Opinion Magazine
Number of visits: 9576796
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીનું ‘નવજીવન’: ગુજરાતી પત્રકારત્વનું સીમાચિહ્ન

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|15 September 2019

ગાંધીજીની દોઢસોમી જન્મજયંતીનાં સત્તાવાર ઉજવણાં વચ્ચે અન્ય એક શતાબ્દિટાણું આવ્યું ને જતું રહ્યું. સમાચારોમાં ખાસ નહીં ચમકેલી એ શતાબ્દિ ગાંધીજીએ ચલાવેલા સાપ્તાહિક ‘નવજીવન’ની હતી. ગાંધીજીના તંત્રીપદ હેઠળ ‘નવજીવન’નો પહેલો અંક સપ્ટેમ્બર ૭, ૧૯૧૯ના રોજ પ્રગટ થયો હતો. ૧૯૩૨માં તેનું પ્રકાશન આટોપાયું ત્યાં સુધીમાં તે ગાંધીજીના અનેક પ્રયોગોનું સાક્ષી અને લોકો સુધી તેમની વાત પહોંચાડવાનું માધ્યમ બન્યું. ગાંધીજીનાં જોમવંતાં છતાં ઉશ્કેરણીજનક નહીં, વિચારપ્રેરક છતાં ગળચટ્ટાં ચિંતનખોર નહીં એવાં લખાણો ‘નવજીવન’ માટે લખાયાં. અસહકારની ચળવળ અને ખિલાફ્ત આંદોલનથી માંડીને દાંડીકૂચ જેવી દેશને ઉપરતળે કરનારી અનેક ઘટનાઓ ‘નવજીવન’ના પાને ઝીલાઈ. ગાંધીજીની લેખનશૈલી ઘડાઈ અને શીલમાંથી શૈલી શી રીતે નીપજી શકે તેનું ઉત્તમ ઉદાહરણ બની. ‘નવજીવન’ ફ્ક્ત ગાંધીવિચારનું જ નહીં, જાણે દેશમાં પ્રસરેલી નવી આબોહવાનું મુખપત્ર બની રહ્યું.

‘નવજીવન’ અસલમાં ઇંદુલાલ યાજ્ઞિક, શંકરલાલ બેન્કર અને કનૈયાલાલ મુનશી જેવા તરવરિયા જુવાનિયાઓની કલ્પનાનું સાકાર સ્વરૂપ હતું. એ લોકો ત્યારના વિખ્યાત અંગ્રેજી માસિક ‘મોડર્ન રિવ્યૂ’ની ઢબ પર ગુજરાતીમાં માસિક શરૂ કરવા ઇચ્છતા હતા. તેમાંથી શંકરલાલ બેન્કરને ઇટાલિયન કવિ દાન્તેનો શબ્દપ્રયોગ Vita Nova ખૂબ પસંદ હતો, જેનો અર્થ હતોઃ નવું જીવન. તેના પરથી ગુજરાતી સામયિકનું નામ પાડવામાં આવ્યું ‘નવજીવન’. (કેટલાક સંદર્ભોમાં Viva Nova છે, પણ દાન્તેએ વાપરેલો – ‘જીવન’ માટેનો લેટિન શબ્દ Vita છે.) એ જ અરસામાં બંધ થયેલા ‘સત્ય’ સામયિકને ભેળવી દઈને મુંબઈથી ઇંદુલાલ યાજ્ઞિકના તંત્રીપદે શરૂ થયું: ‘નવજીવન અને સત્ય’.

૧૯૧૯ આવતાં સુધીમાં ભાવનાપ્રધાન ઇંદુલાલના તંત્રીપદ હેઠળ ‘નવજીવન અને સત્ય’ અનિયમિત બની ચૂક્યું હતું. બીજી તરફ, ગાંધીજીની આગેવાની રાષ્ટ્રીય સ્તરે નવા યુગનાં એંધાણ આપી રહી હતી. તે પારખીને ઇંદુલાલની મિત્રમંડળીએ પહેલાં ગાંધીજીને અંગ્રેજી સામયિક ‘યંગ ઇન્ડિયા’નું સુકાન સોંપ્યું. પછી ગાંધીજીને ગુજરાતી સામયિકની જરૂર લાગતાં, ‘નવજીવન અને સત્ય’ પણ ગાંધીજીને આપી દેવામાં આવ્યું. તેમાં ગાંધીજીએ ત્રણ મોટા ફેરફાર કર્યાઃ તેને માસિકમાંથી સાપ્તાહિક બનાવ્યું, મુંબઈને બદલે અમદાવાદ લઈ આવ્યા અને તેના નામમાંથી ‘સત્ય’ કાઢીને ફ્ક્ત ‘નવજીવન’ રહેવા દીધું.

ગાંધીજીએ ફ્ક્ત સામયિકના નામમાંથી જ ‘સત્ય’ની બાદબાકી કરી હતી. બાકી બધી રીતે સામયિક સત્યનિષ્ઠ રહ્યું અને ગાંધીજીના સત્યના પ્રયોગોનું માધ્યમ બન્યું: તેમણે કરેલા પ્રયોગોનું અને તેમણે આત્મકથાના સ્વરૂપમાં આલેખેલા ‘સત્યના પ્રયોગો’નું પણ, કેમ કે તેમની જગવિખ્યાત આત્મકથાનાં પ્રકરણો ‘નવજીવન’માં હપ્તાવાર છપાતાં હતાં. સામયિકની લેખનસામગ્રીની જવાબદારી ગાંધીજીની હતી, પણ તંત્રીની કામગીરી ઇંદુલાલે ઉપાડવી એવું ઠર્યું હતું. આજે પણ ગાંધીઆશ્રમના gandhiheritageportal.org પર ઉપલબ્ધ ‘નવજીવન’ના લગભગ તમામ અંકોમાંથી પહેલો અંક જોતાં, તેમાં વાંચવા મળે છેઃ “આ પત્ર અમદાવાદમાં જમાલપુર રોડ પર નટવર પ્રિન્ટિંગ પ્રેસમાં ભોગીલાલ નારણદાસ બોડીવાળાએ છાપ્યું અને ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિકે તે જ સ્થળે પ્રકટ કર્યું છે.”

ગાંધીજી ‘નવજીવન’ના તંત્રી થયા છે, તે જાણીને આશરે અઢી હજાર લોકો તેના નવા ગ્રાહક બન્યા. પહેલા અંકની પાંચ હજાર પ્રત જોતજોતાંમાં ખપી ગઈ. ફરી પાંચ હજાર છાપવી પડી ને એ પણ વેચાઈ ગઈ. ત્રીજા અંકમાં વાચકોને જણાવવામાં આવ્યું કે “અમે બનતી મહેનતે જેટલા ઘરાકો લખે છે તેને ‘નવજીવન’ પહોંચાડવા પ્રયત્ન કરીએ છીએ, પણ એટલો અણધાર્યો દરોડો ‘નવજીવન’ ઉપર પડે છે કે માગણીને પહોંચી વળવું અશક્ય થઈ પડયું છે. આ અઠવાડિયે અમે ૧૨,૦૦૦ નકલ છપાવી છે, છતાં નકલો ઓછી છે એમ જાણીએ છીએ.”

સામયિક પોતાની રીતે કાઢવા માટે ગાંધીજીને પ્રિન્ટિંગ પ્રેસની જરૂર જણાતાં, તેમના સાથી-આશ્રમના કુશળ સંચાલક મગનલાલ ગાંધી અનસૂયાબહેન સારાભાઈ સાથે શહેરમાં પ્રેસ શોધવા નીકળ્યા. તેમણે ચૂડીઓળના નાકે ગલીમાં આવેલું મનહર પ્રિન્ટિંગ પ્રેસ છ હજાર રૂપિયામાં ખરીદ્યું અને તેને નામ આપ્યું: નવજીવન મુદ્રણાલય. મુદ્રક અને પ્રકાશક તરીકે શંકરલાલ બેન્કરનું નામ હતું. તેના સરપાવ તરીકે ૧૯૨૨માં લેખક ગાંધીજીની સાથોસાથ મુદ્રક-પ્રકાશક તરીકે શંકરલાલ સામે પણ રાજદ્રોહના આરોપ હેઠળ કેસ ચાલ્યો અને બંનેને સજા થઈ હતી.

ગાંધીજી ઉપરાંત મહાદેવભાઈ દેસાઈ, કાકાસાહેબ કાલેલકર, સ્વામી આનંદ જેવા ગાંધીયુગના ઉત્તમ કોટિના ગદ્યકારોની કલમનો લાભ ‘નવજીવન’ થકી ગુજરાતી વાચકોને મળ્યો. ગાંધીજીએ અસહકારની ચળવળ ઉપરાંત તેમના પ્રિય વિષયો હિંદુ-મુસલમાન એકતા અને અસ્પૃશ્યતાના વિરોધ માટે ‘નવજીવન’માં પાનાં ભરીને લખ્યું, માહિતી આપી, રોષભર્યા કે ટીકાત્મક પત્રોમાંથી ગરમી અને કડવાશ ગાળીને, તેમાંથી ચર્ચવાલાયક મુદ્દા વિશે લંબાણથી ચર્ચા કરી. પુષ્કળ જથ્થામાં લખવા માટે ‘બે હાથે લખવું’ એવો પ્રયોગ થાય છે. ગાંધીજીએ તો બંને અર્થમાં બે હાથે લખ્યું. ‘નવજીવન’માંથી નફો કરવાની તેમની જરા ય વૃત્તિ ન હતી. એટલે નફો થાય તો તે વાચકોને સામયિકનાં વધારાનાં પાનાં આપીને સરભર કરી દેવાતો હતો.

કેવો હતો અસહકાર યુગમાં ‘નવજીવન’નો સપાટો? ‘નવજીવનની વિકાસવાર્તા’ પુસ્તકમાં નોંધાયા પ્રમાણે, એ ગાળામાં ‘નવજીવન’નું વેચાણ ચાળીસ હજાર નકલોની આસપાસ પહોંચી ગયું. (એ વખતનાં – અને અત્યારનાં – ઘણાંખરાં લોકપ્રિય સામયિકો પણ આટલી નકલે પહોંચી શકતાં નથી.) ગુજરાતીમાં તો ઠીક, ઓગસ્ટ, ૧૯૨૧થી શરૂ થયેલા હિંદી ‘નવજીવન’ની પણ પંદર-અઢાર હજાર નકલ વેચાવા લાગી. ‘નવજીવન’ કામગીરીનો માહોલ આ શબ્દોમાં આલેખાયો છેઃ “આ વર્ષ દરમ્યાન ‘નવજીવન’ લગભગ અર્ધસાપ્તાહિક થઈ પડયું હતું. સાંકડી ગલીમાં ખંડેર જેવી વખારોની ઓરડીઓમાં લગભગ ૯૦ માણસો રાત અને દિવસ ચોવીસે કલાક કામ કરતા. એક જ ભાંગેલો છાપવાનો સંચો હતો તે આખું અઠવાડિયું રાત અને દિવસ કલાકના હજારની ઝડપે નકલો છાપ્યા કરતો. છાપાં વેચનારા છોકરાઓને માટે એક વખારના પાછલે બારણે ટિકિટ ઓફ્સિ જેવી બારી બેસાડી હતી અને મુખ્ય દરવાજો બંધ રાખવો પડયો હતો. ફેરિયાઓ બારીબારણાં ભાંગી નાખવામાં પણ અચકાતા નહીં ને આખા મહોલ્લાની વસતીને આખી રાત ભાગ્યે જ ઊંઘ મળતી.”

દાંડીકૂચ પછીના અરસામાં સરકારે ‘નવજીવન’નું પ્રેસ જપ્ત કર્યું, ત્યારે ટાઇપ કરેલા ‘નવજીવન’ની કોપી મશીન પર છાપેલી નકલો વહેંચાતી હતી, પરંતુ ૧૯૨૧-૨૨ના અસહકાર આંદોલન સમયનો સુવર્ણયુગ પાછો ન આવ્યો. લડતની ગરમી ઓસરી એટલે ‘નવજીવન’નું વેચાણ પણ ઘટી ગયું. ૭ સપ્ટેમ્બર, ૧૯૧૯ની તારીખ સાથે પ્રગટ થયેલા ‘નવજીવન’ના પહેલા અંકનાં ૧૬ પાનાં હતાં અને તેની છૂટક કિંમત એક આનો રાખવામાં આવી હતી. તેનો છેલ્લો અંક ૧૦ જાન્યુઆરી, ૧૯૩૨નો નીકળ્યો સોળ પાનાં અને કિંમત સવા આનો.

જમાના પ્રમાણે આનામાં કિંમત ધરાવતું ‘નવજીવન’ ગાંધીજીની લડત, તેમનું પત્રકારત્વ, તેમની અભિવ્યક્તિ અને એ સમયને સમજવા માટે અમૂલ્ય દસ્તાવેજ છે.

e.mail : uakothari@gmail.com

સૌજન્ય : ‘નવાજૂની’ નામે લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 15 સપ્ટેમ્બર 2019

Loading

હિન્દુસ્તાનમાં ઇસ્લામ ધર્મના પ્રવેશનો ઇતિહાસ

રમેશ ઓઝા|Opinion - Opinion|15 September 2019

ગયા અઠવાડિયાના લેખનો ઉપસંહાર કરતા કહેવામાં આવ્યું હતું કે ભારતમાં જે ઇસ્લામ ધર્મ આવ્યો હતો એ મહમ્મદ પ્રેરિત શુદ્ધ ઇસ્લામ નહોતો, અને ભારતમાં જે મુસલામન આવ્યા હતા તેને મહમ્મદ સર્ટિફિકેટ આપે એવા શુદ્ધ મુસલામન નહોતા.

દરેક ધર્મની બાબતમાં બને છે એમ ઇસ્લામની બાબતમાં પણ બન્યું હતું. એક તો લોકોની સ્થળ કાળ મુજબની ખાસ પોતોકી જરૂરિયાત હોય તે વિષે જો ધર્મગ્રંથમાં કોઈ ખુલાસો ન મળે તો શું કરવું? બીજું શાસકોની ખાસ જરૂરિયાત હોય અને ધર્મગ્રંથનું વચન તેની વિરુદ્ધ જતું હોય તો શું કરવું? આવું દરેક યુગમાં દરેક ધર્મની બાબતમાં બનતું આવ્યું છે. હિંદુઓ વર-કન્યાની કુંડળી ન મળતી હોય અને જો બેને લગ્ન કરવાં જ હોય તો ગ્રહોને શાંત કરવાનો કર્મકાંડ કરી આપે છે, એવું. દરેક ધર્મમાં છીંડાં પાડનારાઓ છીંડાં પાડી આપે છે.

ઇસ્લામમાં કુરાન પવિત્ર ગ્રંથ છે અને અંતિમ પ્રમાણ પણ છે. એ સિવાય મહમ્મદ પેગંબરે આયાત સિવાયનાં જે વચનો કહ્યાં હતાં તેને પણ પ્રમાણ માનવામાં આવ્યા. આ ઉપરાંત મહમ્મદસાહેબે વખતો વખત જુદા જુદા પ્રસંગે જે આચરણ કર્યું હતું અને વલણ અપનાવ્યું હતું તેને પણ પ્રમાણ માનવામાં આવ્યાં. આ બેને હદીસ કહેવામાં આવે છે અને ત્રણેને મળીને શરિયા કહેવામાં આવે છે. આમ મહમ્મદ સાહેબે આપેલી કુરાનની આયાતો, તેમનાં અન્ય વચનો અને તેમનું કાર્ય એ ત્રણેય મુસલમાનો માટે પ્રમાણ મનાય છે.

એક તો લોકોની વ્યવહારજન્ય જરૂરિયાત, શાસકોની સ્વાર્થજન્ય જરૂરિયાત અને તેમાં વધારાના પ્રમાણોની પૂરક બારીઓ ખોલવામાં આવી એ સાથે ભેળાણ થવા માંડ્યું. એમ કહેવાય છે કે એક સમયે હદીસોની સંખ્યા વધતા વધતા પાંચ લાખ જેટલી થઈ ગઈ હતી. જેને જેનો ખપ હોય એ હદીસ ઘડીને છીંડુ પાડી લેતો હતો. નવમી સદીમાં થઈ ગયેલા મહમ્મદ અલ બુખારીએ બધી જ હદીસો ચકાસીને જેટલી પયગંબરની સંભવિત હોય એવી હદીસોને નોખી તારવી હતી. બુખારીના કહેવા પ્રમાણે માત્ર ૭,૨૭૫ હદીસ એવી છે જેને પેગંબરના કર્મ-વચન તરીકે પ્રમાણ ગણી શકાય. ક્યાં પાંચ લાખ અને ક્યાં ૭,૨૭૫. ત્રણસો વરસમાં આટલો ફુગાવો થયો હતો.  શાસક અને ધર્માનુયાયીના સ્વભાવનું આમાં દર્શન થાય છે.

આ ઉપરાંત ઇસ્લામ એક રાજકીય ધર્મ છે. મહમ્મદ સાહેબના ગયા પછી ખલીફાઓની નિયુક્તિમાં ઝઘડા થવા માંડ્યા હતા અને તેમાં હત્યાઓ થઈ હતી. એ પછી શિયા અને સુન્ની એમ બે સંપ્રદાયમાં ઇસ્લામ વિભાજિત થયો હતો. અરબસ્તાનમાં સુન્નીઓનું પ્રમાણ મોટું હતું અને ઈરાન અને અડધા ઈરાકમાં શિયાઓનું પ્રમાણ વધારે હતું એટલે એને કારણે અરબસ્તાન અને ઈરાન એમ બે મુસલમાનોમાં સત્તાકેન્દ્રો વિકસ્યા હતા. એ બે દેશો વચ્ચે હરીફાઈ અને અથડામણો થવા લાગી. આમ એક બાજુ ઇસ્લામમાં સરળતા અને સમાનતાના ગુણ હોવાથી તેનો ઝડપથી વિકાસ થવા લાગ્યો હતો તો બીજી બાજુ તેની અંદર આંતરિક સમસ્યાઓ પણ પેદા થવા લાગી હતી. ત્રણસો વરસની અંદર અંદર એ ઇસ્લામ ધર્મ નહોતો રહ્યો જે મહમ્મદ સાહેબને અભિપ્રેત હતો.

ભારતમાં મુસલમાનોનો બે રીતે પ્રવેશ થયો હતો. એક વેપારી તરીકે અને બીજો આક્રમણકારો તરીકે. જે બીજા પ્રકારના મુસલમાનો આવ્યા એ મોડેથી આવ્યા હતા અને ત્યાં સુધીમાં તો ઇસ્લામનું સ્વરૂપ મૂળ કરતાં ઠીકઠીક માત્રામાં બદલાઈ ગયું હતું. બીજું તેઓ મુસલમાનો તો હતા, પણ સાચા મુસલમાનો નહોતા. તેઓ એ જ પ્રદેશમાંથી ભારતમાં આવ્યા હતા જ્યાંથી આ પહેલાં પણ તેમના પૂર્વજો આવ્યા હતા. તેઓ એના જ વારસો હતા જે આ પહેલાં પણ ભારત પર આક્રમણ કરી ચૂક્યા હતા. તેઓ એટલા જ જંગલી હતા જેટલા આ પહેલાના તેમના પૂર્વજ આક્રમણકારો હતા. ફરક એ હતો કે આગલી પેઢીના આક્રમણકારો ભારતમાં વસી ગયા હતા, અને તેમનો ઇસ્લામ જેવો કોઈ સંગઠિત ધર્મ નહોતો એટલે હિંદુ ખરલમાં વટાઈ ગયા હતા. બર્બરતા એટલી જ હતી, પરંતુ તેમનો કોઈ વિશિષ્ટ ધર્મ નહીં હોવાથી તેઓ ભારતીય બની ગયા હતા અને ઓગળી ગયા હતા.

બન્યું એવું કે જે ઇસ્લામ તુર્કી, મધ્ય એશિયા વગેરે અરબસ્તાનના ઉત્તરના દેશોમાં પહોંચ્યો એ મહમ્મદ સાહેબનો ઇસ્લામ નહોતો અને તેને જેમણે અપનાવ્યો એ ઇસ્લામને ખરેખર સમજ્યા પણ નહોતા. અર્ધ સંસ્કારી કબીલાઈ પ્રજા તેમના પૂર્વજો જેટલી જ હિંમતવાન હતી અને તેમણે મુસ્લિમ બનીને ભારત પર આક્રમણ કર્યા હતાં. પૂર્વજોનાં આક્રમણો આપણને ખટકતા નથી, પરંતુ સંતાનોનાં આક્રમણો ખટકે છે; એનું કારણ એ હતું કે તેમની નવી ધાર્મિક ઓળખને કારણે ખરલ ખોટવાઈ જવા લાગી હતી. ઇસ્લામનાં જે આદેશો છે એમાં ઈશ્વરની ઈબાદત, ખેરાત, યાત્રા, વગેરે તો બંને ધર્મમાં છે. જે ફરક છે એ મૂર્તિપૂજાનો છે. ભારતમાં જે મુસલમાનો આવ્યા હતા તેમણે મૂર્તિપૂજાને હિંદુ ધર્મની ઓળખ માની લીધી અને મૂર્તિપૂજાનો વિરોધ (અભાવ નહીં વિરોધ) મુસલમાનોની ઓળખ બનાવી દીધી. પોતાની એક વિશિષ્ટ ઓળખ માટે, પોતાનું સર્વોપરીપણું બતાવવા માટે અને હિંદુઓને નીચા દેખાડવા માટે તેમણે મૂર્તિપૂજાને મૂળ ઇસ્લામમાં જેટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે એના કરતાં વધુ મહત્ત્વ આપવા લાગ્યા. આ તેમની થોડીક જરૂરિયાત હતી અને વધુ તો તુમાખી હતી. આજે પણ ભારતીય મુસલમાનો કારણ વિના વંદે માતરમ્ નહીં ગાઈને મૂર્ખાઈનું પ્રદર્શન કરે છે. મૂર્તિપૂજાનો વિરોધ એ ઇસ્લામની કેટલીક ઓળખમાંથી એક છે એક માત્ર ઓળખ નથી, પણ પછીના મુસલમાનોએ તેને એકમાત્ર ઓળખ બનાવી દીધી હતી.

૧૧મી સદી પછી ભારતને જે ઇસ્લામનો પરિચય થયો એ મુખ્યત્વે અધૂરા મુસલમાનો દ્વારા થયેલો પરિચય હતો. બીજું, પેગંબર સાહેબના મૃત્યુ પછી આમ પણ ઇસ્લામમાં ઠીકઠીક પરિવર્તન થયું હતું અને એમાં અધૂરા મુસલમાનો દ્વારા જે ઇસ્લામ ભારતમાં આવ્યો એ તો હજુ વધુ અધુરો હતો.

(ક્રમશ:)

12 સપ્ટેમ્બર 2019

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 15 સપ્ટેમ્બર 2019

Loading

પર્યાવરણ અને અર્થતંત્રમાં અસંતુલન નોતરતી નફા કેન્દ્રી કૃષિ-નીતિ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|15 September 2019

ખેતીનું રાજકારણ અને વસ્તી વધારો, ક્લાઇમેટ ચેન્જથી ખડા થતા પ્રશ્નોને વધારે વિકટ બનાવે છે

આ અઠવાડિયાની શરૂઆતમાં વડાપ્રધાને યુનાઇટેડ નેશનનાં કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટીફિકેશનમાં ૧૪મી કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ(સી.ઓ.પી.)માં જાહેર કર્યું કે ૨૦૩૦ સુધીમાં ૨૬ મિલિયન હેક્ટર પડતર એટલે કે ઉજ્જડ જમીનને ખેતી લાયક બનાવાશે. વૈશ્વિક સ્તરે પર્યાવરણનાં પ્રશ્નનાં ઉત્તરમાં આપણાં રાષ્ટ્રની આ જાહેરાત અગત્યની ચોક્કસ છે. ૨૦૧૫માં પૅરિસમાં થયેલી ક્લાઇમેટ ચેન્જની બેઠકમાં જે વચન અપાયું હતું તેની સરખામણીએ આ આંકડો પાંચ મિલિયન હેક્ટર વધારે છે. ઇસરોનાં ડેઝર્ટીફિકેશન (રણનું વિસ્તરણ) અને લેન્ડ ડિગ્રેડેશન (જમીનની ગુણવત્તામાં પડતી થવી, જમીન ખેતીલાયક ન રહેવી) ઍટલાસ અનુસાર ભારતની ૩૦ ટકા જમીનની ગુણવત્તાનું પતન થઈ ચૂક્યું છે.

વડાપ્રધાને જે વાત કરી એ દિશામાં જો ખરેખર કામ થાય તો માત્ર પર્યાવરણ જ નહીં પણ ખેડૂતોનાં જીવનમાં પણ નોંધપાત્ર ફેર પડી શકે છે. જો કે આ કરવા માટે સરકારે સૌથી પહેલાં તો હરિયાળા વિસ્તારોની માપણી કરવાની પદ્ધતિમાં જ ધરમૂળથી ફેરફાર કરવો પડશે. પર્યાવરણ મંત્રાલયે વૃક્ષારોપણ લક્ષી વનીકરણને બદલે વૉટરશેડ મેનેજમેન્ટ, બાયોડાવર્સિટી કન્ઝરવેશન અને જમીનનાં સ્વાસ્થ્યને બહેતર બનાવવા જેવી બાબતો પર ધ્યાન આપવું પડશે. વનીકરણની વાત કરીએ તો ફોરેસ્ટ સરવે ઑફ ઇન્ડિયા અનુસાર ભારતનાં વનવિસ્તારમાં વધારો થતો આવ્યો છે, પણ આ થવા છતાં ય જમીન પર જે બોજ છે તેમાં લગીરેક ફરક નથી પડ્યો. સેટેલાઇટ ઇમેજીઝમાં દેખાતા લીલા હિસ્સાઓ જોઈને દેશનાં જંગલોનો ક્યાસ ન કાઢી શકાય કારણ કે તેમાં જંગલો અને વૃક્ષારોપણનો ભેદ નથી કળી શકાતો, અને માટે જ પડતર જમીન અને ગ્રીન કવરનું સંતુલન સમજવામાં આપણે ભૂલ કરી બેસીએ છીએ. મોનોકલ્ચર પ્લાન્ટેશન એટલે કે એક સરખાં પ્રકારનાં વૃક્ષોનો ઉછેર પર્યાવરણ માટે જોઈતું કરવામાં મર્યાદિત સાબિત થાય છે.

માપણી તો એક પાસું છે પણ ખેતીપ્રધાન કહેવાતા આપણા દેશમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જંગલોનાં સફાયા, વધુ પડતો પાક લેવાને કારણે, જમીન ધોવાણ અને વેટલેન્ડનાં પ્રમાણમાં ઘટાડો થવાને પગલે ઘણી જમીન પડતર બની ચૂકી છે. ફળદ્રુપ જમીનની આ ખોટને કારણે આપણો જી.ડી.પી. દર વર્ષે ૨.૫ ટકા જેટલો ઘટી રહ્યો છે અને કાયમી પાકની ઊપજ પર પણ તેનો માઠો પ્રભાવ પડ્યો છે. આપણા દેશ પર ક્લાઇમેટ ચેન્જની ઝડપી, અણધારી અને આકરી અસર થાય છે, અને માટે જ જમીનનું પતન આપણે ધારીએ તેનાં કરતાં કંઈક ગણો વધારે મુશ્કેલ મુદ્દો બને છે. પડતર જમીનમાં કાર્બન ડાયોક્સાઇડ શોષવાની ક્ષમતા નથી હોતી અને આપણે જાણીએ જ છીએ કે ગ્લોબલ વૉર્મિંગમાં કાર્બન ડાયોક્સાઇડ સૌથી મોટો અને હાનિકારક ખેલાડી છે. દુનિયાની કુલ જમીનનો ૨.૪ ટકા હિસ્સો જ આપણી પાસે છે, પણ દુનિયાની કુલ વસ્તીની ૧૮ ટકા આપણા દેશમાં છે. ક્લાઇમેટ ચેન્જને કારણે પાકની ગુણવત્તા પર, તેમાં રહેલા પોષક તત્ત્વોનાં પ્રમાણ પર, ચારો ખાનારાં પશુઓની ઉત્પાદન ક્ષમતા અને વિકાસ પર સીધી અસર પડે છે. ખેતી પ્રધાન દેશ હોવાને કારણે આ તમામ પાસાંઓ ભારતનાં અર્થતંત્ર પર સીધી અસર કરે છે.

આટલું ઓછું હોય તેમ ખેતીનું રાજકારણ અને વસ્તી વધારો, ક્લાઇમેટ ચેન્જથી ખડા થતા પ્રશ્નોને વધારે વિકટ બનાવે છે. ખેતરોનું કદ સંકોચાઈ રહ્યું છે જેને કારણે પુરવઠો મોંઘો થઈ રહ્યો છે તો બીજી તરફ સિંચાઈ માટે પાણી નથી રહ્યું. ભારતના કૃષિ ઇતિહાસ પર નજર કરીએ તો ‘હરિયાળી ક્રાંતિ’ને હંમેશાં ઉત્પાદનનાં માપદંડથી નાણવામાં આવી છે, પણ કમનસીબે ઉત્પાદન વધારવાની લ્હાયમાં પર્યાવરણને સંપૂર્ણ રીતે નિયંત્રિત કરાયું છે. જુદાં જુદાં પાક લેવાની વ્યૂહરચનાને બદલે કોઈ એક જ પાકનું વધુ ઉત્પાદન થાય તે રીતે પર્યાવરણની વિરુદ્ધ જઈને ફેરફારો કરાયા. જંતુનાશક અને ખાતરનો આડેધડ ઉપયોગ જમીનની ફળદ્રુપતા પર અસર કરતો ગયો. ઉત્પાદન વધારવાની દોડમાં ફાયદા કરતાં નુકસાન વધારે થયું. ૧૯મી સદીનાં છેલ્લાં ત્રીસ વર્ષ દરમિયાન ભારતે સૌથી ખરાબ દુકાળ જોયા. લોકો ભૂખથી મરી રહ્યા હતા પણ પાકની નિકાસ થઈ રહી હતી. છપ્પનિયા દુકાળ પછી ભારત એક એવા રાષ્ટ્ર તરીકે ઓળખાયું જે પોતાનાં જ લોકો માટે પૂરતો ખોરાક પેદા નથી કરી શકતું. હરિયાળી ક્રાંતિનો આરંભ દુકાળ કે ભૂખમરાને નાથવા કરતાં ઘઉંનાં ઉત્પાદનને વધારવાના હેતુ સર થયો હતો. બાજરા, જવાર, મકાઈ જેવા અન્ય ધાન અને ચોખા જેનો મુખ્ય ખોરાક છે તેવા દેશમાં ઘઉંના ઉત્પાદનને સૌથી વધારે મહત્ત્વ અપાયું. ઘઉં પ્રત્યેનો આ મોહ અંતે જમીનની ગુણવત્તા, ભૂગર્ભ જળ અને પશુ પાલનનાં અર્થ તંત્ર પર માઠી અસર કરનારો સાબિત થયો છે. ઉત્પાદન લક્ષી, ટૅક્નોલોજી કેન્દ્રી હરિયાળી ક્રાંતિના લોભમાં ખેડૂતોએ પાકની વિવિધતા જતી કરી છે, જેને કારણે દેશની ખોરાકની જરૂરિયાતોથી માંડીને પર્યાવરણનું સંતુલન ખાડે ગયું છે. ફળ, શાકભાજી અને મુખ્ય અનાજ સિવાયનાં પાકનાં ઉત્પાદનને મહત્ત્વ આપવું જ રહ્યું. ખેડૂતોને સાચું અને સર્વાંગી કૃષિ શિક્ષણ આપવાની પણ જરૂર છે નહીંતર દેવામાં ડૂબેલા, પાણીની તંગી અથવા અતિવૃષ્ટિને પગલે કે પછી સતત વિભાજિત થયા કરતી, ટુકડો જમીન જીવાડવામાં ખેડૂતો પોતાની જીવ આપતા રહેશે.

બાય ધી વેઃ 

વૈવિધ્ય જેનું લક્ષણ છે તેવો આપણો દેશ વિરોધાભાસની વિવિધતામાં રહેંસાઈ રહ્યો છે. ખેતરો વધ્યાં છે પણ તેમનું કદ સતત સંકોચાઈ રહ્યું છે. એક તરફ સરકાર પડતર જમીનને ખેતીલાયક બનાવવાની વાત કરે છે, તો બીજી તરફ પર્યાવરણલક્ષી ઊપજ નહીં પણ નિકાસ અને નાણાં લક્ષી ઉત્પાદન થઈ રહ્યું છે. જ્યાં પાણી છે ત્યાં જેને બહુ પાણીની જરૂર નથી એવા પાક લેવાય છે તો જ્યાં ભૂગર્ભ જળનું સ્તર પણ તળિયે ગયું છે, ત્યાં ખેતરોમાં પાણી માગે લે એવા પાક થઈ રહ્યાં છે. આયાત-નિકાસમાં સરકાર પોતાનો ફાયદો જુએ છે અને જે અહીં ઊગાડી શકાય તેવા અન્ય ધાન્ય વિદેશથી આયાત કરાય છે. જમીનનાં દસ્તાવેજનાં ઠેકાણાં નથી એટલે ખેડૂતો પોતાને માટે એટલી આવક પણ નથી મેળવી શકતા કે તેમનું ગુજરાન ચાલી શકે.  આપણા ખેતી પ્રધાન દેશની આ વાસ્તવિકતા છે અને ચિત્ર ત્યારે જ બદલી શકાશે જ્યારે પર્યાવરણ અને છેવાડાનાં માણસનું હિત ગણતરીમાં લઇને નીતિ ઘડાશે.

સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 સપ્ટેમ્બર 2019

Loading

...102030...2,6852,6862,6872,688...2,7002,7102,720...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved