Opinion Magazine
Number of visits: 9576347
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જ્યાં સુધી ‘ગંગામાં નાહી લેવાથી’ પુણ્ય મળતું રહેશે, ત્યાં સુધી ગંદકી રહેવાની…

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 November 2019

સ્વચ્છ ભારત અભિયાનને પાંચ વર્ષ પૂરાં થઇ ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨ ઓકટોબર, ૨૦૧૪ના દિવસે તેની શરૂઆત કરી હતી. ૨ ઓકટોબર ૨૦૧૯ના રોજ, મહાત્મા ગાંધીની જન્મ જયંતીને દિવસે, મોદીએ ભારતને ખુલામાં શૌચ મુક્ત જાહેર કર્યું હતું. વડાપ્રધાનની દિવાળી પહેલાંની છેલ્લી હાઈપ્રોફાઈલ મિટીંગ ચીનના રાષ્ટ્રપતિ શી ઝીન્પીંગ સાથે હતી, ત્યારે તેમણે મહાબલીપુરમના સમુદ્ર કાંઠે કચરો વીણીને, નવા વર્ષે સ્વચ્છતા અભિયાનને વધુ એક ધક્કો આપવા પ્રયાસ કર્યો હતો. પાંચ વર્ષ પછી, એવું ખોંખારીને કહી શકાય કે ભારત સ્વચ્છ બની ગયું છે, અથવા વધુ મહત્ત્વની રીતે પૂછીએ તો, ભારતીયો સ્વચ્છતા માટે જાગી ગયા છે?

ભારતમાં ગંદકીનો પ્રશ્ન માત્ર શારીરિક નથી, એ એક જટિલ સામાજિક માનસિકતા છે. વડાપ્રધાન આ માનસિકતાને બદલવા પ્રયાસ કરી રહ્યા છે. સ્વચ્છતા અભિયાનના સરકારી આંકડા ભલે જે કહેતા હોય તે, મૂળ તો આ માનસિકતાનો સવાલ છે, અને જ્યાં સુધી લોકોના વિચારોમાં પરિવર્તન નહીં આવે, તંદુરસ્તીની અગત્યતા નહીં સમજાય અને ખાસ તો, સામાજિક પરિસ્થિતિઓમાં ક્રાંતિ નહીં આવે, ત્યાં સુધી ભારત, દાખલા તરીકે, દુનિયાના સૌથી સ્વચ્છ દેશો સ્વિટ્ઝર્લૅન્ડ કે ફ્રાંસની તોલે નહીં આવે.

વડાપ્રધાને પાંચ વર્ષ પહેલાં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું, ત્યારે ટોકિયો-જાપાનથી પ્રકાશિત થતી, એશિયા-પેસેફિક કેન્દ્રિત 'ધ ડિપ્લોમેટ' પત્રિકામાં લખવામાં આવ્યું હતું કે ભારતના લોકોમાં (મશીનથી વિપરીત) શારીરિક શ્રમ પ્રત્યે એક ચોક્કસ અભિગમ છે, અને એના કારણે અસ્વચ્છતા ફેલાય છે. ભારતની ગંદકી ગરીબી દૂર કરવાથી દૂર નહીં થાય, કારણ કે દુનિયામાં ઘણાં દેશો એવા છે, જે ગરીબ છે પણ અત્યંત સ્વચ્છ છે, એમ 'ધ ડિપ્લોમેટે' કહ્યું હતું.

સ્વચ્છતાના બે પહેલુ છે : શારીરિક અને માનસિક. દુનિયાના તમામ ધર્મો અને રીતિ-રિવાજો શરીર અને મનને સ્વચ્છ રાખવાની જરૂરિયાતમાંથી આવ્યા છે. તમામ ધાર્મિક વચનો અને કાનૂની નિયમો માણસને ‘તન અને મન’થી પવિત્ર રહેવા પર ભાર મૂકે છે. આપણી તમામ ધાર્મિક પરંપરાઓ અને વિધિઓમાં તનશુદ્ધિને બહુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. કેમ? કારણ કે મનશુદ્ધિનો સૌથી સરળ અને હાથવગો ઉપાય તનશુદ્ધિ છે. મતલબ કે શરીરને ધોઈ નાખો, તો મન પણ ધોવાઇ જાય. આ જ કારણથી આપણી સાર્વજનિક જગ્યાઓ ગંદી છે, કારણ કે લોકો પોતના ઘરમાં તો સ્વચ્છતા રાખે છે, પણ એ કચરો ઘરના દરવાજામાંથી બહાર ફેંકે દે છે. એનો અર્થ એ થયો કે હું (કે મારું ઘર) સ્વચ્છ છે, એ પૂરતું છે અને એ કચરાથી બીજા લોકો ગંદા થાય, તે પ્રશ્ન મારો નથી. આ માનસિકતાના કારણે જ દુનિયામાં સૌથી વધુ ખુલ્લામાં શૌચ કરતો દેશ ભારત છે.

ખ્રિસ્તી મિશનરીઓએ 18મી-19મી સદીમાં જે સ્વચ્છતા અભિયાન ચલાવેલું તેમાંથી કહેવત આવેલી કે ‘સ્વચ્છતા એ જ પ્રભુતા છે.’ ગાંધીજીએ આમાંથી જ પ્રેરણા મેળવી હતી. ગાંધીજી કેમ ભારતીયોમાં સ્વચ્છતાની તીવ્ર ઈચ્છા જગવવામાં નિષ્ફળ રહ્યા? કારણ કે મોટા ભાગના ભારતીયો એવું માને છે કે ન્હાઈ-ધોઈ લો એટલે આપણે સ્વચ્છ થઇ ગયા, પણ બહાર ગંદકી થતી હોય તેનું શું? મોટા ભાગના લોકોને તેની કોઈ ફિકર નથી. કારણ એ છે કે આપણે સમાજને સ્વચ્છ રાખવામાં માનતા નથી (યુરોપમાં સાર્વજનિક સ્વચ્છતાની તીવ્ર ભાવના છે). ગાંધીજી ભારતીયોની આ માનસિકતા દૂર કરવામાં નિષ્ફળ ગયા હતા.

2010માં ‘સાયન્સ’ નામના પ્રતિષ્ઠિત સામયિકે એક અભ્યાસમાં આચરણ અને અહેસાસ વચ્ચેના સંબંધનો ફોડ પાડીને કહેલું કે હાથ ધોવાની સામાન્ય ક્રિયા ય માણસને નૈતિક અપરાધબોધમાંથી મુક્તિ આપે છે એટલું જ નહીં, બીજાની અનૈતિકતાને ય માફ કરવા પ્રેરે છે.

સરળ રીતે કહીએ તો હાથ ધોવા એટલે પાપ ધોવાં! દુનિયાના તમામ ધર્મોમાં સ્નાન કરવાની ક્રિયા આટલા માટે જ કેન્દ્રસ્થાને છે. ધર્મોએ મનશુદ્ધિ માટે તનશુદ્ધિ પર ભાર મૂક્યો, તેમાંથી એક માન્યતા પ્રચલિત બની છે કે ગંગામાં નાહીએ તો સર્વે પાપ ધોવાઇ જાય. મેલી ગંગાને સાફ કરવાની સરકારી યોજનાઓ નિષ્ફળ રહેવાનું કારણ એ છે કે જે કામ તમે તાર્કિક રીતે શરૂ ન કરો, એ કામ તર્ક સંગત રીતે ખતમ પણ ન થાય. જેમ પગમાંથી કાંટો કાઢવા બીજા કાંટાની જરૂર પડે છે, તેમ એક અંધશ્રદ્ધાને ખતમ કરવા બીજી અંધશ્રદ્ધાની આવશ્યકતા રહે છે. ગંગા ગંદી જ એટલા માટે થઇ છે કારણ કે લોકો એવું મને છે કે તેના પાણીમાં ન્હાવાથી મનશુદ્ધ થઇ જાય છે.

જ્યાં સુધી ‘ગંગામાં નાહી લેવાથી’ પુણ્ય મળતું રહેશે ત્યાં સુધી ગંદકી રહેવાની.

આપણી નદીઓમાં, શહેરોમાં ગંદકી એટલા માટે નથી કે આપણને સ્વચ્છતા ગમતી નથી. ગંદકી એટલા માટે છે કે આપણે તનશુદ્ધિ કરીને મનશુદ્ધિનું પુણ્ય કમાવી લેવાની ફિરાકમાં છીએ. ‘મેં તો ગંગામાં નાહીને પાપ ધોઇ નાખ્યું. મારું કામ થઇ ગયું. હવે ગંગા મેલી છે કે સાફ એનાથી શું ફરક પડે છે’ એવી માનસિકતા ગંગાની (અને સાર્વજનિક જગ્યાઓની) ગંદકી માટે જવાબદાર છે.

ગાંધીએ તનશુદ્ધિની સાથે સાથે મનશુદ્ધિની વાત પણ કરેલી, અને એ માટે એમણે વૈચારિક સફાઇનું સૂચન કરેલું. ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. તેમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાં : સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા. વડાપ્રધાન જો ખરેખર ભારતને સ્વચ્છ અને સુખી દેશ બનાવવા માંગતા હોય, તો આ ૭ બાબતો અપનાવવા જેવી છે.

જે દેશમાં ‘ગંગામાં નાહી લેવાથી’ સર્વે પાપ ધોવાઇ જાય છે તેવી માન્યતા પ્રબળ હોય, તે દેશમાં મનશુદ્ધિની વાત કર્યા વગર તનશુદ્ધિના જાપ જપવાનો કોઇ મતલબ નથી, એવી ગાંધીજીને ખબર હતી. સાધન શુદ્ધિના ગાંધીજીના આગ્રહ પાછળ આ જ ડહાપણ હતું. તેમણે સુભાષચંદ્ર બોઝનું સમર્થન ન કર્યું કારણ કે બોઝ હિંસક ક્રાંતિ મારફતે સ્વતંત્રતા મેળવવાના આગ્રહી હતા. એવી જ રીતે શરીર સ્વચ્છ હોય, પણ મન ગંદુ હોય, તો પછી સ્વચ્છતાનો શું મતલબ?

1925માં એમણે ‘યંગ ઇન્ડિયા’માં લખેલું, ‘મનશુદ્ધિ વગર માત્ર તનશુદ્ધિ વડે ઇશ્વરની કૃપા ન મળે.’ ગાંધી માટે સ્વચ્છતા એ જાહેર આરોગ્યનો જ વિષય ન હતો. એમણે મંદિરમાં દલિતોના પ્રવેશ સામે સત્યાગ્રહ કરેલો. એમણે એક અનાથ મુસ્લિમ બાળકને દત્તક લેવા હિન્દુને સમજાવેલો. આ બધી વાતો મનશુદ્ધિની છે. તેમણે કહેલું કે, ‘ગંદા પગ લઇને હું કોઇને મારા મનમાં ચાલવા નહીં દઉં.’

સ્વચ્છ ભારતનો ગાંધીજીનો સંદેશ ફિલોસોફિકલ હતો. 1935ના ‘હરિજન’ના અંકમાં એ લખે છે, ‘શરીરના આરોગ્ય માટે જેમ સ્વચ્છતા જરૂરી છે, તેવી રીતે આત્માના સ્વાસ્થ્ય માટે આધ્યાત્મિક શુદ્ધતા જરૂરી છે. હકીકતમાં આત્મા શુદ્ધ હશે, તો શારીરિક સ્વચ્છતા એની જાતે આવશે. સ્વચ્છતાનો સંબંધ આંતરિક અને બાહ્ય છે. અંદરની સ્વચ્છતા એટલે સત્યપ્રેમ. સત્ય પવિત્રતાની પહેલી શરત છે અને એ સ્વચ્છતાનું બીજું નામ છે. આપણે બહારથી સ્વચ્છ અને સાફ હોઇએ, પરંતુ મનથી ગંદા હોઇએ તો આપણે દંભ કરી રહ્યા છીએ. એટલે, જે ભાઇ-બહેન નિયંત્રિત જીવન જીવવા માગે છે તેમના માટે બાહ્ય સ્વચ્છતા ત્યારે જ મતલબવાળી હશે જો એમની અંદર સ્વચ્છતા હશે.’

આ વાંચ્યા પછી સમજી શકાય છે કે ગંગા નદીમાં પોતડી પહેરીને ન્હાતા હોય, તેવા ગાંધીનો એકે ય ફોટો કેમ નથી.

Loading

પીડા અને સુખ-પરિશીલન

સુમન શાહ|Opinion - Opinion|9 November 2019

મેં આ વર્ષના – ૨૦૧૯ના – મે-થી જૂન દરમ્યાન પીઓરીઆની 'ઈલિનોય સૅન્ટ્રલ કૉલેજ'માં – ICCમાં – અમેરિકન વિદ્યાર્થીઓને ૬ અઠવાડિયાં માટે દરેક મંગળવારે ૨ કલાક ભણાવ્યું હતું.

૬ અઠવાડિયાંના મારા એ કોર્સનો વિષય હતો : Suffering and the pursuit of Happiness : પીડા અને સુખ-પરિશીલન.

સ્વાભાવિક છે કે મેં અંગ્રેજીમાં જ ભણાવેલું. ચર્ચાઓ પણ અંગ્રેજીમાં થયેલી. હું એ વ્યાખ્યાનોને આવશ્યક કાપકૂપ સાથે આ સ્થાને ગુજરાતીમાં લગભગ અનુવાદ રૂપે મૂકું છું. આશા છે કે સૌને ગમશે.

= = =

ઉપરના આયોજન અનુસાર, આ સ્થાને મેં તારીખ ૧૨, ૧૯ અને ૨૬ ઑક્ટોબરે, કેટલીક વાતો કરી હતી. તેના અનુસન્ધાનમાં આગળ … 4

પીડાનાં મુખ્ય કારણોમાંનાં બે :

અ : પસંદગીઓને કારણે પીડા —

જીવનના આ કઠિન તથ્ય વિશે વિચારીએ કે આપણે મનુષ્યો ઘણી મોટી સ્વતન્ત્રતા સાથે જન્મ્યાં હોઈએ છીએ. એ સ્વતન્ત્રતા એટલી બધી મોટી છે કે આપણે કોઈ પણ વસ્તુ પસંદ કરી શકીએ. કોઈ વિચાર કશી વાત કે કશું પણ કાર્ય પસંદ કરી શકીએ. આપણે સર્વથા મુક્ત હોઈએ છીએ. પરન્તુ છેલ્લે જે હકીકત હાથ આવે છે તે એ કે આપણે કરેલી આપણી પસંદગી બરાબર ન્હૉતી ! પસંદ કરેલો આપણો વિચાર, વાત કે આપણું કાર્ય ગલત હતાં. ધીમે ધીમે આપણને સમજાય છે કે – નો ચૉઇસ વૉઝ રાઇટ ચૉઇસ; અને આપણે દુ:ખી થઈ જઈએ છીએ.

પસંદગી માનવીય પીડાનું એક મહા મોટું કારણ છે.

પીડાના આ કારણને સમજવા આ એક સામાન્ય દાખલો :

ધારો કે, કોઈ સ્ટોરમાંથી, ‘વૉલમાર્ટ’-માંથી, આપણે ટૂથપેસ્ટ ખરીદવા ગયા છીએ. ત્યાં જે ૧૦ ટૂથપેસ્ટ હતી એમાંથી આપણે કોઈ ૧ પસંદ કરીએ છીએ. એકાદ અઠવાડિયામાં સમજાય છે કે પેસ્ટ બરાબર નથી, પસંદગી ખોટી હતી. આવું આપણી કોઈ પણ પસંદગી બાબતે બને છે. – કાર, ફોન, હાઉસ, વગેરે. માનવીય સમ્બન્ધ માત્ર વિશે આવું બને છે -ઍમ્લોયર / ઍમ્પલોઈ; ફ્રૅન્ડ્ઝ કે બૉયફ્રૅન્ડ / ગર્લફ્રૅન્ડ; કે વાઈફ / હસ્બન્ડ … જ્હૉન કહેતો હોય છે કે પોતે જે કમ્પનીમાં જોડાયેલો એ બોગસ નીકળી; મિત્ર જ દુશ્મનની જેમ વર્તવા માંડે; પત્ની કે પ્રિયા છોડીને ચાલી જાય; વગેરે.

મોટા ભાગની પસંદગીઓ માટે વ્યક્તિ પોતાને દોષી માનવા લાગે છે. કહે – ઉતાવળ થઈ ગઈ. બીજે જોયું જ નહીં . ઘણા કહેતા હોય છે – આથી વધારે સારું મળ્યું હોત, પણ ચૂકી જવાયું, થતાં થઈ ગયું, શું કરીએ … ઝીણી ઝીણી પીડા શરૂ થઈ જાય છે ને વ્યક્તિ એક નવી પસંદગી ન કરે ત્યાં લગી ચાલુ રહે છે, નવી પસંદગીનું તાત્ત્વિક ભાવિ પણ એ જ હોય છે.

પસંદગીઓને કારણે પીડા એ મુદ્દામાં એક ઑર હકીકત ઉમેરાતી હોય છે :

મોટા ભાગના લોકો મોટે ભાગે પોતાની પસંદગીનું મૂલ્ય નથી ચૂકવતા. એ માટે તૈયાર કે તત્પર નથી હોતા. એટલું જ નહીં, પોતાની જ પસંદગીને ડિઝ-ઓન કરે છે. કહે, એ તો મારા ડૅડની ચૉઈસ હતી, મારી નહીં. છોકરી કાકાએ પસંદ કરેલી, મેં નહીં … આપણી જ પસંદગીનો બોજ આપણાથી વેઠાતો નથી. આપણને યાદ જ નથી રહેતું કે આપણી પસંદગીનું મૂલ્ય આપણે જ ચૂકવવાનું હોય છે.

કોઈ કનટ્રોલ-ફ્રીકના હાથે હસતા મુખે ત્રાસ અનુભવતી યુવતી.

બીજું પિક્ચર ICC -ના કૅટરિન્ગ સૅન્ટરનું છે.

નાનો ઉપસંહાર :

૧ : પસંદગીઓ હંમેશાં આપણને પ્રાપ્ત ક્ષેત્રમાંથી જ થતી હોય છે અને એ ક્ષેત્ર સ્વાભાવિક છે કે હંમેશાં મર્યાદિત હોય છે.

૨ : મોટા ભાગની પસંદગીઓ છેવટે અસંતોષ આપે છે. આપણને આપણી ભૂલોનો અહેસાસ કરાવે છે. આપણને પસ્તાવો કરાવે છે – બીજાં અનેક ક્ષેત્રોમાં અનેક પસંદગીઓનો અવકાશ હતો પણ મેં એ ક્ષેત્રો શોધ્યાં નહીં.

૩ : એટલે આપણે ઇચ્છાએ કે અનિચ્છાએ સ્વીકારવું રહ્યું કે કોઇ પણ પસંદગી ખરી નથી ઊતરતી, એટલું જ નહીં, પણ દરેક પસંદગી પ્રશ્નાર્થ હેઠળ ઝઝૂમતી હોય છે, દરેક પસંદગી અન્ય પસંદગીને ચીંધતી હોય છે.

૪ : પ્રત્યેક વૈયક્તિક પસંદગી સામે એનાં કેટલાંક મુકરર ચૂકવણાં હોય છે, પણ વાસ્તવમાં ઊંધું-અવળું જ બનતું હોય છે.

૫ : આ રીતે આપણે શીખવું જોઈશે કે પસંદગીની સ્વતન્ત્રતા, ફંટાઈ જાય છે, સાચી દિશામાં નથી જતી. એવી વિ-પથે પળેલી પસંદગી અસંતોષ અને બેચૅની પેદા કરે છે, જે ક્રમે ક્રમે પીડા રૂપે અનુભવાય છે.

૬ : રોજિંદું જીવન ટેવોથી જિવાતું હોય છે. એ રીઢી ટેવો આપણને પસંદગીઓની આ મૂળ ભાત લગી નથી પ્હૉંચવા દેતી. અને એને પરિણામે, આપણને કશા ઉપકારક ઉકેલ નથી જડતા.

આપણે રૂટિન લાઇફ વિશે ભાગ્યે જ વિચારીએ છીએ. આપણને ભાન નથી પડતું કે સવારથી માંડીને રાત્રે પથારીમાં પડીએ ત્યાં લગીમાં આપણે શું કર્યું બલકે જે કર્યું તે કેવી રીતે કર્યું. રૂટિનને મનોવિજ્ઞાનીઓ ટેવોની હારમાળા કહે છે એ મને સર્વથા ઉચિત લાગ્યું છે. આપણે એવો ભરોંસો રાખીને જીવીએ છીએ કે ટેવો વડે જીવન સરળતાથી જિવાશે. એ ભરોંસો લગભગ સાચો છે છતાં આપણે ભાગ્યે જ વિચારીએ છીએ કે એ સરળતા વાસ્તવમાં કેટલી બધી ઓછી હતી.

બ : બધાં પર કાબૂ મેળવવાની વૃત્તિને કારણે – કન્ટ્રોલ ફૅક્ટરને કારણે – પીડા :

આપણા સૌનો અનુભવ છે કે બીજાંના અન્ડરમાં રહીને કામ કરવું આપણને નથી ગમતું. કહો કે, કેટલું બધું પીડાદાયક હોય છે. તેમ છતાં, આપણામાંના ઘણા બીજાંઓને પોતાના કાબૂમાં રાખવા ઇચ્છતા હોય છે. ઇચ્છા પાર પાડવાને ગાળાગાળી કરતા હોય છે, એથી મોટી મારઝૂડ જેવી હિંસા પણ અજમાવતા હોય છે.

પરન્તુ બીજાંઓને કાબૂમાં લેવાં કે રાખવાં એ માનવસ્વભાવ છે. એમ આપણે બીજાંઓનાં ભલા માટે કરતા હોઈએ છીએ -જેમ કે, માબાપો સન્તાનોને એમના ઉત્તમ ભાવિ માટે; વેપારીઓ કામદારોને વેપારના સર્વોત્તમ પરિણામ માટે, એટલે કે, નફા માટે; પતિઓ પત્નીઓને અને પત્નીઓ પતિઓને કાબૂમાં લે એ આમ તો રૂડુંમીઠું દેખાય છે છતાં કટુ હોય છે અને એના સ્વાભાવિક પરિણામ લગી પ્હૉંચે ત્યાંલગી એવું – ને – એવું સંમિશ્ર રહે છે.

જાણીતું છે કે આવા કાબૂખોર લોકોને ‘કન્ટ્રોલ-ફ્રીક’ કહેવાય છે. પરન્તુ એથી આસપાસનાં સૌને કે સમગ્ર સમાજને કશો જ ફાયદો નથી થવાનો. સામાવાળા તો દુખી થશે જ પણ એ પોતે પણ થશે, થશે જ, ને કાયમ એમ જ રહેશે !

આથી સામેનું સત્ય એ છે કે આપણને આપણા પોતાના કન્ટ્રોલમાં રહેવું હંમેશાં ગમે છે. એટલે કન્ટ્રોલ-ફ્રીકે અને આપણે સૌએ એક યાદી બનાવી લેવી જોઈએ કે આપણને કઈ કઈ બાબતે પોતાના કન્ટ્રોલમાં રહેવું ગમે છે. એ યાદીમાં એક એ ઉમેરવું કે બીજાંને કન્ટ્રોલમાં લેવાનું મને નહીં ગમે, ને એ હું નહીં કરું.

= = =

તારીખ : ૮ નવેમ્બર ૨૦૧૯

પીઓરીઆ : યુ.ઍસ.એ.

Loading

‘હેલ્લારો’ : સર્જકતા, સમજ અને મહેનતથી બનેલી ફિલ્મ, શું તેની છાલક પુરુષપ્રધાન માનસને ભીંજવી શકશે ?

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|8 November 2019

હિન્દી સહિત દેશની બધી ભાષાની ફિલ્મોમાં સર્વોત્તમ ફિલ્મનું સન્માન મેળવનાર પહેલી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ આજે પ્રદર્શિત થઈ રહી છે. અત્યાર સુધી રંગકર્મી તરીકે જાણીતા છત્રીસ વર્ષના અભિષેક શાહે દિગ્દર્શક તરીકેની આ પહેલવહેલી ફિલ્મમાં જ આ ઝળહળતી સફળતા મેળવી છે. કચ્છનાં રણની ભૂમિ પર રચેલી આ ફિલ્મની બીજી એક મોટી સિદ્ધિ એ છે કે તેમાં ભૂમિકા ભજવતી તેર અભિનેત્રીઓનાં વૃંદને નિર્ણાયકોનું સ્પેશ્યલ જ્યૂરી  પ્રાઇઝ મળ્યું છે. આ કલાકાર બહેનોએ ફિલ્મમાં ‘વાગ્યો રે ઢોલ, બાઈ વાગ્યો રે ઢોલ’ એવો ઝકઝોળી દેનારો ગરબો કર્યો છે. એ ચાર મિનિટની નૃત્યકૃતિ માટે તેમણે ગયાં વર્ષે કચ્છનાં રણની વચાળે આવેલી એક જગ્યાએ માર્ચ-એપ્રિલની ગરમીમાં પિસ્તાળીસ ડિગ્રી જેવાં તાપમાનમાં ત્રીસેક કલાકનું શૂટિંગ કર્યું. બહેનોના પગ દઝાતા એટલું જ નહીં બાવળના કાંટા પણ ભોંકાતા. પાટા બંધાય નહીં કારણ કે તે કૅમેરામાં આવે, એટલે પારદર્શક સેલો ટેપ જ લગાવીને ચલાવી લેવું પડ્યું.

ગરબો ખુલ્લા પગે થતો બતાવવાનો હતો કારણ કે ફિલ્મની વારતા 1975ના ગાળામાં દુનિયાથી ઘણાં પાછળ, પછાત અને રૂઢિચુસ્ત ગામમાં પુરુષોની પુષ્કળ જોહુકમી નીચે જીવતી સ્ત્રીઓની છે. આવું ગામ કચ્છમાં અત્યારે ક્યાં ય નહીં હોય. પણ દિગ્દર્શક અને અઢીસો કલાકારો-કસબીઓની તેમની ટીમે ભૂંગા સહિતનું અસલ કચ્છી આ આખું ગામ અપાર મહેનતથી ઊભું કર્યું છે. આ ગામની બહેનોને ઘરની બહાર જવાનું તે માત્ર રેતીમાં પાંચ-છ માઇલ ચાલતાં પાણી ભરવા માટે. બાકી એમનાં જીવતરમાં કશું જ નથી. વાતચીત પર પણ પાબંધી હોય તો વળી નાચવા-ગાવાની તો વાત જ ક્યાં રહી ? ગરબા પણ પુરુષો જ ગાય, અને સ્ત્રીઓ જાળીમાંથી જુએ. એવામાં તેમને એક ઢોલી મળે છે અને તેમની જિંદગી જ બદલાઈ જાય છે. તે ગામની બહાર રણમાં પાણી ભરવા જાય ત્યારે ઢોલીના ઢોલના તાલે ગરબા લેતી થાય છે. ઘરમાં એકલી એકલી તો ક્યારેક મનમાં ને મનમાં ગરબા લેતી થાય છે. ગામનો એક નર રણમાં થતાં આ ગરબા જોઈ જાય છે, અને પછી જે આવે છે તે હેલ્લારો છે.

‘હેલ્લારો એટલે અવાજ સાથે આગળ વધવું તે, હડસેલો, ધક્કો, મોજું, તરંગ, લહેર’, એમ ‘ભગવદ્દગોમંડલ’ શબ્દકોશનો હવાલો આપીને કહેતાં અભિષેક ફિલ્મના અર્થપૂર્ણ નામ અંગેની વાત માંડે છે, જે અભિષેકે આ ફિલ્મ વિશે ‘ઐતિહાસિક સફળતા પાછળની અંતરંગ વાતો’ મથાળા હેઠળ ‘સાર્થક જલસો’ અર્ધવાર્ષિકના તાજેતરના અંકમાં વાંચવા મળે છે. દિગ્દર્શક લખે છે : ‘ફિલ્મની વાર્તા એવી છે કે સ્ત્રીઓની અભિવ્યક્તિને દબાવવામાં આવી રહી છે અને તે એકદમ ધસમસતી બહાર નીકળી આવે છે. એક લીટીમાં કહું તો, સ્ટોરી સપ્રેશન(દમન)થી એક્સપ્રેશન(અભિવ્યક્તિ)ની છે. ફિલ્મનાં નામમાં પણ એ ભાવ આવવો જોઈએ. ફિલ્મનાં સંવાદો અને ગીતો લખનારા સૌમ્ય જોશી સાથે ફિલ્મ વિશે વાત કરવા બેઠા હતા ત્યારે તેમણે અચાનક કહ્યું, ‘હેલ્લારો’. આ નામની કવિતા પણ  રમેશ પારેખે લખી છે. ગુજરાતીના અધ્યાપક સતીશ વ્યાસને પૂછતાં તેમણે ગુજરાતી સાહિત્યમાં હેલારો શબ્દ ક્યાં વપરાયો છે એના થોડા દાખલા આપ્યા, કાઠિયાવાડમાં તે ‘હેલ્લારો’ કેવી રીતે થયો અને રમેશ પારેખની કવિતા થકી વધારે પ્રચલિત કેવી રીતે બન્યો તે સમજાવ્યું.’

છબિ સૌજન્ય : બિનીત મોદી. (ડાબેથી) અભિષેક શાહ, પ્રતીક ગુપ્તા, મીત જાની તથા આયુષ પટેલ

ફિલ્મનું વૈચારિક પાસાં વિશેની અભિષેકની પહેલવહેલી વિગતવાર મુલાકાત છેક સોળમી ઑગસ્ટે મરાઠી સાપ્તાહિક સમાજવાદી વિચારપત્ર ‘સાધના’ના ડિજિટલ પ્લૅટફૉર્મ ‘કર્તવ્યસાધના’ પર પ્રસિદ્ધ થઈ. તેમાં અભિષેક કહે છે : ‘આ કથાનું વન-લાઇનર એક ગુજરાતી લોકગીતમાંથી જડ્યું. એ લોકગીત સાંભળતી વખતે એમાંની સ્ત્રીઓનાં કથનથી મને લાગ્યું કે આ પાત્રોને લઈને વાર્તા કહી શકાય. ફિલ્મની વાર્તા લોકગીતની નથી, લોકગીતમાંથી પ્રેરિત છે. લોકગીતમાં એવું બને છે કે સ્ત્રીઓ ગરબા ગાતી હોય છે અને એમની સાથે એક ઢોલી હોય છે. એમનો ગરબો એ ઢોલીના તાલ પર આધારિત છે. લોકગીતમાંની કથા બહુ જ લાંબી હતી, પણ મેં ફક્ત ગરબા કરતી સ્ત્રીઓ અને ઢોલ વગાડનારો ઢોલીના પાત્રોને લીધાં અને પછી ફેમિનિસ્ટ દૃષ્ટિકોણથી વાર્તા સાકાર કરી ….’

આ દૃષ્ટિકોણનો કંઈક અંદાજ ફિલ્મના અઢી મિનિટનાં ટ્રેલરમાં સૌમ્ય જોશીના સંવાદોમાંથી મળે છે. જેમ કે, એક મરદ એની ઘરવાળીને કહે છે : ‘તારાં ગામમાં ગરબા રમતી’તી, આંય ના રમાય. અહીં ન્યાતના નિયમ પહેલાં, મરજાદાથી મોટું બીજું કાંઈ નહીં’. બીજો એક નર યુવતીને લાફો મારતાં પહેલાં કહે છે : ‘ કીધું’તું ને, પાંખ ફૂટી હોય કે શિંગડાં, જાતે કાપી નાખજે. હું કાપીશ તો વધારે દુખશે’. તો બીજી બાજુ, પાણી ભરવા જતી યુવતી એની ગોઠિયણને કહે છે : ‘આ જબરું નૈં. વરસાદ નો પડે તો એમણે ગરબા ગાવાનાં ને આપણે ઉપવાસ કરવાનાં’. અન્યત્ર એક યુવતી કહે છે : ‘ગરબાના બદલામાં આખું રાજપાટ આપી દઉં ….’, બીજી એક યુવતી ઢોલીને કહે છે : ‘તમારા ઢોલના તાલ પર તાળી આપીએ ને એટલો વખત એમ થાય કે જીવતાં છૈ … મરવાની બીકે જીવવાનું નૈ છોડીએ’, બીજો કે સંવાદ છે : નિયમો ય એમના ને રમતો ય એમની. એના ભાગ નૈં બનવાનું, ભોગ બન્યા એટલું બૌ છે’.

પુરુષોની જોહુકમીનો ભોગ બનતા સ્ત્રીવર્ગની વેદના સૌમ્યનાં ગીતોમાં પણ વ્યક્ત થાય છે. તેમને મેહુલ સૂરતીએ હોઠે ચઢી જાય તેવી હલકમાં ઢાળ્યાં છે. હાલરડા રૂપે મળતાં પહેલાં જ ગીતમાં મા દીકરીને કહે છે :

‘તારા પગનાં ઝાંઝર રોકાજે,
તારી કેડીએ બાવળ રોપજે
……
ને માવડી પાસે માંગજે ખાલી રાત રે
સપનાં વિનાની આખી રાત’.

ઢોલી છે એટલે યુવતીનું મન ગાઈ ઊઠે છે :

‘જેના હાથમાં રમે છે મારા મનની ઘૂઘરીઓ
જેના ઢોલથી ઢબૂકે મારી પગની વીજળીઓ
એવો આવ્યો આવ્યો રે આવ્યો રે અસવાર રે …’ 

એ અસવારે

‘… મૂંગા ભૂંગામાં પાડી ધાડ રે
…મીઠાનાં રણમાં વાવ્યું ઝાડ રે …’. 

ગરબા ગાવા મળ્યા :

‘વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે  ઢોલ
મારા મીઠાનાં રણમાં વાગ્યો રે ઢોલ’,

અને એનાથી 

‘પહોળું થયું ને પછી પહોળું થયું
એક સજ્જડ-બમ્મ પાંજરું પહોળું થયું’.

એટલે હવે યુવતી ગાય છે :

‘ઠેક્યાં મેં થોરિયા ને ઠેકી મેં વાડ
ઠેક્યાં તેં દીધેલાં ઊંચેરા પ્હાડ …
……
છોડ્યાં મેં ઉંબરા ને છોડી મેં પાળ
છોડી તે પાથરેલી આખી જંજાળ.’

એક આખી નાનકડી દુનિયા ‘હેલ્લારો’ ઊભી કરે છે. ફિલ્મની આગોતરી પ્રચાર સામગ્રીમાંથી બરાબર નિર્દેશ મળે છે કે કથા-પટકથા-સંવાદ, અભિનય, ગીત, સંગીત, નૃત્ય, સન્નિવેશ, દૃશ્યાંકન જેવાં અનેક પાસાંમાં કલાકારો-કસબીઓએ સર્જકતાની કમાલ બતાવી છે. ઉપરાંત અભિષેક કહે છે ‘બહેનોએ તેમનો લોહી-પરસેવો અને તેમનું આખું અસ્તિત્વ આ ફિલ્મમાં નિચોવી દીધું છે.’ આખી દુનિયા માટે બહેનો આ જ કરતી હોય છે. અને છતાં ય જેન્ડર રેશિયો આ દેશનો ચિંતાનો વિષય છે, ગુજરાતમાં ય કેટલી ય છોકરીઓને મોબાઈલ વાપરવા પર પાબંધી છે, અરધાથી વધુ બહેનો અગિયારમા ધોરણ પછી ભણી નથી શકતી. આ પુરુષપ્રધાન સમાજને  હેલ્લારાની છોળ અને છાલક ભીંજવશે ? કે પછી ફિલ્મ  માત્ર એક સૌદર્યવાન કલાકૃતિ જ રહે છે તે જોવાનું છે. 

******

[06 નવેમ્બર 2019]

[“નવગુજરાત સમય”, શુક્રવાર, 08 નવેમ્બર 2019ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટાર]

નોંધ :

'હેલ્લારો' બધાંએ જ, ખાસ તો પુરુષોએ અચૂક જોવી જોઈએ તેવી ફિલ્મ છે. ફિલ્મ સાથે સંકળાયેલાં સહુને સલામ.

અમદાવાદનાં 'નવગુજરાત સમય' દૈનિકનાં તંત્રીલેખનાં પાને, આજે શુક્રવાર, ૦૮ નવેમ્બરે, આ ફિલ્મ વિશેનો મારો લેખ બે નાનાં ઉમેરણ સાથે અહીં ફરીથી મૂકવામાં આવ્યો છે.  મારો  લેખ બતાવે છે તેનાં કરતાં ફિલ્મ વધારે શ્રેષ્ઠ ગુણવત્તા અને સામાજિક પ્રસ્તુતતા ધરાવતી નારીવાદી કલાકૃતિ છે. ફિલ્મ મેં  અમદાવાદમાં ગુરુવારે યોજાયેલ પ્રીમિયરમાં જોઈ. પણ મેં આ લેખ બુધવારે રાત્રે અખબારને મોકલી દીધો હતો. લેખ મેં માત્ર ફિલ્મનું ઓફિશ્યલ ટ્રેઇલર, તેના કેટલાક વિડિઓઝ જોઈને, દિગ્દર્શકની બે કેફિયતો વાંચીને અને સૌમ્ય જોશીએ રચેલાં ગીતો સાંભળીને, તેના શબ્દો સમજીને લખ્યો હતો.

આ મહત્ત્વની ફિલ્મને આગોતરું પ્રોત્સાહન આપતો આ લેખ પ્રસિદ્ધ કરવા બદલ અખબારના તંત્રીઓ મયંક વ્યાસ અને અજય ઉમટના આભાર. અત્યારે વિપુલભાઈનો આભાર. ફિલ્મની મહત્તાની સરખામણીમાં આ લેખ કદાચ એક understatement લાગે, પણ ખરેખર તો એ  curtain-raiser જ છે. ફરીથી એક વાર, ફિલ્મનાં તમામ કલાકારો-કસબીઓને સલામ! 

— સંજય શ્રીપાદ ભાવે

૮ નવેમ્બર ૨૦૧૯

••••••••••••••••••••••••••••

પૂરવણી : ’હેલ્લારો’નાં ગીતો

ગીત : ૧ 
સપનાં વિનાની રાત . . .

ધીંગી ધજાયું ફરકે રે માતાજી તારે ઘેર,
રમવા વ્હેલી આવજે રે કરજે અમ પર મ્હેર.    

વેંત છેટા અજવાસ છે અને વેંત છેટા છે તેજ,
પગલાં કે'તા બેડીઓને આજ ચાલવા દેજો સ્હેજ.

ધીંગી ધજાયું ફરકે રે માતાજી તારે ઘેર,
રમવા વ્હેલી આવજે રે કરજે અમ પર મહેર.

તારા પગના ઝાંઝર રોકાજે
તારી કેડીએ બાવળ રોપજે
તારા પગના ઝાંઝર રોકાજે
તારી કેડીએ બાવળ રોપજે
તારી નદીઓ પાછી વાળજે
નદીઓ પાછી વાળજે
તારી વીજળી ભૂંસી નાખજે
ને માવડી પાસે માંગજે ખાલી રાત રે
સપના વિનાની આખી રાત
સપના વિનાની આખી રાત
સપના વિનાની આખી રાત
સપના વિનાની આખી રાત.

ગીત : ૨ 
વાગ્યો રે ઢોલ . . .

વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
મારા મીઠાનાં રણમાં વાગ્યો રે ઢોલ
મારા મીઠાનાં રણમાં વાગ્યો રે ઢોલ
પહોળું થયું ને પછી પહોળું થયું
પહોળું થયું ને પછી પહોળું થયું
એક સજ્જડ-બમ્મ પાંજરું પહોળું થયું
એક સજ્જડ-બમ્મ પાંજરું પહોળું થયું.

વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
મારા મીઠાનાં રણમાં વાગ્યો રે ઢોલ.

ઢોલ ઢોલ ઢોલ ઢોલ વાગ્યો
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ.

ઝાલી મને કે મેં જ ઝાલી મને
ઝાલી મને કે મેં જ ઝાલી મને
ઝાલી મને કે મેં જ ઝાલી મને
ઝાલી મને કે મેં જ ઝાલી મને
જરી ઉડવા દીધી ને જરી ઝાલી મને
જરી ઉડવા દીધી ને જરી ઝાલી મને.

હાંફી ગઈ રે હું તો હાંફી ગઈ
અમથા હરખમાં જ હાંફી ગઈ
હાંફી ગઈ રે હું તો હાંફી ગઈ
હાંફી ગઈ રે સહેજ અમથા હરખમાં જ હાંફી ગઈ
સહેજ અમથા હરખમાં જ હાંફી ગઈ
સહેજ અમથા હરખમાં જ હાંફી ગઈ.

ઊંઘી જ નહિ તોય ઊંઘી જ નહિ
ઊંઘી જ નહિ તોય ઊંઘી જ નહિ
ઊંઘી જ નહિ તોય ઊંઘી જ નહિ
ઊંઘી જ નહિ તોય ઊંઘી જ નહિ
થોડા સપના જોવાને હાટુ ઊંઘી જ નહિ.

હો હો હો હો હો હો હો . . .હવે હવે 
હવે કાળો ટીકો રે એક કાળો ટીકો
હવે કાળો ટીકો રે એક કાળો ટીકો
મારા ઓરતાનાં ગાલ પર કાળો ટીકો
મારા ઓરતાનાં ગાલ પર કાળો ટીકો
ઓરતાનાં ગાલ પર કાળો ટીકો
મારા ઓરતાનાં ગાલ પર કાળો ટીકો.

વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
મારા મીઠાનાં રણમાં વાગ્યો રે ઢોલ
પહોળું થયું ને પછી પહોળું થયું
એક સજ્જડ-બમ્મ પાંજરું પહોળું થયું
એક સજ્જડ-બમ્મ પાંજરું પહોળું થયું

ગીત : ૩
અસવાર

જેના હાથમાં રમે છે મારા મનની ઘૂઘરીઓ
જેના ઢોલથી ઝબુકે મારા પગની વીજળીઓ
જેના હાથમાં રમે છે મારા મનની ઘૂઘરીઓ
જેના ઢોલથી ઝબુકે મારા પગની વીજળીઓ
એવો આવ્યો રે આવ્યો અસવાર રે 
એવો આવ્યો રે આવ્યો રે અસવાર 
રે હું એની ડમરીની ધૂળ બની જઉં
એ તાલ દે અને હું તાલી દઉં

હો . . . એણે મૂંગા ભૂંગામાં પાડી ધાડ રે
એણે મીઠાના રણમાં વાવ્યું ઝાડ રે

મૂંગા ભૂંગામાં પાડી ધાડ રે
મીઠાના રણમાં વાવ્યું ઝાડ રે

એણે મૂંગા ભૂંગામાં પાડી ધાડ રે
એણે મીઠાના રણમાં વાવ્યું ઝાડ રે
એણે સપના રાંધ્યા હું બેઠી ખઉં

એણે સપના રાંધ્યા હું બેઠી ખઉં
એવો આવ્યો રે આવ્યો અસવાર 
રે હું એની ડમરીની ધૂળ બની જઉં
એ તાલ દે અને હું તાલી દઉં
ડમરીની ધૂળ બની જઉં
એ તાલ દે અને હું તાલી દઉં

એણે ચાલતી ન'તી હું તોયે આંતરી
મારે છેતરાવું'તું એવી છેતરી
એણે ચાલતી ન'તી હું તોયે આંતરી
મારે છેતરાવું'તું એવી છેતરી

હો એણે ચાલતી ન'તી હું તોયે આંતરી
મારે છેતરાવું'તું એવી છેતરી
એણે પગલી પાડી હું કેડી થઉં

એણે પગલી પાડી હું કેડી થઉં
એવો આવ્યો રે આવ્યો અસવાર
રે હું એની ડમરીની ધૂળ બની જઉં
એ તાલ દે અને હું તાલી દઉં
તાલ દે અને હું તાલી દઉં
તાલ દે અને હું તાલી દઉં
તાલ દે અને હું તાલી દઉં.

ગીત : ૪
ઠેક્યાં મેં થોરિયા . . .

ઠેક્યાં મેં થોરિયા ને ઠેકી મેં વાડ
ઠેક્યાં તેં દીધેલા ઊંચેરા પ્હાડ
ઠેકી મેં ઠોકરને ઠેકી મેં ઢીંક
ઠેકી તેં દીધેલી ઊંડેરી બીક.

ઠેકી-ઠેકીને હવે 
ઠેકી-ઠેકીને હવે પહોંચી છું ઠેઠ
મારા હૈયાનાં ઝાડવાની હેઠ
મારા હૈયાનાં ઝાડવાની હેઠ
મારા હૈયાનાં ઝાડવાની હેઠ.

ઠેક્યાં મેં થોરિયા ને ઠેકી મેં વાડ
ઠેક્યાં મેં થોરિયા ને ઠેકી મેં વાડ
ઠેક્યાં તેં દીધેલા ઊંચેરા પ્હાડ
ઠેકી મેં ઠોકરને ઠેકી મેં ઢીંક
ઠેકી તેં દીધેલી ઊંડેરી બીક.

ઠેકી-ઠેકીને હવે પહોંચી છું ઠેઠ
ઠેકી-ઠેકીને હવે પહોંચી છું ઠેઠ
મારા હૈયાનાં ઝાડવાની હેઠ
હે જી રે મારા હૈયાનાં ઝાડવાની હેઠ
હે જી રે મારા હૈયાનાં ઝાડવાની હેઠ

છોડ્યાં મેં ઉંબરાને છોડી મેં પાળ
છોડ્યાં મેં ઉંબરાને છોડી મેં પાળ
છોડી તેં પાથરેલી આખી જંજાળ
છોડયાં મેં સરનામા છોડ્યું મેં નામ,
છોડયું સીમાડાનું છેવટનું ગામ.

છોડી-છોડીને હવે પહોંચી છું ઠેઠ
છોડી-છોડીને હવે પહોંચી છું ઠેઠ
મારા હૈયાનાં ઝાડવાની હેઠ
હે જી રે મારા હૈયાનાં ઝાડવાની હેઠ
હે જી રે મારા હૈયાનાં ઝાડવાની હેઠ

ઢોળ્યાં મેં ઢોળ્યાં તે દીધેલા ઘૂંટ
હે ઢોળ્યાં મેં ઢોળ્યાં તે દીધેલા ઘૂંટ
હવે મારી ઝાંઝરીને બોલવાની છૂટ
ખીલેથી છૂટ્યા છે ઓરતાંના ધણ
વીરડાને ભાળે હવે મીઠાના રણ
રણના રસ્તે હું તો પહોંચી છું ઠેઠ
હે રણના રસ્તે હું તો પહોંચી છું ઠેઠ
હૈયાનાં ઝાડવાની હેઠ
હે જી રે મારા હૈયાનાં છાંયડાની હેઠ
હે જી રે મારા હૈયાનાં ઝાડવાની હેઠ.

Loading

...102030...2,6292,6302,6312,632...2,6402,6502,660...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved