Opinion Magazine
Number of visits: 9684625
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એટમ બોમ્બ કરતાં વધારે જોખમી પ્લાસ્ટિકે હવે માનવશરીરમાં પણ દેખા દીધી છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|23 September 2019

પર્યાવણમાં ઠેરઠેર પડેલા, પ્રસરેલા પ્લાસ્ટિકમાંથી જો ક્લિંગ રૅપ બનાવાય તો આખી પૃથ્વી ફરતે તે વિંટાળી શકાય એટલું પ્લાસ્ટિક પ્રદૂષણ થઈ ચુક્યું છે.

યુનાઇટેડ નેશન્સ કન્વેનશન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશનની ચૌદમી કૉન્ફરન્સ ઑફ પાર્ટીઝમાં આપણ વડાપ્રધાને જાહેરાત કરી કે, ‘હવે એ સમય આવી ગયો છે કે આખું વિશ્વ સિંગલ યુઝ પ્લાસ્ટિકને અલવિદા કરે.’ ૨જી ઑક્ટોબર, ગાંધીજીની ૧૫૦મી જન્મી જયંતીનાં રોજ વડાપ્રધાન પ્લાસ્ટિકનાં ઉપયોગને ઘટાડવા અંગે જાહેરાત કરે તેવી વકી છે, ત્યારે હજી આપણે કઇ કઇ ચીજોને સિંગલ યુઝ પ્લાસ્ટિક તરીકે નિયત કરીએ છીએ એ અંગે હજી સ્પષ્ટતા નથી. સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે એવું પ્લાસ્ટિક જેમાંથી બનેલી ચીજોનો એકથી વધારે વાર ઉપયોગ કરવો જોખમી ગણાય. તે ડિસ્પોઝેબલ હોય, એકવારનાં ઉપયોગ પછી તેને ફેંકી દેવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી હોતો. જો કે હાલમાં સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા બાર ચીજો પર પ્રતિબંધ મુકવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે.  આ બાર ચીજોમાં પ્લાસ્ટિકની પાતળી થેલીઓ, રૅપિંગ ફિલ્મ્સ, સ્ટ્રૉઝ, સ્ટિરર, ડિસ્પોઝેબલ કટલરી, ફુગ્ગામાં, ઇયર બડ્ઝ અને પેપરમિન્ટ કે લૉલીપૉપ્સમાં વપરાતી પ્લાસ્ટિકની સળીઓ, સિગરેટ બટ્સ, થર્મોકૉલ, ૨૦૦ એમ.એલ.થી નાના કદની ઠંડા પીણાની બૉટલ અને રસ્તા પર લગાડાતા બેનર્સનો સમાવેશ કરાયો છે.

મજાની વાત છે કે આ યાદીમાં ચિપ્સ, નટ્સ વગેરે જે મલ્ટિ લેયર પૅકેજિંગમાં વેચાતું હોય છે તેનો તો ઉલ્લેખ પણ નથી કરાયો. આ પૅકેટ્સ ક્યારે ય રિસાઇકલ નથી થતાં અને એટલે જ કાગળ છત્તર ઉપાડનારાં પણે તે વીણતાં નથી. આપણાં શહેરો પાણીમાં જ નહીં પ્લાસ્ટિકમાં પણ ગરકાવ થઇ રહ્યાં છે. ભારતમાં દર વર્ષે પ્રતિ વ્યક્તિ ૧૧ કિલો પ્લાસ્ટિક વપરાય છે, આ આંકડો અન્ય રાષ્ટ્રોની સરખામણીએ ઘણો ઓછો છે પરંતુ, આપણી વસ્તીને ધ્યાનમાં લેશો, તો આ આંકડો અધધધધ કરતાં ય મોટો થશે. વળી આપણે ત્યાં રોજેરોજ ૨૬ હજાર ટન પ્લાસ્ટિક વેસ્ટ પેદા થાય છે અને એમાંથી કેટલો પ્લાસ્ટિકી કચરો રિસાઇકલ થાય છે તેનો કોઇ ચોક્કસ આંકડો નથી. મોટાભાગનો આ પ્લાસ્ટિક કચરો નદીઓ, દરિયા કે મોટાંમસ ઉકરડા ભેગો જ થાય છે.

પ્લાસ્ટિકનું સંશોધન માણસજાત માટે એટમ બોમ્બ કરતાં કંઇકગણું વધારે જોખમી છે. ‘ધી ઇન્ડિપેન્ડન્ટ’માં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ આપણી દુનિયાનાં સમુદ્રમાં આપણી આકાશગંગામાં રહેલા તારાઓ કરતાં પ૦૦ ગણાં વધારે માઇક્રોપ્લાસ્ટિકનાં હિસ્સા છે. જે રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે તે જોતાં ૨૦૫૦ સુધીમાં આખા વિશ્વનાં સમુદ્રોમાં જેટલી માછલી છે તેનાં કરતાં પ્લાસ્ટિક વધારે હશે. આપણી રોજિંદી જિંદગીમાં ટુથપેસ્ટની ટ્યૂબ, ગરણી, ડોલ, ડબલાં, સૉપ કેસિઝથી માંડીને થેલીઓ, ટૂથ બ્રશ, ડબ્બાં વગેરે જેવી કેટલકેલી ચીજોમાં આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. આપણે પ્લાસ્ટિકનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ તેમાં કંઇ નવાઇ નથી કારણ કે પ્લાસ્ટિક સસ્તું છે, ટકાઉ છે અને ધારીએ એ આકારમાં તેનો ઉપયોગ કરી શકાય છે. વૈજ્ઞાનિકોને મતે જે બેકાબૂ રીતે પ્લાસ્ટિક વપરાય છે અને પછી ફેંકી દેવાય છે તે જોતાં પૃથ્વી પર એક અનિયંત્રિત પ્રયોગ થઇ રહ્યો છે જેનું પરિણામ માઠું જ આવવવાનું છે. દુનિયામં દર મિનિટે દસ લાખ પ્લાસ્ટિકની પાણીની બૉટલ ખરીદાય છે. આપણે જે વાપરીએ છીએ તેમાંથી પચાસ ટકા પ્લાસ્ટિક સિંગલ યુઝ પ્લાસ્ટિક હોય છે.

વિશ્વમાં ક્યાં છે પ્લાસ્ટિક બૅગ્ઝ પર પ્રતિબંધ?

1.   અમેરિકામાં વૉશિંગ્ટન ડી.સી.માં પ્લાસિ્ટક બૅગ્ઝના ઉપયોગ પર ટૅક્સ લાદવામાં આવ્યો અને તેમાંથી મળતા રેવન્યુનો ઉપયોગ એનાકોસ્ટિયા રિવર ક્લિન અપમાં કરાયો. ૨૦૦૯માં આ ટૅક્સ જાહેર કરાયા પછી પ્લાસ્ટિક બૅગ્ઝનાં ઉપયોગમાં ૮૫ ટકા ઘટાડો છે. યુ.એસ.એ.નું સાન ફ્રાન્સિસ્કો ૨૦૦૭માં એવું પહેલું શહેર બન્યું, જ્યાં પ્લાસ્ટિક બૅગ્ઝ પર પ્રતિબંધ મુકાયો અને તેનાથી થતાં પ્રદૂષણમાં ૨૦૧૦થી ૭૨ ટકા ઘટાડો નોંધાયો છે. ત્યાં સિએટલમાં પ્લાસ્ટિક બૅગનાં ઉપયોગમાં ૭૮ ટકા ઘટાડો છે તો બૉસ્ટનમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં જ પ્લાસ્ટિક બૅગ્ઝ પર પ્રતિબંધ મુકાયો છે.

2.     કેન્યામાં ૨૦૧૭માં આધા રાષ્ટ્રમાં પ્લાસ્ટિક બૅગ્ઝ પર પ્રતિબંધ મુકાયો જેથી ખેતી, મત્સ્ય ઉદ્યોગ અને ટુરિઝમ સુરક્ષિત રહે. આ પ્રતિબંધ સિંગલ યુઝનાં વિક્રેતા અને ઉત્પાદકો પર પણ લાગુ કરાયો. જરૂર પડી ત્યાં કાયદો તોડનારને ચાર વર્ષની જેલ અથવા ૪૦,૦૦૦ દંડની સજા પણ ફટકારાઇ.

3.     ચીલે[Chile]માં પણ રાષ્ટ્રીય સ્તરે ૨૦૧૭માં કાયદો પસાર કરાયો પણ તે દરિયાકાંઠે આવેલા શહેરોમાં જ લાગુ પડે છે. આ નીતિ હેઠળ ૨૩૦ શહેરો પ્રભાવિત છે જેમાં મેટ્રો સિટીઝ અને સહેલાણી શહેરો પણ સમાવિષ્ટ છે. અહીં સજા રૂપે કાયદાનું ઉલ્લંઘન કરનારને ૩૦૦ અમેરિકન ડૉલર્સનો દંડ ફટકારવામાં આવે છે.

4.     યુનાઇટેડ કિંગ્ડમમાં  ૨૦૧૫નાં ઑક્ટોબરથી સ્ટોર્સ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક બૅગ્ઝ માંગનારા ગ્રાહકો પાસેથી પાંચ પેન્સ ઉઘરાવવાની શરૂઆત થઈ. જે પણ બિઝનેસમાં ૨૫૦થી વધારે કર્મચારીઓ હોય ત્યાં પ્લાસ્ટિક બૅગ્ઝની કિંમત ગ્રાહકો પાસેથી લેવાય છે. યુનાઇટેડ કિંગ્ડમમાં પ્લાસ્ટિક બૅગ્ઝનાં વપરાશમાં ૮૦ ટકા ઘટાડો થયો છે વળી કચરા સાફ કરાવવાનાં કામમાં પણ ૬૦ મિલિયન પાઉન્ડનો તો કાર્બન સેવિંગ્ઝમાં ૧૩ મિલિયન પાઉન્ડનો ખર્ચ ઘટ્યો છે.

5.     ઑસ્ટ્રેલિયામાં ૩૫ માઇક્રોન્સથી ઓછી ઘનતા ધરાવતી બૅગ્ઝ પર ૨૦૧૧માં પ્રતિબંધ મુકાયો. સરકારે નાગરિકોને રિ-યુઝેબલ બૅગ્ઝ વાપરવા પ્રોત્સાહન આપ્યું. પરિણામે ઉકરડા(લેન્ડ ફિલ્સ)માં જતા વેસ્ટમાંથી એક તૃતિયાંશ પ્લાસ્ટિક વેસ્ટ ઓછો થઇ ગયો. નાગરિકોએ આ પ્રતિબંધને ૭૦ ટકા સફળ બનાવ્યો છે.

6.     ચીનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બૅગ્ઝ પર સદંતર પ્રતિબંધ મુકાયો. કાયદો તોડનારી કંપનીઓને ૧૦,૦૦૦ યુઆન એટલે કે ૧,૫૯૩ યુ.એસ. ડૉલર્સ જેટલો દંડ ભરવો પડે છે.  પ્રતિબંધથી પોલિથીન બૅગ્ઝનાં ઉપયોગમાં ૬૬ ટકા ઘટાડો જોવા મળ્યો છે વળી કાયદાનું કડક પાલન થાય તે માટે કુલ ૬ લાખ રેગ્યુલેટર્સને આખા દેશનાં ગ્રોસરી સ્ટોર્સમાં મોકલવામાં આવ્યા જેથી તેઓ ખાતરી સાથે નિયમનું પાલન કરાવી શકે.

7.     આપણા દેશમાં કર્ણાટકમાં બૅગ્ઝ જ નહીં પણ પ્લાસ્ટિકની ડિશ-ચમચી વગેરેનાં ઉપયોગ અને ઉત્પાદન પર  પર ૨૦૧૬ની સાલથી પ્રતિબંધ મુકાયો છે.

 
પ્લાસ્ટિક વેસ્ટ પ્રત્યેની આ જાગૃતિની ધાર અચાનક જ નીકળી હોવાનાં બે મુખ્ય કારણો છે; એક તો પ્લાસ્ટિકમાં ખૂબ હાનિકારક રસાયણો હોય છે અને બીજું કે પ્લાસ્ટિક બહુ ઝડપથી અન્ય ઝેરી, હાનિકારક રસાયણોને પોતાની તરફ ખેંચે છે, ખાસ કરીને તે દરિયામાં હોય ત્યારે, જેને કારણે જળચરોને પણ ભારે નુકસાન થાય છે. પ્લાસ્ટિકની મોટામાં મોટી સમસ્યા એ છે કે એકવાર બન્યા પછી તેનાથી છુટકારો મેળવવો લગભગ અશક્ય હોય છે. ઉકરડામાં પડ્યાં પડ્યાં સડી રહેલું પ્લાસ્ટિક પૂરેપૂરી રીતે ‘ડિકમ્પોઝ’ થાય તેમાં ૧૦૦૦ વર્ષ લાગી શકે છે. પ્લાસ્ટિકની પાણીની બૉટલ્સમાં આ પ્રક્રિયા થતાં ૪૫૦ વર્ષ લાગે છે તો રોજેરોજ વપરાતી પૉલિથીન બૅગ્ઝ ડિકમ્પોઝ થવામાં ૧૦ વર્ષથી માંડીને ૧૦૦૦ વર્ષ જેટલો સમય લે છે. સાધારણ રીતે સ્વાર્થી માણસજાતે આમ તો પૃથ્વીનું નિકંદન કાઢવામાં કંઇ બાકી નથી રાખ્યું, પણ પ્લાસ્ટિકને કારણે થતી સરળતાને માણતા પહેલાં આપણે એ જાણવું રહ્યું કે પ્લાસ્ટિકમાં રહેલા માઇક્રો પ્લાસ્ટિક્સ ધીરે ધીરે માણસનાં શરીરમાં પણ પ્રવેશી રહ્યાં છે. પાણીમાં રહેલા પ્લાસ્ટિક પર જ્યારે અલ્ટ્રા વાયોલેટ કિરણો પડે ત્યારે આ પ્લાસ્ટિક વધુ સૂક્ષ્મ હિસ્સાઓમાં વહેંચાય છે. આ સૂક્ષ્મ હિસ્સાઓ બેક્ટેરિયા ગ્રહણ કરી શકે તેવા હોય છે અને અંતે તે આપણી ફુડ-ચેઇનમાં પણ પ્રવેશી શકે છે. આખા વિશ્વનાં માણસો દર વર્ષે પાંચ ગ્રામ જેટલું (બેંકનાં ડેબિટ કાર્ડ જેટલું વજન) પ્લાસ્ટિક તેમના શરીરતંત્રમાં પધરાવે છે.

નાકનું ટિચકું ચઢી જાય એવા એક સંશોધનનો ઉલ્લેખ કરવો રહ્યો. ફિનલેન્ડ, નેધરલેન્ડ, પોલેન્ડ, રશિયા, યુનાઇટેડ કિંગ્ડમ અને ઑસ્ટ્રેલિયા – આઠ દેશોમાંથી સ્વસ્થ ગણાતા લોકોનાં સ્ટુલ સેમ્પલ લેવાયાં. ટેસ્ટ અનુસાર દરેકની ઉત્સર્જન સામગ્રીમાં પોલિપ્રોપિલિન અને પોલિથાયલિન ટેરેફ્થાલેટ જોવા મળ્યાં. આ એક પ્રકારનાં માઇક્રોપ્લાસ્ટિક્સ છે જે આ સ્ટુલ સેમ્પલમાં રહેલા અન્ય માઇક્રોપ્લાસ્ટિક્સની સાથે આઠે-આઠ રાષ્ટ્રની વ્યક્તિના શરીર તંત્રમાં હાજર છે તેમ સાબિત થયું. માઇક્રોપ્લાસ્ટિક્સ લિવર, આંતરડાં અને શરીરમાં રહેવા જરૂરી પોષક તત્ત્વોને હાનિ પહોંચાડી શકે છે. પર્યાવણમાં ઠેરઠેર પડેલા, પ્રસરેલા પ્લાસ્ટિકમાંથી જો ક્લિંગ રૅપ બનાવાય તો આખી પૃથ્વી ફરતે તે વિંટાળી શકાય એટલું પ્રદૂષણ થઈ ચુક્યું છે.

બાય ધી વેઃ

ગ્રાહકો ધારે તો કંપનીઓને પોતાની વેચાણપદ્ધતિમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા ફરજ પાડી શકે છે. જ્યાં જરૂર નથી ત્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે પણ આપણે જાગૃત હોવું જરૂરી છે. પ્લાસ્ટિકનું વિભાજન મુશ્કેલ છે પણ હવે એવી ટૅક્નોલૉજી અસ્તિત્વમાં આવી છે જેને કારણે એ.આઇ.-આધારિત રોબોટ  દૂધની થેલી, પાણની બૉટલ જેવી સામાન્ય ચીજોનું વર્ગીકરણ કરી શકે છે. વિશ્વભરનાં દેશ રિસાઇકલ્ડ પ્લાસ્ટિકમાંથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખડું કરવાની દિશામાં પણ કામ કરી રહ્યાં છે. ઇકો બ્રિક્સનાં ફર્નિચર, દિવાલો વગેરે બને છે તો ભારતમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને એક લાખ કિલો મિટરનો રસ્તો બનાવવાની તજવીજ થઇ રહી છે. પ્લાસ્ટિકમાંથી ઇંધણ અથવા તો પ્લેક્સ તરીકે ઓળખાતું પ્લાસ્ટિક ઓઇલ પણ બની શકે છે. યુનાઇટેડ કિંગ્ડમની એક કંપની આ પ્રયોગ કરવામાં સફળ રહી છે અને ૭,૦૦૦ ટન પ્લાસ્ટિકમાંથી ૫,૨૦૦ ટન તેલ બનાવી શકાય છે. પ્લાસ્ટિકની હાનિથી તો આપણે વાકેફ થયાં જ છીએ પણ હવે જે છે તેનું રિ-સાયકલિંગ અને અપ-સાયકલિંક કરવાની દિશામાં વિચારવું રહ્યું. 

સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 સપ્ટેમ્બર 2019

Loading

કવિતા અને કહેવતના પ્રેમી જમશેદજી

દીપક મહેતા|Opinion - Opinion|23 September 2019

કાળચક્રની ફેરીએ

માત્ર બત્રીસ વર્ષની ટૂંકી જિંદગીમાં જમશેદજી નશરવાનજી પીતીત (પુસ્તકો પર એવણનું નામ એ જ રીતે છાપ્યું છે)  કેટલાંક મોટાં કામ કરી ગયા. ૧૮૫૬ના જાન્યુઆરીની ૨૪મી તારીખે જન્મ. મમ્મા દીનબાઈ હતાં મેહરવાનજી જીજીભાઈ મુગાનાં બેટી. મુંબઈના કોટ વિસ્તારમાં બજાર ગેટ સ્ટ્રીટમાં આવેલા એ કુટુંબના મકાનમાં જમશેદજીનો જન્મ. નસરવાનજી પીતીતને  બે બચ્ચાંઓ — એક જમશેદજી અને બીજાં આવાંબાઈ. એક તો  દોલતમંદ ખાનદાન. વળી એકનો એક નબીરો. એટલે ચાંદીના નહિ, પણ સોનાના ઘૂઘરે રમેલો. મુંબઈની ફોર્ટ હાઈસ્કૂલમાં અને પછી બોમ્બે પ્રોપ્રાયટરી સ્કૂલમાં ભણ્યા. ત્યારથી પરગજુ અને ખેરાતી સ્વભાવ. પોતાની સાથે ભણતા ગરીબ વિદ્યાર્થીઓને પૈસા, પુસ્તકો, કાગળ, પેન્સિલ, વગેરેની અવારનવાર મદદ કર્યા કરતા.

અંગ્રેજી સાહિત્યની લગન પણ ત્યારથી જ લાગેલી. પોતીકું નાનકડું પણ સમૃદ્ધ પુસ્તકાલય વસાવેલું. એ વખતે જાણીતા કવિઓના કાવ્યસંગ્રહો ઉપરાંત શેક્સપિયરની તમામ કૃતિઓ તેમાં હતી. શેક્સપિયરનું કોઈપણ નાટક મુંબઈમાં ભજવાય તો તેમાં જમશેદજી અચૂક હાજર હોય. તેમની સાથે ભણતા બીજા કેટલાક વિદ્યાર્થીઓ ગુજરાતી વાંચવા બોલવામાં નાનમ માનતા, પણ જમશેદજી અંગ્રેજી ઉપરાંત ગુજરાતી પુસ્તકો, સામયિકો, અને વર્તમાનપત્રો પણ નિયમિત વાંચતા. ૧૮૭૫માં મેટ્રિક થયા પછી જમશેદજી એલ્ફિન્સ્ટન કોલેજમાં જોડાયા પણ સેકન્ડ લેંગ્વેજ અંગે કશીક મુશ્કેલી ઊભી થતાં બીજા પારસી વિદ્યાર્થીઓ સાથે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણવા ગયા. જો કે મુશ્કેલી દૂર થતાં થોડા વખત પછી જમશેદજી ફરી એલ્ફિન્સ્ટન કોલેજમાં ગયા. પણ પોતાની અપેક્ષાઓ નહીં સંતોષાતાં થોડા જ વખતમાં તેમણે કોલેજનો અભ્યાસ છોડ્યો. નશરવાનજીએ તરત જ તક ઝડપી લીધી. એ જ વખતે તેમને ઓરિયેન્ટલ સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપનીની એજન્સી મળી હતી એટલે  પિતાએ પોરિયાને ધંધામાં લગાડી દીધો. થોડા વખતમાં જમશેદજી ઓરિએન્ટલ સ્પિનિંગ ઉપરાંત બીજી સાતેક કંપનીમાં ડિરેક્ટરના પદે નિમાયા. જમશેદજીનો વાચનનો શોખ તો પહેલાંની જેમ જ જળવાઈ રહ્યો હતો એટલે તેઓ કેટલાંક જાહેર પુસ્તકાલયોના વહીવટ સાથે પણ સંકળાયા. તેમાં ફોર્ટ રીડિંગ રૂમ એન્ડ લાઈબ્રેરી, દીનશાહ પીતીત લાઈબ્રેરી અને નવસારીના મહેરજી રાણા કિતાબખાનાનો થાય છે.

સ્કૂલમાં ભણતા હતા ત્યારથી જમશેદજીએ ગુજરાતીમાં કવિતા લખવાનું શરૂ કર્યું હતું. ૧૮ ભાગમાં વહેંચાયેલી લાંબી કૃતિ ‘માહરી મજેહ’નો ઘણોખરો ભાગ ૧૮૭૩ સુધીમાં, એટલે કે જમશેદજી મેટ્રિક થયા તે પહેલાં લખાઈ ચૂક્યો હતો અને એ જ અરસામાં ‘જ્ઞાનવર્ધક’ નામના સામયિકમાં હપ્તાવાર પ્રગટ થયો હતો. તે ઉપરાંત વિદ્યામિત્ર, ગુલ અફશાન, ફુરસદ, પખવાડિયાની મજા નામનાં સામયિકોમાં પણ તેમનાં કાવ્યો અવારનવાર છપાતાં. પોતાનો કાવ્યસંગ્રહ પ્રગટ થાય તે માટે જમશેદજી સ્વાભાવિક રીતે જ આતુર હતા પણ તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ ‘માહરી મજેહ તથા બીજી કવિતાઓ’ તેમના મૃત્યુ બાદ ૧૮૯૨માં પ્રગટ થયો.  આ સંગ્રહ લગભગ ૫૦૦ પાનાંનો છે. તેમાં જમશેદજીના નિકટના મિત્ર અને પુસ્તકના સંપાદક જીજીભાઈ પેસ્તનજી મિસ્ત્રીએ જમશેદજીના જીવનનો અહેવાલ આપ્યો છે, તેમનાં કાવ્યોની ચર્ચા કરી છે, અને જમશેદજીની કવિતાને ગુજરાતી કવિતાની પરંપરામાં યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપવાનો પ્રયત્ન કર્યો છે. આ સંગ્રહમાંનાં કાવ્યોને કુલ ચાર ભાગમાં વહેંચવામાં આવ્યાં છે. પહેલા ભાગમાં મારી મજેહ નામનું લાંબુ કાવ્ય સમાવાયું છે તે ૧૬૬ પાનાં રોકે છે. બીજા ભાગમાં તેમની છૂટક કવિતા આપી છે. ત્રીજા ભાગમાં જમશેદજીએ કરેલા અનુવાદ કે રૂપાંતર મૂકવામાં આવ્યાં છે અને ચોથા ભાગમાં અગાઉ પ્રગટ ન થઈ હોય તેવી કવિતાઓ મૂકવામાં આવી છે. પુસ્તકને બને એટલું આકર્ષક કરવા માટે તેમાં ઠેરઠેર ચિત્રો મૂકવામાં આવ્યાં છે જે ખાસ ઈંગ્લેન્ડથી આ પુસ્તક માટે મગાવવામાં આવ્યાં હતાં. જમશેદજીની બધી જ કવિતા પારસી ગુજરાતીમાં લખાયેલી છે. તેમણે પરંપરાગત રીતે પંક્તિને અંતે પ્રાસ મેળવવાનો આગ્રહ રાખ્યો નથી પણ અંગ્રેજીમાં જેને રનઓન લાઇન કહે છે તે રીતે કાવ્યોની રચના કરી છે. પારસી ગુજરાતી કવિતામાં આ રીતે કાવ્યરચના કરનાર જમશેદજી કદાચ પહેલા જ છે.

અલબત્ત આ કાવ્યો વાંચતી વખતે આજે આપણને સંતોષ થાય તેવાં કાવ્યો બહુ ઓછાં મળે છે. પણ આ કાવ્યો વાંચતી વખતે એ હકીકત ધ્યાનમાં રાખવી જોઈએ કે હજી તો જેને જુવાનીનો મૂછનો દોરો માંડ ફૂટ્યો છે તેવા એક પારસી યુવાને પોતાના કવિતા માટેના પ્રેમથી પ્રેરાઇને આ રચનાઓ કરી છે. આ સંગ્રહમાંનાં કાવ્યો કાવ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે, એવો નથી તેમનો દાવો, કે નથી પુસ્તકના સંપાદકનો દાવો. જમશેદજીની કવિતાનો અંદાજ મેળવવા તેમના માહરી માશુક નામના કાવ્યની થોડી પંક્તિઓ જોઈએ.

‘અંધારી રાતે હું ઝબકી ઊઠું છ,
વિચાર તાહારો કરવા, ઓ માશુક માહરી!
પવન જ્યારે ધીમેથી બારીની માંહે
સરકતો હોય છ, ને તારાઓ બાહર,
ગુલમહોરનાં ઝાડોમાં ધુજતા દિસે છ.
મલસકું થતાં હું આશાની માંહે,
મેલાપ તાહરો કરવા, ઓ માશુક માહરી!
બારીથી સામેનાં ઝાડોમાં જોઊં છ,
કે તેઓની ડાહલોમાં તાહરો આકાર,
ઘાસોમાં સરકતો આવે છ કે નહિ.’

(અવતરણચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે)

માહરી મજેહ  નામના લાંબા કાવ્યમાં જમશેદજીએ આ બે પંક્તિઓ લખી છે:

કવિતા લખવી, ને ચાહવાનું સુખ,
એ બે મળ્યાં મહને, ત્યાં બીજી શી ભૂખ?

કવિતા લખવી એ જ જમશેદજીને મન મોટી વાત હતી.

કવિતા લખવાની સાથોસાથ સ્કૂલના અભ્યાસકાળથી જ જમશેદજીને કહેવતો એકઠી કરવાનો શોખ લાગ્યો હતો. આ રીતે તેમણે એકઠી કરેલી ૧૦ હજાર જેટલી કહેવતો ‘કહેવતમાળા’ એવા નામ સાથે વિદ્યામિત્ર સામયિકમાં હપ્તાવાર પ્રગટ થઈ હતી. જમશેદજીએ એ બધી કહેવતોને અકારાદિ ક્રમે ગોઠવી હતી. તેમના અવસાન સુધીમાં ફ અક્ષર સુધીની કહેવતો વિદ્યામિત્રમાં છપાઈ હતી. એમના અવસાન પછી ૧૯૦૩માં બે ભાગમાં કહેવતમાળા પુસ્તક પ્રગટ થયું હતું.  જમશેદજીના મરણ પછી તેમના નિકટના મિત્ર જીજીભાઈ પેસ્તનજી મિસ્ત્રીએ આ બંને પુસ્તકોને પ્રગટ કરવા માટે ઘણી મહેનત કરી હતી. બંને પુસ્તકો સાથે સંપાદક તરીકે તેમનું નામ જોડાયું છે.

જમશેદજીનાં બે પુસ્તકોમાંથી કહેવતમાળા પરિશ્રમ અને અભ્યાસને કારણે તેમ જ તેના વ્યાપ અને વિસ્તારને કારણે પણ વધુ ધ્યાનપાત્ર બને તેમ છે. ગુજરાતીની લગભગ ૧૨ હજાર જેટલી કહેવતો અહીં અકારાદિ ક્રમે ગોઠવીને તેમણે રજૂ કરી છે. આટલી મોટી સંખ્યામાં ગુજરાતી કહેવતો આ પહેલી વાર અહીં સંગ્રહાઈ છે. પણ જમશેદજી એટલેથી અટક્યા નથી. ગુજરાતી કહેવતને સમાંતર એવી બીજી કહેવત જ્યાંથી મળી ત્યાંથી તેમણે સાથોસાથ રજૂ કરી છે. આ માટે તેમણે બે-પાંચ જાણીતી ભાષાઓ સુધી જ નજર દોડાવી નથી. ભારતની સંસ્કૃત, હિન્દી, મરાઠી, કાશ્મીરી, અને તેલુગુ જેવી ભાષા ઉપરાંત અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, ડેનિશ, ફારસી, વગેરે ભાષાઓની કહેવતો પણ અહીં સમાવાઈ છે. જમશેદજીના અવસાન પછી તેમના અધૂરા રહેલા કાર્યને પૂરું કરી પ્રગટ કરવામાં તેમના નિકટના મિત્ર જીજીભાઈ પેસ્તનજી મિસ્ત્રીએ ઘણી મહેનત કરી હતી એટલે આ પુસ્તક જે રૂપે આપણી સામે છે તે રૂપ તેને આપવામાં જીજીભાઈનો ફાળો પણ નાનો સુનો નહીં જ હોય. પણ જમશેદજી અને જીજીભાઈમાંથી કોને કેટલું શ્રેય આપવું એ નક્કી કરવાનું કામ મુશ્કેલ છે. પણ એટલું તો જરૂર કહી શકાય કે ગુજરાતી કહેવતોના દસ્તાવેજીકરણનો આ એક અત્યંત સમર્થ પ્રયત્ન છે.

અલબત્ત, જમશેદજીનું પુસ્તક પ્રગટ થયું તે પહેલાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતી કહેવતો અંગેનાં ઘણાં પુસ્તકો પ્રગટ થયાં હતાં. આથી કહેવતો અંગેનાં પુસ્તકોની એક લાંબી પરંપરાનો વારસો જમશેદજીને મળ્યો, અને વીસમી સદીની શરૂઆતમાં, ૧૯૦૩માં જમશેદજીનું પુસ્તક આપણને મળ્યું. તે પછી આજ સુધીમાં  કહેવતો વિશેનાં બીજાં કેટલાંક પુસ્તકો પ્રગટ થયાં છે. તેમાંનાં ઘણાંએ સીધી કે આડકતરી રીતે જમશેદજીના પુસ્તકની મદદ લીધી છે. કેટલાકે ઋણસ્વીકાર સાથે, તો કેટલાકે તેવું સૌજન્ય દાખવ્યા વગર પણ. જમશેદજીનું પુસ્તક ૧૯૦૩માં પહેલી વાર પ્રગટ થયું તે પછી ૧૦૬ વર્ષે તે ફરી પ્રગટ થયું. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ તેનું પુનર્મુદ્રણ યથાતથ રૂપે – ફેક્સીમિલી પદ્ધતિથી — કર્યું એટલે મૂળ લખાણમાં કશો જ ફેરફાર થયો નથી.

જમશેદજીનાં લગ્ન સર દીનશાહજી માણેકજી પીતીત બેરોનેટનાં બેટી બાઈ હીરાબાઈ જોડે થયાં હતાં. તેમને સંતાન થયું નહોતું. ૧૮૮૭થી જમશેદજીની તબિયત લથડવા માંડી હતી અને ૧૮/૧૯ માર્ચ ૧૮૮૮ની પાછલી રાતે લગભગ દોઢ વાગે તેમનું અવસાન થયું. જમશેદજીના અવસાન પછી તેમની સૌથી વહાલી લાઇબ્રેરી ફોર્ટ રીડિંગ રૂમ એન્ડ લાઈબ્રેરીને નસરવાનજીએ ૨૫ હજાર રૂપિયાનું માતબર દાન આપતાં લાઇબ્રેરી સાથે જમશેદજીનું નામ જોડાયું હતું અને તે જમશેદજી નસરવાનજી ફોર્ટ રીડિંગ રૂમ એન્ડ લાયબ્રેરી તરીકે ઓળખાવા લાગી હતી. આ ઉપરાંત મુંબઈમાં બીજી ત્રણ અને અંકલેશ્વરની એક લાઇબ્રેરી સાથે પણ જમશેદજીનું નામ જોડાયું હતું. કેળવણી અને તાલીમ માટેની કેટલીક સંસ્થાઓ સાથે પણ તેમનું નામ જોડવામાં આવ્યું જેમાંની એક મુખ્ય સંસ્થા તે જમશેદજી નસરવાનજી પીતીત પારસી ઓર્ફનેજ. તેમનાં બંને પુસ્તકો આ સંસ્થાએ જ પ્રગટ કર્યા છે.

માત્ર ૩૨ વર્ષની જિંદગી. ધન-વૈભવનો પાર નહિ. સાધન સગવડ માગ્યા પહેલાં જ મળે. પણ એ બધાંનો ઉપયોગ જમશેદજીએ મોજ મજા માટે ન કર્યો. કવિતા અને કહેવતો માટેના પોતાના પ્રેમને, લગાવને પોષવા માટે કર્યો.

xxx xxx xxx

(પ્રગટ : “શબ્દસૃષ્ટિ”,  સપ્ટેમ્બર 2019; પૃ. 60-63

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

Loading

છે કોઈ ઉપાય, આ સનાતન ધર્મના બદલાતા ચહેરાનો ?

રમેશ ઓઝા|Opinion - Opinion|22 September 2019

નામ દીધા વગર સ્વામિનારાયણ સંપ્રદાય સામે મોરારિબાપુએ આક્રોશ ઠાલવ્યો તેની પાછળ સમજાય એવું કારણ છે. તેમનો મુદ્દો એ છે કે હિંદુઓનો ધર્મ સનાતન ધર્મ છે. તેના ગ્રંથો છે, તેના રામ, કૃષ્ણ, શંકર, હનુમાન જેવા ભગવાન છે, તેના યાત્રાધામો છે, તેના ધાર્મિક વિધિ-વિધાનો છે, તેના દર્શનો છે, વગેરે. આ બધા થકી સનાતન ધર્મની ઓળખ બની છે અને એ ન ગુમાવવી જોઈએ કે ન મોળી પાડવી જોઈએ. આજકાલ નવા નવા સંપ્રદાયો સ્થપાતા જાય છે અને ધર્મગુરુઓ નીકળી પડે છે, જે સનાતન ધર્મની આ બધી ઓળખો બાજુએ હડસેલીને પોતાને સ્થાપે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામિ સહજાનંદ ભારતમાં થઈ ગયેલા અનેક સંતોમાંના એક સંત હતા, પણ સ્વામિનારાયણવાળાઓએ તેમને ભગવાન તરીકે સ્થાપ્યા છે. આવું માત્ર સ્વામિનારાયણવાળા નથી કરતા, બીજા પણ કરે છે. જો આ રીતે બધા નોખા ચોકા માંડતા રહેશે અને પોતાને હિંદુ ગણાવવા છતાં સનાતન ધર્મની ઓળખોને નકારશે તો સનાતન ધર્મનું શું થશે એની મોરારિબાપુને ચિંતા છે. મોરારિબાપુએ સનાતન ધર્મના પ્રસ્થાપિત ભગવાનોને ‘સાઈડ’ કરવામાં આવી રહ્યા છે એમ કહ્યું છે.

મોરારિબાપુ પોતે સનાતનધર્મી કથાકાર છે એટલે તેમને સનાતન ધર્મની ઓળખની કે તેના ભવિષ્યની ચિંતા સતાવતી હોય એ તો જાણે સમજી શકાય એમ છે, પણ તેનો ઉપાય શું? હા,  ઇસ્લામ પાસે તેનો ઈલાજ છે જો અપનાવવો હોય તો. અપનાવવા જેવો લાગતો હોય તો અને જો અપનાવી શકાય એમ હોય તો.

ઇસ્લામમાં બે નિષેધો દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કોઈ સહેજે ઈસ્લામના મૂળ સ્વરૂપ સાથે ચેડાં ન કરી શકે. એક છે શિર્ક. શિર્ક એટલે કોઈ એવો માણસ જે ખુદાની બરાબરી કરે. પોતાનું પૂજન કરાવે અને પોતાને તારણહાર માને અને મનાવે. આવું જો કોઈ કરે તો તેને ખુદાનો દ્રોહી અને ઇસ્લામનો દુશ્મન સમજવો. ચુસ્ત સલ્ફી મુસલમાનોની નજરે પીર, સુફી, ઓલિયા વગેરે શિર્ક છે અને તેમની જગ્યાઓ ગેર ઇસ્લામિક અપવિત્ર છે. ૨૦૧૭માં પાકિસ્તાનમાં ઝનૂની મુસલમાનોએ લાલ શાહબાઝ કલંદરની દરગાહ પર હુમલો કર્યો હતો એનું કારણ આ શિર્કનો નિષેધ હતો. ૧૯મી સદીમાં સ્થપાયેલા અહમદિયા સંપ્રદાયની મસ્જિદો પર પણ હુમલા કરવામાં આવી રહ્યા છે અને હત્યાઓ કરવામાં આવે છે. અહમદિયા મુસલમાનોને પાકિસ્તાનમાં સત્તાવાર રીતે મુસલમાન ગણવામાં નથી આવતા. આ બધું એટલા માટે કરવામાં આવે છે કે રૂઢિચુસ્ત મુસલમાનોની નજરે તેઓ શિર્ક હતા.

મુસલમાનોની જેમ હિંદુઓ પણ શંકર, રામ, કૃષ્ણ, હનુમાન, પાર્વતી, અંબા, જેવા નક્કી કરેલા દેવ-દેવીઓને છોડીને જો કોઈ પોતાને પવિત્ર, પૂજનીય અને તારણહાર હોવાનો દાવો કરે તો તેને શિર્ક જાહેર કરી શકે છે. જો કે અહીં સમાસ્યા તો છે જ કે આવો અધિકાર કોને સોંપવો? તેત્રીસ કરોડ દેવતામાંથી સ્વીકૃત ભાગવાનોની યાદી કોણ બનાવે? એ પછી પણ કોઈ પોતે અથવા તેના અનુયાયી ભગવાન હોવાનો દાવો કરે તો તેને નકારવાનો અને દંડવાનો અધિકાર કોને આપવો? સનાતન ધર્મ એક એવો ધર્મ છે જેમાં કોઈ અધિકારી નથી અને કોઈ દંડવાની સત્તા ધરાવતું નથી. જો દંડવાની વ્યવસ્થા કરવી હોય તો દંડ દેનારની પણ વ્યવસ્થા કરવી પડે.

બીજી વ્યવસ્થા બીદ્દ્તની છે. બીદ્દ્ત એટલે રસ્તો ચૂકવો અથવા તો ઇસ્લામિક રસમોમાં બાહ્ય પ્રભાવને કારણે થતી ભેળસેળ. જો રસ્તો ચૂકવા દેવામાં આવે અને ધાર્મિક વિધિ-વિધાનોમાં બાંધછોડ કરવા દેવામાં આવે, ભેળસેળ કરવા દેવામાં આવે તો પછી એક દિવસ ઇસ્લામ ધર્મ તેનો ચહેરો જ ગુમાવી દે. જે વાતની મોરારિબાપુને ચિંતા છે તેવું ઇસ્લામમાં ન બને એની પૂરતી કાળજી ઇસ્લામમાં લેવામાં આવી છે. માટે મુસલમાનોના ધાર્મિક-સામાજિક વહેવારમાં જ્યાં પણ બીદ્દ્ત જોવા મળે કે તરત તબલીગી ત્યાં દોડી જાય અને મુસલમાનને સમજાવે કે સાચા મુસલમાને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.

શું મોરારિબાપુ હિંદુ ધર્મ આવો માર્ગ અપનાવે એમ ઈચ્છે છે? આગળ ઉપસ્થિત કર્યા એવા વ્યવહારિકતાના પ્રશ્નો બાજુએ મૂકો તો પણ સનાતન ધર્મમાં આવી કોઈક પ્રકારની તજવીજ અને તાકીદ કરવામાં આવે એવું ઈચ્છે છે? એક વાર પાંડુરંગ શાસ્ત્રીએ મને કહ્યું હતું કે હિંદુ-મુસ્લિમ વચ્ચેના વૈમનસ્યને ખતમ કરવા માટે મહમ્મદ પેગંબરને વિષ્ણુના અવતાર જાહેર કરી દેવા જોઈએ. મેં તેમને અત્યંત આદરપૂર્વક કહ્યું હતું કે આપ ઇસ્લામ ધર્મના સ્વરૂપથી અપરિચિત છો. એમાં આવું શક્ય જ નથી. બીજું, હવે પછી થનારો વિષ્ણુનો કલ્કી અવતાર તો જાહેર થઈ ચૂક્યો છે એટલે મહમ્મદને તેની પહેલાં મૂકવા કે પછી? ત્રીજું, કોઈને અવતાર તરીકે પસંદ કરવાનો અધિકાર હિંદુઓમાં કોણ ધરાવે છે? મેં આવી દલીલ કરી એ તેમને ગમી નહોતી એ તેમના ચહેરા પર જોઈ શકાતું હતું. જો કે વરસેક  પછી પાંડુરંગ શાસ્ત્રી પત્રકાર પરિષદ બોલાવીને આવું સૂચન કરવાની લાલચ રોકી શક્યા નહોતા.

ધર્મગુરુ બધું જ જાણતા હોય અને દરેક પ્રશ્નના ઈલાજ તેમની પાસે હોય જ એવું નથી. ધર્મને આધ્યાત્મિકતા સાથે ઓછો સંબંધ છે, કારણ કે આધ્યાત્મિકતા વ્યક્તિની આંતરિક યાત્રા છે અને એમાં જથ્થાબંધ અનુયાયી ધરાવતા કોઈ ધર્મગુરુની જરૂર પડતી નથી. હા, પ્રસિદ્ધિથી દૂર રહેતા કોઈ અજાણ્યા ગુરુ પાસેથી કદાચ ગુરુચાવી મળી પણ જાય. જો કે જે. કૃષ્ણમૂર્તિ તો કહે છે કે એ પણ શક્ય નથી. આંતરિક આધ્યાત્મિક યાત્રામાં જેમ જથ્થાબંધ અનુયાયી ધરાવતો ગુરુ કામમાં આવતો નથી એમ સંગઠિત ધર્મ પણ કામમાં આવતો નથી. એ તો વળી જરા ય કામમાં આવતો નથી. આપણે એક વાત સમજી લેવી જોઈએ કે સંગઠિત ધર્મમાત્ર માનવીએ વિકસાવેલી સામાજિક-રાજકીય સંસ્થા છે અને તેમાં કોઈ ધર્મ અપવાદ નથી.

આમ છતાં મોરારિબાપુને સનાતન ધર્મના બદલાતા ચહેરાની ચિંતા થતી હોય તો તેમનો તે અધિકાર છે. સવાલ માત્ર એ છે કે ઉપાય શું? ઇસ્લામમાં જે ઉપાય છે એ અપનાવવો છે? જો અપનાવવા ઈચ્છો તો પણ હિંદુ સનાતન ધર્મ માટે એ શક્ય છે.

સનાતન ધર્મમાં થઈ રહેલા ભેળાણ વિષે ચિંતા સેવનારા મોરારિબાપુ પહેલા હિંદુ નથી. જ્યારથી ચોક્કસ આકારવાળા ઇસ્લામ ધર્મનો અને ખ્રિસ્તી ધર્મનો હિંદુઓને પરિચય થયો છે ત્યારથી કેટલાક હિંદુ ચોક્કસ ચહેરા વિનાના સનાતન ધર્મની ચિંતા સેવી રહ્યા છે અને કેટલાકે તો શરમ પણ અનુભવી છે. આવો તે કોઈ ધર્મ હોય જેમાં કોઈ પણ માણસ ઊઠીને પોતાને અવતાર કે તારણહાર જાહેર કરે? એ નહીં તો તેના અનુયાયીઓ કરે. આવો તે કોઈ ધર્મ હોતો હશે જેમાં સદીએ સદીએ બે-ચાર સંપ્રદાય કે પેટા-સંપ્રદાય ઉમેરાય? શરમાનારાઓએ લગભગ આવી ભાષામાં શરમના ઉદ્ગારો કાઢ્યા છે તો ચિંતા સેવનારાઓએ આ જ ઉદ્ગારો મોરારિબાપુની ચિંતાના સૂરમાં કાઢ્યા છે. બંનેને સરવાળે એક જ વાત કરવાની છે કે સનાતન ધર્મના ચહેરાને ચુસ્ત દુરુસ્ત અપરિવર્તનીય બનાવી રાખવો જોઈએ. એવું કાંઈક કરવું જોઈએ કે તેમાં ભેળાણ ન થાય.

૧૯મી સદીમાં રાજા રામમોહન રોય દ્વારા સ્થાપિત બ્રહ્મ-સમાજ આવી એક ઓછપની ચિંતામાંથી ઉપજેલો પ્રયાસ હતો. આવા બીજા પણ પ્રયાસ થયા હતા. દયાનંદ સરસ્વતીનો આર્ય-સમાજ સનાતન ધર્મમાંનું ભેળાણ જોઈને અનુભવેલા સંકોચનું પરિણામ હતું. દયાનંદ સરસ્વતીને એમ લાગ્યું હતું કે સનાતન ધર્મનું માળખું થોડુંક ઇસ્લામ જેવું હોવું જોઈએ, પછી ભલે એમાં શિર્કને સજા કરવાનો ડારો ન હોય. તેમાં બીદ્દ્તની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આર્ય સમાજના પ્રચારકો હિંદુઓને અ-હિંદુ સંસ્કાર છોડીને સાચા હિંદુ થવાની શીખ આપતા હતા.

શીખોના ૧૦મા ગુરુ ગોવિંદસિંહને એમ લાગ્યું હતું કે જો તેમના સંપ્રદાયને ચોક્કસ સ્વરૂપ આપવામાં નહીં આવે તો તે હિંદુ સાગરમાં ઓગળી જશે અને અલગ ઓળખ ગુમાવી દેશે. એ માટે તેમણે ૧૬૯૯ની સાલમાં ખાલસા પંથની રચના કરી હતી અને અલગ અને નિશ્ચિત ઓળખો આપી હતી. આની સાથે ચેડાં કરવાની કોઈ હિંમત ન કરે એ માટે તનખૈયા જેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તનખૈયા એટલે ધર્મદ્રોહી જેને સજા કરવાની પણ વ્યવસ્થા છે. અત્યાર સુધીમાં મહારાજા રણજીત સિંહ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહ, કેન્દ્રીય પ્રધાન બુટા સિંહ, પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુરજીત સિંહ બરનાલા વગેરેના તનખૈયા થઈ ચૂક્યા છે અને સજા પણ કરવામાં આવી છે. જ્ઞાની ઝૈલ સિંહની સજા માફ કરવામાં આવી હતી.

દયાનંદ સરસ્વતીનો અને ગુરુ ગોવિંદ સિંહનો પ્રયાસ ઓળખ વિકસાવવાનો અને ટકાવવાનો હતો. એ રીતે બન્ને પ્રયાસમાં પાશ્ચાત્ય ધર્મનાં સ્વરૂપનું અનુકરણ કરવામાં આવ્યું છે. દયાનંદ સરસ્વતી હિંદુ સનાતન ધર્મમાં પ્રવર્તતા ભેળાણથી સનાતન ધર્મને બચાવવા માગતા હતા તો ગુરુ ગોવિંદ સિંહ સનાતન ધર્મના ભેળાણથી શીખ શ્રદ્ધાને બચાવવા માગતા હતા. તેમને ડર હતો કે અલગ ઓળખ આપવામાં નહીં આવે તો હિંદુ સાગરમાં શીખ સંપ્રદાય ઓગળી જશે. બન્નેનો માર્ગ એક જ હતો, ઉદ્દેશ અલગ હતો. એકને કોઈ બહાર નીકળી ન શકે એવી વ્યવસ્થા કરવી હતી તો બીજાને બહાર નીકળવું હતું અને રહેવું પણ હતું.

તો કહેવાનો સાર એટલો કે સનાતન હિંદુ ધર્મ ચુસ્ત ચહેરા વિનાનો છે અને ટટ્ટાર કરોડરજ્જુ વિનાનો છે એ વાતે મોરારિબાપુ પહેલાં બીજા લોકોએ ચિંતા વ્યક્ત કરી છે. કોઈકે સંકોચ પણ અનુભવ્યો છે એટલે બાપુનો ઊહાપોહ કોઈ નવો નથી. ઈલાજ પણ શોધવામાં આવ્યા છે જેની ટૂંકમાં વાત અહીં કહેવામાં આવી છે. હજુ બીજા કેટલાક અજમાવવામાં આવેલા ઈલાજોની વાત આવતા અઠવાડિયે.

19 સપ્ટેમ્બર 2019

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 સપ્ટેમ્બર 2019

Loading

...102030...2,7152,7162,7172,718...2,7302,7402,750...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved