Opinion Magazine
Number of visits: 9683807
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“બીઇન્ગ ઍન્ડ નથિન્ગનેસની આસપાસ” યાને ‘ધીરે ધીરે વાંચજે, ધીરે ધીરે સમજાશે’

સુમન શાહ|Opinion - Opinion|10 January 2020

(આ અગાઉના અંશ ૧-થી હવે આગળ …)

‘બીઇન્ગ ઍન્ડ નથિન્ગનેસ’-ના પ્રારમ્ભમાં જ પારગામી વાસ્તવિકતાના ખયાલનો અસ્વીકાર કરીને એ મુદ્દે સાર્ત્રે નિત્શેનો ઋણસ્વીકાર કર્યો છે. સમજાય એવું છે કે મનુષ્ય સામે પ્રગટતા રહેતા આવિષ્કારો વાસ્તવિકતા સરજે છે, વાસ્તવને ઘડે છે. એ આવિષ્કારોને જૂઠા પાડી શકે એવું કોઈ સત છે નહીં. હોય તો પણ એને આપણે જાણી શકતા નથી. એનો અર્થ એ કે આવિષ્કારોનો અનુભવ જ આપણી વાસ્તવિકતા છે. આપણે મનુષ્યો એ જાણવાને સમર્થ છીએ કે વિશ્વને વિશેના આપણા અંગત અને આપ-લક્ષી અનુભવો જ સત્ય છે. સત અને ન-સતનો તેમ જ સત્ય અને મિથ્યાનો વિવેક કરનારું કોઈ હોય તો તે માત્ર આપણે જ છીએ.

સાર્ત્ર-દર્શનમાં ‘બીઇન્ગ-ઇન-ઇટસેલ્ફ’ અને ‘બીઇન્ગ ફૉર-ઇટસેલ્ફ’ ચાવીરૂપ વિભાવનાઓ છે. સરળતા ખાતર ‘બીઈન્ગ-ઇન-ઇટસેલ્ફ’-ને કહી શકાય, ‘વસ્તુ’ કે ‘object’ એટલે કે ‘તે’. અને બીઈન્ગ-ફૉર-ઇટસેલ્ફને કહી શકાય, ‘આત્મ’ કે ‘subject’ એટલે કે ‘હું’. સમજાય એવું છે કે એક તરફ ‘હું’ છે અને એની સામે ‘વસ્તુઓ’નો આખો સંસાર છે. ‘વસ્તુ’ની આપણે વ્યાખ્યા કરી શકીએ છીએ. જેમ કે ટેબલ લાકડાનું છે, એને ચાર પગ છે, એનો રંગ લીલો છે, એ ઊંચું નથી, એ વજનમાં ભારે છે. પરન્તુ, ‘હું’ની વ્યાખ્યા ચેતનાથી જ થઈ શકે છે. કહો કે, ‘હું’-ને આપણે ભૌતિક – સ્થૂળ – અને જેનો કશો સાર પકડી શકાય નહીં એવાં લક્ષણોમાં જ વર્ણવી શકીએ છીએ.

આ બન્ને વિભાવનાઓ અમુક હદે એકબીજામાં ભળતી રહે છે. એ રીતે કે ‘હું’ પણ થોડુંક ભૌતિક છે. એ પણ ’વસ્તુ’ને હોય એવાં કેટલાંક લક્ષણો ધરાવે છે. એ જ રીતે, કેટલીક વાર ‘વસ્તુ’ને પણ આપણે ‘હું’-સમ ગણી લેવાની ભૂલ કરી બેસીએ છીએ – નુક્સાનકારક ભૂલ …

સરળતા ખાતર હું આ લેખમાં, ‘બીઈન્ગ-ઇન-ઇટસેલ્ફ’ માટે ‘વસ્તુ’ અને ‘બીઇન્ગ-ફૉર-ઇટસેલ્ફ માટે ‘હું’ સંજ્ઞા પ્રયોજીશ.

મને એવો પ્રશ્ન થાય છે કે હું લેખક તે શું પેલા પર્વત જેવો ખરો? ના. પર્વત તો ‘વસ્તુ’ છે, કહો કે પર્વત જ છે. લેખક તરીકે હું લેખક ખરો પણ રોજ સવારે કશા અજ્ઞાત ભવિષ્યમાં ઝંપલાવું છું, કશુંક પામું છું, તેને લખું છું, અને તે પછી જ લેખક બનું છું. સાર્ત્ર આ સત્યને ઘૂંટે છે. કહે છે કે ‘હું’-ને ત્યારે જ અર્થ લાધે છે જ્યારે એ કશા અણજાણ ભવિષ્યમાં પ્હૉંચી જાય છે. સાર્ત્ર એમ કહેવા માગે છે કે ‘હું’ જાણે ધાડ પાડે છે – કાયમની એની એ જ રીતેભાતે …

વાત એમ છે કે માણસ પાસે જાતની ઓળખ અને જીવનકાર્યો માટે કેટલાક ગુણ, કેટલુંક સત્ત્વ, હોય એ જરૂરી છે. આમ તો, આ સત્ત્વતરફી વિચાર, આવશ્યકતાવાદ – ઇસેન્શ્યાલિઝમ – પ્લેટો જેટલો પુરાણો છે. પણ સત્ત્વ માટે, ગુણો માટે, માણસ ગમે એટલું મથે, સફળ નથી થતો. પોતાના ભૂતકાળને ફંફોસે, ભૂતકાળના અર્થ કરે, ભવિષ્યને તાકે, કલ્પે, એમ ઘણું કરી શકે. કેમ કે એવી અનેક પસંદગીઓ કરવાની એની ગુંજાઈશ છે. પણ તેથી શું? એ ગુંજાઈશને શું કરવાની? સાર્ત્ર સમજાવે છે કે વ્યક્તિ ગમે એટલી શારીર હોય, દાખલા તરીકે, પાંચ ફીટ પાંચ ઇન્ચ હોય, તો પણ એ વ્યક્તિ એને નથી કશો અર્થ આપી શકતી કે નથી એમાંથી કશો અર્થ કાઢી શકતી. સત્ય એ છે કે માણસ અસ્તિત્વ છે, સત્ત્વ નથી.

આ વિરોધાભાસ પણ જબરો છે : ‘હું’ ‘વસ્તુ’-માં એક થવા ઇચ્છે, પણ ત્યારે એ પોતાની આત્મ-તા વસ્તુ-તા પર થોપે છે. ‘હું’ ચેતના છે, તેમ છતાં, પોતાને જ પ્રશ્નરૂપ લેખે છે. પરિણામે, ‘હું’ અને ‘વસ્તુ’ વચ્ચેની કટ્ટર તિરાડ દૃઢ થાય છે. સાર્ત્ર સ્પષ્ટ કરે છે કે એક સભાન સત તરીકે ‘હું’ પોતે જે નથી તેને સ્વીકારી લે છે – મતલબ, જે નથી તેને વિશેની સભાનતા દ્વારા ‘હું’ પોતે જ જે નથી તે બની રહે છે. એટલે કે, એને તમે વિશ્વથી સમ્પૂર્ણપણે મુક્ત એવી એક શૂન્યતા કહી શકો કે એક કૅન્વાસ કે જેની પર એ પોતાના સતને આલેખવાનું હોય. સાર્ત્ર એવા સાર પર જઈ પ્હૉંચે છે કે ‘હું’ એવું સત છે જેના દ્વારા વિશ્વમાં અભાવ અને શૂન્યતા પ્રવેશે છે; છેવટે, ‘હું’ પોતે જ એક અભાવ બની રહે છે. બીજા શબ્દોમાં એમ કહેવાય કે ‘હું’ અને ‘વસ્તુ’-નું અસંભાવ્ય સંશ્લેષણ હંમેશાં ગેરહાજર રહે છે …

'સત'ને ભારતીય પરમ્પરા અનુસાર, કશીપણ હસ્તીનો, કશાપણ અસ્તિત્વનો, શુદ્ધતમ અર્ક કહી શકાય. પણ સાર્ત્ર એમ જણાવે છે કે મનુષ્ય કદી જાણી શકશે નહીં કે સત ખરેખર છે કે કેમ. એ માટે એણે તે વસ્તુ બનવું જોઈશે. જેમ કે, ખડકને જાણવા ખડક બનવું પડે. તેમ છતાં, ‘હું’ જે નથી તે વડે વિશ્વને જોઈ શકે છે. એ પ્રકારે, ‘હું’ સાવ મુક્ત છે બલકે કલ્પનાશક્તિ પણ ધરાવે છે. સુવિદિત છે કે નિતાન્ત સૌન્દર્યને નથી પામી શકાતું તેમ છતાં એની ગેરહાજરી દ્વારા તેને જાણી શકાય છે – જેવી રીતે પ્રિયજન છોડી ગયું હોય છે તેથી ખાલીપો જન્મે છે, પણ એ ખાલીપા વડે જ તેને જાણી શકાય છે.

સાર્ત્રના દર્શનમાં બીજું કેન્દ્ર એ છે કે ચેતના એકથી વધુ સત વચ્ચે સંભવતી આન્તરક્રિયાઓ, લૅણાદેણી કે આદાનપ્રદાનને ધારણ કરે છે. એક ‘હું’ જ્યારે બીજા ‘હું’-ના સમ્પર્કમાં મુકાય છે ત્યારે એમાં જવાબદાર વસ્તુઓ બે હોય છે – the gaze, એટલે કે, નજર અને the other, એટલે કે, અન્ય. સાર્ત્ર અનુસાર, અન્યની નજર માણસને પરાયાપણાનો અનુભવ કરાવે છે. આપણને કોઈ નિહાળી રહ્યું છે એ વાત આપણી ચેતનાને નકારે છે, એટલું જ નહીં, એ વાતનું કારણ બને છે કે આપણામાં વસતા બીજા ભાગોની પણ આપણે ચિન્તા કરીએ. વળી, આપણને નિહાળતા એ અન્યને આપણે આપણાથી ચડિયાતો ગણવાને મજબૂર બની જઈએ છીએ. એની નજરથી સરજાતા નિર્માનવીકરણને આપણે સ્વીકારી લઈએ છીએ. આપણને વસ્તુપદાર્થ ગણી કાઢતી એ નજરને સહી લઈએ છીએ.

તે વખતે આપણે એનું શરણ સ્વીકારવાને તેમ જ એને પણ વસ્તુપદાર્થ ગણી લેવા માટે સભાન અને મુક્ત હોઇએ છીએ. આમ, સમ્બન્ધને ઉલટાવીએ છીએ, સમ્બન્ધની અદલબદલ કરી નાખીએ છીએ. સાર્ત્રનું એમ કહેવું સાચું છે કે સમાજમાં આમ અવારનવાર બનતું હોય છે. એથી દમન જન્મે છે. બે એકદમનાં સાફ દૃષ્ટાન્તો : એક તો, જાતિદ્વેષને કારણે જન્મેલી ગુલામીપ્રથા અને બીજું, નારી તેમ જ નારીસમાજ પ્રત્યેની પૈતૃક સત્તાના વારસદાર પુરુષોની વર્તણૂકો.

મને થાય, અસ્તિત્વવાદીઓને જો હિન્દુ વર્ણવ્યવસ્થાની અને તેમાંથી પ્રગટેલી અસ્પૃશ્યતાવિષયક ઘાતક માનસિકતાની તેમ જ દલિત-પીડાની જાણ હોત તો એમણે એ દૃષ્ટાન્તોને પણ આમાં ઉમેરી લીધાં હોત…

સાર્ત્ર કહે છે કે ‘હું’ એક અન્ય ‘હું’ સાથે જોડાય, સમ્બન્ધ ઊભો થાય, ત્યારે જ આપણે મનુષ્યો આપણી જાત વિશે સભાન થઈએ છીએ. જ્યાં લગી અન્યની નજર – gaze – આપણા પર પડે નહીં, જ્યાંલગી એ નજરનો સામનો ન કરવો પડે, જ્યાં લગી આપણે અન્ય વડે watch ન થઇએ, ત્યાંલગી આપણને આપણી પોતાની હાજરી નથી અનુભવાતી. અન્યની નજર બધું વસ્તુમય કરી મૂકે છે. તમે કોઈને મકાન બાંધતાં જુઓ ત્યારે તમે એને કડિયા કે બાંધકામદાર નામની વસ્તુ તરીકે જુઓ છો. મેં કોઈવાર કોઈ સભામાં કહેલું કે બસ-કન્ડક્ટરને એને અપાયેલા ૩૪૫ નમ્બરથી બોલાવાય છે, નહીં કે પશાભાઈ તરીકે !

સાર્ત્ર જણાવે છે કે આપણને આપણી જાણ ત્યારે જ થાય છે જ્યારે અન્ય કોઈ આપણને જાણવા કે અનુભવવા કરે છે. આપણે વસ્તુમય થઈ જઈએ છીએ જ્યારે અન્ય કોઈ આપણને એ રીતે નિહાળે છે. આમ અન્યની નજર આપણી મૂળેરી સ્વતન્ત્રતાને તેમ જ આપણસમગ્રને લૂંટી લે છે. પરિણામે, આપણે આપણા અસ્તિત્વથી વંચિત થઈ જઈએ છીએ, એટલું જ નહીં, શીખવા માંડીએ છીએ કે આપણી આત્મ-ઓળખ કેવીક તો મિથ્યા છે.

સાર્ત્ર આ મુદ્દાને વિકસાવતાં એટલે લગી કહે છે કે એક સત તરીકે, એક ઍજન્સી કે એક કલ્પના તરીકે, ‘હું’ નક્કર પાયા વિનાનું બની જાય છે. પોતાની શૂન્યતાથી ભાગી છૂટવા એ ‘વસ્તુ’-ને ગળી જવા મથે છે. દુનિયાદારીની રીતે કહેવું હોય તો એટલે લગી કહેવું જોઈએ કે એ એને ‘વાપરે’ છે. તેમછતાં, ‘વસ્તુ’ કદી પણ કબજે તો થતું જ નથી.

સાર્ત્રનું કહેવાનું એમ થાય છે કે હું એક શૂન્યતા છું, અભાવ છું, અન્યો વડે નિર્માનવીકરણ પામેલો છું, ને વળી, મારા પોતાથી પણ છેતરાયેલો છું. પણ સાર્ત્ર સતત એમ પણ ઘૂંટે છે કે હું મુક્ત છું, હું પારદર્શક છું, હું ચેતના છું ને હું વિશ્વને ઘડું કરું છું ! આમ એમનો આ શાસ્ત્રાર્થ વિવાદાત્મક બની રહે છે અને સરવાળે ચર્ચાને નિરાશાભરી કરી મૂકે છે …

મનુષ્ય જીવનની ઑન્ટોલૉજી અંગેનાં આવાં બે દેખીતાં અસમાધાનકારી વર્ણનોનો સાર્ત્ર કશો ગળે ઊતરે એવો ખુલાસો નથી આપતા, એ એક કોયડો છે. અલબત્ત, કશા ફિલસૂફીપરક ઉપસંહાર પર ન જવું એ એમનું અનેકશ: ઈરાદાપૂર્વકનું વર્તન છે, છતાં, એ બન્નેને જાળવી રાખવાં, એ એમની અંગત શૈલી રહી છે, એટલું જ નહીં, અસ્તિત્વવાદની પણ કહેણી – maxim – એ રહી છે કે એવો કોઈ સિદ્ધાન્ત નથી જે સાર્વત્રિક હોવાનો દાવો કરી શકે.

સાર્ત્રના કહેવાનો સાર જ એ છે કે ભેદો અને વિવિધતાની ગેરહાજરી જ કદાચ સતની અન્તર્ગત રહેલું મોટામાં મોટું લક્ષણ છે. સત અસ્તિત્વની સમ્પૂર્ણતા છે. તેથી ચેતના તો જ્ઞાન અને અર્થહીનતાનો નિરર્થક જથ્થો ભાસે છે. વિશ્વમાં ચેતના ‘હું’ દ્વારા દાખલ થઈ શકે છે અને એની સાથોસાથ, શૂન્યતા અને નકાર પણ દાખલ થાય છે. ચેતના એ છે જે વિશ્વને હોવા-રહેવા દે છે! ચેતના નહીં હોય તો વસ્તુઓ નહીં હોય, વૃક્ષો નહીં હોય, નદીઓ નહીં હોય, અને ખડકો નહીં હોય. હશે માત્ર સત. ચેતના હંમેશાં સ-હેતુક હોય છે. એટલે કે, ચેતના હંમેશાં કશાકને વિશેની ચેતના હોય છે.

બીજું ચિત્ર અસ્તિત્વવાદી મનોવિશ્લેષણનું ઠઠ્ઠાચિત્ર છે : જુઓ તો, મનોવિશ્લેષકભઈલો, સાર્ત્રનું મનોવિશ્લેષણ કરી રહ્યો છે !

સાર્ત્રની ઑન્ટોલૉજી અનુસાર, શું નથી એને જાણ્યા પછી જ ચેતના જાણે છે કે પોતે ‘વસ્તુ’ નથી, અને એ રીતે જેને જાણે છે તે એક શૂન્યતા છે, સતનું ન હોવું છે. તેમ છતાં, સાર્ત્ર-દૃષ્ટિમાં ‘હું’ કશું નથી, એ ત્યારે જ હોય છે, જ્યારે એ સતના સમ્બન્ધમાં મુકાય છે. એ રીતે એ એક પ્રકારનું is છે, હોવું છે…

મારે આમાં કેટલીક વીગતો ઉમેરવી જોઈએ : હ્યુસેર્લ અને હાઈડેગરની જેમ સાર્ત્ર પણ ઑન્ટોલૉજીને મૅટાફિઝિક્સથી જુદી ગણે છે. ‘ઑન્ટોલૉજી’ માટે ભલે હું ગુજરાતી પર્યાયવાચી સંજ્ઞા હાલ ને હાલ નથી રચી શકતો, પણ કહી તો શકું છું કે એ સતને વિશેનું – બીઈન્ગને વિશેનું – હોવાપણાને વિશેનું – અધ્યયન છે. બીઈન્ગ સાથે જોડાયેલાં બીકમિન્ગ, ઍક્ઝિસ્ટન્સ અને રીયાલિટીનું, એટલે કે, સત સાથે જોડાયેલાં થવાપણું, અસ્તિત્વ અને વાસ્તવિકતાનું એ અધ્યયન છે.

સામાન્યપણે ઑન્ટોલૉજીને મૅટાફિઝિક્સ એટલે કે અધ્યાત્મવિદ્યા કહીએ છીએ પણ હ્યુસેર્લ, હાઈડેગર અને સાર્ત્ર એને એમ નથી ગણતા. સાર્ત્રને મન ઑન્ટોલૉજી વર્ણનાત્મક છે, વર્ગો રચી આપે છે; જ્યારે, અધ્યાત્મવિદ્યા મનુષ્યોનાં મૂળ વિશે, તેમનાં જીવનસાધ્ય વિશે, તેમ જ વિશ્વ સમગ્ર વિશે કેટલાંક નિરૂપણો પીરસે છે. સાર્ત્ર હાઈડેગરની જેમ અધ્યાત્મવિદ્યા કેટલી તો હાનિકારક છે વગેરે પંચાતમાં નથી પડતા. કાન્ટની માફક માત્ર નૉંધ કરે છે કે અધ્યાત્મવિદ્યા જેના આપણે ઉત્તરો ન આપી શકીએ એવા પ્રશ્નો ખડા કરે છે. સાર્ત્રે ‘બીઈન્ગ ઍન્ડ નથિન્ગનેસ’ ગ્રન્થનું ઉપશીર્ષક રાખ્યું છે, ‘ફિનૉમિનોલૉજિકલ ઑન્ટોલૉજી’. મતલબ, એમને આવિષ્કારોનું અધ્યયન રચવું છે. ટૂંકમાં, સાર્ત્રની પદ્ધતિ અતિ અમૂર્ત વિભાવનાઓથી ખસીને નક્કર મૂર્ત વિભાવનાઓ તરફ વિકસી છે.

જેની આપણે વાત માંડી છે એ ‘હું’ અને ‘વસ્તુ’ સતની જ બે ભિન્ન કોટિઓ છે. સાર્ત્ર ત્યાંથી શરૂ કરે છે અને એમ સૂચવે છે કે એક ચેતન છે, એક જડ છે. પણ પાછળથી એમણે ‘pour-autrui – એટલે કે ‘ફૉર-અધર્સ’ શીર્ષકથી એક ત્રીજી કોટિ પણ ઉમેરી છે. જીવનને સંયોજનારા મૂળભૂત પ્રોજેક્ટને સ્પષ્ટ કરતાં આપણાં કર્મોને એમણે ‘અસ્તિત્વવાદી મનોવિશ્લેષણ’-થી સમજાવવાનો આગવો પ્રયાસ કરેલો છે. એ જુદી વાત કોઈ બીજા સંદર્ભે કરીશ.

