Opinion Magazine
Number of visits: 9456494
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ અસહ્ય છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 January 2025

રવીન્દ્ર પારેખ

કોણ જાણે કેમ પણ સ્ત્રી પરનો માલિકી ભાવ જતો નથી. સ્ત્રીઓનું શિક્ષણ વધ્યું, તેને વિકસવાની તકો વધી, તે સ્વતંત્ર નિર્ણયો લેતી થઈ, સંસ્થાઓને સ્થાપતી, ચલાવતી થઈ, પણ સ્ત્રી સાથેનું પુરુષ પ્રધાન સમાજનું વર્તન સામંતી માનસિક્તાનો પડઘો પાડવાનું ભાગ્યે જ ચૂકે છે. શહેરોમાં એ કદાચ બહુ ન હોય એમ બને, પણ ગામડાઓમાં અને ખાસ કરીને ઉત્તર ભારતનાં હરિયાણા, બિહાર, ઉત્તર પ્રદેશ કે રાજસ્થાન જેવામાં સ્ત્રીઓ સંદર્ભે સંતુલિત વિચારો ઓછા જ છે. ઉત્તર ભારત અને રાજસ્થાનનાં કેટલાંક ગામડાંમાં ખાપ પંચાયતો ચાલે છે ને તેના નિર્ણયો જે તે સમાજે સ્વીકારવાના રહે છે. સ્થાનિક લોકો પર તેનું વર્ચસ્વ વધુ હોય છે. ખરેખર તો કાયદાકીય જરૂરિયાતો માટે કોર્ટની વ્યવસ્થાઓ દેશમાં છે જ, પણ કેટલીક વાર તેવા ચુકાદાઓ પણ ખાપ પંચાયતો આપતી હોય છે.

આમ તો સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય અને ગેરકાનૂની ઠરાવી છે, છતાં કેટલીક જગ્યાએ ખાપ પચાયતોનું વર્ચસ્વ હજી અકબંધ છે. તેના કેટલાક ફતવાઓ તો સામંતી સમાજની યાદ અપાવનારા છે. હરિયાણામાં બળાત્કારની વધતી જતી ઘટનાઓ રોકવા છોકરીઓનાં લગ્ન 15 વર્ષની ઉંમરે કરાવી દેવાનું ખાપ પંચાયતમાં સૂચવાયું હતું. અલબત્ત ! કેટલાક નિર્ણયો મહત્ત્વના પણ હોય છે. જેમ કે, એક જ ગોત્રમાં લગ્નનો વિરોધ, લગ્નનાં જમણવાર પર પ્રતિબંધ, આંતરજ્ઞાતીય લગ્નોને મંજૂરી જેવી બાબતોમાં ખાપ પંચાયતે નોંધપાત્ર કામગીરી બજાવી છે, તો પ્રેમી યુગલને ઝૂડી નાખવાના કે બળાત્કારના કેટલાક કિસ્સાઓમાં ખાપના નિર્ણયોમાં સ્ત્રીઓનાં હિતમાં ભાગ્યે જ કોઈ નિર્ણય લેવાય છે. એવી બાબતોમાં મોટે ભાગે પુરુષ તરફી નિર્ણયો લેવાનું ખાપ પંચાયતને એટલે પણ ફાવે છે કારણ, એવા નિર્ણયોમાં સ્ત્રીને હિસ્સેદાર લગભગ બનાવાતી નથી.

હિસારની ખાપ પંચાયત તો તાલિબાની પદ્ધતિએ સરકાર કે કોર્ટના નિર્ણયોની ટીકા પણ કરે છે. કેન્દ્ર સરકારે કોર્ટમાં દિલ્હી ગેંગરેપના બળાત્કારીઓને ફાંસીની સજાની ભલામણ કરી, તો હિસારની ખાપ પંચાયતે તેનો વિરોધ કર્યો. ખાપનો વિરોધ વળી ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક વિમેન્સ એસોશિયેશને એટલે કર્યો કે હરિયાણામાં જ વીસ ગેંગ રેપ થયા હોવા છતાં, તે બળાત્કારીઓને બચાવવા, ફાંસીની સજાનો વિરોધ કરે છે. આશ્ચર્ય અને આઘાત તો એ વાતે લાગે કે ગેંગ રેપિસ્ટનો બચાવ કરનારી ખાપ પંચાયત, એ મહિલા અંગે એક શબ્દ નથી બોલતી જે ગેંગ રેપનો શિકાર થઈ છે.

આવી જ એક ખાપ પંચાયતે એક બળાત્કારીને એવી સજા ફરમાવી કે તેણે પીડિતા સાથે લગ્ન કરવાં. એ  સજા હતી કે છૂટ તે તો બળાત્કારી ને કોર્ટ જાણે, પણ અગાઉ હિન્દી ફિલ્મોમાં એવું આવતું કે બળાત્કારીને  ફરજ પડતી કે પડાતી કે તે પીડિતા સાથે લગ્ન કરે. ક્યારેક એ લગ્ન પ્રાયશ્ચિત રૂપે પણ બળાત્કારી કરતો ને એવો મેસેજ જતો કે બળાત્કારીમાં માનવતા પ્રગટી ને તેણે લગ્ન કરીને પીડિતાને સમાજનાં મહેણાંટોણાં સાંભળવાથી બચાવીને, ઉપરથી પીડિતા કદી ન ભૂલે એવો ઉપકાર કર્યો છે. ખાપ પંચાયતે બળાત્કારીને લગ્ન કરવાની સજા ફરમાવી તેમાં પણ પીડિતા પર ઉપકાર કર્યાનો ભાવ જ છે. એવું ક્યાંક કોઈ કિસ્સામાં બનતું પણ હશે કે પીડિતાને એ રીતે લગ્ન કરવાનો વાંધો ન હોય. સાચું તો એ છે કે મોટે ભાગે પીડિતા તરફે બહુ વિચારાતું જ નથી. જરૂર છે તે એ બાબતે સમાજ વિચારે તેની. ઘણાંને એવું પણ થતું હશે કે એમાં પીડિતા સંદર્ભે વિચારવાનું જ શું છે? બળાત્કારીને લગ્ન કરવાની સજા ફરમાવાઈ તે ઓછું છે? તો, એટલું ઉમેરવાનું રહે કે આમાં પણ પુરુષને કેન્દ્રમાં રાખીને જ વિચારાયું છે કે વિચારાય છે. એમ થાય એમાં કશું ખોટું પણ નથી, કારણ એમ જ થતું આવ્યું છે ને એથી જુદું કશું વિચારવાનું બન્યું જ ન હોય તો જે થઈ રહ્યું હોય છે તે જ બરાબર છે એમ લાગવાનું. પણ, જરા એંગલ બદલીએ તો ફોટોગ્રાફીમાં જુદો વ્યૂ મળે છે એ રીતે ઢાંચાથી જુદું વિચારાય તો જુદું કૈં હાથ લાગે એમ બને. થાય છે શું કે એંગલ બદલવાનો ખ્યાલ જ નથી આવતો ને આવે છે તો પોતાનામાં જ શંકા પડે છે ને મૂળ વિચાર પર ફરી આવી જવાનું બને છે.

જરા પેલી પીડિતાના એંગલથી જોઈએ. એ સેન્સિટિવ હોય કે ન હોય, કોઈ પણ મહિલાને કોઈ પણ કાળે બળાત્કાર કદી પણ આવકાર્ય લાગ્યો નથી. મતલબ કે બળાત્કારીનું એ કૃત્ય તેને હંમેશ તિરસ્કૃત ને ઘૃણાસ્પદ જ લાગ્યું છે. આમ તો પતિને કાયદાએ પત્નીને પામવાનો અધિકાર આપ્યો છે, છતાં પતિ દ્વારા પોતાની પત્ની પર થતાં દુષ્કર્મ અંગે પતિને કાનૂની રક્ષણ મળવું જોઈએ એવી ચર્ચાઓ પણ ચાલે છે. એનોય કાયદો થાય તો નવાઈ નહીં. મતલબ કે પત્નીને પતિનો બળાત્કાર અસહ્ય લાગતો હોય તો કોઈ પણ પરિણીત કે અપરિણીત મહિલાને પરિચિત કે અપરિચિત દ્વારા થતો બળાત્કાર કેવળ અસહ્ય જ લાગે એ નિર્વિવાદ છે. ટૂંકમાં, કોઈ પણ મહિલાને બળાત્કારી કદી ગમ્યો નથી. એવી મહિલાને બળાત્કારી સજા રૂપે પરણે તો એ કઈ રીતે મહિલાને સ્વીકાર્ય હોય? બળાત્કારી જ પતિ બને એ કઈ મહિલાને ગમે? વારુ, ખાપ પંચાયત બળાત્કારીને સજા ફરમાવતી વખતે એક પણ વખત પેલી મહિલાને પૂછતી નથી કે બળાત્કારી સાથે તે લગ્ન કરવા રાજી છે કે કેમ? જે દીઠો ગમ્યો નથી, તે વ્યક્તિ પતિ તરીકે કઈ રીતે ગમે? આ સંદર્ભે ખાપ પંચાયતે વિવેક ખાતર પણ પીડિતાને એક વાર પૂછવું જોઈએ, પણ એવું પુછાયું નથી કે પુછાતું નથી. આ તો એક વાર બળાત્કાર કરનારને વારંવાર દુષ્કર્મ કરવાનું કાનૂની લાઇસન્સ આપવા જેવું જ છે કે બીજું કૈં?

સાધારણ રીતે મહોલ્લામાં ક્રિકેટ રમતી વખતે કોઈ ક્રિકેટવીરથી કોઈના ઘરનો કાચ ફૂટી જાય તો તેની નુકસાની એ વીરે ભરપાઈ કરવાની થાય કે કોઈ દુકાનમાં કોઈ વસ્તુ ખરીદતી વખતે ખરીદનારથી કૈં તૂટે-ફૂટે તો નુકસાની તેની પાસેથી વસૂલાય છે, એ જ રીતે કોઈ બળાત્કારી કોઈ સ્ત્રીને તેની ઈચ્છા વિરુદ્ધ કનડે, તેનાં શરીરને અણધારી હાનિ પહોંચાડે તો સમાજે તેની પાસેથી નુકસાની વસૂલવાની રહે. તે નુકસાની વસૂલવાનું તો દૂર, સમાજ તે મહિલાને વસ્તુ ગણીને તેની માલિકી બળાત્કારીને સોંપે તો એમાં ન્યાય ક્યાં છે? આ તો ગુનેગારને, સજાને બદલે સરપાવ આપવા જેવું જ થાય છે.

સ્ત્રીની સંમતિ ભાગ્યે જ કોઈ બાબતમાં પુછાય છે. પુરુષની સંમતિનું મહત્ત્વ છે, એટલું સ્ત્રીની સંમતિનું નથી. પુરુષ સજીવ છે, તેને ગમોઅણગમો છે, વિરોધ છે, હરખશોક છે. એ જ રીતે સ્ત્રી પણ એક સજીવ અને સંવેદનશીલ વ્યક્તિ છે. તેને પણ કશુંક ગમે છે, તો કશુંક નથી પણ ગમતું. તે અંગે પુરુષને પુછાતું હોય તો સ્ત્રીને પણ પૂછી શકાયને, પણ નથી પુછાતું. લગ્ન જેવી બાબતમાં આજે પણ ઘણાં ઘરોમાં તેની સંમતિ અનિવાર્ય નથી ગણાતી. પિયરમાં પિતા અને સાસરામાં પતિ, એ બે એવી વ્યક્તિઓ છે, જે ઉંમર લાયક દીકરી અને સ્વસ્થ વહુ પરનો કાબૂ ભાગ્યે જ છોડે છે. એવું હોય ત્યાં દીકરી કે વહુ વિકસે કઈ રીતે? એ ગૂંગળાતી કે રૂંધાતી જ રહે તો આનંદ જેવું પામે કઈ રીતે? આવું કહેતી વખતે સ્ત્રીનો પક્ષપાત કરવાની કોઈ વાત નથી. એવું પણ નથી કે પુરુષે તેનો અધિકાર જતો કરવો કે તેનો હક છીનવીને સ્ત્રીને આપવો. એવું બિલકુલ નથી. જેને પાત્ર નથી, એવું કૈં પણ સ્ત્રીને ન જ મળવું જોઈએ, પણ પાત્ર હોય તે તેને મળવું જોઈએ તે પણ ખરું. આટલું પણ એટલે કહેવાનું થાય છે, કારણ તેને તેના હકનું નથી મળતું. સાદી વાત એટલી છે કે આજે સ્ત્રી-પુરુષ બંને એકબીજાના પૂરક બનીને રહે છે ને એકબીજાનો ખ્યાલ કરીને જીવે છે. એ સ્થિતિ છતાં હજી સ્ત્રી બળાત્કારનો, શોષણનો ભોગ બને છે. એ સ્થિતિમાં બદલાવ આવે ને સ્ત્રી માનભેર, ઉન્નત મસ્તકે જીવી શકે એટલું પણ થાય તો ઘણું છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 19 જાન્યુઆરી  2025

Loading

સોક્રેટિસ ઉવાચ – ૨ : એક આરબ આતંકવાદી અને સોક્રેટિસ વચ્ચેનો કાલ્પનિક સંવાદ

પ્રવીણ જ. પટેલ|Opinion - Opinion|20 January 2025

પ્રવીણભાઈ જે. પટેલ

સોક્રેટિસ અને જુદી જુદી વ્યક્તિઓ વચ્ચેના કાલ્પનિક સંવાદોની આ શ્રેણી દ્વારા માનવ અસ્તિત્વના કેટલાક શાશ્વત પડકારોને સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ કાલ્પનિક સંવાદોનો હેતુ વ્યક્તિગત વિકાસ અને સામાજિક પ્રગતિ બંને માટે જરૂરી બૌદ્ધિક સતર્કતા અને વિવેચનાત્મક વિચારસરણી જેવા ગુણોનું મહિમામંડન કરવાનો છે. આવા સંવાદોનું શૈક્ષણિક મૂલ્ય પણ છે. વિચારોની નિષ્ક્રિય સ્વીકૃતિને બદલે સાવધાનીપૂર્વક વિવિધ પરિપ્રેક્ષ્યોને ધ્યાને લઈને થયેલ સમીક્ષાત્મક સંવાદ લોકોને તેમની પોતાની માન્યતાઓ અને ધારણાઓ તપાસવા માટે પ્રોત્સાહિત કરે છે. ખાસ કરીને, ભારત જેવા લોકશાહી દેશમાં સ્વતંત્ર અને આલોચનાવાદી વિચારસરણીનું મહત્ત્વ ઓછું આંકી શકાય નહીં. કારણ કે, એક તો લોકશાહી દેશમાં તાર્કિક સંવાદ અત્યંત જરૂરી હોય છે. બીજું, સદીઓ પુરાણી પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા, જ્ઞાતિ વ્યવસ્થા, ઊંચ-નીચના ખ્યાલ, તથા રાજાશાહી શાસન-વ્યવસ્થા જેવાં અનેક પરિબળોને લીધે ભારતમાં ઑથોરિટીને પડકારવાની પરંપરા કમજોર છે. ત્રીજું, આપણી શિક્ષણ સંસ્થાઓમાં હજુ પણ તાર્કિક વાદ-વિવાદ કરતાં યાદશક્તિ ઉપર વધુ ભાર મૂકતું શિક્ષણ અપાય છે. આ સંદર્ભે, આવા કાલ્પનિક સંવાદો પ્રસ્થાપિત માન્યતાઓ અંગે પ્રશ્નો પૂછીને  વિવેચનાત્મક તર્ક અને ખુલ્લા મનથી કેવી રીતે વિચારી શકાય તેનું ઉદાહરણ પૂરું પાડે છે. જિજ્ઞાસાપૂર્વકની પૂછપરછ તથા વિચારોની પ્રેમપૂર્વકની આપલે દ્વારા માનવજાતને સ્પર્શતી કોઈ પણ સમસ્યાનું આકલન કરી શકાય તેનો પણ આવા સંવાદો નિર્દેશ કરે છે.

અહીં સોક્રેટિસ અને એક આરબ આતંકવાદી વચ્ચે સ્વર્ગમાં થતા આવા સંવાદની કલ્પના કરવામાં આવી છે. આ સંવાદ દ્વારા સોક્રેટિસ આતંકવાદીને હિંસાની નિરર્થકતા અને બહુ-સાંસ્કૃતિક સમાજની યથાર્થતા સમજાવે છે. આમ તો ઇસ્લામનો અર્થ થાય છે : ભગવાનની ઇચ્છાને આધીન થઈને વ્યક્તિગત તથા સામાજિક શાંતિ અને સુખાકારી તરફ દોરી જતો જીવનનો એક તરીકો. પરંતુ, વર્તમાન સમયમાં, જ્યારે ભારત સહિત ઘણા દેશોમાં, આતંકવાદી વિચારો ધરાવતા સમૂહો કુરાનની કેટલીક વિશેષ આયાતો પસંદ કરીને તથા તેમનું સગવડિયું અર્થઘટન કરીને યુવા પેઢીનું બ્રેન-વોશ કરે છે અને તેમને કટ્ટરપંથી બનાવવાની મુહિમ ચલાવે છે ત્યારે, આ પ્રકારની તાર્કિક ચર્ચા આવા તરુણોને જુદી જ રીતે વિચારવાની પ્રેરણા આપવા માટે ઉપયોગી થઈ પડશે.

− પ્રવીણ જ. પટેલ

°

પાર્શ્વ ભૂમિ : સ્વર્ગના શાંત પ્રાંગણમાં, સોક્રેટિસ પોતાની આદત મુજબ ટહેલતા ટહેલતા એક નયનરમ્ય બગીચામાં પહોંચી જાય છે. ત્યાં તેઓ એક ઘટાદાર વૃક્ષ નીચે બેઠેલ ચિંતામગ્ન વ્યક્તિને જુએ છે. અને તેની સાથે વાતચીત શરૂ કરે છે.

સોક્રેટિસ : મિત્ર! તમે અસ્વસ્થ લાગો છો. શું તકલીફ છે તમને?

આતંકવાદી : (દેખીતી રીતે અસ્વસ્થ) મને કહેવામાં આવ્યું હતું કે મારી શહીદીને કારણે જન્નતમાં તો મને હૂરોની એટલે કે મનમોહક પરીઓની અને અપ્સરાઓની સોબત મળશે. ૧ પણ, અહીં તો એવું કશું નથી. અને તમે કોણ છો? તમે તો કોઈ દેવદૂત જેવા રૂપાળા નથી લાગતા.

સોક્રેટિસ : હું સોક્રેટિસ છું, સત્યનો નમ્ર શોધક. સત્યની ખોજ માટે મને મૃત્યુદંડની સજા મળી હતી. અને તમે?

આતંકવાદી : હું અલ્લાહનો બંદો છું. ઇસ્લામ અને અલ્લાહના કાયદા શરીઆની રક્ષા માટે મેં મારું જીવન જેહાદ થકી અલ્લાહને સમર્પિત કર્યું હતું, શહીદી વહોરી હતી.

સોક્રેટિસ : મિત્ર, ઇસ્લામમાં એવું તે શું છે કે તેની રક્ષા માટે તમે શહીદી વહોરી હતી? તમને એવું કેમ લાગે છે કે શરીઆ પ્રમાણે જ જીવવું જોઈએ?

આતંકવાદી : ઇસ્લામ એ જ એક સાચો ધર્મ છે. અને શરીઆ માનવતાને માર્ગદર્શન આપવા માટે અલ્લાહ દ્વારા આપવામાં આવેલ કાયદો છે. તે જીવનનો એક અવ્વલ તરીકો છે. અને જેઓ તેનો વિરોધ કરે છે તેઓ બે-ખબર, બે-ઇલમ છે – અજ્ઞાની છે. તેઓ ગલતી કરે છે. કુરઆન (કુરાન) કહે છે કે જેઓ અલ્લાહ અને કયામત પર વિશ્વાસ નથી કરતા, અલ્લાહ અને તેના રસૂલે આપેલ આદેશોને નથી માનતા, જેઓ સત્યનો ધર્મ એટલે કે સાચો માર્ગ અપનાવતા નથી, તેઓ ઇસ્લામને  આધીન ન થાય ત્યાં સુધી તેમની સામે લડો.૨

સોક્રેટિસ : મિત્ર, “સાચો માર્ગ” એટલે શું?

આતંકવાદી : સાચો માર્ગ એટલે ન્યાયનો માર્ગ, ઇસ્લામનો માર્ગ. જેઓ તેને અનુસરતા નથી તેઓ કાફીર છે, અપરાધી છે. તેઓ અનંત કાળ સુધી જહન્નુમમાં સબડશે.

સોક્રેટિસ : તમે કયા આધારે કહો છો કે ઇસ્લામ જ એક માત્ર સાચો ધર્મ છે?

આતંકવાદી : તે અલ્લાહનો સંદેશ છે, જે પયગંબર મુહમ્મદને કહ્યો છે. તેથી તે પરમ સત્ય છે.

સોક્રેટિસ : અચ્છા, ઇસ્લામ એ ભગવાનનો સંદેશ છે. પરંતુ આપણે કેવી રીતે ખાતરી કરી શકીએ કે આ ચોક્કસ સંદેશ જ સાચો સંદેશ છે? તેમ છતાં, માની લો કે તમારી વાત સાચી છે. અને જો તમારી વાત ખરેખર સાચી હોય તો તેની રક્ષા માટે તમે કેમ મોતને પસંદ કર્યું?

આતંકવાદી : સોક્રેટિસ, હું ઇસ્લામનો સિપાહી છું. મેં ઇસ્લામ માટે મારા જીવનની કુરબાની આપી છે. કુરઆન અમને જેહાદ, એટલે પવિત્ર યુદ્ધ દ્વારા અલ્લાહના માર્ગ માટે લડવાનો આદેશ આપે છે.૩ જ્યારે ઇસ્લામ ખતરામાં હોય ત્યારે અમને શહીદ થઈને પણ ઇસ્લામનો બચાવ કરવા માટે કહેવામાં આવે છે. શહીદી એ સર્વોચ્ચ સન્માન છે. શહીદો એવા હીરો છે જેમણે અલ્લાહની ખાતર પોતાનો જીવ આપ્યો છે. શહીદોને જન્નતમાં અવ્વલ દરજ્જો મળે છે અને તેમને હુરોની સોબત મળે છે.  તેમના બલિદાન માટે આ કિંમતી બક્ષિશ છે.

સોક્રેટિસ : જેહાદ? અને તમે કહો છો કે “જેહાદ” એટલે પવિત્ર યુદ્ધ. શું તમારો મતલબ એ છે કે જેહાદ એટલે સત્ય માટેનો, એટલે કે જે અલ્લાહનો માર્ગ છે તે માટેનો  સંઘર્ષ?

આતંકવાદી : હા, મારી લડાઈ સત્યનો વિરોધ કરનારાઓ સામે હતી. મારા ધર્મના દુ:શ્મનો સામેનું યુદ્ધ હતું.

સોક્રેટિસ : પણ સત્ય માટે લડાઈ-ઝગડા કરવાની શી જરૂર?

આતંકવાદી: કાફિરોને મારા ધર્મની તાકાત બતાવવા માટે. તેમને ન્યાય અને સત્ય સામે ઝુકાવવા માટે. હું કાફિરોને બતાવવા માંગતો હતો કે તેઓ બહેકાવામાં છે, પથભ્રષ્ટ છે.

સોક્રેટિસ : પણ આવી લડાઈ જોખમભરી નથી હોતી?

આતંકવાદી : હા, તેથી તો હું શહીદ થયો. મેં અલ્લાહની ખાતર મારા જીવનનું બલિદાન આપ્યું છે.

સોક્રેટિસ : ચાલો બલિદાનની વાત કરીએ. તમે કહો છો કે શહીદી એ બલિદાનનું ઉમદા સ્વરૂપ છે. પણ મને કહો કે, કષ્ટો વેઠીને પણ ન્યાય, સદાચાર, ધૈર્ય, અને સહનશીલતાથી નૈતિક જીવન જીવવા કરતાં પણ મોટું કોઈ બલિદાન હોઈ શકે છે?

આતંકવાદી : એ સાચું છે કે સદાચારી અને નૈતિક જીવન જીવવું આસાન નથી. પરંતુ,  શહાદત એ અમારા મજહબ પરના અમારા યકીનનો પુરાવો છે. તે ઇસ્લામની હિફાજત કરવાનો માર્ગ છે. તેથી જ શહાદતને ઈજ્જત આપવામાં આવે છે.

સોક્રેટિસ : ઓહ, તો તમે માનો છો કે તમારા જીવનનો ત્યાગ એ જ તમારી ધાર્મિક શ્રદ્ધાનો અંતિમ પુરાવો છે. તો પણ, શું સાચી શ્રદ્ધાની કસોટી સહન કરવામાં, દયા બતાવવામાં, ક્રોધ પર કાબૂ મેળવવામાં અને બીજા લોકોને મદદ કરવામાં નથી?

આતંકવાદી : હા, પણ ક્યારેક આપણે જે સાચું છે તેના માટે લડવું જોઈએ.

સોક્રેટિસ : પણ મને કહો, મારા મિત્ર, શું એ પણ સાચું નથી કે ઇસ્લામ શાંતિ, દયા અને નિર્દોષોના રક્ષણને મહત્ત્વ આપે છે? ૪

આતંકવાદી : હા, એ વાત તો સાચી છે. પણ, કાફિરો સમજે તો ને?

સોક્રેટિસ : શું કોઈ પણ હેતુ માટે  જીવનનું બલિદાન આપવું જરૂરી છે? શું માનવ જીવનનું કોઈ મૂલ્ય નથી? તમારો ધર્મ મનુષ્યના જીવનને કિંમતી નથી ગણતો?

આતંકવાદી : ઇસ્લામ માને છે કે જીવન એ અલ્લાહ તરફથી મળેલી પવિત્ર ભેટ છે. અને આપણે અલ્લાહની મરજી મુજબ જીવવું જોઈએ.૫

સોક્રેટિસ : પરંતુ જો જીવન પવિત્ર છે, તો પછી તમારા પવિત્ર જીવનનો અંત શા માટે કર્યો? તેને આત્મહત્યા ન કહેવાય? અને ઇસ્લામ તો આત્મહત્યાની મનાઈ કરે છે.

આતંકવાદી : ના, સોક્રેટિસ. મેં જે કર્યું તે ખુદકુશી નથી; તે શહીદી છે. મેં નિરાશાથી મોત કબૂલ નથી કર્યું.  મેં ઇસ્લામની ખિદમત માટે, એક ઉમદા હેતુ માટે મારું જીવન સમર્પિત કર્યું છે.

સોક્રેટિસ : તેમ છતાં, જો કોઈ વ્યક્તિ કોઈ પણ ઉમદા હેતુ માટે પોતાના જીવનનું બલિદાન આપે તો પણ અંતે તો તેણે પોતાના જીવનનો સ્વેચ્છાએ અંત આણ્યો તેમ ન કહેવાય?

આતંકવાદી : સોક્રેટિસ, તમે કેમ સમજતા નથી કે ખુદકુશી અને શહીદી બે અલગ બાબતો છે. ખુદકુશી એ એક ખુદગર્જનું કામ છે. જેઓ ખુદકુશી કરે છે તેઓ જીવનની કસોટીઓમાંથી ભાગી રહ્યા છે. ખુદકુશી એ તો કાયરતાની નિશાની છે. પણ શહાદત એ ખુદકુશી નથી, તે કંઈક વધુ ઉમદા ઇરાદા માટે પોતાના જીવનનું બલિદાન છે, સન્માન અને સ્વર્ગનો માર્ગ છે.

સોક્રેટિસ : હું તમે બતાવેલ ભેદ સમજી શકું છું. પરંતુ, કોઈ પણ કારણસર પોતાનું જીવન સમાપ્ત કરવું એ અલ્લાહે તમને આપેલી પવિત્ર ભેટનો ઇન્કાર નથી? જો જીવન અલ્લાહ તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ છે, તો શું તમે તેને સમાપ્ત કરવાનું પસંદ કરીને અલ્લાહનો ભરોસો નથી તોડતા? વિશ્વાસઘાત નથી કરતા? જો અલ્લાહ જીવનને પવિત્ર ગણે છે, તો શું તે ખરેખર એવું પસંદ નહીં કરે કે તમે જીવો ત્યાં સુધી સતત પ્રયત્ન કરતા રહો?

આતંકવાદી : (વિચારીને) તે મુશ્કેલ છે, સોક્રેટિસ. મેં આ રીતે ક્યારે ય વિચાર્યું નથી. પણ, હું માનું છું કે હું મારા મજહબ એટલે કે અલ્લાહની ખિદમત કરી રહ્યો છું.

સોક્રેટિસ : શું કોઈ બીજાનું નુકસાન કરીને સ્વર્ગ મેળવી શકે છે?

આતંકવાદી : ક્યારેક ઇસ્લામના બચાવ માટે આક્રમક થવું જરૂરી થઈ પડે છે. આ જગતમાં ઘણા લોકો ઇસ્લામ પ્રત્યે કિન્નાખોરી રાખે છે – અમારા લોકોએ ઘણું સહન કર્યું છે. અમારી સાથે જુલમ થાય છે.

સોક્રેટિસ : જો કે આ એક ચર્ચાસ્પદ બાબત છે. તેમ છતાં, મને તમારી પીડા માટે સહાનુભૂતિ છે. પરંતુ, શું બદલો લેવો એ શાંતિનો માર્ગ છે? કે પછી, બદલાનું ચક્ર બધાને વધુ દુ:ખ તરફ દોરી જાય છે?

આતંકવાદી : (નિસાસો નાખે છે) તમે જે કહો છો તે હું સમજી શકું છું. પરંતુ જ્યારે બીજા લોકો અલ્લાહના સંદેશને નજર અંદાજ કરે અને અમારા જીવન જીવવાના તરીકાની મજાક ઉડાવે ત્યારે તે સહન કરવું મુશ્કેલ હોય છે.

સોક્રેટિસ : હા, તે અઘરું છે. પોતાની માન્યતાઓને અવગણવામાં આવે ત્યારે થતી પીડા અસહ્ય હોય છે. પરંતુ તમે મને કહો, જો ઇસ્લામ ખરેખર શાંતિનો માર્ગ છે, તો શું તેની રક્ષા માટે આતંક જરૂરી છે? આ એક વિરોધાભાસ નથી?

આતંકવાદી : (અચકાતા) અલ્લાહના આદેશ અને તેના કાયદાની અહમિયત છે. કુરઆન અલ્લાહની દેન છે તેથી તે સંપૂર્ણ છે, અને તેનું અક્ષરશ: પાલન થવું જોઈએ.

સોક્રેટિસ : તો ચાલો, આપણે આ અંગે વિચારીએ. તમે કહો છો કે કુરઆન સંપૂર્ણ છે અને તેનું અક્ષરશ: પાલન થવું જોઈએ. પરંતુ શું બાઇબલ અને ગીતા કે કોઈ પણ ધર્મ ગ્રંથના શબ્દોનું જુદા જુદા લોકો દ્વારા અલગ-અલગ અર્થઘટન કરવું શક્ય નથી?

આતંકવાદી : (અનિચ્છાએ) હા, જુદા જુદા વિદ્વાનો અલગ અલગ અર્થઘટન કરે છે,  કુરઆન અને શરીઆનું પણ.

સોક્રેટિસ : તો પછી, મારા મિત્ર, તમારા ધર્મ ગ્રંથના શબ્દોનું જો જુદું જુદું અર્થઘટન શક્ય હોય, અને તેની છૂટ પણ હોય, તો શું કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ વિશ્વાસ સાથે, નિશ્ચિંત થઈને, કહી શકે કે તે પોતે અલ્લાહના સંદેશનો જે અર્થ કરે છે તે જ સાચો છે અને બીજા બધા ખોટા છે?  શું આ અભિપ્રાયનો વિષય નથી? અને અભિપ્રાયો વ્યક્તિએ વ્યક્તિએ તથા યુગે યુગે  બદલાતા નથી? શું એક જ વ્યક્તિનો વિચાર પણ સમય જતાં બદલાતો નથી?

આતંકવાદી : મેં ક્યારે ય આવું વિચાર્યું નહોતું. પરંતુ અમારી પાસે ઉમ્માનું માર્ગદર્શન છે. ઉમ્મા એટલે વિશ્વના મુસલમાનોનો સમુદાય.૬

સોક્રેટિસ : ઉમ્મા, વૈશ્વિક મુસ્લિમ સમુદાય? શું તેનો અર્થ એ નથી કે જુદા જુદા દેશોમાં વસતા અને જુદી જુદી રાષ્ટ્રિયતા કે વંશીયતા ધરાવતા તમામ મુસ્લિમો વચ્ચે એકતા અને બિરાદરી?

આતંકવાદી : હા, ઉમ્મા એટલે ઇસ્લામ ધર્મ પાળતા અલગ અલગ લોકો વચ્ચે ભાઈચારો. પરંતુ ઉમ્માને કાફિરોથી ખતરો છે. અમારે ઉમ્માનો કોઈપણ ભોગે બચાવ કરવો જોઈએ.

સોક્રેટિસ : છતાં, કુરઆન પણ વૈવિધ્ય ધરાવતા મુસલમાનો સાથે શાંતિપૂર્ણ અને સહિષ્ણુતાભર્યું વર્તન કરવા પર ભાર નથી આપતું? તો શું તે બીજા ધર્મના લોકો સાથે સંવાદ અને સમજણને પ્રોત્સાહન નહીં આપે?

આતંકવાદી : જો કે, શાંતિ ઇચ્છનીય છે. પણ તે કમજોરી દ્વારા પ્રાપ્ત કરી શકાતી નથી. કેટલીક વાર, કાફિરો તાકાતની જ એકમાત્ર ભાષા સમજે છે. અમારે અમારા સમુદાયની મજબૂતી જાળવી રાખવી જોઈએ.

સોક્રેટિસ : હઁ, સમુદાયની મજબૂતી. આ એક ઉમદા વિચાર છે. પરંતુ તમે મને કહો, ઉમ્માની બહારના બીજા લોકો સત્યને સમજવા અથવા તેને અનુસરવા સક્ષમ નથી?

આતંકવાદી : ઉમ્માની બહારના લોકોમાં ઇસ્લામની રોશનીનો અભાવ છે. તેમનો રાહ ખોટો છે.

સોક્રેટિસ : શું શાણપણ ફક્ત તમારી માન્યતાઓ સાથે સંમત થવામાં જ છે? દાખલા તરીકે, હું મુસ્લિમ નથી. તેમ છતાં હું નિષ્ઠાપૂર્વક સત્યની નિરંતર ખોજ કરું છું. શું હું સત્યને શોધવામાં અસમર્થ છું?

આતંકવાદી : (વિચારીને) ના. કદાચ, શાણપણ કોઈનો ઈજારો નથી.

સોક્રેટિસ : હવે, તમે મારી વાત સમજ્યા, મિત્ર. પણ શું તમે ક્યારે ય વિચાર્યું છે કે ઇસ્લામ જે સમયે અને જે પ્રકારના વિશ્વમાં ઊભો થયો તે સમયની પરિસ્થિતિઓએ પણ તેના વિચારોને ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી ?

આતંકવાદી : તમારો મતલબ શું છે?

સોક્રેટિસ : જેમ હું સમજું છું તેમ, ઈસુની સાતમી સદીમાં આદિવાસી ટોળીઓના સંઘર્ષો ધરાવતા અરબસ્તાનમાં ઇસ્લામનો ઉદય થયો હતો. એ પરિસ્થિતિઓની અસર નિશ્ચિત રીતે કુરઆન અને શરીઆના ઉપદેશો પર પડી હશે. તો સવાલ એ થાય કે તે સમયમાં અપાયેલા ઉપદેશોનો તાલમેલ આધુનિક વિશ્વના પડકારો સાથે કેવી રીતે કરી શકાય?

આતંકવાદી : કુરઆન અલ્લાહની દેન છે. તેથી ઇસ્લામના મૂળ સિદ્ધાંતો કાલાતીત છે.

સોક્રેટિસ : પરંતુ આપણે પરંપરા અને પ્રગતિ વચ્ચે સંતુલન ન જાળવી શકીએ? જ્યારે ઇસ્લામનો ઉદય થયો ત્યારે વિજ્ઞાનનો આટલો વિકાસ નહોતો થયો. શું આપણે આપણી સદીઓ પુરાણી ધાર્મિક માન્યતાઓ સાથે બાંધ-છોડ કર્યા વિના આધુનિકતાને અપનાવી શકીએ?

આતંકવાદી : ચોક્કસ, આ એક ગંભીર સમસ્યા છે. પણ આધુનિકતાના નામે આપણે પશ્ચિમી મૂલ્યોને ન અપનાવવાં જોઈએ. કારણ કે ઘણાં પાશ્ચાત્ય સંસ્કૃતિનાં મૂલ્યો ઇસ્લામિક ઉપદેશોથી ખિલાફ છે.

સોક્રેટિસ : તેમ છતાં, શું આપણી પોતાની સંસ્કૃતિને જાળવી રાખીને પણ અન્ય સંસ્કૃતિઓ અને પરંપરાઓમાંથી શીખવું શક્ય નથી? શું આપણે વિવિધ આસ્થાઓ અને ફિલસૂફી વચ્ચેની સમાનતાઓ ન શોધી શકીએ?

આતંકવાદી : (અચકાય છે) કદાચ …

સોક્રેટિસ : ભલા માણસ, શું ઇસ્લામમાં બૌદ્ધિક અને વૈજ્ઞાનિક તહકિકાતનો સમૃદ્ધ ઇતિહાસ નથી?

આતંકવાદી : (મૌન, ચિંતનશીલ)

સોક્રેટિસ : શું સાચી સમજણ પરંપરાના પાલનમાં જ છે? ખુલ્લા સંવાદ અને વિવેચનાત્મક વિચારસરણી થકી આપણે આપણા વિચારોને વધુ સ્પષ્ટ ન બનાવી શકીએ? આપણે જૂના સમયમાં અપાયેલ આદેશોને આધુનિક સંદર્ભમાં તપાસવા ન જોઈએ? શું કેટલાક લોકો સદીઓ પુરાણા આદેશોનું મનગમતું કે ખોટું અર્થઘટન કરીને ઉગ્રવાદ અને હિંસાનો ફેલાવો ન કરી શકે?

આતંકવાદી : પણ, અલ્લાહની રહેમતથી આવા આદેશોના વાજબી ખુલાસા કરવા માટે આમારા ધર્મ ગુરુઓ, ધાર્મિક વિદ્વાનો, અને નિષ્ણાતો માર્ગદર્શન આપી રહ્યા છે.

સોક્રેટિસ : આવું માર્ગદર્શન બેશક મૂલ્યવાન છે. પરંતુ શું આવાં અર્થઘટનો એક સરખાં હોય છે? શું વિવિધ વિદ્વાનોમાં આવાં અર્થઘટનો અંગે મતભેદ નથી હોતો?

આતંકવાદી : (અચકાય છે) હોઈ શકે છે. તેથી સ્તો અમારા ધર્મમાં વિવિધ ફિરકાઓ છે. જેમ કે, સુન્ની અને શિયા. અને સુન્ની મુસલમાનોમાં હનફી, માલિકી, શાફિઈ, હમ્બલી, ઈમામિયા; જ્યારે શિયા મુસલમાનોમાં ઈમામિયાહ, ઈસ્માઈલી, ઝૈદી જેવાં ગુટો છે. તે ઉપરાંત, સૂફી, ઈબાદી વગેરે પંથો પણ છે. આ દરેક સંપ્રદાય શરીઆ, કુરઆન, અને અમારી રૂઢિઓનું પોતપોતાની રીતે અર્થઘટન કરે છે.

સોક્રેટિસ : વાહ, બહુ સરસ. કોઈપણ ધર્મની જેમ, ઇસ્લામની શોભા તેના વિચારો અને અર્થઘટનની વિવિધતામાં રહેલી છે. હવે મને કહો મિત્ર, શું આ વિવિધ અર્થઘટન ઇસ્લામની એકતાને નષ્ટ કરે છે?

આતંકવાદી : ના, આ મતભેદો હોવા છતાં ઇસ્લામ એક જ ધર્મ રહે છે.

સોક્રેટિસ : ઉત્તમ.  તમે કહ્યું તેમ, ઇસ્લામના વિવિધ સંપ્રદાયો હોવા છતાં ઈસ્લામ એક જ ધર્મ છે. અને તેનું પાલન કરનારા બધા મુસ્લિમોની એક જ બિરાદરી છે. તો શું કુરઆન વિવિધ સમુદાયોનો નિષેધ કરે છે?

આતંકવાદી : (અનિચ્છાએ) ના. કુરઆન એવું કહે છે કે જો અલ્લાહની ઇચ્છા હોત તો તે એક રાષ્ટ્ર બનાવી શક્યા હોત.

સોક્રેટિસ : તેનો અર્થ એ છે કે અલ્લાહ તેમના ઉપાસકોને વિવિધ પ્રકારની સમજણ કેળવવા માટે પરવાનગી આપે છે. અને જેમ તમે હમણાં જ કહ્યું તેમ, અલ્લાહે ઇચ્છ્યું હોત તો સમગ્ર માનવતાનું એક જ રાષ્ટ્ર બનાવી શક્યા હોત, પરંતુ તેના બદલે તેમણે વિવિધતા બનાવવાનું પસંદ કર્યું. શું આનો અર્થ એ નથી કે અલ્લાહ વિવિધતાને મહત્ત્વ આપે છે? જો અલ્લાહ ઇસ્લામમાં જ વિવિધતાને મંજૂરી આપે છે, તો શું તે અન્ય ધર્મો અને સંસ્કૃતિઓને પણ મંજૂરી નહીં આપે? જો એમ હોય, તો શું એવું ન હોઈ શકે કે ધાર્મિક અને સાંસ્કૃતિક વૈવિધ્ય તેમની દૈવી યોજનાનો ભાગ છે? ૭

આતંકવાદી : (અનિચ્છાએ) કદાચ અલ્લાહ અનેકતાને મંજૂરી આપે છે, પરંતુ ઇસ્લામ બહારની વિવિધતા હજી પણ મને ખોટી લાગે છે.

સોક્રેટિસ : પરંતુ, જેમ કુરઆન અને શરીઆનાં વિવિધ અર્થઘટનો ઇસ્લામમાં માન્ય છે, તેવી જ રીતે વિશ્વમાં પણ જે  વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓ છે તેના સહઅસ્તિત્વને સ્વીકારી શકાય નહીં?

(સોક્રેટિસ સાથે સંપૂર્ણ રીતે સહમત ન હોવા છતાં, આતંકવાદી ઇસ્લામમાં પ્રવર્તમાન વૈચારિક વૈવિધ્ય પર વિચાર કરે છે અને તેની તુલના માનવ સમાજમાં પ્રવર્તમાન વ્યાપક ધાર્મિક-સાંસ્કૃતિક વિવિધતા સાથે કરે છે. સોક્રેટિસ સાથેનો તેનો આ સંવાદ તેને હિંસાની નિરર્થકતા અને બહુસાંસ્કૃતિક વિશ્વમાં શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની શક્યતા વિશે ચિંતન કરવા પ્રેરે છે.)

નોંધ સૂચિ

૧. કુરઆનમાં હૂરને મનમોહક આંખો વાળી, ગૌરવર્ણી, આકર્ષક, નિષ્કલંક, અને અક્ષત લલના તરીકે વર્ણવવામાં આવી છે. અને એવું કહેવામાં આવ્યું છે કે આવી સુંદરીઓ મુસ્લિમોને તેમની ધર્મનિષ્ઠા માટે સ્વર્ગમાં ખાસ પુરસ્કાર તરીકે મળે છે (કુરઆન : ૩૮:૫૨; ૪૪:૫૧-૫૪; ૫૨:૧૭-૨૦; ૫૫:૫૬-૫૮,૭૦-૭૪; ૫૬:૨૨-૨૪, ૩૫-૩૭)

૨. કુરઆન કહે છે કે અન્ય લોકોને નૈતિક બનાવવા માટે ઇસ્લામના ઉપદેશો ફેલાવવાની મુસ્લિમોની ધાર્મિક જવાબદારી છે (કુરઆન, ૩: ૧૦૪,૧૧૦; ૫:૬૭; ૯:૨૯, ૧૨:૧૦૮; ૧૬:૧૨૫; ૧૮:૨૯; ૩૩:૪૫-૪૬; ૪૧:૩૩). જો કે, તે કહે છે કે ઇસ્લામની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ એ કોઈ પણ વ્યક્તિની મુનસફી પર આધાર રાખે છે (કુરાન, ૨:૨૫૬, ૧૦:૯૯, ૧૮:૨૯). પરંતુ, વિવિધ ઇસ્લામિક વિદ્વાનો અને સમુદાયો કુરઆનનું અર્થઘટન જુદી જુદી રીતે કરી શકે છે. તેથી  કેટલાક મુસલમાનો વધુ સક્રિય રીતે તેમના ધર્મને ફેલાવવાના મહત્ત્વ પર ભાર મૂકે છે. તદુપરાંત, જે મુસલમાનો તેમના ધર્મ પ્રત્યે કટ્ટર આસ્થા ધરાવતા હોય તેઓ તેમના ધર્મને અપનાવવા ક્યારેક બીજા લોકો પર જબરદસ્તી પણ કરી શકે છે. જો કે, એ નોંધવું જરૂરી છે કે કુરઆન તેના મુખ્ય ઉપદેશોનો પ્રસાર શાંતિપૂર્ણ અને આદરપૂર્વક કરવાની હિમાયત કરે છે. સામાન્ય રીતે મુખ્ય ધારાના ઇસ્લામ દ્વારા બળજબરી સમર્થિત નથી.

૩. ઇસ્લામમાં જેહાદની વિભાવનાનું જુદું જુદું અર્થઘટન કરી શકાય છે. જો કે તેનો વ્યાપક અર્થ “સંઘર્ષ” અથવા “પ્રયાસ કરવો” એવો થાય છે, જે વ્યક્તિગત અથવા આત્મ સુધારણા જેવા આધ્યાત્મિક હેતુ માટે હોઈ શકે છે. અને અમુક સંજોગોમાં જેહાદમાં સશસ્ત્ર સંઘર્ષનો પણ સમાવેશ થાય છે (કુરઆન, ૨:૧૯૦-૧૯૩, ૮:૩૯, ૯:૫,૯:૨૯).

૪. કુરઆન વિવિધ સમુદાયો વચ્ચેની સંવાદિતાને આવકારે છે (કુરઆન,  ૮:૬૧, ૪૯:૧૩). તથા કરુણા, દયા, અને ખાસ કરીને નબળા અને જરૂરિયાતમંદ લોકો માટે કાળજી રાખવા પર ભાર મૂકે છે (કુરઆન રાન, ૪:૩૬, ૨૧:૧૦૭). તદુપરાંત, કુરઆન માનવજીવનને મહત્ત્વનું ગણે છે (કુરઆન, ૫:૩૨, ૧૭:૩૩).

૫. કુરઆન અલ્લાહના બંદાઓને સારા બનવા પર ભાર મૂકે છે અને પોતાનો જીવ લેવાનો નિષેધ કરે છે (કુરઆન, ૨:૧૯૫, ૪:૨૯).

૬. કુરઆન કોમો અને કબીલાઓના વાડાની સીમાઓ ઉલ્લંઘીને મુસ્લિમ સમુદાય(ઉમ્મા)ની એક પહેચાન પર ભાર મૂકે છે (૪૯:૧૩).

૭. કુરઆન જણાવે છે કે વિવિધતા એ અલ્લાહની યોજનાનો એક ભાગ છે (કુરાન, ૫:૪૮, ૧૦:૯૯, ૧૧:૧૧૮, ૧૬:૯૩).

સંદર્ભ ગ્રંથ : 

મૌલાના અબુલઆ’લા મૌદૂદી (રહ.), ૨૦૨૧, દિવ્ય કુરઆન (ગુજરાતી અનુવાદ), ઇસ્લામી સાહિત્ય પ્રકાશન, અહમદાબાદ.

૧૦૦૧, પવનવીર, પ્રતાપ ગંજ, વડોદરા ૩૯૦ ૦૦૨
ઈ-મેલ: pravin1943@gmail.com
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 જાન્યુઆરી 2025; પૃ. 04 – 07

Loading

કેલિફોર્નિયા વાઇલ્ડફાયરઃ માણસજાતને પોતાની ભૂલ સુધારવાની તક મળતી બંધ થાય એ પહેલાં ચેતી જવામાં જ સાર છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|19 January 2025

વૈશ્વિક સ્તરે વધી રહેલા તાપમાન, ઓગળી રહેલા ગ્લેશિયર્સ અને સૂકાતી નદીઓ સત્તા માટે લડાતાં કોઇપણ યુદ્ધ કરતાં વધારે મોટા પ્રશ્નો છે. પ્રાણીઓની પ્રજાતિઓ પ્રતિકૂળ આબોહવામાં ખોવાઇ રહી છે. પર્યાવરણનું તંત્ર – તેની ઇકોસિસ્ટમ પર એકડેએકથી કામ કરવાનો વખત પાક્યો છે નહીંતર આપણી પૃથ્વીને તબક્કાવાર ઉજ્જડ થતાં જોવા સિવાય આપણી પાસે બીજો કોઇ રસ્તો નહીં રહે.

ચિરંતના ભટ્ટ

લૉસ એન્જલસનું આકાશ કાળું ધબ છે.  હજારો હેક્ટર જમીન પર રાખના ઢગલા પથરાઇ ગયા છે. સાત જાન્યુઆરીએ જંગલમાં દાવાનળ ભડક્યો અને પેલિસેડમાં 21,600 એકર અને ઇટનમાં 14,000 એકર જમીનમાં આગ લાગી. કેલિફોર્નિયાના આ શહેરની આગમાં વિનાશની યાદી લાંબી થઇ રહી છે. આગ કાબૂમાં નથી આવી અને સતત ત્યાંની તારાજીના આંકડા, જાન માલને થયેલા નુકસાનની વિગતો આગની આગળ લપકતી જ્વાળાઓની માફક લોકો સુધી પહોંચી રહી છે.  કેલિફોર્નિયાના ‘વાઇલ્ડ ફાયર્સ’ અને તેનાથી થતો વિનાશ લોકો માટે કે આખી ય દુનિયા માટે હવે કોઇ નવી વાત નથી. 2018માં પણ જ્યારે દાવાનળ ફાટી નીકળ્યો હતો ત્યારે માયલી સાયરસ અને લિઆમ હેમ્સવર્થ સહિતના અનેક હૉલીવૂડ સેલિબ્રિટીઝનાં ઘર બળીને ખાખ થઇ ગયાં હતાં. આ વખતની આગમાં ઘર ગુમાવી બેઠેલા સેલિબ્રિટીઝની યાદીમાં પણ ઘણાં નામો છે.  છતાં ય આ વખતના લૉસ એન્જેલસના દાવાનળે જે મ્હોં ફાડીને સ્થાવર જંગમ મિલકતને ભરખી છે તે જોતાં સતત વધતાં જતાં તાપમાન, પર્યાવરણનાં ખોરવાતાં સંતુલન અને  માનવજાત આવા કુદરતી પ્રકોપ સામે કેટલું ટકી શકશે એ દિશામાં માત્ર ગંભીર વિચાર કે ચર્ચાઓ કરતાં કંઇ વધુ થાય એ અનિવાર્ય છે.

લૉસ એન્જલસ જે રીતે વર્ષોથી દાવાનળનો ભોગ બને છે તેમાં સમયાંતરે આગનો પ્રકોપ વિસ્તરતો ગયો છે. ભવિષ્યમાં આવા પ્રકોપ સામે ટકી જવાની આ શહેરની શક્તિ સદંતર ખલાસ થઇ જાય એવી પૂરી શક્યતા છે. આ દાવાનળની અસર એક કરતાં વધારે પાસાં પર પડતી હોય છે.  આ  વૈશ્વિક આબોહવામાં આવતાં પરિવર્તન માટે વપરાતો શબ્દ ક્લાઇમેટ ચેન્જ હવે નવો નથી રહ્યો. ક્લાઇમેટ ચેન્જની ચિંતા કરનારાઓના કપાળની કરચલીઓ વધી રહી છે.  કેલિફોર્નિયાનું રાજ્ય ક્લાઇમેટ ચેન્જની થપાટો સામે લાચાર છે. આપણે અહીં બેસીને દિલ્હી અને મુંબઈની હવાની ગુણવત્તા પર ચર્ચા કરતા હોઈએ છીએ પણ કેલિફોર્નિયામાં બે એરિયાનું ધુમ્મસ અને દાવાનળનો ધુમાડો ભેગો થાય ત્યારે ત્યાં કેવું દૃશ્ય સર્જાતું હશે એ કલ્પના પણ કાળી ડિબાંગ જ હોય. વળી એમાં હવાની ગુણવત્તાનો પ્રશ્ન કરવાનો તો કોઇ અર્થ જ નથી રહેતો. અહીંના લોકો સળગતા લાકડાના ધુમાડાની સુગંધ અથવા તો બળેલા પ્લાસ્ટિકની વાસથી સમજી જાય છે કે કુદરત હવે આગ ઓકવાની તૈયારીમાં છે. મોસમી બની ચુકેલા આ દાવાનળમાં ક્યારેક કોઇ કોઈ આગમાં લોકોને કોઈ નુકસાન નથી થતું તો કોઈ કોઇ આગમાં એટલા લોકો અને જાનવરોનો ભોગ લેવાય છે તેમના આત્માને શાંતિ મળે એ માટે બે મિનિટનું મૌન નહીં પણ દાયાકાઓનો સન્નાટો પાળવો પડે. લૉસ એન્જલમાં હજારો ઇમારતો બળીને ભડથું થઇ ગઈ છે, પ્રાણીઓ અને માનવ જીવ પણ ગયા છે – એક લાખ જેટલા રહેવાસીઓ આ આગથી બચવા પોતાના ઘર ખાલી કરવાની તજવીજમાં રહ્યા સહ્યા માનસિક અને શારીરિક બળને જોરે ટકી રહ્યાં છે.

કેલિફોર્નિયામાં જે કટોકટી ભરી સ્થિતિ સર્જાઇ છે તેને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોવી અનિવાર્ય છે. આ માત્ર સ્થાનિક સમસ્યા છે એમ માનીને કેલિફોર્નિયાથી જોજનો દૂર બેઠેલા આપણે નિશ્ચિંત થવાની ભૂલ ન કરવી જોઇએ. આપણે પણ પૂર જેવા કુદરતી પ્રકોપનો સામનો કરીએ જ છીએ. તો માનવસર્જિત સમસ્યાઓની યાદી પણ ખાસ્સી એવી લાંબી છે. હોનારત જિંદગીનો હિસ્સો બની જાય એ બાબતનો સાહજિક સ્વીકાર આપણી માણસ તરીકેની નિષ્ઠુરતાનો પુરાવો છે એ સમજવું જોઇએ. કોઈ પૂલ તુટે, ક્યાંક ગેમિંગ ઝોનમાં આગ લાગે કે ક્યાંક હોડી ઊંધી વળી જાય, ક્યાંક મંદિરમાં ભક્તોની નાસભાગમાં લોકો મરી જાય – આ બધાનું કારણ માણસજાતનો લોભ છે – ઓછામાં વધુ મેળવી લેવાની લાલચ છે. બીજી બાજુ કુદરતી પ્રકોપ સામે આપણું કંઇ ચાલે નહીં એવું વિચારીને જો આપણે આંખ આડા કાન કરવાની વૃત્તિ કેળવવી હોય તો શ્વાસ ગણતાં ગણતાં જીવવાની ટેવ પાડવી પડે.

કેલિફોર્નિયા વાઇલ્ડ ફાયર્સના કારણોની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં તો સાન્તા આનાના વાયરા જે બહુ જોરથી ફૂંકાયા જેને કારણે આગ બહુ ઝડપથી પ્રસરી. 70 MPHની ઝડપે ફૂંકાતા પવનોમાં દક્ષિણી કેલિફોર્નિયામાં મોસમ બહુ જ સૂકી હતી. સૂકી આબોહવા એટલે આગ ફેલાવા માટેનું આદર્શ સેટ-અપ અને ઉનાળામાં ગરમી પણ રેકોર્ડ બ્રેક પડી હતી.  કુદરતી લાગતાં આ તમામ કારણો આટલી મોટી તારાજી સુધી પહોંચ્યાં તેની પાછળ માણસે પર્યાવરણની કાળજીમાં કરેલી સરિયામ અવગણનાએ સૌથી મોટો ભાગ ભજવ્યો છે.

કેલિફોર્નિયાની આ આગ આખી દુનિયાના નીતિઓના ઘડવૈયાને માટે ખતરાની ઘંટી સમાન છે.  મિટિરિયોલૉજી એજન્સીઝ આ આફતની આગાહી કરવામાં ગોથું ખાઇ ગયા. એક કરતાં વધુ કારણો આ આગ માટે જવાબદાર છે. આમ તો છેલ્લા એકાદ દાયકામાં કેલિફોર્નિયામાં સૂકો દુકાળ કાયમી સ્થિતિ રહી છે પણ 2025માં આવા સંજોગો નહીં સર્જાયની ગણતરી ખોટી પડી.  યુ.એસ. ડ્રોટ મોનિટરના છેલ્લા મેપિંગ અનુસાર કેલિફોર્નિયા સ્ટેટનો સાંઇઠ ટકા પ્રદેશ દુકાળના પ્રભાવમાં છે. અહીંની ધરતીમાં ભેજનું પ્રમાણ 2 ટકાથી પણ ઓછું છે અને આટલી ખરાબ સ્થિતિ પહેલાં ક્યારે ય નથી થઈ. કેલિફોર્નિયામાં વિષમ આબોહવા લોલકની જેમ વર્તાય છે. 2023-24માં ત્યાં વેટ-વિંટર્સ – એટલે વરસાદી માહોલવાળો આકરો શિયાળો હતો તો ગણતરીના મહિનાઓમાં સૂકી આબોહવા કેલિફોર્નિયાને વિંટળાઇ ગઇ. આ કુદરતી સંજોગો આકરા બનતા જાય કારણ કે ત્યાં માળખાંકીય સુવિધાઓ અને ઇમારતના બાંધકામમાં અત્યંત જ્વલનશીલ પદાર્થો વપરાતા હોય છે.

આમ તો કુદરતી રીતે દાવાનળ જંગલોની ફરી ઊગવાની પ્રક્રિયાનો એક હિસ્સો છે. દાવાનળ લાગે, વિનાશ થાય અને ફરી જંગલ બેઠું થાય – પણ જંગલોની સરહદોની અવગણના કરનારી માણસજાત કુદરતી પ્રક્રિયામાં આડી આવે અને પછી તેનો ભોગ બને. વિશેષજ્ઞોનું માનવું છે કે કેલિફોર્નિયાના સ્ટેટની “અંતિમવાદી પર્યાવરણીય” નીતિ જેને કારણે જંગલોને પાંખા કરવાનું બંધ કરી દેવાયું છે તેને પણ આ આગની તારાજીનું કદ આટલું બધું વિસ્તરવાનું કારણ બન્યું છે. પર્યાવરણની અંતિમ સ્તરની અવગણના અથવા તો અંતિમ સ્તરની સુરક્ષા કરનારી માણસ જાતને પોતાની મર્યાદાનું ભાન નથી રહેતું. કેલિફોર્નિયામાં એક સમયે દાવાનળને રોકવા સૂકાં વૃક્ષો અને જમીન પર પથરાયેલાં કે પડેલાં વૃક્ષના સૂકા હિસ્સાઓને ખસેડવામાં આવતા, જંગલોને પાંખા કરીને તેને ફરી ઊગવાની મોકળાશ કરી અપાતી પણ એ બધું નીતિના ઘડવૈયાઓએ પર્યાવરણને સાચવવાને નામે રોક્યું તો એને કારણે જ આગ સડસડાટ ફેલાઇ. વળી ત્યાંના અગ્નિશામક વિભાગે ઓછા બજેટ, ઓછા સ્રોત અને અપૂરતી તૈયારીઓનાં કારણો તો આગળ ધર્યાં જ. આ આખી બાબતને ધ્યાન આપીને સમજવાનો પ્રયત્ન કરીએ તો ખબર પડે માણસજાત પોતાનું ધાર્યું કરવા જાય છે એમાં કુદરતી પરિબળોની ગણતરી કરવાનું અને માનવસર્જિત અવરોધોની ત્રિરાશી માંડવાનું ચૂકી જાય છે. પરિણામ આપણી સામે છે.  વહીવટી સ્તરે બહુ જ અસરકારક કામ કરી શકે તેવું વિચારનારા સત્તાધિશોની તાતી જરૂરિયાત છે. કેલિફોર્નિયા જ્યાં હૉલીવૂડ છે, જ્યાં 2028માં ઑલિમ્પિક્સ હોસ્ટ થવાની ચર્ચાઓ થઇ ચૂકી છે એ હવે એક જોખમી સ્થળ બની ગયું છે. જ્યાં ગમે ત્યારે આગ લાગી શકે છે એવા આ સ્ટેટમાં પાણીની પણ મોટે પાયે આયાત કરાય છે જેને કારણે પણ પર્યાવરણ પર દબાણ વધે છે. ત્યાં હાઇવે પર જમા થતો ટ્રાફિક, જાહેર વાહન વ્યવહારના ઓછા વિકલ્પો જેવી તમામ ચીજો કુદરતી આફતને ટાણે બહુ મોટા અવરોધ બની જાય છે.

વૈશ્વિક સ્તરે વધી રહેલાં તાપમાન, ઓગળી રહેલાં ગ્લેશિયર્સ અને સૂકાતી નદીઓ સત્તા માટે લડાતાં કોઇપણ યુદ્ધ કરતાં વધારે મોટા પ્રશ્નો છે. પ્રાણીઓની પ્રજાતિઓ પ્રતિકૂળ આબોહવામાં ખોવાઇ રહી છે. પર્યાવરણનું તંત્ર – તેની ઇકોસિસ્ટમ પર એકડેએકથી કામ કરવાનો વખત પાક્યો છે નહીંતર આપણી પૃથ્વીને તબક્કાવાર ઉજ્જડ થતાં જોવા સિવાય આપણી પાસે બીજો કોઇ રસ્તો નહીં રહે. કેલિફોર્નિયા જેવી હોનારત ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા જેવા પ્રદેશો જ્યાં મેડિટરેનિયન આબહોવા છે ત્યાં પણ થતી રહે છે. ઊર્જાની જરુરિયાતો માણસોમાં વધી રહી છે અને કુદરતી જ નહીં પણ કૃત્રિમ સ્રોતો પર મારો ચલાવાય છે ત્યારે તેનાથી થતા નુકસાનની ગણતરીમાં આપણે થાપ ખાઇ જઈએ છીએ.

બાય ધી વેઃ 

કોંક્રિટ સિમેન્ટના જંગલો ઊભા કરવામાં કુદરતી દાવાનળોને રોકવામાં આપણે નિષ્ફળ જઇએ છીએ. ટેક્નોલોજી અને આધુનિકતના શસ્ત્રો કુદરત સામેના યુદ્ધમાં કામ નથી લાગવાનાં એ સમજવાનો સમય છે. પ્રકૃતિની સાહજિકતા જળવાય એ પ્રકારની નીતિઓ ઘડાય એ વૈશ્વિક જરૂરિયાત છે નહીંતર ક્યારેક દાવાનળ તો ક્યારેક સુનામી અને અંતે ઉપર જણાવી એ પ્રકારની માનવ સર્જિત આફતોમાં માણસજાત સપડાશે, લમણે હાથ મૂકીને તારાજી જોયા કરશે. આ આફતોમાં અવસર શોધવાને બદલે તેમાંથી બોધપાઠ લઇને કુદરત સાથે તાલ મેળવવાના દિશામાં કામ કરવાની ઘડી આવી ગઇ છે. નહીંતર તો પછી આવનારી પેઢીને દાવાનળ, વડવાનલ, લાવારસ, પૂર, દુકાળ જેવી આફતો સામે લડતી પૃથ્વીની ભેટ આપવાનું પાપ આપણી પેઢીને માથે લખાશે એ નક્કી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 જાન્યુઆરી 2025

Loading

...102030...281282283284...290300310...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved