Opinion Magazine
Number of visits: 9576814
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રક્ષા બંધન નિમિત્તે ……

પ્રતીક બૂચ|Opinion - Opinion|20 August 2019

ભાઈઓ અને બહેનો, ચાલો આપણને એકસૂત્રે બાંધી રાખતા આ તહેવારને આજે ઉજવીએ.

જો મારી પાસે જાદુઈ લાકડી હોય અને હિન્દુધર્મના ઘણા તહેવારોમાંના એકને બહોળા પ્રમાણમાં ઉજવવામાં આવે તેવું કઇંક કરી શકું, તો અચ્છાઈનો બુરાઈ કે અંધાકરનો પ્રકાશ પર વિજય સૂચવતો અને મીઠાઈઓ વહેંચીને અને ફટાકડા ફોડીને ઉજવાતો દિવાળીનો તહેવાર હું પસંદ ન કરું.  કે કદાચ શ્રીકૃષ્ણના જન્મનો ઉત્સવ જન્માષ્ટમી અથવા નવ દિવસ રાસ-ગરબાની રમઝટ દ્વારા માતૃશક્તિનો મહિમા કરવાનો નવરાત્રિનો  તહેવાર પણ ન સૂચવું. આ તહેવારો ઘણા પ્રચલિત છે અને તેના જેવા તહેવારો પશ્ચિમી પરંપરામાં પણ ઉજવાય છે.

ના, મારી પસંદગી ઘર આંગણે સાદાઈથી ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ બંધનને વધાવતી વિધિ રક્ષા બંધનના તહેવારને પસંદ કરું. આ તહેવાર દુનિયા આખીમાં લાખો લોકો ઉજવશે. તમે સહુ તેમાં જોડાઓ તેવું ઈચ્છું છું. તમને કહું, શા માટે.

સદીઓથી ચાલતા આવેલા રિવાજ મુજબ, બહેન પોતાના ભાઈના કાંડા પર પસલીનો દોરો બાંધે અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે. બદલામાં ભાઈ પણ બહેનને પસલીનો દોરો બાંધે અને યથાશક્તિ રોકડ ભેટ આપે. મારી ભૂલ હોય તો ક્ષમા ચાહું છું, પરંતુ મારી જાણમાં બીજી કોઈ સભ્યતામાં ભાઈ-બહેન વચ્ચેના પ્રેમને આ રીતે વ્યક્ત કરતો કોઈ તહેવાર નથી જોવા મળતો.

મને આજે આ નાના લાગતા તહેવાર વિષે ઉલ્લેખ કરવાનું મન શાથી થયું? કદાચ મારા પુત્રને આજે તેની કાકાની નવજાત પુત્રીને હાથે રક્ષા બાંધવાનો અવસર મળ્યો છે, એટલે હોય કે હું જ્યારે દુનિયાભરમાં ચોપાસ મચી રહેલ ખળભળાટ અને વિભાજક બળો સક્રિય થતાં જોઉં છું, તેથી વિચાર આવ્યો કે કદાચ આ રક્ષાબંધન જેવા તહેવારનું હાર્દ ક્યાંક આપણને આ ઘાવ રૂઝવવામાં મદદરૂપ થાય! 

હું સગી બહેન વિના મોટો થયો, અને કાકા-મામા-માસી અને ફોઈની દીકરીઓ હજારો માઈલ દૂર વસે, એટલે તેમને પ્રત્યક્ષ રક્ષા બાંધવાના પ્રસંગો ઓછા મળ્યા. પણ જ્યારે પણ મેં તેમને રક્ષા અને પત્ર (જો મને યાદ આવે તો) મોકલું અને તેમનો પ્રેમસભર પત્ર અને રાખડી મળે ત્યારે મને હંમેશ તેનું મહત્ત્વ સમજાય કે જે આપણે બધાએ ફરીને સંભારવા જેવું છે : કે દરેક સ્ત્રી અને પુરુષ આપણા ભાઈ અને બહેન છે, આપણા આદરને પાત્ર છે, નહીં કે તેમના વિષે કામના સેવવાની કોઈ વસ્તુ કે તેથી ય વધુ ખરાબ તેમની સાથે દુર્વ્યવહાર કરવા જેવું પાત્ર છે. અમને અમારી સ્ત્રી મિત્રોને હાથે પણ રાખડી બાંધવાનું શીખવવામા આવેલું, જેથી એ અમારી બહેનો સમાન બની ગઈ, નહીં કે કામવાસના પોષવા ઈનામ જીતવાની ચીજ.

જો આપણે ભાઈ-બહેન વચ્ચેના આવા નિર્મળ પ્રેમને અવારનવાર ઉજાગર કરીએ તો શું પરસ્પર માટેની નફરત, જાતીય શોષણ અને વિભાજન ઓછાં થશે? કહેવું મુશ્કેલ છે. પરંતુ મને તો મારી સ્ત્રી મિત્રો અને સહકાર્યકરોને બહેનની દ્રષ્ટિએ જોવાનું અને પુરુષ સાથીદારોને ભાઈઓ તરીકે, નહીં કે હરીફ તરીકે જોવાનું મૂલ્ય મારા ઉછેર દરમ્યાન અને સમગ્ર જીવનમાં ઘણું છે.

હું એમ વિચાર્યા વિના નથી રહી શકતો કે માનસિક તણાવ કે જે આપણને એક બીજાંથી વિખૂટાં પાડી દે છે તેના કરતાં માનવતાનું બંધન કે જે આપણને એક બીજા સાથે સાંકળી રાખે છે તે વધુ મજબૂત છે. અથવા એમ ખરેખર થવું જોઈએ. 

તો આજના દિવસે ડેસ્કને સામે છેડે બેઠેલ તમારી સાથે કામ કરનાર ભાઈ કે બહેન પ્રત્યે હાથ લંબાવીને તમારા ભાઈ કે બહેન કહીને કાં ન બોલાવો ? પડોશીના ઘરનું બારણું ખખડાવીને પૂછો એ લોકો કેમ છે. જેની સાથે ઘણા સમયથી વાત નથી કરી તે મિત્રને ફોન કરીને ખબર અંતર પૂછો. આખર આપણે કોઈના ને કોઈના ભાઈ કે બહેન છીએ જ. 

Loading

On Raksha bandhan

Prateek Buch, Prateek Buch|English Bazaar Patrika - Features|20 August 2019

Brothers, sisters, let us celebrate the bonds that tie us together.

If I could wave a wand and ensure one of the (many!) Hindu festivals was more widely celebrated, it probably wouldn’t be Diwali — the celebration of good over evil, light over dark, marked with sweets, lamps and fireworks. Neither would it be Janmashthami, the birth of Lord Krishna, nor Navaratri— nine nights of quasi-hedonistic music and dance giving thanks to maternal power. These festivals are already pretty well-known, and have parallels in many Western traditions.

No, it would be rakhsha bandhan, a homely, humble ritual marking the unique bond between brothers and sisters. It’s today, and will be celebrated by millions across the world — I’d like you to join in, here’s why.

“Girl tying Rakhi on a boy!!” by Joe Athialy is licensed under CC BY-NC-SA 2.0

As per tradition, sisters tie a bracelet on their brothers’ wrist, offering protection in return for a gift. Nowadays the tying of bracelets — rakhi — is often reciprocated from brother to sister, and the gift is a small amount of cash. I’m happy to stand corrected, but I don’t know of any other cultural moment that marks the love between siblings in this way.

Why am I thinking about this small gesture? Perhaps it’s because my son gets to adorn the wrist of a new cousin sister this year, or perhaps it’s because I look around at turmoil and division throughout the world and wonder if a little of the spirit of raksha bandhan might heal us somewhat…

Growing up without a sister, and thousands of miles away from cousins, I rarely got the chance to tie a rakhi in person. But whenever I did, or simply by giving (when I remembered!) and receiving letters and a bracelet in the post, I was reminded of a value that I think we can all do well to recall: that members of the opposite sex are our brothers and sisters to be respected, not things of desire to be objectified or worse, abused. We were taught to tie rakhi on our female friends too, making them our sisters and protectors rather than sexual trophies to be won.

Would there be less hatred, less sexual abuse, less division if we all recalled this brother-sister bond more often? Hard to say —much of India is notorious for the lowly status of women and sectarian tension, after all. But I appreciated growing up seeing female friends and colleagues as sisters, and even male associates as brothers rather than rivals.

I can’t help but think — the bonds of humanity that tie us together are stronger than the tides of tension that move us apart. Or at least they ought to be.

So why not reach across the desk to a colleague, and call them your brother or sister for the day. Knock on your neighbour’s door and see how they are. Call that friend you’ve been meaning to chat to for ages, check in on them. We are, after all, a brother or sister to someone…

Loading

સામાજિક સમસ્યાઓને મીથના માધ્યમથી સાહિત્યમાં ઉજાગર કરતા કર્મશીલ સર્જક ગિરીશ કર્નાડની વિદાય

અરવિંદ વાઘેલા|Opinion - Opinion|19 August 2019

ભારત સમૃદ્ધ સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદથી લઇને ભરત મુનિના નાટ્યશાસ્ત્ર જેવા ગ્રંથોની ભવ્ય વિરાસત ધરાવતાં આપણા આ દેશની સમૃદ્ધ સાહિત્યિક અને સાંસ્કૃતિક પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવી છે. વિશેષ કરીને નાટકના સંદર્ભે જોઈએ તો કાલિદાસ, ભાસ, અશ્વઘોષથી ચાલી આવતી શૃંખલામાં ભારતેન્દુ હરિચંન્દ્ર રવીન્દ્રનાથ, બેલ્લારી રાઘવ, ભીષ્મ સાહની, સી.વી. રામનપિલ્લાઈ જેવા મહાન સર્જકોએ નાટ્યસાહિત્યને સીમા ચિહ્નનરૂપ પ્રદાન કર્યુ. આ શૃંખલામાં આધુનિક ભારતના કેટલાક નાટ્યકારોને પણ મૂકવા પડે એવું જેમનું તેજસ્વી પ્રદાન રહ્યુ છે, એવા બાદલ સરકાર, વિજય તેન્ડુલકર, હબીબ તન્વીર, મોહન રાકેશ અને ગિરીશ રઘુનાથ કર્નાડ છે. તો વળી જાવેદ સિદ્દીકી, એચ. નારાયણરાવ જયમોહન, ગુરુ ઠાકુર અને અભિજીત જોષીનું પ્રદાન પણ નોંધપાત્ર છે.

ભારતીય નાટ્યસાહિત્ય એ પછી સંસ્કૃત ભાષામાં હોય, હિન્દી, બંગાળી, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ, ગુજરાતી કે અંગ્રેજી ભાષામાં રચાયું હોય પરતુ દરેક ભારતીય નાટ્યકારે એમના નાટ્યલેખનમાં પરંપરા, પુરાકલ્પન, દંતકથા અને લોકસાહિત્યનો ભરપૂર વિનિયોગ કર્યો છે.

ભારતીય જ્ઞાનપીઠ વિજેતા કન્નડ નાટ્યસર્જક ગિરીશ રઘુનાથ કર્નાડે પોતાની નાટ્યરચનાઓમાં પરંપરાનો પ્રભાવક વિનયોગ કર્યો છે. નાટકમાં મીથનો પ્રયોગ કરી ગિરીશ કર્નાડે ભારતીય સમાજ અને સંસ્કૃતિને સાહિત્યમાં પુનઃજીવિત કરી છે. સંસ્કૃતિના સારાં-નરસાં પાસાંઓને નાટકમાં ઉજાગર કરી સાંપ્રત સમય સાથે તેનો સબંધ સ્થાપી તેનું મહત્ત્વ અને પ્રસ્તુ તતા અંગે એક નવો જ દૃષ્ટિકોણ મીથના માધ્યમથી પ્રસ્તુત કર્યો છે. સર્જનનો રસ્તો સમાજના અરણ્યમાંથી પસાર થાય છે. ગિરીશ કર્નાડ એક મુલાકાતમાં પરંપરાનું ઋણ અદા કરતાં નિખાલસ કબૂલાત કરે છે કે – ‘મૈ કોઇ બહુપ્રસવ લેખક નહીં હૂં. ચાર પાંચ સાલોમેં એકાદ નાટક લિખ પાતા હૂં, કયોંકિ નાટક લિખ કર પૂરા કરને કે બાદ મેં સ્વયં કો બહુત રિક્ત મહસૂસ કરતા હૂં, જૈસે ચાર સાલોં કી મેરી જીવનશકિત ઉસ નાટક મેં સમા જાતી હૈ … જહાં તક મેરે નાટકો કા સવાલ હૈ, મૈં કહુંગા કી મૈં બહોત સી પૂર્ણવતી સામગ્રી સે પ્રભાવિત હૂં, વહ ચાહે ઇતિહાસ કી હો યા મિથક કી, ઇસસે જો શકિત કથાનક રચને મેં ઔર ઉસે દો ઘંટો કે નાટકો મેં ઢાલને મેં વ્યય હોતી હૈ, વહ બચ જાતી હૈ ….. ફિલ્મ નિર્માણ સે અધિક મુઝે નાટક  લિખના પ્રિય લગતા હૈ ….. નાટક વિધા પર મેરા અધિક પ્રેમ હૈ.’ (સમકાલીન ભારતીય સાહિત્ય – જાન્યુઆરી-માર્ચ 1991)

નાટક પ્રત્યે અનન્ય પ્રેમ દર્શાવનાર અને વર્ષાવનાર કર્નાડ મહારાષ્ટ્રના માથેરાનમાં ૧૯ મે ૧૯૩૮ના રોજ કોંકણી સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા, કન્નડ ભાષાના સિદ્ધહસ્તક સર્જક ગિરીશ કર્નાડ ગણિતના સ્નાતક છે. ઓકસફર્ડ યુનિવર્સિટીમાંથી ગણિત અને ગાણિતીક અર્થશાસ્ત્રની પદવી પ્રાપ્ત કરનાર કર્નાડનો મૂળ જીવ તો નાટક જ. એટલે જ પોતાના જીવનકાળમાં અનેક સંસ્થાઓ સાથે જોડાયા અને છૂટા થયા. પછી તે FTI પૂનાનું આચાર્યપદ હોય, (૧૯૭૪-૭પ) સંગીત નાટક અકાદમી કે એકેડમી ઓફ પરફોર્મીંગ આર્ટ હોય (૧૯૮૮-૯૩).

બહુમુખી પ્રતિભાના સ્વામી ગિરીશ કર્નાડની ઓળખ એકટર, ડિરેકટર, મ્યુઝિક ડિરેકટર, પ્લે રાઇટરની છે, છતાં એમનો વિશેષ લગાવ તો રંગમંચ (થિયેટર) સાથે જ રહ્યો છે. છેલ્લે “એક થા ટાઇગર” જેવી હિન્દી ફિલ્મમાં દેખાયેલા કર્નાડે ’અંતરનાદ’, ’સ્વામી’, ’ગોધૂલી’, ’સંસ્કાર’, ’ઉત્સવ’, ’નિશાંત’ જેવી રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાયેલી આર્ટ ફિલ્મોમાં એક અભિનેતા તરીકેની આગવી  છાપ છોડી છે. ફિલ્મ જેવા ગ્લેમરસ ક્ષેત્ર સાથે જોડાયેલા હોવા છતાં તેમનો પ્રથમ પ્રેમ તો નાટક જ છે. ‘મુઝે નાટક લિખના પ્રિય લગતા હૈ, નાટક વિધા પર મેરા અધિક પ્રેમ હૈ’. (સમકાલીન ભારતીય સાહિત્ય – જાન્યુઆરી-માર્ચ 1991)

અખિલ ભારતીય સર્જક કર્નાડની પ્રતિભાનાં વૈવિધ્યપૂર્ણ પાસાં હોવા છતાં એક સર્જક લેખે એમનું વ્યક્તિત્વ સામર્થ્યપૂર્ણ અને સત્ત્વશીલ છે. ૧૯૯૮ના વર્ષનું ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા કર્નાડ અન્ય સર્જકોને મુકાબલે થોડા જુદા તરી આવતા સર્જક છે. નાટ્ય લેખક તરીકે તેઓ પ્રયોગશીલતા અને આધુનિકતાના હિમાયતી રહ્યા છે. આમ છતાં એમનું વિશિષ્ટ લક્ષણ એ છે કે તેમણે આધુનિકતાનો આવિષ્કાર પશ્વિમની રીતે નહીં પરંતુ આપણી પોતાની ભારતીય રીતે કર્યો. ભારતીય કલાવિધાનમાં આધુનિકતા સિદ્ધ કરવા મથતો આજનો આધુનિક સર્જક આપણા પ્રાચીન સાહિત્ય પર નજર ઠેરવે છે. સાપ અને નોળિયાના સંઘર્ષમાં જેમ નોળિયો વારંવાર નોળવેલ સૂંઘી આવી પુનઃ સાપ સાથે સંઘર્ષ આદરે એમ આપણો સર્જક પણ આપણા સંસ્કૃત, મધ્યકાલીન કે લોકસાહિત્યની નોળવેલ સુધી સર્જન કરે છે. કર્નાડ પ્રાચીન ભારતની સમૃદ્ધ સાહિત્યિક પરંપરા અને લોકકથાઓમાંથી કથાબીજ લઈ પોતાની સર્જક પ્રતિભાને બળે, કલ્પના શકિતની મદદની કથાના તાણાંવાણા ગૂંથે છે.

સંસ્કૃત મહાકાવ્યો, ઐતિહાસિક કથાનક કે લોકસાહિત્ય (Folk lore અને Mythology) કર્નાડનાં નાટકોનો મૂળ સ્રોત રહ્યો છે. આધુનિકતા સિદ્ધ કરવા તેઓ mythનો પ્રયોગ કરે છે ત્યારે મીથના Glorification માટે નહિ પણ વર્તમાન સમય સંદર્ભ સાથે જોડવા. પુરાકથા, દંતકથા અને લોકકથા વાસ્તવમાં સાંસ્કૃતિક મૂલ્યોને મૂર્ત સ્વરૂપે વ્યકત કરે છે. દરેક સંસ્કૃતિનાં મૂલ્યો અલગ અલગ હોય છે. સાંસ્કૃતિક મૂલ્યોનું સ્વરૂપ અને સત્ત્વ, એના લોકા દ્વારા, એમની માન્યતાઓ અને અનુભવો દ્વારા પ્રગટે છે. મીથમાં જે પ્રાચીન માન્યતાઓ મળે છે, એમાં માનવીય મૂલ્યોનાં સ્વરૂપ અને વર્તનમાં થતા ફેરફારો દર્શાવી સર્જક સાંપ્રત સમયમાં એની પ્રસ્તુતતાને કસોટીની એરણે ચઢાવી વિવિધ પ્રશ્નોની ગહન ચર્ચા આદરે છે. કર્નાડે પોતાના દરેક નાટકમાં ભારતીય જીવન પદ્ધતિનું યથાર્થ આલેખન કરી એના સારાં-નરસાં પાસાંઓને ઉજાગર કરે છે.

એરિક ફ્રોમ કહે છે તેમ ‘We are what we believe in and where we live in.’

જન્મ મહારાષ્ટ્રમાં માતૃભાષા કોંકણી અને નાટ્યલેખન કન્નડમાં કરનાર પદ્મશ્રી, પદ્મભૂષણ ગિરીશ કર્નાડનું પ્રથમ નાટક ‘યયાતિ’ માત્ર ર૩ વર્ષની યુવા વયે લખાયું. મહાભારતના કથાનક પર આધારિત ચાર અંકના આ નાટકમાં સર્જકે મીથ અને મીથિકલ પાત્રોને આજની આપણી સાંપ્રત સમસ્યાઓ સાથે જોડી આપ્યા છે. યયાતિના મીથને આધુનિક સંદર્ભમાં મૂકી માણસની વિવિધ વૃત્તિઓનું એના પરનું આધિપ્ત્ય દર્શાવી આપ્યું છે. વાસના લોલુપ રાજા યયાતિ વૃદ્ધાવસ્થામાં પોતાની પ્રજા પાસે યૌવન માંગે છે પરંતુ રાજયની પ્રજામાંથી કોઈ પણ યૌવન આપવા તૈયાર નથી. શર્મિષ્ઠા અને દેવયાની જેવી બે યુવાન અને સુંદર રાણીઓના પતિ રાજા યયાતિની વ્યથા અને વેદના જોઈ રાજાનો પુત્ર રાજકુમાર પુરુ પિતાને પોતાનું યૌવન આપે છે. ચિરયૌવનની કામના માણસની સૂધબૂધ હણી લે છે. રાજાને યૌવન પ્રાપ્ત થતાં તેનામાં ફરી ભોગનો અહંકાર વધે છે. યૌવનનું મહાન બલિદાન કરનાર પુરમાં ત્યાગનો અહંકાર ઊભો થવા માંડે છે. લેખક ઔચિત્યપૂર્ણ ફેરફાર પણ કરતા જાય છે. મૂળકથામાં નથી એવું પુરુની પત્ની ચિત્રલેખાનું પાત્ર તેઓ સર્જે છે. શરૂખાતમાં તો ચિત્રલેખા પતિના બલિદાનથી ગૌરવ લે છે. પતિના સ્વાગત માટે આરતી લઈ ઊભી રહે છે પરંતુ વૃદ્ધ થઈ ગયેલા, લથડતી ચાલે ચાલતા પતિ પુરુને દૂરથી આવતો જોતાં જ તેનો ઊમળકો ઓસરી જાય છે. વ્યગ્ર અને બેચેન ચિત્રલેખા આરતી ઊતારતાં, ઊતારતાં પતિનું ભયાનક વૃદ્ધરૂપ જોઈ બેહોશ બની જાય છે, હોશ આવતાં જ તે વિષપાન કરે છે. ત્યાં જ નાટક સમાપ્ત થાય છે.

કર્નાડે અહીં ચાર અંકના નાટકમાં બલિદાન, ત્યાગ, જવાબદારી અને આત્મખોજની સાથે માણસની વૃત્તિઓનું આધિપત્ય કેટલું પ્રભાવક હોય છે તે સનાતન સત્યને યયાતિની મીથ દ્વારા ઉજાગર કર્યું છે. પુરુને પણ નાટકને અંતે ભાન થાય છે કે ત્યાગના અહંકારનું પરિણામ કેવું ભયાનક અને વિનાશકારી હોય છે. પ્રત્યેક  માણસ પોતાની જાતને છેતરે છે, અન્યને છેતરે છે, છલના, આત્મવંચના કરે છે. મીથના પ્રયોગથી નાટ્યકાર કર્નાડ ’યયાતિ’માં આધુનિકતાવાદી સંકેતોને કલાત્મક ઊઠાવ આપે છે.

મહાભારતના વનપર્વમાં આવતાં કથાનક પરથી નાટ્યકાર ગિરીશ કર્નાડે કન્નડમાં ’અગ્નિમત્તુ માલે’, અંગ્રેજીમાં 'Fire and Rain’ નામે નાટકની રચના કરી છે. ગુજરાતીમાં મહેશ ચંપકલાલ ‘અગ્નિ અને વરસાદ’ નામે એનો અનુવાદ કરે છે. સમર્થ સર્જક ગિરીશ કર્નાડ કોઈ કૃતિનું સર્જન કરે છે ત્યારે એમની નજર અતીતના સાહિત્યિક વારસા તરફ હોય છે પણ તેમની દૃષ્ટિ વર્તમાન કે ભવિષ્ય તરફ હોય છે. સાંપ્રત ભારતની વિવિધ સમસ્યાઓ, તેમાં પણ રાજનીતિ, સમાજ અને ધર્મના ક્ષેત્રે થઈ રહેલ મૂલ્યહ્રાસની પરિસ્થિતિ સંવેદનશીલ સર્જકને નાટકમાં મીથના માધ્યમથી આધુનિક સંદર્ભે રચવા પ્રેરે છે.

નાટકને આરંભે દસ દસ વર્ષના દુષ્કાળથી ધરતી સૂક્કીભઠ્ઠ થઈ ગઈ છે, લોકોને દારૂણ દુષ્કાળથી બચાવવા રાજા અને લોકો વરસાદના દેવ(ઇન્દ્ર)ને રિઝવવા મહાયજ્ઞનું આયોજન કરે છે. જન અને જમીન પર દુષ્કાળની ભયંકર અસર વર્તાય છે. આજ અસર મનુષ્યની આંતરિક સૃષ્ટિમાં પણ દેખાય છે. જાણે મૂલ્યનિષ્ઠાનો દુષ્કાળ પડ્યો છે. પિતા રૈભ્ય મુનિ અને કાકા અન્ધક બાબાને બાજુ પર ધકેલી મહત્ત્વાકાંક્ષી પરાવસુ યજ્ઞનો મુખ્ય પુરોહિત બની બેસે છે. યજ્ઞના મુખ્ય પુરોહિત હોવાને કારણે છેલ્લાં સાત સાત વર્ષોથી બ્રહ્મચર્ય પાળી પત્નીથી દૂર યજ્ઞ મંડપમાં બેઠો છે. પતિ વિયોગથી ત્રસ્ત એની પત્ની વિશાખા પોતાના પૂર્વપ્રેમી અને પરાવસુના પિતરાઈ ભાઈ યવક્રી  સાથે શરીર સબંધ બાંધી બેસે છે.

યવક્રી સ્વાર્થ માટે આકરું તપ આદરી ઇન્દ્રને પ્રસન્ન કરે છે અને અભ્યાસ કે સાધના વગર, વગર મહેનતે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરે છે. તપના બળે ત્રાગું કરી યવક્રી જ્ઞાનનું વરદાન માંગે છે – વરસાદ નહિ. વિશાખા અને યવક્રીના અનૈતિક શારીરિક સબંધની જાણ સસરા રૈભ્યને થતાં તપોબળે તેઓ યવક્રીને મારવા બ્રહ્મરાક્ષસ પેદા કરે છે. કમંડળનાં પાણીના બળે યવક્રી  અહંકારમાં મદમસ્ત બની વિશાખા આગળ એના પતિ અને કુટુંબના સર્વનાશનો નિર્ણય કરે છે. વિશાખાને ગુનાહિત અફસોસ થતાં તે યવક્રીના કમંડળનું પાણી ઢોળી દે છે. પરિણામ સ્વરૂપે યવક્રી બ્રહ્મરાક્ષસને હાથે મૃત્યુ પામે છે. પરાવસુને વિશાખાની અનૈતિકતાની  જાણ થતાં રાત્રિના અંધકારમાં યજ્ઞસ્થળ છોડી ઘરે આવે છે. વિશાખાનો વ્યંગ અને કાનભંભેરણી તેની પાસે પિતાની હત્યા કરાવે છે અને એનું આળ અરવસુ પર ચઢાવે છે.

પરાવસુનો નાનો ભાઇ અરવસુ કલાકાર જીવ છે. ઘર છોડીએ નટ બની જાય છે. રાજયના નિયમ પ્રમાણે યજ્ઞ ચાલતો હોય ત્યારે રાજયમાં નટોનો પ્રવેશ નિષિદ્ધ છે. જંગલમાં રખડતાં અરવસુ અને આદિવાસી કન્યા નીતિલાઈ વચ્ચે કુદરતને ખોળે આધ્યાત્મિક પ્રેમ પ્રાંગરે છે. નાટ્યકાર નાટકમાં નાટકની રચના કરી, અરવસુના પાત્રને વિશેષ ઊઠાવ આપે છે. નાટકમાં મ્હોરા હેઠળ રહેલા (નટ)  વિશ્વરૂપને ઇન્દ્ર મારી નાંખે છે. આથી વૃતના પાત્રરૂપે રહેલ અરવસુ ઉશ્કેરાઇને ઇન્દ્રને પડકારે છે અને પરાવસુના આળનો બદલો લેવા યજ્ઞનો સાચો મંડપ સળગાવી દે છે. ભૂખ્યા લોકો યજ્ઞના હોમ-નૈવેધ પર તૂટી પડે છે. આમ અરવસુ અને પરાવસુ બે ભાઈઓ વચ્ચેનો સંઘર્ષ નાટકનું કથાનક બને છે.

નાટ્યકાર કર્નાડે કથાનકની સંરચના એવી રીતે કરી છે કે જેમાંથી માનવ સ્વભાવની કેટલીયે લાક્ષણિકતાઓ ઉજાગર થાય છે. યવક્રીની મીથ દ્વારા લેખક દર્શાવે છે કે, – ટૂંકે રસ્તે(Shortcut)થી મેળવેલું જ્ઞાન પતનને માર્ગે જ લઈ જાય છે. આ જ્ઞાન બચાવી કે ઊગારી શકાતું નથી. પરાવસુના પાત્ર દ્વારા દર્શાવાયું છે કે એકલો ધર્મ એ પણ જ્ઞાન નથી. રાજય અને સ્થાપિત હિતો કલા અને કલાકારનું અપમાન કરે, કલાને શૂદ્ર પ્રવત્તિ ગણવામાં આવે પરંપરા સાથે જોડાયેલી વ્યકિતઓ સંવેદનશીલ બૌદ્ધિકોને, કલાકારોને ખતમ કરી નાંખવા માંગે છે પણ અંતે વિજય તો સત્યનો જ થાય છે. નાટકને અંતે અરવસુના નાટ્યપ્રયોગથી જ વરસાદ આવે છે. નાટ્યપ્રયોગ દરમ્યાન જ નીતિલાઈનો પતિ એની હત્યા કરે છે. નાટ્ય પ્રયોગથી પ્રસન્ન થયેલ  ઇન્દ્ર પાસે અરવસુ પોતાના નિર્દોષ પ્રેમને જીવંત કરવા વિનંતી કરે છે. ઇન્દ્રની સમજાવટને અંતે સમષ્ટિના હિતમાં તે પોતાના પ્રેમનું બલિદાન આપે છે. વર્ષોના યજ્ઞથી વરસાદ ન પડ્યો પણ અરવસુનો નાટ્યપ્રયોગ વરસાદ લાવે છે. જે જ્ઞાન તરફ જાય તે જ યજ્ઞ. ઇન્દ્ર એના નાટ્યપ્રયોગથી પ્રસન્ન થઈ વરદાન માંગવાનું કહે છે ત્યારે પણ પોતાની પ્રેમિકાને બદલે ભટકતાં બ્રહ્મરાક્ષસની મુકિત માંગે છે. લેખક મીથના પ્રયોગ દ્વારા કલાત્મક રીતે કહે છે કે કેટલા ય કહેવાતા મોટા બૌદ્ધિકો જાતે જ ભ્રમણા ઊભી કરી ભ્રમણામાં જીવે છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે. બ્રહ્મરાક્ષસની જેમ જે અધવચ્ચે છે તે પ્રેતવત છે, જેઓ દ્વિધામાં છે તેવા લોકોનો મોક્ષ જલદી થાય એ સમાજ માટે સારુ છે.

નાટ્યસર્જક કર્નાડ નાટકના માધ્યમ દ્વારા સનાતન કર્મકાંડનો વિરોધ પણ દર્શાવે છે. સ્થાપિત હિતોની ધમકીઓને અવગણીને પણ સર્જકે અંતિમવાદી વલણો પ્રત્યેની પોતાની મૂંઝવણો આવા પ્રસંગોમાં અભિવ્યકત કરી છે. વિશ્વના બૌદ્ધિકોની ચિંતા અહીં નાટ્યરૂપ ધારણ કરીને આવે છે. કવિ, કલાકાર માત્ર વિદ્રોહી હોય છે. પોતાની મર્યાદાઓ જાણ્યા પછી પણ તે રૂઢિજડ પરંપરા, ચુસ્ત વ્યવસ્થા સામે વિદ્રોહ કર્યા વિના રહી શકતો નથી.  બૌદ્ધિકોનો વિનાશ કરવાની રાજય સત્તાની વૃત્તિ સામે તે બંડ પોકારે છે. ગિરીશ કર્નાડે અહીં મીથના પ્રયોગ દ્વારા સાંપ્રત સમયમાં નાટકની પ્રસ્તુતતા સિદ્ધ કરી છે.

ગિરીશ કર્નાડ પોતાના નાટકોનું કથાબીજ (ઇતિહાસમાંથી) ઐતિહાસિક પરંપરામાંથી પણ પસંદ કરે છે. ભારતીય ઇતિહાસના જુદા જુદા કાળખંડના દંતકથા સમાન પાત્રોની આસપાસ તેઓ નાટ્યકથા ગૂંથે છે. ઐતિહાસિક મીથને ડૉ. કર્નાડ વર્તમાન સમયની બૌદ્ધિક હવામાં મૂકી તેના સાંપ્રત અર્થો પ્રગટાવે છે. અતીતનો બોધ વર્તમાનને સમજવા ઉપયોગી થઇ પડે છે.

ફ્રેડરિક નિત્શે કહે છે તેમ – “History is necessary to the living men in three different ways, in relation to his action and struggle, his conservatism and reverence, his suffering and his desire for deliverance.” (Nitze N.P)

નાટ્યકાર ગિરીશ કર્નાડનું ૧૯૬૪માં પ્રગટ થયેલું બીજું નાટક ‘તુઘલક’ ૧૪મી સદીના દિલ્હીના સુલતાન મુહમ્મદ-બીન-તુઘલકના ખ્યાત કથાનક પર આધારિત છે. નાયિકાવિહીન ‘તુઘલક’ non-romantic નાટક છે. વિવાદાસ્પદ ઐતિહાસિક નાટકના કેન્દ્રમાં એક બાદશાહનું  સનકીપણું છે, પરંતુ સામાન્ય લોકો જે આવી ઉપરછલ્લી વાત જાણે છે તે સર્જકને અભિપ્રેત નથી. કર્નાડ બાદશાહના મનનાં ઊંડાણોને તાગવાની કોશિશ આ નાટકમાં કરે છે. એના આંતરિક વ્યકિતત્વની પરતોને લેખક ખોલતા જાય છે. સુલતાન તુઘલક પોતાની રાજધાની દિલ્હીથી દોલતાબાદ કેમ લઈ જાય છે? કેમ કે સુલતાન કોમી એખલાસ, સૌહાર્દ ઇચ્છે છે. દોલતાબાદમાં હિન્દુ વસતી વધુ હતી, તેમનો પ્રેમ જીતવો એનું જીવન લક્ષ્ય હતું. બન્ને પ્રજા વચ્ચે સમન્વય થાય તો જ પ્રગતિ શક્ય બને. સોનાને બદલે અન્ય ધાતુ કે ચામડાના સિકકા ચલણમાં મૂકવા પાછળ પણ તેની આર્થિક દૃષ્ટિ કેન્દ્રમાં હતી. લેખક નાટકમાં તુઘલકના સનકીપણાને એના ઘાતકીપણાને આલેખી એના વ્યકિતત્વની અસદ્‌ બાજુને પણ ઉજાગર કરે છે. છળકપટમાં માહિર તુઘલક, પિતા, ભાઈ અને અપર માની હત્યાઓ કરાવી શકે છે. પોતાના જેવા દેખાતા એક ઇમામની હત્યા પણ તેણે કરાવી. આમ છતાં તુઘલક દેશનો વિકાસ ઇચ્છતો અને એ માટે હિન્દુ-મુસ્લિમ સમન્વય અને શાંતિને એ પ્રાથમિકતા આપે છે .. નાટ્યકારે ઐતિહાસિક પાત્રના મીથને સાંપ્રત ભારતના રાજકારણ સાથે જોડીને જોતાં નવું અર્થઘટન પ્રાપ્ત થાય છે. સમયે સમયે બદલાતી રાજકીય પરિસ્થિતિમાં એનાં અર્થઘટનોની પ્રસ્તુતતા સર્જકની કાબેલિયત સિધ્ધ કરે છે. ૬૦ના દશકનો નહેરુનો આદર્શવાદનો ભ્રમ ભાંગનાર સમાજવાદ કે પછી નાટકના બે પાત્રો(સુરક્ષા ગાર્ડ)ની વાતચીત(સંવાદ)માં એક ગાર્ડના “આ કિલ્લો મજબૂત છે”ના જવાબમાં બીજો ગાર્ડ – ‘This fort will crumble due to its inner weakness’ને ૮૦ના દશકના દર્શકોને ઇન્દિરા ગાંધીની હત્યા સાથે જોડે છે. દરેક સમયના દર્શકોએ ‘તુઘલક’નું પોતાની રીતે અર્થઘટન કર્યું છે. પ્રશ્ન એ છે કે દર્શકો ’તુઘલક’ને મોદી સાથે કઈ રીતે સાંકળે છે.

રાજકીય અને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો એક ચતુર અને તીવ્ર બુદ્ધિશકિત ધરાવતો બાદશાહ નિષ્ફળ જાય અને એની પ્રજા એને સનકી, ગાંડો કહે એ વિડંબના છે, દંભ અને ધર્મના દુરુપયોગને પણ સર્જક આ નાટકમાં દર્શાવે છે.

એક મધ્યકાલીન ઐતિહાસિક ચરિત્ર બસવણ્ણા ’તલેદંડ’ની પ્રેરણા છે. કર્નાડને ૧૧૬૮માં કર્ણાટકના કલ્યાણ રાજયમાં થયેલ ઐતિહાસિક ચળવળમાંથી એનું કથાબીજ પ્રાપ્ત થયું છે. કર્ણાટકના શરણા સંપ્રદાયના સંતનું વૃત્તાંત આ નાટકના કેન્દ્રમાં છે. બસવણ્ણા નામના સંત કલ્યાણનગર નામના રાજયમાં અસ્પૃશ્યતા નિવારણનું કામ કરે છે. તેઓ કવિ, તત્ત્વચિંતક, સમાજચિંતકોને એકત્રિત કરી મૂળભૂત સુધારા માટે ચળવળ ચલાવે છે. તેમણે શરણા નામક એક સંપ્રદાયની સ્થાપના કરી છે. તે ખૂબ લોકપ્રિય છે. રાજા પણ આ સંપ્રદાયથી પ્રભાવિત છે પરંતુ નગરનો દામોદર ભટૃ નામનો બ્રાહ્મણ (લિંગાયત) આ બધાનો વિરોધી છે. નાટકનું આ ખલપાત્ર વર્ણવ્યવસ્થાનો પુરસ્કાર કરે છે. બસવણ્ણા સંપ્રદાયનો એક નિમ્ન જાતિનો છોકરો બ્રાહ્મણ કન્યા સાથે લગ્ન કરે છે. પરિણામ સ્વરૂપે આંદોલન હિંસક બને છે.

દામોદર રાજકુમાર સવિદેવને પોતાના પક્ષે કરી લે છે અને કાન ભંભેરણી કરી રાજા બિજલની હત્યા કરાવે છે. રાજય પર સવિદેવનો અધિકાર થતાં જ શરણા સંપ્રદાયના લોકો નગર છોડી જાય છે. રાજયસત્તા અને ધર્મસત્તામાં દુર્ભાવ આવે તો સારો વિચાર પણ ન ટકે. રાજયસત્તા સામે બૌદ્ધિકો ન ટકી શકે એવું લેખકને અભિપ્રેત છે. રાજાની આજ્ઞા પ્રમાણે રસ્તામાં જે કોઈ શરણા આવે તેમને કચડી નાંખવામાં આવે છે. વર્ણવ્યવસ્થાનું કડક પાલન કરાવવા રાજા સવિદેવ તત્પર છે. બધા જ શરણાઓનો શિરચ્છેદ કરવા રાજા હુકમ કરે છે.

નાટયકાર મધ્યકાલીન ઘટનાને મીથ તરીકે પ્રયોજી આધુનિક સંદર્ભો પ્રસ્તુત કરે છે. રાજય સત્તા બૌદ્ધિકોથી ડરે છે. બૌદ્ધિકોને, બૌદ્ધિકતાને ખતમ કરી નાંખવાની કોશિશ રાજયસત્તા દ્વારા થતી રહે છે. કટૃર, ધર્માંધ, ઝનૂનીઓ કે અંતિમવાદીઓના હાથમાં સત્તા આવે તો એનાં કેવાં દુષ્પરિણામ રાજય અને પ્રજાએ ભોગવવાં પડે એનો સંકેત અહીં કર્નાડે કર્યો છે.

સાંપ્રત સમયની સામાજિક, ધાર્મિક, રાજકીય અને આર્થિક પરિસ્થિતિ અને વર્તમાન રાજનીતિ સાથે બરાબરનો અનુબંધ કેળવતું ’તલેદંડ’ મધ્યકાલીન મીથના માધ્યમ દ્વારા સામાજિક સમસ્યાને યથાર્થ દૃષ્ટિકોણથી રજૂ કરતું નાટક છે.

ભારતીય લોકસાહિત્યની પરંપરામાંથી પણ ગિરીશ કર્નાડ નાટકનું કથાબીજ પસંદ કરે છે. લોકસાહિત્ય ધર્મ અને સંસ્કૃતિ અને આધિભૌતિક તત્ત્વોના સંયોજનથી રચાય છે. લોકોની કલ્પના અને લોકમાનસમાં વસતાં આધિભૌતિક તત્ત્વો, દૈવી ચમત્કારો એની પ્રમુખ લાક્ષણિકતા હોય છે. કર્નાડનાં બે નાટકો ‘હયવદન’ અને ‘નાગમંડલ’ ભારતીય લોકસાહિત્યનાં પ્રચલિત કથાનકો  પર આધારિત છે.

હયવદન ‘વૈતાલ પચ્ચીસી’માં આવતી એક જાણીતી કથા પર તે આધારિત છે. તે ક્ષેમેન્દ્રના ‘બૃહદ્દ કથામંજરી’ અને સોમદેવના ‘કથાસરિસાગર’માં આવતી કથાનો ભાગ છે. હયવદન માણસની અપૂર્ણતા, મર્યાદાઓનું તેમ જ સ્ત્રીની પરંપરિત બંધનોમાંથી મુકત થવાની લાગણીનું નાટક છે. બે અંકના આ નાટકમાં સૂત્રધારરૂપે રંગમંચ પર આવતો ભાગવત હયવદનની વાત કરે છે … હયવદન સ્ટેજ પર પ્રવેશ કરી પોતાના જીવનની કથા કહે છે. નાટકમાં ધર્મપુરીના બે મિત્રો દેવદત્ત અને કપિલ. દેવદત્ત સ્વરૂપવાન, કવિજીવ, પ્રકાંડ પંડિત છે. અહીં Head બુદ્ધિશક્તિનું પ્રતીક છે. જયારે કપિલ કુસ્તીબાજ, સૌષ્ઠવપૂર્ણ દેહયષ્ટિ ધરાવતો વનમાનુષ છે. તે શરીર(Body)નું પ્રતીક છે. નાટકમાં રૂપ રૂપના અંબર સમી પદ્મિનીને જોતાં જ બંને તેના પ્રત્યે આકર્ષાય છે. બંને મનોમન પદ્મિનીને પ્રાપ્ત કરવાની કામના કરે છે. દેવદત્ત તો પદ્મિનીના રૂપથી ઘાયલ થઈને પદ્મિની જો પોતાને પ્રાપ્ત થાય તો દેવી સમક્ષ સ્વહસ્તે શિરચ્છેદ (કમળપૂજા) કરવાનો કઠોર સંકલ્પ કરે છે. દેવદત્તની પદ્મિની માટેની તડપ જોઈ કપિલ મિત્રધર્મ બજાવી બંનેનો મેળાપ કરાવી આપે છે. પરંતુ વીજળી જેવી પદ્મિનીને દેવદત્ત જીરવી શકે એમ નથી. બીજી તરફ કપિલની દબાયેલી સંવેદનાઓ વેગવાન બની રહી હતી. પદ્મિનીને પણ કપિલના શરીરનું આકર્ષણ થાય છે.

ત્રણે એક વાર ઉજ્જૈનીના મેળામાં જતા હતા ત્યારે ગળું ચલાવતા કપિલનું સ્નાયુબદ્ધ શરીર અને સ્ફૂર્તિ એના મનમાં તોફાન મચાવે છે. રસ્તે સુહાગનું ફૂલ જોતાં પદ્મિનીને તે મેળવવાની ઈચ્છા થાય છે. કપિલ સ્ફૂર્તિથી સડસડાટ ઝાડ પર ચઢી ફૂલ લઈ આવે છે. જંગલમાં મંદિર જોતાં દેવદત્ત ત્યાં જાય છે જ્યાં તેને પોતાનો સંકલ્પ યાદ આવતાં તે દેવી કાલીનાં ચરણોમાં પોતાનું મસ્તક અર્પણ કરી દે છે. ઘણો સમય પસાર થતાં કપિલ મિત્રની શોધમાં નીકળે છે. મંદિરમાં દેવદત્તની કમળપૂજા જોઈ વ્યથિત થયેલો કપિલ પદ્મિનીની શંકાના ડરે મંદિરમાં  પોતાનો શિરચ્છેદ કરે છે. બંનેની શોધમાં આવેલી પદ્મિની, બંને પોતાને કારણે કપાઈ મર્યા સમજી વ્યથિત થઈ પોતે પણ મરવા તૈયાર થાય છે. ત્યાં જ દેવી કાલી પ્રગટ થઈ પોતાની વ્યથા વ્યક્ત કરતાં બંનેના મસ્તક ધડ પર મુકવાથી બંને જીવિત થશે એવું વરદાન આપી અંતર્ધાન થઈ જાય છે. ઉતાવળે મસ્તક જોડવામાં પદ્મિની જાણી જોઈને કે ભૂલથી મસ્તકની અદલા બદલી કરી બેસે છે. સંબંધોમાં ખરો ગૂંચવાડો હવે ઊભો થાય છે. પદ્મિનીનો પતિ કોણ ? According Shastras the head is the sign of a man. શાસ્ત્ર મુજબ માથું માણસની ઓળખ છે. હવે કપિલદેહી દેવદત્ત પદ્મિનીનો પતિ બન્યો. માથું પતિનું શરીર પ્રેમીનું પદ્મિની જેની કામના કરતી હતી તે, બંનેના શ્રેષ્ઠ તત્ત્વોને પામી તેને લાગે છે કે તે પૂર્ણતાને પામી ગઈ છે. પરંતુ કાળક્રમે મનની અસર શરીર પર પડતી હોય છે તેમ ધીરે ધીરે કપિલનું શરીર દેવદત્ત જેવું થવા માંડ્યું! આથી પદ્મિની પુનઃ કપિલ ખાતર ટળવળે છે. વલવલતી પદ્મિની વનમાં જઈ દેવદત્તદેહી કપિલને મળે છે, જે કાળક્રમે મનની અસરથી વનમાનૂસ બની ગયો છે. પદ્મિનીને શોધવા આવેલ દેવદત્ત, કપિલ સાથે પદ્મિનીને જોઈ સંઘર્ષ કરે છે. બંને લડાઈમાં કપાઈ મરે છે. કપિલદેહી દેવદત્તથી થયેલ સંતાન ભાગવતને સોંપી પદ્મિની સતી થાય છે.

નાટકમાં સર્જક સમાંતરે હયવદનનું ઉપાખ્યાન પ્રયોજી નાટકને ગતિ પ્રદાન કરે છે. ’હયવદન’ના કથાનક દ્વારા mythનો પ્રયોગ કરી નાટ્યકાર કર્નાડ આધુનિક નારી સ્વાતંત્ર્યની ભાવના. (Emancipation – પરંપરિત બંધનોમાંથી મુક્તિ)ને પદ્મિનીના પાત્ર દ્વારા ઉજાગર કરે છે. પદ્મિનીની કામેચ્છા દ્વારા સ્ત્રીના માનસપ્રદેશમાં પડેલી પૂર્ણપુરુષની, પૂર્ણત્વની કામનાને પણ નાટ્યકાર કલાત્મક રીતે દર્શાવે છે. આ વિશ્વમાં પૂર્ણરૂપે કશું પ્રાપ્ત કરી શકાય એવું હોય તો તે પશુત્વ છે, મનુષ્યત્વ નહિ. આદિમ આવેગોની પૂર્તિ – પૂર્ણ નરની કામના પ્રતીક, હયવદનના ઉપાખ્યાન દ્વારા સંકેતિત થઈ છે. હયવદન પૂર્ણતાની શોધનું નાટક છે. પરંતુ એક વાત એટલી જ સાચી છે કે માદામ બોવરીની જેમ પદ્મિનીની પૂર્ણ નરની શોધ અધૂરી જ રહે છે. નાટકનું કથાવસ્તુ ઉપનિષદના સિદ્ધાંત પરનું છે તે 'Visualizes the human body as a symbol of the organic relationship of the parts of the whole'ને પણ દર્શાવે છે.

લોકકથાના મીથક પર આધારિત ગિરીશ કર્નાડની નાટ્ય રચના ’નાગમંડલ’નું કથાબીજ મૂળ ઉત્તર કર્ણાટકમાં પ્રચલિત અને ખૂબ લોકપ્રિય સાપ કથામાંથી લેવાયું છે. ‘નાગમંડલ’ માનવજીવનની સંકુલતાને ઉજાગર કરતું, લોહી-માંસનું નાટક છે. કર્નાડનું આ નોંધપાત્ર નાટક માનવ મનના એક એવા ખૂણાને તાગે છે, જ્યાં વૃત્તિઓનું પ્રાધાન્ય છે. નાટકનો નાયક અપ્પન્ના માતાની સખી કુરુડવાની સમજાવટથી રાની નામની ગભરુ કન્યા સાથે લગ્ન કરે છે. લગ્નની પ્રથમ રાત્રિએ જ રાનીના ગભરુપણા અને નાદાન વર્તનથી નારાજ થઈ અપ્પન્ના રાનીને ઘરમાં પૂરી, બહાર તાળું મારી રખાતને ત્યાં પડી રહે છે. એક દિવસ રાનીના રુદનનો અવાજ સાંભળી વૃદ્ધા કુરુડવા રાની અને અપ્પન્ના વચ્ચેના સંબંધોની જાણકારી મેળવે છે. રાનીને મદદ કરવાની ભાવનાથી ડોશી એને વશીકરણ માટેનાં મૂળિયાં આપે છે. બે ત્રણ પ્રયત્નો પછી પતિને મનાવવામાં નિષ્ફળ ગયેલી રાની હતાશ થઈ મૂળિયું ઘસીને બનાવેલું પ્રવાહી રાફડામાં રેડી દે છે. મૂળિયાના પ્રભાવથી રાફડામાં રહેતો સાપ વશીભૂત થાય છે અને રોજ રાત્રે પતિનું રૂપ લઈ રાની પાસે આવે છે. રાની તો એમ જ માને છે કે વશીકરણથી એનો પતિ સુધરી ગયો છે. પરંતુ સમય પસાર થતાં પતિને શક જાય છે. ઘણી તપાસ પછી પણ કંઈ હાથમાં આવતું નથી અને રાની ગર્ભવતી થાય છે. ગુસ્સે ભરાયેલો અપ્પન્ના તેના પર અનૈતિકતાનું આળ મૂકે છે. ફરી એક વાર ડોશી એની વહારે આવે છે, ડોશીના સૂચનથી જ પંચ કસોટી માટે રાનીને સાપના રાફડામાં હાથ નાંખવા જણાવે છે. સાપના રાફડામાં હાથ નાંખીને નિર્દોષ અને પતિવ્રતા સાબિત થયેલી રાનીને લોકો સતી માનવા લાગે છે. પતિને પણ માનસિક રીતે સંતોષ અને હળવાશની લાગણી થાય છે. પતિ-પત્ની પ્રેમથી સાથે રહેવા લાગે છે. પરંતુ પેલા સાપને વિયોગ સાલે છે. વિયોગી સાપ અને રાનીના પતિ વચ્ચે એક દિવસ સંઘર્ષ થાય છે જેમાં આખરે સાપનું મૃત્યુ થાય છે અને સુખાંત નાટકમાં પતિ પત્ની આનંદથી રહે છે.

નાટ્યકાર કર્નાડ લોકકથા અને લોકમાન્યતામાં પ્રચલિત સાપકથાની મીથના પ્રયોગ દ્વારા એક સરિસૃપની પ્રેમ અને જાતીયતાની લાગણીને ઉજાગર કરે છે. સાથે સાથે એનો ઈર્ષાભાવ પણ પ્રગટે છે. એક સ્ત્રીના, એક માણસના આદિમ આવેગો, જાતીયતા એના પર કેવું આધિપત્ય ધરાવે છે, નારીની સંગકામના, પુરુષની chestityની માન્યતા, પરંપરિત ધર્મની રૂઢિચુસ્તતા, અંધશ્રદ્ધા, સમાજની આધિભૌતિક તત્ત્વો પ્રત્યેની આસ્થા વગેરે આ નાટકમાં ગિરીશ કર્નાડ મીથના કલાત્મક પ્રયોગથી જીવંત કરી આધુનિક માણસના મનોપ્રદેશનું દર્શન કરાવે છે. વૃત્તિઓ જીવનનું ચાલકબળ છે એ પણ દર્શાવી આપે છે.

આધુનિક નાટ્યકાર ગિરીશ કર્નાડનાં ઉપરોક્ત નાટકો મીથના પ્રયોગથી વધુ અર્થસભર, વધુ આધુનિક  અને વધુ કલાત્મક બન્યાં છે. સાંપ્રત સમાજ અને માણસની  સમસ્યાઓને વાસ્તવિક દૃષ્ટિકોણથી આધુનિક સંદર્ભે રજૂ કરનાર કર્નાડનાં આ નાટકો પરથી ફિલ્મો બની છે તેમ જ રંગમંચ પર સફળ રીતે અનેક વાર એના પ્રયોગો થયા અને  થાય છે એ જ એમની સિદ્ધિ છે.

સી. યુ. શાહ સિટી આર્ટ્‌સ કોલેજ, લાલ દરવાજા, અમદાવાદ

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, ઑગસ્ટ 2019; વર્ષ – 13; અંક – 141; પૃ. 08-14

Loading

...102030...2,7072,7082,7092,710...2,7202,7302,740...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved