Opinion Magazine
Number of visits: 9683807
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઠાકરેની સરકાર ગમે ત્યારે બી.જે.પી.ની ઠોકરે ચડી જશે

રમેશ ઓઝા|Opinion - Opinion|2 January 2020

૧૯૭૭માં મુંબઈની સડકો પર લાગેલાં પોસ્ટરોની યાદ આવે છે જેમાં કહેવામાં આવ્યું હતું :  ‘કૉન્ગ્રેસ કડે રજની પટેલ, જનતા પાર્ટી કડે શાંતિ પટેલ, મરાઠી માણસાનાં કસે પટેલ.’ એ સમયે રજની પટેલ મુંબઈ પ્રદેશ કૉન્ગ્રેસના અધ્યક્ષ હતા અને ડૉ. શાંતિ પટેલ જનતા પાર્ટીના મુંબઈ એકમના. પટેલનો અર્થ મરાઠી ભાષામાં ગળે ઉતરવું કે સ્વીકારવું એવો થાય છે. મરાઠી મુંબઈમાં મુખ્ય રાજકીય પક્ષો પર ગુજરાતીઓનો કબજો હોય એ મરાઠીઓ કેવી રીતે સ્વીકારી શકે? બાળ ઠાકરેમાં શબ્દો સાથે ખેલ કરીને વિનોદ કરવાની શક્તિ ગજબની હતી અને એ સાથે તેઓ ગંભીર રાજકીય નિવેદન પણ કરી લેતા હતા. ઉપર કહ્યાં એ પોસ્ટરોમાં આ બધું હતું. મહારાષ્ટ્ર પર અને મરાઠી મુંબઈ પર મરાઠીઓનું રાજ હોવું જોઈએ. મરાઠીઓને માત્ર એ જ હકીકત ગળે ઊતરી શકે, અન્ય સ્થિતિ નહીં.

અમારા પર અમારું રાજ એ સંસ્થાનવાદના યુગમાં મહાન ધ્યેય હતું અને એ મહાન આધ્યાત્મિક ધ્યેય પણ છે. પણ આઝાદી પછી અમારા પર અમારું રાજનો અર્થ અમારા કુટુંબનું રાજ એવો કરવામાં આવ્યો છે. બાળ ઠાકરે મહારાષ્ટ્ર પર મરાઠીઓનું રાજ સ્થાપવા નીકળેલા અને જ્યારે અવસાન થયું ત્યારે પુત્રમોહનો શિકાર બની ગયા હતા. તેમણે તેમની છેલ્લી સભામાં પોતાના પુત્રને સ્વીકારી લેવાની વિનંતી કરી હતી. આને કારણે બાળ ઠાકરેના ચિરંજીવ ઉદ્ધવ ઠાકરે શાસનનો કોઈ અનુભવ ધરાવતા નથી, જિંદગીમાં કોઈ ચૂંટણી લડ્યા નથી અને સીધા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બની ગયા છે. તેમની એક માત્ર લાયકાત બાળ ઠાકરેના પુત્ર હોવાની છે. અહીં સુધી પણ ઠીક છે; પરંતુ તેમણે તેમના પુત્ર આદિત્ય ઠાકરેને પણ પ્રધાનમંડળમાં લીધા છે અને એ પણ કેબિનેટ પ્રધાનના દરજ્જા સાથે. આદિત્ય ઠાકરેએ તો હજુ ગયા વરસે રાજકારણમાં પદાર્પણ કર્યું હતું. આ છે મરાઠી માણસોને ન્યાય જેનું રાજકારણ શિવસેના કરતી આવી છે?

રાજકારણી પરિવારનું સંતાન રાજકારણ ન કરી શકે એવું નથી, પણ તેની શરૂઆત નીચેથી જમીન પરથી થવી જોઈએ. લોકતંત્રમાં બધા સરખા પણ થોડા લોકો વધુ સરખા એ ન ચાલી શકે. એટલે તો રાજકીય પક્ષોમાં લોકતંત્રની અપેક્ષા રાખવામાં આવે છે અને એવી માગણી કરવામાં આવે છે. ભારતમાં મોટા ભાગના પક્ષો બાપીકી પેઢી જેવા છે ત્યાં કૉન્ગ્રેસના પરિવારવાદની શું ટીકા કરવી? જે પક્ષોમાં (બી.જે.પી./તૃણમૂલ/ટી.ડી.પી./જે.ડી.યુ.) સર્વોચ્ચ સ્થાને હજુ સુધી પરિવારવાદ નથી ત્યાં જે તે નેતાઓનો પરિવારવાદ છે. ડાબેરીઓને છોડીને કોઈ પક્ષ આનાથી મુક્ત નથી. જો લોકતંત્રની આટલી જ ખેવના હોય તો ભારતમાં લોકતંત્ર વિકસે કેવી રીતે? ઠાકરે પરિવાર કહે છે કે મરાઠી માણસાનાં ગુજરાતી પટેલ પટો કે ન પટો ઠાકરે પટવા જોઈએ. ઉદ્ધવ ઠાકરેના પ્રધાનમંડળમાં કુલ ૪૩ પ્રધાનો છે જેમાંથી ખુદ ઉદ્ધવ ઠાકરે સહિત ૧૯ પ્રધાનો કોઈને કોઈ નેતાના સંતાન હોવાને નાતે પ્રધાન બન્યા છે.

આવું જ શરદ પવારનું. રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પક્ષ એક પરિવાર છે, બધા જ શરદ પવારનાં સંતાન છે, બધા સમાન છે; પરંતુ અજીતદાદા પવાર વધારે સમાન છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે આ માણસે હજુ મહિના પહેલા કાકાનો વિશ્વાસઘાત કર્યો હતો. એ પહેલાં પણ તેમણે કાકાની આણ ઉથાપી હતી અને બતાવી આપ્યું હતું કે સત્તા માટે આ માણસ ગમે તે સ્તરે જઈ શકે એમ છે. આમાં મહિના પહેલાં કાકા સાથે વિશ્વાસઘાત કરીને અને બી.જે.પી. સાથે મળીને રાતના અંધારામાં તેઓ જે રીતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તરીકે સરકારમાં જોડાયા હતા એ તો આઘાતજનક ઘટના હતી. સરકાર રચાઈ એ પછી સવાર થતાં પહેલું કામ દેવેન્દ્ર ફડનવીસે કેબિનેટની બેઠક બોલાવી અજીત પવાર સામેના ભ્રષ્ટાચારના બધા કેસ બંધ કરી દેવાનું કામ કર્યું હતું. બીજા દિવસે સર્વોચ્ચ અદાલતે વિશ્વાસનો મત લેવા માટે પૂરતો સમય નહીં આપ્યો ત્યારે અજીત પવારે સરકારમાંથી રાજીનામું આપી દીધું હતું. નવી સ્થિતિમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસે પણ રાજીનામું આપવા સિવાય છૂટકો નહોતો.

સવાલ એ છે કે એ પ્રકરણ શું હતું? અજીત પવારની ગદ્દારી હતી? કાકા સામે બળવો હતો? જો એમ હતું કે અજીત પવારને ઉદ્ધવ ઠાકરેના પ્રધાનમંડળમાં સ્થાન શા માટે આપવામાં આવ્યું અને એ પણ નાયબ મુખ્ય પ્રધાન તરીકે? આવા ઉદાર અને પ્રેમળ કાકા તો નસીબદારને જ મળે! કે પછી પવારનો અપત્યપ્રેમ અંકુશ બહારનો છે? આટલી ક્ષમાશીલતા અને આટલો પ્રેમ વિશ્વાસઘાતી પર કોઈ ભાગ્યે જ બતાવે એ જોતાં વહેમ તો એવો પણ જાય છે કે અજીત પવારની બળવાખોરી શું એક રાજકારણ હતું? ભત્રીજા પાસે બળવો કરાવીને બી.જે.પી.ને જાળમાં ફસાવી અજીત પવાર સામેના કેસો પાછા ખેંચાવી લીધા હતા અને કામ પતાવીને ભત્રીજો પાછો આવી ગયો. જે કામ આપણે કરવું પડે એમ હતું એ દુશ્મને કરી આપ્યું અને હવે સિંચાઈ ભ્રષ્ટાચાર વિષે બોલી પણ શકે એમ નથી.

પવારની રાજકીય રમત વિષે આવો ઈશારો એ ઘટના બની ત્યારથી કરવામાં આવતો હતો, પરંતુ તેના પર ખાસ વિશ્વાસ બેસતો નહોતો; પણ હવે કાકાની અસાધારણ ક્ષમાશીલતા જોઇને વહેમ જાય છે. બી.જે.પી.એ ઉદ્ધવ ઠાકરેના પ્રધાનમંડળના વિસ્તરણ માટેની સોગંદવિધિમાં ઉપસ્થિત નહીં રહીને તેની સંકુચિતતા બતાવી આપી હતી, તો કેટલાક પ્રધાનોએ સોગંદ લેતી વખતે જે તે સૂત્રોચાર કરીને સોગંદવિધિ જેવી ગંભીર બાબતને ચાપલુસીની રમતમાં ફેરવી નાખી હતી. જ્યારથી સોગંદવિધિ રાજભવનમાં કે રાષ્ટ્રપતિ ભવનમાં યોજવાની જગ્યાએ લોકોની વચ્ચે જાહેરમાં મેદાનોમાં યોજવા લાગી છે ત્યારથી તેણે તેની બંધારણીય ગંભીરતા ગુમાવી દીધી છે.

લાખ રૂપિયાનો સવાલ એ છે કે આ સરકાર ટકશે અને બી.જે.પી. ટકવા દેશે? કર્ણાટક જેવું નહીં થાય? બી.જે.પી.ની અધીરાઈ જોતા થઈ શકે એમ છે. એમાં ખાસ કરીને અડધી રાતે સરકાર રચવાની એક જ ઘટનામાં એક સાથે બેવકૂફ અને બેશરમ બન્ને સાબિત થયા એનો ચચરાટ બી.જે.પી.ના નેતાઓ અનુભવી રહ્યા છે. લાગતું નથી કે બી.જે.પી. આ સરકારને ટકવા દેશે. યોગ્ય સમયે મહારાષ્ટ્રમાં કર્ણાટક થશે.

બંધારણીય મર્યાદાનું પાલન બી.જે.પી.એ કરવું જોઈએ એમ તો સાવ કેમ કહેવાય? કુટુંબીજનોની સરકાર એ શું લોકતંત્ર છે? માટે જ્યારે પણ જેના દ્વારા મર્યાદાલોપ થતો નજરે પડે ત્યારે બોલવું જોઈએ. મામકા જોઈને મૂંગા રહેવામાં નુકસાન આપણને છે.  

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02  જાન્યુઆરી 2020

Loading

કુતુબનામા : તમે જ કહો, ઝીણા સાચા હતા કે પટેલ?

આશિષ ઉપેન્દ્ર મહેતા|Opinion - Opinion|2 January 2020

ચેન્નઈથી એક મિત્ર કહે છે કે દરેક નાગરિકની રાજકીય જવાબદારી અંગે પૂરું કન્વિક્શન હોવા છતાં તેણે કદી રસ્તા પર આવીને દેખાવોમાં ભાગ લીધો નહોતો. આપણામાંના ઘણા આર્મચેર એક્ટિવિસ્ટ હોય છે અને ઘણાની પ્રકૃતિ શરમાળ પણ હોય છે. જે.એન.યુ.ની ફળદ્રુપ જમીન પર જ્યાં માણસ હોસ્ટેલમાંથી બહાર નીકળીને ચા પણ પીતો આવે અને બે દેખાવોમાં નારા પણ લગાવતો આવે, ત્યાં પણ આ મિત્રે ઈન્ટ્રોવર્ટ રહેવાનું પસંદ કરેલું. તેણે રસ્તે ચાલતા જતાં પોતાની જ વિચારધારાવાળા વિદ્યાર્થીઓનું પણ સરઘસ ઘેરી લે તો ય ધીમેથી કિનારો કરી લેવાનું પસંદ કરેલું. વીસ વરસ પછી આજે ભેદભાવપૂર્ણ નાગરિકતા કાયદાના મુદ્દે તેને લાગ્યું કે હવે સડક પર ઉતરવા સિવાય છૂટકો નથી. કદાચ એમ પણ લાગ્યું હશે કે અત્યારે નહિ તો પછી ક્યારે?

દરમિયાન, ગુજરાતમાં અને બીજે પણ બહોળા મધ્યમ વર્ગમાં નાગરિકતા કાયદાનો સુધારો જાણે ક્રિકેટમેચ કે બહુ કહો તો વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ બરાબરનો ખેલ હોય, એમ લાગે છે. અખબારી અહેવાલોમાં, ટી.વી. ચર્ચાઓમાં, સોશિયલ મીડિયા પર જાણે કે મોદીજી છેલ્લાં કેટલાંક વરસોથી જે રાબેતા મુજબના ધડાકા કરે એવો જ કોઈ ધડાકો થયો હોય એવું વાતાવરણ છે, જે પછી આપણું કામ તો માત્ર ઊંચા અંગૂઠાનો સંકેત કરવાનું જ હોય. સામાન્ય હકીકતો સાથે પણ લેવાદેવા વગરની બાળસહજ નાદાન રમૂજોથી માંડીને આ-પાર-કે-પેલે-પાર-ની બાંયો ચડાવવા સુધીની કવાયતો થઈ રહી છે. ઉપમા-અલંકારોમાં ઊધઈ, ધનેડા નીકળી રહ્યા છે. ચેન્નઈવાસી મિત્રને જે સમજાયું તે બાકીના સમજવા તૈયાર નથી, કે આપણે ભારતના બીજા વિભાજનની કગાર પર ઊભા છીએ!

બોંત્તેર વરસ પહેલાં ઝીણાએ નાગરિકતાનો આધાર ધર્મ ગણાવ્યો હતો, અને ગાંધી-નહેરુ-પટેલ-આંબેડકરના નેતૃત્વે એ વિચારને ફગાવી દીધો હતો. ભારત છોડો આંદોલન વખતે જે લોકો તમારા અને મારા દાદા-પરદાદાની જોડે નહોતા ઊભા રહ્યા, અંગ્રેજો પાસે માફી માગી હતી, તે આજે પાછલે બારણેથી મંચ પર ચડી આવ્યા છે અને કહે છે કે ગાંધી-પટેલ ભૂલી જાવ, ઝીણા ચીંધ્યે માર્ગે આગળ વધો. આજનો સવાલ બાળક પણ સમજી શકે તેવો સાફ છે : તમે ભારતને પાકિસ્તાનની હિન્દુ આવૃત્તિ બનાવવા માગો છો કે નહિ? જો આજે સરકાર જે કરવા જઈ રહી છે, તે સૌના હિતમાં હોય તો પછી ઝીણાએ જે કર્યું તે ખોટું ઠેરવી શકાય નહિ. કદાચ દુનિયાના સૌથી પૈસાદાર પક્ષની વગના કારણે, કે વોટ્‌સએપના જોરે, કે પછી અનુ-સત્ય કે પોસ્ટ-ટ્રુથના જમાનાને લીધે ઘણાને મૂળ વાત સમજાઈ નથી અને સમજાય તો એમાંના ઘણા આંદોલનની આગલી હરોળમાં ચાલતા થઈ જાય. એ સમજ સાચી ન હોય તો પણ પંપાળીને રાખવા જેવી છે, આક્રોશ અંકુશમાં રહે તે માટે.

નાગરિકતા કાયદા વિશે તો આ અંકમાં અન્યત્ર ઘણી સામગ્રી છે, અહીં એના પ્રત્યાઘાતોની વાત કરીએ છીએ. નાગરિક સમાજે ઘણા સમય પછી આ સ્તરે આંદોલન ચલાવ્યું છે, બંગાળ વગેરે સ્થાનિક અપવાદો સિવાય રાષ્ટ્રીય સ્તરે તે પક્ષીય રાજકારણ પૂરતું મર્યાદિત નથી, અને ઉત્તર પ્રદેશના અપવાદ સિવાય તેમાં એક કોમ નહિ પણ બહોળો સમાજ આગળ રહ્યો છે. એકંદરે અહિંસક આંદોલન છે, અને હિંસાની ઘટનાઓમાં ‘તોફાનીઓ’નાં તોફાન કરતાં પોલીસની કામગીરી વધારે અમાનવીય રહી છે.

કાયદો પસાર થયો ૧૧મીએ. દિલ્હીમાં વિરોધની શરૂઆત થઈ ૧૪મી ને રવિવારે – જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના કેમ્પસથી. એ દિવસે બપોરે કૉંગ્રેસે રામલીલા મેદાનમાં ‘ભારત બચાઓ’ રેલી કરી હતી, જેને પક્ષીય રાજકારણ પૂરતો જ, બહુ મર્યાદિત ટેકો મળ્યો હતો, અને સાંજે દક્ષિણ દિલ્હીમાં જે દેખાયું તે નાગરિક સ્તરે હતું. ગાંધીની શુભેચ્છાઓ સાથે સ્થપાયેલી યુનિવર્સિટીમાં શાન્તિપૂર્ણ વિરોધની સામે પોલીસે લાઠી ચલાવી. તેઓ કેમ્પસમાં ઘૂસ્યા અને અંતે પુસ્તકાલયમાં પણ દંડો ચલાવ્યો. સાંજ સુધીમાં ઠંડી વધી ગઈ હતી, પણ ખબર ફેલાતાવેંત માત્ર જે.એન.યુ. જ નહિ પણ રાજધાનીની અન્ય યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ પણ સમર્થનમાં હાજર થઈ ગયા. વિદ્યાર્થીઓએ એક પત્થર પણ ફેંક્યાનું રેકોર્ડ પર નથી, પણ બીજે દિવસે ગુજરાતના એક મોટા અખબારમાં સમાચાર હતા કે પોલીસે તોફાન શાંત કરવા બળનો પ્રયોગ કરવો પડ્યો. (એક બસ બળી હતી, પણ ફોટા પરથી સ્પષ્ટ છે કે બાળનારાઓ બીજા હતા, કારણ કે પોલીસનો ગણવેશ પહેરેલા લોકો તેમને મદદ કરી રહ્યા હતા.) દેશના ગૃહપ્રધાને કહ્યું કે હિંસાખોરોને સજા કરવામાં આવશે. આમ છતાં, બીજા દિવસે પણ તેમના દેખાવો અહિંસક ઢબે જ ચાલુ રહ્યા. નજીકમાં સોનેપતમાં ખાનગી યુનિવર્સિટીઓની એક નવા પ્રકારની પેઢી આકાર લઈ રહી છે, તેમાંથી ખાસ કરીને અશોક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આન્દોલનમાં જોડાવા લાગ્યા.

છેવટે કૉંગ્રેસ જે મુદ્દો ઊઠાવવામાં નિષ્ફળ ગઈ હતી તે વિદ્યાર્થીઓ મારફતે સિવિલ સોસાયટીએ આગળ વધાર્યો અને ૧૯મી ગુરુવારે રાષ્ટ્રવ્યાપી દેખાવોનો કૉલ અપાયો. ડાબેરીઓએ પણ ટેકો આપ્યો. સરકારે ડાબે જમણે જોયા વિના દોડીને ૧૪૪મી કલમ ઠોકી દીધી. દિલ્હીમાં યોગેન્દ્ર યાદવ, પ્રશાન્ત ભૂષણ અને હર્ષ મંદરની સવારથી સાંજ સુધીની અટકાયત કરાઈ. યોગેન અને પ્રશાન્તને – અને આપણને પણ – ૨૦૧૧ના એ દિવસો યાદ આવ્યા જ હશે, જ્યારે આ જ સડકો પર ભ્રષ્ટાચાર-વિરોધી આંદોલનમાં તેમણે આગેવાની લીધી હતી. એ વખતની સરકારે ૧૪૪નો આશરો તો બહુ પછીથી લીધો હતો, ત્યાં સુધીમાં તો જન્તરમન્તર પર શહેરની અડધી પ્રજા જઈ આવી હતી. એ પ્રજાની યાદદાસ્ત જો કે એવી ટૂંકી છે કે જે લોકપાલ માટે આટલા ઉધામા કર્યા, એ હજુ આજે સંપૂર્ણ કાર્યરત થયું નથી, એની કોઈને પરવા નથી. (જે રીતે તેમણે પાંચ વરસ પહેલાં મોદીના ચેલેન્જર નં.૧ની ભૂમિકા ઉપાડવા પ્રયત્ન કર્યો હતો તે પ્રમાણે તો દિલ્હીમાં આગેવાની લેવાની જવાબદારી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની હોવી જોઈતી હતી. પણ હવે ગણતરીના દિવસોમાં દિલ્હીની ચૂંટણી જાહેર થવાની છે, માટે તેમણે ઉદાસીનતા અપનાવી છે જેને વ્યૂહાત્મક ગણીને આગળ વધીએ.)

દરમિયાન, આઠ વરસ પહેલાંની સરકાર કાર્યદક્ષતા બાબતે નવા શાસકોની તુલનામાં કેટલી પાછળ હતી એનો નમૂનો મળ્યો. ૧૯મીએ સવારે અગિયાર વાગ્યાના સમય પહેલા પોલીસે લાલ કિલ્લા પાસેથી યોગેનને ઉપાડી લીધા અને દરેક રસ્તાની નાકાબંધી કરી. પછી દેખાવોની જેમ નાકાબંધીની બેરિકેડો આગળ વધી. એ પછી જે વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને અન્ય શ્રેણીઓના વિરોધીઓ આવ્યા તેમને હવે શું કરવું તેની સ્પષ્ટતા નહોતી. સૌએ ફોન મચડ્યા અને ખબર પડી કે ઇન્ટરનેટ તેમ જ વોઈસ કૉલ પર મધ્ય દિલ્હીની વિસ્તારોમાં પ્રતિબંધ મુકાયો છે. દેખાવકારો સાથીઓને વિરોધસ્થળ અંગે પૂછપરછ ન કરી શકે, એટલું જ નહિ, પણ અહીં રહેતા પરિવારો તેમના બાળકો સ્કૂલેથી પાછા આવશે ત્યારે તેમની બસ ક્યા રૂટે તેમને છોડશે, તે પણ ન જાણી શકે. ભારતની રાજધાનીને કાશ્મીરનો અનુભવ મળ્યો, ભલે થોડા કલાકો માટે. (જો કે, જામિયા વિસ્તારમાં સંચારબંદી નાનામોટા પાયે દસ દિવસ પછી પણ ચાલુ હતી, અને એવું જ ઉત્તર પ્રદેશમાં પણ છે. આ વરસે દુનિયાભરના ઈન્ટરનેટ શટડાઉનમાંથી ૬૭ ટકા ભારતમાં થયા છે.) સમાચાર આવ્યા કે મંડી હાઉસ પર એટલે કે ડાબેરીઓએ જે સ્થળ નક્કી કર્યું હતું ત્યાં પહોંચો. ત્યાં જવાના રસ્તા તો તરત બંધ થવા લાગ્યા, પણ જે પહોંચી ગયા તેમણે મોડી સાંજ સુધી લોકશાહીનો ઉત્સવ મનાવ્યો.

એ પછીથી સ્વયંભૂ દેખાવો રોજના ધોરણે ચાલ્યા છે. કોઈ પક્ષના સંસ્થાકીય બળ વિના. આગેવાન કહો તો જામિયાના વિદ્યાર્થીઓ, સાથે ટેકામાં યોગેન વગેરે સિવિલ સોસાયટી. રાજધાનીમાં દેખાવો સાવેસાવ અહિંસક રહ્યા છે, જાતભાતના ઉત્તેજક નિવેદનો પછી પણ (જેમ કે, ‘પોષાક પરથી જ ખબર પડી જાય છે, વિરોધીઓ કોણ છે’). હિંસા થઈ ખરી, પણ વિદ્યાર્થી આંદોલનમાં નહિ, સીલમપુરમાં લઘુમતી પ્રજાના દેખાવો દરમિયાન, અને એ પણ મામૂલી સ્તરની. પોલીસની ધીરજ જો કે ખૂટવા લાગી હતી, અને જામા મસ્જિદ અને અડીને આવેલા દરિયાગંજમાં વિસ્તારમાં શુક્રવારના દેખાવો (જેમાં ભીમ આર્મીના ચંદ્રશેખર આઝાદે ખેલ પાડી દીધો) પછી પોલીસે ઘણાને અટકાયતમાં લીધા અને મોડી રાત સુધી ભારે ઠંડીમાં વકીલોએ તેમને છોડાવવાની જહેમત કરવી પડી.

પડોશમાં ઉત્તર પ્રદેશમાં શુક્રવારે બહોળા પાયે દેખાવો શરૂ થયા. લઘુમતી સમુદાય અને પોલીસના ઘર્ષણમાં હિંસા થઈ, અને જાનહાનિના આંકડા વધ્યે જાય છે. તમામ મૃતકો મુસ્લિમ છે, અને અત્યાર સુધી એન્કાઉન્ટરના રેકોર્ડ આંકડા માટે ગર્વ લેતી યુ.પી. પોલીસ કહે છે કે તેમણે કોઈ ગોળીબાર કર્યો જ નથી. આ લખાય છે ત્યારે યુ.પી.નાં અનેક શહેરોમાં પોલીસે તેરથી પંદર વરસના છોકરાઓ પર પણ લોકઅપમાં ટોર્ચર કર્યાના સમાચાર છે. મુખ્યપ્રધાન ખફા છે, જાહેર સંપત્તિને થતા નુકસાન ‘તોફાનીઓ’ પાસેથી વસૂલ કરવામાં આવશે. ગુજરાતમાં ૨૦૦૨માં મુખ્યપ્રધાનને આવો વિચાર કેમ નહિ આવ્યો હોય!

બૅંગલોરમાં એક વાર વિરોધપ્રદર્શનમાં બે લાખની મેદની એકઠી થઈ હોવાના ખબર છે. ત્યાંના મુખ્યપ્રધાને પોલીસ ગોળીબારમાં જાન ગુમાવનારાઓના પરિવારની મુલાકાત પણ લીધી એટલી રાહત. ચેન્નાઈમાં ડી.એમ.કે.ના બેનર હેઠળ અને કોઈ પક્ષના બેનર વિના મોટા પાયે દેખાવો થયા.

નાગરિક આંદોલન અસરકારક નીવડી રહ્યું જ છે, નહિતર ૨૧મીએ રામલીલા મેદાન પરથી વડાપ્રધાનને ‘વૈકલ્પિક હકીકતો’ (ટ્રમ્પના સાથીની ભાષામાં ‘ઓલ્ટરનેટિવ ફેક્ટ્‌સ’) રજૂ કરવાની ફરજ ન પડી હોત, અને પોતાના ગૃહપ્રધાનનાં તમામ નિવેદનો પાછાં ન ખેંવા પડ્યા હોત. એ અલગ વાત છે કે શાસકો માટે બે મોઢે બોલવાની વાતમાં કશું નવું નથી. પણ વડાપ્રધાને જે સ્પષ્ટતા કે અસ્પષ્ટતા કરી, તે પછી આંદોલનના ભાવિ અંગે પડકાર ઊભો થાય છે. વિદ્યાર્થીઓ ક્યાં સુધી દેખાવો ચાલુ રાખી શકે? આંદોલન માટે સંસાધનો જોઈએ, જે ઈલેક્ટોરલ બોન્ડ આવ્યા પછી ભા.જ.પ. પાસે વધી ગયાં છે અને યોગેન યાદવના સ્વરાજ ઇન્ડિયા પાસે નથી. આમ આદમી રોજ નોકરીમાં રજા લઈને કે દુકાન બંધ કરીને રસ્તા પર નાકાબંધી અને ઇન્ટરનેટબંધીની હાલાકી ના જીરવી શકે. સી.એ.એ.-એન.આર.સી.ની પ્રક્રિયા આ લખાય છે ત્યારે, આજની તારીખે, ‘નથી’ એમ શાસકો કહે છે, પણ આ છપાય ત્યાં સુધીમાં અથવા યુ.પી. કે બંગાળની ચૂંટણી ટાણે કે ૨૦૨૪ સુધીમાં ગમે ત્યારે એ જાહેર કરવામાં આવી શકે છે. જ્યાં સુધી આ મુદ્દે સંપૂર્ણ નિરાકરણ ન આવે ત્યાં સુધી લઘુમતીએ અને નાગરિક સમાજે ડેમોક્લિસની તલવારની નીચે જીવવાનું છે. ભલે મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ (વત્તા ટૂંક સમયમાં શક્યતઃ દિલ્હી પણ) ભા.જ.પ.નાં વળતાં પાણી બતાવતાં હોય, પણ ટ્રમ્પ-પુતિન મોડેલનું જોર જોતાં ભાવિ બહુ ઉજળું લાગતું નથી. આ પખવાડિયાએ, જો કે, ઘણી ધરપત આપી છે.

નાતાલ, નવી દિલ્હી

E-mail : ashishupendramehta@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2020; પૃ. 05-06

Loading

ક્યાં છે વસુધૈવ કુટુમ્બકમ્‌

સલિલ ત્રિપાઠી|Opinion - Opinion|1 January 2020

દેશભરમાં લાખો લોકો ઊમટી પડ્યા છે – બંધારણની કલમો જાહેરમાં વાંચે છે, રાષ્ટ્રગીત ગાય છે અને ત્રિરંગો લહેરાવે છે. તે છતાં સરકારના સમર્થકો એમની ઠઠ્ઠા મશ્કરી કરી રહ્યા છે. કહે છે કે સરકારના વિરોધીઓને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ કે પાકિસ્તાનથી ભારત આવતા હિન્દુ શરણાર્થી માટે અનુકંપા નથી; એ શરણાર્થીને  ભારતીય નાગરિકત્વથી વંચિત રાખવા માગે છે. અમે ખરા માનવાધિકારના રક્ષક છીએ, આ બધા ‘સેક્યુલર’ લોકો દંભી છે. આવે વખતે કટાક્ષની કોઈ જરૂર નથી લાગતી.

નાગરિકતાના નવા કાયદાના વિરોધીઓને પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાનની હિન્દુ, શીખ, પારસી, જૈન, બૌદ્ધ કે ખ્રિસ્તી પ્રજા તરફ કોઈ નફરત, તિરસ્કાર કે દ્વેષ નથી; પણ એ સૌ સાચી માનવતામાં માને છે. એમનું દિલ પ્રત્યેક વ્યક્તિ, જેણે ક્યાં ય પણ સતામણી સહી હોય, એમને માટે ખુલ્લું છે. અને એનો અર્થ એમ કે એ દેશની મુસ્લિમ પ્રજાને પણ સ્વીકારવા એ તૈયાર છે. એવો દાવો કરવો કે આ ત્રણ દેશની મુસ્લિમ પ્રજા સુખેથી રહે છે અને ત્યાંની લઘુમતી કોમો પર જુલમ કરે છે, એ સાવ વાહિયાત વાત છે. એવો દાવો કરવાવાળા કાં તો પોતાની અજ્ઞાનતા દર્શાવે છે અથવા નિર્લજ્જપણે ભાવનાશૂન્યતા બતાવે છે, કારણ કે એ ત્રણ દેશમાં એવા ઘણા મુસ્લિમ છે, જે ત્યાંની સરકારનો વિરોધ કરે છે અને એ માટે એમણે ઘણું સહ્યું છે.

CAA કાયદામાં ઘણા બીજા વાંધાજનક મુદ્દા છે દાખલા તરીકે તેનો રાષ્ટ્રીય નાગરિક યાદી જોડેનો સંબંધ. એને કારણે ઘણા ભારતીય નાગરિક વ્યથિત અને નારાજ થયા છે, કારણ કે જે મુસ્લિમ નાગરિક પાસે સરખા દસ્તાવેજ નહીં હોય, તો એમને પોતાનું નાગરિકત્વ પુરવાર કરવું પુષ્કળ અઘરું પડશે. લાંબીચોડી પ્રક્રિયા વગર એમનાથી પોતાનું ભારતીયપણું પુરવાર નહીં કરાય અને એમને સીધેસીધા કૅમ્પમાં લઈ જવાશે. આને લીધે ભેદભાવ વધશે અને આ એક ઘોર અન્યાય છે. સી.એ.એ. ધારા મુજબ કેટલાક શરણાર્થીને આપમેળે નાગરિકત્વ મળશે. આમ, એક પ્રકારના વ્યક્તિત્વને વધારે મહત્ત્વ આપી અને બીજાં બધાં પાસાંઓની ઉપેક્ષા કરી, આ કાયદાનો પાયો જ આધારહીન અને નબળો બન્યો છે – અથવા બનાવાયો છે.

આપણે જન્મીએ તે વખતે આપણે નથી હોતા હિન્દુ, મુસ્લિમ કે ખ્રિસ્તી; નથી હોતા ગુજરાતી કે પંજાબી; ને નથી હોતા સવર્ણ કે દલિત. આ બધી લાક્ષણિકતાઓ કે વિશિષ્ટતાઓ માનવસર્જિત છે અને એ આપણે ગ્રહણ કરીએ છીએ વડીલો ને સમાજ દ્વારા, અને બીજા લોકો આપણને ચોકઠામાં બેસાડી દે છે. બાલ્યાવસ્થામાં આપણે તો હોઈએ છીએ ભોળા, નિખાલસ અને નથી હોતી આપણને આવા બધા વિભાજક વિચારોની કોઈ ગતાગમ. ભાષા, ધર્મ, જાતિ-આ બધી લાક્ષણિકતાઓ આપણે શીખીએ છીએ પછીથી – અનુકરણ કરીને, ગોખીને, મનમાં ઠસાવાય એ રીતે. અને સમય જતાં આવી વિચારસરણીઓ દૃઢ થતી જાય છે અને કેટલાક એ માટે મારવા અને મરવા તૈયાર થઈ જાય છે. 

સેતાનિક વર્સીસ નવલકથામાં સલમાન  રુશ્દીએ લખ્યું છે :

“સવાલ : શ્રદ્ધાનો વિપરીત શબ્દ શું?

ના, અવિશ્વાસ નહીં – એ તો ખૂબ અંતિમ શબ્દ છે, વિવાદ બંધ કરી દે છે – અવિશ્વાસ પણ એક પ્રકારની શ્રદ્ધા જ થઈ.

વિપરીત શબ્દ છે શંકા : પોતાનો વિચાર વ્યક્ત કરવો એટલે અસંમત થવું – તાબે ન થવું – વિરોધ કરવો.”

શ્રદ્ધાનો વિપરીત શબ્દ છે તર્કસંગતતા.

પેલી મહિલા કે જેને ભણવા જવું છે કે નોકરીએ લાગવું છે; પેલો પુરુષ, જેને પ્રેમ છે બીજા પુરુષ જોડે, સ્ત્રીમાં જેને  રસ નથી; એ પ્રજા, જે જુદા પ્રકારનાં કપડાં પહેરે છે, જુદી વાનગીઓ બનાવે છે અને બહુમતી પ્રજા કરતાં જુદી દેખાય છે; પેલું કુટુંબ જે જુદી ભાષા બોલે છે અને ‘રાષ્ટ્રભાષા’ નથી સમજતું; અજ્ઞેયવાદી લેખક જેને પરમાત્માના અસ્તિત્વ વિષે શંકા છે; આ સૌ કોઈ બહુમતથી અસંમત છે. પણ ભારતની નવી સાંકડી વ્યાખ્યા પ્રમાણે આમાંથી કોઈને નાગરિકતાનો હક નહીં મળે, જો એ ત્રણ  પાડોશી દેશમાં ધાર્મિક દૃષ્ટિએ લઘુમતીમાં ન ગણાય.

માની લો કે પાકિસ્તાની પ્રાધ્યાપક જૂનેદ હાફિઝ, જેમને ધર્મનિંદાના વાહિયાત આક્ષેપને કારણે ફાંસીની સજા અપાઈ છે, એ કોઈ રીતે ભારત આવે અને આશ્રય માગે, તો એમને આ નવા કાયદાનો લાભ નહીં મળે, કારણ કે સરકારની વ્યાખ્યા મુજબ તે મુસ્લિમ ગણાય. બાંગ્લાદેશી લેખિકા બોનયા અહમદ અમેરિકન નાગરિક છે, એટલે આ તો કાલ્પનિક દાખલો છે, પણ ૨૦૧૫માં એમની નજર સમક્ષ એમના પતિ અભિજિત રાયની હત્યા થઈ હતી, કારણ કે એ દંપતી ધર્મવિરોધી પુસ્તકો લખતાં અને છાપતાં હતાં. બોનયા પર પણ તલવારથી હુમલો થયો હતો. પણ બોનયા તો છે નાસ્તિક, બુદ્ધિજીવી અને એમનું નામ મુસ્લિમ છે – એટલે એમને પણ આ કાયદા હેઠળ લાભ નહીં મળે. હું ઘણા બાંગ્લાદેશી ચિત્રકાર, કલાકાર, લેખક અને પત્રકારને ઓળખું છું. જેમણે ધર્મવિરોધ કર્યો છે, જેમના જીવ જોખમમાં છે, પણ એમના નામ મુસ્લિમ છે અને સી.એ.એ. એમને મદદપૂર્વક નહીં થાય.

તદુપરાંત પાકિસ્તાનની શિયા કે અહમદી પ્રજા કે આ ત્રણે દેશની સમલૈંગિક પ્રજાને પણ સી.એ.એ. લાગુ નહીં થાય, જો એ વ્યક્તિઓ મુસ્લિમ હોય અથવા જેમની ગણના મુસ્લિમ પ્રજામાં થાય. શ્રી લંકાના તમિળ શરણાર્થીને પણ ફાયદો નહીં મળે અને મ્યાનમારની રોહિંગ્યા પ્રજાને પણ નહીં – વિચાર કરી જુઓ, આ નવો કાયદો રચાયો છે એ પ્રજા માટે કે જે પ્રજા પર ધાર્મિક કારણસર અત્યાચાર થાય છે; રોહિંગ્યા પર અત્યાચારનું કારણ છે એમનો ધર્મ. અને મ્યાનમારમાં તેઓ લઘુમતીમાં છે. પણ મોટા ભાગના રોહિંગ્યા રહ્યા મુસ્લિમ, એટલે ભારતનો દરવાજો એમને માટે બંધ. વળી, બીજો એક પ્રશ્ન છે – પર્યાવરણીય કટોકટી કારણે વીસ-ત્રીસ વર્ષ પછી દુનિયાભરમાં દરિયાનો વિસ્તાર વધવાનો અને એને કારણે બાંગ્લાદેશથી કદાચ લાખો શરણાર્થી સરહદ ઓળંગી ભારત આવશે – ત્યારે ભારત સરકાર શું કરશે? બધી હોડીઓ પાછી મોકલશે? આવનારી પ્રજાના દસ્તાવેજ માગશે? એમના ધર્મ વિશે સવાલ પૂછશે?

સી.એ.એ. મૂળભૂત પાયો જ અસ્થિર છે અને ભેદભાવ પ્રસરાવે છે. અને હાસ્યાસ્પદ તો એ વાત છે કે આ કાયદો બાંગ્લાદેશ સાથે તકરાર શરૂ કરે છે. ભારતની પાડોશમાં બાંગ્લાદેશ એક માત્ર દેશ છે, જેની જોડે મોદી – સરકારે અત્યાર સુધી તો સંબંધો બગાડ્યા નથી.  

એક સીધો અને સરળ ઉપાય છે  – જો સરકારને ખરેખર ત્રાસિત અને પીડિત શરણાર્થીને  મદદ કરવી હોય, તો પ્રત્યેક શરણાર્થીને  – સર્વમુક્તિ, એટલે કે amnesty આપી દેવી. પછી એ નહીં જોવા બેસવાનું કે એમનો ધર્મ કયો અને કયા દેશથી એ આવ્યા. જો એ વ્યક્તિના માનવાધિકારનો ભંગ થયો હોય, જો એ પોતાને દેશ રહે, તો એમના જીવને જોખમે હોય, તો ભારતના દરવાજા એમને માટે ખુલ્લા રહેવા જોઈએ.

એ વાત ખરી કે ભારતે યુ.એન.ના શરણાર્થી કન્વેન્શનમાં નથી કરી સહી, નથી આપ્યું સમર્થન – પણ ૨૦૧૪ સુધી ભારતે એ આંતરરાષ્ટ્રીય માપદંડનું ઉલ્લંઘન પણ નથી કર્યું. તિબેટ, અફઘાન, મ્યાનમારની ચીની, રોહિંગ્યા અને કાચીન પ્રજા, શ્રીલંકાના તમિળ અને પૂર્વ પાકિસ્તાની (જે પછી બન્યા બાંગ્લાદેશી) – આ સર્વેને મોકળા મને અને ઉદારચિત્તે ભારતે આશ્રય આપ્યો છે, જે “અતિથિ દેવોભવઃ” સિદ્ધાંતનું ઉદાહરણ છે અને ભારત માટે એક ગૌરવની વાત છે. પણ પાછલાં પાંચ વર્ષમાં એ આદર્શથી ભારત ખૂબ દૂર જવા માંડ્યું છે; દેશ સંકોચાતો ગયો છે, વામણો થયો છે અને એટલા જ માટે ભારતનાં શહેરોમાં શેરીઓમાં અને ગલીઓમાં લાખો લોકો સરકારનો વિરોધ કરી રહ્યા છે.                      

E-mail : salil.tripathi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2020; પૃ. 03-04

Loading

...102030...2,6202,6212,6222,623...2,6302,6402,650...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved