Opinion Magazine
Number of visits: 9763869
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કસ્ટોડિયલ ડેથ: પોલીસનો હિંસ્ર ચહેરો

ચંદુ મહેરિયા|Opinion - Opinion|20 November 2019

આશરે ૩૦ વરસ પહેલાંના કસ્ટોડિયલ ડેથના કેસમાં ગુજરાતના પૂર્વ આઈ.પી.એસ. અફસર સંજીવ ભટ્ટને આજીવન કારાવાસની સજા થઈ તે એક અપવાદ છે. પોલીસ અને ન્યાયિક કસ્ટડીમાં આરોપી કે સંદિગ્ધ આરોપીના મોત બદલ ભાગ્યે જ કોઈને સજા થઈ છે કે ન્યાય મળ્યો છે.

આ વરસના જુલાઈમાં રાજ્યસભા પ્રશ્નના લેખિત જવાબમાં જણાવાયું હતું કે દેશમાં છેલ્લા ત્રણ વરસોમાં ૪,૪૭૬ કેદી મૃત્યુના બનાવો બન્યા હતા. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ૨૦૧૮માં ૧,૬૮૦ કસ્ટોડિયલ ડેથ થયાંનું નોંધ્યું છે. જેમાં ૩૬૫ કેદી મૃત્યુ સાથે ઉત્તરપ્રદેશ મોખરે છે. ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચના આંકડા ચકાસતાં જણાય છે કે છેલ્લાં નવ વરસમાં ગુજરાતમાં ૫૨૭ કસ્ટોડિયલ ડેથ થયાં છે. દેશમાં રોજના સરેરાશ ચારથી પાંચ અને યુ.પી.માં રોજના એક કસ્ટોડિયલ ડેથ થાય છે. કસ્ટોડિયલ ડેથના  આ આંકડા દર્શાવે છે કે દેશમાં નક્સલી અને આતંકી હિંસામાં થતાં મોત કરતાં પોલીસની યાતનાથી થતાં મોત ઘણાં વધારે છે. પરંતુ આવી હત્યાઓ પોલીસ સ્ટેશનમાં કે જેલમાં બને છે અને તેના સાક્ષી માત્ર પોલીસ જ હોય છે. એટલે પુરાવાની અદાલતોમાં ભાગ્યે જ તે પુરવાર કરી દોષિતોને સજા અપાવી શકાય છે.

પોલીસ ગુનાની તપાસ નહીં પણ ગુનાની કબૂલાત માટે આરોપી પર થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરે છે.  પોલીસ આરોપીને જાતભાતની રીતરસમો અપનાવીને અમાનવીય માર મારે છે. આ પ્રકારનો માર, યાતના, હિંસા અને દુરાચરણથી પોલીસ ગુનો કબૂલાવે છે. આવી ઘોર યાતનાથી થતાં મોતને કસ્ટોડિયલ ડેથ કહેવાય છે. પોલીસ થાણામાં કે જેલમાં થયેલાં મોત ઉપરાંત પોલીસની યાતનાઓ અને મારથી પંગુ બની ગયેલા અને પછીથી મૃત્યુ પામનારને કેદી મૃત્યુનું માન પણ મળતું નથી. પોલીસ વગર વોરંટે સંદિગ્ધ અપરાધીની તપાસ કરી શકે છે તેનો ફાયદો ઉઠાવી કથિત આરોપીઓ સાથે પણ  અમાનવીય વર્તન કરે છે. ગુનેગારને પકડવા, દબાણ આણવા તેના પત્ની, બાળકો કે મા, બાપ, ભાઈ, બહેન જેવા કુટુંબીજનોને પકડીને પોલીસ યાતના આપે છે. ગુનેગારને ન મારવા પોલીસ લાંચ માંગે છે. ગરીબ લાચાર લોકો પોલીસની આવી માંગ સંતોષી શકતાં નથી એટલે કસ્ટોડિયલ ડેથનો ભોગ મોટે ભાગે દલિત, આદિવાસી, પછાત, લઘુમતી એવા ગરીબો જ બને છે. ખેડૂત અને કામદાર સંઘર્ષના નેતાઓ, સરકારી નીતિઓ અને શોષણના વિરોધી કે લોક આંદોલનો સાથે જોડાયેલા કર્મશીલોને પણ પોલીસ એક યા બીજા કેસમાં પકડીને યાતના આપે છે. તેમના સંઘર્ષને નબળો પાડવા જુઠ્ઠા કેસોમાં ફસાવે છે. કે ક્યારેક મારી પણ નાંખે છે. નકસલી હિંસાના નામે સોની સોરી અને સીમા આઝાદ સાથેનું પોલીસનું વર્તન દુરાચરણની તમામ સીમાઓ ઓળંગી જ ગયું હતું ને?

માનવ અધિકારના છડેચોક ભંગ જેવાં, પોલીસનો હિંસ્ર ચહેરો ઉજાગર કરતાં કસ્ટોડિયલ ડેથના અનેક બનાવો અવારનવાર જાણવા વાંચવા મળે છે. કેટલાંક નમૂના દાખલ બનાવો જોઈએ તો, ઉત્તરપ્રદેશના હાપુડ વિસ્તારના પિલખુઆ પોલીસ થાણા હસ્તકના લાખન ગામે એક સ્ત્રીની લાશ મળી. પોલીસે આ ખૂનના સંદિગ્ધ અપરાધી  તરીકે નણદોઈ પ્રદીપ તોમર(ઉમર ૩૫ વરસ)ને પોલીસ થાણે તપાસ માટે બોલાવ્યા. પોતાના ૧૧ વરસના પુત્ર સાથે થાણે ગયેલા પ્રદીપને ગુનાની તપાસ દરમિયાન પોલીસ સતત માર મારતી હતી. તેમનો દીકરો તેમની ચીસો સાંભળતો હતો. સગીર પુત્રના જણાવ્યા મુજબ તેના  પપ્પાના શરીરના બધાં અંગો પર પોલીસ સોયા ભોંકતા હતાં. અંતે પ્રદીપનું મૃત્યુ થયું. પોલીસે આ મોતને શારીરિક તકલીફને લીધે થયામાં ખપાવી દીધું. રાજસ્થાનના ચુરુ જિલ્લાના સોનપાલસર ગામના નેમીચંદ (ઉ.૨૫ વરસ) ગાયબકરાં ચરાવતાં હતાં. નેમીચંદ અને તેમનાં ભાભીને ચોરીના આરોપમાં પોલીસ પકડી ગઈ. રાત્રે મોડેથી  પોલીસ આવીને નેમીચંદની લાશ ઘરે નાંખી ગઈ. રાતના અંધારામાં જ તેના અંતિમસંસ્કાર કરાવી નાંખ્યા. નેમીચંદને બેરહેમ માર મારી મારી નાંખનાર પોલીસે તેમના ભાભી પર ગેંગરેપ કર્યો હતો. તમિલનાડુના એક ગામના ખેતકામદાર મહિલાં ૨૬ વરસના ગુરુઆમ્મલને ગુનાની કબૂલાત માટે પોલીસે એટલાં માર્યાં કે  તેમને કસુવાવડ થઈ ગઈ હતી.

કેદી મૃત્યુના આ બનાવો વાસ્તવમાં તો પોલીસ દ્વારા કરાતી જઘન્ય હત્યાઓ જ છે. પરંતુ તે સંબંધી કોઈ અલાયદો કાયદો ન હોઈ પોલીસ આવા બનાવોને બીમારી, હોસ્પિટલમાં ભરતી દરમિયાન મોત, બીજા અપરાધીઓ દ્વારા થયેલો હુમલો, ભીડ કે તોફાનો દરમિયાન મોત, ફરાર થવાની કોશિશ અને આત્મહત્યા જેવાં કારણોથી થયેલાં મોત ગણાવે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો પણ કસ્ટોડિયલ ડેથના અલાયદા આંકડા જાહેર કરતું નથી ! મોટા ભાગના કસ્ટોડિયલ ડેથ પોલીસ થાણે તપાસના ૪૮ કલાકમાં બનતાં હોય છે. એટલે ધરપકડના ૨૪ કલાકમાં આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવાના નિયમનું પાલન થતું નથી. કસ્ટડીમાં યાતના એ જાણે કે પોલીસ માટે રોજિંદી સાહજિક ક્રિયા છે. માનવ અધિકાર સંસ્થા “હ્યુમન રાઈટ્સ વોચ”ના જણાવ્યા અનુસાર પોલીસ માટે અપરાધિક દંડસંહિતાનો કોઈ મતલબ નથી. પોલીસની પોતાની તપાસ પ્રક્રિયા સંહિતા છે.

સર્વોચ્ચ અદાલતની સૂચના પછી, ૨૦૦૬માં ક્રિમિનલ પ્રોસીજર કોડમાં સુધારો કરવામાં આવ્યો છે.  કસ્ટોડિયલ ડેથની ફરિયાદોમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તપાસની જોગવાઈ છે. પરંતુ નિર્ધન અને નબળા ફરિયાદીઓ ભાગ્યે જ બળુકા પોલીસો સામે ફરિયાદ કરતા હોય છે. વળી પોલીસ સામે ફરિયાદ પૂર્વે સરકારની મંજૂરી લેવી પડે છે અને સરકાર ક્યારે ય આવી મંજૂરી આપતી નથી. ૨૬મી એપ્રિલ ૨૦૧૦ના રોજ લોકસભાએ પ્રિવેન્શન ઓફ ટોર્ચર બિલ પસાર કર્યું હતું. રાજ્યસભાએ તેને પ્રવર સમિતિને સોંપ્યું હતું. પૂર્વ કાયદા મંત્રી અશ્વિની કુમારના અધ્યક્ષપદની પ્રવર સમિતિએ કસ્ટડીમાં થતાં મોત અને યાતના વિરુદ્ધ દોષીઓને આજીવન કારાવાસની સજાની જોગવાઈ કરતો કાયદો ઘડવા ભલામણ કરી હતી. પરંતુ લોકસભાની મુદ્દત પૂરી થઈ ત્યાં સુધી કાયદો ઘડાયો નહોતો. કાયદા પંચે અને નેશનલ પોલીસ કમિશને પણ આ અંગેના કાયદાની જરૂરિયાત જણાવી છે. ૨૦૧૮માં લોકસભામાં પ્રાઈવેટ મેમ્બર બિલ પણ રજૂ થયું હતું. સુપ્રીમ કોર્ટના આદેશથી હવે કસ્ટોડિયલ ડેથનો ભોગ બનેલાંને વળતર મળે છે (યુ.પી. સરકારે ૨૦૧૮ના વરસે ૧૭૬ બનાવોમાં ૫૩ કરોડ ૨૨ લાખ અને ગુજરાત સરકારે ૨૩.૫૦ લાખ વળતર ચુકવ્યું છે.) પરંતુ ન્યાય દૂરની વાત છે. ભોગ બનનારાની ચીસો જેમ પોલીસ થાણાંની દીવાલો સાથે અથડાઈને થોડા સમયમાં શાંત થઈ જાય છે તેમ કેદી મૃત્યુ વિરુદ્ધનો વિરોધ અને આક્રોશ પણ ઠરી જાય છે જે કોઈ નવા બનાવ પછી જાગે છે.

e.mail : maheriyachandu@gmail.com

પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 20 નવેમ્બર 2019

Loading

તેમના હાથમાં ગાંધીની આત્મકથા મુકતા આખા શરીરમાં જાણે રોમાંચ પ્રસરી ગયો

પ્રશાંત દયાળ|Gandhiana|20 November 2019

થોડા દિવસ પહેલાં અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સેપકટર નવજીવન ટ્રસ્ટ ખાતે આવ્યા. પૂરા પોલીસ યુનિફોર્મમાં હતા. છ ફૂટ ઊંચાઈ, કમરમાં સરકારી પિસ્તોલ તેમનો પોલીસ અધિકારી તરીકેનો રૂઆબ વધારતી હતી. તેઓ નવજીવન ટ્રસ્ટથી સંપૂર્ણપણે અજાણ હતા. તેમણે મને નવજીવન ટ્રસ્ટ વિશે પૂછ્યું એટલે ગાંધીજી દ્વારા ૧૯૧૯માં શરૂ કરવામાં આવેલા નવજીવન ટ્રસ્ટની આછી પાતળી જાણકારી આપી. તેમને નવજીવન બતાડ્યું. થોડી વાર પછી તે કાચના કબાટની અંદર રહેલાં પુસ્તકો તરફ જોઈ રહ્યા. ઘણાં પુસ્તકોનાં નામ તેમણે વાંચ્યા. પછી મને પૂછ્યું કે આ પુસ્તકમાંથી હું કંઈ ખરીદવા માગું તો ખરીદી શકું? મેં કહ્યુ ચોક્કસ. તમારે કયુ પુસ્તક ખરીદવું છે? તેમણે મને કહ્યું, મારે ગાંધીના સત્યના પ્રયોગો જોઈએ છે. મને સુખદ આશ્ચર્ય થયું કે કોઈ યુવાન પોલીસ અધિકારી તમારી પાસે ગાંધીની આત્મકથા લેવા આવે. મેં તેમને કહ્યું તમને આત્મકથા તો મળશે, પણ નવજીવન તરફથી ભેટ સ્વરૂપે આપીશ. તમારે કોઈ કિમંત ચૂકવવાની નથી. મેં તરત તેમના હાથમાં આત્મકથા લાવી મૂકી.

તેમણે હાથમાં ગાંધીની આત્મકથા લેતાં જાણે તેમના શરીરમાંથી કોઈ રોમાંચ પસાર થયો હોય, તેવું હું તેમના ચહેરા ઉપર જોઈ શકતો હતો. તેમણે એક ક્ષણ વિચાર કર્યો અને કહ્યું, મારી એક વિનંતી છે કે ગાંધીની આત્મકથા મફત લેવી સારી બાબત નથી. તમે મારી પાસેથી તેની કિમંત લઈ લો. મેં પૈસા લેવાની ના પાડી. તે સતત મને વિનંતી કરતા રહ્યા. તેમણે મને કહ્યું, આત્મકથાની કિમંત સ્વરૂપે નહીં તો મારા તરફથી નાનકડી ભેટ સમજી તે લઈ લો. મેં તેમની જાણકારીમાં વધારો કરતાં કહ્યું ગાંધીજી ૧૯૪૦માં પોતાનું વસિયત કરતા ગયા જેમાં લખ્યુ છે કે નવજીવન ટ્રસ્ટ દાન અને અનુદાન લેશે નહીં. એટલે અમે ભેટ લઈ શકતા નથી. આ સાંભળી આ પોલીસ અધિકારીને વધુ આશ્ચર્ય થયું. તેમણે મને પૂછ્યું, તો નવજીવન ચાલે છે કેવી રીતે ? મેં કહ્યું ગાંધીજીની વસિયત પ્રમાણે તેમણે જે કંઈ લખ્યું છે તેનો અધિકાર તે નવજીવનને આપતા ગયા અને ગાંધી સાહિત્યનાં વેચાણમાંથી જે કંઈ મળે તેનાથી છેલ્લાં ૧૦૦ વર્ષથી નવજીવન ચાલે છે.

પોલીસ અધિકારી મારી સામે જોતા રહ્યા. તેમણે ખીસ્સામાં હાથ નાખી એક હજાર રૂપિયા બહાર કાઢયા, અને મને કહ્યું, મને એક હજાર રૂપિયા જેટલી આત્મકથા આવે તે આપો. મેં તેમને એક હજાર રૂપિયાનું બીલ આપ્યું. તેમણે કહ્યું મારે માટે એક આત્મકથા બસ છે. બાકીની આત્મકથા તમે બીજા લોકોને આપજો. મને આ યુવાન પોલીસ અધિકારીને મળી લાગ્યું કે ગુજરાતે ગાંધીને ઓળખવામાં અને ગાંધી ભણાવવામાં ભલે મોડું કર્યુ, પણ ગાંધી આટલો જલદી ભુલાય તેમ નથી. આ ખાખીધારી યુવાન પોલીસ અધિકારીને ગાંધી અને ગાંધીની ખાદી સાથે કોઈ નિસ્બત ન્હોતી. છતાં તેની અંદર રહેલો ગાંધી તેની સારપને બહાર લાવી રહ્યો હતો. આપણે હમણાં ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી ઉજવી રહ્યા છીએ. દેશભરમાં ગાંધીની જયંતીનાં નામે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. પણ ખાસ કરી ગુજરાતમાં ગાંધી એક સરકારી કાર્યક્રમ બની રહી ગયા છે. ગાંધી સાહિત્ય પ્રસિદ્ધ કરવાનું કામ કરતા નવજીવન પાસે વિવિધ રાજય સરકારો દરેક વર્ષે ગાંધીની આત્મકથા સહિત વિવિધ સાહિત્ય ખરીદી પોતાના રાજયના વિધ્યાર્થીઓને આપે છે.

પરંતુ ૧૯૬૦માં મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થયા બાદ ગુજરાત સરકારે આત્મકથાની એક પણ પ્રત ખરીદી હોય તેવુ બન્યુ નથી. હું જ્યારે ૧૯૬૦થી વાત કરું છું તેમાં કૉન્ગ્રેસ અને ભા.જ.પ. સહિત જેટલી પણ સરકારો અસ્તીત્વમાં આવી, તે તમામની વાત કરું છું. એક પણ પક્ષની સરકારે ગુજરાતના બાળકો આત્મકથા વાંચે અને ગાંધીને સમજે તેવા કોઈ પ્રયાસ કર્યા નથી. તેના કરતાં સાવ વિપરીત જ્યાં સામ્યવાદનો દબદબો રહ્યો તેવા કેરળમાં સૌથી વધુ, મલયાલમ ભાષામાં ગાંધીની અત્મકથા વેચાઈ અને સમજાઈ છે. અહીંયા દોષ માત્ર ગુજરાત સરકારનો જ છે તેવું પણ નથી. ગુજરાતની ગાંધી સંસ્થાઓ પણ તેના માટે એટલી જ જવબદાર છે. ગાંધી સંસ્થાઓના કર્તાહર્તા પોતાની સંસ્થામાં બેસી રહ્યા. તેમણે માની લીધુ> કે કોઈને ગાંધી સમજવો છે, તો આપણી પાસે આવશે. પણ ગાંધી કોઈ સંસ્થાનો નહોતો. ગાંધી તો વિશ્વમાનવ છે; તેને વાંચવા કરતાં તેને જીવવો પડે તો જ ગાંધી સમજાય. પણ ગાંધી સંસ્થાઓ પણ પોતાના વ્યકિતગત રાજકારણમાં અટવાઈ ગઈ અને ગાંધી ભુલાતો ગયો.

આવી સ્થિતિમાં પણ ગાંધીને ભૂલવો અથવા ગાંધીને સામાન્યથી દૂર કરવો સહેલો નથી, કારણ હું જે યુવાન પોલીસ અધિકારીને મળ્યો અને મેં તેની અંદર રહેલા ગાંધીને જોયો, ત્યારે મને કાકાસાહેબ કાલેલકરે ગાંધીજી માટે કહેલું વાક્ય યાદ આવ્યું કે ગાંધીજી સામેની વ્યકિતમાં રહેલી સારપને ઓળખી શકતા હતા, અને તેની સારપને જગાડી શકતા હતા. આવી સારપ દરેક નાની મોટી વ્યકિતમાં છે, કોણ શુ કરે છે અને કેવો છે તેની પળોજળમાં પડ્યા કરતાં તેની અંદરની સારપને બહાર લાવવાનું કામ કરીએ તો પણ તે ગાંધીનું જ કામ કરે છે. કોઈ વ્યકિત રેસ્ટોરન્ટમાં વધેલું જમવાનું ગરીબો સુધી પહોંચાડે છે. કોઈ ગરીબ બાળકોને ભણાવે છે. કોઈ વૃદ્ધનો હાથ પકડી તેને રસ્તો ઓળંગવામાં મદદ કરે છે. તો કોઈ પોલીસ પાણીમાં ફસાયેલાં બાળકોની મદદે પહોંચે તો મારા મતે આ બધા જ ગાંધી છે. ગાંધી આજે પણ આપણામાં જીવે છે. આવતીકાલે પણ જીવશે. તમે જ્યારે બીજાને મદદ કરતી વ્યકિતને જુઓ ત્યારે તેને સલામ કરજો કારણ તેની અંદર પણ એક ગાંધી છે.

પ્રગટ : “ગુજરાતમિત્ર”, 14 ઑગસ્ટ 2019; “ભૂમિપુત્ર”, 16 નવેમ્બર 2019

Loading

કાળો સૂરજ ધોળો સૂરજ

જગદીશ દવે|Poetry|18 November 2019

કાળો સૂરજ ધોળો સૂરજ
અલપ ઝલપ દેખાતો સૂરજ
કદી ન જોયો રાતો સૂરજ
કદી ન એ મદમાતો સૂરજ
કાર્ડબોર્ડનાં બૉક્સે બેસી
ટાઢ ટાઢ પોકારે સૂરજ
છાપાંઓની વચ્ચે પેસી
શરીરને સંગોપે સૂરજ
‘થ્રો અવે’ના ડબલાંમાંથી
ફૂડ-ડ્રિંક ફંફોસે સૂરજ
થોડું થોડું મળી રહે તો
‘ટેક અવે’ યે કરતો સૂરજ
ભરબપ્પોરે રસ્તા વચ્ચે
બાળક થઈને ભીખે સૂરજ
બેકારીની અઘોર સાંજે
‘મગીંગી’ કરી નાસે સૂરજ
ઑકસ્ફર્ડ સ્ટ્રીટમાં વીલી નજરે
‘વિંડો શોપીંગ’ કરતો સૂરજ
ચોકિયાતોનું ધ્યાન ચૂકવી
‘શોપ લિફ્ટીંગે’ કરતો સૂરજ
ટ્યુબ તણી ગુફાઓ વચ્ચે
ગીતોને પડઘાવે સૂરજ
જતા આવતા લોકો પાસે
પેનીઓ ઉઘરાવે સૂરજ
ગલીકૂચીમાં જઈને છાનો
બે આંસુ ટપકાવે સૂરજ
પાદવિહીન પંગુ એકાકી
સાતે અશ્વો શોધે સૂરજ

Loading

...102030...2,6862,6872,6882,689...2,7002,7102,720...

Search by

Opinion

  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335
  • પ્રચંડ ધડાકો અને ઉલ્કાપાત

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved