ગયા લેખમાં મેં પ્રશ્ન કર્યો હતો કે ભગવદ્ ગીતા લખાઈ, એ પછીથી અંદાજે હજાર-બારસો વરસ સુધી કેમ એના વિષે કોઈ વાત નથી થતી? આઠમી સદીમાં શંકરાચાર્યે ગીતા પર ભાષ્ય લખ્યું એ ગીતા પરનો પહેલો ઉપલબ્ધ ગ્રંથ છે. મધ્યકાલીન સંતોએ પણ ગીતા વિષે ભાગ્યે જ વાત કરી છે. ખરું પૂછો તો મધ્યકાલીન સંતો ગીતા શું, કોઈ ગ્રંથોને અડ્યા નથી; કારણ કે ત્યાં સુધીમાં દર્શન ગ્રંથો ધર્મ ગ્રંથ બની ગયા હતા અને સામાજિક ભેદભાવયુક્ત કર્મકાંડી રૂઢ ધર્મ માટે ખપમાં લેવામાં આવતા થયા હતા. આ રીતે મૂળ દર્શનગ્રંથોને ધર્મગ્રંથ બનાવીને સામાજિક વિખવાદ પેદા કરવામાં આવતા હતા, જ્યારે મધ્યકાલીન સંતોનો ઉદ્દેશ સમાજને જોડવાનો હતો.
બીજી બાજુ એવું શું બન્યું કે આધુનિક યુગમાં ગીતા અત્યંત લોકપ્રિય બની ગઈ. આજે બીજા કોઈ પણ દાર્શનિક ગ્રંથ કરતાં ગીતા સૌથી વધ લોકપ્રિય છે. કોઈ હિંદુ ઘર એવું નહીં હોય જ્યાં ગીતા ન હોય, કોઈ સાધુ નહીં હોય જેણે ગીતા પર ભાષણ કે લેખન ન કર્યું હોય અને ૧૯મી અને વીસમી સદીમાં કોઈ લોકસેવક નહીં હોય જેણે ગીતાનો સામાજિક જાગરણ માટે ઉપયોગ ન કર્યો હોય. શા માટે? શું આધુનિક યુગમાં ગીતા વધુ પ્રાસંગિક છે? જ્યારે કોઈ વ્યક્તિ, વિચાર કે ગ્રંથની બહુ વાત થતી હોય ત્યારે તેને સમજવાની કોશિશ કરવી જોઈએ. ગાંધી અને ગીતા તમને અવારનવાર રસ્તામાં ભેટ્યા કરશે અને રસ્તો ચાતરીને જવાનો કોઈ માર્ગ નથી. સમજી લો એક વાર કે ગીતા શું કહે છે અને એમાં અત્યારના યુગમાં પ્રાસંગિક હોય એવું શું જડે છે? આખરે એમાં કાંઈક તો એવું હશે જ જેને કારણે ગીતા બીજા બધા દાર્શનિક ગ્રંથો કરતાં વધારે ખપની બની ગઈ છે.
મારી દૃષ્ટિએ બે તત્ત્વો ગીતાને આજના યુગમાં પ્રાસંગિક બનાવે છે અને એ બે તત્ત્વો છે : જીવનશોધન અને વીર્યશોધન. પરાયાના પરિચયમાં આવ્યા પછી આપઓળખની મથામણ શરુ થઈ. આ ઉપરાંત સંગઠિત ધર્મનો પણ પરિચય થયો; જેમાં એક ગ્રંથ હોય, એક પયગંબર હોય, એક ઈશ્વર હોય અને ધર્મનું પિરામીડ જેવું માળખું હોય. હિંદુઓ માટે આ બધું નવું હતું. હિંદુઓ માટે ધર્મ એ જીવનરીતિ (way of life) હતો અને ધર્મનો અર્થ સ્વભાવ અથવા ફરજ કરવામાં આવતો હતો. અંગ્રેજીમાં જેને religion કહેવાય તેનાથી આપણે સાવ અપરિચિત હતા. અજાણી સભ્યતા અને આપણા કરતા અલગ પ્રકારની ધાર્મિકતાનો પરિચય થયો અને આપઓળખના પ્રશ્નો જાગ્યા. આમાંથી જીવનશોધન અને વીર્યશોધનનો પ્રારંભ થયો. આધુનિક યુગમાં ગીતાની પ્રાસંગિકતા વધવા લાગી તેનાં આ બે કારણ મને દેખાય છે.
આજની ચર્ચા સાથે સીધો સંબધ નથી, છતાં પાશ્ચાત્ય ધર્મ(religion)ના પ્રભાવનો એક દાખલો આપું. ગુરુ નાનક બીજા સંતો જેવા જ એક સંત હતા. તેમને પણ બીજા સંતોની માફક સંગઠિત ધર્મ, ધર્મગ્રંથ, કર્મકાંડ વગેરેનો ખપ નહોતો. તેમના પર કબીરનો મોટો પ્રભાવ હતો. નાનકના ગયા પછી વરસો સુધી નાનકની પરંપરા અને નાનકની ગાદી ચાલી આવતી હતી. નાનકના ગયા પછી લગભગ દોઢસો વરસે ગુરુ ગોવિંદ સિંહને લાગ્યું હતું કે નાનકની પરંપરાને ટકાવી રાખવી હોય તો તેને ઢાંચાબદ્ધ કરવી જોઈએ. પશ્ચિમના ધર્મનું ટકાઉપણું તેમને માળખાબદ્ધ સ્વરૂપમાં નજરે પડ્યું હતું. તેમણે નાનકની પરંપરાને ખાલસા ધર્મમાં પરિવર્તિત કરી હતી, જેમાં એક સગુણ નિરાકાર પરમતત્ત્વ હોય, એક પયગંબર હોય, એક ધર્મગ્રંથ હોય, ઓળખના અલાયદા બાહ્ય ચિન્હો હોય. આ પાશ્ચાત્ય ધર્મનો પ્રભાવ હતો. ૧૯૮૦ના દાયકામાં ભારતથી અલગ થવા ખાલીસ્તાન માટેનું અંદોલન થયું એ એનું પરિણામ હતું.
પશ્ચિમના પ્રભાવમાં ગીતામાંથી પુરુષત્વ શોધવાના પ્રયાસ બીજા લોકોએ પણ કર્યા છે. આમ એક બાજુ તાકાત એકઠી કરવા માટે ગીતાનો ખપ હતો તો બીજી બાજુ જીવનશોધન માટે પણ ગીતાનો ખપ હતો. યુદ્ધના મેદાનમાં પણ હ્રદયની કુમાશ સાથે, લાગણીથી દ્રવી જઇને સારાસાર વિવેક વિષે વાત થાય એવું તો ભારતમાં જ બને. એમ પણ કહી શકાય કે મહાભારત જેવા મહાકાવ્યમાં જ બને જેના રચયિતા વ્યાસ હોય. યુદ્ધમાં કાં તો માણસ ડરીને નર્વસ થઈ જાય અને કાં દ્વેષયુક્ત તામસિકતાથી ભડકો થઈ જાય. અર્જુન નથી ડરેલો કે નથી કોઈને છોડીશ નહીં એવું કહેનારો તાપેલો. એ વિષાદગ્રસ્ત છે. તેને પ્રશ્ન થાય છે કે વેર લેવાની ક્ષુદ્ર વૃત્તિથી પ્રેરાઈને કે પછી રાજ્ય અથવા વિજય મેળવવાની સ્થૂળ કામનાથી લલચાઈને હું મારો ધર્મ તો નથી ચૂકતો? ચિંતા ધર્મ સાચવવાની છે અર્થાત્ શું યોગ્ય અને શું અયોગ્ય એનો વિવેક કરવાની છે; બાકીનું બધું ગૌણ છે.
મનુભાઈ પંચોળીએ એક સરસ નિરીક્ષણ કર્યું છે. અર્જુનની માફક જ સામે પક્ષે દુર્યોધન છે જે કૌરવસેનામાં થોડો આગળ આવીને ગીતાના પહેલા અધ્યાયના બીજા શ્લોકથી લઈને દસમા શ્લોક સુધી ગુરુ દ્રોણને પોતાની સેનાનો પરિચય આપે છે. દુર્યોધન પાંડવોના પક્ષે લડનારાઓનો પણ પરિચય આપે છે અને તેમના શૌર્યનો સ્વીકાર કરે છે. આમ કરતી વખતે તે તાકાતનું આકલન કરે છે, બળાબળની તુલના કરે છે, લડવા માટે અને વિજયી થવા માટે પાનો ચડાવે છે, એ પછીના શ્લોકમાં રણનીતિની વાત પણ કરે છે; પરંતુ ક્યાં ય કોઈ જગ્યાએ સગાંને કે વડીલોને મારવાની ગ્લાની નથી. ઊલટું તે તો કહે છે કે આ બધા લડવૈયાઓ મારા ખાતર મરવા આવ્યા છે. દુર્યોધને ધર્માધર્મનો વિવેક કરવાનો નથી. તેની એટલી ગતિ જ નથી. બાકી દુર્યોધનના આપ્તજનો પણ ક્યાં રણમેદાનમાં નહોતા?
વિવેક અર્જુન કરવા માગે છે માટે તે દુઃખી થઈ જાય છે, સાશંક થઈ જાય છે, સાચા કે ખોટા તત્ત્વજ્ઞાનનો આશ્રય લે છે ભગવાન કૃષ્ણના કથનને પડકારે છે, વગેરે. આમ કરતી વખતે તે કડવાશ ભરેલો પારિવારિક ઇતિહાસ સાવ ભૂલી ગયો હતો એવું નથી, પણ તેને ચિંતા એ વાતની હતી કે રખે મારા હાથે અધર્મ તો નથી થઈ રહ્યો! આગળ કહ્યું એમ ભરયુદ્ધમાં આવું માત્ર ભરતમાં બને.
આવા પ્રસંગની અને પ્રસંગને લઈને કહેવાયેલા તત્ત્વજ્ઞાનની આધુનિક યુગમાં વિવેક કરવા માટે ખપ ન હોય એવું કદાપી બને ખરું? આધુનિક યુગના ઘણા ચિંતકોને એમ લાગ્યું હતું કે પશ્ચિમની સભ્યતા કદાચ વીર્યવાન હશે, પણ તેમાં વિવેકનો અભાવ છે. ચિત્તની જાગૃતિ અને દિલની કુમાશ માટેનાં પદાર્થ ગીતામાંથી મળી રહે એમ છે. પશ્ચિમને આપણે નકારીએ નહીં, આંખ વિંચીને કોઈ સભ્યતાને નકારવી એ તો વળી અવિવેક કહેવાય, પરંતુ પશ્ચિમ પાસેથી શું અપનાવવું, કેટલું અપનાવવું, આપણું શું અને કેટલું છોડવું અને શું કોઈ પણ સંજોગોમાં છોડવું નહીં અને પકડી રાખવું એનો વિવેક શીખવા માટે ભગવદ્ ગીતા ઉપયોગી હતી. આ હતી તેની પ્રાસંગિકતા.
દરેક જરૂરિયાત અને દરેક પ્રશ્નનો ઉત્તર ગીતામાંથી મળે છે, કારણ કે ગીતામાં તમામ દર્શનપ્રવાહો સમાહિત થઈ જાય છે. એમાં વેદો અને ઉપનિષદોનું દોહન છે. એમાં સાંખ્ય અને યોગ છે. એમાં શ્રમણદર્શન પણ છે. અભિગમોની વાત કરીએ તો એમાં કર્મ, જ્ઞાન, ભક્તિ અને ઉપાસનાની વાત આવે છે. ગાંધીજીએ ભગવદ્ ગીતાને અધ્યાત્મિક નિદાનગ્રંથ તરીકે ઓળખાવી છે. મૂંઝવણ હોય તો ગીતા પાસે જાવ, નિદાન કરી આપશે અને ઈલાજ શોધી આપશે. તેમણે કહ્યું છે; “ધર્મવેદના, ધર્મસંકટ, હ્રદયમંથન સહુ જિજ્ઞાસુને (જીવનમાં) એક વખત થાય જ છે.”
આ યુગ સંક્રમણનો અને મંથનનો છે એટલે આજના યુગમાં ગીતા વધુ પ્રાસંગિક છે.
23 મે 2019
સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 26 મે 2019
![]()



The bilingual Dalit poet Neerav Patel, who wrote in Gujarati and English, died on 15 May in Ahmedabad. The news of his death was not buried under the more important headlines of a desperately fought general election in India; it did not make any headlines. In fact, it is at just such a juncture in the political life of Gujarat and India that we should feel the loss of a poet like Patel.