ભારતીય પરંપરામાં ગાયને માતા ગણી પૂજવામાં આવે છે. માનવ જીવનને પોષક નદી હોય કે ગાય, તેને માતાનું સ્થાન અપાય તે સ્વાભાવિક છે.
પૌષ્ટિક આહારરૂપ દૂધ તો ગાય આપે જ છે, તે ઉપરાંત તેનાં મળમૂત્ર ખાતરરૂપે કામમાં લેવાય છે અને તેનાં મરણ બાદ ય હાડકાં, શિંગડાં, ચામડાં બધું ય માનવ જીવન માટે ઉપયોગી જ છે ને ?
આ બધું તો ભેંસ પણ આપે છે. છતાં ય ગાયને કેમ માતાનું મહત્ત્વ ? કદાચ પિતૃસત્તાક સમાજની એ જ માનસિકતા કામ કરે છે કે ગાય પુત્રોને જન્મ આપે છે જે પુત્રો પ્રજોત્પત્તિ ઉપરાંત 'બળદ'રૂપે ખેતર ખેડવામાં અને મુસાફરીને માલ વહન કરવા માટે વાહન સાથે જોતરાય છે. બળદગાડું આપણા દેશના સપાટ પ્રદેશોમાં સદીઓથી લોકજીવનમાં વણાયેલું છે. અલબત્ત, દેશના કેટલાક પ્રદેશોમાં ભેંસના પાડા પણ હળે જોતરાય છે એ આપણે સૌ કોઈ જાણીએ જ છીએ.

ગાયમાતામાં 32 કરોડ દેવતાઓનો વાસ છે અને એટલે એ પૂજનીય છે એવી વાત પણ ધાર્મિક રીતે ચાલી. ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવાની માગણી સાથે વર્ષો પૂર્વે ગૌભક્ત સાધુ-સંતો-બાવાઓ પાર્લામેન્ટમાં બધાં જ પ્રતિબંધો તોડીને ઘૂસી ગયા એ ય મહત્ત્વની ઘટના ભારતીય રાજકીય ઇતિહાસમાં નોંધાયેલી છે.
પરંતુ છેલ્લાં દસબાર વર્ષથી ગૌભક્તિનાં નામે, ગૌહત્યાની અફવા કે અંદેશા માત્રથી જીવતા લોકોને રહેંસી નાંખવાની, માણસહત્યાની ઘટનાઓ દેશભરમાં બનતી રહી છે તે હજારો વર્ષના માનવજીવનમાં અભૂતપૂર્વ, ઐતિહાસિક બાબત તરીકે નોંધવી જ રહી.
પ્રાચીન કાળમાં પશુપાલન પર જ્યારે જન જીવન નભતું હતું ત્યારે ગૌધન જેની પાસે વધુ હોય તે સમૃદ્ધ ગણાતા એ વાત સાચી અને તે સમયે બ્રાહ્મણો અનેકાનેક ધાર્મિક વિધિઓનાં નામે, ગૌદાન મેળવવા કીમિયા કરતા એ ય સાચું પણ 'પવિત્ર ગાય'નાં નામે મનુષ્યહત્યા કરવી એ તો આ આધુનિક અને આજના સમયની દેણ છે એવું લાગે છે.
સાથે સાથે ગાયને એટલી પવિત્ર બનાવી દેવાઈ છે કે જાણે એ એક મનુષ્યજીવનનું ઉપયોગી પશુ નહીં પરંતુ દૈવીશક્તિ ધરાવતો જીવ હોય એવી અંધશ્રદ્ધા પણ આજે રાજકીય મંચો પર ગાજતી રહે છે.
ગયા મહિને જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી રાવતજીએ કહ્યું કે "ગાય જ એક એવું પ્રાણી છે જે ઓક્સિજન લે છે અને ઉચ્છવાસમાં પણ ઓક્સિજન છોડે છે ..! .. તેની નજીક રહેવાથી ટીબી જેવા રોગ નાબૂદ થાય છે.” અને ભોપાલથી ચૂંટાયેલાં સંસદસભ્ય સાધ્વી પ્રજ્ઞાજીનું તો માનવું છે કે ગાયને પંપાળવાથી કેન્સર જેવા રોગ મટી જાય છે .. તેમનું ખુદનું કેન્સર એ જ રીતે મટી ગયું છે તેવો દાવો પણ જાહેરમાં તેમણે વારંવાર કર્યો છે.
જે રાજકીય પાર્ટી ના આગેવાનો ગાયનું આટલું મહત્ત્વ આંકે છે તે ભારતીય જનતા પાર્ટીએ 2014માં જ કેન્દ્ર ખાતે સત્તા પર આવતાં જ દેશની પવિત્ર ગાયોને બચાવવા રાષ્ટ્રીય ગોકુલ મિશનની સ્થાપના કરી, જેનો ઉદ્દેશ્ય સેંકડો વર્ષોથી આપણા દેશમાં જે દેશી ગાયોની ઓલાદ છે, જાતિઓ છે તેનું સંરક્ષણ અને સંવર્ધન કરવું અને તે ગાયો દેશમાં વધુને વધુ ટકી રહે તે માટે કામગીરી કરવી અને આ માટે થઈ કેન્દ્ર સરકારે 2,000 કરોડ રૂપિયા પણ 2014માં બજેટમાં ફાળવ્યા.
પરંતુ તાજેતરમાં જ દેશભરમાં થયેલી પશુ વસતિ ગણતરીના આંકડા કંઈક જુદી જ વાત આપણને જણાવે છે જે દેશના ગૌપ્રેમીઓ માટે ચિંતાજનક ગણવી રહી.
ગયા વર્ષના ઓક્ટોબરથી શરૂ થયેલી અને આ વર્ષના જુલાઈ સુધીમાં 6,66,028 ગામડાંઓ અને 89,075 શહેરી વિસ્તારોનો સમાવેશ કરતી અને લગભગ 26 કરોડ પરિવારોની મુલાકાત પર આધારિત આ પશુ ગણતરીના આંકડા હજી અધિકારિક રીતે બહાર નથી પડાયા પરંતુ અંગ્રેજી અખબાર ‘ઇન્ડિયન એક્સપ્રેસે’ ગયા અઠવાડિયે જે કાચો રિપોર્ટ તૈયાર થઈ ચૂક્યો છે તેના આંકડા પ્રગટ કર્યા છે.
આ આંકડાઓ મુજબ દેશમાં કુલ અત્યારે 53.30 કરોડ જેટલું પશુધન છે. 2012ની પશુ ગણતરી વખતે તે સંખ્યા 51.20 કરોડની હતી. દેશમાં પશુધન વધી રહ્યું છે તે નોંધપાત્ર વાત છે જ. પરંતુ આ વધતાં જતાં પશુધનનું પશુ પ્રમાણે વર્ગીકરણ કરીએ તો છેલ્લાં સોળ વર્ષમાં હાઈબ્રીડ -ક્રોસબ્રીડ ગાયો એટલે કે જર્સી, હોલસ્ટેઈન-ફ્રિઝિયન જેવી ગાયોમાં 238 % જેટલો જબરજસ્ત વધારો જોવા મળે છે. 1992માં હાઈબ્રીડ ગાયોની વસતિ 1.52 કરોડની હતી જે 2012ની પશુ વસતિ ગણતરીમાં વધીને 3.97 કરોડ નોંધાઈ અને આ 2019માં વધીને 5.14 કરોડ જેટલી થઈ ગઈ છે !
અને તેની સામે દેશી ઓલાદની ગાયો એટલે કે આપણી ગીર ગાય, કાંકરેજી ગાય, સહિવાલ ને રાતી સીન્ધી ગાય જેવી દેશી ગાયોની સંખ્યામાં લગભગ 26 % જેટલો મોટો ઘટાડો આપણા દેશમાં જોવા મળે છે અર્થાત્ 18.93 કરોડમાંથી ઘટીને અત્યારે 2019માં 13.98 કરોડ થઈ ગઈ છે.
આ ઘટાડો પશુ વસતિ ગણતરીના જુદાં જુદાં વર્ષો પ્રમાણે જોઈએ તો 2007માં દેશી ગૌધનની વસતિ 16.60 કરોડ હતી, 2012માં તે ઘટીને 15.11 કરોડ થઈ અને અત્યારે 2019માં તે ઘટીને 13.98 કરોડ પર પહોંચી છે.
આ બન્ને વિદેશી અને દેશી ગાયોની વસતિના પ્રમાણમાં ખાસ કરીને દૂધ આપનારી ગાયોની ભેગી વસતિ તપાસીએ તો 2007માં તેની વસતિ 11.54 કરોડની હતી જે 2012માં વધીને 12.29 કરોડની થઈ અને અત્યારે 2019માં વધુ વધારો થઈ 14.46 કરોડની સંખ્યા થઈ ગઈ છે.
આ વધઘટના આંકડાઓનું પૃથક્કરણ કરીએ તો એક જ સીધો અર્થ નીકળે કે જે ગાયો દૂધ આપે છે અને તેમાં ય ખાસ કરીને જે વિદેશી-હાઈબ્રીડ ગાય બોઘેણા ભરી ભરીને વર્ષે દહાડે સાતથી આઠ હજાર લીટર દૂધ આપે છે તેને ઘરને આંગણે કે તબેલાઓ પર ઉછેરવાનું અને તેમાંથી આર્થિક ઉપાર્જન કરવાનું પશુ પાલકોને ખેડૂતો વધુ પસંદ કરે છે.
એનો અર્થ એ પણ થઈ શકે કે ખેડૂતો અત્યારે ખેતીમાં જે બદતર હાલતમાં મૂકાય છે તેઓ પૂરક આવક તરીકે પશુપાલન કરી રહ્યા છે અને પોતાના પરિવારનું પોષણ કરી રહ્યા છે.
બીજી બાજુ ભેંસની વસતિમાં થયેલો વધારો આ જ દૂધનાં બજારની વાત જ આપણી સામે સ્પષ્ટ કરી આપે છે. ગાય કરતાં ભેંસના દૂધની ફેટ ઘણી વધારે હોય છે. બજારમાં જે દૂધની ફેટ વધારે તેનાં ભાવ વધારે !
2007માં દેશમાં ભેંસોની કુલ વસતિ 10.53 કરોડ હતી. જે 2012માં વધીને 10.80 કરોડ થઈ અને આ 2019માં તેની વસતિ 11.01 કરોડ સુધી પહોંચી છે.
બકરીની વસતિ પણ વધી છે. જે 2007માં 14.05 કરોડ જેટલી હતી. તે 2012માં ઘટીને 13.51 કરોડ થઈ અને 2019માં પાછી વધીને વધી ને 14.77 કરોડ જેટલી થઈ ગઈ.
આ બકરીનો વધારો શું સૂચવે છે ? શહેરી કે ગ્રામીણ ગરીબોને ઉછેરવામાં એક માત્ર પશુ તે બકરી જ પોસાય અને તેને વેચવાથી આર્થિક ઉપાર્જન થાય એ જ ગણવું રહ્યું ને ? અને માંસ તરીકે ખાવામાં અને પરદેશ એક્સપોર્ટ કરવામાં સરળ હોવું એ જ ગણવું રહ્યું ને?
અને ઘેટાંના આંકડા જોઈએ તો ઘેટાંની વસતિ ઘટતી દેખાય છે. 2007માં ઘેટાં 7.15 કરોડ હતાં જે 2019માં ઘટીને 6.50 કરોડ થઈ ગયાં.
મોંઘવારીની સાથે સાથે ઘેટાં હવે પરંપરાગત રીતે જે ધાબળા માટેનું ઊન આપનારાં હતાં તે ઘેટાં પરથી ઊનનું કતરણ કરવું અને બજારમાં વેચવું એ આર્થિક રીતે આકર્ષક વાત ભરવાડો માટે રહી નથી એ તો મેં ભરવાડો સાથેની વાતચીતથી જ જાણેલું છે. વળી હવે નવા પ્રકારના કૃત્રિમ ઊનના ધાબળાઓનું ચલણ બજારમાં એટલું બધું વધી ગયું છે કે ઘેટાના ઊનમાંથી બનતા જાડા ધાબળાને બનાવનારા ને ખરીદનારા ઓછા થઈ ગયા છે. એટલે મોટે ભાગે ભરવાડો ઘેટાં વેચવા માટે જ ઉછેરે છે અને તેનો વપરાશ ખોરાક તરીકે જ મહદ્દ અંશે થાય છે તે વાસ્તવિકતા ગણવી રહી.
અને જમીનો પર ખાનગી વર્ચસ્વ વધતાં હવે જ્યાંને ત્યાં ખૂલ્લેઆમ રખડતાં ભૂંડની વસતિમાં નોંધપાત્ર ઘટાડો જોઈ શકાય છે. 2007માં ભૂંડની વસતિ આપણા દેશમાં 1.11 કરોડ હતી તે 2012 માં ઘટીને 1.02 કરોડ થઈ અને 2019માં તે ઘટીને 82 લાખ સુધી પહોંચી ચૂકી છે.
ભૂંડ ખોરાક તરીકે, તેનાં માંસ માટે જ ઉછેરવામાં આવે છે પણ જાહેર જમીનો પર ખાનગી માલિકીનો કબજો વધતાં તેની વસતિ પર ભીંસ વધી હોય એવું માની શકાય ?
સામાજિક-આર્થિક કારણોનાં સંદર્ભે જોઈએ તો આપણું પશુધન બજારને હવાલે થઈ રહ્યું છે એમ કહેવું અસ્થાને નહીં લેખાય.
આ બધાં વિવિધ પશુઓની વસતિની સંખ્યાને ધ્યાનમાં રાખીને સાંઢ-બળદની વસતિની સંખ્યા તપાસવી પણ રસપ્રદ છે.
2007માં સાંઢ-બળદની સંખ્યા પણ દેશમાં જે પશુ ગણતરી થઈ તે મુજબ 8.36 કરોડની હતી. જે ઘટીને 2012 માં 6.79 કરોડ થઈ ગઈ અને 2019માં તેમાં ધરખમ ઘટાડો થયો ને માત્ર ને માત્ર 4.66 કરોડની થઈ ગઈ. છેલ્લાં દસ વર્ષમાં કહો કે 50 % જેટલો ઘટાડો થઇ ગયો !
આનું કારણ તો બળદોને પોષવા ખેડૂતોને હવે પોસાતા નથી એ જ ગણવું રહ્યું ને ?
હજી પચીસ ચાલીસ વર્ષ પહેલાં મોટે ભાગે દરેક ખેડૂતને ત્યાં એક યા બે બળદ તો જોવા મળતાં જ. જે ખેતર ખેડવા તો કામમાં આવતાં જ પણ સાથે સાથે ઘરેથી ખેતર આવન જાવન માટે કે માલસામાન ભરવા કે બીજાં નજીકના ગામે જવા આવવા માટે પણ બળદગાડું ખેડૂતો જોડતા. અરે! લગનની જાન પણ ગામના સૌ બળદગાડાં ભેગા કરીને જ જોડાતી ને ?
પણ ઝડપભેર હવે આ બધું ઓછું થવા માંડ્યું છે. કોઇ કહેશે કે હવે તો ખેડૂતો આધુનિક બની ગયા છે અને ખેતરે ખેતરે ટ્રેક્ટરો ચાલે છે !
સુખી ખેડૂતો – મોટી જમીન ધરાવતા ખેડૂતો માટે ઘરને આંગણે ટ્રેક્ટર રાખવું પોસાઈ શકે પરંતુ જે સીમાંત ખેડૂતો છે, નાના ખેડૂતો છે એમના માટે શું ટ્રેક્ટર ખરીદી ને બળદને બદલે આંગણે રાખવું પોસાય કે ? ચાર પાંચ હજારનાં બળદની સામે ટ્રેક્ટર વસાવવું ન જ પોસાય.
શહેરમાં છૂટક મજૂરી કરતા અને ગામડે ખેતર ધરાવતા એક આદિવાસીને મેં એકવાર પૂછેલું કે બળદ રાખવા સારાં કે ટ્રેક્ટર ? એટલે એણે કહ્યું કે ટ્રેક્ટર તો ક્યાંથી ખરીદવા ના ? એટલાં બધાં રૂપિયા ક્યાંથી લાવવાના ને ટ્રેક્ટર ખરીદીને કરવાનું શું ?
પણ શહેરમાં મજૂરી કરીએ એટલે ગામમાં ખેતીવાડી માટે સમય નથી મળતો યા તો અહીંથી ગામડે જવાનાં બસભાડા અને શહેરની છૂટક રોજી કમાવાની ચૂકી જવાનું હવે પોસાતું નથી એટલે આ વર્ષે મેં એક કલાકના 800 રૂપિયા લેખે ખેતર ખેડવા ટ્રેકટર ભાડે લીધું. નાના- નાના જમીનના ત્રણ ટુકડા ખેડવામાં મેં અઢી હજાર રૂપિયા મેં ટ્રેક્ટરનું ભાડું ચૂકવ્યું.
પણ બળદની જેમ તો ખેતરના જ ખેડાયું. ક્યાંક વધુ ઊંડા ચાસ પડ્યા, ક્યાંક વાવેલાં મકાઈના બીજ ઉપર આવી ગયાં જેને લીધે ઊંડા બીજ બાતલ ગયાં અને ઉપર આવી ગયેલાં બીજને કારણે આ ગયા અઠવાડિયે પવન સાથે જે તોફાની વરસાદ પડ્યો તેને લઈ ઊભાં છોડ આડાં પડી ગયાં ! બધું બાતલ !'
'ટ્રેકટર કરતાં બળદ જ સસ્તાં પડે, ઘાસચારો તો વરસાદ ઓછો પડે તો પણ મળી રહે. પણ આ રોકડા રૂપિયાનો માર બળદ કરતાં ભારે પડે !'
આ દેશના લાખો ગરીબોનાં આર્થિક વિકાસમાં નાનાં નાનાં રોકાણ અને પશુધન ઘણું ઉપયોગી છે.
પણ આપણે હવે બધું મોટું મોટું અને ખોટું ખોટું વિચારવા માંડ્યા છીએ. દેશી ગાયને ગૌમાતા કહીશું પણ શું જર્સી ગાયની પૂજા કરીશું ?એને પવિત્ર માનીશું ?
આપણને એક બાજુ આર્થિક રીતે લાભકારક જર્સી ગાય જોઈએ છે, વધુ ફેટવાળું દૂધ આપતી ભેંસ જોઈએ છે, દેશી ગાયને પૂજીને પણ રસ્તે રખડવા દઈએ છીએ ! આ તે કેવો ગાય પ્રેમ ?પશુપ્રેમ ?
આપણે સૌ ઉપયોગી પ્રાણીઓ અને સૌ માણસોને ભેદભાવ વિના સમાન માનતા ક્યારે થઈશું ?
સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”; 21 ઓગસ્ટ 2019
![]()



બારાખડી ભણતું બાળક ક કમળનો કે ક કલમનો, ખ ખલનો કે ખ ખડિયાનો, ગ ગણપતિનો કે ગ ગધેડાનો એમ શીખે છે, પણ ળ અને ણ એ બે વર્ણો પાસે એ અટકી જાય છે. એને કહેવામાં આવે છે, ળ અને ણ કોઈના નહીં. ળ કોઈનો નહીં સ્મૃતિમાં દૃઢપણે જડાઈ જાય છે. ળ કોઈનો નહીં — ની શીખ બાળમાનસને ગોઠતી નથી, એનાથી સ્વીકારાતી નથી એટલે તે ચિત્તમાં ઘૂંટાતી રહી એને જંપવા નથી દેતી.
પ્રસ્તાવનામાં જ કહેવાયું છે કે બાળપણમાં પિતરાઈ ભાઈઓ કવિને ળળળળળ કહીને ચૂપ કરી દેતા ત્યારે તે ળની એમને દયા આવતી અને સાથોસાથ તેની તાકાતનો પણ પરચો થતો. જે નિર્દોષ પણ દમનકારી બાળચેષ્ટા હતી તે આગળ જતાં તેમને અવળા ખપમાં આવી. અંદર અને બહારથી આવતા અને ચૂપ કરવા મથતા તમામ અવાજોનો, તમામ પરિબળોનો પ્રતિકાર કરવા એ જ ળ વહારે આવ્યો! આમ ળળળ … એ પ્રતિકારનો શબ્દ છે, ચૂપ ન થવાની હઠનો શબ્દ છે. એ આક્રોશભર્યો ઓછો અને વિનયપૂર્વકનો હઠાગ્રહ ઝાઝો છે. પ્રતિષ્ઠા પંડ્યા અંદર અને બહારથી આવતા તમામ અવાજો પ્રત્યે સભાન છે અને પ્રતિકાર માટે સ્પષ્ટ છે. એમનાં કાવ્યોએ તમામ વિશેષણમાં ઘણું બધું સમાવ્યું છે. ચૂપ કરી દેવા પ્રવૃત્ત માત્ર બાહ્ય — સામયિક કે સામાજિક કારણો જ જો હોત તો એમના પ્રતિકારનો શબ્દ પ્રતિબદ્ધતાને વ્યક્ત કરનારો શબ્દ બન્યો હોત, ઝુંબેશનો સ્વર બન્યો હોત. એમ બન્યું હોત તો ભાવક તરીકે આપણને મર્યાદિત રસ જ પડ્યો હોત, કદાચ કવિને પણ. પ્રતિષ્ઠા પંડ્યાનાં કાવ્યોમાંથી પસાર થતાં લાગે છે, અનુભવાય છે કે એમને ચૂપ કરવા મથતાં, ચૂપ કરતાં જતાં અંતરબાહ્ય તમામ પરિબળો અને કારણોથી એ સભાન અને પૂરતાં સભાન છે. જેમ બાહ્ય કારણો અનેક છે તેમ જ આંતર કારણો — સંસ્કારનાં, ઉછેરનાં, સ્ત્રી હોવાનાં, રોજિંદાપણાનાં, સહજીવનનાં, ભયનાં, આકાંક્ષાઓનાં, અપેક્ષાઓનાં, હતાશાનાં, કંટાળાનાં એમ અનેક છે અને તે સઘળાં કવિના શબ્દને ચૂપ કરવા ઉત્સુક છે, ઉદ્યમી છે અને ત્યારે કવિને એ તમામને ળળળ … કહેવું છે, એમણે કહ્યું છે. એમને ઉત્તેજિત અને આનંદિત કરી મૂકતી આ એમની નાનકડી જીત છે; કોઈને ય હરાવ્યા વિનાની. આ કવિતા ચળવળની ન હોઈ, મુક્તપણે વિહરે છે અને ભાવકને પણ સહૃદયતાપૂર્વક નિમંત્રે છે! એમની કવિતામાં આપણને રસ પડે છે, આપણો રસ જળવાઈ રહે છે.