Opinion Magazine
Number of visits: 9576901
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જેલમાં બાપુની પહેલી વરસગાંઠ

સુશીલા નય્યર|Gandhiana|22 June 2019

આજે અમે બધાંએ સારો જેવો વખત બાપુની વરસગાંઠને દિવસે શું કરવું એનો વિચાર કરવામાં ગાળ્યો. સરોજિની નાયડુએ વાત શરૂ કરી. પછી બધાંએ પોતપોતાની દરખાસ્ત મૂકી. રાત્રે હું આવી ત્યારે આઠ ઉપર દસ મિનિટ થઈ ગઈ હતી. બાપુ કંઈક પામી ગયા હશે. કહેવા લાગ્યા, “તમે લોકો શા હવાઈ કિલ્લા બાંધતાં હતાં?” તે હસતા હતા. મેં ટોળમાં કહ્યું, “બહુ સારી સારી વાતો કરતાં હતાં. એમાં બાઇબલની વાત પણ હતી. સરોજિની નાયડુ, અહીં જે લોકો છે તેમની સામાન્ય જ્ઞાનની પરીક્ષા લેવાનો વિચાર કરે છે. એને માટે પ્રશ્નો તૈયાર કરે છે. એમાં બાઇબલના ઉતારા પણ આવશે!”

બાની રાત સારી ન ગઈ. બાપુને વહેમ હતો કે ખાવામાં કંઈક અપથ્ય થયું હોવું જોઈએ.

૧ ओक्टोबर ’૪૨

કાલે બાપુની વરસગાંઠ છે. બાપુ ફરવા જાય પછી ફૂલ લટકાવવાને માટે દીવાલોમાં ખીલી ઠોકવામાં આવી. બાપુએ બપોરે કહ્યું, “જુઓ, બધાને કહી દો કે શણગાર થવો ન જોઈએ. શણગાર હૃદયની અંદર હોય.” હું હસી પડી. સરોજિની નાયડુએ મને બાપુને સંદેશો કહેવા જણાવ્યું હતું કે કાલે બપોરે ત્રણ વાગ્યાનો સમય ખાલી રાખજો. આ સંદેશો હું કહેતી હતી તે વખતે બાપુએ શણગાર ન કરવાની વાત કહી. પછી પૂછ્યું, “ત્રણ વાગે શું છે?” ભાઈએ કહ્યું, “એ અત્યંત છૂપી રાખવાની વાત છે.” બાપુનો શણગાર ન કરવાનો સંદેશો મેં સરોજિની નાયડુને કહ્યો ત્યારે તે હસવા લાગ્યાં અને બોલ્યાં, “બાપુ આપણને, ખાસ કરીને મને, પોતાનું દિલ બહલાવતાં નહીં રોકી શકે.”

મીરાબહેન આ સાંભળીને કહેવા લાગ્યાં, “બાપુ એમ કહે છે તો ફૂલના શણગાર કરવાની વાત જવા દો.” સરોજિની નાયડુએ કહ્યું, “ના,  તમે બધો દોષ મારા પર ઢોળી દેજો. જેલમાં પણ ગાંધીજીના હુકમનું પાલન કરવું એવો આદેશ મને ક્યાં આપવામાં આવ્યો છે!”

બેત્રણ દિવસ પહેલાં બા કહેતાં હતાં, “બાપુને જન્મદિવસે અમે હંમેશાં ગરીબોને ખાવાનું વહેંચીએ છીએ. આ વખતે એમ નહીં કરી શકીએ.” સરોજિની નાયડુએ કહ્યું, “કેમ નહીં?” બાએ જવાબ આપ્યો, “બાપુ કહે છે, આ જેલ છે અને આ રીતે સરકારના પૈસા ન ખરચાય.” મેં બાને કહ્યું કે આપણે આપણા પૈસાથી સામાન મગાવીએ છીએ, સરકારના પૈસાથી નથી મગાવતાં. એ રીતે મગાવી બધાંને વહેંચીશું. બા રાજી થયાં. માલિશ વખતે બાપુની ગાદી ઉપર ખીલી ઠોકવાની નિશાની જોઈ બોલ્યાં, “અહીં ફૂલ ન લગાવશો. બારણા આગળ તોરણ ભલે બાંધજો. અહીં એ બધા ઢોંગ ન જોઈએ.” સિપાઈ એ વખતે તો ચાલ્યો ગયો પણ પછી ખીલી ઠોકી ગયો. લેડી ઠાકરસીને ત્યાંથી શાકભાજીની ટોપલી લઈ આવ્યો. પહેલાં મધ આવ્યું, પછી ગોળ પણ આવ્યો. ગોળની टोफी મેં કાલની જ બનાવી રાખી છે. બાપુને સરોજિની નાયડુએ કહ્યું, “બાપુ, કાલે આપને એક સુધરેલા માણસની પેઠે જમવાનું મળશે.”

બાપુ હસી પડ્યા. પૂછ્યું, “એ કેવી રીતે?”

શ્રીમતી નાયડુએ જવાબ આપ્યો, “ખાસ બનાવેલું સૂપ, ફ્લાવર, રોટી, કાચું શાક વગેરે વાનીઓ એક પછી એક અને સારી રીતે પીરસવામાં આવશે.” બાપુ હસી પડ્યા. સરોજિની નાયડુને ના ન પાડી શક્યા.

અમારા જેલ સુપરિન્ટેન્ડેન્ટ ઘણાં ફૂલ લાવ્યા. અમે લોકોએ એના હાર બનાવ્યા. બાપુ સૂતા પછી તેમના બારણામાં બેસવાની જગ્યાએ, દીવાલ પર, સામે કબાટ પર, મહાદેવભાઈવાળા ઓરડામાં અને સરોજિની નાયડુના ઓરડામાં બારસાખોએ માળા લટકાવી. સીડી પર મેં અને ભાઈએ जीवेम शरद:  शतम्નો આખો મંત્ર સફેદ રંગોળીથી લખ્યો. ભાઈએ પહેલાં કોલસાથી લખ્યો. એમના અક્ષર વધારે સારા છે. મેં ઉપર રંગોળી પૂરી. એક એક પગથિયાં પર મંત્રની એક એક લીટી હતી —

जीवेम शरद: शतम्,


पश्येम शरद: शतम्,


श्रृणुयाम शरद: शतम्,


प्रब्रवाम शरद: शतम्


भूयश्च शरद: शतम्

બીજી બાજુ સીડી પર એ જ રીતે असतो मा सद् गमय, तमसो मा ज्योति र्गमय, मृत्योर्माडमृतं गमय એ મંત્ર ભાઈએ લખ્યો. એની શરૂઆત બહારની બાજુ થતી અને પહેલા મંત્રની અંદરની બાજુ. વિચાર એવો હતો કે એક બાજુથી બાપુને ફરવા લઈ જઈશું અને બીજી બાજુથી પાછા લાવશું એટલે એક મંત્ર ઊતરતી વખતે સીધો સામે હોય ને બીજો ચડતી વખતે. બંને બાજુની સીડીઓની વચ્ચેની જગ્યામાં રંગોળીથી ચિત્ર કાઢ્યાં હતાં. ઝરૂખામાં सुस्वागतम् લખ્યું. એ બધું લખતાં લખાવતાં રાત્રે બાર થઈ ગયા. મને ડર લાગ્યો કે બાપુ જાગી પડશે તો નારાજ થશે. ભાઈને પણ એવી જ બીક લાગી. તેમણે કહ્યું, “હવે જે રહી ગયું હોય તે રહેવા દે, સવારે જોઈશું.”

સવારે ઊઠીને જોયું તો રંગોળીને માટેના રંગ ખલાસ થઈ ગયા હતા. સરોજિની નાયડુએ રાત્રે સાડાઅગિયાર વાગે ચા બનાવીને પાઈ. કહ્યું, “એથી તાજી થઈ જઈશ.” જે ટોપલીમાં હું મહાદેવભાઈની સમાધિ આગળ રોજ ફૂલ લઈ જતી હતી તેમાં ફળ, બદામ, टोफीની બરણી, મધની શીશી વગેરે મૂક્યું. મીરાબહેને એને ફૂલોથી શણગારી. કળાવૃત્તિ તેમનામાં સ્વાભાવિક છે. બધી જગ્યાએ ફૂલોનો શણગાર કરવાનું કામ તેમણે માથે ઉપાડી લીધું હતું. સરોજિની નાયડુને માથે સામાન્ય દેખરેખ રાખવાનું કામ હતું. તે બેઠાં બેઠાં કાલને માટે રાત્રે બાર વાગ્યા સુધી વટાણાના દાણા કાઢતાં હતાં.

મીરાબહેને સવારે જમતી વખતે બકરીનાં બચ્ચાંને બાપુને પ્રણામ કરાવવા માટે લાવવાનો વિચાર કર્યો હતો. ભાઈએ સૂચવ્યું કે सह नाववतुવાળો મંત્ર લખીને એને ગળે બાંધીએ. મીરાબહેનને વિચાર ન ગમ્યો. પહેલાં તેમણે આમતેમ થોડો વિરોધ કર્યો પણ સરોજિની નાયડુએ કહ્યું કે મને લાગે છે આ મૂળ મીરાબહેનનો વિચાર છે ને તેમાં બીજાં દખલ ન કરે તો સારું. ભાઈએ તેમની નામરજી જોઈ તરત પોતાની સૂચના પાછી ખેંચી લીધી. મને એ જરા ખટક્યું. મેં ભાઈને કહ્યું, “મીરાબહેનને તમારી સૂચના ન ગમી એ અફસોસની વાત છે; એનાથી બાપુ રાજી થાત અને બકરીનાં બચ્ચાં પાસે પ્રણામ કરાવવાની વિધિ બહુ શોભી ઊઠત.” ભાઈએ જવાબ આપ્યો, “હા, બકરીનાં બચ્ચાં સાથે ઐક્યની વાતથી બાપુ બહુ રાજી થાત, પણ એ વાત જવા દેવી જ સારી. આખરે આજના દિવસની વિશેષતા એ છે ને કે બધાંની સાથે મેળ રાખવો, પરસ્પર મીઠાશ જાળવવી અને જે વાત બીજાને ગમતી ન હોય એ ખુશીથી છોડી દેવી?”

રાત્રે હું સૂઈ ગઈ પછી મીરાબહેન પોતાની મેળે ભાઈ પાસે આવ્યાં અને બકરીનાં બચ્ચાં માટે सह नाववतुવાળો મંત્ર લખવાનો તેમને આગ્રહ કર્યો. તે સાબુનો એક ખાલી ડબ્બો લાવ્યાં હતાં. એમાંથી પાનના આકારનાં પત્તાં કાપી ભાઈએ તેના પર सह नाववतु મંત્ર લખ્યો અને નીચે લખ્યું, “મોટા ભાઈ ઘણું જીવો.” એ પત્તાં બકરીનાં બચ્ચાંના ગળામાં લટકાવવામાં આવશે. બાપુ બકરીનું દૂધ પીએ છે એટલે બકરીનાં બચ્ચાંના મોટા ભાઈ થયા ને! હું રાત્રે સાડાબાર વાગ્યે પથારી પર પડી. આંખો બળતી હતી. ભાઈએ માટીની લેપડી આંખ માટે બનાવી હતી તે આંખ ઉપર મૂકીને સૂતી, પણ ઊંઘ ન આવી. એક વાગ્યા પછી ઊંઘી શકી. ઊંઘ જ ઊડી ગઈ હતી. ત્રણ ને વીસ મિનિટે બાપુએ પ્રાર્થના માટે ઉઠાડી. માટીની લેપડીથી આંખને સારો આરામ મળ્યો.

૨ ओक्टोबर ’૪૨

સરોજિની નાયડુ અને મીરાબહેન બંનેએ પોતાને પ્રાર્થના માટે જગાડવાને કહ્યું હતું. હું ગઈ ત્યારે સરોજિની નાયડુ જાગ્યાં હતાં. આખી રાત ઊંઘી શક્યાં નહોતાં. મીરાબહેનને ભર ઊંઘમાંથી જગાડવાં પડ્યાં. બાપુને આજે પહેલું આશ્ચર્ય એ બંનેને પ્રાર્થનામાં આવેલાં જોઈને અને દીવાલ પર લટકાવેલાં ફૂલ જોઈ થયું. મીરાબહેને जागीए रघुनाथ कुंवर ભજન ગાયું. સવારે ગાવાનું એ એક જ ભજન તેમને આવડતું હતું એમ તેમણે મને કહ્યું. પ્રાર્થના પછી મેં જોયું તો એક સિપાઈ રંગોળી પૂરતો હતો. આજે બા પણ પ્રાર્થના માટે ઊઠ્યાં હતાં. મીરાબહેને પ્રાર્થના પહેલાં બાપુને પ્રણામ કર્યા. મેં, ભાઈએ અને બાએ પ્રાર્થના પછી કર્યા. પ્રાર્થના પછી બાપુ સૂઈ ગયા; બા પણ સૂતાં. સરોજિની નાયડુ, મીરાબહેન, ભાઈ અને હું નાહ્યાં. બાપુને માટે હું રસ કાઢતી હતી ત્યારે બાપુ ઊઠીને અંદર આવ્યા.

પ્રાર્થના વખતે દીવાલ પર ફૂલો લટકાવેલાં જોઈ બાપુએ બાને કહ્યું, “આ લોકોને તું ન રોકી શકી ને?” બાએ કહ્યું, “મેં મનાઈ કરી હતી પણ એમણે માન્યું નહીં.” બાપુએ સરોજિની નાયડુને કહ્યું, “મહોબત પણ કોઈના પર પરાણે લાદવી ન જોઈએ.” સરોજિની નાયડુએ દીવાલ પરથી ફૂલો ઊતરાવી લીધાં અને સીડીની પાસે મૂકી દીધાં.

નાસ્તા માટે બાપુ આવ્યા ત્યારે ફૂલથી શણગારેલી ફળની ટોપલી તેમની સામે મૂકવામાં આવી હતી. સરોજિની નાયડુએ આવીને ફૂલનો હાર પહેરાવ્યો અને મીરાબહેને સૂતરનો પહેરાવ્યો. અમારા જેલ સુપરિન્ટેન્ડેન્ટે પણ ફૂલનો હાર પહેરાવ્યો. સાથે ૭૪ રૂપિયા હરિજન કામ માટે ભેટ આપ્યા અને આદરપૂર્વક પ્રણામ કર્યા. મેં મારા સૂતરનો હાર બનાવ્યો હતો. ભાઈ આવ્યા અને કહેવા લાગ્યા, “મને પણ બનાવી આપ.” તે રસ કાઢવા લાગ્યા. મેં તેમના અને બાના સૂતરના હાર બનાવ્યા. સાથિયા પૂરવાના રંગથી ૭૪ નિશાની સૂતરના હારો પર કરી. નીચે હજારીનું એક ફૂલ બાંધ્યું. ભાઈએ પૂછ્યું, “મહાદેવભાઈનું સૂતર નથી?” મેં તરત જ કાઢીને તેનો પણ એક હાર બનાવ્યો.

બાપુ નાસ્તો કરતા હતા એટલામાં મીરાબહેન અને ભાઈ એક એક બકરીનું બચ્ચું લઈને આવ્યાં. બંને બચ્ચાંના ગળામાં ફૂલો અને પાંદડાંની માળા અને सह नाववतु મંત્રવાળાં પત્તાં લટકતાં હતાં. મીરાબહેને તેમના વતી એક નાનકડી સુંદર સ્તુતિ કરી અને હાથ જોડી બકરીનાં બચ્ચાં પાસે પ્રણામ કરાવ્યા. પછી બાપુને હાથે તેમને રોટી અપાવી. પણ એ પહેલાં જ, બચ્ચાંએ તેમને પહેરાવવામાં આવેલાં ફૂલો ને કુમળાં પાંદડાંની માળા એકબીજાના ગળા પરથી ખાવા માંડી હતી. બાપુ ખૂબ હસ્યા. મેં બાપુને મારા અને બાના સૂતરના હાર પહેરાવ્યા. બાએ તેમના સૂતરનો હાર પણ મારે પહેરાવવો એમ કહ્યું હતું. ભાઈએ પોતાનો હાર પહેરાવ્યો. એ પછી ફરવા નીકળ્યાં. રસ્તામાં બાપુએ અમારી રંગોળી અને સીડી પર લખેલા મંત્ર જોયા. બધી ફૂલની માળાઓ અને ટોપલીનાં ફૂલ મહાદેવભાઈની સમાધિ આગળ લઈ ગયાં. ત્યાં દીવાલ પર બધું ગોઠવી દીધું. રોજની પ્રાર્થના કરી. પ્રાર્થના પહેલાં ભાઈએ મહાદેવભાઈના સૂતરનો હાર બાપુને પહેરાવ્યો. બાપુ અને ભાઈની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. મહાદેવભાઈ અમારી સાથે ઊભા રહી પ્રાર્થના કરતા ન હોય એવો આભાસ પ્રાર્થના વખતે આજે ખાસ કરીને થયો.

ફરતી વખતે બાપુએ પૂછ્યું, “ભર્તૃહરિની વાત તેં સાંભળી છે?” મેં કહ્યું, “હાજી, સાંભળી તો છે.” બાપુએ કહ્યું, “યોગી થયા પછી છેલ્લે ભર્તૃહરિને તેની પત્ની પાસે ભિક્ષા માગવાને જવાનું હતું. જાય છે ત્યારે પોતાના ભાઈ અને તેના પ્રત્યેના પોતાના વર્તનનું સ્મરણ કરીને કહે છે, एरे जखम जोगे नहीं जशे. એ જ વાત મહાદેવ ચાલ્યા ગયા એથી પડેલા ઘાને પણ લાગુ પડે છે." બાપુ પોતાનું દુઃખ દેખાડતા નથી પણ મહાદેવભાઈના જવાથી તેમને બહુ ઊંડો ઘા પડ્યો છે.

બાને માલિશ અને સ્નાન કરાવી હું સરોજિની નાયડુને મદદ કરવા ગઈ. તેમણે વટાણાનો પુલાવ બનાવવાનું કહ્યું હતું. વેંગણનું રાયતું બનાવ્યું. બાપુના ભોજનની તૈયારી કરી. મીરાબહેને ભોજનના ટેબલ પર પાથરવાની ચાદરની કિનાર પર ફૂલોની વેલ અને ફૂલોનો સુંદર સ્વસ્તિક બનાવ્યો. બારણા આગળ લાલ રંગોળીનો મજાનો સ્વસ્તિક ચીતર્યો હતો. એક તસકમાં ફૂલોથી શણગારીને ફળો મૂક્યાં. મીરાબહેને કાચું શાક પણ સુંદર રીતે શણાગાર્યું. ટમેટાં ગુલાબના ફૂલના આકારમાં કાપ્યાં હતાં.

સાડાદસે વાગે કલેક્ટર અને ડૉ. શાહ આવ્યા. ડૉ. શાહે સારી પેઠે વાતો કરી. કલેક્ટર આટલું જ બોલ્યા : “આપની વરસગાંઠને દિવસે આપની તબિયત સારી છે ને?” તે આવે ત્યારે તેમની સાથે હાથ મિલાવી શકાય એટલા માટે બાપુ ખુરસી પર બેઠા હતા. નીચે ગાદી પર બેસીને ઊઠવું એમને મુશ્કેલ પડે છે. કલેક્ટર આવતાં ઊભા થયા અને તેની સાથે હાથ મિલાવ્યા. મને એ સારું ન લાગ્યું; કલેક્ટરને ખાતર બાપુ શું કામ ઊભા થાય? પણ બાપુ મર્યાદાની મૂર્તિ છે. જે કરવા ઘટિત હોય તેમાં કદી ચૂકતા નથી. બીજુ કરી જ શકતા નથી. કેદી તરીકે તેમણે કલેક્ટરનું માન રાખવું જોઈએ નાસ્તો કરતાં બાપુએ કહ્યું કે વરસગાંઠને દિવસે હું ઉપવાસ કરું અને બીજાઓને પણ તેમના જન્મદિવસે ઉપવાસ કરાવું છું. આજે મને ફળ અને ભાજી પર રહેવા દો. મેં કહ્યું, “ના, ફળ અને દૂધ લેજો.” સરોજિની નાયડુએ કહ્યું, “શાક તો ખાવું જ પડશે.” આખરે માત્ર રોટી સિવાય બીજું બધું લીધું. ખાધા પછી પગના તળિયામાં માલિશ કરાવી બાપુ સૂઈ ગયા. બા પણ આજે ઉત્સાહમાં હતાં. કાલે તેમણે આજની તૈયારીમાં માથું ચોળ્યું હતું. આજે નવો ચાંલ્લો કર્યો, માથામાં ફૂલ ઘાલ્યાં. ખાધું પણ સારી રીતે. હું અને મીરાબહેન બપોરે સારી પેઠે ઊંઘ્યાં; બા પણ ઊંઘ્યાં. બધાં થાકી ગયાં હતાં.

સરોજિની નાયડુએ બપોરે આરામ ન લીધો. સિપાઈઓ અને કેદીઓ માટે દાળ, સેવ, પેંડા, જલેબી અને કેળાં મગાવ્યાં હતાં. તેમણે બધાના ભાગ પાડી રાખ્યા. એ બધું તેમના, મીરાબહેનના અને મારા પૈસામાંથી મગાવ્યું હતું. ત્રણ વાગે બધા કેદીઓ આવીને એક હારમાં બેસી ગયા. બાપુએ આવી તેમને દર્શન આપ્યાં ને નમસ્કાર કર્યા. બાએ સૌને ખાવાનું વહેંચ્યું. તે બહુ ખુશ હતાં. કેદીઓને ખાતા જોઈ બાપુ પણ રાજી થયા. આજે સવારે બધા સિપાઈઓ બાપુને પ્રણામ કરવા આવ્યા હતા. દરેકને બાપુએ કોઈ ને કોઈ ફળ આપ્યું હતું. ફરતી વખતે બાપુએ કહ્યું, “સિપાઈઓને તો ફળ આપ્યાં, પણ કેદીઓને તો કશું આપ્યું નહીં.” મેં કહ્યું, “આપશું. આપ જોયા કરજો.” બપોરે કેદીઓને ખાવાની ચીજો મળતી જોઈ બહુ રાજી થયા. જેલમાં કેદીઓ સામાન્ય ચીજોને માટે પણ બહુ તલસે છે. કટેલી સાહેબે બધાંને માટે આઇસક્રીમ બનાવડાવ્યો. બાપુને માટે બકરીના દૂધનો બનાવ્યો અને પોતાના હાથે સંચો ફેરવ્યો. સાંજે ભોજન વખતે સરોજિની નાયડુના આગ્રહને વશ થઈ બાપુએ આજે ત્રીસ વરસ પછી થોડો આઇસક્રીમ ખાધો. અમે બધાંએ ધરાઈ ધરાઈને ખાધો. બધા સિપાઈઓ અને કેદીઓને પણ આપ્યો. બાપુ રાજી થયા. બોલ્યા, “આ લોકોને આવી વાનીઓ જોવાની પણ મળતી નથી.” સાંજે મહાદેવભાઈની સમાધિ પર નવાં ફૂલ ચડાવ્યાં.

સાંજે પ્રાર્થનામાં वैष्णवजन तोનું ભજન ગાયું. પ્રાર્થના પછી હું બાપુને ઝરૂખામાં લઈ ગઈ. ફુવારા અને રેલિંગ પર દીપમાળા હતી. સુંદર દૃશ્ય હતું. બાએ કહ્યું. “શંકર(મહાદેવભાઈ)ને ત્યાં પણ દીવો મૂકી આવો.” હું અને ભાઈ સિપાઈઓ સાથે ત્યાં સાત દીવા મૂકી આવ્યાં.

રાત્રે અમે બધાંએ પાછો આઇસક્રીમ ખાધો. એથી મારું પેટ બગડ્યું. બાપુ રાત્રે પથારીમાં સૂતા ત્યારે કહેવા લાગ્યા, “આ બધું તમે લોકોએ કર્યું એના ઔચિત્ય વિશે મને શંકા છે.” તેમને લાગતું હતું કે આપણે બધાં કેદી છીએ અને કેદીઓને વળી ઉત્સવ શા?

[‘બાપુના કારાવાસની કહાણી’માંથી]

પ્રગટ : “नवजीवनનો અક્ષરદેહ”, મે 2019; પૃ. 173-177

Loading

જેલ વિશેષ

કિરણ કાપૂરે|Gandhiana|22 June 2019

સ્વાતંત્ર્ય-ચળવળની પૃષ્ઠભૂમિમાં જઈએ તો જેલ એક મહત્ત્વનું ઠેકાણું બનીને ઊભરે છે. તે વખતના મોટાભાગના રાજકીય નેતાઓ અને ક્રાંતિકારીઓએ તેમના જીવનનો ખાસ્સો એવો સમય જેલમાં ગાળ્યો છે. અલબત્ત, ક્રાંતિકારીઓનો જેલવાસ રાજદ્વારી કેદીઓના જેલવાસની સરખામણીએ કપરો રહ્યો હતો. રાજદ્વારી કેદીઓનો જેલવાસ પ્રમાણમાં સહજ રહ્યો છે. ગાંધીજી, નેહરુ, સરદાર જેવા નેતાઓ તો જ્યારે જ્યારે જેલમાં ગયા છે, ત્યારે ત્યારે તેઓએ બહારના કોલાહલભર્યા વાતાવરણથી મુક્ત થયાનો અનુભવ કર્યો છે અને તેમણે પોતાના એ અનુભવને લખાણ દ્વારા વર્ણવ્યો પણ છે. માર્ચ, ૧૯૨૨માં ગાંધીજીને હિંદુસ્તાનમાં પ્રથમ વાર જેલ જવાનું થયું ત્યારે તેમણે ભાણેજ મથુરાદાસ ત્રિકમજીને એક પત્રમાં લખ્યું છે કે, “મારી શાંતિનો પાર નથી. અહીં તો ઘર જ છે. હજુ તો જેલ જેવું કંઈ લાગતું જ નથી. પણ જ્યારે મળનારા આવતા બંધ થશે ને જેલનો કંઈક દાબ પણ આવશે ત્યારે હું વધારે શાંતિ ભોગવવાનો, એ તો ખચીત માનજો.” અન્ય એક મિત્ર રેવાશંકર ઝવેરીને પણ ગાંધીજીએ જેલમાંથી લખેલા પત્રના શબ્દો છે : “હું તો ભારે શાંતિ ભોગવી રહ્યો છું”. આ જ ગાળામાં મહાદેવ દેસાઈ સહિત અન્ય પરિચિત લોકોને લખેલાં પત્રોમાં પણ જેલ વિશેનો સૂર કંઈક આવો જ ઝિલાયો છે. હિંદુસ્તાનમાં ગાંધીજીને થયેલો કારાવાસનો આ પ્રથમ અનુભવ તેમના જીવનનો પહેલો જેલવાસ ન હતો. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ દરમિયાન તેઓ અનેક વખત જેલમાં જઈ આવ્યા હતા અને ખાસ્સો લાંબો સમય ત્યાં વિતાવ્યો હતો. પાછળથી ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના તેમના કારાવાસના અનુભવોનું વર્ણન કરીને 'ઇંડિયન ઓપિનિયન’માં સમયાંતરે લખ્યું હતું; જે લખાણો 'મારો જેલનો અનુભવ’ નામે પુસ્તક સ્વરૂપે પ્રગટ થયાં હતાં.

યરવડા જલે , જ્યાં ગાંધીજીએ કારાવાસ નો સૌથી વધુ સમય ગાળ્યો

સાબરમતી જેલના પ્રથમ કારાવાસ બાદ ગાંધીજીની અનેક વખત ધરપકડ થઈ અને તેમને અવારનવાર કારાવાસમાં જવાનું બન્યું. સ્વાતંત્ર્ય-ચળવળ દરમિયાન ગાંધીજી સૌથી લાંબો સમય પૂનાની યરવડા જેલમાં રહ્યા. આ જેલવાસના અનુભવો વિશે પણ તેમણે 'યંગ ઇન્ડિયા’ અને 'નવજીવન’માં વિગતે લખ્યું હતું, જે 'યેરવડાના અનુભવ’ નામે પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયું છે. ગાંધીજીના કારાવાસના અનુભવોનો અંતિમ અધ્યાય સુશીલા નય્યરે 'બાપુના કારાવાસની કહાણી'ના નામે લખ્યો છે. બ્રિટિશ હકૂમતની સામે લડતના છેવટના સંગ્રામમાં ૧૯૪૨ના ઑગસ્ટ માસની આઠમી તારીખથી ૧૯૪૪ની છઠ્ઠી મે સુધી તેમને આગાખાન મહેલમાં અટકમાં રાખવામાં આવ્યા હતા. આ એકવીસ માસ ગાંધીજીના જીવનનું તેમ જ હિંદની મુક્તિની લડતનું એક વિરલ પ્રકરણ છે. સુશીલા નય્યરના આ પુસ્તકમાંથી આપણને ગાંધીજીના જેલજીવનની સાથે-સાથે કસ્તૂરબા ગાંધી, સુશીલા નય્યર, સરોજિની નાયડુ, પ્યારેલાલ, મહાદેવભાઈ દેસાઈના જેલજીવનના રોજિંદા ક્રમની વિગતો મળી રહે છે. પ્રસ્તુત પુસ્તકમાંથી 'જેલમાં બાપુની પહેલી વરસગાંઠ' નામનું એક પ્રકરણ મૂક્યું છે.

આમ, ગાંધીજીના જીવનમાં કારાવાસના અનુભવની લાંબી કહાણી છે, જેને ગાંધીજીએ પોતે જ શબ્દબદ્ધ કરી છે. જો કે આ સિવાય પણ ગાંધીજીનું જેલમાંથી સર્જાયેલું સાહિત્ય અને પત્રવ્યવહાર વિપુલ છે, જેનો ક્યાસ કાઢવો એ સંશોધનનો વિષય છે. ગાંધીજીની માફક આઝાદીના અન્ય લડવૈયાઓએ પણ પોતાના જેલવાસના અનુભવો પોતાના લખાણમાં ઉતાર્યાં છે. કાકાસાહેબ કાલેલકરે તો સાબરમતી જેલના નિસર્ગને શબ્દબદ્ધ કરીને 'ઓતરાતી દીવાલો' નામનું ઉમદા પુસ્તક આપ્યું છે. આઝાદીની લડતના અગ્રણી અને દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે જેલજીવનના હિસ્સાને આત્મકથામાં મહત્ત્વ આપીને સમાવ્યો છે.

ગાંધીજીની જેમ જવાહરલાલ નેહરુ અને મહાદેવભાઈ દેસાઈએ પણ તેમના જેલવાસ દરમિયાન ઘણુંબધું લખ્યું અને વાંચ્યું છે. તેમના એ અનુભવો વાંચ્યા બાદ તો એક વેળા મન એ સ્વીકારવા સુધી પણ લલચાય છે કે વ્યક્તિના જીવનનો સૌથી ઉત્તમ તબક્કો તેની જાત સાથેના આવા એકાંતનો જ હશે! જવાહરલાલ નેહરુએ આત્મકથા કારાવાસમાં જ લખી છે, જેની પ્રસ્તાવનામાં તેઓ નોંધે છે : "આ પુસ્તક લખવાનો મૂળ હેતુ એ હતો કે જેલજીવનના એકાંતના લાંબા સમયમાં અતિશય આવશ્યક એવું કાંઈક નિશ્ચિત કાર્ય ઉપાડી લઈને મારો સમય ભરી દેવો." નારાયણભાઈ દેસાઈએ તો પિતાના જીવનવૃત્તાંત 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ'માં મહાદેવભાઈ દેસાઈના કારાવાસ કાળના પ્રકરણને 'સત્યાગ્રહીનું સાધના-સ્થળ : કારાવાસ’ એવું રૂપાળું નામ પણ આપ્યું છે, જેમાંથી પણ અહીં કેટલાક અંશ ટાંક્યા છે.

પોતાની જેલયાત્રા દરમિયાન સાહિત્યસર્જન કરનારા સત્યાગ્રહીઓમાં એક નામ સરદાર પટેલનું પણ આવે છે. પત્રો સિવાય ભાગ્યે જ કશું લખનારા સરદાર પટેલે સાબરમતી જેલમાં તેમના દોઢ મહિનાના કારાવાસ દરમિયાન ડાયરી લખી છે. આ લખાણ આજે 'સરદારની જેલ-ડાયરી' નામે પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ છે.

જેલસાહિત્યમાં આ સિવાય પણ તે કાળની અને તે પહેલાંના-પછીના કાળની અનેક વ્યક્તિઓનો સમાવેશ થઈ શકે છે, પણ અહીંયાં આપણે ઉપર આપેલાં પુસ્તકોનાં પસંદગીનાં પ્રકરણો સમાવ્યાં છે.

જેલ અને નવજીવનનો અનુબંધ ગાંધી સાર્ધશતાબ્દી વર્ષમાં વધુ ગાઢ થયો છે તે કારણે પણ જેલ વિશેનો એક સ્વતંત્ર અંક કરવાનું વિચારાયું હતું. સાબરમતી મધ્યસ્થ જેલ સાથે નવજીવનના વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે, જેમાં બંદીવાનો દ્વારા દોરાયેલાં ચિત્રોની પ્રદર્શની, બંદીવાનો દ્વારા ગણપતિની મૂર્તિઓનું નિર્માણ, મહિલા બંદીવાનો માટે સેનિટેશન પેડનાં ઉત્પાદનના સાધનમાં સહાય, ગાંધી અને સરદાર કથા, બંદીવાનો અર્થે જેલમાં જ ચાલી રહેલો પ્રૂફરીડિંગ અને પત્રકારત્વનો કોર્સ અને સાથે સાથે કર્મ કાફે પર બંદીવાનો દ્વારા થતાં ગાંધીભજન. નવજીવન અને સાબરમતી મધ્યસ્થ જેલનો આ અનુબંધ વધુ મજબૂત બની રહ્યો છે. આને જ અનુલક્ષીને સ્વાતંત્ર્ય-સેનાનીઓના જેલ-અનુભવ અંગેનો અંક તૈયાર કર્યો છે. આશા છે કે આપણા આગેવાનોના જેલના અનુભવ સૌને વાંચવા ગમશે.

(સંપાદકીય)

પ્રગટ : “नवजीवनનો અક્ષરદેહ”, મે 2019; પૃ. 147-149

Loading

લોકપ્રતિનિધિઓ પાસેથી ગાંધીજીની અપેક્ષા

ગાંધીજી|Opinion - Opinion|22 June 2019

સત્તરમી લોકસભાનાં પરિણામ આવી ચૂક્યાં છે અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની આવનારાં પાંચ વર્ષ સુધી શી ભૂમિકા રહેશે, તે ટૂંક સમયમાં નિશ્ચિત થશે. દેશની અંદાજિત એકસો પાંત્રીસ કરોડની વસ્તી સામે સંસદમાં ૫૪૫ સભ્યો ચૂંટાઈને આવે છે. આ સભ્યો પર દેશની સ્થિતિ અને પાંચ વર્ષનો સમય જોતાં જંગી કાર્યબોજ હોય છે. આ કાર્યબોજને પહોંચી વળવા માટે જ સંસદસભ્યોને વિશેષ અધિકારો અને સવલતો મળે છે. જો કે, જનપ્રતિનિધિઓને જમીની સ્તરે જ્યારે કામ કરવાનું આવે છે ત્યારે તેઓ તેમાં મહદંશે ઊણા ઊતરે છે, અને તેમાં અપવાદ કહી શકાય તેવા સંસદસભ્યોનો આંકડો ત્રણ ડિજિટ સુધી ય પહોંચતો નથી! સંસદસભ્યોના પક્ષે થઈ રહેલી પ્રજાનાં કાર્યોની સતત ઉપેક્ષાને પ્રજાની અપેક્ષા સુધી પહોંચાડવી હોય તો ગાંધીજીનાં કેટલાંક લખાણો ઉપયોગી થાય એમ છે. આ લખાણ હરિપ્રસાદ વ્યાસે સંપાદિત કરેલાં પુસ્તક 'ગાંધીજીની અપેક્ષા'[લોકપ્રતિનિધિઓ પાસે રાષ્ટ્રપિતાએ રાખેલી અપેક્ષા]માં ક્રમવાર જોવા મળે છે. આ પુસ્તક હાલ ગુજરાતીમાં તો ઉપલબ્ધ નથી [હિન્દીમાં गांधीजी की अपेक्षा અને અંગ્રેજીમાં Gandhiji’s Expectationsના નામે ઉપલબ્ધ છે] પણ તેમાંથી કેટલાંક સંપાદિત થયેલાં લખાણ આજે ય પ્રસ્તુત છે. કેટલીક વાતો તો પ્રજાના પ્રતિનિધિઓ માટે દીવાદાંડી સમાન બને એમ છે. …

•••

આપણે લાંબા વખતથી એમ માનવાને ટેવાયા છીએ કે પ્રજાને સત્તા કેવળ ધારાસભાઓ મારફતે મળે છે. આ માન્યતાને હું આપણી એક ગંભીર ભૂલ માનતો આવ્યો છું. એ ભ્રમનું કારણ કાં તો આપણી જડતા છે, કાં તો અંગ્રેજોના રીતરિવાજોએ આપણા પર જે ભૂરકી નાખી છે તે છે. બ્રિટિશ લોકોના ઇતિહાસના ઉપરચોટિંયા અભ્યાસ પરથી આપણે એવું સમજ્યા છીએ કે, રાજ્યતંત્રની ટોચે આવેલી પાર્લમેન્ટોમાંથી સત્તા ઝમીને પ્રજાની અંદર ઊતરે છે. સાચી વાત એ છે કે, સત્તા લોકોમાં વસે છે, લોકોની હોય છે, અને લોકો પોતાના પ્રતિનિધિઓ તરીકે વખતોવખત જેમને પસંદ કરે છે તેમને તેટલા વખત પૂરતી તેની સોંપણ કરે છે. અરે, લોકોથી સ્વતંત્ર એવી પાર્લમેન્ટોની સત્તા તો શું, હસ્તીયે હોતી નથી. છેલ્લાં એકવીસથીયે વધારે વર્ષોથી આટલી સીધીસાદી વાત લોકોને ગળે ઉતારવાને હું મથ્યા કરું છું. સત્તાનો અસલ ભંડાર તો સત્યાગ્રહ અથવા સવિનયભંગની તાકાત છે. એક આખી પ્રજા પોતાની ધારાસભાના કાયદાઓ પ્રમાણે ચાલવાનો ઇનકાર કરે છે, અને એવા સવિનયભંગનાં પરિણામો વેઠવાને તૈયાર થાય તો શું થાય તેની કલ્પના કરો! એવી પ્રજા સરકારના ધારાસભાના ને વહીવટી તંત્રને આખું ને આખું થંભાવી દેશે. સરકારનું પોલીસનું ને લશ્કરનું બળ, ગમે તેવી જબરી હોય તો પણ લઘુમતીને દબાવવા પૂરતું જ કામ આવે છે. પણ આવી પડે તે બધું સહન કરવાને જે આખી પ્રજા તૈયાર હોય તેના દૃઢ સંકલ્પને નમાવવા કોઈ પોલીસની કે લશ્કરની જબરજસ્તી કામ આવતી નથી.

°

… ધારાસભાઓમાં બેસનારા સભ્યોને મળતો પગાર અને ભથ્થાં, તે લોકો દેશનું જે કામ કરે છે, તેના પ્રમાણમાં અત્યંત વધારે પડતાં છે. જે દેશ દુનિયામાં સૌથી ગરીબ છે, તેની સામાન્ય આવક સાથે જરાયે મેેળ ન ખાય એવા પગારો ને ભથ્થાંના એ દર અંગ્રેજી નમૂનાને ધોરણે મુકરર થયેલા છે. તેથી … હું એવું સૂચવું છું કે, પ્રધાનોએ પોતપોતાની ધારાસભાની સંમતિ મેળવી, જરૂરિયાતો નજરમાં રાખી, એ બધા દર ઉતારી નાખવા, અને દરમિયાન સભ્યે, પોતે જે પક્ષનો હોય તેને પોતાને મળતી આખી રકમ આપી દઈ પક્ષ જે ઠરાવી આપે તેટલું જ લેવાનું રાખવું; અને એમ ન બની શકે, તો પોતાનું અંતઃકરણ કહે તે મુજબ કેવળ પોતાને માટે તેમ જ પોતાના કુટુંબને માટે વાજબી લાગે તેટલું જ રાખી, બાકીની રકમ રચનાત્મક કાર્યક્રમના એકાદ અંગના અમલમાં અથવા એવી જ કોઈ જાહેર સેવાની પ્રવૃત્તિમાં વાપરવી. જે પગાર અને ભથ્થાંની રકમ લેવાની છૂટ છે, તે લેવી જ પડે એવી સ્થિતિ હોય એ ખરું, પણ તેથી જરૂર હોય તેથી વધારે વાપરી ખાવાની જબરજસ્તી થોડી જ છે? સાધ્ય સારું હોય તો ગમે તેવું સાધન ચાલે, એ મુદ્દો આમાં ક્યાંયે આવતો નથી.

°

સાદાઈ આ પ્રધાનો તેમના પ્રાંતોના વહીવટમાં દાખલ કરે એવી આશા રાષ્ટ્ર એમની પાસેથી રાખશે. એ સાદાઈની એમને શરમ ન આવવી જોઈએ, તેઓ એમાં ગૌરવ માને. આપણે જગતની ગરીબમાં ગરીબ પ્રજા છીએ, અને આપણે ત્યાં કરોડો માણસો અડધો ભૂખમરો વેઠે છે. એવા દેશના પ્રતિનિધિઓએ પોતાને ચૂંટનાર મતદારોના જીવનની જોડે જેનો કશો જ મેળ ન હોય એવી ઢબે ને એવી રહેણીએ રહેવાય જ નહીં. વિજેતા અને રાજ્યકર્તા તરીકે આવનાર અંગ્રેજોએ જે રહેણીનું ધોરણ દાખલ કર્યું તેમાં જિતાયેલા અસહાય લોકોનો બિલકુલ વિચાર કર્યો નહોતો.

°

પ્રધાનો જો તેમને ૧૯૨૦થી વારસામાં મળેલી સાદાઈ અને કરકસર કાયમ રાખશે તો તેઓ હજારો રૂપિયા બચાવશે, ગરીબોનાં દિલમાં આશા પેદા કરશે, અને સંભવ છે કે સરકારી નોકરોની ઢબછબ પણ બદલાવશે. મારે એ તો બતાવવાની જરૂર ભાગ્યે જ હોય કે સાદાઈનો અર્થ એ નથી કે મેલાઘેલા રહેવું. સાદાઈમાં જે સુંદરતા ને કળા રહેલી છે તે ઊડીને આંખે વળગે એવી હોય છે. સ્વચ્છ, સુઘડ ને ગૌરવશીલ રહેવાને સારુ પૈસા બેસતા નથી. આડંબર તથા દબદબો અને અશિષ્ટતા એ ઘણી વાર એક જ અર્થના શબ્દો થઈ પડે છે.

°

પ્રધાનપદ એ કેવળ સેવાનાં દ્વાર છે, અને જેમને એ કામ સોંપવામાં આવે તેમણે તે પ્રસન્નતાપૂર્વક અને પોતાની બનતી બધી શક્તિ વાપરીને એ સેવા કરવી જોઈએ. એટલે આ હોદ્દાઓને વિશે પડાપડી તો કદી કરાય જ નહીં. અનેક માણસોના સ્વાર્થોને સંતોષવાને સારુ પ્રધાનોની જગાઓ ઊભી કરવી એ તો તદ્દન ગેરવાજબી ગણાય. હું મુખ્ય પ્રધાન હોઉં અને મને આવી માગણી કરનારાઓ આવીને પજવ્યા કરે તો મને ચૂંટનારાઓને કહી દઉં કે તમે બીજો આગેવાન ચૂંટી લો. આ હોદ્દાઓ તો ગમે ત્યારે છોડી દેવા પડે એમ માનીને રાખવાના છે; એને બાથ ભીડીને બેસી જવાનું નથી. એ તો કાંટાના મુગટ હોવા જોઈએ, કીર્તિના કદી નહીં. એ હોદ્દા આપણે લીધા છે તે તો એટલા માટે કે એનાથી આપણા ધ્યેય પ્રત્યે વધારે વેગથી કૂચ કરવાની શક્તિ આપણને મળે છે કે નહીં એ આપણે જોવું છે. જો સ્વાર્થી લોકો અથવા અવળે રસ્તે દોરાયેલા અતિ ઉત્સાહી માણસો મુખ્ય પ્રધાનો પર જબરદસ્તી કરીને ચડી બેસે એવું બનવા દઈએ તો એ મહા ખેદજનક વસ્તુ થઈ જાય. જેઓને આખરે પ્રધાનોના હાથમાં સત્તા સોંપવાનો અધિકાર છે એમની પાસેથી ખોળાધરી લેવી જો આવશ્યક હતી, તો આપણા પક્ષના માણસો પાસેથી સમજ, અડગ, વફાદારી ને ઐચ્છિક નિયમપાલનની ખોળાધરી લેવી બમણી આવશ્યક છે.

°

સૌથી સચોટ કસોટી તો એ છે કે જે પક્ષે મુખ્ય પ્રધાનોની ચૂંટણી કરી છે તે પક્ષના સભ્યોને પ્રધાનોની થયેલી પસંદગી ગમવી જોઈએ. કોઈ પણ મુખ્ય પ્રધાન પોતાની પસંદગીના પુરુષ કે સ્ત્રીનો પક્ષની પાસે પરાણે સ્વીકાર કરાવી ન શકે. એ આગેવાન એટલા માટે છે કે શક્તિ, માણસો વિશેનું જ્ઞાન, અને નેતાપદને માટે આવશ્યક બીજા ગુણો એનામાં છે એવો એના પક્ષનો એના પર પૂરેપૂરો વિશ્વાસ છે.

°

પ્રધાનો સાદાઈથી રહે ને સખત કામ કરે એટલું બસ નથી. તેઓ જે ખાતાં પર કાબૂ ધરાવે છે તે પણ એવી વૃત્તિમાં સામેલ થાય એ એમણે જોવાનું રહ્યું છે. એટલે ન્યાય સસ્તો થવો જોઈએ ને જલદી મળવો જોઈએ. આજે તો એ ધનવાનોના શોખની ને જુગારીની મોજની વસ્તુ છે. પોલીસો પ્રજાને ડરાવનારા નહીં પણ પ્રજાના મિત્ર હોવા જોઈએ. કેળવણીમાં ધરમૂળથી એવો પલટો થવો જોઈએ કે જેથી દેશને ચૂસનાર સામ્રાજ્યવાદીની નહીં પણ ગરીબમાં ગરીબ ગ્રામવાસીની જરૂરિયાત પૂરી પાડે.

°

… પ્રધાનોને સિવિલ સર્વિસની સંગઠિત કાર્યશક્તિનો ઉપયોગ તેમની નીતિનો અમલ કરવા માટે મળવો જ જોઈએ. ગમે તેવા મનસ્વી ગવર્નરો અને વાઇસરોયે ઠરાવેલી રાજ્યનીતિને અમલમાં ઉતારવાનું સરકારી નોકરવર્ગ શીખેલો છે. પ્રધાનો ઠીક ઠીક વિચાર કરીને ઘડેલી પણ નિશ્ચિત રાજ્યનીતિ નક્કી કરે, અને સરકારી નોકરવર્ગ તેના વતી અપાયેલાં વચનો પણ સાચાં પાડે ને જે લૂણ ખાય છે તેને વફાદાર નીવડે.

°

વ્યક્તિ તરીકે પ્રધાન મુખ્યત્વે પોતાને ચૂંટનાર મતદારોને જવાબદાર છે. જો તેની ખાતરી થાય કે પોતે એ મતદારોનો વિશ્વાસ ગુમાવી બેઠો છે અથવા તો પોતે જે વિચારોને સારુ ચૂંટાયેલો તે વિચારો પોતે બદલ્યા છે, તો તે રાજીનામું આપે. પ્રધાનો મંડળ તરીકે ધારાસભાના સભ્યોની બહુમતીને જવાબદાર છે, અને એ સભ્યો એમના પર અવિશ્વાસનો ઠરાવ પસાર કરીને કે એવી બીજી રીતે પ્રધાનોને હોદ્દા પરથી ખસેડી શકે છે.

°

પ્રધાનોએ લોકોને મળવું જ જોઈએ. તેમના સદ્દભાવ ઉપર જ તેમની હસ્તીનો આધાર છે. હળવી તેમ જ ગંભીર બધી ફરિયાદો તેમણે સાંભળવી જ જોઈએ. પરંતુ બધાનું અથવા તેમને મળેલા પત્રોનું અથવા તો તેમણે આપેલા નિર્ણયોનું પણ તેઓ દફ્તર ન રાખે તો ચાલે. પોતાની સ્મૃતિને તાજી કરવા પૂરતું તથા નક્કી કરેલી પ્રથાને ચાલુ રાખવા પૂરતું જરૂરી દફ્તર જ તેઓ રાખે. ખાતાની રૂએ ચાલતો ઘણોખરો પત્રવ્યવહાર બંધ થવો જોઈએ …. તેઓ તો આ દેશમાં વસતા પોતાના કરોડો શેઠના ગુમાસ્તા છે.

°

પ્રધાનો અને પ્રાંતિક ધારાસભાના સભ્યો પ્રજાના સાચા સેવક હોવા જોઈએ, મુખી કે શેઠ નહીં. જો તેઓ પગારનું સરકારી ધોરણ સ્વીકારે તો તેઓ ખુએ. અમુક પગાર બધાને મળી શકે છે માટે તે બધાએ લેવો જ જોઈએ એમ નથી. પગારનું ધોરણ મર્યાદા બાંધવા પૂરતું જ છે. કોઈ શ્રીમંત માણસ પૂરો પગાર અથવા તો તેનો અંશમાત્ર પણ લે તો તે હાસ્યાસ્પદ ગણાય. જે વગર પગારે સેવા નથી આપી શકતા તેને માટે પગાર છે. દુનિયામાં ગરીબમાં ગરીબ પ્રજાના તેઓ પ્રતિનિધિ છે. ગરીબોના પૈસામાંથી તેમનો પગાર નીકળે છે. આ મુખ્ય વસ્તુ ધ્યાનમાં રાખીને તેઓએ જીવવાનું છે ને રાજતંત્ર ચલાવવાનું છે.

°

પ્રધાનોના દિલમાં અસ્પૃશ્યતાના, નાતજાતના કે મારું તારું એવો ભેદભાવ ન હોય. કોઈની જરા પણ લાગવગ ક્યાં ય ન ચાલવી જોઈએ. સત્તાધારીને મન પોતાનો સગો ભાઈ, કે એક સામાન્ય ગણાતો શહેરી, કારીગર, મજૂર, બધા જ સરખા હોવા જોઈએ.

°

અંતરનાદને વશ વર્તીને ચાલનાર પ્રધાનને માનપત્રો અને બીજાં માનપાન લેવાનો કે અતિશયોક્તિવાળી કે યોગ્ય સ્તુતિવાળાં ભાષણ કરવાનો વખત હોય જ નહીં. અથવા જે મુલાકાતીઓને પોતે બોલાવ્યા ન હોય કે જેઓ પોતાના કામમાં મદદ કરે એમ લાગતું ન હોય તેવાઓ જોડે વાતો કરવા બેસવાનો વખત હોય નહીં. સિદ્ધાંતની દૃષ્ટિએ જોતાં તો લોકશાહીનો આગેવાન હંમેશાં પ્રજાનો બોલાવ્યો તેમને મળવા કે ગમે ત્યાં જવા તત્પર રહેશે. એ એમ કરે એ યોગ્ય જ છે. પણ પ્રજાએ એને માથે મૂકેલા કર્તવ્યમાં ક્ષતિ આપવા દઈને તેમ કરવાની ધૃષ્ટતા તે ન કરે. પ્રધાનોને જે કામ સોંપાયેલું છે તેમાં જો તેઓ પારંગત નહીં થાય કે પ્રજા તેમને પારંગત નહીં થવા દે તો પ્રધાનોની ફજેતી થશે.

°

કાયમના અમલદારો પ્રધાનોની આગળ જે કાગળો મૂકે તે વાંચવા ને સહી કરવી એટલું જ કામ જો પ્રધાનો પાસે હોત તો એ તો સહેલ વાત હતી. પણ દરેક કાગળનો અભ્યાસ કરવો અને નવી-નવી કાર્યપ્રણાલી વિચારી કાઢવી ને તેને અમલમાં ઉતારવી એ સહેલું કામ નથી. પ્રધાનોએ સાદાઈ ધારણ કરી એ આરંભ તરીકે આવશ્યક હતું. છતાં જો તેઓ આવશ્યક ઉદ્યોગ, શક્તિ, પ્રામાણિકતા, નિષ્પક્ષપણું અને વિગતો ઉપર કાબૂ મેળવવાની અગાધ શક્તિ નહીં બતાવે તો એકલી સાદાઈ એમને કંઈ કામ આવવાની નથી.

°

પોતાનાં નામો મતદાર તરીકે નોંધાવી આવવાની તસ્દી લેનાર તથા અંગમહેનત કરી રાજ્યને પોતાની સેવા આપનાર દરેક જણ, મરદ અથવા ઓરત, અસલ વતની અથવા હિંદુસ્તાનને પોતાના દેશ કરી અહીં વસેલા, મોટી ઉંમરના વધારેમાં વધારે લોકોના મતો વડે મેળવેલી સંમતિથી થતું હિંદુસ્તાનનું શાસન એટલે સ્વરાજ.

આધુનિક જમાનાના સંપૂર્ણ હકવાળી પાર્લમેન્ટથી હિંદુસ્તાનનું રાજ્યતંત્ર ચાલે એને હું સ્વરાજ કહું છું.

આજે મારી સામુદાયિક પ્રવૃત્તિનું ધ્યેય હિંદુસ્તાનની પ્રજાની ઇચ્છા પ્રમાણેનું પાર્લમેન્ટરી ઢબનું સ્વરાજ પ્રાપ્ત કરવાનું છે એ વિશે કશી શંકા નથી.

એવી પાર્લમેન્ટ આપણને ન મળે તો આપણે અતોભ્રષ્ટ તતોભ્રષ્ટ થઈ જઈએ. …

###

પ્રગટ : “नवजीवनનો અક્ષરદેહ”, મે 2019; પૃ. 181-184

Loading

...102030...2,7602,7612,7622,763...2,7702,7802,790...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved