Opinion Magazine
Number of visits: 9663879
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અન્ડરવેરને ખીસું

સુરેશ જાની|Opinion - Opinion|29 May 2025

તે દિવસે કપડાંના એક સ્ટોરમાં હું બેઠો હતો. મારી પત્ની ખરીદીમાં મશગૂલ હતી; અને મારે એની ખરીદી પતે એની રાહ જોવાની હતી. તે દિવસે સાથે વાંચવાની ચોપડી લાવવાનું ભુલી ગયો હતો; એટલે મારે નવરા બેઠા માખીઓ જ મારવાની હતી! અને આ અત્યંત ચોખ્ખાઈવાળા દેશમાં તો માખીઓ ય ક્યાં રેઢી પડેલી હોય છે? પ્રેક્ષાધ્યાન કરવા કોશિશ કરી; પણ કાંઈ ખાસ જામ્યું નહીં; એટલે હું આમતેમ ડાફોળિયાં મારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

સ્પોર્ટ્સવેરના એ વિભાગમાં અન્ડરવેર લટકાવેલાં હતાં અને આકર્ષણ માટેની આ વિશેષતા ઊડીને આંખે વળગે તેવી હતી. ત્યાં મારી નજર એની ઉપર ગઈ.

 અન્ડરવેરને ખીસું.

મારા પિતાજી હમ્મેશ દરજી પાસે ખાસ અન્ડરવેર સિવડાવતા હતા; તે યાદ આવી ગયું. કોઈ ખિસ્સાકાતરૂ કારીગરી કરી ન જાય; એ માટે સાથેની રોકડ રકમ એ ખિસ્સામાં તેઓ રાખતા હતા.

પણ અહીં આ ફેશનેબલ દુકાનમાં અને તે ય સ્પોર્ટ્સના કપડાંમાં એની શી જરૂર? – આ ક્રેડિટ કાર્ડના જમાનામાં?

 હું ઊભો થયો, અને ધ્યાનથી એ માલનો અભ્યાસ કર્યો. ત્યારે કેવળજ્ઞાન લાધ્યું કે, જિમમાં વર્કઆઉટ કરતી વખતે અથવા જોગિંગ કરતી વખતે મોંઘાદાટ આઈફોન કે આઈપોડ રાખવા આ ખાસ સવલત બનાવનારે આપી હતી.

અને કોણ જાણે કેમ; તરત એ બાઈ યાદ આવી ગઈ.

દેશમાં એસ.ટી.ની બસમાં એ મારી બાજુની સીટ પર આવીને બેઠી હતી. કન્ડક્ટરે ટિકીટના પૈસા માંગ્યા; ત્યારે એણે સાલ્લાના છેડે વાળેલી ગાંઠ છોડીને નોટ કાઢી. ટિકીટ મળ્યા બાદ, વધારાની રકમ તેણે પાછી સાલ્લાના છેડે બાંધી દીધી.

કાળી મજૂરી કરીને કમાયેલી રકમ રાખવા એ બાઈ માટે પર્સ રાખવું એ લક્ઝરી હતી!

અને ઓલ્યા અન્ડરવેર પહેરીને જિમમાં વર્ક આઉટ કરનાર પાસે કેટલી બધી લક્ઝરી? શી જાહોજલાલી?

માનવતાના બે સામસામા ધ્રુવ પરનાં બે અંતિમ બિંદુઓ. એક પાસે રોજનો રોટલો મળે એની જ પેરવીઓ; અને બીજા પાસે એટલી સમ્પત્તિ કે, જિમ, જોગિંગ, આઈફોન, આઈપોડ અને એવું બધું.

કેટલી વિષમતા? બેની તુલના કરતાં આંખે ઝળઝળિયાં આવી ગયાં.

એનાથી વધારે હું શું કરી શકું તેમ પણ હતો?!

……

બે  સાવ સામસામે આવેલા ધ્રુવોના આ વર્ણપટ( spectrum)માં આપણે ક્યાંક હોઈએ છીએ. અને સૌને ધખારો ખિસ્સાવાળું અન્ડરવેર ધરાવવાનો હોય છે. સમગ્ર જિંદગીની મુસાફરી – એ ધ્રુવ પર પહોંચવા માટેનો વલોપાત. અથવા તો ત્યાં પહોંચી શકાય તેમ નથી; તે સત્ય સમજાતાં મોક્ષ મેળવી આ બધા ધખારાથી મુક્તિ મેળવવાનો ધખારો! પણ એ બન્ને વૃત્તિઓના વવળાટમાં ક્યાં ય ‘જ્યાં છીએ, ત્યાં બરાબર છીએ.’ – એમ માની, એ ઘડીમાં જીવવાના આનંદનો છાંટો માત્ર નહીં.

કદાચ એમ બને; અને મોટે ભાગે એમ બનતું પણ હોય છે કે, સાલ્લાના છેડે કાવડિયાં બાંધનાર વ્યક્તિ વર્તમાનમાં વધારે જીવતી હોય છે.

અને બીજી એક વાત ખીસાં બાબત – “માનવી જન્મે છે ત્યારે ઝભલું અને મૃત્યુ પામે ત્યારે કફન એ બન્ને અંતિમ છેડા ટાણે દેહના આવરણોને ખીસુ (ગજવું) નથી હોતું.” કશું લીધા વગર આવ્યા હતા; અને કશું લીધા વગર જવાનું છે. વાત તો એક જ છે. ખિસ્સાના ખેલ! એ અર્થહીન છે; તે જાણ્યા છતાં એના વગર આપણે જીવી નથી શકતા. બાળ અને કિશોર વયથી શરૂ થયેલી એ આદત – સોગાત ભેગી કરવાની – કફન ઓઢાડાય ત્યાં સુધી નથી જ જવાની! ખીસ્સું ભરેલું હોય કે ખાલી; બેન્ક એકાઉન્ટ તરબતર હોય કે, લઘુત્તમની નજીક – એ તો રહેવાના જ. લાખ ઉપદેશો ભલે ને મળ્યા કરે – બે કાન ભગવાને નિરર્થક નથી આપ્યા!

આને માનવ જીવનની લાક્ષણિકતા ગણીએ કે વિડંબના – એ જ તો માનવ જીવન છે. માટે આ બધી તરખડમાં પડ્યા વિના, ‘આ ઘડી’નું ખીસ્સું ખાલી ન રહી જાય, આનંદવિહોણું ન રહે – એનો હિસાબ રાખતા રહીએ તો?

e.mail : surpad2017@gmail.com

Loading

સર્વોચ્ચ અદાલતની સાફ વાત: ઈ.ડી. એ કંઈ કેન્દ્રનો હાથો નથી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 May 2025

સુપ્રીમ ટકોર

સહયોગી સમવાયતંત્ર ક્યાં ખોવાઈ ગયું?

2014માં સહયોગી સમવાયતંત્રની રંગદર્શી વાતો કર્યા પછી વિપક્ષી રાજ્ય સરકારોની સ્વાયત્તતા પર ધોંસ ને ભીંસના રાજકારણ સામે સર્વોચ્ચ અદાલતે ધરેલ લાલબત્તી ન જોવી હોય તો જ ન જોવાય એવી છે. આશા છે તાજેતરના ચુકાદા કેન્દ્ર સરકારના ધોરણોમાં બંધારણીય મર્યાદા અને વિવેકનો સંસ્કાર જાગ્રત કરે.

પ્રકાશ ન. શાહ

સત્તા માત્રની પ્રકૃતિ કેન્દ્રીકરણની હોય છે એટલે સ્વાભાવિક જ લોકશાહી બંધારણમાં અંકુશ અને સમતુલાની તરેહવાર જોગવાઈ થકી આ એકહથ્થુ શક્યતા સામે નાગરિકની અને નાગરિક સંસ્થાઓની સ્વાયત્તતાની બાલાશ જાણવાની કોશિશ રહેતી હોય છે. 

આપણા જેવા વિશાળ દેશમાં કાયદા ઘડનારી સંસ્થા, કાયદા પળાવનારી સંસ્થા અને નાગરિકના સંદર્ભમાં એ બંનેની ભાળસંભા રાખનાર ન્યાયપાલિકા, આ ત્રણ – લેજિસ્લેચર, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી – તો હોય જ. પણ તે સાથે દેશભરનાં જે રાજ્ય એકમો, એમનાં ક્ષેત્ર પરત્વે સમાદરની દૃષ્ટિએ સમવાયી વ્યવસ્થા પણ હોય જ. 

રાષ્ટ્રીય ધોરણે રાજ્યકર્તા પક્ષ અને જે તે રાજ્યના સત્તાપક્ષ જ્યારે અલગ અલગ છાવણીના હોય ત્યારે, ખાસ કરીને રાજ્યોના અધિકારક્ષેત્રની જાળવણીમાં સમવાયી અભિગમ ને આગ્રહ જરૂર બની રહે છે. 

લગભગ પાઠ્યપુસ્તકિયા કહી શકાય એવો આ મુખડો બાંધવા પાછળનો ધક્કો દેશની સર્વોચ્ચ અદાલતના બે તાજેતરના ચુકાદાઓથી લાગેલો છે, અને તે સાથે એ પણ સમજવાને સમજાવવાનો સ્વાભાવિક ખયાલ છે કે બંધારણ એ કોઈ સૂફિયાણી સલાહ આપતી ડાહી ડોશી માત્ર નથીઃ નિયમસરની કારવાઈ માટે ફરજ પાડી શકે એવી એક યંત્રણા (મિકેનિઝમ) એ ચોક્કસ છે.

સંખ્યાબંધ ગેરભા.જ.પી. રાજ્યોમાં, વિધાનસભાએ પસાર કરેલ ખરડા પર રાજ્યપાલો ચપ્પટ બેસી રહે એ હમણેનાં વારસોનો ધરાર રવૈયો રહેલ છે. ખરું જોતાં, સામાન્યપણે, રાજ્યપાલ એમને જરૂરી લાગે તો જે તે ખરડાને પુનર્વિચાર માટે મોકલી જરૂર શકે છે. પણ ધારાગૃહ એ ફરીને મોકલે તો રાજ્યપાલે એના પર હસ્તખત કરી પ્રક્રિયા પૂરી કરવી રહે. છેલ્લા દસકામાં કેન્દ્રનીમ્યા રાજ્યપાલો ગેરભા.જ.પી. રાજ્યોના ચોક્કસ ખરડાઓ પર લાંબા ગાળા લગી ચપ્પટ બેસી રહ્યાનો જે સિલસિલો ચાલ્યો તેમાં સર્વોચ્ચ અદાલતના તાજેતરના ચુકાદા પછી એક મુક્તિદ્વાર ચોક્કસ જ ખૂલ્યું છે અને સમવાયતંત્રનાં ધારાધોરણ તેમ જ ભાવનાનો ભંગ કરી કેન્દ્રની ધોરાજી ચલાવવા સામેની બંધારણીય જોગવાઈએ પોતાનું શહુર ને શક્યતા દાખવ્યાં છે. 

તામિલનાડુ સરકાર અને બીજાઓએ સર્વોચ્ચ અદાલત સમક્ષ કરેલી એક યાચિકાના સંદર્ભમાં જે ચુકાદો આ દિવસોમાં સાધ્યો છે એમાં પણ સમવાયતંત્ર સહજ સ્વાયત્તતાનો સ્વીકારપુરસ્કાર માલૂમ પડે છે. કેન્દ્રનીમ્યા રાજ્યપાલો દિલ્હીના પક્ષીય દબાણથી રાજ્યવિધાનસભામાં પારિત ખરડા દાબી રાખે એ જેમ ખોટું હતું અને છે તેમ રાજ્ય અંતર્ગત અપેક્ષિત કારવાઈમાં કેન્દ્રીય સંસ્થાઓ ભીંસ ને ભરડાનું રાજકારણ ખેલવા માટે હાથાની ગરજ સારે તે બિલકુલ દુરસ્ત નથી. પણ છેલ્લાં વર્ષોમાં કેન્દ્ર સરકાર હસ્તકના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇ.ડી.) થકી આવી ચેષ્ટા ખાસી વધી ગઈ છે. કેન્દ્ર સરકારને ઇશારે હાથ ધરાતી આવી કામગીરીમાં વાજબીપણું કેટલું ઓછું હશે અને મનમુરાદશાહી કેટલી બધી હશે એનો અંદાજ એ એક સાદી પણ બુનિયાદી વિગત પરથી સરળતાથી મળી રહે છે કે ઇ.ડી.એ સહસા ખાબકી અને ત્રાટકી ચક્રવ્યૂહ રચ્યો હોય, તપાસને નામે બરાબર ભીંસ ને ભરડાની જમાવટ કરી હોય, એવી ઘટનાઓમાં તપાસને અંતે વાસ્તવિક સજાનું પ્રમાણ એક ટકાથી વધુ કિસ્સામાં નથી. છેલ્લાં દસ વરસની ઈ.ડી. કારવાઈનું આ સરવૈયું કેન્દ્ર સરકારની મનમુરાદશાહીનું એટલું બોલતું ઉદાહરણ છે કે એને વિશે કદાચ કશું જ વધુ કહેવાની જરૂરત ન હોવી જોઈએ. 

2014માં સત્તારૂઢ થયા પછી વડા પ્રધાન મોદીએ સંસદમાં અને બહાર એક શબ્દ જોડકું ઉત્સાહભેર રમતું મેલ્યું હતું – કો ઓપરેટિવ ફેડરલિઝમ, સહયોગી સમવાયતંત્ર. જો કે, કમનસીબે આ દસકાનો અનુભવ સતત એથી વિપરીત તરેહનો રહ્યો છે. અગાઉની કેન્દ્ર સરકારો પરત્વે પણ આવા પ્રશ્નો નહીં થતા હોય એમ કહેવાનો આશય અલબત્ત નથી. પણ, આ દસકો સમવાયતંત્રના સતત ભંગનો રહ્યો છે અને વિધાનગૃહોમાં પક્ષીય બલાબલ બદલા વાસ્તવિક લોકચુકાદો બચાડો માર્યો ફરે એવી હીન અવસ્થા બલકે અનવસ્થા સરજવાની રાજનીતિનો રહ્યો છે. 

આશા અને ઉમેદ એટલી જ રહે કે સર્વોચ્ચ અદાલતના તાજેતરના ચુકાદા કેન્દ્ર સરકારના ધુરીણોમાં બંધારણીય મર્યાદા અને વિવેકનો સંસ્કાર જાગ્રત કરે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 28 મે 2025

Loading

ભૂદાન આંદોલન: એક અધૂરી ક્રાંતિની પોણી સદીએ …

ચંદુ મહેરિયા|Opinion - Opinion|29 May 2025

ચંદુ મહેરિયા

દેશ આઝાદ થયાને હજુ તો છ મહિના ય થયા નહોતા અને ગાંધીજીની હત્યા થઈ. ગાંધી હત્યાએ સર્જેલ શૂન્યાવકાશ, આઘાત અને વિષાદમાંથી ઉબરવા જ શાયદ વિનોબા ભાવેએ પહેલ કરી. માર્ચ ૧૯૪૮માં મહારાષ્ટ્રના સેવાગ્રામ(જિ.વર્ધા)માં ગાંધીજનોનું સંમેલન યોજ્યું. વડા પ્રધાન જવાહરલાલ નહેરુ, રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ, મૌલાના આઝાદ સહિતના અનેક અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા સેવાગ્રામ સંમેલનમાં ગાંધીજીનાં કાર્યોને આગળ વધારવાની વિચારણા થઈ હતી. 

ઈ.સ. ૧૯૦૪માં ગાંધીજીએ રસ્કિનનું ‘અનટુ ધિસ લાસ્ટ’ વાંચ્યું હતું. અને તે તેમના દિલોદિમાગમાં છવાઈ ગયું હતું .૧૯૦૮માં તેનો ગુજરાતી અનુવાદ પ્રગટ થયો ત્યારે ગાંધીજીએ તેના શીર્ષક તરીકે ‘સર્વોદય’ શબ્દ સૂચવેલો. ‘હિંદ સ્વરાજ'(૧૯૦૯)માં તેમણે સર્વોદયનો ખ્યાલ સ્પષ્ટ કર્યો હતો. સર્વોદય અર્થાત વધારેમાં વધારે માણસોનો વધારેમાં વધારે ઉદય એ ગાંધી વિચારનો અર્ક હતો. એટલે તેની આસપાસની સઘળી વિચારણાઓ પછી સેવાગ્રામ સંમેલનમાં ‘વિચારની મુક્ત સંગતિની યોજના’ તરીકે ‘સર્વોદય સમાજ’  અને ‘ કાર્યની સુગઠિત વ્યવસ્થા કાજે’ ‘સર્વ સેવા સંઘ’ની રચના કરવામાં આવી. પંડિત નહેરુના આગ્રહથી વિનોબાએ પાકિસ્તાનથી આવેલા ચાળીસ લાખ નિરાશ્રિતોના પુનર્વાસનું ગંજાવર કામ હાથ પર લીધું. પુનર્વસનના કામ દરમિયાન વિનોબાને અમલદારશાહીના જડસુ, લોકવિરોધી અને વિચારહીન વલણોનો અનુભવ થયો. એટલે તેઓ લોકશક્તિ જાગ્રત કરવા દેશ આખામાં ઘૂમવા માંડ્યા.

સર્વોદય સમાજના વાર્ષિક સંમેલનોની પરંપરામાં એપ્રિલ ૧૯૫૧માં આંધ્રના શિવરામપલ્લીમાં સંમેલન હતું. વિનોબા સેવાગ્રામથી ત્રણસો કિલોમીટરની પદયાત્રા કરીને સંમેલનમાં ગયા હતા. તેલંગાણાના  એ વિસ્તારમાં ત્યારે ભૂમિ સમસ્યા ચરમ પર હતી. સામ્યવાદીઓએ મોટા જમીનદારો સામે જમીનવિહોણાઓને સંગઠિત કરી હિંસા, લૂંટફાટ  તથા ખૂનામરકીથી જમીનો મેળવી હતી. એટલે વિનોબાએ તે વિસ્તારની જાતતપાસ માટે પદયાત્રાનું આયોજન કર્યું. ૧૫મી એપ્રિલ ૧૯૫૧ને રામનવમીના દિવસે હૈદરાબાદથી તેમણે પદયાત્રા આરંભી. 

૧૮મી એપ્રિલ ૧૯૫૧ના દિવસે પદયાત્રા તેલંગાણાના નલકોંડા જિલ્લાના પોચમપલ્લી પહોંચી હતી. ૭૦૦ ઘરની વસ્તીના આ ગામમાં પોણા ભાગના જમીનવિહોણા ખેતમજૂરો હતા. સવાર સવારમાં જ પદયાત્રા પોચમપલ્લીની દલિત વસ્તીમાં ગઈ. દલિતોએ વિનોબાને કહ્યું, “અમે હાડતોડ મહેનત કરીએ છીએ પણ તો ય બે ટંક રોટલા ભેળા થતા નથી. અમારે પેટ માટે રોટલો અને રોટલા માટે જમીન જોઈએ છે.” વિનોબાએ તેમની અરજ સાંભળી વળતાં પૂછ્યું તો દલિતોએ કહ્યું કે ‘૮૦ એકર જમીન મળે તો ભયો ભયો’. ભલે તેમાં અડધી સૂકી કે બિનફળદ્રુપ હોય. સરકાર પાસે સરકારી પડતર જમીન મેળવવા વિનોબા વિચારતા હતા. એવામાં તેમણે સાથી પદયાત્રીઓ અને ગ્રામવાસીઓને પૂછ્યું કે ‘શું ગામમાંથી તેમને જમીન આપી શકાય તેમ છે?’ એ જ સમયે રામચંદ્ર રેડ્ડીએ તેમના પિતાની સ્મૃતિમાં તેમની ઈચ્છાનુસાર ૧૦૦ એકર જમીન દાન આપવાનું કહ્યું અને જાણે કે નવી દિશા ઉઘડી.

ભૂમિસમસ્યાગ્રસ્ત તેલંગાણાની એ પદયાત્રામાં વિનોબાએ બીજા દિવસે પણ કોઈ સજ્જન ભૂમિવાન મળી રહેશેની આશે લોકો પાસે જમીન માંગી અને એ દિવસે પણ ૨૫ એકર મળી. એટલે વિનોબાને સર્વોદયનો માર્ગ મળી ગયો. જમીનના દાને નવી વિચારસૃષ્ટિ ઉઘડી. ભારતની ભૂમિ સમસ્યાનો કરુણા, સદ્દભાવના અને સમજાવટના માર્ગે ઉકેલ જડ્યો. ત્રીજા દિવસે ૨૦મી એપ્રિલ ૧૯૫૧ના રોજ વિનોબાએ ભૂદાનયજ્ઞ શબ્દ જાહેર કર્યો અને તેમની શેષ યાત્રા તેને જ સમર્પિત કરી. આજે તો હવે તે હકીકતને પંચોતેર વરસ થયાં. 

બાદમાં ભૂદાનયજ્ઞ વિસ્તરીને આખા દેશમાં ભૂદાન આંદોલન અને અંતે ભૂદાન આરોહણ બન્યો. તેમાં ગ્રામદાન, સંપત્તિદાન, સાધનદાન અને જીવનદાન જેવા નવા આયામો ઉમેરાતાં રહ્યાં. જમીન એ તો શોષણનું સૌથી મોટું સાધન છે. સ્વતંત્ર ભારતમાં જમીનોની માલિકી રાજા-મહારાજા, નિઝામો- નવાબો અને મોટા જમીનદારોની હતી. એ સંજોગોમાં વિનોબાએ હવા અને પાણીની જેમ જમીન પર પણ કોઈની વ્યક્તિગત માલિકી ન હોઈ શકે, તે લોકોની મઝિયારી સંપત્તિ છે એવો અલખ જગવ્યો. તે જમીનદારોને અપીલ કરતાં કે ‘હું દાન નહીં ગરીબોનો હક માંગુ છું’. દાન સંવિભાગના ન્યાયે દાન એટલે સમ્યક વિભાજન. ‘ખેતીલાયક જમીનનો છઠ્ઠો ભાગ મને છઠ્ઠો ભાઈ ગણી આપો’ એવી તેમની લાગણીસભર અપીલની ભૂમિવાનો પર ખાસ્સી અસર થતી અને જમીનો મળવા માંડી. ભૂદાન આંદોલનમાં જમીનોનું વિતરણ પણ સાથે જ થતું હતું.

૧૮મી એપ્રિલ ૧૯૫૧થી ૧૦મી એપ્રિલ ૧૯૬૪ના તેર વરસો સુધી ભૂદાન આંદોલન ચાલ્યું. ૫૮,૭૪૧ કિલોમીટરની પદયાત્રામાં ૪૨ લાખ એકર જમીન મળી. જે ૧૮ લાખ જમીનવિહોણા પરિવારોને વહેંચવામાં આવી. તેમાં મોટાભાગના નિર્ધન દલિત, આદિવાસી, પછાત હતા. દેશમાં જે કુલ ૧૩,૦૦૦ ગ્રામદાન રજિસ્ટર થયા તેની બધી જમીન કે ભૂમિવાનોની વીસ ટકા જમીનો ગામની માલિકીની બની. ભૂદાન આંદોલન એક અહિંસક ક્રાંતિ હતી. તેણે કતલ કે કાનૂનના બદલે કરુણાના રસ્તે ગરીબી મિટાવી અને અમીરી ઘટાડી હતી. દેશના અન્ય ભાગોની જેમ ગુજરાતમાં પણ ભૂદાન આંદોલનની વ્યાપક અસર થઈ હતી. ગુજરાતે ભૂદાન આંદોલનમાં ૧૯૫૨થી ૧૯૫૮ના ગાળામાં ૧૮,૩૨૭ ભૂદાતાઓ પાસેથી ૧,૦૩,૫૪૩ એકર જમીન મેળવી હતી. 

પોણી સદીએ ભૂદાન આંદોલનના લેખાંજોખાં માંડતા જણાય છે કે ભારતની ભૂમિસમસ્યા ઉકેલવામાં તેનો અલ્પ ફાળો જરૂર છે. જમીનદારી નાબૂદીના કે જમીન ટોચમર્યાદાના કાયદા ઘડાયા કે તેને અદાલતી સમીક્ષાથી વેગળા રખાયા તેમાં ભૂદાન આંદોલનનું મહત્ત્વનું યોગદાન છે. મોટા જમીનદારોને જ્યારે ભૂદાનયાત્રીઓ મળતા ત્યારે તેઓ અભિમાન કે ગૌરવને બદલે દબાતા અવાજે પોતાની માલિકીની જમીનનો મોટો આંકડો કહેતા હતા.એટલે તેમને ભાવનાત્મક સ્તરે શરમિંદા કરવાનું કામ આંદોલને કર્યું હતું. આ આંદોલનમાં ‘શબરીના બોર અને સુદામાના તાંદુલ’ જેવા દાન મળ્યા હતાં તો પોતે ખપજોગી રાખીને બાકીની બધી જ જમીન દાન કરી હોય તેમ પણ બન્યું છે. એ અર્થમાં આંદોલનની વૈચારિક અને ભાવનાત્મક અસર બહુ પ્રબળ થઈ હતી. 

ભૂદાન આંદોલનની ભૌતિક સફળતા ખાસ જોવા મળતી નથી. ૧૯૫૧માં ખુદ વિનોબાજીએ આંદોલનના આરંભે દેશના સઘળા ભૂમિહીનો માટે પાંચ કરોડ એકર જમીનની જરૂરિયાત ગણાવી હતી. પરંતુ લગભગ સવા દાયકાના અંતે આંદોલન સમેટાયું ત્યારે માંડ અડધો કરોડ એકર પણ જમીન મળી નહોતી. એટલે આવશ્યકતાના દસમા ભાગ જેટલી જમીન મળી હતી. ગુજરાતમાં જમીન તો એક લાખ એકર મળી પણ તેમાંથી અડધી (૫૦,૯૮૪ એકર) જ વિતરિત કરી શકાઈ કેમ કે બાકીની જમીનો કોર્ટકચેરી અને હકદાવાના ચકકરમાં અટવાયેલી હતી. એટલે મળ્યા છતાં ના મળ્યા બરાબર હતી. આવું આખા દેશમાં પણ બન્યું હશે. ૧૯૫૧માં  દેશમાં આશરે પાંચ લાખ ગામડાંમાંથી માત્ર તેર હજાર ગામો જ ગ્રામદાની બન્યા તે  સિદ્ધિ પણ સામાન્ય ગણાય. 

ભૂદાન આંદોલનની એક અન્ય મર્યાદા એ રહી કે લોકોમાં ખાસ કરીને અમીરો અને જમીનદારોમાં દાનની લાગણી અને ભાવનાના જે ઉભરા વહેતા થયા તેને યોગ્ય રીતે અને સમયસર ચેનલાઈઝ અને ઈન્સ્ટિટ્યુલાઈશન ના કરી શકાયું. ભૂદાન કરનાર જમીનદારો અને જમીન મેળવનાર જમીનવિહોણાઓનું કોઈ સંગઠન ના બનાવાયું. ભૂદાન અને અને ગ્રામદાનના કાયદા ઘડાયા તેમ ભૂદાનથી ઊભા થયેલા માહોલનો લાભ લઈને જમીન સુધારાના પ્રગતિશીલ કાયદા ઘડવા સરકાર પર દબાણ ઊભું કરવાની અમૂલ્ય તક પણ આંદોલને ન ઉઠાવી.

ભૂમિ સમસ્યા આજે ય વણઉકલી છે. હવે તે વધુ તીવ્ર બની છે. ખેતીની જમીનોનું ઉદ્યોગો અને વિકાસ કામો માટે સરકાર બળજબરીથી અધિગ્રહણ કરે છે. મસમોટા ફાર્મ હાઉસિસ અને કોર્પોરેટ ફાર્મિગના જમાનામાં ખરા ખેડૂતો હાંસિયામાં ધકેલાઈ ગયા છે. ભૂદાન આંદોલનનું અમૃત વરસ ભૂમિ સમસ્યાને આજે અને અબઘડી ઉકેલવાનું આહવાન તો કરે છે પણ રસ્કિન-ગાંધી વિચાર ‘સર્વોદય’થી આરંભાયેલી મજલ આજે તો ‘સબ કા વિકાસ’ના રાજકીય ‘બણગાંએ આવી ઊભી છે તે અંગે વિચારવા વિવશ કરે છે. સાંભળો છો કોઈ?

e.maill : maheriyachandu@gmail.com 

Loading

...102030...269270271272...280290300...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved