Opinion Magazine
Number of visits: 9685003
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તત્ ત્વમ્ અસિ એટલે શું?

રમેશ ઓઝા|Opinion - Opinion|14 April 2019

આ એક મીઠી મૂંઝવણ છે.

ઉપનિષદ અમૃતસાગર છે. એટલે એમાંથી શું લેવું અને શું ન લેવું એ સવાલ મૂંઝવે એવો છે. કુલ ઉપનિષદ ૧૦૮ છે. એમાંથી ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મૂંડક, માંડૂક્ય, તૈત્તિરીય, ઐતરેય, છાંદોગ્ય અને બૃહદારણ્યક એમ દશ ઉપનિષદોને મુખ્ય માનવામાં આવે છે. કેટલાક શ્વેતાશ્વેતરોપનિષદને જોડીને ૧૧ ઉપનિષદોને મુખ્ય ગણાવે છે તો વિનોબા ભાવે આ અગિયાર ઉપરાંત કૌષીતકિ, મૈત્રાયણ્યુપનિષદ, નારાયણોપનિષદ, જાબાલોપનિષદ, આરુણિકોપનિષદ, કૈવલ્યોપનિષદ, બ્રહ્મબિંદુપનિષદને ઉમેરીને ૧૮ ઉપનિષદોને મહત્ત્વનાં ગણાવે છે. પહેલાં ૧૧ અગિયાર ઉપનિષદો એટલાં જાણીતાં છે કે તેનાં નામ તમે અવશ્ય સાંભળ્યાં હશે.

સનાતનીઓના અભિપ્રાયને છોડી દો તો ઉપનિષદોને લગતા જે બે-ચાર અભિપ્રાયો વિશે વિદ્વાનોમાં લગભગ એકમત છે એ અહીં ટાંકવા જોઈએ.

૧. એમ કહેવાય છે કે આ ઉપનિષદો વેદોની પ્રારંભિક સંહિતાઓ લખાઈ એ પછીનાં ૫૦૦ વરસના અરસામાં લખાયાં હશે.

૨. જેમ જેમ સમય વીતતો ગયો એમ વેદચિંતન ગહન બનતું ગયું અને ઉપનિષદોમાં તે નવી ઊંચાઈ પામતું ગયું. અઢી ત્રણ હજાર વરસ પહેલાં એ ઊંચાઈએ ફરકતો આત્મજ્ઞાનનો ધ્વજ આજે પણ એ જ ઊંચાઈએ જરા પણ નિસ્તેજ થયા વિના ફરકે છે.

૩. પૂર્વ વૈદિક યુગમાં પ્રજા પૂજા-પાઠ, કર્મકાંડ, યાચનાઓમાં ગ્રસ્ત થવા માંડી હતી અને અધિકાર-અનધિકારના ભેદ પડવા લાગ્યા હતા એટલે સમાજને પાછો સાચે માર્ગે વાળવા ઉપનિષદ લખાયાં હતાં. આ દ્રષ્ટિએ ઉપનિષદો સામાજિક પ્રબોધન અને સુધારાઓ માટે લખાયેલાં ગ્રંથ છે.

૪. ઉપનિષદોના ઋષિઓ અને પાછળથી શ્રમણ ધર્મના અર્હંતો તરીકે સ્થાપિત થયેલા માનવતાવાદી વિચારકો સમકાલીન હતા અને બંનેનો ઉદ્દેશ ધાર્મિક-સામાજિક-વૈચારિક ગતિરોધ દૂર કરવાનો હતો.

૫. આત્મસંશોધન(સેલ્ફ કરેકશન)ની પ્રક્રિયા ભારતમાં પ્રાચીનયુગથી છે.

ઉપનિષદો વિશે વિદ્વાનોના જે પાંચ અભિપ્રાય અહીં આપ્યા છે, એમાં કેટલીક ધારણાઓ છે, અભિપ્રાયો છે, પરંતુ બીજો મુદ્દો નક્કર વાસ્તવિકતા છે. વ્યષ્ટિ અને સમષ્ટિ વિશે વિચારતાં વિચારતાં માનવચિત્તે જે ઊંચાઈ પ્રાપ્ત કરી છે એ ઉપનિષદોમાં પરિણમી છે. બૃહદકારણ્યકોપનિષદમાં ઋષિ કહે છે,

अत्र पिता अपिता भवति, माता अमाता
I देवो अदेवा: I वेदा अवेदा:(બૃહદ. ૧૦૨) શું કહે છે?

મનુષ્ય જ્યારે ઊંચાઈને પ્રાપ્ત કરી લે છે ત્યારે પિતા પિતા નહીં રહે, માતા માતા નહીં રહે, દેવ દેવ નહીં રહે અને એના વેદ વેદ નહીં રહે. આ બધું જ પોતાનામાં આત્મસાત્ થઈ ગયું અને વેદો સહિતના અવલંબનો ખરી પડયાં. વેદ પોતાને અવલંબન તરીકે ઓળખાવે છે અને આત્માનુભૂતિ પછી પોતાને ખરી પડવા જોગ એટલે કે અપ્રાસંગિક ગણાવે છે એ ઓછી હિંમત કહેવાય?

આવું ખુલ્લાપણું અને મોકળાશ વેદોના સમયથી ચાલી આવે છે અને આપણે તેના માટે સકારણ ગૌરવ લઈ શકીએ એવા વારસ છીએ.

પ્રારંભમાં જ કહ્યું એમ ઉપનિષદો વિશે લખતાં મારા મનમાં મૂંઝવણ હતી કે શું લઉં અને શું છોડું. વિનોબાએ જે ૧૮ ઉપનિષદોને મહત્ત્વનાં ગણાવ્યાં છે તેના મંત્રોની સંખ્યા ૭૩૬ થાય છે. એ મંત્રોમાંથી છોડી જ ન શકાય એવા મંત્રોની યાદી બનાવી તો ૭૦ કરતાં વધુ થાય છે. પછી વિચાર કર્યો કે ઉપનિષદોના આચમન તરીકે માત્ર મહાવાક્યોની વાત કરવી. ઉપનિષદોમાં આખા મંત્રો નહીં, પણ બબ્બે શબ્દોના મુખ્યત્વે પાંચ મહાવાક્યો છે. સંધી છૂટી પાડો તો ચાર શબ્દો થાય. આ મહાવાક્યો ખરેખર મહાવાક્યો છે અને જો તેનું ભાષ્ય કરવામાં આવે તો એક એક પર એક એક પુસ્તક થાય અને થયાં પણ છે.

પહેલું મહાવાક્ય એતરેયોપનિષદનું છે – प्रज्ञानं ब्रह्म જેનો અર્થ થાય છે, ‘પ્રજ્ઞાનરૂપ બ્રહ્મ.’

પ્રજ્ઞાનનો અર્થ સમજાવતા ઋષિ કહે છે કે, “જેનાથી મનુષ્ય જુએ છે, સાંભળે છે, સૂંઘે છે, બોલે છે, સ્વાદ-આસ્વાદનો ભેદ કરી શકે છે, જે હૃદય અને મન છે, જેના દ્વારા મનુષ્ય સંકલન-આકલન કરે છે, મનુષ્યમાં રહેલી વિશ્લેષણ શક્તિ, પ્રજ્ઞા, મેધા, દ્રષ્ટિ, મનન શક્તિ, વિવેક, પ્રેરણા, સ્મૃતિ સંકલ્પ, કર્મ-નિર્ણય, પ્રાણવૃત્તિ, કામના, સ્વાધીનતા એ બધાં પ્રજ્ઞાનનાં નામ છે.

બીજું મહાવાક્ય માંડૂક્ય ઉપનિષદનું છે – अयमात्मा ब्रह्म જેનો અર્થ થાય છે, ‘આ આત્મા બ્રહ્મ છે.’

ઋષિ સમજાવે છે. આ સર્વ બ્રહ્મ છે. આ આત્મા બ્રહ્મ છે. એ આત્મા (વિશ્વ, તેજસ, પ્રાજ્ઞા, તુરીય ) એમ ચતુષ્પાદ છે.

ત્રીજું મહાવાક્ય બૃહદારણ્યકોપનિષદનું છે – अहं ब्रह्मा स्मि, જેનો અર્થ થાય છે, ‘હું બ્રહ્મ છું.’

આ મંત્રની સમજ આપતા ઋષિ કહે છે, પહેલા માત્ર બ્રહ્મ જ હતું, બીજું કાંઈ નહોતું. એ પછી હું બ્રહ્મ છું એ રીતે મેં મારી જાતને ઓળખી અને બધું ‘સર્વ’ થઈ ગયું. દેવોમાં જેને જેને આ સમજાયું એ તદ્રુપ થઈ ગયા. જે ઋષિઓએ જાણ્યું એ તદ્રુપ થઈ ગયા વગેરે.

ચોથું મહાવાક્ય છાંદોગ્યઉપનિષદનું છે तत्त्व मसि  જેનો અર્થ થાય છે, ‘એ (બ્રહ્મ) તું છે.’

तत् त्वम् असि એટલે કે તું દોષોનું પોટલું નથી, પાપી નથી, અધૂરો નથી; પણ તું બ્રહ્મ છે. મહાવાક્યનો ચોક્કસ અર્થ થાય છે ‘એ તું છે.’ તું જ બ્રહ્મ છે અને તારાથી બ્રહ્મ અલગ નથી. તો પછી અધૂરપ છે એ શું છે? તો કહે એ અજ્ઞાન છે. અજ્ઞાનના પડળ હટી જશે એટલે બ્રહ્મ આપોઆપ સિદ્ધ થઈ જશે. એ પછી ઋષિ મહાવાક્યની સમજ આપતા કહે છે, “ હે સોમ્ય! જે રીતે મધમાખીઓ અનેક દિશાઓનાં અનેક વૃક્ષોમાંથી રસ લાવીને મધ બનાવતી હોય છે અને ‘હું આ વૃક્ષનો રસ છું, હું આ વૃક્ષનો રસ છું’ એવું આકલન શક્ય રહેતું નથી એ રીતે બધા લોકો ‘સત્’ને પ્રાપ્ત કર્યા પછી અને સ્વયં સત્ સાથે એકરૂપ હોવા છતાં તેને તેની ખબર નથી હોતી. એ લોકો (સત્ સાથે એકરૂપ હોવા છતાં) ઇહ લોકમાં વાઘ, સિંહ, બકરી, કીડો, પતંગિયું, મચ્છર બનીને રહે છે.”

આ ખુલાસો સાંભળ્યા પછી પણ શિષ્ય શ્વેતકેતુને મહાવાક્યનું રહસ્ય નથી સમજાતું એટલે તે સાત વાર वि ज्ञापयत्विति विज्ञापयत्विति કહે છે. હે ભગવન્ મને સમજાયું નથી, ફરી સમજાવો, ફરી સમજાવો.

આ મહાવાક્ય, તેનો અનુવાદ અને વિનોબા ભાવેએ કરેલી વ્યાખ્યા પછી મને સમજાયું કે હું પોતે જ શ્વેતકેતુની અવસ્થામાં છું અને विज्ञापयत्विति विज्ञापयत्विति એમ કહેવું પડે એમ છે. એટલે વધારે ડહાપણ ડોળવાની જગ્યાએ એટલું જ કહું છું કે ઉપનિષદો અમૃત-સાગર છે એમાં તમે સ્વયં ડૂબકી મારો અને પોતાની જાતને પ્રશ્ન પૂછો કે જો હું ‘સત્’ સાથે એકરૂપ હોઉં તો પછી મારામાં આ રાગ, દ્વેષ, ધિક્કાર વગેરે તત્ત્વો આવ્યાં ક્યાંથી?

e.mail : ozaramesh@gmail.com 

સૌજન્ય : ’દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 14 ઍપ્રિલ 2019 

Loading

વૈવિધ્ય આપણી તાકાત કે નબળાઈ?

દીપક સોલિયા|Opinion - Opinion|14 April 2019

ફિલ્મ જંઝીરના ક્લાઈમેક્સમાં હીરો અમિતાભ અને વિલન અજિત વચ્ચે જબરી ટક્કર થાય છે. અમિતાભ એકદમ ખુન્નસભેર, લાક્ષણિક એંગ્રી-યંગ-મેન મુદ્રામાં અજિતને યાદ અપાવે છે કે આજથી વીસ વર્ષ પહેલાં આવી જ એક દિવાળીની રાતે તેં મારા મા-બાપનાં ખૂન કરેલાં. એ વખતે અજિત ગ્લાસમાં શરાબ રેડી રહ્યો હતો. એ શરાબ રેડતાં-રેડતાં શાંતિથી કહે છે કે મેં તો મારી જિંદગીમાં અનેક ખૂન કર્યાં છે (એમાં તારાં મા-બાપનાં ખૂન, અને એ પણ આજથી વીસ વર્ષ પહેલાંનાં ખૂન, એમ કંઈ તરત થોડાં યાદ આવે).

અજિત છે તો વિલન જ, પરંતુ તેનું આ લોજિક વાજબી છે. જેનો ધંધો જ ખૂનનો હોય એ કેટલાં ખૂન યાદ રાખે?

એ જ લોજિક પ્રમાણે, જેનો ‘ધંધો’ જ સર્જન-વિસર્જનનો હોય એ કેટલાં સર્જન યાદ રાખે? કેટલાં વિસર્જન યાદ રાખે? આ પૃથ્વીનો જરા ઠંડો પડેલો ગોળો સતત નવાં-નવાં પ્રકારનાં જીવોને જન્મ આપતો રહ્યો છે અને અનેક જીવોને લુપ્ત પણ કરી રહ્યો છે. અત્યાર સુધીમાં પૃથ્વી પર પાંચ અબજથી વધુ પ્રકારનાં જીવો જીવી ચૂક્યાં છે. પાંચ અબજ પ્રકારનાં જીવો … આપણે પ્રકારો યાદ કરવા બેસીએ તો માનવી, વાનર, હંસ, બતક, ગધેડો … એવા બહુ બહુ તો સો-બસો-ત્રણસો પ્રકાર યાદ કરતાં હાંફી જઈએ, જ્યારે પૃથ્વી પર આવીને જતાં રહેલાં વિવિધ પ્રકારનાં જીવોનો (એમની વસતિનો નહીં, એમના પ્રકારોનો) આંકડો પાંચ અબજને વટી ચૂક્યો છે, જેમાંના ૯૯.૯૯ (અનેક નવડા) પ્રકારના જીવો લુપ્ત પણ થઈ ચૂક્યા છે. અત્યારે, આજની તારીખે જેટલાં પ્રકારનાં જીવો બચેલાં છે, તેમાંથી ફ્ક્ત બારેક લાખ જીવોનું જ ડોક્યુમેન્ટેશન થયું છે. બાકીનાં અંદાજિત ૮૬ ટકા જીવો વિશે હજુ આપણને કશી જાણકારી જ નથી. કરો વાત, આપણને લાગે કે આપણે પૃથ્વીને અને જીવોને જાણીએ છીએ, આપણને લાગે કે વિજ્ઞાને ઘણું બધું શોધી લીધું છે, પરંતુ હકીકત એ છે કે આજની તારીખે પૃથ્વી પર જીવતાં મોટાં ભાગનાં જીવો વિશે આપણે કશું જ જાણતા નથી. હા, વિજ્ઞાનીઓ એટલું જાણી-સમજી શક્યા છે કે આજની તારીખે પૃથ્વી પર જેટલાં પ્રકારનાં જીવો છે તેમાંના ૯૦ ટકા પ્રકારો ફ્ક્ત ૧૦ જ ટકા વિસ્તારોમાં એટલે કે ઉષ્ણકટિબંધનાં જંગલોમાં જીવી રહ્યાં છે; એવાં જંગલોમાં, જ્યાં મનુષ્યની ઉપસ્થિતિ પ્રમાણમાં ઘણી પાંખી છે.

તો, મુદ્દો એ છે કે આપણે મનુષ્યો ભલે આપણને પૃથ્વીની શાન ગણીએ, પૃથ્વીને મન તો માનવી હાલના એક કરોડથી વધુ પ્રકારનાં જીવોમાંનો એક છે. એટલું જ નહીં, અન્ય મોટાં ભાગનાં જીવોની સરખામણીમાં મનુષ્ય જુનિયર છે, નવોસવો છે. પોણા ચાર અબજ જૂની જીવસૃષ્ટિમાં માનવી બહુમાં બહુ તો સાડા ત્રણ લાખ વર્ષ જૂનો છે. આવામાં, આપણે મનુષ્યો જો ભૂલેચૂકે પૃથ્વી, સૃષ્ટિ, પ્રકૃતિ સમક્ષ અમિતાભની સ્ટાઈલમાં ડાયલોગ મારીએ કે સાડા ત્રણ લાખ વર્ષથી અમે આ પૃથ્વી પર છવાયેલા છીએ અને અહીં તો અમારું રાજ ચાલે છે … તો સૃષ્ટિ પેલા અજિતની જેમ શાંતિપૂર્વક કહી શકે કે ભઈલા, તારા જેવા તો અહીં કંઈક આવ્યા ને કંઈક ગયા … હું કેટલાનો હિસાબ રાખું?

બરાબર છે. સૃષ્ટિ કેટલું યાદ રાખે? પણ આપણે બે વાત યાદ રાખવી.

૧. પ્રચંડ જૈવિક વૈવિધ્યના અત્યંત બહોળા-પહોળા-ડહોળા ઇતિહાસમાં આપણી, માનવીની ક્ષુલ્લકતા યાદ રાખવી. અહીં તો કંઈક આવ્યા … કંઈક ગયા … એમ આપણે આવ્યા અને આપણે પણ જઈશું … માટે ખાંડનો ઓવરડોઝ કરવો નહીં.

૨. વૈવિધ્ય … આ સૃષ્ટિનું હાર્દ છે, અપાર વૈવિધ્ય … કુદરતે કાળાં અને ધોળાં એવાં ફ્ક્ત બે જ પ્રકારનાં પતંગિયાં બનાવ્યાં હોત તો કોઈ એને પૂછવા નહોતું જવાનું, કોઈ એનું ઓડિટ નહોતું કાઢવાનું, છતાં, સૃષ્ટિએ અસંખ્ય પ્રકારનાં રંગો ધરાવતાં પતંગિયાં બનાવ્યાં અને બીજાં અબજો પ્રકારનાં જીવો રચ્યાં.

શું કામ?  

કારણ કે વૈવિધ્ય એ સૃષ્ટિનું હાર્દ છે. બાયોડાયવર્સિટી(જૈવિક વૈવિધ્ય)ની જે અપાર સમૃદ્ધિ આપણી ચારે તરફ વિખરાયેલી પડી છે તેના પર આપણું ઝાઝું ધ્યાન નથી જતું, પણ તેના પર ધ્યાન આપવા જેવું છે.

ખાસ તો અત્યારે, ચૂંટણી અગાઉ ભારતમાં રચાયેલા ઝંઝાવાતી માહોલમાં શાંતિપૂર્વક સમજવા જેવું એ છે કે આ સૃષ્ટિનાં અબજો પ્રકારનાં જીવોમાંના એક એવા મનુષ્યની અબજોની વસતિમાં પ્રત્યેક મનુષ્ય જુદો છે, તેના અરમાન-અભિપ્રાય-વલણો જુદાં છે. ફ્ક્ત સમસ્યાની જ વાત કરીએ કોઈને હિન્દુ-મુસ્લિમ મુદ્દો સૌથી મહત્ત્વનો લાગે તો કોઈને સ્ત્રીઓના કે દલિતોના કે ગરીબોના હકનો મુદ્દો સૌથી મહત્ત્વનો લાગે. આવામાં, આપણને જેમાં રસ પડે તેમાં ભલે રસ લઈએ, પણ બીજી વ્યક્તિને બીજી વાતોમાં રસ પડે, બીજી વ્યક્તિ જુદું વિચારે, તેને જુદો નેતા ગમે, જુદો પક્ષ ગમે, તેને જુદું શાક ભાવે, તેને પર્વત કરતાં દરિયો વધુ રૂપાળો લાગે … તો ઇટ્સ ઓકે. એમાં બાંયો ન ચડાવાય. “મને જેમાં રસ પડે છે તેમાં તને રસ કેમ નથી પડતો?” “તું મારા જેવો કે જેવી કેમ નથી?” આવું બધું ન પૂછાય.

સૃષ્ટિનું જૈવિક વૈવિધ્ય અને માનવીનું માનસિક-સામાજિક-સાંસ્કૃતિક વૈવિધ્ય … આ બંને બહુ જ મહત્ત્વનાં છે. આ વૈવિધ્ય બળ પૂરું પાડે છે. વિશ્વની અનેક સંસ્કૃતિઓ નાશ પામી પણ આપણી ભારતીય સંસ્કૃતિ ગમે તેવી તો પણ હજુ સુધી ટકી શકી છે તેનું એક મહત્ત્વનું કારણ સૌ સ્વીકારે છે. તે કારણ છે, વૈવિધ્ય … ભારતીય સંસ્કૃતિ જેટલું વૈવિધ્ય બીજે ક્યાં ય નથી. શક્ય છે કે આ વૈવિધ્યને લીધે આપણી સંસ્કૃતિ આટલું લાંબું ટકી.

તો, ચૂંટણીમાં મત કોને આપવો એ નિર્ણય લેવા ઉપરાંત બીજો એક નિર્ણય પણ ભેગાભેગો લઈ લઈએઃ આપણા દેશના સાંસ્કૃતિક વૈવિધ્યને આપણે તાકાત બનાવવા માગીએ છીએ કે નબળાઈ?

વિચારી જોજો.

facebook .com / dipaksoliyan

સૌજન્ય : ‘એક વાતની સો વાત’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 14 ઍપ્રિલ 2019

Loading

મત કોને આપવો ? ઉમેદવારને કે પક્ષને ?

રમેશ ઓઝા|Opinion - Opinion|14 April 2019

ચૂંટણી વખતે પોતાને જાગૃત નાગરિક તરીકે ઓળખાવનારાઓ નાગરિક પ્રબોધનને પોતાનું કર્તવ્ય માનીને બે સલાહ આપે છે. એક તો એ કે નાગરિકે મતદાન કરવું જ જોઈએ. એ નાગરિકનો અધિકાર છે અને મતદાન કરો તો જ લોકતંત્ર મજબૂત થાય. કેટલાક તો ત્યાં સુધી સલાહ આપે છે કે કાયદો ઘડીને મતદાન ફરજિયાત કરવું જોઈએ. પાછલાં વર્ષોમાં ઊહાપોહ કરવામાં આવતો હતો કે નાગરિક પોતાનો ધર્મ બજાવવા માગે છે પણ કોઈ ઉમેદવાર જ લાયક ન હોય ત્યાં શું કરવું? અમારે અમારો અવાજ અને અધિકાર જતાં કરવાં પડે છે. તેઓ તેમનો અવાજ અને અધિકાર વ્યક્ત કરી શકે એ માટે નોટા(નન ઑફ ધિ એબવ)ની વ્યવસ્થા કરી આપી છે. આ તો જાણે બરોબર છે. આવી શિખામણ સામે વાંધો ન હોઈ શકે.

તેઓ બીજી શિખામણ એવી આપે છે કે ઉમેદવાર જોઇને મત આપવો. તમારો ઉમેદવાર ચારિત્ર્યવાન હોવો જોઈએ, ભ્રષ્ટ ન હોવો જોઈએ, લોકોનું તત્પરતાથી કામ કરતો હોવો જોઈએ, જો આ પહેલાં તમારું તેણે પ્રતિનિધિત્વ કર્યું હોય તો તેની કામગીરી ચકાસવી જોઈએ, વગેરે. કેટલાક વળી હજુ આગળ વધીને શિખામણ આપે છે કે ઉમેદવાર જ્ઞાતિ કે ધર્મનું રાજકારણ કરનારો ન હોવો જોઈએ અને તેના નામે મત માગનારો ન હોવો જોઈએ.

લોચો અહીં છે. યક્ષપ્રશ્ન એવો છે કે મતદાતાએ ઉમેદવારને જોઇને મત આપવો જોઈએ કે પક્ષને? ૧૯૫૧-૫૨ની પહેલી ચૂંટણીથી આજ સુધીમાં લોકસભાની ૧૭ અને વિધાનસભાઓની ૪૦૦થી વધુ ચૂંટણીઓ યોજાઈ છે અને એમાં જો મતદાતાએ ઉમેદવારમાં ઉપર મુજબનાં ગુણ જોઇને મતદાન કર્યું હોત, તો ભારતની સ્થિતિ આજ જેવી ન હોત. ગામના ઉતારોને, કોમવાદીઓને, જ્ઞાતિવાદીઓને, પ્રાંતવાદીઓને, ભાષાવાદીઓને રાજકારણમાં પ્રવેશ જ ન મળ્યો હોત. આજે એ લોકો જાહેરજીવનને, રાજકીય પક્ષોને અને સમૂળગા રાજ્યને હાઇજેક કરી ગયા છે, કારણ કે આપણે ‘આપણા’ને મત આપ્યો હતો પછી ‘આપણો’ ભલે હરામખોર હોય. એનાથી કોઈ ફરક પડતો નથી. જાગૃત નાગરિકોએ તો ત્યારે પણ સલાહ આપી હતી કે ભારતની જનતાએ ભારતના નાગરિક તરીકે વોટ આપવો જોઈએ એટલે ઉમેદવાર ‘મારો’ થયો, ‘આપણો’ નહીં. એ માણસ હોવો જોઈએ માણસાઈની અખિલાઈની વાત કરતો હોવો જોઈએ. પણ ભારતના નાગરિકોએ એની ચિંતા કર્યા વિના આપણાને મત આપવાનું શરૂ કર્યું.

આપણે ખાસ છીએ, આપણી આટલી સંખ્યા છે, આપણું આટલું વર્ચસ્‌ છે, આપણે આપણું ચડિયાતાપણું સાબિત કરવું જ જોઈએ, આપણી સાથે અન્યાય થાય છે, આ કળિયુગમાં આપણે સંગઠિત ન થઈએ તો ફેંકાઈ જઈએ, આપણો અવાજ બુલંદ હોવો જ જોઈએ, આપણને સત્તામાં ભાગ મળવો જ જોઈએ, આપણે એકલા સત્તા ભોગવવાની લાયકાત ધરાવીએ છીએ કારણ બીજા તો બહારથી આવેલા છે, વગેરે વગેરે. આપણે, આપણે, આપણે ! આ આપણેપણાની માનસિકતામાંથી આપણા માટે આપણા પક્ષ રચાવા લાગ્યા. ભારતીય લોકતંત્ર; લોકનું, લોકો દ્વારા, લોકો માટેનું બનવાની જગ્યાએ આપણું, આપણા દ્વારા, આપણા માટેનું બની ગયું.

તમને કદાચ જાણ નહીં હોય, ૧૯૫૧-૫૨ની પહેલી સામાન્ય ચૂંટણી વખતે જ માત્ર આપણા માટે ખાસ કામ કરનારા અલાયદા બે ડઝન (કુલ પક્ષસંખ્યા ૫૩) પક્ષ રચાઈ ગયા હતા.   તમને એ વાતની પણ કદાચ જાણ નહીં હોય કે ૧૯૩૦-૩૧માં અંગ્રેજ સરકારે ગોળમેજ પરિષદ બોલાવી ત્યારે ખાસ ‘આપણા’નું પ્રતિનિધિત્વ કરવા કુલ ૭૪ પ્રતિનિધિઓ ગયા હતા. એમાં એક માત્ર ગાંધીજી ભારતનું પ્રતિનિધિત્વ કરતા હતા અને બાકીના બધા ‘પોતાના’નું કે ‘આપણા’નું પ્રતિનિધિત્વ કરતા હતા. ગાંધીજી બધાનું – સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરે છે એવા તેમના દાવાને નકારવા આપણા પ્રતિનિધિઓ આપણી વાત કરવા ખાસ પરિશ્રમ ઉઠાવીને લંડન ગયા હતા. ભવિષ્યમાં મળનારી સત્તાકીય વ્યવસ્થા અંગે ભારતમાં આપસમાં સમજૂતી થાય એ માટે લંડનમાં ત્રણ વખત ગોળમેજ પરિષદ બોલાવવામાં આવી હતી. ભવિષ્યમાં સત્તાની વહેંચણીમાં ઝઘડો ન થાય એ માટે સમજૂતી કરવા એક ટેબલ પર સાથે બેસાડવામાં આવ્યા હતા એનો અર્થ જ એ થયો કે આપસમાં સમજૂતી નહોતી.

આમ સમગ્ર ભારત અને ભારતની તમામ પ્રજા માટે નહીં, પરંતુ માત્ર આપણા લોકો માટે જ વિચારવાની અને કામ કરવાની પ્રવૃત્તિ આપણે ત્યાં યુગો જૂની છે, જેને સંસદીય રાજકારણમાં રાજકીય સ્વરૂપ મળ્યું છે. ૧૯૫૧-૫૨થી ભારતીય નાગરિકે આપણાને આપણો છે માટે ઉત્તેજન આપીને પોષ્યા છે અને તેમની રાજકીય તાકાત વિકસાવી આપી છે. આવા આપણા અને પરાયાના રાજકારણે એટલું બધું નુકસાન પહોંચાડ્યું છે જેટલું ગામના ઉતાર જેવા ઉમેદવાર રાજકારણીએ નથી પહોંચાડ્યું. એ કદાચ ભ્રષ્ટ અને ચારિત્ર્યહીન હશે, પરંતુ એ સમાજમાં વિખવાદ નથી પેદા કરતો. હું એમ માનું છું કે અત્યારની સ્થિતિમાં ભારતના સુજ્ઞ નાગરિકે ઉમેદવાર નહીં, પક્ષની પસંદગી કે નાપસંદગી કરવી જોઈએ. પહેલા તો એવા પક્ષોને નાપસંદ કરવા જોઈએ જે માત્ર ચોક્કસ કોમના હિત માટે કામ કરતા હોય. આપણા માટે કામ કરનારા બીજા માટે કામ ન કરી શકે અને બીજા માટે કામ કરનારા આપણા માટે કામ ન કરી શકે. આવા લોકો સત્તા ખાતર સમાજ વિભાજન કરે છે અને છતાં જો મતદાતા એ આપણા છે માટે મત આપતા હોય તો પહેલો ગુનેગાર નાગરિક છે, રાજકીય નેતા કે પક્ષ નથી. 

તમને એ વાતની પણ કદાચ જાણ નહીં હોય કે ભારતીય બંધારણમાં રાજકીય પક્ષનો ઉલ્લેખ જ નથી. પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર એમ ઘણું થયું, હવે આપણે ભારતીય બનવાનું છે. નાગરિક પોતાનો પ્રતિનિધિ ચૂંટશે, એ પ્રતિનિધિ પ્રતિનિધિગૃહમાં પ્રજાનું પ્રતિનિધિત્વ કરશે, પ્રતિનિધિઓ પ્રતિનિધિગૃહમાં તેમના નેતાને ચૂંટશે અને એ નેતા કેન્દ્રમાં કે રાજ્યમાં સરકાર રચશે. આમ બંધારણ મુજબ વડા પ્રધાન અને મુખ્ય પ્રધાન ગૃહના નેતા તરીકે ઓળખાય છે, પક્ષના નહીં.

એ તે કેવું દુર્ભાગ્ય કે દેશનો વડો પ્રધાન પક્ષનો વડા પ્રધાન બની જાય છે! શિવાજી મહારાજને મરાઠા બનાવી દેવામાં આવે છે અને સરદાર પટેલ ગુજરાતના અને હવે તો પટેલોના. પહેલી શરત છે આપણે ભારતીય બનીએ અને જે ભારતીય નથી તેને નકારીએ. ટૂંકમાં તમે તમારો મત ઉમેદવારને જોઇને નહીં આપતા પક્ષને જોઇને આપજો. 

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 ઍપ્રિલ 2019

Loading

...102030...2,8612,8622,8632,864...2,8702,8802,890...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved