આપણી સૌથી પહેલી ભાષા હોય છે કાલાઘેલા ઉચ્ચાર, જે આપણા સિવાય કોઈ નથી સમજી શકતું. પણ આપણે વડીલો અને મોટા કુટુંબીઓને સાંભળીને, એમનું અનુકરણ કરીને, ભાષા શીખવા મંડીએ છીએ. એમની પહેલી ભાષાને આપણે માતૃભાષા કહીએ છીએ, કારણ કે એ ભાષા આપણે સૌથી વધુ આપણી મા પાસે સાંભળીએ છીએ. અને જો આપણે નસીબદાર હોઈએ અને આપણા પિતા બીજી ભાષા બોલતા હોય, તો બબ્બે ભાષા આપણે નાનપણથી સમજીએ અને બોલી શકીએ છીએ.
નિશાળે જવા મંડીએ, એટલે આપણને ભાષાશિક્ષકો વ્યવસ્થિત રીતે શીખવે છે – એનું કારણ એ છે કે એને લીધે આપણે સમાજમાં અને એની પ્રવૃત્તિઓમાં સમજપૂર્વક ભાગ લઈ શકીએ છીએ. દરેક ભાષાની હોય છે ખાસિયત, સંસ્કૃતિ, સાહિત્ય, અને માધુર્ય. કમનસીબે આપણને દેશભરની બધી ભાષા શીખી શકવાનો નથી સમય, નથી આપણામાં ધગશ.
તો કઈ ભાષા શીખવી અને કઈ ભાષામાં વ્યવહાર કરવો, એ કોણ નક્કી કરે અને કયા નિયમસર આ બધું નક્કી કરાય?
ભારતનાં શહેરોમાં ઘણી ભાષા બોલાય છે. જો તમે કોઈ શહેરમાં રહેતા હો અને બીજા પ્રદેશથી આવ્યા હો અને તમે કહો કે મને મારા નવા શહેરની ભાષા નથી ગમતી કે એ ભાષા ન શીખવાનો તમે નિર્ણય લો, તો એનો ગેરલાભ તમને છે અને તે તમારી ખામી પુરવાર કરે છે. તમારી પોતાની ભાષા અને એ શહેરની ભાષા, આ બે તો જાણવી/સમજવી જ જોઈએ. એ ઉપરાંત અંગ્રેજી – એટલા માટે કે નહીં, કે આપણે હજુ અંગ્રેજ સામ્રાજ્યથી અંજાયેલા છીએ; એટલા માટે પણ નહીં કે અંગ્રેજી ભારતની ભાષાઓ કરતાં ચડિયાતી છે – પણ એટલા માટે કે અંગ્રેજી જગતભરમાં બોલાય અને સમજાય છે અને વાણિજ્ય, વેપાર, વિજ્ઞાન અને વ્યવહારમાં સફળતા અને સહેલાઈથી આગળ વધવું હોય, તો તે માટે અંગ્રેજી આવશ્યક છે. હા, તમે અંગ્રેજી સિવાયની બીજી કોઈ પણ ભાષામાં ગણિત, વિજ્ઞાન અને ઇતિહાસ ભણી શકો છો – મારો જ દાખલો લો – પણ અંગ્રેજી સરખું બોલીસમજી ના શકાતું હોય, તો દુનિયામાં આગળ વધવું અને કીર્તિ પ્રાપ્ત કરવી અઘરી તો પડે.
વિવિધ ભાષાઓની સમજ અને જાણકારી આપણી પોતાની વિચારધારાને સંકુચિત રાખવાને બદલે વિસ્તૃત કરે છે. બહુભાષી હોવું એ તો સદ્ગુણ છે અને વિવિધભાષી બનવું જટિલ નથી.
હું ગુજરાતી છું; મારો જન્મ ગુજરાતી ઘરે થયો હતો. મારી મુંબઈની શાળા – ન્યૂ ઇરા (મુંબઈ) – અમને ગુજરાતી માધ્યમમાં શીખવતી. બાલમંદિરથી બધા વિષય અમે ગુજરાતીમાં શીખ્યા. બીજા ધોરણમાં અમને અંગ્રેજી એક વિષય તરીકે શીખવા મળ્યું, ત્રીજા ધોરણથી હિન્દી. અમારા હિન્દીના શિક્ષકે અમને પ્રોત્સાહન આપ્યું કે અમે સૌ રાષ્ટ્રભાષા પ્રચારસમિતિ યોજિત હિન્દી પરીક્ષા આપીએ. એ પોતે રહ્યા હિન્દીભાષી. (આ સમિતિને ય ગતાગમ નહોતી; ‘રાષ્ટ્રભાષા’ પ્રચારસમિતિ કહેવું એ જ એક ભૂલ છે – હિન્દી ભારતની ઑફિશિયલ, એટલે કે સત્તાવાર ભાષા છે; નૅશનલ, એટલે કે રાષ્ટ્રભાષા નથી – પણ જવા દોને એ વાત – ખાલી ફોગટ હિન્દીવાળાઓ જોડે ઝઘડો થશે!) એક વાત મારે કબૂલ કરવી જોઈએ – મારું હિન્દી કાચું – હું પ્રાથમિક અને પ્રારંભિક પરીક્ષામાં (માંડ માંડ) પાસ થયો અને પ્રવેશ, પરિચય, કોવિદ અને રત્ન – એ પરીક્ષાઓને દૂરથી જ નમસ્કાર કર્યા. મને ગુજરાતી વહાલી.
પાંચમાથી સાતમું ધોરણ અમે મરાઠી શીખ્યા – મુંબઈ હતાને? ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી અમે દસમી સુધી શીખ્યા. સાતમા ધોરણ સુધી અમારા બધા વિષયો અમને ગુજરાતીમાં શિખવાતા હતા – એટલે હું ભૂગોળ ભણ્યો, જ્યોગ્રાફી નહીં; વિજ્ઞાન ભણ્યો, સાયન્સ નહીં; બીજગણિત, અલ્જિબ્રા નહીં; ભૂમિતિ, જ્યૉમેટ્રી નહીં. પણ એ છતાં અમારો અંગ્રેજીનો પાયો પુષ્કળ મજબૂત! આઠમીમાં ગણિત અને વિજ્ઞાન અંગ્રેજીમાં શિખવાયાં; નવમીમાં ઇતિહાસ, ભૂગોળ અને નાગરિકશાસ્ત્ર પણ અંગ્રેજીમાં; અને દસમીમાં તમામ વિષય અંગ્રેજીમાં. એનું પરિણામ? માધ્યમિક શિક્ષણ પત્યું, ત્યારે અમે ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષા માતૃભાષા જેવી સહજતાથી બોલતા, વાંચતા અને લખતા થયા, અને હિન્દી અને મરાઠી સમજી શકતા.
વળી પછી મારી શાળા રાષ્ટ્રવાદમાં માને – ભગવાધારી રાષ્ટ્રવાદ નહીં, પણ ખાદીધારી રાષ્ટ્રવાદ. એટલે કે ગાંધી અને ટાગોરની વિચારસરણીથી પ્રેરિત અમારી શાળા – એટલે અમને મન હોય, તો રવિવારે અમને ભારતની બીજી કોઈ પણ ભાષા શીખવી હોય, તો એ માટે વિકલ્પ ઉપલબ્ધ હતો. (મહિને વીસ રૂપિયાની ફી). કોઈક વર્ગમાં ચિત્રકામ ચાલે, હૉલમાં ભરતનાટ્યમ્ના વર્ગ ચાલે, ઑડિટોરિયમમાં નાટકનો વર્ગ અને બીજા ત્રણ વર્ગમાં બીજી ભાષા શિખવાય – અમારા વખતે બંગાળી, મલયાલમ અને સંસ્કૃત વર્ગ ચાલતા હતા. હું ત્યાં બે વર્ષ બંગાળી શીખ્યો અને સોળ વર્ષે એ નિર્ણય લીધાથી હું આજે પણ ખુશ છું – એને જ કારણે હું ભારતની કલા સમૃદ્ધિ અને સાહિત્યથી વધારે પરિચિત છું – ફાયદો મને થયો છે; સત્યજિત રાય, મૃણાલ સેન અને ઋત્વિક ઘટકની ફિલ્મો મેં સબટાઇટલ વાંચ્યા વગર જોઈ છે, બાદલ સરકારનાં નાટકો બંગાળીમાં ભજવાતાં મેં જોયાં છે, જેનો હું ઋણી છું.
પણ આ નિર્ણય મેં લીધો હતો અને એ સૌથી અગત્યની વાત છે. જે ભાષા વગર કામ ન થઈ શકે, જે જરૂરી હોય એ અમને અમારા શિક્ષકોએ ફરજિયાત શીખવી. મુંબઈમાં રહીને મરાઠી ના સમજો તો એનો ગેરલાભ તમને જ છે. જો તમારે દુનિયાભરમાં કામ કરવું હોય કે પ્રવાસ કરવો હોય, તો અંગ્રેજી વગર અઘરું પડે. જે દેશમાં ઘણા લોકો હિન્દી બોલતા હોય, ત્યાં હિન્દી સમજવામાં કોઈ નુકસાન નથી અને બીજી ભાષા શીખવી હોય, તો એ માટે સુવિધા પણ છે.
તકલીફ ત્યારે ઊભી થાય છે, જ્યારે આ નિર્ણય તમને કોઈ ના લેવા દે, પણ તમારા પર કોઈ જોર કરી લાદે. કારણ કે જ્યાં જોર વપરાય, એને તો બળજબરી કહેવાય.
થોડા દિવસ પહેલાં મોદી સરકારે નવી શિક્ષણનીતિ જાહેર કરી, જેમાં હિન્દી પર ખાસ મહત્ત્વ અપાયું. ઘણાં રાજ્યોએ વિરોધ કર્યો. ઓગણીસસો સાઇઠના દાયકામાં તમિળનાડુ પ્રાંત દેશથી છૂટા થવા તૈયાર થઈ ગયેલો આ જ કારણસર. બળજબરીથી કોઈ પણ સરકાર હિન્દી શીખવવાનો આગ્રહ કરે, એ તો જુલમ કહેવાય. રાજ્યોએ એ વખતે અને અત્યારે વિરોધ કર્યો એનાં બે કારણ છે. એક કે સરકાર ભારતની બીજી ભાષાઓને હિન્દી જેટલી મહત્ત્વની નથી ગણતી; અને બીજું કે આ નીતિનો લાભ ભારતની ચાલીસ ટકા પ્રજાને થાય છે, કારણ કે ભારતના માત્ર બે-પંચમાંશ નાગરિક હિન્દી બોલે છે; ત્રણ-પંચમાંશ, એટલે કે મોટા ભાગના લોકોની માતૃભાષા હિન્દી નથી.
એ વાત સાચી કે ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા હિન્દી છે – પણ ઉત્તર ભારતમાં બોલાતી બધી ભાષાને ‘હિન્દી’ કહેવી, એ બીજી ભાષાઓ – ખડી બોલી, બ્રજભાષા, ઇત્યાદિ – સાથે અન્યાય કહેવાય. યીડિશ ભાષાશાસ્ત્રી હતા મેક્સ વાઇનરાઇચ. એમણે એક વખત કહ્યું હતું કે ભાષા અને બોલી વચ્ચે એક જ ફરક છે – પ્રત્યેક ભાષા બોલી છે, પણ ભાષા પાસે લશ્કર અને નૌસેના છે. બોલી ભાષા બને છે, કારણ કે બોલી બોલનારી પ્રજા શક્તિશાળી છે. ભાષાને બોલી કહેવું, એ દરેક બીજી ભાષા, જેને બોલી કહેવાય છે, એનું અપમાન છે.
એવું નથી કે હિન્દી લોકપ્રિય નથી. હિન્દી સિનેમાને કારણે બમ્બૈયા હિન્દી શબ્દો – ફાલતુ, ખિટપિટ, ગડબડ, ખડુસ, કાંદા-બટાટા (આલુ-પ્યાજ નહીં!) અને ગુલામી અને આઝાદી જેવા ઉર્દૂ શબ્દ ભારતભરની પ્રજા સમજે છે અને સ્વીકારે છે. શેરીઓમાં બોલાતી હિન્દી સામે બહુ ઓછાને વાંધો છે – પણ ભદ્રંભદ્ર જેવું દસેક જણ જ સમજી શકે એવું હિન્દી જ્યારે પ્રજા પર બળજબરીથી ઠોસીને દબાવાય છે, ત્યારે પ્રજા વીફરે છે.
મરાઠી લેખિકા ગૌરી દેશપાંડે (૧૯૪૨-૨૦૦૩) મારા મિત્ર હતાં. એમણે મને એક વખત કહ્યું હતું કે જો ભારતમાં એક ભાષા રાષ્ટ્રભાષા તરીકે નીમવી હોય, તો ખાસી અથવા ગારો ભાષા પસંદ કરવી જોઈએ. ખૂબ ઓછા લોકો એ ભાષા બોલે છે, એટલે જો એ ભાષા રાષ્ટ્રભાષા બને, તો બધા ભારતીયો એક જ જગ્યાએથી પ્રારંભ કરશે અને કોઈને વિશેષાધિકાર નહિ મળે.
ગૌરી હતી હંમેશાં શાણી અને વ્યંગમ્ય, પણ એની વાતનો મર્મ આજના ભારત માટે ઘણા કામનો છે.
E-mail : salil.tripathi@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2019; પૃ. 10-11
![]()


હમણાં જોવામાં આવેલાં કેટલાંક નવાં અંગ્રેજી પુસ્તકોની ઝલકની શરૂઆત ઘરદીવડાથી કરવાની થાય. બાર વર્ષના રેહાન મેઘાણીએ Richie Harrer and the Map of Zends નામની રસપ્રદ સાહસકથા લખી છે. ચુંવાળીસ પાનાંની વાર્તામાં જોવા મળતી આ કિશોરની લેખનકળા અચંબો પમાડે તેવી છે. ખજાનાની શોધની આસપાસ ગૂંથાયેલી મૂળ વાર્તા રેહાનની સમૃદ્ધ કલ્પનાશીલતાની ફળશ્રુતિ છે. તેણે સ્થળો અને પાત્રો પણ મજાનાં ઊભાં કર્યાં છે. પછી તેમાં ઉમેરાય છે આખર સુધી ઉત્કંઠા જગાડે તે રીતે વાર્તા કહેવાનો કસબ. સહુથી વધારે નોંધપાત્ર છે તે રેહાનની ભાષાની ફેલિસિટી. તેની લેખનશૈલી સાદી, ભારે શબ્દો કે અલંકારો વિનાની અને છતાં કેવળ બોલચાલની ન બને એવાં ધોરણની છે. વાર્તાનાં પાત્રો, સ્થળો, તેમાં ઊભો કરવામાં આવેલો પરિવેશ અને ખાસ તો એની ભાષાને જોતાં એમ કહેવાનું મન થાય કે લેખકનું નામ છાપવામાં ન આવ્યું હોય તો માનવામાં ન આવે કે અંગ્રેજી જેની પ્રથમ ભાષા નથી એવી કોઈ વ્યક્તિએ આ પુસ્તક લખ્યું હશે.
પ્રશિષ્ટ સંસ્કૃત નાટ્યકાર ભાસ વિશે વડોદરાના પીઢ નાટ્યવિદ મહેશ ચંપકલાલનો ગ્રંથ Bhasa’s Ramayana Plays From Page to Stage શિમલાની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍડવાન્સ્ડ સ્ટડીઝે બહાર પાડ્યો છે. લેખકે આ અભ્યાસ ઇન્સ્ટિટ્યૂટની જ ફેલોશીપ પ્રોજેક્ટ હેઠળ કર્યો હતો. તેમણે ડિ.લિટ. માટે પણ ભાસ પસંદ કર્યો હતો. અહીં તેમણે નાટ્યકારની કલમે પાનાં પર લખાયેલાં / છપાયેલાં નાટકનો પાઠ અને દિગ્દર્શક એ જ નાટક તખ્તા પર મૂકે ત્યારે એના નિર્માણ માટે એણે તૈયાર કરેલો વિગતવાર આલેખ એ બંનેનો વિશ્લેષણાત્મક અને તુલનાત્મક અભ્યાસ કર્યો છે. નાટકના લેખિત/મુદ્રિત પાઠના અભ્યાસ માટે તેમણે ભાસનાં તેર નાટકોમાંથી રામાયણ પર આધારિત બે નાટકો ‘અભિષેકનાટકમ્’ અને ‘પ્રતીમાનાટકમ્’ લીધાં છે. વળી તેના મંચનનાં અભ્યાસ માટે સંશોધકે ત્રણ ભજવણીઓ પસંદ કરી છે : ‘અભિષેકનાટક’ના ‘બલિવધમ્’ નામના પહેલા અને ‘તોરમયુદ્ધ’ નામના બીજા અંકની કેરળની પરંપરાગત કુડિયાટ્ટમ્ શૈલીમાં ભજવણી; અને ‘પ્રતીમાનાટક’નું પ્રસિદ્ધ દિગ્દર્શક કે.એન. પનિક્કરે 2002માં કરેલું મંચન. નાટ્યપ્રયોગોની અનેક શ્વેત-શ્યામ તસવીરો ધરાવતો સવા છસો જેટલાં પાનાંનો આ ગ્રંથ આમ તો નાટ્યવિદ્યામાં આગળ વધેલા અભ્યાસીઓ માટે છે. પણ તે પહેલાંના તબક્કાના વિદ્યાર્થીઓને ‘પરફૉર્મન્સ ટેક્સ્ટ’ કેવી હોય તેનો એક વિસ્તૃત નમૂનો અહીં મળી શકે. એક ગુજરાતી સંશોધકે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍડવાન્સ્ડ સ્ટડીઝની અભ્યાસવૃત્તિ (ફેલિશીપ) હેઠળ કરેલાં સામાજિક પ્રસ્તુતતા ધરાવતાં સંશોધનનો અહીં ઉલ્લેખ કરવો જોઈએ. વર્ષાબહેન ભગત-ગાંગુલીએ કરેલાં લોકઆંદોલનોનાં સંભવત: એકમાત્ર વિસ્તૃત અભ્યાસને ઇન્સ્ટિટ્યૂટે Protest Movements and Citizens’ Rights in Gujarat 1970-2010 પુસ્તક તરીકે 2015માં બહાર પાડ્યો છે.
મહારાષ્ટ્રમાં ગયાં બે દાયકામાં હજ્જારો ખેડૂતોએ કરેલી આત્મહત્યાઓ રાજ્યની અને કેન્દ્રની સરકારો માટે કલંક છે. આપઘાત કરનાર ખેડૂતના પરિવારની અને તેમાં ય તેના પત્નીની હાલત અત્યંત કફોડી થતી હોય છે. પણ દુર્દશાનો સામનો કરીને પોતાનાં અને પરિવારને ફરીથી સુખી બનાવનાર સેંકડો ખેડૂત-પત્નીઓ છે. તેમાંથી કેટલીક મહિલાઓનાં બળ અને ધૈર્ય વિશેની પ્રેરક અને હૃદયસ્પર્શી સમાચારકથાઓ (ન્યૂઝ સ્ટોરિઝ) Harvesting Hope in the Suicide Zone છે. અંગ્રેજી પત્રકાર રાધેશ્યામ જાધવે તેમના આ પુસ્તકને બિલકુલ બંધબેસતું પેટાશીર્ષક આપ્યું છે ‘Women Who Challenged Drought, Death and Destiny’. દુકાળ, મોત અને કિસ્મતને પડકારનારી વિદર્ભ અને મરાઠવાડા વિસ્તારોની ચાળીસ વીરાંગનાઓ અહીં છે. દેવાદાર પતિએ ઘર સળગાવી દીધેલાં ઘરમાંથી વિદ્યા મોરે બાળકો સાથે દાઝતાં-દાઝતાં પણ નીકળી ગયાં. તેમણે દેવું ચૂકવ્યું, ખેતર સંભાળ્યું, બાળકોને ભણાવ્યાં. અનિતા ગાયકવાડે પતિના આપઘાત બાદ હતાશ છતાં લોભી કુંટુંબની સામે લડત આપીને પોતાના પતિના નામની જમીન પોતાના નામે કરાવીને ખેડી, બાળકોને સારો ઉછેર આપ્યો.
અમેરિકાથી ભારતમાં આવીને વસેલા, શેક્સપિયર ઉપરાંત નાટક-સિનેમાના અભ્યાસી અને અશોકા યુનિવર્સિટીના અધ્યાપક જોનાથન ગિલ હૅરિસનું Masala Shakespeare : How a Firangi Writer Became Indian પુસ્તક ભારતીય સિનેમા પરના શેક્સપિયરના પ્રભાવનો એકંદરે હળવી અને રસાળ શૈલીમાં અભ્યાસ કરે છે. પુસ્તકનો વિશાળ વ્યાપ બૉલિવૂડ ઉપરાંત દેશની પ્રાદેશિક નાટ્ય-ચિત્રપટ સૃષ્ટિ ઉપરાંત દેશના ઇતિહાસ, રાજકારણ, સામાજિક પરિસ્થિતિ જેવાં ક્ષેત્રોને આવરી લે છે. ‘ઓથેલ્લો’ને તે ઑનર કિલિન્ગના, ‘મકબુલ’ના એક નૃત્યને તે સહિયારા સંસ્કૃતિક વારસાના, અને અલબત્ત ‘હૈદર’ને તે કાશ્મીરના સંદર્ભોમાં જુએ છે. ભારતમાં શેક્સપિયરનાં નાટકનો પહેલો પ્રયોગ એક વહાણ પર થયો હતો, ઉત્પલ દત્તે શેક્સપિયરને ભારતની ભૂમિમાં રોપવા ખૂબ રસ લીધો હતો, પારસી અને મરાઠી રંગભૂમિ પર પણ શેક્સપિયર પ્રવેશ્યો હતો જેવી અનેક રસપ્રદ માહિતી લેખક આપે છે. શેક્સપિયરના ત્રણ-ત્રણ સુખાન્ત અને દુખાન્ત નાટકોના ઉલ્લેખો વિશેષ મળે છે. ભારતનાં ભાતીગળ જીવનના આશિક હૅરિસ એ મતલબનું પણ લખે છે કે આ પુસ્તક ‘આઇડિયા ઑફ ઇન્ડિયા’ને લખેલો પ્રેમપત્ર છે.


અંગ્રેજી લેખનનાં બધાં વિરામચિહ્નોમાં સેમીકોલન (અર્ધવિરામ) કદાચ સહુથી વધુ વિવાદાસ્પદ છે. તેની જરૂરિયાત અને અસરકારકતા વિશે લેખકોમાં મતભેદ છે. સ્ટીફન કિન્ગને એ ગમતું નથી, અર્નેસ્ટ હેમિન્ગ્વે અને જ્યૉર્જ ઑરવેલનું પણ એમ જ હતું. પણ હર્મન મેલ્વિલ અને હેંન્રિ જેમ્સને સેમિકોલન પ્રિય હતું. આવાં આ ખાસ વિરામ ચિહ્ન વિશેનાં એમનાં પુસ્તકમાં ઇતિહાસકાર અને શિક્ષક સેસિલિયા વૉટસને સેમિકોલનના આરંભથી અત્યાર સુધીનો ઇતિહાસ આલેખ્યો છે, અને તેની સાથે સંકળાયેલા વિવિધ વિવાદો વિશે પણ લખ્યું છે.