આ ‘હું’ અને ‘વસ્તુ’-ની આપણે ભેળસેળ કરી દેતા હોઈએ છીએ. એને કારણે જીવનમાં સંદિગ્ધતાઓ, ગૂંચવાડા, જન્મે છે. મેં જણાવ્યું એમ ‘વસ્તુ’ is છે, માત્ર ‘છે’. જાતે જ ઓળખાઈ જાય છે, અક્રિય અને જડ છે. પણ સમજાય એવું છે કે ‘હું’ પ્રવાહી અને સક્રિય છે. પરન્તુ એ જાતે ને જાતે નથી ઓળખાતું. ‘હું’ જેનો આધાર લે છે એ ‘વસ્તુ’નો એ બહુ ઊંડેથી નન્નો ભણે છે. સાર્ત્ર એને nihilation કહે છે.

આ એવું દ્વૈત છે જેને ‘ફૅક્ટિસિટી’ – તથ્યાત્મકતા – અને ‘ટ્રાન્સેન્ડન્સ’ – ઉલ્લંઘન – પણ કહી શકાય છે. આપણને મળેલી ભાષા, મળેલું વાતાવરણ, આપણી પસંદગીઓ બલકે આપણે પોતે, આપણાં ‘ગિવન્સ’ છીએ, દત્ત છીએ. એથી તથ્યાત્મકતા એટલે કે સમજો, હકીકતો અને હકીકતોનું ટોળું રચાય છે, પરિસ્થિતિઓ સરજાય છે. પણ સભાન વ્યક્તિઓ તરીકે આપણે એને ટ્રાન્સેન્ડેન્ટ કરી જઈએ છીએ, ઉલ્લંઘી જઈએ છીએ, એટલે કે, ઓળંગી જઈએ છીએ. પણ કહેવાનો સાર એ છે કે સદા આપણે ‘પરિસ્થિતિ’-માં જ હોઈએ છીએ ! ઉપરાન્ત, પરિસ્થિતિ અને ઉલ્લંઘનનું કશું ચૉક્કસ મિશ્રણ નથી કરી શકાતું, એમ પણ છે. એટલે સાર્ત્ર એમ દર્શાવી રહ્યા છે કે આપણે હંમેશાં આપણી પરિસ્થિતિથી ‘વધારે’ હોઈએ છીએ ! અને એ જ છે આપણા સ્વાતન્ત્ર્યની મૂળ ભૂમિકા ! સાર એમના અતિ સંવેદનશીલ સૂત્રમાં એ કે ‘વી આર કન્ડેમ્ન્ડ ટુ બી ફ્રી’… સ્વતન્ત્ર હોવાનો આપણને શાપ છે …

તો પછી, કોઈ પણ ફિલસૂફે કે સાર્ત્રે મારા હાથમાં છેવટે તો એ પ્રસાદ પીરસવો જોઇએ કે મારે કરવાનું શું છે – કઈ નીતિરીતિથી હું જીવું એ કહો. સાર્ત્રના આ ગ્રન્થમાં એવાં ફિલસૂફીપરક ઈંગિતો – ફિલોસૉફિકલ ઇમ્પ્લી કેશન્સ – છેક છેલ્લે મળે છે. સુખ્યાત વ્યાખ્યાન ‘ધ હ્યુમેનિઝમ ઑફ ઍક્ઝિસ્ટેન્શ્યાલિઝમ’-માં સાર્ત્રે એ દર્શાવ્યાં છે. ( જિજ્ઞાસુએ એ વ્યાખ્યાનના થોડાક નિર્દેશ પૂરતું મારું પુસ્તક 'સાર્ત્રનો સાહિત્યવિચાર' જોવું ). એમનું કેન્દ્રસ્થ મન્તવ્ય એ છે કે મૂલ્યો કદી પણ પરલક્ષી હોતાં નથી કેમ કે મૂલ્યો મુક્ત વ્યક્તિઓએ કરેલી પસંદગીઓનું તેમ જ તેથી જન્મેલાં તેમનાં કાર્યોનું પરિણામ હોય છે.

શૂન્યતા અને અભાવની સંકુલ ચર્ચા કે તાત્ત્વિક ગવેષણા પછી, સ્વાતન્ત્ર્ય મનુષ્યોને અપાયેલો શાપ છે કહ્યા પછી સાર્ત્ર કશુંક આશાભર્યું બોલ્યા તે એ કે એ વરદાન પણ છે. જો કે એથી ચૉક્કસપણે શું સંભવશે તે વિશે નક્કી કશું કહી શકાતું નથી. પરન્તુ એ સ્વાતન્ત્ર્યનું જે કરીશું તે જ કહેવાશે આપણું …

(ક્રમશ:)

= = =

(7 Jan 2020: USA)

Loading

મારે બારણે એક ઝાડ સુકાઇ રહ્યું છે

ભારતી શાહ - જનક શાહ|Opinion - Opinion|10 January 2020

મારે બારણે એક ઝાડ સુકાઇ રહ્યું છે.
હું  ચિત્રકાર નથી તેનો અફસોસ મને આટલો કદી ન હતો
નર્યું રેખાઓનું માળખું છે એ.

એને ચરણેથી એને જોઉં છું.
પીધું લીધું દીધું તે બધું ય જાણે ખંખેરીને ઊભું ન હો !

અટારીથી રાત્રીઓના આછા ઘેરા ઉજાસમાં ઝાંખી લઉં છું,
વ્યક્તિત્વની ભિન્ન ભિન્ન અદાઓ એનીઃ

મૌન ગૌરવ, બરછટ શુષ્કતા, મમતા આ ધરતીની …
શાખા બાહુ વચ્ચે એણે છાતી સરસું ઝાલી રાખ્યું છે જાણે
મૃત્યુફળ.

                                                                                                           — ઉમાશંકર જોશી

કેવી વાસ્તવિક અભિવ્યક્તિ ! આજની પરિસ્થિતિ અંગે કેવી ભવિષ્યવાણી ! તમારા માનસ પટ પર આ સુકાયેલા, નર્યા રેખાઓના માળખા સમાન વૃક્ષનું ચિત્ર અંકિત થાય છે ખરું ? હું ચિત્રકાર નથી એવી કેફિયત આપીને કવિ સૂકાતા વૃક્ષનું સર્વાગસંપૂર્ણ ચિત્ર બખૂબી દોરી આપે છે.

હરીન્દ્ર દવે આ કવિતા વિશે કહે છે, "કવિ ક્યા વૃક્ષની વાત કરે છે અને કયા ફળની વાત કરે છે? આ સંસ્કૃતિની કથા છે? આ મૂલ્યોની વાત છે? આ જીવનની ઝંખવાતી જતી દીપ્તિની વ્યથા છે? – તમે એનો કોઇ પણ અર્થ કાઢી શકો, પણ છેલ્લા શબ્દ આગળ કંપી ગયા પછી પ્રથમ પંક્તિના ક્રિયાપદ 'રહ્યું છે' પર આશ્વાસનની નજર મંડાઇ રહી છે. કદાચ આ વિરક્ત સ્થિતિમાંથી કોઇક નવી વસંત આવશે અને એમાં કદાચ સુકાઇ રહ્યું છે એ વૃક્ષ મહોરી પણ ઊઠે – એનાં શાખા-બાહુઓ વિસ્તરી ઊઠે, એને ભીંસી રાખેલું મૃત્યુફળ સરી પણ પડે – પણ કદાચ …!"

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના એક અહેવાલ પ્રમાણે પૃથ્વી પર આબોહવા પરિવર્તનનું મુખ્ય કારણ માનવસર્જિત ગ્રીનહાઉસ ગેસ છે. આ ગેસની ગ્લોબલ વોર્મિંગ પર ભયંકર અસર દેખાય રહી છે. એમ કહેવાય છે કે ૨૦૫૦ની સાલ સુધીમાં તેમાં ૧૩૦ ટકાનો વધારો નોંધાવાની શક્યતા છે. ક્યોટો પ્રોટોકોલ અને પેરિસ એગ્રીમેન્ટ જેવા કરારો હોવા છતાં કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં સતત વધારો થઇ રહ્યો છે. ખનીજ તેલ અને કોલસાનો વપરાશ વધતાં ગ્લોબલ પોલ્યુશન રેકોર્ડબ્રેક કક્ષાએ પહોંચી ગયું છે. ભારતનાં શહેરો ગંદકીથી ખદબદે છે અને પ્રદૂષિત છે એવા અહેવાલો સો ટકા સાચા છે.  અહેવાલોના મત મુજબ દુનિયાના લગભગ તમામ દેશો વાયુ પ્રદૂષણ માટે વધતા ઓછા પ્રમાણમાં જવાબદાર છે. ચીન, અમેરિકા, ભારત, રશિયા અને જાપાન આ પાંચ દેશો જાયન્ટ કિલર છે. વૈશ્વિક કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનમાં એકલા અમેરિકા અને ચીનનો ફાળો ચાળીસ ટકાથી વધુ છે. [- મિડ ડે]

ફક્ત આપણે એકલા જ પૃથ્વી પર ફેલાતા પ્રદૂષણ માટે જવાબદાર નથી. અત્યાર સુધી આપણે એવું સમજતા હતા કે પ્રદૂષણ ફક્ત માનવસર્જિત સમસ્યા છે. ઝેરી હવાની વાત આવે એટલે ઇંધણ, કોલસો, પેટ્રોલ, ડીઝલ, વાહનોમાંથી બહાર ફેંકાતો ધુમાડો, ઔદ્યોગિક કચરો અને કચરો બાળતાં દ્રશ્યો આપણી નજર સમક્ષ દેખાય છે. માનવસર્જિત પ્રદૂષણની માત્રા અતિશય છે એ સાચું, પરંતુ પૃથ્વીની હવા અશુદ્ધ કરવામાં માનવની જેમ કુદરત પણ વખોવખત પોતાનો ફાળો નોંધાવતી રહી છે. જ્વાળામુખી, વંટોળ, દાવાનળ, ધરતીકંપના આંચકા જેવી કુદરતી આફતોનાં કારણે વૈશ્વિક પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે કુદરતમાં થતા કેટલાક પરિવર્તનો માટે કેટલાક અંશે માનવી જવાબદાર છે તે આપણે જાણીએ જ છીએ. સૂર્યના પરિભ્રમણની ગતિમાં થયેલા ફેરફાર, પર્વત બનવાની ધીમી પ્રક્રિયા, મહાદ્વીપ, નામશેષ થઇ રહેલા નાના-નાના ટાપુઓ વગેરે જેવા ભૌગોલિક ફેરફારો જળવાયુ પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણનાં પ્રાકૃતિક કારણો પણ છે.

આપણે ત્યાં આપણાં અધિકારો, આપણી માંગ, આપણી અપેક્ષાઓ, આપણી જરૂરિયાતો, આપણને મળતી ઓછી સવલતો માટે હડતાલો પડે છે. પરંતુ વાતાવરણના પરિવર્તનો માટે વિશ્વમાં ઊભા થયેલા જોખમો સામે જાગૃતિ લાવવા કોઇ અવાજ ઊઠે છે ખરો? હડતાલ પડે છે ખરી ?

એક સોળ વર્ષની સ્વીડનની છોકરી છે નામે ગ્રેટા ટૂનબર્ગ – વાતાવરણના પરિવર્તનો માટે વિશ્વમાં ઊભા થયેલા જોખમો સામે જાગૃતિ લાવવા તેણે આજે અવાજ ઉઠાવ્યો છે. ચાલો, ત્યારે દુનિયા ભરના લોકોનું ધ્યાન ખેંચનારી આ ગ્રેટાની ઝૂંબેશ અને સિદ્ધિ પર એક નજર ફેરવીએ.

આ ગ્રેટાને કેટલાક સમય પહેલાં કોઇ સાંભળવા તૈયાર ન હતું. તેની સામે કોઇ ઓડિયન્સ ન હતું. સ્વિડિશ પાર્લામેન્ટની બહાર તે એકલી 'સ્કૂલ સ્ટ્રાઇક ફોર ક્લાઇમેટ ચેન્જ'નું સાઇન બોર્ડ લઇને  બેઠી હતી. તે ૧૧ વર્ષની હતી ત્યારે શાળામાં ક્લાઇમેટ ચેન્જ અંગે તેણે અભ્યાસ કર્યો હતો. દુનિયાને આ પરિવર્તનની ચિંતા કેમ થતી નથી, એવું વિચારીને તે ડિપ્રેશનમાં જતી રહી હતી. ત્યાર પછી તેણે આ વિશે દુર્લક્ષ સેવવાનું નક્કી કર્યું પણ તેના મનમાંથી આ વિચાર હટતો ન હતો. તે વધુ સમય તેનાથી દૂર રહી ન શકી. તેણે તેની શાળાના મિત્રોને ક્લાઇમેટ ચેન્જ વિશે સમજાવ્યું. ત્યાર પછી શાળાના વિદ્યાર્થીઓને સમજાવ્યું અને વિદ્યાર્થીઓના ટેકાથી શાળામાં હડતાલ પાડવી શરૂ કરી.

ગ્રેટા માને છે કે કાલે ઊઠીને આાપણું કોઇ ભવિષ્ય નહીં હોય તો શાળાએ જવાનો શો મતલબ? આટલી નાની ઉંમરમાં વિદ્યાર્થીઓને સમજાવવાનું કાર્ય તેના માટે ઘણું કઠિન હતું. પણ તે હિંમત હારી નહીં અને પોતના વિચારથી ડગી નહીં. આગળ વધી રહેલી ગ્રેટાના વિચારને દુનિયાભરના વિદ્યાર્થીઓએ વધાવી લીધી. ગ્રેટાએ દર શુક્રવારે શાળાના કોઇ શિક્ષણ કાર્યમાં ભાગ ન લઇ અભ્યાસનો બહિષ્કાર કરવો શરૂ કર્યોં. દર શુક્રવારે તે શાળાના વિદ્યાર્થીઓ સાથે હાથમાં પોસ્ટર લઇને શાંતિથી રસ્તા પર ઊભી રહેવા લાગી. તેણે ક્યારે ય તેની શાળામાં જાહેરમાં કોઇ વક્તવ્ય આપ્યું ન હતું. આજે તે આખી દુનિયા સમક્ષ બોલવા તૈયાર થઇ ગઇ છે.

ગ્રેટાના આજે ઇન્સ્ટાગ્રામ પર ૨૪ લાખ, ફેસબુક પર ૧૦.૨૧ લાખ અને ટ્વિટર પર ૮.૩૧ લાખ ફોલોઅર્સ છે. તે તેના એકાઉન્ટ પર અવારનવારે Fridays For Future અને climate strike હેશટેગ મારીને વીડિયો પોસ્ટ કરતી રહે છે. ગ્રેટા પોતાના વિશે કહે છે, "બધાથી અલગ હોવું તે મારી નબળાઇ નથી પણ હું ટોળાં કરતાં અલગ છું તે જ મારી તાકાત છે." ૨૦૧૮ની ૨૪મી નવેમ્બરના રોજ સ્ટોકહોમમાં ક્લાઇમેટ ચેન્જ વિશે તેણે અસરકારક વક્તવ્ય આપ્યું હતું. પોતાના વક્તવ્યમાં તેણે પોતાની વાત અભિવ્યક્ત કરતાં કહ્યું હતું, "કલાઇમેટ ચેન્જ માટે યુવાન લોકોએ વિચારવાની જરૂર છે. આપણે જે વાતને સામાન્ય રીતે લઇએ છીએ તેનાથી જ ભવિષ્ય ખતરામાં છે. આપણી વચ્ચે સતત કલાઇમેટ ચેન્જ થઇ રહ્યું છે, તેમ છતાં તે કોઇ ન્યૂઝ ચેનલની હેડલાઇન કેમ નથી બનતું ! ફક્ત દુનિયામાં કાયદાઓ બનાવીને તેને બદલી શકતા નથી. તેના માટે કાંઇક કરી બતાવવું પડે !"

આ સ્ટ્રાઇક પાછળ ગ્રેટાનું ધ્યેય એ છે કે સ્વિડનની સરકાર પેરિસ સાથે કરેલ કરારનો નિકાલ કરે. આ નિર્ણયથી દેશમાં કારખાનાંઓને લીધે વધતા ગ્લોબલ ટેમ્પરેચરને મર્યાદિત કરી શકાશે.  સોશિયલ મીડિયાના માધ્યમથી ગ્રેટાને દુનિયાભરના વિદ્યાર્થીઓ સહિત બીજા પર્યાવરણ એક્ટિવિસ્ટનો ટેકો પણ મળી રહ્યો છે. નાની ઉંમરમાં ગ્રેટા જે કામ કરી રહી છે તે બદલ દુનિયાભરના લોકો તેના વખાણ કરી રહ્યા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં પણ તેમાં સામેલ છે. ડિસેમ્બર ૨૦૧૮માં સ્ટોકહોમના 'એક્ટિવિટી સેન્ટર ફોર યંગ પીપલે' ગ્રેટાને 'યંગ રોલ મોડલ ઓફ ધ યર'નો ઇલ્કાબ આપ્યો હતો. ઇલ્કાબની સાથે તેને સ્કોલરશિપ પણ આપવામાં આવી હતી. ૨૦૧૮માં દુનિયાના ૨૫ સૌથી વધારે પ્રભાવશાળી ટીનેજરમાં 'ટાઇમ' મેગેઝિને તેનું નામ સામેલ કર્યું હતું. ઇન્ટરનેશનલ વુમન્સ ડેના દિવસે તેને સ્વિડનમાં 'મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વુમન ઓફ ધ યર'નું બિરુદ અપાયું હતુ. ગ્રેટાને આ વર્ષે નોબેલ શંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે. જો તેને નોબેલ શાંતિ પુરસ્કાર મળે તો તે સૌથી યુવાન વ્યક્તિ બનશે જેને આ પુરસ્કાર મળ્યો હોય.

ગ્રેટાનો જન્મ ૨૦૦૩ની સાલમાં સ્વીડનની રાજધાની સ્ટોકહૉમમાં થયો હતો. તે સ્વીડનની એક ઓેરા સિંગર છે. તેના પિતા સ્વાંતે ટુનબર્ગ એક પત્રકાર છે. બે વર્ષ સુધી તેણે પોતાના ઘરના માહોલને બદલવા પર કામ કર્યું. તેના માતા-પિતાએ માંસનું સેવન છોડી દીધું છે અને પ્રાણીઓની ચામડીમાંથી બનેલ વસ્તુઓનો ઉપયોગ કરવાનું પણ છોડી દીધું છે. તેમણે વિમાનની યાત્રા બંધ કરી દીધી છે કારણ કે તેના કારણે કાર્બનનું ઉત્સર્જન વધી જાય છે.

૨૩મી સપ્ટેમ્બરના રોજ ન્યુયોર્કમાં યોજાયલ સંયુક્ત રાષ્ટ્રની જળવાયુ પરિવર્તન શિખર પરિષદમાં ધ્રૂસકે ધ્રૂસકે રડતાં દુનિયાભરના નેતાઓને ગ્રેટાએ કહ્યું, "How Dare You? એટલે કે તમારી હિંમત જ કઇ રીતે થઇ શકે."

પર્યાવરણનું રક્ષણ કરવા માટે સમગ્ર વિશ્વમાં આંદોલનનો એક ચહેરો બનેલી ગ્રેટાએ ૨૩મી સપ્ટેમ્બરના રોજ ન્યુયોર્કમાં યોજાયલ સંયુક્ત રાષ્ટ્રની જળવાયુ પરિવર્તન શિખર પરિષદમાં ભાગ લીધો હતો. જળવાયુ પરિવર્તન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંયુક્ત રાષ્ટ્ર સંધમાં આપેલા વક્તવ્ય પહેલાં પરિષદમાં તેણે દુનિયાની મહાસત્તાઓના નેતાઓને પોતાની ચિંતાઓ અને પ્રશ્નોથી હચમચાવી દીધા હતા. સ્વીડનની આ ૧૬ વર્ષની પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા ટુનબર્ગે સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચ સ્તરીય કલાઇમેટ એકશન સમિટ દરમિયાન મહાસચિવ અંતોનિયો ગુતારેસ સહિત દુનિયાના મોટા નેતાઓની સમક્ષ જ્યારે તેણે બોલવાનું શરૂ કર્યું ત્યારે તેમને ખ્યાલ ન હતો કે આ બાળકી પોતાના પ્રશ્નોથી અવાચક કરી દેશે. ગ્રેટાએ દુનિયાભરના બાળકોનું અને આજની યુવા પેઢીના અવાજને અભિવ્યક્ત કરતાકહ્યું કે, "અમને સમજમાં આવી રહ્યું છે કે જળવાયુ પરિવર્તનના મુદ્દા પર તમે અમને છેતર્યા છે અને હવે તમે કાંઇ જ નહીં કરો તો યુવા પેઢી તમને માફ નહીં કરી.  How Dare You એટલે કે તમારી હિંમત જ કઇ રીતે થઇ શકે. તમે અમારાં સપનાં અને બચપણને તમારા ખોખલા શબ્દોથી ઝૂંટવી લીધાં છે ….. જો કે હું તો હજુ પણ ભાગ્યશાળી છું. આજે લોકો આ ગ્લોબલ વોર્નિંગને કારણે મરે છે પીડાય છે. આખી ઇકો સિસ્ટમ બરબાદ થઇ રહી છે."

ગ્રેટાના વકતવ્યને સંયુક્ત રાષ્ટ્રના મહા સચિવે પણ વખાણ્યું હતું. આંખોમાં આંસુ અને ગુસ્સામાં દેખાતી ગ્રેટાએ વિશ્વના નેતાઓ પર કાંઇ ના કરવાનો આરોપ મૂકતા કહ્યું, "તમે અમને અસફળ કરી દીધા. યુવાનો સમજે છે કે તમે અમને છેતર્યા છે. યુવાનોની આંખો તમારા લોકો પર છે અને જો તમે અમને ફરી અસફળ કર્યા તો અમે તમને ક્યારે ય માફ કરી શકીશું નહીં. અમે તમને છોડીશું નહીં. તમારે અત્યારે જ તે મર્યાદા નક્કી કરવી પડશે. દુનિયા જાગી ગઇ છે અને વસ્તુઓ બદલાવાની છે, પછી તમને તે પસંદ આવે કે ના આવે."

આ પરિષદમાં હાજરી આપવા વિમાનમાં યાત્રા કરવાને બદલે ૬,૦૦૦ કિલોમીટરની લાંબી યાત્રા યાટ (હોડી) દ્વારા કરવા માટે ૧૪ ઓગસ્ટના રોજ લંડનથી રવાના થઇ ચૂકી હતી. યાટમાં યાત્રા કરવાનો ગ્રેટાનો હેતુ કાર્બન ઉત્સર્જન રોકવાનો હતો. ગ્રેટા જે યાટથી સફર કરી રહી હતી તે ૬,૦૦૦ કિલોમીટરનું અંતર લગભગ બે અઠવાડિયામાં કાપ્યું હતું. યાટની ટીમે ગ્રેટાને વિના મૂલ્યે આ યાત્રા કરાવી હતી. યાટમાં સૂર્ય ઉર્જાથી ચાલતા પેનલ અને અન્ડરવોટર ટર્બાઇન લગાવેલા જેનાથી પર્યાવરણને નુકશાન ન પહોંચે. યાટના કપ્તાનના કહેવા મુજબ તેમની આ યાત્રા પડકાર ભરેલી હતી. ગ્રેટા પર્યાવરણ પ્રત્યે દુનિયાને પોતાની પ્રતિબદ્ધતા બતાવવા માગતી હતી તે જ કારણે તેણે યાટથી જવાનું પસંદ કર્યું હતું. ગ્રેટાને માટે આ પડકાર હતો. નોર્થ અમેરિકા સુધી બોટમાં જવું ઘણું અશક્ય હોવાં છતાં તે ખુશ હતી કારણ કે તેને મદદ કરવા માટે ગણી ન શકાય તેટલાં લોકોનો સાથ તેને મળ્યો હતો. ગ્રેટાની હાકલ સાંભળી ૧૦૫ દેશોની શાળાનાં બાળકો હડતાલ પર ઉતર્યાં હતાં. યાટમાં ગ્રેટા અને તેની ટીમ વેક્યુમ પેક્ડ ભોજન લીધું હતું. ગ્રેટાના પિતા યાટમાં તેની સાથે હતા. યાટની ડિઝાઇન ઘણી સરળ રખાઇ હતી. મુખ્ય વાતે એ હતી કે ગ્રેટાના યાટથી એક ટકો પણ કાર્બન ઉત્સર્જન ન થાય. યાટમાં કિચન, એસી કે ફ્રિજ જેવી સુવિધા પણ ન હતી.

જર્મનીના હેમ્બર્ગ શહેરની આ તસ્વીર છે. જર્મનીના ૧૦ શહેરોમાં રલાખથી વધુ બાળકોએ પોતાની શાળાના વર્ગો છોડી દેખાવ કર્યો હતો.

સમાચાર પત્રોના અહેવાલ પ્રમાણે પૃથ્વીના વધતાં તાપમાનને રોકવામાં નિષ્ફળ જવાને લીધે લોકોનો મોટા દેશો જેવા કે વોશિંગ્ટન, લંડન, પેરિસ અને મેલબોર્નના નેતાઓ પ્રત્યે રોષ વધવા માંડયો છે તેનો નજારો દુનિયા ૧૩૯ દેશોમાં ૨૧ સપ્ટેમ્બરના રોજ જોવા મળ્યો હતો. ૫૦ લાખથી વધુ યુવાનો પોતાના ભવિષ્યને બચાવવા માટે માર્ગો પર બેનર, પોસ્ટર લઇને ઉતરી આવ્યા હતા. તેઓ દુનિયાના નેતાઓ સમક્ષ જળવાયુ પરિવર્તનને તાત્કાલિક રોકવાની માગણી કરી રહ્યા હતા. દુનિયા ભરમાં લગભગ ૫,૦૦૦ જેટલી મોટી રેલીઓ નીકળી હતી. અમેરિકાના ન્યુયોર્કથી લઇને ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સુધી, જાપાનના ટોક્યોથી લઇને ભારતના નવી દિલ્હી સુધીનાં શાળાનાં બાળકો પોતાના વર્ગો છોડી ગ્લોબલ ક્લાઇમેટ સ્ટ્રાઇકમાં જોડાયાં હતાં. એકલા ન્યુયોર્કમાં જ ૧૧ લાખ બાળકોએ પોતાના વર્ગો ભર્યા ન હતા. ઓસ્ટ્રેલિયામાં ૩ લાખ લોકોનું સૌથી મોટું જળવાયુ પરિવર્તન માટેનું આંદોલન હતું. સૌથી મોટી રેલી મેલબોર્નમાં યોજાઇ હતી. બ્રિટનમાં લાખો વિદ્યાર્થીઓ માર્ગ પર દેખાવ કરવા ઊતરી આવ્યા હતા. સૌથી મોટું આંદોલન બ્રિજટાઉન, લીડ્સ, બર્મિગ્હામ અને લંડનમાં થયું હતું. સ્કોટલેન્ડના એડિનબર્ગમાં અનેક કંપનીઓની ઓફિસોના કર્મચારીઓએ બંધ પાળ્યો હતો અને મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ આંદોલનમાં જોડાયા હતા. જર્મનીના બ્રિજ પર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઇ હતી. યુરોપના ૪૦ દેશોમાં ક્લાઇમેટ ચેન્જ માટેની સ્ટ્રાઇક થઇ હતી. મોટી રેલીઓ ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્વિડન, પોલેન્ડ વગેરેમાં યોજાઇ હતી. પેરિસમાં હજારો વિદ્યાર્થીઓ માર્ગો પર દેખાવ કરવા ઊતરી આવ્યા હતા.

પર્યાવરણના સંરક્ષણ માટેની ૧૬ વર્ષની આ આંદોલનકારી ગ્રેટાએ ફ્રાન્સની સંસદમાં જુલાઇ માસમાં સંબોધન કરી પોતાના વિચારો અભિવ્યક્ત કરતાં કહ્યું હતું કે વૈશ્વિક તાપમાન ૧.૫ ડિગ્રી ઘટાડવા માટે ૬૭ ટકા જેટલી તક છે. ગ્રેટાને ફ્રાન્સની સંસદમાં ક્રોસ પાર્ટી જૂથે નિમંત્રણ આપ્યુ હતું. ગ્રેટાએ પોતાના વક્તવ્યમાં હિંમતપૂર્વક જણાવ્યું હતું કે "અમારી વાત ન સાંભળો તો કાંઇ નહીં પણ વૈજ્ઞાનિકો જે કાંઇ કહે તેને તો ધ્યાનમાં લ્યો."

ગ્રેટાનાં આંદોલન, તેની હિંમત અને તેની ચિંતા થાય તેવી વાતોથી પ્રેરણા લઇને અસંખ્ય દેશોના વિદ્યાર્થી જગતે પોતાની રીતે સાથ પૂરાવ્યો તેની કેટલીક તસ્વીરો સાક્ષી રૂપે રજૂ કરવી અસ્થાને નહીં લેખાય.

૧૧ સપ્ટેમ્બરના રોજ સ્ટોકહોમના એક આંદોલનકારીએ પોતાની સાઇકલ પર બોર્ડ લગાવ્યું, "જળવાયુ પરિવર્તનને એક કટોકટી સ્વરૂપે જ લેવું જોઇએ. "

આ આંદોલનના પરિપ્રક્ષ્યમાં ફરી એકવાર યાદ આવે છે ઉમાશંકર જોશીને રચના 'જઠરાગ્નિ'. બાકીની કડીઓને કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનને પ્રતિકાત્મક રીતે લઇએ તો એક મહાન દ્રષ્ટાએ કરેલી આગાહી કદાચ સાચી પડશે – આ ગ્લોબલ વોર્મિગ અને જળવાયુ પરિવર્તનને જઠરાગ્નિના ઉદ્દીપન સ્વરૂપે ગણીને જો ચેતી નહીં જઇએ તો સમગ્ર માનવજાતનું અને પ્રકૃતિનું નામો-નિશાન મટી જશે તેવું નથી લાગતું !

                                          જઠરાગ્નિ

રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા !
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા !

રચો, રચો ચંદનવાટિકાઓ,
રાચો, રચી કંચનસ્થંભમાળા !
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા રચો ભલે !
અંતર-રૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે?
દરિદ્રની એ ઉપહાસલીલા સંકેલવા,
કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ના લાધશે !

                                                                                                       — ઉમાશંકર જોશી

પ્રસ્તુત કર્તાઃ  ડૉ. જનક શાહ – શ્રીમતી ભારતી શાહ

(((((((((((((((((((((((((()))))))))))))))))))))

Loading

કરમશી Chronicle

બાબુ સુથાર|Profile|9 January 2020

“… Memory takes us into the environing world as well as into our individual lives.”

— Edward S. Casey

Remembering : A Phenomenological Study

સ્મૃતિનું પણ એક રાજકારણ હોય છે.

સૌથી પહેલું રાજકારણ તે અનુપસ્થિતિનું. આપણે જેને પણ યાદ કરતા હોય એ યાદ કરવાના સમયે અને સ્થળે અનુપસ્થિત હોવું જોઈએ. આપણી સમક્ષ ઉપસ્થિત હોય એને આપણે યાદ ન કરી શકીએ.

આ અનુપસ્થિતિનું પણ એક રાજકારણ હોય છે.

ક્યારેક એ નિશ્ચિત સમય માટે હોય તો ક્યારેક અનિશ્ચિત સમય માટે. જે અનિશ્ચિત સમય માટે હોય છે એને મરણ સાથે સંબંધ હોય છે.

મરણ જે તે વ્યક્તિની સ્મૃતિને અમર બનાવતું હોય છે; અવિસ્મરણીય બનાવતું હોય છે. મરણ જીવનના બદલામાં આવી સ્મૃતિની ભેટ આપતું હોય છે પણ જે મરણ પામે છે એને નહીં. અન્યોને. મરણની આ ક્રૂરતાનો કોઈ જ વિકલ્પ નથી. ક્યારેક એવું લાગે કે સ્મૃતિ અને મરણની વચ્ચે પણ કોઈક સમજૂતી થયેલી છે.

સ્મૃતિનું એક બીજું રાજકારણ પણ છે.

આપણે કોઈકને યાદ કરીએ ત્યારે આપણે આપણને પણ યાદ કરવા પડે. બીજા શબ્દોમાં : આપણે આપણને ભૂલી જઈને બીજાને યાદ ન કરી શકીએ. એથી સ્મૃતિ એકની જીવનકથા અને બીજાની આત્મકથા બની જતી હોય છે.

સ્મૃતિનું આ ભયસ્થાન સ્મૃતિનું ઘરેણું છે. ‘કરમશી Chronicle’ એક અર્થમાં કરમશી પીરની જીવનકથા છે; તો મારી આત્મકથા પણ છે.

જેમ સ્મૃતિનું એમ શોકાંજલિનું પણ રાજકારણ હોય છે :

આભાર દેરિદાનો.

Politics of Friendshipમાં એ કહે છે : બે મિત્રોમાંથી એક પહેલાં જાય તો જ બીજો એને શોકાંજલિ આપી શકે. એ કહે છે : આ law છે મૈત્રીનો. હું માનું છું : અમારા બન્નેમાંથી કોઈ એક પહેલાં જશે એ શરતે જ બે વ્યક્તિઓ વચ્ચે મૈત્રી શક્ય બનતી હોય છે.

સ્મૃતિ અને શોકાંજલિ વચ્ચે પણ કોઈક સમજૂતિ થયેલી છે. એથી જ મરણ પામેલા મનુષ્યની સ્મૃતિકથા શોકાંજલિ પણ બની જતી હોય છે.

મને એ તારીખવાર યાદ નથી. પણ એ દિવસ યાદ છે : હું ભરત નાયક અને ગીતા નાયકનો મહેમાન હતો. એ દંપતી એમનાં બે ભૂલકાં – આકાશ અને આલોક – સાથે મુંબઈના પૂર્વ ધાટકોપરમાં રહેતાં હતાં. હું ત્યાં પહોંચ્યો એ દિવસે જ ભરતભાઈ મને કહે : આપણે સાંજે કરમશી પીરને મળવા જવાનું છે. કરમશીભાઈ પણ પૂર્વ ઘાટકોપરમાં જ રહેતા હતા. ભરતભાઈના ઘેરથી એમનું ઘર તદ્દન નજીક. ચાલતાં દસ કે પંદર મિનિટ લાગે. ભરતભાઈ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં સુરેશ જોષીના હાથ નીચે પીએચ.ડી. કરતા હતા ત્યારે હું એમને મળેલો. એ વખતે એમણે મને કરમશીભાઈની વાતો કરેલી. ત્યારે મને એ કોઈક પુરાકથાના પાત્ર જેવા લાગેલા. ભરતભાઈ જ્યારે પણ એમની વાત કાઢતા ત્યારે હું મનોમન એમનું ચિત્ર બનાવતો. એમણે મને વારંવાર એક વાત કરેલી : “બાબુડિયા, બૌ મોટા વિદ્વાન હોં. સુરેશભાઈ જેવા જ. પણ લખે નહીં. બૌ બોલે પણ નહીં. ક્યારેક તો સુરેશભાઈને પણ નવાં પુસ્તકો સૂચવે.” ત્યારે હું ભરતભાઈ પર પૂરો ભરોસો મૂકતો. એ જે કહેતા એ હું માની લેતો. જો કે, એ દિવસોમાં હું સુરેશભાઈના એટલા બધા પ્રભાવ હેઠળ હતો કે કોઈ માણસ સુરેશ જોષી જેવો વિદ્વાન હોય અને એ ગુજરાતી હોય એ વાત તરત જ મારા ગળે ઊતરતી નહીં. હું જાણું છું કે, એ માન્યતાને મારી સમજણ કરતાં તો મારી મુગ્ધતા સાથે વધારે સંબંધ હતો. એથી જ તો એ દિવસે જ્યારે ભરતભાઈએ મને કહ્યું કે આપણે આજે સાંજે કરમશીભાઈને મળવા જવાનું છે ત્યારે હું મનોમન મારી જાતને તૈયાર કરવા લાગેલો.

હું કરમશીભાઈને મળવા માટે મારી જાતને તૈયાર કરી રહ્યો હતો એ દરમિયાન ભરતભાઈએ મને કરમશીભાઈની ઘણી બધી વાતો કરેલી. સૌ પહેલાં તો એમણે એમના ફોટોગ્રાફીના વ્યવસાયની વાત કરેલી. પણ, એ વાત કરતાં ભરતભાઈએ મને ભારપૂર્વક કહેલું કે કરમશીભાઈ સામાન્ય ફોટોગ્રાફર નથી. કળાકાર છે અને ફિલસૂફ પણ. એમણે એમ પણ કહેલું કે કરમશીભાઈ સુરેશભાઈ કરતાં પણ સારું બંગાળી જાણે છે. સત્યજિત રે અને બીજા ઘણા બંગાળી ફિલ્મ દિગ્દર્શકો પણ એમને અંગત રીતે ઓળખે છે. એમણે બોર્હેસ પણ વાંચ્યો છે. સુરેશભાઈનાં તો એમણે એકેએક લખાણ વાંચેલાં છે. પછી, એમણે ખાસ ઉમેરેલું, “કરમશીભાઈ બહુ બોલે નહીં. એ મૌનના માસ્ટર છે. ઝેન માસ્ટર જેવા. ઝેન માસ્ટર કેવા silenceથી વાત કરે. કરમશીભાઈ પણ એ જ રીતે silenceથી વાત કરે.” એ જમાનામાં મેં ઝેન માસ્ટરો વિષે ખાસ વાંચેલું નહીં. પણ, ત્યારે ખૂબ પ્રખ્યાત બનેલું ‘Zen Flash, Zen Bones’ પુસ્તક વાંચેલું. એની પ્રસ્તાવનામાં કે બીજે ક્યાંક મેં ઝેન માસ્ટરની એક વાત વાંચેલી. એના પરથી મેં ઝેન માસ્ટરની આવી કંઈક ઇમેજ બનાવેલી : એની દાઢી હવામાં લહેરાતી હોય. એનું પેટ જરાક મોટું હોય. એ ખડખડાટ હસતો હોય. એ કદી પણ ઇરેઝરનો ઉપયોગ ન કરે. કેમ કે એ માસ્ટર હોય છે. માસ્ટર કદી પણ ભૂલ ન કરે. મેં કરમશીભાઈને પણ ઘડીભર તો એવા જ ધારી લીધેલા.

સાંજ થઈ એટલે ભરતભાઈ મને લઈને કરમશીભાઈના ઘેર જવા નીકળ્યા. ત્યારે મને મહાનગરોનો ખાસ અનુભવ ન હતો. મેં અમદાવાદ જોયેલું. વડોદરા જોયેલું. હકીકતમાં તો હું એ બન્ને શહેરોમાં રહેલો પણ ખરો. જો કે, અમદાવાદમાં તો કેવળ ત્રણ જ મહિના. એથી મારું મુંબઈ થોડુંક નિરંજન ભગતની કવિતાથી અને થોડુંક ચંદ્રકાન્ત ટોપીવાળાની કવિતાઓથી ઘડાયેલું. જો કે, એ બન્ને કવિઓએ મુંબઈમાં રસ્તો ઓળગંવાની મુશ્કેલીઓ પર કોઈ કવિતા ન હતી લખેલી. એટલે મારી કલ્પનાના મુંબઈમાં એ મુશ્કેલીઓનો કોઈ જ સમાવેશ થયેલો ન હતો. જ્યારે ભરતભાઈ મને કરમશીભાઈના ત્યાં લઈ જવા નીકળ્યા ત્યારે મને એ મુશ્કેલીઓનો અનુભવ થયેલો. મને હજી પણ થાય છે કે કેમ આ બન્ને કવિઓએ મુંબઈમાં રસ્તો ઓળંગવાની મુશ્કેલીઓ પર કોઈ કવિતા નહીં લખી હોય. ઉરુગ્વેના લેખક ગાલેઆનોએ એક મહાનગરમાં રસ્તો ઓળંગવાની રાહ જોઈ રહેલા એક માણસની વાત કરી છે. હમણાં ટ્રાફિક ઓછો થશે ને હમણાં હું રસ્તો ઓળંગીશ એમ માનતો માણસ ખાસ્સી રાહ જોયા પછી એક માણસને પૂછે છે : આ ટ્રાફિક ક્યારે ઓછો થશે? મારે રસ્તો ઓળંગવો છે. પેલો માણસ કહે છે : ખબર નહીં. હું જનમ્યો ત્યારનો અહીં એની જ રાહ જોતો બેઠો છું. ગાલેઆનો લેટિન અમેરિકાનો ઇતિહાસ આવા રમૂજી ટૂચકાઓથી લખે છે. ભરતભાઈ તો સરળતાથી રસ્તો ઓળંગતા. પછી રસ્તાની પેલી બાજુએ ઊભા રહી અકળાતા મારી રાહ જોતા. એ અનુભવ હજી પણ એટલો જ તાજો છે. એનો ઉલ્લેખ કરતી વખતે મને હજી ઘાટકોપરના રસ્તાઓ પર દોડતી રિક્ષાઓનાં હોર્નનો અવાજ સંભળાતો હોય છે.

એમ કરતાં અમે કરમશીભાઈના ઘેર પહોંચ્યા. ભરતભાઈએ ડૉરબેલનું બટન દબાવ્યું. સામેથી બારણું ખૂલ્યું. ભરતભાઈએ કહ્યું : દાદુ, હું મારી સાથે બાબુ સુથારને લઈને આવ્યો છું. મેં બહાર ઊભા ઊભા કરમશીભાઈ પર સહેજ નજર નાખી. એમને પેલા ઝેન માસ્ટર જેવી દાઢી ન હતી. એ પેલા ઝેન માસ્ટર જેવા જાડાતગડા પણ ન હતા. મેં એ બાબતની નોંધ લીધી. પછી અમે અંદર ગયા. એમની બેઠકરૂમમાં બેઠા. ભરતભાઈએ એ દરમિયાન મારો પરિચય આપવાનું ચાલુ રાખેલું : “બાબુ, સુરેશભાઈનો વિદ્યાર્થી છે. એને પણ અસ્તિત્વવાદ, ફિનોમિનોલોજી, બધામાં રસ છે. એ પણ વાંચે છે બહુ.” કરમશીભાઈએ મારી સામે જોયું. મેં એમની સામે. અમારી નજર એક થઈ. પણ એ કશું બોલ્યા નહીં અને હું પણ. મારા મનમાં એ વખતે ભરતભાઈનું પેલું વાક્ય ગુંજતું હતું : કરમશીભાઈ ઝેન માસ્ટર જેવા છે. બહુ બોલે નહીં. મૌનથી જ વાત કરે. મારે એમના મૌનને સાંભળવાનું હતું. પણ, એ ક્ષમતા ત્યારે મારામાં ન હતી.

કરમશીભાઈના બેઠકખંડમાં બેઠા બેઠા મારી નજર એમનાં પુસ્તકો પર ગઈ. પછી હું બેઠો બેઠો એ પુસ્તકોનાં નામ વાંચવા લાગ્યો. કદાચ મને પુસ્તકો જોતાં જોઈને જ એમણે મને કહ્યું હશે : “જુઓ પુસ્તકો. વાંધો નહીં.” મારા માટે આટલું વાક્ય પૂરતું હતું. હું તરત જ ઊભો થઈ એમનાં પુસ્તકો પાસે ગયો. ત્યારે હું પણ પુસ્તકો વસાવતો. પણ, દેખીતી રીતે જ ત્યારે મારી ખરીદક્ષમતા અને વાંચનક્ષમતા પણ ઘણી ઓછી હતી. એની તુલનામાં કરમશીભાઈનાં પુસ્તકોની સંખ્યા ઘણી મોટી હતી. એમણે મોટા ભાગનાં પુસ્તકો વ્યવસ્થિત રીતે ગોઠવ્યાં હતાં. જો કે, કેટલાંક આડાં હતાં, કેટલાંક અવળાં પણ. કેટલાંકની ઉપર બદામી કે ખાખી રંગનાં પૂઠાં ચડાવેલાં હતાં. કેટલાંકનાં પૂંઠાં ક્યાંકથી બહાર આવી ગયેલાં હતાં. કેટલાંકનાં સહેજ ફાટી ગયેલાં. એમાં કવિતાનાં પુસ્તકો હતાં. ફિલસૂફીનાં પણ. એમાં મેર્લો પોન્તિનું The Phenomenology of Perception પણ હતું. સુરેશભાઈએ એ પુસ્તકની પ્રસ્તાવના અને એનાં આરંભનાં બેત્રણ પ્રકરણો મારી સાથે બેસીને વાંચી સમજાવેલાં. ત્યારે મેં એકાદબે વાર એ પુસ્તકને સ્પર્શ કરેલો. એ જમાનો જુદો જ હતો. ત્યારે અમુક પુસ્તકોને સ્પર્શવા જેવી ઘટના પણ જીવનની એક મહાન ઘટના ગણાતી. એ જ પુસ્તક કરમશીભાઈના ત્યાં જોઈને મને ભરતભાઈનું પેલું વાક્ય યાદ આવી ગયેલું : સુરેશભાઈ જેવા જ વિદ્વાન છે કરમશીભાઈ. ખાલી લખતા નથી એટલું જ. મેં એ પુસ્તક કરમશીભાઈના કબાટમાંથી કાઢ્યું. મને એમ કરતાં જોઈને કરમશીભાઈ કહે : “જે જોવું હોય તે કાઢીને જુઓ. બધાં આડાંઅવળાં છે.”

દેખીતી રીતે જ, કરમશીભાઈનાં પુસ્તકો જોતી વખતે મને થયેલું કે મારી પાસે પણ ક્યારે આવાં પુસ્તકો આવશે. પછી હું એમાંથી બેત્રણ પુસ્તકો કાઢીને પાછો ભરતભાઈ અને કરમશીભાઈ પાસે આવ્યો. મેં જોયું તો બન્ને મૌન બેઠા હતા. મને આવેલો જોઈને ભરતભાઈ કરમશીભાઈનાં પુસ્તકો પર ગૌરવ લેતાં કહે : “છે ને. કેવાં લાગ્યાં કરમશીભાઈનાં પુસ્તકો?” મારે ‘અદ્દભુત’ સિવાય બીજો કોઈ શબ્દ વાપરવાનો ન હતો. પણ, એમ કહીને મેં ઉમેરેલું : “જે પુસ્તકો વિષે સાંભળ્યું હોય એ જ પુસ્તકો જોવા મળે, એમને સ્પર્શવા મળે એટલે કોને આનંદ ન થાય?”

પછી ભરતભાઈએ એમના થેલામાંથી એક ફોટો કાઢીને કરમશીભાઈને આપ્યો. એ ફોટા વિષે કદાચ એ બન્નેએ અગાઉ ફોન પર કરી હશે. એ ફોટો ભરતભાઈએ પાડેલો હતો પણ કોણ જાણે કેમ એમને એ ફોટો કળાની દૃષ્ટિએ ક્યાંક ઊતરતો લાગતો હતો. કરમશીભાઈએ એ ફોટા પર નજર નાખી. પછી, એ ઊભા થયા. ત્યારે એમના ઘરમાં જ ફોટો લેબોરેટરી હતી. એ ત્યાં ગયા અને એક કાતર લઈને પાછા આવ્યા. પછી કંઈ પણ બોલ્યા વગર એમણે કાતરથી એ ફોટાની કેટલીક બાજુઓ કાપી નાખી અને ત્યાર બાદ એ ફોટો ભરતભાઈને આપ્યો. એ ફોટો જોતાં જ ભરતભાઈ બોલી ઊઠેલા,“માસ્ટર જ આવું કરી શકે.” કરમશીભાઈએ કાતર વડે એ ફોટાની, એમને વધારાની લાગેલી જગ્યા, કાપી નાખેલી. એ પણ ભરતભાઈને પૂછ્યા વિના. એમની સાથે એ વિષે કોઈ ચર્ચા કર્યા વિના. એને કારણે એ ફોટાની ઇમેજ ખસીને યોગ્ય જગ્યાએ આવી ગઈ હતી. એ જોઈને ભરતભાઈએ ખાલી નાચવાનું જ બાકી રાખેલું. પછી એમણે એ ફોટો મને બતાવેલો. મારે તો માથું હલાવવા સિવાય કંઈ કરવાનું ન હતું. કેમ કે ત્યારે એવી કોઈ કળાસૂઝ ત્યારે મારામાં ન હતી. હું પુસ્તકો વાંચી જાણતો એટલું જ. પણ, કરમશીભાઈને એ રીતે ફોટાની બાજુઓ કાપતાં મને ફિલસૂફ વિત્ગેન્સ્ટાઈનના જીવનનો એક પ્રસંગ યાદ આવી ગયેલો. એક વાર ફિલસૂફ એનસ્કૉમ્બે એમનો નવો જ કોટ પહેરીને વિત્ગેન્સ્ટાઈન પાસે આવ્યાં અને પૂછ્યું, “કેવો લાગે છે આ કોટ?” વિત્ગેન્સ્ટાઈને ઊભા થઈ, કાતર લાવી, એ કોટને નીચેથી કાપી નાખીને કહેલું કે હવે સારો લાગે છે. કરમશીભાઈએ પણ એમ જ કરેલું અને કહેલું, “હવે, સારો લાગે છે.”

કરમશીભાઈ સાથેની આ મારી પહેલી મુલાકાત.

પછી તો હું જ્યારે પણ મુંબઈ જતો ત્યારે અચૂક કરમશીભાઈને મળવા જતો. ક્યારેક ભરતભાઈની સાથે, ક્યારેક એકલો.

ત્યાર પછી મને સંતરામપુરની આદિવાસી આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલજમાં અધ્યાપકની નોકરી મળી. હું વડોદરા છોડીને ત્યાં ગયો. એ સાથે મારું મુંબઈ જવા-આવવાનું પણ ઓછું થઈ ગયું. પણ, એવું બેએક વરસ જ ચાલ્યું. પછી મને મુંબઈના વિલે પાર્લેમાં આવેલી મણિબેન નાણાવટી વિમેન્સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપકની નોકરી મળી એટલે હું સંતરામપુર કૉલેજમાંથી રાજીનામું આપી દઈ મુંબઈ આવ્યો.

એ નોકરીના શરૂઆતના દિવસો દરમિયાન હું ભરતભાઈની સાથ ઘાટકોપરમાં રહેતો હતો. દેખીતી રીતે જ, ત્યારે હું કરમશીભાઈને અવારનવાર મળવા જતો. રવિવારે સાંજે તો ખાસ. કેમ કે દર રવિવારે સાંજે એમના ત્યાં સાહિત્યકારો, કળાકારો, સિનેરસિયાઓની એક અનૌપચારિક મંડળી મળતી. એ મંડળીમાં ભરતભાઈ, વીરચંદભાઈ, પ્રાણજીવન મહેતા, કમલ વોરા, ચિત્રકાર અતુલ ડોડિયા, પીયૂષ શાહ, પ્રબોધ પરીખ, રતિકાકા અને બીજા કેટલાક મિત્રો તથા વડીલો આવતા. રતિકાકા કરમશીભાઈના ખાસ ભાઈબંધ. એમને પણ વાંચનનો શોખ. એ અર્થશાસ્ત્ર, ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર પરનાં પુસ્તકો વાંચતા. એમને શિક્ષણમાં પણ ઘણો રસ. એ મંડળીમાં મોટે ભાગે સાહિત્યની અને કળાની વાતો થતી. કોઈક રસ પડે એવું લખાણ પ્રગટ થયું હોય તો ત્યાં એની પણ ચર્ચા થતી. બધી અનૌપચારિક. વીરચંદભાઈ હંમેશાં કોઈકને કોઈક નવી વાત લઈ આવતા. ત્યારે એ આખા મુંબઈની પુસ્તકોની દુકાનોએ ફરતા અને આપણે કલ્પના પણ ન કરી હોય એવાં સામયિકો કે એવાં પુસ્તકો લઈ આવતા. એમના અંગત પુસ્તકાલય વિશે એક સ્વતંત્ર લેખ કરવો પડે. કેમ કે એ કેવળ પુસ્તકાલય જ નથી. એ એક archive પણ છે. એ મંડળીમાં ચાપાણી પણ થતાં. કરમશીભાઈના બન્ને ભત્રીજા, રાજુભાઈ અને ઉલ્લાસભાઈ, સતત બધાની સેવા માટે હાજર રહેતા. કરમશીભાઈ મંડળીમાં બેઠા બેઠા જોરથી રાજુભાઈના નામની કે એમનાં પત્ની જયશ્રીબેનના નામની બૂ઼મ પાડે અને જાણે કે બધું પહેલથી ગોઠવી રાખ્યું હોય એમ ચાનાસ્તો પણ આવી જતાં. છેલ્લે, એ બેઠકમાં જે બેચાર જણ બચ્યા હોય એ નજીકમાં જ આવેલી કોઈક રેસ્ટોરાંમાં જતા અને સાંજનું વાળુ કરતા. એમાં વીરચંદભાઈની હાજરી અવશ્ય રહેતી.

મને વડોદરા કરતાં મુંબઈમાં વધારે ફાવતું હતું. ખાસ કરીને સુરેશભાઈના અવસાન પછી. વડોદરામાં મિત્રો હતા, વડીલો પણ હતા પણ જ્યારે પણ હું એમને મળવા જતો ત્યારે કોણ જાણે કેમ કશું જ બનતું ન હોય એવો અનુભવ થતો. કદાચ, હું સુરેશભાઈની વધારે નિકટ હતો એ પણ એક કારણ હોઈ શકે. કેમ કે એ વરસો દરમિયાન સુરેશભાઈના ઘણા મિત્રો એમનાથી દૂર થવા લાગ્યા હતા. કદાચ બધા પોતપોતાની ઓળખની શોધમાં હતા. મને વડોદરામાં એવું લાગતું હતું કે મારે હજી સાબિત કરવાનું છે કે હું છું. પણ, મુંબઈમાં મારે એવું કશું સાબિત કરવાનું ન હતું. બધા મને સ્વીકારી લેતા હતા કે હું સુરેશભાઈનો વિદ્યાર્થી છું અને મને સાહિત્યમાં તથા ફિલસૂફીમાં રસ છે.

એ જ દિવસો દરમિયાન અતુલ એનો અભ્યાસ પૂરો કરીને ત્યાં ઘાટકોપરમાં જ આવેલા એના સ્ટુડિયોમાં વ્યસ્ત થઈ ગયો હતો. કરમશીભાઈ મને ઘણી વાર અતુલના સ્ટુડિયો પર લઈ જતા. કરમશીભાઈના ઘેરથી અતુલનો સ્ટુડિયો ઘણો નજીક હતો. પણ, કરમશીભાઈ રિક્ષા કરતા. એમને પૂર્વ ઘાટકોપરથી પશ્ચિમ ઘાટકોપર જવા માટેનો પુલ ઓળંગવાનું ગમતું નહીં. હું એમને ક્યારેક કહેતો કે સમીસાંજે આ પુલ કાફ્કાની નવલકથામાં આવે એવો લાગતો હશે. એમને ટ્રાફિકની અડફેટમાં આવી જવાનો ડર પણ લાગતો હતો. મને તો આમે ય મુંબઈના રસ્તા ઓળંગવાની તકલીફ હતી. એટલે કરમશીભાઈ રિક્ષા કરે તો મને એ વધારે ગમતું. અતુલના સ્ટુડિયોમાં ચિત્રો જોઈને ઘેર આવતાં કરમશીભાઈ એ ચિત્રોની વાત કરતા. મોટા ભાગનાં ચિત્રો વિશે એક કે બે વાક્યો કહેતા પણ એટલાં વાક્યો પૂરતાં હતાં. એક વાર એમણે અતુલના ‘કુર્લા’ ચિત્રની વાત કરેલી. મેં એમને કહેલું કે એમાં મને તો ખૂબ ‘હિંસા’ દેખાય છે. અતુલ એમાં signifier અને signified વચ્ચેનો ભેદ ભૂંસી નાખીને representation કે mimesisના ખ્યાલને જ ભૂંસી નાખે છે. કરમશીભાઈએ કહેલું, “તમે અતુલને આ વાત કરજો. એને ખૂબ ગમશે.” પણ એ વખતે મને આવી વાત કરવા જેટલો આત્મવિશ્વાસ ન હતો.

પછી હું ઘાટકોપરથી વિલે પાર્લે રહેવા ગયો. ત્યાં ગયા પછી પણ હું લગભગ દર રવિવારે કરમશીભાઈને ત્યાં જતો.

મણિબેન નાણાવટી કૉલેજમાં મેં એક સત્ર નોકરી કરી અને પાછી મારી નોકરી ગઈ. કારણની હજી ય મને ખબર નથી. મને કહેવામાં આવ્યું કે સરકાર તમારી નિમણૂક મંજૂર કરતી નથી. જે હોય તે. મને હવે અત્યારે એમાં રસ નથી. એ જ સમયગાળામાં મુંબઈમાં ‘ગુજરાત સમાચાર’ શરૂ થઈ રહ્યું હતું. મને એમાં સબ એડિટરનું કામ મળી ગયેલું. તદ્ઉપરાંત, હું મણિબેન નાણાવટી કૉલેજમાં પાર્ટ ટાઈમ તો ભણાવતો જ હતો.

એ દિવસો દરમિયાન હું અને કરમશીભાઈ ક્યારેક સાથે મુંબઈમાં પુસ્તકોની દુકાનોએ જતા. ક્યારેક વીરચંદભાઈ તો ક્યારેક રતિકાકા તો ક્યારે એ બન્ને અમારી સાથે આવતા. કરમશીભાઈ પુસ્તકો ખરીદવામાં સહેજ પણ સંકોચ નહોતા રાખતા. શરત માત્ર એટલી કે એ પુસ્તક એમને ગમી જવું જોઈએ. એ મોટે ભાગે ચિન્તનાત્મક પુસ્તકો ખરીદતા. હવે તો અમારી વચ્ચેનો સંબંધ વધારે ગાઢ બન્યો હતો. એ મને પુસ્તકો વાંચવા માટે પણ આપતા.

મુંબઈમાં બીજું સત્ર પૂરું થયું પછી હું મુંબઈથી પાછો વડોદરા આવ્યો. ત્યારે ગુજરાતમાં ગુજરાતી વિષયના અધ્યાપકની નોકરી સરળતાથી મળે એમ ન હતું. કેમ કે સરકારે શિક્ષણની નવી પદ્ધતિ અપનાવેલી. એના કારણે ગુજરાતી વિષયના ઘણા અધ્યાપકો ફાજલ પડ્યા હતા. એટલે મેં વડોદરાથી શરૂ થઈ રહેલા ‘સંદેશ’માં સબ-એડિટરની નોકરી લીધેલી. એ જ દિવસોમાં મને લાગેલું કે ગુજરાતી વિષયમાં મારું કોઈ ભાવિ નથી એથી મારે મારી દિશા બદલી નાખવી જોઈએ. મેં ગુજરાતી વિષય સાથે એમ.એ. કર્યા પછી ભાષાશાસ્ત્રમાં ડિપ્લોમા કરેલો. એને કારણે પણ મને ભાષામાં ઘણો રસ હતો. એટલે મેં ભાષાશાસ્ત્ર સાથે બીજું એમ.એ. કરવાનું નક્કી કર્યું અને એ માટે એમ.એસ. યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર વિભાગમાં પ્રવેશ લઈ લીધો.

ત્યારે પણ હું અવારનવાર મુંબઈ જતો. ખાસ કરીને પુસ્તકો ખરીદવા માટે. ત્યારે હું ભરતભાઈના ત્યાં રોકાતો. પછી શનિવારની કે રવિવારની સવારે હું કરમશીભાઈના ત્યાં જતો. એ ક્યારેક મારી સાથે મુંબઈ આવતા. રાબેતા મુજબ અમે સાથે પુસ્તકોની દુકાનોમાં ફરતા. એટલું જ નહીં, અમે ઘણી વાર એમની કેટલીક માનીતી રેસ્ટોરાંમાં પણ જતા. એ મોટે ભાગે કૉફી પીતા. હું પણ. ક્યારેક દક્ષિણ ભારતીય વાનગી ખાતા. આ લખતી વખતે પણ મને એ બધી રેસ્ટોરાં દેખાય છે, એમનાં ટેબલ દેખાય છે અને એ ટેબલ પરના પાણીના ગ્લાસ પણ દેખાય છે. પણ, એમનાં નામ યાદ આવતાં નથી. કરમશીભાઈ એક વાર મને હોંશે હોંશે એક ગુજરાતી થાળી ખવડાવવા એક રેસ્ટોરાંમાં લઈ ગયેલા. ‘પુરોહિત’ કે ‘ગુજરાત’ કે એવું કંઈક નામ હતું એનું. એ રેસ્ટોરાંનો માહોલ પરંપરાગત હતો. મને એમાં પ્રવેશતાં જ પેલો ‘આંધળી માનો કાગળ’ યાદ આવી ગયેલો. મને થયેલું કે ગીગાએ આવી જ કોઈક રેસ્ટોરાંમાં ખાધું હશે. પછી થાળી આવી. મેં ધારી’તી એના કરતાં બમણા કદની. એમાં છસાત વાડકીઓ. પિરસણીયો દાળ પણ શાકની જેમ ‘નાખતો’. ખાવાનું કંઈ એટલું બધું સારું ન હતું. પણ, અમે બન્નેએ ધરાઈને ખાધેલું. ખાધા પછી કરમશીભાઈએ કહેલું, “હવે મુંબઈ બગડી ગયું. એક જમાનામાં આ રેસ્ટોરાંનો દબદબો હતો. આ ગુજરાતી ખાવાનું ગુજરાતી લાગ્યું જ નહીં. હવે પછી આપણે બીજી કોઈક રેસ્ટોરાંમાં જઈશું.” મુંબઈમાં રહેતા ગુજરાતીઓના ઘરઝુરાપાનાં અનેક સ્વરૂપો હોય છે. કચ્છમાં વરસાદ પડે તો મુંબઈમાં વસતા કચ્છીઓ એની ઉજવણી કરે. આ એક ઘરઝુરાપો. અને મુંબઈની પરંપરાગત ગુજરાતી વીશીઓનું ખાવાનું ‘બગડી જાય’ તો એનો ય એમને ઘરઝુરાપો. મને ઘણી વાર લાગે છે કે મુંબઈમાં વસતા ગુજરાતીઓનાં એક વિશિષ્ટ અર્થમાં એક નહીં, અનેક ઘર હોય છે અને એ જ રીતે અનેક ઘરઝુરાપા પણ.

ઘણી વાર કરમશીભાઈ અને હું સાથે ચાલવા જતા. ખાસ કરીને સવારે. એમના ઘરની નજીકમાં જ એક બગીચો હતો. અમે ત્યાં બેસતા. રતિકાકા પણ ત્યાં આવતા. ક્યારેક પ્રાણજીવનભાઈ પણ. ક્યારેક કરમશીભાઈના બીજા મિત્રો પણ. પછી વળતી વખતે એમની એક ખાસ ચાની દુકાન આવતી. ત્યાં એ ચા પીવા રોકાતા. હું પણ એમને સાથ આપતો. ત્યાંથી પછી ઘેર આવતાં રસ્તામાં ‘એમની’ પાનની દુકાન આવતી. એ ત્યાં ઊભા રહે એટલે દુકાનવાળો એમનાં પાન બનાવી દે. કરમશીભાઈએ કંઈ કહેવું ન પડે. એ ખાલી મારા ભણી નિર્દેશ કરીને એટલું બોલે : “એક આમનું પણ.” આ એમનો કાયમનો ક્રમ. ઘણી વાર ભરતભાઈ કરમશીભાઈના ત્યાં જતા ત્યારે એ જ પાનની દુકાને જતા ને કરમશીભાઈનું નામ બોલતા. કરમશીભાઈનાં પાન તૈયાર થઈ જતાં.

કરમશીભાઈ ઘણી વાર મારી સાથે પુસ્તકોની દુકાને નહોતા આવતા. મુંબઈની ટ્રેનોમાં પ્રવાસ કરવાનું કામ આમે ય અઘરું હતું. એ ક્યારેક કહેતા પણ ખરા : “હવે મારી ઉંમર નથી રહી. એક જમાનામાં મેં લટકી લટકીને બહુ પ્રવાસ કર્યો છે.” ઘણી વાર એ ટેક્સી કરતા અને અમે સાથે ટેક્સીમાં મુંબઈ જતા. પછી વળતા ટ્રાફિક ઓછો થાય ત્યારે ટ્રેનમાં પાછા આવતા. ક્યારેક રતિકાકા એમની કાર લઈને અમારી સાથે આવતા. એ પણ, મેં અગાઉ નોંધ્યું છે એમ, પુસ્તકોના શોખીન જીવ. ક્યારેક અમે મુંબઈ પહોંચીએ પછી વીરચંદભાઈ અમારી સાથે જોડાતા. એ વખતે એ લગભગ રોજ મુંબઈની એશિયાટિક લાયબ્રેરીમાં આવતા. ત્યાં બેસતા ને કામ કરતા. ત્યાં એમનું એક અલગ ટેબલ હતું. ત્યારે તો મોબાઇલ ફોન હતા નહીં એટલે કરમશીભાઈ પહેલેથી ફોન કરીને આખું ટાઈમટેબલ ગોઠવી દેતા. અમે નક્કી કરેલા સમયે નક્કી કરેલી પુસ્તકોની દુકાને કે રેસ્ટોરાં પર પહોંચી જતા. પછી બધા ત્યાં ભેગા થતા.

ઘણી વાર હું વડોદરાથી મુંબઈ જાઉં, ભરતભાઈના ત્યાં ઊતરું. સવારે ચાનાસ્તો કરું અને પછી તરત જ કરમશીભાઈના ત્યાં પહોંચી જાઉં. જો એ મારી સાથે મુંબઈ ન આવવાના હોય તો હું નીકળું ત્યારે એ હળવેથી ઊભા થઈ, બીજા ઓરડામાં જઈ, ક્યારેક હજાર, ક્યારેક બે હજાર અને ક્યારેક પાંચ હજાર રૂપિયા લાવીને મારા હાથમાં મૂકતા અને કહેતા, “તમને જે પુસ્તકો ગમે એ લઈ આવજો.” હું પહેલાં બાન્દ્રા જતો. ત્યાં પુસ્તકોની એક સરસ દુકાન હતી. એ જમાનામાં સિદ્ધાન્તચર્ચાનાં પુસ્તકો એ દુકાનમાં મળતાં. જો કે, ત્યાં બધાં જ મૂળ કિંમતમાં. મેં ભાગ્યે જ ત્યાંથી બેત્રણ પુસ્તકો ખરીદ્યાં હશે. પણ નવાં નવાં પુસ્તકો જોવાનું બહુ ગમતું, જીવ બાળવાનું પણ બહુ ગમતું. એક વાર એક જુવાનિયો ત્યાં આવીને મારી નજર સમક્ષ દેરિદા, ફુલો, વગેરેનાં વીસ પુસ્તકો ખરીદીને ચાલ્યો ગયેલો ત્યારે મને એની પારાવાર ઇર્ષ્યા આવેલી. આ બધી વાતો પાછો હું કમરશીભાઈને કરતો. ત્યાંથી હું ટ્રેન લઈ ચર્ચગેટ તરફ જવા નીકળતો. હું ગ્રાન્ટરોડ, ચર્ની રોડ, મરીન લાઈન્સ બધે જ ઊતરતો અને ત્યાં આવેલી પુસ્તકોની નાનીમોટી બધી જ દુકાનોમાં જતો. ત્યારે એ દુકાનોમાં અંદર પ્રવેશતાં બગલથેલો કેશિયર પાસે મૂકી દેવો પડતો. ત્યાર બાદ સ્ટ્રાંડમાં પછી સ્મોકર્સ કોર્નર, પછી બુક પોઈન્ટ. પછી ખૂણે ખાંચરે આવેલી બીજી દુકાનો પણ ખરી. છેલ્લે મુંબઈના ફૂટપાથ પરની પુસ્તકોની દુકાનોમાં જતો. બેપાંચ પુસ્તકો મારા માટે ખરીદતો. પાંચ છ કરમશીભાઈ માટે. એ બધાં જ પુસ્તકો લઈને હું સીધો કરમશીભાઈ પાસે જતો. કરમશીભાઈ એકેએક પુસ્તકને ઝીણવટથી જોતા. એ પુસ્તકોની ઘનતા અને વિશિષ્ટ ઘનતા બધું જ અનુભવતા. ક્યારેક મારી હાજરીમાં જ કેટલાંક પુસ્તકોની પ્રસ્તાવના પણ વાંચતા. પછી એમાંનાં કેટલાંક વાક્યો ટાંકીને એ વાક્યોની મારી સાથે ચર્ચા પણ કરતા. એ જે કંઈ વાંચતા એના એકેએક શબ્દ પર એ રોકાતા. જાણે કે ત્યાં જ એ પડાવ ન નાખવાના હોય.

એમની વાંચન પદ્ધતિ જુદા પ્રકારની હતી. એ દરેકેદરેક શબ્દને માણસને જુએ એ રીતે જોતા. એની સાથે ઓળખાણ બાંધવાનો પ્રયાસ કરતા. એક વાર મેં એમને કહેલું કે હું તો ઘણી વાર ટ્રેનમાં બેઠેલો પ્રવાસી બહારનાં વૃક્ષોને જુએ એ રીતે પુસ્તકમાંના શબ્દોને જોતો હોઉં છું. જવાબમાં એમણે કહેલું : “એ ન ચાલે. દરેક વૃક્ષ આગળ તમારે ઊભા રહેવું પડે. દરેક વૃક્ષને જાણવું પડે. એનો ઇતિહાસ પણ સમજવો પડે.” મને એમાં કેવળ નિકટવર્તી વાંચન જ નહોતું દેખાતું. મને એમાં અર્થઘટનશાસ્ત્ર પણ દેખાતું. કરમશીભાઈને ફિનોમિનોલોજી ઉપરાંત અર્થઘટનશાસ્ત્રમાં પણ રસ હતો. એમણે ઘણી વાર ગાડામેર અને પૉલ રીકરની વાતો કરી છે. એ બન્ને ફિલસૂફોનાં કેટલાંક પુસ્તકો પણ એમની પાસે હતાં. મુંબઈથી લાવેલાં પુસ્તકો બતાવીને હું પાછો ભરતભાઈના ઘેર આવવા નીકળતો ત્યારે એમાંનાં બેત્રણ પુસ્તકો એ એમના માટે રાખતા અને કહેતા, “બાકીનાં તમે રાખો. મારે જોઈશે ત્યારે હું માગીશ.” શરૂઆતમાં તો મને સંકોચ થતો. પણ પછી તો એ એક નિયમ બની ગયેલો.

ત્યાર પછી મારું લગ્ન થયું. આરંભમાં હું અને મારાં પત્ની – રેખા – વડોદરાના પ્રતાપગંજ વિસ્તારમાં આવેલા ‘કેન્યાકુંજ’ નામના એક બંગલાના ગરાજમાં રહેતાં હતાં. જો કે, એ દરમિયાન મારું ભાષાશાસ્ત્રનું એમ.એ. પૂરું થઈ ગયું હતું અને મને એમ.એસ. યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર વિભાગમાં Teaching Assistantની નોકરી મળી ગઈ હતી. તદ્ઉપરાંત, હું ‘સંદેશ’માં પણ કામ કરતો હતો. ક્યારેક સબ-એડિટર તરીકે તો ક્યારે ચીફ-સબ-એડીટર તરીકે. લગ્ન પછી, દેખીતી રીતે જ, મારી મુંબઈની મુલાકાતો ઓછી થવા લાગેલી. પણ, પછી કરમશીભાઈની વડોદરાની મુલાકાતો વધવા લાગેલી. અમે ગરાજમાં રહેતાં હતાં ત્યારે એ એકાદબે વાર રતિકાકાની સાથે આવેલા. રહેલા બીજે ક્યાંક. ત્યારે પણ અમારી વચ્ચે વાતો તો પુસ્તકોની જ થતી. અમે વડોદરામાં આવેલી બેચાર પુસ્તકોની દુકાને પણ જતા.

પછી અમને ‘પ્રમોશન’ મળ્યું. અમારા મકાન માલિકે અમને ગરાજમાંથી મૂળ મકાનમાં ખસેડ્યાં. ત્યાં એક રૂમ એક રસોડું અમારા માટે ફાળવેલું. યોગાનુયોગ જેમ જેમ અમે ઘર બદલતાં ગયાં એમ એમ કરમશીભાઈની વડોદરાની મુલાકાતો વધવા લાગેલી. પછી મને એમ.એસ. યુનિવર્સિટીના જ ભાષાશાસ્ત્ર વિભાગમાં પૂર્ણ કક્ષાના અધ્યાપકની નોકરી મળી. એને કારણે મને યુનિવર્સિટીની ‘અધ્યાપક કુટીર’માં મકાન મળ્યું. અમે ત્યાં રહેવા ગયાં. ત્યાં અમારી પાસે એક વધારાનો રૂમ હતો. એટલે કરમશીભાઈ આવે તો એમને કોઈ તકલીફ પડતી નહીં. એ વરસમાં બેત્રણ વાર આવતા. અમારી સાથે રહેતા. ઘણી વાર એ મારા દીકરાને – હેતુને – લઈને ચાલવા પણ જતા. પછી એકાદબે વરસમાં જ અમે ‘અધ્યાપક કુટીરમાં’થી યુનિવર્સિટીના બીજા એક ક્વાટરમાં રહેવા ગયાં. અમારા ત્રણ જણ માટે એ ઘર ખૂબ મોટું હતું. કરમશીભાઈ ત્યાં પણ આવતા. ત્યાં એમને ખૂબ ગમતું. મોટું ઘર, બહાર વૃક્ષો, આગળ રમણ સોનીનું ઘર. ચારે બાજુ ખુલ્લાં હવા ઉજાસ. વળી કોઈ ઘોંઘાટ પણ નહીં. એમને મુંબઈમાંથી છૂટકારો મળ્યો હોય એવું લાગતું.

જ્યારે પણ કરમશીભાઈ વડોદરા આવતા ત્યારે રેખા એમની ખૂબ કાળજી લેતી. મને એમની ખાવાપીવાની ટેવોની બરાબર જાણ હતી. મેં એની સઘળી વિગતો રેખાને આપી રાખેલી. એ પ્રમાણે રેખા રોજ સવારે ગરમ ગરમ નાસ્તો બનાવતી. બપોરે ગુજરાતી ભાણું. એમાં છાસ અવશ્ય હોય. કરમશીભાઈના કારણે અમારા ઘરમાં પણ ખાધા પછી છાસ પીવાનો ચાલ શરૂ થયેલો. કરમશીભાઈ સાંજે જમતા નહીં. ફળાહાર કરતા.

એ જ્યારે પણ વડોદરાથી પાછા મુંબઈ જતા ત્યારે મારા હાથમાં થોડાક પૈસા મૂકતા. કહેતા : “મારે જે વાપરવાના હતા એ ન વપરાયા. હવે તમે એનાં પુસ્તકો લઈ આવજો.” મને ખૂબ સંકોચ થતો. પણ કોઈ મને પુસ્તકો માટે કંઈક આપે તો હું ના ન પાડું. એ મારી નબળાઈ છે. પછી હું એ પૈસાનાં પુસ્તકો લઈ આવતો અને કરમશીભાઈ ફરી વાર આવતા ત્યારે એ પુસ્તકો બતાવતો.

એક વાર એ વડોદરા આવ્યા ત્યારે મને કહે : “ચાલો, આપણે એકબે ફ્લેટ જોઈએ. મને થાય છે મારે એકાદો ફ્લેટ ખરીદવો જોઈએ.” અમે ફતેગંજમાં નવા બની રહેલા કેટલાક ફ્લેટ જોવા ગયા. ત્યાં એક ફ્લેટ એમને ગમી ગયો. ખાસ્સો મોટો હતો. ત્રણ બેડરૂમનો. કિમત પાંચ લાખ રૂપિયા. કરમશીભાઈએ બિલ્ડર સાથે એ ફ્લેટની ખરીદીની વિધિ અંગે થોડી ચર્ચા પણ કરી. પછી ત્યાંથી ઘેર આછા આવતાં એ મને કહે, “કેવો લાગ્યો એ ફ્લેટ?” મેં કહ્યું, “ફ્લેટ તોસરસ છે. હવાઉજાસ પણ સારાં છે. જગ્યા પણ ઘણી મોટી છે.” પછી એ કહે, “રેખાને એ ફ્લેટ ગમશે ખરો?” મેં કહ્યું, “રેખાને ક્યાં એમાં રહેવાનું છે? રહેવાનું તો તમારે છે.” તો એ કહે, “ના. આ ફ્લેટ હું તમારા માટે લઉં છું. હું બધાં કાગળિયાં બરાબર કરીશ. તમે આ ફ્લેટમાં રહેજો. એમાં એક રૂમ મારો. હું કાંઈ કાયમ માટે તમારી સાથે રહેવા આવવાનો નથી. પણ વરસમાં બેચાર વાર આવું ત્યારે હું તમારી સાથે રહીશ. રેખા મારી ખૂબ કાળજી રાખે છે. મને તમારી સાથે પણ ખૂબ ફાવી ગયું છે.” હું એક ક્ષણ પૂરતા તો મૌન થઈ ગયો. મને સમજાતું ન હતું કે મારે શું કહેવું જોઈએ. પછી એ કહે, “તમે કેમ મૌન થઈ ગયા? હું તમારી સાથે રહું તો તમને નહીં ગમે?” એ વાક્યની સાથે જ હું ઝબકીને જાગી ગયો. મેં કહ્યું, “ના ના. એવું નથી. મને ગમે જ. ખૂબ ગમે. પણ રેખાને પૂછવું પડે. કેમ કે આખરે ઘર તો એણે ચલાવવાનું છે.”

મેં ઘેર આવીને રેખાને વાત કરી. રેખાએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી. એ કહે : “ભેટ ભલે હોય. બધું પ્રમાણમાં હોવું જોઈએ.” પછી અમે બધાં સાથે બેઠાં ત્યારે વાતમાંથી વાત નીકળી તો કરમશીભાઈ કહે, “આપનારે લેનારને થોડું પૂછવાનું હોય?” પછી એમણે એક વાક્ય ઉમેરેલું, “ઝાડને ટોચથી નહીં, છોડને મૂળમાં પાણી પીવડાવવાની જરૂર હોય છે. તો જ છોડ ઊછરે.” આ કરમશીભાઈની શૈલી હતી. ક્યારેક એ આવાં રૂપકો વડે વાત કરતા.

ત્યાર બાદ મારા જીવનમાં પણ અનેક ઊથલપાથલો આવી. નાનાભાઈએ દેવું કર્યું. એમાં અમારી જમીન વેચાઈ. મારા ભાગમાં જે પૈસા આવ્યા એમાંથી મેં માબાપનું દેવું ચૂકવ્યું અને જે પૈસા બચ્યા એમાંથી એક ફ્લેટ ખરીદ્યો. મેં કરમશીભાઈને કહેલું કે હવે મેં ફ્લેટ લીધો છે. તમને મુશ્કેલી નહીં પડે. તમે ગમે ત્યારે અમારી સાથે રહેવા આવી શકો અને ગમે એટલું રહી શકો. એક રૂમ તમારો જ છે. એ ફ્લેટ ખરીદતી વખતે કરમશીભાઈએ પણ આર્થિક મદદ કરેલી.

અમારો બે બેડરૂમનો ફ્લેટ ત્રીજા માળે આવેલો હતો. કરમશીભાઈ ત્યાં પણ અનેક વાર આવેલા. કરમશીભાઈની ઘણી બધી સ્મૃતિઓ એ ઘર સાથે સંકળાયેલી છે. એ જ્યારે પણ રતિકાકા સાથે આવતા ત્યારે રતિકાકા છેક નીચેથી રેખાના નામની બૂમ પાડતા. હું રેખાને મશ્કરીમાં કહેતો : “જો તારા સસરા આવી ગયા છે.” કરમશીભાઈ વ્યવહારની વાતોમાં ખાસ બોલતા નહીં. રતિકાકા એવી અનેક બાબતે અમને સલાહ આપતા. એટલે સુધી કે ઘણી વાર તો કરમશીભાઈ અમને રતિકાકાની સલાહ લેવાનું કહેતા. રતિકાકાના કારણે આખું ઘર જરા જુદી જ રીતે જીવતું થઈ જતું. હવે અમે ‘કરમશીભાઈ’ને ‘કરમશીદાદા’ કે કેવળ ‘દાદા’ કહેવા લાગેલાં. હેતુ પણ એમને દાદા કહેતો.

 જ્યારે પણ વડોદરા આવતા ત્યારે અમે અમારા એક મિત્ર, ઇકબાલ પીરઝાદાના ત્યાં, જતા. અમે એમને પીરઝાદા સાહેબ કહેતા. એ તાલુકા વિકાસ અધિકારી હતા. પહેલાં વડોદરા પાસે આવેલા ડભોઈમાં, પછી વડોદરામાં. કરમશીભાઈને એમની સાથે પણ ફાવતું. બીજા એક મારા મિત્ર હતા. અર્જુનસિંહ ખાંટ. એ પણ કરમશીભાઈ આવે ત્યારે ખડે પગે એમની સેવામાં હાજર થઈ જતા. એ શિક્ષણ ખાતામાં અધિકારી હતા. જો કે, દાદાને વડોદરામાં જ વસતા સાહિત્યકારોને ત્યાં જવાનું ખાસ ગમતું નથી. તો પણ અમે લગભગ દરેક વખતે જયેશ ભોગાયતાને ત્યાં જતા. કરમશીભાઈ સરળતાથી મારા મિત્રોને એમના મિત્ર બનાવી લેતા. જેમ હું એમના મિત્રોને મારા મિત્ર બનાવી લેતો એમ. જો કે, સાહિત્યકારોને ઓછું મળવા પાછળ કોઈ અંગત કારણ ન હતું. એ કહેતા કે એ લોકો બહુ કામમાં હોય. આપણે એમને હેરાન ન કરવા જોઈએ.

ત્યારે વડોદરામાં મારું એક નાનકડું પુસ્તકાલય હતું. એમાં ચારસો પાંચસો અંગ્રેજી પુસ્તકો હશે. થોડાં ગુજરાતી પણ ખરાં. એમાંનાં મોટા ભાગનાં ફિલસૂફી અને સાહિત્યિક વિવેચનનાં. દાદા એમાંથી એકાદ પુસ્તક લઈને બેસતા. વાંચતા અને પછી એ પુસ્તક પર ચર્ચા કરતા. એમની ચર્ચા કરવાની રીત જુદા જ પ્રકારની હતી. એ ઘણી વાર એ પુસ્તકના એક કે બે શબ્દો લઈ ગુજરાતીમાં એમના માટે કયા શબ્દો વાપરવા જોઈએ એની વાત કરતા. એમ કરતી વખતે એ મોટે ભાગે તત્સમ શબ્દ પસંદ કરતા. હું બને ત્યાં સુધી તદ્‌ભવ કે દેશ્ય શબ્દ પસંદ કરતો. પછી એ શબ્દોની યોગ્યતા અયોગ્યતા પર અમારે ખૂબ લાંબી ચર્ચા ચાલતી. ઘણી વાર તો સવારે શરૂ થયેલી ચર્ચા હું સાંજે કૉલેજેથી પાછો આવું પછી પણ શરૂ થતી. એ પૂછતા, “પછી પેલા શબ્દનું શું કર્યું.” એ જ્યારે પણ એવું કરતા ત્યારે મને ફિલસૂફ વિત્ગેન્સ્ટાઈન યાદ આવી જતો. એ પણ જે પ્રશ્ન હાથમાં લે એને છોડતો નહીં. અને જો એ પ્રશ્નનો જવાબ ન મળે તો અકળાઈને ભગવાનને પ્રાર્થના કરતો કે આ પ્રશ્નનો જવાબ આપ અથવા તો મરણ આપ. વિત્ગેનસ્ટાઈનની શૈલી પણ એવી. એક ફિલસૂફે કહ્યું છે કે વિત્ગેનસ્ટાઈનની શૈલી ખૂબ હિંસક. બિલાડી જેવી. બિલાડી ઉંદરને એકદમ નહીં મારી નાખે. પહેલાં પંજો મારશે પછી છોડી દેશે. પછી પાછો ફરીથી પંજો મારશે અને પાછી છોડી દેશે. એ ઉંદરને રિબાવી રિબાવીને મારશે. હું કરમશીભાઈને કહેતો કે તમે પણ વિત્ગેન્સ્ટાઈનની જેમ જે પ્રશ્ન હાથમાં લો છો એ છોડતા નથી. એ કહેતા કે અમે જૈનો આમ તો અહિંસામાં માનીએ પણ ફિલસૂફીમાં આવી હિંસા કરવી પડે. ત્યારે મારી પાસે સાવ સામાન્ય કહી શકાય એવો એક અંગ્રેજી શબ્દકોષ હતો. એ વાંચતી વખતે શબ્દકોષ સાથે રાખતા. એક દિવસ મને કહે, “તમારે સારામાંનો શબ્દકોશ રાખવો જોઈએ. આવા શબ્દકોષ ન ચાલે.” મુંબઈમાં, એમના ઘેર પણ, ઘણા શબ્દકોષ હતા. ઘણી વાર કોઈ શબ્દની ચર્ચા થાય તો એ બેત્રણ શબ્દકોશ લઈને બેસી જતા અને પછી એ શબ્દોના અર્થની તુલના કરતા. એ વડોદરા આવતા ત્યારે રોજબરોજની ક્રિયાઓમાં જરા આળસાઈ જતા. રેખા એમને પૂછતી, “દાદા, હવે નાહી લેવું છે કે?” એ કહેતા, “હિન્દુડાઓ વધારે નહાય. જૈનો નહીં.”

મને સતત એવું લાગતું કે કરમશીભાઈ આપણે વાંચીએ છીએ એમ ન હતા વાંચતા. એ વાંચતી વખતે એક સાથે અનેક universeને એકબીજા સાથે અથડાવતા. જો એમ ન કરતા હોત તો મેં ક્યારે ય કલ્પના ન કરી હોય એવા પ્રશ્નો એમણે કદી પણ મને પૂછ્યા ન હોત.

એ ઘણી વાર પુસ્તકોમાં કોઈને કોઈ વાક્યો પકડીને પછી મને પૂછતા : “તમે આનો શો અર્થ કરશો?” એમાંનાં મોટા ભાગનાં વાક્યો ખૂબ જ પડકારરૂપ. એ કસોટી કરવા આવા પ્રશ્નો ન’તા પૂછતા. પણ જે તે ચિન્તકને બરાબર સમજવાના આશયથી એવા પ્રશ્નો પૂછતા. હાઈડેગર, માર્લો પોન્તિ, વિત્ગેન્સ્ટાઈન એમના પ્રિય ફિલસૂફો હતા. એ જ્યારે પણ કોઈક વાક્ય વિષે મને પૂછતા ત્યારે એના પર બોલવાનું મોટે ભાગે તો મારા માથે આવતું. પણ, હું બોલી રહું પછી જ્યારે એ પ્રતિપ્રશ્ન કરતા ત્યારે હું ઘણી વાર મૂંઝાઈ જતો. મને ઘણી વાર એમની પ્રશ્નો પૂછવાની શૈલી પુરાતત્ત્વવિદ્દની શૈલી જેવી લાગતી. અમે ચર્ચામાં કદી પણ સામસામે તલવારો ખેંચી નથી. અમે કદી પણ પક્ષપ્રતિપક્ષ બન્યા નથી. અમે બન્ને જાણે કે કોઈ એક જગ્યાએ પુરાતત્ત્વવિદ્દની જેમ ખોદકામ ન કરી રહ્યા હોય એ રીતે ચર્ચા કરતા. અમારા બન્નેની જિજ્ઞાસા એક સરખી રહેતી હતી. ક્યારેક મને એમના પ્રશ્નો અર્થહીન લાગતા. ત્યારે હું એમને પૂછતો કે તમને લાગે છે કે આ પ્રશ્ન ચર્ચવા જેવો છે. એ હા કે ના ન હતા કહેતા. એને બદલે કહેતા કે ચર્ચા તો કરીએ. જોઈએ શું હાથ લાગે છે. પછી ચર્ચા દરમિયાન મને ખ્યાલ આવતો કે મેં એ પ્રશ્નને અર્થહીન ગણવાની ભૂલ કરી છે. એમને આવી ચર્ચાઓ કરવાનું ખૂબ ગમતું. મેં જીવનમાં કેટલીક ભૂલો કરી છે એમાંની એક ભૂલ એમની સાથે થયેલા સંવાદો ન નોંધી રાખવાની. જો મેં એ સંવાદો નોંધી રાખ્યા હોત તો કદાચ એનો એક મોટો ગ્રંથ બની શક્યો હોત.

કરમશીભાઈ જૈન ધર્મનાં પુસ્તકો પણ વાંચતા. પંડિત સુખલાલજી એમના પ્રિય લેખક, ચિન્તક હતા.

પછી તો ધીમે ધીમે અમારી વચ્ચેનો સંબંધ જુદાં જ પરિમાણો ધારણ કરતો ગયો. હવે એ અમારા કુટુંબીજન બની ગયા હતા અને અમે એમના. હું મુંબઈ જતો ત્યારે ઘણી વાર ભરતભાઈના ત્યાં ઊતરવાને બદલે કરમશીભાઈના ત્યાં ઊતરવા લાગેલો. હવે મારે કરમશીભાઈના ભત્રીજાઓ – રાજુભાઈ અને ઉલ્લાસભાઈ – તથા એમનાં કુટુંબીઓ સાથે અંગત સંબધ બંધાઈ ગયેલો. દાદા ઘેર ન હોય તો પણ હું એમના ત્યાં જઈ શકતો, રહી શકતો. મેં રાજુભાઈ અને ઉલ્લાસભાઈ સાથે બેસીને ઘણી વાર વાતો કરી છે. કરમશીભાઈ એવું ઇચ્છતા કે હું બેપાંદડે થાઉં. મારી જમીન વેચાઈ પછી જે કંઈ નાણાં મને મળેલાં એમાંથી એમણે દસેક હજાર રૂપિયા સ્ટોકમાં રોકવા માટે રાજુભાઈને આપેલા. એકાદબે વરસ દરમિયાન એમાં વધારો થવાને બદલે ઘટાડો થયો તો કરમશીભાઈ રાજુભાઈને કહે, “બાબુને એના પૂરતા પૈસા પાછા આપવાના.” હવે એ મને ‘બાબુ’ કહેવા લાગેલા. રાજુભાઈએ મને એકબે વાર કહેલું કે દાદા તમારી સાથે આટલી બધી વાતો કરે છે એ જોઈને અમને બધાંને આશ્ચર્ય થાય છે. બાકી તો એ મૌન જ રહેતા હોય છે. કામ સિવાય ભાગ્યે જ બોલતા હોય છે. જો કે, સાવ એવું ન હતું. એ રાજુભાઈની દીકરી મારીશા સાથે અને ઉલ્લાસભાઈના દીકરા ઈશાન સાથે અઢળક વાતો કરતા. શરૂઆતમાં રાજુભાઈ અને ઉલ્લાસભાઈનાં કુટુંબો સાથે રહેતાં. પછી ઉલ્લાસભાઈ અલગ ફ્લેટમાં રહેવા ગયા. એ ફ્લેટ પણ દાદા રહેતા હતા એ મકાનમાં જ હતો. દાદા લંચ ઉલ્લાસભાઈને ત્યાં લેતા. ઉલ્લાસભાઈનો દીકરો ઈશાન નાનો હતો ત્યારે લંચ વખતે કમરશીભાઈને એમનો હાથ ઝાલીને લંચ માટે લઈ જતો. એ દૃશ્ય એ પેટ ભરીને માણતા. હું ઘણી વાર એ દૃશ્યનો સાક્ષી બન્યો છું.

પછી મારે વધુ અભ્યાસ અર્થે અમેરિકા આવવાનું થયું. એ અંદરથી ખૂબ ખુશ હતા, પણ દુ:ખી પણ. પણ કરમશીભાઈ આવી બાબતોમાં કદી સ્વાર્થી બન્યા નથી. એ ઇચ્છતા હતા કે મને કશુંક પડકારે એવું કંઈક મળે. અને એમ થયું. હું ૧૫મી ઓગસ્ટ ૧૯૯૭ના રોજ અમેરિકા આવ્યો. એ પછી કરમશીભાઈ સાથેના સંબંધનાં સ્વરૂપ ઘણાં બદલાઈ ગયાં.

મને હજી યાદ છે : મેં અમેરિકા આવ્યા પછી પહેલીવાર કૉમ્પ્યુટર પર ગુજરાતીમાં ટાઈપ કરેલો પત્ર એમને લખેલો. ત્યારે ઍપલના કૉમ્પ્યુટર પર ગુજરાતી ફૉન્ટ્સ હતા. જો કે, એ વખતે ટેલિફોન સેવા ખૂબ મોંઘી હતી. ભારત વાત કરવાના મને મિનિટના પંચાસી સેન્ટ લાગતા. મારી આવકના પ્રમાણમાં એ ઘણા વધારે હતા. તો પણ હું મહિને દસેક મિનિટ માટે એમને ફોન કરી લેતો. મેં એમને પત્ર લખ્યો પછી દસેક દિવસે ફોન કર્યો. એમણે કહ્યું કે એમને પત્ર મળ્યો છે અને એ પત્ર એમણે વાંચ્યો પણ છે. પણ એમના અવાજમાં જરાક નિરાશા હતી. મોટે ભાગે હું કંઈક લખું ત્યારે મારા લખાણની એ ઉત્સાહથી વાત કરતા. એ કહે કે તમે મને કૉમ્પ્યુટરથી નહીં, હાથથી કાગળ લખો. મારે હસ્તાક્ષરમાં કાગળ જોઈએ છે. એ દિવસે અમારી વચ્ચે હસ્તાક્ષર અને યંત્રાક્ષર વચ્ચેના ભેદની ખાસ્સી વાત થયેલી. એમણે કહેલું કે યંત્રાક્ષરમાં તમે ઉપસ્થિત હો એવું મને નથી નથી લાગતું. મને એમાં તમે ગેરહાજર હો એવું લાગતું હોય છે. “એવા અક્ષરોમાંથી તમારો અવાજ નથી સંભળાતો” એમણે કહેલું. એમણે એમ પણ કહેલું કે યંત્રાક્ષરમાં લખેલો કાગળ મને સરકારી કાગળ જેવો લાગતો હોય છે. એમાં અંગત વાત પણ સાર્વજનિક લાગે. આ કરમશીશૈલીનું બીજું લક્ષણ. કોઈ પણ ઘટનાને એ દાર્શનિક ચિન્તનની ઘટનામાં ફેરવી નાખતા. યંત્રાક્ષર સૌ પહેલાં તો લખનારની ઓળખને દબાવી દે. અથવા તો એમ પણ કહી શકાય કે યંત્રાક્ષર હસ્તાક્ષરનું સામાન્યીકરણ કરી નાખે. એ સામાન્યીકરણને સહેલાઈથી સાર્વજનિકતા સાથે જોડી શકાય. એમણે કહેલું કે હું તમારો કાગળ વાંચું છું ત્યારે તમે જાણે કે મારાથી કપાઈ ગયા હોય એવું લાગે છે.

પછી મેં હાથેથી કાગળ લખવાનું શરૂ કરેલું. પણ, એ તો કદી કાગળનો જવાબ કાગળથી નહોતા આપતા. એથી જ તો કાગળ લખ્યા પછી મારે દસ બાર દિવસે એમને ફોન કરવો પડતો. પછી એ ફોન પર મને મારા કાગળનો જવાબ આપતા. હું એમને કહેતો કે હું તમને લખીને મારી વાત કહું છું, તમે મને બોલીને એનો જવાબ આપો છો. આને કારણે પ્રત્યાયનના પાયાના એક સિદ્ધાન્તનો ભંગ થાય છે. એ સિદ્ધાન્ત છે : પ્રત્યાયનનું માધ્યમ એકસરખું જ હોવું જોઈએ. એ કહેતા કે આપણે શા માટે એ લોકોનું માનવાનું?

પછી ૧૯૯૮માં રેખા અને હેતુ અમેરિકા આવ્યાં. હું ભારતમાં ન હતો ત્યારે પણ કરમશીભાઈ રેખાને ફોન કરતા અને એમની કાળજી રાખતા. પણ જ્યારે રેખા અને હેતુ અમેરિકા આવવાની તૈયારી કરવા લાગ્યાં ત્યારે કરમશીભાઈ અને રતિકાકા બન્ને વડોદરા ગયેલા અને રેખાને મારું અંગત પુસ્તકાલય સમેટવામાં મદદ કરેલી. એ બન્ને વડીલોએ મારાં પુસ્તકોને ખોખાંમાં ગોઠવી, એમાં ક્વિનાઈનની ગોળીઓ મૂકીને, વ્યવસ્થિત રીતે ગોઠવેલાં! રેખાએ કહેલું કે મેં ક્યારે ય એવી કલ્પના ન હતી કરી કે દાદા અને રતિકાકા આ પ્રકારનું કામ કરશે.

એ દરમિયાન ડિજિટલ ક્રાન્તિ થઈ. એને પગલે આંતરરાષ્ટ્રીય ટેલિફોન સેવાઓ ઘણી સસ્તી થઈ ગઈ. એ સાથે જ પત્રલેખન કાં તો ઈ-મેઈલમાં, કાં તો ટેલિફોનિક પ્રત્યાયનમાં વહેંચાઈ ગયું. હું પણ કરમશીભાઈ તથા બીજા મિત્રોને પણ કાગળ લખતો બંધ થઈ ગયો. હું એમને કાં તો ફોન કરતો, કાં તો ઈ-મેઈલ. કરમશીભાઈને હજી ઈ-મેઈલ જોતાં ફાવતું ન હતું. એથી હું અવારનવાર ફોન કરતો. અઠવાડિયે એક વાર તો ખરો જ. જો વચ્ચે એકાદ અઠાવડિયું ફોન ન હતો કરતો તો એ તરત જ ફરિયાદ કરતા. કહેતા, “ઘણા વખતથી ફોન નથી.”

કરમશીભાઈ સાથેના ફોન ઘણી વાર તો બેથી પણ વધારે કલાક ચાલતા. અમે મોટા ભાગે સાહિત્યની અને કળાની વાતો કરતા. થાકી જતા તો મિત્રોની અને છેલ્લે ભારતના રાજકારણની. જો કે, આરંભમાં અને અન્તમાં તબિયતની વાત તો હોય જ. એ એમની તબિયતનો આલેખ આપતા. હું મારી. મારી તબિયતની વાત હું મોટે ભાગે દવાઓના વધતા જતા પ્રમાણે સાથે આપતો. કહેતો કે પહેલાં લોહીના ઊંચા દબાણ માટે હું દસ મિ.ગ્રા. ગોળી લેતો હતો, હવે પચાસ મિ.ગ્રા. થઈ. માંદગીને આ રીતે માપવાની મારી રીત સામે દાદા હસતા. હું કહેતો હવે મરણ પણ quantifiable બનવા તરફ જઈ રહ્યું છે.

દરેક ફોનમાં દાદા સૌ પહેલાં તો એમણે એક અઠવાડિયા દરમિયાન જે વાંચ્યું હોય એની વાત કરતા. ક્યારેક કોઈક લખાણ ન ગમે તો એ કહેતા : “એણે દાટ વાળ્યો છે.” જો ગમી જાય તો એ કહેતા : “તમારે વાંચવું જોઈએ.” હું કહેતો કે હું એ સામયિક નથી મંગાવતો. તો એ મને ઠપકો આપતા. પછી કહેતા : “હું જોઉં છું જો રાજુ તમને ઇ-મેઈલ કરી શકે તો. પણ તમે વાંચીને મને તમારો અભિપ્રાય આપજો.” એ મારા કરતાં સમકાલીન ગુજરાતી સાહિત્યના વધારે સંપર્કમાં હતા. અમારા દરેક ફોનમાં ભરતભાઈની તથા અતુલની વાત અવશ્ય નીકળતી. ભરતભાઈ એમને મળવા આવ્યા હોય તો એની વાત કરતા. જો ભરતભાઈએ કોઈ નવી કવિતા વાંચી સંભળાવી હોય તો એનો પણ ઉલ્લેખ કરતા. ક્યારેક કહેતા, “કવિતા સારી લખે છે. પણ એની કેટલીક વાતો બોરીંગ હોય છે.” પણ ભરતભાઈ અને ગીતાબેન માટે એમને અપાર માન. ભરતભાઈને ભા.જ.પ. સરકાર માટે માન. કરમશીભાઈ કહેતા, “બહુ રોમેન્ટિક છે એ. કવિતામાં ચાલે. રાજકારણમાં નહીં.” ભરતભાઈએ હાઈડેગરની કવિતાઓના અનુવાદો કરેલા. એ અમે ‘સન્ધિ’માં પ્રગટ કરેલા. કરમશીભાઈએ મને કહેલું, “હાઈડેગરના અનુવાદ ભરત જ કરી શકે.” મારી ભૂલ ન થતી હોય તો ભરતભાઈએ એ અનુવાદો કરમશીભાઈને વાંચી બતાવેલા અને એકેએક કવિતા પર કરમશીભાઈએ ટિપ્પણી પણ કરેલી.

જ્યારે ‘ગદ્યપર્વ’ ચાલતું હતું ત્યારે એ મને ‘ગદ્યપર્વ’નો અંક મળે ત્યાં સુધી રાહ જોતા. પછી ફોન કરું ત્યારે એ હાથમાં ‘ગદ્યપર્વ’ લઈને વાત કરતા. એ જ રીતે જ્યારે ‘એતદ્’ આવે ત્યારે પણ અને ‘તથાપિ’ આવે ત્યારે પણ. છેલ્લે છેલ્લે ભરત નાયક કાંદિવલી રહેવા ગયા. દેખીતી રીતે જ એને કારણે એમની કરમશીભાઈની મુલાકાતો ઓછી થઈ ગયેલી. તો પણ જો ભરતભાઈ એમને મળવા ગયા હોય તો કરમશીભાઈ મને એમની મુલાકાતનો સારાંશ કહેતા. એક અઠવાડિયા દરમિયાન એમને કોણ કોણ મળવા આવેલું અને જે કોઈ મળવા આવેલું એની સાથે શી વાત થયેલી એની વાત એ અવશ્ય કરતા. કહેતા : “ગયા રવિવારે કમલ આવેલો. વૃદ્ધો પર સરસ કવિતાઓ લખી છે.” “ગઈ કાલે પ્રાણજીવન આવ્યા હતા. એમની તબિયત હવે બહુ સારી રહેતી નથી.” “વીરચંદભાઈ આવેલા. એમનું ભગવાનદાસ પરનું કામ હજી ચાલે છે.” “વચ્ચે પ્રબોધ આવેલો. ખાસું બેઠેલો. સિમોન વેઈલની વાતો કાઢેલી.” ટૂંકમાં, અમારા સહિયારા મિત્રો શું કરતા હતા એની જાણ મને મિત્રો પાસેથી નહોતી થતી પણ કરમશીભાઈ પાસેથી થતી.

અમારી દરેક વાતમાં અતુલ ડોડિયાનો ઉલ્લેખ હોય હોય ને હોય જ. એ અતુલનાં તાજેતરમાં ચિત્રોની વાતો કરતા. એમાં અતુલે શું નવું કર્યું છે એ વાત પણ કરતા. એ કહેતા કે અતુલમાં તો સર્જનાત્મકતાનો જ્વાળામુખી ફાટ્યો છે. એ કદી ટાઢો પડવાનો નથી. અતુલ પરદેશ ગયો હોય કે ભારતમાં ક્યાંક ગયો હોય તો એની વાત પણ એ કરતા. પછી કહેતા : “એ એટલો બધો કામમાં રહે છે કે હવે પહેલાંની જેમ મળાતું નથી.” હું એમને મશ્કરીમાં કહેતો : “અતુલે છાપામાં જાહેરાત આપવી જોઈએ : પેઈન્ટરબાબુ બહારગામ ગયા છે. સ્ટુડિયો પર મળશે નહીં.” હું એમની સાથેની વાતચીતમાં અતુલને ક્યારેક ‘પેઈન્ટરબાબુ’ કહેતો. એ હસતા. અતુલનું કોઈક નવું કૅટલૉગ આવ્યું હોય તો કરમશીભાઈ એ કૅટલૉગની વાત કરવામાં જ અરધોપોણો કલાક કાઢી નાખતા. પછી હું તરત જ અતુલને સંદેશો મોકલતો કે મને એ કૅટલૉગ મોકલો. અતુલ મને એનું કૅટલૉગ મોકલી આપતો.

હું યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં સિનેમા સ્ટડીઝમાં એમ.એ. કરતો હતો ત્યારે દેલ્યુઝનાં સિનેમા પરનાં બન્ને પુસ્તકો અને ચિત્રકાર બેકન પરનું પુસ્તક મારા અભ્યાસક્રમમાં હતાં. હું જેમ જેમ બેકન પરનું પુસ્તક વાંચતો જતો હતો એમ એમ મારી નજર સમક્ષ અતુલનાં ચિત્રો આવી જતાં. ક્યારેક ભૂપેન ખખ્ખરનાં પણ અને ક્યારેક ગુલામ મોહમ્મદ શેખનાં પણ. એક વાર મેં કરમશીભાઈને બેકન પરના એ પુસ્તકની વાત કરેલી અને એ સંદર્ભમાં અતુલનાં એકબે ચિત્રોની પણ વાત કરેલી. એ સાંભળીને એ કહે : “હવે તમે અતુલ પર એક પુસ્તક લખો. હું મરી જાઉં એ પહેલાં પૂરું થાય એમ કરજો.” અત્યાર સુધીમાં કરમશીભાઈએ મારી સાથેની વાતચીતમાં કદી પણ મરણનો ઉલ્લેખ ન હતો કર્યો. હા, એકાદબે વાર જૈન પરંપરાની કોઈક વાત નીકળેલી ત્યારે એમણે સંથારાની વાત કરેલી અને એવો પણ નિર્દેશ કરેલો કે એમને એ પ્રકારનું મૃત્યુ વધારે ગમે. મેં અતુલનાં ચિત્રોની વાત કરતી વખતે કહેલું કે મને અતુલનાં ચિત્રોમાંથી ઊભી થતી ફિલસૂફીમાં વધારે રસ પડે છે. ઘણી વાર કરમશીભાઈ મને કહેતા કે તમે આપણી વચ્ચે જે વાતચીત થાય છે એને રેકોર્ડ કરી લો. એ મારા કેટલાક વિચારોની, કેટલાંક નિરીક્ષણોની પ્રસંશા કરતા અને કહેતા કે આ બધું આપણા બે જ જણ વચ્ચે રહી જાય એ ન ચાલે. મને પણ ક્યારેક એવું થતું. હું કેટલાક મિત્રો સાથે વાત કરતો ત્યારે ઘણી વાર ખૂબ જ દાર્શનિક બની જતો. એવા મિત્રોમાં કરમશીભાઈ તથા જયેશ ભોગાયતાનો સમાવેશ થતો. મને પણ કરમશીભાઈ સાથે વાતો કરવાનું વધારે ગમતું. કેમ કે એ ઘણી વાર મને ગૂંચવી/મૂંઝવી નાખે એવા પ્રશ્નો પૂછતા. એ વખતે મારે કહેવું પડતું કે હવે પછી આપણે વાત કરીશું ત્યારે આ મુદ્દા પર વાત કરીશું. અત્યારે તો મને કંઈ સૂઝતું નથી. કરમશીભાઈની એક ખાસિયત એ હતી કે એ મારે જે દિશામાં વળવું હોય એ દિશામાં મને વળવા દેતા. રોકતા નહીં. મારી સાથે અસંમત હોય તો પણ એ દિશામાં મને વળાવવા આવતા. એમને ખાતરી હતી કે હું ચોક્કસ કોઈક નવો વિચાર લઈને એમની પાસે હાજર થઈ જઈશ.

કરમશીભાઈ ઘણી વાર ‘પરબ’ અને બીજાં કેટલાંક સામયિકોમાં આવેલા ગુજરાતી કવિતાના અંગ્રેજી અનુવાદોથી નારાજ થઈ જતા. એ કહેતા કે એ અનુવાદોમાં અર્થ સચવાય છે પણ કવિતા સચવાતી નથી. એ દૃઢપણ઼ે માનતા હતા કે આવા અનુવાદોનો કોઈ અર્થ નથી. હું પણ એમની વાત સાથે સંમત હતો. હું એક ડગલું આગળ જઈને કહેતો કે કેવળ અનુવાદો જ નહીં, અનુવાદ સ્વરૂપે પ્રગટ થયેલાં પુસ્તકો પણ જો આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણે ન હોય તો વિદેશમાં એની કોઈ નોંધ ન લેવાય. મેં ઘણી વાર એમને ચેકોસ્લોવેકિયાનાં પ્રકાશનોનાં ઉદાહરણો આપેલાં. મારા અંગત સંગ્રહમાં ચેકોસ્લોવેકિયામાં પ્રગટ થયેલાં ચેક કવિતા/નવલકથાના અનુવાદનાં કેટલાંક પુસ્તકો છે. એમનું production જોતાં જ આપણને ખ્યાલ આવી જાય કે એ લોકો કઈ રીતે આંતરરાષ્ટ્રીય ધોરણો જાળવે છે. કેટલાક અનુવાદોથી કરમશીભાઈ એટલા બધા નારાજ થઈ જતા કે એ ફરી એક વાર એ કવિતાઓના અનુવાદ કરતા અને પછી એ બન્ને અનુવાદ મને મોકલતા અને ફોન પર પૂછતા, “તમારી દૃષ્ટિએ કયો અનુવાદ સારો છે?”

કરમશીભાઈએ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ઘણા અનુવાદો કર્યા છે. એમાંના મોટા ભાગના અનુવાદો કવિતાના છે. એ અનુવાદોમાં એ કવિતાની બાની જાળવવાનો ખૂબ પ્રયાસ કરતા. કરમશીભાઈએ કરેલા એવા કેટલાક અનુવાદો વિદેશી સામયિકોમાં પણ પ્રગટ થયા છે. મને લાગે છે કે એ અનુવાદોનું પણ એક પુસ્તક થવું જોઈએ. હું અમેરિકા આવ્યો પછી એમણે કાનજી પટેલ, કમલ વોરા અને ભરત નાયકની કેટલીક કવિતાઓના અંગ્રેજીમાં અનુવાદો કરેલા. એમાંના મોટા ભાગના અનુવાદો એમણે મને બતાવેલા. મને યાદ નથી આવતું કે મેં એમને કોઈ અનુવાદ સુધારવાનું કહ્યું હોય. ક્યારેક એ એમના જ અનુવાદના એકાદ શબ્દને કે એકાદ વાક્યને પકડીને કહેતા : “મને અહીં શંકા જાય છે. તમને શું લાગે છે?” મારે એ શબ્દ કે વાક્ય વિશે પુન: વિચાર કરવો પડતો. મને ઘણી વાર થાય છે કે એમણે એમની અનુવાદપ્રવૃત્તિ વિશે નહીં લખીને એમણે એમને પોતાને પણ અન્યાય કર્યો છે. કોઈકે એમની મુલકાત લઈ એમને અનુવાદમાં કેવી મુશ્કેલીઓ પડે છે અને એ મુશ્કેલીઓની સામે એ કઈ રીતે લડે છે એ વિશે પૂછવા જેવું હતું. મને હંમેશાં લાગ્યું છે કે એ અનુવાદ કરતી વખતે મૂળ કૃતિ અને લક્ષ્ય કૃતિની વચ્ચે મધ્યસ્થીનું કામ કરતા હતા. એ બન્ને કૃતિઓની સાથે સંઘર્ષ કરીને ફ્રેંચ ફિલસૂફ પૉલ રીકર કહે છે એવી એક ‘ત્રીજી કૃતિ’ ઊભી કરતા. મૂળ સર્જકને એ કૃતિ એની પોતાની કૃતિની નજીક લાગતી અને એ જ રીતે વાચકને પણ એ કૃતિ પોતાની ભાષાની નજીક લાગતી. જો કે, એમણે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં કરેલા કેટલાક અનુવાદોમાં એવું નથી બન્યું. જ્યારે હું એમને કહેતો કે તમારો અનુવાદ અહીં અઘરો બની જાય છે તો એ કાં તો એનો બચાવ કરતા, કાં તો સુધારતા. પણ બચાવ કરતી વખતે મોટે ભાગે મૂળ કૃતિને ન્યાય કરવાનો મુદ્દો રજૂ કરતા. એ કહેતા કે હું મૂળ કૃતિને બધી જ રીતે વફાદાર રહેવા માગું છું અને હું કહેતો કે અનુવાદકે મૂળ કૃતિને નહીં, લક્ષ્ય કૃતિને વધારે વફાદાર રહેવાનું હોય. એ કહેતા કે હું માનું છું કે અનુવાદકે મૂળ કૃતિને injury ન કરવી જોઈએ. મને આ injuryનો ખ્યાલ ખૂબ ગમી ગયેલો.

મેં એમને કદી મારી કવિતાઓના કે વાર્તાઓના અનુવાદોનું કામ સોંપ્યું નથી. જો કે, ભરતભાઈના કહેવાથી એમણે મારી ‘ધૂળિયો’ વાર્તાનો અંગ્રેજીમાં અનુવાદ કરેલો. એક દિવસે એમણે મને ફોન પર કહેલું કે એ મારી એકબે કવિતાઓના અનુવાદ કરવા માગે છે પણ એમને એ કામ ખૂબ અઘરું પડે છે. એમને મારી કવિતાનાં કલ્પનો અઘરાં પડતાં. એમ છતાં એમણે મારી એકબે કવિતાઓના અનુવાદ કરેલા પણ ખરા પણ એમને અને મને પણ એ બહુ ફ્લેટ લાગેલા.

એ દરમિયાન એ હવે ધીમે ધીમે ઇ-મેઈલ જોતા થઈ ગયેલા. જો કે, શરૂઆતમાં તો એ ના પાડતા હતા. કહેતા કે મને આ કૉમ્પ્યુટરો ન ફાવે. પણ પછી રાજુભાઈ પણ કામમાં હોય, ઉલ્લાસભાઈનો દીકરો ઇશાન પણ કામમાં હોય, અને રાજુભાઈની દીકરી મારીશા પણ કામમાં હોય તો એમને ઇ-મેઈલ કોણ જોઈ આપે? હું ઘણી વાર એમને ઇ-મેઈલ કરતો પછી ફોન કરીને કહેતો કે મેં તમને ઇ-મેઈલ મોકલ્યો છે. જરા જોઈ લેજો. હું મોટા ભાગના ઈ-મેઈલમાં એમને કોઈક લેખ કે કોઈક પુસ્તક મોકલતો. પણ, એમણે કોઈ નવરું પડે અને મદદ કરે એ માટે રાહ જોવી પડતી. એ જે તે લેખોનો પ્રિન્ટ આઉટ કાઢતા અને પછી વાંચતા. પછી હું જ્યારે પણ ફોન કરું ત્યારે પાછા એ લેખોની વાત કરતા. રાબેતા મુજબ એ કેટલાંક વાક્યો નીચે લીટી દોરી રાખતા. એમને ખબર હોય કે મારો ફોન વહેલા મોડા આવશે ત્યારે એ જ વાક્યોની ચર્ચા કરવાની છે.

જો કે, હું એમને એ લેખો મારા સ્વાર્થને કારણે મોકલતો. હું ઇચ્છતો હતો કે કરમશીભાઈ એ લેખોના અનુવાદ કરે અને નવી પેઢી એ અનુવાદ વાંચે. એમાંના ઘણા લેખો હવે ‘બહુવચન’માં સમાવવામાં આવ્યા છે. જો કે, હું કેટલાક લેખોના અનુવાદની ભાષા સાથે સંમત ન હતો. કાન્ટના What is Enlightenment? લેખનો અનુવાદ એમાંનો એક. એમણે enlightenment માટે જૈન પરિભાષા વાપરેલી. એ ખાસ ચલણમાં ન હતી. પણ કરમશીભાઈ કહે, “ભલે ચલણમાં ન હોય. આપણે એને ચલણમાં મૂકીએ. એ જ સંજ્ઞા બરાબર છે.” મેં એમને મોકલેલા ઘણા લેખોના એમણે કરેલા અનુવાદો કાં તો ‘તથાપિ’ કાં તો ‘સન્ધિ’માં પ્રગટ થયા છે. જયેશ ભોગાયતા ઘણી વાર મને મજાકમાં કહેતો, “આપણે બન્ને સ્વાર્થી છીએ. કરમશીભાઈનો ઉપયોગ કરીએ છીએ.” પણ, એ એક મજાક હતી. કરમશીભાઈને પણ એ પ્રવૃત્તિ ગમતી હતી. જો કે, પાછળથી એમની તબિયત લથડી ત્યારે રાજુભાઈએ અમને કહેવું પડેલું કે તમે દાદાને ઓછું કામ સોંપો તો સારું. એમનાથી હવે ઝાઝું કામ થતું નથી. વળી એ વધારે પડતો સ્ટ્રેસ લે છે. મેં એમને કામ સોંપવાનું બંધ કરી દીધેલું. જો કે, ત્યાર પછી પણ હું કંઈકને કંઈક મોકલ્યા તો કરતો પણ reformat કરીને. એના ટાઈપ મોટા કરતો જેથી એમને એ લખાણો વાંચતાં ઝાઝી તકલીફ ન પડે. જ્યારે પણ હું એમને ફોન કરતો ત્યારે એ કહેતા કે કશુંક વાંચવા તો જોઈએ જ. પછી કહેતા કે મારાથી વાંચી શકાય છે, લખાતું નથી. હું એમને કહેતો કે હવે તમે આરામ કરો. ઘણું કામ કર્યું છે. તો એ જીવ બાળતા ને કહેતા કે જો કોઈક લખનાર મળી જાય તો હું એને અનુવાદ dictate કરી શકું. એક બે વાર એમણે મને પૂછેલું પણ ખરું કે હું કોઈ એવા વિદ્યાર્થીને જાણું છું જે આ કામ કરવા તૈયાર થાય. એમણે એ કામ પેટે મહેનતાણું આપવાની પણ વાત કરેલી. પણ, આ બાબતમાં મેં અને રાજુભાઈએ કરમશીભાઈ ન જાણે એમ નક્કી કરેલું કે દાદાને હવે વધારે તકલીફ નથી આપવી. એમને કોઈ જ કામ નહીં સોંપવાનું.

એક વાર મેં એમને ફ્રેંચ ફિલસૂફ Francois Laruelleનો On the Black Universe : In the Human Foundations of Color લેખ મોકલેલો. આ લેખ પર જ અહીં અમેરિકામાં ક્યાંક સેમિનાર થયેલો અને એ સેમિનારમાં રજૂ થયેલાં પેપર એક પુસ્તકમાં પ્રગટ થયેલાં. એમાંનું મુખ્ય પેપર મારા જ એક પ્રોફેસરનું હતું. મને થયું કે આ લેખનો ગુજરાતીમાં અનુવાદ થાય તો સારું. પણ, મારે એ માટે કરમશીભાઈને તકલીફ આપવી ન હતી. એ લેખ વાંચીને દાદા કહે, “આનો તમે અનુવાદ કરો.” મેં કહ્યું કે આપણે એક કામ કરીએ. હું દર રવિવારે તમને ફોન કરીશ. આપણે ફોન પર આનો અનુવાદ કરીશું. એ કહે : “ચાલો, આજે એનું પહેલું સૂત્ર લો.”Laruelleનો એ લેખ નાનાં નાનાં સૂત્રોનો બનેલો હતો. મેં એનું પહેલું સૂત્ર વાંચી બતાવ્યું : “In the foundations of color, vision sees the Universe; in the foundations of the Universe, it sees man; in the foundations of man, it sees vision.” એ સાંભળીને કહે, ‘Universe’નું ગુજરાતી શું કરશો? મેં કહ્યું, “વિશ્વ.” એ કહે, “ન ચાલે. વેદો કે ઉપનિષદોમાં જુઓને. આ સૂત્ર ઉપનિષદના સૂત્ર જેવું છે. પછી કહે, “અઘરું છે. અહીં Universeનો U કૅપિટલમાં છે. ગુજરાતીમાં એ ભાવ કઈ રીતે લાવીશું? હું મુંઝાઈ ગયો. મેં કહ્યું, “આપણે એટલું Bold બનાવીશું.” એ કહે, “ચાલશે, પણ visons sees the Universeનું શું કરશો? હું થાકી ગયેલો. મને એ કહે કે મૂળમાં જે mysticism છે એવો mysticism અનુવાદમાં આવે તો જ મજા પડે. મેં એમને પૂછેલું, “દાદા, ગુજરાતીમાં કોઈને આ બધાની પડી હશે ખરી?” તો એ કહે, “કોઈને ય નહીં. પણ મને અને તમને તો ખરી જ.” અમારી એ અનુવાદ પ્રવૃત્તિ પછી બહુ લાંબી ચાલી ન હતી.

એ ઘણી વાર પૂછતા, “તમે ક્યારે ભારત આવો છો?” અમે એમને પૂછતાં, “તમે અમેરિકા ક્યારે આવો છો?” ઘણી વાર રેખા એમને કહેતી કે હું ટિકિટ મોકલું છું અને તમારે આવવાનું છે. તમારી તબિયતની ચિન્તા ન કરતા. અમે અહીં બેઠાં છીએ. એ ના પાડતા. ઘણી વાર એ રેખાને એવું કહેતા કે જો તમે ભારતમાં હોત તો મારી તબિયત કદાચ સારી હોત. દાદા અને રેખા વાત કરતાં ત્યારે હું ભાગ્યે જ હાજર રહેતો. ક્યારેક કરમશીભાઈ એના દાદા બની જતા ક્યારેક પિતા. રેખા દાદાની જન્મ તારીખ કદી ભૂલતી નહીં. દર વરસે એ ફોન કરીને એમને શુભેચ્છાઓ આપતી.

કરમશીભાઈએ સતત મારી સર્જનપ્રવૃત્તિમાં અને intellectual પ્રવૃત્તિમાં પણ રસ લીધો છે. મારી ‘ધૂળિયો’ વાર્તા એમને ખૂબ ગમી ગયેલી. એનાં કેટલાંક દૃશ્યો લઈને એમણે મને ઘણી વાર એમાં રહેલું ‘સૌંદર્ય’ બતાવેલું. એમાં રહેલી homosexualityની બાબતમાં એ કહેતા કે આવું બહુ બને છે પણ ગુજરાતી સાહિત્યમાં ઓછું. મેં મારી ‘કાચંડો અને દર્પણ’ કૃતિ ૧૯૯૦/૧૯૯૧માં લખેલી અને ભરતભાઈને ‘ગદ્યપર્વ’ માટે મોકલેલી. ભરતભાઈને એ કૃતિ ગમી ગયેલી પણ એમને ડર હતો કે મેં કદાચ પશ્ચિમમાં લખાયેલી કોઈક કૃતિનું અનુકરણ કર્યું હશે. એટલે એમણે એ કૃતિ કરમશીભાઈને આપીને એમને પૂછ્યું કે આ કૃતિ પ્રગટ કરવા જેવી છે ખરી? કરમશીભાઈએ લીલી ઝંડી આપી પછી જ ભરતભાઈએ એ કૃતિ પ્રગટ કરવાનું જોખમ લીધેલું. ત્યાર પછી હું ભારતમાં હતો ત્યાં સુધી કોઈ પુસ્તક પ્રગટ કર્યું ન હતું. અમેરિકા આવ્યા પછી મારી સર્જકતાને એક પ્રકારનો વેગ મળ્યો. મેં ક્યાંક લખ્યું છે એમ મને મારા હસ્તાક્ષરનો ફોબિયા હતો. એને કારણે હું ઝાઝું લખી શકતો ન હતો. પણ અમેરિકા આવ્યા પછી હું મારું મોટા ભાગનું કામ કૉમ્પ્યુટર પર કરતો થઈ ગયો. એથી પેલો ફોબિયા ચાલ્યો ગયેલો.

મારી મોટાભાગની કૃતિઓ પ્રગટ થતા પહેલાં કરમશીભાઈએ વાંચેલી અને એ પ્રગટ કરવા જેવી છે કે નહીં એ વિશે અભિપ્રાયો આપેલા. ‘વળગાડ’ અને ‘ગુરુજાપ અને માંલ્લું’ મેં એમને મોકલી ત્યારે એમણે મને કહેલું કે તમે એક મિસાઈલ પછી બીજી મિસાઈલ છોડી રહ્યા છો. એમને એ બન્ને કૃતિઓ ખૂબ ગમેલી. કરમશીભાઈ હયાત હતા ત્યાં સુધી મેં એક નિયમનું પાલન કરેલું : હું મારી દરેક કૃતિ પ્રગટ કરતાં પહેલાં કરમશીભાઈને મોકલતો અને કરમશીભાઇ સારો અભિપ્રાય આપે તો જ પ્રગટ કરતો. જો કે, આ memoir એ કદી પણ વાંચવાના નથી એનું મને અપાર દુ:ખ છે. મેં છેક ૨૦૦૯માં ‘અથાતો ઇલિકાજિજ્ઞાસા’ નામના એક કાવ્યસંગ્રહની હસ્તપ્રત તૈયાર કરેલી. એમાંની કેટલીક કવિતાઓ ‘એતદ્’, ‘સન્ધિ’ તથા ‘તથાપિ’માં પ્રગટ થયેલી. પણ, કોણ જાણે કેમ મને એમ લાગતું હતું કે હજી આ કવિતાઓમાં કશુંક ખૂટે છે. મેં એની હસ્તપ્રત કરમશીભાઈને મોકલી અને સાથે મોકલેલા કાગળમાં લખ્યું કે આ સંગ્રહને હું હવે કચરાપેટીમાં ફેંકી દેવા માગું છું પણ એ પહેલાં તમારો અભિપ્રાય આપજો. એમણે કહેલું કે “જેમ છે એમ પ્રગટ કરો તો પણ સરસ છે. પણ જો થોડુંક વધારે કામ કરો તો કદાચ એક નવા જ પ્રકારનું કામ થાય.” આ વાતને દસ વરસ થયાં. હજી મને એના પર કામ કરવાનો સમય મળતો નથી.

મેં અને ઇન્દ્ર શાહે ‘સન્ધિ’નું સંપાદન શરૂ કર્યું ત્યારે પણ એ મને સતત માર્ગદર્શન આપતા રહેલા. ‘સન્ધિ’ના પહેલા અંકની સામગ્રી મેં ધારેલી એ પ્રમાણે હતી પણ એનું પ્રોડક્શન મેં ધારેલું એના કરતાં તદ્દન વિપરીત. કેટલાક મિત્રોએ એ બદલ સામયિકની અને મારી પણ અંદોરઅંદર ટીકા કરેલી. મેં કરમશીભાઈને પૂછ્યું તો એ કહે, “ચિન્તા ન કરો. પ્રોડક્શન તમારા હાથની વાત ન હતી. તમે આટલે દૂર બેસીને બધું કામ ન કરી શકો. પણ હવે એ પણ તમે તમારા નિયંત્રણમાં લઈ લો.” પછી તો જ્યારે પણ ‘સન્ધિ’નો નવો અંક પ્રગટ થાય પછી કરમશીભાઈ એ અંકને જુએ અને એને પ્રમાણિત કરે તો જ મને અને ઇન્દ્રભાઈને એમ થાય કે આ વખતનો અંક સારો થયો છે. ઇન્દ્રભાઈ પણ મને ફોન કરીને પૂછતા, “કરમશી શું કહે છે? આ અંક એમને કેવો લાગ્યો?” જો મેં દાદા સાથે વાત ન કરી હોય તો એ મને ટોકતા ને કહેતા, “આવું લાહરિયું ખાતું તમારું. કાલે જ ફોન કરીને વાત કરો.” મારે બીજા જ દિવસે કરમશીભાઈને ફોન કરવો પડતો. ઇન્દ્રભાઈ પણ કરમશીભાઈનું પ્રમાણપત્ર અંતિમ ગણતા!

હું અને કરમશીભાઈ એકબીજાના પરિચયમાં આવ્યા પછી જેમ મારા જીવનમાં અનેક ઘટનાઓ બની એમ એમના જીવનમાં પણ. સૌ પહેલાં એમના ભાઈનું અવસાન થયું. પછી એમનાં ભાભીનું. ત્યારે હું ભારતમાં હતો. હું અમેરિકા આવ્યો પછી એમના ભત્રીજા ઉલ્લાસભાઈનું અવસાન થયું. એ ઘટનાએ એમને તથા એમનાં કુટુંબીઓને પણ હચમચાવી નાખ્યાં. હું પણ કરમશીભાઈ સાથે એ વિષે વાત પણ કરી શકું એમ ન હતો. તો પણ મેં મારામાં હતી એટલી હિમંત ભેગી કરીને એમની સાથે વાત કરેલી. એ દિવસે અમે બન્ને યોગ્ય શબ્દો માટે, યોગ્ય વાક્યો માટે તરફડતા હતા. અમને અમારી પરિસ્થિતિનું વર્ણન કરી શકે એવી ભાષા જડતી ન હતી. ફોનની શરૂઆતમાં તો અમે મૌન રહેલા. એ મૌન પર મરણના હસ્તાક્ષર હતા. એ વખતે રેખાએ મને ઊભાઊભ કરમશીભાઈ પાસે પહોંચી જવાની સલાહ આપેલી. પણ, એ કામ ખૂબ અઘરું હતું. મેં હવે પછી પ્રગટ થનારી મારી આત્મકથામાં લખ્યું છે એમ અમેરિકામાં હોઈએ ત્યારે ભારતમાં સ્વજનોનાં થતાં મરણનાં પરિમાણો જુદા જ પ્રકારનાં હોય છે.

ત્યાર પછી પણ એમના કુટુબમાં એક એવી ઘટના બની જેને કારણે એ પુષ્કળ વ્યથિત હતા. જો કે, એમાંથી એમનું કુટુંબ બહાર આવી ગયેલું. પણ, એમની ચેતના પર એ ઘટનાના પડેલા નહોર કોણ જાણે કેમ ભૂંસાતા ન હતા. એક તો વધતી જતી વય, બીજું ઉલ્લાસભાઈનું અવસાન, અને આ ત્રીજી ઘટના – આ બધાંને કારણે એમનો જીવન પરત્વેનો અભિગમ પણ ઘણો બદલાઈ ગયો હતો. એ હવે અંદરથી સંકોચાતા જતા હતા. મારે ફોન પર વાત થતી પણ હવે એ વાતમાં પહેલાંના જેવો ઉલ્લાસ દેખાતો ન હતો. ઘણી વાર અમે બન્ને પાંચ પાંચ મિનિટ સુધી ફોન પકડીને બેસી રહેતા. ન હું બોલતો, ન એ બોલતા. ક્યારેક એ કહેતા, “બાબુ. ફોન કપાઈ ગયો કે?” ક્યારેક હું કહેતો, “દાદા, તમે લાઈન પર છો કે?” એ કહેતા, “હા. હલો. બીજા શું ખબર છે?”એ ‘ખબર’ને ‘સમાચાર’ ગણતા અને એ રીતે એને પુલ્લિંગમાં વાપરતા. પણ, હવે અમારા ફોનનો સમય ઓછો થવા લાગેલો. બે કલાકમાંથી એક કલાક અને એક કલાકમાંથી દસ કે પંદર મિનિટ પણ આવી ગયેલો. એટલું જ નહીં, અમારી ફોનની frequency પણ ઘટી ગયેલી. છેલ્લે છેલ્લે, તો અમે વાત પણ કરી શકતા ન હતા. એમની શ્રવણશક્તિ ખાસી ઘટી ગઈ હતી. રાજુભાઈએ એમને સારી ગુણવત્તાવાળું શ્રવણયંત્ર લાવી આપ્યું હતું. પણ એમને એ યંત્ર વાપરવાનું ઝાઝું ફાવતું ન હતું. એ હવે બહાર પણ ખૂબ ઓછું જતા હતા. મને ફોન પર કહેતા, “હવે નીચે પણ બહુ ઊતરાતું નથી.” અર્થાત્, ઘરની બહાર જવાતું નથી. હું એમને વધારે નહીં તો થોડીક પણ કસરત કરવા કહેતો. પણ મને લાગતું હતું કે એમણે એમની જાત સાથે એક પ્રકારનું અસહકાર આંદોલન શરૂ કરી દીધું હતું.

એ દરમિયાન, મારે પણ પાપી પેટ માટે ફિલાડેલ્ફિયા છોડીને કેલિફોર્નિયાના પાલો આલ્ટોમાં આવવું પડ્યું. હું કેટલાંક સંરચનાગત કારણોસર એમને અવારનવાર ફોન નહોતો કરી શકતો. તો પણ દર પંદર દિવસે હું ફોન કરતો. પણ ઘણી વાર એમને સંભળાતું નહીં. મારે રાજુભાઈને વચ્ચે રાખવા પડતા. પણ, એથી અમારી વચ્ચે માહિતી સિવાય બીજા કશાની આપલે નહોતી થતી. તો ય બે વરસ તો આમ ચાલ્યું. પછી મારે પાલો આલ્ટોથી એની નજીકમાં જ આવેલા બીજા એક શહેર ફ્રિમોન્તમાં આવવું પડ્યું. એ પણ પાપી પેટ માટે જ. ફ્રિમોન્તમાં સંરચનાગત મર્યાદાઓનો કોઈ પાર ન હતો. ભારત ફોન કરવાનો સમયગાળો હોય ત્યારે હું જે કુટુંબમાં રહું છું એ કુટુંબનાં સભ્યો બધાં ઊંઘતાં હોય. એથી ફોન થાય નહીં. બહાર જઈને ફોન કરી શકું. પણ અમે જેમની કાળજી લેવાનું કામ કરીએ છીએ એ માજી જાગી જાય તો બહાર જવાય નહીં. કેમ કે એમને આલ્ઝાઈમેરનો રોગ છે. એક માણસ કામ કરે તો બીજા માણસે એમની પાસે બેસવું પડે. એને કારણે હું વચ્ચે વચ્ચે રાજુભાઈને ફોન કરતો અથવા ભરતભાઈને ફોન કરતો. ભરતભાઈ પણ હવે કરમશીભાઈથી દૂર રહેવા ગયા છે. વળી એમણે ત્યાંથી દૂર આવેલા ભાંભરડા ગામમાં ખેતીવાડી રાખી છે. એ ત્યાં પણ ગયેલા હોય. બહુ બહુ તો હું કમલને ફોન કરી શકતો. અતુલ તો આમે ય ખૂબ જ વ્યસ્ત. છેલ્લે છેલ્લે કમલ, ભરતભાઈ અને બીજા મિત્રો લગભગ નિયમિત કરમશીભાઈના ત્યાં જતા અને કમલ મને દરેક વખતે કરમશીભાઈના ફોટા પાડીને મોકલતો. હું દરેક ફોટાને ધારી ધારીને જોતો પણ કોણ જાણે કેમ હું એ ફોટાઓમાં દેખાતા કરમશીભાઈને સરળતાથી સ્વીકારી શકતો ન હતો. એમનું શરીર લેવાઈ ગયું હતું. એમની આંખો સહેજ ઊણી ઊતરી ગયેલી હતી. મોઢા પર સ્મિત હતું પણ જાણે કે ફોટો પડાવવા માટે જ ક્યાંકથી ખેંચી લાવ્યા ન હોય એવું. કરમશીભાઈ જ્ઞાની પુરુષ હતા. એમને ખબર હતી કે બધા હવે એમને કેમ અવારનવાર મળવા આવે છે. પણ, હું સમજું છું ત્યાં સુધી એમને પણ ખબર હતી કે એ ક્યાં જઈ રહ્યા છે. કદાચ એ સ્વેચ્છાએ એ માર્ગ પર જઈ રહ્યા હતા. જૈન પરંપરા પ્રમાણે.

અમેરિકા આવ્યા પછી હું ત્રણ વાર ભારત ગયો છું. પહેલી વાર ઑગસ્ટ ૨૦૦૫માં. બીજી વાર જુલાઈ ૨૦૧૩માં અને ત્રીજી વાર ફેબ્રુઆરી ૨૦૧૭માં. ત્રણેય વાર હું કરમશીભાઈના ત્યાં રહેલો. પહેલી બે મુલાકાતો વખતે હું એમના માટે ખાસાં બધાં પુસ્તકો લઈને ગયેલો. ત્રીજી મુલાકાત વખતે એમણે કહેલું : કંઈ ન લાવતા. મારાથી કશું વંચાતું નથી. હું એમના માટે થોડીક DVD લઈ ગયેલો. તદ્ઉપરાંત, થોડીક ઑડિયો સામગ્રી પણ. એમાં કેટલાંક પુસ્તકો ઉપરાંત અમેરિકાની ખૂબ લોકપ્રિય એવા ગ્રેટ કોર્સિસની કેટલીક ઑડિયો સામગ્રીનો પણ સમાવેશ થતો હતો. ત્યારે એ પથારીવશ તો ન હતા. પણ, એ ઓછું ચાલતા. મોટા ભાગનો સમય બેસી રહેતા કે સૂઈ રહેતા. હું મારી કેટલીક Blue Ray DVD લઈ ગયેલો. એ માટે હું અને રાજુભાઈ એક સ્ટોરમાં જઈને Blue Ray DVD player પણ ઊભાઊભ લઈ આવેલા. એમણે થોડીક ફિલ્મો જોયેલી પણ આખી તો એક પણ નહીં. થોડીક જ ફિલ્મ જોઈને એ થાકી જતા હતા. ક્યારેક એ ટેકનોલોજી હેન્ડલ નહોતા કરી શકતા. એકાદ બે વાર એ ખિજાઈ પણ ગયેલા. પણ, અમારા પર નહીં. ટેકનોલોજી પર. હું મારી સાથે iPod લઈ ગયેલો. એમાં પણ ઘણીબધી ઑડિયો સામગ્રી હતી. એમણે મને કહ્યું કે પ્રબોધ પણ મારા માટે એક iPod લઈ આવ્યો છે. એમાં પણ ઘણી સામગ્રી છે. પણ એમને એ iPod ચલાવતાં ફાવતું ન હતું. મને કહે, “તમારું બરાબર ફાવે એવું છે.” આમ તો બન્ને એકસરખાં હતાં. ફરક એટલો જ હતો કે મારા iPodની ક્ષમતા વધારે હતી અને એનું કદ પણ જરા મોટું હતું. મેં કહ્યું કે તો તમે આ પણ રાખો. કેમ કે મારે એની કોઈ જરૂર ન હતી. હું સાથે એક સારામાંનો Sony કંપનીનો હેડફોન લઈ ગયેલો. એના પર અવાજ સાંભળીને એ કહે : બસ, આવો અવાજ સાંભળવો હતો મારે. કેટલા સમયે મેં આવો અવાજ સાંભળ્યો. મેં એમને કહ્યું કે આ પણ તમે રાખો. એમની ઇચ્છા પ્રમાણે મેં એને એમના ટી.વી.ને પણ લગાડી આપ્યું. પણ, એ બધી ટેકનોલોજી ચલાવવાનાં steps ભૂલી જતા હતા. હું જોઈ શકતો હતો કે એમણે એમની મરજીના વિરુદ્ધમાં જઈને ઘણો સંઘર્ષ કરવો પડતો હતો. એ છેલ્લી મુલાકાત વખતે જ મને ખ્યાલ આવી ગયેલો કે હવે અમે કદાચ ફરી વાર નહીં મળી શકીએ. અને એવું જ બન્યું.

જ્યારે કમલે મને એક સંદેશામાં જણાવ્યું કે કરમશીભાઈ હવે લાંબું ખેંચી શકે એમ લાગતું નથી ત્યારે મેં તરત જ રેખાને કહ્યું કે હું જાઉં છું ભારત. દાદાને મળીને પાછો આવું છું. એકાદ બે મિત્રોએ એવી સલાહ પણ આપી કે હું પહોંચીશ ત્યારે કદાચ ખૂબ મોડું થઈ ગયું હશે. હું એમની એ સલાહ સ્વીકારવા તૈયાર ન હતો. મને હતું કે એક વાર જો એમને કોઈ કહેશે કે હું એમને મળવા માટે આવી રહ્યો છું તો એ ચોક્કસ થોડુંક તો રોકાઈ જ જશે. મેં ભારત જવા માટે માનસિક તૈયારી કરવા માંડી પણ ત્યાં જ એક અડચણ આવી. અમે જેમની કાળજી લઈ રહ્યાં છીએ એ માજીનાં દીકરીને કોઈક નાણાંકીય વહીવટના કામ માટે મુંબઈ આવવાનું થયું. એ કહે, “હું જઈ આવું પછી તમે જાઓ.” મુક્ત અર્થતંત્રના જમાનામાં મરણ રાહ જોઈ શકે પણ નાણાંકીય નિર્ણયો રાહ ન જોઈ શકે. હું એમની સાથે સંમત થયો. દસ દિવસ થયા, પંદર દિવસ થયા. મહિનો થયો તો પણ અમારાં દર્દીનાં દીકરી મુંબઈ ન ગયાં અને એક રાતે કમલે વૉટ્સઅપ પર સંદેશો મોકલ્યો : કરમશીભાઈ હવે નથી રહ્યા. સમય રાતનો. ઘર બીજાનું. બધાં ઊંઘતાં હોય. એ સંજોગોમાં પોકે પોકે રડી પણ ન શકાય. રેખા અમારા દર્દીના રૂમમાં સૂતી હતી. મેં એને જગાડી. હું એને સમાચાર પણ આપી શકતો નથી. પણ એ સમજી ગઈ. એ બોલી : કરમશીભાઈ? મેં માથું હલાવ્યું. અમે બન્ને રડ્યાં. બન્નેએ એકબીજાને સાંત્વન આપ્યું. અમેરિકા આવ્યા પછી મેં મા ગુમાવ્યાં, પછી બાપુજી, પછી ઇન્દ્ર શાહ અને હવે કરમશીભાઈ. ઘણી વાર મને લાગે છે કે માણસ સૌ પહેલાં તો પોતાના અને પછી સ્વજનના મરણની તૈયારી કરવા માટે જ જનમ લેતો હોય છે. 

કરમશીભાઈના અવસાન પછી મેં રાજુભાઈ સાથે વાત કરી. રાજુભાઈએ કહ્યું : “દાદા છેલ્લે છેલ્લે તમને ખૂબ યાદ કરતા હતા. એટલે સુધી કે કોઈ માણસ આવે તો એને પણ ‘બાબુ’ કહી દેતા. એમની સેવા કરવા રાખેલા માણસને પણ એ ઘણી વાર ‘બાબુ’થી બોલાવતા અને ‘બાબુ આવ્યો’ એવું પણ પૂછતા.

એમના અવસાનની પળે એમની સાથે ન હોવાનો વસવસો કદાચ સાત જનમ સુધી રહેશે.

e.mail : basuthar@gmail.com

સૌજન્ય : “એતદ્દ”, 223; સપ્ટેમ્બર 2019; પૃ. 62 – 86

છબિસૌજન્ય: “નવનીત સમર્પણ” તંત્રી દીપકભાઈ દોશી તેમ જ “એતદ્દ” સંપાદક કમલભાઈ વોરા.

Loading

...102030...2,6122,6132,6142,615...2,6202,6302,640...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved