Opinion Magazine
Number of visits: 9843123
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

PMનો ગ્લાબલ સાઉથનો પ્રવાસ : દક્ષિણ દેશો સાથેની કૂટનીતિ પ્રભાવી રહેશે કે સાંકેતિક

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|13 July 2025

ગ્લોબલ સાઉથમાં ભારતની ભૂમિકા વિસ્તરે તો તે ચીનની આગેકૂચને પડકારનારી સાબિત થાય. આ તરફી ચીન બેલ્ટ એન્ડ રોડ ઇનિશ્યેટિવ દ્વારા કરજ આધારિત ડિપ્લોમસી પર ભાર મૂકે છે. ભારત સસ્ટેનેબલ પાર્ટનરશીપ, ડિજિટલ કનેક્ટિવિટી અને કેપેસિટી બિલ્ડીંગ પર ભાર મૂકે છે.

ચિરંતના ભટ્ટ

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ હમણાં જ પાંચ દેશોનો પ્રવાસ પૂરો કર્યો છે—ઘાનાથી ગયાના સુધી, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટીના, નામિબિયા અને છેલ્લે રિયોમાં બ્રિક્સ સમિટમાં તેમણે હાજરી આપી—જેમાં ભારતે ગ્લોબલ સાઉથ (વિકાસશીલ દેશો) સાથેના સંપર્કને સફળતાપૂર્વક વિસ્તાર્યો છે. આ પ્રવાસ એક કૂટનીતિક પગલું છે, જે ભારતને ઉભરતી શક્તિ તરીકે નહીં, પરંતુ વિકાસશીલ વિશ્વના અગ્રણી સ્વર તરીકે સ્થાપિત કરવાની દિશામાં છે. પરંતુ શું આ વ્યૂહરચનામાં કશું નક્કર છે ખરું, તેનો કંઇ સાર નીકળશે કે પછી તે માત્ર પ્રતીકાત્મક છે? આ પ્રવાસ પાછળની તકો, પડકારો અને વ્યૂહાત્મક ગણતરીને સમજીએ.

સૌથી પહેલાં તો આ પ્રવાસથી દક્ષિણી દેશો વચ્ચે સહયોગ મજબૂત બને તે વડા પ્રધાનનો અગ્રિમતા ભર્યો ઉદ્દેશ છે. 2 જુલાઈથી 9 જુલાઈ દરમિયાન મોદીએ જે દેશોની મુલાકાત લીધી તેમાં એક સ્પષ્ટ અને સુઆયોજિત વિચારનું બીજ છે કે ભારત એવા દેશો સાથે છે જે વિકાશીલ હોવા છતાં પણ ઉપેક્ષિત છે – ખાસ કરીને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં – ભારત પોતે આ દેશો સાથે એક સમાન ભાગીદારી દર્શાવવવા માગે છે. ભારત પોતે એક મજબૂત દેશ છે અને અન્ય વિકાસશીલ દેશો પાછળ ન રહી જાય એ માટે તેમની સાથે હાથ મેળવી તેમના અર્થતંત્રને પણ ગતિ આપવા ધારે છે, તેવું આ પ્રવાસ દરમિયાનના ઘણાં નિર્ણયો પરથી સ્પષ્ટ થયું. ઘાનામાં, ભારતે વેપારને ૩ અબજ ડોલરથી વધારીને ૬ અબજ ડોલર કરવાનું વચન આપ્યું, સંરક્ષણ, ડિજિટલ આરોગ્ય, આયુર્વેદ અને ધોરણો જેવા ક્ષેત્રોમાં એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા, અને વડા પ્રધાન મોદીને ઘાનાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. નામિબિયામાં, હાઇડ્રોકાર્બન, ક્રિટિકલ મિનરલ્સ, ડિજિટલ હેલ્થ અને સંરક્ષણ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ, જે ઊંડાં આર્થિક અને વ્યૂહાત્મક જોડાણ માટે અનિવાર્ય આધાર બને તેવી બાબતો છે. આ તમામ વિકાસને લગતી બાબતો દક્ષિણના દેશોના સાથે આવવાના અભગિમનું સ્પષ્ટ ચિત્ર ખડું કરે છે – અહીં લેવડ-દેવડ સમાન સ્તરે થઇ રહી છે. ટૂંકમાં બન્ને દેશોની રેખાઓ સાથે લાંબી કરવાની હેતુ સાફ છે, બીજા દેશને ઓછો કે ઊણો દર્શાવીને સહયોગ આપવાનું વલણ નથી વર્તાતું. 

રિયોમાં યોજાયેલી બ્રિક્સ સમિટમાં પ્રધાન મંત્રીએ ભારતની ભૂમિકાને મજબૂત બનાવી અને ભારત સક્રિય રહેશે તો સાઉથ બ્લોકમાં તેનું નેતૃત્વ મજબૂત બનશે. સંસ્થાગત સુધારણાઓને મામલે ભારત પર આધાર રાખવાની વિશ્વસનીયતા બ્રિક્સે વધારવી જોઇએ તેમ કહી તેમણે મલ્ટિપોલરાઇઝ્ડ એટલે કે બહુધ્રુવીય વિશ્વના દૃષ્ટિકોણને અપનાવવા અને અમલમાં મુકવા પર ભાર મૂક્યો. બ્રાઝીલનો બ્રિક્સ મલ્ટીલેટરલ ગેરંટી ફંડનો પ્રસ્તાવ અન્ય સભ્ય દેશોમાં નિવેશના જોખમ ઘટાડીને આર્થિક વિકાસને વેગ આપશે અને આ અને આવા પરિવર્તનોમાં ભારતનું વલણ તેના નેતૃત્વને વધુ મજબૂત બનાવશે. આપણે એક રાષ્ટ્ર તરીકે વસુધૈવ કુટુંબકમના વિચારને અનુસરીએ છીએ એ બાબત અહીં વધુ ઘાટી થશે. 

ભારત ક્લાઇમેટ જસ્ટિસ એટલે કે પર્યાવરણીય ન્યાયની બાબત પર ભાર મૂકી રહ્યો છે જેમાં ધનિક રાષ્ટ્રોને તેમનાથી ગરીબ દેશોનો પર્યાવરણીય બાબતોમાં સંઘર્ષ ઓછો થાય તે માટે આર્થિક મદદ કરવાની વાત કરાઇ છે. નરેન્દ્ર મોદીને સંદેશો સ્પષ્ટ છે કે પર્યાવરણ – આબોહવા અને વ્યાપારમા ધનિક દેશોએ સમાન ધિરાણ કરવું જોઇએ, પુરવઠાની જે કડી હોય તેમાં વૈવિધ્ય લાવવનુ જોઇએ અને નાણાકીય નવીનતા પણ લાવવી જોઇએ જેમ કે બ્રિક્સ ગેરંટી ફંડ – આ અભિગમ એ વાતનો પુરાવો છે કે ગ્લોબલ સાઉથના હિતોને ધ્યાનમાં રાખીને સંસ્થાકીય સ્તરે નવી પહેલને ભારતનું પૂરું સમર્થન છે. 2025માં રિયોના સમિટનું વિસ્તરણ ઇજિપ્ત, ઇથોપિયા, ઇરાન, યુ.એ.ઇ. સહિત અન્ય નવ રાષ્ટ્રો સુધી થયું છે પરંતુ છ અગ્રણી દેશો એ આ સમિટમાં હાજરી ન આપી – તેમાં ચીનના શી ઝિનપિંગની ગેરહાજરી તો વર્તાઇ જ પણ યુક્રેન અને ગાઝા જેવા રાષ્ટ્રો જે પોતે હાલમાં સંઘર્ષમાંથી પસાર થઇ રહ્યા છે તે મામલે ગ્લોબલ સાઉથના બધા રાષ્ટ્રો એક વિચારધારા નથી ધરાવતા તે બ્રિક્સની વિવિધતાની નાજુક પરિસ્થિતિ દર્શાવે છે. નરેન્દ્ર મોદીનું નેતૃત્વ વિચારના આયામ અને વિરોધાભાસી પ્રાથમિકતાઓને કારણે પાંખું પડે તેવું જોખમ આવા સંજોગોમાં સ્વાભાવિક રીતે ખડું થાય. ગ્લોબલ સાઉથમાં ભારતની ભૂમિકા વિસ્તરે તો તે ચીનની આગેકૂચને પડકારનારી સાબિત થાય. આ તરફી ચીન બેલ્ટ એન્ડ રોડ ઇનિશ્યેટિવ દ્વારા ડેટ એટલે કે કરજ આધારિત ડિપ્લોમસી પર ભાર મૂકે છે. ભારત સસ્ટેનેબલ પાર્ટનરશી, ડિજિટલ કનેક્ટિવિટી અને કેપેસિટી બિલ્ડીંગ પર ભાર મુકે છે. ચીન અન્ય દેશોને પરાવલંબી બનાવવા માગે છે જ્યારે ભારત તેમનો હાથ ઝાલી તેમને બેઠા કરવા માગે છે, તેમનામાં બળ પુરવા માગે છે. આફ્રિકામાં, જ્યારે ચીન 2000 થી $160 અબડનું નિવેશ કર્યું છે, ત્યારે ભારતનો અભિગમ સોફ્ટ લોન, ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અને આરોગ્ય સેવાઓ જેવા “લો-કોસ્ટ, હાઇ-ઇમ્પેક્ટ” મોડલ પર આધારિત છે. કેરિબિયનમાં, ભારતે ગયાના અને ત્રિનિદાદ સાથે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જી કરારો પર હસ્તાક્ષર કર્યા, જ્યારે ચીનનું પ્રભુત્વ પોર્ટ્સ અને માઇનિંગ પર છે. પરિણામે ભારતની “ડેવલપમેન્ટ વિથ ડિગ્નિટી”ની ફિલસૂફી ગ્લોબલ સાઉથમાં વધુ આકર્ષક વિકલ્પ તરીકે ઉભરી રહી છે.

યુ.એસ.એ.ના પ્રેસિડન્ટ ટ્રમ્પ બ્રિક્સ સાથે જોડાયેલા રાષ્ટ્રોને દંડાત્મક ટેરિફની ધમકીઓ આપતા રહ્યા છે, જે આખા બ્લોકમાં ભારતની ગતિ અને પ્રગતિ માટે અવરોધ સાબિત થાય તેવી શક્યતા છે. ભારત પશ્ચિમ સાથે વેપારમાં વધારો કરવા ઇચ્છે ત્યારે આવી ખુન્નસભરી કાર્યવાહી  થાય તો ન ગમે એવા નીતિગત સમાયોજનો કરવાની નોબત આવી શકે છે. આફ્રિકા ને લેટિન અમિરકામાં ભારતની હાજરી વધી રહી છે પણ સામે ચીન પણ પોતાનો પ્રસાર કરી રહ્યો છે. તાન્ઝાનિયા સાથે ભારતે નૌકા દળનાં તોતિંગ ડ્રિલ્સ કર્યા છે જેમાં આઠ આફ્રિકી દેશો પણ છે – એક રીતે તે ચીનના દરિયાઇ પ્રસારની સીધો જવાબ છે. આખી બાબતમાં ભારતનો વ્યૂહાત્કમ દૃષ્ટિકોણ મજબૂત અને ગહેરો હોવા છતાં આફ્રિકા સાથે ભારતનો વેપાર 83 અબજ ડોલરનો છે, જે ચીનની પકડની વિસ્તારના અડધાથી પણ ઓછો છે. દ્વિપક્ષીય મુલાકાતો એ ક્ષણને ગતિ તો આપી દે છે પણ ત્યારે લેવાયેલા નિર્ણયો લાંબા ટકે એ માટે પહોંચ, ઝડપ અને ટાઇમલાઇન પણ જરૂરી છે. 

ભારત માટે સ્વાભાવિક રીતે જ આ પ્રવાસનું જિઓ-પૉલિટીકલ એટલે કે ભૌગોલિક રાજકીય મહત્ત્વ છે. ભારત પોતાનું સ્થાન સાવચેતીથી બનાવી રહ્યું છે –  G7, G20 અને WTO સાથેના સંબંધો આપણે જાળવ્યા છે. મોદીએ બેવડાં ધોરણોની ટીકા કરી સાબિત કર્યું કે ભારત પશ્ચિમ નિયંત્રિત મંચને આંતરિક રીતે પ્રભાવિત કરવા માગે છે.  G20 પ્રમુખપદે ભારત-મધ્યપૂર્વ-યુરોપ કોરિડોર(IMEC)ની સફળતા ચીન-નિયંત્રિત સપ્લાય નેટવર્ક્સને વિકલ્પ આપવાની ભારતની મહત્ત્વાકાંક્ષા દર્શાવે છે. આફ્રિકન નૌકાદળની ડ્રિલ્સથી માંડીને મિનરલ સિક્યોરીટી માટે થયેલા સંવાદ ભારતની આર્થિક કૂટનીતિમાં રહેલા લશ્કરી દૃષ્ટિકોણની ઝલક પણ આપે છે. આ બહુપરિમાણીય અભિગમ એ સૂચવે છે કે ભારત સાઉથ-સાઉથ કૂટનીતિને ઉપરછલ્લી કે પ્રતીકાત્મક રીતે નહીં પણ એક સંકલિત ભૌગોલિક વ્યૂહરચના તરીકે જુએ છે. જલવાયુ ન્યાય (BRICS હેઠળ) અને ડિજિટલ સહયોગ (UPI/ડિજિટલ હેલ્થ) દ્વારા ટકાઉ વિકાસમાં નેતૃત્વ ભજવતા ભારતને આ વ્યૂહરચનાને સાંગોપાંગ પાર પાડવા માટે વેપાર કરારો, સંસ્થાગત સુધારા (WTO/UNSC) તો જોઇશે જ પણ સાથે ભારતમાં આંતરિક સ્તરે પણ ખર્ચ અને રાજકીય મૂડીને ન્યાયી ઠેરવવાના પ્રયાસ પણ કરવા પડશે. 

બાય ધી વેઃ 

વિષ્લેશકો એવી ચેતવણી પણ આપી રહ્યા છે કે આ પ્રવાસમાં જે મજબૂતાઇ કે પ્રભાવ દેખાય છે ત્યારે તે પરિણામોમાં નહીં દેખાય તો ભારે પડશે. વડા પ્રધાને જે રીતે આ રાજકીય પ્રવાસમાં શક્તિ પ્રદર્શન કર્યું છે તેના વાસ્તિવક પરિણામો જ ખરી કસોટી સાબિત થશે. ખરો લિટમસ ટેસ્ટ હશે સંસ્થાકીય મજબૂતાઇ એટલે કે વ્યાપારને લગતા કરાર, સંશોધનમાં સહયોગ અને જાહેર-ખાનગી ભાગીદારી – યોજનાઓ અને ટાસ્ક ફોર્સ આ પ્રવાસમાં વર્તાયેલા પ્રવાહને ટકાવી રાખે એ માટે અનિવાર્ય પગલાં છે. ભારતની લોકશાહી, આર્થિક વૃદ્ધિ, પ્રવાસને કારણે બનતાં નેટવર્ક્, અને તકનીકી કુશળતાઓ આ જોખમો ઘટાડશે પણ અમલીકરણનું નક્કર માળખું નહીં હોય તો ભારતના ગ્લોબલ સાઉથના પ્રયાસ અને પ્રવાસ બન્ને માત્ર ડિપ્લોમેટિક શો બનીને રહી જશે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 જુલાઈ 2025

Loading

‘રાષ્ટ્રપિતાનો વારસો એમના વંશજો જ નથી’ — રાજમોહન ગાંધી

સોનલ પરીખ|Gandhiana|13 July 2025

‘પહેલા પરિવાર’ એવો ગાંધીનો મુદ્રાલેખ ક્યારે ય ન હતો. ભયાનક તોફાનો વચ્ચે ભારતનું જહાજ હાંકનાર કપ્તાન ગાંધીએ પોતાના કુટુંબ માટે સારામાં સારી આગબોટો રાખી મૂકી ન હતી. અમે વંશજો ગાંધીની મુખ્ય વિરાસત નથી. ગાંધીની વિરાસત ત્રિવિધ છે. સંઘર્ષના સાધન તરીકે અહિંસા, સ્વતંત્ર ભારત અને આખી દુનિયામાં ફેલાયેલા એમના સાઇન–પોસ્ટ્સ.

— રાજમોહન ગાંધી 

રાજમોહન ગાંધી

‘પ્રસ્તુત ગણો કે નહીં, ગાંધી રસ પડે એવા છે અને રહેશે પણ. કઈં નહીં તો એમનામાં જે વિરોધાભાસ રહેલો હતો તે લોકોને આકર્ષતો રહેશે.’ આ શબ્દો મહાત્મા ગાંધીને પૌત્ર રાજમોહન ગાંધીના છે. ગાંધીના એક અમેરિકન મિત્ર ઈ. સ્ટેનલી જોન્સ લખે છે, ‘ગાંધી એકસાથે પૌર્વાત્ય અને પાશ્ચાત્ય, શહેરી ને ગ્રામીણ, ઈસુ ખ્રિસ્તના ભક્ત અને સનાતની, હિન્દુ, સરળ અને મુત્સદી, સ્પષ્ટવક્તા અને વિવેકી, ગંભીર અને રમતિયાળ, નમ્ર અને આગેવાની લેનાર, તીખા અને મીઠા હતા.’ અને ઉમેરે છે, ‘જો કે ગાંધી જે પ્રબળ છાપ છોડે છે તે મીઠાશની નહીં, સામર્થ્યની છે.’ આ ઈ. સ્ટેનલી જોન્સે લખેલું મહાત્મા ગાંધીનું ચરિત્ર ડૉ. માર્ટિન લ્યુથર કિંગની એક પ્રેરણા બન્યું હતું. 

નેવું વર્ષના રાજમોહન ગાંધી ચરિત્રકાર, ઇતિહાસકાર, રાજનેતા અને અમેરિકાની ઈલીનોય યુનિવર્સિટીના સાઉથ ઇન્ડિયા એન્ડ મિડલ ઈસ્ટ સ્ટડીઝના રિસર્ચ પ્રોફેસર છે. મહાત્મા ગાંધીના પૌત્ર હોવા સાથે તેઓ ભારતના છેલ્લા અને એકમાત્ર ભારતીય ગવર્નર જનરલ અને મહાવિદ્વાન ચક્રવર્તી રાજગોપાલાચારીના દોહિત્ર પણ છે. નાના અને દાદાના નામનું સંયોજન કરીને જ એમનું નામ રાજમોહન રાખવામાં આવ્યું હતું. 

આજથી દસેક વર્ષ પહેલા, મેસેચ્યુએટ્સ યુનિવર્સિટીમાં આપેલા એક વ્યાખ્યાનમાં એમણે મહાત્મા ગાંધીની વિરાસત વિષે સરસ વાતો કરી હતી. આજે ફાધર્સ ડેના દિવસે ‘ફાધર ઑફ નેશન’ના વારસાની વાત એમના જ સ્કૉલર પૌત્ર રાજમોહન પાસેથી જાણીએ. 

તેઓ પ્રશ્નો પૂછે છે, ‘ગાંધીની વિરાસત એટલે ચોક્કસ શું? જો તેઓ આઈન્સ્ટાઈન, ગોખલે, ટાગોર, નહેરુ, સરદાર, માર્ટિન લ્યુથર કિંગથી માંડીને બરાક ઓબામા એમને વર્ણવે છે તેવા હોય તો એમનું રાષ્ટ્ર એમની હયાતીમાં ભાગલા અને નરસંહારનો ભોગ શા માટે બન્યું? અને આજે હિંસા, અલગતાવાદ અને ભ્રષ્ટાચારનો શિકાર કેમ છે? જો માણસની પ્રસ્તુતતા કે વિરાસત તે પોતાની પાછળ કેવું વિશ્વ મૂકીને જાય છે તેના પરથી નક્કી થતી હોય તો ભારતની આજની સ્થિતિ જોતાં ગાંધીની પ્રસ્તુતતા કે વિરાસત વિષે શું કહીશું? માણસ તત્કાલીન કે ભાવિ સમસ્યાઓ ઉકેલી શકે તો જ પ્રસ્તુત કહેવાય? કે પછી જિંદગી વધુ સહ્ય અને રસપૂર્ણ બને એવી કેડી ચીંધે તો પ્રસ્તુત કહેવાય? ગાંધીએ ભારતને બતાવ્યું કે નીચા પડ્યા વિના, અપમાનિત થયા વિના સ્વતંત્રતા કેવી રીતે મેળવી શકાય – આ રીત દરેક પ્રકારની અન્યાયમુક્તિને લાગુ નથી પડતી?’ 

કોઈ મૃત્યુ પામે તો તેની વિરાસત તેનાં સંતાનો રૂપે દર્શાવાય છે. રાજમોહન કહે છે, ‘મારી પાસે એવો કોઈ ફોટોગ્રાફ નથી જેમાં ગાંધીજીના બધા વંશજો હોય, પણ જો હોત તો પણ એને હું ગાંધીની વિરાસત તરીકે બતાવી શક્યો ન હોત. એમના વંશજો દેખાવડા છે, ગરિમાપૂર્ણ છે, બુદ્ધિમાન છે, જ્યાં પણ રહે છે ત્યાં એમનું કોઈ પ્રદાન છે, તેમ છતાં ગાંધીની વિરાસત તરીકે એમને બતાવી દેવાથી કોઈ અર્થ સરે નહીં. એટલા માટે, કે “પહેલા પરિવાર” એવો ગાંધીનો મુદ્રાલેખ ક્યારે ય ન હતો. વંશવારસાના લાભલાભથી પરિચિત ભારતની પ્રજાએ ગાંધીને ખૂબ માન આપ્યું હતું એનું એક કારણ એ પણ છે કે ગાંધી ક્યારે ય એમના કુટુંબને પહેલું ગણ્યું ન હતું. ભયાનક તોફાનો વચ્ચે ભારતનું જહાજ હાંકનાર કપ્તાન ગાંધીએ પોતાના કુટુંબ માટે સારામાં સારી આગબોટો રાખી મૂકી ન હતી. એમના નિકટના સાથીઓ પણ એવું માનતા કે ગાંધીજીને મન એમના પરિવારજનો અને દેશવાસીઓ વચ્ચે કોઈ તફાવત ન હતો. એવું હતું પણ, એવું નહોતું પણ. અમે અને અમારા દાદા એકબીજાને ખૂબ ચાહતા. અમને એકબીજા માટે સમય મળવો અઘરો હતો, પણ એથી તો અમારું પરસ્પર આકર્ષણ વધી જતું. અમારા દાદા આખા દેશના હતા એ અમે સમજતા હતા. 

‘એટલે અમે વંશજો ગાંધીની મુખ્ય વિરાસત નથી. એમની મુખ્ય વિરાસત બીજે ક્યાંક છે. મને લાગે છે કે ગાંધીની વિરાસત ત્રિવિધ છે. સંઘર્ષના સાધન તરીકે અહિંસા, સ્વતંત્ર ભારત અને આખી દુનિયામાં ફેલાયેલા એમના સાઇન-પોસ્ટ્સ.’

એમણે પાંચ નામ લીધાં છે, જેમણે ગાંધી પછી અહિંસાનું શસ્ત્ર વાપર્યું અને જીત મેળવી. આ સાઇન-પોસ્ટ્સ છે ખાન અબ્દુલ ગફરખાન, નેલ્સન મંડેલા, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, દલાઇ લામા અને આંગ સાન સૂ કી. 

1945માં દસેક વર્ષના રાજમોહન ખાન અબ્દુલ ગફારખાનને પહેલી વાર મળ્યા. ભારતની વાયવ્ય સરહદના આ પઠાણ નેતાને બ્રિટિશ સરકારે તેમને 12 વર્ષ અને પાકિસ્તાન સરકારે 15 વર્ષ જેલમાં રાખ્યા હતા. છેલ્લી મુલાકાત રાજભવનમાં થઈ ત્યારે ખાનસાહેબ 97 વર્ષના હતા. જિંદગીભર તેમના મનમાં સ્વતંત્રતા માટે અને પઠાણોને પેઢી દર પેઢી ચાલતા વેરમાંથી મુક્ત કરવા માટે આગ પ્રજળતી રહી. ખાન સાહેબે ઊભા કરેલા ‘ખુદાઇ ખિદમતગાર’ સંગઠનના રેડ શર્ટ્સ તરીકે ઓળખાતા પઠાણ સૈનિકો અહિંસક હતા. બ્રિટિશ અધિકારીઓ કહેતા, ‘અહિંસક પઠાણ, હિંસક પઠાણ કરતાં વધારે ખતરનાક છે.’ પછી તો કાળનાં વહેણો વહ્યાં. પઠાણો એમના લાડીલા બાદશાહખાન પ્રત્યે કઈંક બેધ્યાન બન્યા; ઈર્ષા, અણસમજ, ગેરસમજનો શિકાર બન્યા. પણ બાદશાહખાનનું મૃત્યુ થયું તે દિવસે આંતરસંઘર્ષથી સળગતા આખા ખૈબરની બંદૂકોએ સ્વયંભૂ મૌન પાળ્યું હતું.

માર્ટિન લ્યુથર કિંગ જુનિયરનો જન્મ 1929માં. 22 વર્ષની ઉંમરે તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. જોન્સનનું ગાંધી પરનું વ્યાખ્યાન સાંભળવા ગયા. અડધેથી જ ઊઠી ગયા અને ગાંધી પરના જે મળ્યા તે બધાં પુસ્તકો ખરીદી લીધાં. ‘જિસસના લવ એપિક્સનું ઊર્ધ્વીકરણ કરી લોકોને શક્તિશાળી સોશ્યલ ફૉર્સ બનાવનાર’ તરીકે એમણે ગાંધીને જોયા અને શ્યામ પ્રજાને અધિકારો અપાવવા ગાંધીપદ્ધતિએ મોટું આંદોલન ચલાવ્યું. 

નેલ્સન મંડેલા એમની 27 વર્ષની કેદ પૂરી કરીને છૂટ્યા બાદ થોડા વખતમાં ભારત આવ્યા હતા. ગાંધીજીના મૃત્યુને 42 વર્ષ પૂરાં થયાં હતા. મંડેલા 72 વર્ષના હતા, રાજમોહન 55ના. ભારત સરકારે મંડેલાને ભારતમાં ફરવા નાનું પ્લેન આપ્યું. એમને સાથ આપવાની જવાબદારી રાજમોહનને આપી. રાજમોહનને મંડેલાની માનવતા, શાલીનતા અને ભારતમાંથી દક્ષિણ આફ્રિકાની ચળવળનું સંચાલન કરવાની કાબેલિયત નિકટથી જોવાની તક મળી. રાષ્ટ્રપતિ વેંકટરામને કહ્યું, ‘શ્રીમાન મંડેલા, આગામી દિવસો તમારા માટે કપરા છે, હું પ્રાર્થના કરીશ.’ ત્યારે મંડેલા સ્મિત કરી કહે, ‘આભાર. પણ પ્રાર્થના મિસ્ટર ડી. ક્લાર્ક માટે પણ કરજો.’ ડી. ક્લાર્ક દક્ષિણ આફ્રિકાના શ્વેત પ્રમુખ હતા, જેમની સરકાર વિરુદ્ધ મંડેલાએ ગાંધીમાર્ગે મોટી લડત ઉપાડી હતી.

દલાઇ લામા તિબેટથી નિર્વાસિત થઈ ભારત આવ્યા ત્યારે 24 વર્ષના હતા. ત્રીસ વર્ષ પછી એમને શાંતિ માટેનું નોબેલ ઈનામ મળ્યું. એમણે કહ્યું, ‘આ ઈનામ હું પરિવર્તન માટે સક્રિય અહિંસાની આધુનિક પરંપરાના સર્જક એવા મહાત્મા ગાંધીને અંજલિ રૂપે સ્વીકારું છું.’ અને બર્મામાં લોકશાહી માટે અનેક જુલમો સહેનાર સૂ કીને 1991માં નોબેલ મળ્યું ત્યારે તેઓ કેદમાં હતાં. નોબેલ સ્વીકારવા જઈ ન શક્યાં, હસ્તલિખિત સંદેશો મોકલ્યો, જેમાં લખેલું કે ‘સ્વતંત્રતાના 49 વર્ષ બાદ પણ બર્મા મિલીટરી શાસન હેઠળ હતું. લોકોની કોઈ ભૂમિકા ન હતી. અમારે ગાંધીએ વર્ણવેલું સ્વરાજ જોઈતું હતું જેમાં લોકો નેતા ચૂંટે અને જો નેતા ખોટી રીતે ચાલે તો એને ઉથલાવી શકવાની ક્ષમતા પણ ધરાવે.’  

ઉપર ઉલ્લેખ કર્યો છે એ પ્રતિભાઓ આજે જીવી રહેલી બેત્રણ પેઢીઓ માટે પ્રેરણામૂર્તિ સમાન છે, અને એમની પ્રેરણા છે આપણા રાષ્ટ્રપિતા. તેમનો અને તેમના ભવ્ય વારસાનો અહીં તો જરાતરા ઉલ્લેખ જ થઈ શક્યો છે. ફાધર્સ ડેના દિવસે જુઠાણાઓનાં ઘેરાં વાદળો વચ્ચે ઢંકાયેલા એમના સત્ય-સૂર્યને જોવા આંખ ઊંચકીએ તો પણ ઘણું.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 15 જૂન  2025

Loading

સવાલ બે છે; એક તિબેટના ભવિષ્ય વિષે અને બીજો તિબેટને લઈને ભારત-ચીન વચ્ચેના સંબંધો વિષે

રમેશ ઓઝા|Opinion - Opinion|13 July 2025

રમેશ ઓઝા

દલાઈ લામા ૯૦ વરસના થયા. જે દેશની લશ્કરી અને આર્થિક હેસિયત ન હોય, જે દેશનો બીજા દેશોને વ્યૂહાત્મક ખપ ન હોય, જે દેશનું નામ પણ લોકોએ ન સાંભળ્યું હોય, જે દેશનો નેતા ૬૫ વરસથી દેશવટો ભોગવતો હોય અને ૬૫ વરસની લાંબી અવધિમાં વિશ્વદેશોએ વચ્ચે પડવું પડે એવો કોઈ બેત ન રચ્યો હોય તો એવા માણસને જગત ભૂલી જતું હોય છે અથવા ઉપેક્ષા કરતું હોય છે. પણ દલાઈ લામા આમાં અપવાદ છે. તેમને જગત સાંભળે છે. તેમને જગત આદર આપે છે. ગાંધીજી પછી તેમણે માણસાઈને એક નવી ઊંચાઈ આપી છે. તેઓ અહિંસક માર્ગે અને વિવેક જાળવી રાખીને ચીન સામે ઊભા છે. સોક્રેટિસની બગાઈની જેમ ચીન દલાઈ લામાથી જેટલું પરેશાન છે એટલું જગતના બીજા કોઈ પણ શક્તિશાળી દેશથી પરેશાન નથી. 

પણ હવે દલાઈ લામા ૯૦ વરસના થયા છે અને તબિયત પણ લથડી છે. સોવિયેત સંઘના પતન પછી તેઓ હંમેશાં કહેતા રહ્યા છે કે તેમની જિંદગી અને ચીની સામ્યવાદી સરમુખત્યારી વચ્ચે કાઉન્ટ ડાઉન ચાલી રહ્યું છે. કોની રેત પહેલાં ખૂટી જશે અને અંત આવશે એ કહેવું મુશ્કેલ છે. ૨૦૧૦ સુધી આ લખનારને એમ લાગતું હતું કે ચીની સામ્યવાદી સરમુખત્યારીની રેત પહેલાં ખૂટી જશે. દલાઈ લામાને મળવાનું સૌભાગ્ય મળ્યું ત્યારે મેં તેમને આમ કહ્યું પણ હતું. પણ હવે એમ લાગે છે કે દલાઈ લામા આ સંસારમાંથી પહેલા વિદાય લેશે અને વર્ણસંકર ચીની સામ્યવાદી સરમુખત્યારી ૨૧મી સદીમાં કમ સે કમ ૨૦૫૦ સુધી વર્ચસ ભોગવશે. 

સવાલ બે છે; એક તિબેટના ભવિષ્ય વિષે અને બીજો તિબેટને લઈને ભારત-ચીન વચ્ચેના સંબંધો વિષે.

વર્તમાન દલાઈ લામા ૧૪માં દલાઈ લામા છે. દલાઈ લામાના અવતારને પસંદ કરવાની એક વિચિત્ર અને અટપટી પ્રક્રિયા છે જેમાં જવાની અહીં જરૂર નથી, પણ એટલું નોંધવું જરૂરી છે કે તિબેટીઓ માટે દલાઈ લામા ધાર્મિક-આધ્યાત્મિક-રાજકીય-સામાજિક એમ દરેક રીતે સર્વોપરી છે. ચીનને આ કઠે છે. ચીન કોઈ આંગળિયાત લામાને દલાઈ લામા તરીકે બેસાડે તો પ્રજા સ્વીકારે નહીં અને જો વર્તમાન દલાઈ લામા તેમના વારસ આપતા જાય તો ચીન ગળી ગયેલા તિબેટને જે રીતે હજમ કરવા માગે છે એ કરી શકે નહીં. સાત દાયકાથી ચીન તિબેટને ગળીને બેઠું છે પણ હજમ કરી શકતું નથી અને તેનો પૂરો શ્રેય દલાઈ લામાને જાય છે. દલાઈ લામા કહે છે કે અમને ચીનનો હિસ્સો બનવા સામે કોઈ વાંધો નથી, ચીન ગળી જાય અને અમારું સાંસ્કૃતિક અસ્તિત્વ મિટાવી દે તેની સામે વાંધો છે. 

ચીન પાસે આ પ્રશ્નનો કોઈ જવાબ નથી જે રીતે કાશ્મીરીઓ કે સીમાડે વસતી ભારતની બીજી પ્રજાઓ ભારતના વર્તમાન શાસકોને આ પ્રશ્ન પૂછે ત્યારે તેમની પાસે કોઈ જવાબ હોતો નથી. અમને ભારતનો હિસ્સો બનવામાં વાંધો નથી, પણ અમારી સંસ્કૃતિને શા માટે મીટાવવાનો આગ્રહ રાખો છો? એક દેશ એક સંસ્કૃતિ એ ભ્રમણા છે, વાસ્તવિકતા નથી. દલાઈ લામા આનો વેશ્વિક અવાજ છે અને એટલે એ મહાપુરુષ છે. તિબેટનું કોઈ જાગતિક અસ્તિત્વ નથી, પણ દલાઈ લામા વિરાટ પુરુષ છે. 

એક બાજુ દલાઈ લામાની જીવનસંધ્યા બેઠી છે અને બીજી બાજુ ચીને ભારત ફરતે ભરડો લીધો છે. ઓપરેશન સિંદૂર ચાર દિવસમાં સંકેલી લેવું પડ્યું એ ચીનના કારણે. માત્ર દક્ષિણ એશિયામાં નહીં, આખા જગતમાં ચીનનો દબદબો છે. હવે જ્યારે દલાઈ લામા નહીં હોય અને મૃત્યુ પૂર્વે તેઓ જો ૧૫માં દલાઈ લામા આપતા જશે તો ચીન કેવું વલણ અપનાવશે અને ભારત શું કરશે? અત્યારે જ ભારત ચીનથી ડરી રહ્યું છે. પૂરી મુદ્દત વડા પ્રધાનપદ ભોગવનારા ભારતના વડા પ્રધાનોમાં નરેન્દ્ર મોદી એક માત્ર એવા વડા પ્રધાન છે જે ત્રીજી મુદ્દત ચાલતી હોવા છતાં એક પણ વાર દલાઈ લામાને મળ્યા નથી, કારણ કે ચીન ઈચ્છતું નથી. મુલાકાત માગવા છતાં આપવામાં આવી નથી. આમ તો ભડવીર છે, પણ ડરે છે. 

જવાહરલાલ નેહરુએ આવો ડર નહોતો અનુભવ્યો, કારણ કે નૈતિક ભૂમિકામાં વિસંગતી નહોતી. નેહરુ એ જ ફિલસૂફીમાં માનતા હતા જેમાં દલાઈ લામા માને છે. “અમને તમારો હિસ્સો બનવામાં વાંધો નથી, પણ તમે અમને ગળી જઈને હજમ કરી જાઓ અને અમારા સાંસ્કૃતિક અસ્તિત્વને જ મિટાવી દો એ અમને સ્વીકાર્ય નથી” એવી દલાઈ લામાની ભૂમિકા ભારતનાં વિવિધ પ્રદેશોના દલાઈ લામાઓ ધરાવતા હતા અને નેહરુ તેનો આદર કરતા હતા. આ નેહરુની નબળાઈ નહોતી, દૂરંદેશી હતી. આઝાદી પછી તરત સરદાર પટેલે જવાહરલાલ નેહરુને લખેલા એ પત્રની યાદ વારંવાર આપવામાં આવે છે. સરદારે નેહરુને સલાહ આપી હતી કે ચીનથી સાવધાન રહેવાની જરૂર છે અને તિબેટ ભારત અને ચીન વચ્ચે બફર સ્ટેટ બની રહે એ ભારતના હિતમાં છે. વાત તો સાચી પણ તિબેટને બફર સ્ટેટ તરીકે કઈ રીતે ટકાવી રાખવું એનો કોઈ ઉપાય સરદારે એ પત્રમાં સૂચવ્યો છે? તમારી સગી આંખે તપાસી લો. કનૈયાલાલ મુનશીએ પણ નેહરુને ચેતવણી આપતો પત્ર લખ્યો હતો, પણ કોઈ ઉપાય સૂચવ્યો નહોતો. વિકલ્પ વિનાની ચેતવણીનો કશો અર્થ રહેતો નથી. 

જવાહરલાલ નેહરુ જાણતા હતા કે ભારત પાસે પણ એક ડઝન જેટલા તિબેટ છે અને ત્યાંની પ્રજાનો વિશ્વાસ જીતવાનો છે. ભારત જો જુલમ અને જબરદસ્તીવાળો ચીનનો માર્ગ અપનાવે તો ચીન જ ભારતની સામે તેનો લાભ લે, કારણ કે ભારતનાં તિબેટો (કાશ્મીરથી લીને અરુણાચલ પ્રદેશ સુધીનાં) ચીનની (તિબેટની) સરહદે છે. ભારતનાં વર્તમાન શાસકો એક રાષ્ટ્ર એક સંસ્કૃતિમાં માને છે અને તેનો વિરોધ કરનારાઓ સામે કડક હાથે કામ લેવામાં માને છે. ડિટ્ટો ચીનની પોલીસી. ચીને આ જ પોલીસીને અનુસરીને લડાખમાં કેટલાક હિસ્સા પર કબજો કર્યો છે અને અરુણાચલ પ્રદેશ પર દાવો કર્યો છે. ચીને અરુણાચલ પ્રદેશનું નામ બદલી નાખ્યું છે, અરુણાચલ પ્રદેશનાં શહેરો, કસબાઓ અને પ્રદેશોનાં નામ બદલી નાખ્યાં છે, ચીનના નકશામાં તેને ભેળવી દીધું છે, અરુણાચલ પ્રદેશની સરહદ સુધી રસ્તાઓ બાંધ્યા છે, અરુણાચલ પ્રદેશની પ્રજાને ચીનનું ભલે ગેરહાજરીવાળું નાગરિકત્વ આપ્યું છે, કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ સુધી ચીનની સરહદે ભારતના કોમ્યુનિકેશનને બ્લોક કરવા પ્રચંડ શક્તિશાળી જામર લગાડવામાં આવ્યાં છે અને ભારત ચૂપ છે! 

બન્ને તરફના શાસકો એક રાષ્ટ્ર એક સંસ્કૃતિમાં માને છે, કડક હાથે કામ લેવામાં માને છે, પણ તાકાતમાં ફરક છે. ચીન ક્યારે ય આટલું હાવી નહોતું થયું જેટલું નરેન્દ્ર મોદીના શાસનકાળમાં થયું છે એનું કારણ આ છે. ચીનને ભારતમાં જેવા શાસકો જોઈતા હતા એવા મળી ગયા છે. માણસાઈ સામે નાગાઈ ગમે એટલી તાકાત હોય તો પણ ઝાંખી પડે પણ નાગાઈ સામે નાગાઈમાં તાકાત જ નિર્ણાયક હોય છે. એમાં વળી જ્યારે દલાઈ લામા નહીં હોય ત્યારે ચીન હજુ વધુ નાગાઈ અપનાવશે. ચીનના બૃહદ્દ તિબેટમાં આખા અરુણાચલ પ્રદેશનો, લડાખનો અને સિક્કિમના કેટલાક પ્રદેશનો સમાવેશ થાય છે. 

ભારત પાસે બે જ વિકલ્પ છે: કાં ચીનને ટક્કર આપે. ચીને ભારતથી ડરવું પડે એવો તાકાતવાન દેશ બનાવવામાં આવે અથવા નેહરુ અને દલાઈ લામાનો માર્ગ અપનાવે. વર્તમાન શાસકોને મનગમતો એવો પહેલો વિકલ્પ અપનાવી શકાય એમ છે, પણ એને માટે હિંદુ-મુસ્લિમની ચૂંટણીકીય સત્તાલક્ષી રમત છોડીને દેશહિતનું શાસન કરવું પડે. સત્તા અલગ ચીજ છે અને શાસન અલગ ચીજ છે. સત્તા માટે પ્રજાને એકબીજા સામે લડાવી શકાય પણ જો શાસન કરવું હોય તો પ્રજાકીય એકતા અને શાંતિ જરૂરી હોય છે. ઇઝરાયેલ અને ચીને નાગાઈ અપનાવી છે, પણ પ્રજાકીય વિભાજન નથી કર્યું. 

કમનસીબે વગર શાસન કર્યે સત્તા ભોગવનારા સત્તાધીશો વચ્ચે વચ્ચે પ્રજાને મળતા રહે છે.  

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 જુલાઈ 2025

Loading

...102030...268269270271...280290300...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved