Opinion Magazine
Number of visits: 9763770
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 17

દીપક મહેતા|Opinion - Opinion|11 November 2019

ચોપાટી જાયેંગે, ભેલપૂરી ખાયેંગે 

લકડી બંદર બન્યું ચોપાટી

જમશેદજી જીજીભાઈનો ચર્ની રોડ

તુલસીદાસજીની એક જાણીતી પંક્તિ છે : તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગ. આ પંક્તિનો સાચો અર્થ સમજવો હોય તો સમી સાંજે ગિરગામ ચોપાટીના દરિયા કિનારે જવું. અહીં મોટરમાં બેઠા બેઠા દરિયાની હવા ખાતા માલેતુજારો પણ જોવા મળે, અને રેતીમાં પાથરેલી સાદડી પર લંબાવીને ચંપી કરાવતા નફિકરાઓ પણ જોવા મળે. તેમને જોઇને પેલું પ્રખ્યાત ફિલ્મી ગીત યાદ આવ્યા વગર રહે નહિ :

સર જો તેરા ચકરાયે, યા દિલ ડૂબા જાયે,
આજા પ્યારે, પાસ હમારે, કાહે ગભરાય, કાહે ગભરાય.’ 

હાથ ચાલાકીના ખેલ બતાવનારા અહીં જોવા મળે, તો જીભ ચાલાકીથી લોકો પાસેથી પૈસા ઉઘરાવી લેનારા લેભાગુઓ પણ જોવા મળે. અને હા, આસપાસની દુનિયાનું જાણે અસ્તિત્વ જ ન હોય તેમ માનીને એકબીજાંમાં ગૂંથાઈ ગયેલાં પ્રેમીઓ માટે તો સ્વર્ગ અહીંથી વેંત જ છેટું હોય છે. હા, સવારે અહીં આવો તો કિનારા પર કેટલેક સ્થળે માણસો કરતાં વધુ તો કબૂતરો જોવા મળે. રૂપિયા બે રૂપિયાનું ચણ નાખીને ઢગલો પુણ્ય કમાઈ લેવાની ધગશ ધરાવતા લોકો ચણા વેરતા જાય અને પુણ્ય ઉસેટતા જાય.

લકડી બંદર બન્યું ચોપાટી

પણ આજથી સો-દોઢ સો વર્ષ પહેલાં અહીં આમાંનું કશું નહોતું. ફક્ત નાનાં વહાણો અહીં લાંગરતાં, અને પોતાનો માલ કાંઠાની રેતીમાં ઉતારતાં. એ માલ એટલે મુખ્યત્વે લાકડા. એટલે એ વખતે આ જગ્યા ‘લકડી બંદર’ તરીકે ઓળખાતી. પણ પછીથી ધીમે ધીમે તે ‘ચોપાટી’ના નામે ઓળખાવા લાગી. અરે, આજે આપણે જેને મલબાર હિલ કહીએ છીએ તેને પણ લોકો તો ચોપાટીની ટેકરી તરીકે જ ઓળખતા. પણ આ ચોપાટી નામ આવ્યું ક્યાંથી? તેના નામમાં આવતા ‘ચો’(ચાર)ને કારણે ઘણા કહે છે કે અહીં પાણીના ચાર પ્રવાહ ભેગા થતા તેથી ચોપાટી. તો વળી કેટલાક કહે છે કે અહીં ચાર રસ્તા ભેગા થતા એટલે ચોપાટી. પણ સાહેબ, મુંબઈમાં જ એક કરતાં વધુ ચોપાટી છે : પહેલી ગિરગામ ચોપાટી, પણ પછી વરલી ચોપાટી, દાદર ચોપાટી, ખાર-દાંડા ચોપાટી, જુહુ ચોપાટી, વગેરે. એટલું જ નહિ, દરિયા કાંઠે કે નદી તીરે આવેલાં ગુજરાતનાં ઘણાં શહેરોને પણ પોતપોતાની ‘ચોપાટી’ છે. જેમ કે સુરત, સોમનાથ, પોરબંદર, વેરાવળ, દ્વારકા, માધવપુર વગેરેની ચોપાટી. હવે, ચોપાટી’ શબ્દનો એક અર્થ થાય છે સપાટ કે સમથળ જમીન. મલબાર હિલની ટેકરી પૂરી થાય અને પછી લગભગ તરત આવે છે આ સમથળ, સપાટ જમીન. એટલે લોકો તેને ‘ચોપાટી’ તરીકે ઓળખતા હોય એમ બને. પણ પછી, એ શબ્દ સાથે ‘દરિયા કિનારો’ જોડાઈ ગયો અને એટલે બીજી જગ્યાઓએ આવેલી દરિયા કે નદી કિનારા પરની સપાટ કે સમથળ જમીન પણ ‘ચોપાટી’ તરીકે ઓળખાતી થઈ. કે પછી, ગુજરાતના દરિયા કાંઠાના કોઈ શહેર પાસેથી મુંબઈને ‘ચોપાટી’ શબ્દ મળ્યો હશે? સૌરાષ્ટ્રમાં ઘરની પરસાળ માટે વપરાતો શબ્દ ‘ચોપાડ’ આપણી ‘ચોપાટી’ને મળતો આવે છે. ચોપાડ એટલે ચારે તરફથી ખુલ્લી જગ્યા. અને હિન્દી ભાષામાં વપરાતા ‘ચોપાલ’ શબ્દનો અર્થ પણ થાય છે ‘ખુલ્લી સાર્વજનિક જગ્યા.’ મુંબઈની દક્ષિણે આવેલા મહારાષ્ટ્રના કોઈ દરિયા કિનારાને લોકો ‘ચોપાટી’ તરીકે ઓળખતા હોય એવું જાણ્યું નથી.

 

૧૯મી સદીમાં મલબાર હિલ પરથી ચોપાટી

આજે તો ગિરગામ ચોપાટીની આસપાસની ઘણી જગ્યા ચોપાટ કે સમથળ છે, પણ અગાઉ એવું નહોતું. દરિયા કીનારાની સાંકડી પટ્ટી પછી તરત શરૂ થતી જુદી જુદી જણસોની વાડીઓ. હવે તો એ વાડીઓનું નામ નિશાન રહ્યું નથી, છતાં આજે ય ગિરગામ વિસ્તારમાંના ઘણા લોકોની જીભે હજી આવાં નામો જ રમે છે : તાડવાડી, ફણસવાડી, કાંદાવાડી, કેળેવાડી, જામ્બુલવાડી, ફોફળ (સોપારી)વાડી, વગેરે. એટલે એક વખત આ બધો વિસ્તાર જાતજાતનાં વૃક્ષોથી ઘેરાયેલો હતો. તે પછી આવતી થોડી ખુલ્લી, સપાટ જમીનને લોકો ‘ચોપાટી’ કહેતા હોય તો તે સમજી શકાય.

અસલનું ચર્ચ ગેટ સ્ટેશન

પણ પછી મુંબઈમાં રેલવે આવી. પહેલી લાઈન તો બોરી બંદરથી થાણાની હતી, જી.આઈ.પી. રેલવેની. પછી આવી બી.બી.સી.આઈ. (આજની વેસ્ટર્ન) રેલવે. તેનું કામ પ્રમાણમાં ધીમે ધીમે આગળ વધ્યું. ૧૮૫૯ સુધીમાં સુરતથી ગ્રાન્ટ રોડ સુધી પાટા નંખાયા અને તે જ વર્ષે ગ્રાન્ટ રોડ ટર્મિનસ ખુલ્લું મુકાયું. પછી ૧૮૬૧માં તે પાટા ચર્ચ ગેટ સુધી પહોંચ્યા, અને પછી ૧૮૭૩માં કોલાબા સુધી. ટ્રેનના પાટા ઓળંગવા જતાં આજે તો મુંબઈમાં દરરોજ કેટલા ય માણસોના જાન જાય છે. પણ ૧૯મી સદીમાં તો મુંબઈની વસ્તી ઘણી ઓછી. બે ટ્રેનો વચ્ચેનો સમય ગાળો લાંબો, અને છતાં એ વખતે પણ પાટા ઓળંગવા જતાં કેટલાક લોકો મોતને ભેટતા હતા. બી.બી.સી.આઈ. રેલવેના એક એન્જિનિયરના મનમાં થયું કે આમ માણસોને મરવા ન દેવાય. પણ તો કરવું શું? માણસો માટે રેલવે લાઈન ઉપર પૂલ બાંધવો. અને એવા પહેલા પૂલનું બાંધકામ શરૂ થયું ચોપાટી નજીક. આજે એ પૂલ કેનેડી બ્રિજ તરીકે ઓળખાય છે. દેખીતું છે કે આ નામને અમેરિકાના પ્રેસિડન્ટ જોન એફ કેનેડી સાથે કશું લાગતું વળગતું નથી. આવો પૂલ બાંધાવાનું જે એન્જિનિયરને સૂઝ્યું તેમનું નામ હતું જોન પિટ કેનેડી (૧૭૯૬-૧૮૭૯). ૧૮૫૦માં તેમની ચીફ એન્જિનિયર તરીકે નિમણૂક થઈ. તેઓ પૂલ બાંધવામાં નિષ્ણાત હતા. ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં પણ તેમણે કેટલાક પૂલ બાંધેલા. પણ તેમના નામ સાથે જોડાયેલો મુંબઈનો આ પૂલ ક્યારે બંધાયો તેની માહિતી રેલવેના દફતરમાં પણ સચવાઈ નથી! પણ ૧૮૫૦ અને ૧૮૭૦ની વચમાં ક્યારેક તે બંધાયો હશે. મુંબઈથી અમદાવાદ સુધીની રેલવે લાઈન નખાઈ ત્યારે નર્મદા નદી ઉપરનો પૂલ તથા વસઈની ખાડી પરનો પૂલ પણ આ કેનેડીએ જ બાંધ્યા હતા. મુંબઈના એક પૂલને તેમનું નામ અપાયું એટલું જ નહિ, ચોપાટીના દરિયા કિનારાનું પણ સત્તાવાર નામ એક જમાનામાં હતું કેનેડી સી ફેસ! જો કે એ નામ લોકોમાં ક્યારે ય પ્રચલિત થયું નહિ. પણ પી.એમ. બાથ બહારની ફૂટપાથની વચ્ચોવચ એક થાંભલા પર આ કેનેડી સી ફેસ નામ લખેલું તે આ લખનારે વર્ષો પહેલાં જોયેલું છે. આજે એ થાંભલો છે કે નહિ તેની ખબર નથી.

કોલાબાનું રેલવે સ્ટેશન

ચોપાટી નજીક આવેલો બીજો એક પુલ છે ફ્રેંચ બ્રિજ. આ નામને પણ ફ્રાંસ દેશ સાથે કશું જ લાગતું વળગતું નથી. કર્નલ પેટ્રિક ટી. ફ્રેંચ હતા બી.બી.સી.આઈ. રેલવેના સ્થાપક અધ્યક્ષ. તેમની યાદગીરીમાં આ પૂલ બંધાયો હતો. કર્નલ ફ્રેંચ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના પણ અચ્છા ચાહક અને જાણકાર હતા. તેમણે કેટલોગ ઓફ ઇન્ડિયન મ્યુઝિકલ ઇન્સટ્રુમેન્ટ તૈયાર કરીને રોયલ આઈરિશ એકેડેમીને ભેટ આપ્યું હતું. આ પુલની ધારે આવેલું બ્લેવેત્સ્કી લોજનું મકાન એક જમાનામાં શહેરનું એક મુખ્ય સાંસ્કૃતિક કેન્દ્ર હતું. પણ ચોપાટીના દરિયા કિનારા સાથે સીધો સંકળાયેલો પૂલ તે તો સેન્ડહર્સ્ટ બ્રિજ. ઓપેરા હાઉસ થિયેટર આગળથી શરૂ થઇ તે દરિયા કિનારા પાસે પૂરો થાય છે. ૧૮૯૫થી ૧૯૦૦ સુધી બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર રહેલા લોર્ડ સેન્ડહર્સ્ટની યાદમાં આ પૂલને તેમનું નામ અપાયેલું. જી.આઈ.પી. (હાલની સેન્ટ્રલ) રેલવે પર તેમના નામનું સ્ટેશન પણ છે.

અસલનું ચર્ની રોડ સ્ટેશન

પણ ચોપાટીને સૌથી નજીકનો સંબંધ છે તે તો ચર્ની રોડ સ્ટેશન સાથે. દેખીતું છે કે સ્ટેશનનું નામ પડ્યું છે નજીક્ના ચર્ની રોડ પરથી. આ ચર્ની રોડ નામનો ઇતિહાસ પણ મજેનો છે. આજે આપણે જેને આઝાદ મેદાન તરીકે ઓળખીએ છીએ તે પહેલાં કેમ્પના મેદાન (લોક બોલીમાં કાંપનાં મેદાન) તરીકે ઓળખાતું હતું. ત્યાં પુષ્કળ ઘાસ ઊગતું હતું અને શહેરના ગોવાળો-ભરવાડો પોતાનાં ઢોરઢાંખરને રોજ ત્યાં ચરાવવા લઇ જતા. સરકાર ભલે કોઈ પણ હોય, લોકોની અગવડ કેમ વધે એના પેંતરા જ લડાવતી હોય છે. તે વખતની અંગ્રેજ સરકારને થયું કે આ મેદાનની જમીન તો સરકારી છે. એટલે તેના પરનું ઘાસ પણ સરકારી છે. તો એ ઘાસ મફતમાં ઢોર ખાઈ જાય એ કેમ ચાલે? એટલે ૧૮૩૮માં ત્યાં ઢોર ચરાવવા માટે સરકારે ફી ઉઘરાવવાનું શરૂ કર્યું. હવે તમે જ કહો, જે વસ્તુ મફતમાં મળતી હોય તેને માટે ફદિયાં ચૂકવવાં કોને ગમે? અને ગૌરક્ષકો તો એ વખતે પણ હતા. સર જમશેદજી જીજીભાઈને થયું કે આ તો સરકારી જુલમ કહેવાય. ઠાકુરદ્વાર પાસે પણ ઘણી જમીનમાં ઘાસ ઊગતું હતું. જમશેદજીએ ગાંઠનાં ગોપીચંદન કરીને એ જમીન ખરીદી લીધી અને ઢોર ઢાંખરને મફત ચરાવવા માટે ખુલ્લી મૂકી દીધી. ઢોરને ચરાવવા માટેની જગ્યાને મરાઠીમાં ‘ચરણી’ કહે છે. એટલે એ જગ્યા ‘ચરણી’ તરીકે ઓળખાવા લાગી. પછીથી ત્યાં જે રસ્તો બન્યો તેનું નામ પણ ચર્ની રોડ અને જે રેલવે સ્ટેશન બન્યું તેનું નામ પણ પડ્યું ચર્ની રોડ સ્ટેશન.

જમશેદજી જીજીભાઈ

આ સર જમશેદજી જીજીભાઈનો જન્મ મુંબઈમાં ૧૭૮૩ના જુલાઇની ૧૫મી તારીખે અને બેહસ્તનશીન થયા ૧૮૫૯ના એપ્રિલની ૧૪મી તારીખે. મૂળ વતની ગુજરાતના ઓલપાડ ગામના. ૧૬ વર્ષની વયે કલકત્તા અને ત્યાંથી ચીન ગયા. પછી તો ચીનના પાંચ-છ પ્રવાસો કરી કપાસ અને અફીણના વેપારમાં પુષ્કળ કમાયા. ૪૦ વર્ષની ઉંમરે પહોંચતા સુધીમાં તો તેમની પાસે બે કરોડ રુપિયાની મૂડી હતી, જે એ જમાનામાં અધધધ કહેવાય. ૧૮૧૮માં તેમણે ‘જમશેદજી જીજીભાઈ એન્ડ કંપની’  શરૂ કરી. તેના બીજા ભાગીદારો હતા મોતીચંદ અમીચંદ, મહંમદઅલી રોગા, અને રોજેરિયો દ ફારિયા. – એક હિંદુ, એક મુસ્લિમ અને એક ગોવન ખ્રિસ્તી. પણ જમશેદજીએ કમાઈ જાણ્યું તેમ પૈસા વાપરી પણ જાણ્યા. પુષ્કળ સખાવતો કરી. માહિમ અને વાંદરાને જોડતો રસ્તો બાંધવા માટે સરકારે કહ્યું કે પૈસા નથી, ત્યારે જમશેદજીએ પોતાનાં પત્નીના નામે પૈસા આપી તે બંધાવ્યો. જે આંજે પણ લેડી જમશેદજી રોડ તરીકે ઓળખાય છે. સર જે.જે. હોસ્પિટલ બાંધવા માટે તેમણે એક લાખ રૂપિયા દાનમાં આપેલા. જે.જે. સ્કૂલ ઓફ આર્ટસ, જે.જે. કોલેજ ઓફ આર્ચિટેક્ચર, વગેરે પણ તેમના દાનને પ્રતાપે બંધાઈ. પૂના વોટર વર્કસ બાંધવાના ખર્ચના ૬૬ ટકા જેટલી રકમ તેમણે આપેલી અને બાકીની સરકારે. ૧૮૩૮માં ‘બોમ્બે ટાઈમ્સ’ નામનું અંગ્રેજી અખબાર શરૂ થયું તેના સ્થાપકોમાંના એક હતા જમશેદજી. આજનું ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ તે આ બોમ્બે ટાઈમ્સનો જ નવો અવતાર. બ્રિટિશ સરકારે ૧૮૪૨માં તેમને નાઈટહૂડથી નવાજ્યા, અને ૧૮૫૮માં બેરોનેટ બનાવ્યા. આવું સન્માન રાણી વિક્ટોરિયા પાસેથી મેળવનાર જમશેદજી પહેલા હિન્દી હતા.      

આપણી ભાષાની એક ખૂબ જાણીતી અને માનીતી નવલકથાની એક મુખ્ય ઘટના સાથે ચર્ની રોડ સ્ટેશન, ચોપાટી, વાલકેશ્વર એ બધી જગ્યાઓ સંકળાયેલી છે. પણ એ નવલકથા અને તેના લેખકના આ બધી જગ્યાઓ સાથેના સંબંધની વાત હવે પછી. અત્યારે તો પહેલાં ચોપાટીની ભેળનો સ્વાદ માણી લઈએ, મલાઈ કુલ્ફી ઝાપટી લઈએ અને ટ્રેન પકડવા માટે ચર્ની રોડ જતાં પેલું પ્રખ્યાત ગીત ગણગણી લઈએ:

ચોપાટી જાયેંગે, ભેલપૂરી ખાયેંગે,
અચ્છી અચ્છી સુરતોં સે આંખે લડાયેંગે
હલ્લા મચાયેંગે, ગુલ્લા મચાયેંગે
બેન્ડ બાજા બાજેગા ધમ ધમ ધમ.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ ડે”, 09 નવેમ્બર 2019

Loading

હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે મૂળ ભેદ શું છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|10 November 2019

એક વિચિત્ર સ્થિતિ છે. મુસલમાનો વિચારોમાં કટ્ટર છે, પણ આચાર અને વ્યવહારમાં ઉદાર છે. મુસલમાન કોઈની પણ સાથે રોટી-બેટી વ્યવહાર રાખશે. તેને હિંદુના કે બીજા કોઈના ઘરે જમવામાં વાંધો નહીં આવે. બીજી બાજુ હિંદુ વિચારોમાં ઉદાર છે પણ આચારમાં રૂઢિચૂસ્ત છે. આ આખું જગત બ્રહ્મમય છે અને મુસલમાન, ખ્રિસ્તી કે નાસ્તિક સહિત દરેક વ્યક્તિ તેનો અંશ છે, પિંડે તે બ્રહ્માંડે એમ હિંદુ બેધડક કહેશે. જો શક્ય હોત તો અલ્લાહને પણ હિંદુઓએ વિષ્ણુના અવતાર માની લીધા હોત.

અસહકારનાં અંદોલન વખતે ગાંધીજી અને અલીબંધુ તરીકે ઓળખાતા મૌલાના મહમદઅલી અને શૌકતઅલી વચ્ચે દોસ્તી થઈ હતી. ૧૮૫૭ના વિદ્રોહ પછી પહેલીવાર હિંદુમુસ્લિમ એકતા તેની ચરમ સીમાએ હતી અને એ સીમા હજુ સુધી ઉલ્લંઘાઈ નથી. આમ છતાં ગાંધીજીને અને મૌલાના મહમદઅલીને એ જ અનુભવ થયો હતો જે ઉપર કહ્યો છે. મૌલાના મહમદઅલીને પૂછવામાં આવ્યું હતું કે તમે પેગંબરના અનુયાયી છો કે ગાંધીજીના? હિંદુમુસ્લિમ એકતાની વાત તો કરો છો તો શું બન્ને ધર્મ સમાન છે? મૌલાના મહમદઅલી આ બે પ્રશ્નોના ઉત્તર આપવામાં ફસાઈ ગયા હતા. તેઓ જો અનુયાયી પેગંબરના હોય તો તેમની પહેલી વફાદારી ઇસ્લામ માટેની હોવી જોઈએ. બીજું જગતનો સર્વશ્રેષ્ઠ ધર્મ ઇસ્લામ છે એમ જો દરેક મુસલમાને સ્વીકારવાનું હોય તો તેમણે હિંદુઓને અને ગાંધીજીને ઇસ્લામનો સ્વીકાર કરવા કહેવું જોઈએ. ત્યાં સુધી કે ગાંધીજી ભલે ગમે તેટલા ચારિત્ર્યવાન હોય, પણ જ્યાં સુધી તેઓ ઇસ્લામનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી તેમને મુક્તિ મળવાની નથી એમ પણ ગાંધીજીને કહેવું જોઈએ. મૌલાના આનો નકાર કરી શક્યા નહોતા.

બીજી બાજુ ગાંધીજીને મુસલમાનોને ઘરે અને મુસલમાનોની સાથે જમતા જોઈને અનેક હિંદુઓ ભડક્યા હતા. ગાંધીજી ઇસ્લામના ગુણગાન ગાય અથવા અલ્લાહને હિંદુઓના ઈશ્વરના જેવા જ એક સ્વરૂપ તરીકે જુએ તેની સામે હિંદુઓને ખાસ વાંધો નહોતો, પણ મુસલમાનો સાથે રોટીવ્યવહાર કઈ રીતે હોઈ શકે? આજે જો રોટીનો વ્યવહાર શરૂ કરવામાં આવે તો કાલે બેટી સુધી વ્યવહાર પહોંચે અને પછી તો સનાતન ધર્મનું પતન થાય. તેમને મન સનાતન ધર્મ સ્થૂળ આચરણ અને કર્મકાંડમાં સમાયેલો છે.

આમ વ્યવહાર વિસ્તારીને ધર્મને વિસ્તારવો એ મુસલમાનોનું સ્વભાવ લક્ષણ છે અને માત્ર આચારમાં કે કર્મકાંડમાં જ સત્ શોધીને તેને જાળવી રાખવું અને તે દ્વારા પોતાના ધર્મને આચાર-વ્યવહારના સુરક્ષિત કોચલામાં બીડી રાખવો એ હિંદુઓનું સ્વભાવ લક્ષણ છે.

ભારતમાં ઇસ્લામ આવ્યો અને હિંદુઓ અને મુસલમાનો એકબીજાના પરિચયમાં આવ્યા ત્યારથી સ્વભાવ લક્ષણની આ સમસ્યા નડે છે. મુસલમાનોમાં મનની ઉદારતા નથી અને હિંદુઓમાં વ્યવહારની ઉદારતા નથી. આમીર ખુસરોથી લઈને અંતિમ મધ્યકાલીન ગુજરાતી કવિ દયારામ સુધીના સંતો અને સૂફીઓએ આ બે બાબત હાથ ધરવાની હતી. ધરવી પડી હતી. લગભગ છસો વરસના કાલખંડના સંતો અને સૂફીઓએ આ પ્રશ્ન હાથ ધર્યો છે. એટલે તમે જો કબીરને તપાસશો તો એમાં તેણે હિંદુઓને તેની રૂઢિચુસ્તતા માટે ટપાર્યા છે અને મુસલમાનોને તેની અનુદારતા માટે. બીજા કવિઓએ પણ આમ કર્યું છે. ખુદા કે ઈશ્વર સાથે મસ્તીમાં રહેતા કવિઓ પણ વખત આવ્યે ટપારવાનું ચૂક્યા નથી.

મારી સામે સમસ્યા એ છે કે લગભગ છસો વરસનો કાલખંડ છે જે નાનોસૂનો ન કહેવાય. એ કાલખંડમાં ભારતમાં પ્રાદેશિક ભાષાઓ વિસ્તરવા લાગી હતી એટલે લગભગ દોઢ ડઝન ભાષાઓમાં મધ્યકાલીન સંતો અને સૂફીઓએ કામ કર્યું છે. ખરું પૂછો તો પ્રાંતીય ભાષાઓ વિકસાવવામાં સંતો અને સૂફીઓનો મોટો ફાળો છે. બોલચાલની વ્યવહારભાષા સર્જકતાથી સમૃદ્ધ થતી હોય છે. આટલા લાંબા કાલખંડમાં અને દોઢ ડઝન ભાષામાં કામ કરી ગયેલા સંતો અને સૂફીઓની સંખ્યા સેંકડોમાં છે. એ કાલખંડમાં દ્વૈત-અદ્વેત વેદાંતોની શાખા-ઉપશાખાઓ વિકસી હતી જેનો એક તરફ સંતો અને સૂફીઓ એમ બન્ને પર પ્રભાવ પડ્યો હતો અને તો બીજી બાજુ સંતોનો તેમની સાથે ઝઘડો પણ થયો છે.

બીજું, આપણે ત્યાં મધ્યકાલીન સંતો અને સૂફીઓ વિષે જે કામ થયું છે એ મુખ્યત્વે જ્ઞાન, ભક્તિ અને સાધનાને લઈને થયું છે. દ્વૈત-અદ્વેત, નિરંજન-નિરાકર, સગુણ-નિર્ગુણની ખૂબ ચર્ચા જોવા મળશે. એક એક સંતને લઈને તેમાં આ બધાં તત્ત્વો તપાસાતા જોવા મળશે. ગુરુ-શિષ્ય પરંપરાના ભાગરૂપે તેમાંથી જ્ઞાન, ભક્તિ અને ઉપાસનાની ધારાઓ પણ વિકસી છે. આ સિવાય મધ્યકાલીન સંતો અને સૂફીઓ વિષે જે વાત થઈ છે એ મુખ્યત્વે જે તે ભાષાઓમાં થઈ છે. સમગ્ર ભારતના મધ્યકાલીન કાલખંડનો એક સમગ્ર કેનવાસ મળતો નથી, જયારે કે તેની ખાસ જરૂરિયાત છે. અંગ્રેજો આવ્યા એ પહેલાં ગંગા-જમની સંસ્કૃતિનો ભારતીય માનસનો એક પીંડ ઘડાઈ રહ્યો હતો અને અંગ્રેજો ન આવ્યા હોત તો કદાચ એ પીંડ નક્કર સ્વરૂપમાં આકાર પામ્યો પણ હોત. સમગ્ર ભારતના મધ્યકાલીન સંતો અને સૂફીઓની સર્જકતાને અને તેમના વૈચારિક આંદોલનોને સમાજશાસ્ત્રીય પરિપ્રેક્ષ્યમાં તપાસવાની જરૂર છે.

મધ્યકાલીન ભારતના માત્ર મોટા ગજાના કહી શકાય એવા સંતો અને સૂફીઓની યાદી કરવામાં આવે તો એ પણ સો કરતાં વધુની થશે. એક ડઝન તો એકલા ગુજરાતમાં મળી આવશે. આમ એક એક સંત કે સૂફી વિષે વિગતે વાત કરવી શક્ય નથી. આ ઉપરાંત ગુજરાતી, હિન્દી અને મરાઠી ભાષા સિવાયની બીજી ભાષાઓની જાણકારી પણ આ લખનાર ધરાવતો નથી.

આ સ્થિતિમાં મારી વાચકોને સલાહ છે કે તેમણે સૂફીઓ અને સંતોને વાંચતી વખતે તેમાં રહેલી આધ્યાત્મિકતા ઉપરાંત ઘડાઈ રહેલા ભારતીય માનસને પણ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. પ્રારંભમાં કહ્યું એમ ઉદાર માનસ અને કટ્ટર રૂઢિચુસ્તતા ધરાવતા હિંદુ અને અનુદાર માનસ અને ઉદાર વ્યવહાર ધરાવતા મુસલમાનને તેમણે કઈ રીતે મૂલવ્યા છે એ તપાસવાનું ચૂકતા નહીં. તેઓ એકબીજાના સંપર્કમાં નહીં હોવા છતાં અને રૂઢ અર્થમાં સમકાલીન નહીં હોવા છતાં સાર્વત્રિક રીતે તેઓ હિંદુની રૂઢિચુસ્તતા અને મુસલમાનની માનસિક અનુદારતા છોડાવવા મથતા હતા.

વ્યાપક કેનવાસ પર મધ્યકાલીન ભારતને સૂફીઓ અને સંતોના સાહિત્ય દ્વારા મૂલવવાની જરૂર છે, પણ અહીં એ શક્ય નથી એટલે આગળ વધીશું.

e.mail : ozaramesh@gmail.com

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 10 નવેમ્બર 2019

Loading

જ્યાં સુધી ‘ગંગામાં નાહી લેવાથી’ પુણ્ય મળતું રહેશે, ત્યાં સુધી ગંદકી રહેવાની…

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 November 2019

સ્વચ્છ ભારત અભિયાનને પાંચ વર્ષ પૂરાં થઇ ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨ ઓકટોબર, ૨૦૧૪ના દિવસે તેની શરૂઆત કરી હતી. ૨ ઓકટોબર ૨૦૧૯ના રોજ, મહાત્મા ગાંધીની જન્મ જયંતીને દિવસે, મોદીએ ભારતને ખુલામાં શૌચ મુક્ત જાહેર કર્યું હતું. વડાપ્રધાનની દિવાળી પહેલાંની છેલ્લી હાઈપ્રોફાઈલ મિટીંગ ચીનના રાષ્ટ્રપતિ શી ઝીન્પીંગ સાથે હતી, ત્યારે તેમણે મહાબલીપુરમના સમુદ્ર કાંઠે કચરો વીણીને, નવા વર્ષે સ્વચ્છતા અભિયાનને વધુ એક ધક્કો આપવા પ્રયાસ કર્યો હતો. પાંચ વર્ષ પછી, એવું ખોંખારીને કહી શકાય કે ભારત સ્વચ્છ બની ગયું છે, અથવા વધુ મહત્ત્વની રીતે પૂછીએ તો, ભારતીયો સ્વચ્છતા માટે જાગી ગયા છે?

ભારતમાં ગંદકીનો પ્રશ્ન માત્ર શારીરિક નથી, એ એક જટિલ સામાજિક માનસિકતા છે. વડાપ્રધાન આ માનસિકતાને બદલવા પ્રયાસ કરી રહ્યા છે. સ્વચ્છતા અભિયાનના સરકારી આંકડા ભલે જે કહેતા હોય તે, મૂળ તો આ માનસિકતાનો સવાલ છે, અને જ્યાં સુધી લોકોના વિચારોમાં પરિવર્તન નહીં આવે, તંદુરસ્તીની અગત્યતા નહીં સમજાય અને ખાસ તો, સામાજિક પરિસ્થિતિઓમાં ક્રાંતિ નહીં આવે, ત્યાં સુધી ભારત, દાખલા તરીકે, દુનિયાના સૌથી સ્વચ્છ દેશો સ્વિટ્ઝર્લૅન્ડ કે ફ્રાંસની તોલે નહીં આવે.

વડાપ્રધાને પાંચ વર્ષ પહેલાં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું, ત્યારે ટોકિયો-જાપાનથી પ્રકાશિત થતી, એશિયા-પેસેફિક કેન્દ્રિત 'ધ ડિપ્લોમેટ' પત્રિકામાં લખવામાં આવ્યું હતું કે ભારતના લોકોમાં (મશીનથી વિપરીત) શારીરિક શ્રમ પ્રત્યે એક ચોક્કસ અભિગમ છે, અને એના કારણે અસ્વચ્છતા ફેલાય છે. ભારતની ગંદકી ગરીબી દૂર કરવાથી દૂર નહીં થાય, કારણ કે દુનિયામાં ઘણાં દેશો એવા છે, જે ગરીબ છે પણ અત્યંત સ્વચ્છ છે, એમ 'ધ ડિપ્લોમેટે' કહ્યું હતું.

સ્વચ્છતાના બે પહેલુ છે : શારીરિક અને માનસિક. દુનિયાના તમામ ધર્મો અને રીતિ-રિવાજો શરીર અને મનને સ્વચ્છ રાખવાની જરૂરિયાતમાંથી આવ્યા છે. તમામ ધાર્મિક વચનો અને કાનૂની નિયમો માણસને ‘તન અને મન’થી પવિત્ર રહેવા પર ભાર મૂકે છે. આપણી તમામ ધાર્મિક પરંપરાઓ અને વિધિઓમાં તનશુદ્ધિને બહુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. કેમ? કારણ કે મનશુદ્ધિનો સૌથી સરળ અને હાથવગો ઉપાય તનશુદ્ધિ છે. મતલબ કે શરીરને ધોઈ નાખો, તો મન પણ ધોવાઇ જાય. આ જ કારણથી આપણી સાર્વજનિક જગ્યાઓ ગંદી છે, કારણ કે લોકો પોતના ઘરમાં તો સ્વચ્છતા રાખે છે, પણ એ કચરો ઘરના દરવાજામાંથી બહાર ફેંકે દે છે. એનો અર્થ એ થયો કે હું (કે મારું ઘર) સ્વચ્છ છે, એ પૂરતું છે અને એ કચરાથી બીજા લોકો ગંદા થાય, તે પ્રશ્ન મારો નથી. આ માનસિકતાના કારણે જ દુનિયામાં સૌથી વધુ ખુલ્લામાં શૌચ કરતો દેશ ભારત છે.

ખ્રિસ્તી મિશનરીઓએ 18મી-19મી સદીમાં જે સ્વચ્છતા અભિયાન ચલાવેલું તેમાંથી કહેવત આવેલી કે ‘સ્વચ્છતા એ જ પ્રભુતા છે.’ ગાંધીજીએ આમાંથી જ પ્રેરણા મેળવી હતી. ગાંધીજી કેમ ભારતીયોમાં સ્વચ્છતાની તીવ્ર ઈચ્છા જગવવામાં નિષ્ફળ રહ્યા? કારણ કે મોટા ભાગના ભારતીયો એવું માને છે કે ન્હાઈ-ધોઈ લો એટલે આપણે સ્વચ્છ થઇ ગયા, પણ બહાર ગંદકી થતી હોય તેનું શું? મોટા ભાગના લોકોને તેની કોઈ ફિકર નથી. કારણ એ છે કે આપણે સમાજને સ્વચ્છ રાખવામાં માનતા નથી (યુરોપમાં સાર્વજનિક સ્વચ્છતાની તીવ્ર ભાવના છે). ગાંધીજી ભારતીયોની આ માનસિકતા દૂર કરવામાં નિષ્ફળ ગયા હતા.

2010માં ‘સાયન્સ’ નામના પ્રતિષ્ઠિત સામયિકે એક અભ્યાસમાં આચરણ અને અહેસાસ વચ્ચેના સંબંધનો ફોડ પાડીને કહેલું કે હાથ ધોવાની સામાન્ય ક્રિયા ય માણસને નૈતિક અપરાધબોધમાંથી મુક્તિ આપે છે એટલું જ નહીં, બીજાની અનૈતિકતાને ય માફ કરવા પ્રેરે છે.

સરળ રીતે કહીએ તો હાથ ધોવા એટલે પાપ ધોવાં! દુનિયાના તમામ ધર્મોમાં સ્નાન કરવાની ક્રિયા આટલા માટે જ કેન્દ્રસ્થાને છે. ધર્મોએ મનશુદ્ધિ માટે તનશુદ્ધિ પર ભાર મૂક્યો, તેમાંથી એક માન્યતા પ્રચલિત બની છે કે ગંગામાં નાહીએ તો સર્વે પાપ ધોવાઇ જાય. મેલી ગંગાને સાફ કરવાની સરકારી યોજનાઓ નિષ્ફળ રહેવાનું કારણ એ છે કે જે કામ તમે તાર્કિક રીતે શરૂ ન કરો, એ કામ તર્ક સંગત રીતે ખતમ પણ ન થાય. જેમ પગમાંથી કાંટો કાઢવા બીજા કાંટાની જરૂર પડે છે, તેમ એક અંધશ્રદ્ધાને ખતમ કરવા બીજી અંધશ્રદ્ધાની આવશ્યકતા રહે છે. ગંગા ગંદી જ એટલા માટે થઇ છે કારણ કે લોકો એવું મને છે કે તેના પાણીમાં ન્હાવાથી મનશુદ્ધ થઇ જાય છે.

જ્યાં સુધી ‘ગંગામાં નાહી લેવાથી’ પુણ્ય મળતું રહેશે ત્યાં સુધી ગંદકી રહેવાની.

આપણી નદીઓમાં, શહેરોમાં ગંદકી એટલા માટે નથી કે આપણને સ્વચ્છતા ગમતી નથી. ગંદકી એટલા માટે છે કે આપણે તનશુદ્ધિ કરીને મનશુદ્ધિનું પુણ્ય કમાવી લેવાની ફિરાકમાં છીએ. ‘મેં તો ગંગામાં નાહીને પાપ ધોઇ નાખ્યું. મારું કામ થઇ ગયું. હવે ગંગા મેલી છે કે સાફ એનાથી શું ફરક પડે છે’ એવી માનસિકતા ગંગાની (અને સાર્વજનિક જગ્યાઓની) ગંદકી માટે જવાબદાર છે.

ગાંધીએ તનશુદ્ધિની સાથે સાથે મનશુદ્ધિની વાત પણ કરેલી, અને એ માટે એમણે વૈચારિક સફાઇનું સૂચન કરેલું. ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. તેમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાં : સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા. વડાપ્રધાન જો ખરેખર ભારતને સ્વચ્છ અને સુખી દેશ બનાવવા માંગતા હોય, તો આ ૭ બાબતો અપનાવવા જેવી છે.

જે દેશમાં ‘ગંગામાં નાહી લેવાથી’ સર્વે પાપ ધોવાઇ જાય છે તેવી માન્યતા પ્રબળ હોય, તે દેશમાં મનશુદ્ધિની વાત કર્યા વગર તનશુદ્ધિના જાપ જપવાનો કોઇ મતલબ નથી, એવી ગાંધીજીને ખબર હતી. સાધન શુદ્ધિના ગાંધીજીના આગ્રહ પાછળ આ જ ડહાપણ હતું. તેમણે સુભાષચંદ્ર બોઝનું સમર્થન ન કર્યું કારણ કે બોઝ હિંસક ક્રાંતિ મારફતે સ્વતંત્રતા મેળવવાના આગ્રહી હતા. એવી જ રીતે શરીર સ્વચ્છ હોય, પણ મન ગંદુ હોય, તો પછી સ્વચ્છતાનો શું મતલબ?

1925માં એમણે ‘યંગ ઇન્ડિયા’માં લખેલું, ‘મનશુદ્ધિ વગર માત્ર તનશુદ્ધિ વડે ઇશ્વરની કૃપા ન મળે.’ ગાંધી માટે સ્વચ્છતા એ જાહેર આરોગ્યનો જ વિષય ન હતો. એમણે મંદિરમાં દલિતોના પ્રવેશ સામે સત્યાગ્રહ કરેલો. એમણે એક અનાથ મુસ્લિમ બાળકને દત્તક લેવા હિન્દુને સમજાવેલો. આ બધી વાતો મનશુદ્ધિની છે. તેમણે કહેલું કે, ‘ગંદા પગ લઇને હું કોઇને મારા મનમાં ચાલવા નહીં દઉં.’

સ્વચ્છ ભારતનો ગાંધીજીનો સંદેશ ફિલોસોફિકલ હતો. 1935ના ‘હરિજન’ના અંકમાં એ લખે છે, ‘શરીરના આરોગ્ય માટે જેમ સ્વચ્છતા જરૂરી છે, તેવી રીતે આત્માના સ્વાસ્થ્ય માટે આધ્યાત્મિક શુદ્ધતા જરૂરી છે. હકીકતમાં આત્મા શુદ્ધ હશે, તો શારીરિક સ્વચ્છતા એની જાતે આવશે. સ્વચ્છતાનો સંબંધ આંતરિક અને બાહ્ય છે. અંદરની સ્વચ્છતા એટલે સત્યપ્રેમ. સત્ય પવિત્રતાની પહેલી શરત છે અને એ સ્વચ્છતાનું બીજું નામ છે. આપણે બહારથી સ્વચ્છ અને સાફ હોઇએ, પરંતુ મનથી ગંદા હોઇએ તો આપણે દંભ કરી રહ્યા છીએ. એટલે, જે ભાઇ-બહેન નિયંત્રિત જીવન જીવવા માગે છે તેમના માટે બાહ્ય સ્વચ્છતા ત્યારે જ મતલબવાળી હશે જો એમની અંદર સ્વચ્છતા હશે.’

આ વાંચ્યા પછી સમજી શકાય છે કે ગંગા નદીમાં પોતડી પહેરીને ન્હાતા હોય, તેવા ગાંધીનો એકે ય ફોટો કેમ નથી.

Loading

...102030...2,6972,6982,6992,700...2,7102,7202,730...

Search by

Opinion

  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335
  • પ્રચંડ ધડાકો અને ઉલ્કાપાત

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved