Opinion Magazine
Number of visits: 9684997
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સત્ય માનવીય દાવાનો વિષય હોઈ જ ન શકે

રમેશ ઓઝા|Opinion - Opinion|1 July 2019

સત્યને સમજવાના કે પામવાના ત્રણ અભિગમ દુનિયામાં પ્રવર્તમાન છે. એક અભિગમ એવો છે કે અમારો ધર્મ સંપૂર્ણ છે એટલે સત્યની એમાં જે વ્યાખ્યા કરવામાં આવી છે એમાં મીનમેખ ન હોઈ શકે. ટૂંકમાં, સત્યને સમજવાનો, પામવાનો અને એ રીતે મુક્તિ મેળવવાનો માર્ગ એ જ છે જે અમારા ધર્મમાં કહેવામાં આવ્યો છે.

બીજો અભિગમ એવો છે કે સત્યને સમજવાના અને તેને પામવાના અનેક માર્ગ છે. સત્ય એક છે, તેનાં સ્વરૂપ અને માર્ગો અનેક છે. કોઈ પણ માર્ગ શ્રેષ્ઠ કે કનિષ્ઠ નથી. હિંદુ દાર્શનિક પરંપરા આવો અભિગમ ધરાવે છે.

ત્રીજો અભિગમ એવો છે કે સત્ય એક જ છે, પરંતુ મર્ત્ય માનવી તેને તેની મર્યાદિત દૃષ્ટિથી જુએ છે એટલે દ્રષ્ટાની દૃષ્ટિમર્યાદાથી સત્ય પ્રભાવિત થાય છે. આ સ્થિતિમાં આપણને સમજાયેલું સત્ય શુદ્ધ સત્ય હોઈ એમ માની લેવાની જરૂર નથી. સત્ય તમે જે સ્વરૂપમાં જુઓ છો તેનાથી જુદું પણ હોય શકે છે. આમ મને કે આપણને સમજાયું એ જ સત્ય એવો દુરાગ્રહ રાખવો એ ખોટું છે. આવો દુરાગ્રહ સત્યને રૂંધે છે. હા, મર્ત્ય માનવી જીવન ઊજાળીને પરમ સત્યને પામવાને લાયક બનાવી શકે છે. અહીં છેલ્લું વાક્ય ફરી વાંચો, જીવન ઊજાળીને સત્ય પામવાને લાયક બનાવી શકે છે, પામે જ છે એમ કહેવામાં આવ્યું નથી. કારણ કે સત્ય માનવીય દાવાનો વિષય હોય જ ન શકે.

આ ત્રણ અભિગમમાં ત્રીજો અભિગમ આપણને જૈનદર્શન પાસેથી મળ્યો છે અને એ જૈનોનો આપણા ઉપર અને સમગ્ર જગત પર ઉપકાર છે. જો એનું તાત્પર્ય સમજવામાં આવે તો આ જગત જીવવા જેવું બની જાય. જૈન તીર્થંકરો નમ્રતાપૂર્વક કહે છે કે આ જગતમાં કોઈ કહેતાં કોઈ તેને પરમ સત્ય સમગ્રપણે લાધ્યું હોવાનો અને તેનાં ચોક્કસ સ્વરૂપ વિશેનો દાવો ન કરી શકે. કારણ કે આવો દાવો કરનારા એકાંતવાદી બની જાય અને સત્ય એકાંતિક હોતું નથી. દર્શન-પ્રવર્તકો પોતે જ સામે ચાલીને કહે કે અમને પણ સત્ય તેના અંતિમ સ્વરૂપમાં નથી લાધ્યું, પરંતુ તપશ્ચર્યાને અંતે અમે એવું સમજ્યા છે કે તેમાં અનેક સંભાવનાઓ રહી છે એટલે એકાંતિક દુરાગ્રહ નકામો છે.

જેમણે કોઈ તપશ્ચર્યા કરી નથી અને જેને કાંઈ જ હાથમાં આવ્યું નથી એવા લોકો દુરાગ્રહ સેવે છે અને જેમણે આકરી તપશ્ચર્યા કરી છે એ જીવનશોધનની તપશ્ચર્યાને અંતે એવા તાત્પર્ય પર પહોંચે છે કે સત્ય અંગેની સંભાવનાઓ તમે નકારી ન શકો. આમ ભારતીય દાર્શનિક પરંપરામાં જૈન દર્શન કલગીરૂપ છે. સનાતન ધર્મ પર શ્રમણ ધર્મનો ઉપકાર છે. જેમ આંબેડકરે ગાંધીજીને પડકારીને ગાંધીજીને વિકસવા માટે તેમના ઉપર ઉપકાર કર્યો હતો એમ શ્રમણ દર્શને વૈદિક દર્શન પર ઉપકાર કર્યો છે. પણ બન્યું છે એવું કે જેમ ગાંધીજીને પડકારનારાઓ ગાંધીજીમાં થયેલો વિકાસ સ્વીકારતા નથી એમ વૈદિકદર્શનના દુરાગ્રહીઓ શ્રમણદર્શનનો ઉપકાર સ્વીકારતા નથી. ઊર્ધ્વમુખી પરસ્પર પૂરકતાનો દુરાગ્રહોના કારણે છેદ ઉડાડવામાં આવે છે. ત્યારે પણ એમ જ થયું હતું અને અત્યારે પણ એ જ થઈ રહ્યું છે.

હવે ગયા સપ્તાહે જેમ કહ્યું હતું એમ જો અનેકાંતને સ્વીકારવો હોય તો માખણ જેવા મુલાયમ અને મોકળા મનના બનવું પડે. જો કોઈ અભિમાન, આગ્રહ, ગૃહીતો, પૂર્વાનુમાન, અણગમા હોય તો તમે મોકળા મનના બની જ નહીં શકો. એને માટે જીવનશોધન કરવું પડશે, જીવનને પખાળવું પડશે. માનવી દરેક પ્રકારના સંસ્કારોથી મુક્ત થઈ જાય એટલે તેનું જીવન સાર્થક થઈ જાય. જે તપશ્ચર્યા છે તે એક માત્ર અને એક જ સ્વરૂપમાં સત્યને સત્ય પામવા માટેની નથી, પણ સત્ય સાથે જોડાયેલી એક કરતાં વધુ સંભાવનાઓ સ્વીકારવા જેટલી પાત્રતા માટેની છે. આટલો જ માનવીનો અધિકાર છે.

આમાંથી એક નવો અભિગમ પેદા થયો છે. વૈદિક પરંપરા મહદ્ અંશે ઈશ્વરવાદી છે. ઈશ્વરવાદીઓ જગતના નિયંતા એવા એક ઈશ્વરને માને છે. એ સૃષ્ટિનો જનક છે, કર્તા-ધર્તા છે, સર્વશક્તિમાન નિયામક છે, પાપ-પુણ્યનો હિસાબ રાખે છે વગેરે. ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ નથી ખસતું. મનુષ્ય પાસે ત્રણ વિકલ્પ છે. સાંખ્યબુદ્ધિ દ્વારા પરમતત્ત્વ કે આત્મા અને પરમાત્માનું સ્વરૂપ સમજી લે. બીજો વિકલ્પ છે ભક્તિમાર્ગે ઈશ્વર સાથે એકાકાર થઈ જાય અને ત્રીજો વિકલ્પ છે માલિક અને દાસનો સંબંધ સ્વીકારીને પોતાની પામરતા સ્વીકારી લે. 

આમાંથી ફક્ત ઈશ્વરોપાસના જ નથી વિકસી, ગુરૂપાસના, મંત્રોપાસના, ગ્રંથોપાસના વગેરે બીજી અનેક આનુષંગિક ઉપાસનાઓ વિકસી છે. તેમની પ્રસન્નતા સંપાદિત કરવામાં આવે તો તેઓ આપણું જીવન ધન્ય કરી આપે. જ્યારે જિંદગીની સાર્થકતા બીજાની કૃપા પર આધારિત હોય ત્યારે માનવી બે ચીજ કરે. સમર્થની કૃપા મેળવવા તેમને પ્રસન્ન રાખવાના પ્રયાસ કરે અને તે સાથે જ કૃપાવાન નારાજ ન થાય અને તેનો ખોફ ન વહોરવો પડે એ માટે ડરીને રહે. એ સમયના વૈદિક ધર્મને અનુસારનારાઓમાં આ બન્ને તત્ત્વો નજરે પડતાં હતાં અને પછી તો તેમાં અતિરેક પણ જોવા મળતો હતો.

આની સામે જે પરંપરા વિકસી તે નિરીશ્વરવાદી પરંપરા. એ છે તો આત્મવાદી, પણ તે સાથે  નિરીશ્વરવાદી પણ છે. આપણે જો આત્મોદ્ધાર કરવો હોય, આપણી અમૂલ્ય જિંદગી ઉજાળવી હોય તો બીજા પર અવલંબન રાખવાની શી જરૂર છે? આપણા નિયામક આપણે પોતે જ કેમ ન હોઈએ? બીજાની પ્રસન્નતા, બીજાની કૃપા, બીજાની ખફા આપણી જિંદગીનું ચાલકબળ શા માટે હોય? બીજું જેના પર અવલંબન રાખવામાં આવે છે તે અંતિમ અને એક માત્ર સત્ય છે કે સત્યનો જાણકાર છે એની કોઈ ખાતરી નથી. સત્ય અલગ અલગ વ્યક્તિને, એકની એક વ્યક્તિને, અલગ અલગ સમયે, અલગ અલગ સ્થળેથી, અલગ અલગ સંદર્ભોમાં; અલગ અલગ સ્વરૂપે નજરે પડતું હોય છે. સત્ય એકાંતિક નથી હોતું, અનેકાંતિક હોય છે અને જો સત્યનું સ્વરૂપ આવું જ અનેકાંતિક જ હોય તો ઈશ્વર સહિત બીજાઓ પર અવલંબન રાખવાનો કોઈ અર્થ નથી.

આમ નિરીશ્વરવાદીઓ વ્યક્તિના સ્વતંત્ર વિકાસમાં માને છે. આ અર્થમાં તે અવલંબનમુક્ત સ્વતંત્ર છે. પ્રત્યેક વ્યક્તિ અથવા જીવ પોતાનો વિકાસ સાધી શકે છે, પોતાનામાં રહેલ રાગ-દ્વેષની ગ્રંથિઓથી મુક્ત થઈ શકે છે, જૈનો માટે સર્વોચ્ચ એવી વીતરાગ અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. એ પોતે જ પોતાનો નિયામક છે, સંચાલક છે અને માટે સ્વતંત્ર છે. હું આને નિરીશ્વરવાદી પરંપરા કરતાં પુરુષાર્થી પરંપરા કહું છે. એક છે કૃપાર્થી પરંપરા અને બીજી છે પુરુષાર્થી પરંપરા. મહાવીર, મહાવીર પહેલાંના તીર્થંકરો, બુદ્ધ અને બીજા અનેક જાણીતા અને અજાણ્યા વિચારકોએ આ જે આત્મોદ્ધારની આ જે પુરુષાર્થી પરંપરા વિકસાવી હતી તે શ્રમણ પરંપરા તરીકે ઓળખાય છે. શ્રમણ શબ્દ શ્રમ પરથી બનેલો છે. કોઈની કૃપા નહીં, આપણો પોતાનો શ્રમ. કૃપાર્થી પરંપરા વૈદિક, સનાતન કે બ્રાહ્મણ પરંપરા તરીકે ઓળખાય છે અને પુરુષાર્થી પરંપરા શ્રમણ તરીકે.

એ યુગમાં શ્રમણ-બ્રાહ્મણ (જાતિ નહીં, પરંપરા) યુદ્ધ જામ્યું હતું. કૃપાને પડકારનારો પુરુષાર્થ સ્થાપિત હિતોને માફક આવે એવો નહોતો. વ્યક્તિ કે જીવ પોતે જ સ્વતંત્ર રીતે વીતરાગ અથવા પરમપદ પ્રાપ્ત કરી લે તો પ્રપંચો ચાલે કેવી રીતે? ત્યારે થયેલાં શ્રમણ-બ્રાહ્મણ યુદ્ધનો લાંબો ઇતિહાસ છે જેમાં જવાની જરૂર નથી, પરંતુ ‘સમણસુત્તં’ના આધારે જૈનદર્શનના તત્ત્વજ્ઞાનનો નમૂનારૂપ પરિચય કરાવીને અને તેના બ્રાહ્મણ પરંપરા પર પડેલા પ્રભાવની વાત કરીને આગળ વધીશું.  

25 જૂન 2019

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 30 જૂન 2019

Loading

જનરેશન ગૅપનાં બદલાયેલાં સમીકરણ

આરતી નાયર|Opinion - Opinion|1 July 2019

ધારો કે તમે તમારા સંતાન સાથે રસ્તા પર ચાલતા જઈ રહ્યા છો. રસ્તો ખોદેલો છે. ત્યાં તમને ખાડાની પાસેથી જવાય એવો બીજો રસ્તો દેખાય છે. પણ એ તમારો જાણીતો નથી. એટલે તમે એ રસ્તો લેતા નથી. પણ તમારું બાળક તમારો હાથ છોડીને માટીના ઢગલા પર થઇને બીજા રસ્તા પર પહોંચી જાય છે. એ જોઈને પહેલાં તો તમને ધ્રાસ્કો પડે છે અને પછી તરત એ ડર ગુસ્સામાં ફેરવાઈ જાય છે.

“આ શું કરે છે? ભાન નથી પડતું? હમણાં પડી જાત તો? આપણે આ બાજુ જવાનું છે ને તું ત્યાં ક્યાં જાય છે?” તમે એને વઢી નાખો છો.

“આ રસ્તો પણ ત્યાં જ જાય છે. અમારી સ્કૂલરિક્સા રોજ આ જ રસ્તેથી જાય છે.”

વાર્તા પૂરી.

આ વાર્તાના અંત માટે તમારી પાસે વિવિધ વિકલ્પો છે. તમે તમારા બાળકને ધમકાવીને તમારા જાણીતા રસ્તે ખેંચી લાવો છો અથવા તમે પણ એ માટીનો ઢગલો કૂદીને તમારા બાળકની જાણકારીના ભરોસે નવો રસ્તો લો છો.

આવા મતભેદોનો સામનો આપણે લગભગ દરરોજ કરીએ છીએ. તે 'જનરેશન ગૅપ' એટલે કે બે પેઢી વચ્ચેના મતભેદ તરીકે ઓળખાય છે. હું નાની હતી ત્યારે માનતી હતી કે જુદી જુદી ઉંમર અને તેના કારણે જોયેલી જુદી જુદી દુનિયાને કારણે જનરેશન ગૅપ પેદા થતી હશે. મારા મનમાં એક આંકડો પણ હતો: જે તમારા કરતાં ૧૦-૧૫ વર્ષ મોટાં હોય એ તમને સમજવામાં તકલીફ અનુભવે. પણ મારી આ સમજમાં મુશ્કેલી એ હતી કે ઉંમરનો આટલો તફાવત ધરાવતાં યુગલો વડીલોમાં જોવા મળતાં હતાં. મારા દાદા મારાં દાદી કરતાં દસ વર્ષ મોટા હતા.

જનરેશન ગૅપ એ શબ્દપ્રયોગ સાથે નકારાત્મક ભાવ સંકળાયલો છે. તમે કટાક્ષમાં બોલો કે ગંભીરતાથી, પણ મતલબ એટલો જ કે કંઈક લોચો છે. જનરેશન ગૅપની એક કમાલ એ છે કે તેના વિશે બધા જાણે છે. છતાં તેનો અહેસાસ ઝડપથી હજમ થતો નથી. એવું જ લાગે છે કે ‘આ કેવું? આવું તો ન હોય.’ આપણી નિકટની વ્યક્તિ આપણા કરતાં સાવ જુદી રીતે વિચારે છે, એ સ્વીકારતાં આપણને બહુ તકલીફ પડે છે. આવું દુઃખ મોટે ભાગે વડીલોને વધારે થતું હોય છે. કારણ કે મતભેદ ઉપરાંત આઘાત, માનભંગ જેવી બીજી લાગણીઓ પણ તેમને ઘેરી વળે છે. ‘શું હું સાવ મૂરખ છું? શું હું જમાનાથી પાછળ રહી ગયો હોઉં એવો લાગું છું?’

આમ તો બે પેઢી વચ્ચે હદ આંકી શકાય એવું કોઈ ચોક્કસ વર્ષ નથી. પણ એક રીતે વિચારીએ તો અત્યારે ચાળીસ-પચાસ વર્ષના હોય એવા લોકો સહેલાઈથી પોતાની પેઢીનો સમયગાળો નક્કી કરી શકે છે.  ‘અમારા જમાનામાં’ એવું કહીને એ લોકો એમના દસ-પંદર વર્ષના ‘જમાના’ની વાત ઝાઝા ગૂંચવાડા વગર કરી શકે છે. તેમને લાગી શકે છે કે તેમની જિંદગી તેમનાં માબાપ અને સંતાનોની વચ્ચે સેન્ડવીચ જેવી બની ગઈ છે. એ નાના હતા ત્યારે એમનાં માબાપ કડક અને કઠોર હતાં. હવે તે પોતે મૈત્રીપૂર્ણ અને સમજુ માબાપ તરીકે વર્તે છે, તો પણ સંતાનોને એવું લાગે છે કે તેમનાં માતાપિતા લેટેસ્ટ ટેક્નોલોજી, ફેશન વગેરે સાથે તાલ નથી મેળવી શકતાં.

પણ આ તો આ વાત થઈ ૧૯૭૦-૧૯૮૦ના ગાળામાં જન્મેલા લોકોની. ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં જન્મેલા લોકો ‘અમારા જમાના’ની વાત કરે ત્યારે એમનો સમયગાળો ખાસ્સો નાનો થઈ જાય છે. મારો જન્મ ૧૯૯૧માં. અમે લોકો (એટલે કે, મારાથી એક-બે વર્ષ આગળ કે પાછળ જન્મેલા લોકો) નવા અને જૂના જમાનાને જોડતી કડી હોઈએ એવું લાગે છે.

ચકરડાં ઘુમાવવાં પડે એવા ફોનનાં ડબલાં જોનારી અમારી પેઢી છેલ્લી છે. અમારા પછી ચાર-પાંચ વર્ષે જન્મેલા ઘણાખરા લોકોએ કોર્ડલેસ ફોન જ જોયા. મૉલ-મલ્ટીપ્લેક્સ વગરની દુનિયામાં, સિંગલ થિયેટરમાં ફિલ્મ જોનારી પણ અમારી છેલ્લી પેઢી. અમે વી.સી.આર. પણ જોયા. ત્યારે સી.ડી.-ડી.વી.ડી.-પેન ડ્રાઇવ આવે છે એવી ખબર પણ ન હતી. અમે એવાં કાર્ટૂન જોયાં જેમાં અર્થસભર વાર્તાઓ આવતી હતી.. 'પોકેમોન' આવ્યું ત્યારથી મેં કાર્ટૂન જોવાનાં બંધ કરી દીધાં, કારણ કે મને એ નકામાં લાગતાં હતાં. કમ્પ્યુટર ત્યારે નવાં હતાં અને મોટા ભાગના લોકો માટે તે દૂરની જણસ હતાં. હું રોજ કમ્પ્યુટરનાં સપનાં જોતી અને વિચારતી, ‘કાશ, મારી પાસે પણ કમ્પ્યુટર હોય … તો જિંદગી બની જાય.’ અમારા કમ્પ્યુટર ટીચર બહુ બોરિંગ હતા. કોઈ વિદ્યાર્થી કંઈક નવું શોધી કાઢે તો પાછો તેમનો અહમ્ ઘવાઈ જાય અને તેમનો વિષય એવો હતો કે તેમાં વિદ્યાર્થી શિક્ષકથી પહેલાં શીખી લે એવી શક્યતા મહત્તમ રહેતી.

આ બધી વાતો ૧૯૯૫-૯૬માં જન્મેલાં ઘણાં બાળકો માટે અપ્રસ્તુત બની જાય છે. કોર્ડલેસ ફોન અને મૉલ-મલ્ટીપ્લેક્સ ઉપરાંત તેમને માટે તો ગેમ રમવા માટે કમ્પ્યુટર મોજૂદ હતાં. એમને સંગીત પણ ૧૯૯૦ના દાયકાનું અને એ પછીનું જ યાદ રહે છે. જૂનાં હિંદી ગીતોથી તેમને કંટાળો આવે છે (એ તો જો કે મારી પેઢીના લોકોને પણ આવે છે). ફક્ત પાંચ વર્ષ નાના મારા પિતરાઈ ભાઇની અને મારી વચ્ચે જનરેશન ગૅપ છે, તેની પહેલવહેલી જાણ મને સંગીત થકી જ થઈ. અરિજીતના તાજા જ આવેલા લોકપ્રિય ગીત વિશે મને ખ્યાલ ન હતો એનાથી તેને આંચકો લાગ્યો. “દીદી, તમારી ઉંમર થઈ ગઈ. તમને એઇટીઝનાં ધીમાં-જૂનાં ગીતોમાં શું મઝા આવે છે?”

એની વાત સાવ ખોટી ન હતી. હજુ હમણાં સુધી મને સારાં-ખરાબ બધાં નવાં ગીતોની જાણકારી રહેતી હતી. પણ હવે હું નથી રેડિયો સાંભળી શકતી કે નથી ટીવી જોઇ શકતી. “તો તમે કરો છો શું?” એણે પૂછ્યું. પણ અમુક સવાલોનો એક જ જવાબ હોય છે: મોનાલિસા જેવું સ્મિત.

ક્યારેક રેસ્ટોરાંમાં એક જ ટેબલ પર બેઠેલા, મારાથી પછીની પેઢીના લોકો પોતપોતાની જુદી જુદી સ્નૅપ સ્ટોરી પોસ્ટ કરવા ઇચ્છતા હોય ત્યારે તેમને જોઈને જબરી રમૂજ થાય છે. ટેબલ પર ખાવાનું પીરસાય અને જો કોઈ એમાં હાથ મારવા જાય તો એને તરત રોકવામાં આવશે, “હાથ દૂર રાખ …પહેલાં ફોટો પાડી લેવા દે.” આવી રીતે પડતા અઢળક ફોટોમાંથી કેટલાકના નસીબમાં જ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થવાનું લખાયેલું હોય છે. તમે જો કોઇ વૈભવી રેસ્ટોરાંમાં જાવ તો તેના ‘પૈસા વસૂલ’ કરવાની રીત છે ફેસબુક પર ‘ચેકઇન’ કરવાનું, જેથી દુનિયાને ખબર પડે કે તમે ત્યાં છો. ત્યારબાદ જુદી જુદી રીતે સેલ્ફી પાડવી પડે. અને આ બધાં ખાસ્સી જહેમત માગી લેતાં કામ છે. ભોજન વખતે સંગાથની મઝા હોય છે, પણ આ પેઢી માટે સંગાથની વ્યાખ્યા ઇન્સ્ટાગ્રામ-ફેસબુક જેવાં સોશિયલ મીડિયા પર સાથે ટેગ થવું – એવી બની જાય છે.

કૉલેજ પૂરી કરીને છ વર્ષ કામ કર્યા પછી મેં ફરી ભણવાનું – માસ્ટર્સ કરવાનું નક્કી કર્યું. અમેરિકાની ટોચની ગણાતી બે કૉલેજમાં ઍડમિશન પણ મળી ગયું. ત્યાંના કેટલાક જૂના વિદ્યાર્થીઓ પોતાના અનુભવને આધારે નવા વિદ્યાર્થીઓને ટિપ્સ આપે, એવી પ્રથા છે. એવી રીતે એક વિદ્યાર્થીએ મને ઇ-મેઇલ મોકલ્યો, જેમાં લખ્યું હતું, “તમારે અહીંના લોકો સાથે સહેલાઈથી ભળવું હોય તો ‘ગેમ ઓફ થ્રોન’ અને ‘સ્ટ્રેન્જર થિંગ્સ’ જેવી ટીવી સીરિયલ જોવી જ જોઇએ. વાતચીત શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ વિષયો છે.” ઍડમિશન લેવા માટે મારે શું શું કરવું પડ્યું એ હું જ જાણું છું. ગણિત સાથે છત્રીસનો આંકડો હોવા છતાં મારે ગણિત ભણવું પડ્યું – અને તે પણ એવી રીતે કે હું પ્રવેશ પરીક્ષા સરસ માર્કે પાસ કરી શકું. પણ ગણિત ભણવા કરતાં પણ પેલો ઇ-મેઇલ વાંચીને હું મૂંઝાઈ ગઈ. કૉલેજ પૂરી થયા પછી મને આવું કશું જોવાનો સમય પણ મળ્યો ન હતો કે મારી પાસે એટલી ધીરજ પણ ન હતી. અમુક લોકોનું જેમ પુસ્તકવાચન છૂટી જાય છે તેમ મારે આ બધું જોવાનું છૂટી ગયું હતું. આ ઇ-મેઇલ વાંચ્યા પછી અમેરિકા ભણવા જવાના નિર્ણય પર હું નવેસરથી વિચાર કરી રહી છું.

'આજકાલના' જુવાનિયા ભેગા થાય ત્યારે કેવી વાતો કરતા હોય છે? ઘણીવાર ગપશપની શરૂઆત જ ‘તેં પેલુ જોયું?’થી થતી હોય છે. 'પેલું' એટલે કયો શો તેનો આધાર એ લોકો કઈ ઉંમરના છે અને જીવનના કયા તબક્કે છે, તેની પર હોય છે. એ કોઈ કૉમિક વિડિયો હોઇ શકે છે, કે પછી ટીવી સિરીઝ, ઑનલાઇન સિરીઝ, ઑનલાઇન રિલીઝ થયેલી કોઇ ફિલ્મ કે પછી ઑનલાઇન ફિલ્મરિવ્યુ પણ હોઈ શકે છે. હમણાં સુધી કુટુંબમાં નવી પેઢી-જૂની પેઢી વચ્ચે ટીવી પર અધિકાર જમાવવાના મુદ્દે ખેંચતાણ થતી હતી. પણ હવે નવી પેઢી માટે મનોરંજનના માધ્યમ તરીકે ટીવીનું મહત્ત્વ નથી રહ્યું. ભારતીય હોય કે અમેરિકન, મોટાભાગના લોકપ્રિય શો ઑનલાઇન છે, જે સ્માર્ટ ટીવી, લેપટોપ, ટેબલેટ કે પછી મોબાઇલ પર જોઈ શકાય છે. તેમાં ‘બિંજવોચિંગ’ની બોલબાલા છે. મતલબ કે, બધા એપિસોડ એક પછી એક, ઉપરાછાપરી જોઈ પાડવાના. ટીવી શો સિવાય હવે તો નેટ ફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ કે હૉટસ્ટાર પણ જાતભાતનું મનોરંજન પીરસે છે. તેમાં ચોક્કસ રકમ ચૂકવીને વિશિષ્ટ ફિલ્મો, ટીવી શો, વેબસિરીઝ, ડોક્યુમેન્ટરી વગેરે જોઇ શકાય છે. હા, તેમાં મનોરંજનનું બજેટ વધી જાય ખરું, પણ જેને તેનો ચસકો લાગ્યો તેને ખર્ચો કર્યા વિના છૂટકો છે.

***

ઇન્ટરનેટનું ડાયલ અપ કનેક્શન હતું ત્યારે એક તો એ ચાલે ગોકળગાય ગતિએ ને પાછું વચ્ચે વચ્ચે ખોટકાઈ પડે. એ અટકે ત્યારે કસ્ટમર કેરમાં ફોન કરવાનો. નસીબ સારાં હોય તો એકાદ દિવસમાં ટૅકનિશિયનનાં દર્શન થાય. તેમને જોઈને મને કાયમ વિમાસણ થતી કે આ કયા પ્રકારની નોકરી છે? ને એના માટે શું ભણવું પડતું હશે?’ આવીને તરત એ વાયર છોડવા ને જોડવા માંડે. અગાશીમાં જઈને વાયરો મચેડી આવે. પછી કમ્પ્યુટરનો વારો આવે. કંઈક કોડ ટાઇપ કરીને ઍન્ટર કરે એટલે ફર્રર્રર્ર કરતાં અષ્ટમપષ્ટમ લીટીઓથી કમ્પ્યુટર સ્ક્રીન ઊભરાઇ જાય. એ જોઈને ટૅકનિશિયન જાહેર કરે, ‘લો, ઇન્ટરનેટ ચાલુ.’ એક દિવસ મેં ભોળા ભાવે પૂછી નાખ્યું હતું, “તમે આ બગાડો છો જ શું કામ?’” હવે અમારા ઘરનું આવું ટૅકનિકલ ખાતું હું સંભાળુ છું. ડૉંગલ બરાબર કામ ન કરે ત્યારે ટૅકનિશિયનને નહીં, મને કહેવામાં આવે છે અને કહેતી વખતે ઘરવાળાંનો સૂર એવો હોય છે કે, ‘આ ઍપ ને આ નેટ ને આ ડબલાં, આ બધી જફામાં તમારી પેઢીએ અમને નાખ્યાં છે, તો તમે જ કરો એને રિપેર.’ મારા ઘરે જ નહીં, મોટાભાગનાં ઘરમાં ટૅકનિકલ ખાતાની જવાબદારી નવી પેઢીના માથે હોય છે. તેમનાથી ન થાય તો જ કસ્ટમર કેરને ફોન કરવાનો.

ટૅકનોલોજીએ કેટલીક બાબતોમાં બે પેઢી વચ્ચેના સંબંધોનું સમીકરણ ઉલટાવી નાખ્યું છે. મારા એક મિત્રની ફરિયાદ છે કે “મારી મમ્મી મારા પર સરખું ધ્યાન નથી આપતી. જ્યારે જુઓ ત્યારે એ વૉટ્સઍપ પર જ લાગેલી હોય છે.”

“આપણે કોલેજમાં હતા ત્યારે તારી મમ્મીની તારા માટે આ જ ફરિયાદ હતી," મેં એ મિત્રને કહ્યું, “તારી મમ્મી કહેતી હતી કે એ તો કાયમ મોબાઇલ પર જ ચોંટેલો હોય છે. તને યાદ છે ને?”

મારી વાત સાંભળીને એની મમ્મી પણ ખુશ થઈને વાતમાં જોડાઈ, “એ જ ને! મેં તો એને કહ્યું કે મને ફેસબુક પણ શીખવાડી દે. પણ એ માનતો જ નથી. કહે છે કે પછી તો તું સાવ બગડી જઇશ.”

અત્યારનાં ઘણાં માતાપિતાની સવાર ‘મોર્નિગ મેસેજીસ’થી પડે છે. ફૉરવર્ડ થઇને આવેલા બધા મેસેજને એ ધ્યાનથી વાંચે છે. પહેલાં મમ્મીઓ એવો નિસાસો નાખતી હતી કે, ‘સવારથી ઘડીક પગ વાળીને બેસવાનો સમય જ મળ્યો નથી.’ હવે તે એવું બોલતી થઈ છે કે, ‘સવારથી વૉટ્સઍપ જોવાનો સમય પણ મળ્યો નથી.’ આટલા બધા મેસેજ આવતા હોય એટલે એનો ભરાવો પણ થાય જ અને મેમરી પણ વપરાઈ જાય. એટલે મેસેજ ડિલીટ કરવા એ પાછું વધારાનું કામ. આગળની પેઢીના ઘણા લોકો  મૅસેજ ફૉરવર્ડ કર્યા પછી કૉલ કરીને પાકું પણ કરી લે, "મેં મોકલ્યો એ મેસેજ જોયો ને?” એમાં પણ પોતે બાળકોને કાયમ શિખામણ આપતા હોય, એ પ્રકારનો મેસેજ વોટ્સઍપ પર જોઈને વડીલો રંગમાં આવી જાય.

“ખાધા પછી એક કલાક સુધી પાણી નહીં પીવાનું – જો, મેં કીધું ’તું ને? વૉટ્સઍપ પર પણ એવું જ કહે છે.”

“આ વાંચ, કોફી પીવાના ગેરફાયદા.”

“લે જો, આ કાનનાં ભૂંગળાથી મોટી ઉંમરે કમ્પલિટ બહેરાશ આવી જાય.”

“જો, આ તો વોટ્સઍપ પર પણ આવી ગયું.”

મારાં ૮૪ વર્ષનાં દાદીએ એક દિવસ પૂછ્યું, “મને વૉટ્સઍપ ફાવે?” ત્યારે હું બે ઘડી અવાક થઈ ગઈ. એ સમયે હું એવા તબક્કામાંથી પસાર થઇ રહી હતી કે મેં પોતે જ થોડા મહિનાથી વૉટ્સઍપ-ફેસબુક બંધ કર્યાં હતાં. સોશિયલ મીડિયાથી મને મારા કામમાં એ હદે ખલેલ પહોંચતી હતી કે મારે આવો નિર્ણય લેવો પડ્યો હતો. પણ ખાસ્સો વિચાર કર્યા પછી મને સમજાયું કે આ જ સોશિયલ મીડિયા અને વોટ્સઍપ મારાં દાદી માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે. કારણ કે થોડા વખતથી તેમની આસપાસ ફેસબુક-વૉટ્સઍપને લઈને કેટલીયે વાતો થવા લાગી હતી. તેમને એ બધું સમજાતું નહીં. એટલે તે વાતચીતમાંથી વિમુખ થઈ રહ્યાં હતાં. હવે એ પણ વૉટ્સઍપ પર આવી જાય તો તે ફરી બધી ચર્ચાઓમાં સામેલ થઇ શકે. અને આ શીખવાનું તેમના માટે અઘરું પણ નહોતું. કારણ કે તે અંગ્રેજી ભણેલાં છે અને એનાથી પણ મોટી વાત એ કે નવું શીખવા માટે તે કાયમ તત્પર હોય છે.

આજે દાદી પાસે સ્માર્ટફોન છે. તેમાં બેઝિક ફીચર્સ ઉપરાંત તે ફેસબુક, વોટ્સઍપ, ટેલિગ્રામ (વોટ્સઍપ જેવી જ એક ઍપ), સ્કાઇપ અને યુટ્યુબ પણ સરસ રીતે વાપરે છે. એ પોતાનાં સંતાનોને અને તેમનાં પણ સંતાનોને રોજ ‘ગુડમોર્નિગ’ અને ‘લવ યુ’ જેવા મેસેજ મોકલે છે. પછી ફેસબુક ખોલે છે, મારા સ્ટેટસને ‘લાઇક’ કરે છે. તો ક્યારેક વળી ભૂલથી ભળતી જ જગ્યાએ ક્લિક, ને “… વોઝ ટ્રાવેલીંગ ટુ સુરત વીથ આરતી નાયર” એવું પોસ્ટ કરી દે છે. એમને ગમતી ધાર્મિક સામગ્રીનો તો તોટો જ નથી. હા, એમને વૉટ્સઍપ પર “જીસને ઉસકો જનમ દીયા, આજ ઉસકી કોઇ કદર નહીં” આવી ઑડિયો કે વીડિયો ક્લિપથી ભાવુક થતાં જોઉં ત્યારે મને અકળામણ થાય છે.

હું એમને કહું છું, ‘તમારે આવા મેસેજ જોવાની શી જરૂર છે? તમારાં સંતાનો તમને કેટલો પ્રેમ કરે છે.’ અને મારા આ વર્તનથી મને આશ્ચર્ય પણ થાય છે. કારણ કે વડીલો બાળકોને ખરાબ સોબતથી સાચવે કે આડા રસ્તે ન ફંટાઈ જાય તેનું ધ્યાન રાખે, એવી જ રીતે હું દાદી શું જુએ છે તેની ચિંતા કરવા લાગી છું. હું જ નહીં, મારી અને મારા પછીની પેઢીનાં ઘણાં ટૅકનોલોજીના મામલે વડીલો સાથે 'વડીલગીરી' કરે છે, એ જનરેશન ગૅપનું શીર્ષાસન છે.

એક સાંજે હું ઑફિસેથી પાછી આવી ત્યારે દાદી ચિંતાતુર હતાં. મને કહે, ‘તારી પાસે થોડી વાત કરવાનો ટાઇમ છે?’ તેમની ચિંતાનો અંદાજ આવી જતાં મે હા પાડી. એટલે તેમણે તરત મોબાઇલ કાઢ્યો અને વૉટ્સએપ ખોલીને કહે, “ફોન ‘મેમરી ફુલ’ એવું બતાવે છે. પણ હું ‘આ’ ડિલિટ કરવા જાઉં છું તો નથી થતું. અને આવું એટલું બધું છે કે બધી જગ્યા ભરાઈ ગઈ છે.” દાદી વૉટ્સઍપ ગ્રૂપના ‘ફલાણાએ ગ્રૂપ છોડ્યું’ કે ‘ઢીકણું ગ્રૂપમાં જોડાયું’ જેવા પચાસેક ઑટોમેટેડ મૅસેજીસની વાત કરતાં હતાં, જે ડિલિટ ન થઈ શકે. તેમને લાગતું હતું કે આવા મૅસેજને કારણે જગ્યા ભરાઈ ગઈ છે. મેં તેમના ફોનમાં ફોટો-વીડિયોની ગેલેરી ખોલી. તેમાં ફૉરવર્ડ થઈને આવેલા ૩૭૪ વીડિયો પડ્યા હતા. મેં એ બધા ડિલિટ કરી નાખ્યા, એટલે જગ્યા થઈ ગઈ. દાદી કહે, “તારાથી પેલું ડિલિટ થયું?” મેં એમને સમજાવવાની કોશિશ કરી કે એ ઑટોમેટેડ મેસેજ છે, ડિલિટ ન થાય અને તેમને ડિલિટ કરવાની જરૂર પણ નથી. છતાં દાદી એ સ્વીકારવા તૈયાર ન હતાં. તેમણે કહ્યું, આપણે ડિલિટ કરવા હોય તો કેમ ના થાય? આના વિશે એ લોકોએ કંઈક કરવું જોઇએ. આ બહુ અગત્યની વાત છે.” અને દાદીના આગ્રહથી મને મઝા પડી રહી હતી. અમસ્તાં પણ દાદા-દાદીની પેઢીના લોકો ટૅકનોલોજીનો ઉપયોગ કરે ત્યારે બહુ વહાલાં લાગતાં હોય છે.

***

મને ખ્યાલ પણ ન આવ્યો કે ક્યારે હું જનરેશન ગૅપના સામા છેડે પહોંચી ગઈ. મોટા ભાગની સોશિયલ મીડિયા ઍપ્સને પહોંચી વળવું મારા માટે વધારે ને વધારે મુશ્કેલ બની રહ્યું છે. હું એક સોશિયલ મીડિયા પર ઍક્ટિવ હોઉં (મોટે ભાગે ફેસબુક), તો ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ વગેરેમાંથી ઓછામાં ઓછાં બેને હું ડિલિટ કરું છું. સંદેશા માટે વૉટ્સઍપનો બહોળો વપરાશ છે, પણ મારી પ્રકૃતિને એ માફક ન આવ્યું. એટલે મેં એ પણ છોડી દીધું છે. મેં મેસેજ વાંચ્યા કે નહીં, હું અત્યારે ‘ઓનલાઇન’ છું કે છેલ્લે ક્યારે હતી, એવું બધું લોકો જાણે એવું હું ઈચ્છતી ન હતી મને થોડા થોડા સમયે એવો ધ્રાસ્કો પડતો હોય છે કે ફરી પાછું નવું કશુક આવશે અને મારે નવેસરથી એ શીખવું પડશે. શું આને જ ‘ઉંમર થવી’ કહેતા હશે? આટલી નાની વયે ઉંમર થવાની વાતથી કોને ડર ન લાગે?

જનરેશન ગૅપમાં ઉંમરનો તફાવત ઓછો થઇ ગયો છે. સદ્નસિબે મારે મારાથી બમણી ઉંમરના મિત્રો છે. તેમને હું ઘણીવાર પૂછતી હોઉં છું : હું તમારી ઉંમરની થઇશ ત્યારે હું તમારા જેવી રહી શકીશ? ‘હું મોટી છું એટલે મને બધી ખબર પડે’ એવા વહેમ વગર, પોતાનાથી અડધી ઉંમરની વ્યક્તિને નાની કે નીચે દેખાડ્યા વિના તેની સાથે દોસ્તી કરી શકીશ? જો એ માગે તો સલાહ આપ્યા પછી પણ, તેનો અમલ ન કરે તો દુભાયા વિના, એમને ભૂલો કરવાની આઝાદી આપી શકીશ? એવું તો નહીં થાય ને કે એ લોકો મને જૂનવાણી ગણીને મારી સાથે મિત્રતા જ ન કરે?”

મારા વડીલ મિત્રોનો જવાબ હોય છે, "એ બધો આધાર તારી પર છે.” જનરેશન ગૅપને સામેની વ્યક્તિને પછાડી દેવા માટેના યુદ્ધ તરીકે લેવાને બદલે, પોતાની ક્ષમતા વિકસાવવાના પડકાર તરીકે જોઈ શકાય તો આવું ન થાય. બાકી, આપણે આપણને ગમતું કરીએ અને બીજાની પસંદગીમાં માથું માર્યા વિના તેમને તેમનું ગમતું કરવા દઈએ તો એ બધી જનરેશનને માફક આવવાનું જ છે.

(અનુવાદ – આશિષ કક્કડ)

સૌજન્ય : “સાર્થક જલસો – 10”, મે 2018; પૃ. 79-84

Loading

વન નેશન વન ઇલેક્શન પાછળ કોઈ બીજા ઇરાદાઓ પણ છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|30 June 2019

ગયા અઠવાડિયે લેખ પૂરો કરતાં પહેલાં સવાલ ઉઠાવ્યો હતો કે બંધારણ ઘડવાવાળાઓએ ફેડરલ ઇન્ડિયાને કેમ આટલી બધી મોકળાશ આપી? શું તેઓ ઓછા દેશપ્રેમી હતા?

ના એવું નહોતું. તેઓ આજના નેતાઓ કરતાં સવાયા દેશપ્રેમી હતા અને તેમનો ટૂંકો એજન્ડા નહોતો. તેઓ સંપૂર્ણપણે દેશહિતને વરેલા હતા. તેમને જાણ હતી કે દેશનું વિભાજન ન થાય એ માટે પ્રાદેશિક, ભાષાકીય અને સામાજિક અસ્મિતાઓને અંકુશમાં રાખવી જોઈએ અને તેમને એનું પણ ભાન હતું કે એક હદથી વધારે જો અસ્મિતાઓને દબાવવામાં આવે તો વિસ્ફોટ થવાનો સંભવ રહે છે. સર્વસમાવેશક રાષ્ટ્રીય અસ્મિતા અને નાની અસ્મિતાઓ વચ્ચે સંતુલન જળવાવું જોઈએ.

એટલે ભારત સત્તાવાર રીતે યુનિયન છે, પણ અમેરિકાની માફક રાજ્યોનું યુનિયન (યુનાઈટેડ સ્ટેટ્સ) નથી, પણ યુનિયન ઓફ ઇન્ડિયા છે. આ શબ્દ પ્રયોગ સમજવા જેવો છે. આપણે ક્યાં અમેરિકાથી અલગ પડીએ છીએ તેની સમજ પડશે. ભારત એક કેન્દ્રીય નથી અને અનેક કેન્દ્રી પણ નથી. કેન્દ્રને વધુ સત્તાઓ છે અને રાજ્યોને પણ તેની અબાધિત સત્તાઓ છે. ભારત જેવા પચરંગી દેશમાં સર્વસમાવેશક રાષ્ટ્રીય અસ્મિતા વિકસાવવી હોય તો જબરદસ્તી ન કરી શકાય. માટે વિવિધતામાં એકતા એ ભારતનો રાષ્ટ્રીય મંત્ર છે.

જેઓ બહુમતી કોમના ધર્મ સાથે રાષ્ટ્રીય ઓળખને જોડવા માગે છે તેમને પ્રાદેશિક, ભાષિક અને અન્ય સામાજિક ઓળખો ખૂંચે છે. વચ્ચે આવે છે. માટે વન નેશન વન ઈલેકશનની વાત કરવામાં આવે છે કે જેથી બીજી ઓળખો હિંદુ ઓળખને પાતળી ન પાડે અને આખા દેશમાં હિંદુ રાષ્ટ્રવાદના નામે મત મેળવી શકાય. એક વાર બે-તૃતીયાંશ બહુમતી મળી જાય તો બંધારણ પણ બદલી શકાય.

વડા પ્રધાન અને સંઘપરિવાર કોથળામાં છૂપાવેલો એજન્ડા બતાવતા નથી, પણ મૂળ એજન્ડા ઉપર કહ્યો એ છે. તેઓ તો કહે છે કે તેમનો ઈરાદો સમય, શક્તિ અને ધન બચાવાનો છે. વડા પ્રધાન સહિત શાસકોનો સમય અને શક્તિ ચૂંટણીપ્રચાર કરવામાં વેડફાય છે. જે એટલાં સમય અને શક્તિ બચે તો દેશહિતમાં કેટલાં બધાં કામ થાય. આ ઉપરાંત વરસોવરસ અલગ અલગ ચૂંટણી યોજાતી હોવાથી પૈસા વેડફાય છે. જો સાથે ચૂંટણી યોજાય તો પૈસા પણ બચી શકે. ઘણાં લોકો વન નેશન વન ઈલેકશન માટેની દલીલોના વરખને સાચો માની લે છે.

આ વરખ છે, માત્ર વરખ. હવે ઘડીભર આપણે વરખને સાચો માની પણ લઈએ તો પણ તેની સામે જડબાતોડ દલીલો થઈ શકે એમ છે. વડા પ્રધાન અને અન્ય શાસકોને એટલી બધી દેશહિતની ચિંતા છે અને તેમનાં સમય અને શક્તિ મૂલ્યવાન છે તો તેમણે રાજ્યોમાં પ્રચાર કરવા ન જવું જોઈએ. કોઈએ સોગન તો નથી આપ્યા. જવાહરલાલ નેહરુ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓમાં ભાગ્યે જ પ્રચાર કરવા જતા. આ ફેડરલ ઇન્ડિયા છે. ફેડરલ ઇન્ડિયામાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર વડા પ્રધાન અને બીજા રાષ્ટ્રીય નેતાઓ કરે અને રાજ્યોની વિધાનસભાઓમાં પ્રચાર પ્રાદેશિક નેતાઓ કરે. જગતના બીજા લોકશાહી દેશોમાં પણ આમ જ કરવામાં આવે છે.

વાત એમ છે કે પ્રાદેશિક નેતાઓ મોટા સાબિત ન થાય, માથું ન કાઢે, પક્ષના વરિષ્ઠ નેતાઓને પૂછ્યા વિના સ્વાયત્ત વર્તન ન કરે એવા ઈરાદાથી ઇન્દિરા ગાંધીએ કૉન્ગ્રેસના પ્રાદેશિક નેતાઓને કદ પ્રમાણે વેતરી નાખ્યા હતા. ઈરાદો પોતાની આણ સ્થાપિત કરવાનો હતો અને બીજાની આણને ઝાંખી પાડવાનો હતો. ઇન્દિરા ગાંધી વિના કોઈ કૉન્ગ્રેસને ચૂંટણી જિતાડી ન શકે કે પછી ઇન્દિરા ગાંધીના નામે પથ્થરા પણ ચૂંટાઈ શકે એમ ત્યારે કહેવાતું હતું જેમ અત્યારે નરેન્દ્ર મોદી વિષે કહેવામાં આવે છે. પોતાની આણ કાયમ રહે અને કોઈ પ્રતિસ્પર્ધી પેદા ન થાય એ માટે ઇન્દિરા ગાંધીએ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીનાં પ્રચારનો ભાર પોતાના શિરે લીધો હતો. સવાલ એ છે કે શા માટે નરેન્દ્ર મોદી ઇન્દિરા ગાંધીને અનુસરે છે? તેમણે જવાહરલાલ નેહરુને અનુસરવા જોઈએ અને ફેડરલ ઇન્ડિયામાં રાજ્યોના નેતાઓને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી જિતાડવાની જવાબદારી સોંપવી જોઈએ. તેમને એટલું તો સમજાતું જ હશે કે ઇન્દિરા ગાંધીએ પોતાને સ્થાપીને સરવાળે કૉન્ગ્રેસને વિસ્થાપિત કરી દીધી છે. બી.જે.પી. સાથે પણ એક દિવસ આવું જ બનવાનું છે.

તો કોણે સોગંદ આપ્યા છે કે વડા પ્રધાન દિવસોના દિવસો સુધી દિલ્હીથી દૂર રહીને રાજ્યોમાં ચૂંટણીપ્રચાર કરે? જવાહરલાલ નેહરુ નહોતા કરતા, જગતના અન્ય લોકશાહી દેશોના વડા પ્રધાનો, પ્રમુખો કે ચાન્સેલર નથી કરતા તો પછી નરેન્દ્ર મોદી શા માટે કરે છે? અમેરિકામાં આપણાં કરતાં પણ વધુ ૫૦ રાજ્યો છે. આ ઉપરાંત સીનેટ અને કૉન્ગ્રેસની ચૂંટણીઓ થતી રહે છે. બારે માસ અમેરિકામાં ચૂંટણીઓ થતી રહે છે, પણ અમેરિકન પ્રમુખ કામધંધો છોડીને પ્રચારમાં સમય નથી વેડફતો. ટૂંકમાં વડા પ્રધાને રાજ્યોમાં પ્રચાર કરવા જવું પડે એ પોતાને ‘સર્વોચ્ચ નેતા’ તરીકે સ્થાપિત કરવાની વાસનાનું પરિણામ છે, બંધારણીય જરૂરિયાત નથી.

બીજી દલીલ છે ખર્ચાની. ટકોરાબંધ લોકતંત્ર વધારે અગત્યનું છે કે પૈસા? બીજું, ચૂંટણીકીય ખર્ચાઓ ઘટાડવા માટે ચૂંટણીપંચે, કાયદાપંચે, નિવૃત્ત ચૂંટણી આયુક્તોએ, બંધારણવિદોએ, નાગરિક સમાજે સેંકડો ભલામણો કરી છે. સંખ્યાબંધ અહેવાલો અને ભલામણો પડી છે. તેના વિષે ખાસ્સી ચર્ચા પણ થઈ છે. શા માટે સરકાર એ ભલામણોના આધારે ચૂંટણી સુધારા નથી કરતી? નાણાની આટલી બધી ચિંતા હોય તો ચૂંટણીઓ સોંઘી કરતાં તેમને રોકે છે કોણ? નરેન્દ્ર મોદી પહેલાનાં વડા પ્રધાનોએ પણ આના પર ધ્યાન નહોતું આપ્યું, કારણ કે ચૂંટણી સોંઘી થાય તો ખરીદી ન શકાય અને ડરાવી ન શકાય એવા સારા માણસો રાજકારણમાં પ્રવેશે અને તેનો  તેમને ડર લાગે છે. આ ડર સાર્વત્રિક છે અને ડાબેરીઓને છોડીને કોઈ પક્ષ તેમાં અપવાદ નથી. વડા પ્રધાનને જો આટલી બધી ખર્ચની ચિંતા હોય તો ચૂંટણીકીય સુધારાઓ કરે.

અને છેલ્લે વન નેશન વન ઈલેકશનમાં અનેક બંધારણીય મુશ્કેલીઓ છે. બંધારણમાં અનેક મહત્ત્વપૂર્ણ સુધારાઓ કરવા પડે. ભારતીય રાજ્યનો ઢાંચો અને તેની સાથે સંઘરાજ્યનો પ્રાણ તાસકે ચડે. સ્થાનિક સ્વરાજ સંસ્થાથી લઈને લોકસભા સુધીનાં પ્રતિનિધિ ગૃહોની મુદ્દત પાંચ વરસની અફર કરવી પડે. એ પહેલાં સરકાર તૂટી પડે તો પણ ચૂંટણી ન યોજાય. મુદ્દતે ચૂંટણી ન યોજાય ત્યાં સુધી હંગામી ધોરણે કોઈ બીજું શાસન કરે. કેન્દ્રમાં તો રાષ્ટ્રપતિ શાસનની જોગવાઈ જ નથી. લોકસભાની મુદ્દત પાંચ વરસની અફર કરવી પડે. એની વચ્ચે સરકાર તૂટી પડે તો શું? વચગાળાના સમયમાં કોણ રાજ કરે? રાષ્ટ્રપતિ, નાયબ વડા પ્રધાન કે વચગાળાની ખાસ રચવામાં આવનારી રખેવાળ સરકાર?

આ બધા અટપટા બંધારણીય સવાલો છે. વડા પ્રધાન અને સંઘપરિવાર આ જાણે છે, પરંતુ તેમનો ટાર્ગેટ ફેડરલ અને સેક્યુલર ઇન્ડિયા છે. અત્યારે વરખથી કામ લેવામાં આવે છે અને એ વરખ ઉતારવાનું કામ આપણું છે. 

27 જૂન 2019

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 જૂન 2019

Loading

...102030...2,7962,7972,7982,799...2,8102,8202,830...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved