Opinion Magazine
Number of visits: 9685323
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુદ્ધઃ એક અવિરત ઘટના?

દીપક સોલિયા|Opinion - Opinion|7 April 2019

જેમના ખયાલાત મિલતા-ઝૂલતા હોય તેવા લોકો ભેગા થાય તો તેને સંઘ કહી શકાય. જેમ કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. એ જ રીતે, ચર્ચાવિચારણા માટે વિધિસર મળતી પ્રતિનિધિઓની સભા માટેનો અંગ્રેજી શબ્દ છે, કૉન્ગ્રેસ.

આપણે ત્યાં સંઘ પણ છે અને કૉન્ગ્રેસ પણ છે. પરંતુ આ બે ઉપરાંત કેટલીક સેનાઓ પણ છે. એમાંની અમુક રાજકીય સેના છે અને કેટલીક તો જ્ઞાતિની સેનાઓ છે. કમ ઓન. સંઘ, કૉન્ગ્રેસ, સંગઠન, પાર્ટી, સભા, મંડળ … જોઈએ તેટલા શબ્દો છે, જૂથ માટે. તો પછી પોતાની સંસ્થા માટે એક્સ.વાય.ઝેડ. સેના જેવાં નામો શા માટે? સેના-સૈન્ય-લશ્કર-ફૌજ, તેની આગળ એક જ શબ્દ શોભે એવો છે. તે છે, ભારતીય. દેશની સેના એક જ હોઈ શકે, ભારતીય સેના. અને સેનાનું લક્ષ્ય એક જ હોઈ શકે, ભારત દેશનું હિત. હાલમાં યોગી આદિત્યનાથે મોદી જી કી સેના એવો શબ્દપ્રયોગ ઉચ્ચાર્યો તેનો હોબાળો થયો. ચૂંટણીપ્રચારના જોશમાં યોગીજીએ ભલે જે કહ્યું તે, બાકી સમગ્ર રાષ્ટ્ર જાણે જ છે અને સમજે જ છે કે સેના એ કોઈ રાજ્યની, રાજકીય પક્ષની, જૂથની, જ્ઞાતિની, મંડળની ન હોઈ શકે.

પણ એક વાત બહુ ઓછા લોકો સમજે છે. અને તે એ છે કે સેના કોઈ રીતે મારી-તમારી તો ન જ હોઈ શકે. તમને થશે, આમાં તમે અને હું ક્યાંથી આવી ગયા? પણ સહેજ શાંતિથી વિચારતાં સમજાશે કે સેનાનું અવમૂલ્યન કરવામાં સૌથી મોટી ભૂમિકા નાગરિકો ભજવતા હોય છે.

સાદો દાખલો લઈએ. માની લો કે મને પાકિસ્તાન પ્રત્યે દાઝ છે અને હું પાકિસ્તાનના દાંત ખાટા કરવા માગું છું, પણ હું સરહદે લડવા જઈ શકું તેમ નથી. એટલે હું ઇચ્છું છું કે મારા વતી સેના પાકિસ્તાનના દાંત ખાટા કરે. એ હિસાબે, ભારતીય સેના અંગત રીતે “મારી સેના” બની જાય છે અને એ મારી ઇચ્છાની પૂર્તિ કરનારું હથિયાર બની રહે છે. મારા રોષ-દ્વેષ-ઇગો વ્યક્ત કરવાના કામનું હું આઉટસોર્સિંગ કરું છું … મારું કામ સેના કરી આપે … એ મારો હાથો બને … એ મારી ઇચ્છાપૂર્તિ કરે.

સોરી, સેના એના માટે નથી. સેના મારા-તમારા અંગત ઉદ્વેગોને અનુસરતી નથી. સેના અત્યંત જવાબદાર સંસ્થા છે. સેના અને યુદ્ધ એ અંતિમ ઉપાય છે. બે દેશો વચ્ચે વિખવાદ થાય અને રાજકીય રીતે તેનો ઉકેલ લાવવાના સઘળા પ્રયત્નો નિષ્ફ્ળ જાય ત્યાર પછી સેના મેદાનમાં આવે છે. એને બદલે, રાજકીય બાબતો, લશ્કરી વ્યૂહ વગેરે કશાનો લાંબો વિચાર કર્યા વિના હું જો એવું કહ્યા કરું કે સેનાએ તૂટી પડવું જોઈએ, સેનાને છૂટ્ટો દોર આપી દેવો જોઈએ … ત્યારે મારે એ સમજવું રહ્યું કે સેનાને હું દેશની નહીં, મારી સેના ગણવા લાગ્યો છું, સેનાએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેનો ઉપદેશ આપવા લાગ્યો છું.

આ વૃત્તિથી બચવા જેવું છે.

અને બીજી વાત. સરહદોને સુરક્ષિત રાખતી અને દેશ ખાતર લડતી સેના પૂરતી છે, એમાં ઉમેરો કરવા જેવો નથી. આ મુદ્દો હાલના ચૂંટણીના માહોલમાં ખાસ મહત્ત્વનો બની રહે છે. આ વખતની ચૂંટણી જરા વધારે ઉગ્ર છે એ હકીકત નાનું બાળક પણ જાણે છે. આવામાં, પોતાના પ્રિય પક્ષ-નેતા-વિચારધારાના બચાવમાં અને સામેવાળા પક્ષ-નેતા-વિચારધારાને તોડી પાડવામાં એક સૈનિકની જેમ લડવું એ રાષ્ટ્રહિતમાં નથી. એને માટે ભલે રાષ્ટ્રદ્રોહ જેવો મોટો શબ્દ ભલે ન વાપરીએ, પરંતુ પોતાના જ દેશના લોકો જાણે પરાયા દેશના દુશ્મનો હોય એમ તેની સાથે લડવું-ઝઘડવું એ દેશને સબળો નહીં, નબળો પાડનારી બાબત છે.

અત્યારે પરિસ્થિતિ એવી છે કે ચૂંટણી જાણે રાજકીય પક્ષો વચ્ચે નહીં, બલ્કે કોઈ બે સૈન્યો વચ્ચે કે કટ્ટર સંપ્રદાયો વચ્ચે લડાઈ રહી હોય. ચોરે ને ચૌટે, ટી.વી.ની ડિબેટોમાં, પાનના ગલ્લે તથા સોશિયલ મીડિયાના તખ્તે રાજકીય ચર્ચાના નામે ધબાધબી ચાલી રહી છે.

નો ડાઉટ, આપણી ચોઈસ હોવાની, આપણી વિચારધારા હોવાની, આપણા ગમા-અણગમા હોવાના, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે આપણા જેવા લોકોની જાણે સેના બનાવી લઈએ અને આપણે એ સેનાના સૈનિક બનીને લડીએ. આ વૃત્તિ ચૂંટણી વખતે તો ઊડીને આંખે વળગે જ છે, પરંતુ એ સિવાયના સમયે પણ આપણામાંના મોટા ભાગના લોકો સતત લડવાના મૂડમાં હોય છે. આ ફ્ક્ત ભારતની જ વાત નથી. વિશ્વભરમાં સ્થિતિ એવી છે કે બે દેશો વચ્ચે ભલે નહીં, પરંતુ દેશોની અંદર પણ બીજી અનેક રીતે યુદ્ધો ચાલતાં જ હોય છે. નવા યુગના ધારદાર વિચારક નસીમ તાલેબનું એક ચોટદાર વિધાન છેઃ “યુદ્ધમાં લોકો બીજાને મારે છે અને શાંતિકાળમાં પોતાને.” મતલબ કે યુદ્ધ તો સતત ચાલતું જ રહે છે.

યુદ્ધ આપણો શોખ હોય, યુદ્ધસ્ય કથા આપણને રમ્ય લાગતી હોય તો પણ, બે વાત યાદ રાખવી. ૧) દેશની સેના દેશની હોય છે, મારી કે તમારી નહીં. ૨) સરહદે યુદ્ધ ન ચાલતું હોય ત્યારે મિત્રો-સ્વજનો-પરિચિતો સાથે અભિપ્રાય-ભેદને લીધે મોરચા ન માંડવાના હોય. ભવિષ્યમાં ક્યારેક માંદા પડીએ ત્યારે આપણને ટેકો આપીને બાથરૂમ સુધી પહોંચવા માટે આ જ સ્વજનો-મિત્રોની આપણે મદદ લેવી પડશે. એવી મુશ્કેલીમાં કોઈ રાજકીય પક્ષ કે નેતા કે વિચારધારા મદદ કરવા માટે આવી શકતાં નથી. માટે, દેશમાં ને ગામમાં ને સોશિયલ મીડિયામાં ને ઘરમાં અભિપ્રાયોની તલવારો સતત વીંઝવી નહીં, પરપેચ્યુઅલ વોરિયર (અવિરત યોદ્ધા) બનવું નહીં.

લડવાનું કામ સેનાનું છે. તે કામ એને જ કરવા દો. જય હિંદ કી સેના.

જય હિંદ.

facebook .com / dipaksoliyal

સૌજન્ય : ‘એક વાતની સો વાત’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 07 ઍપ્રિલ 2019

Loading

ભા.જ.પની ભાષામાં મદ અને આછકલાઇ ચરમસીમાએ, સંઘ ચૂપ છે !

રમેશ ઓઝા|Opinion - Opinion|7 April 2019

બી.જે.પી.ના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું છે કે અમે અમારા રાજકીય પ્રતિસ્પર્ધીઓ સાથે બૂરો વહેવાર નહોતા કરતા. બી.જે.પી.એ તેમને માટે ‘દુ:શ્મન’ અને ‘દેશદ્રોહી’ જેવા શબ્દપ્રયોગો નહોતા કર્યા, પણ હંમેશાં તેમને રાજકીય પ્રતિસ્પર્ધી તરીકે જોયા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે બી.જે.પી.ની રાષ્ટ્ર વિશેની એક કલ્પના છે, પરંતુ જે લોકો એ કલ્પના સાથે સંમત નથી તેમને અમે પક્ષના કે દેશના દુ:શ્મન તરીકે નહોતા ઓળખાવ્યા.

આ રાંડ્યા પછીનું ડહાપણ છે એ બધા જોઈ શકશે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી લાલકૃષ્ણ અડવાણીની અસહ્ય ઉપેક્ષા થઈ રહી છે, એટલું જ નહીં તેમનું અપમાન પણ કરવામાં આવી રહ્યું છે. ખબર નહીં, કયા ગુનાનું વેર વાળવામાં આવે છે; જ્યારે કે ૨૦૦૨ના ગોધરા પછી અને એ પછી બે વખત અડવાણીએ નરેન્દ્ર મોદીની ખુરશી બચાવી હતી. જો અડવાણીએ નરેન્દ્ર મોદીને ન ઉગાર્યા હોત તો આજે નરેન્દ્ર મોદી વડા પ્રધાન ન હોત. બીજું સભ્યતા અને સંસ્કારની ચિંતા આટલી મોડેમોડે કેમ થઈ? છોકરો ગાળો બોલતો થાય ત્યારે મા-બાપ ટપારે નહીં અને પછી જ્યારે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે ત્યારે સંસ્કાર અને સભ્યતાની યાદ દેવડાવવામાં આવે એનો શો અર્થ છે? નરેન્દ્ર મોદી ગુજરાતમાં કઈ રીતે રાજકારણ કરતા હતા અને કઈ ભાષામાં બોલતા હતા એ અજાણ્યું હતું? સંઘપરિવારમાંથી એક પણ માઈનો લાલ નીકળ્યો નથી જેણે કહ્યું હોય કે આ આપણા સંસ્કારની વિરુદ્ધ છે.

ખબર નહીં એમ તો કેમ કહેવાય! ૨૦૧૩માં નરેન્દ્ર મોદી બી.જે.પી.ના વડા પ્રધાનપદના ઉમેદવાર બને તેનો અડવાણીએ વિરોધ કર્યો હતો, અને નરેન્દ્ર મોદી વિરોધીઓને દુ:શ્મનથી ઓછા ગણતા નથી એ હવે કોણ નથી જાણતું? જો લાલકૃષ્ણ અડવાણી રાજકીય પ્રતિસ્પર્ધીની જગ્યાએ દુ:શ્મન હોય તો રાહુલ ગાંધી અને બીજાઓ તો ઘણા દૂર છે. લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને યશવંત સિન્હાને માર્ગદર્શક મંડળમાં ધકેલી દીધા હતા, જેની પાંચ વરસમાં એક પણ બેઠક બોલાવવામાં આવી નહોતી. હવે તો અડવાણી-જોશીને લોકસભાની ટિકિટ પણ આપવામાં આવી નથી. આ જે બળાપો છે એ ઉપેક્ષા, અપમાન અને ટિકિટ નકારવાનો છે. ઉપર કહ્યું એમ આ રાંડ્યા પછીનું ડહાપણ છે.

એ વાત ખરી છે કે બી.જે.પી.ની અત્યારની સંસ્કૃતિમાં અને વાજપેયી-અડવાણી યુગની સંસ્કૃતિમાં ઘણો ફરક છે. અત્યારે સભ્યતા તળિયે પહોંચી ગઈ છે અને મદ અને આછકલાઈ તેની ચરમસીમાએ છે. જાણે કે એવરેસ્ટ પરથી ક્યારે ય પાછા ઊતરવાના જ ન હોય એ રીતે તેઓ વરતી રહ્યા છે. આમ છતાં સંઘપરિવારમાંથી કોઈ કહેતું નથી કે ભાઈ, મર્યાદાનું પાલન કરો. જરા વિવેક જાળવો. આ આપણને ન શોભે.

પણ ચર્ચાનો મુદ્દો એ નથી. ચર્ચાનો મુદ્દો એ છે કે લાલકૃષ્ણ અડવાણી કેટલા સભ્ય હતા? ચર્ચાનો બીજો મુદ્દો એ છે કે તેમના વખતમાં બી.જે.પી.એ તેમની કલ્પનાના રાષ્ટ્રવાદને ક્યારે શબ્દબદ્ધ કર્યો છે અને તેને ચર્ચાની એરણે આણ્યો છે? એ સમયે તેઓ સભ્ય હતા કારણ કે બી.જે.પી. લોકસભામાં ૧૮૬ બેઠકોથી આગળ ગઈ નહોતી અને તેમાં પણ મીથ ઓફ સિસિફસના સાપની સાથે બનતું હતું એમ માંડ ધકેલીને ઉપર ચડાવેલો પથ્થર નીચે ગબડી પડતો હતો. એ વખતે જે નમ્રતા હતી એ રાજકીય મજબૂરીનું પરિણામ હતું, સભ્યતા તો નહોતું જ.

જરા મેમરીઝને રિવાઈન્ડ કરો. એ દિવસો યાદ કરો જ્યારે ‘હિન્દુસ્તાન મેં રહના હો તો વન્દે માતરમ્ બોલના હોગા’, ‘તીન નહીં તીન હઝાર, રહેગી નહીં એક મઝાર’, ‘હર મુસલમાન બાબર કી ઔલાદ’ જેવા સૂત્રો લાલકૃષ્ણ અડવાણીની હાજરીમાં બોલવામાં આવતા હતા. મહાન સંસ્કૃતિ પુરુષ લાલકૃષ્ણ અડવાણીની હાજરીમાં સાધ્વી ઉમા ભારતી અને સાધ્વી ઋતુંભરા કાનમાંથી કીડા ખરે એવી ભાષામાં બોલતાં હતાં. બાબરી મસ્જિદને હાથ લગાડવામાં નહીં આવે એવી સર્વોચ્ચ અદાલતમાં લેખિત બાંયધરી આપ્યા પછી મસ્જિદને જ્યારે તોડવામાં આવતી હતી ત્યારે અડવાણી, જોશી અને ઉમા ભારતીનાં મોઢાં ફૂલીને ચાંદ જેવડાં થઈ ગયાં હતાં એ તસ્વીર યાદ કરો. તેઓ હરખ છુપાવી નહોતા શકતા. રામના નામે રાજકારણ કરવામાં આવ્યું એમાં અત્યાર સુધીમાં દસેક હજાર લોકો કોમી હુલ્લડોના અને ગુજરાત અને ભાગલપુર જેવા નરસંહારમાં માર્યા ગયા છે, પણ અટલ બિહારી વાજપેયી સહિત કોઈ સંઘવાળાની આંખ ભીની થઈ હોય એવું આજ સુધી જોવા મળ્યું નથી. 

આમ શબ્દની મર્યાદા તો ત્યારે પણ સાચવવામાં નહોતી આવતી. ગરીબ માણસની જિંદગીની ત્યારે પણ ખેવના કરવામાં નહોતી આવતી. આયોજનબદ્ધ કરવામાં આવેલાં નરસંહારોનો શરમાવાની જગ્યાએ બચાવ કરવામાં આવ્યો હતો. જ્યારે બહુ મીઠી વાણીમાં બોલવાનું ફાવતું નહોતું ત્યારે તેમાં પાવરધા અટલ બિહારી વાજપેયીની સેવા લેવામાં આવતી હતી. વાજપેયીએ પણ ખોંખારો ખાઈને કોઈની નિંદા કરી નથી, કોઈને મર્યાદા ઓળંગતા રોક્યા નથી કે કોઈનો કાન આમળ્યો નથી. સમસ્યા કૂવામાં છે, હવાડામાં નથી. શાખાના સંસ્કાર વડા પ્રધાન બન્યા પછી પણ છુપાવવા મુશ્કેલ બને છે. વાજપેયીમાં એ આવડત હતી અને માટે વાજપેયી લોકોનો આદર ધરાવતા હતા. બાકી લાલ કૃષ્ણ અડવાણીની મર્યાદા રાજકીય મજબૂરીનું પરિણામ હતું, જન્મજાત સંસ્કારનું નહોતું. તેમનું રાજકારણ અસભ્ય ભાષા અને લાશો ઉપર રચાયેલું હતું એ કોણ નકારી શકે?

બીજો મુદ્દો છે બી.જે.પી.ની (ખરું પૂછો તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની) કલ્પનાના રાષ્ટ્રવાદની. સંઘની સ્થાપના ૧૯૨૫માં થઈ હતી. આજે સંઘની ઉંમર ૯૪ વરસની થઈ. તેની કલ્પનાના રાષ્ટ્રની નિર્મિતિમાં ઉપયોગી થાય એ માટે ૧૯૫૧માં ભારતીય જનસંઘની અને ૧૯૮૦માં ભારતીય જનતા પક્ષ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. તેઓ હિંદુરાષ્ટ્રની સ્થાપના કરવા માગે છે એમ વારંવાર કહેવામાં આવે છે. કોઈ વાંધો નહીં, તેમનો તે અધિકાર છે. માત્ર તેમણે ફોડ પાડીને કહેવું જોઈએ કે તેમની કલ્પનાનું રાષ્ટ્ર કેવું હશે. અત્યારે બંધારણમાં અંકિત કરવામાં આવેલા ભારતીય રાષ્ટ્રમાંથી શું રાખવામાં આવશે અને શું દૂર કરવામાં આવશે એ દેશની જનતાને જણાવી દે. આ કોઈ અયોગ્ય માંગણી છે? જેના હિતમાં તમે જે રાષ્ટ્રની નિર્મિતિ કરવા માગો છો એ પ્રજાને જણાવવાનું પણ નહીં કે તમે તેને માટે શું કરવા માંગો છો? આટલો પણ ભોળી પ્રજાનો હક નહીં?

આજે ૯૫ વરસ પછી પણ ફોડ પાડીને કહેવામાં આવ્યું નથી કે તેમનું હિંદુ રાષ્ટ્ર કેવું હશે! અત્યારના ભારતીય રાષ્ટ્રમાનું શું હશે અને શું નહીં હોય. શું આ દેશ સાથે અને દેશ છોડો હિંદુ પ્રજા સાથે છેતરપિંડી નથી? આવું છદ્મ રાજકારણ કરવું એ અસભ્ય ભાષા કરતાં પણ વધુ અસભ્ય છે. લાલ કૃષ્ણ અડવાણી પોતાની જાતને જ પૂછી લે કે તેઓ સંઘમાં જોડાયા એ પછી તેમને જે સૌથી વહાલું છે તે હિંદુરાષ્ટ્ર વિષે કેટલી વાર સાચું બોલ્યા? અને પાછા અત્યારે એમ કહે છે કે, ‘અમારી રાષ્ટ્રની સંકલ્પના સાથે સંમત નહીં થનારાઓ સાથે અમે દુર્વ્યહાર નહોતા કરતા.’

કઈ સંકલ્પના એ જરા કહેશો ખરા? એસ.એચ. દેશપાંડે નામના એક રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનારા કૃષિ અર્થશાસ્ત્રી હતા. તેઓ તેમના તરુણાવસ્થામાં સંઘમાં જોડાયા હતા. શાખામાં હિંદુરાષ્ટ્રની વાત કરવામાં તો આવતી હતી, પરંતુ તેના ચહેરા-મહોરા વિષે કોઈ ફોડ પાડવામાં નહોતો આવતો. એક દિવસ શાખામાં આવેલા સંઘના મોટેરા નેતાને તેમણે પૂછ્યું હતું કે આ હિંદુરાષ્ટ્રના કોઈ રૂપરંગ ખરા કે નહીં? કોઈકની કલ્પનાની કન્યા માટે મારે મારું અમૂલ્ય જીવન વેડફી નાખવાનું? તેમને ઉત્તર આપવામાં આવ્યો હતો કે યોગ્ય સમયે રૂપરંગ બતાવવામાં આવશે. ૧૯૪૫થી આ પ્રશ્ન પુછાઈ રહ્યો છે અને આ જ સુધી યોગ્ય સમય આવ્યો નથી.

માનનીય લાલજી, (તમારે માટે વપરાતું લાડનું સંબોધન વાપરું છું) આ જે લબાડી છે એ અસભ્ય ભાષા કરતાં પણ વધુ અસભ્ય છે. હિંદુરાષ્ટ્રને પરિભાષિત કરોને આપણે એક જ ડાળના બે પક્ષીની માફક ચર્ચા કરી લઈશું. જો તમારી કલ્પના યોગ્ય લાગશે તો અમે તમારી સાથે ઊડીએ પણ ખરા. બોલો તો ખરા કે તમે શું કરવા માગો છો? સંઘપરિવારમાં એક નેતા એક બોલે, તો બીજો નેતા એ જ સમયે સાવ તેનાથી વિપરીત બીજું બોલે. એવું પણ બને છે કે એનો એ જ નેતા બીજા પ્રસંગે બીજું બોલે. જાતી જિંદગીમાં સભ્યતાના ભેખધારી બની ગયેલા લાલકૃષ્ણ અડવાણીના સોએક જેટલા વિરોધાભાસી નિવેદનો ઇતિહાસ કે ઈન્ટરનેટ ફંફોળ્યા વિના ટાંકી શકું એમ છું. અડવાણીની ક્યાં વાત કરીએ, સંઘપરિવારના એક માત્ર મર્યાદાપુરુષ અટલ બિહારી વાજપેયીએ પણ વચનમાં સાતત્ય જાળવવાની મર્યાદા પાળી નથી.

હા, લાલકૃષ્ણ અડવાણી એટલું જરૂર કહી શકે કે પક્ષના આજના નેતાઓને કેમ બોલવું, કેટલું બોલવું, ક્યારે બોલવું, ક્યાં અટકવું, ક્યારે ભાષા બદલવી, ક્યારે ગુલાંટ મારવી એનું ભાન નથી. બીજા શબ્દોમાં કહીએ તો પક્ષના આજના નેતાઓ સભ્યતા નથી છોડી રહ્યા, સંઘના સંસ્કારથી દૂર જઈ રહ્યા છે.

શું આ વાત ખોટી છે? 

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 ઍપ્રિલ 2019

Loading

સાહિત્ય આજે યુનિવર્સિટીઓમાં કેદ છે, ધુરીણ સાહિત્યકારોના મનઘડંત આદર્શવાદમાં અને સૅમિસ્ટર સિસ્ટમની જંજાળમાં સપડાયેલું છે

સુમન શાહ|Opinion - Literature|6 April 2019

'સંવિત્તિ' : એક સાર્થક સાહિત્ય-સેતુ

'સંવિત્તિ' ઝંખે છે કે એ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવે અને એમની ખુદની સંવિત્તિની પ્રભા પ્રસરે, ચોપાસ નારીચેતના સ્વયં પ્રકાશે

ગુજરાતી સાહિત્યક્ષેત્રે હું એક નવપ્રસ્થાનની રાહ જોઇ રહ્યો છું. એક એવો પ્રભાવકારી બદલાવ -ઑપરેટિવ શિફ્ટ – એક ઍક્શન, એક ઍક્ટિવિટી, જે સાહિત્ય અને જનસામાન્યને જોડે. સાહિત્યને જિવાતા જીવનની વચ્ચોવચ લઈ જાય. શ્લોકને લોકમાં રમતો કરે. એકવચનીયને બહુવચનીય રૂપે ફેલાવે. શિષ્ટ-પ્રશિષ્ટને પ્રજાજનોમાં પ્રસરાવે. કહેવાનો મતલબ એ છે કે સાહિત્યકારને એના અતિઆત્મરતિથી લેપાયેલા ધૂંધળા ઓરડેથી છૂટો કરી નગરચૉકમાં લઈ આવે. સાહિત્યને યુનિવર્સિટીઓની જડસુ દીવાલોમાંથી બહાર કાઢીને નવપ્રાણિત કરે. ઉપકારક સાહિત્ય-સેતુ રૂપે સ્થિર થાય.

વાત એમ છે કે તાજેતરમાં મને એક સાર્થક સાહિત્ય-સેતુની ભાળ મળી છે. એ છે વડોદરાની સંસ્થા, 'સંવિત્તિ'. સંવિત્તિ એટલે, સંવેદના – સૂઝસમજ – અનુભૂત જ્ઞાન. 'સંવિત્તિ' મહિલાઓ માટે છે. એનો ધ્યાનમન્ત્ર છે : 'વીમેન લિવિન્ગ બાય લિટરેચર' – નારીજીવન સાહિત્યસંગે. સંસ્થાનો આશય શું છે? પીડિતા યુવતીઓને કિશોરીઓને અને આર્થિક કે સામાજિક રીતે અશક્ત કે માનસિક રીતે અસ્વસ્થ તેમ જ વિકલાંગ અનાથ સ્ત્રીઓને કે રોગગ્રસ્ત વૃદ્ધાઓને સાહિત્યની રીતેભાતે જીવન જીવવાને સમર્થ બનાવવી. 'સંવિત્તિ' પોતાના સાહિત્યિક કાર્યક્રમો લઈને પ્હૉંચી જાય છે વૃદ્ધાશ્રમોમાં કે જૅલમાં કૅદી હતાશ સ્ત્રીઓ પાસે. આદિવાસી કે ગ્રામીણ અરે પોલીસકર્મી બેનો પાસે કે ક્યારેક સ્લમનાં બાળકો પાસે પણ જઇ પ્હૉંચે છે. મને લાગે છે, હું કશા આવા જ નવપ્રસ્થાન વિશે કહી રહ્યો છું.

એની વિશેષતા એ છે કે એમાં સાહિત્યસર્જન એક ઈવેન્ટનું -ઘટનાનું – રૂપ પકડે છે; અ કાઈન્ડ ઑફ હૅપનિન્ગ. 'સંવિત્તિ'-કારોની રજૂઆત એવી તો પ્રભાવક હોય છે કે સામે બેઠેલાં સૌ સીધાં જ સાહિત્યપદાર્થ સાથે જોડાઇ જાય. સહભાગીતા શરૂ થાય અને એ દરેકની શક્તિમતિ અનુસારનાં અનુ-સર્જન થવા માંડે. જેમ કે, સુરેશ જોષીકૃત ટૂંકીવાર્તા 'થીગડું' વંચાતી ન હોય, કહેવાતી હોય. સાંભળનારાં સાવધચિત્ત થઇ સાંભળે. પછી પાત્ર બની જાય -'પ્રભાશંકર' 'પારવતી' કે 'મનુ'. સૌ એને ભજવે. ઝૂમી ઊઠે. અને એમ કથાને દિલોદિમાગથી જીવવાનો આનન્દ લૂંટે. સાહિત્ય અંતરમાં ઝિલાય. કલા ઉત્સવ બની જાય.

ઑપરેટિવ શિફ્ટની આ વાત નવી નથી. જુઓ, પેઈન્ટિન્ગમાં ઈન્સ્ટૉલેશન આર્ટનો પ્રવેશ થયો -મોટો શિફ્ટ. ચિત્રકૃતિઓના સદ્યોવેદી – પાલ્પેબલ – ભૌતિક અવતારો પ્રગટવા લાગ્યા. દૃશ્ય ચિત્રકલા શ્રાવ્ય સ્પર્શ્ય અને ચલચિત્રાત્મક બની. જુઓ, શિષ્ટ-પ્રશિષ્ટ નાટ્યપરમ્પરા હતી. ભવાઇ જાતરા નૌટંકી પ્રગટ્યાં. નાટક લોકજીવનનો હિસ્સો બની ગયું. નાનપણની એ વાત મને યાદ છે – રાત પડે ને અમે મોહન દરજીના ચૉગાનમાં ભવાઈ જોવા ધૂળમાં બેસી જઇએ !

સાહિત્ય, સંસ્કૃત પછી પ્રાકૃત / અપભ્રંશમાં અવતર્યું. તેમાં ય સરળ સેતુ માટેની સામાન્ય જનોની માંગનો ફાળો મોટો હતો. જુઓ, 'ભાગવત' 'રામાયણ' અને 'મહાભારત'-ને સુગમ રીતિ-પદ્ધતિના કથાકારો ન મળ્યા હોત તો વાત પોથીઓમાં ઢબુરાયલી રહી હોત. દર વર્ષે 'રામલીલા' જેવી હાસ્યરંજિત હળવાશભરી પ્રવૃત્તિ ન સંભવી હોત. 'ગામઠી ગીતા' ન રચાઈ હોત. ગાયન વાદન અને નર્તનના કલાધરો લોકમાં પ્હૉંચી જવા તલપાપડ હોય છે. એમની એ ધગશને કારણે પણ કબીર કે નરસિંહ-મીરાં જનહૃદયમાં વસ્યાં છે. સામાજિક દુરિતો પર કોલકાતાના કાલિઘાટ પેઈન્ટર્સ પોતાનાં ચિત્રો વડે પ્રહારો પણ કરતા. ગૃપમાં ચિત્રો કરતા – ઘણી વાર તો પરિવારનું દરેક સભ્ય ચિત્રને પૂરું કરે. એ ગૃપ-સર્જકતાને કારણે ચિત્રકૃતિ સરળ થઇ જતી પણ એથી એની સોશ્યલ અપીલ તીવ્ર થઈ જતી. જનમાનસમાં કાલિ અને દુર્ગા આદિ દેવીમાતાઓની ચિરંજીવી છબિઓ જે અંકાઈ છે તે એમની આ વિલક્ષણ પદ્ધતિનું પરિણામ છે.

'સંવિત્તિ'ની સ્થાપના થઇ છે, ૨૦૧૭-માં. બીજરૂપ વિચાર હતો સાહિત્યકાર, અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં ગુજરાતી ભાષા-સાહિત્યનાં ઍસોસિએટ પ્રૉફેસર, ડૉ. દર્શિની દાદાવાલાનો. બીજ ફળ્યું છે. સંસ્થાનો આકાર બંધાયો છે. 'સંવિત્તિ ફાઉન્ડેશન' ટ્રસ્ટ અને સોસાયટીની સ્થાપના થઈ છે. દર્શિની મૅનેજિન્ગ ટ્રસ્ટી અને પ્રમુખ છે. રાજમાતા શુભાંગિની રાજે ગાયકવાડ અને લૉર્ડ પ્રૉ. ભીખુ પારેખ પૅટ્રન છે. 'સંવિત્તિ'-ને સ્વામી બ્રહ્માત્માનન્દજીના શુભાશિષ સાંપડ્યા છે. વડોદરાની નામાંકિત વ્યક્તિઓ ટ્રસ્ટીમંડળમાં છે. ઍડવાઈઝર્સ અને વૅલવિશર્સ પણ સાંપડ્યાં છે. કાર્યક્રમનું સંકલન-સંયોજન કરનારી મહિલાઓને 'સંયોજક', કૃતિ રજૂ કરનારને 'સાહિત્યમિત્ર', રજૂઆતમાં સહયોગી થનારને 'સહયોગી' અને એ સૌને સામે બેસી સાંભળનાર-ઝીલનાર મહિલાઓને 'સહૃદય' જેવાં સૂચક પદ અપાયાં છે. આમ 'સંવિત્તિ' સુઆયોજિત સંગઠન રૂપે કાર્યરત છે અને પોતાના ધ્યેયને વિશે ચૉક્સાઈથી વિકસી રહ્યું છે.

પુરા કાળે કાવ્યનો પાઠ થતો. કથાનું કથન થતું. શબ્દ સાંભળવા માટે હતો. સર્જન એક કાર્ય -ઍક્શન – હતું. ભાવન પણ કાર્ય હતું. સર્જન કરનારાં અને શ્રવણ કરનારાં એકબીજાં સામે હાજર હતાં. પરન્તુ સાહિત્યનો શબ્દ આપણા જમાનામાં આવતાંવૅંત લેખન વાચન અને પ્રકાશનનો મામલો બની ગયો – જાણે ટાઢોહિમ પથરો ! સર્જક ગેરહાજર હોય ને છપાયેલા શબ્દ જોડે વાચકોએ માથાં ફોડવાનાં – એમ જ ક્હૅવાય ! ક્રમશ: સાહિત્ય યુનિવર્સિટીઓમાં ઢંગધડા વગરનાં લૅક્ચરો વડે ચર્ચાતું ને ટીચાતું ચાલ્યું. બેઢંગ પરિસંવાદોમાં એના બૂરા હાલ પણ થયા.

સરવાળે સાહિત્ય આજે યુનિવર્સિટીઓમાં કેદ છે. ધુરીણ સાહિત્યકારોના મનઘડંત આદર્શવાદમાં અને સૅમિસ્ટર સિસ્ટમની જંજાળમાં સપડાયેલું છે. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને મૂંગાં-નાં-મૂંગાં રખાયાં છે. પ્રશ્નોત્તર નામનું ઈન્ટરઍક્શન છે જ નહીં. પાઠ્યપુસ્તકો વર્ગમાં કોઇ લાવતું નથી. ઘરે હશે? પરીક્ષાઓમાં ચોરીઓનો પાર નથી. લાગે કે ડિગ્રીઓની છૂટે હાથે લ્હાણી થઇ રહી છે. કરમની કઠણાઈ તો જુઓ, પ્રજા લગી સાહિત્ય પ્રસરી શકતું નથી ને પ્રજા સાહિત્યને અલાબલા સમજે છે ! મને તો સાહિત્યનો જયવારો આટલાંતેટલાંમાં નથી જ દેખાતો -સિવાય કે આપણામાં હૉંશ જાગે ને આપણે 'સંવિત્તિ' જેવા અનેક સાહિત્ય-સેતુઓ રચીએ …

નૉંધપાત્ર વાત એ છે કે અત્યારસુધીમાં 'સંવિત્તિ'-એ આશરે ૧૫૦ કાર્યક્રમો કર્યા છે. હાલ એમાં ટૂંકીવાર્તાઓનું કહો કે કથાસાહિત્યનું સાધન હાથ ધરાયું છે. જેસલ-તોરલ કે પંચતન્ત્રની વાર્તાઓ, 'લોહીની સગાઇ', 'થીગડું', 'ઍગામૅમ્નોન', 'મળેલા જીવ', 'લાસ્ટ લીફ', 'જૉનાથન લિવિન્ગ્સ્ટન સીગલ', 'સુદામાચરિત્ર', ટાગોરકૃત 'ભિખારીન્', 'અરેબિઅન નાઇટ્સ' વગેરે ૨૦૦ જેટલી રચનાઓનો વિનિયોગ થયો છે.

સાહિત્ય આજે અનુ-આધુનિકતાના પ્રસરણશીલ સમયગાળામાંથી પસાર થઇ રહ્યું છે. પ્રસરીને એણે હાંસિયામાં સબડતાં મનુષ્યો લગી ખાસ પ્હૉંચવાનું છે. આ સમય છે નારીપીડા અને વંચિતોની વ્યથાઓને ઉકેલવાનો; એની પાછળ છુપાયેલાં સત્તાતન્ત્રોને આ પ્રકારનાં સુયોજિત ઍક્શન્સ વડે ઢંઢોળવાનો. નૉંધો કે 'સંવિત્તિ'-કારો નારીવાદનાં પરિભાષાબદ્ધ જડબાંતોડ વ્યાખ્યાનો નથી કરતાં; સ્ત્રી-સશક્તિકરણની ચાંપલી ચાંપલી વાતો નથી કરતાં; પરન્તુ દુખિયારી સ્ત્રીઓને સાહિત્યરસે ભીંજવે છે, એમનાં મનહૃદયને સંતર્પે છે, અને એમ એમના આત્મબળને જગાડે છે. 'સંવિત્તિ' ઝંખે છે કે મહિલાઓના જીવનમાં પરિવર્તન આવે અને એમની ખુદની સંવિત્તિની પ્રભા પ્રસરે. ચોપાસ નારીચેતના સ્વયં પ્રકાશે.

પ્રાણસભર સાહિત્યનું પ્રસરણ નહીં થાય તો એ ગૉંધાઇને સડી જશે. સામે બેઠેલાંઓનાં આત્મામાં સાહિત્ય રોપાય છે ત્યારે એમની સર્જકતા પણ ખીલે છે. સર્જકતાથી સર્જકતા – વર્તુળ રચાય છે. સાહિત્યનું એક ભાવિ ભળાય છે. હું ઈચ્છું છું કે 'સંવિત્તિ'-નો પરિઘ વડોદરાથી વિસ્તરીને ગુજરાતભરમાં પ્રસરો. અભિનન્દન અને હાર્દિક શુભેચ્છાઓ.

= = =

[સૌજન્ય : શનિવાર તારીખ ૬/૪/૨૦૧૯ના રોજ ‘નવગુજરાત સમય'માં પ્રકાશિત લેખ]

Loading

...102030...2,8652,8662,8672,868...2,8802,8902,900...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved