કહ્યું હતું કે રાકેશ અસ્થાનાને ક્લીન ચીટ આપવાની માગણી સાથે છઠ્ઠી ઓક્ટોબરની રાતે કેન્દ્રીય દક્ષતા આયુક્ત કે.વી. ચૌધરી તેમને મળવા આવ્યા હતા. ચૌધરી વર્માને ઘરે ગયા હતા તેની વર્માના નિવાસસ્થાનની સિક્યુરિટી લોગ બુકમાં એન્ટ્રી મળે છે અને ચૌધરીએ આજ સુધી મુલાકાતનો ઇનકાર પણ કર્યો નથી.

એ પછી આઠમી જાન્યુઆરીએ સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો હતો કે આલોક વર્માને સી.બી.આઈ.ના વડા તરીકે પાછા સ્થાપિત કરવામાં આવે. કેન્દ્ર સરકારે કેન્દ્રીય દક્ષતા આયુક્તની ભલામણના આધારે આલોક વર્માને હટાવી ન શકે. અદાલતે એવો પણ આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી આલોક વર્મા સામેની તપાસનો અહેવાલ ન આવે અને ક્લીન ચીટ ન મળે ત્યાં સુધી આલોક વર્મા માત્ર રોજિંદા વહીવટી કામો જોશે અને કોઈ મોટાં તપાસસંબંધિત નિણર્યો નહીં લે. સર્વોચ્ચ અદાલતના આદેશના પગલે કેન્દ્ર સરકારે ગલ્લાતલ્લાં કર્યા હતા કે આલોક વર્માને હટાવવામાં અમારો કોઈ પૂર્વગ્રહ નહોતો, એ તો દક્ષતા આયોગની ભલામણના આધારે કેન્દ્ર સરકારે વર્માને અને અસ્થાનાને હટાવવાનો નિર્ણય લીધો હતો.

વિસંગતિ હવે આવે છે. દક્ષતા આયુક્તની ભલામણના આધારે કેન્દ્ર સરકાર બારોબાર સી.બી.આઈ. ડાયરેક્ટરને હટાવવાની નિર્ણય ન લઈ શકે એમ કહીને બહાદુરી બતાવતી અદાલત બીજી બાજુ એમ પણ કહે છે કે દક્ષતા આયુક્તના અહેવાલના આધારે દસ દિવસની અંદર આલોક વર્મા વિષે કોલેજિયમ નિર્ણય લે. આટલી ઉતાવળ શેની હતી? તો પછી સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત મોનિટર ન્યાયમૂર્તિ પટનાયકની ભૂમિકાનું શું? જો પટનાયકની કોઈ ભૂમિકા જ નહોતી તો તેમને મોનિટરિંગનું કામ સોંપવું જ નહોતું જોઈતું. સર્વોચ્ચ અદાલતે દસ દિવસમાં આલોક વર્માનું ભવિષ્ય નક્કી કરવાની કોલેજિયમને કહ્યું એ પહેલાં ન્યાયમૂર્તિ પટનાયકને પૂછવું જોઈતું હતું કે આલોક વર્મા સામેના આરોપમાં કોઈ તથ્ય છે કે નહીં? ન્યાયમૂર્તિ પટનાયક જો એમ કહેત કે આલોક વર્મા સામેના ભ્રષ્ટાચારના આરોપમાં તથ્ય છે અને મને દક્ષતા આયુક્તે કરેલી તપાસથી સમાધાન થયું છે તો જરૂર સર્વોચ્ચ અદાલત કોલેજિયમને આલોક વર્મા વિશેનો નિર્ણય લેવાનો આદેશ આપી શકે.

અહીં તો ઊંધો કેસ નીકળ્યો. ન્યાયમૂર્તિ પટનાયકે અભિપ્રાય આપ્યો છે કે કેન્દ્રીય દક્ષતા આયુક્તની તપાસ પક્ષપાતભરી છે અને આલોક વર્મા સામે કોઈ ટકી શકે એવા આરોપ નથી. તેમણે તો કોલેજિયમના સભ્યોએ એક દિવસમાં હજાર કરતાં વધુ પાનાં વાંચી નાખ્યાં એ વિષે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. શા માટે આલોક વર્મા વિષે નિર્ણય લેવાનો કોલેજિયમને આદેશ આપતાં પહેલાં ન્યાયમૂર્તિ પટનાયકને પૂછવામાં ન આવ્યું? શા માટે કોલેજિયમની બેઠકમાં ન્યાયમૂર્તિ પટનાયકનો અભિપ્રાય રજૂ કરવામાં ન આવ્યો. શા માટે આલોક વર્માને તેમનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં ન આવી? આનો અર્થ તો એ થયો કે પહેલાં દક્ષતા આયુક્તની પક્ષપાતભરી ભલામણને આધારે કેન્દ્ર સરકારે આલોક વર્માને તગેડી મૂક્યા અને હવે એ જ દક્ષતા આયુક્તના પક્ષપાતભર્યા અહેવાલના આધારે કોલેજિયમે આલોક વર્માને તગેડી મૂક્યા. પહેલાં ભલામણ હતી અને હવે અહેવાલ હતો. પહેલાં એકલી કેન્દ્ર સરકાર હતી અને હવે કોલેજિયમ. કાનૂન અને સ્વાભાવિક નૈતિકતાના માપદંડથી જુઓ તો કોઈ ગુણાત્મક ફરક નહીં. ખાસ કરીને સર્વોચ્ચ અદાલત દ્વારા જ નિયુક્ત ન્યાયમૂર્તિ પટનાયકને બાય પાસ કરવામાં આવ્યા એ તો હદ હતી.

અને છેલ્લી ઘટના તો પહેલી બે ઘટના કરતાં પણ વધુ શર્મનાક છે. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ અથવા તેમના પ્રતિનિધિ જજ કોલેજિયમમાં ઉપસ્થિત રહી શકે એવી બંધારણીય જોગવાઈ છે. મુખ્ય ન્યાયમૂર્તિ રાજન ગોગોઈએ તેમની જગ્યાએ ન્યાયમૂર્તિ એ.કે. સિકરીને મોકલ્યા હતા. ન્યાયમૂર્તિ સિકરીએ કોલેજિયમમાં એ જોવાનો આગ્રહ નહોતો રાખ્યો કે દક્ષતા આયુક્તના અહેવાલ વિષે સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત મોનિટર ન્યાયમૂર્તિ પટનાયકને શું કહેવાનું છે. તેઓ સર્વોચ્ચ અદાલતના સિટિંગ જજ છે અને સર્વોચ્ચ અદાલતે જ ન્યાયમૂર્તિ પટનાયકને તપાસ પર નજર રાખવાનું કામ સોંપ્યું હતું. બીજું આલોક વર્માને પોતાની બાજુ રાખવાની અને તેને સાંભળવાની કુદરતી ન્યાયની સ્વાભાવિક પ્રક્રિયા પણ એક જજ થઈને તેમને જરૂરી નહોતી લાગી. વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની આવી માગણી છતાં. વડા પ્રધાન તો ઠીક ન્યાયમૂર્તિ સિકરીએ પણ એ સૂચન ફગાવી દીધું હતું અને બે વિરુદ્ધ એકથી આલોક વર્માને તગેડી મૂકવામાં આવ્યા.

આ ઘટનાને હજુ તો ૪૮ કલાક પણ નહોતા વીત્યા ત્યાં બહાર આવ્યું કે મહિના પહેલાં કેન્દ્ર સરકારે તેમને તેમની નિવૃત્તિ પછી કોમનવેલ્થ સેક્રેટેરિયેટમાં આર્બિટ્રલ ટ્રીબ્યુનલમાં નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. ન્યાયમૂર્તિ સિકરી સાતમી માર્ચે નિવૃત્ત થવાના છે અને તેમણે કેન્દ્ર સરકારની ઓફર સ્વીકારવાની સ્વીકૃતિ પણ આપી દીધી છે. આ વાત બહાર આવ્યા પછી ન્યાયમૂર્તિ સિકરી લજવાયા અને જાહેરાત કરી કે તેમની પ્રામાણિકતા વિષે શંકા કરવામાં આવી એનાથી તેઓ વ્યથિત થયા છે અને તેઓ કેન્દ્ર સરકારની નિયુક્તિ નથી સ્વીકારવાના. આ જોઇને બહુ રાજી થવા જેવું નથી. એટલો તેમનો પાડ કે તેઓ લજવાય બાકી ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ સથાશિવમને તો એટલી પણ શરમ નહોતી આવી. અમિત શાહને ક્લીન ચીટ આપીને કેરળના રાજ્યપાલ તરીકે ગોઠવાઈ ગયા હતા.

રાજી થવા જેવું એટલા માટે નથી કે તેમણે કોલેજિયમમાં જોડાવાની ઓફર સ્વીકારતા પહેલાં જાહેર કરવું જોઈતું હતું કે તેમણે નિવૃત્તિ પછીની કેન્દ્ર સરકારની નિયુક્તિ સ્વીકારી છે. જો કોલેજિયમના અન્ય સભ્યો અને આ કેસમાં આલોક વર્મા વાંધો ન લે તો તેઓ જોડાઈ શકે અન્યથા નહીં. ન્યાયતંત્રમાં આ સ્વાભાવિક છે. હજુ હમણાં અયોધ્યાનો કેસ સાંભળવા માટે રચાયેલી બેન્ચમાં જોડાવાની ન્યાયમૂર્તિ યુ.યુ. લલિતે ના પાડી દીધી હતી, કારણ કે ભૂતકાળમાં તેઓ અયોધ્યાના ખટલામાં એક પક્ષકારના વકીલ તરીકે કેસ લડ્યા હતા. આવા કોન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટના કારણે જજે કેસ સાંભળવાની ના પાડી હોય, અથવા પાછળથી ખસી ગયા અને વાદી કે પ્રતિવાદીએ ચોક્કસ જજ સામે કોન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટનો વાંધો લઈને હટી જવાનું કહ્યું હોય એવા સેંકડો દાખલા મળી રહેશે. 

સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ જોઇને અસંતોષ થાય, પ્રશ્નો થાય, શંકા થાય એ લોકશાહી માટે શુભ સંકેત નથી, પણ દુર્ભાગ્યે આજની એ વાસ્તવિકતા છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 17 જાન્યુઆરી 2019

Loading

પિરામિડની સાખે હૈયાનો દરબાર

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|17 January 2019

હૈયાને દરબાર

ઇજિપ્તની કડકડતી ઠંડી હાડ ધ્રુજાવી દે એવી છે. પરંતુ, ત્યાંની અતિ પ્રાચીન સંસ્કૃતિ, ઈશુના જન્મ પહેલાંનાં ચાર હજાર વર્ષ જૂનાં અદ્ભુત શિલ્પ-સ્થાપત્યો, એ વખતના મહાન રાજવીઓનો ઇતિહાસ અને એમના મહાન શાસક રામસેસ તથા મહારાણી નેફર્તીની રસઝરતી કથાઓની વિગતો ઠંડીને ભુલાવી દે છે.

ગ્રીક અને હિબ્રૂ ભાષામાં રાજાઓ માટે ફેરાઓ (pharaoh) શબ્દ વપરાય છે. ઇજિપ્તમાં પ્રાચીન રાજાઓ ફેરાઓઝ તરીકે ઓળખાતા જેમાં તૂતેનખામેન, રામસેસ ઇત્યાદિ ખૂબ શક્તિશાળી અને પ્રભાવક હતા. રાણીઓમાં ક્લીઓપેટ્રા અને નેફર્તી સુંદર સમ્રાજ્ઞીઓ હતી. ઇજિપ્તના ફેરાઓઝને એ વખતની ઇજિપ્શિયન પ્રજા દેવ સમાન માનતી હતી. રાજા રામસેસ બીજાના મૃતદેહને અઢળક સુવર્ણમુદ્રાઓ તથા જર-ઝવેરાતના ખજાના સાથે વિશ્વની અજાયબી એવા સૌથી મોટા પિરામિડ નીચે દાટવામાં આવ્યો હતો. લગભગ ૨૩ લાખ ચોરસ પથ્થરોથી બનેલા વિશાળ કદના પિરામિડને ઓળંગીને આવતો કાતિલ પવન અને ધૂળની ડમરીઓ વચ્ચે આ બધી કથાઓ અને ત્યાંનું અરેબિક સંગીત આશ્ચર્યચકિત કરી રહ્યાં હતાં પરંતુ, અમારે તો હૈયાનો દરબાર ભરવાનો હતો ભારતનાં મિત્રો, સ્નેહીઓ અને ‘મુંબઈ સમાચાર’ના વહાલા વાચકો સાથે. એટલે ગતાંકમાં જે ગીતની કથા માંડી હતી એ આગળ વધારીએ તથા હૈયાને દરબાર ગીતની મોહિનીને ફરીથી માણીએ.

પ્રેમની એક એવી સ્થિતિ હોય છે કે જેમાં પ્રેમિકા પૂર્ણત: પ્રિયતમમાં ખોવાઈ જાય છે, પોતાની જાતને પ્રિયતમમાં ઓગાળી દે છે – જાણે એનો પ્રિયતમ જ પોતાના હૈયામાં આવીને ધબકી રહ્યો છે. પ્રેમની સિતાર જેમનાં હૃદયમાં રણઝણતી હોય ત્યારે મન:સ્થિતિ પરમાનંદ સ્વરૂપ બની જાય છે.

હૈયામાં દરબાર ભરાય ત્યારે એમાં અવનવી દુન્યવી વાતો તો થવાની જ – પરંતુ એ બધામાં પ્રિયતમના નામની જે વણથંભી સિતાર વાગતી હોય છે એ સંવેદના જ અનોખી હોય છે! "કોઈ મને ખૂબ પ્રેમ કરે છે, અપાર ચાહે છે, મારી દરકાર કરે છે આ વિચાર માત્ર પ્રેમીના હૈયામાં ધબકાર બનીને વ્યક્તિને સતત જીવંતતાનો અહેસાસ કરાવે છે. એ લાગણીની હૂંફ અવર્ણનીય છે. શરીર ભલે સંસારનાં કામોમાં વ્યસ્ત હોય, પણ અંતરનો એકતારો સતત સાંવરિયાનું સંગીત રેલાવતો હોય છે, હર પળ પ્રીતિનો અહેસાસ કરાવે છે.

પ્રિયતમ સાથેનો ભીનો સંબંધ હૈયામાં ધબકાર બની સ્ત્રીની જિજીવિષા જીવંત રાખે છે. આપણા હૈયામાં પણ જ્યારે કોઈકની હૂંફ રંગત જમાવે, કોઈના ઝાંઝર હૈયાને હુલાવે, કોઈના રૂપની રસભર રાગિણી રેલાવા લાગે અને કોઈની યાદે અકળિત આશાઓ મહોરી ઊઠે, ત્યારે આ ગીત એ ગીત નહીં પણ આપણી લાગણીઓ, પ્રેમનું પ્રતિબિંબ બની જાય છે.

હૈયાને દરબાર … ગીતના કવિ, લેખક, રમતવીર ભાસ્કર વોરાનો જન્મ ૧૨ ઑગસ્ટ ૧૯૦૭માં થયો હતો. ગીત કવિતામાં તેઓ માહેર. કવિતાઓ તો સરસ લખે જ ઉપરાંત ખૂબ સારા સ્પોર્ટ્સ મેન. જન્મે વડનગરા નાગર. રાજકોટ કર્મભૂમિ. બેસ્ટ કેપ્ટન તથા ‘બેસ્ટ બેટ્સમેન ઓફ ધ યર’નો ખિતાબ મેળવી ચૂકેલા ભાસ્કર વોરા કરાચી સામે મેચ રમી ‘વાઈસરોય નોર્થ કોર્ટ શિલ્ડ’ જીતી લાવ્યા હતા. મા સરસ્વતીના ઉપાસક-સાધક ભાસ્કર વોરાનો નાતો જીવન પર્યંત ક્રિકેટ અને કલમ સાથે રહ્યો હતો. ગુજરાતી સુગમ સંગીતને માતબર કરનાર પરિબળોમાં ભાસ્કર વોરાનાં ગીતોનું મહત્ત્વનું યોગદાન છે. લયનાં ઝાંઝર પહેરીને શબ્દ દેહ ધારણ કરતી એમની ગીત રચનાઓ કોઈ પણ સ્વરકારને આકર્ષતી હતી. ભારત-પાકિસ્તાન, ચીન લડાઈ સમયે દેશભક્તિનાં ગીતો એમની કલમે લખાયાં જેમણે રાષ્ટ્રીય ચેતના જગાવવામાં સિંહફાળો આપ્યો હતો. મોહમ્મદ રફી, હેમંત કુમાર, મહેન્દ્ર કપૂર, ગીતા દત્ત, પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત-હેમા દેસાઈ, શ્યામલ-સૌમિલ-આરતી મુનશી અને તેમની પૌત્રીઓ અનુપા અને ગાર્ગી વોરા સહિત અનેક કલાકારોએ એમનાં ગીતો ગાયાં છે. ગાર્ગી વોરા યુવા પેઢીનું પ્રતિનિધિત્વ કરતું ગુજરાતી સુગમ સંગીતનું ઊજળું નામ છે. ભાસ્કર વોરાની પૌત્રી ગાર્ગી વોરાને કંઠે પણ એના દાદાજીની આ રચના સાંભળવી એ લહાવો છે.

આવી રસીલી ચાંદની વનવગડો રેલાવતી, છાયા બની એ ચંદ્રની એને પગલે પગલાં પાડતી … ગીત ફિલ્મ સત્યવાન-સાવિત્રીનું છે જેના કવિ ભાસ્કર વોરા અને સંગીતકાર દિલીપ ધોળકિયા હતા. લતા મંગેશકર અને મોહમ્મદ રફીએ ગાયેલાં જૂજ ગુજરાતી યુગલ ગીતોમાં ભાસ્કરભાઈની આ રચનાનો સમાવેશ કરી શકાય. આ ઉપરાંત, એમનાં અન્ય ગીતોમાં કૌમુદી મુનશીના સુરીલા કંઠે ગવાયેલું આ રંગ ભીના ભમરાને … ગીત પણ ખૂબ લોકપ્રિય ગીત છે.

સુપ્રસિદ્ધ સંગીતકાર અજિત મર્ચન્ટે હૈયાને દરબાર ગીતના સંદર્ભમાં એક યાદગાર પ્રસંગ ટાંક્યો હતો. તેમણે લખ્યું છે : "આકાશવાણી મુંબઈમાં મ્યુઝિક યુનિટ ગુજરાતી વિભાગમાં હું પ્રોડ્યુસર હતો. ૧૯૫૯ના મે મહિનામાં આકાશવાણીના માન્યતા પ્રાપ્ત સંગીત નિયોજક પુરુષોત્તમ ઉપાધ્યાયે ભાસ્કર વોરા લિખિત ગીત હૈયાને દરબારની સ્વરરચના ગાઇ સંભળાવી. એ તરજ સાંભળીને હું રસતરબોળ થઈ ગયો હતો. પરંતુ પુરુષોત્તમ ઉપાધ્યાયે સ્વર સમ્રાજ્ઞી લતા મંગેશકરને કંઠે આ ગીત ધ્વનિમુદ્રિત કરવાનું સૂચન કર્યું ત્યારે એમની વાત મને આકાશ કુસુમવત્ લાગી હતી. કારણ કે આ પહેલાં કદાપિ આકાશવાણી નિર્મિત હિન્દી, મરાઠી કે ગુજરાતી ગીત ગાવા લતા મંગેશકર આવ્યાં નહોતાં છતાં પુરુષોત્તમ ઉપાધ્યાયના સૂચન પ્રમાણે આકાશવાણીનો કોન્ટ્રાક્ટ એમને રવાના કર્યો અને લતાજીએ એ સ્વીકાર્યો પણ ખરો.

રેકોર્ડિંગના દિવસે લતાજી આકાશવાણી મુંબઈના સ્ટુડિયો પર આવ્યાં ત્યારે ખબર હોવા છતાં ન તો આકાશવાણીના સરકારી ઓફિસરોએ એમને સત્કાર્યા કે ન તેઓ રેકોર્ડિંગ વખતે હાજર રહ્યા. બલ્કે રેકોર્ડિંગ જ ન થાય એ માટે અનેક ઓફિશિયલ અવરોધો ઊભા કરવામાં આવ્યા, જેનો મારે સામનો કરવો પડ્યો હતો. માન અપમાનની લેશ પરવા કર્યા વગર લતાજી મારા ટેબલ પર આવી પહોંચ્યાં અને હું બેબાકળો બની ગયો. પુરુષોત્તમ ઉપાધ્યાયની અદ્ભુત રચના અને મારા પ્રત્યેની સદ્ભાવનાને લીધે જ તેઓ આવ્યાં હતાં એ હકીકત છે. હૈયાને દરબાર ગીતની વાદ્યસંગીત રચના એટલે કે એરેન્જમેન્ટ સુપ્રસિદ્ધ સંગીત બેલડી લક્ષ્મીકાંત-પ્યારેલાલના પ્યારેલાલ શર્માએ કરી હતી. રિહર્સલ બાદ પ્યારેલાલજીને પિયાનોવાદનની ખોટ જણાઈ એમણે મને પિયાનોવાદન કરવાનું સૂચન કર્યું પણ રેકોર્ડિંગની જવાબદારી મારી હોવાથી હું લાચાર હતો. છેવટે પિયાનો સંગત હાર્મોનિયમ વાદનની રીતે પુરુષોત્તમ ઉપાધ્યાયે કરી હતી અને એક જ ટેકમાં ગીત ઓકે થઈ ગયું હતું. હાર્મનીના સિદ્ધાંતોથી અજાણ પુરુષોત્તમ ઉપાધ્યાયે કોઠાસૂઝથી ‘અર્પેજીયોસ’ અને ‘કોર્ડ્સ’ વગાડી ગીતને વાદ્ય સંગીતથી સભર કરી દીધું હતું. લતાજી પણ ખૂબ ખુશ થયાં હતાં.

આવી સુંદર અને કર્ણપ્રિય રચનાઓ આપણાં ગુજરાતી સુગમ સંગીતની મોંઘી મિરાત છે. ગયા ગુરુવારે હૈયાને દરબાર ગીતના શબ્દો કવિતા તરીકે પ્રગટ કર્યા હતા એ વાચકોને માણવા માટે ફરી પ્રગટ કર્યા છે. જો કે નારી સંવેદનાનું આ અદ્ભુત ગીત યુટ્યુબ પર સાંભળવાનું ભૂલતાં નહીં. તમને ચોક્કસ ગમશે એની ગેરંટી.

————————

હૈયાને દરબાર

વણથંભી વાગે કોઇ સિતાર

કોની હૂંફે હૂંફે અંતર રંગત આજ જમાવે?
કોના પહેરી ઝાંઝર કોના હૈયાં આજ ડોલાવે?
અકળિત આશાને પગથાર
વણથંભી વાગે કોઇ સિતાર …

કોના રૂપે રૂપે રસભર રાગિણી રોળાય?
કોના પટમાં નાચી શતશત હૈયાં આજ નચાવે?
પળ પળ પ્રીતિના પલકાર
વણથંભી વાગે કોઇ સિતાર

https://www.youtube.com/watch?v=Rkg64DHSn1w&fbclid=IwAR0PhCVKhPkSMUo3i_zkShzpr6ecDlNEJHICnWG6bY8NOnEW8wv64KhkaC8

• કવિ : ભાસ્કર વોરા  • સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય  • ગાયિકા : લતા મંગેશકર

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 17 જાન્યુઆરી 2019

http://www.bombaysamachar.com/frmSecShowA.aspx?SecNo=29&secName=%27લાડકી%27&Purti=1

Loading

...102030...2,8682,8692,8702,871...2,8802,8902,900...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved