Opinion Magazine
Number of visits: 9684738
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 10

દીપક મહેતા|Opinion - Opinion|22 September 2019

છાપકામ આવ્યું, પુસ્તકો લાવ્યું

પુસ્તકો આવ્યાં, નવું શિક્ષણ લાવ્યાં

સાંદિપની ઋષિ સુરગુરુ સરખા અધ્યાપક અનંત,
તેને મઠ ભણવાને આવ્યા હળધર ને ભગવંત.
તેની નિશાળે ઋષિ સુદામો વડો વિદ્યાર્થી કહાવે,
પાટી લખી દેખાડવા રામ-કૃષ્ણ સુદામા પાસે આવે.

(કવિ પ્રેમાનંદકૃત ‘સુદામાચરિત્ર’)

એટલે કે જ્યાં એક વડો વિદ્યાર્થી શિક્ષકના સહાયક તરીકે કામ કરતો હોય, જ્યાં છોકરાઓ પાટી પર લખતાં શીખતા હોય, અને પોતે લખેલું વડા વિદ્યાર્થીને બતાવતા હોય એવી નિશાળો કૃષ્ણ-સુદામાના જમાનામાં હોય કે ન હોય, પણ પ્રેમાનંદના જમાનાના ગુજરાતમાં તો હતી જ. અલબત્ત, ૧૯મી સદીમાં તેમાં સાંદિપની ઋષિ જેવા ‘અધ્યાપક અનંત’ ભાગ્યે જ ભણાવતા. થોડું લખી, વાંચી, ગણી શકતા હોય તેવા બ્રાહ્મણો તેમાં ઉપલા વર્ણના છોકરાઓને ભણાવતા. છોકરીઓને પણ નિશાળે મોકલી શકાય એવો તો ત્યારે કોઈને વિચાર પણ નહોતો આવતો. ઓગણીસમી સદીની પહેલી બે પચ્ચીસી સુધી આવી નિશાળો બોમ્બે પ્રેસિડેન્સી – મુંબઈ ઇલાકાનાં શહેરોમાં અને કેટલાંક ગામડાંઓમાં ફેલાયેલી હતી. પણ છાપકામ આવ્યું એને પગલે છાપાં અને પુસ્તકો આવ્યાં. અને છાપેલાં પુસ્તકોને પગલે આવ્યું બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ.

ઓગણીસમી સદીના આરંભે હજી દેશમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ હતું. પણ એ રાજવટ ચાલુ રાખવા માટેની મંજૂરી કંપનીએ વખતોવખત બ્રિટનની પાર્લામેન્ટ પાસેથી મેળવવી પડતી અને દરેક વખતે મંજૂરી આપતાં પહેલાં પાર્લામેન્ટ નવી શરતો ઉમેરતી. ૧૭૯૩માં જ્યારે કંપની સરકારનો પરવાનો રિન્યૂ કરવાનો થયો ત્યારે સરકાર પોતાની આવકનો એક નાનકડો હિસ્સો ‘દેશીઓ’ – નેટીવ્ઝ – ના શિક્ષણ પાછળ ખર્ચે એવી કલમ ઉમેરવાની હિમાયત કેટલાક સજાગ અંગ્રેજોએ કરેલી. પણ તે વખતે તેમને સફળતા ન મળી. પછી ૧૮૧૩માં જ્યારે પરવાનો રિન્યૂ કરાવવાનો થયો ત્યારે કંપની સરકારે દર વર્ષે ઓછામાં ઓછા એક લાખ રૂપિયા ‘દેશીઓ’ના શિક્ષણ માટે અને તેમના સાહિત્યના ઉત્કર્ષ માટે ખરચવા એવી કલમ ઉમેરવાનું શક્ય બન્યું.

આ એક લાખ રૂપિયાની રકમ આખા બ્રિટિશ ઇન્ડિયા માટે હતી, માત્ર બોમ્બે પ્રેસિડેન્સી માટે નહિ. પણ આ કલમનો લાભ લઈને શિક્ષણ માટે એક સોસાયટી ઊભી કરવાની પહેલ બોમ્બે પ્રેસિડેન્સીના અંગ્રેજોએ કરી. ૧૮૧૫ના જાન્યુઆરીની ૨૯મી તારીખે મુંબઈમાં વસતા કેટલાક અંગ્રેજોએ એક બેઠકમાં લાંબુ લચક નામ ધરાવતી ‘સોસાયટી ફોર પ્રમોટિંગ ધ એજ્યુકેશન ઓફ ધ પૂઅર વિધિન ધ ગવર્નમેન્ટ ઓફ બોમ્બે’ નામની સંસ્થાની સ્થાપના કરી. ભલું થજો કેટલાક સમજુ અંગ્રેજોનું કે થોડા વખતમાં જ આ લાંબુ લચક નામ બદલીને તેનું ટૂંકુ નામ રખાયું: ‘ધ બોમ્બે એજ્યુકેશન સોસાયટી.’ તેના બીજા વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે આખા હિન્દુસ્તાનમાં આ પ્રકારની આ પહેલી અને એકમાત્ર સોસાયટી છે. વળી તે ખાનગી દાનને આધારે જ ચાલતી હતી. શરૂઆતમાં તેને સરકારની આર્થિક મદદ મળતી નહોતી. અલબત્ત, તે વખતે તેનો ઉદ્દેશ ગરીબ ખ્રિસ્તી છોકરાઓને માટે શિક્ષણની સગવડ ઊભી કરવાનો હતો. ૧૭૧૮થી મુંબઈમાં ચાલતી એક ધર્માદા સ્કૂલ સોસાયટીએ પોતાને હસ્તક લઇ લીધી અને ૧૮૧૫માં મુંબઈના કોટ વિસ્તારમાં એક ‘સેન્ટ્રલ સ્કૂલ’ શરૂ કરી. પણ પહેલેથી જ એમ ઠરાવવામાં આવ્યું કે જે દેશી છોકરાઓ આ સ્કૂલમાં અભ્યાસ કરવા માગતા હોય તેમને પણ વાજબી ફી લઈને દાખલ કરવા.

બંને નિશાળમાં ભણતા ખ્રિસ્તી વિદ્યાર્થીઓ માટે ચર્ચ ઓફ ઇન્ગ્લન્ડ પુરસ્કૃત ખ્રિસ્તી ધર્મનું શિક્ષણ ફરજિયાત હતું, પણ દેશી વિદ્યાર્થીઓ ઉપર ધાર્મિક શિક્ષણ અંગે કોઈ પ્રકારનું દબાણ લાવવું નહિ એમ ઠરાવાયું હતું. ૧૮૧૮ના જાન્યુઆરીની પહેલી તારીખે ભણતા કુલ ૮૩ વિદ્યાર્થીઓમાંથી ૭ પારસી, પાંચ હિંદુ, અને એક મુસ્લિમ હતા. મુંબઈમાં બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ મેળવનારા આ પહેલા દેશી છોકરાઓ. ૧૮૧૮ સુધીમાં સોસાયટીએ એક ગર્લ્સ સ્કૂલ પણ શરૂ કરી હતી, પણ તેમાં એક પણ દેશી છોકરી ભણતી નહોતી. તે અંગે સોસાયટીના ત્રીજા વાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે હિંદુઓમાં છોકરીઓને ભણાવવાનો ચાલ નથી તેથી આ સ્કૂલમાં એક પણ દેશી છોકરી ભણતી નથી.

૧૮૧૮માં આ સોસાયટીએ એક મહત્ત્વનું પગલું લીધું. તેણે મુંબઈમાં કેવળ ‘દેશી’ છોકરાઓ માટે ત્રણ સ્કૂલ શરૂ કરી – એક મુંબઈના કોટ વિસ્તારમાં, બીજી ગિરગાંવ વિસ્તારમાં, અને ત્રીજી મઝગાંવ વિસ્તારમાં. તેમાંની પહેલી સ્કૂલ ૧૮૧૮ના ઓગસ્ટની ૧૨મી તારીખે શરૂ થઇ ત્યારે તેમાં ૪૦ છોકરાઓ દાખલ થયા હતા. પણ થોડા જ વખતમાં આ સંખ્યા વધીને ૯૦ જેટલી થઇ. ૧૮૧૮ના ડિસેમ્બરમાં શરૂ થયેલી ગિરગાંવની સ્કૂલમાં શરૂઆતમાં ૪૫ અને મઝગાંવની સ્કૂલમાં ૨૦ છોકરા દાખલ થયા. અલબત્ત, આ ત્રણે સ્કૂલોમાં જે દેશી છોકરાઓ ભણતા હતા તેમાંના મોટા ભાગના પારસી હતા. હકીકતમાં જ્યાં જ્યાં દેશીઓ માટેની નવી સ્કૂલો શરૂ થઇ ત્યાં ત્યાં નવી પદ્ધતિનું શિક્ષણ અપનાવવામાં પારસી કોમે પહેલ કરી હતી.

૧૮૧૯ના ચોથા વાર્ષિક અહેવાલમાં આ નવી સ્કૂલો વિષે માહિતી આપવામાં આવી છે. તેની સાથોસાથ જ બે મુશ્કેલીઓનો પણ ખાસ ઉલ્લેખ કર્યો છે. એક, દેશીઓ માટેની સ્કૂલોમાં શીખવી શકે તેવા શિક્ષકોની અછત. અને બીજી, આ સ્કૂલોમાં ભણાવી શકાય તેવાં ગુજરાતી મરાઠી જેવી દેશી ભાષાઓમાં છાપેલાં પુસ્તકોનો લગભગ અભાવ. તેમાંથી બીજી મુશ્કેલી દૂર કરવાના હેતુથી કલકત્તાની સ્કૂલ બૂક સોસાયટી પાસેથી તેણે તૈયાર કરેલાં પાઠ્ય પુસ્તકો મગાવવામાં આવ્યાં. બીજી બાજુ મુંબઈ ઈલાકાના સ્થાનિક લોકોને પણ તેમણે લખેલાં અથવા અનુવાદ કરેલાં પુસ્તકો મોકલવા માટે વિનંતી કરવામાં આવી. કલકત્તાથી કેટલાંક પુસ્તકો આવ્યાં પણ ખરાં, પણ બોમ્બે પ્રેસિડેન્સીની સ્કૂલોમાં કામ લાગે તેવાં તે નહોતાં. સ્થાનિક લોકો તરફથી માત્ર એક જ ગુજરાતી પુસ્તક મળ્યું હતું – મરેના અંગ્રેજી વ્યાકરણની બાવનમી આવૃત્તિનો અરદેશર બહેરામજી લશ્કરીએ કરેલો ગુજરાતી તરજૂમો, જે ‘મુંબઈ સમાચાર’ના છાપખાનામાં છપાયો હતો. એટલે સોસાયટીને લાગ્યું કે ગુજરાતી-મરાઠી જેવી સ્થાનિક ભાષાઓમાં નવાં પાઠ્ય પુસ્તકો તૈયાર કરાવ્યા સિવાય છૂટકો નથી.

માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન

નવાં પુસ્તકો તૈયાર કરાવવાની સોસાયટીના મનની આ મુરાદ મનમાં જ રહી જાત, કારણ તે માટેનાં આર્થિક સાધનો તેની પાસે નહોતાં. પણ ત્યાં જ બોમ્બે પ્રેસિડેન્સીના સારા નસીબે ૧૮૧૯ના નવેમ્બરની પહેલી તારીખે માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર બન્યા. સોસાયટી શરૂ થઇ ત્યારથી મુંબઈના ગવર્નર તેના પ્રમુખ બને એવો ચાલ હતો. એટલે ૧૮૧૯માં એલ્ફિન્સ્ટન સોસાયટીના પ્રમુખ બન્યા. ગુજરાતી-મરાઠી પાઠ્ય પુસ્તકોના અભાવ અંગેની મુશ્કેલી તરત તેમના ધ્યાનમાં આવી. તેમણે કહ્યું: પાઠ્ય પુસ્તકો નથી? તો ચાલો, આપણે જ તૈયાર કરી છાપીએ. ૧૮૨૦ના ઓગસ્ટની ૧૦મી તારીખે તેમના પ્રમુખપદે મળેલી સોસાયટીની વાર્ષિક સભામાં ‘ધ નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક કમિટી’ની સ્થાપના કરવામાં આવી. તેનું અલગ ભંડોળ રચવા માટે તાત્કાલિક ઉઘરાણું કરવામાં આવ્યું. તેમાં એલ્ફિન્સ્ટને અંગત રીતે ૬૦૦ રૂપિયા આપ્યા અને દર વર્ષે ૩૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું. થોડા વખતમાં ૪,૨૫૦ રૂપિયાનું ભંડોળ એકઠું થયું અને દર વર્ષે ૧,૮૮૧ રૂપિયાના દાનનાં વચનો મળ્યાં.

જમશેદજી જીજીભાઈ

નવી કમિટીના સંચાલક મંડળમાં ૧૨ અંગ્રેજો ઉપરાંત ૧૨ દેશી વ્યક્તિઓને સ્થાન આપવામાં આવ્યું. તેમાંના ચાર પારસી હતા: ફરામજી કાવસજી, હોરમસજી ધનજી, મુલ્લા ફિરોઝ, જમશેદજી જીજીભાઈ, ચાર હિંદુ હતા: દેવીદાસ હરજીવનદાસ, નાગરદાસ હિરજી મોદી, જગન્નાથ શંકરશેઠ, ધાકજી દાદાજી, અને ચાર મુસલમાન હતા: મુંબઈના કાજી, કાજી ગુલામ હુસેન, મોહમ્મદ અલી રોગે, મોહમ્મદ ઈબ્રાહીમ મકાબા. બે મંત્રીઓ પણ નીમવામાં આવ્યા જેમાંનો એક અંગ્રેજ અને એક હિંદુ હતો. આજે આપણને આ કોઈ બહુ મોટી વાત ન લાગે. પણ એ વખતે બીજા કેટલાક અંગ્રેજ અધિકારીઓએ દેશીઓને સંચાલનમાં સહભાગી બનાવવાના એલ્ફિન્સ્ટનના આ પગલાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. કારણ તેમને બીક હતી કે આ રીતે આજે આંગળી આપશું તો વખત જતાં દેશીઓ પોંચો પકડશે. પણ એલ્ફિન્સ્ટનનું દૃઢપણે માનવું હતું કે દેશીઓને સાથે રાખ્યા વગર શિક્ષણનું કામ થઇ શકશે નહિ.

જગન્નાથ શંકરશેઠ

૧૮૨૨ના ઓગસ્ટની ૨૧મી તારીખથી નવી સંસ્થા કમિટીમાંથી સોસાયટી બની અને માતૃસંસ્થાથી અલગ, સ્વતંત્ર રીતે કામ કરતી થઇ. ૧૮૨૩ના સપ્ટેમ્બર સુધીમાં તેણે આટલાં ગુજરાતી પાઠ્ય પુસ્તકો પ્રગટ કર્યાં હતાં: (૧) લિપિધારા, ૭૨૫ નકલ, રૂ. ૩ (૨) એડવાઈઝ ટુ ચિલ્ડ્રન ઇન શોર્ટ સેન્ટન્સીસ, ૭૮૨ નકલ, રૂ. ૩(૩) ટેબલ્સ ઇન બનિયન ગુજરાતી, ૧૯૫ નકલ, રૂ. ૩(૪) ટેબલ્સ ઇન પારસી ગુજરાતી, ૧૦૦ નકલ, રૂ. ૩ (૫) અ ટ્રિટાઈઝ ઓન ધ મેનેજમેન્ટ ઓફ સ્કૂલ્સ, ૧૦૦૦ નકલ, રૂ. ૩ (૬) લેફ્ટનન્ટ કર્નલ કેનેડીએ તૈયાર કરેલો શબ્દકોશ, રૂ. ૧૨ (છેલ્લાં બે પુસ્તકો વિદ્યાર્થીઓ માટે નહિ, શિક્ષકો માટે હતાં.) તેવી જ રીતે સોસાયટીએ પાંચ મરાઠી પાઠ્ય પુસ્તકો પણ પ્રગટ કર્યાં હતાં તે પણ મરાઠી ભાષાનાં પહેલવહેલાં પાઠ્ય પુસ્તકો.

૧૮૨૩ના અરસામાં સોસાયટીએ ગુજરાતી અને મરાઠી પાઠ્ય પુસ્તકો પ્રગટ કરીને પોતાના કામની શરૂઆત તો કરી દીધી, પણ એ પ્રગટ થતાંવેંત બે અણધારી મુશ્કેલી આવી પડી. છાપેલાં પુસ્તકો અને નવી સ્કૂલો પોતાના પેટ પર પાટું મારશે એ વાત પરંપરાગત નિશાળોમાં ભણાવતા ચતુર બ્રાહ્મણ શિક્ષકો તરત કળી ગયા. ગોરપદું કરનારા બ્રાહ્મણો પણ સમજી ગયા કે વહેલા મોડા શાસ્ત્ર ગ્રંથો પણ છપાશે અને તો ધાર્મિક ક્રિયાઓને નામે લોકો પાસેથી મનમાની રકમ પડાવવાનું મુશ્કેલ બનશે. એટલે બ્રાહ્મણોએ લોકોમાં એવી અફવા ફેલાવી કે આ પાઠ્ય પુસ્તકો છાપવા માટે વપરાયેલી શાહીમાં પશુની ચરબી ભેળવવામાં આવી છે અને આ પુસ્તકોનો ખરો હેતુ હિન્દુઓને વટલાવવાનો છે. અલબત્ત, આ કેવળ જુઠ્ઠાણું હતું. પણ સરકારે એક જુઠ્ઠાણાનો જવાબ બીજા જુઠ્ઠાણાથી આપ્યો. તેણે જાહેર કર્યું કે આ શાહી તો ગાયનું ઘી વાપરીને બનાવવામાં આવે છે. એટલે બીજો પ્રચાર શરૂ થયો કે આવાં મોંઘાં દાટ પુસ્તકો વેચીને સરકાર લોકોનાં ખિસ્સાં ખાલી કરવા માગે છે. આના જવાબમાં સરકારે આ પુસ્તકો વિદ્યાર્થીઓને વેચવાને બદલે મફત વહેંચવાનું શરૂ કર્યું.

સોસાયટી પાસે જે ભંડોળ હતું તેમાંથી કાંઈ ઝાઝાં પુસ્તકો છાપી શકાય એમ નહોતું. એ માટે સરકારી મદદ મળે તો જ કામ થઇ શકે. આથી સોસાયટીએ સરકાર પાસે આર્થિક મદદ માગી. પણ તેને બદલે સરકારે તો જણાવ્યું કે હવે પછી પુસ્તકો તૈયાર કરાવવા અંગે તથા છાપવા અંગે જે કાંઈ ખર્ચ થાય તે બધો સરકાર ભોગવશે. કયાં પુસ્તકો છાપવાં, કેટલાં છાપવાં, તે સોસાયટી નક્કી કરશે. માત્ર છાપતાં પહેલાં ખર્ચ અંગેનો અંદાજ સરકારને મોકલવાનો. તેને મંજૂરી મળે તેની પણ રાહ જોવાની જરૂર નહિ. શાલેય પાઠ્ય પુસ્તકના લેખક કે અનુવાદકને એક સો રૂપિયાથી માંડીને ૪૦૦ રૂપિયા સુધીનું ઇનામ સોસાયટી આપી શકે. વધુ ઊંચા ધોરણની ગુણવત્તા ધરાવતાં પુસ્તકો માટે ઇનામની રકમ પાંચ હજાર રૂપિયા સુધી વધારી શકાય. માત્ર જો કોઈ પુસ્તક પાછળ પાંચ હજાર રૂપિયા કરતાં વધુ ખર્ચ થાય તેમ હોય તો જ તે માટે સરકારની આગોતરી મંજૂરી જરૂરી હતી. આમ ૧૮૨૫માં સરકાર તરફથી સોસાયટીને લગભગ ‘બ્લેન્ક ચેક’ મળ્યો અને પુસ્તક પ્રકાશનના કામે વેગ પકડ્યો. થોડા વખત પછી પુસ્તકો છાપવા માટે ત્રણ લિથોગ્રાફ પ્રેસ પણ સરકારે સોસાયટીને ભેટ આપ્યાં. અલબત્ત, સરકારના આવા ઉદાર વલણ પાછળ કારણભૂત હતી એલ્ફિન્સ્ટનની શિક્ષણ માટેની ઉદાર નીતિ. પણ તેની નીતિનો અમલ કરનાર હતા બીજા એક અંગ્રેજ. તેને વિશેની કેટલીક વાતો હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

Flat No. 2 Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”,  21 સપ્ટેમ્બર 2019

Loading

છે કોઈ ઉપાય, આ સનાતન ધર્મના બદલાતા ચહેરાનો ?

રમેશ ઓઝા|Opinion - Opinion|22 September 2019

નામ દીધા વગર સ્વામિનારાયણ સંપ્રદાય સામે મોરારિબાપુએ આક્રોશ ઠાલવ્યો તેની પાછળ સમજાય એવું કારણ છે. તેમનો મુદ્દો એ છે કે હિંદુઓનો ધર્મ સનાતન ધર્મ છે. તેના ગ્રંથો છે, તેના રામ, કૃષ્ણ, શંકર, હનુમાન જેવા ભગવાન છે, તેના યાત્રાધામો છે, તેના ધાર્મિક વિધિ-વિધાનો છે, તેના દર્શનો છે, વગેરે. આ બધા થકી સનાતન ધર્મની ઓળખ બની છે અને એ ન ગુમાવવી જોઈએ કે ન મોળી પાડવી જોઈએ. આજકાલ નવા નવા સંપ્રદાયો સ્થપાતા જાય છે અને ધર્મગુરુઓ નીકળી પડે છે, જે સનાતન ધર્મની આ બધી ઓળખો બાજુએ હડસેલીને પોતાને સ્થાપે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામિ સહજાનંદ ભારતમાં થઈ ગયેલા અનેક સંતોમાંના એક સંત હતા, પણ સ્વામિનારાયણવાળાઓએ તેમને ભગવાન તરીકે સ્થાપ્યા છે. આવું માત્ર સ્વામિનારાયણવાળા નથી કરતા, બીજા પણ કરે છે. જો આ રીતે બધા નોખા ચોકા માંડતા રહેશે અને પોતાને હિંદુ ગણાવવા છતાં સનાતન ધર્મની ઓળખોને નકારશે તો સનાતન ધર્મનું શું થશે એની મોરારિબાપુને ચિંતા છે. મોરારિબાપુએ સનાતન ધર્મના પ્રસ્થાપિત ભગવાનોને ‘સાઈડ’ કરવામાં આવી રહ્યા છે એમ કહ્યું છે.

મોરારિબાપુ પોતે સનાતનધર્મી કથાકાર છે એટલે તેમને સનાતન ધર્મની ઓળખની કે તેના ભવિષ્યની ચિંતા સતાવતી હોય એ તો જાણે સમજી શકાય એમ છે, પણ તેનો ઉપાય શું? હા,  ઇસ્લામ પાસે તેનો ઈલાજ છે જો અપનાવવો હોય તો. અપનાવવા જેવો લાગતો હોય તો અને જો અપનાવી શકાય એમ હોય તો.

ઇસ્લામમાં બે નિષેધો દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કોઈ સહેજે ઈસ્લામના મૂળ સ્વરૂપ સાથે ચેડાં ન કરી શકે. એક છે શિર્ક. શિર્ક એટલે કોઈ એવો માણસ જે ખુદાની બરાબરી કરે. પોતાનું પૂજન કરાવે અને પોતાને તારણહાર માને અને મનાવે. આવું જો કોઈ કરે તો તેને ખુદાનો દ્રોહી અને ઇસ્લામનો દુશ્મન સમજવો. ચુસ્ત સલ્ફી મુસલમાનોની નજરે પીર, સુફી, ઓલિયા વગેરે શિર્ક છે અને તેમની જગ્યાઓ ગેર ઇસ્લામિક અપવિત્ર છે. ૨૦૧૭માં પાકિસ્તાનમાં ઝનૂની મુસલમાનોએ લાલ શાહબાઝ કલંદરની દરગાહ પર હુમલો કર્યો હતો એનું કારણ આ શિર્કનો નિષેધ હતો. ૧૯મી સદીમાં સ્થપાયેલા અહમદિયા સંપ્રદાયની મસ્જિદો પર પણ હુમલા કરવામાં આવી રહ્યા છે અને હત્યાઓ કરવામાં આવે છે. અહમદિયા મુસલમાનોને પાકિસ્તાનમાં સત્તાવાર રીતે મુસલમાન ગણવામાં નથી આવતા. આ બધું એટલા માટે કરવામાં આવે છે કે રૂઢિચુસ્ત મુસલમાનોની નજરે તેઓ શિર્ક હતા.

મુસલમાનોની જેમ હિંદુઓ પણ શંકર, રામ, કૃષ્ણ, હનુમાન, પાર્વતી, અંબા, જેવા નક્કી કરેલા દેવ-દેવીઓને છોડીને જો કોઈ પોતાને પવિત્ર, પૂજનીય અને તારણહાર હોવાનો દાવો કરે તો તેને શિર્ક જાહેર કરી શકે છે. જો કે અહીં સમાસ્યા તો છે જ કે આવો અધિકાર કોને સોંપવો? તેત્રીસ કરોડ દેવતામાંથી સ્વીકૃત ભાગવાનોની યાદી કોણ બનાવે? એ પછી પણ કોઈ પોતે અથવા તેના અનુયાયી ભગવાન હોવાનો દાવો કરે તો તેને નકારવાનો અને દંડવાનો અધિકાર કોને આપવો? સનાતન ધર્મ એક એવો ધર્મ છે જેમાં કોઈ અધિકારી નથી અને કોઈ દંડવાની સત્તા ધરાવતું નથી. જો દંડવાની વ્યવસ્થા કરવી હોય તો દંડ દેનારની પણ વ્યવસ્થા કરવી પડે.

બીજી વ્યવસ્થા બીદ્દ્તની છે. બીદ્દ્ત એટલે રસ્તો ચૂકવો અથવા તો ઇસ્લામિક રસમોમાં બાહ્ય પ્રભાવને કારણે થતી ભેળસેળ. જો રસ્તો ચૂકવા દેવામાં આવે અને ધાર્મિક વિધિ-વિધાનોમાં બાંધછોડ કરવા દેવામાં આવે, ભેળસેળ કરવા દેવામાં આવે તો પછી એક દિવસ ઇસ્લામ ધર્મ તેનો ચહેરો જ ગુમાવી દે. જે વાતની મોરારિબાપુને ચિંતા છે તેવું ઇસ્લામમાં ન બને એની પૂરતી કાળજી ઇસ્લામમાં લેવામાં આવી છે. માટે મુસલમાનોના ધાર્મિક-સામાજિક વહેવારમાં જ્યાં પણ બીદ્દ્ત જોવા મળે કે તરત તબલીગી ત્યાં દોડી જાય અને મુસલમાનને સમજાવે કે સાચા મુસલમાને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.

શું મોરારિબાપુ હિંદુ ધર્મ આવો માર્ગ અપનાવે એમ ઈચ્છે છે? આગળ ઉપસ્થિત કર્યા એવા વ્યવહારિકતાના પ્રશ્નો બાજુએ મૂકો તો પણ સનાતન ધર્મમાં આવી કોઈક પ્રકારની તજવીજ અને તાકીદ કરવામાં આવે એવું ઈચ્છે છે? એક વાર પાંડુરંગ શાસ્ત્રીએ મને કહ્યું હતું કે હિંદુ-મુસ્લિમ વચ્ચેના વૈમનસ્યને ખતમ કરવા માટે મહમ્મદ પેગંબરને વિષ્ણુના અવતાર જાહેર કરી દેવા જોઈએ. મેં તેમને અત્યંત આદરપૂર્વક કહ્યું હતું કે આપ ઇસ્લામ ધર્મના સ્વરૂપથી અપરિચિત છો. એમાં આવું શક્ય જ નથી. બીજું, હવે પછી થનારો વિષ્ણુનો કલ્કી અવતાર તો જાહેર થઈ ચૂક્યો છે એટલે મહમ્મદને તેની પહેલાં મૂકવા કે પછી? ત્રીજું, કોઈને અવતાર તરીકે પસંદ કરવાનો અધિકાર હિંદુઓમાં કોણ ધરાવે છે? મેં આવી દલીલ કરી એ તેમને ગમી નહોતી એ તેમના ચહેરા પર જોઈ શકાતું હતું. જો કે વરસેક  પછી પાંડુરંગ શાસ્ત્રી પત્રકાર પરિષદ બોલાવીને આવું સૂચન કરવાની લાલચ રોકી શક્યા નહોતા.

ધર્મગુરુ બધું જ જાણતા હોય અને દરેક પ્રશ્નના ઈલાજ તેમની પાસે હોય જ એવું નથી. ધર્મને આધ્યાત્મિકતા સાથે ઓછો સંબંધ છે, કારણ કે આધ્યાત્મિકતા વ્યક્તિની આંતરિક યાત્રા છે અને એમાં જથ્થાબંધ અનુયાયી ધરાવતા કોઈ ધર્મગુરુની જરૂર પડતી નથી. હા, પ્રસિદ્ધિથી દૂર રહેતા કોઈ અજાણ્યા ગુરુ પાસેથી કદાચ ગુરુચાવી મળી પણ જાય. જો કે જે. કૃષ્ણમૂર્તિ તો કહે છે કે એ પણ શક્ય નથી. આંતરિક આધ્યાત્મિક યાત્રામાં જેમ જથ્થાબંધ અનુયાયી ધરાવતો ગુરુ કામમાં આવતો નથી એમ સંગઠિત ધર્મ પણ કામમાં આવતો નથી. એ તો વળી જરા ય કામમાં આવતો નથી. આપણે એક વાત સમજી લેવી જોઈએ કે સંગઠિત ધર્મમાત્ર માનવીએ વિકસાવેલી સામાજિક-રાજકીય સંસ્થા છે અને તેમાં કોઈ ધર્મ અપવાદ નથી.

આમ છતાં મોરારિબાપુને સનાતન ધર્મના બદલાતા ચહેરાની ચિંતા થતી હોય તો તેમનો તે અધિકાર છે. સવાલ માત્ર એ છે કે ઉપાય શું? ઇસ્લામમાં જે ઉપાય છે એ અપનાવવો છે? જો અપનાવવા ઈચ્છો તો પણ હિંદુ સનાતન ધર્મ માટે એ શક્ય છે.

સનાતન ધર્મમાં થઈ રહેલા ભેળાણ વિષે ચિંતા સેવનારા મોરારિબાપુ પહેલા હિંદુ નથી. જ્યારથી ચોક્કસ આકારવાળા ઇસ્લામ ધર્મનો અને ખ્રિસ્તી ધર્મનો હિંદુઓને પરિચય થયો છે ત્યારથી કેટલાક હિંદુ ચોક્કસ ચહેરા વિનાના સનાતન ધર્મની ચિંતા સેવી રહ્યા છે અને કેટલાકે તો શરમ પણ અનુભવી છે. આવો તે કોઈ ધર્મ હોય જેમાં કોઈ પણ માણસ ઊઠીને પોતાને અવતાર કે તારણહાર જાહેર કરે? એ નહીં તો તેના અનુયાયીઓ કરે. આવો તે કોઈ ધર્મ હોતો હશે જેમાં સદીએ સદીએ બે-ચાર સંપ્રદાય કે પેટા-સંપ્રદાય ઉમેરાય? શરમાનારાઓએ લગભગ આવી ભાષામાં શરમના ઉદ્ગારો કાઢ્યા છે તો ચિંતા સેવનારાઓએ આ જ ઉદ્ગારો મોરારિબાપુની ચિંતાના સૂરમાં કાઢ્યા છે. બંનેને સરવાળે એક જ વાત કરવાની છે કે સનાતન ધર્મના ચહેરાને ચુસ્ત દુરુસ્ત અપરિવર્તનીય બનાવી રાખવો જોઈએ. એવું કાંઈક કરવું જોઈએ કે તેમાં ભેળાણ ન થાય.

૧૯મી સદીમાં રાજા રામમોહન રોય દ્વારા સ્થાપિત બ્રહ્મ-સમાજ આવી એક ઓછપની ચિંતામાંથી ઉપજેલો પ્રયાસ હતો. આવા બીજા પણ પ્રયાસ થયા હતા. દયાનંદ સરસ્વતીનો આર્ય-સમાજ સનાતન ધર્મમાંનું ભેળાણ જોઈને અનુભવેલા સંકોચનું પરિણામ હતું. દયાનંદ સરસ્વતીને એમ લાગ્યું હતું કે સનાતન ધર્મનું માળખું થોડુંક ઇસ્લામ જેવું હોવું જોઈએ, પછી ભલે એમાં શિર્કને સજા કરવાનો ડારો ન હોય. તેમાં બીદ્દ્તની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આર્ય સમાજના પ્રચારકો હિંદુઓને અ-હિંદુ સંસ્કાર છોડીને સાચા હિંદુ થવાની શીખ આપતા હતા.

શીખોના ૧૦મા ગુરુ ગોવિંદસિંહને એમ લાગ્યું હતું કે જો તેમના સંપ્રદાયને ચોક્કસ સ્વરૂપ આપવામાં નહીં આવે તો તે હિંદુ સાગરમાં ઓગળી જશે અને અલગ ઓળખ ગુમાવી દેશે. એ માટે તેમણે ૧૬૯૯ની સાલમાં ખાલસા પંથની રચના કરી હતી અને અલગ અને નિશ્ચિત ઓળખો આપી હતી. આની સાથે ચેડાં કરવાની કોઈ હિંમત ન કરે એ માટે તનખૈયા જેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તનખૈયા એટલે ધર્મદ્રોહી જેને સજા કરવાની પણ વ્યવસ્થા છે. અત્યાર સુધીમાં મહારાજા રણજીત સિંહ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહ, કેન્દ્રીય પ્રધાન બુટા સિંહ, પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુરજીત સિંહ બરનાલા વગેરેના તનખૈયા થઈ ચૂક્યા છે અને સજા પણ કરવામાં આવી છે. જ્ઞાની ઝૈલ સિંહની સજા માફ કરવામાં આવી હતી.

દયાનંદ સરસ્વતીનો અને ગુરુ ગોવિંદ સિંહનો પ્રયાસ ઓળખ વિકસાવવાનો અને ટકાવવાનો હતો. એ રીતે બન્ને પ્રયાસમાં પાશ્ચાત્ય ધર્મનાં સ્વરૂપનું અનુકરણ કરવામાં આવ્યું છે. દયાનંદ સરસ્વતી હિંદુ સનાતન ધર્મમાં પ્રવર્તતા ભેળાણથી સનાતન ધર્મને બચાવવા માગતા હતા તો ગુરુ ગોવિંદ સિંહ સનાતન ધર્મના ભેળાણથી શીખ શ્રદ્ધાને બચાવવા માગતા હતા. તેમને ડર હતો કે અલગ ઓળખ આપવામાં નહીં આવે તો હિંદુ સાગરમાં શીખ સંપ્રદાય ઓગળી જશે. બન્નેનો માર્ગ એક જ હતો, ઉદ્દેશ અલગ હતો. એકને કોઈ બહાર નીકળી ન શકે એવી વ્યવસ્થા કરવી હતી તો બીજાને બહાર નીકળવું હતું અને રહેવું પણ હતું.

તો કહેવાનો સાર એટલો કે સનાતન હિંદુ ધર્મ ચુસ્ત ચહેરા વિનાનો છે અને ટટ્ટાર કરોડરજ્જુ વિનાનો છે એ વાતે મોરારિબાપુ પહેલાં બીજા લોકોએ ચિંતા વ્યક્ત કરી છે. કોઈકે સંકોચ પણ અનુભવ્યો છે એટલે બાપુનો ઊહાપોહ કોઈ નવો નથી. ઈલાજ પણ શોધવામાં આવ્યા છે જેની ટૂંકમાં વાત અહીં કહેવામાં આવી છે. હજુ બીજા કેટલાક અજમાવવામાં આવેલા ઈલાજોની વાત આવતા અઠવાડિયે.

19 સપ્ટેમ્બર 2019

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 સપ્ટેમ્બર 2019

Loading

કાંતિ ભટ્ટ: બેચેનીનાં ૮૮ વર્ષ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 September 2019

"સૌથી સુંદર લોકો એ છે જેમણે શિકસ્ત જોઈ છે, જેમણે પીડા જોઈ છે, જેમણે સંઘર્ષ જોયો છે, જેમણે આચકો ખાધો છે અને જેમણે એ તળિયામાંથી એમનો રસ્તો શોધ્યો છે. આવા લોકોમાં કદર, સંવેદનશીલતા અને જીવનની સમજ હોય છે, જે તેમને કરુણા, ભલમનસાઈ અને ગહેરી પ્રેમાળ સહાનુભુતિથી છલોછલ ભરી દે છે. સુંદર લોકો એમ જ નથી બનતા."

— એલિઝાબેથ કુબલર-રોસ,

[ડેથ: ધ ફાઈનલ સ્ટેજ ઓફ ગ્રોથ’]

કાંતિભાઈ છદ્મ હતા. ગાયબ થઇ ગયેલા હતા. કેવી રીતે?

હું કાંતિ ભટ્ટને સિદ્ધાર્થ શાહ તરીકે ઓળખું છું, અથવા ઓળખતો હતો. કાંતિ ભટ્ટને અલગ-અલગ નામે લખવાનો શોખ હતો. શોખ કહો કે અખબારો-સામયિકોની અંદરોઅંદરની હરીફાઈ સામેની ગોઠવણ કહો, કાંતિભાઈને છદ્મ નામો એવાં ફાવી ગયેલાં કે તે નિત નવાં નામો શોધી કાઢતા અને ખુદ એ નામોમાં માનતા થઇ ગયેલા. અમુક નામો તો મને યાદ છે: પ્રેમસ્વરૂપ ભટ્ટાચાર્ય, પ્રિયકાન્ત ભાટિયા, ચંદ્રગુપ્ત મૌર્ય અને નીલેશ કંપાણી. એમાં બે 'સ્ત્રી' કાંતિ ભટ્ટ પણ હતા: મયૂરી શાહ અને પૌલોમી.

મુંબઈમાં 'ગુજરાત સમાચાર'માં કાંતિભાઈ 'આસપાસ' નામની રોજ કોલમ લખતા, એમાં સિદ્ધાર્થ શાહનું નામ આવે. આ ૧૯૯૦ની આસપાસની વાત છે. રોજબરોજની ઘટનાઓ પર, સમાચાર પત્રમાં રોજ કોલમ લખવાની શરૂઆત કાંતિભાઈએ 'આસપાસ'માં કરેલી. જેને સક્રિય પત્રકારત્વ કહે છે અથવા ફિલ્ડ રિપોર્ટીંગ કહે છે, તેમાંથી કાંતિભાઈ 'નવરા' પડ્યા અને કોલમ લખવામાં પરોવાયા, તેમાં આ 'આસપાસ' કોલમનો બહુ મોટો ફાળો.

'ચિત્રલેખા'માં ત્યારે તે કાંતિ ભટ્ટના નામે લખતા અને 'ગુજરાત સમાચાર'માં સિદ્ધાર્થ શાહના નામે. સાતે સાત દિવસ કોલમ આવે. દેશ-દુનિયાના દિવસના સૌથી મોટા સમાચાર હોય, કાંતિભાઈ એમાં પુરક માહિતીઓ ઉમેરીને સાંજે 'આસપાસ' લખે. વાચકોને એ જ દિવસના છાપામાં, એ જ સમાચારનું, તાબડતોબ વધારાનું વાંચન મળતું. પાછળથી આ 'આસપાસ' કોલમ એટલી લોકપ્રિય થઇ કે સિદ્ધાર્થ શાહને પદભ્રષ્ટ કરીને કાંતિ ભટ્ટ એમાં આવી ગયા!

જે નવોદિત પત્રકારો કે લેખકો, પ્રસિદ્ધિના અર્થમાં અને કોપીરાઇટના અર્થમાં, પોતાના નામનો મોહ રાખે છે, તેમને આમાંથી શીખવા જેવું એ છે કે તમે શું લખો છો તે અગત્યનું છે, કોણ લખે છે, તે નહીં. આ સમજવા જેવું છે. લખાણ લેખકથી ઓળખાવું ના જોઈએ, લેખક લખાણથી ઓળખાવો જોઈએ. મોટાભાગના કિસ્સાઓમાં થાય છે ઊંધું. લેખકો પોતાના પ્રેમમાં એટલા પડી જાય છે કે નીચે પોતાની સહી કરીને લખાણને મહાન બનાવવા પ્રયાસ કરે છે.

વાચકો એટલા બબુચક છે નહીં, જેટલા આપણે ધારીએ છીએ. લેખક પ્રસિદ્ધ છે, તેનો મતલબ એ નથી કે એ જે ગાંડુંઘેલું લખે, તે બધું લોકો પસંદ કરે છે. જે દિવસે લેખક એના લખાણ કરતાં મોટો થઇ જાય, ત્યારે એનું લખાણ નાનું થઇ જાય. કાંતિ ભાઈછેક સુધી એમના નામને બદલે એમના લખાણને વફાદાર રહ્યાં. એમને નામનો નહીં, લખાણનો મોહ હતો!

ગુજરાતીમાં આવા અનેક મહાન લેખકો અને પત્રકારો છે, જે તેમના લખાણોના કારણે નાના થઇ ગયેલા છે!

કાંતિ ભટ્ટે લખાણને કાયમ પહેલા નંબરે રાખ્યું. લખનાર કાંતિ ભટ્ટ હોય કે સિદ્ધાર્થ શાહ, શું ફરક પડે છે? તેમના અવસાનના ચાર દિવસ પહેલાં, તેમના ૮૮મા જન્મદિવસની ઉજવણી અને તેમના સન્માનનો એક કાર્યક્રમ ગોઠવાયેલો, તેમાં કાંતિભાઈએ પત્રકારત્વની બહુ સાદી (હવે જે દુર્લભ છે) વાત કરી હતી, "લોકોને માહિતી આપો, તમારા વિચાર નહીં." કાંતિભાઈ સમાચારના, માહિતીના પત્રકાર હતા. આજે પત્રકારો માહિતી નહીં અભિપ્રાય આપે છે, અને એટલે નીચે 'લખનાર હું પોતે' એવી સહી કરે છે. પત્રકાર પોસ્ટમેન જેવો હોય છે. તે ટપાલ પહોંચાડે. ટપાલ શું છે, તે અગત્યનું છે, ટપાલી કોણ છે, તે નહીં. એટલા માટે જ કાંતિ ભટ્ટ એમના લેખ નીચે કોઈ પણ નામ લખી દેતા હતા.

ઉપર લખ્યું તેમ, કાંતિભાઈને છદ્મ નામો ફાવી ગયેલાં. એનું કારણ વ્યવસાયીક મજબૂરી તો હશે જ, હું એને એમની એક આંતરિક મજબૂરીમાં જોઉં છું.

કાંતિ ભટ્ટને કાંતિ ભટ્ટ સામે સમસ્યા હતી. એક રોષ હતો, એક ક્રોધ હતો. એ કાંતિ ભટ્ટને બદલવા માંગતા હતા. તેમનું બચપણ અને યુવાની કંકાસવાળા ઘરમાં પસાર થઇ હતી. તેમના પિતા અત્યંત ક્રોધિત વ્યક્તિ હતા. "પત્રકાર તરીકે નહીં પણ કાંતિલાલ હરગોવિંદ ભટ્ટ તરીકે પણ મેં એકે ય સારી દિવાળી જોઇ નથી. અમુક દ્રષ્ટિએ મારું આખું કુટુંબ શાપિત કુટુંબ હોય તેવું લાગે છે. માત્ર હું પત્રકાર બન્યો અને કાંતિ ભટ્ટ તરીકે લોકો જાણે છે એ એક નાનકડું આશ્વાસન છે, પણ અંગત રીતે મને એ આશ્વાસન ગમતું નથી," એવું કાંતિભાઈએ લખેલું છે.

કાંતિભાઈ તેમના અંગત જીવનમાં અત્યંત ક્રોધિત વ્યક્તિ હતા, એવું કહું તો એમાં નકારાત્મકતાના ભાવ કરતાં, તેમને સમભાવથી જોવાનો પ્રયાસ વધુ છે. કદાચ એ વારસામાં હતું. કદાચ એ જીનેટિક હતું. કાંતિભાઈના એ ક્રોધને બેચેની કે રેસ્ટલેસનેસનું નામ આપી શકાય. આ રેસ્ટલેસનેસ જ એમનો સમુદ્રી કંપાસ બની ગયો અને એમને ગુજરાતી પત્રકારત્વના છેલ્લા મહાન પત્રકારોમાંથી એક બનાવી ગયો. એ ગમે તે નામે લખવા તૈયાર હતા, કારણ કે અંદર જે બેચેની, ક્રોધ અને ફરિયાદ હતી, તે તેમણે લખવા-વાંચવામાં ડુબાડી દીધી હતી. મેં એકવાર એમને સૂચન કરેલું (જયારે એ લખવામાં થોડા પેન-છુટ્ટા થઇ ગયેલા ત્યારે) કે જથ્થાબંધ લખવાની ઓછું કરીને અઠવાડિયે એક મસ્ત લેખ લખોને!

આમતેમ ઉડાઉ જવાબ આપીને મને એમણે કહેલું, "લખીશ નહીં, તો મરી જઈશ." આ સાચું છે. લોકો રાતે ઊંઘ ના આવે તો અલ્પ્રાઝોલમની ગોળીઓ ખાય કે દારૂનો પેગ બનાવે. કાંતિભાઈ લખવા બેસે. મને કહેલું, "રાતે બે વાગે ઊઠીને લખવા બેસી જાઉં છું."

આ બધું વાંચવામાં કે સાંભળવામાં બહુ રોમેન્ટિક લાગે, પણ આ ઘવાયેલા આત્માનાં તરફડિયાં છે, જેને અંગ્રેજીમાં રેસ્ટલેસનેસ એટલે કે બેચેની કહે છે. રેસ્ટલેસનેસ એટલે વ્યાવસયિક અને અંગત જિંદગી પ્રત્યે એક પ્રકારનો અભાવ. "બસ આ જ? બસ આટલું જ?" એ રેસ્ટલેસનેસનો પાયાનો પ્રશ્ન. બહારથી જીવન ભર્યુંભાદર્યું લાગતું હોય, પણ અંદરથી અસંતોષ હોય. તમે વ્યસ્ત હો અને સફળ હો, પણ અંદર ખાલીપણાનો અહેસાસ હોય. આ બેચેની, આ સતહીપણું, આ અવસાદ અને આ ખીજ તમે તમારા બોસ, તમારા દોસ્તો કે તમારા પરિવાર પર ઠાલવી ના શકો. તમને આવા ભાવ કોરી ખાતા રહે કારણ કે જીવનમાં તમે જે વિકલ્પો પસંદ કર્યા છે, તે તમને જોડાવાને બદલે જાત સાથેથી ડિસ્કનેક્ટ કરે.

માણસની સર્જનાત્મકતા આ રેસ્ટલેસનેસમાંથી આવે છે. આપણા જીવનની જે શ્રેષ્ઠતમ ક્ષણો છે, તે ત્યારે આવે છે, જયારે તમે ગહેરાઈમાં અસુખ, અધુરપ અને અસંતોષનો અહેસાસ કરતા હો. તમે જ્યારે અસુવિધા અનુભવો, ત્યારે જ તમે ચીલામાંથી ખુદનો કાંઠલો ઝાલીને બહાર નીકળો અને અસલી જવાબો શોધવાના બીજા રસ્તા અપનાવો.

ઇંગ્લિશ કવિ વિલયમ વર્ડ્ઝવર્થે તેની કવિતા 'ધ રેઈનબો'માં એક યાદગાર લાઈન લખી છે કે 'બાળક એ માણસનો પિતા છે.' એક માણસની ૨૫-૩૫ વર્ષની વયે આંતરિક તંદુરસ્તી કેવી હશે, તેના ચાસ બાળપણમાં જ પડી જાય છે. સ્વીસ મનોવૈજ્ઞાનિક સિગ્મંડ ફ્રોઈડે પહેલીવાર તારણ કાઢ્યું હતું કે વયસ્ક વયે માણસનું માનસિક સ્વસ્થ્ય કેવું હશે, તે તેના બાળપણના અનુભવો પર આધાર રાખે છે.

કાંતિભાઈનો આ ચીલો બચપણમાં અંકિત થઇ ગયો હતો. એ ક્યાંક રેસ્ટલેસ હતા, ક્યાંક ડિસ્કનેક્ટ હતા.

પિતા હરગોવિંદ ભટ્ટ શિક્ષક અને કવિ હતા, પરંતુ કાંતિભાઈની માતા પ્રત્યે અતિ ક્રૂર હતા. કાંતિભાઈની માનસિકતા અહીંથી ઘડાઈ હતી. તેમણે લખ્યું છે કે, "હું મારા પિતાનો પ્રશંસક રહ્યો નથી. પિતા મારા પ્રત્યે ખૂબ પ્રેમાળ, ભોળા અને ઉદાર હતા, પણ મારી માતા પ્રત્યેની તેમની ક્રૂરતા એ મારું કમનસીબ હતું."

કાંતિભાઈ ઘરકામથી ત્રાસેલી માતા અને પિતાના ઝઘડાના સાક્ષી હતા. "બચપણમાં મેં માતા-પિતા વચ્ચેના કમેળને જોયો છે," કાંતિભાઈ લખે છે, "મારા હૃદયમાં એ કમેળ, ખટરાગ અને વિસંવાદના દાઝકા પડયાં છે. પત્રકાર નહોતો ત્યારે જવાનીમાં એ દાઝકાએ મને બળવાખોર બનાવ્યો હતો. મારી બળવાખોરીનું તમામ પરિણામ નાસીપાસીમાં આવ્યું."

એક તો ઘરનો આ માહોલ, એમાં ન ગમતાં પહેલાં લગ્ન અને ઉપરથી આંતરડાની બીમારી. આ ત્રણે બાબતો કાંતિભાઈને કઠતી હતી, અને એમને એમાંથી રસ્તો જોઈતો હતો. એ પત્રકાર ના બન્યા હોત, તો સાધુ થઇ ગયા હોત. આંતરડાની બીમારીથી ત્રાસીને એ ઉરૂલીકાંચનના ગાંધી આશ્રમમાં ઉપચાર માટે ગયા હતા. ત્યાંથી તેમણે હિમાલય જતા રહેવાનું નક્કી કર્યું હતું. ના જવાયું, અને મુંબઈ આવીને પત્રકાર બની ગયા. કાંતિભાઈ જો હિમાલય જતાં રહ્યા હોત અને પાછા આવ્યા હોત, તો તેમનું નામ કાંતિ ભટ્ટ ના હોત.

કાંતિભાઈ એમની પીડાના સમાધાન માટે હિમાલયમાં જઈને સાધુ ના થયા, તે સારું જ થયું. નહીં તો ગુજરાતને એક બહેતર પત્રકાર ના મળ્યો હોત. સાધુઓ નવાં નામ ધારણ કરતા હોય છે, એટલે જ કાંતિભાઈ બીજા નામે લખતા હશે!

કદાચ છદ્મ નામો રાખીને તેમને 'બીજા કોઈક' હોવાનો ક્ષણિક સંતોષ થતો હશે. લખવાનો અને વાંચવો જે શોખ હતો, તે મૂળભૂત રીતે રેસ્ટલેસનેસમાંથી અને ખુદને તલાશવામાંથી આવ્યો હતો. કાંતિ ભટ્ટ 'સિદ્ધાર્થ શાહ' કે 'ચંદ્રગુપ્ત મૌર્ય'ને વાંચે, તો કદાચ એમને પેલા રેસ્ટલેસ કાંતિભાઈના ખોળિયામાંથી બહાર નીકળીને બેઘડી બીજા કોઈ હોવાનો આનંદ આવતો હશે!

કાંતિભાઈએ ખુદને પુસ્તકો વચ્ચે ડુબાડી દીધા હતા. એ ખૂબ લખતા તો હતા, ખૂબ વાંચતા પણ હતા. આમ 'અ-સામાજિક' કહેવાય તેવા કાંતિભાઈને ખાવા-પીવા, હરવા-ફરવાનો શોખ ન હતો એટલે પુસ્તકો, સામયિકો અને સમાચારપત્રોમાં ખૂબ પૈસા વાપરતા. તેમને મળવા જનારા ચાહકો પાછા આવીને, કાંદિવલીમાં 'ક્ષિતિજ' બિલ્ડીંગના ૭માં માળે ફ્લેટમાં દરેક રૂમમાં પથરાયેલાં પુસ્તકોની અધધધ સંખ્યાનાં ગુણગાન ગાતા. કાંતિભાઈને ય મઝા આવતી. એ ચાહકોને પુસ્તકો જોવા બોલાવતા.

ગુજરાતી વાચકો ભલે કાંતિભાઈને માહિતીના પત્રકાર તરીકે જાણતા હોય, પણ મને લાગે છે કે પત્રકારત્વથી દૂર, એક માણસ કાંતિભાઈ તરીકે તેઓ તેમની ચિંતનની કોલમોમાં ખુદની બેચેનીનો રસ્તો શોધતા હતા. ગુજરાતીમાં ચિંતનનાં લખાણોના નામે બહુ મોટી છેતરપીંડી ચાલે છે, પણ કાંતિભાઈમાં એક અસલી અધ્યાત્મિક ખોજ હતી. મૂળે જે હિમાલયમાં પલાયનવાદનો આશરો લેવાની પેલી વર્ષો પહેલાં વૃત્તિ હતી, તેણે માહિતીના પત્રકારત્વમાંથી પોરો ખાધા બાદ, ચિંતનાત્મક લખાણોમાં માથું ઊંચક્યું હતું.

એ લગભગ તમામ વિષયો પર લખી શકતા હતા અને તે માટે તેમની પાસે તમામ પ્રકારનાં પુસ્તકો હતાં, પણ એમનો અંગત પ્રેમ અધ્યાત્મ અને મનોવિજ્ઞાનનાં પુસ્તકોમાં હતો. આમ પણ મનોવિજ્ઞાન અધ્યાત્મનું જ આગલું કદમ છે, જે માણસના વૈચારિક અને ભાવનાત્મક જીવનને સમજવાનો પ્રયાસ કરે છે. કાંતિભાઈને પોતના વિશેના અમુક સવાલોના જવાબ જોઈતા હતા અને એટલે એ પુસ્તકોમાં માથાં મારતા હતા. એવું કહી શકાય કે હિમાલયમાં જઈ ના શક્યા, એટલે ઘરમાં પુસ્તકોનો હિમાલય ખડકી દીધો. એ માત્ર લખવા માટે જ નહીં, પણ સમજવા માટે અને સમજણના માધ્યમથી ખુદને બદલવા પણ માંગતા હતા.

એ એમનો મોહ બની ગયું. એ પુસ્તકોમાં અટવાઈ ગયા. એક અનુભવ કહું.

વિચારક જે. કૃષ્ણમૂર્તિને મે વાંચેલા હતા અને મને એમના જીવનને સમજવામાં રસ પડ્યો હતો. મેં તે સમયે પુસ્તકો વાંચવાનાં બંધ કરી દીધાં હતા (આજે ય નથી વાંચતો). વ્યવસાયના ભાગ રૂપે ખપ હોય, તે વાંચું પણ 'ઉછીના જ્ઞાન'થી મહાન હોવાના ભ્રમમાંથી બહાર નીકળી ગયો હતો. પુસ્તકો વાંચેલા બૌદ્ધિકો અંગત જીવનની વાસ્તવિકતાઓથી દૂર થઇ જાય છે અને પોતે ય દુઃખી થાય છે અને આજુબાજુવાળાઓને પણ દુઃખી કરે છે, એવા એક હજાર કિસ્સાઓ મને ખબર છે. મેં સેક્સથી લઈને સુપરકોન્સિયસનેસ અને પીડાથી પરમેશ્વર સુધીનું બધું જ વાંચ્યું છે અને એનાથી મારી અંદર એક તસુનો ય ફરક પડ્યો નથી. હા, 'બહુ જાણું છું' એવો અહંકાર જરૂર ઉપલબ્ધ થયો છે! હું પુસ્તકો ખરીદતો નથી અને કોઈ લઇ જાય, તો પાછું માંગતો નથી!

હું માનતો થયો છું કે પુસ્તકો વાંચવાથી તમારી હોંશિયારીને અને આવડતને વધુ ધાર નીકળે અને તમે તમારા વ્યવસાયમાં બધું પ્રગતિ કરી શકો, પણ તમે જો એમ માનતા હો કે એનાથી તમે બહેતર ઇન્સાન બની જાવ છો કે તમારી અંદરની જે જંગલી વૃત્તિઓ ગાયબ થઇ જાય છે, તો એ ભ્રમ છે. પુસ્તકો વાંચવાથી માણસ જો સુધરી જતો હોત, તો આ પૃથ્વી બહુ પહેલાં સ્વર્ગ બની ગઈ હોત!

બહરહાલ, જે. કૃષ્ણમૂર્તિના આંતરિક પરિવર્તનને લઈને કોઈ શક નથી અને વીસમી સદીના ધુઆંધાર વિચારકોમાં એમનું સ્થાન છે. એમના વિશે મેં લગભગ બધું જ વાંચ્યું હતું. એક રહી ગયું હતું. એ વિવાદાસ્પદ હતું, એટલે મને રસ હતો, કારણ કે એ મને એમના આંતરિક જીવનની ઝાંખી કરાવતું હતું. કૃષ્ણમૂર્તિના અનુયાયી કે સાથીદાર હતા, રાજગોપાલાચાર્ય દેસીકાચાર્ય અને તેમની પત્ની રોઝાલિન્ડ રાજગોપાલાચાર્ય. ચાર દાયકા સુધી કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનના કામ આ બંને પતિ-પત્નીએ કરેલું.

બંનેની દીકરી રાધા રાજગોપાલ સ્લોસે, આ ચાર દાયકાના જીવન પર એક પુસ્તક લખ્યું હતું; Lives in the Shadow with J. Krishnamurti. ૧૯૯૧માં આ પુસ્તક પ્રગટ થયેલું. એ પુસ્તકમાં રાધાએ જે. કૃષ્ણમૂર્તિને ખુબસુરત રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. પાછળથી જેનો બહુ વિવાદ થયો એવી એક વાત એમાં એ હતી કે રાધાએ તેમાં એની માતા રોઝાલિન્ડ અને કૃષ્ણમૂર્તિ વચ્ચેના અંતરંગ સંબંધને પણ અત્યંત સુંદર રીતે દુનિયા સામે મુક્યો હતો. છાપાંઓએ આને 'કૌભાંડ' તરીકે પેશ કરેલું. મને આ વિવાદની ખબર હતી, પણ પુસ્તકમાં વાસ્તવમાં કેવી રીતે શું લખેલું છે, તેની ખબર ન હતી, કારણ કે આ પુસ્તક (ભારતમાં) અપ્રાપ્ય હતું. હું એ પુસ્તક શોધતો હતો. મળતું ન હતું.

૨૦૧૦માં હું મુંબઈમાં હતો, ત્યારે કાંતિભાઈને મળવા દર અઠવાડિયે જતો. એમની સાથે સંબંધ તો ૧૯૯૨માં 'સિદ્ધાર્થ શાહ'ના સમયથી હતો, પણ તેમના ફ્લેટની ગેલેરીમાં બેસીને વાતો કરવાનું ૨૦૧૦ની આસપાસ વધ્યું હતું. એમના પુસ્તકાલયમાં મને રસ ન હતો, પણ કાંતિભાઈની ઉપર કોકનો ફોન આવે તો હું આમતેમ ડાફોળિયાં મારતો. એમાં એક દિવસ એમના પુસ્તકોની એક રેકમાં સૌથી તળિયેની લાઈનમાંથી 'કૃષ્ણમૂર્તિ' શબ્દ લખેલું પુસ્તક મે બહાર ખેંચ્યું. ધૂળ ચઢેલી હતી. ખંખેરી તો નામ વંચાયું; Lives in the Shadow with J. Krishnamurti.

સ્વાભાવિક રીતે જ, મને રોમાંચ થયો કે હાશ, હવે અસલી વાંચવા મળશે. મે કાંતિભાઈને કહ્યું કે આ મને મળતું ન હતું, હું લઇ જાવ છું, વાંચીને પાછું આપી દઈશ. કાંતિભાઈએ ના પાડી દીધી! એ બોલ્યા, અહીં બેસીને વાંચવું હોય, તો વાંચો, લોકો લઇ જાય છે પછી પાછું નથી આપતા. મે કહ્યું કે કાંતિભાઈ, લોકોની તો ખબર નથી, પણ હું પોતે પુસ્તકોના મોહમાંથી બહાર આવી ગયો છું અને ઘણાં વખતથી ખરીદતો ય થઇ, પણ આ પુસ્તકમાં મને એકેડમીક દિલચસ્પી જ છે, શેલ્ફમાં સજાવવામાં કોઈ રસ નથી. ના માન્યા. મેં આમતેમ થોડાં પાનાં ઉથલાવીને, હતું ત્યાં પાછું મૂકી દીધું.

મને ત્યારે વિચાર આવેલો કે કાંતિભાઈ મૃત પુસ્તકોનાં, ઉછીના, સેકંડ-હેન્ડ વિચારોના મોહમાંથી બહાર આવી ગયા હોત, તો ચિંતનના નામે ઘણું મૌલિક આપી શક્યા હોત, પરંતુ માહિતીના લખાણોની જેમ જ, ચિંતનમાં પણ તે પુસ્તકોમાંથી રીસાઇકલ કરતાં રહ્યા. તેમાં કાંતિભાઈનું ખુદનું, જાત અનુભવનું ચિંતન ના આવી શક્યું. મેં એકવાર એમને 'આત્મકથા' લખવાનું કહેલું. મને કહે, છાપામાં લખવાની ડેડલાઈન માથા ઉપર હોય, તો લખાય. છાપામાં આત્મકથાની કોલમ શરૂ કરો, તો લખું. પછી બોલ્યા, પણ કોકને ના ગમે એવું ય એમાં આવે તો, ક્યાં જવું? એમણે લખ્યું હોત, તો તેમની આંતરિક જિંદગી વિશે ઘણો પ્રકાશ પડ્યો હોત, બાકી એમના પત્રકારત્વ વિશે લખનારા તો બહુ છે!

તેમનામાં ખૂબ પીડા હતી અને એ તેને સમજવા માંગતા હતા. સમજ્યા પણ હશે, પરંતુ સંદર્ભ ટાંકવાની અસલી પત્રકારની એમની આદતના કારણે તેઓ પીડા જેવા સૌથી મૌલિક અહેસાસમાં પણ તેમની ચિંતનની કોલમમાં દેશ-વિદેશના અધ્યાત્મિક ગુરુઓ અને મનોવિજ્ઞાનીઓને ખેંચી લાવતા હતા. એમાં કાંતિભાઈ ખોવાઈ ગયા.

માહિતીઓની કોલમમાં તો ખેર એમના અસલી હસ્તાક્ષર ના હોય, તો ચાલી જાય, પણ ચિંતનનાં એમનાં લખાણોમાં એ એમના જીવનભરના અહેસાસોને કોઈ પુસ્તક કે કોઈ ગુરુ કે કોઈ નિષ્ણાતને ટાંક્યા વગર રજૂ કરી શક્યા હોત. આ એક એવો એરિયા હતો, જેમાં કાંતિભાઈ ખુદ પુસ્તક કે ગુરુ કે નિષ્ણાતની ઓથોરિટી ધરાવતા હતા.

આ લેખ, એ ખોવાઈ ગયેલા કાંતિભાઈને તલાશવાનો (નિષ્ફળ) પ્રયાસ છે. કદાચ એ છદ્મતા જ એમની અસલી પહેચાન હતી.

તેમની દીકરી શક્તિનું યુવાન વયે અવસાન થયું, ત્યારે મેં કાંતિભાઈને સવારે ૧૧ વાગે ફોન કર્યો હતો. એક મિનીટ વાત કરી. મને કહ્યું, "ચાર કલાકમાં હું આમાંથી બહાર આવી જઈશ." ત્રણ વાગે એમનો પાછો ફોન આવી ગયો. પોતાની દીકરીના અકાળ મૃત્યુના ગમમાંથી બહાર આવતાં કાંતિ ભટ્ટને ચાર કલાક લાગ્યા હતા.

થોડા દિવસ પછી તેમણે એક લેખ પણ લખ્યો હતો. એ લખવા માટે તેમણે એશિયાટિક લાઇબ્રેરીમાંથી (લેખની શરૂઆતમાં મેં જેને ટાંકી છે તે) એલિઝાબેથ કુબલર-રોસ નામની, મૃત્યુ પર ઓથોરિટી કહેવાય તેવી, સ્વીસ-અમેરિકન સાઇકિયાટ્રીસ્ટનું પુસ્તક Death: The Final Stage of Growth મંગાવ્યું હતું. એ લેખમાં કાંતિભાઈએ લખ્યું હતું, "માણસે મૃત્યુને સ્વીકારી લેતાં શીખી લેવું જોઇએ, મૃત્યુ પછી શાંતિનો અનુભવ કરવો, કકળાટ નહીં. મૃત્યુ ડરવા જેવી કે શોક કરવા જેવી નહીં, પણ સ્વીકારી લેવા જેવી ચીજ છે. મૃત્યુ એ કોઇ અકસ્માત કે ચાન્સની વાત નથી, માણસ જન્મે ત્યારે જ મૃત્યુ એના શરીરમાં પ્રોગ્રામ્ડ હોય છે, એક શિડ્યુઅલ પ્રમાણે શરીરના અંદરના ભાગ અને કોષો ક્રમશ: મરતા જાય છે. એક અદ્રશ્ય ફોર્સ તેને મૃત્યુ તરફ આકર્ષતો હોય છે."

અસલી કાંતિભાઈ કદાચ આવા જ કોઈક અદ્રશ્ય ફોર્સની આસપાસ હતા. મારે એ કાંતિભાઈને જાણવા-સમજવા હતા.

લોકો કાંતિભાઈને પત્રકાર અને લેખક તરીકે ઓળખે છે. હું તેમને એક restless soul, બેચેન જીવ તરીકે ઓળખું છું. એ સતત બેચેનીમાં જીવ્યા. એમનું લખવાનું, એમની આકસ્મિકતા (એ આકસ્મિક ફોન કરે અને તમે વધારે બોલો તે પહેલાં ફોન અણધાર્યો મૂકી દે), એમનું એકાંત, એમની જીદ, એમનો ક્રોધ, એમની સફળતા, એમની નિષ્ફળતા અને એમનું સ્વાવલંબન આ બેચેનીમાંથી આવ્યું હતું. એ પુસ્તકોમાં આ બેચેનીમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધતા રહ્યા.

પણ કાંતિ ભટ્ટને આ બેચેનીમાંથી બહાર નીકળતાં ૮૮ વર્ષ લાગ્યાં.

(પ્રગટ : “કોકટેલ જિંદગી”, સપ્ટેમ્બર 2019)

Loading

...102030...2,7162,7172,7182,719...2,7302,7402,750...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved