હું માનવ મરકટ મગતરડું,
પવનસુત ઢાંકો ઉખરડું.
ચંદ્રમૌલિ દ્યોને ચાંદરડું,
ચલાઈ ગ્યું છે ટાંપાટરડું.
રામનામનું વાવાઝરડું,
બાહરભીતર ખાંડાબરડું.
ચિત્રકૂટને ઘાટ જવું'તું,
વચમાં આવી ગ્યું કોતરડું.
તેલ નીકળે કે ના નીકળે,
તલની જેમ જ ગાજર ભરડું.
પોત પડ્યું મારું લપતરડું,
શ્યામ ધરો કાળું ચીંધરડું.
ગણપતિદાદા વિઘન હરી લ્યો,
ઉદ્ધવ ચરણ ધરું ગોતરડું.
8/9/2019
મરકટ:એક જાતનો વાંદરો, ઊંધમતિયું, અટકચાળું
મગતરડુંઃ ક્ષુલ્લક, મચ્છર
ઉખરડુંઃ ઉઘાડું, બીજાની વાત બહાર પાડવાપણું.
ચંદ્રમૌલિઃ જેમના મુગટમાં ચંદ્ર હોવાની પૌરાણિક માન્યતા છે તેવા મહાદેવ
ટાંપાટરડુંઃ રાંટું, રાંટી ચાલ ચાલનારું
ખાંડાબરડુંઃ જુદા જુદા સ્થળે થોડો ઝાઝો વરસાદ પડયો હોય તેવું, ખંડિત
કોતરડુંઃ નાનું કોતર; નદીના કાંઠા ઉપરનો ઉંડો ખાડો કે બખોલ
લપતરડુંઃ પાતળું થઈ ગયેલું
ચીંધરડુંઃ નાનું ચીંથરું
ગોતરડુંઃ ગોતરજની પૂજા માટે આણેલી માટી અથવા વસ્તુ કે તે લાવવાનો સમારંભ (લગ્નમાં મંગળ તરીકે કરાય છે.
![]()


ગાંધીજીએ પણ ક્યાં આઝાદી અપાવવાનો દાવો કર્યો છે! એક જગ્યાએ એવું તેઓ બોલ્યા નથી. વળી તેમણે તેમની આખી જિંદગીમાં આઝાદી શબ્દ વાપર્યો જ નથી. તેઓ હંમેશાં સ્વ-રાજ શબ્દ જ વાપરતા અને તેનો અર્થ તેમને મન વ્યાપક હતો. રાજકીય આઝાદીને તેઓ સત્તાંતરણ (ટ્રાન્સફર ઑફ પાવર) તરીકે ઓળખાવતા હતા. ખરી આઝાદી અંગ્રેજોથી નહીં પણ અંગ્રેજિયતથી મેળવવાની છે અર્થાત્ – સ્વાર્થ, શરીરસુખ આપનારા ભોગ, શોષણ અને હિંસા આધારિત આધુનિક પાશ્ચાત્ય સભ્યતાથી મેળવવાની છે. આમ ગાંધીજીને રાજકીય આઝાદી સાથે આડકતરો સંબંધ હતો, સીધો નહોતો. રાજકીય આઝાદી મળે તો સ્વ-રાજનો પ્રયોગ કરવા માટે રસ્તો ખૂલે એ અર્થમાં. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે આઝાદી એ સાધન હતું, સાધ્ય નહોતું. સાધ્ય તો સ્વરાજ હતું. સ્વ-રાજ. આ રીતે ગાંધીજીને આઝાદી અપાવનારા તરીકે ઓળખાવવા એ છત્રપતિ શિવાજીને હિંદુ રાજ્યની સ્થાપના કરનારા મરાઠા તરીકે ઓળખાવવા જેવું થયું.