Opinion Magazine
Number of visits: 9684424
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘વંદેમાતરમ્‌’

જનકભાઈ બી. શાહ અને મદનમોહન વૈષ્ણવ|Opinion - Opinion|30 July 2019

મારા સસરા સ્વાતંત્ર્યસેનાની, પત્રકાર, ચુસ્ત ગાંધીવાદી હતા. તેમના અવસાનને ૧૦ વર્ષ વીતી ગયા. આઝાદીના સંગ્રામ સમયથી (લગભગ સિત્તેરેક વર્ષ પહેલાંથી) જૂનાં પેમ્ફલેટોની પાછળની કોરી બાજુમાં લખેલ, જર્જરિત કાગળમાં, નોટબૂક્માં, એન્વેલપ ફાડીને તેની કોરી બાજુમાં નોંધેલ લખાણો, તેમની ડાયરીના કેટલાક અંશો અને સંસ્મરણો અરુણભાઈ (મારા સાળા) તથા રીટાબહેન (મારાં નાનાં સાળી) પાસે સચવાયેલાં હતાં. તેનું સંકલન કરવાનું ભગીરથ કામ અમે બન્નેએ (ભારતીબહેન – જનકભાઈ શાહ) હાથ પર લીધું. આ કામ સરળ ન હતું, બધું જર્જરિત સાહિત્ય વાંચતાં લીંબડીની ઊંડી શેરીના ત્રણ મજલાના ઘરના ત્રીજા માળે, ખાટ પર હીંચતા હીંચતા લખતા, ટેબલ પર લખતા અને તેમના રૂમમાં આંટા મારતા સ્વર્ગસ્થ રસિકભાઈની આકૃતિ સ્મૃતિપટ પર સજીવન થવા લાગી, અને ત્યારે જ ભારતીને વિચાર આવ્યો કે ભાઈનું બધું જ સાહિત્ય સંપાદન કરીએ તો એક પ્રેરણાદાયી સાહિત્યની, આજના યુગની પેઢીને ભેટ મળશે તેમ જ રસિકભાઈ શબ્દ-દેહે સજીવ થઈ શકે. તે વિચારને અમલમાં મૂક્યો અને બેએક વર્ષના ગાળામાં ઈશ્વરકૃપાએ તે કાર્ય પૂરું થઈ શક્યું.

ગાંધીબાપુની ૧૫૦મી જ્યંતી સમગ્ર દેશ અને દુનિયા ઊજવી રહી  છે, ત્યારે રસિકભાઈએ જ લીંબડીમાં સ્થાપેલ ‘મધુબન સાહિત્ય સંધે સ્વ. રસિકભાઈ શાહ(મારવાડી)નાં સાહિત્યને પ્રકાશિત કરવાની તક ઝડપી લઈ, ‘વંદે માતરમ્‌’ પુસ્તક અને ‘રસિક રહસ્ય કથાઓ’ (શ્રેણી – ૧, ૨, ૩, ૪, ૫)ના પુસ્તકોનું લોકાર્પણ કરેલ છે.

આ પુસ્તકો અંગે પુસ્તકોના આમુખ, પ્રસ્તાવના, બે બોલ વગેરે આધારે લખેલ લેખ ૧૫મી ઓગસ્ટના અનુસંધાને, ‘ઓપિનિયન’માં પ્રકાશિત કરવાના હેતુથી મોકલું છું.

— જનકભાઈ બી. શાહ

*****

जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ।

 

सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है

देखना है ज़ोर कितना बाज़ू-ए-क़ातिल में है   

                                            — बिस्मिल अज़िमाबादी        

કોઈ પણ રાષ્ટ્રના ઘડતરમાં તેના સ્વાતંત્ર્યસંગ્રામનું સ્વરૂપ ઘણું મહત્ત્વનું હોય છે. આઝાદી પછીની પેઢીને સ્વતંત્રતા પહેલાંના જીવનનો ખૂબ ઓછો ખ્યાલ હોય છે. રાષ્ટ્રની સ્વતંત્રતા માટે પોતાના પૂર્વજોએ કેવી યાતનાઓ સહન કરી છે, અને કેવા કડવા અનુભવો વચ્ચેથી તેમને પસાર થવું પડેલું, તેનો ખ્યાલ સ્વાતંત્ર્યોત્તર સમયમાં જન્મેલી વ્યક્તિઓને ખૂબ ઓછો હોય છે. તેથી જે-તે દેશની પ્રજાએ વેઠેલી મુશ્કેલીઓ, અનુભવેલી યાતાનાઓ, આઝાદીની લડતની પ્રક્રિયાઓ તથા ગતિવિધિઓની સ્મૃતિઓ કોઈ પણ રાષ્ટ્રની પ્રજા લાંબા સમય સુધી વાગોળતી રહે, અને તેના ઇતિહાસથી પરિચિત થાય તેની જવાબદારી શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયલા લોકોની બની રહે છે.

સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટનાઓની આછી-પાતળી માહિતીથી તો ઘણા લોકો પરિચિત હોય છે, પરંતુ આ ઘટનાઓના ઊંડાણથી કે તેના કાર્યકારી પરિબળો તથા પાયાના કાર્યકરોના યોગદાન વિશે લોકો ખૂબ ઓછી જાણકારી ધરાવતા હોય છે. ઇતિહાસ અને સાહિત્યિક કૃતિઓ દ્વારા તે સંગ્રામની યાદો જીવંત રહી છે. તેમાંની કેટલીક કૃતિઓનાં નામ અસ્થાને નહીં લેખાય જેમ કે ‘ફ્રીડમ એટ મીડ નાઇટ’, ‘ટ્રેન ટુ પાકિસ્તાન’, ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’, ‘તમસ’, ‘ભારેલો અગ્નિ’, ‘પ્રલય’, ‘બંધન અને મુક્તિ’, ‘બંદીઘર’, ‘દીપનિર્વાણ’ વગેરે. સમય સાથે પ્રબળ બનતી જતી સ્વતંત્રતાની ચળવળ અને સામાજિક ન્યાયની ભાવનાને ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી, સુંદરમ્‌, સ્નેહરશ્મિ, સુંદરજી બેટાઇ વગેરેની કવિતાઓમાં જોઈ શકાય છે. તેમાં તત્કાલીન સામાજિક સંરચના, સ્વતંત્રતાની ચળવળ અને મહાત્મા ગાંધી જેવા વિષયો કેન્દ્રમાં હતા. પદ્ય ક્ષેત્રે કૃષ્ણલાલ શ્રીધરાણી, હરિશ્ચંદ્ર ભટ્ટ અને મનસુખલાલ ઝવેરી જેવાઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. નવલકથા ક્ષેત્રે રમણલાલ વ. દેસાઈ, પન્નાલાલ પટેલ, મનુભાઈ પંચોળી, ઇશ્વર પેટલીકર વગેરેએ આ યુગનાં મૂલ્યો આ સાહિત્ય પ્રકારમાં પ્રચલિત કર્યાં હતા.

ઈ.સ. ૧૮૫૭ થી ઈ.સ. ૧૯૪૭ સુધીનો સમય એ ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામના ઇતિહાસમાં અગત્યનો ગણવામાં આવે છે. ભારત પર જ્યારે બ્રિટિશ સામ્રાજ્યનો સત્તારૂપી કાળો પડછાયો હતો, ત્યારે તેને દૂર કરવા ભારતની પ્રજાએ જે રીતે આંદોલનો અને લડતો ચલાવી હતી તે માત્ર ભારતના ઇતિહાસમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના ઇતિહાસનું વિશિષ્ટ પ્રકરણ છે. મહાત્મા ગાંધીજી પ્રેરિત આ લડતની વિશિષ્ટતા એ હતી કે, જ્યારે વિશ્વ અણુપ્રયોગ કરી રહ્યું હતું, ત્યારે ભારત જેવા વિશાળ દેશના અને તેમાં ય અભણ, અજ્ઞાન તથા ગ્રામ્ય કક્ષાનાં લોકોને સાથે લઈ અહિંસક લડત ચલાવી, જે આઝાદીની લડતનો વિશ્વ કક્ષાએ પ્રથમ પ્રયોગ હતો. સમગ્ર વિશ્વને આ યુદ્ધ અને સાત્ત્વિક લડતે અન્યાય તથા અત્યાચાર સામે પ્રતિકાર કરવા સત્ય અને અહિંસારૂપી બે અભિગમ અપનાવવાની અપીલ કરી. ગાંધીજીની રાહબરી હેઠળ થયેલા હિંદના સ્વાધીન સંગ્રામની અનેક નામી-અનામી સ્વાતંત્ર્ય સૈનિકોએ પોતાનું સર્વસ્વ હોમી દીધું હતું, ત્યારે આઝાદીના લડવૈયાઓએ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે લડત ચલાવીને આઝાદી આપવા બ્રિટિશરોને મજબૂર કરી દીધા હતા. આ નામી-અનામી સત્યાગ્રહીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે આગળ ચાલી સભા-સરઘસો, પત્રિકા પ્રવૃત્તિ, પિકેટીંગ, ભૂગર્ભ પ્રવૃત્તિ, ભાંગફોડ પ્રવૃત્તિ, અસહકારના આંદોલન દ્વારા તેમ જ રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ આગેવાની લઈ, જેલવાસ ભોગવી, પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરીને કોઈ પણ ભોગે આઝાદી મેળવવાનાં સ્વપ્નને સાકાર કર્યું હતું.

માણસને જન્મથી જ ત્રણ માતાઓની ભેટ ઇશ્વર તરફથી મળે છે. એક જન્મ દેનારી મા, બીજી ધરતી માતા યાને માતૃભૂમિ અને ત્રીજી માતૃભાષા. ‘જનની જન્મભૂમિ સ્વર્ગાંદપિ ગરિયસી’ યાને જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. જન્મ દેનારી માતા આપણને જન્મ આપી ઉછેરીને મોટા કરે છે તેનો ઉપકાર ક્યારે ય ભૂલી ન શકાય તેવો છે પણ જે ભૂમિ પર આપણે જન્મ લીધો તેનું ઋણ તો સાત જન્મે ય ચૂકવી ન શકાય. આવી એક માતૃભૂમિ એટલે લીંબડી અને લીંબડી એટલે ……

કવિ નાનચંદ્રજી મહારાજની જનસેવાથી સુવાસિત બનેલ ભૂમિ.

સ્વામી વિવેકાનંદજીની અનન્ય દેશભક્તિથી હરીભરી બનેલ ભૂમિ.

શંકર જગન્નાથતીર્થ સ્વામીની યોગસાધનાથી અભિષિક્ત ભૂમિ.

શ્રીમન્ન નથુરામ શર્માની ધર્મને સુલભ બનાવનાર સાહિત્ય સાધનાથી પાવન થયેલ ભૂમિ.

કવિવર રવીન્દ્રનાથ ટાગોર, વિનોબાજી અને સ્વામી આનંદનાં પુનિત ચરણથી પવિત્ર થયેલ ભૂમિ.

અમદાવાદના ભડકી ઊઠેલ કોમી દાવાનળને ઠારવામાં શહીદી વહોરનાર વીર રજબઅલીની ભૂમિ.

સરદારસિંહ રાણા તેમ જ અનેક સ્વાતંત્ર્ય સેનાની અને અનેક સત્યાગ્રહીની દેશભક્તિનું પાન કરેલ ભૂમિ.

શાસ્ત્રીય ઢબે, કાવ્યશાસ્ત્ર – છંદશાસ્ત્રની મર્યાદામાં રહીને ઉત્તમ રચનાઓની સમાજને ભેટ આપનાર મોટા ગજાના રાજ્ય કવિ શંકરદાનજી દેથાની કર્મભૂમિ.

આવી આ લીંબડી કે જેનું નામ રાષ્ટ્રીય ફ્લક પર આઝાદીની લડતના સમયે ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ જેવા ટોચના નેતાઓના સ્મૃતિ પટ પર પણ અંકાયેલું હતું, તે વાતની પ્રતીતિ વર્ષો પહેલાં બહાર પડેલ પુસ્તિકા ’લીંબડીની લડત’ વાંચીએ તો ખ્યાલ આવશે. દેશને આઝાદ કરવામાં ભારતના સર્વે ભાગમાં એક એવી જ્વાળા પ્રગટી હતી કે કોઈ તેને રોકી ન શકે. તો પછી લીંબડી સવિશેષ પોતાનું યોગદાન દેવામાંથી કેવી રીતે બાકાત રહી શકે ? 

આવી આ લીંબડીને પોતાની કર્મભૂમિ બનાવેલ એક આમ આદમીનું નામ કદાચ આ યાદીમાં ઉમેરીએ તો શક્ય છે ઉપરોક્ત નામોની તોલે તે ન પણ આવે છતાં તેમણે આ ભૂમિ માટે ગુજારેલી જિંદગીને નજરઅંદાજ નહીં જ કરી શકાય. જેમણે પોતાની શક્તિ પ્રમાણે દેશ ખાતર જિંદગીને હોડમાં મૂકી આ ભૂમિને પોતાની કર્મભૂમિ બનાવીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં બરડાફાડ લાઠીઓ ખાધી હતી અને જેલની યાતનાઓ ભોગવી હતી, તેમનું નામ ઉમેરવાનો અમારો નમ્ર પ્રયાસ અહીંયા અસ્થાને નહીં ગણાય. એ હતા મહાત્મા ગાંધીજીની હરિજન કલ્યાણની તમામ પ્રવૃતિઓમાં નાણાકીય લાભની પરવા કર્યા વગર અવિરત સેવા બજાવી બાળપણથી જ સત્ય માટે સામનો કરનાર, સામાજિક અન્યાયનો સામનો કરી જીવનભર ઝઝૂમનાર તેમ જ વર્ષો સુધી  ‘જન્મભૂમિ’, ‘ફૂલછાબ’, ‘ગુજરાત સમાચાર’, અને ‘સૌરાષ્ટ્ર સમાચાર’ના સાચા, શૂરવીર, પ્રામાણિક, કાર્યદક્ષ અનેે નિષ્ઠાવાન ખબરપત્રી તરીકે નોંધપાત્ર કામગીરી કરનાર, લીંબડીના મે. પે. સાર્વજનિક છાત્રાલયના ગૃહપતિ તરીકેની ફરજ બજાવનાર લીંબડીના વતની એવા રસિકલાલ શિવલાલ શાહ (મારવાડી)(જન્મ-૨૫/૧૨/૧૯૧૬) જેમની સ્વાતંત્ર્ય સેનાની તરીકેની કદર કરીને રાજકોટ મુકામે ૧૫ ઓગસ્ટ, ૧૯૯૮ના આઝાદીના પર્વે તે સમયના ગુજરાત રાજ્યના નાણાપ્રધાન વજુભાઇ વાળાના હસ્તે ચાંદીનો સીક્કો આપી તેમ જ શાલ ઓઢાડી  વિશિષ્ઠ સન્માન કરવામાં આવેલું હતું.

વર્ષો પહેલાં, આઝાદીની લડતમાં ભાગ લેનારને પેન્શન વગેરે લાભ આપવાનું જાહેર થયું ત્યારે તેમણે તેમનાં સ્મરણોમાં નોંધેલી વાત રજૂ કરીશું તો ખ્યાલ આવશે કે તેઓની લડતમાં કોઈ બદલો મેળવવા માટે ભાગ લીધો ન હતો. તે એક એવો જુવાળ હતો કે સૌ કોઇ બ્રિટિશરોની ગુલામીમાંથી  મુક્ત થવા કોઈપણ પ્રકારની અપેક્ષા વગર ભાગ લીધો હતો.

પેન્શન લેવાનું અયોગ્ય લાગ્યું

ફ્રીડમ ફ્રાઇટરને પેન્શન અને બીજા લાભો આપવાનું સરકારે જાહેર કર્યું. શ્રી રસિકભાઈ પરીખે (તે સમયે ગુજરાતના ગૃહપ્રધાન હતા.) મને પેન્શન મેળવવાના ફોર્મ ઉપર સહી કરવાનું કહ્યું. બાકીનું પોતે સંભાળી લેશે તેમ જણાયું.

તે વખતે મારા બાળકો હજુ અભ્યાસ કરતા હતા. મારી આવક માસિક રૂા. ૧૫૦/-ની.

મેં મુ. શ્રી રસિકભાઈને કહ્યું, “મારે શા માટે પેન્શન લેવું ?”

તેમણે કહ્યું, “તું જેલમાં ગયેલો. તારી પાછળ દસેક મહિના વૉરન્ટ હતું. તેં માર પણ ખાધેલો. સિદ્ધાંત ખાતર સ્કૂલ પણ છોડેલી. વળી આ જ સુધી તું રચનાત્મક પ્રવૃત્તિને વળગી રહ્યો છે. બીજાઓ તો ખૂબ કમાય છે તેઓ પણ પેન્શન લે છે.”

મેં કહ્યું, “તેમની વાત જુદી છે. હું તો માનું છું કે મેં જે કાંઈ કર્યું હતું અને કરું છું તે માત્ર મારી ફરજ સમજીને, નહીં કે બદલો લેવા માટે. વળી પેન્શન માટે અરજી કરવી તેનો અર્થ ભીખ માંગવી તેમ હું કહું છું. ખરી વાત તો એ છે કે જેમણે દેશ માટે ભોગ આપ્યો હોય અને તેને કારણે આજે આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા હોય તેવાને શોધી કાઢી સામે ચાલીને વગર અરજીએ સરકારે સહાય આપવી જોઈએ, અલબત્ત તેમનું ગૌરવ જળવાય તે રીતે.”

મુ. શ્રી રસિભાઈએ મને ઘણો સમજાવ્યો. પણ હું મારી વાતમાં સ્પષ્ટ હતો અને મક્કમ રહ્યો.

ઘણા મિત્રો આ માટે આજે પણ મને મૂર્ખ કહે છે. હું તે વાતને હસી કાઢી શકું છું તેટલી ઈશ્વરની મહેરબાની માનું છું.

આમ લીંબડી ગામના આમ આદમી  રસિકભાઈએ અસંખ્ય કષ્ટો સહન કરીને એક સમયે જીવનને હોડમાં મૂક્યું હતું. ‘સ્વાતંત્ર્ય સેનાની’ તરીકેનાં માનપાન, તામ્રપત્ર, સરકારી રાહતો અને પેન્શનને પણ ઠોકરે મારી એક શહેનશાહની ખુમારીથી તેઓ જીવ્યા હતા. સાદાઈ, સંતોષ અને સેવામાં એમને કર્તવ્યની સાર્થકતા સમજાઈ હતી. જે જમાનામાં દેશી રજવાડાઓમાં સ્વાતંત્ર્ય માટે રાજકીય પ્રવૃતિઓ કરવી એટલે કેસરિયા કરીને અથવા શિર પર કફન બાંધીને યાહોમ કરીને પડયા જેવું કામ હતું, એ જમાનામાં તેમણે નોંધપાત્ર મર્દાનગીભરી દેશસેવા કરી હતી. નિડરતાથી કોઇની શેહ શરમમાં આવ્યા વગર સાદું, સત્યનિષ્ઠ, નિયમિત જીવન જીવ્યા હતા. તેમના પિતા શિવલાલ ગુલાબચંદ શાહે તેમના વિચારો અને સિદ્ધાંતોને સદા ય ઉત્તેજન આપ્યું હતું. તેઓ તેમની પાસેથી આત્મગૌરવના પાઠો શીખ્યા હતા. તેમના માતા પ્રસન્નબહેન શિવલાલ શાહના સરળ, પ્રેમાળ અને ઉદાર સ્વભાવે તેમનામાં સમતાભાવના ગુણનું બીજ રોપ્યું હતું. તેઓ હંમેશાં તેમના ગુરુ એવા બે મહાનુભાવોને ભૂલ્યા ન હતા. (૧) મૂળશંકરભાઈ મો. ભટ્ટ (૨) અમૃતલાલ યાજ્ઞિક.  મૂળશંકરભાઈએ તેમનામાં જે કાંઈ સદ્‌ગુણો હતા તેને વિકસાવવા માટે તેમને પ્રોત્સાહન આપ્યું હતું અને અમૃતલાલ યાજ્ઞિકના પ્રેમે તેમને તેમાંના સિદ્ધાંતોમાં ટકી રહેવાનું બળ પૂરું પાડયું હતું.

“મુંબઇ સમાચાર” સાપ્તાહિકના નિવૃત્ત તંત્રી તેમ જ તેમના વ્યવસાયબંધુ એવા શાન્તિકુમાર જ. ભટ્ટે ‘એક સત્યાગ્રહી કાર્યકરનાં સંસ્મરણો’ની પ્રસ્તાવનામાં તેમના વિશે જણાવ્યું હતું કે :

“ખરેખર મહાન બનવા માટે આગેવાન બનવાની નહીં પણ સાચા, શૂરવીર, પ્રમાણિક, કાર્યદક્ષ અને નિષ્ઠાવાન સત્યાગ્રહી કાર્યકર બનવાનું આવશ્યક છે. આગેવાનોની મર્યાદાઓ અને અપૂર્ણતાઓ લોકોમાં ચર્ચાનો વિષય બને છે. આ મર્યાદા અને અપૂર્ણતા સોના જેવા શુદ્ધ સત્યાગ્રહી અને કાર્યકરને નડતી નથી. પત્રકારત્વના પાયારૂપ વૃત્તાંત નિવેદક તરીકે ‘જન્મભૂમિ’ અને ‘ફૂલછાબ’માં સમાચારો મોકલવા માટે એમણે અસંખ્ય મુશ્કેલીઓનો જાનને જોખમે દાયકાઓથી સામનો કરવાની એમની લડાયક વૃત્તિ જાગી અને પછી વિકસતી ગઈ. સમાજિક અન્યાયોનો સામનો કરવા તેઓ જીવનભર ઝઝૂમ્યા. એક તો જૈન કોમની વેપારી કોઠાસૂઝ, વળી કર્મનિષ્ઠા, જો તેઓએ ધાર્યું હોત તો આજે સમાજમાં તેઓ કોઈ શાહ સોદાગર કે ઉદ્યોગપતિ બની શક્યા હોત. રાજકીય પક્ષનું દોરડું પકડીને આકાશને આંબી શક્યા હોત પણ આદર્શવાદી, સ્વદેશપ્રેમી અને સમાજપ્રેમી કાર્યકર માટે એ શક્ય જ નથી.”

દેવિકાબહેન ધ્રુવે તેમના બ્લોગ ‘શબ્દોને પાલવડે’માં (૫ત્ર શ્રેણી – ૫; ૩૦ જાન્યુઆરી, ૨૦૧૬) એક ખૂબ સરસ વાત કરી છે. “કોઇપણ ભાષા એ વ્યક્તિની અભિવ્યક્તિનું એક માધ્યમ છે. સાહિત્ય ક્યાં જીવનથી જુદું છે ?  એમ તો દ્રઢપણે માનું છું કે, સાહિત્ય એ બીજું કંઈ જ નથી પણ આ જોવાતું જગત છે અને જીવાતું જીવન છે. સાહિત્ય તેનું જ પ્રતિબિંબ છે. અંગ્રેજીમાં પણ કહેવાયું છેઃ ‘Literature is the reflection of life.’  અને … તેમણે જોયેલ જગત અને જીવેલા જગતનું ૧૦ વર્ષથી અપ્રકાશિત અવસ્થામાં પડેલું રસિકભાઈનું કલ્પનામાં પણ ન આવે તેવું સાહિત્ય અમને સાંપડ્યું અને તેમના યુગનો એક સ્પષ્ટ ચિતાર આંખ સમક્ષ ખડો થઈ ગયો. તેની અનુભૂતિ કરવામાં આપ સૌ કેમ બાકાત રહી જાવ?

William Shakespeare ના ‘As You Like It’માં પ્રસ્તુત કરેલ કાવ્ય ‘All the world's a stage’ કાવ્યની છેલ્લી પંક્તિ યાદ આવે છે : ‘Last scene of all, …. That ends this strange eventful history ,…’ માણસ જીવીને જાય છે એટલે કે મૃત્યુ પામે છે ત્યારે ખ્યાલ આવે છે કે કેટલા મહત્ત્વશીલ બનોવોથી ભરપૂર ઇતિહાસનો અંત આવ્યો છે. રસિકભાઈનું સમગ્ર સાહિત્ય તેમના વ્યક્તિત્વનું પ્રતિબિંબ પાડે છે, અને દેવિકાબહેને કહેલ વાતને ‘સાહિત્ય એ બીજું કંઈ જ નથી પણ આ જોવાતું જગત છે અને જીવાતું જીવન છે.’ તેની સાબિતી આપે છે.

વર્ષો પહેલાં વિદ્યાર્થીઓને સરોજિની નાયડુનાં SLEEP, O my little ones, sleep,… કાવ્યના કરાવેલ રસદર્શન અને ઝવેરચંદ મેઘાણીનાં કાવ્ય ‘શિવાજીનું હાલરડા’ની કેટલીક પંક્તિઓ યાદ આવી જાય છે. બન્ને કાવ્યોનો સંદર્ભ આઝાદી પહેલાંના બાળકો માટે સૂચિત કરાયેલ શાંતિભરી નિંદર માણી લેવાનો છે. બન્નેમાં બાળકને નિંદર માણી લેવાનું શા માટે કહેવાય છે ?

સરોજિની નાયડુ તેમના ‘SLEEP, O my little ones, sleep’ કાવ્યમાં આઝાદીના સોનેરી સમણાંની કેવી સરસ વાત અભિવ્યક્ત કરે છે ! તેઓ સોનેરી આવતીકાલનાં સમણાંમાં પરોઢ (આઝાદી મળે) થાય ત્યાં સુધી બાળકને સૂઈ રહેવાનું કહે છે કારણ કે હજી તે જાગે ત્યાં સુધીમાં તેમને તેમનો પાક તૈયાર કરવાનો છે (આઝાદી મેળવવાની છે) જેને દાતરડાથી લણી લેવાનો છે. તે પાક પણ ક્યો ? તે સૂતો હતો ત્યારે (ગુલામીના સમય ગાળા દરમિયાન) તે પાક. તેમની આશા અને વેદનાઓથી પોષાયેલ હતો અને તેમના આંસુઓથી તેમણે તેને સમૃદ્ધ કરેલો હતો. મેઘાણી પણ ‘શિવાજીનું હાલરડા’માં બાળકને પોઢી લેવાનું કહે છે કારણ કે બાળકને જાગશે ત્યારે આઝાદી મેળવવા યુદ્ધ ખેલવું પડશે અને તલવાર પણ ચલાવવી પડશે અને કેવો સંગ્રામ ખેડીને આઝાદી મળશે તેની તો તે સમયે કલ્પના જ કરવાની હતી. આવી આઝાદી મેળવવા ખેડેલા સંઘર્ષોની કથાઓ અનેક પુસ્તકોમાં અભિવ્યકત થયેલ જોવા મળે છે. આપણને આ આઝાદી અનેક દેશપ્રેમી જનોનાં બલિદાનો પછી પ્રાપ્ત થઈ હતી તેની અનુભૂતિ આવી કથાઓ વાંચીને થાય છે.

આટલી પૂર્વભૂમિકા બાંધ્યા પછી ખ્યાલ આવશે કે મેઘાણીએ અને સરોજિની નાયુડુએ લખેલ સાહિત્યનો યુગ રસિકભાઇનો યુગ પણ હતો. તેમના જીવનના વિવિધ તબક્કામાં આઝાદીના સંગ્રામ વખતે તેમણે ખેડેલ સંઘર્ષમાંથી રચાયેલું તેમનું સાહિત્ય તેમની ભૂમિકાને સ્પષ્ટ કરે છે અને તેમના જીવનને પણ પ્રતિબિંબિત કરે છે. આ પ્રતિબિંબ તેમનાં કાવ્યો, સંસ્મરણો અને રોજનીશીના કેટલાંક અંશોમાં પ્રસ્તુત થયાં છે. તમે કલ્પના કરી શકો કે દેશદાઝને ખાતર શાળા છોડવી પડે તેની પણ તમા કર્યા વગર આજે કોઈ તેમના જેવી હિંમત દર્શાવી શકે ખરા? વાત છે તે ૧૯૩૬ની સાલની. તેઓ પોતાના સંસ્મરણોમાં નોંધે છે –

રસ્ટિકેટ થયો

૧૯૩૬માં મેટ્રિકમાં હતો ત્યારે એક બીજો બનાવ બન્યો અને મારે સ્કૂલ છોડવી પડી. ૧૯૩૬માં વાઇસરૉય લોર્ડ વિલિંગ્ડન અને લેડી વિલિંગ્ડન નવા પૂલના ઉદ્‌ઘાટન માટે લીંબડી આવ્યાં. અમને તેમનું સ્વાગત કરવા સ્ટેશને જવાનું ફરમાન થયું. બ્રાહ્મણ બોર્ડિંગના વિદ્યાર્થી રવીન્દ્રનાથ અને મેં સ્વાગત કરવા જવાની ના પાડી. રાજ્યની પ્રજા તરીકે. રાજ્યના મહેમાનોનું સ્વાગત કરવાની ફરજ છે તેમ સમજાવવામાં આવ્યું. જવાબમાં અમે જણાવ્યું,“રાજ્યના મહેમાનનું રાજ્ય વતી સ્વાગત કરવાનું હોય તો યુનિયન જેકને બદલે રાજ્યનો ધ્વજ લઈને અને ખાદીની ટોપી પહેરીને જવામાં વાંધો નથી. છેવટે અમને રસ્ટિકેટ કરવામાં આવ્યા. પંડ્યા સાહેબે મને બોલાવી કહ્યું, “તમારી ભાવના હું સમજું છું, પણ રાજ્યના હુકમ પાસે લાચાર છું.” તેમની અમારા તરફની સાચા હૃદયની લાગણી હું જોઈ શક્યો, પણ બીજો કોઈ રસ્તો ન હતો અને સ્કૂલ છોડી.

આજના યુગના કેટલાં વિદ્યાર્થી હેડમાસ્તર પાસે આવી નિડરતા બતાવશે ? પોતે રસ્ટિકેટ થતા, સર્ટિફિકેટમાં ‘રસ્ટિકેટ’ લખવામાં આવતા હેડમાસ્તર સામે જ તે સર્ટિફિકેટને ફાડી નાખવાની હિંમત દાખવવી તે કાંઈ નાની-સૂની દેશ-દાઝ ન કહેવાય ! એ જ વાત વિગતે તેમણે તેમની ડાયરીમાં પણ પ્રસ્તુત કરી હતી. બચપણથી અન્યાય સામે લડવાની તેમની વૃત્તિ તેમનાં સંસ્મરણો, ડાયરી તેમ જ કાવ્યમાં પ્રતિબિંબિત થઈ છે. સત્યાગ્રહની લડતમાં ચલાવેલી ચળવળના ઘણા બધા કિસ્સાઓમાં તેમની નિડરતા અને સત્યનિષ્ઠાના દર્શન થયાં વગર રહેતાં નથી.

આંધળીમાના કાગળના રાગમાં લખાયેલ કાવ્ય ‘કેદીનું જીવન’ અને ‘રાત્રે પજવતાં તીડડાંને’ કાવ્યો આબેહૂબ જેલ જીવનનો ચિતાર ખડો કરે છે અને સાથે સાથે ખ્યાલ પણ આવે છે કે દેશ ખાતર જેલમાં ગયેલા કેદીએ કેવી વેદના સહી હશે. આજના જેલના કેદીના જીવનને આ ચિતાર સાથે સરખાવશો તો કદાચ આજનું જેલ જીવન વધું સુખ સાહેબીવાળું લાગશે.

ઘણી વાર ન્હાઇને ફક્ત ટૂવાલ વિંટાળીને ખુલ્લા ડિલે પોતે રચેલ ગુજરાતીમાં ભાવાનુવાદ કરેલ ભક્તાંમરનું રટણ કરતા તેમની પીઠ પર લાકડીના મારના સળને જોયા હતા તે વાત આ કાવ્ય વાંચીને યાદ આવી જાય છે. પણ તેમણે કદી આ મારની કે પોતે વેઠેલા દુઃખની વાત કહી ન હતી કોઇ પૂછે તો તેઓ કહેતા –

દુઃખ શું ?

મને કોણ જાણે કેમ પણ દુઃખ મનની કલ્પના છે તેમ લાગ્યા કર્યું છે. મુશ્કેલી આવે તેને સહજભાવે અવગણીએ તો મુશ્કેલી લાગે નહીં. પર્વત ઉપર ચઢવામાં કેટલાક આનંદ અનુભવે છે અને તે કાર્ય વેઠ ગણીને કરનારને તેમાં ભારે મુસીબત લાગે છે. મને કેટલાક મિત્રો જ્યારે કહે છે, “તમે ઘણું સહન કર્યું છે.” ત્યારે હું પૂછું છું, “મેં શું સહન કર્યું છે? તે તમે મને કહો તો ખબર પડે, બાકી મેં સહન કર્યું છે તેવું મને તો ક્યારે ય લાગ્યું નથી. એક કામ તે ગમે તેવું મહેનતનું હોય પણ તે હોંશથી કરીએ તો તેમાં આનંદ આવે છે – કાંઈક કર્યાંનો સંતોષ મળે છે, પણ પણ તે જ કાર્ય જો વેઠ સમજી રોદણાં રોતાં કરીએ તો તેમાંથી દુઃખ ઉત્પન્ન થાય છે. કરવાનું જ છે તો ગૌરવભેર હસતાં મોંઢે શા માટે ન કરવું? તે મને તો કદી સમજાયું નથી.

સમાજનાં દૂષણોને અને સમાજની માન્યતાઓને પણ તેઓ એ તેમના કાવ્યમાં ખૂબ સરસ રીતે અભિવ્યક્ત કરી છે. સમાજમાં જીવતી પાપી સ્ત્રીને શિક્ષા કરવાનો અધિકાર કોને છે તે વાતને પથ્થર દ્વારા જ છંદોબદ્ધ પંકિતઓમાં પ્રસ્તુત કરીને હૃદયસ્પર્શી બનાવી દીધી છે.

ધાર્મિક કથાઓના પ્રસંગને પણ ખૂબ સરસ રીતે પ્રસ્તુત કર્યા છે તે વાત તેમના કાવ્ય ‘રામ-રાવણની ખેલદિલી’ દ્વારા સાબિત થાય છે. રાવણ રામનો દુશ્મન હોવા છતાં લંકા જવા માટે સેતુ બાંધવાના મુહૂર્તને રાવણ કાઢી આપે તે વાત આપણને માન્યામાં ન આવે. પણ છંદોબદ્ધ રચનામાં તે વાત પ્રસ્તુત કરીને આપણને તે વિચારતા કરી દે છે.

કર્તવ્યનિષ્ઠ પણ મગરૂર માનવીનું અંગ્રેજી કાવ્ય ‘મીલર ઑફ ધી ડી’ આપણે સૌ ભણી ગયા છીએ. તેનો ભાવાનુવાદ કરીને પોતાના વિચારોને પ્રસ્તુત કરવા જાતે તેમાં ઉમેરો કરીને પોતાની સૂઝને અભિવ્યક્ત કરીને તેમણે નિડરતાના એક સાચા પ્રશંસક તરીકેની છાપ અંકિત કરી છે.

વસંત-રજબની કોમી એકતા અને કૂરબાનીની વાત આપણે સૌ જાણીએ છીએ. અમદાવાદના તે સમયે ભડકેલા કોમી દાવાનળની વાતને આબેહૂબ વર્ણવતી પંકિતઓ તેમને એક નીવડેલ અને પ્રવીણ કવિ જીવ તરીકે પ્રસ્થાપિત કરે છે. તે કાવ્ય દ્વારા માનવીય સંવેદનાને પણ હચમચાવી દીધી છે અને સત્ય હકીકતને શબ્દદેહે પ્રસ્તુત કરવામાં તેમણે કોઈ મણા રાખી નથી.

કાવ્ય સંગ્રહને જોતાં એમ લાગે છે કે તેમના પર ઇન્દુલાલ ગાંધીના કાવ્ય ‘આંધળી માના કાગળ’ની અસર ઘણી પડી હશે, અથવા તેમને તે કાવ્યો ખૂબ જ ગમ્યાં હશે. કેટલાંક કાવ્યો તેમણે તે ઢાળમાં રચ્યાં છે તેમ જ તે કાવ્યના જવાબમાં પ્રતિકાવ્ય પણ રચ્યાં છે. કાવ્યની પંકિતોઓ અંગે તેવો ખ્યાલ પણ છે કે આવી રચના બીજા કેટલાક કવિઓએ તે સમય દરમિયાન કરી હતી. તેમની પુસ્તિકા ‘એક સત્યાગ્રહી કાર્યકરનાં સંસ્મરણો’માં તેમની હયાતી દરમિયાન સમાવિષ્ટ કરાયેલ આ કાવ્યોને જોઈને શ્રદ્ધા બેસે છે કે આ કાવ્યો તેમણે જાતે જ રચ્યાં હશે. આ ઉપરાંત તેમણે લખેલ કાવ્યોની તારીખ પરથી ખ્યાલ આવે છે કે તે સમયના ગાળામાં તેઓની મનોસ્થિતિ કેવી હશે.

ઘરમાં બનતી ગતિ-વિધિ તેમની નજર બહાર ન જતી તેનું એક સરસ ઉદાહરણ મળી આવે છે. સૌથી નાની દીકરી રીટાને રોટલી વણતી જોઈને તેમનાં મનમાં જાગેલા પ્રશ્નોને અને નારીની મનોદશા શું હોઈ શકે તે વાત સાથે નાતને અને વાદના નાદને વણી લઈ સરસ મજાના પ્રાસ મેળવી રચેલ આ કાવ્યની પંકિતઓ હૃદયને સ્પર્શી જાય છે. ટૂંકી વાર્તાઓના સંદર્ભે જોઇએ તો તેમની વાર્તાઓમાં પ્રમાણિકતા, સત્યનિષ્ઠા, ચારિત્ર્યશીલતા, નીડરતા, વહેમને દૂર કરવાના વિષય-વસ્તુઓને આવરી લેવામાં આવ્યા છે.

રસિકભાઈ શાહ (મારવાડી) આ ‘લીંબડી’ના એક એવા હિતચિંતક અને એવા એક સત્યાગ્રહી હતા જેમણે બરડા ફાડ લાઠીઓ ખાઈ, જેલવાસ ભોગવી આઝાદીની ચળવળમાં ભાગ લીધો હતો. ‘આઝાદીની ચળવળ’ના સમયે કેવી કેવી પરિસ્થિતિનો સામનો કર્યો હતો, તેનો ચિતાર તેમણે આલેખેલાં તેમનાં હૃદયસ્પર્શી સંસ્મરણોમાં અભિવ્યકત થાય છે તે વાંચીને લાગે છે કે આજના યુગના યુવાને અચૂક વાંચવા જ જોઇએ. તે સમયમાં બ્રિટિશ હકૂમત સામે વિદ્યાર્થી તરીકે અવાજ ઊઠાવનાર યુવાન રસ્ટિકેટ થતાં આચાર્ય સામે જ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ફાડી નાખી પોતાની શાળા છોડી દેવાની હિંમત કરે, તેની આજના યુવાનોને કલ્પના નહિ આવે. તો વળી જેને ઊંઘમાંથી ઊઠાડવાની હિંમત ન કરી શકનાર વહાણ પગી જેવા ખુંખાર આદમીને રાત્રે મળવાની હિંમત કરે તેવો નિર્ભય આદમી એ જમાનામાં મળવો સહેલો ન હતો અને તેવી હિંમત કેળવવી પણ સહેલી નથી. નદીના પટમાં સૂકાયેલી શ્વેત ચાદરોના હલન ચલન અંધકારમાં ‘ભૂત સભા’નો આભાસ ઊભો કરી માનવીના વાસ્તવિક મનોવલણને કેવી સરસ રીતે વ્યકત કરે છે, તે જાણવા માટે ‘ભ્રમણાની ભૂત સૃષ્ટિ’ કથા વાંચવી જ જોઇએ. એકોએક કથામાં કાંઇકને કાંઇક નીતિબોધ છૂપાયેલ રહે તે તેમની કલમની ખૂબી છે. લંકા જવા સેતુ બાંધવાનું ખાત મુહૂર્ત રામે રાવણ પાસે કઢાવીને તેના હાથે પ્રાણ-પ્રતિષ્ઠાની પૂજન વિધિ કરાવવાનું આબેહૂબ દ્રશ્ય ૦૯-૦૯-૧૯૬૦ના રોજ લખાયેલા ‘રામ-રાવણની ખેલદિલી’ કાવ્યમાં સરળ પંક્તિઓમાં અદ્‌ભુતરીતે આલેખાયેલું છે. કાવ્યની અંતિમ પંક્તિઓ જોઇએ તો …

(અનુષ્ટુપ)

કરી પ્રાણ-પ્રતિષ્ઠાની પૂજા રાવણ બ્રાહ્મણે,
દક્ષિણા રામ આપે ને આશિષ રાવણને મળે.
“મનનો સંકલ્પ તારો જે પરિપૂર્ણ બનો અને
“શુભ થાઓ સદા તારું, શત્રુઓ નિર્મૂળ બને.”
અહોહો ! ભવ્ય આ કેવું અલૌકિક જ દૃશ્ય એ ?
મહાશત્રુ નક્કી તોયે ખેલદિલી અપાર છે.

આમ રસિકભાઈ શાહ(મારવાડી)ના સમગ્ર સાહિત્ય વિશે લખવા જઇએ તો બીજું પુસ્તક બની જાય. પરંતુ જીવનકાળ દરમિયાન તેમણે જે કાંઈ સર્જન કર્યું તે નોંધપાત્ર અને મૂલ્યવાન છે. જીવન આખું ગાંધીમૂલ્યોને આત્મસાત્‌ કરીને જીવ્યા અને તેનું પ્રતિબિંબ તેમના સાહિત્યમાં પડયા વગર રહેતું નથી.

મહાત્મા ગાંધીએ અહિંસાના માર્ગે લડત ઉપાડી હતી અને તેમનો વિશાળ સમર્થક વર્ગ હતો. અનેક નેતાઓના નેતૃત્વમાં આઝાદીની લડત લડાઈ હતી અને અનેક સમર્થકોએ જેલવાસ ભોગવ્યો હતો. પરંતુ રાષ્ટ્રની આઝાદી માટે કોઈ પણ જાતની અપેક્ષા વિના રાષ્ટ્રના મોટા ભાગના સમર્થકોએ વેદના સહન કરીને પણ રાષ્ટ્રીયતાને વંદના કરી છે. આ સમર્થકોમાં રસિકભાઇ શાહ(મારવાડી)ની રાષ્ટૃવંદના કેમ ભૂલાય ? રસિકભાઇ શાહે ઇ.સ. ૧૯૩૫થી જેલવાસ દરમિયાન અને પછી જીવન પર્યંત ઉત્તમ સાહિત્યનું સર્જન કર્યું છે.

જેમને હૈયે ભારતમાતાની કૃપા હોય અને રગેરગમાં કેવળ ભારતમાતાનાં રાષ્ટ્ર પ્રેમના ગીતો ગુંજતાં હોય, પ્રત્યેકના હૃદયમાં માનવતા જ ડોકાતી હોય, કેવળ નૈતિકતાથી તે ભરેલાં હોય, મમત્વની દ્રષ્ટિથી જ સૌને નીહાળતા હોય, સંકટમાં મુકાયેલાઓને મદદરૂપ થતા હોય, બીજા માટે ઘસાઈ છૂટવાની વૃત્તિ ધરાવતા હોય તેવા યોગીઓને વંદન કરવા રહ્યાં. કાઠા મન અને વિશાળ હૈયા અને ક્રિયા તત્પર હાથ તેઓની પાસે હતા. અધિકાર સ્થાનોએથી ફેંકાયેલા ટૂકડાંમાં તેમને કદી રસ ન જ હોય. કેવળ તેમની સંક્લ્પ શક્તિ અને ઇજ્જ્ત એ તેમનું ભાથું હતું. આ મહાનુભાવોને બીરદાવવા એ જ આપણું કર્તવ્ય બને છે. ભાવનાશાળીઓના સહકારથી જ આપણું ‘ભારતની મહાનતાના દર્શન’નું સ્વપ્ન સાકાર થશે. અખંડ ભારત એ આપણા સૌનું સ્વપ્ન છે અને મને શ્રદ્ધા છે કે તે સાકાર થશે.

લગભગ સિત્તેરેક વર્ષ પહેલાં જૂના પેમ્ફલેટોની પાછળની કોરી બાજુમાં લખેલ, જર્જરિત કાગળમાં, નોટબૂકમાં, એન્વેલપ તોડીને તેની કોરી બાજુમાં નોંધેલ લખાણો તેમની ડાયરીના કેટલાંક અંશો અને સંસ્મરણો અરુણભાઈ તથા રીટાબહેનન પાસે રસિકભાઈના અવસાનનને દસ વર્ષ થયાં હોવા છતાં સચવાયેલાં હતાં. તેનું સંકલન કરવાનું મિશન ભારતીબહેને તથા જનકભાઈએ ઝડપી લીધું. આ કામ સરળ ન હતું. આ બધું જર્જરિત સાહિત્ય વાંચતા લીંબડીની ઊંડી શેરીના ત્રણ મજલાના ઘરના ત્રીજા માળે ખાટ પર હીંચતા હીંચતા લખતા, ટેબલ પર લખતા અને તેમના રૂમમાં આંટા મારતા મારતા ગાતા રસિકભાઇની આકૃતિ સ્મૃતિ પટ પર સજીવન થવા લાગી અને ત્યારે જ અમને (ભારતી) વિચાર આવ્યો કે આ બધાં જ સાહિત્યનું સંપાદન અને સંકલન કરીએ તો એક પ્રેરણાદાયી સાહિત્યની આજના યુગની જનરેશનને ભેટ મળ તેેમ જ રસિકભાઈ શબ્દ-દેહે સજીવ થઇ શકે. આ કાર્યને પૂરું થતાં બે વર્ષ લાગ્યાં પણ ઇશ્વરકૃપાએ પૂરું થયું.

ગાંધીબાપુની ૧૫૦મી જ્યંતી સમગ્ર દેશ અને દુનિયા ઉજવી રહી છે ત્યારે રસિકભાઈનાં સુપુત્રી ભારતીબહેન તથા તેમના જમાઈ જનકભાઈ શાહ દ્વારા સંપાદિત અને રસિકભાઈએ જ સ્થાપેલ સંસ્થા ‘મધુબન સાહિત્ય સંઘે’ રસિકભાઇ શાહ(મારવાડી)ના સાહિત્યને પ્રકાશિત કરવાની તક ઝડપી લઈ ‘વંદે માતરમ્‌’ પુસ્તક અને ‘રસિક રહસ્ય કથાઓ – શ્રેણી – ૧, ૨, ૩, ૪, ૫’નાં પુસ્તકોનું લોકાર્પણ કરે છે, ત્યારે લીંબડીના ‘મધુબન સાિહત્ય સંઘ’ને અંતરથી ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભેચ્છા. અમને આશા છે કે આ દેશની યુવા પેઢી આ પુસ્તકો જરૂરથી વાંચશે અને વંચાવશે. શિક્ષકો, શિક્ષણ પ્રેમીઓ અને સાહિત્ય રસિકો સમગ્ર વિદ્યાર્થી જગતને રસિકભાઇ શાહ (મારવાડી)ના આ ‘ભાવ જગત’થી પરિચિત કરશે, તેવી આ તકે અમારી નમ્ર અભ્યર્થના છે. ગુજરાત અને ભારતભરમાં આ પુસ્તકો દરેક શાળા-કોલેજનાં પુસ્તકાલયોમાં વસાવવા અનિવાર્ય બને અને નવી પેઢી આ સ્વાતંત્ર્ય સેનાનીના ‘ભાવ જગત’ને ઉમળકાભેર વધાવી લે તેવી શુભ આકાંક્ષા.

જય હિંદ.

[ભારતીબેન શાહ (પરામર્શક – ‘વિચાર વિજ્ઞાન’);  ડૉ. જનકભાઇ  શાહ, ટ્રસ્ટી ‘માનવ વિકાસ અને કલ્યાણ ટ્રસ્ટ’ અને સહતંત્રી ‘વિચાર વિજ્ઞાન’, અમદાવાદ]        

[પ્રો. મદનમોહન વૈષ્ણવ, માનાર્હ મંત્રી, ‘માનવ વિકાસ અને કલ્યાણ ટ્રસ્ટ’ અને સહતંત્રી ‘વિચાર વિજ્ઞાન’, અમદાવાદ

Loading

માહિતી અધિકાર, ઈસ હમામ મેં …

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|30 July 2019

આછીઅમથી પણ આસાએશ એ વાતે હતી કે રાજ્યસભામાં હજુ ભા.જ.પ. પાસે નિર્ણાયક બહુમતી નથી : માહિતી અધિકાર અંગેના સુધાર ખરડા સહિત જે બીજા અનેક ખરડા હવે ઘડિયાં લગન પેઠે ઉઘલાવવાની ઘાઈમાં કેન્દ્ર સરકાર હાલ માલૂમ પડે છે એમાં એથી કંઈક રૂકાવટ જરૂર આવી શકત. અલબત્ત, એથી સવાલ છેવટનો હલ નથી થતો તે નથી થતો; કેમ કે રાજ્યસભા ખરડો પાછો મોકલી શકી હોત, પણ લોકસભા જો પુનર્વિચાર બહાલ ન રાખે તો છેવટનો હક તો બંધારણીય રાહે એની (લોકસભાની) કને જ હોવાનો છે.

સામાન્યપણે ‘રુકાવટ કે લિયે ખેદ હૈ’ એ નાના પડદા પરની આપણી પરિચિત તકલીફ છે. પણ આ રુકાવટને રાજ્યસભાની ક્યારેક હોઈ શકતી રુકાવટ સાથે ગોટવી દેવાની જરૂર નથી. કારણ, એ ‘રુક જાવ’ વસ્તુતઃ એક એવો સર્જનાત્મક તનાવ પેદા કરી શકે છે જે સંભવ છે કે ફેરવિચાર અને ક્ષતિપૂર્તિનો અવસર પૂરો પાડી શકે.

બાકી ખરડા છાંડી આ ક્ષણે માહિતી અધિકાર સુધાર ખરડા વિશે જ મુખ્યત્વે વાત કરવાનો ખયાલ છે. નમો શાસન આગમચ જે એક દાયકો મનમોહન શાસનને મળ્યો એની મહદ્‌ ઉપલબ્ધિઓ પૈકી આ કાનૂન છે. એના લાભની અને એના મૂળગત મહત્ત્વની ચર્ચામાં આપણે નહીં ઊતરીએ; કેમકે તે જગજાહેર છે. યુ.પી.એ.નાં વડાં સોનિયા ગાંધીની રાષ્ટ્રીય સલાહકાર સમિતિ પર અગ્રકામગીરી બજાવનારાં અરુણા રોય આદિની મહેનતથી સંભવિત બનેલ એ લોકશાહી નવાજેશ છે.

ખરું જોતા આજના સત્તાપક્ષને એ ખયાલ હોવો જોઈએ કે કટોકટીના અનુભવે આપણને જાણકારીના અધિકાર અને અભિવ્યક્તિના અધિકારની જે ભૂમિકા છે એનો અચ્છો અહેસાસ કરાવેલો છે. આ અહેસાસ સાથે ધીરે ધીરે ભળેલી સમજ એ છે કે કોઈ એક વ્યક્તિના અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય (કે જાણવાના અધિકાર) પર રોક આવે તે માત્ર જે તે વ્યક્તિ પૂરતો સવાલ નથી. કારણ, એ માહિતી અગર મંતવ્યથી પેલી રોકને કારણે બીજું શતસહસ્ર લોક પણ વંચિત રહે છે. અને વાત માત્ર આટલી જ નથી. સરકાર અને બીજાં જાહેર સંસ્થાનો એમાં કામ કરનારાઓ અને એમની સાથે કામ પાડનારાઓ જોડે ઓઝલપડદાનો નાતો રાખે એ લોકશાહી સુવાણની દૃષ્ટિએ પથ્ય પણ નથી. પણ રાજ, કેમ કે તે રાજ છે, ‘સ્ટેટ સીક્રેટ’ને નામે પોતાની અને નાગરિકની વચ્ચે ચીનની દીવાલ ખડી કર્યા વગર એને સોરવાતું નથી. ‘અપનોં સે પર્દા ક્યોં’ એ સવાલ હુકમરાનોને મન પેમલા-પેમલીનો હશે તો હશે, પ્રજાતંત્રનો નથી તે નથી.

૧૯૭૭ના કથિત બીજા સ્વરાજ પછી નવજાગ્રત સભાનતા અને નવપ્રાપ્ત સમજને ધોરણે દેશજનતાએ જે કદમ સંસદીય રાહે એક પછી એક ભર્યાં કે ભરાવ્યાં એમાં માહિતી અધિકાર તરત આગળ તરી આવે છે. જે સવાલ હતો અને છે તે આ દિશામાં મનમોહન સરકારે કરેલી કારવાઈને આગળ લઈ જવાનો હતો અને છે. દાખલા તરીકે, મનમોહન સરકારની બીજી મુદ્દતના પ્રારંભે રાષ્ટ્રપતિના અભિભાષણમાં આપણને સૌને ગમે એવી એક હોંશ પ્રગટ કરાઈ હતી કે અત્યારે તમને માગ્યાથી માહિતી મળે છે એને બદલે વણમાગ્યે કોઈ પણ સત્તાવાર નિર્ણય અને કારવાઈ અંગેની વિગતમાહિતી યથાક્રમ વેબસાઈટ પર મૂકવામાં આવે એ દિશામાં વિચારાઈ રહ્યું છે.

માહિતી અધિકાર જેવી અચ્છી નવાજેશની પહેલી મુદ્દત પછી બીજી મુદ્દતનું સૂચિત કદમ જરૂર રોજિંદી લોકશાહીની દૃષ્ટિએ બુનિયાદી એવી મૂલ્યવર્ધિત ઘટના બની રહી હોત. પણ જેમ માહિતી અધિકાર બની આવ્યો તેમ આ અગ્રચરણ સ્થગિત રહ્યું એ પણ એક દુર્દૈવ વાસ્તવ છે. જે બીજો એક મુદ્દો ‘ઈસ હમામ મેં સબ નંગે હૈ’ની તરજ પર છે તે પણ આ સાથે યાદ કરી લેવો જોઈએ. અને તે એ કે આપણા રાજકીય પક્ષો (ભા.જ.પ. અને કૉંગ્રેસ બેઉની એકહમામીને શોભે તેમ) પોતાની કામગીરીને માહિતી કાનૂનથી પર રાખવાના આગ્રહી છે. કૉંગ્રેસને તો માનો કે સ્વરાજનો મેદ અને કાટ ચડ્યો, પણ નવલોહિયા ‘પાર્ટી વિથ અ ડિફરન્સ’ પણ આ મુદ્દે મૂંગી મંતર ને ધરાર છૂ મંતર જ પેશ આવે છે.

હમણાં જે બે વાનાંની જિકર કરી તે તો સમજો કે બાકી ખેંચાતાં પૈકી છે. પણ અન્યથા આવકાર્ય એવા માહિતી અધિકાર કાનૂનમાં સુધારાની ભા.જ.પી. હિલચાલ જે પણ હાંસલ થયેલું છે એને કમજોર કરવાની દિશામાં છે. નમૂના દાખલ, માહિતી કમિશનરની નિમણૂક અને એને ફારેગ કરવાનો (‘હાયર ઍન્ડ ફાયર’નો) અધિકાર સુવાંગ સરકાર હસ્તક રાખવાની વાત છે. જો કમિશન અને કમિશનર યથાર્થમાં સ્વાયત્ત ન હોય અને કેમ જાણે સરકારની બપૌતી હોય તો-એની મુદ્દત અને પગાર સરકારની મુનસફી પર હોય તો – તે મુક્ત ધોરણે કામગીરી કેવી રીતે બજાવી શકે? આ અંગે ચાલેલી ચર્ચાઓમાં કોઈકે ભરીબંદૂક પંક્તિઓ ટાંકી છે કે,

‘ગાલિબ વજીફખ્વાર હો, દો શાહ કો દુઆ
વોહ દિન ગયે કહતે થે નૌકર નહીં હૂં મૈં.’

વાત એમ છે કે ૨૦૦૪-૨૦૦૯ની સંસદમાં (મનમોહનની પહેલી મુદ્દતમાં) જ્યારે માહિતી અધિકાર બિલ મુકાયું ત્યારે તે સર્વાનુમતે, રિપીટ, સર્વાનુમતે પસાર થયું હતું. હાલના સત્તાપક્ષે જેમાં પોતાની સંપૂર્ણ સંમતિ હતી તે જોગવાઈને આગળ લઈ જવાની હોય કે પાછી પાડવાની હોય, એ સવાલ લાખ રૂપિયાનો છે. રાજકીય પક્ષોની અસલિયત સમજવાની દૃષ્ટિએ શરૂમાં ઉપસ્થિત કર્યાં એ વાનાં ઉપરાંત આ પણ સમજવાની જરૂર છે.

અને હા, એક સુધારો વિપળના પણ વિલંબ વગર સમજી લેવા જેવો છે. ધારો કે કોઈ પ્રશ્ન પરત્વે તપાસ ચાલી રહી હોય પણ તે પ્રશ્ન પૂછનાર (માહિતી માગનાર) ચાલુ તપાસે મૃત્યુ પામે તો એ તપાસ પણ પરબારી ખડી પડશે (‘લૅપ્સ’ થઈ જશે). આ સુધારાની પડછે જે ભયાવહ સંભાવના રહેલી છે એ, આપણે ઇચ્છીએ કે, ખોટી પડે. પણ કોઈકે પોતાને અંગેની તપાસ રોકાવવી હોય તો માહિતી માગનારને સર્વ આધિ વ્યાધિઉપાધિથી મુક્ત કરવાનો તરણોપાય આ જોગવાઈ સૂચવે છે એવું તો નથી ને. પશ્ચાદ્‌વર્તી ધોરણે દાખલો આપું તો અમિત જેઠવાની હત્યા સાથે ગુનાઈત તત્ત્વો તપાસમુક્ત થઈ ગયાં હોત એમ કલ્પી શકીએ. ખરેખર તો જેમને ‘વ્હિસલ બ્લોઅર્સ’ કહેવાય છે એમની સુરક્ષાની ચુસ્તદુરુસ્ત જોગવાઈની દિશામાં વિચારવું જોઈએ, પણ હજુ તો એ પ્રક્રિયા લબડે છે.

સરકારને સુધારાની આટલી ઘાઈ શા વાસ્તે હશે, એ સમજાતું નથી. લોકસભાની ખડી સમિતિમાં ચર્ચાવિચારણાની તક ઝડપી શકાઈ હોત એને બદલે આવો હર રચનાત્મક ટપ્પો બારોબાર ઠેકી જવાનો સત્તારવૈયો તપાસના દાયરામાં હતો, છે અને રહેશે. ચર્ચા, વધુ ચર્ચા, પૂરી ચર્ચા, એનો ન કોઈ વિકલ્પ હતો, ન તો છે. વિપક્ષના મોટા હિસ્સાએ સુધ્ધાં રાજ્યસભામાં આ બધું ચુકાવ્યું ને ગુપચાવ્યું, એ એક કમનસીબ કારુણિકા છે.

અલબત્ત, એક રસ્તો હજુ છે. રાષ્ટ્રપતિ પાસે આ સહી માટે જાય ત્યારે એમને પુનર્વિચારની નાગરિક વિનંતી ચોક્કસ થઈ શકે. રાષ્ટ્રપતિ જ્યારે માનનીય સાંસદ હતા ત્યારે (મનમોહન સરકારે આ પ્રશસ્ય પગલું ભર્યું ત્યારે) એમણે બોલી બતાવેલી કેટલીક મર્યાદાઓના ઉજાસમાં એમની કને આપણી આટલી અપેક્ષા તો બને છે.

છેલ્લી, પણ કદાચ સૌથી અગત્યની વાત. સર્વોચ્ચ અદાલતે એના એકાધિક ફેંસલામાં માહિતી અધિકારને એક મૂળભૂત અધિકાર રૂપે જોયો છે. હજુ મહિનો માસ પૂર્વે સત્તાપક્ષે ૨૬મી જૂનના ‘કાળા દિવસ’ વિશે ખાસો ઊહાપોહ કર્યો ત્યારે સ્વાભાવિક જ બાથ ટબમાંથી સહી કરતા રાષ્ટ્રપતિનું અબુચીતર્યું કાર્ટૂન વ્યાપકપણે સંભારાયું હતું. વર્તમાન રાષ્ટ્રપતિએ કાર્ટૂનિસ્ટોને આવો કોઈ કૅચ નહીં આપવાની આ એક ઉજળી તક જરૂર છે.

જુલાઈ ૨૭, ૨૦૧૯

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑગસ્ટ 2019; પૃ. 01-02

Loading

નાગરિક સન્માનનો અને આદર-પ્રેમ-કૃતજ્ઞતાનો ઉત્સવ

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|29 July 2019

પ્રકાશોત્સવ (1) :

આદરણીય – પ્રિય વ્યક્તિનું સન્માન કરવું એ ભારે જવાબદારીનું કામ છે. કેમ કે, વ્યક્તિનું સન્માન થાય તેના કરતાં પણ, પહેલી શરત એ છે કે સન્માન કરવા જતાં જાણેઅજાણે ક્યાંક અવમાન ન થઈ જાય. તેમાં પણ માનધન કે સન્માનનિધિ અર્પણ કરવાની વાત આવે ત્યારે જોખમ ઓર વધી જાય છે.

સૌજન્ય : તુષારભાઈ તપોધન

પરંતુ વીસમી જુલાઈએ પ્રકાશભાઈના સન્માન સમારંભ નિમિત્તે તેમનું સન્માન જ થયું, તેમની ગરીમાને ઝાંખપ તો ઠીક, ઘસરકો પણ લગાડે તેવું કશું ન બન્યું, આખા ઉપક્રમ સાથે સન્માનનિધિ સ્વરૂપે રૂપિયાપૈસા સંકળાયેલા હોવા છતાં, પ્રકાશોત્સવ પ્રકાશભાઈના જીવન-કાર્યને તેમની ઉપસ્થિતિમાં ઉમળકાથી ઉજવવાનો જ ઉત્સવ બની રહ્યો.

***

'સાર્થક સંવાદ શ્રેણી' અંતર્ગત પ્રકાશભાઈ સાથેના સવાલજવાબની પુસ્તિકાનું કામ ઘણા સમયથી ચાલતું હતું. જુલાઇમાં પ્રકાશભાઈનાં પુત્રી ઋતા શાહ આઠ-દસ દિવસ માટે ભારત આવવાનાં હતાં. એ જાણ્યું, એટલે નક્કી થયું કે તે અહીં હોય ત્યારે પુસ્તક પ્રગટ કરી દેવું. એ માટે પૂરતો સમય પણ હતો.

ઘણા વખતથી પ્રકાશભાઈની મોક કોર્ટ યોજવાની વાત મારા મનમાં હતી. ૨૦૦૮માં મારી મોક કોર્ટને અનેક પ્રિયજનો – ગુરુજનોએ મારા માટેનું આજીવન સંભારણું બનાવી દીધી. ત્યારથી એ સ્વરૂપ વિશે – તેમાં રહેલી મઝા વિશે મને ખ્યાલ આવ્યો હતો. પરંતુ મોક કોર્ટમાં જેની પર કેસ ચાલે, તે વ્યક્તિ જાતને જરા હળવાશથી લઈ શકે એવી હોવી જોઈએ. ઉપરાંત મજબૂત પ્રકારની સેન્સ ઓફ હ્યુમર પણ જરૂરી. એ બંને લક્ષણ ન હોય તો મોક કોર્ટ રમૂજી – તોફાનીને બદલે હાસ્યાસ્પદ કે બીજા કોઈ પણ ચાલુ અભિવાદન કાર્યક્રમ જેવી ઔપચારિક બની રહે. પ્રકાશભાઈમાં આવું નહીં થાય તેની પૂરી ખાતરી હતી. બલકે, મને લાગતું હતું કે પ્રકાશભાઈ મોક કોર્ટ માટેના સૌથી લાયક 'ઉમેદવાર' હતા. વખાણનાં ગાડાંને બદલે તોફાની આરોપબાજીથી રાજીપો અનુભવવા જેટલી આંતરિક સ્વસ્થતા અને રમૂજવૃત્તિ પ્રકાશભાઈ ધરાવે છે

પુસ્તકનું નક્કી થયું એટલે મોક કોર્ટનો વિચાર તાજો કર્યો. સાર્થક પ્રકાશનના સંચાલનના આધારસ્તંભ સમા સાથીદાર કાર્તિકભાઈને વાત કરી. સામાન્ય રીતે સાર્થક પ્રકાશન નિમિત્તે સમારંભો ન કરવા એવું નક્કી કર્યું છે. કારણ કે તેમાં મઝા તો આવે, પણ ખર્ચ ઘણો થાય છે અને સાર્થક પ્રકાશન પાસે એવા વધારાના કે 'ઉપરના' રૂપિયા નથી હોતા. પરંતુ પ્રકાશભાઈની મોક-કોર્ટની વાત જુદી હતી. એ માટે અમે નક્કી કર્યું કે આમથી-તેમથી સહકાર મેળવીને પણ આ કાર્યક્રમ કરવો. પ્રકાશભાઈનાં દીકરીના રોકાણ પ્રમાણે કાર્યક્રમની તારીખ નક્કી કરીઃ ૨૦ જુલાઈ ૨૦૧૯. શનિવાર.

મોક કોર્ટના તોફાન અંગે પ્રકાશભાઈની ઉત્સાહભરી સંમતિ મેળવ્યા પછી સૌથી પહેલો સંપર્ક ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક અનામિકભાઈ શાહનો કર્યો. પ્રકાશભાઈ પ્રત્યે ભરપૂર આદર અને લાગણી ધરાવતા અનામિકભાઈએ ધારાધોરણ પ્રમાણે આપી શકાય એટલું કન્સેશન અને કેટલીક અંગત મદદ કરી. એવી રીતે વિદ્યાપીઠનો હીરક મહોત્સવ સભાખંડ બુક કરાવ્યો. ત્યાં સુધી, એટલે કે જૂનના પહેલા અઠવાડિયા સુધી, ફક્ત મોક કોર્ટ અને પુસ્તક પ્રકાશનનો જ ખ્યાલ હતો. કાર્યક્રમ પાંચ વાગ્યે શરૂ થાય, સાત વાગ્યે પૂરો થાય ને સૌ પોતપોતાના ઘરભેગા.

પરંતુ હોલ નક્કી થઈ ગયા પછી મનમાં આવતા અનેક વિચારોની જેમ વિચાર આવ્યોઃ આટલું કરીએ જ છીએ, તો પ્રકાશભાઈનું સન્માનનિધિ અર્પણ ન કરવો જોઈએ? બીજા સન્માન ઉપરાંત એ નક્કર સન્માન બની રહે.

આ પહેલાં સન્માનનિધિ એકત્ર કરવાના કોઈ પ્રસંગનો જરાસરખો પણ અનુભવ ન હતો. એટલે થોડું વિચારીને એ વિચાર અવ્યવહારુ ગણીને મનોમન ફાઇલ કરી દીધો. બીજા દિવસે કાર્તિકભાઈ સાથેની વાતચીતમાં સહજ તેનો ઉલ્લેખ કર્યો, ત્યારે તેમણે કહ્યું કે આ તો કરવું જ જોઈએ.

આરોપી, લેખક અને છબિકાર : પ્રકાશભાઈ ન. શાહ, ઉર્વીશ કોઠારી, અશ્વિનકુમાર વિદ્યાપીઠ પરિસરમાં 

અગાઉ બીજા કેટલાક વડીલ મિત્રોએ પ્રકાશભાઈનું આ રીતે સન્માન કરવાનું વિચાર્યું હતું. વાત થોડી આગળ પણ વધી હતી. પરંતુ છેવટના અંજામ સુધી પહોંચી શકી નહીં. એ વખતે છેલ્લા તબક્કામાં એક વાર મારી હાજરીમાં પણ વાત થઈ હતી. ત્યારે રૂપિયા કયા નામે એકત્ર કરવા અને તેનો ટેક્સ સહિત બીજી કેવી – કેટલી ટેકનિકલ બાબતોની ગુંચ આવી શકે, તેની ઘણી ચર્ચા થઈ હતી. છેવટે કશો સંતોષકારક નીવેડો ન આવતાં એ વાત વિખેરાઈ ગઈ. આ વખતે કાર્તિકભાઈએ કહ્યું કે રૂપિયા સાર્થક પ્રકાશનના નામે લઈશું. એની ચિંતા ન કરો.

મને તેમાં સૈદ્ધાંતિક રીતે કશો વાંધો લાગતો ન હતો. પણ મજબૂત સેકન્ડ ઓપિનિયન માટે કાર્તિકભાઈને ત્યાંથી જ મેં ચંદુભાઈ મહેરિયાને ફોન કર્યો. તે પરમ મિત્ર. સાચા મિત્ર. આવી બાબતમાં તેમના અભિપ્રાય જરા ય શેહશરમ વગરના હોય. કરવા જેવું લાગે તો જ એ હા પાડે. ને આ બાબતમાં તે લીલી ઝંડી આપે તો બીજાના સંભવિત વાંધાની કે કથિત સિદ્ધાંતપિંજણોની હું કશી દરકાર ન કરું.

ચંદુભાઈએ તત્કાળ હા પાડી અને કહ્યું કે આ કરવું જોઈએ. ત્યારથી ‘પ્રકાશોત્સવ’માં એક નવું પરિમાણ ઉમેરાયુંઃ સન્માનનિધિ.

***

રૂપિયાપૈસાની વાત આવી, એટલે અમે સાવધ થઈ ગયા. કેટલીક સ્પષ્ટતાઓ જરૂરી બની. તે પછીથી અમે લેખિતમાં પણ કરી. સૌથી પહેલી સ્પષ્ટતા સાર્થક પ્રકાશનની ભૂમિકા અંગેની. પુસ્તક પ્રકાશન અને મોક કોર્ટ સાર્થક પ્રકાશનના કાર્યક્રમ હતા, જ્યારે સન્માનનિધિમાં સાર્થકે ફક્ત હિસાબકિતાબની જવાબદારી સંભાળવાની હતી. (એ 'ફક્ત'માં સમાય એટલું ન હતું, એ તો પછીથી કાર્તિકભાઈને ધંધે લાગેલા જોયા ત્યારે વધારે ખ્યાલ આવ્યો) આર્થિક અજ્ઞાનવશ મેં કાર્તિકભાઈને એવો સવાલ પણ પૂછ્યો હતો કે 'જે રૂપિયા સાર્થકના ખાતામાં જમા થાય, તેનું વ્યાજ આવે તેનું શું? આપણે એ ન લઈ શકીએ.’

ત્યારે કાર્તિકભાઈએ હસતાં હસતાં સમજાવ્યું કે 'રૂપિયા સાર્થકના ચાલુ ખાતામાં (કરન્ટ અકાઉન્ટમાં) જમા થશે. તેમાં વ્યાજ ન મળે.’ પણ એ તબક્કે બધી સ્પષ્ટતા જરૂરી હતી. સાર્થક પ્રકાશન આખા ઉપક્રમમાં કશી ખટપટ કે કર્તાભાવ વિના હિસાબ રાખે ને છેવટે પ્રકાશભાઈને તથા સૌ કોઈને હિસાબ આપી દે, એટલે તેનું કામ પૂરું. સન્માનનિધિના મામલે સાર્થકને પારદર્શક – કાર્યક્ષમ વહીવટ સિવાય બીજો કોઈ જશ ન ખપે. નિધિનો ચેક અર્પણ થાય ત્યારે નાગરિક સમાજના સભ્યો પ્રકાશભાઈ સાથે મંચ પર હોય. તેમાં પણ સાર્થક પ્રકાશનના સાથીદારો ન હોય. આટલી સ્પષ્ટતા મનમાં પાકી હતી.

***

સન્માનનિધિ એકત્ર કરવાનો થાય ત્યારે સામાન્ય રિવાજ એવો છે કે સમિતિ બને, તેની મિટિંગો થાય, વધુ મિટિંગો થાય, તેમાં વાંધા પણ પડે, વાતો આડીઅવળી ફંટાય, લોકોના અહમ્ સાચવવા પડે, કાર્યક્ષમતાને બદલે સિનિયોરિટીના ખ્યાલ કરવા પડે … અને એ પછી પણ સંઘ કાશીએ પહોંચે ત્યારે ખરો.

અમારી રાબેતા મુજબની પદ્ધતિ પ્રમાણે, આખા આયોજનમાં શું ન કરવું એ નક્કી હતું. એટલે ધીમે ધીમે ચંદુભાઈના બરાબર મદદ – માર્ગદર્શન – સાથ અને ભરપૂર સક્રિયતાથી એક પછી એક પગલાં શરૂ કર્યાં. સૌથી પહેલાં સન્માનનિધિ માટેની અપીલ તૈયાર કરી. તેમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું હતું કે વ્યાપક નાગરિકસમાજ દ્વારા ઋણઅદાયગીના નાનકડા પ્રયાસ તરીકે સન્માન નિધિ અર્પણ થવાનો હતો અને સન્માન નિધિ તરીકે કોઈ ચોક્કસ રકમનું લક્ષ્ય નથી. મહત્તમ રકમ એકઠી થાય તેવો આપણો પ્રયાસ રહેશે.

અપીલની નીચે જૂનાં અને જાણીતાં નામ મૂકવાનું ટાળ્યું. એ બધાં આદરણીય વ્યક્તિત્વો છે. તેમનો સહકાર મળશે એવી ખાતરી જ હોય. પરંતુ અમુક ઉંમર પછી એનાં એ જ વૃક્ષોનો કોઠે પડી ગયેલો છાંયડો છોડીને નવી વાવણી કરવાનું જરૂરી હોય છે — વ્યક્તિગત રીતે તેમ જ જાહેર જીવન માટે પણ. બીજી સ્પષ્ટતા એ વાતની પણ હતી કે લોકો સન્માનરાશિ પ્રકાશભાઈ માટેના ભાવથી આપવાના છે. ત્રીજી સ્પષ્ટતા એ કે પ્રકાશભાઈના ખરા પ્રેમીઓ આ કામમાં મદદરૂપ થવા માટે અપીલમાં નીચે પોતાનું નામ નહીં શોધે. કારણ કે એ કંઈ મંત્રીમંડળની યાદી નથી. એ તો પોતાના ભાવથી જ સક્રિય થશે, પોતપોતાના વર્તુળમાં વાત મૂકશે અને તે વાત વધુ લોકો સુધી પહોંચાડશે. અપીલમાં પણ અમે સ્પષ્ટ કર્યું હતું કે અહીં જે થોડાં નામો છે તે આપણાં વ્યાપક નાગરિક સમાજ અને ચાહકોના પ્રતિનિધિત્વનો નાનકડો હિસ્સો છે.

વિવિધ પ્રતિનિધિત્વને ધ્યાનમાં રાખીને મુકાયેલાં નામ હતાંઃ હસમુખ પટેલ, વિરમપુર; મંદા પટેલ, અમદાવાદ; ચંદુ મહેરિયા, ગાંધીનગર; ઉત્તમ પરમાર, કીમ; વિપુલ કલ્યાણી, બ્રિટન; એ.ટી. સિંધી, પાલનપુર; રમેશ ઓઝા, મુંબઈ; દ્વારકાનાથ રથ, અમદાવાદ; રજની દવે, અમદાવાદ; બિપિન શ્રોફ, મહેમદાવાદ; સંજય શ્રીપાદ ભાવે, અમદાવાદ; સારાબહેન બાલદીવાલા, અમદાવાદ; દીપક સોલિયા, મુંબઈ; મહેન્દ્રસિંહ પરમાર, ભાવનગર; ભરત મહેતા, વડોદરા; ઉર્વીશ કોઠારી, મહેમદાવાદ.

અમારી ભૂમિકા આટલી જ હતીઃ પ્રકાશભાઈથી પરિચિત લોકો સુધી સન્માનનિધિ વિશેની વાત પહોંચાડવી. 'નિરીક્ષક' ઉપરાંત ઇન્દુકુમાર જાનીએ 'નયા માર્ગ'માં અને રજનીભાઈ દવેએ 'ભૂમિપુત્ર'માં પહેલાં અપીલ અને પછીના અંકમાં જાહેર નિમંત્રણ છાપ્યાં. પરંતુ સન્માનનિધિનો મામલો કેવળ જાહેર અપીલથી શક્ય ન બને. એટલે ચંદુભાઈએ, હસમુખભાઈ પટેલે, ઉત્તમભાઈ પરમારે, લંડન બેઠેલા વિપુલભાઈ કલ્યાણીએ, (અપીલની નીચે જેમનું નામ ન હતું એ) હસિત મહેતાએ અને મેં વ્યક્તિગત સંબોધન સાથે વ્યક્તિગત પત્રો, મેઇલ ને ફેસબુક મેસેજથી લોકોને જાણ કરી. અપીલ સાથે હું ફક્ત એટલું જ લખતો હતોઃ 'વાંચીને યથાયોગ્ય કરવા માટે …’ આવો મેસેજ કર્યા પછી કોઈને ફરી યાદ ન કરાવવું એ નક્કી હતું. કેમ કે, આ તો કૃતજ્ઞતા કે આદર કે પ્રેમ વ્યક્ત કરવાની વાત હતી. તેમાં આગ્રહ કે ઉઘરાણી ન હોય.

***

સન્માનનિધિનું નક્કી થયા પછી નક્કી થયેલી અને છેવટ સુધી પાળવામાં આવેલી કેટલીક બાબતોઃ

જેમને અપીલ મોકલતાં ખચકાટ થાય, પ્રકાશભાઈ પ્રત્યે તેમને ભાવ હશે કે નહીં એવી અવઢવ થાય, તેમને અપીલ ન જ મોકલવી.

પહેલા ક્રમે પ્રકાશભાઈના સ્વમાનનો – ગરિમાનો- ગૌરવનો અને પછીના ક્રમે આપણા સ્વમાનનો પૂરેપૂરો ખ્યાલ કરવો. માથું કે હાથ નીચાં થાય એવી રીતે કશું જ માગવું નહીં કે લેવું પણ નહીં. કેમ કે, આ નિધિ પ્રકાશભાઈને મદદ કરવાના આશયથી નહીં, જાહેર જીવનમાં તેમના પ્રદાનની કદરના આશયથી છે.

પ્રકાશભાઈનું નામ પણ ન સાંભળ્યું હોય એવા, 'દાતાઓ'ને મળવું જ નહીં. તેમની પાસેથી રકમ મેળવવાનો તો સવાલ જ નહીં.

વ્યક્તિગત પત્ર કે મેઇલ મોકલ્યા હોય તેમને પણ ફરી યાદ કરાવીને શરમમાં નાખવાં નહીં.

આ રીતે જે રકમ એકઠી થાય, તે ખરી. રકમથી આપણે કશું સિદ્ધ કરવાનું નથી. રકમ સન્માનજનક થાય તો બહુ જ ગમે અને એ માટે પૂરા પ્રયત્નો કરવા, પણ ઉપરની શરતોમાં બાંધછોડ કર્યા વિના.

આ કવાયત શરૂ કરી, ત્યારે એક-બે નજીકના મિત્રોએ પૂછ્યું, 'કેટલું ટાર્ગેટ છે?’ ત્યારે મારો જવાબ હતો, ‘એવું કશું વિચાર્યું નથી ને મનમાં એવો કોઈ આંકડો કે લક્ષ્યાંક પણ નથી. પણ ગૌરવભેર થાય એટલો મહત્તમ પ્રયાસ કરવાનો છે.’ શરૂઆતથી જ કાર્તિકભાઈ સાથે એવી સમજૂતી કરી કે 'છેવટ સુધી હું તમને આંકડો નહીં પૂછું.’ તેમણે કહ્યું, 'તમે પૂછશો તો પણ હું નહીં કહું.’  આ શરત પણ અમે પાળી. જે શનિવારે કાર્યક્રમ હતો તેના ચાર દિવસ પહેલાં, મંગળવારે સવારે કાર્તિકભાઈનો ફોન આવ્યો. તેમણે ફક્ત એટલું જ કહ્યુંઃ સેવન ડિજિટ. (સાત આંકડા)

***

આવો કોઈ પણ ઉપક્રમ હોય, તેમાં અવનવા અનુભવો તો થાય ને થયા પણ ખરા. પરંતુ ચંદુભાઈ સાથે લગભગ રોજ સાંજે – રાત્રે થતી વાતમાં આદાનપ્રદાન થાય, ઘણી ગમ્મત કરીએ, ક્યારેક ખીજ પણ ચડે, લોકોની અવનવી વર્તણૂંકોથી રમૂજ થાય ને નવાઈ પણ લાગે. થોડા સમય પછી કોઈ વળી પૂછે કે 'રકમ થઈ ગઈ? ન થઈ હોય તો અમે આપીએ.’ તેમને અમે પોતપોતાની રીતે કહેતા કે આમાં 'રકમ' ને 'થઈ ગઈ' જેવું કશું નથી. તમને ભાવ હોય તો તમને જે ઠીક લાગે તે રકમ આપવાની છે. અપીલમાં અમે સૂચવેલું કે આર્થિક રીતે સ્થિર હોય એવા ઘણા મિત્રો રૂ. પાંચ હજાર આપે છે. એ ઇશારો એવા લોકો માટે હતો, જેમને આર્થિક પ્રશ્ન ન હોય, પણ આંકડો સૂઝતો ન હોય. બાકી, સન્માનનિધિમાં સો રૂપિયા પણ આવ્યા ને અમે બહુ ભાવથી અને આદરથી સ્વીકાર્યા.

થોડા મિત્રો એવા પણ હોય, જેમને અવઢવ હોય કે 'પ્રકાશભાઈને વળી રૂપિયાની શી જરૂર? તેમનો તો નવરંગપુરામાં કરોડોનો બંગલો છે ને લાખોની મિલકત હશે.’ આવું કોઈ પ્રત્યક્ષ પૂછે તો અમે કહેતા હતા કે આ રકમ પ્રકાશભાઈને આર્થિક સહાયનો કાર્યક્રમ નથી. તમને તેમના પ્રત્યે ભાવ હોય, આર્થિક સુવિધા હોય તો તમારો ભાવ નક્કર રકમ આપીને વ્યક્ત કરી શકો છો. તેમાં પ્રકાશભાઈની આર્થિક સ્થિતિ એ કોઈ મુદ્દો જ નથી.

અને ફોર ધ રેકોર્ડ, બંગલો પ્રકાશભાઈના સમૃદ્ધ પિતાએ દાયકાઓ પહેલાં બનાવેલો. પ્રકાશભાઈ સંપત્તિના સર્જનમાં કે વૈભવી જીવનમાં તો ઠીક, આર્થિક સ્થિરતાના ફરજ લાગે એવા મોહથી પણ તે દૂર રહ્યા છે.

છતાં એકંદર પ્રતિભાવ બહુ સારો હતો, એવું પત્રો-મેઇલના પ્રતિભાવ પરથી અને કાર્તિકભાઈની વાત પરથી લાગતું હતું. કેટલા બધા લોકોએ ઉપરથી અમારો આભાર માન્યો કે તમે પ્રકાશભાઈ પ્રત્યે ભાવ વ્યક્ત કરવાની તક આપી. આખા આયોજનની એ મોટી ઉપલબ્ધિ હતી. પ્રકાશભાઈ પ્રત્યે ભાવ ધરાવતા-તેમની કદર જાણનારા લોકો કેટલી મોટી સંખ્યામાં છે એનો અહેસાસ બહુ આનંદ આપનારો હતો — અત્યારે તો વિશેષ.

http://urvishkothari-gujarati.blogspot.com/2019/07/blog-post_25.html AKU

••••••••

પ્રકાશોત્સવ (2) :

પ્રકાશભાઈના પુસ્તક પ્રકાશન અને મોક કોર્ટની સાથે સન્માનનિધિ એકત્ર કરવાનું નક્કી કર્યું, ત્યારે સમારંભની આડે માંડ સવા મહિનો બાકી હતો. આવાં કામ ત્રણ-ચાર મહિના પહેલાં તો શરૂ થવાં જોઈએ, એવી પરંપરાગત માન્યતા હતી. આવા કામ માટે નામી હસ્તીઓની સમિતિ બનાવવી જોઈએ, મિટિંગો કરવી જોઈએ અને પછી જ આગળ વધવું જોઈએ, એવી પણ પરંપરાગત માન્યતા હતી. પણ અમે નક્કી કર્યું હતું કે આપણે પરંપરાગત માન્યતાઓને વિરામ આપવો અને આપણી—એટલે ‘સાર્થક’ની – ચંદુભાઈ, હસિત મહેતા જેવી અમારી મિત્રમંડળીના આયોજનની ઢબથી, નો નોનસેન્સ પદ્ધતિએ, આખું આયોજન કરવું. તેના માટે અમારી દૃષ્ટિએ પૂરતો સમય હતો અને શું ન કરવું તેની સ્પષ્ટ સમજણ.

એક તરફ સન્માનનિધિની રકમ માટે પ્રકાશભાઈના શક્ય હોય એટલા પરિચિતોને એક વાર જાણ કરવાનું કામ ચાલ્યું. તેમાં અપેક્ષા કરતાં ઓછા મિત્રો સંકળાયા. છતાં, આખા કામમાં કોઈને કશી ફરજ પાડવી નહીં, એવી સમજ પ્રમાણે સૌને મોકળાશ હતી. બીજી તરફ મોક કોર્ટની સ્ક્રીપ્ટ લખવાનું કામ હતું, જે સૌથી છેલ્લે રાખ્યું હતું. કારણ કે એ બાબતે હું સંપૂર્ણ નિરાંતમાં હતો. મારા મનમાં સ્પષ્ટ હતું કે આપણે કોઈ પાસેથી વ્યાવસાયિક અભિનય કરાવવાનો નથી કે સંવાદ ગોખાવવાના નથી. લખેલી સ્ક્રીપ્ટ આપીશું. તે સાથે જ રાખવાની. તેમાંથી અને તેની આસપાસ બોલવાનું, એટલે પંચલાઇનો જળવાઈ રહે અને સમયની પાબંદી રહે. લોકોને મઝા આવે – કંટાળો ન આવે એટલી પંચલાઇનો હતી અને પ્રત્યેક સાક્ષી માટે મર્યાદિત સમય.

એવું જ કામ કોર્ટ માટે સ્ટેજ તૈયાર કરવાનું હતું. એ જવાબદારી પહેલેથી પરમ મિત્ર, વિખ્યાત ફિલ્મ નિર્દેશક, અભિનેતા અને વોઇસ આર્ટિસ્ટ આશિષ કક્કડ અને જાણીતા નાટ્યકાર – ‘સ્ક્રેપયાર્ડ’ ખ્યાત કબીરભાઈ ઠાકોરે આનંદપૂર્વક ઉપાડી લીધી હતી. એટલે તેની શી ચિંતા? વચ્ચે માંડ એકાદબે વાર ફોન પર વાત થઈ હશે. પંદરેક દિવસ પહેલાં વિદ્યાપીઠ હોલમાં જઈને બંને જણે રૂબરૂ સ્ટેજ જોઈ લીધું.

કાર્યક્રમના દિવસે અમે સવારે સાડા અગિયારે પહોંચી ગયા. કબીરભાઈ અને તેમનો સાથી સાવન આવી ગયા. આશિષ કક્કડ આવ્યા. વિદ્યાપીઠના સ્થાનિક હોવાને કારણે નાનીમોટી બાબતમાં સતત સાથે રહેતા અધ્યાપક મિત્ર અશ્વિન ચૌહાણ અને ફોટોગ્રાફી- વીડિયોગ્રાફીની વ્યવસ્થા સંભાળનારા આલાપ બ્રહ્મભટ્ટ તો હતા જ. થોડી વારમાં તો કબીરભાઈએ તૈયાર કરાવેલી પ્રોપર્ટી, આરોપીના પાંજરાનાં સ્પેરપાર્ટ, તેમની નીચે ગોઠવવાનાં પાટિયાં … બધું આવવા માંડ્યું. બપોરે જ હોલમાં રહેલા ફિક્સ સ્ક્રીન પર કમ્પ્યુટર પ્રોજેક્શનનું એડજસ્ટમેન્ટ કરી દીધું. સ્ક્રીન પર કેટલીક તસવીરો આરોપોના પુરાવા તરીકે રજૂ થવાની હતી અને એક સરપ્રાઇઝ પેકેજ તરીકે, પ્રકાશભાઈનો અભિનય ધરાવતી એક શોર્ટ ફિલ્મના કેટલાક સ્ટીલ અને એક દૃશ્ય બતાવવાનાં હતાં. કાર્યક્રમની બપોરે દોઢ વાગ્યે અમે હોલ પરથી નીકળ્યા ત્યારે મોક કોર્ટનો આખો તખ્તો તૈયાર હતો.

***

કાર્યક્રમ પછી પ્રકાશભાઈ તરફથી ભોજનની વ્યવસ્થા હતી. આમ તો એ ફક્ત વિદ્યાપીઠ કેન્ટિનમાં કહી દેવાનો મામલો હોય. પણ વરસાદના દિવસો. આમંત્રિતોની સંખ્યા નક્કી નહીં. જમવાનું પહેલેથી જાહેર કર્યું ન હતું. સ્થળ તરીકે વિદ્યાપીઠની કેન્ટિન અને તેની બાજુમાં આવેલી લોન (મયૂર ઉદ્યાન) જ પહેલી પસંદગી હોય. પણ વરસાદ પડે તો શું? એ માટે એસ્ટેટ વિભાગના અભુભાઈને કહીને એક હોલની સ્પેર તૈયારી રાખી હતી. વિદ્યાપીઠના કુલનાયક અનામિકભાઈ કાર્યક્રમની સાંજે અન્ય રોકાણને લીધે હાજર રહેવાના ન હતા. પણ જતાં પહેલાં તે બધી પૂછપરછ કરીને, તેમના તરફથી બધી મદદની ખાતરી અને વ્યવસ્થા કરતા ગયા હતા.

પ્રકાશક તરીકે જેમ અમે પહેલાં વાચક-લેખક હોવાને કારણે એ દૃષ્ટિકોણથી વિચારીએ, તેમ આયોજક તરીકે અમે પહેલાં ઓડિયન્સ હોવાને કારણે, એ દૃષ્ટિકોણથી વિચારીએ.

જેમ કે, ભોજન માટે વિચાર્યું હતું કે મોટી જગ્યા અને ત્રણ કાઉન્ટર રાખવાં, જેથી અકળાવનારી ભીડ ન થાય. મેનુમાં વાનગીઓ પણ એવી હોવી જોઈએ કે પચાસ-પંચોતેર માણસો વધી જાય તો છેલ્લી ઘડીએ સહેલાઈથી વાનગી તૈયાર કરી શકાય અને બને ત્યાં સુધી કોઈને કોઈ વાનગી વિના ચલાવવું ન પડે. હોલમાં એ.સી. ન હતું, પણ હોલ બુક કરાવ્યો ત્યારે એવી આશા હતી કે વચ્ચેના એકાદ મહિનામાં ચોમાસું બેસી ગયું હશે ને ઠંડક થઈ હશે. એ એક ગણતરી ખોટી પડી ને તેના કારણે સૌ ઘણા હેરાન થયા. પણ હોલમાં છેલ્લી ઘડીએ એસી મુકાવવાનું અમારા માટે શક્ય ન હતું. હવે વિદ્યાપીઠના સંચાલકોને વિનંતી કે બીજી છેલ્લી ઘડી આવે તે પહેલાં હોલમાં વૈભવ માટે નહીં, આવશ્યકતા તરીકે અને જાહેર હિતમાં – શ્રોતાઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને વહેલી તકે એ.સી.ની સુવિધા ઊભી કરે.

કાર્યક્રમના થોડા દિવસ પહેલાં ‘આર્ટ મણિ’વાળા મિત્ર મણિલાલ રાજપૂત અને તેમના સાથીદાર રણજિતની મદદથી પુસ્તક તૈયાર થઈ ગયું હતું અને એકાદ અઠવાડિયા પહેલાં છપાઈને પણ આવી ગયું હતું. ત્યાં જ કાર્યક્રમના બેનર અને અમદાવાદમાં કેટલાક ઠેકાણે લગાડવાનાં પોસ્ટરની ડીઝાઇન પણ તૈયાર કરી લીધી. બિનીત મોદીએ ઠેકઠેકાણે ફરીને લાયબ્રેરી જેવાં જાહેર સ્થળોએ એ-3 સાઇઝનાં પોસ્ટર લગાડ્યાં. ઉપરાંત અપીલ મોકલવામાં પણ મદદ કરી.

પહેલા તબક્કામાં સન્માનનિધિ માટેની અપીલ મોકલવાનું કામ ચાલ્યું, તો છેલ્લા એકાદ અઠવાડિયામાં સોશ્યલ મીડિયા પર અને પોસ્ટથી પ્રિન્ટ આઉટ સ્વરૂપે આમંત્રણો મોકલવાનું કામ ચાલ્યું. રાબેતા મુજબ ચંદુભાઈએ નાદુરસ્ત તબિયતે પણ પ્રેમ અને ઊલટથી ઘણો શ્રમ લીધો. બીજા મિત્રોએ પણ યથા અનુકૂળતા આમંત્રણો આગળ ધપાવ્યાં. તેના પ્રતિભાવ પરથી જણાતું હતું કે અમદાવાદમાં એ જ દિવસે, એ જ સમયે બીજા બે કાર્યક્રમ હોવા છતાં, પ્રકાશોત્સવમાં સંખ્યાનો વાંધો નહીં આવે.

***

કાર્યક્રમ પહેલાં સાંજે ચાર વાગ્યે પ્રકાશભાઈના ઘરે પહોંચ્યો, ત્યારે તે તેમની કાયમી નિરાંતમાં હતા. ‘કેટલા વાગ્યે હોલ પર પહોંચશો?’ના જવાબમાં કહે, ‘સાડા પાંચનો કાર્યક્રમ છે. પાંચ ને વીસ સુધીમાં પહોંચી જઈશ.’

‘આજે બધા તમને મળવા ઇચ્છશે. એટલે વહેલા આવી શકાય તો સારું.’ એવું સૂચવ્યા પછી તે પાંચેક વાગ્યે આવી ગયા. તેમની સાથે નયનાબહેન ઉપરાંત અમેરિકાથી આવેલાં તેમનાં પુત્રી ઋતા શાહ અને બીજાં પરિવારજનો પણ હતાં. તેમનાં દિલ્હીસ્થિત દીકરી રીતિ આવી શક્યાં ન હતાં. તેમના પતિ અને અંગ્રેજી પત્રકાર તરીકેની સ્વતંત્ર ઓળખ ધરાવતા આશિષ મહેતા આવી ગયા હતા. તે પણ અદાલતમાં સાક્ષી તરીકે ઉપસ્થિત થવાના હતા.

પ્રકાશભાઈના ઘરેથી કાર્યક્રમના એક કલાક પહેલાં હોલ પર પહોચ્યો, ત્યારે પાંચ-સાત મહેમાનો આવી ચૂક્યા હતા. એ જોઈને જ મને થયું કે હોલ ચિક્કાર થઈ જશે અને માણસો વધી પડશે. એ ધારણા સાચી જ પડી. લગભગ પોણા છએ કાર્યક્રમ શરૂ થયો ત્યારે લગભગ 350 બેઠકો ધરાવતો હોલ ભરચક થઈ ગયો હતો. કાર્યક્રમમાં સૌથી પહેલી વિનંતી એ કરવી પડી કે ખુરશી પર બેઠેલા યુવાન મિત્રો વડીલો માટે જગ્યા કરી આપે.

હૈયું જ નહીં, હૉલ પણ છલકાવી દેતો પ્રેમાદાર (છબિ સૌજન્ય : અશ્વિનકુમાર)

સૌથી પહેલાં કાર્યક્રમમાં શું થશે અને શું નહીં થાય તેની થોડી વાત મેં કરીઃ પહેલાં મોક કોર્ટ, પછી પુસ્તક વિમોચન, પછી સન્માનનિધિ અર્પણ, છેલ્લે પ્રકાશભાઈનો પ્રતિભાવ અને ભોજન. શરૂઆતનો સવા-દોઢ કલાક તોફાની હતો. ન્યાયાધીશ તરીકે પ્રકાશભાઈના જૂના સાથીદાર -કટોકટીના જેલસાથીદાર અને ‘સાર્થક જલસો’માં કેટલાક યાદગાર લેખ લખનારા હસમુખભાઈ પટેલ હતા. પ્રકાશભાઈના વકીલ તરીકે કેતન રૂપેરા, અદાલતના માણસ તરીકે આશિષ કક્કડ, આરોપી પ્રકાશભાઈ અને ફરિયાદી વકીલ તરીકે હું.

ઠાવકા તોફાની ‘ન્યાયાધીશ’ હસમુખભાઈ પટેલ (છબિ સૌજન્ય : આલાપ બ્રહ્મભટ્ટ)

બધાના હાથમાં સ્ક્રીપ્ટનાં કાગળ હતાં. પ્રકાશભાઈ કાગળ ભૂલી ગયા હતા. એટલે તેમણે શરૂઆતનો ભાગ એમ જ ગબડાવ્યો. ત્યાર પછી આશિષ કક્કડે પ્રકાશભાઈ સામેનું આરોપનામું વાંચ્યુઃ

આરોપનામું 

° આરોપી પ્રકાશ નવીનચંદ્ર શાહ, ઉંમર વર્ષ ૮૦, રહેવાસી અમદાવાદ સામે આરોપ છે કે

° તે વડાપ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે અને એ માટેનાં કાવતરાં પણ કરે છે.  વડાપ્રધાનની સતત ટીકાનું મૂળ કારણ આ છે. 

° ખતરનાક માણસો તરીકે ભૂતકાળની સરકારોના ચોપડે ચડી ચૂકેલા કેટલાક ઇસમો સાથે તે નિકટના સંબંધો ધરાવતા હતા. એ સંસ્કાર રાતોરાત જતા રહ્યા હોય એવું માનવાનું કોઈ કારણ નથી. 

° તે ડાબેરી છે. રશિયા-ચીન સાથે જીવંત સંપર્કો ધરાવે છે અને રશિયા ગયેલા પણ છે — તે કંઈ વોડકા પીવા તો નહીં જ ગયા હોય. 

° એક સમયે તે શાખામાં જતા હતા, પણ પછી ત્યાં જવાનું બંધ કરી દીધું. એટલે તેમની રાષ્ટ્રભક્તિ સંદેહાસ્પદ છે. તેમના વિચારોનું કશું ઠેકાણું નથી. માર્ક્સની વાત કરે ત્યારે માર્ક્સવાદી લાગે, ગાંધીની વાત કરે ત્યારે ગાંધીવાદી, આંબેડકરની વાત કરે ત્યારે આંબેડકરવાદી ને દેરાણીજેઠાણીના આઇસક્રીમની વાત કરે ત્યારે સ્વાદવાદી લાગે … આવા માણસને જાહેરમાં છૂટો રાખવાનું સરકાર અને સમાજ માટે જોખમી છે.

° તે ઉત્તમ અભિનેતા છે. આમ તો અભિનેતા હોવું એ ગુનો નથી, પણ આરોપીએ તેની આ શક્તિ જે રીતે ગુપ્ત રાખી છે, તે વધુ ગંભીર કાવતરાની શંકા ઉપજાવે છે. 

° આરોપી આંતરરાષ્ટ્રીય અપરાધી છે. તેની પર લંડનની કોર્ટમાં પણ કેસ ચાલી ચૂક્યો છે. વિદેશી કારોબાર પતાવવા માટે ઘણી વાર આરોપી ગેટવે ઓફ ઇન્ડિયાથી મધદરિયે જાય છે અને કામ પૂરું કરીને પાછા આવી જાય છે. 

° આરોપી નિર્મલબાબાની જેમ દરબાર ભરે છે અને લોકોને આડા રસ્તે દોરે છે.

° આરોપી હિંસક વૃત્તિપ્રવૃત્તિ ધરાવે છે. તેનું હથિયાર છે ભાષા. તેમાં સમજ પડે તેને અણીથી લોહી નીકળે છે ને મોટા ભાગના લોકોને તે માથામાં ઘણની જેમ અથડાઈને લોહી કાઢે છે. આમ બંને રીતે પરિણામ લોહિયાળ આવે છે. 

° તે લોકોનું ફક્ત મગજ નહીં, શરીર બગાડે એવા ઉપદેશો આપે છે અને યુવાનોને આડા રવાડે ચડાવે છે. 

° એક તરફ તે પોતાની જાતને વંચિતતરફી ગણાવે છે. બીજી તરફ, કેટલા બધા લખનારાને સરકારી અકાદમી થકી થનારા ધનલાભથી વંચિત બનાવવાનું કામ કરે છે. આમ તે પહેલાં વંચિતો ઊભા કરે છે ને પછી તેમની તરફેણનો ડોળ કરે છે. 

° અદાલતની ચુંગાલમાં ફસાવું ન પડે એટલા માટે પોતે એકે ય પુસ્તક લખ્યું નથી. અને લેખોમાં પણ જાણીબૂજીને ભદ્રંભદ્રીય ભાષાનો પ્રયોગ કરે છે કે અદાલતમાં કશું પુરવાર ન થઈ શકે. 

***

સાક્ષીઓની જુબાનીની શરૂઆત રતિલાલ બોરીસાગરથી થઈ. તેમણે પ્રકાશભાઈની ભાષાની ઠંડા કલેજે ફિરકી લીધી અને હસાહસ વચ્ચે કહ્યું કે ભદ્રંભદ્ર પ્રકાશભાઈ સાથે વાત કરે, તો તેમની ભાષા પ્રકાશભાઈને સમજાય, પણ પ્રકાશભાઈની ભાષા તેમને ન સમજાય. આરોપ પ્રમાણે એક પછી એક સાક્ષીઓ રજૂ થયા, તેની વિગતો લખવા બેસું તો પાર નહીં આવે. શક્ય હશે તેટલું વીડિયો સ્વરૂપે મૂકીશું. સાક્ષીઓનાં નામ અને ક્રમ આ પ્રમાણે હતાઃ રતિલાલ બોરીસાગર, આશિષ મહેતા, મનીષી જાની, બીરેન કોઠારી, નયનાબહેન શાહ, પ્રકાશભાઈનો અભિનય ધરાવતી ફિલ્મની ઝલક, અશ્વિનકુમાર, કેતન રૂપેરા, મિનાક્ષીબહેન જોષી, બિનીત મોદી.

મોક કોર્ટમાં આમનેસામે : પ્રકાશભાઈ અને નયનાબહેન શાહ (છબિ સૌજન્ય : આલાપ બ્રહ્મભટ્ટ)

છેલા સાક્ષી હસિત મહેતા તે દિવસે સવારે લેહથી દિલ્હી અને વડોદરા થઈને સાંજે અમદાવાદ પહોંચવાના હતા. પણ વડોદરામાં ભારે વરસાદને કારણે તેમને પહોંચતાં થોડુંક જ મોડું થયું અને કોર્ટ પૂરી થઈ તેની થોડી મિનિટો પછી તે આવી પહોંચ્યા.

***

કોર્ટની કાર્યવાહી પૂરી થયા પછી ‘સાર્થક પ્રકાશન’ના સાથીદારો કાર્તિકભાઈ શાહ, દીપક સોલિયા, ધૈવત ત્રિવેદી ઉપરાંત ‘સાર્થક’ના અભિન્ન અંગ જેવા બીરેન કોઠારી, બિનીત મોદી અને અપૂર્વ આશરને મંચ પર બોલાવવામાં આવ્યા. અપૂર્વ આવી શક્યા ન હતા. પુસ્તકનું ડિઝાઇનિંગ કરનાર મિત્ર મણિલાલ રાજપૂતને પણ એ જ સમયે મુંબઈમાં યોજાયેલા કાંતિ ભટ્ટના સન્માન સમારંભમાં જવાનું કમિટમેન્ટ હોવાથી તે પણ ગેરહાજર હતા. આ પુસ્તક જેમને અર્પણ થયું હતું અને જેમના વિના આ સમારંભ આ રીતે શક્ય બન્યો ન હોત, તે ચંદુભાઈને પણ સ્ટેજ પર બોલાવવામાં આવ્યા. કશી ઔપચારિકતા વિના કે રેપિંગ મટિરિયલની ફાડંફાડ કર્યા વિના, સૌએ એક એક પુસ્તક હાથમાં લીધું, પ્રકાશભાઈ સાથે ફોટા પડાવ્યા અને વિમોચન પૂરું થયું.

ડાબેથી, ધૈવત ત્રિવેદી, ઉર્વીશ કોઠારી, દીપક સોલિયા, ચંદુ મહેરિયા, પ્રકાશ ન. શાહ, કાર્તિક શાહ, બીરેન કોઠારી, બિનીત મોદી (છબિ સૌજન્ય : અશ્વિનકુમાર)

ત્યાર પછી સન્માનનિધિનો ચેક અર્પણ કરવા માટે ઓડિયન્સમાં ઉપસ્થિત જાહેર જીવનના સિનિયર અને યુવાન એમ બંને પ્રકારના લોકોમાંથી કેટલાકને આમંત્રણ અપાયું. સાથે સ્પષ્ટતા પણ કરવામાં આવી કે કોઈને બાકાત રાખવાનો ઇરાદો નથી. આ કેવળ પ્રતિનિધિરૂપ વ્યક્તિઓ છે. એ લોકો હતા (કોઈ ચોક્કસ ક્રમ વિના) : હિમાંશી શેલત, ઘનશ્યામ શાહ, અચ્યુત યાજ્ઞિક, દીનાબહેન પટેલ, સારાબહેન બાલદીવાલા, રઘુવીર ચૌધરી, સ્વાતિબહેન જોશી, એ.ટી. સિંધી, રજની દવે, પાર્થ ત્રિવેદી, શારીક લાલીવાલા, અદાલતની કાર્યવાહીમાંથી હસમુખ પટેલ, રતિલાલ બોરીસાગર.

(ડાબેથી) શારીક લાલીવાલા, દીનાબહેન પટેલ, પાર્થ ત્રિવેદી, સારાબહેન બાલદીવાલા, અચ્યુત યાજ્ઞિક, (ઢંકાયેલા) હસમુખ પટેલ, પ્રકાશ ન. શાહ, રતિલાલ બોરીસાગર, ઘનશ્યામ શાહ, રઘુવીર ચૌધરી, એ. ટી. સિંધી, રજની દવે, હિમાંશી શેલત, સ્વાતિ જોશી, ચંદુ મહેરિયા, ઉર્વીશ કોઠારી, કાર્તિક શાહ, બિનીત મોદી

તેમના આવી ગયા પછી ચંદુભાઈએ અનામિકભાઈની અનુપસ્થિતિમાં તેમના વતી પ્રકાશભાઈને શાલ અર્પણ કરી. ચંદુભાઈને સાથે રાખીને મેં થોડી વાત કરી. કહ્યું કે આ રકમ કાળી, ધોળી કે લાલ, રાજકીય કે આધ્યાત્મિક, એકેય દાઢીમાં હાથ નાખ્યા વિના, રાજ્યાશ્રય, ધર્માશ્રય કે કોર્પોરેટ-આશ્રય વિના, નાગરિકોના યોગદાનથી એકત્ર થયેલી છે. તેના માટે કોઈની પર દબાણ કરાયું નથી કે કોઈને શરમમાં નખાયા નથી. ત્યાર પછી કાર્યક્રમની બપોરે એક વાગ્યા સુધીની રકમનો આંકડો સ્ક્રીન પર જાહેર થયોઃ રૂ. 13,73,561. (રૂ. તેર લાખ તોંતેર હજાર પાંચસો એકસઠ)

હિંમાશીબહેન શેલતે એ રકમના ચેકનું કવર બધા વતી પ્રકાશભાઈને અર્પણ કર્યું. ત્યાર પછી સૌએ પોતાનું સ્થાન લીધું અને પ્રકાશભાઈએ લગભગ અડધા કલાકમાં તેમનો પ્રતિભાવ આપ્યો.

બેથી સવા બે કલાકમાં, કશી ઔપચારિકતા વિના, કાર્યક્રમ સડસડાટ અને હસીખુશી સાથે પૂરો થઈ ગયો. દરમિયાન 350 બેઠકોના હોલમાં લોકોની સંખ્યા 470 સુધી પહોંચી ગઈ હતી. બેસુમાર બફારો લાગતો હતો. પરંતુ સૌ કોઈ છેવટ સુધી બેઠા અને પ્રકાશભાઈનો પ્રતિભાવ સાંભળીને જ ઊભા થયા.

પ્રકાશ ન. શાહનો પ્રતિભાવ (છબિ સૌજન્ય :  અશ્વિનકુમાર)

***

કાર્યક્રમ પછી સરેરાશ પ્રતિભાવ આનંદ-ઉલ્લાસ અને સાર્થકતાનો હતો. અમારા માટે પણ તે યાદગાર બની રહ્યો. કેમ કે,

• આખું આયોજન કશી ઔપચારિકતા વિના, કમિટી, મિટિંગો ને ઠરાવો વિના, ધાર્યા કરતાં પણ વધુ સફળતાથી પાર પડ્યું.

• કોઈ ‘દાતા’ વિના, કોઈની નિશ્રા વિના ને કોર્પોરેટ કંપનીઓની કોઈ સહાય વિના, આટલી રકમ એકત્ર થઈ શકી. 

પ્રકાશભાઈનું સન્માન હોવા છતાં, પ્રકાશભાઈનાં વખાણના ખડકલા ન થયા. હસમુખભાઈ (પટેલે) પછી કહ્યું તેમ, ‘પ્રકાશભાઈની હાજરીમાં તેમની શોકસભા હોય એવું વાતાવરણ ન થયું’. છતાં મસ્તીતોફાન સાથે, પૂરી ગરિમાપૂર્વક તે સંપન્ન થયો.  

પહેલાંના વખતમાં જેમ નનામી બાંધવાના, તેમ અત્યારે કાર્યક્રમો કરવાના પણ સ્વઘોષિત સ્પેશ્યાલિસ્ટ હોય છે, જે ‘આમ તો થાય જ નહીં’ ને ‘આમ તો કરવું જ પડે’ એવા બધા ફન્ડા શીખવાડતા હોય છે. અમે આવા સ્પેશિયાલિસ્ટોથી દૂર રહીએ છીએ. તેમના વગર બધું સારી રીતે ચાલી જ શકતું હોય છે. આપણે સક્રિયતાથી અને સન્નિષ્ઠ રીતે વિચારીને વિકલ્પ શોધવા પડે. આ કાર્યક્રમ પણ એવી જ રીતે, ઔપચારિકતાઓ અને વિધિવિધાનો વિના, છતાં સુખરૂપ પાર પડ્યો. 

કાર્યક્રમ પહેલાં અને પછી કેટલાકે એવી લાગણી વ્યક્ત કરી કે આ કાર્યક્રમ બહુ પહેલાં થવો જોઈતો હતો અથવા હજુ તેમાં અમુક વસ્તુ થવી જોઈએ. આવું કહેનાર પ્રત્યે પૂરા આદર સાથે જણાવવાનું કે આપણા સૌ વતી અમને સૂઝ્યું ત્યારે અમે કર્યું. તમને સૂઝે ત્યારે તમે (પ્રકાશભાઈને વિશ્વાસમાં લઈને) કરી જ શકો છો. અમારાં ધારાધોરણમાં બેસતું હશે તો તમને શક્ય તેટલી મદદ પણ કરીશું.

***

કાર્યક્રમના અંતે આર્થિક સહયોગ આપનાર સૌ કોઈના નામની એ.બી.સી.ડી. ક્રમમાં સંપૂર્ણ યાદી મૂકવામાં આવી હતી. તેની નકલો જે ઇચ્છે તે લઈ જઈ શકે એ રીતે સુલભ બનાવાઈ હતી. એ ‘સાર્થક પ્રકાશન’ વતી અમે જાતે સ્વીકારેલો પારદર્શક વહીવટનો તકાદો હતો. બીજા ઘણા ચીલા ચાતર્યા, તો હિસાબ આપવામાં પણ શા માટે આગવું ધોરણ સ્થાપિત ન કરવું?

ઉપરાંત, આર્થિક સહયોગ આપનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શક્ય એટલા બધાને પહોંચની સાથે ‘સાર્થક પ્રકાશન’ તરફથી પ્રકાશભાઈ વિશેના પુસ્તકની એક નકલ સાદર ભેટ આપવામાં આવી. કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ન શકેલા સહયોગીઓને હવે પહોંચ અને નકલ રવાના કરવામાં આવશે.

***

એપ્રિલ 6, 2013ના રોજ અમે ચાર મિત્રોએ બીજા અનેક મિત્રોના સહયોગની ખાતરી સાથે ‘સાર્થક પ્રકાશન’ની સ્થાપના કરી, ત્યારે વિચારેલું કે કરવા જેવાં, પણ ન થતાં હોય એવાં કામ ખાસ કરવાં. જે રીતે અભિનેતા-નિર્દેશક કે.કે.ના લગભગ બેએક દાયકાથી અટવાયેલા જીવનચરિત્રનું કામ રંગેચંગે પાર પડ્યું અને તેની બે આવૃત્તિ થઈ, ફિલ્મસંગીતના ઇતિહાસજ્ઞ નલિન શાહના લેખોનું પહેલું પુસ્તક તેમના જીવનના નવમા દાયકામાં સાર્થકે પ્રકાશિત કર્યું, નગેન્દ્ર વિજયની મુલાકાત આધારિત પહેલવહેલું પુસ્તક સાર્થકમાં આવ્યું, અશ્વિની ભટ્ટની સદાબહાર નવલકથાઓ નવાં અને રીડરફ્રેન્ડલી સ્વરૂપે સાર્થકમાં પ્રગટ થઈ … આ યાદી હજુ લંબાવી શકાય એમ છે — અને પ્રકાશોત્સવ એ યાદીમાં લેટેસ્ટ ઉમેરો  છે.

સાર એટલો જ કે પ્રકાશનનું નામ અને ખાસ તો તે સ્થાપવાનો હેતુ સિદ્ધ થયો, તેનો ભારે સંતોષ છે અને મિત્રો-સ્નેહીઓના પ્રેમાળ સહકાર વિના આ શક્ય બનત નહીં, તેનો પાકો અહેસાસ પણ છે.

http://urvishkothari-gujarati.blogspot.com/2019/07/2.html

Loading

...102030...2,7692,7702,7712,772...2,7802,7902,800...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved