Opinion Magazine
Number of visits: 9738625
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

….. તો શું થાત?

આશા બૂચ|Opinion - Opinion|23 June 2025

આજે સવારે આ સમાચાર સાંભળ્યા. શાંતિમય વાટાઘાટોની સંભાવના ઓસરી જતી લાગી. આપણા જેવા નાગરિકો કશું ન કરી શકે એ લાચારી ખટકે છે. બધા દેશોના નાગરિકોની યાતના જોઈને દિલ દૃવે એટલે પેન ઉપાડી.

− આશા બૂચ

‘અમેરિકન મિલિટરી પ્લેન ઇરાનના યુરેનિયમને અણુશક્તિમાં રૂપાંતર કરતા ત્રણ મથકો પર ત્રાટક્યા અને તેને ખતમ કરી નાખ્યા’

આ સમાચાર આજ સવારે મળ્યા.

શાબ્બાશ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકન વહીવટકર્તાઓ!

રશિયાની યુક્રેઇન પર ચડાઈ, ઇઝરાયેલનું ગાઝા અને વેસ્ટ બેંક પરનું આક્રમણ અને હવે ઈરાન સાથેની લડાઈ શરૂ થઇ ત્યારથી સતત કેટલાક સવાલો ઊભા થયા જ કરે છે.

જો રશિયાને પોતાના પુરાણા સામ્રાજ્યના દેશો પર ફરી કબજો જમાવવાના અભરખા થતા હોય તો એ સ્વતંત્ર દેશો સાથે પોતાની મનોકામનાની અભિવ્યક્તિ શિષ્ટ માનવીને શોભે એવી ભાષામાં વ્યક્ત કરી હોત તો શું થાત? બહુ બહુ તો એ દેશો રશિયાની આક્રમણ કરવાની ઈચ્છાને ઠુકરાવી દેત ને? એમ થવાથી ખુદ રશિયાના અને ક્રાઇમિયા અને યુક્રેઈનના અસંખ્ય સૈનિકોના જાન બચી જવા પામ્યા હોત અને તેમના પરિવારો સુખેથી જીવતા હોત. અને એમ થયું હોત તો શું થાત?

અને જો રશિયા આક્રમણ કરવા દૃઢનિશ્ચય રહ્યું હોત તો ક્રાઇમિયા અને યુક્રેઈને રશિયાના લશ્કર સામે માનવ દીવાલ રચીને એ  સૈનિકોની આંખમાં આંખ પરોવીને પોતાના મૃતદેહો પરથી ચાલીને પોતાના દેશમાં પ્રવેશવા પડકાર ફેંક્યો હોત તો શું થાત?

જો અમેરિકા અને યુરોપના દેશોને યુક્રેઇનની સર્વોપરિતા અત્યંન્ત મહત્ત્વની લાગતી હતી તો યુક્રેઇનને શસ્ત્રો પૂરા પાડવાને બદલે રશિયા સામે પોતાના દેશના શાંતિ સૈનિકોને એ સરહદો પર મોકલ્યા હોત તો શું થાત?

નીચેની તસવીર હમાસ દ્વારા ઇઝરાયેલના કિબુત્ઝ પર થયેલ હુમલાની છે. એ કરતાં પહેલાં હમાસના અધિકારીઓએ પેલેસ્ટાઇનની પ્રજાને તેમનું આ પગલું વ્યાજબી છે કે નહીં એ પૂછ્યું હોત તો શું થાત?

નીચેની તસવીર ગાઝામાં નીકળેલા એક જનાઝાની છે. પેલેસ્ટાઇન પર વળતો પ્રહાર કર્યા પહેલાં ઇઝરાયેલની પ્રજાને હમાસના કૃત્ય સામે આ રીતે વેર વાળવું યોગ્ય છે કે નહીં એ જાણ્યું હોત તો શું થાત?

નીચેની તસવીર ખાન યુનિસમાં ઇઝરાયેલે કરેલા વિનાશની છે. ઈઝરાયેલને પોતાના દેશનું રક્ષણ કરવાનો હક્ક છે એમ કહીને તેને શસ્ત્રો પૂરા પાડનારા અને નૈતિક ટેકો આપનારા તમામ દેશોના વડાઓ અને ઇઝરાયેલના પ્રેસિડન્ટ પેલેસ્ટાઇનના અનાથ થયેલાં બાળકો, સંતાનો ગુમાવી બેઠેલા પરિવારો અને ભૂખે મરતા લોકોને મળ્યા હોત તો શું થાત?

જો ઈરાન પોતાની અણુશક્તિનો ઉપયોગ નજીકના ભવિષ્યમાં અણુશસ્ત્રો બનાવીને ઈઝરાયેલને ખતમ કરવા તત્પર છે એની ખાતરી હોત તો એના પુરાવા સાથે યુ.એન. મારફત એ સંભાવના કદી બર ન આવે તેવા કરાર કર્યા હોત તો શું થાત?

ઇઝરાયેલે ઇરાનના વૈજ્ઞાનિકો અને સંશોધકો તથા લશ્કરી ઉચ્ચાધિકારીઓ પર આક્રમણ કર્યું એ નિંદનીય જરૂર છે. એનો બદલો સુલેહની વાટાઘાટો મારફત લીધો હોત તો શું થાત?

યુદ્ધમાં સપડાયેલા દરેક દેશના વડાના પરિવારજનો સૈન્યમાં ભર્તી થઈને લડવા જાય અને પોતાના જાન ગુમાવે તો શું થાત?

આ બધા સવાલોનો એક જ જવાબ છે. …..તો યુદ્ધ શરૂ થાત જ નહીં અને દરેક સમસ્યાનો શાંતિમય ઉકેલ લાવી જ શકાયો હોત. દુનિયાની તમામ શાંતિપ્રિય પ્રજા જાણે છે કે સંઘર્ષ અનિવાર્ય છે, પરંતુ તેના હલ માટે હિંસાત્મક માર્ગ લેવો અનિવાર્ય નથી. પ્રજાની ફરજ બની રહે છે કે એ પોતપોતાના દેશના રાજ્યકર્તાઓને એનું ભાન કરાવે અને એ માટે અસહકાર, સત્યાગ્રહ અને બીજા શાંતિમય પગલાં લે. તાત્કાલિક.

નહીં તો ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ જશે પછી આપણે આપણી જાતને પૂછીશું, આપણે વહેલા સંગઠિત થઈને કહેવાતા નેતાઓની સાન ઠેકાણે લાવી હોત તો શું થાત?

e.mail ; 71abuch@gmail.com

Loading

અમેરિકી પ્રમુખ ટ્રમ્પને નોબેલ ‘અશાંતિ’ પુરસ્કાર અપાવો જોઈએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 June 2025

રવીન્દ્ર પારેખ

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર જાન્યુઆરી, 2025માં સત્તા પર આવ્યા, ત્યારથી તેમણે ઉપદ્રવ સિવાય ભાગ્યે જ કૈં કર્યું છે. અકલ વગરની દખલ – તેમની લાક્ષણિકતા રહી છે. આમ તો તે અમેરિકાના પ્રમુખ છે, પણ આખી પૃથ્વી પર સત્તા ભોગવવાનો પરવાનો મળ્યો હોય તેમ વર્તે છે. ‘કાજી કો સારે ગાંવ કી ફિકર’ની જેમ, કોઈ પૂછે કે ન પૂછે, સાહેબ કોઈ પણ દેશમાં ઘૂસીને ઈલાજ કરવા લાગી જાય છે. રોગને તો વકરાવે જ છે, રોગ ન હોય તેને ય રોગી કરવા મહેનત કરે છે. સત્તા પર આવ્યા પછીની તેમની કાર્યવાહી જોવા જેવી છે. સત્તામાં આવતાં જ ટ્રાન્સ જેન્ડરની માન્યતા તેમણે ખતમ કરી. તેમના આવવાથી બકવાસ નહીં, બકવાદ શરૂ થયો. બોલવામાં અને બોલીને ફરી જવામાં તેમનો જોટો જડે એમ નથી. ભારત સાથે હવે મૈત્રી ઓછી ને મતભેદ વધારે છે. ટ્રમ્પની બીજી ‘સિદ્ધિ’ ટેરિફ વોર છેડવાની. પહેલાં તો ભારત, ચીન જેવા દેશો સામે વધુ ટેરિફ વસૂલવાની ધમકી ઉચ્ચારી ને પછી સૂરસૂરિયું થઈ ગયું. ટ્રમ્પને કોઈ હરીફ હોય એવું પણ બહુ ફાવતું નથી. એપલના CEO ટિમ કૂકે, ભોગ લાગ્યા તે ભારતના વખાણ કર્યાં, તે ટ્રમ્પને પસંદ ન પડ્યું ને એવું ફરમાન બહાર પાડ્યું કે હવેથી એપલે મોબાઈલ અમેરિકામાં જ બનાવવા. તેમાં કારી ન ફાવી તો ટ્રમ્પે એપલ અને સેમસંગને બહાર ફોન બનાવવાની છૂટ તો આપી, પણ ટેરિફ 25 ટકા લગાવવાનો આગ્રહ પણ રાખ્યો.

ભારતે આતંકી થાણાઓ પર એર સ્ટ્રાઈક કરી, તો સામે પાકિસ્તાને પણ હુમલો કરતાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ. એમાં પાકિસ્તાનની હાલત વધુ કફોડી થતાં તેણે યુદ્ધ વિરામની વિનંતીઓ કરી. ભારતે એ વિનંતીઓ સ્વીકારી. આ બે દેશો વચ્ચેની વાત હતી, પણ જશ ખાટવા યુદ્ધ વિરામની જાહેરાત અમેરિકી પ્રમુખ ટ્રમ્પે કરી. ભારતે ખુલાસો કર્યો કે આ બે દેશો વચ્ચેનો મામલો છે ને એમાં ટ્રમ્પનો કોઈ હાથ નથી. પી.ઓ.કે.નો મામલો ઉકેલવા પણ ટ્રમ્પે તૈયારી બતાવી, ત્યારે પણ ભારતે રોકડું કર્યું કે તેને બહારની દખલ અપેક્ષિત નથી. એ જ રીતે રશિયા-યુક્રેન મામલે પણ ટ્રમ્પ કાજી થવા ગયા, યુક્રેન પ્રમુખ ઝેલેન્સકીને અમેરિકા બોલાવીને તેમની સાથે પણ તડાફડી કરી, પુતિનને પણ યુદ્ધ વિરામ અંગે એકથી વધુ વખત સમજાવ્યા, પણ યુદ્ધ અટક્યું નહીં. ઈઝરાયેલ-ગાઝા યુદ્ધમાં પણ ટ્રમ્પ દખલ કરી ચૂક્યા છે. ઇઝરાયેલના નેતન્યાહૂ વૈશ્વિક દબાણ છતાં સાફ કહે છે કે ગાઝા પર હુમલો નહીં રોકાય. એટલે જ નેતન્યાહૂ સાથે વચમાં કટાઈ ગયેલું. બાકી, હતું તે ઈઝરાયેલ ઈરાન પર પરમાણુ હુમલો કરવાનું છે એવી ચાડી પણ ટ્રમ્પ ખાઈ ચૂક્યા હતા.

ડોનાલ્ડ ટૃમ્પ

ઈઝરાયેલ અને ઈરાન પણ બાખડ્યા, ત્યારે અમેરિકા ઈઝરાયેલ તરફી થઈ ગયું ને ઈરાનને ધમકી આપવા લાગ્યું કે ઈરાન શાંતિ સ્થાપવામાં મદદ કરે. અમેરિકાએ ઇરાનને ધમકી આપી કે તે શાંતિ નહીં સ્થાપે તો અમેરિકા તેના પર હુમલો કરશે ને અમેરિકા બોલીને બેસી ન રહ્યું, તેણે ઇરાનના ફોર્ડો, નતાંઝ અને ઇસ્ફહાન પરમાણુ સ્થળો પર રવિવારે સવારે સાડા ચાર વાગે હુમલો કર્યો પણ ખરો. અમેરિકન હુમલાના જવાબમાં ઇરાને ઈઝરાયેલ પર 35 મિસાઇલ્સ છોડી ને તેનાં 14 મહત્ત્વનાં સ્થળોને નિશાન બનાવ્યાં. ઇરાનમાં 13 જૂનથી અત્યાર સુધીમાં 657 અને ઇઝરાયેલમાં 24 લોકોનાં મોત થયાં છે ને 2,000થી વધુ ઘાયલ થયા છે.

અમેરિકન હુમલા સંદર્ભે અમેરિકન સંરક્ષણ મંત્રી ટ્રમ્પના વખાણ કરતાં કહે છે કે ઘણા અમેરિકન રાષ્ટ્રપતિઓએ ઇરાનના પરમાણુ ઠેકાણાંને રોકવાનું સ્વપ્ન જોયું હતું, પણ ટ્રમ્પ સિવાય કોઈ તે કરી શક્યું ન હતું. હુમલાના સંદર્ભમાં ઈરાની રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકાનો ચહેરો બેનકાબ થયો છે. ઇરાને હુમલાનો જવાબ આપવાનું કહ્યું છે. એટલે હવે ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં અમેરિકાએ પણ હુમલો કરીને યુદ્ધની તીવ્રતા ને હાલાકી વધારી દીધી છે.

ખબર નથી પડતી કે સાચી કે ખોટી વૈશ્વિક શાંતિ સંદર્ભે અનેક દેશો યુદ્ધમાં સંડોવાયા છે, એમાં જે તે  દેશના નેતાઓ તો યુદ્ધમાં નથી સંડોવાતા, પણ જે તે દેશની પ્રજા તેનો ભોગ બને છે. તેણે કોઈનું કૈં બગાડ્યું હોતું નથી, પણ હુમલાઓમાં ભોગ તેનો લેવાય છે. બાળકો કોઈ પણ દેશના હોય, પણ હુમલામાં તેઓ મરે છે, તે અંગે ભાગ્યે જ ગંભીર રીતે વિચારાય છે. હુમલો અમેરિકાએ ઈરાન પર કર્યો, તો સામે ઇરાને હુમલો અમેરિકા પર કરવો જોઈએ, પણ ઇઝરાયેલ પર કર્યો એ પણ સૂચક છે.

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરાવ્યો, તો બીજી તરફ પાકિસ્તાને 2026નાં નૉબેલ શાંતિ  પુરસ્કાર માટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નોમિનેટ કર્યું છે. પાકિસ્તાનનું માનવું છે કે ટ્રમ્પની રાજદ્વારી મધ્યસ્થીને કારણે ભારત-પાકિસ્તાનનું યુદ્ધ ટાળી શકાયું હતું, જ્યારે પાકિસ્તાનનું જ એ પણ કહેવું છે કે યુદ્ધ વિરામની તેની જ વિનંતીઓને લીધે ભારત યુદ્ધ વિરામ માટે રાજી થયું હતું. પાકના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે મે મહિનામાં ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને રોકવા બદલ ટ્રમ્પને નોબેલ આપવાની માંગ કરી હતી. એનો લાભ મુનીરને એ મળ્યો કે અમેરિકાએ પાકિસ્તાનના આર્મી ચીફનું સ્વાગત કર્યું ને ટ્રમ્પ-મુનીરની વ્હાઇટ હાઉસમાં બંધ બારણે મુલાકાત પણ થઈ, એટલું જ નહીં, બંનેએ સાથે લંચ પણ કર્યું ને ટ્રમ્પ પણ પછી તો ‘આઈ લવ પાકિસ્તાન’ને લવારે ચડ્યા. સારી વાત એ છે કે ટ્રમ્પ-મુનીર પર કોઈનો ભરોસો નથી, પણ એ બંનેનો એકબીજાને બંધ બારણે મળવા જેટલો ભરોસો તો છે જ !

પાકિસ્તાન જન્મ્યું ત્યારથી સાચું બોલ્યું નથી.

જો કે, ટ્રમ્પે તો અત્યાર સુધીમાં 14 વખત દાવો કર્યો છે કે તેમની મધ્યસ્થીને કારણે જ ભારત-પાકિસ્તાન યુદ્ધ ટળ્યું હતું ને ભારત વારંવાર કહી ચૂક્યું છે કે યુદ્ધ રોકવામાં ટ્રમ્પની કોઈ મધ્યસ્થી નથી. પાકિસ્તાન નૉબેલની ભલામણ ન કરે તો પણ ટ્રમ્પ પોતે સ્ટિકર લગાડીને બજારમાં વેચાવા ઊભા છે. તેમને પાછું એકાદ નૉબેલથી તો ચાલે એમ નથી એટલે જરા પણ શરમ વગર કહી શકે છે કે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર 4-5 વખત મળવો જોઈએ. ગમે એટલાં યુદ્ધો રોકે, ગમે એટલું કરે તો પણ તેમને નોબેલ મળે એમ નથી ને તેનો અફસોસ ટ્રમ્પને છે.

એ સાચું કે તેમના મતે ટ્રમ્પે ભારત-પાકિસ્તાન, રશિયા-યુક્રેન, ઈરાન-ઈઝરાયેલ જેવા વિવાદો ઉકેલવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમનું કહેવું છે કે સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો સાથે મળીને કૉંગો-રવાંડા યુદ્ધને રોકવા શાંતિ સમજૂતી કરાવી, પરિણામે લોહિયાળ સંઘર્ષ ટળ્યો. આ મામલે પણ ટ્રમ્પ કહે છે કે તેમને નોબેલ નહીં મળે. તેમણે એ પણ ઉમેર્યું કે સર્બિયા-કોસોવો વચ્ચે પણ યુદ્ધ અટકાવ્યું, તો ય નોબેલ નહીં મળે. આમ એકાએક નોબેલ નૉબેલની માળા ટ્રમ્પ એટલે ફેરવે છે કે અમેરિકી પ્રમુખ બરાક ઓબામાને પ્રેસિડેન્ટ બન્યાના નવ જ મહિનામાં (2009) નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો, એટલે ટ્રમ્પને પણ લાગે છે કે નોબેલ માટેની તેમની મુદ્દત પણ પાકી ગઈ છે. ટ્રમ્પને એ ખ્યાલ હોવો જોઈએ કે યુદ્ધ રોકવાના પ્રયત્નો છતાં યુદ્ધો રોકાયાં નથી. રશિયા-યુક્રેન હજી લડે જ છે. ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકવામાં તેમની કોઈ ભૂમિકા નથી, તેવું ભારતે સોય ઝાટકીને કહી દીધું છે, પણ ટ્રમ્પે મધ્યસ્થી તરીકેની પોતાની ભૂમિકા છે જ, તેવું 14 વખત કહ્યું છે. ઈરાન સાથે પરમાણુ ડીલ થઈ શકી નથી. ઈઝરાયેલ-ઈરાન વચ્ચેનો સંઘર્ષ વધ્યો છે, એટલું જ નહીં, ટ્રમ્પે પોતે ઉપર રહીને ઈરાન પર હુમલો કરી ત્રણ મથકોને હાનિ પહોંચાડી છે, તો કયે મોઢે ટ્રમ્પ 4-5 વખત નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ એવો દાવો કરી શકે? એમને નૉબેલનો ‘અશાંતિ’ પુરસ્કાર મળી શકે, પણ એ તો એવો પુરસ્કાર નોબેલ શરૂ કરે ત્યારની વાત છે. લાગે છે, નોબેલ વાંદરાને નીસરણી આપવા જેવું કરે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 જૂન 2025

Loading

ભારતીય ઉડ્‍ડયન ક્ષેત્રના રન-વેની વિટંબણાઓઃ સલામતી, આર્થિક મજબૂતાઈ, નીતિની ગૂંચ જેવા બર્ડ હિટ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|22 June 2025

અત્યારે તો અમદાવાદ ક્રેશ પછીની કાર્યવાહીઓ ચાલી રહી છે. યુ.કે. અને યુ.એસ.ના ઇન્વેસ્ટિગેટર્સ તપાસ કરી રહ્યાં છે, જેના તારણો આવતા મહિનાઓ લાગી શકે છે. તંત્ર કડકાઈથી ચકાસણી થાય તે માટે મક્કમ છે પણ પ્રશ્ન થાય કે દુર્ઘટના પછી જ જાગવાનું આપણે ક્યારે છોડીશું?

ચિરંતના ભટ્ટ

એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થવાના સમાચારમાંથી કળ વળતાં બહુ લાંબો સમય લાગશે એ નક્કી છે. એ દુર્ઘટનાનો અઘાત એટલો વ્યાપક છે કે તેને શબ્દોમાં વર્ણવવાનો પ્રયત્ન પણ ન કરવો જોઇએ. એ ક્રેશ પછી આખું અઠવાડિયું એક યા બીજી રીતે એર ઇન્ડિયાના વિમાનોને લગતા સમચાર સતત આવતા રહ્યા. જાણે એર ઇન્ડિયાને જ ગ્રહણ લાગ્યું હોય એમ ક્યાંક ફ્લાઇટ્સ કેન્સલ થઇ તો ક્યાંક ફ્લાઇટ અડધેથી પાછી ફરી તો અમુક ફ્લાઇટ મોડી ઉપડી. આ બધું તકનીકી ખામીઓને કારણે થયું એ તો ખરું પણ અધૂરામાં પુરું ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના સંઘર્ષને કારણે અમુક એર-સ્પેસ બંધ કરી દેવાઇ અને એમાં આખી દુનિયાએ જે ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી તેમાં ય એર ઇન્ડિયાની ચાર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ હતી. અત્યારે તો બધાં ખૂણેથી એર ઇન્ડિયા અને તેમાં ય ખાસ કરીને બોઈંગ ડ્રીમ લાઇનર સામે સવાલોની મિસાઇલો તાકવામાં આવી રહી છે, પણ આ સંજોગોમાં આપણે વિચારવું એ રહ્યું કે ભારતના ઉડ્ડયન ક્ષેત્રના વિકાસની જે મહત્ત્વાકાંક્ષાઓ છે, તે કોઈપણ સ્પષ્ટ નીતિઓ વિના કે સલામતીના મજબૂત ધારા ધોરણો વિના કે તાર્કિક લાગે એવી કિંમતોના માળખા વિના પાર પડી શકશે? ઉડ્ડયન ક્ષેત્રના વિકાસનું સફળ સ્મૂધ ટેક ઑફ શક્ય છે ખરું? 

આમ જોવા જઇએ તો ભારતમાં કોમર્શિયલ એર લાઇનમાં અત્યારે બે જ ખેલાડીઓની પકડ મજબૂત છે – એર ઇન્ડિયા અને ઇન્ડિગો. એર ઇન્ડિયા અને AXI કનેક્ટ એમ બે બ્રાન્ડ્ઝ હેઠળ એર ઇન્ડિયા એક્સપ્રેસ, વિસ્તારા અને એર એશિયા ઇન્ડિયાની ગણતરી થાય. સ્પાઇસ જેટ અને આકાસા એરના પોતાના આર્થિક પ્રશ્નો છે, જે ઉકેલાઇ રહ્યા છે કે ઉકેલાશે એવા કોઇપણ સંકેત વિના આ એરલાઇન્સ પોતાની ગતિએ કામ કરી રહી છે. ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં જેટ એરવેઝ, કિંગ ફિશન, ડેક્કન અને સહારા જેવા નિષ્ફળ સાહસો વિમાની કાટમાળની માફક ફેલાયેલા જ છે.

છેલ્લા બે દાયકામાં ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં ફેરફાર આવ્યા અને તે પણ હકારાત્મક. ડોમેસ્ટિક નેટવર્ક પણ સિવિલ એવિએશન માર્કેટમા વિશ્વમાં ત્રીજા ક્રમાંકે આવ્યું. 2024-25ના ફાઇનાન્શિયલ વર્ષની વાત કરીએ તો ભારતે 376 મિલિયન પેસેન્જર્સને વિમાની મુસાફરી કરાવી જેમાંથી એર ઇન્ડિયાએ ઇન્ટરનેશનલ ટ્રાફિકનો 23.6 ટકા હિસ્સો પોતાના હાથમાં રાખ્યો તો ડોમેસ્ટિક સીટ્સમાં ઇન્ડિગો જેવા લો-કૉસ્ટ કેરિયર્સને ભાગે 64 ટકા બેક આવી. આર્થિક વિકાસ, રોજગારીની તકો, માળખાંકીય સુવિધાઓ બધું જ આ સાથે વિસ્તર્યું પણ આ વિસ્તાર વેદના વગરનો હતો એમ કહેવું ખોટું છે. ભારતના એરપોર્ટ નેટવર્કમાં બમણો વધારો થયો છે કારણ કે સરકાર પણ આ માળખાંકીય સવલતોમાં વધારો કરવા માગતી હતી. આપણે ત્યાં એક મોટી સમસ્યા એ રહી કે એરપોર્ટના વિકાસ સાથે તેની માટેની જમીનની ઉપયોગિતાને લગતા નિયમો અને સલામતીના પ્રશ્નો પણ મોટા થયા.

ટાટા ગ્રૂપે 2022માં એર ઇન્ડિયાને ફરી હસ્તગત કર્યું અને પાંચ વર્ષની વિહાન યોજના જાહેર કરી જેમાં રોજગારી, સિસ્ટમમાં ધરમૂળથી ફેરફાર, આઇ.ટી. અને માળખાંગત સુવિધાઓમાં રોકાણ જેવી ઘણી બાબતો સમાવિષ્ટ હતી. એર ઇન્ડિયા પાસેથી લોકોને પણ ઘણી અપેક્ષાઓ હતી પણ ત્રણ વર્ષમાં હજી કંઇ નોંધપાત્ર ફેરફારો ન વર્તાયા. વળી તકનીકી નિષ્ફળતાઓ, ખોટકાય એવા એરક્રાફ્ટ અને ક્યારેક તો સ્ટાફની ઉદાસિનતાને કારણે પણ એર ઇન્ડિયા સતત સમાચારોમાં ઝળકતી રહી અને એમાં 12મી જૂનના ક્રેશ પછી તો કંઇ બોલવું જોઈએ કે કેમ એવો પ્રશ્ન થઇ આવે. માર્ચ 2025માં તો શિકાગોથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને પાછી વાળવી પડી હતી કારણ કે એરક્રાફ્ટમાં આવેલા 12 જાજરૂમાંથી આઠ વપરાય એવા જ નહોતા રહ્યા. એર લાઇને મુસાફરો પર દોષનો ટોપલો ઢોળ્યો કે પ્લાસ્ટિકની કોથળીઓ અને કપડાંના ટુકડાઓ ફ્લશ કર્યા એટલ જાજરૂ વપરાય એવા નહોતા રહ્યા. આ બધું તો સોશ્યલ મીડિયા પર અને અમુક અહેવાલોમાં લખાતું રહે છે, વળી મુસાફરો પણ એરક્રાફ્ટની બગડેલી હાલત સોશ્યલ મીડિયા પર જાહેર કરતા રહે છે. આ બધામાં એર ઇન્ડિયાની ફ્લીટમાં બોઇંગ એરક્રાફ્ટનો તોતિંગ ઉમેરો પણ ટીકાનો ભોગ બન્યો જ છે કારણ કે બોઇંગ એરક્રાફ્ટ ભલે અમેરિકાની શાન ગણાય છે, પણ બોઇંગ એરક્રાફ્ટના વિરોધમાં ખાસ્સા અવાજો ઉઠ્યા છે અને હવે આપણે ત્યાં થયેલી આ ઘટના પછી તો બોઇંગની છાપનાં ફૂરચાં ઉડી રહ્યાં છે. અમેરિકા નથી ઇચ્છતો કે બોઇંગની સમસ્યાઓ દુનિયા સામે છતી થાય પણ એમાં એની કારી કેટલી ફાવશે એ ખબર નથી. બોઇંગ કંપનીની છાપ આમે ય ખરડાઇ છે. 

ઉડ્ડયન ક્ષેત્રને બહુ હળવાશથી લેવા જેવું નથી. આપણી સરકાર ભારતના ઉડ્ડયન ક્ષેત્રના વિકાસને મામલે ભલે ગમે એટલી મહત્ત્વાકાંક્ષી અને મોટી વાતો કરતી હોય પણ હકીકત એ છે કે UDAN – ઉડાન યોજના જે ભારતીય ઉડ્ડયન ક્ષેત્રનું ગોલ્ડન ચેપ્ટર કહેવામાં આવ્યું અને તેનાથી 15 મિલિયન લોકોને વાજબી કિંમતે હવાઇ યાત્રાઓ કરવા મળશે એવા દાવા કરાયા તેમાં પણ ભલીવાર નથી. ઉડાન યોજના અંતર્ગત લૉન્ચ કરાયેલા 619 રૂટ્સમાંથી માત્ર 323 એક્ટિવ છે, 114 રૂટ્સ તો ત્રણ જ વર્ષમાં બંધ કરી દેવાય હતા. આ વાત સિવિલ એવિએશનના રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે આ વર્ષે ફેબ્રુઆરીમાં રાજ્યસભા દરમિયાન કરી હતી. ઘણા બધાં પ્રાદેશિક એરપોર્ટ્સ જે વાજબી કિંમતે બંધાયા તો ખરા પણ તેનો જેટલો થવો જોઇએ એટલો ઉપયોગ નથી થઇ રહ્યો. યોજના અને નીતિઓને મામલે ટરબ્યુલન્સ થઇ ગયો છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. 

નીતિઓની દૃષ્ટિએ જોઇએ તો ભારતીય એરલાઇન્સ માટે ખર્ચો તો ધુંઆધાર કરવો પડે છે પણ ધાર્યું વળતર નથી મળતું. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એક એવી ચીજ છે જેમાં એરલાઇનના ઓપરેશનલ ખર્ચનો 35-40 ટકા હિસ્સો જતો હોય છે પણ ભારતમાં તેની પર તગડો કર નંખાયો છે. રૂપિયાનું મૂલ્ય નીચું હોવાથી એરક્રાફ્ટની લીઝ, મેઇન્ટેનન્સ, ઇંધણ એ બધા પર અસર થાય કારણ કે તે તમામની ગણતરી ડૉલર્સમાં થતી હોય છે. એરપોર્ટ્સનું ખાનગીકરણ ઉપભોક્તાઓના ગજવા પર ભારે પડે છે. જેમ કે મુંબઈમાં અદાણી ગ્રૂપની માંગ છે કે એરલાઇન્સે બેંક ગેરટીઝમાંથી સીધેસીધી ડિપોઝિટ પર શિફ્ટ થઇ જવું જોઈએ કારણ કે એરલાઇન્સ બેંક ગેરંટીને ડિફૉલ્ટ કરે એવી શક્યતાઓ છે. આ શરતને કારણે નાના હવાઇ કેરિયર્સના વર્કિંગ કેપિટલ પર સીધી અસર થઇ છે. હાઇ યૂઝર ડેલવલપમેન્ટ ફીઝ અને અન્ય આર્થિક ગણતરીઓ પણ હવાઇ મુસાફરીને દિવસે દિવસે મોંઘી બનાવી રહી છે.

આટલું ઓછું હોય તેમ ભૌગોલિક રાજનીતિને કારણે એર સ્પેસ બંધ થાય એની અસર પણ પડે. પાકિસ્તાની એર સ્પેસ બંધ થવાને કારણે જે ડી-ટૂર કરવી પડે છે તેની અસર ઇંધણના બજેટ પર અને ફ્લાઇટ્સના સમયપત્રક પર પડે છે. અમદાવાદમાં થયેલી દુર્ઘટનાને પગલે ઇન્શ્યોરન્સના પ્રિમિયમ્સ પણ વધશે એટલે ઉડ્ડયન ક્ષેત્ર પરનો ભાર વધશે. ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં માંગ તગડી છે પણ નબળી નીતિઓ અને અનેક નિષ્ફળતાઓના ગાળિયાને કારણે વિકાસ રૂંધાઇ રહ્યો છે. એરલાઇન્સને લાંબો સમય ટકી રહે તેવી તાર્કિક નીતિઓ, વાજબી કર અને માળાખાંકીય સુવિધાઓમાં સરકારી રોકાણની જરૂર છે. એર ઇન્ડિયા અને ઇન્ડિંગો – બે મોટા ખેલાડીઓમાંથી એક પણ જો લથડિયું ખાશે (એર ઇન્ડિયા પર એ તવાઇ તો આવેલી જ છે) તો મુસાફર, એરપોર્ટ અને અર્થતંત્ર – આ ત્રણેયને તેનો ઝટકો લાગશે.  

આપણને 10 ટ્રિલિયનનું અર્થતંત્ર થવાની મહેચ્છા છે પણ આપણી પાસે ટકી શકે તેવું મજબૂત ઉડ્ડયન ક્ષેત્ર નથી. સરકારે ઝડપથી નવી નીતિઓ પર કામ કરવાની જરૂર છે. એવી નીતિઓ જેના કારણ કે ન્યાયી સ્પર્ધાઓ થાય જેનો લાભ ગ્રાહકોને મળે. ઓછા કરવેરા હોય અને તંત્રની નબળાઇઓને હટાવવા પર કામ કરાય એ પણ અનિવાર્ય છે. 

અત્યારે તો અમદાવાદ ક્રેશ પછીની કાર્યવાહીઓ ચાલી રહી છે. યુ.કે. અને યુ.એસ.ના ઇન્વેસ્ટિગેટર્સ તપાસ કરી રહ્યાં છે જેના તારણો આવતા મહિનાઓ લાગી શકે છે. તંત્ર કડકાઈથી ચકાસણી થાય તે માટે મક્કમ છે પણ પ્રશ્ન થાય કે દુર્ઘટના પછી જ જાગવાનું આપણે ક્યારે છોડીશું? એરલાઇન્સે પણ કોસ્ટ કટિંગની લાલચ બાજુએ મુકીને સલાતમીને મામલે ઊંચા ધારા-ધોરણ બનાવવા પડશે. FAA એટલે કે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનની જેમ CAA – સિવિલ એવિએશન ઑથોરિટીની દિશામાં ભારત કામ કરી રહ્યું છે. અમદાવાદની દુર્ઘટના પછી એ દિશામાં ઝડપી કામગીરી થવાની શક્યતાઓ છે અને તેમ જ થવું જોઈએ. આપણને વિકાસનો મોહ હોય તો ઉડ્ડયન ક્ષેત્રે માત્ર ગતિ અને વિસ્તાર નહીં પણ સલામતીને પણ અગ્રિમતા આપવી જોઇએ. આ દુર્ઘટના બાદ સરકારનો પ્રતિભાવ લાંબા ગાળાના ટકી શકે તેવા નક્કર સુધારા સિવાય બીજો કંઇ હોવો જ ન જોઇએ. 

બાય ધી વેઃ 

સંસદીય સ્થાયી સમિતિના તાજા રિપોર્ટમાં સમસ્યાઓની યાદી છે – DGCAમાં 53 ટકા જગ્યાઓ ખાલી છે, ત્યાં કોઈ નિમણૂંક જ નથી કરાઇ, સિવિલ એવિએશન સુરક્ષા બ્યુરોમાં 35 ટકા અને ભારતની એરપોર્ટ ઑથોરિટીમાં 17 ટકા જગ્યાઓ ખાલી છે. અહીં કામ કરવા માટે માણસો નથી, નિયમન કરનાર તંત્રમાં સુવિધાઓ ખોખલી છે અને બીજી તરફ નવા એરપોર્ટ્સની જાહેરાતો કરાય છે. આ સાબિત કરે છે કે સલામતી અને પૂરતાં કેરિયર્સ હોય તેની પર ધ્યાન આપવાને બદલે એરપોર્ટ બનાવવા પર વધારે ધ્યાન અપાઇ રહ્યું છે. આપણું ઉડ્ડયન ક્ષેત્ર એક એવા ક્રોસરોડ્ઝ પર છે જ્યાં સલામતીમાં વધારો અને ખર્ચમાં ઘટાડો નહીં થાય ત્યાં સુધી વધુ માંગને પહોંચી વળવા માટે જરૂરી એરલાઇન્સનો પણ અભાવ રહેશે અને તેની અસર અર્થતંત્ર પર તો પડશે જ. સુપરપાવર બનવાની આપણી મહત્ત્વાકાંક્ષા સામે આપણા ઉડ્ડયન ક્ષેત્રને સુધારવામાં આપણી નિષ્ફળતા એક નાલેશીભર્યો વિરોધાભાસ છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 જૂન 2025

Loading

...102030...268269270271...280290300...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved