Opinion Magazine
Number of visits: 9577517
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિદ્વાન દીવાનનું સ્વરૂપાનુસંધાન

દીપક મહેતા|Opinion - Literature|13 March 2019

કાળચક્રની ફેરીએ

“આપે મને કીમતી મણીમાલા મોકલી હોત તો તે એક સુંદર ભેટ ગણાત, પણ તેથી કંઈ મારી જાતને, મારા આત્માને લાભ થાત નહિ. પણ આપે મને કિંમતી શબ્દોની જે મણીમાલા મોકલી છે તેનાથી મને, મારા આત્મનને લાભ થયો છે. અને તેથી હું આપની ભેટને મણીમાલા કરતાં ઘણી વધુ કીમતી ભેટ ગણું છું. હા, આ જિંદગીમાં આપણે ક્યારેય એકબીજાને મળવાના નથી, પણ આપણો આધ્યાત્મિક સમાગમ આ રીતે થયો તેથી મને આનંદ થયો છે.”

આ શબ્દો લખાયા હતા ૧૮૮૪ના ડિસેમ્બરની પાંચમી તારીખે લખાયેલા એક પત્રમાં. પત્ર લખનાર હતા સંસ્કૃત અને ઇન્ડોલોજીના પ્રકાંડ પંડિત મેક્સમૂલર. અને આ પત્ર લખાયો હતો શ્રીમાન ગૌરીશંકર ઉદયશંકર ઓઝા, દીવાન, ભાવનગર રાજ્યને. અગાઉ મનહરપદ પુસ્તક વિષે લખતાં જેમની વાત કરેલી તે જ ગગાભાઈ ઉર્ફે ગૌરીશંકર ઓઝાએ પોતાનું પુસ્તક મેક્સમૂલરને ભેટ મોકલ્યું હતું તેના જવાબમાં મેક્સમૂલરે આ પત્ર લખ્યો હતો. પત્રમાં જણાવ્યા પ્રમાણે મેક્સમૂલર અને ગગાભાઈ એકબીજાને ક્યારે ય મળ્યા નહોતા, મળે તેવો સંભવ પણ નહોતો. એટલે આ શબ્દો માત્ર વિવેક ખાતર લખાયા ન હોય. જો કે મેક્સમૂલર જેવા વિદ્વાન એમ કોઈને વિવેક ખાતર લખે પણ નહિ.

તો મેક્સમૂલરને પણ જે કિંમતી ભેટ જેવું લાગ્યું તે પુસ્તક કયું હતું? ગગાભાઈના એ પુસ્તકનું નામ સ્વરૂપાનુંસંધાન, જે મુંબઈના નિર્ણયસાગર છાપખાનામાં છપાઈને ૧૮૮૪માં પ્રગટ થયું હતું. દેવનાગરી લિપિમાં છપાયેલા ટાઈટલ પેજ પર પુસ્તક વિષે આ પ્રમાણે લખ્યું છે: “બ્રહ્મ આત્માના એકત્વનો સાત પ્રક્રિયાયે કરીને વિચાર, વેદાન્ત વિષયનો ગ્રંથ.” શંકાશીલને પહેલો વહેમ એ આવે કે કોઈ બીજા પાસે લખાવીને દીવાનસાહેબે પુસ્તક પોતાને નામે તો નહિ છપાવ્યું હોય ને? રાજા-રજવાડા ઓ માટે આમ કરવાની નવાઈ નહોતી, તો દીવાનસાહેબ પણ એ રસ્તે ચાલ્યા નહિ હોય ને? ના, જી. કૌશિકરામ વિઘ્નહરરામ મહેતાએ લખેલ અત્યંત વિસ્તૃત જીવનચરિત્ર કહે છે કે ધર્મ અને શાસ્ત્રોમાં ગગાભાઈને પહેલેથી જ રસ હતો. ‘સૌરાષ્ટ્રનો મંત્રીશ્વર’ પુસ્તકમાં વિજયરાય વૈદ્ય એ વાતને ટેકો આપે છે. અંગ્રેજીમાં લખાયેલ જીવનચરિત્રમાં ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક પણ તેમ જ કહે છે. કિશોરવયે ગગાભાઈએ ધર્મશાસ્ત્રોનો થોડો અભ્યાસ પણ કરેલો. સેવકરામ રાજારામ દેસાઈ પાસેથી શિવપુરાણ, વિષ્ણુભાગવત, દેવીભાગવત, ભારતસાર વગેરે ગ્રંથોનો અભ્યાસ કરેલો. પછી મનોહરસ્વામીનો સંગ મળ્યો, તેમનો રંગ લાગ્યો. તેમની પાસે પણ ગીતા અને ઉપનિષદોનું અધ્યયન કરેલું. દીવાન તરીકે રાજકાજ ઉપરાંત તેઓ સાધુસંતોનો સમાગમ કરતા રહેતા હતા. રાજના કાજે બહારગામ જાય ત્યારે ત્યાંના જ્ઞાની વિદ્વાનોને અને સાધુસંતોને મળતા. તેમને ભાવનગરમાં આવવા આમંત્રણ આપતા. દીવાનપદેથી નિવૃત્ત થયા પછી તેમણે ફરીથી શાસ્ત્રાભ્યાસમાં વધુ રસ લીધો એટલું જ નહિ, રોજ સાંજે પોતાને ઘરે કેટલાક આમંત્રિત મહેમાનો સાથે શાસ્ત્ર-ચર્ચા પણ કરવા લાગ્યા. તેમના બહુશ્રુતપણાની પ્રતીતિ થતાં તેમાંના કેટલાકે ગગાભાઈને પુસ્તક લખવાની વિનંતી કરી, જેથી તેમની શાસ્ત્રચર્ચા વધુ બહોળા વર્ગ સુધી પહોંચી શકે. આથી ગગાભાઈએ સ્વરૂપાનુસંધાન ગ્રંથ તૈયાર કર્યો. તેમાં ઉપનિષદો, સ્મૃતિઓ, ગીતા, યોગવાસિષ્ઠ, પંચદશી, સ્વારાજ્યસિદ્ધિ, શંકરાચાર્યના પ્રકરણગ્રંથો, વગેરેને અનુસરીને વેદાન્તશાસ્ત્રનું સ્પષ્ટ રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે.

લેખકે પુસ્તકને સાત ‘પ્રતિક્રિયા’(પ્રકરણ)માં વહેંચ્યું છે. પહેલી પ્રતિક્રિયામાં બ્રહ્મનાં લક્ષણ, જીવ તથા ઈશ્વરનું સ્વરૂપ, આત્મા અને દેહ, વગેરેની ચર્ચા કરી છે. દૃષ્ટા અને દૃશ્ય, સાક્ષી અને સાક્ષ્ય, કારણ અને કાર્ય વચ્ચેના વિવેકની વાત બીજા પ્રકરણમાં મળે છે. તો ત્યાર પછીના પ્રકરણમાં મુખ્યત્વે આત્મા, કર્તૃત્વ, ભોક્તૃત્વ, વગેરેની ચર્ચા કરી છે. ચોથી પ્રક્રિયામાં જાગૃત વગેરે અવસ્થા, પારમાર્થિક, વ્યાવહારિક, અને પ્રાતિભાસિક એ ત્રિવિધ સત્તાઓની છણાવટ કરી છે. પાંચમી, છઠ્ઠી અને સાતમી પ્રક્રિયામાં શ્રુતિપ્રસ્થાનનાં ભાષ્ય, સૂત્રભાષ્ય તથા સ્મૃતિપ્રસ્થાનનાં ભાષ્યોને આધારે વેદાન્ત સિદ્ધાંતોનું, સાધનોનું, અને ફળનું પ્રતિપાદન કરી ગ્રંથનો ઉપસંહાર કર્યો છે. અલબત્ત, અહીં એ નોંધવું જોઈએ કે સર્વસાધારણ વાચકને જેમાં ગમ પડે એવું આ પુસ્તક નથી, એવા વાચક માટે એ લખાયું જ નથી. હકીકતમાં આપણી પરંપરાગત શાસ્ત્રાર્થની ભાષ્ય પદ્ધતિને અનુસરીને તે લખાયું છે.

પુસ્તકની નકલો દેશની અને પરદેશની અનેક જાણીતી વ્યક્તિઓને ભેટ મોકલાઈ હતી. તેમાંના લગભગ બધાએ ગ્રંથની એક યા બીજી રીતે પ્રશંસા કરી હતી. મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ લખ્યું હતું: “આપના જેવા રાજ્યપ્રસંગમાં એક સર્વોપરી પ્રધાન, અનેક ઉપાધિ છતાં શ્રદ્ધાપૂર્વક આત્મજ્ઞાન સંપાદન કરવા પૂર્વાવસ્થામાંથી જ પ્રયત્ન કરે એ જ પ્રથમ તો વિરલતા છે … આપ જેવા ઉત્તમોત્તમ વિદ્યાના ઉપાસક જોઈ દેશાભિમાનીઓને સંતોષાનંદ થવાનું કારણ છે.” તો ‘ગુજરાત શાળાપત્ર’માં નવલરામ લક્ષ્મીરામ પંડ્યાએ લખ્યું હતું: “ભાવનગરના માજી દીવાન, અને મુંબઈ ઇલાકા ખાતે હિન્દુસ્તાનના આ એક મોટા રાજનીતિજ્ઞ પુરુષે ગ્રંથકાર રૂપે દેખાવ આપી આખી પ્રજામાં સાનન્દાશ્ચર્ય ઉત્પન્ન કર્યું છે … રાજ્યશ્રી ગગાભાઈનું નામ યૂરોપમાં પણ અજાણ્યું નથી. પાર્લામેન્ટમાં પ્રસંગોપાત એમની રાજ્યપ્રકરણી બુદ્ધિનાં હર્ષભેર વખાણ થયેલાં છે. પણ હાલ ‘સ્વરૂપાનુસંધાન’ એ નામનું એક સમર્થ પુસ્તક વેદાન્ત જેવા ગહન વિષય ઉપર લખી એ ગૃહસ્થે પોતાનો પારમાર્થિક અભ્યાસ, અદ્ભુત સ્મરણશક્તિ, તથા વૃદ્ધાવસ્થામાં પણ અખંડિત ઉદ્યોગ એ નિર્વિવાદપણે જાહેર કર્યા છે.”

એક જમાનામાં દેશ અને વિદેશમાં જેમનું નામ જાણીતું થયું હતું તે ગગાભાઈ(ગૌરીશંકર ઉદયશંકર ઓઝા)નો જન્મ ભાવનગર નજીકના ઘોઘા ગામે (જે એ વખતે બ્રિટિશ સરકારની હકૂમત નીચે હતું) ૧૮૦૫ના ઓગસ્ટની ૨૧મી તારીખે થયો હતો. તેમની દોઢ વર્ષની ઉંમરે માતા અજબબાનું અવસાન થયું. તેથી ગગાભાઈ તેમનાં મોટાં બહેન અચીબા અને બનેવી સેવકરામ રાજારામ દેસાઈ પાસે ઉછર્યા હતા. એ વખતે હજી અંગ્રેજી પદ્ધતિની સ્કૂલો શરૂ થઇ નહોતી. ગામઠી નિશાળમાં થોડુંઘણું ભણ્યા, પણ તેમાં ગાડું ખાસ ચાલ્યું નહિ. પણ કુટુંબીનાં વડીલો પાસેથી ધર્મ, કાવ્ય, અને મુત્સદ્દીગીરીના પાઠ શીખ્યા. ત્યારબાદ તેઓ સ્વામી મનોહરદાસના પરિચયમાં આવ્યા તેની વિગતો આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. શરૂઆતમાં ગગાભાઈએ કાપડનો વેપાર કરી જોયો, પણ તેમાં ઝાઝી ફાવટ આવી નહિ. તેમના બનેવી સેવકરામ દેસાઈ ભાવનગર રાજ્યની નોકરીમાં હતા. તેમના દ્વારા ગગાભાઈ પણ તે રાજ્યની નોકરીમાં મહિને સવા છ રૂપિયાના પગારે ૧૫-૧૬ વર્ષની ઉંમરે જોડાયા, અને સેવકરામના કારકૂન તરીકે કામ શરૂ કર્યું. તેમની કૂનેહથી પ્રભાવિત થઇ રાજાએ ગગાભાઈની નિમણૂક કુંડલા પરગણાના ડેપ્યુટી વહીવટદાર તરીકે કરી. કુંડલા પર થયેલા બહારવટિયાઓના હુમલાને તેમણે કૂનેહ અને બહાદુરીથી નિષ્ફળ બનાવ્યો. પછી બહારવટિયાઓની બીકે નાસી ગયેલા ખેડૂતો, કારીગર, વસવાયાં, વગેરેને રક્ષણની ખાતરી આપી ફરી વસાવ્યાં, અને તેમના ધંધા-રોજગાર ફરી શરૂ કરવામાં મદદ કરી. એક કુશળ વહીવટકર્તા તરીકે તેઓ રાજાના મનમાં વસી ગયા, અને તેથી જુદી જુદી જવાબદારીઓ સંભાળ્યા પછી વખત જતાં ગગાભાઈ રાજયના દીવાનપદે પહોંચ્યા. દીવાન તરીકે તેમણે રાજ્યના વેપાર-રોજગારને પ્રોત્સાહન આપ્યું, બંદરનો વિકાસ કર્યો, ભાવનગર શહેર સુધરાઈની સ્થાપના કરી, પાણી, રસ્તાઓ, શિક્ષણ વગેરેની વ્યવસ્થા કરી. તેમણે ભાવનગરમાં પહેલી કન્યાશાળા શરૂ કરી, પણ દીકરીને ભણાવી હોય તો તે વહેલી વિધવા બને એવા વહેમને કારણે લોકો પોતાની દીકરીઓને તેમાં ભણવા મોકલતા નહિ, તેથી ગગાભાઈએ પોતાના કુટુંબની દીકરીઓને તેમાં ભણવા મોકલી અને દાખલો બેસાડ્યો. સ્થાનિક લોકો અને કેટલાક અંગ્રેજ અમલદારોનો પણ વિરોધ હોવા છતાં ભાવનગર-ગોંડલ રેલવેની યોજના કરી ને તેને પર પાડી. ભાવનગરને કાઠિયાવાડનું એક આગળ પડતું રાજ્ય બનાવ્યા પછી ૭૪ વર્ષની ઉંમરે ૧૮૭૯માં ગગાભાઈ દીવાનપદેથી નિવૃત્ત થયા. ત્યાર બાદ ૧૮૮૬માં સન્યસ્ત લઇ સ્વામી સચ્ચિદાનંદ સરસ્વતી બન્યા. ૧૮૯૧ના ડિસેમ્બરની પહેલી તારીખે તેમનું અવસાન થયું. તેમના અવસાન પછી મેક્સમૂલરે લખ્યું: “મિ. ગ્લેડસ્ટન(બ્રિટનના વડા પ્રધાન વિલિયમ એવર્ટ ગ્લેડસ્ટન, ૧૮૦૮-૧૮૯૮)ની જેમ ગૌરીશંકર હિન્દુસ્તાનમાં મહાન વૃદ્ધ પુરુષ તરીકે, અથવા તો તેથી પણ વધુ તો એક ઉત્તમ સુજ્ઞ પુરુષ રૂપે વિખ્યાત થયા, અને મિ. ગ્લેડસ્ટનની જેમ તેમના ચરિતમાં તત્ત્વવિચારક અને વ્યવહાર નિપુણ, ધ્યાની અને કર્મી એ બંનેનું મનોહર મિશ્રણ જોવામાં આવે છે.” અલબત્ત, આજે વિદ્વાન દીવાન ગગાભાઈ અને તેમના પાંડિત્યપૂર્ણ પુસ્તક સ્વરૂપાનુંસંધાન સાથે અનુસંધાન ધરાવનાર બહુ ઓછા જોવા મળે.

સંદર્ભ:

૧. શ્રીમાન ગૌરીશંકર ઉદયશંકર ઓઝા, સી.એસ.આઈ. (સ્વામી શ્રીસચ્ચિદાનંદસરસ્વતી) એમનું સપત્રચિત્ર જીવનચરિત્ર/કૌશિકરામ વિઘ્નહરરામ મહેતા. મુંબઈ, ૧૯૦૩

૨. Gaorishankar Udayashankar, C.S.I., Ex-Minister of Bhavnagar, Now in retirement as a Sanyasi/Javerilal Umiashankar Yajnik. Bombay, Pref. 1889

૩. સૌરાષ્ટ્રનો મંત્રીશ્વર: ગગા ઓઝા/વિજયરાય ક. વૈદ્ય. ભાવનગર, ૧૯૫૯

xxx xxx xxx

[‘શબ્દસૃષ્ટિ'નાં માર્ચ ૨૦૧૯ના અંકમાં પ્રગટ થયેલો લેખ]

https://www.facebook.com/deepak.b.mehta.1/posts/10214719651841308

Loading

મનને રમત અને ગમત આપનારી વારતાઓ

દીપક મહેતા|Opinion - Literature|12 March 2019

કાળચક્રની ફેરીએ

એવણનું નામ પેશતનજી કાવશજી રબાડી. ઠામ, બોમ્બે કહેતાં મુંબઈ. કામ? મુંબઈના અખબાર ‘જામે જમશેદ’માં રિપોર્ટર. જનમ ૧૮૨૨. પાંસઠ વરસની વયે ૧૮૮૭ના ઓક્ટોબરની બીજી તારીખે બેહસ્તનશીન થયા. આજે તેમને યાદ કર્યા છે તે તો તેમનાં કથા-વારતાનાં ત્રણ પુસ્તકોને કારણે. ૧૮૬૫ના એપ્રિલ મહિનાની ૨૯મી તારીખે પહેલું પુસ્તક ‘કેહવત મુલ’ પરતાવ્યું. તેની બીજી આવૃત્તિ ૧૮૬૮માં, ત્રીજી ૧૮૮૧માં. ૧૮૭૨ના ડિસેમ્બરની ૨૬મી તારીખે બીજું પુસ્તક ‘મનોરંજક કથા.’ ૧૮૮૪ના જુલાઈની ૩૧મી તારીખે ત્રીજું પુસ્તક ‘મનુશ પરેમી.’ ત્રણે પુસ્તક કથાનાં, વારતાનાં, કહાણીનાં. ટૂંકી વાર્તાનાં પુસ્તક તરીકે ન ઓળખાવીએ તો વાંધો નહિ. પણ આપણા મૂળની કથા અને અંગ્રેજી કૂળની વાર્તા – સ્ટોરી – એ બંનેની મિલાવટ તેમની વારતાઓમાં જોવા મળે. ભાષા, શૈલી, રજૂઆત, વગેરેનો ખ્યાલ આવે એટલે એક વાર્તાનો ઠીક ઠીક લાંબો ઉતારો: (ઉતારામાં અને અવતરણ ચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે)

હા, જી. કથનરીતિ સીધી-સાદી છે. ભાષાના શણગારનો ઠઠારો નથી. પણ જરા ધ્યાનથી વાંચીએ તો કેટલીક બાબત નોંધપાત્ર લાગશે. લેખક પોતે પારસી છે, પણ અહીં વાત કરે છે એક બ્રાહ્મણ કુટુંબની. એ સમાજના રીતરિવાજોથી લેખક પરિચિત છે. બાળલગ્નોના જમાનામાં વહુ ઉમ્મરલાયક થાય એટલે આણું કરવાનો રિવાજ હતો તેનાથી લેખક પરિચિત. પારસી બોલચાલમાં સાધારણ રીતે ન વપરાય તેવા શબ્દોનો – જેમ કે ‘બાએડી’ – ઉપયોગ લેખક કરી જાણે છે. આગળ જતાં પીછોડી, મોહલો, ભરથાર, જેવા શબ્દો લેખક યોજે છે. “ઓહો જમના વહુ આ શું થીઉંરે” એવી પોક એક પાત્ર પાસે મૂકાવે છે, એટલું જ નહિ, બૈરાંઓ પાસે મરશિયાની લીટીઓ પણ ગવડાવે છે. લેખક બિન-પારસી સાહિત્યથી પણ સારા એવા માહિતગાર હોવા જોઈએ. કારણ દરેક વાર્તા પૂરી થયા પછી, તેમણે એ વાર્તાને અનુરૂપ કાવ્યો મૂક્યાં છે. તેમાં શામળ ભટ્ટ જેવા મધ્યકાલીન કવિઓ ઉપરાંત સમકાલીન દલપતરામ વગેરેની કૃતિઓ પણ જોવા મળે છે. તો સાથોસાથ કથામાં વચમાં વચમાં ટિપિકલ પારસી હ્યુમર પણ જોવા મળે છે.

પુસ્તકનું નામ આજે થોડી ગેરસમજ ઊભી કરે એવું છે. અહીં ‘કેહવત મુલ’ કહેતાં કહેવતોના મૂળમાં રહેલી કથાઓ એવું સમજવાનું નથી. પણ દરેક કથાને અંતે કોઈ એક કહેવત સાથે સાંકળી લીધી છે. આ પ્રકારનું આ પહેલું જ પુસ્તક છે એમ તેના ‘બનાવનાર’ રબાડીએ દિબાચામાં કહ્યું છે:

૨૦૬ પાનાંનું આ પુસ્તક મુંબઈના દફતર આશકારા પ્રેસમાં છપાયું હતું અને સોરાબજી જમશેદજી જીજીભાઈને અર્પણ થયું હતું. અર્પણ-પત્ર અંગ્રેજીમાં છાપ્યું છે, જ્યારે પુસ્તકનું ટાઈટલ પેજ ગુજરાતીમાં છાપ્યું છે. પુસ્તકમાં ક્યાં ય તેની કિંમત છાપી નથી.

રબાડીનું બીજું પુસ્તક ‘મનોરંજક કથા’ મુંબઈના ‘જામે જમશેદ’ના છાપખાનામાં છપાઈને ૧૮૭૨માં પ્રગટ થયું હતું. ૪૧૯ પાનાંનું આ પુસ્તક ‘નેક નામદાર શેઠજી સાહેબ શેઠ બેહરાંમજી જીજીભાઈ’ને અર્પણ કર્યું છે. અર્પણ પત્રિકા અંગ્રેજી અને ગુજરાતીમાં જુદા જુદા પાના પર છાપી છે. આ પુસ્તકમાં કુલ ૬૨ વાર્તાઓ છે. તેમાંની ઘણી મૌલિક નથી. પણ ઘણી વાર્તાઓમાં પાત્રો-પ્રસંગો ગુજરાતી હિંદુ સમાજનાં છે, પારસી સમાજનાં નહિ. કેટલીક વાર્તાનાં નામ જ જોઈએ: ‘માણેકચંદનું તપીલું,’ હરીભાઇની શેરડી,’ ‘ભવઈઆ બનેલા વાણીઆઓ,’ ‘લલીતા નામે છોડીની ચંચલાઈ.’ ‘પરશતાવના’માં પુસ્તકના બનાવનાર રબાડી કહે છે: “એ કેતાબને મનોરંજક કથા કહીને નાંમ આપેઆમાં આવીઉં છે, જેની અંદર દીલને રમૂજ આપનારી વારતાઓનો શમાશ કીધો છે… કેટલેક ઠેકાણેથી જુદી જુદી રશીલી અને મનને રમત અને ગમત આપનારી વારતાઓનો શંઘરહ કરેઓ છે.”

હવે ત્રીજા પુસ્તક ‘મનુશ પરેમી’ વિષે થોડી વાત. ૧૮૮૪માં પ્રગટ થયેલું આ પુસ્તક ‘અંગ્રેજી તથા ગુજરાતી જાબ પ્રીંટીંગ પ્રેસ’માં છપાયું હતું, અને તેની કિંમત દોઢ રૂપિયો હતી. ટાઈટલ પેજ પર લેખક પોતાને ‘જામે જમશેદનો આગલો રીપોરટર’ તરીકે ઓળખાવે છે, એટલે ૧૮૮૪ પહેલાં ક્યારેક તેમનો એ અખબાર સાથેનો સંબંધ પૂરો થયો હોવો જોઈએ. આ પુસ્તકમાં ટાઈટલ પેજ અને અર્પણ-પત્ર બંને, ગુજરાતી તથા અંગ્રેજીમાં અલગ અલગ પાના પર છાપ્યાં છે. પુસ્તક દીનશાહજી માણેકજી પીટીટને અર્પણ કર્યું છે. પ્રસ્તાવનામાં પુસ્તક વિષે રબાડી લખે છે: “એને મનુશ પરેમી કરીને નાંમ આપીઆમાં આવીઉં છે, અને જેની અંદર દીલને રમૂજ આપનારી, અને દીલપશંદ વારતાઓનો શંઘરહ કીધામાં આવીઓ છે.” ૨૧૪ પાનાંના આ પુસ્તકમાં કુલ ૪૧ વાર્તા સંઘરાઈ છે. કેટલીક વાર્તાનાં માત્ર નામ જોઈએ: (સરળતા ખાતર નામ આજની ભાષા-જોડણી પ્રમાણે અહીં આપ્યાં છે.) શુકન લઇ જનારો માછી, પંડિતોએ આપેલું રાજ, માગેલી મુરાદ પૂરી પાડનારી દેવી, એક કાબેલ, પણ અપંગ બ્રાહ્મણ, સાચું બોલનાર વાણિયો, એક દયાળુ પાદશાહ, ચોર સોદાગર, જાનવરની બોલી જાણનાર રાજા, મિત્રોની મજા, વગેરે.

અહીં એક વાતનો ખુલાસો કરવો જરૂરી છે. આ ત્રણે પુસ્તકોમાં જે કૃતિઓ છે તેમાંની બહુ ઓછીમાં ટૂંકી વાર્તાનો ઘાટ ઘડાતો જોવા મળે છે. પરંપરાગત કથાની જેમ વાત સીધી લીટીમાં કહેવાય છે. ઘણોખરો ઝોક ઘટનાના કથન તરફનો છે. પાત્ર, સ્થળ-કાળ, વાતાવરણ, વગેરેના સભાન આલેખનનો લગભગ અભાવ છે. સંવાદો બોલચાલના છે. પણ સાથોસાથ એ પણ યાદ રાખવું ઘટે કે એ સમય અંગ્રેજી સાહિત્યના ગદ્ય પ્રકારોને આપણી ભાષામાં લાવવાની મથામણનો હતો. આપણી પરંપરાની કથામાંથી અંગ્રેજી પરંપરાની ટૂંકી વાર્તા નીપજાવવાની મથામણનો હતો. બીજું, આજે આપણે મૌલિક, અનુવાદ, રૂપાંતર, ‘પ્રેરિત’ કૃતિઓને અલગ અલગ તારવવાનો જેટલો આગ્રહ રાખીએ છીએ તેટલો એ વખતે રખાતો નહોતો. એટલે બનવા જોગ છે, કે આ પુસ્તકોમાંની ઘણી કૃતિ પૂરેપૂરી ‘મૌલિક’ ન પણ હોય. પણ આવી કૃતિઓને ટૂંકી વાર્તાનું નહિ, તો ટૂંકી વાર્તાના છડીદારનું સ્થાન અને માન તો આપવું ઘટે.

હકીકતમાં ગુજરાતી ટૂંકી વાર્તાનું પગેરું શોધવા માટે આપણે ઝાઝી મહેનત કરી જ નથી. દાયકાઓ સુધી તો કનૈયાલાલ મુનશી અને ધનસુખલાલ મહેતાની વાર્તાઓની ઉપેક્ષા કરીને મલયાનિલની ‘ગોવાલણી’ને જ પહેલી વાર્તા ગણાવતા રહ્યા. (આજે પણ એવું માનનારા-કહેનારા છે) પણ ટૂંકી વાર્તાનું પગેરું શોધવા માટે માત્ર પુસ્તકોનો આશરો લીધે ન ચાલે. ૧૮૪૦માં મુંબઈથી નવરોજી ફરદુનજીએ ‘વિદ્યાસાગર’ શરૂ કર્યું તે આપણી ભાષાનું પહેલું ‘ચોપાનિયું’ કહેતાં સામયિક. તે પછી તો ૧૯મી સદીમાં કેટલાં બધાં સામયિકો આવ્યાં અને ગયાં. એ બધાંને વાર્તા છાપ્યા વગર ચાલ્યું હશે? ગદ્યના બીજા પ્રકારોની જેમ વાર્તા-લેખનમાં પણ પારસીઓએ પહેલ કરી હોય એવું ન બને? પણ ખાટલે મોટી ખોડ એ કે ૧૯મી સદીનાં (અને ૨૦મી સદીનાં સુધ્ધાં) સામયિકોની સળંગ ફાઈલો આપણે ત્યાં ક્યાં ય એક સાથે સચવાઈ જ નથી. ક્યારેક હાથવગાં પાંચ-દસ સામયિકોમાંથી તારવીને ટૂંકી વાર્તાનાં સંપાદન થયાં છે. બીજી ખોટ એ કે સાહિત્યમાં અર્વાચીનતાની શરૂઆત નર્મદ-દલપતથી જ થઇ એવા હઠાગ્રહમાંથી હજી આપણા ઘણાખરા વિવેચક-સંશોધક-સંપાદક બહાર આવી શક્યા નથી. એટલે એ બંનેની પહેલાં, સાથોસાથ, અને પછી, પારસીઓ, પાદરીઓ અને પરદેશીઓને હાથે જે કામ થયું તે તરફ નજર નાખવાની જરૂર પણ ભાગ્યે જ જણાઈ છે. બાકી બીજી કેટલીક ભાષાઓમાં તો ‘કેહવત મુલ’ ‘મનોરંજક કથા’ કે મનુશ પરેમી’ જેવાં પુસ્તકો આખેઆખાં ફરી છપાય છે. અને છાપવાં ન હોય, તો હવે તો ડિજિટલ – ઇબુકનો રસ્તો પણ સસ્તો અને સારો છે. ભલું થજો મુંબઈની ‘ફાર્બસ ગુજરાતી સભા’નું કે તેણે ૧૯મી સદીનાં ૧૦૦ પુસ્તક સીડી પર સુલભ કરી આપ્યાં છે, તેમાં ‘કેહવત મુલ’ અને ‘મનુશ પરેમી’નો પણ સમાવેશ થાય છે. પણ આ સો પુસ્તક એ તો પાશેરામાં પહેલી પૂણી જેવાં છે. હજી તો ૧૯મી સદીનાં કેટકેટલાં પુસ્તકો, સામયિકો, દસ્તાવેજો આપણી રાહ જોઈ રહ્યાં છે. આપણામાંથી કોક તો જાગે! જાગશે? સાચું કહું તો બહુ આશા નથી.

xxx xxx xxx

[‘શબ્દસૃષ્ટિ'નાં ફેબ્રુઆરી ૨૦૧૯ના અંકમાં પ્રગટ થયેલો લેખ]

https://www.facebook.com/deepak.b.mehta.1/posts/10214485903797753

Loading

વિરોધાભાસનાં દોરડે સંતુલન રાખી ભવિષ્ય ભણી વધતો માનવવંશ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|12 March 2019

એક તરફ ટેક્નોલોજી અને રિસર્ચ છે તો બીજી તરફ ગંદકી, પ્રદૂષણ અને પ્રોસેસ્ડ ફૂડનો મારો છે.

ગુગલમાં અત્યારે મચ્છર મારવાનો એક મોટોમસ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. એક મિનિટ, મને ખબર છે કે તમે એમ વિચારી રહ્યાં છો કે મેં ભૂખ્યા પેટે અને ચા પીધા વગર આ લેખ લખવાની શરૂઆત કરી દીધી છે. તમને લાગે છે કે બેધ્યાનપણે મેં વિશ્વનાં સૌથી વ્યાપક સર્ચ એન્જિનને પેસ્ટ કન્ટ્રોલ કંપનીમાં ખપાવી છે. પણ ના, મેં ચા પીધી છે અને એટલે જ ગુગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ કેલિફૉર્નિયા ફ્રેન્સો કાઉન્ટીમાં લાંબા કલાકો સુધી મચ્છરજન્ય રોગોને નાબૂદ કરવા માટે કામ કરે છે એની મેં વાત માંડી છે. આ પ્રોજેક્ટ પર આલ્ફાબેટ દ્વારા સંચાલિત રિસર્ચ ઓર્ગેનાઇઝેશન વેરીલી લાઇફ સાયન્સિઝે કામ આદર્યું છે. ડેંગી, ચિકનગુનિયા અને ઝિકા વાયરસ ફેલાવનારા મચ્છરોની પ્રજાતિને ખતમ કરવા માટેનાં પ્રયોગ થઇ રહ્યાં છે. એઇડિસ ઇજીપ્તાય પ્રજાતિનાં નર મચ્છરોનાં જનીનને બદલીને નવા જનની ધરાવતાં મચ્છરોનો લેબમાં ઉછેર થશે. આ મચ્છરો માણસને નથી કરડતાં અને જ્યારે તેઓ માદા મચ્છર સાથે મળીને પ્રજનન કરશે ત્યારે માદા મચ્છર ઇંડા તો મૂકી શકશે પણ તે સેવાઇને તેમાંથી મચ્છર પેદા નહીં થાય. એઇડિસ ઇજીપ્તાય પ્રકારનાં મચ્છર મૂળ આફ્રિકન છે પણ હવે તે ભારત સહિતનાં ૧૨૦ ટ્રોપિકલ દેશોમાં જોવા મળે છે. આવો પ્રયોગ ઑસ્ટ્રેલિયામાં પણ કરાયો હતો, પરિણામે પ્રાયોગિક વિસ્તારોમાં મચ્છરની વસ્તી એંશી ટકા જેટલી ઘટી ગઇ હતી.

મચ્છર વગરની દુનિયા શક્ય છે એવું જાણવા માત્ર માટે આ વાત નથી માંડી. મુદ્દો એ છે કે ટેક્નોલોજીને પગલે વિશ્વભરમાં માણસનું આયુષ્ય લાંબુ નહીં પરંતુ ઓછામાં ઓછી શારીરિક તકલીફોવાળું હોય તેવા સંશોધનો થઇ રહ્યાં છે. જીનેટિકલી મોડિફાઇ કરેલાં ડિઝાઇનર બેબીઝ આ ભવિષ્ય તરફનું એક વિશાળ પગલું છે. અસાધ્ય કહી શકાય તેવા રોગની દવાઓથી માંડીને શરીરનાં દેખાવ અને સૌષ્ઠવને જાળવવા માટેનાં તકનિકી વિકલ્પો પણ સમયાંતરે વધી રહ્યાં છે. ટૂંકમાં માણસનું આયખું બને એટલું લાંબુ અને સ્વસ્થ હોય તે માટે ટેક્નોલોજી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઘણી સાયન્સ ફિક્શન ફિલ્મો અને વાર્તાઓમાં અમરત્વની વાત પણ કરાઇ છે અને એ દિશામાં જાણે અજાણે કામ પણ થઇ રહ્યું છે. એન્ટિબાયોટિક્સની દુનિયાને પગલે માણસજાત આજે ગમે તેવી બિમારીને ગણતરીનાં દિવસોમાં ફગાવી દે છે. એક જમાનામાં લોકો શરદી અને ફ્લુથી પણ મૃત્યુ પામતા હતા પણ હવે તો પાંચ દિવસ સુધી રહેલો ચાર ડિગ્રીનો તાવ પણ એન્ટિબાયોટિક્સ દૂર કરી દે છે. એક સમયે રાજરોગ ગણાતા બી.પી. અને ડાયાબિટીસ હવે સામાન્ય બિમારી ગણાય છે અને તેનાં નિયંત્રણ માટે અઢળક ઉપાય અને ઉપચાર હાજર છે. જાત જાતનાં વેક્સિન્સ પણ હવે ઉપલબ્ધ છે. ટેક્નોલૉજીની દ્રષ્ટિએ હવે આપણી પાસે રેડિએશન થેરાપિ છે તો પેચીદી સર્જરીઝ માટે પણ હવે ઘણી આસાન ટેક્નોલોજીઝ હાજર છે. વિજ્ઞાન માણસની આવરદા વધારી રહ્યું છે. વિજ્ઞાન એ દિશામાં પગલાં ભરે છે કે જ્યારે માણસની જિંદગી કેટલી લાંબી હોવી જોઇએ તે અંગે કોઇ મર્યાદાઓ જ નહીં રહી હોય.

એક તરફ આયખું વધારતું વિજ્ઞાન છે તો બીજી તરફ છ મિલિયન વર્ષોની ઉત્ક્રાંતિ કાળને પગલે વાંદરામાંથી માણસ બનેલા આપણે પણ સમય સાથે બદલાઇ રહ્યાં છીએ. માણસનું ભવિષ્ય શું હશે એ કહેવું હોય તો ટાઇમ મશીન વગર શક્ય નથી પણ અમેરિકન મીડિયા કંપની બી અમેઝ્ડે કરેલા એક સંશોધન અનુસાર ભવિષ્યમાં પુરુષ વધારે ઊંચા હશે અને ભવિષ્યમાં દુનિયામાં એક જ માનવવંશ હશે. વધતા જતાં પ્રદૂષણને પગલે ભાવિ માનવનાં ફેફસાં વધારે મજબૂત જન્મે એવી પણ શક્યતાઓ છે. તો બીજી તરફ એન્ટિબાયોટિક્સથી સાજી થઇ જતી આજની પેઢીની ભાવિ પેઢીમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાની સંભાવના પણ છે. આનું સીધું ગણિત એ છે કે જીવનનાં શરૂઆતી વર્ષોમાં જો ‘કિટાણુ’ઓનો સામનો જ ન થાય તો શરીરમાં ઇન્ફેકશન્સ કે વાઇરસ સામે લડવાની પ્રતિકારક શક્તિ પણ નથી ઘડાતી. વળી ટેક્નોલોજીને કારણે સરળ બનતી જતી જિંદગીની કારણે ભવિષ્યમાં માણસનાં મગજનું કદ અત્યારે છે તેનાં કરતાં નાનું હોય તેવી પણ શક્યતા છે.

આ તો ભવિષ્યની વાત થઇ પણ વર્તમાનમાં વિરોધાભાસની સ્થિતિ ખડી થઇ છે. એક તરફ ટેક્નોલોજી અને રિસર્ચ છે તો બીજી તરફ ગંદકી, પ્રદૂષણ અને પ્રોસેસ્ડ ફૂડનો મારો છે. ભવિષ્યની ઇમ્યુન સિસ્ટમ કે રોગ પ્રતિકારક શક્તિનું જે થવાનું હશે તે તો ત્યારે જ ખબર પડશે પણ અત્યારે વાઇરલ ઇન્ફેક્શનનાં મુખ્ય ટાઇટલ હેઠળ માણસોમાં ક્યારે ય ન જોઇ હોય તેવી શારીરિક તકલીફો વધી રહી છે. ધગધગતો તાવ, પેટમાં અસ્વસ્થતા કે સિઝનલ બિમારીઓ તો ઠીક હવે તો કેન્સર પણ દર આઠમી વ્યક્તિએ અને માનસિક અસ્વસ્થતાની વાત દર પાંચમી વ્યક્તિએ સાંભળવા મળે એવી સમસ્યા થઇ ગઇ છે. વિજ્ઞાન જે ભાવિ તૈયાર કરશે એ તો નિવડે ખબર પડશે પણ વર્તમાન સંજોગોમાં આપણે ત્રિશંકુની સ્થિતિમાં છીએ. પર્યાવરણની દ્રષ્ટિએ પૃથ્વીમાં એટલું અસંતુલન છે કે ભારત જેવા ઋતુની વિવિધતા ધરાવતા દેશમાં આપણને આઠ મહિનાનો ઉનાળો સામાન્ય લાગવા માંડ્યો છે. પીગળતાં ગ્લેશિયર્સ, લુપ્ત થતાં પશુ-પંખી અને જીવ-જંતુઓ બહુ મોટા બદલાવની ધીમી અને તરત નજરે ન ચઢતી નિશાનીઓ છે. મોટા માર્કેટ કે સ્ટોરમાં જાવ અને દ્રાક્ષનું ઝૂમખું ખરીદો ત્યારે કહેવાતી ‘ઑર્ગેનિક’ દ્રાક્ષમાં બધીનો રંગ, સ્વાદ અને આકાર એકદમ ‘પરફેક્ટ’, એક સરખાં જ હોય છે. ટેક્નોલોજીની મદદથી હવે ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન ઝડપી બન્યું છે. કોઇ પણ ચીજ જલદી પ્રચલિત થઇ જાય છે તો જલદીથી વિસરાઇ પણ જાય છે કારણ કે માર્કેટમાં સ્પર્ધા પણ એટલી જ ધમસાણ છે. આવું ખાણી-પીણીની બધી જ વસ્તુઓ સાથે થઇ રહ્યું છે અને આપણી પાસે એ ખાવા સિવાય છૂટકો નથી કારણ કે માર્કેટમાં એ જ મળે છે. જીનેટિકલી મોડિફાઇડ ફૂડ્ઝ પર દુનિયા આખીમાં વાદ-વિવાદ ચાલી રહ્યાં છે. આ સંજોગોમાં કેમિકલ્સનાં છંટકાવવાળાં શાકભાજી અને પ્રોસેસ્ડ ફૂડ ખાઇને ઉછરેલી પેઢી આયખું લંબાવનારા વિજ્ઞાન સાથે કેવી રીતે તાલ મેળવશે એ જોવું રહ્યું.

એક તરફ રિસર્ચ, ટેક્નોલોજી, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનું વિશ્વ છે, બીજી તરફ બિમારીઓ અને નબળાઇઓનાં ઘર જેવી સામાજિક અને પર્યાવરણીય વ્યવસ્થાઓ છે તો આ જ દુનિયાનું બીજું પાસું સેન્ટિનેલિઝ જેવાં આંદામાન-નિકોબારમાં આદિવાસીઓ છે જેમની જિંદગીનું રક્ષણ તીર કામઠાંથી થાય છે અને જેઓ આજે પણ પોતાનાં પ્રદેશની બહારની દુનિયા સાથે જરા સરખો સંકર્પ રાખવા પણ નથી માગતા.

ઇઝરાઇલી લેખક યુવલ નોઆ હરારીનાં પુસ્તક ‘સેપિયન્સઃ અ બ્રિફ હિસ્ટરી ઑફ હ્યુમનકાઇન્ડ’ વાંચનારાઓને ખબર હશે કે જેમ પ્રાણીઓમાં અલગ અલગ ‘બ્રિડ’ હોય તેમ માણસની પણ અલગ અલગ ‘બ્રિડ્ઝ’ હતી જેમાંથી હોમો સેપિયન્સે દુનિયામાં સ્થાન બનાવ્યું. આ કરી શકવાનું એક માત્ર કારણ હતું કે સેપિયન્સ બદલાવ કે બાંધ-છોડ પ્રત્યે સહકારી પ્રકૃતિ ધરાવતા હતા જેને અંગ્રેજી શબ્દોનાં ઉપયોગથી સમજવું હોય તો ફ્લેક્સિબલિટીને કો-ઑપરેટ કરવાની તેમનામાં ક્ષમતા હતી. પણ હરારીએ એમ પણ લખ્યું છે કે સેપિયન્સને કારણે આવેલી કૃષિ ક્રાંતિને પગલે ગાયો અને ઘઉં જેવાં પશુ તથા ધાન પણ અસ્તિત્વમાં આવ્યાં, પણ તેની સાથે માણસજાતે અન્ય પ્રાણીઓ સાથેનો વહેવાર બગાડ્યો અને વધુ હિંસા આદરી. સેપિયન્સને આર્થિક અને રાજકીય આંતર-નિર્ભરતામાં હંમેશાં રસ રહ્યો છે. હરારીનાં પુસ્તક અનુસાર માણસજાત પહેલાં જેટલી ખુશ હતી તેટલી આજે નથી અને ટેક્નોલોજીને પગલે જીનેટિક એન્જીનયિરંગ, અમરત્વ અને નોન-ઓર્ગેનિક જિંદગી જીવવાનું શરૂ થશે તો અત્યારે આપણે જે માણસ જાતને જાણીએ છીએ તેવી તે ભવિષ્યમાં રહે તેની કોઇ ખાતરી નથી.

બાય ધી વેઃ

આપણે ધારીએ છીએ તેનાં કરતાં વધુ ઝડપથી દુનિયા બદલાઇ રહી છે. કમનસીબે આપણે વિરોધાભાસ અને અંતિમવાદનાં સમયનાં સાક્ષી બની રહ્યાં છીએ. માણસની ભૂખ વધી રહી છે પણ તેને ઠારવાનાં સંસાધનોમાં નિર્મળતા નથી રહી. માણસની ઘટી રહેલી માનસિક અને શારિરીક પ્રતિકારક શક્તિ તેને અંદર ઝાંકવાને બદલે વધુને વધુ બહાર નજર દોડાવવા ધકેલી રહી છે. નિસ્યંદનને બદલે નિકંદન ન થાય એની તકેદારી રાખવાની સમજણનું બીજ આ પેઢી આવનારી પેઢીમાં રોપે એવી આશા રાખવા સિવાય બીજું કંઇ જ કરી શકાય તેમ નથી. બાકી મહાત્મા ગાંધીની વાત યાદ રાખીને જરૂર જેટલું રાખીએ, લાલચ જેટલું નહીં તો ય કોઇક રીતે આપણે વિશ્વનાં બચાવપૂર્ણ બદલાવમાં કંઇક યોગદાન આપી શકીશું

01 ડિસેમ્બર 2018

e.mail chirantana@gmail.com

(‘ગુજરાતમિત્ર’)

Loading

...102030...2,8482,8492,8502,851...2,8602,8702,880...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved